"There are no foreign lands. It is the traveler only who is foreign" Robert Louis Stevenson
લુઈ સ્ટીવન્સની વાત સો નહીં બસો ટકા સાચું છે. કોઈ પણ જમીન, કોઈ પણ વિસ્તાર આપણી માટે નવો હોય છે બાકી એ વિસ્તાર, એ જમીન અથવા એ દેશ, ખંડ, ઉપખંડ તો આપણું આ ધરતી પર હતાં અસ્તિત્વ પણ ન હતું ત્યારથી જ અસ્તિત્વ ધરાવે છે અને એ જ અસ્તિત્વ પંચમહાભૂતમાં ભળી જશે ત્યારે પણ એ સ્થળ તો પોતાનું અસ્તિત્વ જાળવી જ રાખશે. કદાચ એ આદમની ચાળી ખાય છે અને જાણે કહેતી હોય " હે તુચ્છ માનવી તારી સાપેક્ષે હું અચળ છું, અમર છું અને હું તને મારી તરફ ખેંચું છું, તું મને જોવા આવશ મારા માટે રૂપિયા ખર્ચશ હું નહીં, હું સ્થિર રહીંને અલગ અલગ આદમીને જોઉં છું. કોઈ ઉંચા તાડ જેવા કેરેબિયન તો કોઈ સર્કસમાં જોયેલા જોકરથી થોડા ઉંચા કદનાં ઠીંગણા જાપાની, અદલ દુધ જેવા ગોરા અંગ્રેજ તો કોઈ અશ્વેત આફ્રિકન. મધ્યમ કદનાં હિંદીઓ સતત આવ્યા કરે છે". આદમનાં પ્રતિનિધી તરીકે હું એને કહીશ કે " તું ભલે અચળ છો, તને એનો અહમ છે પણ તારું અસ્તિત્વ સજીવ અમારા લીધે થાય છે. અમે હિંદી તો તને માં કહીયે છે".
***
મારે પણ 'ફોરેનલેન્ડ'ની મુલાકાત કરવાનો એક મોકો મળ્યો. વિદેશીભૂમિ પર જઈ 'ફોરેનરિર્ટન' થવાનું હતું. વાત એમ હતી કે અમારે અમારી એમ.એસ.યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા થાઈલેન્ડ જવાનું થયું. હજી પણ એ દિવસ યાદ જ્યારે પહેલી વખત મને ખબર પડી કે મારે એ ટીમ સાથે જોડાવાનું હતું. વિદેશ જવું આમ પણ મધ્યમ વર્ગ માટે એક સપનું હોય છે અને એ સ્વપ્ન સાકાર થઈ જાય છે અમુક ઉંમર પછી થતું હોય છે પણ મને હવે મારી સામે એ સ્વપ્ન પાણીનાં મોજા જેમ દર વખતે અલગ અલગ આકારે, અલગ અલગ પ્રબળતાથી મારા મનનાં કિનારાને સ્પર્શી જતું હતું અને હું એમાં ભીંજાવાનું પસંદ કરતો પણ મને ખ્યાલ હતો કે મારી સામે હજી ઘણી ભરતી ઓટ આવવાની બાકી હતી. એનું એક કારણ થાઈલેન્ડની છબી આંતરાષ્ટ્રીય કક્ષા પર એટલી બધી સારી રહી નથી. બેશક ત્યાં જઈયે ત્યારે ખ્યાલ આવે કે ત્યાં માત્ર બાર, પબ કે બિકની બેબ્સ જ નથી ત્યાં ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. ત્યાં બૌધ્ધ ધર્મની શાંતિ છે તો પૂણઁપુરષોતમ ભગવાન રામની ભવ્યતા છે પણ આપણે ત્યાંથી જતો પ્રવાસી એ બધું જોવા માટે થોડું જાય છે. મારે સેમ્યુલ જોનસનનું એક વાક્ય યાદ રાખવાનું હતું જે હતું "All travel has its advantages. If the passenger visits better countries, he may learn to improve his own. And if fortune carries him to worse, he may learn to enjoy it"
***
થાઈલેન્ડ દક્ષિણ એશિયામાં આવેલો, એશિયનનોની મોજ મજા કરવાનું એક મોસ્ટ ફેવરીટ પ્લેસ તરીકે પ્રવાસીઓમાં જાણીતું છે. રોયલ પેલેસ, પ્રાચીન ભવ્ય મંદિરો, સ્વચ્છ, આધુનિક બીચ અને બિકની બિચ તરીકે જાણીતા પતાયાનાં બિચ જે લગભગ ગુજરાતીઓથી જ બિઝી રહેતાં હોય છે.
