સોદો
નીલમ દોશી
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
સોદો
આજે તો ખડિંગ કરતાં એક પછી એક પૂરા પાંચ રૂપિયા ડબ્બામાં પડયાં હતાં. એ સિક્કાનો અદભૂત રણકાર ગંગાના કાનમાં કયાંય સુધી ગૂંજતો રહ્યો. તેણે ફરી એકવાર આખો ડબ્બો ઠલવ્યો. આંગળીના વેઢા પર હાથ મૂકી પૈસા ગણતી રહી. રોજ રાતે ગણે નહીં ત્યાં સુધી તેની પાંપણો બીડાવાનું નામ ન જ લે. ધીમે ધીમે મૂડી વધતી જતી હતી. સાથે સાથે વધતો જતો હતો શિવ અને ગંગાનો હરખ....
‘બસ...બસ..હવે કેટલીવાર ગણીશ ? વધારે વાર ગણવાથી કંઇ રૂપિયા વધતા ન જાય. ’ પત્નીને..ના..ના.. એક માને નીતર્યા વહાલથી નીરખી રહેલા શિવે મીઠો છણકો કર્યો.
પતિ, પત્ની બંનેની હેતાળ નજર ઘોડિયામાં સૂતેલી દીકરી પર ફરી રહી.
ગંગાએ નાક પર આંગળી મૂકી તેને ચૂપ રહેવાનો આદેશ કર્યો. ને કંઇ તાળો ન મળતો હોય તેમ ફરી એકવાર તેની આંગળીના વેઢા..તેનું કેલ્કયુલેટર ચાલુ થયું. કેટલીયે વારે અંતે સંતોષ થતાં તે હરખાઇ રહી. શિવ સામે જોઇ ધીમું હસીને તેણે પોતાનું લોકર.....પતરાનો ડબ્બો બંધ કર્યો. આ તો દીકરીના લગ્ન માટેની મૂડી.. સાચવીને તાળું માર્યું. બે વાર ખેંચી જોયું. ખાટલા નીચે સૌથી પાછળ મૂકયો. ઊભી થઇ પાણી પીધું. અને પતિની સોડમાં લપાઇ. નાનકડી બારીમાંથી ચન્દ્રએ ધીમેથી ડોકિયું કર્યું..બે ચાર શીળા કિરણો વેરી તેમની પ્રેમસમાધિમાં ખલેલ પહોંચાડયા સિવાય હળવેથી દૂર સરી રહ્યો.
જે દિવસે ડબ્બામાં પૈસા ન નાખી શકાય તે દિવસ નકામો ગયો એવું ગંગાને લાગતું. ફાટેલ સાડલાને બે થીગડાં વધારે મારતી. કે આજે શાક વિના ચાલશે..અને પતિ, પત્ની રોટલો ને ચટણી આનંદથી ખાઇ લેતા. આજના શાકના પૈસા બચ્યા...એ સીધા ડબ્બામાં. વધારે પૈસા હશે તો જ દીકરીને સારો, ભણેલો વર મળવાનો ને ? એકી સાથે તો પોતે કયાંથી કાઢી શકવાના હતા ? દીકરીને જોઇ પતિ, પત્નીને કામ કરવાનું શેર લોહી ચડતું. કોઇ કહેતું જાણે નવી નવાઇની દીકરી આવી છે. લગ્નના આઠ વરસે આવીને આ દીકરીએ પોતાનું વાંઝિયામેણું ટાળ્યું છે એ વાત ગંગા કયારેય વીસરી શકે તેમ નથી. આ નાનકડી ઓરડી તેને માટે સ્વર્ગથી કમ નથી જ. અહીં હેતનો દરિયો ઓટ વિના હિલોળા લેતો રહે છે. રાત પડે ને આજે પોતે ડબ્બામાં કેટલા સિક્કા નાખી શકી છે એને આધારે ગંગા હરખાતી. રોજનો એ કાર્યક્રમ. વધતી જતી મૂડીને એ સંતોષથી નીરખી રહે. સપનામાં તો કેટલાયે ડબ્બા ભરી લીધાં હતાં. એક પછી..બે.ત્રણ....ગંગાને ખાટલા નીચે હારબંધ ડબ્બાઓ દેખાતા. શિવને તો પોતાની ઇચ્છા જેવું કશું હતું જ નહીં. એ સાવ સરળ માણસ.. ભગવાનનો જીવ.. ગંગા રાજી રહે એટલે ઘણું...એની બધી ઇચ્છાઓ ગંગાની ખુશીમાં ઓગળી ગઇ હતી. મજૂરીએથી આવે એટલે જે રોજ મળ્યો હોય તેમાંથી જરૂરી વસ્તુઓ લાવી બાકીના પૈસા ગંગાના હાથમાં મૂકી દે. એટલે એનું કામ પૂરું.
