Saraswati Chandra - Part 2 - Ch. 11 in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 11

Featured Books
Categories
Share

સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 11

સરસ્વતીચંદ્ર

ભાગ : ૨

ગુણસુંદરીનું કુટુંબજાળ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૧૧

હોલાયેલી આગનો બાકી રહી ગયેલો તણખો

સુરસંગના મંડળ ભણી અબ્દુલ્લો, ફતેસંગ વગેરે ગયા અને માનચતુર થોડા માણસ સાથે રથ પાસે રહ્યો, અને આતુરતાથી, સજ્જતાથી, સાવધાનપણે જે દિશામાં ધિંગાણું મચવાનું હતું તેની પાસ સવિશેષ અને બીજી દિશાઓમાં વચ્ચે વચ્ચે દ્દૃષ્ટિ ફેરવતો, શું થાય છે તેની વાટ જોતો ઊભો. આ શૂર અને બુદ્ધિમાન ડોસાનાં સર્વ અંગ ફરકવા લાગ્યા, તેના ભવ્ય કપાળમાં અપ્રમાદને દૂર રાખનારી કરચલીઓ ચડી આવી, તેની આંખો ઝીણી થઇ દૂરદર્શક યંત્ર જેવી બની ગઇ, ઘડી ઘડી એના દાંત ઓઢની સાથે યુદ્ધ કરી ઓઠને દળી નાંખવા લાગ્યા, તેની ધોળી મોટી મૂછોના કેશ અંતરના આવેગથી ઊભા થતા હતા અને તરાપ મારવા તત્પર થતા ક્રૂર સિંહની મૂછો જેવા દેખાયા. એના એક હાથમાં ઘોડાની લગામ હતી છતાં તે હાથ અસ્વસ્થ કરવા માંડ્યો ત્યારે બીજો હાથ તરવારની મૂઠ સાથે મારામારી કરવા મંડ્યો, અને એના પગ આંખોની આજ્ઞા શોધવા ઊંચા થતા હોય અને ઘોડાને પ્રેરવા નીચા થતા હોય તેમ ઊંચાનીચા થઇ તનમનાટ કરવા લાગ્યા.

કુમુદસુંદરી, રથના પડદામાંથી, ઘડીક પડદો આડો કરી, ઘડીક ઊંચો કરો, દાદાનું મુખ જોતી હતી અને એ મુખના વિકાર ઉપરથી આઘે શું થાય છે તેની કલ્પના કરતી હતી. દાદાને, વાત કરવા જેટલી-સમાચાર કહેવા જેટલી-આઘીપાછી દ્દૃષ્ટિ કરવા જેટલી-નવરાશ ન હતી. રથ પાસે ઊભેલા સવારોની પણ એ જ અવસ્થા હતી. કોઇ કોઇની સાથે વાત કરતું ન હતું, ગાડીવાન પણ રાશ ઝાલી જે આજ્ઞા થાય તેનો તત્પર અમલ કરવા સજ્જ થઇ રહ્યો હતો, અને ઘોડાને હઠાવે એવા ધોરી મહાન બળદ પણ એવી જ દશામાં ઊભેલા દેખાતા હતા. આ ભયસંકલ્પને કાળે-રથને આગળ લેવો પણ અકાર્ય, પાછળ લેવો તે પણ અકાર્ય; એને હતો ત્યાં ને ત્યાં રાાખી રક્ષક મંડળ આમ ઊભું હતું, અને સર્વ પુરુષોના મનમાં “બહારવટિયાઓનો” વિચાર સર્વવ્યાપી થઇ, બીજા વિચારને કાઢી મૂકી, દિગ્વિજયી થયો હતો તે પ્રસંગે કુમુદસુંદરીનું હ્ય્દય, પ્રમાદધનથી કાયર થઇનિરાશ થઇ બહારવટે નીકળી પડ્યું હોય તેમ, આવા બહારવટિયાઓ વચ્ચે આ ભયંકર પ્રદેશમાં સરસ્વતીચંદ્રનું શું થયું હશે તે જાણવા અશક્ત બની તે પુરુષને શોધી કાઢવા ચંદ્રકાંતની જોડે નીકળી પડ્યું હોય તેમ, શ્વશુરકુટુંબમાંથી દુષ્ટ ‘કાળકા’ ના કુભાંડથી પોતાની પ્રતિષ્ઠાની કેવી હત્યા થશે તેના વિચારથી બહારવટિયાઓએ પોતાને બેવડી રીતે પકડી લીધી હોય અને તેથી અત્યંત કંપતું હોય તેમ, એ અનાથ અબળાનું હ્ય્દય, એકલું પડી, અનેકધા ભટકવા લાગ્યું, અસ્વસ્થ થયું અને અનેક સંકલ્પવિકલ્પોનો આશ્રય શોધવા લાગ્યું. ઘડીક તે પડદા બહાર જોતી હતી, ઘડીક તે પડદા પડતા રાખી જાગતી સૂઇ જતી હતી, ઘડીક બંધપડદે ગાડીમાં બેસી મોંએ હાથ દઇ આંસુ પાડી રોઇ લેતી હતી. ઘડીક તકિયે પડી રથની છત્રી સામું જોઇ રહેતી હતી, ઘડીક વનલીલાનો કાઘળ વાંચતી હતી, ઘડીક પડદો ઊંચો કરી આકાશ સામું જોતી હતી, ઘડીક આઘેનાં ઝાડો જોતી હતી, ઘડીક પાસેનાં ઝાડો જોતી હતી, ઘડીક નદીના પ્રવાહ ખળકળ વહેતો હતો તે સાંભળતી હતી, ઘડીક તેનાં વહેતાં પાણી ભણી નજર કરતી હતી, પાણી તળેનાં ઊંડાણ કલ્પતી હતી, પુલ ભણી જોતી હતી, નિઃશ્વાસ મૂકતી હતી, અને ઘડી ઘડી વળી ધૈર્ય પણ ધરતી હતી.

