Najuk Namni Priytama - 14 in Gujarati Love Stories by Sneha Patel books and stories PDF | નાજુક નમણી પ્રિયતમા - 14

Featured Books
Categories
Share

નાજુક નમણી પ્રિયતમા - 14

નાજુક નમણી પ્રિયતમા- ૧૪

પ્રેમપત્ર-૧

પ્રિય, જ્યારે શબ્દોમાં શુધ્ધ લાગણી વહે છે ત્યારે આપણું આખું તન,મન, શ્વાસ - ઉ્ચ્છવાસ સુધ્ધાં રોમાંચિત થઈ જાય છે. હું જ્યારે સ્કુલમાં હતી ત્યારથી રાજેન્દ્રકુમારના ગીતના શબ્દો મનમાં છ્પાઈ ગયેલા.

'યહ મેરા પ્રેમપત્ર પઢકર, કી તુમ નારાજ ના હોના..'

'પ્રેમપત્ર' આ શબ્દ મારા તનમનને તરંગિત કરી જતો. ઉંમરનો તકાજો હતો કે મારો વધુ પડતો સેન્સીટીવ સ્વભાવ કારણભૂત એ તો ખબર નહીં, પણ આ શબ્દને કાલ્પનિક જગતમાં મનગમતા આકાર આપતી અને મનોમન વિચારતી કે,' કોઇ છોકરો જે મને ખૂબ જ પ્રેમ કરતો હશે એ મને પ્રેમપત્રો લખશે કે ? લખશે તો એ મારા માટે કેવા સંબોધન, વિચારો અને ફીલીંગ્સ લખશે ? ' પછી તો કલ્પનાઓનું ઘોડાપૂર આખી રાત સ્વપ્નામાં પણ પીછો નહોતું છોડતું. અમુક સમયે તો દિવાસ્વપ્નો પર પણ એ પોતાનો કબ્જો જમાવી દેતું. દિલમાંથી એક જ વાક્યનો સતત પડઘો સંભળાતો કે, ' જીવન છે તો આ જ ઘડી અને આ જ ક્ષણમાં છે બસ !' અને બંધ આંખોએ મનમાં સતરંગી રંગમાં રંગાઈને સફેદ ઘોડા પર બેસીને દૂરથી મારા માનસપટ પર સવારી કરવા આવતા મનના રાજકુમારને નિહાળવામાં હું વ્યસ્ત થઈ જતી. ઘોડાની ચાલ વધુ પ્રભાવશાળી કે એના અસવારનું મુખારવિંદ વધારે? એ વિચારે ગોટે પણ ચડી જતી.

આ તો બધી થઈ કલ્પનાજગતની વાતો, મારી મારા વિશ્વમાં મારી સાથેની વાતો ! મારી ઇચ્છાઓની અજબ ગજબની ટૉકરી જેમાંથી હું કાયમ કંઈક અલબેલું, મનગમતું નીકળવાની રાહ જોયા કરતી.

આજે જ્યારે તું મારી આટલી નજીક છે, મને ખૂબ જ ચાહે છે, મારી એક ઝલક પામવા માટે તું તારા કલાકોના કલાકો બરબાદ કરે છે અને એ પછી તારી કલમમાંથી જ્યારે મારા માટેની લાગણી સુગંધિત, નાજુક શા પેપર પર તારા પ્રેમની શાહીથી ટપકી પડે છે ત્યારે એક અદભુત, રોમાંચક પ્રેમપત્રનો જન્મ થાય છે. જ્યારે હું તને મળવા માટે ઢગલો સમસ્યાઓનો સામનો કરીને, માંડ માંડ સમયનું મેનેજમેન્ટ કરીને તને મળવા આવું ત્યારે તું મારા માટે એક લાગણીધબકતો પત્ર લઈને મારી વાટમાં મારી રાહ જોઇને ઉભો હોય છે ! એક પળ મારું મન ના ઇચ્છવા છતાં મોડાં પડ્યાના અક્ષમ્ય અપરાધ બદલ ગુનાહિત લાગણીથી ભરચક થઈ જાય છે, દિલમાં દુઃખની લાગણીનું લીંપણ થઈ જાય છે, પણ તારા મોઢા પર નારાજગીનો એક સળ સુધ્ધાં નજરે નથી પડતો. તું તો સદાયની માફક તારા હોઠ પર મારા માટેની લાગણી મઢેલ સ્મિત લઈને જ કાયમ સામે મળે છે. તને નહીં સમજાય કે એ વિરોધાભાસી પળ જીરવવી મારા માટે કેટલી અઘરી થઈ જાય છે. અમુક સમયે તો તારી લાગણી એટલી વધી જાય છે કે મારી આંખમાંથી વહેવા લાગે છે.

