મધ્યમવર્ગીય ગરીબી
મધ્યમવર્ગની થોડીક વાતો છે, અને તેમનો પરિસ્થિતિ સાથેનો સંઘર્ષ છે. આ બધાને બાજુમાં મુકીએ તો તેવી સમસ્યાઓને કેવી તુચ્છ ગણીને આવા લોકો સ્થિર અને સાત્વિક જીવન જીવે છે તેની થોડીક વાતો છે.
મધ્યમવર્ગ અને ગરીબી, સૌ પ્રથમ તો આ બંને શબ્દો જ એકબીજા સાથે સંગતતા ધરાવતા ના હોય એવું લાગે છે. પરંતુ હાં, આવી પણ પરિસ્થિતિઓ સર્જાતી હોય છે ઘણી વાર. પરિસ્થિતિ તો શું વધારે પડતું તો આવું જ જોવા મળે છે. કોઈક વાર આખી જિંદગી આ બંને શબ્દોની સાતત્યતા શોધવામાં જતી રહે છે. આવા વિચિત્ર વિષયને સમજવા માટે કોઈ ફોલોસોફી થોપવાની જરૂર નથી કે પુરાતત્વ ખાતા વાળાઓની જેમ ઊંડે ઊંડેથી કઈ ખોદવાની જરૂર નથી. જરૂર છે ફક્ત આજુ બાજુ થોડી ઘણી નજર ફેરવવાની અને ચોક્કસાઈથી અવલોકન કરીને થોડાક હિસાબો માંડવાની.
ઘણી વાર આપણે જોતા હોઈએ છીએ આપની આસ પાસ રહેતા મધ્યમવર્ગીય પરિવારો અને તેમની જીવનશૈલી.(સંજોગોવસાત વધુ પડતા પરિવારો તો એજ છે અને આપણો પરિવાર પણ. જો તમે આમાં આવતા હશો તો વધુ સારી રીતે અનુભવી શકશો આ વાતો ને. એનો મતલબ એવો નથી કે બીજા કોઈ લોકો નહિ સમજી શકે.)
એકંદરે આ લોકોનું જીવન સુખી હોય છે. ભાડાનું કે માલિકીનું મકાન હોય છે માપસરનું (પેન્ટહાઉસ કે ડુપ્લેક્ષ નહિ અને નહિ કે ઝુંપડું), અવર જવર માટે બાઈક હોય છે અથવા તો નાનકડી કાર. અને જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય છે બીજી કે જેનાથી ખુશીથી જીવન જીવી શકાય અલબત વધારે કાંઈ ઇચ્છાઓ કે આકાંક્ષાઓ રાખ્યા સિવાય.
હાં, બીજી કોઈ ઇચ્છાઓ (પ્રબળ ઇચ્છાઓ) સિવાય, કારણ કે મધ્યમવર્ગનો મતલબ જ એ થાય છે કે જે છે એમાં ચલાવ્યે રખો. ક્યારેક પરિસ્થિતિ એવી પણ સર્જાય છે કે, જેમ આપણે મોબાઈલમાં એપ્લીકેશન અપડેટ કરતી વખતે 3-4 વાર વિચાર કરીએ કે અલા આતો ખોટી મેમરી વધુ રોકશે અને RAM પણ રોકશે વધારે, ફોન હેંગ થશે એતો અલગ. માટે બને ત્યાં સુધી એપ્લીકેશન અપડેટ કરવાનું આપણે ટાળતા હોઈએ છીએ. આવું જ બનતું હોય છે આ શીર્ષક વાળા પરિવારોમાં. કોઈ ભૌતિક વસ્તુ વસાવવાની હોય ત્યારે અથવા તો અપડેટ કરવાની હોય ત્યારે હજારો વખત વિચાર કરીએ કે કઈ રીતે વસાવ્યા વગર કામ ચલાવી શકાય. અને જો વસાવશું તો પછી એને જાળવી રાખવાના પણ ખર્ચા (RAM વધી ગઈ). ચાલો આ બધાજ પાસાઓ પાર કરીને (લગભગ અગણિત વિચાર્યા પછી અને હવે તેના વગર કોઈ કાળે ચાલશે નહિ તેવા નિષ્કર્ષ પર આવ્યા પછી) કોઈ સાધન સામગ્રી વસાવવાનું નક્કી થાય ત્યારે બીજી સમસ્યા ઉભી થાય કે સસ્તું અને સારું ક્યાં મળે છે તે શોધવું. કોઈ કહે કે અહિયાં આ ભાવ છે, તો કોઈ કહે કે ના હવે...! મારો ફલાણો સગો છે તે તો આટલામાં અપાવશે.
