mare darek rutu in Gujarati Short Stories by Prof. Kishan Bhadiyadra books and stories PDF | “મારે દરેક ઋતુ, તારા પ્રેમની...”

Featured Books
Categories
Share

“મારે દરેક ઋતુ, તારા પ્રેમની...”

“મારે દરેક ઋતુ, તારા પ્રેમની...”

આજે ફરી તુષાર ને ઓફિસ જવામાં મોડું થઇ ગયું છે. ફરી આજે તુષાર ના ઘર ના પુસ્તકના પાનાં માં એક ઝઘડો આલેખાયો. પ્રેમથી બનાવેલા તોરલ ના નાસ્તા ને હડસેલો મારીને થોડું બબડતો એ કામ માટે રવાનાથયો.

રડતી તોરલ અને તુષાર ના ગુસ્સાએ આઠ વર્ષના પ્રીત ના મગજ-પુસ્તક પર જાણે ઉઝરડો પડ્યો હોય એમ એ સ્તબ્ધ બનીને જોઈ જ રહ્યો. જાણે એ એના માતાપિતાને એવું કેહતો હોય કે કદાચ આ પાઠ ભણવા માટે જ સ્કૂલમાં રજા આપી હશે.

મોડા પહોંચેલા તુષાર એ સોરી કઈને પોતાનું ટેબલ સંભાળ્યું એટલામાં જ નીતા આવીને એને પાછળ થી ભેટી પડી.

"આજે મારા પ્રેમ ને કેમ તે થોડી રાહ જોવડાવી?" હળવા સ્મિત અને કંઈક જાણવાની જિજ્ઞાસા સાથે તેણીએ પૂછ્યું.

"કઈ નહિ. બસ રોજ ની જેમ ઝઘડો થયો" નકાર માં આમ ટૂંકો જવાબ વાળી ને એ કામે વળગ્યો.

"તો હવે એને છૂટાછેડા આપવામાં કેમ તુંઆટલી બધી વાર લગાડે છે પછી? તે નક્કી કરી જ લીધું છે તો હવે બસ બધું પતાવીને તું મારી સાથે રહેવા આવીજા ને. "પોતાના પ્રેમને એક નવું નામ આપવા ઉતાવળી બનેલી નીતાએ આજે કહી જ દીધું.

સીધાસાદા લાગતા અને પોતાને નહીં ગમતા પતિને છૂટાછેડા આપીને નીતા ની યુવાની ને હવે નવો જ ફાગ રમવો હતો તુષાર ની સાથે...

"યાર!... છૂટાછેડા તો હું હમણાં જ આપી દઉં પણ પ્રીત નું શું થશે? હજુ આઠ વર્ષ નો થયો છે. હા એ હકીકત છે કે હવે હૃદયમાં તો તું જ છે અને તોરલ તો મને દૂર દૂર સુધી દેખાતી જ નથી." તુષાર ના આ જવાબ માં આ વખતે એક પ્રેમી સાથે એક જવાબદાર બાપ પણ હતો.

"એ મારે કઈ નથી સાંભળવું બસ હવે હદ થઇ!... તારા આ રોજરોજ ના ઝઘડાઓ અને તોરલ ને લીધે તારું સળગેલું હૃદય મારા થી જોવાતું નથી."નીતા ના અવાજ માં જરા કડકાઈ આવી તુષાર ને જાણે કોઈએ ન્હોર થી ઉઝરડા ભર્યા હોય એવું લાગી આવ્યું.

"બસ હવે આજે તો હું છૂટાછેડા ના કાગળો એની સામે સહી કરવા માટે ધરી દઈશ. અને થોડા દિવસો પછી હું કાયમ તારો બની જઈશ." તુષાર એ મનોમન નક્કી કરીને નીતા ને શાંત કરી.

આ બાજુ હજુ ટેબલ પર તુષાર ના હાથ વાગેલી નાસ્તા ની ડીશ ને એકીટસે જોયા કરતી તોરલ માટે જાણે દિલાસો આપવાવાળું કોઈ હતું જ નઈ...! હા, એ તુષાર સાથેના પ્રેમલગ્ન પછી થોડી જાડી થઇ હતી પણ હજુ એટલી જ સુંદર લાગતી હતી. પોતાના લગ્ન ને થયેલા નવ વર્ષ જાણે તોરલ ની અનિમેષ આંખો સામે થી જાણે પુરપાટ ઝડપે દોડતી ગાડી ની જેમ પસાર થઇ ગયા. આ નવ વર્ષ ના એકએક ઘડી ના કરેલા તુષાર ના પ્રેમ પ્રસંગો હૂબહૂ યાદ હતા એવું એના ચેહરા પર અચાનક જ આવી ગયેલા સ્મિત થી જણાયું.

