Password - 21 in Gujarati Fiction Stories by Vipul Rathod books and stories PDF | પાસવર્ડ - 21

Featured Books
Categories
Share

પાસવર્ડ - 21

પ્રકરણ નં.૨૧

નાયબ પોલીસ કમિશનર સૂર્યજીત અને મિલિટરી ઇન્ટેલિજન્સ યુનિટમાં ફરજ બજાવતા તેના મિત્ર ઓફિસર સુનિલ સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી રાજેશ્વર સાથે ચર્ચા કરી રહયા હતાં. પી. આર. કન્સલ્ટન્સી કંપનીના કોમ્પ્યુટરમાંથી મળી આવેલા એક ભેદી કોડવર્ડ આધારિત મેસેજનું રહસ્ય બંનેને અકળાવી રહ્યું હતું. તેઓ એવી ધારણા માંડી રહ્યા હતાં કે રાજેશ્વર આ કેસ વિશે કાંઈક તો એવું જાણતો જ હશે જે પોલીસ તપાસને યોગ્ય દિશામાં દોરી જાય. રાજેશ્વર હવે કોઈ પણ ઘડીએ જામીન પર છૂટી જવાનો હતો. પોલીસને તેની વિરૂદ્ધ એવા કોઈ ખાસ પુરાવા મળ્યા નથી કે તેના પરનો એક પણ આરોપ પૂરવાર થાય. સૂર્યજીતે પોતાની વાત રજુ કરી દીધી. હવે તેને રાજેશ્વરના જવાબનો ઇંતજાર હતો.

અકળામણ અનુભવી રહેલો રાજેશ્વરનો ચહેરો જોઈને સૂર્યજીત અને સુનિલ સમજી ગયા કે, રાજેશ્વર કશીક વૈચારિક ગડમથલમાં અટવાઈ ગયો છે. જોકે સૂર્યજીત કશુંક પૂછે એ પૂર્વે જ રાજેશ્વરે મ્હોં ખોલ્યું.

" પી. આર. કન્સલ્ટન્સી કંપનીના ચેરમેન અશ્વિનીકુમાર અને એમ.ડી. મયુરકુમારના અપહરણ થયા એ પૂર્વે તેઓ બંને વચ્ચે કોઈ મુદ્દે મતમતાંતર થયા હતાં અને તે ધીમે ધીમે એટલા ગંભીર બની ગયા હતાં કે, તેઓ વચ્ચે તકરાર પણ થઇ હતી. કયા વિષયને લઈને આ વિવાદ ચાલી રહયો હતો તેની તો મને વિશેષ જાણકારી નથી પરંતુ કંપનીની વેબસાઈટ અને કોમ્પ્યુટર હેકિંગની ઘટના બાદથી તેઓ વધુ વિચલિત થઇ ગયા હતાં. "

" તો શું કંપનીના કોમ્પ્યુટરમાંથી કોઈ માહિતી લીક થઇ હતી?" સૂર્યજીત સવાલ પૂછે એ પૂર્વે જ સુનિલે પ્રશ્ન કર્યો.

" એવી બન્યું હોય તે હું ચોક્કસપણે કહી શકું એમ નથી, પરંતુ હેકિંગ બાદ કંપનીના તમામ કોમ્પ્યુટર ટર્મિનલના પાસવર્ડ બદલી નાંખવામાં આવ્યા હતાં. " રાજેશ્વરે મહત્વપૂર્ણ કડી ઉજાગર કરી દીધી.

" તેનો મતલબ એવો થઇ શકે કે, કાં તો કંપનીના મેનેજમેન્ટને તેની માહિતી લીક થઇ ગયા બાદ આ બ્રહ્મજ્ઞાન લાધ્યું અથવા તો માહિતી લીક થતી બચાવવા અગાઉથી જ તકેદારીના ભાગરૂપે તમામ પાસવર્ડ બદલી નાંખ્યા હોઈ શકે છે." સૂર્યજીતે સંભાવના વ્યક્ત કરી.

" રાજેશ્વર, તમને શું લાગે છે તમારી કંપનીની કોઈ હરિફ કંપનીએ હેકિંગ કરાવ્યું હોય તે શક્ય છે કરૂ?" સૂર્યજીત આ સવાલ સાથે પ્રકરણમાં વધુ ઊંડા ઉતર્યા.

