Hello Sakhi ri... Ank - 20 in Gujarati Magazine by Hello Sakhiri books and stories PDF | હેલ્લો સખીરી: અંક - 20

Featured Books
Categories
Share

હેલ્લો સખીરી: અંક - 20

અંકઃ ૨૦, ડિસેમ્બર ૨૦૧૬.

હેલ્લો સખી રી..
સખીઓનું ઈ-સામાયિક

આવ રે, શિયાળો આવ…


અનુક્રમણિકા

૧) ઓસડઃ પારૂલ દેસાઈ
૨) અનુભૂતિઃ અર્ચના ભટ્ટ પટેલ
૩) પ્રવાસ પંથેઃ શ્ર્લોકા પંડિત
૪) નાની – નિનિઃ કુંજલ પ્રદીપ છાયા
૫) વાર્તાસ્પર્શઃ મનીષા જોબન દેસાઈ


ઓસડઃ પારુલ દેસાઈ
parujdesai@gmail.com

શિયાળે વખણાય વસાણા

શરદ પછી હેમંત અને શિશિર એ શિયાળા ઋતુના બે મુખ્ય પ્રતિનિધિ સમા મહિનાઓ. સુર્યોદયે હેમંતની ગુલાબી ઠંડીની લહેરખી વાતી હોય ત્યારે હિંચકે હિંચક્તા આમળા – આદુ- હળદર- તુલસી ના હર્બલ જ્યૂસની ચુસ્કી લેવાની જે મજા છે એ માટે શિયાળાને થેંક્યુ કહેવું પડે. અરે! શિયાળો એટલે તો તંદુરસ્તી કમાવાની ઋતુ. તાજા લીલા, લાલ, કેસરી, સફેદ, મજંડા શાકભાજીનું વૈવિધ્ય, ગરમ મસાલા, તેજાના, સુકો મેવો, ઘી, ખજુર સાથે વસાણાનો ઉપયોગ કરી બનાવાતી વિધ-વિધ વાનીઓથી તન મન ની તાજગી સંગ્રહી લેવાની મજેદાર મોસમ.

આદિકાળથી વૈદોએ શક્તિ અને આરોગ્યવર્ધક વસાણા ઘી ગોળ- ખડી સાકર કે મધ સાથે સેવન કરવાની ભલામણ કરી છે. ઠંડીના દિવસોમા આપણા શરીરનું ઊષ્ણતામાન જળવાય રહે, ગરમી ઉત્પન્ન થઈ જઠરાગ્નિ પ્રદિપ્ત થવાથી પાચનશક્તિ વધે તે હેતુથી જ વસાણા જરુરી છે.વસાણા એટલે મસાલા અને ઓસડિયા. તેનું પ્રમાણ હમેશા ઓછું રાખવુ. અન્યથા વધુ પડતી ગરમી પેદા થઈ શરીરને નુકસાન કરી શકે છે. વળી, વજન વધતું નથી પણ ક્રુશતા –દુર્બળતા ચોક્ક્સ દુર થાય છે.

સામાન્ય રીતે મેથી પાક, મેથી લાડુ, મગજ, સૂંઠ પાક, અડદિયા, ગુંદર પાક, બદામ પાક, ખજુર પાક, સાલમ પાક, કોપરા પાક, કચરિયુ, તલ પાક, તલ, સિંગની ચીકિ,સોયા પાક, કાટલુ, મેથી ચીમેડ, આમળાનો ચ્યવનપ્રાશ, વિદારી પાક, મુસળી પાક, કામસુંદર પાક, બાજરાની ગોળ પાપડી, અશ્વગંધા પાક, હરિકાખંડ, મગદળ, ધાત્રી પાક, ચોંગે, સૂંઠની ગોળી વિગેરે નો ઉપયોગ શિયાળા ના વસાણા તરીકે કરવામા આવે છે. વસાણા એટલે મોંઘી ઔષધિઓ થી જ બની શકે એ માન્યતા ભૂલભરેલી છે. અમુક જ ઔષધિઓ એવી છે જે ખરેખર મોંઘી હોય છે. ખાસ તો આમળા, આદુ, હળદર, ગોળ, અજમો પીપરીમૂળ, સાલમ, વાવડિંગ, નસોતર, ત્રિકટુ, ત્રિજાત, નાગરમોથ, નાગકેસર, બદામ, પિસ્તા, ધોળી મુસળી, કાળી મુસળી, ગોખરૂ, કૌચા, સફેદ મરી, મેથી, તલ, ગુંદર, ખજુર, તમાલપત્ર, જાવંત્રી, કોપરુ, એલચી, ખારેક, ખસખસ જેવા અનેક દ્રવ્યોનો ઉપયોગ થતો હોય છે. કાટલુ અને બત્રીસુ પણ અમુક પ્રદેશ મા ખવાય. વળી, કરચિયુ પણ માનીતુ છે. વસાણા મા વપરાતા અમુક મહત્વના દ્રવ્યો ના લાભ અને ગુણો વિષે માહિતી જોઇએ.

મેથી – ઘાટા લીલા નાના ગોળ પાનની ભાજી તે મેથી. મેથી ના દાણા પીળાશ પડતા હોય. લોહી સુધારક પૌષ્ટિક મેથી ના થેપલા, મુઠિયા, ફુલવડા તો થાય પણ સુકી મેથી ના લાડુ, મેથી ચમેડ, મેથી પાક ખુબ જ ગુણકારી. મેથી દાણા રાત્રે પલાળી સવારે તે પાણી સાથે પીવાથી ડાયાબિટીસના દર્દીને લાભ થાય છે, વાળ રેશમી-કાળા અને લાંબા થાય છે. મેથી થી વાયુ ના રોગ દૂર થાય છે.

