એકબંધ રહસ્ય
ભાગ - 19
Ganesh Sindhav (Badal)
ઇઝરાયલે રેતાળ જમીનમાં દૂરનું પાણી પહોંચાડીને ખેતરની પેદાશ વધારી છે. યાંત્રિક ખેતી, ખાતર અને બિયારણના પ્રયોગથી ખેતરો હરિયાળાં બનાવ્યાં છે. આ કારણે જુદા જુદા પાકોનું ઉત્પાદન ધાર્યા મુજબ લઈ શકાય છે. ગુજરાતના ખેડૂતોએ દશ દિવસ સુધી જુદા જુદા વિસ્તારની ખેતીનું નિદર્શન કર્યું. વિઠ્ઠલભાઈનું માનસ પ્રયોગશીલ હતું જ. આ પ્રવાસના કારણે એમને નવા નવા પ્રયોગો કરવાનું બળ મળ્યું. વનવાસી ઉત્કર્ષ સંસ્થાની જમીન પર એમણે કૃષિ સંશોધન કેન્દ્ર શરૂ કર્યું. હાઈબ્રીડ બિયારણના પ્રયોગો પરિણામલક્ષી બન્યા.
વિઠ્ઠલભાઈએ વાવેલા વૃક્ષો ફાલીફુલીને મોટા થયા છે. એ કારણે સંસ્થામાં આવનાર કોઇપણ વ્યક્તિ પ્રસન્નતા પામે છે. સંસ્થામાં ગ્રંથાલય, કાર્યકર નિવાસ અને અતિથિગૃહ એ નવા મકાનો વિઠ્ઠલભાઈ આવ્યા પછીથી બંધાયા. સંસ્થામાં આવનાર મહેમાનના આતિથ્યની કાળજી લેવામાં એ કોઈ કચાશ રાખતા નથી. એ કારણે સંસ્થાની સુવાસ વ્યાપક બની હતી. વિઠ્ઠલભાઈનો વૃક્ષપ્રેમ, કૃષિક્ષેત્રના પરિણામલક્ષી પ્રયોગો અને એમના મૂક વ્યક્તિત્વની નોંધ અવારનવાર અખબારોના પાના પર આવતી હતી. ટી.વી. દ્વારા એમની કામગીરીનું પ્રસારણ થતું હતું.
વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ પ્રદાન આપનારને કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રીનો ખિતાબ આપવામાં આવે છે. આ પુરસ્કાર માટેની પસંદગી વિઠ્ઠલભાઈ માટે થઈ. તેઓ દિલ્હી પહોંચ્યા. એમની સાથે સુરેશ, રઝિયા, રેવાબા અને આયશા હતાં. દેશના અન્ય રાજ્યોમાંથી ખિતાબ માટે પસંદ થયેલા લોકો આવ્યા હતા. આ બધાનું ભવ્ય સન્માન રાષ્ટ્રપતિના વરદ્હસ્તે થયું. આ સમારંભનું પ્રસારણ દૂરદર્શન દ્વારા થયું. ગુજરાતના તમામ છાપાંઓએ વિઠ્ઠલભાઈના ફોટા સાથે સમાચાર છાપ્યાં. કેટલાક કટાર લેખકોએ વિઠ્ઠલભાઈની મુલાકાત લઈને કૃષિક્ષેત્રે એમણે આપેલા વિશિષ્ટ પ્રદાનની પ્રશંસા કરી.
વિઠ્ઠલભાઈના ખેડૂત મિત્રો એમને અભિનંદન આપવા માટે આવ્યા. એ બધાએ જિલ્લા મથકે એમના સન્માનની તૈયારી કરી. વિઠ્ઠલભાઈને રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રીનો ખિતાબ મળ્યાના સમાચારથી રામપુરાના લોકો ગૌરવ લેતા હતા. મહેસાણા જિલ્લાના પ્રગતિવાંછુ પટેલો વિઠ્ઠલભાઈના સન્માનથી રાજી થયા. એ લોકોએ ભેગા મળીને જિલ્લામાં સન્માન રાખવાનું નક્કી કર્યું. એમને નાતબહાર મૂકનાર ગોળના આગેવાનોના બે ભાગ પડી ગયા. મોટો ભાગ કહેતો હતો, પદ્મશ્રીનું સન્માન મેળવનાર આપણા ગોળના વિઠ્ઠલભાઈને આપને સૌ ભેગા મળીને અભિનંદન આપવા જોઈએ. આપણા માટે આ ગૌરવની ઘટના છે. નાથા પટેલ, છગન પટેલ જેવા થોડા લોકો કહેતા હતા, વિઠ્ઠલ પટેલને નાતબહાર મૂક્યા છે. એનું સન્માન હોતું હશે ? નાતને સાત લાખ રૂપિયા દંડ આપે પછી જ એની સાથેના વહેવારો ચાલુ થશે. આ વિરોધ વચ્ચે વિઠ્ઠલભાઈનું સન્માન રામપુરામાં થયું. જિલ્લામાં થયું. એમને નાતબહાર મૂકનાર વિલા મોઢે ઘરમાં બેસી રહ્યા.
પોતાના ગામ રામપુરામાં થયેલા સન્માનનો ઉત્તર આપતા વિઠ્ઠલભાઈએ કહ્યું, “આપણી નાતના આગેવાનોએ અમને નાતબહાર મૂક્યા. અમારો બહિષ્કાર થયો. અમારા માટે એ ઘટના દુઃખદ હતી. મારી સામેનો એ પડકાર હતો. રેવા ચોધાર આંસુડે રોતી હતી. ઘર, ગામ અને ખેતી છોડીને અમે જતા હતા ત્યારે ‘આવજો’ એવું બોલવાની કોઈની હિંમત નહોતી. એ સમયે નાથુજીનો પરિવાર હિબકાં ભરી ભરીને રોયો હતો. ને જે લોકોનો આપણે કાયમી બહિષ્કાર કરેલો છે એ બધાએ એમના વાસ આગળ ટ્રક થોભાવીને એમને ‘આવજો’ કહીને વિદાય કર્યા હતા. આ પ્રસંગે એમને હું યાદ કરું છું. મારું આ સન્માન ગામના શિક્ષિત અને નવયુવાન મિત્રોએ ભેગા મળીને કર્યું છે. એ પરિવર્તનની ઝલક છે. વિકાસની દિશાએ ચાલવા માટે આપણા કૂપમંડૂકિયા વર્તુળો છોડવા પડે. જૂના જમાનાની ઘરેડ તોડવી પડે. આ કામ તમે બધા મિત્રોએ કર્યું છે. મારા આ સન્માનમાં ગામના ઘણા વડીલો પણ જોડાયા છે. એમને હું આવકારું છું. સમગ્ર ગામનો આભાર માનીને વિરમું છું.”