Shayar in Gujarati Fiction Stories by Rekha Shukla books and stories PDF | શાયર

Featured Books
Categories
Share

શાયર

શાયર

૧. શોભારામ સુરતી

સુરતની સદર અદાલતમાં કાયમ ભીડ રહેતી હતી. ઇ.સ. ૧૮૫૭ નો બળવો શમ્યાને હજી માંડ પંદરેક વર્ષ થયાં હોય તો કોણ જાણે. બળવાના ધરતીકંપ પછી અંગ્રેજ-તંત્ર માંડમાંડ સ્થિર થયું હતું. ૧૮૫૭ ના બળવાની અંગ્રેજોને ભારે ધાક પેસી ગઈ હતી. પ્રત્યાઘાતમાં અંગ્રેજશાસનમાં બળવાના ક્રાંતિવીરો સામે ઝનૂન ચડ્યું હતું. શેહ ખાઈ ગયેલા માણસની ક્રૂરતા અંગ્રેજોએ બતાવી હતી. એમણે ગામોનાં ગામો સાફ કર્યાં હતાં. કુટુંબનાં કુટુંબોને હલાલ કર્યાં હતાં. વકરેલા વરૂની માફક કિન્નાખોરીએ એમનો કબજો લીધો હતો. એ બળવાને કારણે કંપની સરકારના લાંચરૂશ્વત ને લૂંતારું દિવસો નામશેષ બન્યા હતા. અમલદારોને ત્યાં પડતી ટંકશાળ બંધ પડી હતી અમલદારોને એ રંજ હતો. અરેરે! કંપની સરકારના એ સુખી દિવસો ગયા, અને તે આ બળવાને કારણે ગયા. બળવાખોર માત્રને-જેણે બળવામાં સાથ આપ્યો ન હોય છતાં બળવાની પ્રશંસા પણ કરી હોય, બળવાખોરોની બાજુ સમજવાની કોશિશ પણ કરી હોય એ બધાયને ફના કરો, બરબાદ કરો ! અમલદારોએ બળવાના ક્રાંતિવીરો સામે લશ્કરી વિજય મેળવ્યો હતો. પરંતુ રાજકીય રીતે અમલદારોએ કારમો પરાજય વહોર્યો હતો. 'બળવો' કંપની સરકારના લાંચિયા તંત્ર સામે હતો. એના ઉધાડા્છોગે ચાલતા અન્યાય સામે હતો. કંપની સરકારે હિન્દમાં આયાત કરેલી ગુલામીની પ્રથા સામે હતો. ને બળવાને પરિણામે એ બધું જ નાશ પામ્યું. કંપની સરકારને રાજ કરવાને નાલાયક માનીને, ઇંગ્લેંડની પાર્લામેન્ટે હિન્દના રાજતંત્રનો કબજો લીધો. અમલદારોના સદર પરવાના બંધ થઈ ગયા. બળવાખોરો હાર્યા હતા, પણ અમલદારોને ભયંકર શિક્સ્ત આપી ગયા હતા. અમલદારી રોષ ને ચીડનો એ ઓથાર શમ્યો હતો. નવું રાજ તંત્ર થાળે પડતું હતું, એટલે અદાલતમાં ભારે કામ રહેતું હતું. સુરતની સદર અદાલતમાં પણ ધણું કામ રહેતું. આ અદાલતની પરસાળમાં એક ઢાળિયું મેજ મૂકીને એની સામે એક બુઝર્ગ માણસ બેઠો હતો. આશરે સાઠેક વરસથી પણ વધારે એની ઉંમર હતી. દૂબળો દેહ, માથામાં ટાલ, ધોળી મૂછ,બાંય, ને કોલરમાંથી વિખૂટા પડી ગયેલા તાંતણાવાળો ડગલો, કપાળે ચડાવી રાખેલાં બેતાલાં અને દીન વદન-આ બધાં એનાં મરણાન્તનાં સાથી હતા. સરકારી અદાલત-દીવાની ને ફોજદારી બેય. એટલે બતાવાં, જવાબ, અરજ, અહેવાલ, ને જુબાની ને ફેંસલો ને પૂરશીલ ને પૂરવણી...આવી બધાની ઘણી નકલો જોઈ એ-ઘણી લાંબી નકલો જોઈએ. ને આ વૄધ્ધજન ત્યાં દર સો શબ્દના એક પૈસા લેખે આવી નકલો કરતો. એ રાત જાગીને પણ કામ કરતો. ટાણું કટાણું જાળવતો. ઉતાવળ ને આરામ વચ્ચેના ભેદ સમજતો. સાથોસાથ બીજા કોઈને નકલ કરવામાં મદદ પણ કરતો. ગરીબગુરબાંનાં કામ મફત

