Vaat ek anokha lagnni in Gujarati Short Stories by Shraddha Bhatt books and stories PDF | વાત એક અનોખા લગ્નની

Featured Books
Categories
Share

વાત એક અનોખા લગ્નની

વાત એક અનોખા લગ્નની

“આશાભાભી, આ ફૂલોની ગોઠવણ જરા જોઇ લો ને.”

“ભાભી, પેલાં રસોઇયા સાથે વાત થઇ ગઇ છે કે નહિ?”

“ આશા, મમતાને મેંદી મૂકવા માટે પેલી છોકરી આવવાની હતી એ ક્યાં છે? હજી આવી નથી.”

આખા ઘરમાં આશા આશા ની બૂમો સંભળાઇ રહી હતી. એની એકની એક દીકરી મમતાના લગ્ન બે દિવસ પછી હતાં. આખું ઘર તૈયારીમાં લાગ્યું હતું. આશા પણ બધી જગ્યાએ દોડતી ક્યાંય ચૂક ન રહી જાય એનું ધ્યાન રાખતી તૈયારીમાં રચી પડી હતી.

“અરે, શશાંકકુમાર તમે. અત્યારે?” વિજયભાઇ, મમતાના પપ્પા બહાર ઢાળેલાં ખાટલાં પરથી ઊભા થતાં બોલ્યા.

“જી, અંકલ થોડી વાત કરવી હતી. જરુરી છે.” શશાંક થોડો અચકાતાં બોલ્યો.

“હા હા. કેમ નહિ. બોલો ને.”

“ ફક્ત તમારી અને આંટી સાથે.”

“બેટા, બધું બરાબર છે ને? ઘેર બધાં ઠીક છે ને?” આશા ત્યાં સુધીમાં બહાર આવી ગઈ હતી. શશાંકના મોઢા પર ચિંતા સાફ દેખાતી હતી.

“આંટી, આપણે અંદર બેસીને વાત કરીએ?”

“ હા. રવિ જા તો મમતાને બોલાવી લાવ.”

“મમતાને બોલાવવાની જરુર નથી. મારે તમારી સાથે જ વાત કરવી છે.” શશાંક ઝડપથી ઘરની અંદર દાખલ થઇ ગયો. આશા અને વિજયે એકબીજા સામે જોયું. બંને મનમાં કૈંક કલ્પનાઓ કરતાં અંદર ગયા.

થોડી વારનાં અકળાવી દેતાં મૌન પછી શશાંક બોલ્યો,

“અંકલ, મારી વાત સમજવાની કોશિશ કરજો. અત્યારે આ વાત કરવાનો સમય નથી એ જાણું છું પણ હું મજબૂર છું.”

“ ગોળ ગોળ વાત કરવાં કરતાં સીધી વાત કર ને દિકરા.” વિજયભાઇની ધીરજ ખૂટી ગઇ હતી હવે.

“ અંકલ, હું આ લગ્ન નહિ કરી શકું. મને માફ કરી દો.”

“ લગ્ન નહિ કરી શકું એટલે? તું શું બોલે છે એનું ભાન છે તને? ” વિજયભાઇ ગુસ્સામાં તાડૂક્યા.

“ તમે જરા શાંતિ રાખો ને. બેટા થયું શું? મમતા અને તારી વચ્ચે કંઇ ઝગડો થયો છે. મને કહે. હું હમણાં જ એની સાન ઠેકાણે લાવું છું. પણ આમ લગ્નનાં બે દિવસ પહેલાં આવી વાત ન કરાય.” આશાએ પરિસ્થિતી જોતાં શાંતિથી કામ લેવાનું વિચાર્યું.

“ ઝગડો શું એની સાથે તો વાત પણ કરી શકાય એમ નથી. સાવ અભણ ગમાર એવી એની સાથે બે ઘડી ઉભા રહેવું પણ ગમે એમ નથી.” શ્શાંકે મોં બગાડતાં કહ્યું.

“શશાંક, મોં સંભાળીને વાત કર. તું આ કોનાં વિષે વાત કરે છે ખબર છે ને તને? “ વિજયભાઈ પોતાની લાડલી દીકરી માટે આવી અપમાનજનક વાત સાંભળીને કાબૂ બહાર જતાં રહ્યા હતા.

