ઓપરેશન અભિમન્યુ:
પ્રકરણ ૧૦
રેશમતંતુ
લેખકના બે શબ્દો...
જે નવલકથા મારા મનમાં ઘણા લાંબા સમયથી જીવંતરૂપે ચાલતી રહી હતી એને લાંબી દ્વિઘાના અંતે માતૃભારતી પર મૂકી રહ્યો છું. આ એક લાંબી નવલકથા છે જેમાં તમને એક્શન, સસ્પેન્સ અને રોમાન્સ એ બધા રસનો સ્વાદ ચાખવા મળશે. આ કહાની છે ગુજરાત પોલિસના એસપી સુભાષ કોહલી અને તેમના ભવ્ય ભૂતકાળની. આ કહાની છે ઓપરેશન અભિમન્યુની.
‘સુભાષ, એ શેતાનને છોડતો નહિ....પલ્લવી અને અયાનનું ધ્યાન રાખજે દોસ્ત, અલવિદા...બા...બા...’
“અયાન....” એક લાંબી ચીસ પાડતા એસપી સુભાષ કોહલી પોતાના બેડ પરથી સફાળા જાગી ગયા. તેમની ચીસ સાંભળીને મિસીસ પલ્લવી સુભાષ કોહલી પણ રસોડામાંથી તેમના બેડરૂમમાં દોડી આવ્યા.
“શું થયું સુભાષ.?” ટેબલ પર રહેલા કાંચના જગમાંથી કાંચના ગ્લાસમાં પાણી ભરીને સુભાષ સામે ધરતા પલ્લવીએ કહ્યું. સુભાષ કોહલી પલ્લવી પાસેથી પાણીનો ગ્લાસ લઈને ગ્લાસમાનું બધું પાણી એક ઝાટકે પી ગયા. ત્યારબાદ પલ્લવીએ બેડ પર સુભાષની બાજુમાં બેઠક લીધી અને તેની પીઠ પસવારવા લાગી. સુભાષનું આખું શરીર ધ્રુજતું હતું. ૨૨ ડિગ્રી સેલ્સીયસે રૂમમાં એસી ચાલુ હોવા છતાં આખા શરીરે પરસેવો વળી ગયો હતો. તેમના શ્વાસોચ્છવાસ ધમણની માફક ચાલતા હતા.
“કોઈ ખરાબ સ્વપ્ન જોયું કે.?” પીઠ પસવારતા જ પલ્લવીએ પૂછ્યું. જવાબમાં સુભાષ કોહલીએ ફક્ત હકારમાં માથું ધુણાવ્યું.
“શું જોયું સ્વપ્નમાં.?” પલ્લવીએ પૂછ્યું.
“મને એના વિષે તને માહિતી આપવાની કોઈ જરૂર નથી અને પ્લિઝ અહીંથી ચાલી જા. મને થોડો સમય એકાંતમાં રહેવાની જરૂર છે.” પલ્લવી સુભાષની પીઠ પસવારી રહી હતી. તેના હાથને પોતાના હાથ વડે અવરોધતા સુભાષે કહ્યું.
“પત્ની છું તમારી. મને એ બધું જાણવાનો અધિકાર છે સુભાષ.” આંખોના ભીના થયેલા ખૂણાને સાફ કરતા પલ્લવીએ કહ્યું.
“તું હવે ફક્ત એક સમજુતી છો પલ્લવી.!” નજર ઉંચી કરીને પલ્લવી સાથે આંખો મેળવતા સુભાષએ કહ્યું. તેના શબ્દો પલ્લવીને હૃદય સોંસરવા ઉતરી ગયા.
“તમને શેની જરૂર છે અને શેની નહિ એ બાબતે હું તમારા કરતા વધારે જાણું છું સુભાષ. તમારું સ્વપ્ન ભૂતકાળ વિશેનું જ હશે.! તમે પેલી નિહારીકાને આગળની વાત કહેવાની માંડી વાળશો તો આવા દુસ્વપ્ન આવવાના બંધ થઇ જશે માટે ભૂતકાળના મુદ્દાઓ ઉખાળવાનું હવે બંધ કરો.” ગુસ્સામાં આવીને બેડ પરથી ઉભા થતાં પલ્લવીએ કહ્યું. તેની આંખોમાંના આંસુઓ હવે ટપકવા લાગ્યા હતા. થોડીવાર સુધી સુભાષ કઈ ન બોલ્યા એટલે કંટાળીને બેડરૂમમાંથી બહાર જવા માટે પલ્લવીએ ડગ માંડ્યા.
