નવલકથા
અપૂર્ણવિરામ
શિશિર રામાવત
પ્રકરણ ૧૨
દારુ, સિગારેટ અને બીડીની તીવ્ર વાસથી લબલબતા અંધારિયા બિયર બારમાં ગણપતના ગંદા મોંમાંથી બહાર આવેલા એ શબ્દોઃ
“બોલ તારી મેડમને, હું જે માણસને મળાવવા માગું છું એ ડેન્જરસ આદમી છે... એક વાર મળીને ચક્કર ચાલુ કરી દેશે પછી અટકાવી નહીં શકાય... ગમે તેટલા ધમપછાડા કરશે તો પણ એનાથી પીછો નહીં છોડાવી શકાય... બોલ, છે તૈયાર તારી મેડમ ઝેરના પારખાં કરવા માટે?”
અને પળનો ય વિચાર કર્યા વિના મિશેલે આપેલો જવાબઃ
“હા. તૈયાર છું. અત્યારે કેમ સાથે લાવ્યો નહીં એને? મારો સમય કેમ વેડફે છે? જલદી મળાવ એને...”
આ સંવાદમાંથી ફૂટેલા પ્રશ્નો ક્યાંય સુધી પથ્થરની જેમ જોસેફના મનની દીવાલો પર અથડાતા રહૃાા.
આ કોની વાત ચાલી રહી હતી? કોને મળવાનું હતું? મિશેલને એનું શું કામ છે? એવો તે વળી કયો અગત્યનો માણસ છે જેના સુધી પહોંચવા માટે ગણપત જેવો વંઠેલની મદદ લેવી પડે? અને ડેન્જરસ માણસ એટલે શું? કઈ વાતનું ડેન્જર?
મિશેલે મિટીંગ તરત અટકાવી દીધી હતી. ગણપત સાથે ગપ્પાં લડાવવામાં એને શો રસ હોય? હજાર-હજાર રુપિયાની બે નોટ દારુના ગ્લાસ નીચે દબાવીને એ ઊભી થઈ. જોસેફે પણ એની પાછળ પાછળ બહાર આવી ગયો. એણે ડરતાં ડરતાં “મેડમ, શું વાત છે?” પૂછવાની કોશિશ કરી જોઈ, પણ મિશેલે એવી ધારદાર દષ્ટિએ એની સામે જોયું કે એ ચુપ થઈ ગયો.
જોસેફને બંગલાની બહાર ઉતારીને કશું કહૃાા વિના મિશેલ કારમાં પાછી કશેક નીકળી ગઈ. જોસેફ ગેટ ખોલીને કમ્પાઉન્ડમાં આવ્યો એ મોક્ષે ઉપર બાલ્કનીમાંથી જોયું. એ મિશેલની સાથે કશેક બહાર ગયો હતો તે પણ મોક્ષે જોયું હતું. એના મનમાં ત્યારથી ચટપટી શરુ થઈ ગયેલી.
એ ઝપાટાભેર નીચે આવ્યો, પણ મુકતાબેન એની ય પહેલાં કમ્પાઉન્ડમાં પહોંચી ગયાં હતાં. જોસેફ મુંઝાયેલા ચહેરે મોલ્ડેડ ચેર પર બેઠો હતો.
“જોસેફ, હું તને કંઈ પૂછું એ પહેલાં એક વાત કાન ખોલીને સાંભળી લે!” મોક્ષ ઉશ્કેરાઈ ગયો, “આ મિશેલની વાતોમાં તારે આવવાનું નથી. એનાથી દૂર જ રહેજે તું. આજે એની સાથે ગયો તે ગયો, હવે પછી ક્યારેય ભેગા આવવાની વાત કરે તો ચોખ્ખી ના પાડી દેવાની છે. તને સમજાય છે, હું શું કહું છે તે? હવે બોલ, અત્યારે ક્યાં લઈ ગઈ હતી તને?”
જોસેફે માથું ધૂણાવ્યું.
