Bhasha Param Aanand Swarup in Gujarati Human Science by Dr. Yogendra Vyas books and stories PDF | Bhasha Param Aanand Swarup

Featured Books
Categories
Share

Bhasha Param Aanand Swarup

ભાષા પરમ આનંદસ્વરૂપ

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ


© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

ભાષા પરમ આનંદસ્વરૂપ બ્રહ્‌મને સમજાવી શકતી નથી

શબ્દો અથવા વાણી એટલે કે ભાષા તત્વને-પરમ આનંદસ્વરૂપ બ્રહ્‌મને સમજાવી શકતી નથી. એવું સ્વીકારવા છતાં અનિવાર્યપણે શબ્દની મદદથી જ એને સમજવાની અને સમજાવવાની મથામણ યુગોથી ચાલે છે. એ તો ‘ગૂંગે કેરી સરકરા’- ગૂંગાએ ખાધેલી શર્કરા જેવો અનુભવ છે. શબ્દો અને વાણીની પારનો અનુભવ છે. છતાં બધાં જ દર્શનશાસ્ત્રો શબ્દના સાધન કે માઘ્‌યમની મદદથી જ તેનો પાર પામવા મથે છે.

આ કોયડો અધરો છે, એટલો જ સમજીએ તો સહેલો છે. માણસ જ એક એવું પ્રાણી છે, કે જેની પાસે આને સમજી શકે એવી સંકુલ ભાષા છે. માણસને મન, બુદ્‌ધિ, ચિત્ત અને અહંકાર જેવા અંતઃકરણ મળ્યાં છે. મન અને ચિત્ત નપુંસકલિંગ છે- બાળક છે. બુદ્‌ધિ સ્ત્રીલિંગ છે- બધાં અંતઃકરણને એ નિયંત્રણમાં રાખી શકે છે. અહંકાર પૂંલિંગ છે.

બુદ્‌ધિ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. બુદ્‌ધિ બગડે તો, બધું બગડે. એ સુબુદ્‌ધિ હોઈ શકે, કુબુદ્‌ધિ હોઈ શકે. મન, ચિત્ત કે અહંકાર ક્યારેય સારાં કે ખરાબ હોતાં નથી. મન બગડે છે, કારણ કે બુદ્‌ધિ અને બગડવા દે છે, તેને નિયંત્રણમાં રાખતી નથી. ચિત્ત ચિંતાઓ કરીને સંતાપમાં શેકયા કરે છે, બુદ્‌ધિ તેને સમજાવી શકતી નથી. અહંકાર આખા જીવનને નર્કના ખાડામાં ઉતારી શકે છે, કારણકે બુદ્‌ધિ એને ઓગાળી નાખતી નથી. બુદ્‌ધિ પાસે ઉપદેશની ભાષા છે, તર્ક છે, વિવેક છે. આ બધાને કારણે તેની પાસે આખી માનવજાતનો સંચિત અનુભવ છે. આ એકઠા થયેલા અનુભવ, તર્ક, વિવેક અને ઉપદેશથી એ પહેલાં મનને નિયંત્રણમાં લાવે અથવા લાવી શકે.

મન બાળક જેવું છે. ચંચળ છે, ‘મર્કટ’ કહેવાયું છે. વિચારો કે સંકલ્પોની એક ડાળેથી બીજે કૂદકા માર્યા કરે છે. સ્થિર થતું નથી, શાંત રહેતું નથી, સુદામા જેવા અપ્રરિગ્રહી ઋષ્િારાયનું મન પણ શાંત રહેતું નથી. એ પણ ‘સંકલ્પ-વિકલ્પ મનમાં કરે છે.’ એને મળ્યું છે એટલાથી સંતોષ નથી. મૂળભૂત રીતે અસંતોષ એ મનનું લક્ષણ છે. કારણ કે, એને શું જોઈએ છે? એના હિતમાં શું છે? એની એને ખબર નથી. એ વિવેક માત્ર બુદ્‌ધિ જ શીખવી શકે એમ છે. મન અઘીર પણ છે. ‘મન રે કાહે તું ઘીર ન ઘરે?’ એમ બુદ્‌ધિએ એને સમજાવવું પડે છે. ‘મન મારૂં એક માનતું નથી’ એવું અડિયલ પણ છે બુદ્‌ધિ સતત ધ્યાન ન રાખે તો, એ ગંદું થઈ શકે છે તેથી નરસિંહ મહેતા વેષ્ણવજનનું એક લક્ષણ જણાવે છે કે, વાચ કાચ મન નિમર્ળ રાખે તો મીરાં બાઈ કહે છે તેમ, ‘ચલો મન ગંગા-જમના તીર’ એમ વૈરાગ્ય-પ્રેમમાં ડૂબ્યાં રહેવું પડે. મનને નિમર્ળ રાખવા બુદ્‌ધિએ સતત સજાગ રહેવું પડે. કારણ કે, સુખ દુઃખનું જ નહીં, બંધન અને મુક્તિનું પણ એ કારણ છે. मन एव मनुष्याणाम् कारणम् बन्धमोक्षयोः (गीताजी)- કહત કબીર ‘સમજ મન મુરખ, વૃથા જમન ગયો’. મૂળ કારણ તો એટલું જ કે, ‘યે મન ન જાને ક્યા ક્યા કરાયે?’ ઉપરાંત ‘મન કા પંછી ભટક રહા થા’- કામ, ક્રોધ, મદ, મોહ, મત્સર, ઈર્ષ્યાના પ્રદેશોમાં ભટક્યા કરે છે, લલચાયા કરે છે, ખરડાયા કરે છે અને વ્યક્તિને ખરડયા કરે છે. એટલે નરસિંહે સાચા સંતનું - વિરક્તનું લક્ષણ આપ્યું, “ સંસારમાં સરસો રહે ને મન મારી પાસ.” મન ઈશ્વરના ચરણોમાં રહે તો એની કૃપા દૃષ્ટિથી એ શાંત થઈ જાય છે.

મનની આવી ચંચળ, મર્કટસ મુરખ સ્થિતિ છે તો સંસાર આખાની ચિત્ત ચિંતા કરે છે. કારણ કે, વિચાર કરવો એ તેનું લક્ષણ છે. દયારામ કહે છે, ‘ચિત્ત તું શીદને ચિંતા કરે, શ્રી કૃષ્ણને કરવું હોય તે કરે, રામ ભરોસો રાધાવરનો.’ મનને શાંત કરવા બુદ્‌ધિએ સમજાવવા પડે. સમજવવા માટે તર્ક તો જોઈએ જ, વિવેક તો જોઈએ જ પણ તેનું સાધન ભાષા પણ જોઈએ મન અને ચિત્ત સ્થિર થઈ જાય ઈશ્વરચરણે બેસે શાંત થઈ જાય તો અહંકાર આપોઆપ ઓગળી જાય. માટે જ કદાચ અખાએ ગાયુ છે, ‘મન મીટ્‌યે મીથ્યા સંસારા’