વરસતા વરસાદ માં રચાતા મેઘધનુષ જેવા તોરલના ભાવવિશ્વ ને એને વાગેલા પ્રીત ના દડા એ તોડી નાખ્યું. "મમ્મી, બોલ આપને જલ્દી..!" ગુલકંદ થી મધમધતા પાન જેવા મીઠા પ્રીતના રણકાર થી તોરલ દિવાસ્વપ્ન માંથી જાગી ઉઠી અને રોજબરોજ ના કામે વળગી.

એક ગૃહિણી માટે દિવસ ક્યાં ચાલ્યો જાય છે ખબર જ નથી પડતી. એ સાંજે તુષાર થોડો મોડો ઘરે આવ્યો.

"કેમ આજે થોડું મોડું થયું?" પાણી નો ગ્લાસ લઈ ને ઉભેલી તોરલ એ એક પત્ની ની હેસિયત થી સવાલ કર્યો.

"છૂટાછેડા ના કાગળો લેવા ગયેલો" એકદમ ફિક્કા હાવભાવ થી તુષાર એ જાણે તોરલ ની દુનિયા ઉજાડી દીધી.

"જમવા નું તૈયાર કર્યા પેલા તું આ બધા કાગળો પર સહી કરી આપ" તુષારે આટલું ઉમેરી ને તેણી ના હૃદય ના ઘા પર જાણે મીઠું ભભરાવ્યું.

"સહી તો હું કરી આપીશ!.. પણ પેહલા થોડું જમીલો તમને થાકીને ભૂખ લાગી હશે ને.." સાચી પતિવ્રતા ગૃહિણી નો આ જવાબ હતો.

તુષાર હાથ મોઢું ધોઈને જમવા ના ટેબલ પર ગોઠવાયો, સામે પ્રેમની આછી સરવાણી જંખતા માં-દીકરો બેઠા. આજે બધું તુષાર ની પસંદગી નું હતું. ટેબલ પર પડેલા એક એક વાનગી ભરેલા વાસણ માં જાણે તોરલ નો નવ વર્ષનો પ્રેમ છલકાતો હતો.

તુષાર માટે ની થાળી તૈયાર કરતી તોરલ બોલી ઉઠી. "બસ આજ રાત સુધીના એક પતિ તરીકે તમે મારી છેલ્લી વાત સાંભળશો ખરા?..."

તુષાર થી કઈ બોલાયું નહિ બસ હકાર માં માથું ધુણાવ્યું. આખરે એ ભી એક સમયનો તોરલ નો દિલોજાન પ્રેમી હતો.

"હું બસ એટલું કેહવા માંગુ છું કે આ મહિના નો આજે છેલ્લો દિવસ, અને આવતા મહિના થી આપણા પ્રીત ની પરીક્ષા ચાલુ થાય છે." બસ આટલું બોલતા જ આંખમાં જળજળીયા આવી ગયા.

"તો શું થયું?.." તુષાર એ ફરી પાછા એ જ સવાર જેવા ગુસ્સા સાથે કડકાઈ થી પૂછ્યું.

"આપણો પ્રીત હવે સમજણો થયો છે. આપણા આમ રોજ ના ઝઘડા જોઈને અને છૂટાછેડા ની વાતો સાંભળીને એના મગજ પર શું અસર પડશે?"... એ એની પરીક્ષા ની તૈયારી બરાબર નઈ કરી શકે આવા વાતાવરણ ના ઓથ નીચે."

તુષાર ના ગુસ્સા નો તેણી એ શાંતિ થી જવાબ વાળ્યો.

"તો હવે તું શું નવું નાટક ઉભું કરવા માંગે છે એ પણ કહી જ દે ને હવે...!" નવ વર્ષ પેહલા ના પ્રેમ નો લાલ રંગ આજે ગુસ્સા નો લાલ રંગ બન્યો હતો.

