Ghugavta sagar nu maun -3 in Gujarati Fiction Stories by Sapana books and stories PDF | ઘુઘવતાં સાગરનું મૌન - ૩

The Author
Featured Books
Categories
Share

ઘુઘવતાં સાગરનું મૌન - ૩

સુહાગરાત પૂરી થઈ..સવાર પડી ગઈ...બે શરીર કે બે આત્માઓનું મિલન ન થઈ શક્યું..નેહાની જીવનની સૌથી લાંબી રાત હતી..જેની સવાર પડતાં પડતાં જાણે વરસો નીકળી ગયાં...નેહા સર્વસ્વ ભૂલી આકાશની થવા માંગતી હતી. પણ આકાશે એનાં એ સપના ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું. હા સવાર તો પડવાની જ હતી..પણ આ સવાર પછી નેહાનું જીવન બદલાઈ જવાનું હતું. ન તો એ પહેલાની નેહા રહેવાની હતી કે ન તો એ અલ્લડ જીવન...એ પોતાના રુમમાંથી બહાર આવી..મમ્મી પગફેરા માટે તેડવાં આવી હતી. મમ્મીને જોતા જ આંખોમાં દબાયેલાં આંસું ઊમટી આવ્યાં..મમ્મીને વાત કરવી જોઇએ? ના ના કોઈને પણ નહીં..આકાશના તો કેટલાં વખાણ થઈ રહ્યા છે? કોણ માનશે મારી વાત્. એ મમ્મીને ગળે લાગી ગઈ...આંખોમાંથી અનરાધાર આંસું પડી રહ્યા હતાં..

એટલામાં આકાશ કારની ચાવી હવામાં ગોળ ગોળ ફેરવતો આવ્યો..એ એકદમ મમ્મીથી અલગ થઈ ગઈ...આકાશ તો મંદ મંદ સ્મિત કરતો મમ્મી પાસે પહોંચ્યો અને મમ્મીને પગે લાગી ગયો.મમ્મીએ આશીર્વાદ આપ્યાં..અને નેહાની સામે સ્મિત કરતો એ દરવાજા પાસે પહોંચી ગયો..અચાનક પાછળ ફરીને નેહાને પૂછ્યુ," સ્વીટુ, તને કાર જૉઇએ છે?" ડ્રાઈવર તને અને મમ્મીને લઈ જશે..." નેહા ના કહે એ પહેલા.. "દિનુકાકા, મેમસાબ અને એમના મમ્મીને એમનાં ઘરે મૂકી આવજો...સ્વીટુ સાંજે હું જ તને લઈ જઈશ.." નેહા કાંઈ બોલી નહી..તેની સાસુએ મમ્મીની ખૂબ આગતા સ્વાગતા કરી..ખૂબ પ્રેમથી બન્ને ને ઘરે મોક્લી આપ્યાં.

સૂરજને ક્યાં કાંઈ બીજુ કામ છે...પોતાની ગતિમાં ફરવાં સિવાય? બપોર ગઈને સાંજ આવી ગઈ. નેહાનું દિલ ધડકવા લાગ્યું..હમણા આકાશ આવી જશે ..અરે રે આ ઘડિયાળનાં કાંટા અટકી જાય તો સારું..પણ આકાશ આવી જ ગયો લેવા માટે... અને આવીને જરા અડપલું પણ કરી લીધું..મમ્મી ખુશ થઈ ગઈ જમાઈનો નેહા ઉપર પ્રેમ જોઈને..."મમ્મી, હું કાલે જાઉં તો? આજ રોકાઈ જાઉં તો?? મમ્મી હસી પડી...નારે બેટા આજ તો જવું જ પડે તારે ઘરે તને બધાં સગા વ્હાલાં મળવાં આવશે...આજ ના રોકાવાય..અને ફરી આવજે..કેમ જમાઈરાજ બરાબરને?" અને નેહા કમને ઊભી થઈ ...પોતાનાં ઘર તરફ એક નજર કરી...કેટલો પ્રેમ અને સુખ છોડીને એ આકાશ પાસે ગઈ હતી?? અને આકાશે એને શું આપ્યું??