'મારા વ્હાલાં આશુ - આશીર્વાદ, તું સાચે મારા માટે- તારી સુગંધી માટે ભગવાનની પ્રસાદી જેવો, ભગવાનના આશીર્વાદ સમો જ છે! તું મને પત્ર હાથમાં પકડાવીને મારો હાથ પકડી લે છે અને પછી મીઠી દાદાગીરી કરે છે કે,'આ પત્ર તું અત્યારે ના ખોલીશ, ઘરે જઈને જ વાંચજે અને જે કોઇ ફીલિંગ્સ આવે એ વળતા પત્રમાં જવાબરુપે લખજે. '

હવે મારા પાગલ આશુને કેમની સમજાવું કે આ તું મારી પર એક અત્યાચાર જેવું કરી રહ્યો છે. તારો પત્ર મારા હાથમાં હોય અને મારે એ વાંચ્યા વિના કવરબંધ પાધરો જ મારા પર્સમાં મૂકી દેવાનો એટલે મારા માટે કેટલું અઘરું કામ થયું ! તારો પત્ર, તારા શબ્દો એ માત્ર શબ્દો, વાક્ય થોડી હોય છે ? એ તો મારા જીવનની મૂડી, જીવનનું ઈંધણબળ હોય છે. વળી એ મારા હાથમાં આવે પછી એ વાંચવા માટે મારું મન કેટલું તલપાપડ થઈ જાય એ તને કયા શબ્દોમાં સમજાવું ? તારી આ દાદાગીરી પર થોડો નાજુક શો અને આવતાંની સાથે જ ઢગલો થઈ જવાની ખાત્રી વાળો ગુસ્સો આવી જાય છે.

'હશે હવે, મને તમે ય બહુ પસંદ અને તમારી દાદાગીરી ય પસંદ છે' વિચારીને મન વાળી લીધું. હવે?

'હવે શું પગલી ? ચાલ આપણી જગ્યાં પર જઈને બેસીએ.'

અમારી જગ્યા એટલે કોલેજની નજીક આવેલી અને બહુ જ ઓછી ભીડભાડવાળી એક રેસ્ટોરાં. ત્યાં કોઇ ફેમિલીરુમ જેવી સ્પેશિયલ વ્યવસ્થા ના હોય અને અમને પ્રેમીપંખીડાને એની જરુર પણ નથી પડી. અમારે તો બસ આ દુનિયાની ભીડભાડથી દૂર જઈને એકમેકનો હાથ પકડીને , એકમેકની નજરમાં નજર પૂરોવીને ચૂપચાપ થોડી પળો બેસી શકાય એવી એક જગ્યાંની જ જરુર પડે. અમારું શહેર વિકાસ ભણી જબરી સ્પીડથી ભાગી રહેલું પણ અમારા જેવા પ્રેમીપંખીડાઓની દુનિયા તો સદાયથી આવી આછા પાતળા, મખમલી એકાંતને તરસતી રહી છે અને ખબર નહીં હજુ એ લાચારીનો શ્રાપ આ શહેરની કેટલી પેઢી સુધી ચાલતો રહેશે?

તારા સ્કુટરની પાછલી સીટ પર થોડી સંકોચાઈને હું બેઠી. આપણી બે ની વચ્ચેની જગ્યા પર મેં મારી બેગ મૂકી દીધી.