કરતો. ને એક વાર એના હાથ નીચેથી નીકળેલો કાગળ આગળ ક્યાં હતો, હવે કયાં ગયો છે, જ્યાં ગયો છે ત્યાં એનું શું થયું છે, એ બધી વાતની સરત રાખતો. ને એને એ બધું યાદ રહેતું.

લગભગ ચાલીસ વરસથી એ ત્યાં બેસતો, એટલે અદાલતનું આખું દફતર લગભગ એને યાદ હતું.

કોઈને દાખલો જોઈતો હોય, કોઈને હવાલો જોઈતો હોય, કોઈને કાંઇ કામ માટે પાછલા કાગળની જરૂર હોય તો શોભારામ પાસેથી એની ખબર ખત મળે.

એક વાર મોટા ન્યાયાધીશને પાછળ પંદરેક વરસ ઉપર બની ગયેલી વાતનો દાખલો જોઈતો હતો. એ માટે એ કામના કાગળો જોઈતા હતા.

સાહેબે ચિટનીસને હુકમ કર્યો. ચિટનીસે કારકુનોને હુક્મ કર્યો. કચેરીમાં જૂના નવાં દફતરોની ઉથલપાથલ થઈ રહી. પણ કારકુનોને એ કાંઇ મળે નહી ! મોટા સાહેબ ઉતાવળ કરે. એની ઉતાવળ

નો ધકાવ્યો ચિટનીસ ઉતાવળ કરે. પણ કોઈએ કાગળ જડે નહી. કેમકે ઘણાને મૂળ વાતની જ ખબર નહી. ને ચિટનીસ કે સાહેબ કે બીજા કોઈને તારીખ, વાર કે સાલ યાદ નહીં !

શોભારામ આ વાતની શરૂઆત હ્તઈ ત્યારે માંદા હતા, ગેર-હાજર હતા. બે દિવસ પછી એ આવ્યો ત્યારે ઓફિસમાં દફતરોના ગંજ જોયા. દરેક કારકુનના મેજ ઉપર કાગળોના ઢગલા જોયા.

ચિટનીસને એક મેજથી બીજા મેજે આથડતા જોયા. ઘડીમાં એક કાગળ લેતા ને ઘડીમાં ફેંકતા જોયા. કારકુનોને થાકેલા, કંટાળેલા ને ચિડાયેલા જોયા. પટાવાળાઓને ત્રાસી ગયેલા જોયા.

'આ બધું શું છે?' શોભારામે પૂછ્યું.

'અરે, એક કાગળ જોઈએ છે, પણ નથી મળતો !'

'કાંઇ તારીખ, વાર કે સાલ તો હશે ને?'

'એજ પંચાત છે. મોટા સાહેબ પાસે એક કેસ આવ્યો છે. એમાં પક્ષકારના એક વકીલ દશબાર વરસ પહેલાનું કહે છે.'

'કાંઇ નામ ઠામ તો હશે ને ?'

'રાંદેરના વારા અબ્દેઅલી અને બાઈ ફૂલસમનો કેસ હતો.'