ખજૂર – આયુર્વેદના મહર્ષિ ચરક ખજૂરને શ્રમહસ્તત્વ તરીકે માને છે. કાળાશ પડતી લાલ ખજૂર લોહીના લાલ કણને વધારે અને શરીરને હ્રુષ્ટપ્રુષ્ટ બનાવે. હ્રદય માટે ઉત્તમ. અતિ પૌષ્ટિક અને પ્રકૃતિએ ઠંડી હોવાથી ઘી મા સાંતળીને ખાવાથી શક્તિ – સ્ફૂર્તિ બારેમાસ રહે. ખજૂર મા તલ, બદામ નાખીને પાક કે લાડુ પણ બનાવી શકાય.

આદુ – વિશ્વભેષજ કહેવાતા આદુ વાત-પિત્ત અને કફ ના તમામ દોષને સુકવનારુ છે. ત્રિદોષ હર આદુ પાક, સૂંઠ પાક કે સૂંઠ ગોળની ગોળી લેવી જોઇએ. આદુ બુધ્ધિવર્ધક તો છે જ વળી કેંસર પ્રતિરોધક પણ છે. વાયુના રોગ, એનિમિયામ, કૃમિરોગમાં, સોજા – દુખાવામાં તથા કફજન્ય રોગો માટે ઉત્તમ ઔષધ બની રહે છે.

ગુંદર- કમર અને સાંધાના દુ:ખાવાને દૂર કરે છે. ખાસ સ્ત્રીઓ માટે જરુરી એવા ગુંદર માથી ગુંદર પાક, - લાડુ બનાવી ને સેવન કરવું. વળી જેને ખટાશ નડતી હોય તેણે ગુંદરની પેંદ (ગુંદરને ઘી મા શેકીને દૂધ નાખી બનાવાય) તે લઈ શકાય.

અશ્વગંધા- અશ્વગંધાથી અશક્તિ દૂર થઈ શરીરનો વિકાસ થાય છે. શરીરનો ઘસારો કે પોષણનો અભાવ હોય તો ખાસ લેવી. હ્રદયને બળ આપે, વાયુનાશક, આમદોષ મટાડનાર આ રસાયણ સ્નાયુઓના કળતરને મટાડે છે. નર્વસ સિસ્ટમની ક્રિયાને સમતોલ કરે છે. ચ્યવનપ્રાશમા તો અશ્વગંધા નાખવામા આવે છે ઉપરાંત તેને દૂધમા ઉકાળીને પી શકાય. અશ્વબલ (ચાટણ) પણ બનાવી શકાય.

અજમો – અજમોદ- અજવાયન- અજમોદા (સંસ્ક્રુત) તે અજમો. અજમાના દાણાને શેકીને કાચા અજમાનો પાવડર કરીને ઉપયોગમા લેવાથી શરીરમા વધી ગયેલો ગેસ, વા, સાંધાના દુખાવા, સાયટિકા, સોજામા તરત જ રાહત થાય છે. શિયાળાની ઠંડીમા પાચન શક્તિ નબળી પડે છે. ત્યારે અજમાના સેવનથી જઠરાગ્નિ પ્રદિપ્ત થઈ પાચનશક્તિ સુધરે છે. અજમો મૂત્ર વિરેચક હોઇ પથરીના રોગમા પણ ફાયદાકારક છે. જુના શ્વાસ અને દમ ના રોગમા અજમા સાથે સૂંઠ પાવડર તથ ગોળની ગોળી લેવી. અજમાના પાંદ્ડાનો જ્યૂસ ગાજર, બીટ, પાલખ ના જ્યૂસ સાથે મિક્સ કરી પીવાથી ગેસ થતો નથી.

શિયાળામા ગરમાવો આવે તે બહાને ઇંડાની આમલેટ અને ખીમો કે અન્ય કેફી પદાર્થો લેવામા આવે છે જે હકિકતમા તો નુકસાન કારક હોય છે પરંતુ આ વસાણા ને જો આપણા ડાયટ મા સમાવવા જોઇએ. સ્વાસ્થ્યવર્ધક વસાણા આરોગીને તંદુરસ્તીનુ બેલેંસ રીચાર્જ કરાવી લો તો બારેમાસ ચુસ્તી - સ્ફ્રુર્તિ ઑટો ડાઉનલોડ થતા રહેશે.


અનુભૂતિઃ અર્ચના પટેલ
dhara2402@gmail.com

પુરુષ બિચારો શું કરે ?