નેહા કારમાં જઈ બેસી ગઈ..ખંધુ હસતો આકાશ ચાવી ફેરવતો ફેરવતો આવ્યો..ડ્રાઈવર સીટ પર બેસી ગયો..." કહો રાણી ક્યા લઈ જાઉં? ઘરે કે ફરવા કે મુવીમાં? નેહા જાણે ગણગણતી હોય એમ બોલી."ઘરે!!" નેહા આકાશ સાથે જરા પણ સહેલાઈથી વાત કરી શક્તી હતી. મનમાં ભય હતો કે એ કાંઈ બોલશે તો આકાશ તરત સાગરને યાદ કરીને મહેણું મારશે...સાગર...સાગર તે મને કેવી પરિસ્થિતીમાં મૂકી દીધી છે??? તું આવીને જોઈ લે તારી નેહાની હાલત...આનાં કરતાં તે મને એમ કહ્યુ હોત કે તું મારી રાહ જોજે..હું જિંદગીભર તારો ઇન્તેઝાર કરી લેત.અથવા ઝહેર જ આપી દીધું હોત તો....પણ તે તો મને એવી કફોડી હાલતમાં મૂકી દીધી છે કે હર પળ તને યાદ રાખવો પડે છે કે તારા વિશે કાંઇક બોલાય ના જાય..તું તો દૂર થઈને કેટલો નજદીક આવી ગયો??હવે હું શું કરું???તું જ કહે તું જ કહે..નેહાએ સાડીની કિનારીથી પાંપણ લૂંછી..આકાશ તરત બોલ્યો, નેહા, તું મારી પાસે તો નથી તો ક્યાં ખોવાયેલી છે? સાગર સાથે છે કે શું???

નેહા ચૂપ હતી..મનમાં બોલી ઊઠી..હા એની પાસે જ છું...તું મને ક્યાં એને ભૂલવાં દઈશ...પણ કાંઈ બોલી નહી..નેહાનું મન બે દિવસમાં જ આકાશ પરથી ઊતતરવાં માંડ્યુ. મનમાં કડવાશ જ હતી અને જ્યાં કડવાશ હોય ત્યાં પ્રેમ કેવી રીતે રહે? સપનાં જે લઈને આવી હતી કે આકાશનામ પ્રેમમાં હું સાગરને ભૂલાવી દઈશ..એક પતિવ્રતા પત્નિ બની આકાશના જીવનને કીલકીલયારીથી ભરી દઈશ, પણ આકાશ તો એક પણ મોકો છોડતો ન હતો સાગરને યાદ કરાવાનો...હવે શુ?? આમ જ જીવન જશે કે મારાં હિસ્સામાં થોડી પણ ખુશી હશે??? મારો દોષ કોઈ બતાવે...કોઈ કોમળ હૈયાની યુવતી પ્રેમમાં પડી જાય એમ પડી ગઈ અને નસિબમાં એ પ્રેમ ન હતો..તો ચૂપચાપ છોડીને આકાશ પાસે આવી..તો આકાશે તો જાણે માફ ના કરી શકાય એવો ગુનોહ કર્યો છે એમ રોજ રોજ એની સજા આપવાનું નક્કી કર્યું છે ...

આકાશે જોરથી બ્રેક મારી એ એકદમ ડેશબોર્ડ સામે ધસી ગઈ..અને તંદ્રામાંથી જાગી પડી. ઘર આવી ગયું હતું..એ સંભાળીને ઉતરી..અને ઘરમાં આવી ગઈ..સાસુમા આશાબેન ખૂબ સરસ સ્વભાવનાં હતાં." આવી ગઈ દીકરી,તે તો મને એક દિવસમાં તારી આદત પાડી દીધી..તારા વગર આખો દિવસ ક્યાંય ગમતું ન હતું,બેટા!!" નેહા સાસુને પગે લાગી ચૂપચાપ બેડરુમ તરફ ગઈ..આકાશ કાર લઈને ખબર નહીં ક્યાં ઉપડી ગયો...નવી દુલ્હન..અજાણ્યું ઘર...એને ખબર પડતી ન હતી કે એ આ ઘરમાં કેવી રીતે ગોઠવાઈ જાય..બેડરુમ ખાવા ધાતો હતો..અને બહાર તો જાણે એકદમ અજાણી હતી...એને થયું કે જો રુમની બહાર નીકળશે તો ભટકાઈ જશે...