થાઈલેન્ડ એટલે 513,120 વર્ગ કિલોમીટર ધરાવતો ભારતથી છ ગણો નાનો દેશ. થાઈ ભાષા અને થાઈ બાથ ચલણી નાણું ધરાવતાં દેશની રાજધાની બેંગકોંગ છે. સેક્સ વર્કર અને બાર કલ્ચરને કાયદાકીય રીતે મંજૂરી આપનાર આ દેશ સાઉથ એશિયામાં પહેલી પસંદ બન્યું છે. પહેલી નજરે બેંગકોંગ અને ભારતનાં મેગા સિટીમાં કાંઈ ખાસ્સો ફરક નથી પણ ફરક તો છે એ પછી વાત. થાઈલેન્ડ દક્ષિણ એશિયાનું મહત્વનું સ્થળ છે આ ઉપરાંત તેનું સ્થાન વિશ્વમાં 51મો સૌથી મોટો દેશ છે અને વસ્તીની રીતે 20મો સૌથી મોટો દેશ છે જેથી તેની વૈશ્વિક કક્ષાએ અવગણનાં કરવી પાલવે એમ નથી. થાઈલેન્ડનું બંધારણ રાજાશાહી પ્રકારનું છે. સી ફૂડ અર્થાત દરિયાઈ વસ્તુ, ખેતી અને ટુરિઝમ પર ત્યાંની વસ્તી આધાર રાખે છે.
***
જ્યારે આ સમાચાર ખબર પડી ત્યારથી કોલેજનાં ગ્રુપમાં મેસેજો ચાલું થઈ ગયાં જેથી મજા આવતી હતી પણ મેં હજુ ઘરે વાત કરી ન હતી. એ માટે સાંજ સુધી રાહ જોવી પડે એમ હતી કેમ કે મમ્મી અને પપ્પા બંનેની નોકરી પરથી આવે ત્યારે જ વાત મૂકવી પડે તેમ હતી પણ પેલું ચંચળ મન કરીને એક ભાગ છે શરીરમાં જે આખા શરીરમાં ગલગલિયા કરવાતું અને પેટમાં અશાંતિ આથી સૌથી પહેલાં મમ્મી સામે વાત મૂકવા માટે પેલા ચંચળ મને તૈયાર કરી અને મેં તેની રિશેષ ટાઈમ પર ફોન કર્યો અને કહ્યું " મમ્મી એક ખુશખબર છે" હું એકીશ્વાસે બોલી ગયો અને આ વાતે મારા શરીરમાંથી એ રીતે જગ્યા કરી જે રીતે ગેસ વાળા ફુગ્ગામાંથી ગેસ નીકળ્યા બાદ તે હળવોફુલ થઈ જાય એ રીતે હું હળવો થયો પણ સામેથી મને અપેક્ષા હતી એ પ્રકારનો ઉમળકો આવ્યો ન હતો આથી મને ફરી ''હલો'' કહેવું પડ્યું અને મમ્મી કહ્યું " સરસ સરસ" અને બાકીની વાત સાંજ પર મૂકી દિધી. ઘણી વાર અપેક્ષા જ વધી જતી હોય છે અને આથી આપણે સામે વાળી વ્યક્તિનાં પ્રેમ તરફ શંકા સેવતા હોઈયે છીયે અને આવું જ કાંઈક મારી સાથે થયું. 