Zakad, aeni panpade in Gujarati Love Stories by DHARMESH GANDHI (DG) books and stories PDF | ઝાકળ, એની પાંપણે...!

Featured Books
Categories
Share

ઝાકળ, એની પાંપણે...!

ઝાકળ, એની પાંપણે...!

ધર્મેશ ગાંધી

“લાગણી…? શું વાત છે યાર.. તું તો ખરેખર નસીબદાર નીકળી..!” વર્ષોના વહાણા વાઇ ગયા, લગભગ દસેક વર્ષ… ને અચાનક એક દિવસ લાગણીને એની બાળપણની સહેલીનો ભેટો થયો. લાગણી સહેલીને પોતાના ઘરે રીતસરની ખેંચી લાવી, સુખ-દુઃખની વાતો કરવા. લાગણીનું સાસરિયાનું ઘર.. ઘર શાનું..? કહો કે ‘મહેલ’ જોઈને, ચારેય દિશાઓમાં ફેલાયેલી જાહોજલાલી જોઈને… સહેલી અવાચક બની રહી. માત્ર એટલાં જ ઉદગાર નીકળ્યા, “..લાગણી, તું ખરેખર સંપત્તિથી સુખી અને નસીબદાર નીકળી. તું ‘સર્વસ્વ’ પામી શકી આ જીવનમાં તો… રુપ, ધન-દોલત, એશો-આરામ.. સર્વસ્વ..!”

સહેલી તો ફરી મળવાનું વચન આપીને-લઇને છુટી પડી પણ લાગણીનું મન થોડું મોળું પડયું, “સર્વસ્વ..? આ ‘સર્વસ્વ’નું માપદંડ કયું? માત્ર પૈસો..? વૈભવ..? રુપ-લાવણ્ય..? એ સંપત્તિમાં, એ સર્વસ્વમાં સંબંધ ક્યાંક અટવાઈ જાય છે, એ જાણ કોને થાય, કેમની થાય..?”

કોઈ પણ સંબંધનો બંધ તો સૌપ્રથમ વિધાતા બાંધે છે, જેને આપણે સંબંધ તરીકે સ્વિકારીએ છીએ. એવો જ એક સમ-બંધ નામે ‘સંબંધ’, અક્ષર અને લાગણી વચ્ચે હતો. મીઠી વીરડી સમાન એમના સંસારની મીઠાશ તો ખરી જ, પરંતુ એ મીઠાશમાં ‘મોકળાશ’ હવે ગૂંગળામણ અનુભવતી હતી.

આ સંબંધની શરૂઆત એમ તો અનાયાસે જ એકવારની સામાજીક મુલાકાતથી થઈ ગણાય. ટૂંકા સંવાદોની વાતચીત અને સાવ ટૂંકી ઓળખાણ. બસ, પછી તો ટીપીકલ અરૅન્જડ મેરેજની ગોઠવણી થઈ. ઑફિશિયલ મિટીંગના દિવસે છોકરા-છોકરીએ એકબીજા પર પસંદગીનો કળશ ઢોળ્યો, અને રચાયા સપ્તપદીનાં ફેરા.

ગઈકાલ સુધી એકબીજાથી તદ્દન અજાણ બે વ્યક્તિ ભવ-ભવના સગપણથી, સંબંધથી જોડાઈ ગયાં.

લાડકી લાગણી વિદાઈ થઈને અક્ષરના ઘરમાં એવી તે પગલાં પાડતી આવી, કે અક્ષર લાગણીનાં સપનાઓનું આંજણ આંજી ખરા અર્થમાં એનો જીવનસાથી બની રહ્યો.

આમ તો બન્નેનો સ્વભાવ, પ્રકૃતિ, ગમા-અણગમા એકબીજાથી તદ્દન વિપરીત જ હતા.

એકને દરિયાની અફાટ લહેરોની ઉડતી વાંછટ ગમતી, તો બીજાને શાંત નદીના ઊંડા નીર.

એક ચંચળ, વાચાળ અને ધમાલીયો જીવ... તો બીજો... નિરવ શાંતિમાં રાચતો જીવ.

ટૂંકમાં, અક્ષરને ચિતરવા જે રંગો વપરાય, એ લાગણીનાં ચિત્રમાં ક્યારેય કામમાં ન આવે.