“અહા ! સરસ્વતીચંદ્ર ! આ અત્યંત ભયાનક પ્રદેશમાં અત્યારે ક્યાં હશો ? આટલું કષ્ટ શા માટે વેઠવું પડે છે ? શું ધ્રુવની પેઠે તમને ઓછું આવ્યું ? - પણ તમારી તપશ્ચર્યા કઇ શ્રદ્ધાથી સંભવે ? શું રોબિન્સન ક્રઝોના જેવો અભિલાષ ધાર્યો ? શું બાબર બાદશાહી પેઠે રાજ્ય જતાં કોમળ વયે વિકટ જંગલમાં કવિતા ગાવી ગમી ? તમે તો કહો છો કે,

પતંગો ઊડતી જેવી

હવે મારી ગતિ તેવી !

પતંગ પૃથ્વી સાથે સૂત્રથી સંધાય છે-તમને તો તે પણ ગમતું નથી. અરેરે !

નહિ ઊંચે, નહીં નીચે

મળે આધાર, ઘન હીંચે

નિરાધાર-નિરાકાર !

હવે મારી ય એ આલ !

કોને વાસ્તે આટલું બધું ? હું જ મંદભાગિની તમને આટલા બધા દુઃખનો હેતુ થઇ પડી છું !

સ્ફુરે પોતે, ન દેખાય,

અરણ્યે એકલો વાયુ,

જીવન એ ભાવિ છે મારું !

મોહ એ કુમુદ ! પથ્થર ન જન્મી ! આહા ! પુરુષરત્ન ; નિર્માલ્ય કુમુદમાં તેં શું દીઠું ? એનું ટૂંકું ભાગ્ય ટૂંકું રહ્યું તેમાં તમે શાનું પ્રાયશ્ચિત કરો છો ?- અં...હં...અરેરે !!

જહાંગીરી-ફકીરી એ !

લલાટે છે લખાવી મેં !

અહો મારા જહાંગીર !

નૂરજહાન તુજ નૂરવિનાની, તે કાજ તું ટટળે શાને ?

પ્રમાદધનને પણ નથી ગમતી તે ગમતી તુજને શાને ?

મુખ ઉપર દીનતા અને નેત્રમાં આંસુ નિર્ભર ઊભરાયાં.