'એ બે વચ્ચે તો કાંઇ નહિ તોય આઠ દશ કેસો લડાયા છે.'

'એ તો બાઈ ફૂલસમે શરિયત પ્રમાણે વારા અબ્દેઅલી સાથેના પોતાના લગ્ન ફોક કરવાનો દાવો માંદેલો ને તેમાં સરકારે કાંઇક હુક્મ કરેલો એ દાખલો જોઈએ છે. બે દિવસથી શોધીએ

છીએ, પણ મળતો નથી.'

'પણ મળે ક્યાંથી, મારા બાપ ! એ કાંઇ દશબાર વરસની વાત નથી. એને વરસ થયાં સત્તર. બળવા પછીના વરસમાં ? અરે ટપુ ! તું ભાઈલા ! દફતરમાં જા. દફતરમાં જેવો દાખલ થઈશને

કે જમણા હાથ ઉપર સૌથી ઉપરની અભરાઈ ઉપર, પહેલેથી પાંચમું પોટલું છે. લાલ મદરાસિયું છે. ઉપર કાળી શાહીના ડાઘ છે ને બે ત્રણ જગ્યાએ ઉંદર લૂગડું કાપી ગયા છે એ એંધાણી. એ

પોટલું લાવ તો મારો ભાઈ કરું, જા !'

ટપુએ બે દિવસમામ જેને જે સૂઝે તે પોટલાંઓ લાવવા મૂકવાની દોડધામ જ કરી હતી ને એવી એ હાથેપગે હારણ થૈ ગયો હતો.

શોભારામે એને વળી એક વધુ ટાંટિયાતોડ કરાવી, એની ચીડ એના અવાજમાં દેખાઈઃ ' લઈ આવું ત્યારે,' એણે કહ્યુંઃ 'સકરમીની જીભ ને અકરમીના ટાંટિયા !'

આનાકાની દેખાઇ આવે એટલો ધીમો ટપુ ગયો.

શોભારામે કહ્યું ઃ'રાવ સાહેબ !' એકવાર એક ચિટનીસ આવી ગયેલો તે રાવ સાહેબ હતો. ત્યારથી ચિટનીસ માત્ર રાવ સાહેબ તરીકે એ જમાનામાં ઓળખાતા.

'રાવ સાહેબ !' શોભારામે કહ્યુંઃ ' એમાં એવું હતું કે ફૂલસુમની શાદી એના બાપે એ બાર વરસની હતી ત્યારે કરી હતી. ધણીને ને બાઈને રાગ જ ન જામ્યો. ને બાઈ ઉમરલાયક થઈ- વીસ

વરસની ત્યારે એણે પોતાના ધણીનો હવેથી મારા ઉપર કોઈ હક્ક નથી, એમ મને હુક્મનામું કરી આપવું જોઈએ.'

'આ વળી નવી વાત.' રાવસાહેબે કહ્યુંઃ 'આથ વરસના પરણેતર પછી તે લગ્ન ફોક છે એમ કહેવાની ને એમ દાવો કરવાની બાઈની હિંમત જબરી ! પણ એમાં કાંઈક સરકારે હુકમ કર્યો હતો.

એ શું છે?'

'એમાં એવુમ થયું,' શોભારામે વાત આગળ ચલાવીઃ ' કે બાઈના ધણીએ એવો વાંધો લીધો કે શરિયત નીચેના મુકદ્દ્મા તો કેવળ કાજી જ ચલાવી શકે. મુસલમાન રાજ્યમાં કાજી હતા. સરકારી

રાજમાં કાજી જ નથી.'

'ઠીક, આ તો મિયાંભાઈએ 'મસીદમાં ગરૂ'તુ જ કોણ?' એવી વાત કરી, પણ સરકારી હુક્મ.....'

