એકબંધ રહસ્ય
ભાગ - 20
Ganesh Sindhav (Badal)
કૉલેજના વિદ્યાર્થીઓને અભ્યાસના એક ભાગરૂપે રાષ્ટ્રીય સેવા યોજનામાં જોડાવું ફરજીયાત છે. દેશ દિવસના આ કેમ્પમાં વિદ્યાર્થીઓ સાથે અધ્યાપકોએ જવું જરૂરી હોય છે. આવો એક કેમ્પ સાબરકાંઠાની આદિવાસી સેવા સંસ્થામાં યોજાયો હતો. એની સંચાલિકા પ્રા. નજમાબાનુ હતાં. વિદ્યાર્થીઓનો જી.એસ. સુમન પટેલ હતો. આદિવાસી સેવા સંસ્થામાં શિક્ષણના પ્રયોગો ચાલે છે. તેમજ ત્યાં કૃષિ સંશોધન માટેની પ્રયોગશાળા છે એ જાણીને પ્રા. નજમાબાનુએ પોતાના વિદ્યાર્થીઓને લઈને એ સંસ્થાની મુલાકાત ગોઠવી.
અહીં લીલાછમ વૃક્ષો હારબંધ ઊભાં હતાં. જાણે કે એ વૃક્ષો સ્વાગત કરતાં હોય ! ફૂલછોડનાં ફૂલડાં મલકાટ કરતાં હતાં. સંસ્થાનું વાતાવરણ પ્રફુલ્લિત હતું.
શહેરની કૉલેજના વિદ્યાર્થીઓ આવ્યાનું જાણીને વિઠ્ઠલભાઈ અને એમના સાથી કાર્યકરોએ આવકાર આપ્યો. મહેમાનગૃહમાં બેસાડીને પાણી પાયું. વિઠ્ઠલભાઈએ નજમાબાનુને કહ્યું, “તમે તમારા વિદ્યાર્થીઓને અહીં લાવ્યા એ મને ગમ્યું છે. ખેતીના સંશોધન માટે અમારી આ સંસ્થામાં પ્રયોગશાળા ચાલે છે. એના સારા પરિણામ અમને મળ્યાં છે. એથી આ પ્રદેશના ખેડૂતોની ખેતી સમૃદ્ર બની છે. હમણા તમે આરામ કરો. પ્રયોગશાળા અને સંસ્થા દર્શન માટે તમને સુરેશભાઈ લઈ જશે. આજે તમારે અહીં સંસ્થાના રસોડે ભોજન લેવાનું છે.”
સુરેશનું નામ સાંભળીને નજમાબાનુનું ચિત્ત વિચિત્ર લાગણીના આવેગથી બેચેન બન્યું. એણે ક્ષણભર થયું કે હું અહીંથી નીકળી જાઉં. એમ કરવું શક્ય ન હતું. સુરેશ ની હત્યા માટે એણે જે કારસ્તાન ગોઠવ્યાં હતાં એની યાદ તાજી થઈને એના અસ્તિત્વને ઘેરી વળી. એણે વિદ્યાર્થી પાસે પાણી મંગાવીને પીધું. એ બાજુની રૂમની પથારીમાં સૂતી.
સુરેશ અને રઝિયા આવ્યાં. એ જાણીને નજમા અંદરની રૂમમાંથી બહાર આવી. નજમાને જોઇને રઝિયાને તાજુબીનો અનુભવ થયો. સુરેશને પણ નવાઈ લાગી. રઝિયાએ સલામ કહીને નજમાનું સ્વાગત કર્યું. સુરેશે પણ એમજ કર્યું. નજમાએ માસીના ખબર પૂછ્યા. રઝિયા કહે, માસી અહીં જ છે. તને મળીને એ રાજી થશે.
રઝિયા નજીક એનો દીકરો ઊભો હતો. નજમાએ એણે પૂછ્યું, “તારું નામ શું છે ?”
“ગુલઝાર !”
“વાહ ! સરસ નામ છે.”
“તું કયા ધોરણમાં ભણે છે ?”
“આઠમા ધોરણમાં”
નજમા કહે, “રઝિયા તારો દીકરો હોંશિયાર છે.”
એ કહે, “આજનું જનરેશન આપણા કરતાં ખુબ આગળ છે. એના તોફાનોથી હું તોબા છું. છાત્રાલયના છોકરાંઓ સાથે તોફાન કરે, મારફાડ કરે, રમવાથી એ થાકતો જ નથી. ભણવામાં એનું ધ્યાન ઓછું છે.”
સુરેશ કહે, “નજમા આજે તું અચાનક આવી છે એથી સાચા અર્થમાં તું અતિથી છે. આજે અમે તને ક્યાંય જવા દઈશું નહીં. તારા આ વિદ્યાર્થીઓ પણ અમારા મહેમાન છે.”
