Disha in Gujarati Short Stories by Dharini Solanki books and stories PDF | દિશા

Featured Books
Categories
Share

દિશા

દિશા

રોજ સાંજની જેમ આજે પણ મયંક અવનીને ફરિઆદ કરી રહ્યો હતો. મમ્મી....શાકમાં મીઠુ ઓછું છે અને તીખ્ખુ પણ છે, રોટલી પણ ઘી વાળી નથી.

અરે હા...પણ લે આ મીઠુ અને ઘી. ટી.વી બંધ કર ને પહેલા જમી લે.

મયંક અવનીનો નાનો દિકરો અને રોહન મોટો. પતિ વિનિત અને મયંક બિઝનેસ સંભાળે તો રોહન પણ સારી કંપનીમાં જોબ કરે. જયારે અવની પણ એક કંપનીમાં એકાઉટન્ટ હતી.

ક્યારેક ક્યારેક વિનીત અવનીને નીરશ જોઈ કહેતો ‘અવની તારી હેલ્થ સારી રહેતી હોય તો જ તું જોબ કરજે નહી તો કંઈ જરૂર નથી જોબ કરવાની. હું તો તું ખુશ છે જોબથી એટલે જ જોબ કરવા દઉ છું નહિ તો આપડે એવી કંઈ જરૂર નથી.’

સામે અવની પણ કહેતી ‘ના...ના...જોબ છે એટલે જ હેલ્થ સારી રહે છે હો. મને ઘરે બેસી રહેવું ન ગમે.’

એક દીવસ રોજ સાંજની જેમ અવની ઓફીસથી ઘરે આવતી હતી. ફ્લેટની સીડીઓ ચડતાં-ચડતાં તેને અવાજ સંભળાતો હતો કોઇના બોલવાનો. પણ તે ભાષા એને ન સમજાઇ. ફક્ત એટલું જ સમજાયું કે કોઇ સ્ત્રી નાના બાળકને રમાડી રહી છે. ઘરની નજીક પહોંચીને જોયું તો બાજુમાં બંધ પડી રહેલા ફ્લેટ નં.208માં કોઇ ભાડૂઆત રહેવા આવ્યું છે. સ્ત્રીની ભાષા અને પહેરવેશ પરથી અવનીને અંદાજ આવી ગયો કે તે સાઉથ ઈંન્ડિયન છે. જતાંની સાથે જ અવની અને તે સ્ત્રીની નજર મળી. એ સ્ત્રી એક નાની બાળકીને ગોદમાં લઇ રમાડી રહી હતી. અવની એ હળવુ સ્મિત કર્યુ ને પૂછ્યું કીરાયે પે લીયા હૈ? એ સ્ત્રીએ જવાબ આપતા કહ્યું હા...6,8 મહીને કે લીયે. મેરા નામ સુરેખા હૈ. અવની એ પોતાનું નામ જણાવ્યું અને કુછ કામ હો તો બોલના કહી ઘરમાં પ્રવેશી.

બીજા દીવસે નિત્યક્રમ મુજબ સવારે 8 વાગ્યા આસપાસ અવની ડોરબેલ સાંભળી દૂધ લેવા ઉઠી. દૂધવાળો રાજુ કાયમ ઘરના દરવાજે જાળીમાં દૂધની થેલી અને છાપુ ભરાવી ડોરબેલ વગાડતો. અવનીએ દૂધ લીધું પણ આજે છાપુ ન મળતા બહાર જઇ થોડી સીડીઓ ઉતરી રાજુને આમ-તેમ શોધવા લાગી. પણ તે ક્યાંય ન દેખાયો. અવની ઘરમાં પાછી વળતી હતી ત્યાંજ રાજુએ પાછળથી બુમ મારી "અવનીમાસી હું છાપુ મુકવાનુ ભુલી ગયો હતો, લો." અવની છાપુ અને દૂધ લઇ ઘરમાં આવી. તે રસોડામાં હતી ત્યાંજ તેને ધીમો-ધીમો ઝાંઝરીનો અવાજ અને કાલી-કાલી ભાષામાં બા-બા કરવાનો અવાજ સંભળાયો.

