Ghavayelu balman in Gujarati Motivational Stories by Chitt Patel books and stories PDF | ઘવાયેલું બાળમન

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

ઘવાયેલું બાળમન

‘ધારો કે ભગવાન તમારા ઉપર પ્રસન્ન થાય. માગ, માગ, માગે તે આપું ! તો તમે તેની પાસે શું માગો ?’ શિક્ષકે વર્ગમાં પૂછ્યું. કોઈકે કંઈક માગ્યું અને કોઈકે કાંઈક. ત્યાં રાજુ ઊભો થઈ બોલ્યો :

‘રિવોલ્વર’

‘રિવોલ્વર ?’

‘હા, રિવોલ્વર – ત્રણ ગોળી ભરેલી.’

‘પણ શા માટે ?’

‘ઘરમાંના ભૂતોને ખતમ કરવા.’

‘ભૂતો ?’

‘હા, મારાં માબાપ. મારા માટે એ ભૂતો જેવાં જ છે. મારી સાથે ન બોલે, ન ચાલે. પણ એમનો ડર લાગે.’

‘તારા પિતાજી શું કરે છે ?’

‘દાક્તર છે. એમનું મોટું દવાખાનું છે. આખો દિવસ ત્યાં જ રહે છે.’

‘અને તારી મા.’

‘સ્કૂલમાં ટીચર છે.’

‘તારાં ભાઈ-બહેન ?’

‘કોઈ ભાઈ-બહેન નથી. હું એકલો છું.’

‘તો એકના એક દીકરાને તો માબાપ ખૂબ લાડ લડાવતાં હશે.’

‘લાડ ? એટલે શું ? મારા બાપ તો સવારે હું ઊઠું તે પહેલાં ઘરમાંથી ચાલ્યા ગયા હોય અને એ રાતે મોડેથી આવે, ત્યારે હું સૂઈ ગયો હોઉં.’

‘અને મા ?’

‘આખો દિવસ તો સ્કૂલમાં હોય અને ઘરે આવે ત્યારે ઢગલો નોટબૂક સાથે લાવી હોય તે તેણે તપાસવાની હોય, રસોઈ કરવાની હોય. એટલે મારા માટે તો તેની પાસે સમય જ ન હોય.’

‘એ બંને આટલું બધું કામ કરે છે, તે તારા માટે જ ને !’

‘મારા માટે ?’

‘હા, તેઓ આટલી બધી મહેનત કરીને પૈસો ભેગો કરે છે, તે તારા માટે જ ને ! એમને બીજું કોણ છે ? તું એમનો એકનો એક દીકરો.’

રાજુ હસ્યો : ‘પૈસો ! પૈસાને શું કરું ?’

‘મોટો થઈને તું રાજાની માફક રહી શકે, રાજકુંવરની માફક ખાઈ-પી શકે.’

‘મને ખબર નથી, પૈસો ખવાતો-પીવાતો હશે ! આજે તો હું પ્રેમ માટે તલસું છું.’

‘તે પ્રેમ વિના તું આટલો મોટો થયો હશે ? માબાપે જ તને પ્રેમથી ઉછેરીને આવડો કર્યો ને !’

‘નાનપણથી જ પ્રેમ એટલે શું, તેની મને ખબર નથી. મારી માએ મને કદી ખોળામાં લીધો નથી કે મારા બાપે કદી મારા માથે વહાલથી હાથ ફેરવ્યો નથી. બંને કામ ઉપર જાય, ત્યારે મને ઘરમાં સાચવવા એક બુઢ્ઢી બાઈ હતી. મોટે ભાગે તો એ ઘોરતી હોય. મને રમકડાં આપી દીધાં હોય. થોડો મોટો થયો ત્યારે એ બુઢ્ઢી ગઈ અને મને સાંભળવા એક પ્રૌઢ ઉંમરની બાઈ આવી. એ બહુ લુચ્ચી હતી. મને મારતી અને મારા માટે આપેલું ખાવાનું પોતે ખાઈ જતી. એના રૂક્ષ વહેવારથી હું ત્રાસી ગયેલો. એક દિવસ ઘરમાંથી પૈસા ને દાગીના લઈને એ નાસી ગઈ. ત્યાર બાદ મારી સંભાળ મારે જ લેવાની આવી.’

‘પછી તો તું મોટો પણ થઈ ગયો હશે ને !’

‘હા, હવે હું નિશાળે જતો થયો. સવારે મા મને સ્કૂલે મૂકી જતી. સાંજે મને સ્કૂલે લેવા આવતી. પણ ઘણી વાર એવું બનતું કે હું નિશાળેથી વહેલો છૂટી જાઉં, અને ત્યારે હું મારી મેળે ઘરે આવી જતો. તો બારણે તાળું હોય. હું ઓટલે ઝોંકા ખાતો ભૂખ્યો-તરસ્યો બેસી રહેતો. તેમાં મા આવીને મને વઢતી. ક્લિનિકે જઈને કેમ ન બેઠો ? ત્યાં બેસીને લેસન કરતો હોય તો ! અને ઘરે આવીનેય એ તો રોજ એના કામમાં ડૂબેલી હોય. ઘરકામ કરતી હોય કે સ્કૂલેથી લાવેલી નોટો તપાસતી હોય. મને કહી દે, લેસન કરવા બેસી જા, તને ખાવા ન બોલાવું ત્યાં સુધી મને ડિસ્ટર્બ કરતો નહીં.’

‘ઠીક, પણ રવિવારે તો બંને ઘરમાં રહેતાં હશે ને ?’

‘હોય કાંઈ ? રવિવાર તો મારા માટે જેલનો દિવસ. રવિવારે પણ બાપનું બપોર સુધી દવાખાનું ચાલે અને ખાઈને થોડો આરામ કરી કલબમાં ચાલ્યા જાય. મા પણ કલબમાં જાય કે એનાં મંડળોમાં જાય. અને છાસવારે બહાર પાર્ટીમાં બંનેને જવાનું હોય. રાતે બહુ મોડેથી આવે, ત્યારે હું ટીવી વગેરે જોઈને થાકી-કંટાળીને સૂઈ ગયો હોઉં.’

‘તારા કોઈ દોસ્તાર નથી ?’

‘અમારી બિલ્ડિંગમાં તો મારી ઉંમરના કોઈ નહીં. અમારી સામે ઝૂંપડપટ્ટીમાં હતા, પણ એમની સાથે રમવાની કે હળવા-ભળવાની મને સખત મનાઈ. કહે, એ લોકો સાથે મળવાથી ખોટાં સંસ્કાર પડે !’

‘ત્યારે, એમ છે. એટલા વાસ્તે તારે રીવોલ્વર જોઈએ છે ? તારું ધ્યાન ન રાખનારને ખતમ કરવા છે ?’

‘હા, રિવોલ્વર – ત્રણ ગોળી સાથેની.’

‘બે તો સમજ્યા. પણ આ ત્રીજી ગોળી કોના માટે ? તારા માટે કે મારા માટે ?’

રાજુ બે ઘડી મૂંગો રહ્યો. એના ચહેરા ઉપર નરી દીનતા છવાયેલી હતી. પછી તેણે ઊંચે આકાશ સામે જોયું અને ધીમે ધીમે એક એક શબ્દ ઉચ્ચારતો એ બોલ્યો : ‘ત્રીજી ગોળી એ અનાથાશ્રમના વ્યવસ્થાપક માટે, જેણે મારાં આજનાં કહેવાતાં માબાપને મને દત્તક લેવાની પરવાનગી આપી.’