ગંગા અને શિવ એટલે પન્નાલાલના મળેલા જીવ... શિવ કડિયાકામે જતો. દિવસભર ઇંટોના તગારા સારતો રહેતો. ગંગા એક બંગલામાં થોડીવાર ઘરકામ કરવા જતી. એટલી વાર દીકરી કમુને બાજુમાં રહેતી જમની ડોશી સાચવી લેતી. ડોશી પાગલ હતી એમ લોક કહેતું. પણ ગંગાને તે કદી પાગલ લાગી નથી. ડૉશીનો દીકરો કયાંક શહેરમાં કમાવા ગયો હતો. અને પાંચ વરસ પછી પણ તેના કોઇ સમાચાર ડોશીને મળ્યા નહોતા. ડોશી દીકરાની પ્રતીક્ષામાં....એક ઝંખનામાં...બહાવરી બની ફરતી રહેતી. ફાટયા તૂટયા જીવતરને થીગડાં મારતી રહેતી. ગંગાની બાજુમાં જ તેની નાનકડી ખોલી હતી. સાવ એકલી અટૂલી ડોશીને કમુ માટે એવી તો માયા હતી કે તેને જરાયે રેઢી ન મૂકતી. પાગલ જેવો પ્રેમ કોણ કરી શકે ? સાંજ પડયે શિવ આવે ત્યારે મા, બાપ અને દીકરીનો મંગલ ત્રિકોણ રચાતો.
પરંતુ આ બધી તો અતીતની વાતો....બહું ટૂંક સમયમાં જ ગંગાનું આટલું ચપટીભર સુખ પણ જાણે નજરાઇ ગયું. કાળની થપાટ...શિવની અણધારી વિદાય......રોજની માફક કડિયાકામે ગયેલ શિવ પાછો ફર્યો ત્યારે તે શિવ નહોતો... હતું એક શબ...લાશ માત્ર..
દીવાલ પૂરી બંધાય તે પહેલાં જ તૂટી પડી હતી. તગારું લઇને આવતો શિવ તેની નીચે ધરબાણો હતો. જલદી ઘેર જવાની લાયમાં બપોરે થોડો વિસામો લેવાને બદલે તે કામ ચાલુ રાખતો. બાકી બધા મજૂરોએ જમીને થોડે દૂર લંબાવ્યું હતું. તેથી એકમાત્ર શિવ ..
થોડી રાડારાડ...દેકારા...અને પાછું રુટિન ચાલુ...આમાં શું ? આવું તો અહીં અનેકવાર બનતું આવ્યું છે ને હજુ બનતું રહેશે. આ તો સાવ નાનકડી વાત....એની તે વળી શી વિસાત ?
કશું જ ન બદલાયું....સિવાય ગંગાની જિંદગી....
સામે ત્રણ વરસની કમુ..જીવવાનું સબળ કારણ... હિંમત હાર્યે કેમ ચાલે ? ગંગાએ આંસુ હૈયાના ઉંડાણમાં ધરબી દીધા... નજર સમક્ષ એકમાત્ર ધ્યેય..અર્જુનને દેખાતી પક્ષીની આંખની જેમ ગંગાને દીકરીના લગ્ન જ દેખાતા. અને તે માટે ડબ્બો ભરવો જ રહ્યો. અને પેટનો ખાડો પૂરાય તો જ ડબ્બો ભરાય. ભૂખ થોડી કોઇની સગી થાય છે ?
ગંગાને હવે વધારે કામ કર્યા સિવાય છૂટકો નહોતો. તે જેને ઘેર છૂટક કામ કરતી હતી તેમને આખા દિવસની બાઇની જરૂર હતી. તેથી હવે ગંગા સવારથી સાંજ સુધી તેને ઘેર કામ કરતી. સૂરજ ઢળે ત્યારે થાકી પાકી પોતાની ખોલીમાં હાશકારો પામતી. દીકરીને પણ સાથે જ લઇ જતી. કમુને એક ખૂણામાં બેસાડી રાખતી. કમુના લગ્ન એ શિવ અને ગંગાનું સહિયારૂ સપનું હતું. જે હવે ગંગાએ એકલીએ પૂરું કરવાનું હતું.
