Ek patangiyane pankho aavi - 38 in Gujarati Short Stories by Vrajesh Shashikant Dave books and stories PDF | એક પતંગિયાને પાંખો આવી - 38

Featured Books
Categories
Share

એક પતંગિયાને પાંખો આવી - 38

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 38

વ્રજેશ દવે “વેદ”

સાંજના ચારેક વાગ્યે એક પડાવ પર આવી બંને રોકાઈ ગયા.

“આજની રાત રોકાવા માટે આ સ્થળ કેવું રહેશે?” નીરજાએ એક સલામત અને સમથળ સ્થળ તરફ સંકેત કર્યો.

વ્યોમા ત્યાં દોડી ગઈ. સામાન નીચે મૂકીને બેસી ગઈ. નીરજા પણ ત્યાં આવી ગઈ. બંનેએ ટેન્ટ બાંધી નાંખ્યો. આજ ટેન્ટ સરળતાથી બંધાઈ ગયો. થોડી વાર આરામ કરી લીધો.

“મને તો ખૂબ ભૂખ લાગી છે. નીરજા, તને લાગી છે?” વ્યોમાએ ભૂખથી ત્રસ્ત ભાવો મોઢા પર લાવી કહ્યું.

“હા. મને પણ લાગી છે. આજે એક કામ કરીએ, આસ પાસ કોઈ ગામ કે કોઈ હોટેલ હોય તો, ત્યાં જમવા જઈએ.“

“ચોક્કસ. પણ આ સામાન અને આ ટેન્ટ?”

“વ્યોમા. આ જંગલમાં આ ટેન્ટ કોઈ ચોરી નહીં જાય. અને સામાનમાં એવું કાંઇ નથી કે ચોરને તેમાં રસ પડે.”

“હા, યાર. અહીં માણસો જ કયાઁ છે? જ્યાં માણસો હોય ત્યાં ચોર હોય.”

“મતલબ કે આપણો સામાન બિલકુલ સલામત છે.“

ટેન્ટને એમ જ છોડી બંને કોઈ હોટેલની તલાશમાં નીકળી પડ્યા.

થોડે દૂર કોઈ હોટેલ મળી ગઈ. જરૂરી ભોજન અને નાસ્તો બંધાવી લીધા. આવી ગયા ટેન્ટ પર.

“નીરજા, કોઈ ચોર નથી આવ્યો. બધું જ જેમનું તેમ છે.” વ્યોમાએ આંખોથી સમગ્ર ટેન્ટ પર નજર નાંખી.

ટેન્ટ સલામત હતો. બધું જ અકબંધ હતું. કશું જ પોતાની જગ્યાએથી હલ્યુ નહોતું. તેઓને હાશ થઈ.

ટેન્ટ બહાર આવી ગયા. ખુલ્લા આકાશમાં જંગલને જોતાં જોતાં આંખ અને પેટ બંનેની ભૂખ સંતોષવા લાગ્યા.

“આજ સવાર સવારમાં કેવો ઘેરાયો હતો વરસાદ? અને આખા દિવસમાં એક ટીપું ય વરસ્યો નહીં.” નીરજાએ આકાશ તરફ જોઈ ફરિયાદ કરી. વાદળો હજુય આકાશમાં હતા. સવારથી તે ત્યાં જ હતા. જરા ય ખસ્યા જ નહોતા. વરસ્યા પણ નહોતા.

“વરસાદ તો રાતના જ વરસતો હોય એવું લાગે છે. કાલે રાત્રે ખૂબ વરસ્યો હતો. કદાચ આજે રાત્રે પણ વરસે. તે રાત પડવાની પ્રતિક્ષા કરતો હશે.” વ્યોમાએ વાદળોનો બચાવ કર્યો.

“તને કોણે કહ્યું એવું?”

“મેં હમણાં જ એક વાદળ જોડે વાત કરી. તેણે મને કહ્યું કે આજે રાત્રે તે ફરી વરસશે.”

“મને તો નહોતો સંભળાયો, વાદળનો અવાજ. તને કેમ સંભળાઈ ગયો?”

“મને તો હજુ ય સંભળાય છે. જો તું પણ ધ્યાનથી સાંભળ. જો...ધ્યાનથી... સાવ મૌન બની...સિ...સ....” વ્યોમાએ હોઠો પર આંગળી રાખી નીરજાને વાદળોના કાલ્પનિક અવાજ સાંભળવા કહ્યું.

નીરજા મૌન બની ગઈ. ધ્યાનપૂર્વક અવાજ સાંભળવા કોશિશ કરવા લાગી. વ્યોમા પણ કાન માંડવા લાગી.

બધું જ મૌન હતું. માત્ર વહેતી મંદ હવાનો નાજુક અવાજ, એ સિવાય બધું જ મૌન. માત્ર મૌન.