અવાજ સાંભળી અવનીએ ડ્રોઇંગરૂમ તરફ આવી જોયું તો બાજુમાં રહેવા આવેલા ભાડૂઆતની બાળકી બા-બા કરતી રમી રહી હતી. અવની જ્યારે રાજુને શોધવા બહાર ગઇ ત્યારે તે બાળકી રમતાં-રમતાં ઘરમાં આવી ગઇ હતી.. અવની પળવાર તો દિશાને રમતી જોઇ રહી પણ અચાનક એને યાદ આવ્યું કે આ બાળકીને એના મમ્મી શોધતા હશે. અવનીએ દીશાને ગોદમાં લીધી અને એના ઘરે ગઇ. ઘરમાં કોઇ ન દેખાતા દરવાજાની સ્ટોપર ખટખટાવા જતી હતી ત્યાંજ સુરેખાના પતિ અશોક બહારથી દૂધ લઇ આવ્યા. એમને જોઇને અવનીએ દીશાને ગોદમાંથી ઉતારતા કહ્યું “યે ખેલતે ખેલતે હમારે ઘર આ ગઇ થી.”

અશોકે કહ્યું “હા વો મેં ગલતી સે દરવાજા ખુલા છોડ ગયા થા યે દૂધ લેને ગયા થા.”

અવનીએ કહ્યું “હા કોઇ બાત નહી જી. કલ સે દૂધ લેને મત જાના વો રાજુ આતા હૈ મૈં ઉસકો બોલ દૂંગી વો આપકે ઘર ભી દુધ રખ દેંગા ફીર ઉસે પૈસે દે દેના. આટલું કહી ઘરમાં પાછી વળી.”

તે પછી તો રોજ અવની દીશાને ઘરે લાવતી અને રમાડતી. ઘરનું વાતાવરણ હવે બદલાઇ રહ્યું હતું. સવાર-સાંજ દીશાનું નામ ઘરમાં ગુંજ્યા કરતું હતું.

એક દીવસ સાંજે વિનિત અને મયંક ઓફિસથી ઘરે આવ્યા ને જોયું તો અવની દીશાને માલપુડા ખવડાતી હતી. તે જોતાં જ મયંકે પુછ્યું “અરે વાહ મમ્મી તે માલપુડા બનાવ્યાં કઇ ખુશીમાં?.”

અવનીએ કહ્યું “કંઇ નહિ આ તો બસ મન થઇ ગયું તો બનાવી દીધા.”

વિનિત મૌન રહી અવનીમાં આવેલા આ બદલાવને જોઇ રહ્યો.

સમય સાથે ડગ માંડતી અને સતત હકારાત્મક વલણ ધરાવતી અવની ક્યારેક- ક્યારેક ભુતકાળની એ કડવી યાદોમાં સરી પડતી. ગુલાબના ફુલ સમા જીવનમાં ક્યારેક એના કંટકો અવનીને ડંખતા હતા. ઓડકાર આવી જાય એવા સુખમાં ક્યારેક એના અંતરનો ખાલીપો તેની પાપણે ભીનાશ બની તરવરી ઉઠતો હતો. એ રાત્રે જ અવનીએ વિનિતને ભુતકાળનો એ કડવો દીવસ યાદ કરાવ્યો હતો. “વિનિત ભગવાને ધાર્યુ હોત તો આજે આપણે પણ એક દીકરી હોત જો તે સમયે ડોક્ટરના કહ્યાં મુજબ આપણું ત્રીજુ સંતાન પણ દીકરો છે એમ માનીને મેં એબોર્શન ના કરાવ્યું હોત તો. આપણી એક જ ભુલ કે આપણે સોનોગ્રાફી કરાવી. નહિ તો આજે આપણે પણ કન્યાદાન કરવા લાયક એક દીકરી હોત. પણ કોઇએ સાચું જ કહ્યું છે કે નસીબમાં ના હોય તો હાથમાં આવેલું પણ છીનવાઇ જતું હોય છે. જો તારા મમ્મીએ વિરોધ ના કર્યો હોત તો આપણે દીકરી દત્તક પણ લઇ શક્યા હોત. પણ કદાચ આ જ નસીબ હતું આપણું.”

ક્ષણવાર તો વિનિતને એમ લાગ્યું કે બારીમાંથી ધસી આવતા પવનનાં સુસવાટા સાથે વીતી ગયેલો તે કપરો સમય જાણે પાછો આવી ગયો હોય. વિનિતને હવે અવનીની માનસિક સ્થિતિ પણ સમજાઇ રહી હતી. તેથી જ તે રાત્રે તેણે એક નિર્ણય લીધો હતો.