એક પછી એક કામ ગંગાની આસપાસ ફરતા રહેતા. શેઠાણીની દીકરી પ્રિયા પણ કમુ જેવડી જ હતી. રોજ સવારે યુનીફોર્મ પહેરી, ચકચકિત બૂટ મોજા સાથે સ્કૂલે જતી પ્રિયાને ગંગા જોઇ રહેતી. એક નિઃશ્વાસ નાખી રહી જતી. આજુબાજુમાં કયાંય મ્યુનીસીપાલીટીની સ્કૂલ નહોતી કે પોતે કમુને ભણાવી શકે.
સમયપંખીની ઉડાન તો અવિરત...વણથંભી.....
કમુ પાંચ વરસની થઇ ગઇ છે. પગાર આવે ત્યારે ગંગા ડબ્બામાં પૈસા નાખવાનું ચૂકતી નથી. હવે રોજ રાતે પૈસા નખાતા નથી. શિવ કયાં છે તે રોજ પૈસા લાવે ? પણ રોજ રાતે ગણે છે જરૂર..એકવાર નહીં બે વાર... શિવની સ્મૃતિ આંખને ભીની કરતી રહે છે. કયારેક પૈસા ગણતા હાથ થંભી જાય છે. મનમાં અવાજ પડઘાય છે..’ હવે કેટલી વાર ગણીશ ? ‘
અણસમજુ કમુ માની ભીની આંખોમાં આર્શ્વર્યથી તાકી રહે છે. ને માને વળગી રહે છે.
કયારેક રાત્રે ગંગા, કમુને વાર્તા કરતી.વાર્તામાં આવતી પરી કમુને બરાબર પ્રિયા જેવી જ લાગતી. તે પ્રિયાને પરી જ માનતી. કયારેક તો આ પરીને અડકી જોવાનું મન થઇ આવતું. પણ માની બીકને લીધે તેનાથી દૂર રહેતી. શરૂઆતમાં તો પ્રિયાને પણ કમુ સાથે રમવું ખૂબ ગમતું. બંને સરખી ઉમરના હતા. પ્રિયાના બાળમનમાં હજુ બીજા કોઇ તફાવત જનમ્યા નહોતા. એ બધું હજું તો બાકી હતું. પરંતુ તે કમુ સાથે રમતી ત્યારે મમ્મી હમેશાં તેને ખીજાતી હતી. કમુને દૂર કાઢી મૂકીને તે નાનકડી પ્રિયાને સમજાવતી કે એ ગંદા છોકરાં કહેવાય. અને તેની સાથે આપણાથી રમાય નહીં.
‘પણ તો હું કોની સાથે રમું ? પ્રિયાના એ પ્રશ્નના જવાબમાં મમ્મીએ એક મોટી સુંદર મજાની ઢીંગલી..બાર્બી ડોલ તેના હાથમાં મૂકી હતી.
‘પણ આ તો મૂંગી છે. બોલતી નથી..’
તુરત પ્રિયાના હાથમાં બોલતી ઢીંગલી મૂકવામાં આવી.પણ બે દિવસમાં જ પ્રિયા તેનાથી કંટાળી ગઇ. એના એ બે ચાર વાકયો કેટલીવાર સાંભળે ?
તેના હાથમાંની એ ઢીંગલીને જોઇ કમુની આંખોમાં અપાર આર્શ્વર્ય અંજાતું. લલચાઇ નજરે તે ઢીંગલીને તાકી રહેતી.
પ્રિયાના બાળમાનસને મમ્મીનું જોઇને હવે સમજાઇ ગયું હતું કે કમુને તો ગમે ત્યારે ખીજાઇ શકાય. તેને અડાય નહીં પણ ધમકાવી જરૂર શકાય. નાનકડી પ્રિયાને મજા આવી ગઇ. તે રોજ નવા નવા રમકડાં બતાવી કમુને આકર્ષી રહેતી. પહેલાં લલચાવતી અને પછી જેવી કમુ અડે એટલે તેને ધમકાવી નાખતી. અસલ મમ્મીની જેમ જ. કમુ ડરીને ભાગી જતી. પોતાથી કોઇ ડરે છે..તે વાત પ્રિયાને ગમી ગઇ. તેને તો આ રમતમાં મજા આવી.
એકવાર પ્રિયા બાર્બી હાથમાં લઇ સામે દૂર બેસેલ કમુને બોલાવતી હતી. જેવી કમુ નજીક આવી એટલે તેણે પૂછયું,
‘આ બાર્બીથી તારે રમવું છે ? ‘
લલચાઇ આંખોથી બાર્બીને જોઇ રહેલ કમુએ ડરતાં ડરતાં હા પાડી.એકવાર બાર્બીને અડકવાનું તો તેનું સપનું હતું. આજે મા નહીં ખીજાય..આજે તો પ્રિયા સામેથી આપે છે.
