Gumnam Shodh - 7 in Gujarati Adventure Stories by Bhavisha R. Gokani books and stories PDF | ગુમનામ શોધ - 7

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

ગુમનામ શોધ - 7

ગુમનામ શોધ - એક હ્રદય સ્પર્શી કથા

વિષય : નવલકથા

પ્રકરણ : 7

ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

(અગાઉના પ્રકરણમાં આપણે જોયુ કે પ્રતિક્ષાની સ્ટેપ મોમના ત્રાસથી તેને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. જલ્પા કંદર્પને કહે છે કે તે તેને જીવવાની રાહ બતાવે પરંતુ પ્રતિક્ષા તો તેને ઇગ્નોર જ કરે છે. હવે શુ થશે આગળ તે જાણવા ચાલો આપણે વાંચીએ આપણે આજનુ પ્રકરણ.) જલ્પાની વાત કંદર્પને એકદમ સાચી લાગી કે કંદર્પ તેને પોતાના પ્રેમથી જીવન જીવવા તરફ વાળી શકે એમ છે. તેના પ્રેમને કારણે પ્રતિક્ષાના જીવનમાં સુખ શાંતિ લાવી શકે તેમ છે, પરંતુ પ્રતિક્ષાના જીવનમાં ખુશીઓ ભરવી કઇ રીતે? પ્રતિક્ષા તો તેને ઇગ્નોર જ કરતી હતી. તેની સાથે કોઇ વાત કરવા તૈયાર જ ન હતી.

કંદર્પમાં એવી હિમ્મત ન હતી કે પ્રતિક્ષા સામે પોતાના દિલની વાત કરી શકે, હજુ તેને મનમાં ડર હતો કે પ્રતિક્ષા તેને એક પ્રેમી તરીકે નહી સ્વિકારે તો??? એક મોકાની તલાશ હતી તેને. કોઇ સારો એવો મોકો મળે એટલે તેણે પોતાના દિલની વાત પ્રતિક્ષાને બયાન કરવાનુ નક્કી કરી લીધુ અને ઇશ્વર પણ તેના પ્રેમની ફેવરમાં હોય તેમ તેવો મોકો પણ કંદર્પને મળી ગયો. ઇન્ટર કોલેજ કોમ્પીટીશન ગોઠવાયા અને કંદર્પની કોલેજમાંથી એક રોમેન્ટિક નાટક ભજવવાનુ નક્કી થયુ હતુ અને તેના લીડ રોલ માટે પ્રતિક્ષા અને કંદર્પને પસંદ કરવામાં આવ્યા. બંન્નેએ હિરો અને હિરોઇનનો રોલ પ્લે કરવાનો હતો. સૌ પહેલા તો પ્રતિક્ષા કંદર્પ સાથે કામ કરવા તૈયાર જ ન હતી, કંદર્પ સાથે તો શું તે પ્લેમાં ભાગ લેવા જ તૈયાર ન હતી પરંતુ કોલેજની ઇજ્જતનો સવાલ હતો અને પ્રોફેસરના વારંવાર કહેવાથી તે કમને રેડી થઇ ગઇ.