ઘરની એક કામવાળી જમવાં બોલાવવા આવી..એ ડાઈનીંગ રુમમાં આવી પણ સાસુની સામે જોઈને બોલી," બા,હું આકાશની રાહ જોઉં છું અમે સાથે જ જમીશુ."
"અરે બેટા, જમી લેને એનું કાંઈ ઠેકાણું નહીં મોડો પણ આવે તું શું કામ ભૂખી રહે છે?" નેહાએ કહ્યુ," બા, આમ પણ મને હાલ બહું ભૂખ નથી. હું એમની પ્રતીક્ષા કરું છું." સારું બેટા, તારી જેવી મરજી!! પણ ભૂખ લાગે તો મેનાબેનને કહેજે થાળી પીરસી દેશે." "સારુ." કહી નેહા બેડરુમમાં પાછી ફરી...બેડરુમમાં નાનો ટીવી હતો..એ ચાલુ કરી બેસી ગઈ...ટીવી જોતાં જોતાં એની આંખ લાગી ગઈ..લગભગ બે વાગે આકાશ આવ્યો...એ ઝબકીને જાગી ગઈ...નેહાએ આકાશને જમવા માટે પૂછ્યું એણે ના પાડી..એ પણ ભૂખી સુઈ ગઈ...લગનની બીજી રાત...નેહાને પૂછવાની હિમત પણ નથી કે આકાશ તું ક્યાંથી આવ્યો? તને આટલી વાર ક્યાં લાગી? આકાશે ચાલાકીથી એ બધાં હક એની પાસેથી ઝૂંટવી લીધાં હતાં...ઉદાસી આંખોમાં છવાઈ ગઈ...દૂર દૂર સુધી વેરાની હતી..આંખો ના પહોંચે એવાં રણ હતા....દૂર દૂર દૂર સુધી અને પ્રેમજળનું એક ટીપું ના હતું...આ રણ એવાં કે મૃગજળ પણ ના હતું..આ ઉદાસી ક્યાંથી આવી ..આ સુનામી ક્યાંથી આવી???

નેહા સવારે ઊઠી..આંખો લાલચોળ હતી કદાચ આકાશ આવ્યાં પછી સુઈ નહીં શકી હોય...સવારનાં પહોરમાં શાવર લઈ એ બાથરુમમાંથી બહાર આવી ભીનાં વાળ ગોરું તન..સદ્યસ્નાતા..જાણે ઓસમાં કોઈ કળી ભીંજાઈ ગઈ હોય એવું લાગતું હતું.. એ એટલી સુંદર લાગતી હતી..કે આકાશની અંદર રહેલો પુરુષ બળવો કરી ગયો. આકાશે નેહાને નજદીક બોલાવી...એક ચાવી દીધેલાં પૂતળાની જેમ એ આકાશની નજદીક આવી..આકાશે એને પોતાનાં બાહુપાશમાં ઝકડી લીધી..અને નેહાનું મન લાગતું ના હતું. પતિ હતો..હક હતો..પણ નેહા અંદરથી થર થર કાંપતી હતી...ડરતી હતી...અને એ ગભરાયેલી હતી...ક્યાંક સાગરનું નામ આવી જશે તો...ક્યાંક આ પણ પ્રેમ નહી પણ એક ચાલ હોય તો????પણ નેહા સાથે આકાશે પોતાની વાસના પૂરી કરી લીધી..બેબાકળી નેહાને સમજ ના પડી કે જેને દુનિયા પ્રેમ કહે છે ..એ શું આજ છે??? આવાં પ્રેમ માટે અંતરમન તૈયાર ન હતું..પણ આકાશ પતિ હતો.સર્વ હક ધરાવતો હતો..ગુપચુપ ઊભી થઈ એ ફરી શાવરમાં ગઈ..તન પર પાણી પડતું રહ્યુ..અને આંખોમાંથી આંસુ!!! શાવરમાં રડવાનો આ એક ફાયદો કોઈને ખબર ના પડે આ ખારું પાણી છે કે મીઠું.......નેહાની આંખો વહેતી રહી...