“એકસામટું ભૂતકાળનું ફ્લેશબેક અત્યારે મેં જોયું પલ્લવી. પહેલા દ્રશ્યમાં રાઘવ પોતાની અંતિમ ઘડીએ મને રણજીતને કોઈપણ કાળે ન છોડવા કહી રહ્યો હતો. તરત જ સ્વપ્ન બદલાયું જ્યાં ઊંડી ખીણમાં પડતા પહેલા રણજીત મને તમને બંનેને સાચવવા બાબતે કહી રહ્યો હતો અને અંતિમ દ્રશ્યમાં અયાન કોઈ ઊંડી ગર્તામાં ધકેલાઈ રહ્યો હોય એવું લાગ્યું એટલે તરત જ હું સફાળો જાગી ગયો.” ધીમા સ્વરમાં સુભાષે પોતાના સ્વપ્ન વિશેની માહિતી આપતા કહ્યું. તેને સાંભળવા માટે કરીને પલ્લવીએ પોતાના પગ થોભાવ્યા.
“એક જ તો ચેહરો છે સુભાષ જેને અયાને પોતાના પિતા તરીકે ઓળખ્યો છે. જ્યારથી બોલતો થયો ત્યારથી એક તમને જ તો એ બાબા તરીકે સંબોધે છે. એ બિચારાને તો ખબર પણ નથી કે એનો બાપ બીજો જ કોઈ હતો.” પાછા બેડ પર સુભાષની બાજુમાં બેઠક લઈને પોતાના આંખોના ભીના ખૂણાને સાફ કરતા પલ્લવીએ કહ્યું. સુભાષના ચેહરા પર એક અજીબ પ્રકારનું મૌન છવાઈ રહ્યું. તેની આંખોના ખૂણા પણ હવે ભીના થવા આવ્યા હતા. વાતાવરણમાં એક અલગ જ પ્રકારની ખામોશી વર્તાઈ રહી હતી.
“સુભાષ પ્લિઝ હવે ભૂતકાળના સંબંધોને ભૂલીને ભવિષ્ય વિશેનો વિચાર કરો, આપણા બંનેનો અને અયાનનો પણ વિચાર કરો. ભૂતકાળમાં આપણી વચ્ચે થયેલા અણબનાવોની સજા અત્યારે અયાન શા માટે ભોગવી રહ્યો છે.? તેને હવે તમારી હૂંફની જરૂર છે સુભાષ. આ વખતે કોલ્હાપુર ગઈ ત્યારે તે સતત એક જ સવાલ પૂછતો હતો કે બાબા ક્યારે આવશે.? કાં તો તમે એને અહી બોલાવી લો અથવા તો એક વખત તમારું મો એને દેખાડતા આવો.” સુભાષના ખભે પોતાનો હાથ મુકતા પલ્લવીએ કહ્યું. ભીની આંખે સુભાષે તેની સામે જોયું.
“પ્લિઝ, એને સારું લાગશે સુભાષ.!” આજીજી કરતી હોય એવા સ્વરે પલ્લવીએ કહ્યું.
“મહેરબાની કરીને મને થોડા વખત માટે એકાંત આપીશ.” સુભાષે કહ્યું. તેના શબ્દો સાંભળીને પલ્લવી બેડ પરથી ઉભી થઇ અને પોતાના આંસુઓ લૂછતાં રૂમની બહાર નીકળી ગઈ. થોડા સમય સુધી સુભાષ કોહલી એમ જ બેઠા રહ્યા. ત્યારબાદ તેમણે બેડની બાજુમાં રહેલો પોતાનો કોડલેસ ફોન ઉપાડ્યો અને તેમાંના અમુક બટન દબાવવા લાગ્યા.