કંદર્પ માટે આ સુનેહરો મોકો હતો. હવે પંદર દિવસ સુધી પ્રેકટિસ માટે બંન્ને એ સાથે જ રહેવાનુ હતુ. સાથે સાથે રોમેન્ટિક નાટક ભજવવાનુ હતુ, જેથી તે હવે આ મોકો ગુમાવવા માંગતો ન હતો અને કોઇપણ સંજોગોમાં તેના પ્રેમને પ્રતિક્ષા પર વરસાવવા માંગતો હતો પણ પ્રતિક્ષાના મનમાં તો શું હોય તેમ પ્રતિક્ષા તેની સાથે પ્રોફેશનલ એટિટ્યુટ જ રાખતી હતી. જરૂર પુરતી જ વાત અને પ્રેક્ટિસ પુરી કરી તે જરા પણ ટાઇમ વેસ્ટ કર્યા વિના ઘરે જવા નીકળી જતી. કંદર્પ જલ્પા અને તેના ફ્રેન્ડ સર્કલને પ્રતિક્ષાનું આવુ વર્તન બહુ અજીબ લાગતુ હતુ, બે-ત્રણ વખત જલ્પાએ પ્રતિક્ષા સાથે એ બાબતે વાત કરવાની પણ કોશિષ કરી પણ પ્રતિક્ષા કોઇ સંજોગોમાં તેની સાથે ચર્ચા કરવા માંગતી જ ન હતી પરંતુ કંદર્પ આ વખતે હિમ્મત હારવાના મુડમાં ન હતો. તે પ્રતિક્ષા સાથે મિત્રતા પુર્વક વ્યવહાર જ રાખતો હતો. કોઇના કોઇ બાબતે તે પ્રતિક્ષા સાથે વાત કરવાનુ ચુકતો નહી. જ્યારે પ્લેમાંથી રેસ્ટ મળે કે તરત જ પ્રતિક્ષા સાથે બેસી જતો અને મજાક મસ્તી કરી તેને હસાવવાનો પ્રયત્ન કરતો. જાણી જોઇને ફન્ની રમુજ કરી તેનુ મન ડાઇવર્ટ કરવાનો પ્રયત્ન કરે રાખતો. ભલે તેને એ બાબતે બહુ ઓછી સફળતા મળતી પણ તે હાર કબુલ જાય તેમ ન હતો. ********************

“કંદર્પ કેમ છે હવે પ્રતિક્ષાને? રીકવરી જણાય છે કે?” દુબઇથી આવીને નૈમિષે કંદર્પને પુછ્યુ. “બસ એમ જ છે. કાંઇ ફરક નથી. હું તો હવે હિમ્મત હારવા લાગ્યો છું ભાઇ.” તેણે નાસીપાસ થતા કહ્યુ. “બી બ્રેવ મારા ભાઇ. થઇ જશે બધુ સારું. ભગવાન પર ભરોસો રાખ. તારી હિમ્મત એ જ પ્રતિક્ષા માટે સૌથી વધુ અસરકારક દવા છે.” નૈમિષે કહ્યુ. “હા મારી ફેમિલી મારી સાથે છે એટલે જ હું ટકી શક્યો છું. એ જ વિશ્વાસે જીવુ છું કે એક દિવસ બધુ જ સારુ થઇ જશે. થેન્ક્યુ ભાઇ તમે મારા માટે તમારો બિઝનેશ અને ઘર બધુ છોડી આવી ગયા.” “પાગલ એમા થેન્ક્યુ કહેવાનુ ન હોય. તુ મુશીબતમાં હોય અને હુ ખાલી મારા જ સ્વાર્થનુ વિચારુ તો તો આપણા સંસ્કાર લાજે.” “ભાઇ આજના જમાનામાં તમારા જેવી ફેમિલી મને મળી હુ ખરેખર નશીબદાર છુ. બસ ખાલી..................” આગળના શબ્દો આંસુ સ્વરૂપે વહી ગયા. “કંદર્પભાઇ અમે બધા છીએ ને, સૌ સારા વાના થઇ જશે. યોગ્ય સમય આવવાની વાર છે.”