આજે જ અમે બધી કોલેજની સખીઓ જીવનમાં પહેલી જ વાર પોતપોતાનાં પતિદેવોને છોકરા સોંપીને વહેલી સવારથી જ પિકનિક કરવા ઉપડી જવાની હતી, નક્કી કર્યા મુજબ અમદાવાદમાં જ જજીસ બંગલો રોડ પર આવેલ કેફે કૉફી ડે ભેગાં થવાનું હતું... હું લગભગ સવા કલાક તો મોડી હતી પણ તેમ છતાંય નવાઈની વાત તો એ હતી કે કોઈપણ સખીનો ફોન હજુ સુધી કેમ ન આવી એમ પૂછવા માટે નહોતો આવ્યો, પણ હા અમારા એમનો ફોન હું ઘરેથી નિકળી ત્યાં સુધીમાં ત્રણ વાર આવી ગયો હોં.... સૌથી પહેલો ફોન હતો, આરાધના... આ તારી દિકરીનું માથું કેવી રીતે ઓળું ? ઘૂંચ પણ કાઢવા નથી દેતી... પૉની વાળવી તો બહુ દૂરની વાત છે... અને આ સાંભળતા જ મારી નજર સામે એક મજબૂર નિહથ્થો સિંહ યાદ આવી ગયો. મનમાં ખૂબ હસવું આવ્યું છતાં મન પર કાબૂ રાખતાં મેં કહ્યું આપ તું ધરાને ફોન આપ, અને પછી ધરાને ધીમેથી સમજાવી... બેટા, તને તો ખબર છે ને પપ્પાને લાંબો ચોટલો ન હોય એટલે એમને માથું ઓળતા ન આવડે, તું મારી ડાહી દિકરી છે ને, ચાલ આજનો દિવસ ચલાવી લે હોં, અને જેવું પપ્પાને થોડુંક નથી આવડતું એમ ખબર પડી એટલે ડેડીની દિકરી માથું ઓળાવા તૈયાર, ખૂબ મોટી જંગ જીતી હોઉં એમ મનમાં જ યેસ... કરી લીધું, અને ધીરી બાપુડિયા આલોક એમ એને મનોમન વિશ કરી હું વર્ષો પછી મળેલી સ્વતંત્રતા માણી રહી હતી ત્યાં જ ફરી ફોનમાં બીજી રીંગ.

હવે શું થયું આલોક? મેં પૂછ્યું. સામે છેડેથી થોડોક ક્રોધમાં પરંતુ સંયમિત અવાજ આવ્યો, આ તમે લોકો ભાખરી ગોળ કેવી રીતે બનાવો છો ? ખૂબ મોટું લાફ્ટર રોકી ને ગંભીર થતાં મેં પૂછ્યું કેમ શું થયું ? મેં રોમેન્ટિક થતાં કહ્યું બે આડા અને બે ઊભા સટાકા બોલાવો, મહીં જરાક પ્રેમ ભેળવો, ભાખરી ગોળ જ થશે, સામે છેડેથી કંઈ જ પ્રત્યુત્તર વિના ફોન કપાયો... કટ.....

કંઈ નહીં જે થયું તે ભલે, હું પહોંચવામાં ધ્યાન આપું, જો મોડી પડીશ તો બધી જ બહેનપણીઓ ચીડવશે પાછી. હજુ કાર ફરી સ્ટાર્ટ જ કરું છું ત્યાં ફરી ફોન રણક્યો... ફરી આલોક... મેં ફોન ઉપાડ્યો, અરે વાહ આલોક.... રોજ તને સ્હેજ પણ યાદ નથી આવતી અને આજે તો સવાર સવારમાં ત્રીજી વાર.... બોલ હવે શું થયું... ત્યાં આલોક ઉવાચઃ.... કંઈ નહીં મોટી ભાખરી બનાવી થાળી ઊંધી પાડીને અને એમાં ત્રણ વાટકા પાડ્યા... તું તો ખુશ થતી હશે ને મા વગરના એકલા પતિને આમ રસોડું અને દિકરી સોંપીને જતી રહી, તને મારી સ્હેજ પણ દયા ન આવી આરૂ ? જો હું કંઈ બોલત ને તો એ જાણે રડી જ પડ્યો હોત, અને તોય બિચારો મને ખૂશ રાખવા બોલ્યો કે કંઈ નહીં તું તારે જા, પણ હવે આવા પ્રોગ્રામ બનાવે તો બે દિવસનાં ખાવાની વ્યવસ્થા કરીને જજે, તને ખબર છે મને ટીફીન નું ખાવાનું ભાવતું નથી, એન્જૉય યોર સેલ્ફ આરૂ.... રડવું તો ખરેખર મને આવી ગયું હતું સાચ્ચે જ, ત્યારે જ મને મારાં સાચાં સ્ત્રીત્વનો અહેસાસ થયો, નજર સામે સ્ત્રી વગરનાં એક બિચારા પુરુષની તસ્વીર આવી ગઈ....

સીસીડી પહોંચતાં પહોંચતા મને કંઈ કેટલાંયે મેરાં અને આલોકનાં લગ્ન પછીનાં સંસ્મરણોએ જાણે કે ઘેરી લીધી, નવા નવા લગ્ન થયાં હતાં પછી ક્યાંય પણ ફરવા જવું હોય તો આલોક હાજર હોય, ભલેને એણે ગાડી ચલાવવા અને બિલ ચુકવવાથી આગળ કોઈ જ ભૂમિકા ન નિભાવવાની હોય, પણ પત્ની ને ખુશકરવા કંઈ કેટલીયે વાર એ માત્ર ડ્રાઈવર પણ બન્યો જ હશે, એવું ને એવું રજાના દિવસે ઘરકામમાં પણ સાફસફાઈ માં એટલી જ મદદ કરતો. ધરાનાં જન્મ પછી શાક લાવી આપવાથી માંડીને મારી દરેક જરૂરિયાતની વસ્તુની મને હોમ ડિલીવરી જ આપી છે, ધરાની નેપી પણ એણે વગર સૂગે બદલી આપી છે, લગ્ન પ્રસંગ હોય ત્યારે એનાં એક ખભે ધરાની ડાયપર બેગ પણ હોય અને એક હાથમાં ધરા હોય, કારણ માત્ર એક જ કે મારે તો મારી સાડી સાચવવાની ને, અને તોય કહેઆય તો એ પુરુષ જ...

