નળ-દમયંતી
ની કથાથી અજાણ ગુજરાતી હોય?
-ઃ લેખક :-
ડા. યોગેન્દ્ગ વ્યાસ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
નળ-દમયંતીની કથાથી અજાણ ગુજરાતી હોય?
નળ-દમયંતીની કથા ન જાણતો હોય તેવો ગુજરાતી હોય? સંસ્કૃતના છવ્વીસ કાવ્યો, એકવીસ નાટકો, મહાભારત અને બૃહત્કથામાં, પ્રાકૃત, અપભ્રંશ ઉપરાંત તમિળ, તેલુગુ, ફારસી, અંગ્રેજી, જર્મ, રશિયન વગેરે ભાષામાં અને ગુજરાતીમાં વીસેક ઉપરાંત કવિતા રૂપે એ મળે છે. છેલ્લાં બે હજાર વર્ષથી લિખિત સ્વરૂપે એ પ્રાપ્ત છે.
મૂળ તો, કોહોને બૃહદશ્વ ૠષિ વન વસવું ને વિજોગ પડિયો, હું સરખો કો દુઃખી? એ યુધિષ્ઠિરના (અને માણસ માત્રના) પ્રશ્નના ઉત્તરમાં, “નળ દુઃખ પામ્યો તે આગળ તમારૂં દુઃખ કોણ માત્ર ?” એ રૂપે કથા આવે છે અને દુખિયાનું દુઃખ સાંભળતા માહારી, ભાગે મનની વ્યથાય.એ સમજવવા વદે પ્રિય પ્રેમાનંદ નળ તણું આખ્યાન.
માણસજાત માટે દુઃખએ સનાતન વાસ્તવિકતા છે. એનું કારણ માણસ પોતે છે એ સમજવવા કવિ પ્રેમાનંદે આ કથાનો કાવ્યાત્મક ઉપયોગ કર્યો છે.
નળરાજા તે કેવો? “તેણે પુણ્ય શ્લોક ધરાવ્યું નામ વૈષ્ણવ કીધું સઘળું ગામ.” આ નળરાજા નારદના વર્ણનથી અને હંસની મદદથી “સૃષ્ટિ કરતાં બ્રહ્માજીએ તેજનું ઘડયું એક પાત્ર, તે તેજનું બ્રહ્માજીએ ઘડયું દમયંતીનું ગાત્ર” એવી દમયંતી સાથે પરણે છે. નળરાજાને તેથી વિશેષ રૂપાળો-તેજસ્વી વર્ણવવા આ કવિ છ કડવા પછી ગાય છે એક વાર બ્રહ્માનએ શું કરીયું, સકળ તેજ એક પાત્રમાં ભરીયું, તે તેજનો ઘડયો નળરાય, કંઈ રજ વાધી પાત્રમાંય, તેહેની એક થયોલી હવી તેનો આકાશે ઊંપન્યો રવિ.
દમયંતીને પરણવા હંસની મદદ મેળવવા કાજે તે હંસને પકડે છે, ત્યારે “હંસણીએ દીધો નળને શાપ, પાપી તાહરી નાર એમ કરજો વિલાપ.”
નળે હંસની મારી નાખવા કે બંદી બનાવવા પકડયો નથી. પણ દમયંતીને પરણવા હંસકાર્ય કરવા પકડયો છે પણ તતે હંસણી જાણતી નથી તેથી દુઃખી થાય છે. નળરાજા દુઃખનાં મૂળ અહીં છે એ તરફ કોઈનું ધ્યાન ગયું નથી. સારૂ કામ કરવાનું ધ્યેય હોય તોય નાનું સરખું ખોટું કામ કરી શકાય નહીં.
આ કારણે “વાગી સ્વયંવરમાં હાક ઓ નળ આવ્યો રે, અસ્ત થયાં સૌ તારા સમાન ઓ નળ આવ્યો રે. ” એવો નળ જેને “દુઃખમોચના, મૃગ લોચના, લિલત-લક્ષણ વંતયં”, એવી દમયંતી ચાર ચાર દેવોને પડતા મૂકીને પરણી એવો નળ એક નાનકડી ભૂલ કરી બેઠો, સહસ્ત્ર વરસ નહીને ગયાં, દમયંતીને બે બાળકો થયાં પછી “એક દિવસે નળ ભૂપાળ મંગાવ્યું જળ થયો સંધ્યા કાળઃ કહરી પાની કોરડી ધોતાં પાય, કલિજુલ પામ્યો પેઠાનો લાગ”
કવિને બતાવવું છે કે, એક નાનકડી તુચ્છ ગણાતી અપવિત્રતા કલિને-પાપને પ્રવેશ દ્વાર ખોલી આપે છે પછી તો, “કલિને સંગે પુણ્યશ્લોકને, પાપ તણી મત આવી.”