'કેટલાં નજીક પણ કેટલાં દૂર' હાય રે લાચારી ! અને મોઢામાંથી ધગધગતા લાવા જેવો એક નિશ્વાસ નીકળી ગયો. મારું ધ્યાન સ્કુટરના મીરરમાં ગયું અને આશુના 'બ્રીલક્રીમ'માં વ્યવ્યસ્થિત રીતે સેટ થયેલાં કાળા ભમ્મર અને સ્ટાઇલિશવાળ (જે કેશમાં મારી લાંબી પાતળી આંગળીઓ પૂરોવી દેવાની ઝંખના કાયમ મારા દિલના એક ખૂણામાં ટૂંટિયુંવાળીને, સંકોચાયેલી પડી જ રહે છે. સહેજ પણ નજદીકી મળે ને અંગડાઈ લઈને લીલીછમ થઈને દિલમાં ઉગી નીકળે છે.}) વાળા ચહેરા પર સહેજ પણ ફરિયાદ ના દેખાઈ. એ તો એની મસ્તીમાં મસ્ત. એના લાલ લાલ હોઠ ગોળ વળી ગયા અને મસ્તીમાં 'વ્હીસલીંગ' કરવા લાગ્યાં. મને મારી જાત પર એક પળ શરમ આવી ગઈ. આશુ છોકરો થઈને પોતાની જાત પર આટલો કંટ્રોલ કરી શકે છે, એના અરમાનો, ઇચ્છાઓને કાબૂમાં રાખી શકે છે અને હું લાલચી - જેટલું મળે છે એનાથી વધુ ને વધુ મેળવવા અધીરી થઈ જાઉં છું. પછી તો હું મીરરમાં આશુના ગોરા રુપાળા ચહેરાને તાકવામાં મશગુલ થઈ ગઈ.

મારો આશુ...

જબરો રુપાળો હતો આશુ ! જીમમાં જઈને રેગ્યુલર એકસરસાઈઝ કરીને શરીરને કાયમ શેઈપમાં મેઇનટેન કરવાનો એને જબરો શોખ. એનો બાંધો જ એવો હતો કે એ કોઇ સીધી સાદી ટી શર્ટ પણ પહેરી લે તો એના અદભુત બોડી શેઇપમાં સેટ થઈને એ ટીશર્ટ પણ ખીલી ઉઠતી. એના લાંબા લાંબા અને ફૂટબોલ રમીરમીને કસાયેલ પગ પર પણ કોઇ પણ ટ્રાઉસર, જીન્સ હોય...સ્માર્ટલુક જ આપે. વળી આશુ જીન્સને છેક નીચેથી એક પતલી પટ્ટીમાં વાળી દેવાની આદતવાળો. પટ્ટીવાળીને નીચે એના સ્ટાઇલીશ કોફી અને મરુન ની વચ્ચેના શેડના લોફર્સ પહેરતો ત્યારે જબરો દિલધડક હેન્ડસમ લાગતો. આ બધા ઉપરાંત સૌથી વધુ આકર્ષક એની બેફિકરાઈ ભરી ચાલ જેને જોઇને મને કાયમ કોઇ વનરાજની મસ્તીભરી ચાલની યાદ જ આવે. અહાહા..હું આશુના ગળાડૂબ પ્રેમમાં હતી અને રોજ રોજ વધુ ને વધુ પ્રેમમાં પડતી જતી હતી.

મને મારા આ વિચાર પર પાછો એક વિચાર આવી ગયો કે, આજે આશુ પર વધુ પ્રેમ ઉભરાય છે એનો મતલબ કાલે મારો પ્રેમ ઓછો હતો કે..એમાં હજુ વધી શકવાની શક્યતા બચી રહી ગઈ હતી કે ? અને પછી મનોમન મારા આ પાગલ જેવા વિચારો પર હસી પડી. ત્યાં તારી નજર રીઅરવ્યૂ મીરરમાંથી મારી પર પડી અને બોલ્યો,

'સુગંધી, પાગલ થઈ ગઈ છે કે શું ? આમ કોઇ જ વાત વિના એકલાં એકલાં હસ્યા કરવું એ સારી નિશાની નથી, રસ્તા પરના લોકો તને ગાંડી સમજશે.' અને તું ખુલ્લા દિલથી ખડખડાટ હસી પડ્યો.

'આશુ, દુનિયા ક્યાં ખોટું સમજવાની છે ? હું પાગલ જ છું ને..તારા પ્રેમમાં પૂરેપૂરી પાગલ.' જો કે આ શબ્દો મારા મોઢામાં જ રહી ગયા એ વાત અલગ હતી. મારી શરમ મને સાવ જ આમ નિર્લજજ બનીને બોલતાં રોકતી હતી અને આમ પણ અરીસામાં ખડખડાટ હસતો મારો આશુ કેટલો રુપાળો - નિર્દોષ લાગતો હતો.મને એના પર આ પળે એટલું બધું વ્હાલ આવતું જતું હતું કે ના પૂછો ને વાત. મનમાં ઢગલો ઇચ્છાઓના સાપોલિયાં સળવળતાં થઈ જતાં હતાં અને હું સતત એ સાપોલિયાંઓને રમાડી રમાડીને શાંત કરવાના પ્રયત્નોમાં વ્યસ્ત !

ક્રમશઃ

સ્નેહા પટેલ