આજે આલોકનાં આટલાં ત્રણ ત્રણ ફોનમાં મને એક જ્ઞાન લાધ્યું કે આપણે સ્ત્રીઓ ભલે એમ સમજીએ કે જો આપણે હડતાલ પર ઉતરીએ તો પુરુષો બિચારા શું કરે, પણ ખરેખર તો એક સત્ય એ પણ નકારી ન જ શકાય કે જેમ જેમ સ્ત્રીઓ પુરુષ સમોવડી બનતી જાય છે તેમ બિચારા પુરુષોય કંઈ ઓછાં નથી ઉતરતા, સ્ત્રીસમોવડાં બનવામાં તેઓ પણ ઘરનાં શાકવાળાં, સંતાનને તેડીને આપણો શૉ સાચવી લેવા વાળા તેડાગર, અએ આપણી જીદોને સંતોષવા માટે નોકરી કરીને કમાવા જનાર એટીએમ મશીન્સ પણ છે આ પુરુષો, અને તોય સ્ત્રીઓ જ્યાં ભેગી થાય ત્યાં અમારાં એ તો આમ, એમને તો આવું જરીયે ન ચાલે, પણ બિચારો પુરુષ કરે શું જ્યાં એનું જ કંઈ નથી ચાલતું ત્યાં.... અને એવાં વિચારોને જ સીસીડી આવી જતાં બ્રેક લાગી... જોયું તો હું જ પહેલી હતી, મને મને ફરી મારાં એક જ્ઞાન પર ગર્વ થયો કે બિચારો તો બિચારો પણ પુરુષ બિચારો કરે શું? એને તો સ્ત્રીઓ ની જેમ પંચાત કરોને હળવા થતાં પણ નથી આવડતું, તો બોલો મિત્રો તમે જ કહો છે આપની પાસે આનો કોઈ હલ?


પ્રવાસ પંથેઃ શ્ર્લોકા પંડિત

shlokapandit@gmail.com

મહાબળેશ્વર તથા પંચગીની.

આ એવી જગ્યાની વાત છે કે જે જગ્યા એ જવા માટે સામાન્ય રીતે એવી છાપ હોય કે આ જગ્યા તો ખુબ જ ભીડ વાળી હોય છે એટલે ફરવા નો આનંદ નાં લઈ શકાય. પણ હકીકત માં તો દરેક જગ્યા એ જગ્યા વિશેષ હોય છે જો એ મળી જાય તો મજ્જા જ મજ્જા.

મહાબળેશ્વર એટલે મહારાષ્ટ્રનાં સતારા જિલ્લામાં આવેલું એક હિલ સ્ટેશન. ખુબ જ સારો જંગલ વિસ્તાર પણ ત્યાં આવેલો છે પરંતુ ખુબ જ વધારે પડતા કોમાંર્શેયાલીઝમ નાં લીધે જંગલનો ભાગ ઓછો જોવા મળે છે. પ્રકૃતિ એ પોતાનું સૌંદર્ય ખોબલે ખોબલે વેર્યું છે આ જગ્યાઓ ઉપર. પણ તો જ માણી શકાય જો ખરા સમયે જાવ તો. તે જ રીતે ત્યાંથી ફક્ત ૨૦ કી.મી નાં અંતરે આવેલું પંચગીની ખરા અર્થમાં પ્રાકૃતિક સૌંદર્ય થી ભરપુર છે. ત્યાના વાતાવરણમાં એક અલગ જ પ્રકારની શાંતિ છે જે મનને પણ શાંત કરે છે. પુના અથવા મુંબઈથી મહાબળેશ્વર પહોચવાનો રસ્તો પણ પોતાનામાં એક સુંદર ડેસ્ટીનેશન છે.

કેવી રીતે પહોચવું?

જો ટ્રેન દ્વારા જવું હોય તો વાથર એ સૌથી નજીક નું સ્ટેશન છે જે મહાબળેશ્વર થી ૬૦ કી.મી દુર છે પરંતુ સગવડતા પ્રમાણે જો પુના ઉતરવામાં આવે તો ફ્રિકવન્સી વધુ રહે છે વાહનો મળવાની. જો બસ દ્વારા જવું હોય તો મુંબઈ તથા પુનાથી ખુબ જ મોટા પ્રમાણમાં પ્રાઈવેટ તથા મહારાષ્ટ્ર રોડ ટ્રાન્સપોર્ટની બસ મળી શકે છે. જો પ્લેન દ્વારા જવું હોય તો નજીક નું એરપોર્ટ પુના છે અને ત્યાંથી ટેક્ષી અથવા બસ દ્વારા પહોચી શકાય છે.

ક્યારે જવું? આમ તો મહાબળેશ્વર તથા પંચગીની બારે મહિના જઈ શકાય છે તથા દરેક ઋતુમાં ત્યાં જવાનો એક અલગ જ ચાર્મ છે.