“જહાંગીર મુજ ધરે ફકીરી, વનચરનો સહચારો થયો.

દુષ્ટ કુમુદને કાજ ઝૂરે ને મહેલ છોડી વનવાસી થયો.

આ વિચારમાં પળવાર નિદ્રાવશ થઇ, વળી કંઇક ચમકી ઊઠી અને પ્રમાદધનના વિચારમાં પડી.

“ઓ મારા સ્વામીનાથ ! મને તે કાળે પળવારથી મારી નાંખી હોત તો મારા સુભાગ્યની સીમા ન રહેત ! જે મારે માટે ઝૂરી ઝૂરી ભટકે તેની હું નથી; હું મનને મારી મારી તમને વળગું છું તેના તમે નથી-એ શિક્ષા મને યોગ્ય જ છે-મને પૂરી કરી હોત તો એ શિક્ષા પૂરી થાત ! એટલું પણ ભાગ્ય ક્યાંથી હોય ?”

“વ્હાલી વનલીલા ! તને તે મારી દયા શાની આવે છે ? ઓ દયાળુ બહારવટિયાઓ ! આવા ક્રૂર કેમ થાઓ છો ? મને જીવવા કેમ દ્યો છો ? અરેરે ! શું તમારામાંથી એટલી પણ કળા જતી રહી કે ત્યાંથી ગોળી મારો તે આવીને બરોબર મારા કાળજા વચ્ચે ન વાગેને આ નિર્માલ્ય શરીરનો અંત ન આણે ?”

રથના પડદા ઊંચા કરી આઘેનાં ઝાડો ભણી જોઇ ગણગણી : “બિગરી કોન સુધારે રી ?-ખરી વાત છે. પણ મારી બેવડી ‘બિગરી’ તો નાથ પમ સુધારે એમ નથી.” વળી બીજા વિચારમાં પડી ઝાડો દ્દૃષ્ટિ ફેંકી મનમાં બોલી :-

“પણે ઝાડોની ઘટા છે તેની પાછળ ચંદ્ર છુપાઇ રહ્યો હોય એમ પણ કેમ ન હોય ? અરેરે ! આ અરણ્યામાંનાં પ્રાણીઓ વચ્ચે-લૂંટારાઓ વચ્ચે-એની શી વલે થઇ હશે ? એ જે થયું હોય તે મારે સારુ ! એણે મારે સારુ એટલું કર્યુ-એને વાસ્તે હું શું કરું ? હું કૃતઘ્ન છું. હું દુષ્ટ છું. હું નિર્દય છું.” રથમાં માથું ખેંચી લીધું અને પડદો પડવા દીધો, છાતી કૂટી રથ વચ્ચે બેસી પડી; પાછી ટટાર થઇ ભમર ચડાવી. હ્ય્દય અને મુખ ક્રોધને અપરિચિત છતાં હ્ય્દયમાં ક્રોધ જન્મ્યો અને કોમળ મુખ ઉપર વિકરાળ રૂપ ધરી ચડી આવ્યો તેની સાથે ક્રોધથી રોવા જેવી બની બોલી : ‘અહો ક્રૂર અને કૃતઘ્નની સ્ત્રી !-તે હું જ !’

ક્રૂર મારા જેવી કોણ ? સુખી જીવતાને કરવા ન મરું રે !

જૂરી મરે મારે સારુ તેની પૂઠે યે દુષ્ટ ના મરું રે !

પ્રિય ચંદ્ર ! તમે ઉપદેશ આપો છો કે,

“પડ્યું પાનું સુધારી લે

છૂટે ના તે નિભાવી લે.

તમે એવું એવું કહો છો તે ઠીક છે. પણ મારે મારા સ્વામીનાથની આજ્ઞા તમારા ઉપદેશ કરતાં વધારે છે. સ્વામીનાથનું હ્ય્દયચ તો મને એવી આજ્ઞા કરે છે કે,

અરે નિર્માલ્ય નારી રે !

હું નો અભિલાષ જાણી લે.

મરી જા રે ! મરી જા રે !

મને છોડી-છૂટી જા રે !