" સંભવ છે " રાજેશ્વરે ટૂંકો જવાબ આપ્યો.

" કઈ કંપની પર શંકા કરી શકાય?" સુનિલે સીધો સવાલ પૂછ્યો.

" એમ હું ડાયરેક્ટ કોઈ કંપની ઉપર શંકા કરી ના શકુ."

" એ તો કહી શકો ને તમારી કંપનીની સીધી સ્પર્ધા કઈ કઈ કંપની સાથે રહેતી હતી?"

" મુખ્યત્વે તો પાટનગર સ્થિત ઓ.એમ.જી. રિલેશન્સ કંપની અને પબ્લિક એલાયન્સ એસોશિએટસ સર્વિસીઝ કંપની લિમિટેડ સાથે. " રાજેશ્વરે માહિતી આપી રહયો હતો. સૂર્યજીત અને રાજેશ્વર એક ચિત્તે સાંભળી રહયા હતાં. અચાનક જ સુનિલના દિમાગમાં ઝબકારો થયો પરંતુ ત્યારે તે કશું બોલ્યો નહી. આ પછી રાજેશ્વર સાથે થોડી વધુ વાતો કર્યા બાદ જેલર અને રાજેશ્વરનો આભાર માની તેઓ બંને સેન્ટ્રલ જેલમાંથી બહાર આવી તેમની કાર પોતાના નિવાસ તરફ મારી મુકી. બીજી તરફ જેલમાં પોતાની બેરેક તરફ કદમ માંડી રહેલો રાજેશ્વર મૂછમાં હસી રહયો હતો.

" રાજેશ્વરની વાતચિત પરથી શું લાગે છે સુનિલ? તારૂ તારણ શું કહે છે?"

" પહેલા તો મારા ઘેર જઈને મસ્ત કોફી પીએ. આપણે ત્યાં જ ચર્ચા કરીશું. મને એટલો ખ્યાલ આવે છે કે, આ પ્રકરણ આપણે ધારીએ છીએ તેના કરતા ખુબ જ ઊંડાણ ધરાવે છે. આપણે જેમ ઊંડા ઉતરતા જઈશું તેમ તેમ તેની ઊંડાઈ વધતી જશે." સુનિલે ટૂંકો જવાબ આપ્યો. સૂર્યજીતની ઉત્કંઠા વધી ગઈ. કાર સુનિલના ઘેર આવી પહોંચી.

કોફીનો આસ્વાદ માણતા માણતા સૂર્યજીતે ફરી એ જ સવાલ દોહરાવ્યો ને સુનિલે તેના દિમાગમાં થયેલા ઝબકારાની જ વાત માંડી.

" ઓ.એમ.જી. રિલેશન્સ કંપની અને પબ્લિક એલાયન્સ એસોશિએટસ સર્વિસીઝ કંપની લિમિટેડ સાથે પી.આર. કન્સલ્ટન્સી કંપનીની સ્પર્ધા રહેતી હતી તો પછી પોલીસની તપાસમાંથી હાલતુર્ત ઓ.એમ.જી. રિલેશન્સ કંપનીને એક બાજુએ રાખી પબ્લિક એલાયન્સ એસોશિએટસ સર્વિસીઝ કંપની લિમિટેડ તરફ વધુ ધ્યાન આપવાની જરૂર છે." સુનિલે તેનું તારણ રજુ કર્યું.

" એવું કયા આધાર પર કહે છે?

" પબ્લિક એલાયન્સ એસોશિએટસ સર્વિસીઝ કંપની લિમિટેડનું અંગ્રેજી શોર્ટ ફોર્મ P.A.A.S.C.L. થાય છે. સમજાય છે ને હું શું કહેવા માંગુ છું? સંભવ છે કે તને મળેલા ભેદી કોડવર્ડનો કોઈ સીધો કે આડકતરો સંબંધ આ કંપની સાથે હોય. તુ યાદ કર સંદેશ મોકલનાર માણસે સામે વાળી વ્યક્તિને એવો સંદેશ મોકલ્યો હતો કે, PLEASELOCKCODEANDPASSWORD. આ સંદેશો P.A.A.S.C.L.( પબ્લિક એલાયન્સ એસોશિએટસ સર્વિસીઝ કંપની લિમિટેડ) સાથે કોઈ સંબંધ ધરાવતો હોય તેવું પ્રથમ નજરે નથી લાગતું શું?" સુનિલે સૂર્યજીતના દિમાગમાં જોરદાર હલચલ મચાવતી વાત કરી.