આવી જ મગજમારીમાં તે વસ્તુ ખરીદવાનો જુસ્સો તો જતો જ રહે અને તે બધી જગ્યાએ જઈને સમય અને પેટ્રોલ વેડફાય તે અલગ. ખરેખર તો જેટલાનો ફાયદો થવાનો હોય એટલા પૈસા તો આવી રખડપટ્ટી માં જ જતા રહે છે, આવી જ હોય મધ્યમવર્ગીય ગરીબી.
મારા મત પ્રમાણે, આવી પરિસ્થિતિઓમાં એવું નથી થતું કે કોઈ જીવન જરૂરિયાતની વસ્તુઓ ના મળે કે ગરીબીના લીધે ભૂખ્યા રહો કે ટાઢ, તાપ અને વરસાદ સહન કરવો પડે. ના, આવું કશું નથી હોતું. ગરીબી હોય છે અરમાનોની, ઇચ્છાઓની, આકાંક્ષાઓની. વળી પાછું આપણે એમ સાંભળ્યું હોય કે ઇચ્છાઓથી કોઈ ગરીબ ના હોય, એ વાત સાચી પણ જયારે તે પૂરી ના થાય કે સમયસર ના મળે ત્યારે ગરીબી જ અનુભવાય છે.
આ બધી વાત થઇ એકંદરે ખુશીની પણ આ એકંદર સિવાય કોઈક આંશિક બાબતો પણ હોય છે જ્યાં એકાદી જરૂરિયાત પણ પૂરી ના થાય ત્યારે હૃદયમાં તલવાર ખુંપી હોય એવો ચિત્કાર મનોમન નીકળી જતો હોય છે. મોટા ભાગનું તો સમાજ વચ્ચે દેખાદેખીમાં જ જાય છે, બાકી એટલું બધું અઘરું પણ નથી જીવવાનું. “આવું તો કરવું જ પડે, વહેવાર માં રેવાની ભાન પડે કે નહિ? ભલે ને આપણે ના કરવું હોય ફલાણું પણ સમાજ ખાતર કરવું પડે” આવા વાકબાણ અવાર નવાર નવતર પેઢીએ અને નવી વિચારસરણી ધરાવતા માણસોએ જીલવા પડતા હોય છે.
મધ્યમવર્ગના ગુજરાતી સમાજમાં લગ્નનું કામ પતે એટલે લગભગ તો 7-8 લાખ રૂપિયાનું કરજ માથા પર ચડી જાય. કમાવા વાળા 1 કે 2 જણ હોય અને પછીના 5 વર્ષ સુધી રોદણાં રોયે રાખે કે “અમારે તો હજી લગનના માથે છે બાપા”. પણ તો કોણે કીધું તું કે મેનુ માં આ નાખો ને પેલું નાખો, બેન્ડ વાળા અને ડેકોરેશન તો એ1 કોલેટી નું જોઇશે. ભોગવો હવે. આતો ખાલી રેગ્યુલર જીવન થયું. પછી હનીમુન, ફરવાનું, શોપિંગ આવા કઠોર સમર્પણો તો લાઈનમાં જ હોય. આવી પરિસ્થિતિઓ માટે તો શીર્ષક સર્વથા યોગ્ય લાગે.
