Rudravinana Sursangathi.. Sardar in Gujarati Biography by VIJAY THAKKAR books and stories PDF | રુદ્રવીણાના સુરસંગાથી... સરદાર

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

રુદ્રવીણાના સુરસંગાથી... સરદાર

રુદ્રવીણાના સુરસંગાથી..... સરદાર

મધ્ય ગુજરાતની ચરોતરની સોનવર્ણી ધરાએ ૧૮૭૫ની ૩૧મી ઓક્ટોબરે એક સપૂતને જન્મ આપ્યો ....ખેડા જીલ્લાના નડિયાદની કસદાર ભૂમિએ એની ગોદમાં એક વજ્ર જેવું મનોબળ ધરાવતું પુષ્પ ખીલવ્યુ અને તેજ વલ્લભ..

પિતા ઝવેરભાઈ અને માતા લાડબાઈનાં પાંચ પુત્રોમાંનો ચોથો પુત્ર તે વલ્લભ...

પ્રાથમિક શિક્ષણ કરમસદમાં, અને માધ્યમિક શિક્ષણ પેટલાદમાં મેળવ્યું .

૧૮મા વર્ષે ઝવેરબા સાથે લગ્ન થયું.

૨૨માં વર્ષે ૧૮૯૭માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી.. એ વખતે મેટ્રિક પછી પ્લીડરની પરીક્ષા પાસ કરી વકીલાત કરાતી અને વલ્લભભાઈ પણ એજ રીતે થઇ ગયા પ્લીડર અને ઝુકાવ્યું મિજાજને અનુકૂળ તેવા સ્વતંત્ર વ્યવસાયમાં. પહેલા ગોધરા અને પછી બોરસદ કોર્ટમાં વકીલાતની કારકિર્દી શરૂ કરી અને અન્યાય સામે લડનાર એક કાબેલ પ્લીડર તરીકે ધીમેધીમે નામના પ્રાપ્ત કરી. વલ્લભભાઈ જ્યારે પણ બચાવપક્ષે હોય ત્યારે ભલભલા ન્યાયાધીશો પણ સાબદા થઇ જતા. પ્લીડર બન્યા પછી બેરિસ્ટર થવા ઇંગ્લેન્ડ જવાની તીવ્ર મહેચ્છા હતી અને તે માટેની તૈયારીઓ પણ કરી દીધી હતી...પરંતુ મોટાભાઈ વિઠ્ઠલભાઈની બેરિસ્ટરનો અભ્યાસ કરવા જવાની ઇચ્છાને શિરોમાન્ય ગણીને વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ ( વી.ઝેડ પટેલ)ના એડમીશન લેટર પર વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ (વી.ઝેડ.પટેલ)ને વિલાયત જવા દીધા..

૧૯૦૯ની ૧૧મી જાન્યુઆરીના દિવસે ચાલુ કોર્ટે તાર દ્વારા પત્ની ઝવેરબાના અવસાનના સમાચાર મળ્યા ત્યારે સેહજ પણ વિચલિત થયા વિના સ્વસ્થતાથી કેસ લડવાનું ચાલુ રાખ્યું. વિઠ્ઠલભાઈના બેરિસ્ટર થઈને આવ્યા પછી ઝવેરબાનાં અવસાનને કારણે વલ્લભભાઇનું ઇન્ગ્લેંડ જવાનું એક વર્ષ ઠેલાયું.

૧૯૧૦ના ઓગસ્ટ માસમાં બંને બાળકોને વિઠ્ઠલભાઈ અને દીવાળીભાભી પાસે મુકીને વલ્લભભાઈ મિડલ ટેમ્પલ યુનિવર્સિટીમાં બેરિસ્ટર થવા ઇંગ્લેન્ડ ગયા. ત્રણ વર્ષનો અભ્યાસક્રમ દોઢજ વર્ષમાં પ્રથમ નંબરે ઇનામ જીતી પૂર્ણ કર્યો અને ૧૯૧૩નાં ફેબ્રુઆરી માસથી બેરિસ્ટર વલ્લભભાઈએ અમદાવાદની કોર્ટમાં ફોજદારી વકીલ તરીકે કારકિર્દી શરુ કરી. માવલંકરનો પ્રસ્તાવ અને શેઠ કસ્તુરભાઈ અને રમણભાઈ નીલકંઠ જેવા વિચક્ષણ પુરુષોની નજરે આ કોહીનુર પરખાઈ ગયો..અને વલ્લભભાઈને જાહેરજીવનમાં આવવા માટે સંમત કરી શક્યા. કોર્પોરેશનમાં જોડાઈને લોકોનું ભલું કરવાની તક તેમના જીવનમાં આવી પડી.