તેણે હાથ લંબાવ્યો ને બાર્બી હાથમાં લીધી ત્યાં જ..
પ્રિયાને જોશથી તેને ધમકાવી
‘મારી બાર્બી લઇ લે છે ? અને તેણે ચીસ નાખી. પ્રિયાની ચીસ સાંભળી એક તરફથી તેની મમ્મી અને બીજી તરફથી ગંગા દોડી આવી.
પછી તો જે થવું જોઇએ એ જ થયું. પ્રિયાએ સામેથી બાર્બી આપી હતી..એ કમુની પીપૂડી કોણ સાંભળે ?
પ્રિયાને તો દિવસે દિવસે આ રમતમાં મજા આવતી ગઇ. પોતાની સત્તા પણ કોઇના પર ચાલે છે એ અહેસાસમાં તેને એવી તો મજા આવી કે આખો દિવસ બસ..નવા નવા તુક્કા કાઢી કમુને કેમ ખીજાવું...એ જ શોધ્યા કરતી. તેનું બાળમન એક જુદી જ દિશામાં વળ્યું. રોજ તે કંઇ ને કંઇ નવી નવી હરકત કર્યા કરતી. અને કમુને ઉકસાવ્યા કરતી. કમુ ન આવે તો પોતાનું માનતી નથી એમ કહીને પણ ખીજાઇ શકાય. કમુએ બધાનું માનવું જોઇએ એટલી જાણ તેને થઇ ચૂકી હતી.
જોકે ધીમે ધીમે કમુને પ્રિયાની રમત સમજાઇ જતા વાર ન લાગી. હવે પોતે પ્રિયાની નજરે ન ચડે એનું ધ્યાન રાખે છે. ગરીબના સંતાનને આમ પણ જીવનના અમુક સત્યો બહું જલદી સમજાઇ જતા હોય છે.
પાનખર અને વસંતની આવનજાવન તો રોજિંદી ઘટમાળ... કમુ હવે દસ વરસની થઇ છે. તેના જેવડી જ થયેલ પ્રિયાએ પોતાનું બધું કામ કમુ જ કરે એવો આગ્રહ..દુરાગ્રહ રાખ્યો છે. પોતાની રમત તેણે બીજી રીતે ચાલુ કરી છે. પોતાના બૂટને પોલિશ કમુએ જ કરવાનું...અને પછી સરખું નથી થયું કહીને ખીજાવાનું. પોતાના પલંગની ચાદર કમુ સરખી નથી પાથરતી. પોતાના કપડાં કે વસ્તુઓ જગ્યાએ નથી મૂકતી. ખીજાવાના કારણોની ખોટ તેને કયારેય પડી નથી. રમતનો પ્રકાર બદલાયો. બાકી રમત તો ચાલુ જ રહી.
પ્રિયાનો સાદ સતત પડઘાતો રહેતો.
‘મારા બૂટને બરાબર પોલીશ નથી થયું.’
અને બૂટનો ઘા થતો.
દસ વરસની કમુ ચૂપચાપ પોલીશ કરવા બેસી જતી..
‘કમુ, મારી ચોપડી નથી મળતી.’
કમુ કલાક સુધી ચોપડી શોધ્યા કરતી. અને અંતે પ્રિયા પોતે સંતાડેલ ચોપડી લઇ આવતી. મમ્મી, આ કમુ મારું એક પણ કામ સરખું નથી કરતી.
પરિણામ ? કમુ અને ગંગા બંનેને કેટલુંયે સાંભળવું પડતું.
કમુની આંખો કયારેક ભીંજાતી. બાપનું તો દૂર દૂર સુધી ઓસાણ નથી. એક મા જ તેનું સર્વસ્વ છે. એ માને પોતાને લીધે સાંભળવું પડે છે એથી કમુનો જીવ કકળી ઉઠતો.
પ્રિયાની હરકતો હવે તે સમજી ચૂકી હતી. પણ કોઇ ઉપાય નહોતો. કામ તો કરવાનું જ હતું.
અને પ્રિયાને..માલિકની દીકરીને ખોટી પાડવી એટલે ?
કેલેન્ડરના પાનાઓ ફાટતા રહ્યા છે. સમય સસલાની માફક નાસતો રહ્યો છે.
