ડોક્ટરની ડાયરી
(15)
ડૉ. શરદ ઠાકર
આંસુના ખળ-ખળ ઝરણાં ને આંખો તાજી-તાજી છે
‘ચાલ, હું તો પાણીપૂરી ખાવા જઉં છું, તારે આવવું છે?’ નિર્મલે પૂછ્યું. હું ત્યારે પોસ્ટગ્રેજ્યુએશન કરતો હતો. નિર્મલ મારો નવો-સવો મિત્ર બન્યો હતો. એ ગુજરાત યુનિવર્સિટીમાં આર્ટસ વિભાગમાં પોસ્ટગ્રેજ્યુએશન કરતો હતો.
‘હું પાણીપૂરી ખાતો નથી, પણ તને સંગાથ આપવા માટે સાથે આવીશ.’ મેં કહ્યું અને અમે આશ્રમ રોડ ઉપર નીકળી પડ્યા. નમતી બપોર હતી. વૈશાખનો ધોમ ધખ્યે જતો’તો. આશ્રમ રોડ પર એક ગંદી જગ્યાએ ખૂણામાં નેતરના મૂંઢા જેવા સ્ટેન્ડ ઉપર ગંદુ માટલુ લઇને ભૈયો ઊભો હતો. એની સામે માટલા ફરતે સાત-આઠ છોકરીઓનું વર્તુળ જામ્યું હતું. નિર્મલ પણ એમાં ભળી ગયો. ભૈયાજીએ હાથમાં કોણી સુધી મોજા પહેર્યા હતા અને પિત્તળના ડોયા વડે એ પાણીપૂરી તૈયાર કરી રહ્યા હતા.
‘અહીં બધું નીટ એન્ડ કલીન હોય છે, હું તો ભૈયાજી સિવાય બીજે ક્યાંયની પાણીપૂરી ખાતી જ નથી.’ એક છોકરીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી શીખેલા અંગ્રેજી શબ્દોનો છંટકાવ સાથે જાહેર કર્યું.
‘ઉમ્મ્...!’ બીજી બોલી ઊઠી, ‘આપણે ઘરે ભલે ને ગમે તેટલી મહેનત કરીએ, પણ આ ભૈયાજીના જેવું ટેસ્ટી પાણી બને જ નહીં!’
‘તમે પાણીમાં શું-શું નાખો છો, ભૈયાજી?’ ત્રીજીએ ટહુકો કર્યો.
‘ઇસમેં તો ઐસા હૈ ના બહનજી...’ ભૈયાએ પોતાનું કામ ચાલુ રાખીને જવાબ આપ્યો, ‘હમરે પાની કે અંદર પૂરે બત્તીસ જાત કે મસાલે પડત હૈ. અબ હમ કિતને ગિનવાયે? આપ એક કામ કિજીયે ના! જબ ભી ગોલગપ્પે ખાને કા મન બન જાયેં તો હમરે ખૂમચે પે આ જાના. ઘર પે તકલીફ ઊઠાને કી કા જરૂરત હૈ?’તિતલીઓનું ટોળું હોજરી ફાટી જાય એટલી પાણીપૂરી ખાઇને રવાના થયું.
પછી સાડીઓ પહેરેલી બે-ત્રણ મહિલાઓનો વારો લાગ્યો. ‘હું તો રોજ આવું છું. ભલે પાંચ તો પાંચ, પણ જ્યાં સુધી અહીંની પાણીપૂરી ન ખાઉં ત્યાં સુધી સંતોષ થતો નથી.’ એક મહિલા રડતાં-રડતાં કહી રહી હતી.
મારાથી પૂછાઇ ગયું, ‘બહેન, તમે રડો છો શા માટે?’
‘પાણીપૂરીનું પાણી બહુ તીખું છે ને એટલે. મને રોજ આંખોમાં પાણી આવી જાય છે. ક્યારેક તો એવી હેડકી ઉપડે કે ન પૂછો વાત!’
‘હેડકી ઉપડે એ સારું કે’વાય, એમ?’ મેં નિર્દોષતાથી પૂછ્યું. એને મારી નિર્દોષતામાં બાઘાપણું દેખાયું. આંખો કાઢીને એ પોતાનો કવોટા પૂરો કરવામાં મગ્ન બની ગઇ.