" અરે યાર....શું વાત છે? શું તારૂ મગજ છે? તને આવું બધું કેવી રીતે સમજાઈ જાય છે?" સૂર્યજીત અત્યંત આશ્ચર્યચકિત થઇ ગયો હતો.

" કોફી પીવા માંડ, ઠરી જશે......" સુનિલના ચહેરા પર સ્મિત ફરી વળ્યું.

***

પી.આર.કન્સલ્ટન્સી કંપનીના અપહરણ કાંડથી શરૂ કરીને રાજ્યના ગૃહ મંત્રીને મળેલી ધમકી સુધીની ઘટનાઓ પર અધિરાજ સતત બારીકાઈથી નજર રાખી રહયો હતો. તે હવે પછીની ચાલ વિચારી રહયો હતો ત્યાં જ તેના ફોનમાં રિંગ વાગી.

" યસ....." અધિરાજે કોલ રિસિવ કરી પ્રશ્ન પૂછવાના અંદાજમાં કહ્યું.

" સર, સૂર્યજીત અને તેનો કોઈ મિત્ર આજે જેલમાં રાજેશ્વરને મળ્યા હતાં." એક શખ્સે ફોન ઉપર અધિરાજને નવી માહિતી આપી.

" શું વાતચિત થઇ તેમની વચ્ચે?" અધિરાજે સવાલ પૂછ્યો.

"................" ફોન કરનાર વ્યક્તિએ અધિરાજને આખો વૃતાંત કહી સંભળાવ્યો.

" હા....હા.....હા.....હા....." વાત સાંભળતા વેંત જ અધિરાજ અટ્ટહાસ્ય કરી રહયો હતો.

" ઓ.કે., બીજું શું ચાલે છે ત્યાં ?"

" સર... અન્ડર વર્લ્ડમાં એવી વાત છે કે, કેટલાક નવા માણસો ખુફિયા પ્રવૃતિઓમાં સામેલ થયા છે. જેઓ શહેરના ટોચના બિઝનેસમેન સાથે જોડાઈ ગયા છે."

" વેરી ગૂડ. આ વિષયમાં પણ મને લેટેસ્ટ જાણકારી આપતા રહેજો."

" સર.... બીજું એવું પણ સાંભળવા મળે છે કે, પોલીસ કમિશનર અભય કુમાર અને ગૃહ મંત્રી કોઈ નવી ચાલ ચાલવાના ચક્કરમાં છે. "

" આ વળી ચોંકાવનારી વાત છે. આ બંને જણા ક્યાંક આપણા પ્લાનમાં કોઈ અડચણ ઉભી ણા કરે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. તેઓની ઉપર ખાસ નજર રાખજો."

" જી સર...."

" કીપ યોર આઈઝ એન્ડ ઈયર્સ ઓપન ઓન ધેમ અને મને સતત અદ્યતન માહિતી આપતા રહો." અધિરાજે આદેશાત્મક અંદાજમાં વાત પુરી કરી ફોન કાપી નાંખ્યો.