કમુ વીસ વરસની યુવતી બની ચૂકી છે. તેણે બીજા બે કામ બાંધ્યા છે. મા, દીકરી દિવસ રાત વૈતરૂ કરતા રહે છે. ગંગા હજુ રાતે ડબ્બામાં સિક્કા નાખવાનું ચૂકતી નથી. હવે તો ડબ્બો ભરાવા આવ્યો છે. રાત પડે ફરી ફરી ગણતી રહે છે. ભારે થતો જતો ડબ્બો ગંગાને આનંદ આપી રહે છે. ગમે તેવી કટોકટીમાં ગંગા ડબ્બાને હાથ અડાડતી નથી કે અડાડવા દેતી નથી. વચ્ચે આ વરસોમાં પોતે બે ચાર વાર બીમાર પડી હતી. ત્યારે પણ દવા વિના ચલાવ્યું છે. પરંતુ ડબ્બાને હાથ લગાડયો નથી. કયારેક દવા વિના ચલાવ્યું છે. કયારેક એક ટંક ભોજન વિના ચલાવ્યું છે. ફાટેલ સાડલાને બે થીગડાં વધારે માર્યા છે. પણ ડબ્બા પર નજર નાખી નથી. જરૂર પડયે કમુ કયારેક કહે છે તો ખીજાઇ ઉઠે છે.
હવે ગંગા મૂરતિયાની શોધમાં છે.પણ કંઇ મેળ પડતો નથી. જે મળે તેને કહેતી રહે છે. પરંતુ સગાઓમાં ખાસ કોઇ નથી. આજુબાજુ જે રહે છે તે બધા પોતાની જેવા અકિંચન..રોજનું કમાઇને રોજનું ખાનાર. જીવતર ટકાવી રાખવા માટે ઝઝૂમતા લોકો..કોને કહે ? અને ગંગાના જમાઇને વાંચતા, લખતા તો આવડવું જ જોઇએ. એટલા માટે તો પેટે પાટા બાંધીને યે ડબ્બો ભરતી રહી છે. દિવસો વીતતા જાય છે તેમ ગંગાની વ્યાકુળતા વધતી રહે છે.
કમુ માની ચિંતા સમજે છે. પરંતુ માને એકલી મૂકીને તેને કયાંય જવું ગમે તેમ નથી. કમુ માટે તો છોકરાની એક જ લાયકાત પૂરતી છે. જે તેની માને પણ સાથે રાખી શકે કે પછી માની સાથે પોતે રહી શકે. બસ..
ગંગા તેની વાતને હસી કાઢે છે. ’ સાવ ગાંડી છે તું તો..બધી દીકરીયું માને છોડીને જાય જ છે ને ? એમાં તું કંઇ નવાઇ નથી કરવાની.’
‘પણ બધી મા એકલી નથી હોતી ને ? અને બધી મા ગંગા નથી હોતી..એટલું બોલતા કમુની આંખો છલોછલ....
એવામાં ગંગાની તબિયત વધારે બગડી. કમુ દાકતર પાસે લઇ ગઇ. દવા લઇ આવી, પણ કોઇ ફરક પડયો નહીં. કામે જવાય એવી હાલત રહી નથી. માને એકલી મૂકીને જતાં કમુનો જીવ ચાલતો નથી. જમની ડોસી આવીને બેસે છે. પણ હવે તેને ઓછું દેખાય છે. તેનો લવારો વધી ગયો છે.
‘ટપાલીનો આવવાનો વખત થઇ ગયો..કે પછી ઘરનું બારણું ખખડયું..’
કહી એક ભ્રમમાં ડોશી ગમે ત્યારે ચાલતી પકડે.
કમુની મૂંઝવણનો પાર નથી. પોતે કામે ન જાય તો બધા તુરત પૈસા કાપી લે છે. માનું કામ તો બંધ થઇ ગયું હતું.પોતાને ગયે જ છૂટકો...
એકવાર ઘરમાં કંઇ પૈસા નહોતા અને માની દવા લાવવાની હતી. મા સૂતી હતી એ તકનો લાભ લઇ જરા પણ અવાજ ન થાય તેની સાવચેતી રાખી કમુએ ખાટલા નીચેથી ડબ્બો કાઢયો.. હજુ ખોલવા જાય છે ત્યાં જ ગંગાએ રાડ પાડી હતી.રાક્ષસનો જીવ તેની ચોટલીમાં તેમ ગંગાનો જીવ ડબ્બામાં...
‘ખબરદાર, આજ પછી જો ડબ્બાને હાથ અડાડયો છે તો...’
‘પણ મા, દવા...’