સ્વભાવના અક્ષાંશ-રેખાંશ બે જુદા-જુદા હોવા છતાં બન્ને વચ્ચે તાલમેલ અને પ્રેમ પાંગરી રહ્યો હતો… જાણે કે પ્રણય-લગ્ન ન હોય..?

લાગણી નખશીખ બહિર્મુખી પ્રતિભા અને અભિવ્યકિતની માલીક... અને એટ્લે જ દૂધમાં સાકર ભળે એમ એ પણ સાસરીયામાં ભળી ગઇ. અક્ષર પ્રત્યેના પ્રેમને જતાવવામાં એ જરાયે કસર ન રાખે. સુંદર ગુલાબી પ્રભાત લઈને આવેલો દિવસ શયનખંડની દિવાલોને ગુલાબી રંગથી રંગતો અને હાસ્યનો માહોલ રાતસુધી એવો જ સુગંધી રહેતો !

આમ, ‘લાગણી’ પ્રગટ કરવામાં લાગણી જરાપણ કચાશ ન રાખતી. પણ સામે છેડે અક્ષર… અક્ષર અત્યંત કોમળ, અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવતો, ઓછાંબોલો વ્યક્તિ… જેને ચૂપ રહી અપલક આંખે લાગણીને સાંભળવું વધુ ગમતું.

કોઈકવાર લાગણી મૂંઝાતીયે ખરી, “શું કોઇ વ્યક્તિ આટલી હદે શાંત સ્વભાવની હોઇ શકે?” સ્ત્રીસહજ સ્વભાવને વશ લાગણી જ્યારે અલગ અલગ સ્થળે, પ્રસંગોએ બીજા યુગલોની પ્રણયચેષ્ટાઓ જોતી, કે પ્રેમની વાતો સાંભળતી, ત્યારે તેનાથી અજાણતા જ એ પુરુષ પાત્રની સરખામણી અક્ષર સાથે થઇ જતી.

..ને કાચની પારદર્શક બારીમાંથી આકાશ તરફ એક ઊડતી નજર નાંખી, તારાકૃતિ નિહાળી, લાગણી શયનખંડની છત તરફ તાકી રહેતી; શૂન્યમનસ્ક..! અને બાજુમાં અક્ષર મીઠી નિંદરમા હોય. લાગણીની કોરી આંખોમાં નિદ્રાનું ક્યાંય નામોનિશાન ન હોય, ને અક્ષરના નસકોરાંનાં સુસવાટા રાત્રીને વધું ભેંકાર બનાવતાં.

આમ તો સર્વત્ર સુખનું જ સામ્રાજ્ય હતું. કોઈ રંજ નહીં; કોઈ વિષાદ નહીં. સુખથી જીવન તો તર-બતર હતું, પણ મન… વેર-વિખેર...!

તદ્દન એકાંત હોય, બહારથી કોઈ સુર ન સંભળાતા હોય, ત્યારે એકલો પડેલો જીવ પોતાના મનને બમણુ સાંભળે છે. એવું જ કંઇક આજકાલ લાગણી પર વીતી રહ્યું હતું.

બસ આમ જ એક દિવસ…

હવાની એક લહેરખી ઉઠી; લાગણીના છુટ્ટા મુકાયેલા કેશ હવાની એ લહેરમાં લહેરાયાં; આંખની પાંપણો પળવાર માટે પ્રસન્ન બની. પરંતુ, બીજી પળ તરત જ આવી, અને લાગણીના મોહિત થઇ રહેલા મનને વાળીને લઇ ગઈ. એ ગેલેરીમાંથી પોતાના રૂમમાં પાછી વળી રહી હતી, ને કુંડામાં રોપેલાં છોડ પર એક નજર પડી, જ્યાં પીળા ગુલાબના ફુલ પર પાણીનું એક તાજું ટીપું વરસ્યું અને મેઘધનુષના રંગો રચતું સ્થિર થયું.. લાગણી ફરીથી લાગણીશીલ બની.!