***

ઇન્ટેલિજન્સ ચીફ જ્યોર્જ ડિસોઝાએ રચેલી એક અભૂતપૂર્વ યોજના હેઠળ તેણે આપેલી સૂચના અનુસાર અધિરાજના ગ્રુપમાં ઘુસવા મહેનત કરી રહેલા તેના સિક્રેટ એજન્ટો ગોપાલદાસની પેઢીમાં ઘુસ્યા હતાં અને ત્યારબાદ તેના એક અજાણ્યા માણસના સથવારે અધિરાજ સુધી પહોંચવાની સીડી તરફ તેઓએ આગળ ધપવાનું હતું. ગોપાલદાસે પોતાના એક મિત્રના કામમાં મદદરૂપ થવા તેના નવા બે માણસોને રોકવાનું નક્કી કર્યું હતું. આ બંને શખ્સો ઇન્ટેલિજન્સ ઓફિસરો હતાં તેની ગોપાલદાસને ખબર ન્હોતી. આ બંને ઇન્ટેલિજન્સ ઓફિસરો બસ સ્ટેન્ડ પાસેની ચા ની એક હોટલ પાસે એ અજાણ્યો શખસ મળ્યા. તેઓએ ચા પીધી અને ત્યાંથી કારમાં બેસીને તેઓ ગોપાલદાસે જણાવેલી વ્યક્તિને મળવા જવા કાર મારી મુકી.....જ્યારે બાકીના ત્રણેય ઇન્ટેલિજન્સ ઓફિસરો પણ છુપાઈને તેમનો પીછો કરવા તેમની પાછળ ગયા. કાર શહેરમાંથી બહાર આવી હાઈવે પર દોડવા લાગી. વીસ પચ્ચીસ કિલોમીટર બાદ તેઓ એક અજાણ્યા ફાર્મ હાઉસ ખાતે પહોંચ્યા. પાછળ આવી રહેલા ત્રણ ઇન્ટેલિજન્સ ઓફિસરોએ તેમની કાર થોડે દુર ઉભી રાખી પગપાળા જ પોતાના બંને સાથીદારો અને પેલા અજાણ્યા માણસનો પીછો કર્યો. તેઓ એક ફાર્મ હાઉસની અંદર પ્રવેશતા તેમની આંખો પહોળી થઇ ગઈ. એ વ્યક્તિ બીજું કોઈ નહી પણ નાણા મંત્રી અનંતરાય જ હતાં.

" હેલ્લો સર ...." બંને ઓફિસરોએ વિવેક દર્શાવી પોતાની ઓળખ ગોપાલદાસના માણસો તરીકે આપી.

" વેલકમ ફ્રેન્ડઝ....યસ આઈ નો. ગોપાલદાસે મને વાત કરી દીધી છે. તેમણે મને કહ્યું છે કે આપ બંને મારા કામમાં સામેલ થવા તૈયાર છો." અનંતરાયે તેઓને આવકારતા પ્રાથમિક વાત પણ કરી દીધી.

" જી સર. અમો તૈયાર છીએ. અમારે કયુ કામ કરવાનું છે." એક ઓફિસરે સવાલ કર્યો.

" એ હું તમોને એ પણ જણાવી દઈશ. પહેલા તો ગોપાઈ સ્પષ્ટ કરી દઉં કે, તમો ગોપાલદાસના વિશ્વાસુ માણસો છો એટલે જ મારી સાથે કામ કરી શકો છો. તેમાં ગદ્દારીણે કોઈ જ અવકાશ નથી. આ વાત તમારે યાદ રાખવાની છે. આપણું કામ પણ એટલું જ મહત્વનું છે કે તે ગુપ્ત રહેવું જોઈએ અને તેમાં તમારા જીવ ઉપર જોખમ પણ રહેશે. હવે બોલો, કામ કરી શકશો?"

" ચોક્કસપણે. અમો એવા જોખમી કામ કરવા ટેવાયેલા છીએ."

" તો પછી થઇ જાવ તૈયાર. તમારે વિદેશની એક ખેપ મારવાની છે અને હું કહું તેમની પાસે જઈ તેના કાર્યમાં સાથ આપવાનો છે. " અનંતરાયે ઘટસ્ફોટ કરી જ નાંખ્યો.

"ઓકે સર. વી આર રેડી."

" અરે તમારે રવાના થવાને હજુ થોડી વાર છે. અત્યારે ને અત્યારે જ નીકળવાનું નથી. તમે અહીથી સીધા જ તમારા ઘેર જાવ અને તમારી તૈયારી કરી લ્યો. હું તમોને બે ત્રણ કલાકમાં જ ફોન કરીશ. "

" જી સર...." બંને ઓફિસરો ફાર્મ હાઉસમાંથી બહાર આવ્યા ને પેલો અજાણ્યો શખ્સ તેઓને પૂન: શહેર પાછા લાવી તેમના ઘેર પહોંચાડી જતો રહયો.

