Apurna Viram - 10 in Gujarati Fiction Stories by Shishir Ramavat books and stories PDF | અપૂર્ણવિરામ - 10

Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

અપૂર્ણવિરામ - 10

નવલકથા

અપૂર્ણવિરામ

શિશિર રામાવત

પ્રકરણ ૧૦

મોક્ષ સાંગોપાંગ ધ્રૂજી ઉઠ્યો.

હાથમાં સળગતી મીણબત્તી લઈને, આંખોમાં અંગારા આંજીને ઊભેલી કોપાયમાન મિશેલ અને બેડરુમમાં પડઘાતી એની ત્રાડઃ

“કોણ છે અંદર?કોને ઘરમાં ઘુસાડ્યા છે તમે?”

દરવાજો ખોલતાં જ આવું દશ્ય ઊપસશે એવી તો કલ્પનાય ક્યાંથી હોય.બહાર કાઢો... આ જ ઘડીએ ઘરની બહાર કાઢો એને...” મિશેલ ચીસો પાડી રહી હતી.

મિશાલનો તીણો અને તીવ્ર અવાજ સાંભળીને ટેરેસ-બાલ્કનીમાં બેઠેલાં માયા, રિતેશ અને રુપાલી ચોંકી ઉઠ્યાં.

આ શું થઈ રહૃાું છે બેડરુમની બહાર?

મોક્ષને આ આખી ક્ષણને સમજતાં વાર લાગી. મિશેલ મારા ઘરમાં, મારાં પર ચિલ્લાઈ રહી છે? એ શું એમ કહી રહી છે કે મેં મારા દોસ્તોને કેમ બોલાવ્યા છે? એ રિતેશ અને રુપાલીને ઘરમાંથી બહાર કાઢી મૂકવાની વાત કરી રહી છે? જાણે ઊકળતા લાવાની સપાટી પર લટકાવી દેવામાં આવ્યો હોય એવી ઝાળ મોક્ષને લાગી. એનો ક્રોધનો વિસ્ફોટ થયો.

“હાઉ ડેર યુ? તું છે કોણ મને પૂછવાવાળી?” એ બે કદમ આગળ ધસ્યો, “ગેટ લોસ્ટ.... ગેટ લોસ્ટ!”

મિશેલે ત્રાટક કરીને સામો હાથ ધરી દીધો,“સ્ટોપ! એક ડગલું પણ આગળ નહીં...”

જાણે કોઈએ જોરથી પાછળ ખેંચી લીધો હોય તેમ મોક્ષ અટકી ગયો. માયા સફાળી દોડતી આવી, “શું થયું?”

મિશેલને જોઈને એ પણ આંચકો ખાઈને થંભી ગઈ. મિશેલે પોતાની જંગલી પશુ જેવી આંખો માયા પર ફેરવી. એ સાથે જ ત્રાટક તૂટ્યું ને મોક્ષે મિશેલના હાથ પર ઝપટ મારી. મીણબત્તી ફેંકાઈને બુઝાઈ ગઈ.

પહેલી વાર, બિલકુલ પહેલી વાર મિશેલની આંખોમાં ભય ડોકાયો.

“સ્ટોપ ઈટ... સ્ટોપ ઈટ...” એ છટપટાઈને રાડ પાડી ઉઠી.

આ ધાંધલધમાલ સાંભળીને રિતેશ અને રુપાલી પણ ખેંચાઈ આવ્યાં. સામે ઊભેલી ફિરંગ સ્ત્રીનો રૌદ્ર દેખાવને જોઈને બન્ને ડઘાઈ ગયાં.

“ઓહ માય ગોડ!” રુપાલીની આંખો પહોળી થઈ ગઈ.

રિતેશ વીફરીને મિશેલ તરફ ધસ્યો. મિશેલ ઘાંઘી થવા લાગી.

“નો... નો! ગો અવે.... ગો!” એ પીઠ ફેરવીને નાઠી.

મોક્ષનો રોષ પરાકાષ્ઠાએ પહોંચી ચુક્યો હતો, “ગેટ લોસ્ટ! હવે પછી મારી સામે ક્યારેય આવી છે તો...”