“હેલ્લો...હેલ્લો...હેલ્લો...” અમુક બટન દબાવ્યા બાદ તેમણે ફોનને પોતાના કાને લગાવ્યો. સામે છેડે કોઈએ ફોન ઉપાડ્યો એટલે તે સામેની વ્યક્તિ બોલવા લાગેલી.
“સુભાષ કઈ કહેવા લાયક હોય તો બોલ નહીતર હું ફોન રાખું.?” સામેની વ્યક્તિએ કહ્યું.
“અયાન હોય તો આપો બાબા. મારે અયાનથી વાત કરવી છે.” આંખોમાં ધસી આવેલા આંસુઓના પુરને રોકતા સુભાષે કહ્યું. તેમણે કોલ્હાપુર, મહારાષ્ટ્ર પોતાના સસુરને ફોન લગાડેલો.
“આ બેવડું વલણ ક્યારે છોડીશ તું સુભાષ. કાં તો બંનેને દિલથી અપનાવી લે...મારી દીકરી અને પૌત્ર બંનેને અથવા હમેશા માટે તેમને આ બંધનમાંથી મુક્ત કરી દે.” સામેથી જવાબ આવ્યો.
“બાબા અત્યારે પ્લીઝ મારે બીજી કોઈપણ જાતની ચર્ચા નથી કરવી. ફક્ત અયાન સાથે બે ઘડીક વાત કરવી છે.” સુભાષે આજીજી કરતા કહ્યું.
“આપું છું હમણાં, ચાલુ રાખજે...(અયાન....તારા બાબાનો ફોન છે, લે વાત કર જલ્દી જલ્દી.)” તેમણે કહ્યું.
“હેલ્લો.? બાબા.?” પોતાના બંને કોમળ હાથો વડે ટેલીફોનનું રિસીવર પકડી રાખતા બાળસહજ ભાવે અયાને પૂછ્યું. થોડીવાર સુધી કોઈ જવાબ ન આવ્યો. બાજુમાં ઉભેલા સુભાષના સસુર આ વાત સમજી ગયા એટલે તેમણે ઇશારાથી અયાનને આગળ વાત કરવા કહ્યું.
“બાબા તમે કેમ છો.? હું અહી મજામાં છું. બસ તમને અને આઈને યાદ કરું છું.” પોતાના નાનાનો ઈશારો પામીને અયાને આગળ વાત ચલાવતા કહ્યું. આ સાંભળીને સુભાષના ગળે ડૂમો બાઝ્યો.
“કાલે અમારી છ માસિક પરીક્ષાનું પરિણામ આવ્યું બાબા. હું એમાં પ્રથમ નંબરે પાસ થયો છું. આ વખતે આઈ આવેલી એણે કહેલું કે તારે પણ બાબાની જેમ પોલિસમેન બનવાનું છે. પોલિસમેન બનવા માટે સારું પરિણામ લાવવું પડશે. વાર્ષિક પરીક્ષાઓમાં પણ સારું પરિણામ આવે એના માટે હું સખત મહેનત કરું છું બાબા.” ફરી એકવાર થોડીવાર માટે સન્નાટો છવાઈ ગયો.
“બાબા હું તમારા જેવો પોલીસમેન બની શકીશ ને.?” અયાને પૂછ્યું.
“બિલકુલ બનીશ બેટા, બિલકુલ બનીશ.” અંતે ચુપ્પી તોડતા ગળગળા સ્વરમાં સુભાષે કહ્યું.
“બાબા મને તમારા અને આઈ પાસે આવવું છે તમે મને લેવા ક્યારે આવશો.?” અયાને કહ્યું.
“જલ્દી બેટા, ખુબ જલ્દી.” આટલું કહીને તાત્કાલિક સુભાષે ફોનને પોતાના કાન પાસેથી દુર કર્યો અને કાપી નાખ્યો. સામે છેડે બીપ બીપ એવા અવાજો સંભળાવા લાગ્યા.
“હેલ્લો...હેલ્લો સુભાષ... બેટા, બાબા કામમાં વ્યસ્ત થઇ ગયા લાગે છે. આપણે કાલે વાત કરીશું.” ફોન પર બીપ બીપ એવા અવાજો સંભળાવા લાગ્યા એટલે અયાને ફોન તેના નાનુને આપી દીધો. ફોન પોતાના હાથમાં લઈને રિસીવરને કાને ધરતા અયાનના નાનાએ એક-બે વાર હેલ્લો કીધું. પરંતુ સામે છેડે કોઈ ન હોવાનો અહેસાસ થતાં પૌત્રને સાંત્વના આપવા લાગ્યા.