“સમજાતું નથી... કંઈ જ સમજાતું નથી.” એ ચુપ થઈને માથું ઝુકાવીને બેસી રહૃાો. પછી મોં ઊંચું કરીને મુકતાબેન તરફ જોયું, “તમારી શંકા સાચી છે. મિશેલ મેડમ અને તમારો હસબન્ડ... આ બેય ભેગાં મળીને કંઈક ઊંધાચત્તું કરી રહૃાાં છે.”
મુકતાબેન સ્થિર થઈ ગયાં.
“અત્યારે ગણપતને મળવા જ ગયાં હતાં, જોગશ્વરી. મને દુભાષિયા તરીકે સાથે રાખ્યો હતો...”
મોક્ષનો ચહેરો ખેંચાઈ ગયો. જોસેફ કહેતો ગયોઃ
“મને બહુ સમજાયુ નહીં, પણ ગણપત કોઈ માણસને પોતાની સાથે લાવવાનો હતો, મેડમને મળાવવા...”
“ક્યા માણસને?”
“...પણ એ આવ્યો જ નહીં. મેડમ બહુ ચિડાઈ ગયાં ગણપત પર.”
મોક્ષની ભ્રમરો વંકાઈ. એણે મુકતાબેન સામે ધારદાર નજરે જોયું, “મુકતાબેન?”
“ગણપત તો ગામના ઉતાર જેવા લોકોને કાયમ મળતો હોય છે. જાતજાતના ને ઘાટઘાટના પાણી પીધેલા હોય છે આ બધા. એમાંથી એ ક્યા માણસની વાત કરતો હશે એની મને કેમ ખબર પડે... ” આટલું કહીને મુકતાબેન કશેક દૂર તાકવાં લાગ્યાં. એમના ચહેરા પર ભયના અણુઓ સળવળવા લાગ્યા, “પણ એક વાત તો પાક્કી છે. એ માણસ ગમે તે હોય, એ આપણું જીવવું હરામ કરી નાખશે એ તો ચોક્કસ...”
ષ્ઠષ્ઠ૦ ૦ ૦
મોક્ષનો જીવ ચુંથાઈ રહૃાો હતો. શા માટે એવું લાગે છે કે ક્યાંક કશુંક ખોટું થવાનું છે? શા માટેએવું લાગણી ઊછાળા મારી રહી છે કે કશાક અનિષ્ટની શરુઆત ઓલરેડી થઈ ચુકી છે?
કશું જ પકડાતું નથી. બધું સરકી જાય છે બે હથેળીઓની વચ્ચેથી. થોડા લસરકા ઝબકી જાય છે આછા-અધૂરા, પણ એના પરથી આખું ચિત્ર ઊપસાવી શકાતું નથી. અપૂર્ણતાનો ભય. અસ્પષ્ટતાની શંકા. એક ન સમજાય એવી જીવલેણ લાચારી...
માયાને સૂતી છોડીને મોક્ષ મધરાતે કમ્પાઉન્ડમાં હિંચકા પર ધીમે ધીમે હિંચકી રહૃાો હતો. પોતે શા માટે બેઠો છે અહીં? મિશેલ કમ્પાઉન્ડમાં ઘૂસે કે તરત પકડી શકાય એટલે? પણ મિશેલ નહીં આવે. આખી રાત ઘરની બહાર રહેવું અથવા દિવસોના દિવસો સુધી ગાયબ થઈ જવું એના માટે સામાન્ય બની ગયું હતું.
મોક્ષના વિચારો આમતેમ ઊડતા હતા.
પોતે શા માટે મિશેલને આટલું બધું મહત્ત્વ આપી રહૃાો છે? એ સતત રહસ્યનો અંચળો ઓઢી રાખે છે એટલે? એની નફ્ફટાઈ, ઉદ્ધતાઈ અને ઘમંડને કારણે? એવું શું છે જેના લીધે પોતાના ચિત્ત પર, વિચારો પર, સભાનાવસ્થાના મોટા હિસ્સા પર આ અજાણી વિદેશી છોકરીએ કબ્જો કરી લીધો છે?
એના બાળીને ભસ્મ કરી નાખે એવા રુપથી આકર્ષાયા છો, મિસ્ટર મોક્ષ મહેતા?
મોક્ષ ચમકી ગયો.