“ જુઓ અંકલ, અત્યાર સુધી બને એટલી ધીરજથી તમારી સાથે વાત કરી રહ્યો છું. બાકી, મારા મનમાં અત્યારે કેટલું તોફાન ચાલી રહ્યું છે એની તમને જાણ સુદ્ધાં નથી. બાળપણમાં નક્કી કરેલા અમારા સગપણને, ફક્ત મારા પિતાજીની આબરૂ ખાતર મેં સ્વીકારી લીધેલું. થયું હતું, લગ્ન પછી ધીરે ધીરે મમતાને ઓળખી લઈશ. પણ મને શું ખબર હતી કે તમે લોકો મમતાને સાવ આવી અભણ જ રાખશો? લોકો ચાંદ પર પહોચી ગયા અને તમે હજી પણ જૂની પરંપરાને વળગીને બેઠા રહ્યા? હું શહેર ભણવા ગયો એ તો તમને ખબર જ હતી, છતાં તમે તમારી દીકરીને ઘરની ચાર દીવારમાંથી બહાર જ ન કાઢી? એ તો સારું થયું કે મને ગઈ કાલે આ વાતની ખબર પડી ગઈ, નહિ તો તમે તો પૂરો પ્લાન બનવી રાખ્યો હતો મારી જિંદગી બરબાદ કરવાનો. “

“ અરે પણ બેટા, મમતાનાં ભણતર વિષે તો પહેલેથી જ વાત થઇ ગઈ છે તારા બાપુજી સાથે. એવું હોય તો હમણાં જ આપણે ચોખવટ કરી લઈએ. તારા ઘરમાં બધાને જ ખબર છે કે મમતા ભણી નથી, અને એ લોકોને તો જરાય વાંધો નથી.” આશાએ બને એટલી શાંતિથી શશાંકને સમજાવવાની કોશિશ કરી.

“ આંટી, લગ્ન મારે કરવાના છે મમતા સાથે, મારા ઘરનાં એ નહિ. અને હું એક અભણ છોકરીને મારી પત્ની ક્યારેય બનાવી નહિ શકું. મેં બાપુજી સાથે પણ વાત કરી જ લીધી છે. “

“ શું કહ્યું એમણે? “

“ મારા લગ્નનો નિર્ણય ફક્ત હું જ લઈશ એવું મેં એમને ભારપૂર્વક કહી જ દીધું છે. એટલે તમે સમજી જ ગયા હશો. જય શ્રી કૃષ્ણ.” હાથ જોડીને શશાંક ત્યાંથી નીકળી ગયો.

આશા આઘાતની મારી ત્યાં જ ફસડાઈ પડી. વિજયભાઈ પણ શું કરવું એની વિમાસણમાં જડવત ઉભા રહી ગયા. ઘરનાં લોકોએ પણ વાત સાંભળી જ લીધી હતી. થોડી વાર પહેલા જ્યાં હસી ખુશીથી લગ્નની તૈયારીઓ ચાલતી હતી, ત્યાં એક ન કળાય એવી શાંતિ સ્થપાઈ ગઈ હતી.

‘ મારી વાત યાદ રાખજે. આજે નહિ તો કાલે પસ્તાવાનો વારો આવશે. ત્યારે યાદ કરીશ મને.’

કોણ બોલતું હતું આ? આશાએ બહાવરી બનીને આમતેમ જોયું. વિજયભાઈ ફોન પર શશાંકનાં પિતાજી સાથે વાત કરવાની વ્યર્થ કોશિશ કરી રહ્યા હતા. ઘરનાં બાકી બધાં જ સભ્યો આશાની આસપાસ વીંટળાઈ વળ્યા હતા. બધાં પોતાની રીતે આશાને સધિયારો આપવાની કોશિશ કરી રહ્યા હતા. પણ આશાને ક્યાં કંઈ જ સંભળાતું હતું? એને તો બસ પેલા શબ્દો રહી રહીને યાદ આવતા હતા.

‘ હજી સમય છે. મારી વાત માની જા. નહિ તો બહુ જ પસ્તાઇશ. ’

ફરી પાછો એ જ અવાજ. જાણે પોતાને જડમૂળથી ઉખાડીને ફેંકી દેવી હોય એમ એ અવાજ એના રોમ રોમમાં વ્યાપી રહ્યો હતો. આશાએ જોરથી કાન બંધ કરી દીધા.

“ અરે, કોઈ એ મમતાને આ વાતની જાણ કરી ખરા? હાય રે, મારી ફૂલ જેવી છોકરી. હવે શું થશે એનું? ” નિસાસો નાખતું કોઈ બોલ્યું.