અચાનક ટેન્ટ પાછળથી ઝીણો અવાજ આવ્યો. ફરી મૌન. ફરી ઝીણો અવાજ. ફરી મૌન. ત્રીજી વખત પણ એ જ રીતનો ઝીણો અવાજ આવ્યો. નીરજાના કાન સતર્ક થઈ ગયા, ”વ્યોમા, ટેન્ટ પાછળ કોઈ છે. કોઈ અવાજ આવી રહ્યો છે.”

“ના રે, કોઈ નથી. કોઈ અવાજ મેં નથી સાંભળ્યો.”

“પણ મેં સાંભળ્યો છે. એક નહીં ત્રણ ત્રણ વખત. નક્કી કોઈ ટેન્ટ પાછળ છે.”

“નીરજા, આ જંગલમાં તારા મારા સિવાય કોઈ રહેતું નથી. તો પછી કોણ આવવાનું અહીં. તને કોઈ ભ્રમ થયો લાગે છે.”

“વ્યોમા, તું ...” નીરજા બોલતા બોલતા અટકી ગઈ. ફરી ટેન્ટ પાછળથી અવાજ આવ્યો. કોઈના ચાલવાનો અવાજ. આ વખતે વ્યોમાએ પણ તે સાંભળ્યો. બન્ને મૌન બની ગયા. સતર્ક બની ગયા. ટેન્ટ તરફ નજર ફેરવી.

ફરી કોઈના પગલાનો અવાજ આવ્યો. કોઈ તો છે જ, ટેન્ટ પાછળ. બન્નેએ એકબીજાના હાથ પકડી લીધા અને ચાલવા લાગ્યા ટેન્ટ પાછળ. ટેન્ટ 20-22 ફૂટ દૂર હતો. તેઓ ઝડપથી ટેન્ટ તરફ ગયા. તેઓના પગલાનો અવાજ સાંભળી ટેન્ટ પાછળનો અવાજ દૂર ભાગી જતો લાગ્યો. બન્ને દોડ્યા. ટેન્ટ પાછળ પહોંચી ગયા.

કોઈ ત્યાંથી જંગલ તરફ દોડી ગયું. તેઓની નજર પડે તે પહેલાં જ, તે જંગલમાં છુપાઈ ગયું.

‘કોણ હશે?’ બન્નેના ચહેરા પર પ્રશ્ન ઊગી ગયો. બન્ને સાવધ થઈ ગયા.

“વ્યોમા, કોઈ ટેન્ટમાં ઘૂસી ગયું હતું કે ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યું હતું.”

“ચાલ, પહેલાં ટેન્ટની અંદર ચકાસી લઈએ.” બન્ને ટેન્ટની અંદર ગયા. ટેન્ટમાં બધી વસ્તુઓ એમ જ હતી. કોઈના અહીં આવી ગયાના કોઈ ચિન્હો દેખાતા નહોતા.

“ટેન્ટની અંદર તો એ પ્રવેશયું નથી.” વ્યોમાને પાકકી ખાતરી થઈ ગઈ.

“હા. કોઈ પગલાના નિશાન પણ નથી દેખાતા.ચાલ ટેન્ટ પાછળ કોઈ પગલાંના નિશાન છે કે કેમ તે તપાસી લઈએ.” નીરજા, વ્યોમાને લઈને બહાર નીકળી ગઈ. જમીન પર કોઈના પગલાંના નિશાન શોધવા લાગી.

પાછલી રાતના વરસાદથી ભીંજાયેલ અને આખા દિવસમાં નહીં નીકળેલા તડકાને કારણે હજુ પણ ભીની માટી પર પગલાના નિશાન દેખાવા લાગ્યા. ધ્યાનથી જોવા લાગ્યા તે પગલાઓને. ટેન્ટની નજીકથી જ શરૂ થતાં પગલા જંગલ તરફ દોડી જતાં હતા.

પગલાં કોઈ પ્રાણીના જ લાગતા હતા. તેનું કદ નાનું હતું. માનવ પગલાં કરતાં પણ નાનું. બે પગલાંઓ વચ્ચે ચારેક ફૂટ જેટલું અંતર હતું.

તે પગલાને પકડીને બંને ચાલવા લાગ્યા. પચાસેક ફૂટ જેટલા અંતર સુધી તે જતાં હતા. ત્યાર બાદ પગલાઓ ગાયબ થઈ જતાં હતા. ત્યાં ગીચ ઝાડી હતી. પણ પગલાઓ તે ઝાડીમાં દાખલ થવાને બદલે અટકી જતાં હતા.

“વ્યોમા, આ પગલાઓને જોઈને એવું લાગે છે કે એ કોઈ પ્રાણી જ હતું.”