મિશેલ ગમે તેટલી ભેદી કે ભયાનક હોય, પણ એનું શરીર એક ઔરતનું છે. એક પુષ્ટ, લોહી ગરમ કરી નાખે એનું ખૂબસૂરત સ્ત્રી-શરીર જેને પોતે સંપૂર્ણ નિર્વસ્ત્ર અવસ્થામાં જોઈ ચુક્યો છે. એ ઊછળતી નગ્ન માદાનું ચિત્ર એ ક્યારેય ભૂલી કે ભૂંસી શકવાનો છે?
માદા અને નર. આ જ બે અંતિમ વાસ્તવ છે, આખરી સત્ય છે. તમામ સંબંધો આ જ વાસ્તવમાંથી ઊદભવે છે, અલગ અલગ મુદ્રાઓમાં ગોઠવાય છે... અને પછી આ જ સત્યની જ પ્રચંડ ઉષ્ણતામાં ઓગળી જાય છે, ખરી જાય છે, ખોટા પડી જાય છે. કેવળ એક સંબંધ બચી જાય છે - જન્મદાતા સાથેનો સંબંધ. પરિસ્થિતિઓના વિસ્ફોટમાં અને સંજોગોના ધુમ્મસમાં બે સચ્ચાઈ હંમેશા અણનમ રહેવાની છે - મિશેલનું સ્ત્રીત્વ અને મારું પુરુષત્ત્વ. મિશેલ સૌથી પહેલાં એક સ્ત્રી છે, પછી બીજું બધંુ. હું સૌથી પહેલાં એક પુરુષ છું અને પછી બીજું બધું.
ઓહ મિશેલ! આ લીલા તારી છે કે કુદરતની?
મોક્ષ છટપટાતો રહૃાો...
આ બઘું જ, સ્ત્રીનું સ્ત્રી હોવું, પુરુષનું પુરુષ હોવું - એને શરીરનાં માધ્યમની જરુર પડે છે... પણ આ માધ્યમની આરપાર કશુંક છે જે વધારે શકિતશાળી છે, વધારે પ્રભાવશાળી છે. શું હું નથી જાણતો એ?
ઓહ...
મોક્ષનાં અસ્તિત્ત્વમાંથી એક વિદ્યુતતરંગ પસાર થઈ ગયો. એ ઊભો થઈને બેડરુમમાં આવ્યો. માયા ઘસઘસાટ સૂતી હતી.મોક્ષે એને ઢંઢોળીને જગાડી. માયાએ આંખો ખોલી. બેડરુમના અંધકારમાં મોક્ષ છાયા જેવો લાગતો હતો.
“તું સૂતો નથી?”
“માયા, મેક લવ ટુ મી.”
તંદ્રાની અવસ્થામાંય માયાથી હસાઈ ગયું, “શું થયું અચાનક?”
મોક્ષે ભરપૂર આવેશથી એના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા. માયાનું શરીર પણછની જેમ તંગ થયું. મોક્ષે પોતાના બન્ને હાથ માયા ફરતે મજબૂતીથી વીંટાળ્યા, શનિના ગ્રહ ફરતે વીંટળાયેલાં વલયોની જેમ. જુદી જુદી ભ્રમણકક્ષા પર ધબકી રહેલાં બે શરીરો એક ધરી પર એકાકાર થવા લાગ્યાં. બ્રહ્માંડની સ્તબ્ધ શાંતિ જ્વાળામુખીની જેમ ફાટી. મોક્ષ લાલચોળ લાવાની જેમ વહેતો ગયો અને માયા એની ગરમીમાં પીગળતી રહી...
૦ ૦ ૦
“બસ, ફાઈવ મિનિટ ઓન્લી!”
ડ્રાઈવરે આ શબ્દો કહૃાા ત્યારે ટેકસી ધડધડાટ દોડી રહેલી લોકલ ટ્રેનોની ઉપરથી પસાર થઈ રહી હતી. મિશેલનું હ્ય્દય એકાએક ધડકી ઊઠ્યું. જે માણસને મળવા માટે હું કેટલાય દિવસથી મથામણ કરી રહી છું એ થોડી વારમાં મારી આંખો સામે હશે!