‘ હા, મમતા. હવે કદાચ એ શશાંકને સમજાવી શકે. ’ આશા જલદીથી ઉભી થઇ.

“ મમતા સાથે હું જ વાત કરીશ. બીજું કોઈ જ નહિ. ” એ જલ્દીથી મમતાના રૂમમાં જવા ઉભી થઇ.

********

મમતા એના રૂમમાં હમણાં જ આવેલી મેંદીની ડીઝાઇનની બૂકમાંથી ડીઝાઇન જોતી બેઠી હતી. એ અને એની મિત્રો કઈ મેંદી મુકાવવી એની ચર્ચા કરી રહી હતી. આશાએ એ બધાને બહાર જવાનું કહીને રૂમ બંધ કર્યો.

“ માં, શું વાત છે? કેમ આટલી ચિંતામાં છે? ” મમતાએ પૂછ્યું.

અત્યાર સુધી બાંધી રાખેલી હિંમત તૂટી ગઈ અને આશાની આંખમાંથી આંસુ વહી ચાલ્યા. મમતા તો બેબાકળી થઇ ગઈ.

“ માં, કેમ રડે છે? બોલ ને માં. ”

આશાએ રડતાં રડતાં એને બધી જ વાત કરી. “ બેટા, હવે તું જ શશાંકને મનાવી શકે એમ છે. કંઈ પણ કર પણ એને આ લગ્ન માટે મનાવી લે. તું અત્યારે જ એને મળ અને એની સાથે વાત કર. ”

“ માં, આપણે તો બધી જ ચોખવટ કરી જ હતી ને એમની સાથે. પછી અત્યારે આ વાત ક્યાંથી આવી? ”

“ એ તો તું એની સાથે વાત કરે તો જ ખબર પડે ને. જલ્દી તૈયાર થઇ જા. ગમે તેમ કરીને એને આ લગ્ન માટે માનવી લે. ”

“ પણ માં, રિવાજ મુજબ તો...? ”

“એની તું ચિંતા ન કર. એ બધું થઇ રહેશે. હું કૈક વ્યવસ્થા કરું છું. તારા લગ્ન આડે કોઈ જ વિધ્ન નહિ આવે. રીવાજનું પણ નહિ. ” આશા કૈક નિર્ધાર કરતી ત્યાંથી નીકળી ગઈ.

*********

“ મમતા, આ તું ક્યાં લઇ આવી મને? શશાંક અહીં જ આવવાનો છે ને? ” આશા ઘેરથી મંદિર જવાનું બહાનું કરીને મમતા સાથે આવી હતી. વિજયભાઈ કોઈ કાળે નમતું નહિ જોખે એ એને ખબર હતી, એટલે જ એ ખોટું બોલીને પોતાની વહાલસોયી દીકરીનું નવજીવન બચાવવા છેલ્લી વારનો પ્રયત્ન કરવા આવી પહોચી હતી. મમતાએ પોતાની ખાસ દોસ્ત મારફત શશાંકને ફક્ત એક વાર મળવા બોલવ્યો હતો.

“ માં, એ આવતાં જ હશે. પણ તમને અહીં જોશે તો કદાચ...”

“ હા, હું અહિયાં આ ઘરની આડશે છુપાઈ જઈશ. તું ચિંતા ન કરતી.”

થોડીવારમાં દૂરથી કોઈ આવતું દેખાયું. અંધારું હતું એટલે જ્યાં સુધી પાસે ન આવે ત્યાં સુધી કળાય એમ નહોતું. આશા ઉભડક જીવે ત્યાં ઉભી ઉભી પોતાના કુળદેવીને બધું સમું સૂતરું પાર ઉતરે એ માટે વિનવી રહી હતી. થોડી વારમાં જ વાતચીતનાં અવાજો આવવા લાગ્યા. પોતાને શશાંક જોઈ ન જાય એટલે આશા એ બંનેથી ઘણું આંતર રાખીને ઉભી હતી, એટલે શું વાત થાય છે એ બરાબર સંભળાતી નહોતી. શરૂઆતની ધીમી વાતચીત ધીરે ધીરે ઉગ્ર સ્વરૂપ ધારણ કરવા લાગી એવું લાગતાં જ આશાને ફાળ પડી. ‘મારે મમતા સાથે જ રહેવું જોઈતું હતું.’ એને થયું.