તેને વચ્ચે જ બોલતી અટકાવી ગંગાએ હાંફતા અવાજે કહ્યું
‘મરી જાઉં ને તો યે એમ ને એમ નાખી આવજે. બાકી એ ડબ્બાને હાથ લગાડવાનો નથી.શું સમજી ?
એ પૈસાથી તો તારી ચૂંદડી આવશે... પાનેતર આવશે..મનોમન કંઇ કેટલાયે લીસ્ટ બનાવતી ગંગા તાવના ઘેનમાં પણ દીકરીના લગ્નના સપનામાં સરી પડી.
એ લીસ્ટ કંઇ ડબ્બાના પાંચસો, સાતસો રૂપિયાથી પૂરું થાય તેમ નહોતું. એની ખબર ગંગાને હોય કે ન હોય કમુને હતી જ. પણ..માનું સપનું તોડવાની તેનામાં ન તો હિમત હતી..ન તો ઇચ્છા...
માની માંદગી ઓછી થવાનું નામ નહોતી લેતી. કમુ બરાબરની મૂંઝાઇ હતી. સામે કોઇ ઉપાય નહોતો દેખાતો. કોઇએ પગારમાંથી કાપી લેવાની શરતે થોડા રૂપિયા એડવાન્સમાં આપેલ..એ દવામાં જ વપરાઇ ગયા. એવામાં ડોકટરે ગંગાના પેટમાં મૉટી ગાંઠ છે અને તાત્કાલિક ઓપરેશન કરવું પડશે એમ જણાવ્યું ત્યારે તો ગંગાના પગ નીચેની ધરતી સરી ગઇ. રૂપિયા દસ હજાર કયા આસમાનમાંથી ટપકશે એ કમુને કેમેય સમજાયું નહીં. એટલા પૈસા તો ગણવા પણ કમુને અઘરા પડે તેમ હતા. લાવવાની તો વાત જ કયાં રહી ? કોની પાસે હાથ લાંબો કરે ?
શેઠાણી પાસે કરગર્યે જ છૂટકો...
હિંમત કરી કમુ બંગલે પહોંચી. સાંજનો આછો અંધકાર હતો. શેઠાણી બહાર ગયા હતા. સાહેબ ઘરમાં એકલા જ હતા. કમુને કયારેય સાહેબ સાથે બોલવાનો પ્રસંગ આવ્યો નહોતો. પણ આજે છૂટકો નહોતો.
કમુના રૂંધાયેલ ગળામાંથી ધીમા શબ્દો સર્યા..આજીજી થતી રહી.
‘દસ હજાર રૂપિયા એટલે કેટલા થાય એનું ભાન છે ? આટલા પૈસા તું કયારે વાળી રહે ? ‘
‘સાહેબ, જિંદગી આખી તમારે ઘેર મફત કામ કરીશ.’
’ બહું લાગણી છે મા માટે ? ‘
કમુ મૌન રહી. આવા પ્રશ્નનો શો જવાબ હોઇ શકે ?
‘મા માટે શું કરી શકે ? ‘
કમુના શરીર પર નજર ફેરવતા સાહેબે પૂછયું.
‘ગમે તે કામ સોંપો સાહેબ...’ કમુને એક ઝાંખી આશા બંધાઇ.
‘ગમે તે ? ‘
સાહેબની આંખ ઝીણી થઇ.
કમુની નજર નીચી ઢળેલી હતી. કરગરતા અવાજે તે ફરીથી બોલી
‘હા, ગમે તે....મજૂરીનું કામ હશે તો પણ કરીશ. ‘
સાહેબની નજર કમુના અંગો પર ફરતી રહી હતી. જાણે કોઇ વેપારી સોદો કરતા પહેલા માલની ચકાસણી કરી રહ્યો હતો.
‘જો કમુ, દરેક વસ્તુ માટે કીંમત ચૂકવવી પડે છે. પૈસા કંઇ ઝાડ ઉપર નથી ઉગતા. દુનિયામાં કોઇ વસ્તુ મફત નથી મળતી. ’
‘સાહેબ, હું ગમે તે કીમત ચૂકવવા તૈયાર છું. પરંતુ આજે તો મારી પાસે ચૂકવવા માટે દાગીના કે કશું જ નથી. ‘
‘તારી પાસે જે છે એનાથી કીંમત ચૂકવાઇ જશે. ‘
કમુ આર્શ્વર્યચકિત બની. પોતાની પાસે શું છે ?
ન સમજાયું ?
કમુએ માથું ધૂણાવ્યું.