સવારે ગણપતે એને ફોન કરીને ગાંડુ ઘેલું કશુંક બોલ્યો હતો. તેમાંથી એક જ શબ્દ મિશેલને થોડોઘણો સમજાયો હતો - એસએમએસ! થોડી મિનિટો પછી ગણપતે એક મેસેજ ફોરવર્ડ કર્યો હતો. એમાં નામ નહોતું, ફકત એડ્રેસ હતું અને મળવાનો સમય હતો.
ઓહ... મતલબ કે જે માણસને લઈને એ બિયર બારમાં આવવાનો હતો એને આ જગ્યાએ જઈને મારે મળવાનું છે!
મકાન શોધતા ખાસ વાર ન લાગી. જુહુ ગલીના લગભગ છેડે વોચમેન અને લિફ્ટ વગરની કાળી પડી ગયેલી જૂની બિહ્લિડંગમાં સૌથી ઉપરના માળે એ રહેતો હતો. જે રીતે આ માણસે ટોપ ફ્લોર પર કબ્જો જમાવ્યો હતો તેના પરથી લાગતું હતું કે કદાચ આખો માળ એની માલિકીનો હશે. ધૂળિયાં પગથિયાં ચડીને મિશેલ હાંફી ગઈ. પર્સમાંથી બોટલ કાઢીને પાણી પીતાં પીતાં મિશેલે નોંધ્યું કે દરવાજા પર નેમપ્લેટ મૂકાઈ નથી. સ્વસ્થ થઈને એણે ડોરબેલ દબાવી. એકાદ મિનિટ પછી દરવાજો ખૂલ્યો. કમરથી વળી ગયેલી એક વૃદ્ધા સામે ઊભી હતી. મિશેલ સામે સરખી નજર કર્યા વિના એણે એના હાથમાં એક કાગળ થમાવી દીધો, “ઓફિસ જાઓ...”
આટલું કહીને ધડ કરતો દરવાજો બંધ કરી દીધો.
મિશેલ લીટીવાળી ચબરખીમાં લાલ અક્ષરોમાં લખાયેલા એડ્રેસ સામે તાકી રહી. સરનામું હિન્દીમાં લખાયું હતું. મિશેલને ગુસ્સો આવી ગયો. એ મિશેલ ધડ ધડ કરતી નીચે ઊતરીને મેઈન રોડ પર આવી ગઈ.
હવે? ક્યાંનું હશે આ એડ્રેસ?
મિશેલને જોઈને એક રિક્ષાવાળાએ ગતિ ઘીમી કરી નાખી. મિશેલે તરત એની સામે ચબરખી ધરી દીધી. રિક્ષાવાળાએ નજર ફેરવીને ઈશારાથી કહૃાુંઃ બૈઠ જાઈએ. કદાચ રિક્ષાવાળા વાંચી શકે તે માટે માણસે હિન્દીમાં સરનામું લખ્યું હશે. રિક્ષા ફરી એ જ ફ્લાયઓવર ઓળંગીને અંધેરી ઈસ્ટમાં આવી ગઈ. સરનામું મરોલ વિસ્તારનું હતું. ભયંકર ટ્રાફિકવાળા અને આખેઆખા હચમચાવી મૂકે એવા ઊબડખાબડ રસ્તા પર સંઘર્ષ કરીને રિક્ષા માંડ માંડ ગંતવ્યસ્થાન પર પહોંચી. આ કોઈ શુષ્ક ઈન્ડસ્ટ્રીયલ ઝોન જેવું લાગતું હતું. લાલ લાલ થઈ ગયેલી મિશેલ એક મકાનની સાંકડી સીડી ચડી ગઈ. લાંબી લોબીના સૌથી છેવાડેના યુનિટ ઉપર “નાથ ઈલેકિટ્રકલ્સ”નું બોર્ડ મારેલું હતું.