“હા એ સમય જ કયારે આવશે?” નૈમિષ અને સ્તુતિ તેની ઉદાસી સમજતા હતા પણ તેની પાસે તેનો કોઇ જવાબ ન હતો. ****************** “કંદર્પભાઇ તમારી લવ સ્ટોરી વિશે મને કહો ને જરા. મને તો જરાય ખબર જ નથી.” સાંજે જમી લીધા બાદ સ્તુતિએ કંદર્પનો મુડ બદલવા માટે વાત કરી. “અમારી લવ સ્ટોરી કોલેજ પ્લે દરમિયાન શરૂ થઇ જયારે હજાર વાર કોશિષ કરવા છતા પણ મને ડાયલોગ યાદ જ રહેતા ન હતા. આથી પ્રતિક્ષા મારાથી કંટાળી ગઇ. આખો પ્લે બગડે નહિ એટલે મને હેલ્પ કરવાની શરૂ કરી દીધી.” ***************** “કંદર્પ શું તુ પણ કાંઇ ધ્યાન આપતો જ નથી રીહર્સલમાં? તારુ ધ્યાન ક્યાં છે? સાંભળ અને જો હું તને ડાઇલોગ બોલીને સમજાવુ છું. જરા ધ્યાન આપજે એટલે રીહર્સલ આગળ વધે. ”પ્રિયે તુ મારા દિલની રાણી છો. મારા સ્વપ્નની મલ્લિકા તારા માટે જાન પણ હાજર છે.” આ રીતે ફીંલિગ સાથે બોલ ને યાર, ભલે થોડા શબ્દો આડા અવળા થઇ જાય બસ ફીંલિગ્સ ખુબ જ જરૂરી છે. આ તો જાણે એમ બોલે છે જાણે લેક્ચરની લાઇન્સ યાદ કરીને બોલતો હોય. નાટકમાં પ્રેમ એ કેન્દ્રમાં છે અને તુ છે કે તારા ડાઇલોગમાં પ્રેમનું નામોનિશાન રત્તિભાર પણ દેખાતુ નથી.”

“સમજી ગયો મેડમ સમજી ગયો. હવે ધ્યાન રાખીશ અને તે કહ્યુ તેમ જ પ્રેમ કરીશ, આઇ મીન ડાઇલોગ પ્રેમથી જ બોલીશ.” કંદર્પે હસતા હસતા કહ્યુ. “તુ મારા દિલની રાણી અને સ્વપ્નની મલિકા છો. તારા માટે જાન પણ હાજર છે. એકવાર મારા પ્રેમનો સ્વીકાર કરી લે, તારા ચરણોમાં ચાંદ તારા લાવીને રાખી દઉ. આઇ લવ યુ ડીયર આઇ લવ યુ સો મચ.” કંદર્પે પ્રતિક્ષા સામે ઘુંટણભર બેસીને કહી દીધુ અને તેની આંખ સામે જોઇ જ રહ્યો. પ્રતિક્ષા એમ સમજતી હતી કે કંદર્પ નાટકિય ડાઇલોગ બોલે છે પરંતુ કંદર્પની ફિલીંગ્સ સાચી હતી. તેના હ્રદયની સાચી ભાવના તે પ્રતિક્ષા સામે બયાન કરી ગયો. “વાહ સો ટકા સુધ્ધ ભાવથી તે ડાઇલોગ બોલ્યા. વાઉ તારી ફીલીંગ્સ કે કોઇ વાત? હું તો પાગલ બની ગઇ, ખોવાઇ ગઇ તારા શબ્દોમાં, ઓહ માય ગોડ.” પ્રતિક્ષા આનંદથી ઝુમી ઉઠી.

બરોબરને પ્રતિક્ષા??? પ્લે માટે બોલાયેલા દરેક શબ્દ હ્રદયમાંથી પ્રતિક્ષા માટે જ નીકળતા હતા. તેના દિલમાં પણ એક ખુણે મારા માટે કુણી લાગણી હતી તેની મને ખબર જ હતી પણ તેના માતાના ડરથી તે મને ઇગ્નોર કરતી હતી. પણ કહેવાય છે ને કે લાગણીને લાંબો સમય દબાવી શકાતી નથી. ધીમે ધીમે પ્લેની પ્રેકટિસ કરતા કરતા અમે રીઅલ લાઇફમાં ફરી એક-બીજાના બેસ્ટ ફ્રેન્ડ બની ગયા. “પ્રતિ થેન્ક્યુ સો મચ. તે ફરીથી મને ફ્રેન્ડ બનાવ્યો અને મારા પર વિશ્વાસ કર્યો.તારો એ રૂક્ષ સ્વભાવ અમને બધાને ખુંચતો હતો પણ મને એ કહીશ કે મારી સાથે કેમ આવુ વર્તન કરતી હતી??? કાંઇ ભૂલ થઇ ગઇ હતી મારાથી કે શું? જો તારુ મન માને તો જ કહેજે, તને માંઇ આગ્રહ કરતો નથી, પણ એક વાતનો આગ્રહ જરૂર રાખીશ કે હવે તારુ વર્તન બદલાવજે નહી પ્લીઝ. હંમેશા હસતી-ખેલતી રહેજે.”