ડીસેમ્બરથી ફેબ્રુઆરી :

આ સમયગાળા દરમિયાન ઠંડી સારી એવી હોય છે અને આ સમયગાળો ત્યાં જવા માટે શ્રેષ્ઠ કહી શકાય. માર્ચ થી જુન: આ ગરમીનાં સમયગાળા દરમિયાન પણ ત્યાંનું વાતાવરણ આહલાદક હોય છે તથા વેકેશન નો લાભ મળે છે. જુન થી સપ્ટેમ્બર : આ સમયગાળામાં વરસાદની ઋતુનાં કારણે પર્વતીય સૌંદર્ય ને ખુબ જ સારી રીતે માણી શકાય છે. લીલાછમ વ્રુક્ષો વચ્ચેથી પસાર થવા એ પોતાનામાં જ એક અનેરો આનંદ છે તથા ઓફ સિઝન હોવાના લીધે ઘણા ઓછા ખર્ચ માં ફરી શકાય છે. ઓકટોબરથી નવેમ્બર: ગુલાબી ઠંડીની આ મોસમમાં પણ ત્યાનું વાતાવરણ ખુબ જ આહલાદક અને ચોક્ખું હોય છે.

જોવાલાયક સ્થળો:

મહાબળેશ્વર :
૧. મહાબળેશ્વર મંદિર.
૨. પ્રતાપગઢ ફોર્ટ
૩. મેપ્રો ગાર્ડન તથા સ્ટ્રોબેરી ફાર્મસ
૪. એલીફન્ટ’સ હેડ પોઈન્ટ
૫. વેન્ના લેક
૬. સનસેટ તથા સનરાઈઝ પોઈન્ટ
૭. મહાબળેશ્વર માર્કેટ.

પંચગીની :
૧. ટેબલ લેંડ જવા માટે ટ્રેકિંગ કરીને પણ જઈ શકાય છે અને ટેક્ષી દ્વારા પણ જઈ શકાય છે. ખુબ જ ફેમસ જગ્યાઓ માં ની એક જગ્યા એટલે ટેબલ લેન્ડ. ત્યાં ઘોડાગાડી નો આનંદ લેવા જેવો ખરો. અને ત્યાં જ જુદા જુદા સાઈટ સીઈંગ નાં પોઈન્ટ છે.

રોકાણ :

મહાબળેશ્વર તથા પંચગીની બંને જગ્યા એ દરેક પ્રકારની હોટેલો, ધર્મશાળાઓ અને અલગ અલગ જ્ઞાતિઓનાં સેનેટોરિયમ આવેલા છે. પોતપોતાની અનુકુળતા તથા બજેટ પ્રમાણે મળી શકે છે. પણ મારા મત પ્રમાણે રોકાણ પંચગીનીમાં કરવું જ યોગ્ય છે તો જ સાચા અર્થ માં ભીડભાડ થી દુર ફર્યા નો આનંદ મળશે. ખુબ બધા સારા સારા સેનેટોરિયમ છે જેમાં સૌથી સરસ છે શારદા આરોગ્ય ધામ. અને પંચગીની રોકાઈને એક એક દિવસ કરી ને ટેક્ષી દ્વારા મહાબળેશ્વર, પ્રતાપગઢ જેવી જગ્યાઓ એ ફરી શકાય છે.

શોપિંગ :

શોપિંગ રસીયાઓ માટે મહાબળેશ્વર ની માર્કેટ સ્વર્ગ સમાન છે. ખુબ જ બધા પ્રકાર ની અલગ અલગ વસ્તુઓ ત્યાં મળી રહે છે. જેમાં સ્પેશયલી ચપ્પલ, પર્સ, લાકડાની વસ્તુઓ છે. બ્રાન્ડેડ ચપ્પલની ખુબ જ સારી નકલ ત્યાં મળે છે. જે ખુબ જ ટકાઉ પણ હોય છે, આ ઉપરાંત મેપ્રો, માલા જેવી કંપનીમાંથી શરબત, મધ, જેલી જેવી વસ્તુઓ પણ ખુબ જ સારી અને ફ્રેશ મળે છે. તો કરાવો બુકિંગ અને ઉપડી જાઓ મહાબળેશ્વર તથા પંચગીની.


નાની – નિનિઃ કુંજલ પ્રદીપ છાયા
kunjlkalrav@gmail.com

નસીબજોગે ન જીવાય, નિનિ!

જમતેવેંત નિનિ ટી.વીની નજીક જ જમીન પર બેસીને લેશન કરવા એનાં થોથાં ખોળામાં લઈને ગોઠવાઈ. દરરોજ જમી પરવારીને જોતાં હોય એવી પારિવારિક પટ્ટકથાઓનો રસાલો ટેલિવિઝનમાંથી પ્રસારિત થઈ રહ્યો હતો. નિનિબેન થોડુંક એમની નોટબુકમાં ટાંપે થોડું ટી.વીમાં ડોકિયું કરે ને વળી જો એમાં અંતરાલ આવે, “હાઝિર હૈ બ્રેક કે બાદ..” એટલી વારમાં ઝટપટ આગ લાગી હોય એમ ઉતાવળે વાંકી વળીને નિન્કું આંગળીનાં વેઢાં ઘસતી દાખલાની ગણતરી કરી લે. થોડીવાર સુધી તો આ બધું જોયા કર્યું નાનીબાએ અને નિનિનાં મમ્મીને ઈશારો કર્યો.

નિનિનાં મમ્મીઃ નિન્કુ બેટા, ટી.વી જોતે લેશન ન કરાય. તારા રૂમમાં જા નહિ તો જમવાનાં ટેબલ પર બેસીજા.. જોઉં.