મિશેલ બબ્બે પગથિયાં ચડતી ઉપલા માળે પોતાના કમરા તરફ દોડી ગઈ. બીજી ક્ષણે ધડામ કરતો બારણું પછડાવાનો અવાજ આવ્યો ને પછી આખી કોરિડોરમાં વીંધી નાખતી શાંતિ પથરાઈ ગઈ. જાણે એક વંટોળિયો કોણ જાણે ક્યાંથી ત્રાટક્યો ને પછી વાતાવરણને ઘમરોળીને અલોપ થઈ ગયો.

ચારેય હજુય ક્ષુબ્ધ થઈને ઊભાં હતાં.

આ ઓચિંતા શું થઈ ગયું? શા માટે? પરિસ્થિતિને સમજતાં અને પચાવતાં હજુ વાર લાગવાની હતી.

“આઈ ડોન્ટ બિલીવ ધિસ...” આખરે રિતેશે સ્તબ્ધતા તોડી, “આ મિશેલ? આવી ભયાનક બાઈ?”

“એને લાગે છે કે આર્યમાન સાથે સુએ છે એટલે ઘરની માલિક બની ગઈ છે...” મોક્ષ હજુય હાંફતો હતો, “આ શું થઈ શું રહૃાું છે મારા ઘરમાં? આપણે ક્યાં સુધી સહન કર્યા કરવાનું છે, માયા?”

“આ પેગન છે, મોક્ષ... ખૂંખાર પેગન!” રુપાલીના અવાજમાં થડકાર હતો, “ભયાનક છે આ છોકરી.એનાથી બચીને રહેવું પડશે...”

“પણ એ તમને કેમ ઘરની બહાર કાઢી મૂકવા માગતી હતી? અને તમે ઘરે આવ્યા છો એની એને કેવી રીતે ખબર પડી?”

“ચાલો, અંદર ચાલો બધા...” માયાએ ત્રસ્ત અવાજે કહૃાું, “એન્ડ જસ્ટ ઈગ્નોર હર.”

જાણે પગમાં સેંકડો મણના વજનિયાં બંધાયેલાં હોય એમ કોઈ હલ્યું સુધ્ધાં નહીં.

“તમે લોકો સાંભળતા કેમ નથી? અંદર આરામથી બેસીને વાતો કરો...” માયાએ મોક્ષ અને રિતેશનો એક-એક હાથ પકડીને રીતસર અંદર ખેંચ્યાં.

બધા અંદર ગયા. બેડરુમનું બારણું બંધ થયું. બહાર મિશેલના હાથમાંથી ફેંકાયેલી લાલ મીણબત્તીનું મીણ હજુય થીજ્યું નહોતું...

૦ ૦ ૦

વાસ્તવ અને કલ્પના લાંબી રસ્સીના સામસામા છેડા પર ઊભેલી બે વિરુદ્ધ સ્થિતિઓ છે? કે પછી, એક જ સિક્કાની બે બાજુઓ? સિક્કો ઊછળે ને બન્ને બાજુઓ એકમેકમાં એકાકાર થઈ જતી હોય તેવો ભ્રમ પેદા થાય એમ પરિસ્થિતિ ફાટે ત્યારે વાસ્તવ અને કલ્પના પણ એકબીજામાં ઓગળી જતાં હોય છે? કદાચ વાસ્તવનું પોતાનું જૂઠ હોય છે અને કલ્પનાનું પોતાનું સત્ય. અથવા કદાચ...

વિચારો ધૂમ્રસેરની જેમ વળ ખાઈને ઘુમરાઈને આકાર પકડે તે પહેલાં જ વિખેરાઈ જતા હતા. આખી રાત કોઈ સૂતું નહીં. સૌ લાંબા સમય પછી મળ્યા હતા એટલે કોઈને ઊંઘ આવતી નહોતી અથવા તો સૌએ સામૂહિક રીતે અકલ્પ્ય પરિસ્થિતિમાં ફેંકાઈ જવું પડ્યું હતું એ કારણ હતું. વાતો આવેશપૂર્વક થતી રહી. પછી ધીમે ધીમે ટુકડાઓમાં, ત્રુટક ત્રુટક છંટાતી ગઈ. મિશેલનો વિષય ક્યારે એક તરફ હડસેલાઈ ગયો ને ક્યારે મસ્તીમજાક પાછાં સપાટી પર આવતાં ગયાં એની કોઈને ખબર ન પડી.