“પહેલા તો આ થેન્ક્યુ બેન્ક્યુ બંધ કરી દે નહી તો ફરી અનફ્રેન્ડ કરી નાખીશ અને રહી વાત મારા રૂક્ષ વર્તનની તો એ સમય આવ્યે હું બધુ એ ટુ ઝેડ તને કહીશ, તારી સાથે મારા સુખ દુઃખ શેર નહી કરુ તો કોની સાથે કરીશ? એક તુ જ છે જે મને સમજી શકે છે. વખત આવ્યે તને જ હેરાન કરવાની છું, સમજ્યો???” મારા વાંસામાં ધબ્બો મારીને હસતા હસતા તેણે કહ્યુ.

હુ તેના આ વર્તનથી ખુબ જ ખુશ થઇ ગયો. તે મારી કંપનીથી હસવા લાગી હતી. પહેલાની જેમ ફરી તે ખુશ રહેવા લાગી હતી. પહેલાની જેમ જ મારી સાથે હવે ચેટ રીલેશન શરૂ થઇ ગયા હતા. હવે તેણે પોતાના ફોનમાં મારુ નામ પણ એક ગર્લના નામે સેવ કરી લીધુ અને ચેટમાં અમે સાવધાનીપુર્વક જ વાતો કરતા હતા. તેનો મેસેજ આવે તો જ હું રિપ્લાય આપતો હતો, સામેથી કોઇ દિવસ તેને મેસેજ ન કરતો. ******************** એક દિવસ બપોરે જયેશ તેના કાકાના ઘરે કામ માટે ગયો હતો. હુ મારા રૂમમાં એકલો જ હતો અને વાંચવુ જરા પણ ઉકલતુ ન હતુ. પ્રતિક્ષાનો “હાઇ” નો મેસેજ આવ્યો પછી રિપ્લાય આપ્યો હતો તેને એક કલાક થઇ ચુકી હતી પણ બાદમાં તેનો કોઇ પ્રતિસાદ આવ્યો ન હતો. ભગવાનનું નામ લઇ પ્રતિક્ષાને કયારનો મેસેજ કરતો હતો પણ તે કોઇ જવાબ આપતી ન હતી.

એકવાર તો તેને કોલ કરવાનુ મન થઇ આવ્યુ હતુ પણ વળી તેના ઘરમા કોઇને ખબર પડવાની બીકે તેને કોલ કરવાનુ ટાળી દીધુ. મારે જ્યારે તેનુ કાંઇ કામ પડતુ ત્યારે જ્લ્પાના ઘરે જઇ તેના દ્વારા જ કોલ કરાવતો હતો. આજે પણ ઇચ્છા થઇ આવી પણ શુ કામનુ બહાનુ બનાવવુ તે વિચારતો હતો. ત્યાં ઓંચિતા ડોર બેલ વાગી. કોણ આવ્યુ હશે તે વિચારતા વિચારતા દરવાજો ખોલવા ગયો. ત્યાં તો મારી આંખો ફાટીને રહી ગઇ. આંખો ચોળીને પણ જોયુ. પ્રતિક્ષા ઉભી હતી. બપોરના સમયે તે એકલી મારા રૂમ પર આવી હતી. “બુધ્ધુ મહેમાનને આવકારો પણ નહિ આપે કે હુ આમ બહાર જ ઉભી રહુ.” “તુ કયાં મહેમાન છે? તુ તો મારી બેસ્ટ ફ્રેન્ડ છો. તારુ જ ઘર છે. એમાં શુ આવકારો આપવાનો ચલ અંદર.”