સુભાષ કોહલીએ ફોનને પાછો તેના સ્ટેન્ડ પર મુક્યો. અર્ધ ખુલ્લા દરવાજામાંથી પલ્લવી આ બધું જોઈ રહી હતી. ફોન મુકાયા બાદ તેણે પલ્લું વડે પોતાના આંસુ લૂછ્યા અને ફરી એકવાર રસોડા તરફ પ્રયાણ શરૂ કર્યું.
@ @ @
“દીદી આપણે પોણો કલાકથી અહી મૂંગા મૂંગા આમ જ બેઠા છીએ. હવે તો દિવસ ઢળવા આવ્યો અને હમણાં અંધારું પણ થઇ જશે.” પલ્લવી અને નિહારિકા પોલિસ કોલોની નજીકના બગીચાની બેંચ પર પોણો કલાકથી સુનમુન બેઠા હતા. થોડીથોડી વારે પલ્લવી પોતાની આંખમાં આવેલા આંસુઓના એક-બે ટીપાને આંગળી વડે લુછી લેતી. નિહારિકા મૂંગા મોઢે તેની આ હરકત જોઈ રહેતી પરંતુ કશું બોલતી નહિ. તેણે આજે લાલ કલરના ફૂલોની ભાતવાળું ઓરેન્જ કલરનું સ્લીવલેસ ટોપ અને બ્લુ કલરની નેરો જીન્સ પહેરેલી હતી તથા આજે તેણે પોતાના વાંકડિયા વાળ બકલ વડે બાંધ્યા હતા. અંતે નિહારીકાથી રહેવાયું નહિ એટલે તેણે પલ્લવીને પૂછી લીધું.
“દીદી કઈ તો બોલો. એસપી સાહેબ ઘરે આવી ગયા હશે. મારે આગળની વાર્તા સાંભળવાની છે અને મને હવે અહી મચ્છર પણ કરડવા લાગ્યા છે. આપણે ઘરે જવું જોઈએ.” નિહારીકાએ પલ્લવીને ઢંઢોળતા કહ્યું. અચાનક કોઈ બીજી દુનિયામાંથી પાછી આવી હોય એમ પલ્લવીએ નિહારીકાની સામે જોયું.
“નિહારિકા...મેં તમને અહી બોલાવી એનું કારણ છે.” આટલું કહીને પલ્લવી થોભી ગઈ. નિહારિકા કપાળ પર પ્રશ્નચિહ્ન બનાવીને તેના સામે જોઈ રહી.
“અત્યારે મારી લાઇફમાં એવું કોઈ નથી જેની સાથે આ બધી વાતો હું શેર કરી શકું. નિહારિકા હું અને તમારા એસપી સાહેબ એક ઘરમાં રહેતા હોવા છતાં એક નથી.” નિહારિકા પોતાની વાતને સમજી જશે એ આશયથી પલ્લવીએ ફક્ત એકવાક્યમાં સમજાવવાની કોશિશ કરી જોઈ.
“હું કશું સમજી નહિ.” નિહારીકાએ કહ્યું.
“ભૂતકાળની કેટલીક બાબતો તેમના મનમાં સતત ડંખતી હોવાના લીધે તે મને સંપૂર્ણ રીતે અપનાવી નથી શક્યા.” બેંચ પરથી ઉભા થતાં પલ્લવીએ કહ્યું. કશું બોલ્યા વગર નિહારિકા એમ જ બેંચ પર બેસીને પલ્લવીને તાકી રહી. થોડીવાર વિરામ લઈને પલ્લવીએ આગળ ચલાવ્યું. “કદાચ તમારી કહાની લખવા માટે મુદ્દાઓ કહેવાની તેમની આ દિનચર્યા તેમને તેમના યાતનામય ભૂતકાળની યાદ અપાવી રહ્યું છે.”
