Isha and Aakash Reliance ma su kamgiri kare che in Gujarati Magazine by upadhyay nilay books and stories PDF | ઇશા અને આકાશ રિલાયન્સમાં શું કામગીરી કરે છે

Featured Books
Categories
Share

ઇશા અને આકાશ રિલાયન્સમાં શું કામગીરી કરે છે

ઇશા અને આકાશ રિલાયન્સમાં શું કામગીરી કરે છે ?

નવી પેઢી કંપનીમાં આવ્યા પછી ક્યાંક વિરોધ તો ક્યાંક વધારે ઉજળા ભવિષ્યનો આશાવાદ સૌને દેખાતો હોય : પ્રોડક્ટ ઇનોવેશન અને માર્કેટિંગમાં ગ્રાહકોની માગ સંતોષી શકે અને શેરધારકોને સારું વળતર આપે તો હાલની પેઢી પણ સફળ જ નીવડવાની

- નિલય ઉપાધ્યાય

ભારતમાં ગરીબનું સંતાન ગરીબ અને અમીરોનું સંતાન અમીર અને ધનકુબેર જ થાય. ગરીબ વ્યક્તિનું સંતાન ધનિક કે સધ્ધર બને તો એની ગણના સમાજમાં થાય. અમીરોનું એવું નથી. અમીરોના સંતાનો કશું ન કરે તો સમાચાર બને પણ જો એના જ ધંધા કે ઉદ્યોગમાં આગળ ધપે તો બિગ ન્યૂઝ ગણાય. કોઇ કોર્પોરેટ કંપનીના વારસદાર હોય તો તો પિતા કરતા વધારે હોંશિયાર સાબિત થવાની જવાબદારી વધી જાય. ભારતમાં ઘણી કંપનીઓ એવી છે કે જે તેના પિતાએ શરું કરેલી અને તેના સંતાનો કે બીજી પેઢી વહીવટ ચલાવી રહી છે. અથવા તો વહીવટ ચલાવવા માટે તૈયાર થઇ ગઇ છે. ચાંદીની નહીં સોનાની ઘણીબધી ચમચીઓ લઇને જ જન્મેલા કોર્પોરેટ્સના સંતાનોને બાળપણથી જ પિતાની કંપની કે તેની પેટા કંપની ચલાવવા માટે માનસિક રીતે તૈયાર કરવામાં આવ્યા હોય છે. યુવાન થઇને તે વિદેશી યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવે છે અને પછી વિદેશની જ કોઇ કંપનીમાં નાનો મોટો હોદો સંભાળીને પોતાના પિતાની કંપનીમાં મોટું પદ મેળવવા કાર્યક્ષમ બની જાય છે. ભારતમાં રિલાયન્સ, અદાણી, વિપ્રો, ગોદરેજ અને બિરલા વગેરે જેવી જાયન્ટ કોર્પોરેટ્સના સંતાનો હવે ધીરે ધીરે પોતાની કંપનીના કારોબારમાં મહત્વના પદ પર આવવા લાગ્યા છે. આ કંપનીઓનું વિસ્તરણ અને જવાબદારીઓ એટલી બધી વધી ગઇ છે કે તેના સંતાનોને પણ સક્રિય ભાગીદાર થવા માટે કોર્પોરેટ માતાપિતા મહત્વના હોદા આપવા લાગ્યા છે. ઉપર જણાવ્યું તે બધી જ કંપનીની બીજી-ત્રીજી કે નવી પેઢીના સંતાનો બિઝનેસનો કારભાર સંભાળવા લાગ્યા છે. કેટલાક હજુ નવા છે તો કેટલાક કોર્પોરેટસના સંતાનોએ કંપનીને મહત્વની ઉંચાઇ સુધી પહોંચાડવાની શરુઆત પણ કરી દીધી છે. કંપનીમાં ઉચ્ચ હોદાઓ પર બિરાજીને કરોડો રુપિયાના પગાર લેતા પણ થઇ ગયા છે. એમના પિતાને પણ જેટલા પગાર ભૂતકાળમાં નહીં મળ્યા હોય તેના કરતા ઘણા વધારે રૂપિયા મળવા માંડ્યા છે. આપણે અહીં કોર્પોરેટસના આવા ટેલેન્ટેડ સંતાનોની વાત કરવી છે.

ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની રિલાયન્સ કંપનીની જ વાત કરીએ તો એની નેટવર્થ 22.1 અબજ ડોલરની છે. તેની નવી પેઢી ધીરુભાઇએ રચેલા બિઝનેસ સામ્રાજ્યમાં આવી ચૂકી છે. મુકેશભાઇના સંતાનો ઇશા અને આકાશ હાલમાં જ અનુક્રમે રિલાયન્સ જીયો ઇન્ફોકોમ અને રિલાયન્સ રિટેલ વેન્ચરના બોર્ડમાં ડાયરેક્ટર તરીકે આરુઢ થયા છે. મુકેશ અંબાણીના ત્રણ સંતાનો છે. ઇશા, આકાશ અને સૌથી નાના સંતાનમાં અનંત અંબાણી. ઇશા અને આકાશ જોડીયા ભાઇ બહેન છે.

ઇશા અંબાણીએ યેલ યુનિવર્સિટીમાં અન્ડરગ્રેજ્યુએશન કરેલું છે. સાઇકોલોજી અને ઇન્ડિયન સ્ટડીમાં માસ્ટર કર્યુ છે. બિઝનેસ એનાલિસ્ટ મેક કિન્સે એન્ડ કંપનીમાં વિશ્લેષક તરીકે કામ કર્યુ છે. અત્યારે તે રિટેઇલ બિઝનેસમાં કાર્યરત છે. આકાશે મુંબઇમાં રિલાયન્સ જીયોમાં કામગીરી શરું કરી દીધી છે. આકાશ બ્રાઉન યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સમાં માસ્ટર થયેલો છે. આકાશને ક્રિકેટનો શોખ છે એટલે તે રિલાયન્સની ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સ સાથે સંકળાયેલો છે. કેટલાક કોર્પોરેટ વિશ્લેષકો બન્ને સંતાનોના બિઝનેસમાં ડાયરેક્ટર તરીકેના પ્રવેશને પ્રિમેચ્યોર ગણાવે છે, જોકે એ પણ જાણવું જરુરી છે કે ખુદ મુકેશભાઇએ ધીરુભાઇની સાથે ફક્ત 24 વર્ષની ઉંમરે કંપનીમાં કામ કરવાનું શરું કરી દીધેલું ! મુકેશભાઇનો ત્રીજો દિકરો હજુ બિઝનેસમાં જોડાયો નથી. તેનું નામ અનંત છે પણ તેણે 108 કિલો વજન ઉતારીને હમણાં ધૂમ પબ્લિસીટી મેળવી હતી.

રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી પણ કોર્પોરેટ વર્લ્ડમાં જાયન્ટ છે. તેમનું રિલાયન્સ ગ્રુપ 600 અબજ yરપિયાનું કદ ધરાવે છે. અનિલ અને ટીનાના મોટાં પુત્ર અનમોલ અંબાણીએ રિલાયન્સ કેપીટલના બોર્ડમાં એડિશ્નલ ડાયરેક્ટર તરીકે એન્ટ્રી મારી છે. અનમોલે વોરવીક બિઝનેસ સ્કૂલમાં મેનેજમેન્ટ વિષયમાં ગ્રેજ્યુએશન કરેલું છે. બીજા વિદ્યાર્થીઓ 18 વર્ષની ઉંમરે હજુ કેરિયર નક્કી કરતા હતા ત્યારે અનમોલે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડમાં બે મહિનાની ઇન્ટર્નશીપ કરી નાંખી હતી. કંપનીના બોર્ડ દ્વારા નોમીનેશન આવ્યા પછી જ તેની પસંદગી એડિશ્નલ ડાયરેક્ટર તરીકે થઇ છે. હવે નવી એજીએમમાં રિલાયન્સ કેપીટલના ફૂલટાઇમ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે વરણી થવાની છે. 2014માં રિલાયન્સ કેપીટલમાં જોડાયો ત્યારે રિલાયન્સ લાઇફ ઇન્સ્યુરન્સ અને રિલાયન્સ કેપીટલ એસેટ મેનેજમેન્ટ કંપનીએ જાપાનની જાયન્ટ કંપની નીપ્પોન સાથે કરાર કરેલા. બન્ને કંપનીઓમાં અત્યારે નીપ્પોનનો હિસ્સો 49 ટકા જેટલો છે.