મિશેલ આખી રાત પોતાના કમરામાં લપાયેલી રહી. સમુદ્ર અંધકારનું આવરણ હટાવીને ચમકવાનું શરુ કરે તેની પહેલાં એ કમરામાંથી બહાર નીકળી, સડસડાટ પગથિયાં ઊતરી, કાર લઈને રવાના થઈ ગઈ. ટેરેસ-બાલ્કનીની દીવાલને ટેકે ઊભા ઊભા સિગારેટ પી રહેલા રિતેશનું તરત ધ્યાન ગયું.

“લો આ તો ગઈ!” સિગારેટ બુઝાવીને એ અંદર આવ્યો, “મિશેલ ગઈ.”

“એમાં બહુ ખુશ થવાની જરુર નથી,” મોક્ષે કહૃાું, “એ તો પાછી આવશે.”

“ક્યાં ગઈ હશે આટલી વહેલી સવારે?” રુપાલીએ પૂછ્યું.

“ભગવાન જાણે. કદાચ એના પેલા ઓસ્ટ્રેલિયન દોસ્તો પાસે...”

“પ્લીઝ, મિશેલનું ડિસ્કશન બંધ કરો. હવે એના વિશે એક શબ્દ પણ નહીં!” રુપાલી ઊભી થઈ ગઈ,“ચલો બીચ પર જઈએ. કેટલા સમયથી બીચ પર વાક લીધી નથી.”

“ચલો!” માયા તરત તૈયાર થઈ ગઈ.

મોક્ષે મોટું બગાસું ખાધું, “મને તો ઊંઘ આવે છે. હું થોડો લાંબો થઈશ. રિતેશ, તું?”

“હું બાલ્કનીમાં બેઠો બેઠો સિગારેટો ફૂંકીશ.”

એ બન્નેને મૂકીને સ્ત્રીઓ ખુલ્લા પગે બહાર આવી ગઈ. એરંગલના દરિયાના શાંત કાંઠા પર ઓટ પછીનું સૌંદર્ય વીખરાયેલું હતું. કઠણ થઈ ગયેલી ઠંડી જમીન દરિયાના મોજાંની જેમ ઊપસી આવી હતી. પવનમાં ગજબનાક આહ્લાદ હતો. રુપાલી ખુશ થઈ ગઈ. ગઈ સમુદ્રદેવના સાન્નિધ્યમાં ગઈ રાતની ઘટના એકાએક અપ્રસ્તુત બની ગઈ.

“આઈ લવ ધિસ! તમે લોકો યાર લકી છો. મુંબઈના કેટલા લોકોના નસીબમાં સી-ફેસિંગ ઘર હોય છે? પોઈન્ટ વન પર્સન્ટ? કે એનાથી પણ ઓછા?”

“પણ સી-ફેસિંગ ઘરનો ચાર્મ અમુક સમય પૂરતો જ ટકે છે,” માયાએ કહૃાું, “અને દરિયો ઘરના પ્રશ્નો સુલઝાવી શકતો નથી. સી-ફેસિંગ ઘરમાં એ બધું જ બનતું હોય છે જે બીજા કોઈ પણ ઘરમાં બનતું હોય...”

રુપાલી સહેજ અટકીને માયા સામે જોયું. માયાના ચહેરા પર ગંભીરતા હતી. ઉપરથી કોઈ પક્ષી અવાજ કરતું પસાર થઈ ગયું.

“તારી અને મોક્ષ વચ્ચે બધું બરાબર તો છેને?”

માયા એક ક્ષણ ચુપ રહી.

“હા.”

એકાક્ષરી જવાબ આપીને માયા ચુપચાપ ચાલતી રહી. પછી કહૃાું, “બધું બરાબર છે તે કેવી રીતે નક્કી થાય? કઈ સ્થિતિને બરાબર કહેવી? રિલેટીવ હોય છે આ બધું. અમારી વચ્ચે પ્રેમનું એક ચોક્કસ માપ જળવાઈ રહૃાું છે કે કેમ એમ તું પૂછતી હો તો હા, બધું બરાબર છે. આઈ લવ હિમ. હી લવ્ઝ મી. મને લાગે છે કે આટલું પૂરતું હોય છે બધું બરાબર છે એવો સંતોષ લેવા માટે...”