“તો એ બાબતમાં હું કશું કરી શકું.?” નિહારિકા આ વાત કહેવા પાછળ પલ્લવીનો ઉદેશ્ય સમજતી હતી. પલ્લવી ઓપરેશન અભિમન્યુની કહાની અટકાવવા માંગતી હતી એ વાતને નિહારિકા સારી રીતે સમજતી હતી અને તે નહતી ઈચ્છતી કે ઓપરેશન અભિમન્યુની કહાની સાંભળવામાં હવે કોઈ બાધા ઉત્પન્ન થાય. પોતાની અનિચ્છા હોવા છતાં ધીમા સ્વરમાં નિહારીકાએ કહ્યું.
“મારી ઈચ્છા છે તમે આગળની કહાની સાંભળવાનું બંધ કરી દેશો તો કદાચ તે ભૂતકાળની યાદોને ભૂલી શકશે.” આખરે જેનો ડર હતો એ જ વાત પલ્લવીએ નિહારીકાને કરી મૂકી.
“અરરે એવું તે કઈ હોતું હશે.” અચાનક ગુસ્સામાં આવી જઈ બગીચાની બેંચ પરથી ઉભા થતાં નિહારીકાએ કહ્યું. પલ્લવી પાછળ ફરીને તેના સામે જોતા આશ્ચર્ય સાથે તેને તાકી રહી. “દીદી મારા મત મુજબ ખરેખર તો એમની વ્યથા ઓપરેશન અભિમન્યુ નથી પરંતુ એના સાત વર્ષ પહેલાની કહાની છે.” પછી સ્વસ્થતા મેળવતા નિહારીકાએ કહ્યું.
“તમે એ બાબતે આટલા શ્યોર કેમ છો.?” પલ્લવીએ પૂછ્યું.
“અનુભવ દીદી...અનુભવ.” આંખ પલકારીને નિહારીકાએ જવાબ આપ્યો. “તમે મને એ સાત વર્ષ પહેલાની કહાની કહેશો તો હું તમારી કશી મદદ કરી શકું. માટે બીજું બધું તો ઠીક અત્યારે તમે તમારી વાત આગળ ચલાવો અને એસપી સાહેબને એમની વાત કહેવા દો... બાકીનું બધું મારા પર છોડી દો.” થોડીવાર થોભીને તેણે આગળ ચલાવ્યું.
“હમમ અને એનાથી શું થશે.?” પલ્લવીએ પૂછ્યું.
“રિસેટિંગ...તમારા બંનેનું રિસેટિંગ. અને હવે એ મારી જવાબદારી.” નિહારીકાએ કહ્યું.
“એ નહિ માને.!”
“કેમ.?”
“એ ખુબ જીદ્દી છે.” પલ્લવીએ કહી તો દીધું પરંતુ અંદરથી તે જાણતી હતી કે પોતે ખોટું બોલી રહી છે. ખરેખર તો સુભાષ કરતા પોતે વધુ જીદ્દી છે એ વાત પલ્લવી સારી રીતે સમજતી હતી.
“અરરે મારાથી વધુ જીદ્દી થોડીને હશે. હું તો દુનિયાની સૌથી જીદ્દી છોકરી છું. જિદ્દ કરવામાં હું મારી માંની પણ માં છું. અમારા સ્વતંત્ર સમાચાર ચેનલનો મોટ્ટો પણ એક જ છે ‘જીદ કરો અને દુનિયા બદલો.’ એમને મારી વાત માનવી તો પડશે જ તમે તમારી અધુરી કહાની મને સંભળાવો. હા તો પેલા ક્યાં હતા આપણે.?” એકસાથે નિહારિકા ઘણું બધું બોલી ગઈ એટલે થોડીવાર શ્વાસ લેવા રોકાઈ. અદબ વાળીને આંખોમાં એક અજીબ ચમક સાથે પલ્લવી તેને જોઈ રહી. કદાચ નિહારિકાની યુવાનીમાં પોતાનો વીતી ગયેલો ભૂતકાળ તેને દેખાઈ રહ્યો હોઈ શકે.
@ @ @
“ક્યાં જઈ રહ્યા છીએ આપણે.?” નિહારીકાની એકટીવાની પાછળની સીટ પર બેઠા બેઠા પલ્લવીએ પૂછ્યું.
