Bhag 15
આગળ ભાગ ૧૪ માં આપણે જોયું કે, એન્જલ થોડી જુકીને નયનના પગને સ્પર્શ કરતા કહે છે, “રામ તું, શ્યામ તું, મારા જીવનનો નાથ તું”
એન્જલનું આ વાક્ય સાંભળતા નયનની આંખોમાં છુપાયેલ લાગણીના આંસુ બહાર આવી તેમના જ ગાલને ભીના કરી રહ્યા હતા. તે નીચે જમીન પર ઘુટણ પર બેસી આંખોમાં આંસુ સાથે એન્જલને પ્રપોઝ કરે છે.
નયનને અચાનક આટલો ઈમોસનલ થતા જોઈ એન્જલે પોતાના મોબાઈલમાં વિડીયો સોંગ ચાલુ કર્યું, ‘જીલમિલ સિતારો કા આંગન હોગા, રીમઝીમ બરસતા સાવન હોગા’ બંને ચંદ્રમાની ચાંદનીમાં આ સોંગમાં એવા તે ખોવાય જાય છે કે થોડીવાર માટે બંને એકબીજાને પતિપત્નીના રૂપમાં જોવા લાગે છે. સોંગ પૂરું થતા બંનેને સમયનું ભાન થાય છે. એન્જલ મોબાઈલ સ્ક્રીન પર સમય જોતા કહે છે, “ ઓહ...માય ગોડ, નવ વાગી ગયા? આપણે તો છ થી નવ જબ વી મેટ ફિલ્મ જોવાનું નક્કી કર્યું હતું, પણ આપણે તો આપણી જ ઈમોસનલ ફિલ્મનું સુટ કરવા લાગ્યા અહી” બંને ખુશી ખુશી પાછા ફરે છે.
હવે આગળ
નયન એન્જલને એમના ઘેર મુકવા જઈ રહ્યો હતો . થોડી જ વારમાં બંને એકબીજાથી છુટા પડવાના હતા, માટે બંને એકબીજાને ઘણું કહેવા ઇચ્છતા હતા. પણ હૈયાના શબ્દો હોઠ સુધી આવતા જાણે ત્યાંથી જ પાછા વળી રહ્યા હતા. કાર સુમસાન સડક પરથી પસાર થતા શહેરી વિસ્તારની સડક પર ખુબ ધીમી ગતિથી ચાલી રહી હતી. બહારના વાતાવરણમાં ખુબ જ ઘોંઘાટ હોવા છતાં બંનેના ભીતરમાં અકલ્પનીય શાંતિ પ્રવર્તી રહી હતી. એકબીજાના સાચા પ્રેમનો અહેસાસ થતા બંને ધરતી પર જ સ્વર્ગની અનુભૂતિ કરી રહ્યા હતા. કહેવાય છે કે, ઉનાળાની સંધ્યા, ચોમાસાનો પહેલો વરસાદ અને શિયાળાની ગુલાબી ઠંડી પ્રેમી યુગલોને એક અલગ જ દુનિયામાં લઇ જાય છે. રાતના દસ વાગવા આવ્યા હતા. વાતાવરણમાં થોડી ઠંડી મહેસુસ થવા લાગી હતી. રસ્તા પર અમુક કપલ સ્વેટરમાં સજ થઈને ફૂટપાટ પરની પાળી પર બેસીને મકાઈનો ડોડો ખાઈ રહ્યા હતા તો અમુક કપલ દાત કક્ડાવતા આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હતા. એન્જલ કારની બારીનો કાચ ખોલતા મોટેથી બોલે છે, “સ્ટોપ સ્ટોપ સ્ટોપ...”
એન્જલનો અવાજ સાંભળતા નયન ઝડપથી બ્રેક મારતા કાર ઉભી રાખે છે, “શું થયું? આર યુ ઓકે” નયનના અવાજમાં એન્જલ પ્રત્યેની ચિંતા વર્તાય રહી હતી.
એન્જલ નયનના સવાલનો જવાબ આપ્યા વિના જ કારનો દરવાજો ખોલી દોડીને આઈસ્ક્રીમ પાર્લર તરફ જતી રહે છે.
નયન પોતાનો હાથ કપાળ પર મુકતા પોતાની જાતને જ કહે છે, “ઓહ... તો મેડમને આઈસ્ક્રીમ ખાવો છે...!”