પણ.. એક ગરમ નિસાસો છોડયો, અને રૂમમાં પ્રવેશી. પવન વેગથી ફૂંકાઈ ઉઠ્યો, ને વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી. વરસાદી જળના ફોરાંઓ એક અનેરો આનંદ આપી રહ્યા હોવા છતાં, લાગણીએ એમને રૂમમાં આવતા અટકાવવા બારીઓ બંધ કરવા માંડી.. પણ લાગણીની લગાતાર કોશિશ છતાં એનું મન વિચલિત કરવા માટે આજે વર્ષારાણીએ પણ જાણે નીર્ધાર કરી લીધો હતો. બંધ બારીના પારદર્શક કાચ પર ઝરમર ઝરમર વરસતા વરસાદે નાના નાના પાણીદાર મોતીઓ વિખેરી દીધા ! લાગણી એ મોતીઓને, પ્રવાહી શમણાઓને, મનભરીને જોયા... અને આખરે અંતરની ઉર્મિઓ ઉછળી જ પડી !

"સોહામણી સાંજ, વ્હાલસોયો વરસાદ, એમાં હું અને તું.. ચાલ ને અક્ષર.." લાગણીએ વરસવાનું શરુ કર્યું, "..એક લોન્ગ ડ્રાઇવ..! ફરી આવી આહલાદક અનુકૂળતા મળે, ન મળે..!" લાગણી અત્યંત ઉમળકાભેર અનુરોધ કરી બેઠી.

પણ અક્ષર પર આ ઉમળકાનો જાણે કે કોઈ પ્રભાવ જ ન પડ્યો, "અરે યાર, કાલે ઑફિસમાં ડિરેક્ટર્સ મીટીંગ છે, વેરી ઇમ્પોર્ટન્ટ. લેપટોપ પર પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન રેડી કરવાનું છે.. સો નો વે, ડીયર..!"

..અને કામના અત્યંત વ્યસ્ત કાર્યક્રમનું ભારણ આગળ ધરી, અક્ષરે લાગણીને 'છૂટ' આપતા કહ્યું, "તું ચાહે તો એકાદ આંટો મારી આવ બહાર.. તું અને તારા વરસાદી ફોરાંઓ..!"

શરીરની ક્ષમતા હતી, પ્રકૃતિની પરિપૂર્ણતા હતી, અને હરવા ફરવાની આઝાદીયે હતી, છતાં મનથી અસ્વસ્થતા અનુભવતી લાગણી, મને-કમને પણ ગાડી લઈને નીકળી પડી, કુદરતની કળા માણવા માટે..!

ગાડીના અધખુલ્લા કાચમાંથી આવતી વરસાદની શીતળ અને વ્હાલી વાંછટ.. કોઈ પણ યુવા હૃદયમાં થનગનાટ અને રોમાંચના કંપનો સર્જવા પૂરતા હોય છે. પરંતુ પ્રકૃતિના પ્રેમાળ પરચા જોવા અને માણવા નીકળેલી લાગણી, અક્ષરના સાંનિધ્ય વગર અધૂરપ અનુભવી રહી હતી.

લાગણીનું મૂંઝાઈ રહેલું મન, અને ચગડોળે ચઢેલું ચિત્ત.. કુદરતની કળાના અંકુશ બહાર નીકળી ચુક્યા હતા. વિચારોનો વંટોળ ઉઠી રહ્યો હતો. બધું પાસે હોવા છતાં, કંઈ જ પોતાનું નહોતું..!

અક્ષર લાગણીનો જ હતો, પરંતુ એનો સાથ, એનો સમય, લાગણીવિહોણો..! અક્ષર પોતાને ચાહતો હતો, પોતાની સાર-સંભાળ પણ કરતો હતો.. પરંતુ એના કામની વ્યસ્તતાએ, 'ગોઠવાયેલા' લગ્નજીવનમાં 'પ્રેમ'ની કૂંપળ ફૂટવા દીધી નહોતી.

..ને બસ,

મનને વિચલિત કરી મૂકે એવા અનેક વિચારોએ લાગણીની ગાડીની દિશા ખોરવી નાખી. આંખો રસ્તા પર, પરંતુ ધ્યાન પોતે બેધ્યાન ! લાગણીએ સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો, ને..

..ધડાકાભેર, ગાડી રસ્તા વચ્ચેના ડિવાઈડરને કુદાવીને સામેના રસ્તે પહોંચી; રસ્તા નીચે ઉતરી; ઝાડ સાથે ભટકાઈ; ધૂળની ડમરી ઊડી; ધુમાડો ઉઠ્યો..!