"હું માત્ર એટલું ચાહું છું કે બસ આ મહિનો આપણા પ્રીત માટે અહીં રહી જાવ. હું જાણું છું કે હવે તમે આ ઘર માં મારા માટે છેલ્લાં 3 વર્ષ થી આવતા જ નથી પણ એમાં આપણા દીકરા નો શું વાંક? શું એક સાચા માતા-પિતાની જેમ આપણે પ્રીતને પરીક્ષા ની તૈયારી ના કરાવી શકીયે?"

"ઠીકછે..!" યંત્રમાનવ ની જેમ તુષાર એ હકાર ભર્યો.

"આપણા વર્ષોના પ્રેમ ની નિશાની માટે આટલું કરવા માટે ખુબ આભાર. પણ હા!.. જે રીતે તમે મને પેહલા પ્રેમ કરતા એ જ રીતે આવતીકાલ થી એક મહિનો તમારે આ ઘર માં રહેવાનું છે." તુષાર ના ફિક્કા જવાબ ને આ રીતે હૃદય ના ઉમળકાથી તોરલ એ વધાવી લીધો.

"એટલે તું કેહવા શું માંગે છે?" યંત્ર માંથી ધીમેધીમે માણસ બનતા તુષાર એ પૂછ્યું.

"જયારે નવા નવા લગ્ન કરી ને આ ઘરે આવેલીને તમે રોજ સવારે મને ઉંચકીને રસોડા માં મુકવા જતા એટલા જ પ્રેમ થી આ મહિનો આપણે પ્રીત માટે પસાર કરવાનો છે. અને હા હમણાં એક એનિમેશન ફિલ્મ આવી રહી છે. આપણે પ્રીત ને એ ફિલ્મ જોવા પણ લઇ જવાનો છે. સાથે એ દિવસે એને ભાવતા ઢોસા તો ખરા જ

અંતે તુષાર ને પણ ખબર હતી કે એમના પ્રેમ ની વાનગી આવા જ મસાલાઓ થી બની હતી. "

"ઓફિસ જવા માટે નીકળતી વખતે અને ફરી સાંજે ઘરે આવીને જે રીતે પ્રીત ને ઉંચકીને વહાલ કરતા બસ એ જ રીતે, તમે જે રીતે આ તમારા જ અંશ જેવા આ માં-દીકરા ને જે રીતે પ્રેમ કરતા એ જ રીતે તમારે બસ આ મહિનો વિતાવાનો છે." છેલ્લા ત્રણ વર્ષોના પ્રેમ ને પામવા માટે અધીરી બનેલી તોરલ એ આજે બધું ઠાલવી દીધું જમવાની એ જ ટેબલ પર..

"ઠીકછે!... હું મારો બનતો પ્રયત્ન કરીશ. પણ હા બસ એક મહિના માટે જ એટલું યાદ રાખજે. અને આ હું બસ પ્રીત માટે જ કરવા જઇ રહ્યો છું" તુષાર ના આવા ગુસ્સાથી ભરપૂર પણ તોરલ ના અગ્નિને ઠંડા પાડી દેતા જવાબ ને સાંભળીને તેણી એ વર્ષોથી ભુલાયેલું હળવું સ્મિત કર્યું.

કાલ થી એક નવો જ સુરજ ઉગવાની મનીષા સાથે એક મહિના પૂરતા કહેવાતા પરિવારે ઊંઘ લીધી.

સુરજ ઉગ્યો, પણ આજે એ કઈ જુદો જ લાગતો હતો. બે પુખ્ત વય ના સૂરજમુખીએ આ આછા પ્રકાશમાં આંખ ખોલી. હવે ખરો વારો તુષાર નો હતો.

"તોરલ..! ઉઠ હવે પ્રિતુ ને સ્કૂલ જવાનું છે..." ત્રણ વર્ષ પેહલા ના ભુલાઈ ગયેલા શબ્દો પણ જરા કરડાકી વાળા તોરલને કાને પડ્યા.

તોરલના આંખ ખોલતાની સાથે જ તુષાર એ એને ઉંચકી લીધી, પણ એ તોરલ સાથે નજર ભેગી કરતો નઈ હતો. એક ફિક્કા હાવભાવ આપીને રસોડા માં પોતાની બાહો માંથી નીચે ઉતારી. તોરલ માટે તો બસ તુષાર ના આ હાથ જ દુનિયા હતી.

ત્રણ વર્ષ પછી પેહલી વાર તુષાર ને એવો અહેસાસ થયો કે હવે તોરલ જરા જાડી થઇ છે. વજન થોડું વધી ગયું છે. કેમકે આટલા વર્ષોથી એણે તોરલને જાણે જોઈ જ નઈ હતી.