નયન કાર બહાર આવે એ પહેલા જ એન્જલ આઈસ્ક્રીમ લાવીને ફરી કારમાં બેસી જાય છે અને આઈસ્ક્રીમ નયનને આપતા કહે છે, “ ઠંડીમાં ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખાવાની મજા જ કઈક ઓર હોય છે”
“તારો મગજ તો ઠેકાણે છે ને ! ઠંડીથી બચવા માણસ ગરમા ગરમ ચા પીવે કા તો કાવો પીવે. અને તું આઈસ્ક્રીમ ખાવાની વાત કરે છે ! મારે નથી ખાવો આઈસ્ક્રીમ...”
એન્જલ કઈ પણ બોલ્યા વિના ઉતાવળે એકી સાથે બંને આઈસ્ક્રીમ ખાવા લાગે છે. નયન એકી નજરે એન્જલની માસુમિયત નિહાળી રહ્યો હતો. થોડીવાર બાદ વધુ ઠંડીનો અહેસાસ થતા એન્જલ દાત કક્ડાવતા બોલે છે, “ એસી બંધો કરો...”
નયને થોડો ગુસ્સો કરતા કહ્યું, “ હજુ બે આઈસ્ક્રીમ વધુ લાવી આપું? ખાસો તમે? કઈ ફલેવરની આઈસ્ક્રીમ લાવું? સ્ટોબેરી, વેનીલા, ચોકલેટ કે પછી કેસરપીસ્તા?”
“મને ખબર છે કે તમને બધી જ ફ્લેવરના આઈસ્ક્રીમના નામ આવડે છે. પણ અત્યારે એક મહેરબાની કરો... ઠંડી ઓછી થાય એવું કઈક કરો”
એસી બંધ કરતા, નયન પોતાનું જેકેટ ઉતારતા થોડો એન્જલની નજીક આવે છે. અચાનક નયનનું આવું વર્તન જોતા તે બોલી ઉઠે છે, “આ રીતે ઠંડી ઓછી નથી કરવી ઓકે..!”
નયને એન્જલ તરફનો કારનો કાચ બંધ કરતા કહ્યું, “ઓહ... મેડમ... મને મારી મર્યાદા ખબર છે. હું તો ફક્ત કાચ બંધ કરું છું કે જેથી તને વધુ ઠંડી ન લાગે. અને આ લે, આ જેકેટ પહેરી લે. હું તારા માટે ગરવા ગરમ કાવો લાવું છું” એન્જલને જેકેટ આપી નયન કાવો લેવા જતો રહે છે.
જેકેટ પહેરતા એન્જલની નજર કારમાં રહેલ ગણપતિની પ્રતિમા પર પડે છે. તે મનોમન ઈશ્વરનો આભાર માનતા કહે છે, “તે તો મને એક જ વ્યક્તિમાં ‘રામ’, ‘શ્યામ’ અને ‘શંભુ’ આપી દીધા. નયન રામ જેવા મર્યાદા પુરુષોતમ છે, તો શંભુ જેવા ભોળા પણ છે, સાથે કૃષ્ણ જેવા રોમેન્ટિક તો ખરા જ..” આટલું વિચારતા તે કારના અરીસામાં પોતાનો ચહેરો નિહાળતા પોતાની જાતથી જ શરમાવા લાગે છે.
નયન કાવો લઇ કારમાં એન્જલની પાસે બેસે છે તો પણ એન્જલ વિચારોમાં જ ખોવાયેલ હતી. એન્જલના હાથમાં કાવાનો ગરમ કપ મુકતા નયને કહ્યું, “ ખુલ્લી આખે સપના કેમ જોવા એ તો કોઈ તમારી પાસેથી જ શીખી શકે.. ઓહ..મેડમ, ક્યાં ખોવાયા છો ! કોના વિચારોમાં સપનાનો તાજમહેલ ઉભો કરી રહ્યા છો !
એન્જલે પોતાનું માથું નયનના ખંભા પર મુકતા કહ્યું, “જ્યારથી તમે મારા જીવનમાં આવ્યા છો ત્યારથી મારા સપનામાં અને અહેસાસમાં પણ ફક્ત તમે જ મહેસુંસ થઇ રહ્યા છો, તો સ્વાભાવિક છે કે મારા વિચારોમાં પણ એકમાત્ર તમે જ વણાઈ રહ્યા હોય”
નયન એફ એમ ચાલુ કરતા કાર સ્ટાટ કરે છે. હમેશા ફૂલ સ્પીડમાં કાર ચલાવતો નયન આજે સાવ ધીમી ગતિએ કાર ચલાવી રહ્યો હતો. એન્જલનું ઘર ત્યાંથી થોડે જ દુર હતું, આમ છતાં બંનેને ઘર પહોચતા મોડું થઇ જાય છે. રાત્રીના બાર થવા આવ્યા હતા. એન્જલના ઘેર પહોચતા નયનના ચેહરા પર ઉદાસી વર્તાય રહી હતી. તે પોતાના ખંભા પરથી એન્જલનું માથું હટાવતા દરવાજા તરફ ઇસારો કરતા કહે છે, “ગૂડ નાઈટ...”