“કાવેરી.! આ એક્ચ્યુલી બીજો શોર્ટકટ રસ્તો છે જ્યાંથી કાર ન નીકળી શકે પરંતુ નાના વાહનો સરળતાથી નીકળી શકે.”
“ડેટ પર આવતી વખતે કયો રસ્તો લેતા શોર્ટકટ કે લાંબો રસ્તો.?” નિહારીકાને થોડી પરેશાન કરવાના ઉદેશ્યથી જાણી જોઇને પલ્લવીએ આવો સવાલ પૂછ્યો. ટૂંક સમયમાં બંને સારા મિત્ર બની ગયા હતા. કદાચ પર્સનલ લાઈફની એકલતા બંનેને સતાવતી હતી.
“ઓફકોર્સ લાંબો રસ્તો. એમ એની સાથે વધારે સમય કાઢવા મળે ને. લ્યો આવી ગયા આપણે.!” હોટેલ કાવેરીના પાર્કિંગમાં લેતા નિહારીકાએ કહ્યું. ત્યારબાદ એકટીવામાંથી ચાવી કાઢી. બંનેએ હોટેલના મુખ્ય દરવાજા તરફ પ્રયાણ કર્યું.
“તો પછી સંબંધ કેમ તોડી નાખ્યો.?” હોટેલમાં અંદર પ્રવેશ લીધા પછી પલ્લવીએ પૂછ્યું.
“કહીશ ક્યારેક અને દીદી હવે નો પર્સનલ ક્વેશ્ચન્સ પ્લિઝ. મારે ફક્ત તમારી કહાની સાંભળવા તરફ ફોકસ કરવું છે.” વ્યવસ્થાપક વેઈટરના ઈશારે બંને જણ એક બે બેઠક ધરાવતા ટેબલ પાસે જઈને ઉભા રહ્યા. એક ખુરશીને ખેંચીને તેના પર બેઠક લેતા નિહારીકાએ કહ્યું.
“અરરે તમે તો ગુસ્સે થઇ ગયા. હવે તમે નહિ જણાવો ત્યાં સુધી કોઈ સવાલ નહિ પુછુ ઓકે.” ખુરશી પર બેઠક લેતા પલ્લવીએ કહ્યું. બંને હાથની કોણી ટેબલ પર ટેકવીને નિહારિકા તેમને તાકી રહી. પલ્લવીની આગળની વાત સાંભળવા તે તૈયાર બની.
@ @ @
નવા શહેર દિલ્લીમાં મને કોઈ ઓળખતું નહતું. અહી અમારા કોઈ સગા કે જાણીતા પણ નહતા વસતા એટલા માટે જ આઈ અને બાબા મને ત્યાં જવાની ના પાડતા હતા. તેઓ લોન લઈને મુંબઈની સેલ્ફ ફાયનાન્સ કોલેજની ઉંચી ફીસ ભરીને પણ મને ત્યાં ભણાવવા માંગતા હતા. અમારી આર્થિક પરિસ્થિતિને જોતા સેલ્ફ ફાઈનાન્સ કરતા દિલ્લીમાં ગવર્મેન્ટમાં મળેલું એડમીશન લઇ લેવાનું વધારે ઉચિત સમજી મેં આઈ બાબાને મનાવી લીધા.
નવા શહેરમાં આવ્યા બાદ અહી ફાજલ સમયમાં મને બહુ કંટાળો આવતો. એકલતા સતાવતી હતી. ક્યારેક આઈ બાબા યાદ આવી જાય તો એકાંતમાં રડી પણ લેતી. ત્રણ ચાર દિવસે તેમને ફોન કરી લેતી. રોજ-રોજ ફોન કરવાનું પોસાય એમ નહતું. કોલ રેટ ત્યારે ખુબ ઊંચા હતા. મને પણ કોઈકના સથવારાની, કોઈની હૂંફની જરૂર હતી. આવા સમયે જ રણજીત અને સુભાષ બંને મારી સાથે મિત્રતા કરવા માંગતા હતા. આમ તો સીધી વાત હતી કે બંને મારા તરફ આકર્ષિત થયા હતા. અજાણ્યા શહેરમાં સમય પસાર કરવા મારે પણ મિત્રોની જરૂર હતી એટલે ટૂંક સમયમાં અમારા ત્રણેનું ગ્રુપ બની ગયું. મિત્રતા સિવાય મારા મનમાં બીજો કોઈ ભાવ નહતો.