ઘેર આવીને તૈયારીમાં જોતરાઈ ગયેલા બંને ઓફિસરો પોતાના સાથી ઇન્ટેલિજન્સ ઓફિસરો સાથે એ વિશે ચર્ચા કરી રહયા હતાં કે, તે ત્રણેય ઓફિસરો તેમની સાથે વિદેશ કેવી રીતે આવી શકશે? શું તેઓને વિદેશ લઇ જવા જરૂરી છે કે તેઓને અહી જ રહેવા દઈને પછી મોડેથી વિદેશ બોલાવી લેવા?

***

આપણા દેશમાં ચુપ ચાપ કેટલીક માહિતી એકત્ર કરવા માટે ઘુસી આવેલા પાડોશી દેશની ઇન્ટેલિજન્સ એજન્સીના બંને એજન્ટો ઉપર નજર રાખવા ઇન્ટેલિજન્સ ચીફ જ્યોર્જ ડિસોઝાના પ્લાન અનુસાર તેના કેટલાક બાતમીદારો શહેરના એકે એક છીન્ડે તૈનાત થઇ ચુક્યા હતાં. તેઓને જે રંગ રૂપ અને વર્ણન જાણવા મળ્યા હતાં તેવા બે શખસો બસ સ્ટેન્ડ પાસે તેઓની નજરે ચડી ગયા બાદ તેઓએ તેમનો પીછો કરવાનું ચાલુ કર્યું હતું. બંને જાસૂસોએ બસ સ્ટેન્ડ પાસેની જ એક હોટલમાં રૂમ ભાડે રાખી તેમાં આશરો લઇ લીધો.

હોટલમાં ફ્રેશ થયા બાદ બંને એજન્ટો શહેરમાં ફરવા નીકળવાના બહાને એ તપાસ શરૂ કરી દીધી કે, શહેરની અંદર એવા વિસ્તારો કયા છે જ્યાં ગેરકાનૂની અને અનૈતિક પ્રવૃતિઓ થઇ રહી હોય? બાતમીદારોનું કામ આસાન બની ગયું. રસ્તા પર ધુમ્રપાન કરી રહેલા અને મેલાઘેલા વસ્ત્રો પહેરેલો એક બાતમીદાર જાણતો જ હતો કે એ એજન્ટો પોતાની પાસે આવશે જ. તેણે શું કહેવું તેની તૈયારી પણ કરી રાખી હતી.

" અહી ક્યાંય શરાબ અને મસ્તી માટેની વ્યવસ્થા થઇ શકે એવા વિસ્તારો છે કે કેમ?" એક જાસૂસે હિંમત કરીને બાતમીદારને પૂછી જ લીધું. બાતમીદારને તો એટલું જ જોઈતું હતું.

" મારી પાછળ પાછળ ચાલ્યા આવો..." જાહેરમાં માર્ગ પર વિશેષ કશી જ વાત કરવાને બદલે તેણે ટૂંકો જવાબ આપ્યો.

ત્રણેય જણા શહેરના મુખ્ય માર્ગો પસાર કરી નાની નાની શેરી ગલીઓમાં થઈને ત્રણ મજલાના એક મકાન પાસે આવી પહોંચ્યા.

" આ રહયું આપનું સરનામું, અહી તમોને બધું જ મળી જશે જે આપ ઈચ્છો તે. જે કાંઈ ઈચ્છો તે " બાતમીદારે એક આંખ મારીને ઈરાદાપૂર્વક છેલ્લા શબ્દો બે વાર બોલી નાંખ્યા હતાં. તેઓ સૌ અંદર પહોંચ્યા. ગુંડા જેવા દેખાતા એક આદમીને બાતમીદારે ધીમા સ્વરે કશુંક કહ્યું ને તેણે બંને જાસૂસોને કહ્યું કે, તમારે જે કાંઈ જોઈએ તે બધું જ મળી જશે પણ પૈસા ખર્ચવા પડશે.

"અમોને મંજૂર છે. અમારે શરાબ અને મનોરંજન બંને જોઈએ છે."

" ઓકે."