મહિલા-જગત પૂરું થયું એ પછી નિર્મલનો નંબર લાગ્યો. એ અનેરા આનંદ સાથે પાણીપૂરીનો લુત્ફ ઊઠાવી રહ્યો હતો. ભૈયાજી વાતોનાં ગોલગપ્પા પણ પીરસી રહ્યા હતા, ‘યે જો બહનેં થીં ના...બડી વાલી બહનેં...વો તો રોજ આવત હૈ. અપને ઘર કા શાક-સબ્જી લેને નીકળતી હૈ, તો ઉમમેં સે એક-દો રૂપયા બચાકર હમરી પાનીપૂરી ખા લેવત હૈ. ઇક આદત સી બન જાતી હૈ ન, સા’બ? હમરી પકોડી કા ઝાયકા હી કુછ ઐસા હૈ! હમ કા કરે?’
ભૈયાજી શું કરતા હતા અને શું કરી શકતા હતા એની જાણ મને અનાયાસ એક દિવસ થઇ ગઇ. હું ત્યારે બાવીસ વર્ષનો હતો. મારી પાસે વાહનના નામે સાઇકલ પણ ન હતી. વાડીલાલ હોસ્પિટલમાં ભણતો ત્યારે સિટીબસમાં જ જતો-આવતો હતો. એક બળબળતી બપોરે હું બસ-સ્ટોપ પાસે ઊભો રહ્યો. મારી નજર ચાર-પાંચ ડગલાં દૂર ઊભેલા ભૈયા પર પડી. ભૈયો એનો મોજા સહિતનો હાથ પરસેવાથી ભીની થયેલી બોચી ઉપર ફેરવી રહ્યો હતો. બોચી લૂછાઇ ગઇ એટલે એણે નાકની સફાઇ હાથ ધરી. મોજાવાળી પહેલી આંગળી નસકારોની અંદર ઘૂસાડી દીધી. લીંટ, ગૂંગા, મેલ સહિતનો અંદરનો બધો સાજ-સરંજામ સાફ કર્યો. પછી ખૂલ્લા બટનવાળા શર્ટમાં હાથ નાખીને ગંદી બગલ ખંજવાળી લીધી. પછી એ જ હાથે ડબલામાંથી મસાલાની ચપટીઓ ભરીને માટલામાં નાખી. હવે મને સમજાયું કે પેલા ‘પૂરે બત્તીસ જાત કે મસાલે’માં ત્રણ-ચાર તો ભૈયાજીના શરીરની પેદાશ હતા.
એક વાર આવા જ ઘરાકી વગરના નવરાશના સમયે મેં ભૈયાને પૂછ્યું, ‘સબ ઘરાક લોગ આપ કે પાની કે સ્વાદ કી પ્રશંસા કરતે હૈ? આપ મુજે બતાઇયે, ક્યા ખાસ બાત હૈ ઇસ મેં?’
ભૈયાએ નિખાલસાપૂર્વક માહિતી આપી, ‘સા’બજી! ઇસમેં તો ઐસા હૈ ના...કિ હમરે મટકે કા જો પાની હૈ ના...વો કભી બદલતા નહીં હે.’
‘મૈં સમજા નહીં.’ ‘અબ ઇસમેં સમજને જૈસા કા હૈ? દેખીયે સા’બ, આજ સે દસ સાલ પહલે હમને ધંધા શુરુ કિયા. ઠીક હૈ? અબ પહલે દિન મેં પૂરા મટકા પાની સે ભર દિયા. રાત તક પૌને ભાગ કા ખાલી હો ગયા. અભ જો થોડા બચ રહા, વો હમ ફૈંક થોડી દેંગે? દૂસરે દિન ઉસી કે અંદર દૂસરા ઝૌંક દેંગે. તો ઇસી તરહ પીછલે દસ બરસ સે યે પાની ચલા આ રહા હૈ. હમ તો યે મટકા ભી કભી ધોવત નહીં હૈ. ફિર અંદર દો-ચાર તાંબેકા સિક્કા ડાલ દેતે હૈ. ઇન સબ ચીજોં સે પાની કા સ્વાદ બનતા હૈ...’
હું ન માન્યો, ‘ભૈયાજી, ઇસ કે અલાવા ભી કુછ હૈ.’