“આ જ પ્રોબ્લેમ છે આપણી સ્ત્રીઓની... અથવા તો ખૂબી. આપણે લોકો બહુ ઝડપથી સંતુષ્ટ થઈ જઈએ છીએ. અને પ્રેમ મળતો રહે તો જુના આઘાતો પણ ભુલી જઈએ છીએ... નહીં?”

“ઘાને અવગણી શકાતા હોય છે રુપાલી, પ્રયત્નપૂર્વક.”

“હા, પણ રુઝાઈ શકાતા હોય છે?”

“આઈ ડોન્ટ નો!” માયાની આંખોમાં એક આછો વિષાદ આવીને વિલીન થઈ ગયો, “આ સવાલ જિંદગીની છેલ્લી ક્ષણ આવે ત્યારે કરજે. કદાચ ત્યારે જ ખબર પડશે કે ઘા પૂરેપૂરા રુઝાયા છે કે કેમ...”

“કઈ જિંદગી, માયા?”

થંભી ગઈ માયા. એકાએક, કોણ ક્યાંથી એક ન સમજાય એવું તીવ્ર કંપન તીરની જેમ માયાના આખાં અસ્તિત્ત્વને વીંધીને આરપાર પસાર થઈ ગયું. એણે રુપાલી તરફ દષ્ટિ ફેંકી... જાણે કલ્પના, વાસ્તવિકતા અને ભ્રાંતિનું ત્રિસંધાન કરતી હોય તેમ. એના બદલાયેલા હાવભાવ રુપાલીથી છાના ન રહૃાા. કદાચ વધારે પડતો અંગત સવાલ પૂછાઈ ગયો હતો માયાને. કદાચ સમય ખોટો હતો આ પ્રકારના સવાલ-જવાબ કરવા માટે. અથવા કદાચ...

“સોરી, માયા. હું તને હર્ટ કરવા નહોતી માગતી,” રુપાલીએ કહી દીધું.

“અરે? એમાં હર્ટ શાનું? તું મને કંઈ પણ પૂછી શકે છે. તારાથી શું છૂપું છે?” માયા બોલતી ગઈ, “મોક્ષ માટે એની બહેન પહેલાં પણ ટોપ-મોસ્ટ પ્રાયોરિટી હતી અને આજે પણ ટોપ-મોસ્ટ પ્રાયોરિટી છે. હું મોક્ષ માટે હંમેશાં નંબર-ટુ જ રહી છું અને રહેવાની છું. શરુઆતમાં બહુ તકલીફ થતી હતી મને, પણ પછી મેં સત્ય સ્વીકારી લીધું. હું કમ્ફર્ટેબલ છું નંબર-ટુ પોઝિશન પર. હવે કોઈ સંઘર્ષ નથી. મોક્ષ ખુશ છે, હું ખુશ છું... અને સુમન તો સુમન છે. કાયમ ખુશ.”

“બિચારી!” રુપાલીએ કહૃાું, “એક ડાઉન્સ સિન્ડ્રોમવાળી મંદબુદ્ધિ છોકરી સાથે સંઘર્ષ પણ કેવી રીતે કરી શકાય? એ બિચારીને તો ખબર પણ નથી કે એના કારણે ઘરમાં શું શું થઈ ગયું. બિચારી એક જ ભાષા સમજે છે- પ્રેમની ભાષા.”

“અને હું સુમન સાથે પ્રેમની ભાષા જ બોલી રહી હતી રુપાલી, હું એનું ભલું જ ઈચ્છતી હતી!” માયાના અવાજમાં આક્રોશ છંટાઈ ગયો, “એક મેન્ટલી રિટાર્ડેડ છોકરી સાથે હરીફાઈ કરું એટલી મૂરખ હું નથી, પણ મોક્ષ સમજ્યો નહીં. હું સમજાવી શકી નહીં અને...”

“બસ! એ બધું યાદ કરી કરીને દુખી થવાની હવે જરુર નથી. આપણે બધા આગળ વધી ચુક્યા છીએ જિંદગીમાં.”