ગોદરેજ ગ્રુપ ભારતનું શક્તિશાળી માહેનું એક છે. અદી ગોદરેજના ત્રણ સંતાનોમાં દિકરી તાન્યા, નિશા અને પુત્ર પીરોજશા બધા જ ગોદરેજ જૂથની કંપનીઓમાં સક્રિય રીતે જોડાયેલા છે. નિસાબા કે જેનું હુલામણું નામ નિશા છે તેની ઉંમર 38 વર્ષની છે. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનો બિઝનેસ જૂએ છે. ઉપરાંત ગોદરેજ એગ્રોવેટ અને ટેક ફોર ઇન્ડિયાના બોર્ડમાં છે. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝમાં હ્યુમન કેપીટલ અને ઇનોવેશન માટે જે કોઇ કામગીરી થઇ રહી છે તે વિભાગના પ્રમુખ છે. આ જ કંપનીમાં બિઝનેસ ડેવલપમેન્ટ વિભાગમાં એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસીડેન્ટ છે. મેનેજમેન્ટ વિભાગોમાં ઉચ્ચ સ્તરે થતી તમામ ભરતીમાં તે સક્રિય હોય છે. તેના પિતાની માફક જ એકદમ હોંશિયાર, ચપળ અને બાહોશ છે. નિશાએ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાની હાર્ટન સ્કુલમાં બીએસસી કરેલું છે. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં એમબીએ કરેલું છે.

નિશાના મોટાં બહેન તાન્યા 48 વર્ષના છે અને તેનો નાનો ભાઇ 35 વર્ષનો છે. ત્રણેય ગોદરેજ જૂથમાં મહત્વના હોદાઓ પર સફળ કામગીરી કરી રહ્યા છે. પીરોજશા ગોદરેજ પ્રોપર્ટીઝના એમ.ડી. અને સીઇઓ છે. 2012થી આ પોસ્ટ સંભાળે છે. વ઼્હાર્ટન સ્કૂલ ઓફ બિઝનેસમાં ગ્રેજ્યુએટ કરીને પીરોજશાએ આંતરરાષ્ટ્રીય પ્રવાહોમાં એમબીએની ડિગ્રી કોલંબિયા યુનિ.માં લીધી છે.

અદાણી જૂથના ગૌતમ અદાણી પુત્ર કરણ અદાણી જૂથમાં સક્રિય છે. કરણ અદાણીને અદાણી પોર્ટ એન્ડ એસઇઝેડમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. હાર્વડ સ્કૂલમાં ભણેલા ટેક ટાઇકૂન અઝીમ પ્રેમજીના પુત્ર રશીદ પ્રેમજી હવે વિપ્રોના બોર્ડમાં આવવાની તૈયારી કરી રહ્યા છે. જોકે આ બધામાં એક અપવાદરુપે વિપ્રોના સાતમાંથી એક ફાઉન્ડર એન.આર. નારાયણ રિટાયર્ડ થયા છે. તેન સંતાનોએ આ બિઝનેસમાં ક્યારેય રસ લીધો નથી. વચ્ચે એક વખત ઇન્ફોસીસની કામગીરી નબળી થવા લાગી હતી ત્યારે તેના પુત્ર રોહન મૂર્તિએ કારભાર થોડો સમય સંભાળ્યો હતો. જોકે એણે થોડાં સમયમાં વિદાય લઇ લીધી હતી.