આ પાપ તણી મત આવી એ કારણે ‘દ્યૂત રમનું અપ્રમાણ છે,’ એમ જાણવા છતાં ‘દ્યૂત રમવા બેઠો રાય કીધો કલિએ ભ્રષ્ટ.’
પછી તો જે થવાનું હતું તે જ થયું, “હાર્યો નળ ને પુષ્કર જીત્યો” નળ કંઈ એકલો વનવાસ માટે જી શકે નહીં તેથી જેમ છાયા દેહને વળગી એવી દમયંતી સાથે ગઈ અને બાળકોને મોસાળ વળાવ્યાં.
‘હાહાકાર થયો પુર માંહે’ અને બારણાં દે નળને દેખીને, જે પોતાનાં લોક એવી સ્થિતિ આવી’
“ફળ, જળ અને પત્ર ન પામે, રાણી કરે આંસુપાત વનમાં ફરતા ફરતાં રૂદન કરતા વહી ગયા દિન સાત” ને બુદ્ધિભ્રષ્ટ રાજએ સર્પ કંચુકીને તેજ જેમ એમ દમયંતીને વનમાં ત્યજી, ત્યજ્યા પછી ઘણો પસ્તાવો પણ ભાગ્યવશાત કર્કોટક નાગને બચાવતાં તેણે ઉપકાર રૂપે તેને બાહુક બનાવ્યો જેથી ત્રણ વરસે અણ ઓળખાયો રહી શકે.
બીજી બાજુ વૈદર્ભી વનમાં વલવલે, કરે વિવિધ વિલાપ અને એને પણ ભાગ્યએ ભાનુમતીમાસીને ત્યાં મોકલી આપી ત્યાં માસીની દીકરી ઈંદુમતીનો હાર ચોરાતાં હાર ચોર્યાનું આળ મુંકાયું તેમાં સત્યસંઘાતી શ્રી હરિની સહાયથી બચી અંતે સુદેવ તેને પિયર લઈ ગયો. એ જ સુદેવ બાહુક રૂપે રહેલા નળરાયને શોધી કાઢ્યો અને અંતે સૌ મળ્યાં.
પછી તો, ‘પુષ્કરનું મન થયું અતિ નિર્મળ કારણ કે, સાધુપુરૂષને કુબુદ્ધિ આવે તે પૂર્વકર્મનો દોષ જી.’
કવિ અંતે ગાય છે. “હરિ ભક્તિ નહીં તેનું નામ દરીદ્રી.” પાસઠ કડવાના આ કાવ્યમાં માનવમનના બધા રંગોને કવિ દર્શાવી શક્યો છે, પહેલાં, બારમાં, અઢારમાં, ચોવીસમાં સત્તાવીસમાં અને અઠ્ઠાવીસમાં કડવા ઉપરાંત બાહુકની ચેષ્ટાઓ, ૠતૃપર્ણની લગ્નલાલસા વગેરેમાં કવિએ હાસ્યને તો, અનેક ઠેકાણે અદભૂતને બહેલાવ્યો છે. પણ આખ્યાનનો મુખ્ય રસ તો કરૂણ રસ છે. ઠેકઠેકાણે ભાવકની આંખોમાં આંસું ઉભરાઈ આવે છે, અને પુણ્યશ્લોક જેવા પુણ્યશ્લોક નળને અને કશા વાંકગુના વિના દમયંતીને પડેલાં દુઃખ અનુભવી તેનું હૃદય ભરાઈ આવે છે. વાત સાચી વાંક તો હતો. માત્ર નળનો અને છતાં દમયંતીને દુઃખ ભોગવવાં પડયાં. સ્વજનોના ગુનાની સજા ખમવીએ જીવનની મોટી કરૂણતા છે. માણસજાતને સંબાધી કવિ કહે છે, “ એ દુઃખ આગળ તાહરા દુઃખને, યુધિષ્ઠિર, શુ રોયજી?”
કાવ્યત્વ માણવું હોય અને રસની છોળામાં ભીજવું હોય તો, પ્રેમાનંદનું નળાખ્યાન અવશ્ય વાંમવું.