થોડી વાર તો એ ત્યાં ઉભી રહી, પણ પછી ધીરજ ખૂટતાં એ બહાર નીકળીને એમની પાસે ગઈ. રોડની સ્ટ્રીટ લાઈટનું અજવાળું આવતા જ સામે ઉભેલા લોકો બરાબર દેખાયા. મમતા અને શશાંક સિવાયની ત્રીજી વ્યક્તિને જોતાં જ એ છળી પડી.

******

“અચ્છા, મોટી થઈને તું શું કરવાની એ કહે જોઈએ?” એણે પૂછ્યું.

“ હું? હું તો મોટી થઈને લગન કરવાની. ” આટલું બોલતા તો આશા શરમાઈ ગઈ.

“ અરે પાગલ, લગ્ન તો કરીશ જ પણ ભણી ગણીને શું બનવાની એમ પૂછું છું. ”

“ ભણીને હુ કરવાનું? છોકરીઓને ભણીને હુ ફાયદો ? એયને આખો દી ઘરનું કામ કરવાનું તો ભણવાની હુ જરૂર? ” આશાએ ફટાક દઈને જવાબ આપ્યો.

“ તું ક્યારે સમજીશ? અને કેટલી વાર કહ્યું, તારી ભાષા સુધાર. હુ નહિ શું કહેવાય. સમજી? ”

“ બસ બસ હવે. મને નો હમજાવ. તારું ડહાપણ તારી પાંહે જ રાખ. ” આશા છણકો કરતી ત્યાંથી ઉભી થવા જતી હતી કે એણે એને ખેંચીને બેસાડી.

“જો, આજે તારી સાથે બહુ કામની વાત કરવાની છે. પણ એ વાત ફક્ત આપણા બે વચ્ચે જ રહેવી જોઈએ. કોઈને કહેતી નહિ. ”

“ હોવ્વે. જલ્દી બોલ હવે. ” આશાને ચટપટી થઇ આવી.

“ જો મારાથી હવે વધારે સમય અહિયાં રહેવાય એમ નથી. મારે ખૂબ ભણવું છે અને અહિયાં કોઈ મને ભણવા નહિ દે. એટલે હું આજે રાતે જ અહીંથી નીકળી જઈશ. તારે પણ મારી સાથે જ આવવાનું છે. કોઈને પણ કીધા વિના અડધી રાતે અગાસીએ આવી જજે. ”

“હાય હાય, એમ કંઈ ઘરથી ભાગી જવાતુ હસે? ” આશા તો બૂમ પાડીને ત્યાંથી દોડી જ ગઈ. પાછળથી કોઈ આશા આશા નામની બૂમો પાડતું રહ્યું.

********

“ માં... માં... ક્યાં ખોવાઈ ગઈ? ” મમતા એને હચમાચવી રહી હતી.

“ આશા, કેમ છે તું? ” એ જ અવાજ. બસ ઉમરને લીધે થોડો વધુ ઘડાયેલો લાગતો હતો.

“ તું શું કરે છે અહી? તે દિવસે આખા ગામમાં ઘરની આબરૂ ધૂળધાણી કરીને તને સંતોષ ન થયો તે હવે આજે મારી દીકરીની જિંદગી બરાબર કરવા આવી ગઈ? હું હાથ જોડું તને, જતી રહે. પાછી જતી રહે. ”

“ આશા, હું ત્યારે પણ ખોટી નહોતી અને આજે પણ નથી. તારી દીકરી એ મારી પણ દીકરી જ છે ને. આખરે હું માસી છું એની. ” પેલી વ્યક્તિ એ આશાનાં હાથ પકડી લીધા. આશા એને વળગીને રડી પડી.

“ મોટી બેન, માફ કરી દે મને. નાનપણમાં અજાણતાં જ મેં તને ખૂબ રંજાડી છે. તારા લાખ સમજાવવા છતાં હું તારી વાત ન માની અને ભણતરને મેં મારાથી છેટું જ રાખ્યું. ફક્ત ભણવા ખાતર તે ઘર છોડ્યું એ ખબર પડતાં જ આખા ગામમાં અમારી ખૂબ બદનામી થઇ. બાપુ એ તો તારી સાથેનો બધો જ સંબંધ કાપી નાંખ્યો. બદનામીને લીધે રાતોરાત અમારે ગામ છોડીને જતું રહેવું પડ્યું. મારા મનમાં એવી ગાંઠ બેસી ગઈ કે તારી ભણવાની જિદ્દ જ આ બધાં પાછળનું કારણ છે. તે દિવસે જ મેં નક્કી કરી નાખ્યું હતું કે ભણતરનો એ રાક્ષસ મારા ઘરમાં ક્યારેય નહિ આવે. ”

