સુદામા ચરિત
-ઃ લેખક :-
ડા. યોગેન્દ્ગ વ્યાસ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
સુદામા ચરિત
‘સુદામા ચરિત’ ની વાર્તા જાણીતી છે. મહાભારત, ભાગવત, નરસિંહ મહેતા. સોમ, ભાલણ વગેરેએ પોતાની રીતે તેને રજૂ કરી છે. પ્રેમાનંદની રજૂઆત આ બધા કરતાં શા માટે વધું ચિરંજીવ યાદગાર છે, એનાં થોડાં કારણો છે.
પ્રેમાનંદનો હેતુ પણ ‘ભક્તિરસ ચાખું જે ચાખ્યો શુકજીએ’(૪) અને ‘ભગવંત-લીલા ભાખું’ નો જ છે. ‘કરનારે લીલા કરી’ અને ‘તેની આ બુદ્ધિમાને કથા કીધી’ એવું એ વિશ્વાસપૂર્વક કહે છે.
સુદામા, કૃષ્ણ, સુદામાપત્ની, કૃષ્ણની રાણીઓ, તેમનાં બાળકો, યાદવો બધાં તેનાં તે જ છે અને છતાં તેનાં તે નથી એ પ્રેમાનંદની ખૂબી છે.
જુઓ પ્રેમાનંદનો સુદામો-
“નામ ગૃહસ્થ પણ કેવળ જતિ, માયા, સુખ નવ ઈચ્છે રતિ” અને તેથી પત્નીને કહે છે, “ જે નિર્મ્યું છે તે પામીએ સુણ સુંદરી રે.” કૃષ્ણ જ્યારે પૂછે છે કે, ‘શા દુઃખે તમે દૂબળા મારા મિત્ર સનેહી? ત્યારે પ્રેમાનંદનો સુદામો જ આ જવાબ આપી શકે ’. તે જવાબ આપે છે.
“મોટું દુઃખ વિજોગનું, નહીં કૃષ્ણજી પાસે” અને અંતે શ્રી કૃષ્ણએ “દોહેલાં હર્યાંને સોહેલાં કર્યાં” ત્યારે તો “સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર? ” એવી સ્થિતિ સર્જાઈ. આ વૈભવ વચ્ચે પણ સુદામો તો, “વેશ રાખે ભોગનો પણ સદા પાળે સંન્યાસ” અને “માળા ન મુકે ન ભક્તિ ચૂકે ” એવો જ રહ્યો છે.
આવો સુદામો નથી મહાભારતમાં, નથી ભાગવતમાં, નથી નરસિંહમાં કે નથી ભાલણમાં, અને પ્રેમાનંદે રજૂ કરેલાં ઋષ્િાપત્ની?
“ભિક્ષાનું કામ કામિની કરે, કોનાં વસ્ત્ર પખાળે ને પાણી ભરે.” એમ નિજ કુટુંબ પોષે સ્ત્રીજંન
એમની પતિભક્તિ જુઓ, “ બીજે ત્રીજે પામો છો આહાર, તે મુજવે દેહ છે અંગાર.” અને માતા તરીકે? “બાળકને થયા બે અપવાસ” ત્યારે પતિને કહે છે, “સ્વામી! જુઓ આપણા ઘર ભણી... આ બાળક પરણાવવાં પડશે, સતકુળની કન્યા ક્યાંહાંથી જડશે?”
વળી એમનું સંસાર દર્શન જુઓ. ‘જીવે અન્ને આખું જગત, ઉભો અન્ને આખો સંસાર’ તેથી પતિને સમજાવે છે કે, ‘જે કો રહે કલ્પવૃક્ષની તળે, તેને શી વસ્તુ નવ મળે?’
અને પ્રેમાનંદના શ્રી કૃષ્ણ?
“દુનિયાનો વિસામો રે” તો ખરા જ પણ ‘ભક્તાધીનદીનને પૂજે દાસ પોતાનો જાણી’
આ કૃષ્ણ જગત સમક્ષ જાહેર એકરાર કરે છે કે, “આ હું ભોગવું રાજ્યાસંન રે તે તો એ બ્રાહ્મણનું પૂણ્ય રે.”