'એ વાત તો પછી ખૂબ ડહોળાઈ. આખરે મુંબઈ સરકારે હુક્મ કર્યો કે બે મુસલમાન પક્ષકારે વચ્ચે સામાજિક રહેણીકરણી અંગે શરિયત નીચે જે કોઈ દાવો હોય તેનો નિકાલ કરવા માટે દરેક

જિલ્લાના સેશન્સ જજને કાજી તરીકે ગણવા.'

'હા. બસ એ જ હુકમ.' ચિટનીસે કહ્યું.

કારકુન રતિલાલે પૂછ્યું ઃ 'પછી સરવાળે શું થયું ?'

'સરવાળે તો જાણે એમ થયું કે પેરી સાહેબ ત્યારે સેશન્સ જજ હતા. એમણે આ કેસમાં કાજી તરીકે એવો ફેંસલો આપ્યો કે હરકોઈ સગીર અવસ્થામાં શાદીશૂદા થયેલી મુસ્લિમ સ્ત્રી ઉમરલાયક

થતાં પોતાના લગ્ન ફોક જાહેર કરવાનો શરિયત નીચે અધિકાર છે.'

ત્યાં ખભે પોટલું ચડાવીને ટપુ આવ્યો.

'ટપુ ! આ દફતર ખોલ તો જરા. એમાં વાદળી રંગનું પૂંઠું છે. એમાં આ કેસના કાગળો છે !'

ટપુએ પોટલું ઉઘાડ્યું. એમાંથી વાદળી રંગનું પૂંઠું કાઢ્યું. દોરીથી બાંધેલા એ પૂંઠા માં ઘણા કાગળો હતા.

ટપુ પૂંઠા ઉપરની દોરી હજી પૂરી તો છોડી ન્હોતો રહ્યો ને રાવસાહેબે કાગળો લઈ લીધા. કાગળો ઉપર એક નજર ફેરવીને ચિટનીસ મોટા સાહેબ પાસે લઈને પહોંચ્યો.

પોતે લગભગ આશા ખોઈ હતી, ત્યાં કાગળો મળી જવાથી મોટા સાહેબ ખુશમિજાજમામ આવ્યા. એમણે ચિટનીસને થોડીવાર પૂછપરછને માટે રોક્યો, ને શોભારામે કાગળો કેવી રીતે શોધી

કાઢયા એની રાવસાહેબે વાત કરી.

'એ તો જૂનો માણસ છે. આપણો દફતરદાર છે એ.'

ત્યારથી શોભારામ દફતરદાર તરીકે ઓળખાયા ને એ ઉપનામ એમનું થઈ પડ્યું. મોટા સાહેબનો દીધેલો ઇલ્કાબ બીજી પેઢીએ પોતાના નામના ભાગ તરીકે આવ્યો.

'કેમ શોભારામ કાકા,' એક વકીલના ગુમાસ્તાએ કહ્યું ઃ'મોઢાં ક્યારે મીઠાં કરાવવાં છે ?'

'શું છે ભાઈ ? મોઢાં મીઠાં શેનાં ને વાત શું ?'

'વાહ રે કાકા ! તમારામાંયે કલિયુગ આવ્યો કે ?'

'કલિયુગની વાત નથી. પરિણામ તો આવી ગયું હશે, પણ મને ખબર નથી પડી.'

'મૂકો મારે ગળે હાથ ?' ગુમાસ્તાએ પોતાનું ગળુ આગળ ધર્યું.

'તારે ગળે હાથ, પછી છે કાંઈ ?મારે ખોટું શું કામ બોલવું જોઈએ.'

'તો કાકા. લો હું વધાઈ આપું. ગૌતમભાઈ પાસ થઈ ગયા.'

શોભારામનો ચહેરો એકદમ ખીલી ઉઠ્યો. જાણે ખાખરા ઉપર કેસૂડાનાં ફૂલ બેઠાં ઃ'તારા મોઢામામ સાકર. પણ મને ડોસાને બનાવતો તો નથી ને?' જુવાનિયાનું આજકાલ ભલું પૂછવું.'