નિનિએ એક – બે વાર ખભા ઉછાળીને નકારમાં ડચકારા કર્યા. પછી પણ ન માની એટલે એનાં મમ્મીએ એને ખભેથી ઉંચકી, ઢસડીને ટેબલ ખુરશીએ બેસાડી. જરાવાર આનાકાની કરીને થોડું ડૂંસકું ભરતે એ ચોપડીમાં મોં ઘાલીને બેસી રહી. એનાં મમ્મી ટી.વી જોવામાં મશગૂલ થયાં ત્યાં તો નિનિબેનનાં મોટેથી રોવાનો અવાજ આવ્યો. જરાવારમાં મમ્મી – પપ્પા એની આસપાસ પહોંચી ગયાં.

નિનિનાં પપ્પાઃ શું થયું હવે આને?
નિનિનાં મમ્મીઃ પૂછો એને જ. તમારી લાડલી છે ને? અમે કંઈ એનાં દુશ્મન નથી..
નિનિનાં પપ્પાઃ પણ એ બોલે તો ખબર પડેને?
નિનિનાં મમ્મીઃ કે હવે તારા પપ્પાને. ખા મારી રાવ. કે મમ્મી ટી.વી નથી જોવા દેતી.. મમ્મી લેશન કરવા પરાણે ખુરશી પર બેસાડી દીધી..

નિનિને બરડે ઠપકો આપતે એનાં મમ્મી બોલ્યાં. સાથે એનાં પપ્પા પણ એક હાથ કમર પર અને બીજો હવામાં ઉગામતા બોલતા હતા. એમનો અવાજ અચાનક વધી ગયો અને નિનિનાં રડવાનો બંધ થયો. નાનીબા બંકોડો લાદી પર ઠોકતે ઊભાં થયાં.

નાનીબાઃ એ પહેલાં કો’ક આ પિટિયા ટી.વીનું મોઢું બંધ કરો. એ ઈએ ભેગો ભડભડ કરે…

નાનીબાનાં લહેકાને સાંભળીને નિનિ નાનકડી હથેળીઓ દાબીને મોં છૂપાવતી હોય એમ હસી પડી. ચોક્ઠા વિનાનાં બોખાં નાનીબા પણ મીઠડું હસી પડ્યા. નિનિનાં મમ્મી – પપ્પા અને નાનીબા પણ જમવાનાં ટેબલ પર ગોઠવાયા અને નવેસરથી ગોળમેજી પરિસદ યોજાઈ.

નિનિનાં પપ્પાઃ ચાલ, હવે કેહ મારું વાહલું નિન્કું, કેમ રડી?
નિનિઃ મને મમ્મીએ..
નિનિનાં મમ્મીઃ જોયું? મેં ધાર્યું જ હતું કે મારા પર આળ મૂકશે આ.. મેં તો બાના ઈશારાથી..
નાનીબાઃ બોલો આણે હવે મુજ ડોશી પર દોસનો ટોપલો ઢોળ્યો.

પહેલાં તો સૌ હસી પડ્યાં. અને શાંતિથી એનાં પપ્પાને વાત કરી. નિનિ ટી.વી જોતે લેશન કરશે તો એને યાદ નહિ રહે એ સમજાવ્યું. અત્યારે ગૃહકાર્યામાં આપેલ કામ પરિક્ષામાં પૂછાય અને ન આવડે તો? એવી બીક પણ બતાવી. પણ શાણપણમાં સમજી જાય એ નિનિબેન શાનાં?

નિનિઃ પણ મને યાદ રહે છે. હું ટી.વી જોતે લેસન કરી લઉં છું. કેમ સજાવું તમને લોકોને?
નાનીબાઃ તારી માને હું સૂવા પહેલાં રોજ પા’ડા બોલાવતી. તને કેટલા સુધી આવડે છે? ચાલ બોલ...
નિનિઃ પા’ડા એટલે?
નિનિનાં મમ્મીઃ બા આ લોકોને પા’ડા તો શું, આંકમાંય ન સમજે એમને ટેબલ્સઝ કહિએ તો સમજશે.
નાનીબાઃ હ્મ્મ તો કેટલા સુધી ટેબલ્સ આવડે છે?
નિનિઃ એ તો કાઉન્ટ કરી લેવાયને.. એક્ઝામમાં…
નાનીબાઃ એમ નહિ, કડોકડ મોંએ આવડવા જોઈએ. ચાલ પૂછું તને.. ઓગણીસ પંચાં..?

નિનિએ મોં વકાસ્યું. નિનિનાં મમ્મીએ નાઈન્ટિન ફાઈઝા પૂછ્યા. અને એણે માંડ ત્રણેક વખત ખોટા જવાબ પછી પંચાણું અને પણ અંગ્રેજીમાં નાઈન્ટી ફાઈવ કહ્યું.