જોકે વલ્લભભાઈ ત્યારે ગાંધીજીના પ્રભાવમાં નહતા અને ક્યારેક ઠઠ્ઠો પણ કરતા. ગાંધી માટે તેઓ કટાક્ષમાં કહેતા " આપણા દેશમાં મહાત્માઓનો પાર નથી. બ્રહ્નચર્ય અને સંડાસ સાફ કરવાની વાતોથી કે પોત્તડી પહેરી લેવાથી આઝાદી મળી જતી હશે ...?

હા, પ્રસિદ્ધી જરૂર મલી જાય."

વકિલમંડળમાં તેઓ નિડર અને કૂનેહબાજ તરીકે પંકાઈ ચૂક્યા હતા.એ સમયે વકીલો સૌથી વધુ રાજકીય પ્રવૃત્તિઓમાં પડેલા હતા અને એ નાતે પ્રણાલિકા મુજબ ૧૯૧૫માં ગુજરાત સભાના સભ્ય બન્યા.

ઈ.સ. ૧૯૧૭ના અરસામાં અમદાવાદમાં માથાભારે, ઘમંડી , જોહૂકમી અને ભ્રષ્ટાચારી મ્યુનિસિપલ કમિશનર જે .એ.શિલડીએ તંત્રમાં અસંતોષ અને ફફડાટ ફેલાવી મુકેલો. તેની સામે બાથ ભીડવવા નિડર,સ્વમાની અને અન્યાય સામે લડનાર કાનૂની કારીગરની જરૂર હતી. સૌએ એક અવાજે વલ્લભભાઈની પસંદગી કરી અને તેમને અમદાવાદના કોર્પોરેટર તરીકે ચૂંટી કાઢ્યા. બસ વલ્લભભાઈના જાહેર જીવનની અહીંથી શરૂઆત થઇ.

તેમણે કમિશ્નર શિલડીને અનેક રીતે પાઠ ભણાવ્યો, પછડાટ આપી અને છેવટે વહીવટી ગુનામાં ઝડપી ભારતમાં પહેલી જ વાર એક બ્રિટીશ આઈ.સી.એસ. અધિકારીને સરકારી પદેથી દૂર કરાવ્યો અને વલ્લભભાઈએ આમ તેમની વહીવટી કાબેલિયત પુરવાર કરી દીધી.

દરમ્યાન ૧૯૧૭માં ગુજરાત સભાની પ્રાંતિક સમિતિની બેઠક ગોધરામાં યોજાઈ અને તે સમયે ગાંધીજી ચંપારણના ગળીના ખેડૂતો માટે લડત ચલાવી રહ્યા હતા. ગોધરાની બેઠકમાં વળી વેઠપ્રથા નાબૂદ કરવા માટેની ગાંધીજીની જાહેરાતથી વલ્લભભાઈ ગાંધીજી તરફ આકર્ષાયા કારણકે બ્રિટીશરોની ગુલામીરૂપ આ વેઠીયાપ્રથા વલ્લભભાઈને પણ ખૂંચતી હતી. વલ્લભભાઈએ પ્રાંતિક સમિતિનું મન્ત્રીપદ સ્વીકારી, કલેકટર પ્રેટને પત્ર લખી વેઠિયાપ્રથા બંધ કરાવી. સ્વરાજ્યપ્રાપ્તિની સેનામાં જોડાવા ગાંધીજીએ અન્ય કાર્યકરોની જેમ વલ્લભભાઈને પણ ટહેલ નાંખીકે હવે વેળાવેળાનાં પંખીઓને બદલે પૂર્ણ સમયના કાર્યકરો જોઇશે..આપ પૂર્ણ સમયના કાર્યકર તરીકે જોડાઈ જાવ.