'કાકા ! તમે મારા બાપને ઠેકાણે. તમે ગૌતમભાઈને કેવી રીતે ભણાવ્યા છે, કેમ એના મુંબઈના ખરચા પૂરા કર્યા છે એ હું શું નથી જાણતો ? મશ્કરી નથી કરતો. ટપાલ લઈને બોટ આવી,

ને એમાં આ ખબર હતા. મને થયું કે કાકા તો સાંજે ઘેર જશે ત્યારે એમને ખબર પડશે. લાવ હમણાં હું જ કહી દઉં, એટલે તમને કેહવા આવ્યો.'

ત્યાં કાંઇ કામ માટે ચિટનીસ બહાર નીકળ્યા.

'કેમ રાવસાહેબ !' ગુમાસ્તાએ મોટે અવાજે સાદ દીધોઃ 'શોભારામના ગૌતમભાઈ બી. એ. ની પરીક્ષામાં ઉંચે નંબરે પાસ થયા ને ?'

'હા કાકા ! મુબારકબાદી.'

સાંભળનારા તમામે કાકાને મુબારક્બાદી આપી.

શોભારામે પોતાને ખબર દેનાર ગુમાસ્તા દુલારામને પૂછ્યુંઃ' પણ સાહેબને ટપાલ કેમ આવી હશે ?'

'મોટાસાહેબ સારા સુરત શહેરની સારી માઠી ખબર તો રાખે જ ને. મૂળે પરીક્ષામાં છોકરા ચાર હતા. એમાં એક જ સુરતનો ને વળી તમારો પુત્ર. એટલે સાહેબે ખબર મંગાવ્યા હશે.'

'ચાલો ને કાકા. તમારે ઘેર ખબર આવ્યા કે સાહેબને ઘેર ખબર આવ્યા, બધું એકનું એક. તમારી મહેનત લેખે લાગી. ભગવાને સાઠ વરસે પણ તમારી સામે જોયું. હવે તો ગૌતમભાઈ ક્યાંય

સારે પગારે નોકરીએ રહી જશે, ને તમને શાંતિ મળશે. જેવા તમે બાપ એવો એ તમારો દીકરો. નાનીમોટી તમામ પરીક્ષામાં બસ પહેલે વરસે પાસ. કૌરવના ટોળામાં જાણે અર્જુનનું બાણ

સોસરવું હાલ્યું જાય તેમ, પરીક્ષાઓના ટોળામાં ભાઈ સીધેસીધા આરપાર નીકળ્યા.'

શોભારામની બાજુમાં ગવરીશંકર નામનો અરજ અહેવાલ લખનારો બેઠો હતો. એણે કહ્યુંઃ'માણસ દીકરા માગે છે શું કામ ? એને ભણાવે છે શું કામ ? બુઢાપો પાળવા. હવે ભાઈ સારે ઠેકાણે

રહી જાય ને તમે વૄધ્ધાવસ્થા ધર્મધ્યાનમાં ગાળો.'

ગવરીશંકરને દીકરા હતા તો ચાર, પણ એક દીકરો બળવામાં ચાલ્યો ગયો ને એના ખબર ખત જ ન મળ્યા. બીજો છોકરો ક્યાંક નોકરીમાં ટકતો જ નહિ. જ્યાં નોકરી કરે ત્યાંથી રાત માથે

લઈને ધેર પાછો આવતો રહે ને બાપને દોડા કરવાના રહે. ત્રીજો છોકરો ધેરથી નાસી ગયો હતો, ને ચોથો છોકરો ભણવાનું મૂકીને કોઈક ગાંધીની હાટે પડીકાં વાળવાનું કામ કરતો. ત્રણે

છોકરાની વહુઓ હતી. એક વિધવા, બીજી વિધવા જેવી ને ત્રીજી અવિધવા. ચોથાને નાતમાંથી કોઈએ લફરું વળગાડ્યું નહિ. આ ઉપાધિયો જાણે અધૂરી હોય તેમ ગવરીશંકરને એક વિધવા

દીકરી પણ હતી. એ બાળ-વિધવા હતી.