"આઈ લવ યુ..!" તુષાર ના કાને શબ્દો પડ્યા પણ એણે ખાસ કઈ પ્રતિભાવ આપ્યો નઈ.

"પ્રીત ને જગાડ હવે...!" તુષાર એ આટલું કહીને વાત ફેરવી કાઢી.

તોરલ ને પેહલા જ દિવસ થી બધું બરાબર થવા લાગ્યું હોય એવું લાગ્યું. ફાગણના આ મહિના માં સાચે જ ફાગ રમાવાનો છે એવો આભાસ થયો. નાસ્તો કરીને તુષાર એ ઓફિસ જવા નીકળતા પેહલા પ્રીતને ઉંચકીને વહાલ કર્યું. પ્રીતને વધુ તો કઈ ગતાગમ ના પડી પણ ચેહરા પર એક સંતુષ્ટ બાળક ના હાવભાવ હતા, તોરલ પણ આ નિહાળી ને ખુબ ખુશ થઇ.

"ઓહ્હ ડાર્લિંગ...!. આજે કોઈ ઝઘડો ના થયો? કેમ ટાઈમ પર આવી ગયો આજે?" નીતા ના સવાલો નો તુષાર પર જાણે વરસાદ થયો.

"ના..! કઈ નથી થયું આજે" આટલા બધા સવાલો નો માત્ર આટલો જવાબ વાળીને તે કામે લાગ્યો.

છૂટાછેડા નું યાદ આવતા તેણે ઉમેર્યું... "તારે હજુ એક મહિનો રાહ જોવી પડશે નીતા કેમ કે આ મહિના માં પ્રીત ની પરીક્ષા છે. એટલે હું પ્રીત ને નુકસાન કરે એવા કોઈ નિર્ણય લેવા માંગતો નથી"

"ઠીક છે...! પણ માત્ર આ જ મહિનો ઓકે?" ઊંડા અફસોસ સાથે ઉત્તર આપીને છેવટે એ પણ કામે વળગી.

આવું દસેક દિવસ ચાલ્યું... નવ વર્ષ પેહલા નો ક્રમ થવા લાગ્યો હોય એવું તોરલને લાગ્યું.

"તોરલ ઉઠ ને હવે..! કેટલું સુવાની"

“અને હા જો એક વાત કઈ રાખું તને આજે હું ઘરે વહેલો આવી જઈશ આપણે આજે પ્રીત ને લઈને બહાર પેલી એનિમેશન ફિલ્મ જોવા અને ઢોસા ખાવા જવાનું છે. પણ પ્રીત ને તું હમણાં નાઈ કેટી નાઈ તો એ સ્કૂલ જવાની જ ના પાડી દેશે.”

તુષાર ના શબ્દો ની વર્ષો પેહલા ની નરમાઇ ને આજે તોરલ એ નોંધી. ખુબ ખુશ થઇ આજે આ પરિવર્તન અનુભવીને.

પ્રીત માટે પણ આજે અલગ જ દિવસ હતો. બે દુનિયાના મેળામાં ખોવાઈ ગયેલા બાળકને જાણે પિતા મળ્યા.

રોજ નો કહેવાતો નિયમ પાળીને તુષાર ઓફિસ પહોંચ્યો. આ જે નીતા કઈ અલગ જ મૂડ માં જણાઈ.

"તુશું...! આજે મારા ઘરે સાંજે જમવા આવાનું છે તારે. કોઈ જ બહાનું નઈ ચાલે, બધું તને ભાવતું જ બનાવાની છું હું." નીતા એ વધારે પડતી જીદ સાથે તુષાર ને કહી દીધું.

તુષાર એ થોડું વિચારી ને હા ભણી.

નીતા ને તુષાર એ કરેલો થોડી ક્ષણ માટેનો વિચાર અજુગતો લાગ્યો પણ કામ ને લીધે તેણી એ વધારે ધ્યાન આપ્યું નહીં.