અંદર આવ..’
કહી સાહેબ અંદર ચાલ્યા.
કમુ વગર વિચાર્યે તેની પાછળ.....મનમાં રૂપિયા અને માના ઓપરેશન સિવાય કોઇ વાત સૂઝે તેમ નહોતી.
‘જો, કમુ, એક હાથે લેવું અને એક હાથે દેવું એ દુનિયાનો નિયમ છે. હું રહ્યો વેપારી માણસ. કોઇ સોદો સાવ મફતમાં ન કરીએ. તારે કીમત ચૂકવવી પડશે. બોલ છે તૈયારી ? હું કોઇ જબરજસ્તી કરવા નથી માગતો. ‘
કમુની નજર હવે ઉંચી થઇ. ભયનો ઓથાર મનમાં ફરી વળ્યો.
‘હજુ નથી સમજાયું ?’
કમુ મૌન રહી.
‘જો..સાવ ચોખ્ખા શબ્દોમાં કહું...તારી પાસે શરીર છે..મારી પાસે પૈસા..તારી માની જિંદગી બચાવવા આ સોદો કરી શકીશ ?
કમુ ધ્રૂજી ઉઠી. અર્થ સમજાયો..પણ જવાબ ન સમજાયો.
એક પલ્લામાં માની જિંદગી...બીજી બાજુ....?
ત્રાજવું આખ્ખું હાલકડોલક..
સાહેબ ચૂપચાપ તેની અવઢવ નીરખી રહ્યા.
થોડી મૌન ક્ષણો...
‘કમુ, તું જઇ શકે છે. આ એક સોદો છે. થઇ શકે તો ઠીક છે. નહીંતર બારણા ખુલ્લા છે. મને લાગે છે તું માની જિંદગીની કીંમત નહીં ચૂકવી શકે. હું બળજબરીમાં નથી માનતો. વેપારી રહ્યો ને ? સોદો કરી શકીશ..બળજબરી નહીં. તારી પાસે શરીર સિવાય કશું નથી. મને લાગે છે આ સોદો તારાથી શકય બનશે નહીં.
કમુની નજર સમક્ષ બાળપણથી પોતાને માટે ટુકડે ટુકડે મરતી રહેલ મા તરવરી રહી. ભૂખ્યા રહી દીકરી માટે સિક્કા ભેગા કરતી મા દેખાઇ, બીમારીમાં દવા વિના ચલાવી લેતી મા, રાતોની રાતો વણથાકયે કામ કરતી મા..
એ મા..જેણે કમુ માટે કયારેય પોતાના શરીરનો વિચાર નથી કર્યો..એ મા માટે આજે તે પોતાના શરીરનો વિચાર કરી રહી છે ?
કમુના હોઠ સખતાઇથી બીડાયા. સઘળી સંવેદનાઓને ફગાવી દીધી. આંખોમાં મક્કમતા ઉતરી આવી. અવાજમાં સ્થિરતા..
‘સોદો મને મંજૂર છે..’
કમુ સાહેબ પાછળ દોરાઇ.
થોડીવારે સોદો પતાવી, કપડાં સરખા કરી કમુ બહાર નીકળી ત્યારે તેની હથેળીમાં ૧૦,૦૦૦રૂપિયા, આંખોમાં લોહીના આંસુ, અને અસ્તિત્વમાં સૂનકાર....
તે બહાર નીકળી ત્યારે એક કાગડો કા, કા કરી રહ્યો. બસ..એટલું જ.
સારું કર્યું કે ખરાબ...સાચું કર્યું કે ખોટું..કશું વિચારવાની તાકાત બચી નહોતી. બસ..જે ક્ષણે જે ઉપાય સામે આવ્યો તે...
તેના પગ હોસ્પીટલ તરફ વળ્યા.
વોર્ડમાં જઇ પૈસા ભર્યા. બીજે દિવસે સવારે ઓપરેશન કરવાનું નક્કી થયું. મા અર્ધબેહોશ હતી. કમુએ ધીમેથી માના કપાળ પર હાથ ફેરવ્યો. આંખમાંથી બે આંસુ ગંગાના કપાળ પર ટપકયા. ગંગાની આંખો ખૂલી,
‘આવી ગઇ બેટા ? ‘
કમુનો હાથ માના દુર્બળ શરીર પર ફરતો રહ્યો.
‘પૈસાની સગવડ ન થાય તો ચિંતા કરીશ નહીં. પણ છોકરી, ડબ્બાને હાથ નથી અડાડયો ને ? ખબરદાર જો તેને અડી છે તો...