ગવરીશંકર દુઃખી માણસ હતો. ઘણીવાર બેધ્યાન રહેતો. શોભારામને હંમેશા એના તરફ કરૂણા રહેતી ને પોતે જ્યારે નવરો હોય ત્યારે ગવરીશંકરને કામકાજમાં મદદ કરતો. પોતાની પાસે

વધારે કામ હોય તો ગવરીશંકરને આપતો.

ગવરીશંકરે જ્યારે પુત્રના ધર્મની વાત કરી ત્યારે શોભારામનો ગૌતમ અંગેનો ઉમંગ દબાયો. બિચારા ગવરીને ચાર છોકરા છતાં દિવસ ન વળ્યો !

ત્યાં પટાવાળો આવ્યો ઃ' શોભારામ કાકા ! મોટા સાહેબ તમને બોલાવે છે.'

'મને ?' શોભારામને નવાઈ લાગી. એ ગોરા સાહેબને શોભારામ જેવા અરજી લખનારાની શી જરૂર પડી? કાંઇ વાંક્ગૂનો ? શોભારામ હાંફતો હાંફતો ઉભો થયો. માથે પાઘડી મૂકી કોટ સરખો

કરતો કરતો એ મોટા સાહેબની ખાનગી ઓરડીમાં ગયો. અદબ ભીડીને ઉભો રહ્યો.

ચાલતા મુકદ્દ્મામાં મધ્યાંતર સમયમાં સાહેબ પોતાના ખાનગી કમરામાં આરામખુરશી ઉપર બેઠા બેઠા ચિરૂટ પીતા હતા.

'આવો શોભારામ !' મોટા સહેબે કહ્યું ઃ' ત્યાં બેસો.'

શોભારામને અચરજ લાગ્યું. એ ખુરશીની કોર ઉપર બેઠો.

મોટા સાહેબ એને પોતાની સામે બેસવાનું કહે ? નક્કી ગૌતમ પરીક્ષામાં પાસ થયો એનું જ પરિણામ એ. દીકરો એનું નામ જે બાપની લાયકાત વધારે.

'મિ. શોભારામ ! તમારો દીકરો બી. એ. માં પાસ થયો એ જાણીને હું ઘણો જ ખુશી થયો છું.'

'જી, આપની દયા છે.'

ગૌતમ મુંબઈ યુનિવર્સિટીની બી. એ. ની પરીક્ષા પસાર કરી ગયો. એમાં પોતાની દયા જવાબદાર હોઈ શકે કે નહિ, એ સવાલ સાહેબને સ્વીકારવા જોગ કે ન સ્વીકારવા જોગ ન લાગ્યો. એમણે

ચિરૂટના ધુમાડામાં પોતાના મોઢાને લગભર આવરી નાંખ્યોઃ' જુઓ, મિ. શોભારામ, તમને બધા દફતરદાર કહે છે ખરું ને?'

'એ તો સાહેબ, ગરીબ માણસની મશ્કરી કરે છે.'

' એ ઉપનામ મેં પહેલાં તમને આપ્યો હતો'

'આપ તો મોટા માણસ છો, હું તો ગરીબ માણસ છું.'

' નહિ, હમણાં મને ખબર પડી કે તમારો દીકરો મુંબઈમાં બી.એ. માં ભણે છે, ને છેલ્લા વરસમાં છે. એટલે મને છોકરાનું પરિણામ જાણવાનો બંદોબસ્ત કરવો પડ્યો. તમારો છોકરો સારા નંબરે

પાસ થયો છે. એક હોંશિયાર છોકરાના બાપ તરીકે તમને હું મુબારક્બાદ આપું છું.'