“અને એ કોઈ મહાકાય પ્રાણી હોય તેવું નથી લાગતું.” વ્યોમા અને નીરજા હવે નિષ્કર્ષ તરફ વળવા લાગ્યા.

“હા. પગલાઓ માનવના પંજા કરતાં પણ નાનાં છે. વધુમાં આ પ્રાણી ખૂબ ઝડપથી દોડતું કે ભાગતું હોય એવું લાગે છે.”

“એમ કેમ કહી શકાય? આપણે અહીં પહોંચ્યા એ પહેલાં એ ભાગી ગયું એટલે?”

“ના. એટલે નહીં, પણ ઝડપથી દોડી જતાં પ્રાણીના બે પગલાં વચ્ચે વધુ અંતર હોય છે. તું જો આ પગલાંઓ વચ્ચે ચારેક ફૂટ કે તેથી વધુનું અંતર છે.” નીરજાએ સમજાવ્યું.

“ઓહ. તો પછી ઝાડી સુધી આવીને અલોપ થઈ જતાં પગલાનું શું રહસ્ય છે? “ વ્યોમાએ જિજ્ઞાસા બતાવી.

“એનું રહસ્ય એ છે કે તે પ્રાણી કૂદીને ઝાડ પર ચડી ગયું છે. પછી ડાળીઓ મારફતે જંગલમાં છટકી ગયું છે.”

“ઝડપથી દોડતું, નાના પગલાં વાળું અને કૂદીને ઝાડ પર ચડી જતું પ્રાણી માત્ર વાંદરો જ હોઇ શકે, નીરજા.”

“હા. સાચી વાત છે તારી. એ નક્કી વાંદરો જ હશે.” નીરજા ચોક્કસ તારણ પર આવવા લાગી, ”મેઘાલય ના જંગલોમાં વાંદરાઓની બે ત્રણ જાત વસે છે, એવું મેં યાત્રા શરૂ કરતાં પહેલાં વાંચેલું.”

“તે આપણાં ટેન્ટમાં શું કરવા ઘૂસવા માંગતો હતો?”

“કદાચ કોઈ ભોજનની તલાશમાં હોઇ શકે. બંદરો સ્વાદપ્રિય હોય છે.”

“પણ, આપણી પાસે કયાઁ એવું સ્વાદિષ્ટ ભોજન છે?“

“હોટેલમાંથી લાવેલું ભોજન તાજું પણ છે અને સ્વાદિષ્ટ પણ છે. તેની સુગંધ તેને અહીં સુધી ખેંચી લાવી હશે.” નીરજાએ તર્ક લગાવ્યો.

“શું એ બંદર હિંસક છે? હુમલાખોર છે? કે પછી માત્ર ભોજન તરફ આકર્ષાઈને આવે છે?” વ્યોમાએ સાવચેતીના પગલાં રૂપે માહિતી લેવા પ્રશ્ન કર્યો.

“એ ગોલ્ડન લંગૂર હોઇ શકે. સામાન્ય રીતે તે શાંત પ્રાણી છે. પણ જંગલનું પ્રાણી છે. કદાચ હુમલો કરે પણ ખરા.”

“તો સાવધ રહેવું પડશે. એક કામ કરીએ, આ ટેન્ટ ત્યાં દૂર બાંધી દઈએ. ત્યાં સુધી તે નહીં આવી શકે.”

“વ્યોમા. તે બંદરે જાણી લીધું છે, કે કોઈ માનવ આ ટેન્ટમાં આવી વસ્યું છે. અને તેની પાસે સરસ મજાનું ભોજન પણ છે. એટલે તું ગમે ત્યાં ટેન્ટ બંધીશ, તે જરૂર ત્યાં પહોંચી જશે. માટે આમ દૂર જવાથી સમસ્યા હલ નહીં થાય.” નીરજાએ પરિસ્થિતિની વાસ્તવિકતા કહી.

“તો પછી આખી રાત જાગતા રહેવું પડશે. પણ, મને તો અત્યારથી જ નીંદર આવે છે. મરાથી રાત નહીં જાગી શકાય. તું જાગજે આખી રાત.“ વ્યોમાએ મોટું બગાસું ખાધું.

“તેની કોઈ જરૂર નથી લાગતી. આ ટેન્ટ અંદરથી પણ બંધ થાય છે એવું જેનિફરે કહેલું, યાદ છે તને? એકવાર અંદરથી બંધ કરો એટલે બહારથી કોઈ અંદર દાખલ જ ના થઈ શકે.”

“હા. મને યાદ છે. આ ટેન્ટમાં આપણે અને આપણું સ્વાદિષ્ટ ભોજન બંને સલામત છે.”