અંદર પગ મૂકતાં જ ઘસાતી ધાતુના, વેહ્લિડંગ મશીનના અને ટીપાતી ચીજોના મિશ્ર અવાજોએ મિશેલ ઘેરી લીધી. વિદેશી યુવતીને જોતાં જ કાચની બારીવાળી નાની કેબિનમાંથી એક માણસ તરત એની પાસે આવ્યો. મિશેલ કશી પૃચ્છા કરે તે પહેલાં એના હાથમાં એક સ્ટેપલ કરેલું કવર પકડાવી દીધું, “સાહેબ તમારા માટે રાખી ગયા છે. તમને હાથોહાથ આ કવર આપવાનું કહૃાું છે.”
જેનો ડર હતો એવું જ થયું. “સાહેબ” અહીં પણ નહોતા. મિશેલ ત્રાસી ઉઠી. કવરમાંથી નાથ ઈલેકિટ્રકલ્સના માસ્ટરહેડવાળો કાગળ નીકળ્યો. તેમાં લખ્યું હતુંઃ
“મનોરીમાં ચૈતન્યભૂમિ નામની જગ્યા છે. આજે રાત્રે એકથી બેની વચ્ચે ત્યાં આવી જા. એકલી. હું તને ત્યાં જ મળીશ.”
ષ્ઠ૦ ૦ ૦
મનોરીના ડોમિનિકાઝ રિસોર્ટમાં ચેક-ઈન કર્યું ત્યારે સાંજ ઢળી ચુકી હતી. સવારથી ખરેખર ખૂબ ભાગદોડ થઈ ગઈ હતી. અત્યારે આશ્વાસન લઈ શકાય એવી એક જ વાત એ હતી કે આ જગ્યાથી મિશેલ પરિચિત હતી. જ્યાં મોક્ષનો બંગલો ઊભો હતો એ એરંગલ બીચથી આ મનોરી બીચ ખાસ દૂર નહોતો. ફકત માર્વે બીચ જઈને ફરી પકડી સામેના કાંઠે આવી જવાનું હતું.
પોતાના કોટેજમાં સામાન મૂકી, ફ્રેશ થઈ મિશેલ ખુલ્લા રિસેપ્શન એરિયામાં આવી ગઈ. કાઉન્ટર પર ઊભેલા સૂટેડ-બૂટેડ માણસને એણે પૂછ્યું, “એકસકયુઝ મી... મને એ કહેશો કે મનોરીમાં ચૈતન્યભૂમિ નામની જગ્યા ક્યાં છે?”
માણસ એની સામે જોઈ રહૃાો, “કઈ જગ્યા?”
“ચૈતન્યભૂમિ...” મિશેલને આ શબ્દ બોલતાં બિલકુલ ફાવતું નહોતું.
“પણ તમારે ચૈતન્યભૂમિ શા માટે જવું છે? આઈ મીન...”
મિશેલે એની સામે વીંધી નાખતી નજરે જોયું. પેલો જરા ઝંખવાઈ ગયો ને પટ પટ બોલવા લાગ્યો, “મેઈન રોડથી લેફ્ટ તરફ વળી જજો. સીધેસીધા આગળ જશો એટલે દોઢેક કિલોમીટર પછી ડેડ-એન્ડ જેવી જગ્યા આવશે. ત્યાંથી કાચો રસ્તો શરુ થશે. જમણી તરફ ચાલવાનું શરુ કરશો એટલે સૂમસામ એરિયા શરુ થઈ જશે. બસ,ત્યાં જ વીસેક મિનિટના અંતરે ચૈતન્યભૂમિ છે.”
“થેન્કયુ.”
હજુ પાંચ-છ કલાક પસાર કરવાના હતા. મિશેલ બીચ પર લટાર મારી આવી. કોટેજ પર આવી થોડું ખાવાનું ઓર્ડર કરી કર્યુ. જમી લીધા પછી મધ્યરાત્રિની રાહ જોતી બિસ્તર પર જાગતી પડી રહી. રાતના સાડાબાર થતાં જ ટોર્ચ લઈને બહાર નીકળી ગઈ. આખો મેઈન રોડ સૂઈ ગયો હતો. માત્ર સ્ટ્રીટ લાઈટ્સ જાગતી હતી. એ ચુપચાપ ચાલવા માંડી. વચ્ચે વચ્ચે સતર્ક કૂતરાં કાન ઊંચા કરીને અકારણ ભસી નાખતાં હતાં. મિશેલ એને અવગણીને આગળ વધતી ગઈ.