સાંજે તોરલ ને ફોન માં બધું જણાવીને એ નીતા ના ઘરે જવા નીકળ્યો. તોરલ માટે એમ તો આ છેલ્લા ત્રણ વર્ષનો ક્રમ હતો. ફરી પાછું નવ વર્ષના પ્રેમ ની સામે ત્રણ વર્ષ નો ધિક્કાર જીતી જતો હોય એવું એને લાગ્યું. નીતા પણ તોરલ માટે કઈ નવી નહોતી, પોતાના પતિ ના જીવન માં ધીમે ધીમે ઘર કરી ગયેલી નીતા ને અને તુષાર પ્રત્યે ના નીતા ના અગાધ પ્રેમ ને પણ એ બરાબર ઓળખતી જ હતી.

ત્રણ વર્ષ ના ભંગાર ની અભેરાઈ માં આજ રાત ની ફિલ્મ અને ઢોસા પણ ગોઠવાઈ ગયા.

દિવસો પસાર થયા કરતા હતા, પ્રીત ની પરીક્ષા શરુ થઇ ચુકી હતી પણ તોરલ ની પરીક્ષા તો સાવ અલગ જ હતી. એક વર્ષો જુના પ્રેમ ને પામવા માટે ના વલખા એના ચેહરા પર સ્પષ્ટ જણાંતા હતા, વળી પ્રીત પણ આના થી અજાણ નહોતો રઈ શક્યો.

એ સવારે તુષાર તેણી ને ઉંચકતા જ બોલી ઉઠ્યો... "બસ પંદર દિવસો પસાર થઇ ચુક્યા છે. અને આપણે અડધે પહોંચી ગયા છીએ."

પોતાના ઘાવો ને સાંધવા જતી તોરલ માટે તો બાર સાંધોને તેરમું તૂટે એવી સ્થિતિ ઉભી થઇ ગઈ હતી.

પણ એ દિવસે તુષાર ના મગજ માં જાણે એક વાવાજોડું ફરી વળ્યું. એ ઓફિસ ના કામ માં રોજની જેમ પોતાની જાત ને પરોવી શક્યો નહીં. ઘરે જે ટેબલ પર પંદર દિવસ પેહલા જે નાસ્તા ની થાળી ને હડસેલી હતી તે અચાનક એને યાદ આવી.

કદાચ નવ વર્ષની યાદો ની યાત્રા નો વારો હવે આજે તુષાર નો હતો. યા

તોરલ ને પોતાના પ્રેમ ના દાખલા આપવા માટે કોલેજ માં કરેલા અવનવા પેંતરા, પ્રેમ નો આ દાખલો સમજાઈ ગયા પછી તેણી સાથે કેન્ટીન માં વિતાવેલા એ મનમોહક પળો આજે અચાનક યાદ આવી.

દર શનિવારે કોલેજ પુરી થયા પછી સાથે માણેલી જેઠાકાકાની પાઉં-ભાજી, રાજેશ ની પાણીપુરી ખાવા માટે પોતાને કરેલા તોરલના કાલાવાલા. આ બધું એની સામે પડેલા કોમ્પ્યુટર ના પડદા પર જાણે છવાઈ ગયું.

"હેય... શું વિચારે છે?. તારા બાકી રહેલા પંદર દિવસ પછી ની આપણી ખુશી?... નીતા ના અચાનક જ કાને પડેલા અવાજે તુષાર ને જગાડી મુક્યો.

"કંઈક એવુંજ..!" તુષારે એક અસમજંસ રીતે ઉત્તર વાળ્યો. અને પોતાની આસપાસ હાલ ની સ્થિતિને ફરી સ્વીકારી ને કામે લાગ્યો.

એ રાતે તુષાર ને ઊંઘ ના આવી. એમ તો ઘણા સમય થી એને બરાબર ઊંઘ આવી જ નઈ હતી પણ આ રાત કઈ અલગ જ હતી. આ રાત તોરલ માટે ના ધિક્કારની નઈ પરંતુ એને કરેલા ગાઢ પ્રેમની હતી.

સાથે સાથે પ્રીત ની પરીક્ષા પુરી થઇ ચુકી હતી. હવે બે અઠવાડિયા જેટલું વેકેશન હતું. પેહલા કરતા એ હવે ઘણો ખુશ હતો.

છેવટે જેને માટે તોરલ આટલા વર્ષો થી જેને માટે ધમપછાડા કરતી હતી એ દીવો તુષાર ના હૃદયમાં પ્રગટ્યો ખરો.

અલગ રાત માટે ની સવાર પણ અલગ જ હતી. તુષાર એ તેણી ને માથા પર હાથ ફેરવીને પોતાના નવા પ્રેમ ફાગની શરૂઆત કરી

"ટીનુ... ઉઠ ને હવે ડીઅર.."

