ગુજરાત સરકારના ફોરેસ્ટ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટરના પ્રૉજેક્ટમાં કામ કરતા જયદીપ મહેતાએ વિરમગામને એક બીજી ઓળખ પણ આપી છે. સાપની નવી પ્રજાતિ વિરમગામથી મળી આવી છે અને આ સાપ શોધ્યો જયદીપે. સાપની નવી પ્રજાતિ વેલેસૉફિસ ગુજરાત અને મુંબઈની ટીમે સાથે મળીને શોધી એ સમાચાર તો વાંચ્યા જ હશે, પણ કઈ રીતે આ ટીમ ભેગી થઈ?
ધો. ૧૨થી વાઇલ્ડલાઇફનો શોખ પોષતા અને સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીમાં દક્ષિણ ગુજરાતના સરિસૃપ-ઉભયજીવી પ્રાણીઓ પર પીએચ.ડી કરતા હર્ષિલ પટેલ કહે છે, “અમે સમાન શોખ ધરાવતા લોકો એકબીજાના સંપર્કમાં રહીએ છીએ. હું બેંગલુરુના નેશનલ સેન્ટર ફૉર બાયોલોજિકલ સાયન્સીસ (એનસીબીએસ)ના ઝીશાન મિર્ઝાના સંપર્કમાં ઘણાં વર્ષોથી હતો અને વડોદરામાં મગરના સંરક્ષણનું કામ કરતા રાજુભાઈ વ્યાસના પણ સંપર્કમાં ઘણા સમયથી હતો. રાજુભાઈને ભાવનગરથી આવા એક સાપનો ફોટો આવ્યો હતો. પરંતુ ફોટા પરથી ઓળખી ન શકાય. તોય તેમણે તે વખતે પોતાના લેખમાં તે ફોટો છાપ્યો હતો. આ ફોટો ઝેનિશ મિર્ઝાએ પણ જોયો હતો. પરંતુ તે વખતે તેના પરથી કોઈ અનુમાન કરી શકાયય તેમ નહોતું.”
રાજુભાઈ વ્યાસ વડોદરામાં વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રૉજેક્ટમાં કામ કરે છે. તેઓ છેલ્લાં ૩૦ વર્ષથી સરિસૃપ જીવો પર અભ્યાસ કરે છે. તેમણે ટીમની રચના વિશે સરળ ભાષામાં કહ્યું કે એક ક્ષેત્રમાં કામ કરતી વ્યક્તિઓ એકબીજાના સંપર્કમાં આવી જ જતા હોય છે તેમ અમે પણ સંપર્કમાં રહીએ છીએ. હર્ષિલ કહે છે, “અમારી આ ટીમ કાયમી નથી. હું સુરત છું, રાજુભાઈ વડોદરા છે, જયદીપ વીરમગામ આસપાસ કામ કરે છે. અમારું કામ પણ અલગ-અલગ છે. અમે માત્ર આ કામ માટે એકત્ર આવ્યા. જોકે એનો અર્થ એવો પણ નથી કે ભવિષ્યમાં સાથે નહીં આવીએ.”
અત્યારનો સમય એવો છે કે મોટા ભાગની વ્યક્તિઓ પોતે એકલા જ કામનો જશ ખાટવા પ્રયાસ કરે. બધું પોતે જ કર્યું છે તેવું સાબિત કરવા પ્રયાસ કરે. પરંતુ ગુજરાતના આ ત્રણ ‘પુરુષો’ની ટીમમાં આવું નથી. હર્ષિલ કહે છે, “આ કામ એકલદોકલથી થાય તેવું નથી. જયદીપને સાપ મળ્યો. મને તેની ખબર પડી. રાજુભાઈએ છેલ્લાં ઘણા સમયથી તેના વિશે ડેટા એકત્ર કરીને રાખ્યો હતો. મને મૉર્ફોલૉજી વગેરે બાબતોની ખબર પડે. રાજુભાઈ ફિઝિયૉલૉજિકલ એટલે કે વર્તન ઉપરથી માહિતી આપી શકે. તો ડીએનએ એનાલિસિસ વગેરે ઝીશાનને ફાવે છે.”
આ પ્રકારના સાપ તો હતા જ તો અત્યાર સુધી ઓળખાયા કેમ નહીં? જયદીપ કહે છે, “અત્યાર સુધી તેને બીજા સાપ ગણી લેવાતા હતા એટલે કે તેની ખોટી ઓળખ થતી હતી.” જયદીપ અજગરની વસતિ પર અભ્યાસ કરે છે. તેને પહેલી વાર આ પ્રકારનો સાપ વર્ષ ૨૦૧૧માં મળ્યો હતો. ત્યારે તેને કલરટૉન વગેરે પરથી શંકા લાગી. તેણે હર્ષિલને વાત કરી.