ભારતની જાયન્ટ કોર્પોરેટ કંપનીઓ હાલની પેઢીના પરદાદા, દાદા કે પિતાએ ઉભી કરેલી છે. તેની શાખને આધારે શેરહોલ્ડરો અને લોકો તેના પર ભરોસો કરી રહ્યા હોય છે. નવી પેઢી કંપનીમાં આવ્યા પછી ક્યાંક વિરોધ તો ક્યાંક વધારે ઉજળા ભવિષ્યનો આશાવાદ સૌને દેખાતો હોય છે. નવી પેઢી પ્રોડક્ટ ઇનોવેશન અને માર્કેટિંગમાં ગ્રાહકોની માગ સંતોષી શકે અને શેરધારકોને સારું વળતર આપે તો સફળ જ નીવડવાની છે.

--

કરોડોના પગાર લે છે કોર્પોરેટ્સની નવી પેઢી

અંબાણીથી લઇને અદાણી સુધીની કંપનીઓમાં નવી પેઢી હવે કારભાર સંભાળતી થઇ છે. કારકિર્દીના આરંભે જ નવી પેઢીના સૂકાનીઓ કરોડોની માસિક આવક કરતા થઇ ચૂક્યાં છે. સેન્સેક્સમાં સમાવાયેલી ટોચની લિસ્ટેડ કંપનીઓના સીઇઓ વર્ષે સરેરાશ 20 કરોડનો પગાર મેળવે છે. તેના કરતા આવક ઓછી છે. છતાં માતબર છે. ગૌતમ અદાણીના પુત્ર કરણની આવક અદાણી પોર્ટ એન્ડ સેઝના સીઇઓ પદેથી વર્ષે 1.5 કરોડની ઠરાવવામાં આવી છે. આ જ જૂથના ચેરમેન અને એમ.ડી. અને પિતા ગૌતમ અદાણી 2.8 કરોડ 2015-16માં મેળવતા હતા. કંપનીમાં પૂર્ણ સમયના ડાયરેક્ટર મલય મહાદેવીયા 10.7 કરોડ મેળવે છે.

અનિલ અંબાણી જૂથમાં અનમોલ અંબાણી રિલાયન્સ કેપીટલમાં ડાયરેક્ટર તરીકે વરાયા છે. તેનો પગાર 1.20 કરોડ વાર્ષિક નક્કી થયો છે.બીજા ભથ્થા અને કમિશન અલગ મળશે. મુકેશ અંબાણીના સંતાનો આકાશ અને ઇશા કેટલું કમાય છે તે જૂથ દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી. ટીવીએસ મોટર્સના વેણુ શ્રીનિવાસનના પુત્ર સુદર્શન વેણુનો વાર્ષિક પગાર 9.59 કરોડ છે. શ્રીનિવાસનનો પગાર 13.88 કરોડ છે. વિપ્રોના રશીદ પ્રેમજીનો પગાર 2.15 કરોડ છે. તેના પિતા 2.17 કરોડ લ્યે છે. વોખાર્ટના ચેરમેન હબીલ ખોરાકીવાલા 1.32 કરોડ લ્યે છે. તેના સંતાનો હુઝાફિયા (ઇડી) અને મુર્તઝા (એમડી)પ્રત્યેક 1.32 કરોડ લ્યે છે.

સિપ્લાના વાય.કે. હમીદના પૌત્રી સામીના વઝીરલી 2.17 કરોડ ઇડીના પદ માટે લ્યે છે. તેણી ગયા વર્ષે જુલાઇમાં ઇડી બન્યા હતા. હવે તે એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન છે, તેનો નવો પાગર ઉંચો આવ્યો છે. ફ્યુચર ગ્રુપના કિશોર બિયાણીના દિકરી અશ્ની પૂર્ણ સમયના ડાયરેક્ટર તરીકે 69.09 લાખનો પગાર લ્યે છે. સુઝલોનના તુલસી તંતીના દિકરી નિધિનો પગાર 25 લાખ પ્રતિ વર્ષ છે. તુલસી તંતી 1.58 કરોડ લ્યે છે. ડીએલએફના ચેરમેન કે.પી. સિંઘનો પગાર 4.37 કરોડ છે. તેના વાઇસ ચેરમેન પુત્ર રાજીવ સિંઘ 4.42 કરોડ લ્યે છે. કે.પી.ના દિકરી 33 લાખ નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પદ માટે લ્યે છે.

---