“હા. તો ચાલ ટેન્ટ પાસે જઈએ.” બન્ને ટેન્ટ તરફ જવા લાગ્યા. ત્યાં ફરીને ઝાડી પાછળથી અવાજ આવ્યો. બન્ને રોકાઇ ગયા, પાછળ જોયા વિના જ. ઝાડીમાં હલન ચલન થવા લાગ્યું. કોઈ ઝાડી પાછળથી બહાર નિકળ્યું. તેના કુદવાનો અવાજ આવ્યો.

બન્ને એકસાથે જ પાછળ ફરી ગયા. ઝાડીની આગળ અને આંખની બરાબર સામે જ ધારણા પ્રમાણેનો જ એક વાંદરો ઊભો હતો.

બંદરની નજર નીરજા અને વ્યોમાની નજર સાથે ટકરાઇ. આ તરફ ચાર આંખોમાં અને તે તરફ બે આંખોમાં એક સરખો ભય અને વિસ્મયનો ભાવ હતો. એકબીજાને જોઈને સૌ વિચલિત થઈ ગયા હતા. નીરજા સૌ પહેલાં સ્વસ્થ થઈ. તેણે બંદર તરફ સ્મિત આપ્યું. તે સ્મિતે તેનું કામ કર્યું. બંદરના આંખના ભાવોને તે સ્મિતે બદલી નાંખ્યા. તે તદ્દન શાંત થઈ ગયા. હવે વારો વ્યોમાનો હતો. તે પણ નોર્મલ થઈ ગઈ.

ત્રણેયને લાગ્યું કે તેમની વચ્ચે દોસ્તી થઈ શકે તેમ છે. વ્યોમાએ તે પારખી લીધું. તેના હાથમાં રહેલું ભોજન તેણે તે બંદરને આપ્યું. બંદરે તે લઈ લીધું. ખાવા લાગ્યું. ઝડપથી તેણે તે પૂરું કરી નાખ્યું.

નીરજાએ તેને બીજું ભોજન આપ્યું. તેણે તે લઈ લીધું અને ઝડપથી ઝાડીઓ વચ્ચે અદ્ર્ર્શય થઈ ગયો.

બન્ને તેને જતાં જોઈ રહ્યા. તેઓની નજર ઝાડીની આરપાર જોવા પ્રયાસ કરવા લાગી અને શોધવા લાગી કે બંદર ક્યાં ગયો. પણ તે ઝાડીની આરપાર ખાસ દૂર સુધી જોઈ શકાય તેમ નહોતું. તે ખૂબ જ ગીચ હતી. અને બંદરની ઝડપ પણ તિવ્ર હતી. પળવારમાં તો તે અદ્ર્ર્શય થઈ ગયો. ટેન્ટ પાસે આવી ગયા બન્ને.

“હવે કોઈ ભય નથી આજ રાત માટે, અહીં આપણને.” વ્યોમાએ નિરાંત સાથે કહ્યું.

“કેમ? એવું કેમ કહેવાય?”

“નીરજા, માણસ અને પ્રાણીઓમાં એ જ તો તફાવત છે. પ્રાણીઓ એક વખત જેનું ભોજન ખાય તેને ક્યારેય નુકશાન ન પહોંચાડે. ઊલટું તે તેની રક્ષા કરે. આ બંદરે આપણાં હાથે ભોજન ખાધું છે.”

“મતલબ કે તે પોતે તો કોઈ હુમલો નહીં જ કરે, પણ કોઈ તેવું કરતું હશે તો પણ તેને તેમ કરતાં તે અટકાવશે.”

“હા, નીરજા. એ પ્રાણીઓનો સ્વભાવ છે. તે એમ જ કરશે.”

“માનવો કરતાં કેટલો અલગ છે સ્વભાવ તેનો !” નીરજાએ ઊંડો શ્વાસ લીધો. એક ભીની સુગંધ તેના કાનમાં પ્રવેશી ગઈ. સુરજ ડૂબે એ પહેલાં અને ચંદ્ર ઊગે તે પહેલાં જ, દૂર દૂર કોઈ વાદળો વરસવા લાગ્યાં. જંગલ ભીંજાવા લાગ્યું. વરસતા વાદળો દૂરનો રસ્તો કાપી નીરજા અને વ્યોમાને મળવા માંગતા હોય તેમ નજીક આવવા લાગ્યા.

દૂર વરસતો વરસાદ પાસે આવીને અહીં પણ વરસવા લાગ્યો. જરા ભીંજાઈને બન્ને ટેન્ટમાં ભરાઈ ગયા. મોડે સુધી વરસાદ વરસતો રહ્યો. ટેન્ટની અંદર બન્ને ઊંઘતા રહ્યા. રાત વીતવા લાગી.