નજમા કહે, “આજે મારી તબિયત નરમ છે. થાક પણ છે. કદાચ વાતાવરણના બદલાવને કારણે આમ બન્યું હશે.”
રઝિયા અને સુરેશ બંનેએ કહ્યું, “અમે તને ખલેલ પહોંચાડીશું નહીં. આરામ માટે અમારું ઘર ખુલ્લું છે. એટલામાં રસોડેથી સમાચાર આવ્યા, ભોજન રસોડે પંહોચી જવું. સુરેશ વિદ્યાર્થીઓને લઈને રસોડે ગયો. રઝિયા નજમાને લઈને ઘરે પહોંચી. એ આયશાને મળી. એના ખબર અંતર પૂછ્યા, તમને અહીં ફાવે છે ?”
“હા ! શહેરની ગીચતા અને પ્રદૂષિત હવાથી મુક્ત અહીંના વાતાવરણમાં રહેવું શા માટે ન ગમે ? હું અહીં મજાથી રહું છું. અહીંના ગરીબ આદિવાસીઓના નાના મોટા દર્દોની દવા આપું છું. એ સાજા સારા બને છે. મારી દવા લેવા રોજે એ લોકો આવે છે. એ કામમાં મને પણ આનંદ આવે છે.”
કોણ જાણે નજમાની વાચાળ જીભ ચાલતી નહોતી. એ કાચબાના શરીરની જેમ સંકોચાઈને ચુપ છે. કદાચ એને એના ગુનાહિત ભૂતકાળનો પસ્તાવો થતો હોવાના કારણે એ શાંત હતી. એનાથી વિપરીત સુરેશ-રઝિયાએ આ સુંદર સંસ્થા પ્રસ્થાપિત કરી છે. એ જોઇને એને ઈર્ષ્યા થવી સંભવ છે. એથી એની જીભ બંધ હોઈ શકે છે.
સુરેશ અને રઝિયા પોતાના ઘરે અતિથી તરીકે આવેલી નજમાને આદર અને માનથી રાખવી એને એ પોતાની ફરજ માને છે. ભૂતકાળની વિઘટિત ગોઝારી ઘટનાનો બોજ ઊપાડીને ચાલવું એને એ મહેનતાણાં વિનાની વેઠ કહે છે. દિલના કોઈ ખૂણે હંમેશ માટે વેરના ઝેરને સંઘરી રાખવું એને એ સાપવૃતી કહે છે. સાપ પોતાની દાઢમાં ઝેરને સંગ્રહી રાખે છે. એ રીતે માણસ વેરવૃતિ રાખીને જીવે તો એના જીવનમાં આનંદ ઉલ્લાસ ક્યાંથી આવે ? જેના વડે અધમ અને હિનકૃત્ય થાય છે એની સામે બદલો લેવાનો મતલબ પોતાની જાત પણ એ હિન કક્ષાની છે. માણસની વેરવૃતિથી જગતમાં અનેક દુઃખો ઉદભવે છે. વેરનો બદલો વેંઢારીને જીવવું એ મૂર્ખામી સિવાય બીજું શું કોઈ શકે ?
સુરેશ-રઝિયાના આગ્રહથી નજમાએ વિદ્યાર્થીઓ સહિત રાત રોકાવાનું નક્કી કર્યું. તેઓ છાત્રાલયના વિદ્યાર્થીઓની સાંજની પ્રાર્થનામાં જોડાયા. સર્વધર્મ પ્રાર્થના પછીથી છાત્રાલયના વિદ્યાર્થીઓએ સમૂહમાં ગીત ગયું. એ ગીતના કવિ સુરેશ પટેલ છે.
અંતરની આડમાં કોણ ઊભું રે ?
મારા અંતરની આડમાં કોણ ઊભું રે ?
આડમાં ઊભેલ કોઈ પારસ અડાડતું,
વજ્જરના થરને કાંચન બનાવતું,
તવ શા કારણે હું ભાગું રે ? મારા...
પ્રાર્થના પછીથી વિદ્યાર્થીઓને સુરેશે નજમાનો પરિચય આપતા કહ્યું, “આપણી સંસ્થામાં પધારેલ પ્રોફેસર નજમાબાનુનો પરિચય આપવો એ ઊચિત નથી. કારણ એ મારા અને રઝિયાના સ્વજન છે. તેઓ એમના વિદ્યાર્થી મિત્રોને લઈને આપણી સંસ્થા જોવા માટે આવ્યા છે. એમનું અહીં આવવું અચાનક બન્યું છે. એમને જોઇને અમે બંને નવાઈ પામ્યા છીએ. અમને જોઇને તેઓ પણ નવાઈ પામ્યા છે. આમ, અચાનક એમની અને અમારી મુલાકાત બની છે. આ કારણે હું આનંદ વ્યક્ત કરું છું. એ સાથે એમનું અને એમના વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. તેઓ વિદ્યાર્થીઓને બે શબ્દો કહે એવું ઈચ્છું.”