“આશા, એ બધી વાતો ભૂલી જા. જે થયું એને યાદ કરીને કોઈ જ ફાયદો નથી. મારા મનમાં તમારા માટે કોઈ જ વેરભાવ નથી. ”

“મોટી બેન, તમને કરેલા અન્યાયનો બદલો મને આજે મળી ગયો છે. મારી મમતાને હું ભણતરથી દૂર રાખી શકી એ વાત માટે હું ખૂબ ખુશ હતી, આજે એ જ વાતે મારી દીકરીની જિંદગી બરબાદ કરી નાખી છે. એનું લગ્ન જીવન શરુ થતાં પહેલા જ ભાંગી પડ્યું છે. અને આ બધાં માટે હું જ જવાબદાર છું. ” આશા ચોધાર આંસુ એ રડી પડી.

“ આશા, યાદ છે તને, જતાં પહેલા મેં તને કહ્યું હતું કે ‘મારી વાત યાદ રાખજે. આજે નહિ તો કાલે પસ્તાવાનો વારો આવશે. ત્યારે યાદ કરીશ મને.’ સાચું કહું, મને ત્યારે જરા પણ ખબર નહોતી કે મારી કહેલી એ વાત સાચી પડશે. તને પસ્તાવો થયો છે એ હું જોઈ શકું છું. અને એટલે જ ભગવાન પણ તારી વહારે આવ્યો છે.” એણે હસતાં હસતાં કહ્યું.

“ એટલે? હું કંઈ સમજી નહિ. ”

“ એટલે એમ કે મમતા અભણ નથી. એ પણ શશાંક જેટલું જ ભણેલી છે. એ બંનેએ સાથે જ કોલેજ પૂરી કરી છે. શશાંક કોલેજ જઈને ભણ્યો છે અને મમતા ઘેર રહીને. ”

“ હા માં. તને યાદ છે, હું રોજ રેખા સાથે અલગ અલગ વર્ગોમાં જતી હતી. નાની હતી ત્યારથી જ. ક્યારેક શિવણ તો ક્યારેક ભરત ગૂંથન. ” અત્યાર સુધી ચૂપ રહેલી મમતા હવે બોલી.

“ હા, એ તો તને બહુ ગમતા. એક પણ દિવસ એવો નહિ હોય જયારે તું ત્યાં ન ગઈ હોય. ”

“ ત્યારે બીજી ઈત્તર પ્રવૃતિઓ તો હું શીખતી જ પણ સાથે સાથે મારું ભણવાનું પણ ચાલુ રહેતું. ફક્ત હું જ નહિ, મારી સાથે આવતી બીજી બધી જ છોકરીઓ પણ ત્યાં ભણતી. અને માં જાણે છે કોણ ભણાવતું અમને? મોટા માસી. એમની મહેનતથી જ અમે બધાં અત્યારે કોલેજ સુધીનું શિક્ષણ લઇ શક્યા છીએ. ” મમતાએ આભારવશ એમની સામે જોયું.

“ અરે પણ તો તે મને પહેલા કેમ કહ્યું નહિ? અને તો પછી આ લગ્ન ન કરવાની વાત શા માટે આવી? ”

“ એ મારો અને મમતાનો વિચાર હતો, આંટી. મમતાને ખબર પડી ગઈ હતી કે એના મોટા બહેન એ બીજું કોઈ નહિ એના મોટા માસી જ છે. એના ભણતરમાં એમનો ફાળો બહુ જ મોટો છે. મમતા પોતાના લગ્નમાં તમારા બંને વચ્ચેની ગેરસમજને દૂર કરવા માંગતી હતી. એટલે એણે મને વાત કરી, અને મેં એનો સાથ આપ્યો. તમને અને ઘરનાંને હેરાન કર્યાં એ બદલ માફી માંગું છું, આંટી. ” શશાંક પણ હવે વાતમાં ભળ્યો.

“ હા આશા, મને તો આ બંનેએ હમણાં જ વાત કરી. અને એટલે જ હું એમને વઢતી હતી. ”

“ મોટી બેન, આ બાળકોએ તો આજે મારી આંખ ખોલી નાખી છે. આટલા વર્ષોમાં માં થઈને હું જે ન કરી શકી એ તમે કરી દેખાડ્યું છે. તમારો ઉપકાર માનું એટલો ઓછો છે. ” આશાને માન્યામાં જ નહોતું આવતું કે ખરેખર લગ્ન આડે જે વિધ્ન હતું એ ટળી ગયું હતું. અને એ બન્યું હતું ફક્ત એની મોટી બેનને લીધે.