નેહાની આંખનાં ખૂણામાંથી અશ્રુધારા વહી રહી હતી..સાગર સ્તબ્ધ બની નેહાની વાતો સાંભળી રહ્યો હતો..અત્યાર સુધી એ વહેમમાં હતો કે એની નેહા સુખી ઘરમાં ગઈ છે અને ખૂબ મોજ મજાથી જીવે છે. પણ મોટાં મહેલો જો સુખ અને શાંતિ આપતા હોત તો દુનિયાના ઈતિહાસમાં ઘણાં રાજાઓ અને બાદશાહો થૈ ગયાં..એ બધાં દુખી ના હોત..પણ નેહા સુખી ના હતી મારૂતીની ડીલરશીપ કે દિલ્હીનો મોટો બંગલો મારી નેહાને સુખ ના આપી શક્યા...આમાં મારો જ વાંક છે..મારે નેહાને મઝધારે છોડવાની ન હતી. મારે નેહાને કોઈ પણ સંજોગોમાં મારી સાથે જ રાખવાની હતી...નેહા ..નેહા મને માફ કરજે...મેં તારાં સાથે અન્યાય કર્યો છે...હું સ્વાર્થી બની ગયો ભાઈ બહેનોનાં ભવિષ્ય માટે પણ હું પુરુષ છું...મારે મારાં કાર્યમાં તને પણ સાથે રાખવાની હતી...માફ કરજે નેહા ..મારાં લીધે આ બધું તને સેહવાનો સમય આવ્યો..હે ભગવાન..મને માફ કરજે..મે આ નિર્દોષને કુવામાં નાંખી...

સાગર આરામ ખુરશીમાંથી ઊભો થયો,,ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢી નેહાને આપી..નેહાની પાંપણ પરનાં અશ્રુને એને હથેળીમાં જીલી લીધાં.નેહાએ ઊંડો શ્વાસ લીધો..નેહાને આટલી ઉદાસ અને મજબૂર એને ક્યારેય જોઈ ન હતી..નેહાએ ઉદાસ આંખથી ગેલેરીની પાળ ઉપર બેઠેલાં એક પંખીને જોયું..ફરી આંખો છલકાઈ ગઈ.. કેટલું મુક્ત હતું ..આઝાદ હતું. અને એ એનાં પગમાં અદ્રશ્ય સાંકળ બાંધેલી છે ..એ ઊડી ન શકે..એનાં વિચારો ઊપર એનાં શ્વાસો ઊપર પણ એનો અધિકાર ના હતો.. એ સાગર પાસે શું કામ આવી???? મારે અહીં આવવાની જરૂર ન હતી..સાગર કેટલો ઉદાસ લાગી રહ્યો છે..મારાં દુઃખ એની આંખોમાં છલકાઈ રહ્યા છે..

સાગરે એનો નાજુક હાથ હાથમાં લઈને કહ્યુ.."નેહા, આજ તું મારાંથી કાંઇ ના છૂપાવતી...તારાં દુઃખનો જવાબદાર હું જ છું. તને સુખ તો ના આપી શક્યો પણ મને તારાં દુઃખનો ભાગીદાર બનાવ..ભલે કદાચ તારાં દુઃખ હું લઈ નહી શકું પણ ભાગીદાર બનાવીશ તો ઓછાં તો જરૂર થશે."નેહાએ સાગરનો હાથ આંખોં પર લગાવી દીધો..એની ભીની આંખોથી સાગરનો હાથ ભીનો થયો..સાગરનાં દિલમાંથી એક આહ નીકળી ગઈ...

નેહાએ આંખો બંધ કરી સાગરનાં ખોળામાં એનું માથું મૂકી દીધું..જાણે ગભરાયેલું કોઈ સસલું લપાઈને ઝાડની બખોલમાં ભરાઈ જાય..સાગરની આંગળીઓ અનાયાસે એનાં સુંવાળા રેશમી વાળમાં ફરવાં લાગી...નેહાની આંખો બંધ થવા લાગી જાણે વરસો પછી નિંદ્રા આવવાની હોય...પણ ઝબકી પડી અને સામે કાળઝાળ ભૂતકાળ તરવરવાં લાગ્યો.સાગરની આંગળીઓ એનાં માથામાં ફરતી રહી...અને એ ફરી આકાશ પાસે પહોંચી ગઈ...