તો પછી ૨૦૧૧થી ૨૦૧૬- આટલાં વર્ષો કેમ લાગ્યાં? જયદીપ કહે છે, “એક સાપ પરથી નક્કી ન થઈ જાય તે તેની પ્રજાતિ નવી છે. તેના માટે ઓછામાં ઓછા બીજા બેત્રણ સાપ આવા શોધવા પડે. એના કારણે આટલો સમય ગયો. બાકી અમારું ખરું કામ તો વર્ષ ૨૦૧૪થી ચાલુ થયું હતું.”
આ લોકોને ખરેખર ખંતીલા અને અભ્યાસુ લોકો કહી શકાય કારણકે તેમણે અને ઝીશાન મિર્ઝાએ ગાંઠનું ગોપીચંદન કરીને બેંગલુરુના એનસીબીસીમાં તેનું ડીએનએ એનાલિસિસ વગેરે પ્રક્રિયા કરાવી. આ કામમાં સરકારની તેમને કોઈ મદદ મળી નથી. જયદીપ તો રાજ્ય સરકારની હેઠળ પ્રૉજેક્ટમાં કામ કરે છે. રાજુભાઈ પણ રાજ્ય સરકારના પ્રૉજેક્ટમાં કામ કરે છે. તો આવું કેમ? હર્ષિલ એક સૂરમાં કહે છે, “ગ્રાન્ટ મળે તે માટે પ્રપોઝલ આપવી પડે. પુરાવા આપવા પડે. વળી આ ફિલ્ડમાં પણ સ્પર્ધા છે. તેથી સંશોધન બહાર ન પડી જાય તે ધ્યાન રાખવું પડે.” પરંતુ હા, અમારા આ સંશોધન પર ભવિષ્યમાં અમને સરકારની મદદ મળવાની પૂરી શક્યતા છે.
આ સાપની પ્રજાતિનું નામ આ લોકોએ ધાર્યું હોત તો પોતાનાં નામ પરથી પાડી શક્યા હોત, પરંતુ તેમણે રસેલ વૉલેસના નામ પરથી આ પ્રજાતિના સમૂહનું નામ વેલેસૉફિસ પાડ્યું. રસેલ વૉલેસે ચાર્લ્સ ડાર્વિન સાથે સંયુક્ત રીતે ઉત્ક્રાંતિનો વાદ પ્રકાશિત કર્યો હતો. પરંતુ ડાર્વિને વધુ પ્રસિદ્ધિ મળી. આ વાદને ડાર્વિનનો વાદ તરીકે જ ઓળખવામાં આવે છે. રસેલ વૉલેસનું નામ બહુ ઓછા લોકો જાણે છે. જ્યારે પ્રજાતિનું નામ ગુજરાતેન્સિસ પાડવામાં આવ્યું. આ પ્રકારના સાપ ક્યાં મળી આવે છે? હર્ષિલ કહે છે, “મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર જેવા સૂકા પ્રદેશોમાંથી.” આ પ્રકારની નવી પ્રજાતિ મળે એટલે તેને આંતરરાષ્ટ્રીય જર્નલ ‘પ્લોસ વન’માં પ્રકાશિત કરાય છે. તેની ઝૂ બૅંકમાં નોંધણી કરાય છે જેમાં પ્રજાતિની સામે સંશોધકોનાં નામ અને વર્ષ લખાયેલા હોય છે. જશો અને તેમાં સર્ચ કરશો તો વેલેસૉફિસ સામે આ બધાનાં નામો વાંચવા મળશે.
હર્ષિલને પૂછવામાં આવે કે આવા કારકિર્દીની રીતે સૂકા વિષયને શા માટે પસંદ કર્યો? તો તે નિખાલસતાથી કહે છે, “હું એવો કોઈ તેજસ્વી વિદ્યાર્થી નહોતો કે હું મેડિકલમાં જઈ શકું કે નહોતું મારાં માતાપિતાનું દબાણ. મને આ જ વિષયમાં રસ હતો. જે થશે તે જોયું જશે એમ વિચારીને ઝંપલાવ્યું. મજા પડે છે એ મુખ્ય વાત છે.”