નાનીબાઃ જો નિનિ તું અમારી લાડકી છો. તને ખિજાતા નથી. પણ આમ બીજે ધ્યાન હોય અને લેશન ન કરાય. તારી માને મેં જ ઈશારાથી કહ્યું કે નિનિને લેશન કરવા બીજે બેસાડ. એમાં આમ ધતિંગ કરવા મંડી? હેં? એમ કંઈ રોવાય?
નિનિનાં પપ્પાઃ બા તમે સારું જ ચેતવ્યું. નિનિને ભવિષ્યમાં પણ આ શીખ કામ લાગશે.
નિનિનાં મમ્મીઃ શું કરે એ પણ? આપણેય સમજીએ જ છીએ કે આખો દિવસ સ્કુલ અને ટ્યુશનની સાથે હોબી ક્લાસ પણ કરે, એને રમવા કે ટી.વી જોવા માંડ વારો આવે અને એય આપણે જોતાં હોઈએ એવી રોતલ સીરીયલો જોવે અને એવું જ અનુસરે.
નાનીબાઃ સાચી વાત છે. પણ હવે એની રમત – ગમતનું ધ્યાન તારે વધારે રાખવું, બીજું શું.
નિનિનાં મમ્મીઃ હા, સાચી વાત છે.
નાનીબાઃ જો નિન્કું, હું કે તારી મા કે તારો પપ્પો તને સમજાવી શકીએ. ભણવામાં થોડીઘણી મદદ કરી શકીએ પણ ભણીગણીને આગળ મોટી સાહેબ થવું હોય તો તારે મહેનત વધારે જ કરવી પડશે. મહેનત તો જ લેખે લાગશે જો તું એક ધ્યાનથી ભણે. એકવાર ઝટપટ લેશન કરીને પછી ટી.વી. જોવા બેસાય હો.
નિનિઃ પણ નાનીબા મને બધું આવડી જ જાય છે. ચિંતા ન કરો ને…
નાનીબાઃ એ તો તું બવ હુશિયાર છે તે… એટલે આવડી જ જાય.

નાનીબાએ નિનિને વહાલથી સમજાવ્યું કે કાયમ એને ગણિતનાં દાખલા તરત આવડી જાય એવું ન પણ બને. ક્યારેક પરિક્ષામાં એનું વાંચેલું રખેને યાદ ન આવે તો? નસીબ પર આધાર રાખીને ભણતરનો પાયો ન રખાય.

નાનીબાઃ તું ભણીશ ને સારા અંકે પાસ થઈશ તોય એ તારા નસીબ અને ભણ્યાં વગરેય સારામાં સારા ગુણ આવી જાય તોય તારા નસીબ. બાકી મહેનત કરવામાં કાચી ન પડતી હો..

ઊંઘરેટાં અવાજે હુમ્મકારા નિનિ આપતી હતી. એટલે સૂવાની તૈયારી કરવા નિનિનાં મમ્મી – પપ્પા ઊઠ્યાં. નાનીબાએ એની નોટબુક અને ચોપડાઓ થેલામાં મૂકીને ઉંચકી લીધી. થાબડતે એને એનાં કમરામાં લઈ જઈ સુવડાવી.


વાર્તાસ્પર્શઃ મનીષા જોબન દેસાઈ
mn_desi@yahoo.com


માનાં આશિર્વાદ

"શું કરે છે ઉપવન? મારે મોડું થાય છે, આજનો ક્લાસ નહીં ભરું તો ઘરે કમ્પ્લેઇન જશે." કહેતા રાજવી લેપટોપ લઇ ઉભી થઇ.

ઉપવન ત્રણ ફ્રેન્ડ સાથે શેરીંગમાં ફ્લેટ લઇ રહેતો હતો .કંપનીની સરસ જોબ હતી. અને રાજવી સાથે ઉપવને આજે સમય ગાળવાં રજા લીધી હતી. નાનાં શહેરમાંથી મુંબઈ આવ્યો હતો. નજીકની કોલેજમાં ભણતી રાજવીનાં પ્રેમમાં .ઘરે મમ્મી પપ્પાએ કોઈ છોકરી જોઈ રાખી હતી પણ કોઈ જવાબ આપતો નહોતો.

રાજવી અત્યંત પૈસાવાળા ગુજરાતી બીઝનેસમેન અરવિંદભાઈની એકની એક દીકરી. ઉપવન કંપનીની બસ માટે રાહ જોઈ ઉભો હોય ત્યારે રાજવી બાજુનાં ફૂડ કોર્નર પર આવે અને બંને પ્રેમમાં પડી ગયા .ઉપવન એટલો હેન્ડસમ હતો કે કોઈ પણ છોકરી એને જોઇ રહેતી.

"મેં આજે તારે માટે રજા લીધીને તું આવું બહાનું કરે એ કેમ ચાલે?" કહી ઉપવને એને હાથ પકડી પાછી નજીક ખેંચી લીધી. રાજવી પણ લાગણીનાં પ્રવાહમાં....... ને છ વાગ્યા એટલે ઘરે જવા નીકળી. રાજવી જાણતી હતી કે ભણવાનું પૂરું થતા જ ઘરમાંથી એને લગ્ન માટે દબાણ થશે. વીકેન્ડમાં ખંડાલાનો ગ્રુપ પ્રોગ્રામ છે કહી ઉપવન સાથે નીકળી ગઈ અને થોડા મિત્રોની હાજરીમાં લગ્ન કરી લીધા.

"સ્ટડી પૂરું થવા સુધી મારા ઘરે જ રહીશ."

`"ઓકે, પણ સવારે વહેલા આવી પતિ માટે નાસ્તો તો કરશોને મેડમ, જમવાનું તો કેન્ટીનમાં ચાલે છે." કહી ખોળામાં માથું મૂકી હસતા હસતા જોવા માંડ્યો. ને રાજવી "પ્લીઝ, થોડો સમય સાચવી લેને એક્સ્ટ્રા ક્લાસનું બહાનું છે જ, ટ્રાઈ કરીશ. ને હવે, બીજું નવું ઘર જોવા માંડ."