ભૈયાજી ખૂલી ગયા, ‘અબ આપ સે ક્યા છુપાના? હમ થોડે ટીપે એસીડકે ભી ડાલતે હૈ. ઔર જબ પાની બનાતે હૈં તબ હમરા કોહની તકકા ખૂલ્લા હાથ અંદર ઘૂમાતે હૈ. હમ ગરીબ લોગ કા બદન કા પસીના હૈ ના ઉસકા સ્વાદ યે મે’મ સાહબોં કો બહોત પસંદ આતા હૈ. સબ કી સબ ખીંચી ચલી આતી હૈ. બસ, સા’બ! અબ ઇસસે આગે એક ભી સવાલ મત પૂછીયેગા.’ એ એનો પ્રોફેશનલ સિક્રેટ હતું.
મેં ત્યારે તો ન પૂછ્યું, પણ ચાર-પાંચ દિવસ પછી ફરી એક બપોરે બસની રાહ જોતો હું ત્યાં ઊભો હતો અને ભૈયા પણ સહેજ નવરાશમાં હતો. ત્યારે મેં વધુ પૂછપરછ કરી, ‘ભૈયાજી, માનો યા ન માનો લેકીન આપકે પાની મેં કઇ જાદૂ જરૂર હૈ.’
‘જાદૂ જૈસા કુછ નહીં, સા’બજી, યે તો હમરા ઇલમ હૈ. અબ આપસે હમ ક્યા છુપાયે? દેખો, બાત ઐસી હૈ કિ રાત કો હમ મટકે કે પાની મેં તીન-ચાર જિંદા દેડકા ડાલ દેતે હૈ. રાતભર વો પાની કે અંદર હી રહતે હૈ. ઉનકે બદન મેં સે એક ખાસ પ્રકાર કી ચિકનાહટ નીકલતી હૈ વો પાની મેં ધૂલ-મિલ જાતી હૈ. ઉસ સે પાની કા સ્વાદ બઢ જાતા હૈ.’
દેડકાઓ રાતભર આવા ગંદા, તીખા પાણીમાં રહે તો મરી ન જાય? આ પ્રશ્ન મને થયો અને જવાબ પણ તરત જ મળી ગયો. જો દેડકો મરી જાય તો એના સડેલા મૃતદેહની વાસને કારણે માટલાના પાણીનો સ્વાદ ઓર વધી જાય!
બરાબર બે-અઢી મહિના પછી મારો મિત્ર નિર્મલ બીમાર પડ્યો. લેબોરેટરીના રિપોર્ટમાં નિદાન પકડાયું. ભયાનક કમળો હતો. એકાદ-બે દિવસમાં અંતરે પેલી મહિલાઓ પણ કમળાની બીમારી લઇને વી.એસ.માં દાખલ થઇ ગઇ. અખબારોમાં સમાચાર છપાયા. અમદાવાદમાં હિપેટાઇટીસનો રોગચાળો ફાટી નીકળ્યો. નરોડા વિસ્તારમાં ચાલીસ કેસ નોંધાયા. રાણીપમાં બાવીસ. ખોખરામાં અઢાર. માદલપુરમાં...! કોઇ વિસ્તાર બાકી ન હતો. કારણ કે દરેક વિસ્તારમાં પાણીપૂરીના ખૂમચાઓ હતા. અને દરેક વિસ્તારમાં પાણીપૂરી ખાવાની ગાંડી શોખીન પ્રજા હતી. દર વરસે અમદાવાદ સહિત ગુજરાતના અસંખ્ય શહેરોમાં હિપેટાઇટીસ ફાટી નીકળે છે. આરોગ્ય ખાતું દોડધામ કરી મૂકે છે. બ્લડના નમૂનાઓ લેવાય છે, તપાસાય છે, ઊઘાડા લારી-ખૂમચાઓ ઉપર તવાઇઓ આવે છે. પચાસ-સોના મૃત્યુ થાય છે અને પછી બધું ભૂલાઇ જાય છે. મેં મારા મિત્ર નિર્મલને આ ભૈયાજીની પાણીપૂરીના વાંકે ગુમાવી દીધો છે. કમળાના વાઇરસ શરીરમાં દાખલ થયા પછી નવથી માંડીને નેવુ દિવસની અંદર કમળો લાગુ પડે છે. એકલા સરકારી તંત્રથી આ સમસ્યા નહીં ઉકલે. આપણે પણ જાગૃતિ દાખવીએ અને આરોગ્ય ખાતાના હાથ મજબૂત કરીએ. બાકી જેઓ પીવાનાં શોખીન છે તે બધાં બાટલીના કારણે મરશે અને જેઓ ખાવાનાં શોખીન છે તે બધા માટલાને કારણે મરશે.
drsharadthaker@yahoo.com
ડોક્ટરની ડાયરી, ડૉ. શરદ ઠાકર