એન્જલ પોતાની સાડીનો પાલવ સરખો કરતા કારનો દરવાજો ખોલવા જાય છે ત્યાં જ એફ એમ પર સોંગ સંભળાય છે, “આજ જાને કી ઝીદ ના કરો” નયનના દિલની વાત જાણે આજે આ એફ એમ જ કહી રહ્યું હતું.
એન્જલ બહાર આવી કારનો દરવાજો બંધ કરતા નયનને ખુબ જ પ્રેમ પૂર્વક ગૂડ નાઈટ કહે છે. બંને એકબીજાની સાથે હજુ થોડો વધુ સમય વિતાવવા ઈચ્છતા હતા પણ પોતાના મનની વાત એકબીજાને કહેવામાં સંકોચ અનુભવી રહ્યા હતા. એન્જલ દરવાજો ખોલતા વારંવાર પાછળ ફરીને નયન સામે જોઈ રહી હતી. નયન પણ કારની બહાર આવી એકી નજરે એન્જલને જ નિહાળી રહ્યો હતો. દરવાજો ખોલી એન્જલને અંદર જતા જોઈ નયન પણ કારનો દરવાજો ખોલવા જાય છે ત્યાજ એન્જલ દોડીને નયનને પાછળથી વળગી પડે છે. બંને એકમેકમાં એવા તે ખોવાય જાય છે કે એ પણ ભૂલી જાય છે કે પોતે ક્યાં ઉભા છે. નયનના ફોનમાં રીંગ વાગતા બંને છુટા પડે છે. ફોન રીસીવ કરવાને બદલે નયન ફોન કટ કરતા એન્જલને પોતાની બાહોમાં ભરતા કહે છે, “ વિલ યુ મેરી મી...!”
એન્જલ ફરી વર્તમાનમાં આવતા નયનના ગાલ પર એક હળવું ચુંબન કરતા કહે છે, “આ વાક્ય તમે મને કેટલી વાર પૂછશો?”
“જ્યાં સુધી તું સ્પષ્ટ વાક્યમાં હા ન કહે ત્યાં સુધી તારો આ આશિક વારંવાર એક જ વાક્ય ઉચ્ચારશે” તે પોતાના ગોઠણ પર બેસીને ખિસ્સા માંથી રીંગ કાઢી એન્જલને ફરી પ્રપોઝ કરતા કહે છે, વિલ યુ મેરી મી, લગ્ન કરીશ આ રંગલા સાથે?” નયને થોડા રોમેન્ટિક મુડમાં કહ્યું.
નયનને રોમેન્ટિક મુડમાં જોઈ એન્જલ પર ગોઠણ પર બેસી નયનના કપાળ પર ફરી એક ચુંબન કરતા કહે છે, “હું તમારી રંગલી બનવા તૈયાર છું, અને હમેશા તમારા રંગમાં જ રંગાવા ઈચ્છું છું”
“વાહ... શું ફિલ્મી સ્ટાઈલમાં મારું પ્રપોઝર સ્વીકાર્યું છે” નયનને પણ એન્જલના કપાળ પર ચુંબન કરતા કહ્યું.
એન્જલે નયનનો હાથ પોતાના હાથમાં લેતા કહ્યું, “તમે પ્રપોઝ ફિલ્મી સ્ટાઈલમાં કર્યું છે તો મારે પણ ફિલ્મી સ્ટાઈલમાં સ્વીકારવું પડે ને..!” આટલું બોલતા તે નયનના હાથ પર એક ગાઢ ચુંબન કરી બેસે છે.
નયન પણ એન્જલના હાથ પર ગાઢ ચુંબન કરી, આંગળીમાં વીટી પહેરાવતા કહે છે, “હવે મને આવું ગાઢ ચુંબન હોઠ પર ક્યારે મળશે..!”