આમ છતાં મિત્ર તરીકે તને સાંભરે રે.... મને કેમ વિસરેરે નો સંવાદ કરતાં કરતાં ય તેમની રમૂજવૃતિ દેખાયા વિના રહેતી નથી. મિત્રને દુર્બળ જોઈ પૂછે છે, “ભાભી અમારાં વઢકણાં તે શું લોહીડું શોષે?”
ગરીબ મિત્ર તાંદુલ જેવી તુચ્છ ભેટ લાવ્યો છે તેને આશ્વાસન આપવા નહીં પણ ખરા દિલથી કહે છે,
“આ તાંદુલનો એકે” મિત્રે દેખાડયો નહીં સ્વાદ (કોઈ કહેશે સ્વાદ તો, ચખાડયો જોઈએ, દેખાડયો તે કંઈ હોય?” એ સ્વાદમાં ભગવાનની મિત્ર-ભક્તના હૃદયની નિખાલસ ભક્તિ-મૈત્રી દેખાઈ છે એમ કવિને સૂચવ્યું છે તેથી ‘દેખાડયો’ ક્રિયાપદ વાપર્યું.) અને આ ભક્તિ-મેત્રીથી ગદ્દગદ થઈ ભગવાને
“મુષ્ટિ ભરીને તાંદુલ લીધા દારિદ્ર નાખ્યું કાપી
સુદામોજી નથી જાણતા, ભવની ભાવઠ ભાંગી.”
જો કે, ‘સત્યભામાજી ટિખળ કરવાનું ચૂકતાં નથી, બાઈ લોચનનું સુખ લીજે રે, આજ દિયરનું દર્શન કીજે રે.’ અને વળી ઉમેરે છે,
“ભલી નાનપણની માયા રે! હરિને સોંધો, આને રાખોડી રે,
પણ રૂકમણીજી ઘણાં શાણાં છે, તે કહે છે, તમે જે બોલો છો શું જાણી રે.”
આ બધામાં ઉત્તમ પાત્ર તરીકે તો, સુદામાનાં બાળકો આવે છે. કોઈનું ધ્યાન ગયું નથી પણ સંસાર સમગ્રની દ્રિધાને અને સમસ્યાને એમણે એક જ પંક્તિમાં રજૂ કરી છે. કૃષ્ણને મળવા જતા પિતાને બાળકોને એટલું જ કહેલું કે,
“પિતાજી, એવું લાવજો જેણે જાય અમારી ભૂખ” બાળ સહજ નિર્દોષતાથી કહેવાયેલું આ વાક્ય આખી માવનજાત જાણે પોકારી પોકારીને કહેતી હોય તે રીતનું છે. માનવજાતને આ ભૂખનું દુઃખ સનાતન કાળથી વળગ્યું છે. અસંતોષની ભૂખ છે. અભાવની ભૂખ છે એ માણસના આત્માને ઓગાળી નાખે છે. એ ભૂખ જાય તે તો એક જ રીતે- ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય તો અન એ પ્રાપ્ત થતાં ભવની ભાવડ ભાંગી.
વિદ્વાનોએ કહ્યું કે પ્રેમાનંદે પુરાણનાં મહાન પાત્રોને સામાન્ય ગુજરાતી પાત્રો બનાવી દીધાં. પણ સામાન્ય થવું એ જ અસામાન્યતાનું મોટું લક્ષણ છે. બાકી આ કાવ્યમાં કથાને તેણે જે રીતે રસિક બનાવી છે, હાસ્ય અને કરૂણ રસને સાથે સાથે મૂકીને, ભક્તિ મૈત્રીને જે રીતે એકરસ બનાવીને મૂકીને, અદ્દભુત અને શાંત રસને જે રીત રજૂ કરીને તેણે રસસિદ્ધિ કરી છે તે પણ વખાણવા લાયક છે.
તેણે ભાષાનો જે સહજ રીતે છતાં ઉત્તમ રીતે ઉપયોગ કર્યો છે તે તો વાંચો તો જ માણી શકો. બીજાં ‘સુદામાચરિત’ વાંચો કે ન વાંચો પ્રેમાનંદનું ‘સુદામાચરિત’ તો વહેલી તકે વાંચી લેવું જોઈએ.