'આપની રહમ છે, સાહેબ !'

'તમને મેં દફતરદારનુમ ઉપનામ આપેલું. તમે ઘણા લાયક માણસ છો. વળી સરકારના ખેરખાંહ છો, એટલે તમારા છોકરાના ભણતરની વાત સાંભળીને મને થયું કે તમને હસતાં હસતાં મેં

આપેલું ઉપનામ સમય આવ્યે મારે સાચું પાડી દેવું.

' તમને ખબર હશે કે દરેક સદર અદાલતમાં સરકારે દફ્તરદાર રાખવાનો ઠરાવ કર્યો છે, ને એ જગ્યાએ બી. એ. પાસ થયેલાને નીમવો. એટલે બે માસ ઉપર મારા ઉપર પણ એવો હુક્મ

આવેલો, ત્યારે મને થયું કે તમારો છોકરો બી.એ. પાસ થાય છે કે નહિ એ જોઈને પછી જ જગ્યા ભરવી. તમારો છોકરો પાસ થયો છે. જો પાસ થાય તો એની જ દફતરદાર તરીકે નિમણુંક

કરવાની મેં સરકારમાં ભલામણ કરેલી. જોગાનજોગે એ ભલામણ પણ આજ મંજૂર થઈ આવી છે. એટલે તમારા છોકરા ગૌતમ બી.એ. ને અહીંની સદર અદાલતના દફતરદાર તરીકે નીમવામાં

આવ્યા છે. માસિકના પગાર રૂ. સોનો મળશે. કાચો હુકમ તમને હમણાં ચિટનીસ આપશે. પાકો હુકમ સરકારમાંથી તરતમાં જ આવી જશે.'

એક ગોરા સાહેબે બેદરકારીમાં પોતાના જેવા મુફલિસ માણસની મશ્કરી જેવું કર્યું, તેનું મૂલ એ સમય આવ્યે કેવું ચૂકવતો હતો !

પોતાનો ગૌતમ ! સદર અદાલતનો દફ્તરદાર ! માસિક સો રૂપિયાનો સરકારી અમલદાર !

શોભારામ ગળગળો થઈ ગયો. સાહેબના પગમાં ઢળી પડ્યો. પગ સિવાય બીજું કાંઈ જોઈ પણ ન શક્યો. આભારના આંસુથી એની આંખ છલકાઈ ગઈ હતી.

'તમારા છોકરાને કહેજો કે વફાદારીથી નોકરી કરશે તો એ ઘણો આગળ વધશે.'

'આપ સાહેબે હાથ ઝાલ્યો છે છોકરાનો, પછી શું કહેવાનું હોય ? આપનો અભાર ક્યા શબ્દોમાં માનું ?'

'દફ્તરદાર !' મોટા સાહેબે વાતાવરણમાં છાયેલી ગંભીરતા હળવી કરવાને જરા મરકતાં કહ્યું ઃ'તમારો છોકરો અહીં જ છે ને ? શું એનું નામ ? ગૌતમ...તમે ઘેર જાઓ, ખુશહાલી મનાવો.

કહેજો કે કાલે બાર વાગે મને મળી જાય. ને એકાદ બે દિવસમાં કામે ચડી જાય. ચિટનીસ પાસે જાઓ. એ તમને હુક્મ આપશે.'

સાહેબના પગને વંદન કરીને શોભારામ બહાર નીકળ્યો.

શોભારામે રાવસાહેબની પાસે જઈને ગૌતમની સદર અદાલતના દફ્તરદાર તરીકેની નિમણૂંકનો કાચો હુકમ લીધો.