એન્જલે નયનને થોડો ધક્કો મારતા કહ્યું, “ હું તો તમને મર્યાદાપુરુષોતમ રામ સમજતી હતી, પણ તમે તો ઇમરાન હાસમી નીકળ્યા”
“અરે... હવે તો મારો તારા પર કાયદેસર હક છે” આટલું બોલતા તે એન્જલનો હાથ ખેચી પોતાની નજીક લાવે છે.
“ઓહ મિસ્ટર... હજુ આપણા લગ્ન નથી થયા. હા એ વાત સાચી કે હું મનોમન તમને મારા પતિ માની ચુકી છું, પણ એનો અર્થ એ નથી કે.....!”
એન્જલને આગળ બોલતા અટકાવવા નયન પોતાની એક આંગળી એન્જલના હોઠ પર મુકતા કહે છે, “તો ચાલ અત્યારે જ કોર્ટ મેરેજ કરી લઈએ? પછી હું કાયદેસરનો તારો પતિ અને તું કાયદેસરની મારી પત્ની” આટલું બોલતા તે એન્જલના હોઠ પરથી પોતાની આંગળી હટાવી હોઠ પર ચુંબન કરવા એન્જલની વધુ નજીક જાય છે.
નયનને આગળ વધતા અટકાવી એન્જલે ખુબ જ ગંભીરતાથી કહ્યું, “નયન... એવું નથી કે મને તમારા પર વિશ્વાસ નથી. પણ પ્લીઝ મને સમજવાની કોશીસ કરજો. લગ્ન એ માત્ર બે શરીરનું જ મિલન નથી, લગ્ન એ તો બે આત્માનું મિલન છે. ભલે હું મનથી તમને મારું સર્વસ્વ શોપી ચુકી છું, પણ મારું તન તો અગ્નિની શાક્ષીએ સાત ફેરા ફર્યા બાદ જ શોપી શકીશ” આટલું બોલતા તેમની આંખમાં આંસુ આવી જાય છે.
નયને એન્જલની બંધ આખો પર ચુંબન કરતા કહ્યું, “સાંભળ્યું છે કે આંસુનો સ્વાદ ખારા હોય છે, પણ મને તો આજે તારા આંસુનો સ્વાદ મીઠો લાગી રહ્યો છે”
બંને એકબીજાને ગળે વળગીને થોડીવાર માટે મૌન રહે છે. એન્જલના ફોનમાં રીંગ વાગતા તે નયનથી અલગ પડે છે. મોબાઈલ સ્ક્રીન ઉપર “મોમ” લખેલ વાચતા જ તે દોડીને ગેટ ખોલી અંદર જતી રહે છે. નયન પણ ફક્ત ઇસારાથી એન્જલને બાય કહી જતો રહે છે.
હોલમાં પ્રવેશતા જ જાનવી એન્જલ પર પ્રશ્નોનો ધોધ વહાવે છે, “ક્યાં હતી અત્યાર સુધી? ફોન કેમ રીસીવ ન કર્યો? કોની સાથે હતી? મેસેજનો રીપલે કેમ ન આપ્યો?”
એન્જલે જાનવીના ખંભા પર હાથ મુકતા કહ્યું, “મમ્મી.. શું તને મારા પર વિશ્વાસ નથી? શું તને તારા સંસ્કારો પર વિશ્વાસ નથી? આજે કેમ આટલા વિચિત્ર સવાલો પૂછી રહી છે?”
એન્જલની વાતનો જાનવી કઈ જવાબ આપે એ પહેલા જ અનમોલ કહે છે, “બેટા... હવે તારી મમ્મી રોજ આવા વિચિત્ર સવાલો જ પૂછશે”
એન્જલે ખુબ જ આશ્ચર્યતાથી કહ્યું, “હું કઈ સમજી નહિ”
અનમોલે એન્જલના માથા પર હાથ ફેરવતા કહ્યું, “બેટા... હવે તારી મમ્મીને એવું લાગી રહ્યું કે તું મોટી થઇ ગઈ છે”
એન્જલે જીદ સાથે થોડો ગુસ્સો કરતા કહ્યું, “શું છે આ બધું? તમે બંને કેમ આજે આટલું વિચિત્ર વર્તન કરી રહ્યા છો? શું વાત છે? સ્પષ્ટ કહો...”
અનમોલે પોતાના મોબાઈલમાં એન્જલને એક છોકરાનો ફોટો દેખાડતા કહ્યું, “તને આ છોકરો કેવો લાગે છે?”
એન્જલે ફક્ત ઉપર્છેલ્લી નજર નાખતા કહ્યું, “ઠીક ઠીક છે. પણ તમે મને આ છોકરાનો ફોટો શા માટે બતાવી રહ્યા છો?”