“પટેલ સાહેબ મારા ગુરુ છે. એમને મેં ખુબ હેરાન કર્યા હતા. એ બધું યાદ કરવાથી ક્ષોભની અનુભૂતિ થાય છે. એમનું દિલ સાગર જેવું વિશાળ છે. એમના દિલમાં કોઈના માટે વેર કે દ્વેષ નથી. આજે અચાનક રઝિયા અને એમને મળવાનું બન્યું છે. મારા માટે એ અમૂલ્ય અવસર બન્યો છે. આમીન...!”
કૉલેજના વિદ્યાર્થીઓ એક પછી એક ઊભા થઈને પોતાનો પરિચય પોતે જ આપે. એ મુજબ સૌ પ્રથમ જી.એસ. સુમન પટેલ ઊભો થયો.
એણે કહ્યું, “મારું નામ સુમન સુરેશભાઈ પટેલ છે. મારું મૂળ વતન મહેસાણા જિલ્લાનું રામપુરા ગામ છે. હાલ હું મારા મોસાળ રતનપુરમાં રહીને અભ્યાસ કરું છું. મારો પ્રિય વિષય ગણિત અને વિજ્ઞાન છે.”
સુરેશે સુમનને પોતાની પાસે બોલાવીને બાજુમાં બેસાડ્યો. એની પીઠ થાબડી. આ પછીથી એક પછી એક તમામ વિદ્યાર્થીઓએ પોતાનો પરિચય આપ્યો. પ્રાર્થના સભા પૂરી થઈ. રઝિયા નજમાને પોતાને ઘરે લઈ ગઈ. આયશા માસી એની રાહ જોઇને બેઠાં હતા.
સુમન અને સુરેશ વિઠ્ઠલભાઈના નિવાસે ગયા. જતાં જતાં રસ્તામાં સુરેશે સુમનને કહ્યું, “તું દાદાના ચરણસ્પર્શ કરજે. એ એમને કહેજે દાદા હું તમારો પૌત્ર સુમન છું. હાલ હું મારા મામાને ગામ રતનપુર રહીને કૉલેજમાં ભણું છું.”
સુરેશની સુચના મુજબ સુમને વિઠ્ઠલભાઈને કહ્યું, “દાદા હું તમારો પૌત્ર સુમન છું.” ને એણે દાદાના ચરણે સ્પર્શ કર્યો. થોડીવાર સુધી વિઠ્ઠલભાઈએ એની સામે જોયા કર્યું. ને એમણે સુમનના માટે હાથ મૂક્યો. એને પૂછ્યું, “હાલ તું કૉલેજના ક્યા વરસમાં ભણે છે ?” હું કૉલેજના છેલ્લા વરસમાં બી.એસસી. નો અભ્યાસ કરું છું.”
વિઠ્ઠલભાઈ કહે, “તું વિજ્ઞાનનો વિદ્યાર્થી, ખરું ને ?” એમણે આગળ કહ્યું, “સુમન, હું તારો દાદો ને તું મારો પૌત્ર. સંજોગોને કારણે તારે અમારાથી અલગ અહેવું પડ્યું છે. હવે અમે તને અમારાથી અલગ રહેવા દઈશું નહીં. તું, હું અને આ તારા બાપા, આપણે બધા ગઈ ગુજરી ભૂલી જઈએ. તારો અભ્યાસ પૂરો થાય પછીથી તું અહીં આવી જા. કૃષિ પ્રયોગશાળાનું કામ તું સંભાળી લે. તે પછીથી હું નિવૃત્તિ લઈશ.”
સુમન કહે, “સંસ્થાનું વાતાવરણ મને ગમ્યું છે. કૃષિવિકાસની પ્રયોગશાળામાં કામ કરવાની મને મજા આવશે. અહીં તમારી પાસે આવીને હું રહું એ કદાચ મારી મમ્મીને ગમશે નહીં. મારા નાના-નાની મને અહીં આવવા દેશે નહીં.”
વિઠ્ઠલભાઈ કહે, “હવે તું સ્વતંત્ર રીતે વિચારીને નિર્ણય લઈ શકે એટલી તારી ઉંમર થઈ છે. તારા હિતાહિતનો વિચાર તારે કરવો જોઈએ.”
સુમન કહે, “હું વિચારીશ.”
વિઠ્ઠલભાઈએ સુમનને એક હજાર રૂપિયા આપ્યા ને કહ્યું, “આ રકમ તારા ખિસ્સા ખર્ચ માટે આપી છે. સાચવીને વાપરજે.”