jagine jou to in Gujarati Magazine by Madhu rye Thaker books and stories PDF | જાગીને જોઉં તો

Featured Books
Categories
Share

જાગીને જોઉં તો

નીલે ગગન કે તલે / મધુ રાય

જાગીને જોઉં તો

ગગનવાલા દિલથી તરવરતા જુવાનજોધ માટીડા છે પણ જ્યારે વતન આવે છે ત્યારે ‘દાદા’ બની જાય છે. માથે ટોપી, આંખે ગોગલ્સ ને ચાલમાં ચપળતા હોય; વાણીમાં બત્રીસે દાંતનો ટંકાર હોય તોપણ સામેવાળું ભાંપી લે છે કે દાદા આયા. ‘દાદાને પગે લાગો બેટા!’ ‘દાદા થાકી જાશે!’

દાદાને માઠું લાગે, પણ ભગવાનના ઘર પાસે કોનું ચાલે છે? ‘તમારી એઇજના પ્રમાણમાં તમારું નોલેજ અપટુડે કહેવાય!’ જેવી બેધારી તલવારથી જુવાનિયાં દાદાને લોહીલુહાણ કરે છે. કોઈ અજાણ્યા સામેવાળાને ટાલ હોય, ચોકઠું હોય, તોયે ફાટીમૂઓ દાદાને દાદા કહેતો હોય છે, ‘જરા ખસો દાદા!’

આ વાતની રાવ ખાવાનું નિમિત્ત એ છે કે ન્યુ જર્સીમાં દાદને ખાવાખીવાનું તો ગુજરાતી મળી રહે છે. પણ ગુજરાતી સાંભળવા મળે તેમાં અંગ્રેજીનાં ગચ્ચાં ઘૂસી આવે છે. ‘જોબ ઉપર બહુ બુલશિટ છે, મેન, યુ નેવર નોવ કે વ્હેન યુ ગેટ ફાયર્ડ!’ ‘વાઈફનો વિઝા એક્સપાયર, મીન્સ કે વી ગોણા ગો બેક.’ ગુજરાતી મંડળોના વડવાઓ હરખથી કહે છે, ‘ગિવ હિમ એ બિગ વેલકમ, લેડિઝ એન્ડ જેન્ટલમેન!’ આખું વરસ વર્ણસંકર ભાષા સાંભળીને સરસ, ગરવી ગુજરાતીની તલપ લાગે ત્યારે દાદા ગુજરાતને ખોળે આવે છે. ને રે, રે, રિપ વાન વિન્કલની જેમ ચણીબોર જેવા અમદાવાદને ચીભડા જેવડું થતું જુએ છે. દૈનિકોમાં, રાહદારીઓ પાસે, દુકાનદારોની જુબાને કે ફોન ઉપર અવળચંડું ગુજરાતી સાંભળીને જાણે દાદાને કાને લાફા પડે છે. તેથી ઉમાશંકરની કે કાકા કાલેલકર જેવી બાની સાંભળવા દાદા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જાય છે, પણ સોરરરરી, વિદ્વાનો ત્યાંયે લચ્છેદાર અંગ્રેજી ઠઠેડે છે. ટીવીવાળા તો ઢાંસ્માંકણીમાં પાસ્માણી લઈને ડૂસ્મુબી મસ્મરવાનું મસ્મન થાય એવું હલકટ ગુજરાતી વાપરે છે. એક કેબીસીના મહાનાયક બચ્ચન સાહબ બડે શૌકસે ખાલિસ હિન્દોસ્તાની બોલે છે. સુરતના જ્ઞાનસત્રમાં અશોક બાજપાયીના મુખે એક ઘંટા સુધી સ્વચ્છ હિન્દી સાંભળવા મળ્યું; બાજપાયીજીએ કહેલું કે બાળકો માટે ભારતીય ભાષાઓ , માતૃભાષામાંથી દાદીમા સાથે વાત કરવાની ‘દાદી ભાષા’ બનતી જાય છે. બાજપાયી, બચ્ચન, બસ આમ ખાટલામાંથી માંકડ વીણે તેમ દાદા ચોખ્ખી ભાષા સાંભળવા તલસે છે. એક સમારંભમાં એક દાદાએ અંગ્રેજીના એકપણ શબ્દ વિના અને અગ્નરથ વિરામસ્થાન કે કઠલંગોટ જેવા હાસ્યાસ્પદ પ્રયોગ વિના, નરવી ને નમણી ગુજરાતીમાં વ્યાખ્યાન આપી બતાવેલું. પણ વિધિની વક્રતા એ હતી કે સાંભળનારાઓને તે ભાષા કદાચ દાદા–ભાષા લાગી હશે.

