વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના નેતા સુબ્રમણિયન સ્વામી જેનાથી ભલભલા રાજકારણીઓ ધ્રૂજે છે તેમની વચ્ચે કોઈ સામ્યતા ખરી?
હા. બંનેના જન્મ તારીખ અને મહિનાની રીતે નજીક-નજીક છે. નરેન્દ્ર મોદી ૧૭ સપ્ટેમ્બરે જન્મતારીખ ધરાવે છે તો સુબ્રમણિયન સ્વામી ૧૫ સપ્ટેમ્બર. જોકે ઉંમરમાં સ્વામી મોદી કરતાં અગિયાર વર્ષ મોટા છે. આ ઉપરાંત બીજી અને મોટી સામ્યતા એ છે કે બંને રાજકારણના અઠંગ ખેલાડી છે. બંને તેમના દુશ્મનોને માફ કરવામાં માનતા નથી, સાફ કરવામાં જ માને છે. નરેન્દ્ર મોદીએ તેમના પક્ષના અને પક્ષની બહારના વિરોધીઓને એકબાજુ ધકેલી દેવામાં સફળતા મેળવી અને મેળવી રહ્યા છે તો સુબ્રમણિયન સ્વામીએ અટલ બિહારી વાજપેયી, સોનિયા ગાંધી અને જયલલિતાને હેરાન-હેરાન કરી મૂક્યા હતા. સુબ્રમણિયન જ્ઞાતિએ બ્રાહ્મણ છે અને ખરા અર્થમાં બ્રાહ્મણ છે. વિદ્વતા તેમનામાં ઠાંસોઠાંસ ભરેલી છે. શિક્ષણવિદ, વકીલ, લેખક અને રાજકારણી જેવી બહુમુખી પ્રતિભા ધરાવે છે. અને એક બીજા બ્રાહ્મણ ચાણક્યના શબ્દશ: ગુણો ધરાવે છે. ચાણક્ય ધનાનંદ સાથે વેર થયું હતું તો તેઓ તેને સત્તામાંથી પદચ્યુત કરીને જ ઝંપ્યા હતા. સ્વામીનું પણ તેવું જ છે.
આવા ધૂરંધર રાજકારણીઓ સામે પડનાર આ સુબ્રમણિયન સ્વામી છે કોણ? આમ તો, સ્વામી રાજકારણમાં જ ન હોત. તેઓ ખૂબ જ સારા શિક્ષણવિદ હતા અને છે. સ્વામીએ હાર્વર્ડ જેવી પ્રખ્યાત યુનિવર્સિટીમાં ભણાવેલું છે. તેમણે ૨૪ વર્ષે જ હાર્વર્ડમાંથી પીએચ.ડી. કરી લીધેલું. ઇકોનોમિક સાયન્સમાં નોબલ મેળવનાર પહેલા અમેરિકન પૉલ સેમ્યેલ્સન સાથે તેમણે ઇન્ડેક્સ નંબરની થિયરીનું પેપર લખેલું. ૧૯૭૫માં તેમણે ચીનના અર્થતંત્ર પર પુસ્તક લખેલું. તેઓ માત્ર ત્રણ મહિનામાં ચીની ભાષા શીખી ગયેલા! નોબેલ પુરસ્કાર મેળવનાર અમર્ત્ય સેનના આમંત્રણથી તેઓ દિલ્લી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં જોડાયેલા. તો પછી કયા સંજોગો આવા શિક્ષણવિદને અને સંશોધનકારને રાજકારણ તરફ ખેંચી લાવ્યા?
પિતા સીતારામ સુબ્રમણિયનની જેમ સુબ્રમણિયન પણ ગણિતમાં ખૂબ જ વિદ્વાન. પિતા સેન્ટ્રલ સ્ટેસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર હતા. નોકરીના કારણે તેઓ ચેન્નાઈથી દિલ્લી આવી ગયેલા. સુબ્રમણિયન સ્વામી (સ્વામી વકીલ પણ હોવાથી વકીલની ભાષામાં એક ચોખવટ-હવે આપણે તેમના લાંબા આખા નામના બદલે સ્વામી જ લખીશું) ભણ્યા દિલ્લીમાં. તેમણે દિલ્લી યુનિવર્સિટી અંતર્ગત હિન્દુ કૉલેજમાંથી ગણિતમાં બી.એ. (હૉનરરી) ડિગ્રી મેળવી. તેઓ ત્રીજા ક્રમે આવ્યા હતા. અનુસ્નાતકનું ભણવા તેઓ કોલકાતા ગયેલા. સ્વામીને દુશ્મનોનો પનારો ત્યારથી જ પડેલો. એટલે જ કદાચ સ્વામીનો સ્વભાવ દુશ્મનોને માફ નહીં કરવાનો બની ગયો હશે.