હવે તો જાણે દીશા અવનીના જીવનનો એક ભાગ બની ગઇ હતી. કોઇવાર તો અવની દીશાને હાથમાં બંગડી પહેરાવતી, પોતાના ડ્રેસના દુપટ્ટાની સાડી પહેરાવી તૈયાર કરતી તો કોઇવાર આંખમાં મેશ અને કપાળમાં નાની બિંદી લગાવી તૈયાર કરતી અને સુરેખા મોબાઇલમાં દીશાના ફોટા પાડ્યા કરતી.

દીશાને અહીં આવ્યે 5 થી 6 મહિના થવાં આવ્યાં હતાં પણ અવનીને આટલા સમયમાં એ વાત ભુલથી પણ કદી યાદ નહોતી આવી કે દીશા થોડા દીવસ માટે જ અહિંયા છે. એવામાં જ એક દીવસ અચાનક સુરેખાએ વાત-વાતમાં જણાવ્યું કે “અભી તો દીશા કે પાપા કી ટ્રાન્સફર હો ગઇ હૈ બરોડા. તો વહાં શીફ્ટ હોના પડેગા. મેં તો તંગ આ ગઇ હું અબ ઈનકી ટ્રાન્સફર સે.”

અચાનક આમ સાંભળી અવની શુન્યમનસ્ક થઇ ગઇ. ક્ષણવાર તો એમ જ સુરેખાના શબ્દો અવનીના કાનમાં પડઘાયા કર્યા પણ મૌનની દીવાલ તોડી ના શક્યા. એવામાં જ દીશાની કોમળ હથેળીઓ અવનીના ગાલને સ્પર્શી અને અવની તંદ્રામાંથી બહાર આવી ને દીશાને વહાલ કરવા લાગી. તે દીવસે અવની ઓફિસ ના ગઇ. જાણે મનભરીને દીશાને રમાડવી હતી. જાણે કે ફરી એવો સમય મળવાનો જ નહોતો. ખરેખર એ સમય ફરી ક્યાં મળવાનો હતો.

શાંત ઘરમાં અવનીની વેદના મૌન સ્વરૂપે ઉચાટ ઉપજાવતી હતી. સાંજના 5 વાગતાં હતા. બેડરૂમની ખુલ્લી બારી નજીક આરામ ખુરશીમાં બેઠેલી અવનીનાં ચહેરા પર સુર્યનો આછો ઉજાસ એની પાપણ પરની ભીનાશને ચમકાવતો હતો.

વિનિતને આજે પોતે લીધેલો નિર્ણય અવનીને જણાવવો હતો. વિનિતે હળવેથી અવનીનાં ખભા પર હાથ મુક્યો ને કહ્યું “અવની તને કંઇક કહેવું છે.”

વિનિત કંઇ પણ બોલે તે પહેલા જ અવની ઊભી થઇ વિનિતને ભેટી રડી પડી અને કહેવા લાગી “વિનિત દીશા આ રવિવારે જાય છે. બરોડા શીફ્ટ થશે એ લોકો.”

વિનિતે હળવેથી હથેળી વસે અવનીનો ચહેરો પકડી અવનીનાં આંસુ લુછ્યાં ને કહ્યું “આ તો નિશ્ચિત જ હતું ને. દીશુ કંઇ કાયમ આપણી સાથે થોડી રહેવાની હતી. એની તને ખબર તો હતી. તને બીજી એક વાત કહું? તું બહું ખુશ થઇશ જાણીને.” અવની આમ સાંભળી પ્રશ્નાર્થ નજરે વિનિતને જોઇ રહી. તે કંઇ પણ સમજે તે પહેલા વિનિતે કહ્યું “આ રવિવારે રોહન માટે છોકરી જોવા જવાનું છે. આપણા ઘર માટે વહુ.”

ખરેખર વિનિત?

હા,અવની. ભગીરથકાકાને મેં રોહન માટે વાત કરી હતી.

ક્ષણવારમાં તો અવનીનાં અશ્રુ હરખાઇ ઉઠ્યા. તે વિનિતની હથેળીઓ ચુમી લઇ બોલી “હા દીકરા માટે તો વહુ પણ આપણા માટે તો દીકરી જ લાવીશું.”