એકબંધ રહસ્ય
ભાગ - 21
Ganesh Sindhav (Badal)
નજમાની પથારી રઝિયાને ઘરે હતી. ધીરે ધીરે બોલતી નજમાની આંખોમાં અશ્રુ ડોકાયાં. થોડીવારે એ હિબકાં ભરીને રોવા લાગી. એને છાની રાખવા રઝિયાએ કોશિશ કરી. તેઓ એનું રૂદન સમતું ન હતું. એને રઝિયાએ રડવાનું કારણ પૂછ્યું, તો એ વધારે રડવા લાગી. રડવાનો અવાજ સાંભળીને સુરેશ આવ્યો. એણે નજમાને પૂછ્યું, તું શા માટે રડે છે ? અહીં કોઈએ તને કંઈ અજુગતી વાત કરીને તારું દિલ દુભાવ્યું છે ? અમે તને અહીં રોકી એ તને ગમ્યું નથી ? જ્યાં સુધી તું તારા રડવાનું કારણ અમને ન જણાવ ત્યાં સુધી અમે બંને દુઃખી થયા કરીશું. તું દિલ ખોલીને તારી વાત અમને કહે.
“પટેલ સાહેબ, મારે ઘણું બધું કહેવું છે. મારે જે વાત તમને કહેવી છે એ ચિત્રપટની જેમ મારી સમક્ષ તાદ્રશ્ય બને છે. રઝિયા મારાથી દોઢ બે વરસ નાની છે. બાલવર્ગથી અમે બંને સાથે જ અભ્યાસ કર્યો. અનુસ્નાતકની ઉપાધિ પણ સાથે જ મેળવી છે. રઝિયાને મેં ભરપુર મમતા આપી છે. એને કોઈ તકલીફ પાડવા દીધી નહોતી. એ હમેશાં મારા પગલામાં પગ મૂકીને મારી પાછળ ચાલી છે. એના અબ્બાજાન અને અમ્મીની હત્યા થઈ ત્યારે એને એકલવાયું ન લાગે એ માટે ત્રણ માસ સુધી હું એની સાથે રહી હતી. એની મોટી બહેન બનીને મેં એનું જતન કર્યું હતું. હું હંમેશા મારી જાતને ચાલાક અને બુદ્ધિપ્રધાન ચતુરા માનતી રહી છું. મારી એ માન્યતા ખંડિત બની છે. એનો અહેસાસ આજે મને થવાથી હું રડું છું.”
“પટેલ સાહેબ, તમને મેળવવા મેં મનોમન નિર્ધાર કર્યો હતો. તમને પામવા માટે હું વિહ્વળ હતી. વિજોગણ બનીને હું તલસતી હતી. રાતભર હું ઊંધી શકતી ન હતી. મેં હિંમત કરીને તમારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારે તમે મને કહ્યું હતું, “હું વિચારીને તને કહીશ.” તારે તારા પરિવાર સાથે ચર્ચા કરવી જરૂરી છે. તમે મારી સાથે ક્યારેય દિલ ખોલીને વાત કરી ન હતી. મને હંમેશા ગોળગોળ ફેરવીને છેલ્લે મને છેહ દીધો. કહે છે કે, પ્રેમ આંધળો હોય છે. હું તમને પામવા માટે તમારા સિવાય કોઈને જોતી ન હતી. તમારી નિયતને હું ઓળખી શકી નહીં. મારો પરીવાર ફોરવર્ડ છે. તેમના તરફથી મને કોઈ રોકટોક થતી નથી. મને યોગ્ય લાગે એવા નિર્ણયો હું પોતે લેતી હોઉં છું.”
“જયારે રઝિયા અને તમારા લગ્નની જાણ મને થઈ ત્યારે મારા સાતેય વહાણ દરિયાના પેટાળમાં ગરકાવ થઈ ગયા હતા. માનસિક આઘાતને કારણે હું બે માસ સુધી બીમાર રહી. આ માંદગીને કારણે મારું માનસ વિકૃત બન્યું. એ સમયે મેં મનોમન તમારી હત્યા કરવાનો નિર્ણય લીધો હતો.”
“તમારી હત્યા કર્યા પછીથી હિન્દુ વિધવા બનીને મારું જીવન પૂર્ણ કરવાનો મેં નિર્ધાર કર્યો હતો. તમે મારા પ્રેમને ઠોકર મારી તે પછીથી મારી સાથે લગ્ન કરવા માટે ઘણા પાત્રો આવી આવીને ગયા. એ કોઈને મેં લગ્ન માટેની હા કહી નથી. ને હંમેશ માટે હું પુરુષ વંચિતા થઈને જીવવા ઈચ્છું છું. તમે મારા દિદાર જુઓ. મારા કપડાં સફેદ છે. હું કોઈ મેકઅપ કરતી નથી. સાદા કપડાં પહેરીને કૉલેજ જાઉં છું. લોકો મને પૂછ્યા કરે છે કે, હજી સુધી તમે લગ્ન શા માટે કર્યા નથી. એ બધાને હું ગોળગોળ જવાબ આપ્યા કરું છું. સાચી વાત એ છે કે લગ્ન માટેની મારી મહેચ્છા છીન્નભિન્ન થઈ ગયા પછી એને ટાંકાટેભા થઈ શકે તેમ નથી.” એણે એક શેર કહ્યો-
વેળા વીતી તોયે બેઠી, રાત પણ આવી જશે.
ખબર નોતી પ્રેમની, જાત પણ આવી હશે.