માયા ઊંડો નિશ્વાસ છોડીને દરિયા તરફ મોં કરીને ઊભી રહી. વિરાટ જળરાશિ પર એક પણ વાદળ વગરનું અસીમ આકાશ બિલકુલ સ્વચ્છ દેખાતું હતું. રુપાલી ચાર-પાંચ ડગલાં આગળ વધીને ઊભી રહી. એક નાનું મોજું તૂટતું-રેલાતું એના પગ ફરતે વીંટળાઈને પાછું ખેંચાઈ ગયું.

“મારાં સાસુએ મને એક વાર વાત કરેલી... મોક્ષ અને સુમન નાનાં હતાં ત્યારની,” માયા જાણે પોતાનામાં ઊંડી ઊતરી રહી હોય એમ બોલી.

રુપાલી એની પાસે આવી ગઈ. માયા બોલતી ગઈ, “એ વખતે આપણા બંગલા ફરતે આટલી ઊંચી ઊંચી નાળિયેરીઓ નહોતી. પાડોશનો બંગલો આપણા ઘરમાંથી સ્પષ્ટ દેખાતો. આ કિસ્સો બન્યો ત્યારે સુમન છએક વર્ષની હશે. એને ટેરેસ-બાલ્કનીમાં કલાકો સુધી ઊભા રહેવાની ટેવ. સખત તડકો હોય તો પણ તાપમાં ઊભી ઊભી શેકાતી રહી. બાજુના બંગલાવાળાની ટીનેજર કામવાળી સુમનનેે જોઈને જોરજોરથી “ગાંડી... ગાંડી” રાડો પાડ્યા કરે. મોક્ષ એ વખતે હશે સોળ-સત્તર વર્ષનો માંડ હશે. એણે છોકરીને બહુ સમજાવી, ગુસ્સો કર્યો કે જો, આમ નહીં બોલવાનું. બંગલાના માલિકને પણ ફરિયાદ કરી. પણ છોકરી કોઈ રીતે માને નહીં.”

રુપાલી ધ્યાનપૂર્વક સાંભળી રહી હતી.

“મોક્ષનો પિત્તો ગયો. એક વાર છોકરીને જેવું ચીડવવાનું શરુ કર્યુર્ કે મોક્ષે એના બંગલા પર રીતસર પથ્થરમારો શરુ કર્યો ને બારીઓના કાચ ફોડી નાખ્યા! પાડોશી પાગલ થઈ ગયા. આ શું કરો છો? કાચ કેમ તોડ્યા? ઘરમાં નાના બચ્ચાં છે, વગેરે. મોક્ષે કહૃાું કે તમે તમારી નોકરાણીને કેમ કંટ્રોલ કરી શકતા નથી? આજ પછી જો એક પણ વાર મારી બહેનને “ગાંડી” કહી છે તો આખા બંગલાના હાલહવાલ કરી નાખીશ. પછી ભલે મારે જેલમાં જવું પડે!”

“એ દિવસથી નોકરાણીનું ચીડવવાનું બંધ થઈ ગયું હશે, કેમ?”

“અરે, એ લોકોએ નોકરાણીને જ કાઢી મૂકી!” માયા મ્લાન મુસ્કુરાઈ, “તો આવો મિજાજ છે મોક્ષનો, પહેલેથી જ. સુમન માટેે એ કોઈ પણ હદે જઈ શકે છે. એની સુખ-સલામતી માટે એ કંઈ પણ કરી શકે છે. કંઈ પણ! અને આ “કંઈ પણ”ની આગમાં હું પણ દાઝી છું.”

“તું ફકત દાઝી નહોતી માયા, મોક્ષની અગ્નિએ તને બાળી નાખી હતી,” રુપાલીના અવાજમાં હમદર્દી છલકાઈ આવી, “એ બધું જ, એ આખો ઘટનાક્રમ મને એવો ને એવો યાદ છે. એટલે જ હું તને પૂછી રહી છું કે તું તારા ઘાને ફકત અવગણી રહી છો કે સાચેસાચ રુઝ આવી ગઈ છે?”

માયા કશું ન બોલી. માત્ર એની આંખો ઝળહળી.