વલ્લભભાઈ માટે આ કસોટીનો કાળ હતો.... જાણે ત્રિભેટે આવીને ઉભા હતા... એક બાજુ વિઠ્ઠલભાઈ પુન: લગ્ન માટે દબાણ કરતા હતા અને બીજીબાજુ માવલંકરનાં પ્રયત્નોથી તેઓ ગાંધીજીના સમ્પર્કમાં આવ્યા અને સેવાપ્રવૃત્તિઓમાં જોતરાયા..ખુબજ નાજુક તબક્કામાંથી પસાર થઇ રહ્યા હતા. ખુબ ગડમથલ ચાલતી હતી .. વલ્લભભાઈ વિચારતા " ઈશ્વર પણ કેવી કસોટી કરે છે આપણી..? એકબાજુ દેશની સેવા કરવી છે તો બીજીબાજુ સાંસારિક જવાબદારી છે... એકબાજુ લાખ્ખો ખેડૂતો- મારા બાંધવોનું હિત છે અને બીજીબાજુ મારા નમાયાં સંતાનો છે.. ખેડા જીલ્લામાં અન્યાયી જમીન મહેસૂલનો સામનો કરવાની લડત માટે ગાંધીજી જેવા મહાત્માએ મારામાં વિશ્વાસ મૂક્યો છે... એકબાજુ મારી ફરજ છે તો બીજીબાજુ મારું કર્તવ્ય છે... હવે તો આ પાર કે પેલે પાર નિર્ણય કરવોજ પડશે ... ગાંધીજી દેશબન્ધુઓના હિતમાં છેક બિહારમાં ચંપારણ સુધી દોડી ગયા છે જ્યારે હું મારા સ્વાર્થ ખાતર ...મારી લાગણીઓ ખાતર ઘરના ખૂણામાં ભરાઈ જાઉં..? નાં હવે કોઈજ અવઢવ નહિ.. હું મહાત્મા ગાંધીના દેશસેવાના આ યજ્ઞમાં આહુતિ આપીશ...જોડાઇશજ"

આ હતો વલ્લભભાઇના જીવનનો ટર્નીંગ પોઈન્ટ...નિર્ણાયક તબક્કો..

બસ આ ચરોતરનો પાટીદાર જોડાઈ ગયો ગાંધીની સેનામાં...

ગાંધીજીની ખાદી સાથે મેળ બેસાડવા વલ્લભભાઈએ બેરીસ્ટરીનો વિલાયતી પોશાક ત્યજી દીધો ...બસ હવેતો ખાદીનો જભ્ભો અને ધોતીજ ...નિર્ણય થઇ ચુક્યો.....વલ્લભભાઈએ દ્રઢ સંકલ્પ કર્યો.." આ જીવ હવે મારા દેશબાંધવો કાજે ... મારા ખેડુતભાઈઓ માટે...ગરીબ લાચાર લોકો માટે... જીવનની ક્ષણેક્ષણ રાષ્ટ્રહિતમાં ખર્ચાશે...સ્વાર્પણ...બસ હવેતો દેશ કાજે સર્વસ્વ અર્પણ..."

ખેડાની લડતના મુખ્ય સુત્રધાર ગાંધીજી હતા અને વલ્લભભાઈ તેમના પ્રથમ પંક્તિના સાથી હતા. બંને માટે લડત અગત્યની હતી અને આ સત્યાગ્રહની લડત ગાંધીની ગુજરાતની પહેલી સફળ લડત હતી. વલ્લભભાઈ માટે ખેડા સત્યાગ્રહ એ સત્યાગ્રહની તાલીમશાળા હતો. આ લડત દરમ્યાન તેઓ ગાંધી પદ્ધતીની લડાઈનું સુક્ષ્મ નિરીક્ષણ કરતા રહ્યા.. ખેડાની લડતનું જો સૌથી અગત્યનું પાસું કોઈ હોય તો તે ગાંધીજીને થયેલી વલ્લભભાઈની પ્રાપ્તિ..

આ બંને વચ્ચે ગાઢ સંબંધનો પાયો ખેડાની લડતે નાંખ્યો.