મજાની વાત એ પણ છે કે જયદીપ અને અત્યારે રાજદ્રોહના કેસમાં જેલમાં અંદર હાર્દિક પટેલ બંને સાથે ભણતા અને ક્રિકેટ પણ સાથે રમતા. જોકે તેનાથી વિશેષ જયદીપનું તેના વિશે કંઈ કહેવું નથી. હાર્દિક રાજકીય વિચારધારા ધરાવે છે જ્યારે જયદીપને તો અજગર અને સાપમાં જ રસ છે.
આ સંશોધન પછી કોઈ ઑફર મળી? શું મોટિવેશન મળ્યું? રાજુભાઈ વ્યાસ કહે છે, “લોકો અભિનંદન આપે એ જ અમારું મોટિવેશન.” હર્ષિલ કહે છે, “પહેલાં તો લોકોને આ પ્રકારના સમાચારમાં જ ઓછો રસ હોય છે. મારા વિષય ઝૂલોજીમાં ભણનારા જ કેટલા? સામાન્ય માણસોને આમાં રૂચિ નથી.” જોકે જયદીપ પોતાના અનુભવ પરથી કહે છે કે લોકોની રૂચિ બદલી શકાય છે. “વિરમગામમાં અજગરથી ડરતા લોકોને મેં તેમની ભાષામાં સમજાવ્યા તો આજે સ્થિતિ જુદી છે.” મજાની વાત એ છે કે જયદીપે બી.એ. કરેલું છે પરંતુ શોખના કારણે તે આ વ્યવસાયમાં છે!
જયદીપ કહે છે, “ગીર અને સિંહોની પાછળ ગુજરાતમાં ઘણું કામ થાય છે. પરંતુ હર્પિટોલોજીની બાબતમાં અન્ય રાજ્યોની સરખામણીએ આપણું રાજ્ય ઘણું પાછળ છે. આ અંગે ગુજરાતીમાં સાહિત્ય પણ ઘણું ઓછું છે. આ ક્ષેત્રે કામ કરનારા લોકોને મુશ્કેલી પડે. તેમના વિશે લોકોમાં એવો મત હોય કે આ લોકોના અવળા ધંધા છે. વળી આર્થિક હેરાનગતિ પણ થાય.” જોકે તે આશાવાદી છે. “પહેલાં દેશી સ્ટાઇલથી કામ થતું. સાપ પકડાતો અને તેને છોડી મૂકાતો. અત્યારે યુવા પેઢી વૈજ્ઞાનિક અભિગમથી કામ કરે છે.”
આવા સંશોધનોથી સમાજને લાભ શું? હર્ષિલ કહે છે, “જ્યારે એરિયા કન્ઝર્વેશન કરવું હોય ત્યારે આવી જાણકારી કામમાં લાગે છે. ગીર સિંહના કારણે તો જાણીતું છે, પણ ઘણા ઓછાને ખબર હશે કે ગુજરાતમાં વર્ષ ૨૦૦૯માં ગરોળીની એક જાત શોધાઈ જે માત્ર ગીરમાં જ જોવા મળે છે.”
રાજુભાઈ વ્યાસ કંઈક આવા શબ્દોમાં આ વાત મૂકે છે, “જુઓ, આવા પ્રાણીઓ માનવજાતને સીધી રીતે મદદરૂપ નથી. પરંતુ જીવવૈવિધ્ય (બાયોડાઇવર્સિટી) જરૂરી છે. ડોલ્ફિન અલ્ટ્રાસાઉન્ડ સાંભળી શકે છે જે આપણને સોનોગ્રાફી શોધવામાં મદદરૂપ થાય છે. ડોલ્ફિન પરથી પ્રેરણા મેળવી આપણે નવી રડાર પ્રણાલિ વિકસાવી. આમ, આ બધા પ્રાણીઓનું અસ્તિત્વ આપણા માટે સીધી કે આડકતરી રીતે જરૂરી છે.”
પરંતુ હમણાં હમણાંથી હાથી, દીપડા, અજગર વગેરે શહેરોમાં ઘૂસી જવાના કિસ્સા વધી રહ્યા છે, તેનું શું? રાજુભાઈ વેધક શબ્દોમાં કહે છે, “આ પ્રાણીઓનું કોઈ નેટવર્ક નથી. તેમને કોઈ ભાષા નથી. તેમના કુદરતી નિવાસ્થાનો, જંગલ આપણે માનવજાતે પચાવી પાડ્યાં. તેઓ ક્યાં જાય? આપણે ત્યાં કહેવાય છે- જીવો જીવસ્ય ભોજનમ્ . ઉલટું તેમની ફરિયાદ છે, આપણે તેમનાં રહેઠાણો પચાવી પાડ્યાં. પરંતુ તે કોને કહે? તેઓ તો મૂંગા છે.”