જાનવીએ એન્જલના હાથમાં છોકરાની બાયોડેટા આપતા કહ્યું, “કાલે આ છોકરો અને તેમનું ફેમીલી તને જોવા આવવાનું છે”
જાનવીની વાત સાંભળતા એન્જલના હાથ માંથી મોબાઈલ નીચે પડી જાય છે. તે થોડીવાર માટે સ્તબ્ધ થઇ જાય છે. એન્જલના ફોનમાં રીંગ વાગતા જાનવી સ્ક્રીન પર નામ વાચ્યા વિના જ ફોન રીસીવ કરે છે, તે હેલ્લો બોલે એ પહેલા જ સામેથી અવાજ સંભળાય છે, “ કેસે બતાએ કી તુજ કો ચાહે, યારા બતા ન પાયે..” અવાજ સાંભળતા જાનવીને ખુબ મોટો જાટકો લાગે છે. તે મોબાઈલ સ્ક્રીન પર નામ વાચતા જ ગભરાય જાય છે. કારણ કે એન્જલે નયનનો નંબર “માય ગોડ ગીફ્ટ” લખીને સેવ કર્યો હતો. જાનવી તાત્કાલિક ફોન સ્વીચ ઓફ કરી દે છે અને એન્જલને પૂછે છે, “કોણ છે આ છોકરો? તમે બંને ક્યારથી એકબીજાને ઓળખો છો? અને આ શું છે..! તે મોબાઈલમાં એમનો નંબર ‘ગોડ ગીફ્ટ’ લખીને કેમ સેવ કર્યો છે? મારે એમને મળવું છે”
“મમ્મી હું નયન સાથે બહુ જલ્દી જ તારી અને પપ્પાની મુલાકાત કરાવવાની હતી. મમ્મી નયન ખુબ જ સારો છોકરો છે, અને મને ખુબ જ પ્રેમ કરે છે. એમનાથી બેસ્ટ વ્યક્તિ મારા માટે બીજી કોઈ હોઈ જ ના શકે” એન્જલે જાનવીનો ગુસ્સો શાંત કરતા કહ્યું.
“એ છોકરો તારા લાયક છે કે નહિ એ હું અને તારા પપ્પા જ નક્કી કરીશું સમજી...! અત્યારે તું તારા રૂમમાં જતી રહે. અને હા જ્યાં સુધી હું અને તારા પપ્પા એ છોકરાને મળી ન લઈએ ત્યાં સુધી તારો મોબાઈલ અને સ્કુટીની ચાવી પણ મારી પાસે જ રહેશે.” જાનવીના અવાજમાં ગુસ્સા સાથે એન્જલ પ્રત્યેની ચિંતા વર્તાય રહી હતી.
એન્જલ આંખોમાં આંસુ સાથે પોતાના રૂમમાં જતી રહે છે. થોડીવાર બાદ અનમોલ અને જાનવી પણ બેડરૂમમાં સુવા જતા રહે છે. પણ ત્રણે માંથી કોઈને પણ ઊંઘ આવતી ન હતી. એન્જલ પોતાની જાત સાથે જ વાર્તાલાપ કરી રહી હતી તો આ તરફ અનમોલ અને જાનવી પણ એકબીજા સાથે નયન વિશે વાતો કરી રહ્યા હતા. રાતના બે વાગવા આવ્યા હતા. એન્જલ હજુ પણ રડતી આખે માત્રને માત્ર નયનને જ યાદ કરી રહી હતી. અચાનક બાલ્કનીમાં કઈક અવાજ સંભળાતા તે દોડીને બાલ્કનીમાં જાય છે. પણ બાલ્કનીમાં કોઈ જ હતું. ચોતરફ નજર ફેરવ્યા બાદ નીચે જોતા તેને ઠંડીમાં ધ્રુજતો નયન દેખાય છે. નયન ઇસારથી એન્જલને નીચે આવવાનું કહે છે, પણ મમ્મી પપ્પાના ડરને હાલ નયનને મળી શકે તેમ ન હતી.
ક્રમશ
( મિત્રો, પ્રસ્તુત સ્ટોરી આપને પસંદ આવી રહી હોય અને આગળ પણ વાચવા ઉત્સુક હોય તો વોટ્સઅપ પર મને મેસેજ કરી આપનો અભિપ્રાય જણાવવા વિનંતી.)
ધર્મિષ્ઠા પારેખ
8460603192