બન્યું એવું કે કોલકાતામાં ઇન્ડિયન સ્ટેટેસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના વડા પી. સી. મહાલાનોબિસ હતા જે તેમના પિતા સીતારામના દુશ્મન હતા. પિતાની દુશ્મની તેમણે પુત્ર સામે કાઢી. સ્વામીને ઓછા માર્ક આવવા લાગ્યા. આ મહાલાનોબિસ આયોજન પંચ સ્થાપવા પાછળનું ભેજું કહેવાય છે. મહાલાનોબિસે ઓછા માર્ક આપ્યા હોય કે ગમે તેમ, સ્વામીએ ભણી લીધા પછી આઈઆઈટીમાં હતા ત્યારે તેમણે ડાબેરીઓ પી. એન. હક્સર, મોહન કુમારમંગલમ અને નુરુલ હસ્સન સામે બાથ ભીડેલી. અર્થકારણ માટે ‘સ્વદેશી યોજના’ આપેલી. તેમણે આ પંચવર્ષીય યોજનાને બંધ કરી દેવા સૂચવેલું. કદાચ તેમનું તીર મહાલાબનોબિસ તરફ હતું, પણ આ તીર લાગ્યું ઈન્દિરા ગાંધીને.
ઈન્દિરા ગાંધીનો તે વખતે સૂર્ય મધ્યાહ્ને તપે. તેમની વિરુદ્ધ બોલવું એટલે જેલમાં જવું. તેમના જેવા દિગ્ગજ નેતાને ફરજ પડી કે તેમણે વર્ષ ૧૯૭૦માં બજેટ પરની ચર્ચામાં સ્વામીના વિચારો માટે સ્વામીને ‘અવાસ્તવિક વિચારો સાથેના સાન્તા ક્લૉઝ’ કહીને તેમની ઠેકડી ઉડાવી. એટલું જ નહીં ઈન્દિરા ગાંધીએ ડિસેમ્બર ૧૯૭૨માં આઈઆઈટીમાંથી સ્વામીને કઢાવી મૂક્યા. (સ્મૃતિ ઈરાની સામે થતા આક્ષેપો પરથી નવાઈ ન લાગવી જોઈએ. આગુ સે ચલી આતી હૈ...)
અહીંથી સ્વામીના દુશ્મન બની ગયાં ઈન્દિરા ગાંધી. ભાજપના પૂર્વાવતાર જેવા જનસંઘના નાનાજી દેશમુખની પારખુ નજરે સ્વામીને માપી લીધા. તેમને થયું આ છોકરો આપણા માટે કામનો છે. ૧૯૭૪નો એ સમય. જનસંઘે નાનાજીના કહેવાથી સ્વામીને રાજ્યસભામાં મોકલ્યા.