***

બીજે દિવસે…

ઉગતા સૂરજના કિરણો સીધાં લાગણીની આંખો પર પડ્યાં. લગભગ છેલ્લાં બાર કલાકથી એક પ્રકિયા ચાલી રહી હતી. અકસ્માત વખતે માથામાં ઇજા પહોંચતા લાગણી બેહોશ થઇ, ને આસપાસ જમા થયેલી ભીડમાંથી કોઇએ એમ્બ્યુલન્સ બોલાવીને સમાજસેવા કરી હતી. હોસ્પિટલમાં છેલ્લાં બાર કલાકથી લાગણી હોશમાં આવતી, ને ફરીથી બેહોશ થતી.

સૂરજના કિરણોથી ખૂલેલી લાગણીની આંખો હોસ્પિટલના સ્પેશિયલ રૂમની ચારેય દિશાઓમાં ફરી રહી હતી, અને એ નજરમાં શોધ ચાલી રહી હતી અક્ષરની…! પણ અક્ષર ક્યાં..?

..ને લાગણીની આંખો ફરી ભીંજાઈ; ફરી મીંચાઈ. પણ બીજી જ પળે માથે કોઈકના હાથનો સુંવાળો સ્પર્શ થતાં લાગણીની આંખો અચરજથી ખુલી, ને પહોળી થઈ ! એ અક્ષર હતો. આખી રાતના એના ઉજાગરાની ચાડી ખાવા માટે અક્ષરની સુજેલી આંખો પૂરતી હતી !

થોડા કલાકો વીત્યા. ડૉક્ટર ચેકઅપ કરી ગયા. રિપોર્ટ્સ નોર્મલ હતા. ચિંતાનું કારણ ટળી ચુક્યું હતું. હોસ્પિટલની વિધિ પતાવીને અક્ષર એક ‘સલામત’ લાગણીને લઈ ઘરે પહોંચ્યો.

..ને શયનખંડમાં પ્રવેશતાં જ... ત્યાંનું દૃશ્ય ફરી એકવાર લાગણીને હેરત પમાડી ગયું ! અક્ષરનું લેપટોપ, નીચે કાર્પેટ પર ઊંધું પડયું હતું, કે જેમાં એની ઑફિસની મીટીંગનું અગત્યનું પ્રેઝન્ટેશન તૈયાર થઈ રહ્યું હતું. ફાઈલો તથા કામના કાગળિયા પણ વેરવિખેર અવસ્થામાં બેડ પર પડ્યાં હતાં. અક્ષરની પરવાનગી વગર એની કોઇપણ વસ્તુ કોઈ અડતું પણ નહોતું, ભલે બધું અસ્તવ્યસ્ત કેમ ન હોય !

લાગણીને અંદાજ આવી રહ્યો હતો… કે પોતાના અકસ્માતના સમાચાર સાંભળી અક્ષર પોતાનું બધું ‘અરજન્ટ’ કામ ‘પડતું’ મૂકીને ભાગ્યો હશે !

“ના.. ના.. બિલકુલ નહીં.. ઑફિસે આવી શકાય એમ છે જ નહીં…” અક્ષર ફોન પર એની ઓફિસના મેનેજરને નવા આદેશો આપી રહ્યો હતો, “..બધી મીટીંગો કેન્સલ કરી દો, પંદર દિવસ પછીનું આયોજન કરજો..!”

..ને લાગણી ભીની થઈ; હૂંફાળી થઈ; અક્ષરને વળગી પડી !

અક્ષરે ફરી ફોન લગાવ્યો, “..હા, મધુરજની ટૂર એન્ડ ટ્રાવેલ્સ..? બે ટિકિટ બુક કરશો પ્લીઝ..? શિમલા-ઉટી-કુલુ-મનાલી..”

અક્ષરે લાગણીને લાગણીસભર સવાલ કર્યો, માત્ર બે અક્ષરમાં... “ખુશ..?”

લાગણીએ પણ તેનો પ્રેમસભર પ્રત્યુત્તર આપ્યો, માત્ર એક અક્ષરમાં… “હા..!”

..ને બે આંખો પર પોપચાંરૂપી પલળેલી પાંપણ ઓઢાડી, લાગણીએ હરખભેર આ મનગમતા સંબંધને વધાવી લીધો…!

સમાપ્ત

જલ્પા જૈન (JJ) – ભરુચ

ધર્મેશ ગાંધી (DG) – નવસારી

9913 765 003

9725 930 150

dharm.gandhi@gmail.com