સ્ટ્રીટ લાઈટ્સનો ઈલાકો ડેડ-એન્ડ પાસે અટકી ગયો. મિશેલ થોડી વાર ઊભી રહી. ઝડપી થઈ ગયેલા શ્વાસોચ્છવાસને સામાન્ય થવા દીધા. પછી ટોર્ચ આન કરીને કાચા રસ્તા પર ચાલવા લાગી. આખો વિસ્તાર ખરેખર સૂમસામ હતો. કાળા આકાશમાં અર્ધચંદ્ર માંદલો ઉજાસ ફેંકી રહૃાો હતો. પગ નીચે કચડાતાં સૂકા પાનના અવાજથી હવામાં થડકાર વ્યાપી જતો હતો.
થોડી વારમાં મિશેલ રહેણાંક વિસ્તારની તદ્દન બહાર આવી ગઈ. અહીં આસાપાસ કશું જ નહોતું. ફકત હવામાં દરિયાઈ ઠંડક વધી ગઈ હતી અને સૂકાં પાનની જગ્યાએ મોટા પથ્થરો આવવા લાગ્યા હતા. એકાએક થોડે દૂર દબાયેલો કેસરી પ્રકાશ દેખાયો. આ જ હશે ચૈતન્યભૂમિ. મિશેલના પગમાં ગતિ આવી ગઈ.
તે ચૈતન્યભૂમિ જ હતી. જમીનના સપાટ ટૂકડાને કાચી દીવાલ વડે બાંંધી દેવામાં આવ્યો હતો. અંદર જૂનાં વૃક્ષો હતાં, જેના ફરતે આડેધડ વનસ્પતિ ઊગી નીકળી હતી. વચ્ચે વચ્ચે દોઢેક ફૂટ ઊંચાં પ્લેટફોર્મ ચણ્યાં હતાં. છેલ્લા પ્લેટફોર્મ પર ચિતા જલી રહી હતી અને તેમાંથી અગ્નિ લબકારા લઈ રહૃાા હતા. મિશેલને સમજતાંં વાર ન લાગીઃ આ સ્મશાન છે! એ માણસે મને અડધી રાતે સ્મશાનમાં મળવા બોલાવી છે!
મિશેલના હોઠ પર સ્મિત આવી ગયું...
એ આગળ વધી.
એ રહૃાો! એ ચહેરો અગિન્ તરફ રાખીને મંત્રોચ્ચાર કરતો બેઠો છે. વાળ વગરનું લિસ્સું મસ્તક જ્વાળાના પ્રકાશમાં ચમકી રહૃાું છે. રાખ લગાડેલી ખુલ્લી પીઠ નીચે કદાચ કાળી ધોતી પહેરી છે. મિશેલે ધીમા પગલે આગળ વધી. એને અજબ કેફનો અનુભવ થઈ રહૃાો હતો. અચાનક મંત્રોચ્ચાર અટક્યા. મિશેલ થંભી.
“વેલકમ...”
જાણે આકાશ ગોરંભાયું હોય એવો ઘેરો અવાજ હવામાં ફેલાયો. પુરુષ ઊભો થયો. અગ્નિ સામે ઝુકીને એ મિશેલ તરફ ફર્યો. બન્નેની આંખો મળી. મિશેલના શરીરમાંથી તીવ્ર ઝણઝણાટી પસાર થઈ ગઈ. પુરુષ આધેડ વયનો હતો. કદરુપો ચહેરો, ચાંઠા, વિચિત્ર રીતે ઊપસી આવેલાં ગાલ અને જડબાંના હાડકાં...
“હું મિશેલ...” એ એક કદમ આગળ વધી, “મિશેલ વિલિયમ્સ!”
પુરુષની કાળી આંખોમાં જાણે વીજળી ચમકી. આત્માને વસ્ત્રહીન કરતો હોય તેમ એ બોલ્યોઃ
“હું... અઘોરી ગોરખનાથ!”