થાક અને વેદનાથી ગંગા ફરી બેહોશ...અર્ધબેભાનાવસ્થામાં યે દીકરી.. ડબ્બો, લગ્ન, પાનેતર, ચૂંદડી..શબ્દો સરતા રહ્યા.
કમુ માના પગ પાસે ઢગલો થઇ પડી રહી. અત્યાર સુધી રોકી રાખેલા આંસુનો બંધ તૂટી પડયો. આંસુ સરતાં રહ્યાં અને સાથે સરતી રહી ભેંકાર રાત.
પોતે આબરૂ ગુમાવી ? હવે તે ચરિત્રહીન કહેવાશે ? કલંકિની ગણાશે ?
ભળુભાંખળું અજવાળું અંધકારને હટાવીને રૂમમાં પ્રવેશ્યું. કમુ ઉભી થઇ. નીતરતી આંખો લૂછી. આજે માનું ઓપરેશન છે. એ એક જ વાત તે યાદ રાખશે.
ઓપરેશનને મહિનો વીતી ગયો છે. ગંગા ઘેર આવી ગઇ છે. આવતાની સાથે જ ગંગાએ પહેલું કામ ડબ્બો ચેક કરવાનું કર્યું છે.
કમુ કયારેક સૂનમૂન થઇ જાય છે. તો હસીને ગંગા કહે છે,
‘બેટા, ચિંતા ન કર..હવે મને સારું છે. ‘
કમુ ફરીથી કામે ચડી ગઇ છે. એ સિવાય છૂટકો પણ કયાં છે ? મા હવે કામ કરી શકે તેમ નથી. અને કમુ તેને કરવા દે તેમ પણ નથી. આજે તે કામે ગઇ ત્યારે ફરી એકવાર સાહેબ ઘેર એકલા હતા. તેને જોઇ કમુના શરીરમાંથી એક લખલખું પસાર થઇ ગયું. તે ચૂપચાપ પોતાનું કામ કરવા લાગી.
સાહેબ તેની પાછળ આવ્યા. ધીમેથી કહે,’
ફરીથી કંઇ જરૂર હોય તો કહેજે..વેપારી માણસ હમેશા સોદો કરવા તૈયાર જ હોય.
એકાદ ક્ષણ મૌન રહી કમુ ધીમેથી બોલી
‘સાહેબ, વેપારી તમે હશો..અમે નહીં...એ એક દીકરીની મજબૂરી હતી. હું કંઇ.....
અને કમુએ ત્વરાથી ત્યાંથી ચાલતી પકડી.
ગંગા મરણિયા બનીને કમુ માટે છોકરાની તપાસ કરી રહી છે. પણ કોઇ દેખાતું નથી. કમુને લગ્ન કરવાની ઇચ્છા મરી પરવારી છે. પણ ચૂપ છે.
ત્યાં એક દિવસ અચાનક...છાને પગલે મોતનું આગમન... અને પળવારમાં ગંગાના શ્વાસ ખૂટી ગયા. ગંગાનો એક હાથ ડબ્બા પર અને બીજો કમુ પર.....
બાજુમાં એક માત્ર જમની ડોસી....
કમુએ ઝડપથી...... મોટો અવાજ થાય તેમ ડબ્બો ખોલ્યો. હવે તો મા બોલશે જ..આશાભરી આંખે તે મા સામે ત્રાટક નજરે જોઇ રહી. ડબ્બો ખૂલે ને મા બોલે નહીં ? ન ભૂતો, ન ભવિષ્યતિ...
પણ ના....ડબ્બો ખૂલવા છતાં મા બોલી નહીં કે આજે તેને રોકી નહીં. હવે મરણિયા બની કમુએ ખડિંગ કરતાં સિક્કા રૂમમાં વેર્યા. આ અવાજ સાંભળ્યા પછી તો મા ચૂપ ન જ રહી શકે. પણ.....
મા તો ન જ બોલી. પરંતુ ....
સિક્કાનો અવાજ સાંભળી આંખે પૂરું ન ભાળતી જમની ડોસી બહાર દોડી,
‘સાંકળ ખખડી...હું જાઉં ’
ડૂસકાંઓ ગળામાં શમાવી, ધૂંધળી આંખે કમુ આસપાસ વેરાયેલા સિક્કા પાગલની માફક એકઠાં કરી રહી. માના ખાંપણ માટે જોઇશે ને ? એ માટે કોઇ સોદો નહીં કરવો પડે.
બહાર એક કાગડો આજે પણ શોર મચાવી રહ્યો હતો.