ષ્ઠ૦ ૦ ૦

સરસ ગયો આજનો આખો દિવસ. ચારેય સાથે હોય ત્યારે હાસ્ય, પ્રેમ અને આત્મીયતાની સરવાણીઓ ફૂટતી. આજેય ફૂટી. મોડી સાંજે કમ્પાઉન્ડમાં હિંચકા ખાતાં ખાતાં રિતેશે કહૃાું, “તારી પેલી ઓસ્ટ્રેલિયન ડાકણ ઘરમાં નથી તો કેવી શાંતિ લાગે છે, નહીં?”

“ઓસ્ટ્રેલિયન ડાકણ?” મોક્ષના મોંમાંંથી હાસ્ય ફૂટી ગયું, “સારું છે આ!”

“બીજું શું! હું આર્યમાનને પણ કહેવાનો છું કે સાલા તું ત્યાં મજા કરે છે ને આ ઓસ્ટ્રેલિયન ડાકણને અમારા પર છોડી મૂકે છે? એ! તારો ભાઈ બી વટલાઈને પેગન બની ગયો છે કે શું? એ બી નાગો થઈને નાચતો હશેને આની સાથે?”

“ડોન્ટ નો, યાર!”

એ જ વખતે બંગલાના ગેટની અંદર સુમન આવતી દેખાઈ. મુકતાબેન એને બીચ પર ફેરવવા લઈ ગયાં હતાં.

“લો! આવી ગઈ સુમી. કેટલી ક્યુટ લાગે છે નહીં આ ફ્રોકમાં?”

રિતેશ જવાબ આપે એ પહેલાં સુમનની પાછળ પાછળ મુકતાબેન અંદર ધસી આવ્યાં. કોઈએ આખેઆખા હચમચાવી નાખ્યાં હોય તેમ એમનો ચહેરો ત્રસ્ત હતો. વોચમેનની ખુરસી પર ફસડાઈને એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યાં. મોક્ષ ચોંક્યો. સફાળો ઊભો થઈને એ મુકતાબેન તરફ ધસ્યો. પાછળ રિતેશ પણ આવ્યો.

“શું થયું મુકતાબેન?” મોક્ષે એમની પાસે ઘૂંટણિયે બેસી ગયો.

મુકતાબેને બન્ને પગ ઉપર લઈ કપાળ ગોઠણ પર ટેકવી દીધું. રુદનને કારણે એમનું આખું શરીર ધ્રુજતું હતું.

“પ્લીઝ, રડવાનું બંધ કરો. વાત શું છે? કંઈક બોલો તો ખબર પડેે. સુમન, કંઈ થયું બહાર?”

“રડે છે...” સુમન મોઢું વંકાવીને બોલી, “ક્યારના રડે છે.”

મોક્ષના મનમાં તરત ગણપતનો કુત્સિત ચહેરો ઝબકી ગયો. એ ગંજેડી ઘટિયા માણસ મુકતાબેનનો પતિ હતો, જે બંગલામાં ઘૂસીને સુમનને જોઈને ગંદો બકવાસ કરી ગયો હતો.

“તમારો હસબન્ડ ભટકાઈ ગયો હતો? એણે કશું કર્યું તમને?”

મોક્ષના શબ્દોની મુકતાબેન પર પર કશી જ અસર થતી નહોતી. એમનું રુદન અટકવાનું નામ લેતું નહોતું. જોેસેફ પાણીની બોટલ લાવ્યો.

“શાંત થાઓ, મુકતાબેન. પાણી પી લો. પછી વાત કરો.”

થોડી વાર માંડ એમનું ધ્રુજતું શરીર સ્થિર થયું. આંસુથી ખરડાયેલો ચહેરો ઊંચો કરીને બે-ચાર ઘૂંટડા ગળે ઊતાર્યા. મોક્ષ તીવ્રતાથી એમના ચહેરા તરફ જોઈ રહૃાો હતો. મુકતાબેનના મોંમાંથી શબ્દો તૂટીને નીકળતા ગયાઃ “ગણપત... પાછો ભટકાઈ ગયો હતો. અહીં સામે જ. દરિયા પર. એ એકલો નહોતો. સાથે મિશેલ મેડમ પણ હતાં. બન્ને મળી ગયાં લાગે છે. બેયની નજર સુમન પર છે. કંઈક કરો... સુમન પર જોખમ છે... ”