“અત્યારે ઓચિતા કાંઇ અરજન્ટ કામ હતુ?” અંદર ખુરશી તેને આપીને બેડ પર બેસતા મે પુછ્યુ. “કેમ કામ વગર ન આવી શકુ? પણ તારુ કામ તો જરૂર છે.” “આવી જ શકેને ગમે ત્યારે ફ્રેન્ડ માટે દરવાજા ખુલ્લા છે. બોલને યાર શુ કામ પડ્યુ.”

“તુ મારી સાથે લગ્ન કરીશ?” તેના આ સવાલથી મારી ચારે બાજુ જાણે ઘુમવા લાગી. ઘણા સમયથી જે વાતનો ઇઝહાર હું તેની સામે કરવા ઇચ્છતો હતો તે વાત તેના મોઢેથી આ રીતે બહાર આવશે તેની મે કદી કલ્પના પણ કરી ન હતી. હુ ખુશીના માર્યો બેહોશ થવા જઇ રહ્યો હતો.

“પ્લીઝ રિપ્લાઇ મી. ડુ યુ વોન્ટ ટુ મેરી વીથ મી?” “પ્રતિક્ષા હુ તારી સાથે જ લગ્ન કરવા માંગુ છુ. પહેલી નજરમાં મેં જયારે તને જોઇ ત્યારથી હુ તને ચાહુ છુ. પરંતુ તુ પ્રેમવશ મને કહે છે કે મજબુરીવશ?” “એ તુ જે માને એ. હુ મારી જીંદગીથી કંટાળી ગઇ છુ. પ્લીઝ મને ભગાડી જા. હુ આ કંટાળાભર્યા જીવનથી છુટવા માંગુ છુ. તુ મારા ખાતર જોખમ ઉઠાવવા તૈયાર છે?” “હુ તારા માટે ગમે તે કરવા તૈયાર છુ. પરંતુ તુ સમજી વિચારીને નિર્ણય લે યાર. જીંદગીના ફેસલા આમ ન લેવાના હોય.”

“તુ શુ જાણે છે મારી જીંદગી વિશે? એમ જ સલાહ ન આપ યાર. ચાલ કોઇ પ્લાન બનાવીએ” “અરે યાર જયારે તુ મને પ્રેમ નથી કરતી તો શા માટે તારે મારી સાથે લગ્ન કરવા છે? લગ્ન માટે પ્રેમ ખુબ જ જરૂરી છે. આજે જયારે તુ તારી આ જીંદગીથી કંટાળી આવુ પગલુ ભરે છે કાલે તુ તારા પ્રેમ વિનાના લગ્ન જીવનથી કંટાળી બીજુ પગલુ ભરીશ. જીંદગી આવી રીતે જીવવાની ન હોય. તેના પળેપળ માણવાના છે. ચાહે ખુશી મળે છે કે ગમ તેને જીંદાદિલીથી માણીને જીવવાનુ છે.”