સુરેશ કહે, “મારી હત્યા માટે તે રચેલી યોજનાઓ ખુદાએ નિષ્ફળ બનાવી. મારું મૃત્યુ ખુદાને મંજુર ન હોવાથી હું જીવિત છું. આ કારણે અમને તારા પ્રત્યે વેર કે નફરત નથી. મારી હત્યા માટે જે ઘટનાઓ બની એનો અમને સ્પષ્ટ ખ્યાલ હતો કે એમાં તારો હાથ છે. એ નઠારી ઘટનાઓ ભૂલીને આગળ ચાલવાનો અમે નિર્ણય કર્યો છે. અમે હરગીજ તારી સાથે વેરભાવ રાખવાના નથી. અમારી બાબતે તું નચિંત રહેજે. સાચો મિત્ર એ છે જે મિત્રના દુર્ગુણોને ગોપિત રાખીને એના સદગુણોનું સંવર્ધન કરે. સંકટ સમયે બળ, હૂંફ અને આશ્વાસન આપે.”
“ભૂલ કરનાર વ્યક્તિ પોતે આત્મખોજ કરીને દિલના ઊંડાણથી પ્રાયશ્વિત કરે તો એનું મન હળવું બને છે. તને એવો કોઈ પસ્તાવો થતો હોય તો એને હું આવકારું છું. કોઈના કહેવાથી પસ્તાવો થવો એ શેઠની શિખામણ ઝાંપા સુધી જેવું બનશે. પસ્તાવાનો અર્થ હૃદયપરિવર્તન છે. જો તારા દિલમાં એવો પસ્તાવો થતો હોય તો એ સાચો પસ્તાવો છે.”
“મેં કે રઝિયાએ કોઈ દિવસ કોઈની આગળ તારી નિંદા કરી નથી. બનેલી ઘટનામાં તું દોષિત છે એવી વાત કોઈની આગળ કરી નથી. તારા પ્રત્યે નફરતનો અણસાર કોઈ જગ્યાએ વ્યક્ત કર્યો નથી. એનો મતલબ કે પહેલા જેવી જ તું અમારી સ્વજન અને મિત્ર છે. હંમેશ માટે તું અમારી સ્વજન રહેવાની. આ સંસ્થામાં તારે આવીને રહેવું હોય તોયે અમે તને આવકારીશું. હવે તું શાંત થા. તારા દિલમાં જે સંવેદના કે દુઃખ હોય તેની અમને વિગતે વાત કહીશ તો તારું મન હળવું થશે.”
નજમા કહે, “તમારી સંસ્થા જોઇને મારું મન પ્રસન્નતા પામ્યું છે. મારી જેવી વિકૃત મનની વ્યક્તિ જો અહીં આવીને રહે તો હંમેશ માટે એનું ચિત્ત શાંત બને. સાંજની પ્રાર્થનામાં તમારા વિદ્યાર્થીઓએ સમૂહગીત ગાયું હતું. તેના શબ્દો હૃદયસ્પર્શી હતા.”
આડમાં ઊભેલ કોઈ પારસ અડાડતું,
વજ્જરના થરને કાંચન બનાવતું,
તવ શા કારણે હું ભાગું રે ? મારા...
અહીં રઝિયાના ઘરમાં આવ્યા પછી પણ એ ગીતના શબ્દો મારા ચિત્તમાં ગુંજતા હતા. એ ગીતના લય સાથે મારું અજ્ઞાત મન રડવા લાગ્યું. હું શા માટે રડી રહી છું એની મને પોતાને ખબર નથી.
સુરેશ કહે, “મારા અને રઝિયાના લગ્ન આયશા માસીએ ગોઠવ્યા છે. મેં ઇસ્લામ ધર્મ અંગીકાર કરીને રઝિયા સાથે લગ્ન કર્યા છે. મારું નામ અરહમ છે. આ વાત સવારે તું માસીને પૂછી જોજે. મેં તારી સાથે દગલબાજી રમીને રઝિયા સાથે લગ્ન કર્યા નથી. કારણ મેં તને લગ્ન કરવાનું વચન આપ્યું ન હતું. હા, મેં કહ્યું હતું, ‘વિચારીશું’. તારી સાથે મેં લગ્ન કરવાની કોઈ બાંહેધરી આપી ન હતી. તેં પોતે મનોમન મની લીધું હોય એમાં મારો શો દોષ ? આ તારું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. તરુણાવસ્થાની મુગ્ધાઈમાં માનસિક અસ્થિરતા સંભવિત છે. અનુસ્નાતકની ઉપાધી પામ્યા પછીથી તારું મન વિકૃત બને એ વિચિત્ર લાગે છે.” નજમા કહે,
“પ્રથમ પ્રેમ એ પ્રાકૃત અને કુતુહલી ઘટના છે. એની વ્યથા અને કથાની અનુભૂતિ તમારી સમજથી પર છે. એની ચર્ચા કરવી ઉચિત નથી.”
“કાયદાની રૂએ કોઈ ગુનેગારને ફાંસીની સજા થાય ને એ ફાંસીના માંચડે ચડે તે વખતે ડોક્ટરને હાજર રાખવામાં આવે છે. કોઈ પણ કારણથી ગુનેગાર જીવિત હોય તો કાયમ માટે એને માફી બક્ષવામાં આવે છે. તેં આપેલી સજામાંથી હું ઉગરી ગયો છું. તેથી મને તારા તરફથી માફી મળે એવું હું ઈચ્છું છું.”
“તમને ખુદાએ બચાવ્યા છે. એનો મતલબ ખુદાએ તમને માફ કર્યા છે. એ પછીથી હું તમને માફી આપું એ બાલીશ ચેષ્ટા છે.”