એ કટોકટી ગાળા વખતે સ્વામીએ ભજવેલી ભૂમિકાથી તેઓ સંઘ અને જનસંઘ બંનેના કાર્યકર્તાઓના હીરો બની ગયેલા. અહીં પણ નરેન્દ્ર મોદી અને સુબ્રમણિયન સ્વામી વચ્ચે બીજી સામ્યતા રહેલી છે. કટોકટીના ગાળામાં ઈન્દિરા ગાંધીની પાળતુ પોલીસથી બચવા બંને શીખનો વેશ ધારણ કરેલો. એમાંય સ્વામી તો અમેરિકા જઈને ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી અને એ કટોકટી દરમિયાન જર્મનીના હિટલરની જેવા કરાતા અત્યાચારોની ગાથા વર્ણવતા. ઈન્દિરાના શાસનમાં, પેલા હિટલરની નકલ જેવા અસરાની ‘શોલે’માં કહે કે ‘પરિન્દા ભી પૈર નહીં માર સકતા’ તેવું હતું. પણ સ્વામી કોને કહે? તેઓ અમેરિકાથી ભારત આવ્યા. સુરક્ષાચક્ર તોડીને સંસદમાં ઘૂસ્યા. ૧૦ ઑગસ્ટ ૧૯૭૬ના રોજ સંસદના સત્રમાં હાજરી આપી. ત્યાંથી પાછા ભાગી ગયા. એટલું જ નહીં, પણ ભાગીને ભારતથી પાછા અમેરિકા પહોંચી ગયા! સંસદમાં સ્વામીએ કોની સામે મુદ્દો ઉઠાવ્યો હતો? ઈન્દિરા ગાંધીનાં પુત્રવધૂ! જી હા, સોનિયા ગાંધી સામે. તેમણે અત્યારે જેમ રાજ્યસભામાં તેમણે પુરાવા સહિત ઑગસ્ટા વેસ્ટલેન્ડમાં સોનિયા-અહેમદ પટેલને ભીંસમાં લીધાં તેમ તે વખતે સંસદમાં દસ્તાવેજી પુરાવા સાથે આક્ષેપ કરેલો કે સોનિયા ઑરિએન્ટલ ફાયર એન્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના બેનામી ઇન્સ્યોરન્સ એજન્ટ છે. અને તેમણે પોતાના ઑફિસના સરનામા તરીકે વડા પ્રધાન નિવાસનું સરનામું- ૧, સફદરગંજ રૉડ આપેલું છે. આના પરિણામે ઈન્દિરા ગાંધીના આદેશથી સોનિયાને તેમની રોજગારી છોડવી પડેલી!
ઈન્દિરા ગાંધીને સ્વામીની દુશ્મનાવટ મોંઘી પડી. ઈન્દિરાના અને તે રીતે નહેરુ-ગાંધી પરિવારના એકચક્રી શાસનનો અંત લાવવામાં સ્વામી પણ અનેક પરિબળોમાંના એક મહત્ત્વના પરિબળ હતા. જનતા પાર્ટીના સ્થાપક સભ્યોમાં એક હતા સ્વામી. સ્વામી સહિત અનેકોના પ્રયાસોના કારણે ઈન્દિરાને ચૂંટણી આપવી પડી. એ ચૂંટણીમાં જનતા પક્ષની સરકાર બની. અહીંથી શરૂ થઈ સ્વામીની વાજપેયી સાથેની દુશ્મની.
સ્વામી અર્થશાસ્ત્રમાં એટલા બધા નિષ્ણાત હતા કે તેઓ જ સ્વાભાવિક નાણા પ્રધાન તરીકેના અગ્રણી દાવેદાર હતા. એમ કહેવાય છે કે વાજપેયીએ એવી અફવા ફેલાવી કે સ્વામી સીઆઈએના એજન્ટ છે અને સ્વામીને નાણા મંત્રાલય મળતું અટકાવેલું. સ્વામી કટોકટીના સમય દરમિયાન આરએસએસની અંદરનાં વર્તુળોમાં સ્થાન પામી ગયા હતા. પણ નાણા મંત્રાલય ન મળવાના કારણે તેઓ વાજપેયી અને સંઘના વિરોધી બની ગયા. પછીથી તેમણે વાજપેયી અને તત્કાલીન સંઘ સરસંઘચાલક (પ્રમુખ) બાળાસાહેબ દેવરસ પર કટોકટી દરમિયાન ઈન્દિરા ગાંધીને માફી પત્ર લખી આપ્યાનો આક્ષેપ કર્યો હતો. વાજપેયી દારૂ પીતા હોવાનું પણ સ્વામીએ તેમની આત્મકથામાં લખેલું છે. તેમણે લખ્યું છે, “મોરારજી અને ચરણસિંહ તેમની નૈતિકતા માટે જાણીતા હતા. પરંતુ જનતા પક્ષમાં રહેલા કેટલાક અનૈતિક તત્ત્વોએ તેમના અંગત ફાયદા માટે બંને વચ્ચે દુશ્મની કરાવી. દા.ત. જ્યારે મોરારજીએ વાજપેયીને દારૂ નહીં પીવા માટે કડક ચેતવણી આપી ત્યારે વાજપેયી ભોંઠા પડી ગયેલા. દિલ્લીમાં જાપાનના વિદેશ પ્રધાને એક પાર્ટી રાખી હતી. વાજપેયી વિદેશ પ્રધાન તરીકે તેમાં હાજર હતા. તેઓ પીધેલા હતા. મને પણ તેમાં ભોજન માટે આમંત્રણ હતું. મને એ જોઈને આઘાત લાગ્યો કે વિદેશ પ્રધાન (વાજપેયી) ફૂલ પીધેલી સ્થિતિમાં હતા...”