“તમને બધાને મારા જેટલા દુ:ખ નથી પડયા માટે તમે આવી સલાહ આપી શકો છો. બાકી મારી જીંદગી તમે એકવાર જીવો તો જ તમને બધુ ખબર પડશે.” “હા તો પ્લીઝ તારી ઇચ્છા હોય તો શાંતિથી મને તારી જીંદગી વિશે જણાવ જેથી કરીને આપણે કોઇ હલ કાઢી શકીએ” “મારી મુશ્કેલીઓના કોઇ હલ જ નથી. હુ ત્રણ વર્ષની નાનકડી હતી ત્યારે મારી જન્મદાત્રી માતા મારો હાથ અને સાથ છોડીને જતી રહી. હુ અફાટ રણ વચ્ચે એકલી રહી ગઇ. મારા પિતાજી મને ખુબ જ પ્રેમ કરતા હતા. આથી મારા ખાતર તેને બીજા લગ્ન ન કરવાનુ નક્કી કરી લીધુ. મારો સારામાં સારો ઉછેર થાય તે માટે તેણે બે બહેનોને મારા ઉછેર અને ઘરના બધા કામ કાજ માટે રાખી દીધી. ઓફિસના સમય બાદ તે પોતાનો બધો સમય મને આપતા હતા. અત્યારે સ્વાર્થની આ દુનિયામાં લોહીના સંબંધોમાં સ્નેહ નથી રહ્યો ત્યારે પૈસેથી ખરીદેલા સંબંધનુ તો શુ કહેવુ? મારા ઉછેર અને ઘરકામ માટે રાખેલી બહેનો જ મારા પર અત્યાચાર ગુજારવા લાગી તે મારી પાસે જ બધુ કામ કરાવતી અને મારા માટે રાખેલુ સારુ સારુ ખાવાનુ તે ખાઇ લેતી. બાકીના સમયે ઉંઘના હેવી ડોઝની દવા મને આપી મને સુવડાવી રાખતી અને બંન્ને આરામથી ટી.વી. જોઇ અને આરામ કરતી રહેતી. આમને આમ સમય વિતતા મારા શરીર અને મગજ પર અસર પડવા લાગી એટલે ભાંડો ફુટી જતા તે બંન્ને ને પપ્પાએ કાઢી મુકી. પપ્પા સાવ ભાંગી પડયા. તેઓએ માંડ મને બચાવી. તેના પ્રેમની હુ એક જ નિશાની હતી. બધાના આગ્રહવશ થઇને મારા વ્યવસ્થિત ઉછેર માટે તેણે પુનર્લગ્ન કર્યા. મારા નસીબ જ વાંકા છે ત્યારે કોઇ બીજા વ્યક્તિને દોષ આપવાથી શુ થાય? મારી નવી મમ્મી સ્ટેપ મોમ માટે હુ એક બોજ છુ. તેના તાના, ઉપેક્ષા, મારઝુડ અને અત્યાચારથી હુ મોટી થઇ. મારા પપ્પા મારા માટે બધુ સહન કરે અને હુ તેના માટે, પરંતુ કયાં સુધી? હવે થોડા પૈસા માટે તે એક મારવાડી શેઠ સાથે મારા લગ્ન કરાવી દેવા માંગે છે. હવે તુ જ કહે એક મારાથી પણ ડબલ વયના બીજા રાજયના વ્યક્તિ કરતા તુ કયાં ખોટો છે? આખરે તુ મારો ફ્રેન્ડ છો. મને સમજે છે અને હું એ પણ જાણું છું કે તુ મને એકતરફી પ્રેમ પણ કરે છે પણ મને આજ દિન સુધી કહી ન શક્યો. પ્લીઝ મને બચાવી લે.” તેની આંખના ખુણા સાથે મારી આંખો પણ તેની આપવિતી સાંભળીને ભરાય આવી.

“તુ એકવાર તારા પપ્પાને સમજાવવાની કોશિષ તો કર.” “તેણે જ મને રડતા રડતા રાત્રે કહ્યુ તુ ભાગી જા મારા દીકરા હવે કોઇ રસ્તો જ નથી રહ્યો.”

વધુ આવતા અંકે..................

(શું કંદર્પ તેનુ કેરિયર છોડી અને પ્રતિક્ષા સાથે ભાગી જવા સહમત થશે? અને ભાગી ગયા બાદ શું તે પ્રતિક્ષાના દિલમાં પ્રેમ જગાવી શકવા સક્ષમ બનશે? બન્ને આ ભાગી જવાનો રાહ પસંદ કરશે તો શું કંદર્પનો પરિવાર પ્રતિક્ષાનો સ્વિકાર કરશે? એ બધુ જાણવા માટે જોડાયેલા રહો મારી સાથે ગુમનામ શોશની આગળની કડી સુધી............)

.