અહીં એ વાત નોંધવી જોઇકે પ્રારમ્ભમાં સરદાર, ગાંધીના ટીકાકાર રહ્યા હતા.. ગાંધીજીને વલ્લભભાઈ ચક્રમ માનતા અને બીજાઓની સામે ગાંધીજીની મશ્કરી પણ કરતા. પરંતુ ધીમેધીમે બંને એ એકબીજાને ઓળખ્યા અને ત્યારપછીની બેય વચ્ચેની નિકટતા સૌ કોઈ માટે આશ્ચર્યજનક હતી, એટલુંજ નહિ ગાંધી સરદાર વચ્ચેની આત્મીયતા કોઇપણ માને તેનાથી કઇંક વિશિષ્ઠ હતી..

સમયાંતરે વલ્લભભાઈ ગાંધીજીના પાકા ભક્ત બની ગયા.. જોકે તેઓ અંધ ભક્ત ન હતા કે પછી કંઠીબંધા ભક્ત પણ ન હતા. સરદાર, ગાંધીજીને ચાહતા અને તેમનો અપાર આદર કરતા પણ જ્યારે પણ તેઓ ગાંધીજીનાં વિચારો સાથે સંમત ના હોય તો તેમનો વિરોધ પણ કરતા...ખીલાફ્તની ચળવળ કે પછી ૪૪ પછીની કોઇપણ ગતિવિધિ હોય કે પછી ભારતના ભાગલાનાં નિર્ણયનો વલ્લભભાઈએ વિરોધ કર્યોજ હતો..

વલ્લભભાઈ ડાયલોગના માણસ ન હતા તેઓ તો એક્શનના માણસ હતા અને એટલેજતો એમનું વ્યક્તિત્વ લોકોને વધુ રાસ આવતું.. તે લોકોને સમજતા...લોકોની નાડ પારખતા અને લોકોનીજ ભાષામાં વાત કરતા ... બારડોલી સત્યાગ્રહમાં તેમણે ખેડૂતોને કહ્યું કે હું જેટલો ખેડૂતની વાત સમજી શકીશ એટલી બીજું કોણ સમજી શકશે..? ગાંધીજીની વાત અને તેમના વિચારો તમને નહિ સમજાય. હા...ગાંધી પણ આ હકીકતથી વાકેફ હતાજ અને એટલેજ ગાંધીજીએ બારડોલી સત્યાગ્રહમાં વલ્લભભાઇનેજ અગ્રેસર કર્યા.

નાગપુર, બોરસદ અને બારડોલી આ ત્રણેય સત્યાગ્રહમાં વલ્લભભાઈએ સરકારને નમાવી અને એટલેજ બારડોલી સત્યાગ્રહ પછી પ્રજાએ તેમને સરદાર કહ્યા... એક નવી ઓળખ આપી...અને પછીતો વલ્લભભાઈ સમગ્ર દેશ અને વિશ્વભરમાં વસતા ભારતીયો માટેજ નહીં સમસ્ત વિશ્વ માટે સરદાર બની ગયા.

વલ્લભભાઈએ હંમેશા ગાંધીજીના શબ્દને પુરતું સન્માન આપ્યું છે અને એટલેજતો એને ઉવેખવાનો તો પ્રશ્નજ ઉપસ્થિત થતો ન હતો. ૧૯૨૯મા કોંગ્રેસપ્રમુખ થવાનું નક્કીજ હતું અને ત્યારે મોતીલાલે જવાહર માટે ઇચ્છા વ્યક્ત કરી... ગાંધી પણ તેમાં સંમત હતા... સરદારે ક્ષણ માત્રમાંજ પોતાનું નામ પાછું ખેંચી લીધું. બસ આજ સમયથી નહેરુનો પ્રભાવ ભવિષ્યની કોંગ્રેસ અને હિન્દુસ્તાનના ઈતિહાસ પર કાયમ થયો..જોકે એની સારી માઠી અસરોનું પૃથક્કરણ સરદારના જીવનવૃતાંતમાં કરવું તે અસ્થાને અને અયોગ્ય ગણાશે.. પરંતુ લોકદ્રષ્ટીએ સરદારને અન્યાય થવાની આ શરૂઆત હતી...જેનું વારંવાર પુનરાવર્તન થયું અને એવા પ્રસંગોમાથીજ તો થઇ ભારતના ઇતિહાસની દિશા બદલાવાની શરૂઆત પણ...!!!