ભાડે નવું ઘર લઈને શીફ્ટ પણ થઇ ગયો. ઘરમાં પત્ર લખી રાજવી બધું જણાવી પરીક્ષા પછી થોડો સામાન લઇ ઉપવન પાસે જતી રહી. ઉપવને ઘરે ફોનથી બધું જણાવ્યું અને થોડા સમયમાં મળવા આવશું એમ જણાવ્યું. સપનાનો સંસાર તો વસી ગયો પણ એમાં ચાલતાં ચાલતાં રાજવીને વાસ્તવિકતાની ધરતી વધુ આકરી લાગવા માંડી. ઘર સાથે સંપૂર્ણ સંબંધ તૂટી ગયો હતો. ઉપવન પિતાનાં મૃત્યુ બાદ મમ્મીને સાથે મુંબઇ લઇ આવ્યો હતો.

શાસ્ત્રીય સંગીતના વિશારદ એવા શાલીનીબેન મધ્યમવર્ગીય મહારાષ્ટ્રિયન ખૂબ પ્રેમાળ માં. સાદું જીવન જીવનારા. ઘરે બાળકો માટે શીખવવાનાં ક્લાસ પણ શરુ કર્યા. બહારનાં ખર્ચ અને રસોયો રાખવાની જીદ માટે રાજવીને થોડી ટકોર કરી. જેમાં રહેતા હતાં એજ ફ્લેટ ખરીદવાના હપ્તા પણ ચાલતા હતા.

રાજવીને આ બધું પોતાની પ્રગતિ રોકતું હોય એવું લાગ્યું.

“મારાથી કઈ નોકરી ને આ બધું નહિ થાય. હું તો લોન લઇ મારો બીઝનેસ શરુ કરવા માંગુ છું.” અને ઉપવન પોતાની માંના અપમાનથી મનમાં સમસમી જતો. પણ રાજવીને પ્રેમથી સમજાવી લઈશ એમ માની આગળ વધ્યે જતો હતો. રાજવીએ લોન લઇ નાનાં બાળકોનાં ડ્રેસ બનાવવાનું યુનિટ શરુ કર્યું. ટ્રેડ ફેર વગેરેમાં ઘણા એક્ઝીબીશન કર્યા પણ... વિદેશી સામાનની સ્પર્ધામાં એમ કઈ ટકવું સહેલું થોડું હતું? રાત દિવસની મહેનત પછી પણ બેંકની લોન ભરપાઈ ન કરી શકવાને કારણે વારવાર બેંકમાંથી ઉઘરાણી માટે દબાણ થવા માંડ્યું. આવી તંગ પરિસ્થિતિમાં રાજવીની વાતોમાંથી પામી ગયા હતા.

અચાનક એક દિવસ સવારમાં અરવિંદભાઈ – રમાબેન ઘરે આવી ચઢ્યા.

રાજવી બધાને ભેટી ખૂબ રડી અને માફી માંગી. વાતો કરતા બેઠા હતા. "વાહ, મારી દીકરીએ એકલે હાથે હિંમતથી જીવન સર્જ્યું છે. સરસ રીતે કામ આગળ વધાર. કેમ છે આ વખતનું ટર્નઓવર? તારી ફ્રેન્ડ મળી હતી એણે બધું જણાવ્યું અને એડ્રેસ લઈ અહી આવ્યા."

"પપ્પા હમણાં તો ....."

અચાનક શાલીનીબેન એને રોકતા બોલ્યાં,"દીકરા તારો ચેક લખીને ઉપવન આપી ગયો છે તે તો ભૂલી જ ગઈ, જલ્દીથી પહેલા ડીપોઝીટ કરી દે." કહી, બાજુનાં પર્સમાંથી ચેક આપ્યો અને બોલ્યા "અરવિંદભાઈ – રમાબેન પહેલા નાસ્તો તો કરો પછી દીકરી સાથે બેસી શાંતિથી વાત કરો." અને રાજવીએ ચેક જોયો , શાલીની માની સહી અને વધારાના ૬ મહિના માટેનો બીજો ચેક.

રાજવી સામે જોઈ રહી. "પ્લીઝ, પપ્પા, તમે બેસજો હું જરા નજીકની બેંકનું કામ પતાવી હમણાં આવું." આવીને પાછા બધા વાતે વળગ્યા. અને માએ વખાણ કરતા કહ્યું ખૂબ મહેનતુ છે મારી વહુ, ઘર સાથે કામ પણ બહુ સરસ સંભાળે છે."

"અરે, દીકરી કોની છે?" અરવિંદભાઈ બોલ્યા. તરત રાજવી બોલી, "પપ્પા હવે હું તમારી દીકરી પછી અને મારા આ મા પહેલા, અમારા મા નહિ હોત તો હું આટલું ન કરી શકી હોત. પપ્પા મમ્મીનાં ગયા બાદ માને વળગી રાજવી ખૂબ રડી.

મા બોલ્યા "દીકરા, સમઝદારીથી ઘરમાં અને કામ સાથેની બચત કરજે એમાં જ તારા પતિ અને મારા દીકરાનું સન્માન જળવાઈ રહેશે. અમે તો હમેંશા તારી સાથે જ છીએ."