મારા બંને મિત્રોને થોડા જ સમયમાં હું સમજવા લાગી હતી. રણજીત ખુલ્લા દિલનો માણસ હતો. એ ખરેખર મારી સાથે ફલર્ટ કરી લેતો. જે દિલમાં હોય એ જ તેની જીભ પર અને તેના વર્તનમાં દેખાઈ આવતું અને એટલા માટે જ મારે એની કોઈ ફરિયાદ પણ ન રહેતી. સુભાષ એનાથી તદ્દન વિરુદ્ધ પ્રકૃતિના.! મોટેભાગે ચુપચાપ રહેતા અને ઘણુબધું તેના દિલમાં છુપાવીને બેસતા. આ વાતની પહેલી વહેલી જાણ મને ત્યારે થઇ જયારે કોલેજ શરૂ થયાના ત્રણ માસ બાદ એમણે મને પ્રપોસ કર્યું.
“આઈ લવ યુ પલ્લવી, વિલ યુ મેરી મી.?” અમે લોકો મતલબ હું અને સુભાષ કોલેજના બગીચા તરફ જઈ રહ્યા હતા. મીડ ટર્મ એકઝામ્સ નજીક આવી રહી હોવાથી અમે બંને સાથે મળીને રીડીંગ કરતા અને કોલેજનો બગીચો રીડીંગ કરવા માટે શ્રેષ્ઠ જગ્યા હતી. અમે આ પહેલા પણ ઘણી વખત રીડીંગ કરવા માટે કોલેજના બગીચામાં આવતા. દર વખતે અહી આવીને હું અને સુભાષ અમારી ક્વેરીસ અને ડાઉટ સોલ્વ કરતા અને રણજીત અમારી નજીક લોન પર સુઈ જતો.! આજે તે ના હોવાથી મને થોડું આશ્ચર્ય પણ થયું. બગીચાના ગેટ પાસે પહોંચ્યા એ પહેલા સુભાષે મારો હાથ પકડી લીધો અને કહ્યું.
“આર યુ ક્રેઝી સુભાષ, તને ભાન છે તું શું બોલી રહ્યો છો.?” મને સૌથી પહેલા તો વિશ્વાસ ન આવ્યો. રણજિત આવું કઈ કરે એ નોર્મલ બાબત હતી પણ સુભાષની આ હરકતે મને અચંબિત કરી મૂકી. મારા શબ્દો પુરા થાય એની પહેલા સુભાષ પોતાના ઘૂંટણ પર બેસી ગયા. મેં જોયું મારી પીઠ પાછળથી કોઈ તેને ઈશારાઓ કરી રહ્યું હતું. મેં પાછળ જોયું તો ત્યાં રણજીત ઉભો હતો.
“આરજે ધીસ ઇસ વેરી બેડ જોક અને સુભાષ તું ઉભો થા. કોઈ જોઈ જશે તો ખરાબ લાગશે.” મારી નજર પડી એટલે રણજીત મારી સામે આવ્યો.
“ડોન્ટ ગેટ અપ ચાર્લી અધરવાઈસ આઈ વિલ કિક યોર એસ.!”
“તમે બંને જણા મજાક બંધ કરો અને સુભાષ હવે ઉભો થા.!”મેં સુભાષનું બાવડું પકડીને તેને ઉભા કર્યા.
“વિ આર નોટ જોકિંગ. અમે આજે તને પ્રપોસ કરવાનું વિચારેલું જ.! સીટ ડાઉન ચાર્લી” આરજે એ સુભાષને પાછા બેસાડતા કહ્યું.
“બંને જણે એમ.? લે લેતો જા...લેતો જા...” મારા હેન્ડબેગ વડે મેં રણજીતને ફટકારવાનું શરૂ કર્યું. હું એ બાબતે ચોક્કસ હતી કે બંનેએ મને પરેશાન કરવા જ આવી ભદ્દી મજાક પ્લાન કરી હશે અને તેનો માસ્ટરમાઈન્ડ આરજે જ હશે.