સરદાર જાણતા હતા...સમજતા હતા કે ગાંધીજીને, સરદારકે સુભાષ કે અન્ય કોઈની પણ નહિ પરંતુ જવાહરની લાગણીની વધુ ચિંતા હતી તેમ છતાં આ વીલક્ષણ પુરુષનાં હૃદય કે મનમાં ગાંધી તરફ અંશમાત્ર પણ અભાવનો સુર ઉઠતો નથી...જેમના માટે સરદારે ઘર-પરીવાર છોડ્યો...જીવનમાં બીજી કોઈ બાબત કરતા ગાંધીજીના અભિપ્રાયનેજ સૌથી વધુ મહત્વનો ગણ્યો હતો... એટલે સુધીકે પોતાની જાત ઉપરવટ જઈને પણ તેને નખશીખ સ્વીકારી લીધો હતો તેમછતાં જ્યારે ૧૯૪૨મા મહાસમિતિના અધિવેશનમાં ગાંધીજીએ ભરસભામાં જવાહરને પોતાના વારસદાર ઘોષિત કરતા કહ્યુ કે "મેં અનેક વખત કહ્યુ છે અને અહીં પણ એજ વાત દોહરાવું છું કે સરદાર કે રાજાજી નહિ પણ જવાહર મારા વારસદાર થશે અને મારા ગયા પછી જવાહર મારી ભાષા બોલશે....."

જ્યારે જાહેરમાં આવી અવગણનાં થતી અનુભવ્યા પછી સરદારના મનમાં શું વીતી હશે તેનો આપણને કોઈજ અંદાજ આવી શકે છે ખરો? પણ આતો સરદાર હતા.. તેમણે એક હરફ સુધ્ધા ઉચ્ચાર્યો હોવાનું ઇતિહાસે ક્યાંય પણ નોંધ્યું નથી..

હિન્દ છોડો આંદોલનની વાત સાથે સરદાર સૌથી પહેલા સમ્મત થયા...જવાહરનેતો ગાંધીના કહેવાથી સરદારે સમજાવ્યા અને તેમને સંમત કર્યા.. અને વિધિની વિડમ્બના કહોકે ગાંધીજીની દ્રોણદ્રષ્ટિ કહો...ફરી એકવાર જાહેરમાં ગાંધી જવાહરને વારસદાર ઘોષિત કરતા કહે છે કે " જવાહર જેવું અને જેટલું જોશ અન્ય કોઈમાં નથી.."

ત્યારે પ્રશ્ન થાય કે આટલો ડાહ્યો અને મુત્સદી પુરુષ પણ એક નાની અને સાદીસીધી વાત કેમ નહિ સમજી શક્યો હોય કે કે રાજ્ય ચલાવવા માટે જોમ અને જુસ્સો નહિ પણ દુરન્દેશી અને મુત્સદીગીરીની વધારે જરૂર પડવાની હતી. ઈતિહાસ તરફ નજર કરીએ તો ચોક્કસ સમજાશે કે અંગ્રેજોના મોટાભાગના નિર્ણયો અને ચુકાદાઓ અંગે સરદારની આગાહી હંમેશા સાચી પડતી અને ગાંધી મોટાભાગે ખોટા પડતા.

ગાંધીના મને સરદાર અને જવાહરની શ્રેષ્ઠતાની તુલનામાં એવું અનુમાન કરી શકાય કે અહીં ગાંધીએ વણિક-ચતુરાઈ પ્રયોજી છે. તેમને શતપ્રતિશત ખાત્રી હતી કે જવાહરની વરણી થવાથી ભારતે સરદારની સેવા નહીં ગુમાવવી પડે. તેઓ જાણતા હતા કે વલ્લભભાઈની નિષ્ઠાને અંગત સ્થાન સાથે કશોજ નાતો ન હતો, સરદારે પોતાનો પ્રભાવ કે સત્તાનો ઉપયોગ પોતાના લાભ માટે કે પોતાના સંતાનોના હિતાર્થે કર્યો નથીજ... તેમના માટેતો દેશહિત પહેલું અને બાકીનું બધુજ ..અરે પોતાની જાત પણ પછી...

અને હા... આ બાબતમાં ગાંધી પૂરેપુરા સાચા હતા.