"હા રવિવાર છે પણ આજે આપણે આપણે પ્રીત ને લઈને બહાર જવાનું છે ને મેં બધો પ્લાન બનાવી લીધો છે તું બસ જાગીને તરૂ કામ પતાવ હું બહાર થી નાસ્તો લઇ આવું છું. કમ ઓન જલ્દી કર ને સ્વીટી...!"

તુષાર ના હૃદય માં પ્રગટેલા દિવાનો પ્રકાશ જાણે તોરલ ના સાતેય કોઠા માં ફરી વળ્યો. બસ આ જ તો જોઈતું હતું તોરલ ને. તેણી ની ઉર્જા આજે કઈ અલગ જ હતી, વર્ષો જુના થાક ને પોતાના શરીર માંથી આજે એણે હાંકી કાઢ્યો.

જમવાના ટેબલ પર આખું પરિવાર નાસ્તો કરવા ગોઠવાયું. ને તરત જ તુષાર એ એનો આજ નો પ્લાન આપી દીધો.

"પેલા આપણે સવારે કામનાથ મહાદેવ ના મંદિરે જવાનું છે. પછી ત્યાંથી સીધા આપણે એકવેરિયમ જવા નીકળીશુ ત્યાં હવે વિદેશ માંથી જાત જાત ની માછલીઓ આયાત કરી છે હમણાં આપણા પ્રીત ને ગમશે." "પછી આપણે પ્રિતુ તારા મામા ના ઘરે જવાનું છે અને જમી પણ ત્યાં જ લેશું.ઘણા સમય થી એને મળ્યા નથી ને"

"અને હા ત્યાં વધુ સમય બેસવાનું નઈ કેતી તોરલ મેં ફિલ્મ ની ટિકિટ લઇ રાખેલી છે ઘરે આવતી વખતે પેલું તું જે કેતી હતી તે જ એનિમેશન ફિલ્મ"

"અમમ... હા યાદ આવ્યું મોટું-પતલુ જોવા જવાનું છે પ્રીત આપણે."

"અને સાંજે પ્રીત ને વેકેશન ની ગિફ્ટ માટે એને ભાવતા ઢોસા."

તોરલ તો જાણે આ બધું સાંભળીને ફરી વાર તુષાર ના જ પ્રેમ માં પડી ગઈ હોય એવું લાગતું હતું. આજે એની ખુશી ની નદી નો કોઈ કાંઠો નઈ હતો.

એ રાતે સુતા સુતા તોરલ ને આખા દિવસ ની એ એક એક પળો આંખ સામે થી પસાર થઇ એ જાણે એને જિંદગી ભર ભૂલવા નહોતી માંગતી.

પ્રીત ને ઉંચકીને તુષાર એ ક્રોસ કરેલો રસ્તો, ફિલ્મ જોતી વખતે પ્રીત સાથે કરેલી મસ્તી, એ બરાબર જમ્યો કે નઈ એની તકેદારી, પોતાના ભાઈ ના ઘરે એટલા જ પ્રેમ થી એનું જમવું અને ઘણું બધું.

બીજા દિવસે તુષારને ઓફિસ જવા માં થોડો થાક અનુભવાયો, પોતાની અંદર નીતા માટે થોડો અણગમો પેદા થયો.

છેવટે થાક તો લાગવાનો જ હતો ને...

ત્રણ ત્રણ વર્ષ થી એ આંધળી દોડ જે દોડી રહ્યો હતો.

સાંજે ઘરે આવીને એ પ્રીત સાથે થોડી વાર રમ્યો આ બધું અનુભવી ને રસોઈ કરતી તોરલ ની વાનગીઓ માં આજે ફરી પાછી એક સંતુષ્ટ ને પ્રેમાળ પરિવાર ની સોડમ આવતી હતી.

થોડા દિવસો નીતા માટે કપરા સાબિત થયા. પણ એને શું ખબર કે એ ન્હોર ઠંડા પહોર માં હજુ થીજી ને ઊંડા બનવાના હતા. કેટલાક દિવસ થી તુષાર ના આવા અસામાન્ય લાગતા વર્તન ને આજે છેવટે એણે પૂછી જ લીધું.

"તુશું...!. છેલ્લા પાંચ સાત દિવસથી હું જોવ છું મારા પ્રત્યે ની તારી લાગણી જાણે ઓસરવા લાગીછે."