“જ્યારે મોરારજીએ મને પૂછ્યું ત્યારે મેં તેમને બધું કહી દીધું...” (બની શકે કે નાણા પ્રધાન ન બનાવવાના કારણે સ્વામીએ વાજપેયી વિરુદ્ધ આ બધી વાર્તા ઊભી કરી હોય...સત્ય તો રામ જાણે.) “તે પછી મોરારજીએ મારી હાજરીમાં વાજપેયીને બોલાવ્યા અને તેમને જોરદાર ઠપકો આપ્યો. પરંતુ વાજપેયી કંઈ બોલ્યા નહીં. તેઓ એવી રીતે ઊભા હતા જેમ કોઈ વિદ્યાર્થી શિક્ષક દ્વારા ચોરી કરતાં રંગેહાથ ઝડપાયો હોય. આની સામે બદલો લેવા અને મોરારજીને મર્યાદામાં રાખવા, વાજપેયીએ મોરારજી વિરુદ્ધ ચરણસિંહના કાનમાં ઝેર રેડ્યું. એ વાજપેયી જ હતા જેમણે સૌ પ્રથમ ચરણસિંહના મનમાં વડા પ્રધાન બનવાની ઈચ્છા રોપી. તેઓ મોરારજી અને ચરણસિંહને અલગ-અલગ મળતા અને બંનેને એકબીજા વિરુદ્ધ ચડાવતા. સામાન્ય માન્યતા એવી છે કે ચરણસિંહે જનતા પક્ષની સરકાર તોડી, પણ હકીકતે વાજપેયીએ આ કામ કર્યું.”
સુબ્રમણિયન સ્વામી અતિ મહત્ત્વાકાંક્ષી છે. અલબત્ત, તેમની મહત્ત્વાકાંક્ષાઓ પૂરી થાય તે માટેની તેમનામાં લાયકાત છે પણ ખરી. લાયકાત વગર જો કોઈના મનમાં મહત્ત્વાકાંક્ષા હોય તો તે વ્યક્તિ પરત્વે આદર ન થાય. પણ સ્વામી માટે એવું નથી.
૧૯૯૮માં જયલલિતાની કૃપાથી સ્વામી મદુરાઈ બેઠક પરથી જીતી ગયા હતા. તે વખતે પણ સ્વામીને હતું કે જનતા સરકાર વખતે ન મેળ પડ્યો તો કંઈ નહીં, આ વખતે તો મેળ પડશે. જયલલિતા પણ તેમના ક્વોટામાંથી સ્વામીને નાણા પ્રધાન બનાવવા માગતા હતા. પણ વાજપેયી સ્વામીની દુશ્મની ભૂલી શકે તેમ નહોતા. સામાન્ય રીતે અજાતશત્રુ કહેવાતા વાજપેયીએ સ્વામીને મંત્રી ન બનાવ્યા. એમાં સ્વામીની વાજપેયી પ્રત્યેની કડવાશ વધી ગઈ. વાજપેયી સ્વામીને જનતા સરકાર વખતથી અલગ રાખતા હોય તેમાં કદાચ એક કારણ એ પણ હોઈ શકે કે તેઓ પક્ષની અંદર પોતાના હરીફ ઊભા થવા દેવા માગતા ન હોય. પરિણામ એ આવ્યું કે તે વખતે સ્વામીએ સોનિયા ગાંધી અને જયલલિતા વચ્ચે ટી પાર્ટી રખાવીને સરકાર ઉથલાવી દીધી. પણ કારગિલ યુદ્ધ થયું અને ૧૯૯૯માં ફરીથી વાજપેયી વડા પ્રધાન બન્યા. સ્વામીની ઈચ્છા પૂરી ન થઈ.
વી. પી. સિંહ બૉફોર્સ કૌભાંડ સામે ઝુંબેશ ચલાવીને વડા પ્રધાન બન્યા હતા પણ સ્વામીએ પુરાવા સાથે તેમનું નામ પણ તેમાં જોડી દીધું હતું!