એ દિવસે જ્યારે આકાશ સાથે શારીરિક સંબંધ બંધાયા પછી..એ એ સંબંધને પ્રેમનો સંબંધ ક્યારેય ના કહી શકી..શાવર લઈને એ ડાઈનીંગ રુમમાં આવી...આકાશના ચહેરા પર શરારતી લૂચ્ચું સ્મિત હતું...એણે મમ્મીને કહ્યુ" મોમ, હું અને નેહા હનિમુન માટે સ્વિઝરલેન્ડ જઈએ છીયે આવતી કાલે.. આ રહી અમારી ટીકીટ.." આકાશે ટીકીટ ટેબલ પર મૂકી દીધી..નેહાના દિલમાં ધ્રાસકો પડ્યો..અરે બાપરે..મારે આકાશ સાથે એકલાં રહેવાનું...મોઢા પર ના આવી ગઈ પણ શબ્દો ગળામાં ક્યાંક અટવાઈ ગયાં..સહેજ બડબડતી હોય એમ કહ્યુ," મારી તબિયત સારી નથી." આકાશે તરત વાત કાપી નાંખી,"તું ચાલ તો ખરી સ્વિઝર્લેન્ડ દુનિયાનું સ્વર્ગ છે..તારી તબિયત સરસ થઈ જશે." મમ્મી તો ખૂબ ખુશ હતી..."હા, હા ફરી આવો..જવાન માણસની તબિયત વળી કેટલાં દિવસ ખરાબ રહે...જાઓ બેટા તૈયારી કરો..ગરમ કપડાં પણ લેજો...તારાં બાપુજી મને લઈ ગયેલાં....ખૂબ સરસ જગ્યા છે."

નેહા ઊભી થઈ..બેડરુમમાં ગઈ..આકાશ એનો પતિ હતો...આ બન્ને વચે કેવું અંતર આવી ગયું હતું કે એની કોઈ પણ વાત..સ્વિઝરલેન્ડ લઈ જવાની વાત પણ એને ખુશી ના આપી શકી. એક મોટી ખાઈ એમની વચે આટલાં ઓછાં સમયમાં પડી ગઈ હતી. કે એ ખાઈ ઓળંગવી નેહાના હાથની વાત રહી ન હતી.
આકાશ પાછળ પાછળ આવ્યો...આ અંતર ઘટાડવું જ રહ્યુ...જિંદગી કાઢવાની છે આકાશ સાથે. એ મારો પતિ છે..મારે એની ઈચ્છાને માન આપવું જ જોઈએ. હે પ્રભુ, મને તાકાત આપ કે હું આકાશને અંતરમનથી ચાહી શકું અને એનાં દિલમાં પણ મારી ચાહત પેદા કર..હે પ્રભુ, અમારાં બન્નેનાં જીવનને એક કરી દે..અમને સાચાં અર્થમાં પતિપત્ની બનાવી દે..મને મનથી એની અર્ધાંગીની બનાવીદે પ્રભુ બસ એટલું જ માંગું છું.મન મજબુત કરી એ તૈયારી કરવા લાગી...આકાશ એની બેગ ભરતા એની સામે ત્રાસી આંખે જોયા કરતો હતો...બેગ ભરી એ ઝીપર મારતી હતી ત્યાં આકાશ નજીક આવ્યો અને બોલ્યો," સાગરને પણ પેક કર્યો કે નહીં?" નેહાનાં ચહેરા ઉપર થોડીવાર માટે જે પ્રકાશ છવાયો હતો...એ અંધકારમાં ફેરવાઈ ગયો.મનમાં મક્કમતાથી કરેલો નિર્ણય કે એ આકાશને અનુકુળ થવાં પ્રયત્ન કરશે એકદમ કડડભૂસ થઈ ગયો. આકાશ પાસેથી કોઈ પણ સારી અપેક્ષા રાખી નહીં શકાય એની ખાતરી થતી જતી હતી...આવાં જ મહેણા અને ટોણા અને માનસિક ત્રાસ સાથે આ જીવન જશે??નેહાએ આંખોનાં ખૂણા લુછ્યાં..અને બેગ બંધ કરી...