"સાચું કીધું તે..! ને હવે કદાચ એ લાગણીનો સતત ત્રણ વર્ષથી વધ્યા કરતો સરવાળો શૂન્ય બની જશે." તુષાર એ નીતા ની છાતીમાં તોરલ ના પ્રેમનો માર કર્યો.

નીતા ખુરશી પર ફસડાઈ પડી...

"તને થયું છે શું યાર?" નીતા એ રડમસ અવાજે પૂછ્યું

પણ તુષાર ને આ સવાલ નો જવાબ આપવું યોગ્ય ન લાગતા ત્યાંથી કેન્ટીન જવા નીકળી ગયો.

આ બાજુ ફાગણ મહિના ના છેલ્લા બે દિવસો બાકી હતા. તોરલ એ છેવટે પોતાના મનને કાગળો પર સહી કરવા મનાવી લીધું હતું. પણ તુષાર હજુ પણ પોતાની આસપાસ પાંગરેલી બે અલગ દુનિયા વચ્ચે ભટક્યા કરતો હતો. પણ એ તોરલ કે પ્રીત ને આનું ભાન થવા દેતો નઈ હતો. પ્રીત પોતાની આસપાસ થયેલા આવા સકારાત્મક ફેરફારને ખુબ સારી રીતે માણી રહ્યો હતો ને એનું વેકેશન જીવી રહ્યો હતો.

સ્કૂલ ના આ બે અઠવાડિયાના વેકેશન તો સ્કૂલ ના બધા છોકરાઓ ને મળ્યું હશે. પણ પોતાના પરિવાર માં પ્રેમ વગરના, નીરસ ને શૂન્યાવકાશ ભણતર માંથી મળેલું કાયમી વેકેશન તો માત્ર ને માત્ર પ્રીતને મળ્યું છે. એને એની ખુશી પગ ની પાની થી માથાના વાળ સુધી પ્રીતમાં દેખાતી હતી.

ઓગણત્રીસમાં દિવસ ની રાત તુષાર માટે એક ખંજર જેવી હતી. આ નિર્ણય ની રાત હતી. જુના ને નવા ખીલેલા પ્રેમના વૃક્ષની વાત હતી. આમ તેમ પડખા ફેરવ્યા કરીને એ રાત જેમ તેમ પસાર થઇ પણ એને પોતાની જિંદગી પસંદ કરી લીધી હતી.

એ દિવસે તુષાર એ ઓફિસ જઈને બધું બરાબર હોય એવું વર્તન કર્યું. જોકે આજનો આ દિવસ ત્રણ વર્ષથી બનેલા પ્રણય ત્રિકોણ ને એની મધ્ય માં બનેલા એક આઠ વર્ષના બિંદુ નો હતો.

સાંજે તુષાર ઘરે આવ્યો બધું રોજ ની જેમ બરાબર નોંધ્યું. પણ એક વાત જરા અલગ લાગી. તોરલ એ ટેબલ પર જમવાનું હજુ ગોઠવ્યું નઈ હતું. આ જોઈને એ ને રસોડામાં તોરલ ને અવાજ આપ્યો.

તોરલ રસોડા માંથી બહાર આવી પણ આજે એના હાથમાં શાકની તપેલી નઈ પણ છૂટાછેડાના કાગળો ને પેન હતા.

"તોરલ...?" તુષાર ને જાણે ઝટકો લાગ્યો હોય એમ વધુ કઈ બોલી જ ના શક્યો.

તોરલ એ બધું બરાબર હોય એવો ઢોંગ કરીને બધા કાગળો પણ સહી કરી ને હાથ તુષાર ને ધર્યો.

તુષાર એ ધ્રુજતા હાથે કાગળ પકડ્યા ને અનિમેષ નજરે તોરલ ની સહીને તાકી રહ્યો.

તુષાર એ થોડી હિમ્મત ભેગી કરીને બધા કાગળો ને ફાડી નાખ્યા.

"હ્હ્હ...! આ શું કર્યું?" તોરલ એક અચંબા સાથે પણ મનોમન ખુશી ના ભાવ સાથે બોલી ઉઠી.

"બસ... હવે તો તુંજ.....!" તુષાર થી રડતા રડતા બસ આટલું જ બોલાયું.