સ્વામીએ ભાજપે ટેકો પાછો ખેંચી લીધા પછી વી. પી. સિંહના જનતા દળને તોડવામાં પણ ભાગ ભજવ્યો હતો તેમ કહેવાય છે. અજિતસિંહના જૂથના જનતા દળના ૨૦ સાંસદો તૂટીને ચંદ્રશેખર તરફ આવી ગયેલા તેનો યશ (!) સ્વામીને જાય છે. સ્વામીએ એક પત્રકારને હસતા હસતા કહેલું, “તમારી પત્રકારોની કોઈ સંસ્થાને તોડવી હોય તો મને કહેજો!”
જયલલિતાના એક સમયના મિત્ર સ્વામીએ તેમની સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ કરીને તેમને જેલ ભેગા કર્યાં હતાં. જોકે સ્વામીનું કહેવું હતું કે જયલલિતાના કહેવાથી પોલીસે તેમને હેરાન કરવામાં કોઈ કસર બાકી નહોતી રાખી. આ એક બાબતમાં નરેન્દ્ર મોદી અને સુબ્રમણિયન સ્વામી જુદા પડે છે. મોદીને જયલલિતા સાથે સારું બને છે (અને આથી ભાજપને પણ!) પરંતુ ભાજપમાં માત્ર સ્વામી જ જયલલિતાના વિરોધી છે. બાકી, ઉદારવાદી આર્થિક નીતિમાં મોદી અને સ્વામી બંને સરખા મતના છે. અલબત્ત, એમ કહેવું જોઈએ કે ઉદારવાદી નીતિ લાવવાનો યશ મનમોહનસિંહને (મિડિયાના પ્રતાપે) જાય છે, પરંતુ હકીકતે ચંદ્રશેખર સરકાર વખતે તેનો પાયો સ્વામીએ નાખ્યો હતો. અને સ્વામી ઉદારવાદી આર્થિક નીતિની તરફેણ તેઓ આઈઆઈટીમાં ભણાવતા ત્યારથી કરતા હતા. આ બધી સામ્યતાઓ અને સ્વામીની અનેક નિપુણતાઓ તેમજ સરકાર ઉથલાવવાની ક્ષમતાના લીધે જ કદાચ મોદીએ સ્વામીને રાજ્યસભામાં લાવીને સાચવી લીધા છે.
સામાન્ય રીતે કૌભાંડોની પાછળ પડતા સ્વામીએ બૉફોર્સ કૌભાંડને હાથ પણ નહોતો લગાડ્યો? કેમ? તેમનો જવાબ એવો હતો કે “બીજા અનેક લોકો આ કામ કરી રહ્યા છે, મારે શું કામ કરવું?” પણ હકીકત એ હતી કે તેમની રાજીવ ગાંધી સાથે ગાઢ મિત્રતા હતી. સ્વામી ઘણી વાર કહે છે કે, “રાજીવને હું રાતના બે કે ત્રણ વાગે પણ મળી શકતો.” એકદમ સમજી શકાય તેવી ભાષામાં કહેવું હોય તો એમ કહી શકાય કે જેમ અંડરવર્લ્ડમાં પૈસા લઈને (અથવા કોઈ બીજા કારણોસર) હત્યા કરનારા ભાડૂતી/કૉન્ટ્રાક્ટ કિલર હોય છે, રાજકારણમાં સ્વામીનું નામ તેવું જ છે. સ્વામીના હિટલિસ્ટમાં કર્ણાટકના મુખ્યપ્રધાન અને મિસ્ટર ક્લીનની છબી ધરાવનારા રામકૃષ્ણ હેગડે, એમ. કરુણાનીધિ, એ. રાજા., પી. ચિદમ્બરમ સહિત અનેક નામો હતાં/ છે. અને છેલ્લે તેમણે સોનિયા-રાહુલ ગાંધી અને આરબીઆઈના રાજ્યપાલ રઘુરામ રાજનની સોપારી લીધી હોય તેમ લાગે છે. તેમાં રઘુરામ રાજનને બીજી મુદ્દત ન મળી. તેથી તેમાં તેમને વધુ એક સફળતા મળી છે. સોનિયા-રાહુલના કિસ્સામાં જોવું રસપ્રદ બનશે.