************

“ આજે મમતાના લગ્ન પ્રસંગે જયારે મમતા આપણાથી દૂર જઈ રહી છે ત્યારે એક માં તરીકે એનું દુઃખ પણ છે અને સાથે સાથે મમતાને લીધે જ મને મારો એક અમૂલ્ય સંબંધ પાછો મળ્યો છે એની ખુશી પણ છે. નિશાબેન, મારા મોટી બેન, જે ઘણા વર્ષો પહેલા અમને બધાને છોડીને જતાં રહ્યા હતા, એ આજે મને પાછા મળ્યા છે. એમનું ઘર છોડવાનું કારણ તમને કહીશ તો તમને નવાઈ લાગશે કે ફક્ત આવા કારણથી કોઈ ઘર છોડીને જાય? પરંતુ, મને ગર્વ છે કે મારી મોટીબેને બહુ દૂરંદેશી વાપરીને નાની ઉમરમાં કરેલો એ નિર્ણય આજે મને કામ આવ્યો છે. હું સાતેક વર્ષની અને એ દસ વર્ષની. ઉમરનો તફાવત ક્યારેય અમારી વચ્ચે આવ્યો જ નહોતો. બસ એક જ વાતે અમારે બંનેને ઝગડો થતો, ભણતરને લઈને. એને ખબર નહિ ક્યાંથી ભણવાનું ભૂત વળગ્યું હતું. આખો દિવસ માં-બાપુથી છુપાઈને કંઈ ને કંઈ વાંચતી જ હોય. પુસ્તકો ક્યાંથી આવતા એની પાસે એ પણ એક રહસ્ય હતું. આપણા ગામનો માહોલ તો તમે જાણો જ છો. છોકરીઓએ ભણવાની જરુર જ નથી એવું બધાં દ્રઢપણે માને પણ ખરા અને ચુસ્તપણે પાળે પણ ખરા. બસ, ભણવાની જિદ્દે એની પાસે ઘર છોડાવ્યું. મને બહુ ગુસ્સો આવ્યો હતો એના પર.

બાપુએ એની સાથેનો સંબંધ જ કાપી નાખ્યો. એ ક્યાં છે, શું કરે છે કોઈ જ વાતની તપાસ ન કરાવી. એની છેલ્લે દિવસે કહેલી વાત મને યાદ રહી ગઈ હતી ‘ભાષા સુધાર તારી.’ બસ ત્યારથી મેં મારી ભાષા સુધારી છે અને મમતાને પણ એવી જ રીતે ઉછેરી છે. પણ એક બાબતમાં હું કાચી પડી. ભણતરથી દૂર રાખી મેં એને. આજે મને સમજાય છે કે ભણતર કેટલું જરૂરી છે, છોકરા અને છોકરી બંને માટે. મોટીબેને પોતાનું આખું જીવન સમર્પી દીધું ભણતર પાછળ. આપણને જાણ પણ કર્યાં વિના ગામની બધી જ છોકરીઓને શિક્ષિત કરી દીધી એમણે. માં થઈને જે કામ આપણે ન કરી શકયા એ એમણે કરી બતાવ્યું છે. માસી શબ્દનો સાચો અર્થ એ જીવી બતાવ્યા છે. મમતાના લગ્નમાં આવેલી અડચણ તો જાતે ઉભી કરેલી હતી પરંતુ મારી આંખ તો ઉઘડી ગઈ છે. ભણતર કેટલું મહત્વનું છે એ હું તો સમજી ગઈ છું. અને એટલે જ મેં નક્કી કર્યું છે કે હવેથી હું પણ ભણીશ. આમ પણ ભણવાની કોઈ ઉમર નથી હોતી, ખરું ને મોટીબેન?”

ત્યાં હાજર બધાં એ તાળીઓથી આશાની વાતને વધાવી લીધી. એટલું જ નહિ, બધી સ્ત્રીઓએ અગ્નિની સાક્ષીએ ભણવાના સોગંદ લીધા. એક અનોખી પહેલની શરૂઆત થઇ રહી હતી, અને મમતા અને શશાંક ખૂશ હતા કે એમનાં લગ્ન એ માટે નિમિત્ત બન્યા હતા.