બીજા દિવસની ફ્લાઈટમાં નેહા અને આકાશ સ્વિઝરલેન્ડ પહોંચી ગયાં. જીનીવા રળીયામણું શહેર છે...શહેરની વચે તળાવ અને તળાવમાં ધોધ અને આસપાસ યુનોની ઓફીસો હરીયાળુ શહેર..ત્યાંથી મિલાન ગયાં અને ત્યાંથી જુરીક...દુનિયામાં જો સ્વર્ગ છે તો અહીં જ છે... એવું કુદરતી સૌંદર્ય છવાયેલું છે. બરફથી છવાયેલા પહાડો..અને ગળામા બેલ બાંધેલી ગાયોના ધણ..જાણે વૃંદાવન...બોલીવુડના કોઇ મુવી જેવું લાગતું હતું..સાગર યાદ આવી ગયો..મારો સાગર હોત તો હાથમાં હાથ નાંખીને કલાકો સુધી આ બર્ફીલા પહાડો પર ચાલ્યાં કરત ..ચૂપચાપ...પ્રેમને વળી ક્યાં ભાષાની જરૂર પડે છે...શબ્દોથી પ્રેમ દર્શાવી એનું મૂલ્ય ઓછું શું કરવું?? હાથ માં હાથ લો અને એ સ્પર્શની નરમીથી ખબર પડી જાય કે કેટલો પ્રેમ છે...હા ભાષાની જરૂર જ નથી..આકાશ હોટલમાં બેઠો રહેતો અને શરાબ પીધા કરતો..અને નેહા સાગર સાથે કલ્પનામાં દૂર દૂર સ્વિઝરલેન્ડનાં હરિયાળા ખેતરોમાં અને ફૂલો વચે મહોબતના ગીતો ગાયા કરતી..સપનાંમાં જીવવાની અને કલ્પનામાં પ્રેમ કરવાની આદત નેહાને પડવા લાગી...જે સાગરને દૂર છોડીને આવવું હતું..એ સાગરને આકાશે બેગમાં પેક કરાવી સાથે લઈ લીધો હતો..હવે સાગર નહીં છૂટે નહી ભૂલાય...

આઠ દિવસ નીકળી ગયાં..દિલ્હી પાછાં ફર્યા ..આકાશનાં તીર જેવાં શબ્દો અને મહેણાની યાદો લઈ નેહા આવી ગઈ પાછી. ક્યારેક મન વગરનાં શારિરીક સંબંધની તો ક્યારેક..અણગમતાં સ્પર્શની યાદો. અશોક જાની 'આનંદ'ની ગઝલનો એક શેર નેહાને યાદ આવી ગયો...
સ્પર્શ ચાહત, સ્પર્શ નફરત, સ્પર્શ સુખ કે વેદના,
સ્પર્શ તો 'આનંદ' કે અવસાદ સમજાવે ભલા.
અશોક જાની'આનંદ'
સ્પર્શ કેટલાં પ્રકારનાં હોય ..પણ આ સ્પર્શની ભાષા પણ અદભૂત હોય છે...સ્પર્શ બતાવી દે છે કે કેટલી ઊષ્ણા છે તમારાં પ્રેમમાં...જાણે સ્પર્શ એક પારાશીશી હોય..માપદંડ...આઠ દિવસ નીકળી ગયાં..નેહાનાં ચહેરા પરથી સ્મિત ઊડી ગયું...હવે કોઈ વાત પર હસવું આવતું નથી..પહેલાં દરેક વાત પર આવતું હતું..
પહેલે હર બાત પર હંસી આતી થી
અબ કીસી બાત પર નહી આતી..નેહા વિચારમાં પડી જતી..

હોઠોને મૂકી
આ સ્મિત ઊડીને

ક્યાં જતું હશે?

માનો યા ના માનો

એ આંખોનાં દરિયામાં

ઊતરીને ખારું પાણી બની

આંખોમાં આંસું થઈને

વહેતું હશે!!