છોકરા છોકરીઓને કાંઈ શોપિંગ કરવું હોય એટલે એવું નહિ કે નક્કી કર્યું ને લઇ લીધું. પહેલા તો વસ્તુ નક્કી કરવાની અને 2-3 મોલ આખે આખા ઢસડાતા ચપ્પલથી અને મોટી મોટી બ્રાન્ડેડ દુકાનોમાં લલચામણી નજર નાખતા વીખી મારવાના. ત્યાંથી વિવિધ પ્રકારની વેરાઈટી જોઇને એક વસ્તુ ફાઈનલ કરવાની(ખરીદવાની નહિ). આતો ફોરકાસ્ટીંગ હતું, એક્ચુઅલ શોપિંગ હવે શરુ થાય. એવી જ ડીઝાઇન અને ફીચર્સ વળી વસ્તુઓ શનિવારીમાં કે રોડ સાઈડમાં બેઠેલા ફેરિયાઓ કે નાની નાની લોકલ દુકાનોમાં શોધવાની. ભાઈ ભાઈ કેવું પડે હો... અને જોઈતી વસ્તુ સામે વાળા પાસે મળે નહિ એટલે પાછા એમ કહે કે શું તમે પણ...નવી વસ્તુ તો લાવતા નથી. યુવાનો જ આવું કરે એવું નથી વડીલો પણ નાની બાબતમાં સમાધાન(કોમ્પ્રોમાઈસ) કરી લેતા હોય છે. જેમ કે “આ બૂટને તો હજુ 2 વર્ષ જ થયા છે થોડુક સંધાવી લઈશ, મસ્ત થઇ જશે.
એક જોતા મજાક લાગે પણ તેમની ખુદની જીંદગી પણ તેમેને મજાક જ લગતી હોય છે. કોઈ પણ આર્થિક સમસ્યા આવે ત્યારે એક જ બ્રહ્માસ્ત્ર તેમની પાસે હોય છે ‘કોમ્પ્રોમાઈસ’. ક્યારેક પરિસ્થિતિ સાથે, ક્યારેક અરમાનો સાથે તો ક્યારેક સ્નેહીજનો સાથે વધુ પડતું તો પોતાના સપનાઓ સાથે. મોટા ભાગે આવી પરિસ્થિતિના વારસદારો જન્મજાત જ સમાધાનના સંસ્કાર અથવા તો ગુણ લઈને આવતા હોય એવું મને લાગે છે.
આ બધું સાંભળતા એમ થાય કે તો જીવતા કેમ હશે આ લોકો આટલી ખુશીથી અને નિખાલસતાથી, એટલા માટે જ એક વસ્તુ હંમેશા રહી છે આવા પરિવારોમાં (મને ખબર છે ત્યાં સુધી) ’સહકાર’. ભલે તેઓ ગમે તેટલી વિકટ પરિસ્થિતિમાં જીવતા હોય કે ગમે તેટલો આર્થિક બોજ સહન કરતા હોય, મોટા ભાગના લોકો પરિવાર સાથે અડગ બનીને ઉભા રહે છે. ખરાબ સમયમાં એકબીજાને સાંત્વના આપે છે. આ જ ખરી તાકાત છે, તેમના અસ્તિત્વની. એકબીજાની ખુશીઓ ખાતર એકબીજાને ખીજાતા હોય. “મારે ભલે તકલીફ પડે પણ તે તો સરખું જીવે..!!” આવા ભાવો તો અહિયાં જ જોવા મળે. આ બધું લક્ઝુરીયસ (વૈભવી) જીવન જીવતા કે અત્યંત ગરીબ ઘરોમાં બહુ ઓછું જોવા મળે છે. માટે જ અહિયા સમાધાન રૂપી ગરીબી છુપાયેલી છે.
એક કામ કરવા કરતા બીજું કરીએ તો ત્રણ કામ પતે એક સાથે, આવી માનસિકતા છે. કોઈ પણ સંજોગોમાં પરિવાર અને સ્નેહીજનો સાથે હોંસલાભેર ઉભું રહેવું એ જ આવા લોકોની સુંદરતા અને જીવવાનું કારણ પણ છે.