“બે તો પોસીબલ ન થાય એટલે અમે ટોસ્સ કરી લીધું. એમાં આ ચાર્લી જીતી ગયો. હવે તારે ફક્ત એક હા કહેવાની છે.! એટલે તું એની અને બાય દ વે હું ફલર્ટ તો કરતો જ રહીશ.”
“ડીસકાસટીંગ...”આટલું કહી હેન્ડબેગને ખભે લટકાવતા મેં ત્યાંથી પગ ઉપાડ્યા. એ બંને પ્રેમને આખરે સમજતા શું હતા.? કોઈ ખેલ.? કે ટોસ ઉછાળીએ અને નક્કી થઇ જાય.
@ @ @
પલ્લવીએ પોતાના પર્સ ઉપર હાથ મુક્યો. ત્યારબાદ પર્સની ઝીપ ખોલીને તેમાંથી પોતાનો મોબાઈલ ફોન બહાર કાઢ્યો જે ધ્રુજતો હતો.
“હેલ્લો જી, નિહારિકાએ પાર્ટી આપી...ખબર નહિ કશીક ખુશખબરી હશે...આવીને કહું. હા..હા... આ લેડીસ સ્પેશિયલ પાર્ટી હતી, તમને પછી આપશે.” ફોન ઉપાડ્યા બાદ પલ્લવી વાતો કરવા લાગી. ત્યારબાદ તેણે ફોન કટ કરી નાખ્યો.
“એસપી સાહેબ હતા.? મેં શેની પાર્ટી આપી.? કઈ ન મળ્યું તો મારું બહાનું ધરી દેવાનું.? દીદી ધીસ ઇસ રોંગ.” નારાજ થવાના ભાવ સાથે છણકો કરતા આંખોને ઝીણી કરીને નિહારીકાએ કહ્યું.
“અત્યારે એની વિષે ચર્ચા કરવા સમય નથી નિહારિકા. તમારા એસપી સાહેબ ઘરે આવી ગયા છે. એમના માટે ડીનર પણ તૈયાર કરવાનું છે. ચાલો આપણે હવે જઈએ.” ખુરશી પરથી ઉભા થઈને પોતાનું પર્સ લટકાવતા પલ્લવીએ કહ્યું.
“અને આગળની વાર્તા.? તમે પ્રપોસલ એક્સેપ્ટ કર્યું કે નહિ એ તો કહો.” નિહારિકા પણ ખુરશી પરથી ઉભી થઇ અને પલ્લવીને ફોલોવ કરવા તેની પાછળ ઓલમોસ્ટ દોડવા લાગી.
“એ ફરી ક્યારેક વાત અત્યારે તમે પણ ઘરે ચાલો.” હોટેલમાંથી બહાર નીકળીને બંને પાર્કિંગમાં આવ્યા જ્યાં પલ્લવીએ કહ્યું.
“નાવ ધીસ ઇસ ટુ મચ રોંગ દીદી અને હું ઘરે નથી આવવાની હું નારાજ છું તમારાથી.” એક્ટીવાની આગળની સીટ પર બેઠક લઈને ચાવી લગાવતા નિહારીકાએ કહ્યું. પલ્લવી તેની પાછળ બેસી.
“ફરી ક્યારેક કહીશને બાબા. અત્યારે ઘરે ચાલો.!” એક્ટીવાની સીટ પાછળ બેઠા બેઠા નિહારીકાના ગાલ ખેંચતા પલ્લવીએ કહ્યું.
“આજે નહિ. આજે મને પણ આરામ કરવો છે. દીદી હું તમને ડ્રોપ કરી દઉં પણ અંદર નહિ આવું. એસપી સાહેબને મારા નમસ્તે કહેજો અને કહેજો કે કાલે સમયસર પહોંચી આવીશ.” એક્ટીવાને સ્ટાર્ટ કરતા નિહારિકાએ કહ્યું.
“ઓકે એસ યુ વિશ.!” પલ્લવીએ કહ્યું અને બંને ત્યાંથી નીકળી ગયા.