એથી ‘મોર’ હાસ્યાસ્પદ વાત તે છે કે ગુજરાતીઓ પાઠમાળિયું બાબુ–ઇંગલીસ બોલે છે. ગુજરાતી માતા સંતાનને ‘ટેલ’ કરે છે, ‘ડોન્ટ ટોક બિટવિન બિટવિન!’ કે ‘આટલો અર્લી રાઇઝી ગયો, ડીયર?’ કે ‘સિટ પ્રોપરલી, પ્રોપરલી!’ ગુજરાતીમાં વિચાર કરીને. હાથ, માથું, મોઢું, ભમ્મર ને કમરના હાવભાવની કાંખઘોડી સાથે અંગ્રેજી બોલે છે. જાણે તેમ કરવું તે ‘હાઈફાઈ’ હોવાની નિશાની છે.

ગગનવાલાને અંગ્રેજીનો ચોખલિયો વિરોધ બિલકુલ નથી, અલબત્ત! અંગ્રેજી સ્વયં એક અફલાતૂન ભાષા છે. તેના બોલનારાંને તેની કમનીયતાનો ગર્વ છે. અંગ્રેજીમાં ‘પોટેટો’ની જોડણી ખોટી કરનાર અમેરિકાના ઉપપ્રમુખ ડેન ક્વેયલની અમેરિકાભરમાં પારાવાર હાંસી થઈ હતી, પ્રમુખપદપ્રાર્થી મિટ રોમની ‘ફોર માય વાઇફ એન્ડ મી’ના સ્થાને ‘માય વાઇફ એન્ડ આઈ’ બોલેલા તે વ્યાકરણભૂલની ચર્ચા પંડિતોએ કરેલી, કે એકેએક વાળને સલીકાથી યથાસ્થાને રાખનાર રૂઢિચુસ્તે એવી ભૂલ કેમ કરી? અને આપણે હજી છીએ, સું સાં પૈસા ચાર! આપણી અર્ધદગ્ધ અંગ્રેજીવડે મોરનાં પીછાં ખોસીએ છીએ. સંપૂર્ણ ગુજરાતી હોય કે દાયકાઓથી ગુજરાતમાં સ્થાયી થયેલાં મહાજનોના ‘કલા’ અંગેના એક પરિસંવાદમાં બોલનારાં તો ખેર, સવાલ પૂછનારાં પણ અંગ્રેજીમાં સવાલ પૂછવા માંડેલા. અને દાદાની આંખે શ્રાવણ ભાદરવો વરસેલા: ગુજરાતમાં, ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની કર્ણાવતી નગરીમાં શિષ્ટ ગુજરાતી સાંભળવા ન મળે તો જવું ક્યાં? ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર હર્ષદ ત્રિવેદીએ હુંકારભેર કહેલું કે મેં તો દિલ્હીમાં પણ ગુજરાતીમાં ભાષણ આપેલું! ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી રાજેન્દ્ર પટેલ કહે છે કે યુનો કે યુનેસ્કો કે એવી કોઈક ભારી સંસ્થાના તારણ મુજબ ગુજરાતી ભાષા ચંદ દશકોમાં લુપ્ત થઈ જશે, ભીલી બોલી કે રેડ ઇન્ડિયનોની પૈતૃક ભાષાઓની જેમ ગુજરાતીનું મોત નિશ્ચિત છે! વિદ્યાનગર હાઇસ્કૂલના પૂર્વ આચાર્ય કહે છે કે હવે સ્કૂલના પટાવાળાઓના દીકરાઓ બી ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, ને આપણે પણ શરૂ કરવું પડેલ છે. ગુજરાતી શીખવતી શાળાઓ જ વટલાતી જાય છે? ‘ક’ કબૂતરનો ‘ક’ હવે કોઈનો નહીં? ને દાદાને ૪૪૦ વોલ્ટનો આંચકો લાગે છે. અતિ મોહથી, મદિરતાથી ચાહેલી મારી અલબેલી ભાષા ગુજરાતી, ‘ગુજરાત મોરી મોરી રે’ જાણે કર્કરોગના ત્રીજા ચરણમાં આવી ગઈ છે? કિમોથેરેપીથી ગુજરાતી ભાષાના વાળ ઊતરી ગયા છે, નાકે પ્રાણવાયુની નળી ખોસેલી છે ને હવે દશકા ગણાય છે? ગગનદાદાને તમ્મર આવે છે, રે મન! આ અક્ષરો, આ શબ્દો, આ મનચલા ખયાલો ને દિલબહાવના બહાનાથી છલછલતાં આ લખાણો, નરસિંહ, મીરાં, કલાપી, સુરેશ જોષી, સિતાંશુ, લાભશંકરનાં મહામૂલી સરજતની લિપિ ઉકેલનારાં ફક્ત દાદાઓ ને દાદીઓ જ રહેશે? ને નવા ફરજંદો હવે માત્ર એબીસીડી ઘૂંટશે? બસ, આ ગરવી ગિરા ઘડી બેઘડીની મહેમાન છે? ગુજરાતી સાંભળવા દાદા ગુજરાતમાં આવ્યા, પણ મર કર ભી અગર ચૈન ના મિલી તો કિધર જાયેંગે? જય નર્મદ!

madhu.thaker@gmail.comThursday, January 10, 2013