સરદારની દેશભક્તિ કોઇપણ સંદેહથી પર હતી..એમના રાષ્ટ્રવાદી હોવા બાબતે લેશમાત્ર શંકા થઇ શકે તેમ ન હતી પરંતુ વાંકદેખી, અણઘડ, અજ્ઞાન અને નગુણી પ્રજા કે જેને પોતાના ઈતિહાસ સાથે સ્નાનસુતકનો સમ્બન્ધ નથી એણે શંકા કરી.

સરદાર કોમવાદી અને મુસ્લિમ વિરોધી હોવાનો આરોપ મઢી કાઢ્યો.

સરદારતો એ વ્યક્તિ હતા જેમને ગાંધીના તમામ વિચારોમાં સંપૂર્ણ આસ્થા હતી, પછીતે ગ્રામવિકાસ માટેના હોય કે પછી હરીજન ઉધ્ધાર માટેના હોય કે બુનિયાદી કેળવણી, સત્યાગ્રહ કે હિન્દુ-મુસ્લિમ એકતા માટેના હોય.

સરદારની આ દેશને જો સૌથી મોટી અને અમૂલ્ય કોઈ ભેટ હોય તો તે અખંડ હિન્દુસ્તાનની છે. ૧૯૪૭મા ભારત સ્વતંત્ર થયું ત્યારે ૫૬૫ રજવાડા હતા. પ્રતિકુળ સંજોગોમાં સરદારે દેશી રાજ્યોનું ખાતું હાથમાં લીધું. સરદાર માટે સમય ખુબજ મહત્વનો હતો. ૧૫ ઓગસ્ટ પહેલા બધાજ રાજ્યો સંઘમાં સામેલ થઇ જાય એવી એમની ઇચ્છા હતી પરંતુ તેમની પાસે હતા ફક્ત ૪૦ દિવસ... એક ત્રિરંગાની આણ નીચે દેશના દરેક નાગરીકને લાવવાનું કામ રેતીમાં વહાણ ચલાવવા જેવું અઘરું હતું...પણ આજતો હતી સરદારની કુનેહ..આવડત ...દુરન્દેશી ....તેમની મુત્સદીગીરી તેમની વહીવટી કુશળતા..!!

એ જાજરમાન છતાં તુંડ મિજાજી, અણઘડ,ઘમંડી,અને ખુમારીવાળા બાદશાહો અને રજવાડાઓએ અખંડ ભારતના નિર્માણમાં એકતાનો સુર પુરાવ્યો...

ભારતના પ્રહરી, એક અને અખંડ ભારતના નકશાનું નકશીકામ કરનાર ઘડવૈયો..પ્રતાપી સેનાપતિ, અખિલ ભારતનો અધિષ્ઠાતા, કોન્ગ્રેસ પક્ષને એક સૂત્રમાં બાંધી રાખનાર મહારથી કર્મઠ મહામાનવ અને યુગપુરુષનો જીવનદીપ ૧૫ ડીસેમ્બર ૧૯૫૦ના રોજ બુઝાઈ ગયો.. એ જ્વાળામુખી શાંત થઇ ગયો ...બરફમાં જ્વાળામુખી ઠરી ગયો...અને રુદ્રવીણાના સુરની સંગાથે સરદારનો આત્મા ચાલી નીકળ્યો અનંતની યાત્રાએ..

અંતમાં નરસિંહરાવ દિવેટીયાની પંક્તિઓથી સરદારને આવો આપણે સૌ અંજલિ અર્પીએ:

આપના વ્યક્તિત્વમાં સરદાર હે !

કેવાં વિરલ તત્વો તણુ અસ્તિત્વ સોહ્યું એક સાથે,

પુષ્પ શું કોમળ હૃદય, 'ને વજ્રશી સંકલ્પશક્તિ,

એક સાથે ભક્તને યોધ્ધા તણી કેવી યુતિ..!

વાચાળ એવા ....લક્ષ્યવેધી તીર જેવા ..,

મૌન એવું - ટાંકણું લેતાં પહેલાં,

કોક શિલ્પીની ભીતર આકાર લેતા મોહ્લ જેવું,

એક સાથે આપમાં જોવા મળ્યો, આગને પાણી તણો અદભૂત ઈલમ,

આપના વ્યક્તિત્વમાં સરદાર હે ! આપના વ્યક્તિત્વમાં સરદાર હે.....!