40 થી 50 હજારનો ખર્ચ, સાત થી આઠ દિવસ ભારતની બહાર, મારી જોડે પ્રોફેસરો પણ રહેવાનાં હતાં પરંતુ હું મારા ઘરને ઓળખતો હતો. સામાન્ય યાત્રા પણ બે ત્રણ ફોન પછી જ ખતમ થતી હોય છે તો આ તો બહુ જ લાંબી યાત્રા થવાની હતી. ઘરમાંથી કોઈ હજુ સુધી આવી યાત્રા થઈ ન હતી એટલે ચિંતા થવી સ્વાભાવિક હતી અને દરેક ચિંતા મડાગાંઠની પરિસ્થિતિને જન્મ આપે છે અને એક વાર એ સ્થિતિ નિર્માણ પામે એટલે નાની વાતો પડાછાયાની જેમ અનિયમિત દેખાય પણ જેમ જેમ સમય આગળ જાય અને પડછાયો મૂળ વસ્તુ તરફ વિલિન પામે એ જ રીતે મારી માટે પણ દરેક સ્થિતિ કાબુમાં આવી તો ગઈ અને છેવટે બધી તપાસ એનાં માળામાં પાછી સંકેલાઈ ગઈ અને મને પાંખ મળી.
***
હવે સૌથી પહેલું કામ હતું પાસપોર્ટ સમયસર નિકાળવાનું એટલે સમયસર વિઝાની કામગીરી પૂર્ણ થાય. હવે આ કામ પાર પાડવામાં પણ ધૈર્યની કસોટી થવાની હતી અને પૈસાનું પાણી પણ મોઢામાં ઉતારેલ કોળિયો ઉતારે જ છુટકો હતો. બધા જ આધારો 500 કિલોમીટર અને તે પણ ભુજનાં હતાં અને કચ્છને પાસપોર્ટ કેન્દ્ર મળ્યું ન હતું માટે અમને રાજકોટ પાસપોર્ટ કેન્દ્ર અપાયું હતું પણ ડિસેમ્બરનો અંતનો ભાગ અને જાન્યુઆરીની શરૂઆત એટલે પરિક્ષાનો ગાળો માટે રાજકોટ સુધી લાંબા થવું અઘરું હતું. આ બધી પળોજણ વચ્ચે એજન્ટે સૂચવ્યું કે કોલેજનાં અમુક આધાર રજુ કરવાથી બરોડાની પાસપોર્ટ ઓફિસ મળી રહેશે અને આગળ બે જગ્યાએ પોલિસ વેરીફીકેશન આવ્યું અને લગભગ 20 25 દિવસને અંતે પાસપોર્ટ તૈયાર થઈને આવી ગયું. આ અનુભવ સરકારી ખાતા સાથે કામ કરવામાં સૌથી સરળ હતો. દરેક જગ્યાએ સરસ વેલ એજ્યુકેટ સ્ટાફ અને નો નોઈસ સિસ્ટમ વચ્ચે મને લાગ્યું કે હું વી.આઈ.પી છું. ભારતની દરેક સરકારી કચેરીનો વહીવટ આ મુજબ થાય તો ખરેખર અચ્છે દિન આવશે.
***
આ હતી નોટીસ બોર્ડથી પાસપોર્ટ સુધીની સફર જેનાંમાં ઉત્સાહ, આનંદ, લાચારી, હાલાકી, વિજેતા, અહોભાવ, ગૌરવ અને અભિમાનની લાગણીનો કોકટેલ ચાખવા મળ્યું,
નેક્સ્ટ સ્ટેશન અમદાવાદ : સરદાર વલ્લભભાઈ એરપોર્ટ
કોલકતા: નેતાજી સુભાષચંદ્ર એરપોર્ટ