રાવસાહેબે હુકમ આપતાં કહ્યું ઃ 'કાકા ! આ અદાલતમાં આજ સુધી તમે પ્રમાણિક મહેનત કરી છે. ગરીબોને બને એટલી મદદ કરી છે. કાળી મહેનત કરીને છોકરાને ભણાવ્યો છે. ભગવાને

આજ તમારા સામે જોયું છે.'

બીજાઓએ મુબારક્બાદીના સૂર ઉમેર્યા. મોટા સાહેબની મહેરબાની મેળવી, એકનો એક દીકરો હજી નિશાળમાંથી પગ બહાર મૂકે છે ત્યાં જ એને સો રૂપિયાની અમલદારી મળી. હવે શોભારામ

કેવળ મશ્કરીના નહિ પણ સાચા દફ્તરદાર !દફતરદાર શું દફતરદારના બાપ થયા. આ બધી વાતો--મુખ્ય વાતમાંથી ફલિત થતાં પરિણામે અલગ અલગ મુબારકબાદીને લાયક હતી ને જુદા

જુદા માણસોએ જુદી જુદી મુબારક્બાદી આપી.

'હવે તો કાકા ધેર ઘોડાગાડી રાખશે ને ઘોડાગાડીમાં આવશે રોજ અદાલતમાં.' એક કારકુને કહ્યું.

ગવરીશંકરે કહ્યું ઃ ' જા. જા. ગાંડા, હવે કાકા શું કામ આવે અદાલતમાં ? હવે તો કાકા દેવદર્શને જશે. કેમ ખરુંને કાકા ? ચાલો. આપણને ન હોય તો આપણા પાડોશીને હજો. કાકા ને ઘેર ગાડી

હશે તો કોઈક દી કામ લાગશે તો ખરી ને? કેમ બોલ્યા નહિ, કાકા ?'

ગવરીશંકરે પોતાના સવાલનો જવાબ મેળવવા કાકા સામે જોયું, ને એ જરાંક છોભીલો પડ્યો.

'અરે કાકા ! તમારી આંખમાં આંસુ ? તમે તો મોટા છો. મારાથી કાંઈક બોલાયું હોય તો આ સમે ગળી જવું જોઈએ. અમે રાજી છીએ. કાકા ! '

' આ ગવરો.' રાવસાહેબ જરાક ચિડાયા ઃ' બોલવાનું ભાન જ ન મળે.'

શોભારામે ભારે હૈયે કહ્યું ઃ 'ના. ના. એણે મને શું કહ્યું છે કે ખોટું લાગે ? આ તો બીજી વાત છે.'

ગવરીશંકરે કહ્યું ઃ ' કાકામ બીજી વાત હોય તો તમારે એ કરવી પડશે. નહિતર મને આ કોઈ જંપવા નહિ દે. ને તમે નહિ હો તો કોઈ મારું તાણશે નહિ.'

'સાચે બીજી વાત છે.'

શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયર" પુસ્તિકાનું પ્રકરણ -૧ શોભારામ સુરતી

'મને મરતાં ભાળો, કાકા.'

'મને થયું કે આજ છોકરાની મા જીવતી હોત તો એની આંખો કેવી ઠરત !'

કોઈ કાંઈ ન બોલ્યું. બધાની વાતો એકદમ બંધ થઈ ગઈ.

શોભારામ ધીમે પગે હુક્મ લઈને બહાર નીકળ્યો.

એમના ગયા પછી ગવરો બોલ્યોઃ ' માળું ભગવાને પણ આ બાયડી ને છોકરાંનું બખડજંતર કાંઈ કર્યું છે ને ! માણસને આભ પહોંચવાની બુધ્ધિ આપીને પાતાળમાં ચાંપવા આ બાયડી ને

છોકરાંની જંજાળ વળગાડી. છોકરાં દુઃખી હોય ત્યારે તો ઠીક ! આ તો સુખી હોય તોય શૂળ કરે.'

શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયર" પુસ્તિકાનું પ્રકરણ -૧ શોભારામ સુરતી (aap ni farmaaish)