એક સાચા અર્થ ના પતિ પત્ની એકબીજાને ભેટી પડ્યા જેનો એ ઘર ની દીવાલો ને છેલ્લા કેટલાયે વર્ષો થી રાહ હતી..

પણ અચાનક તુષાર જલ્દી માં હોય એમ એ ફાટેલા કાગળો ને લઈને નીકળી પડ્યો.

આખરે એ નીતા ના ઘરે છેલ્લી વાર જવા નીકળ્યો હતો.

નીતા ના ઘર નો ડોરબેલ વાગ્યો. દરવાજો ખોલતા જ સામે તુષાર ને જોયો, એ ખુશ થઇ ગઈ

"જમવા આવ્યો છે?... ચાલ જલ્દી આવીજા હું પણ જમવા જ બેસતી હતી હવે. ઓફિસ માં જ કહી દેવું જોઈએ ને તારે તને ભાવતું કઈ બનાવત ને તુશું...!" કહીને નીતા અંદર ચાલી ગઈ પણ તુષાર હજુ દરવાજે જ ઉભો હતો.

"નીતા....!. હવે આપણે ક્યારેય નહીં મળીએ એટલું કેહવા આવ્યો છું તને. મને હવે મારી ભૂલ નું ભાન થઇ ચૂક્યું છે. બસ આ આપણી છેલ્લી મુલાકાત છે" આટલું બોલીને તેણે ઊંડો શ્વાસ લીધો, ત્રણ ત્રણ વર્ષથી થાકેલો એનો અવાજ આજે જાણે બધું જ કહી દેતો હતો.

"શું?...... તું ભાન માં તો છેને?" આટલું બોલતાની સાથે જ સડસડાટ દરવાજે આવીને તેણીએ તુષાર ને એક તમાચો મારી દીધો. અગાધ શાંતિ છવાઈ ગઈ, સમય જાણે બે દુનિયા વચ્ચે અટકી ગયો.

"બસ....! તે જે કર્યું આ જ મારી સજા છે. ને આટલો જ ફર્ક છે નીતા ને તોરલમાં.... તે જે એક મિનિટ માં કરી દીધું એવું તોરલ ને ત્રણ વર્ષ પેહલા કરવું જોઈતું હતું તો કદાચ હું બચી જાત ને..."

આટલું બોલીને તુષાર ઘર તરફ ચાલતો થયો.

હવે અગાધ પ્રેમ ના વંટોળ માં ફંગોળાવા નો વારો હવે નીતા નો હતો એક એવું વંટોળ કે જ્યાં તેને તુષાર નો પ્રેમ તો હવે નસીબ માં નઈ હતો પણ એ આખે આખી વિખરાઈ જવાની હતી એ નક્કી હતું.

સ્તબ્ધ બનેલી નીતા દરવાજા પસે જ ફસડાઈ પડી...

ઘરે આવતી વખતે રસ્તા માંથી તોરલ ને ગમતા ફૂલ ને પ્રીત બાળપણ થી જેના માટે ગાંડો છે તે ક્રિકેટ બેટ લીધું.

ઘરે પગ મુકતા જ તુષાર એ જોયું કે તોરલ પ્રીત ને વળગી ને હર્ષના આંસુ વહાવી રહી હતી.

તે તરત જ તોરલ ને ભેટી પડ્યો.

ધ્રૂસકા ના અવાજ વચ્ચે એ અપાર શાંતિમાં બસ તુષારના શબ્દો સંભળાઈ રહ્યા..."બસ હવે તો તુંજ...!"

જેમ યુદ્ધ લડતા લડતા જયારે ચેતક ઘાયલ થઇને નીચે ફસડાઈ પડેલો ને રાણા પ્રતાપ એને ભેટીને રડી પડેલા ને એની આંખ માંથી નીકળેલા આંસુ ચેતકની આંખમાં ભળી ગયેલા બસ એમ જ તુષારની આંખના આંસુ એની જિંદગીના ચેતક એટલે કે તોરલની આંખમાં ભળી ગયા.

ફાગણ માં સાચા અર્થ માં રમાયેલો ફાગ, નવ વર્ષના ખોવાયેલા પ્રેમ નું જડવું ને પરિવાર ના વિખરાયેલા મોતી નું ફરી પાછું માળા બનવું.......

આ દ્રશ્ય એક દીકરા માટે કેટલું મહત્વનું ને કેટલું અનેરું હશે એ તો દુનિયા નો કોઈ લખવૈયો લખી શકે નઈ.