એ ગુંડા જેવા શખસે એક બાતમીદારને સૂચના આપતા કહ્યુંકે, બંને સાહેબોને બીજા મજલા પર અલગ અલગ રૂમમાં લઇ જાવ અને જરૂરી તમામ વ્યવસ્થા કરી આપો. બંને જાસૂસો એવું માનતા હતાં તેઓ મનોરંજનના બહાને કેટલીક ગુપ્ત માહિતી મેળવવાનો રસ્તો શોધી કાઢશે, જોકે બાતમીદારો તેઓના ઈરાદા જાણતા જ હતાં. તેઓને ખબર હતી કે, માહિતી મેળવવા આવેલા બંને જાસૂસોને કેવી માહિતી આપવાની છે? બંને પક્ષકારો એવું માનતા હતાં કે તેઓ સાચા રસ્તા પર આગળ ધપી રહયા છે.

***

ગ્રુપ લીડર તેમજ મુકેશ અને વિજય માટે આ પરીક્ષાની ઘડી હતી. જો ગ્રુપનો એક પણ સભ્ય સૈનિકોને જવાબ આપવામાં જરાય પણ થોથવાય એટલે પત્યું. ત્યાં તુર્ત જ લડાઈ ખેલાઈ જાય અને કાંઈક એવું જ બનવાનું પણ હતું. એક પછી એક સભ્ય પોતાનું બનાવટી ઓળખ કાર્ડ રજુ કરી પોતાની ખોટી ઓળખ આપી રહયા હતાં. મુકેશ અને વિજય પણ અનુસર્યા. લગભગ દરેક વ્યક્તિની ઓળખવિધિ પુરી થવામાં જ હતી ત્યાં જ એક સૈનિકે ગ્રુપના એક સભ્યને સવાલ પૂછી નાંખ્યો .....," આમ અડધી રાત્રે ક્યાંથી આવો છો ને ક્યાં જઈ રહયા છો? એવી તે કઈ ઇમરજન્સી પરિસ્થિતિ ઉભી થઇ ગઈ કે આવી રીતે રાત્રે મુસાફરી કરવી પડી? જલ્દી જવાબ આપો........"મુકેશ, વિજય અને ગ્રુપ લીડર ઘડી બે ઘડી થડકી ઉઠ્યા.....

સાથી સભ્ય કોઈ ઉટપટાંગ જવાબ આપે અને બાજી બગડી જાય એ પહેલા જ મુકેશે વાતનો દોર સંભાળી લીધો.

" અરે સાહેબ, અમારો કાફલો રણમાં ભૂલો પડી ગયો છે. રસ્તો મળતો નથી. અમે ભટકી ગયા છીએ." મુકેશે આપેલો જવાબ સાંભળી એક સૈનિકે તુર્ત જ બીજો સવાલ કર્યો." તમારે જવું છે કઈ બાજુ?"

" અમારો કાફલો આ રણ ક્રોસ કરીને એવા હરિયાળા પ્રદેશમાં જવા માંગે છે જ્યાં અમારા ઉંટનો નીભાવ થઇ શકે અને આ મોસમ પુરી થઇ જાય ત્યાં સુધી અમે ત્યાં રહીશું. સીઝન બદલતા જ અમે અમારા વતનમાં પાછા આવી જઈશું."

" ઓહ...અચ્છા તો આપ સૌ માલધારીઓ છો. તમારૂ વતન કયુ?" આ સવાલ સાંભળીને મુકેશ મૂંઝાઈ ગયો પણ તુર્ત જ એ સમયે ગ્રુપ લીડરે ત્યાંની સ્થનિક ભાષાનો પ્રયોગ કરીને વતનનું નામ આપી દેતા સૈનિકોને સંતોષ થઇ ગયો. પછી તો તેમણે જ કાફલાને રસ્તો ચિંધી દીધો. માંડ માંડ આવેલું જોખમ ટળ્યું હતું. ગ્રુપ લીડરે સૈનિકોનો આભાર માની તેઓને નાસ્તાની થોડી ચીજ વસ્તુઓ આપી ત્યાંથી રવાના થઇ જવામાં જ શાણપણ સમજ્યું.

( વધુ આવતા અંકે....)

*******