હું એમને ઝાંખરા જેવી વળગી છું તે છૂટી જાઉં એ એમની ઇચ્છા છે. મને પણ એ ગમતી વાત છે, કારણ કે મારા મરવાથી કેટલા લાભ છે ?

જીવતાંને સુખ થાશે જી !

પતિને સુખ બહુ થાશે જી !

વળી,

ચંદ્ર ઝૂરે મુજ કાળે જી,

હશે દશા શી આજે જી !

એ સૌ મારે માટે જી,

મરીશ હું તેને સાટે જી.

વળી એથી મારો કૃતઘ્નતા-દોષે છૂટશે, અને મારે માથે જે કલંક આણવાનું વાદળ ચડ્યું છે તે ઊતરી જશે અને મારાં માતાપિતા અકારણ અપયશના મહાદુઃખમાંથી ઊગરશે.”

આનંદમાં આવતી હોય તેમ કંઇક મલકાઇ બોલી : “ખરે ! આ સંસાર-સાગર દુઃખમય છે-તેનો કિનારો તે મૃત્યુ, અને એ કિનારો મૂકીએ એટલે જે કોરી જમીન આવે તે મોક્ષ. મારે એ મોક્ષ શોધવો !”

આ વિચાર આમ બલવાન થાય છે તેની સાથે કાનમાં સરસ્વતીચંદ્ર બોલતો હોય એમ ભણકારો વાગ્યો : “વ્હાલી કુમુદ ! તું તારા આત્માને વ્યર્થ ફોસલાવે છે. સન્મૃત્યુ તે મોક્ષ છે, અપમૃત્યુ તે મોક્ષ નથી. દુઃખમાંથી છૂટવા મૃત્યુ શોધવું ને આપઘાત કરવો તે અપમૃત્યુ જે વાટ ફૂંક મારી હોલવીએ છીએ તેમાંથી ધુમાડો નીકળે છે, દુર્ગન્ધ પ્રસરે છે, ને કાળો કોયલો રહે છે. જે વાટ પૂરેપૂરી બળી જાય છે તે શાંત થાય છે અને તેનો ચૂર્ણ થયેલો અવશેષ પંચભૂતમાં જાતે જ ભળી જાય છે. ફૂંડથી હોલવાયેલી વાટ અપમૃત્યુ પામે છે. સમાપ્ત થયેલી વાટ ઇશ્વરઇચ્છાને અનુસરી સ્વયોનિમાં ભળે છે-એનું જ નામ મોક્ષ ! વ્હાલી કુમુદ ! દુઃખથી કાયર થઇ અપમૃત્યુ પામવું તે જે ધર્મ-કર્મ અર્થે ઇશ્વરે જન્મ આપ્યો છે તેની આજ્ઞા તોડી બંડ કરવા જેવું છે.”

શરીરભયના વિચારમાંથી આવા વિચારોમાં સંક્રાંત થયેલું મન આ ક્ષણે અચિંતી બૂમો સાંભળી ચમક્યું. સુરસંગ પકડતાં પાછું ફરતું મંડળ આઘેથી બૂમો પાડતું હતું. આ બૂમો બહારવટિયાની હશે અને તેઓ પાસે આવતા હશે એમ કલ્પી, શરીરભય સમીપ દેખી મનના વિચાર એકદમ અસ્ત થઇ જતાં ભયમાંથી બચવાનો માર્ગ શોધી રાખવા ઇચ્છતી, રથ બહાર ડોકું કાઢી, મનને કાંઇ સૂઝ્‌યું હોય એમ અચિંતી રથમાં અર્ધી ઊભી થઇ વસ્ત્રની અંદર ચણિયાનો કચ્છ વાળી, એક નાનું ખંજર કેડ આગળ સંતાડેલું હતું તે ઉપર હાથ ફેરવી, સજ્જ થઇ, અને જેણી પાસથી બૂમ આવતી હતી તેણી પાસ પડદામાંથી નજર નાંખતી કુમુદસુંદરી સાવધાન બેઠી. માનચતુર પોતાના પક્ષનો વિજય સમજી ગયો; રથની પાસે આવી પડદો ઉપાડી વ્હાલથી બોલ્યો : “બહેન, ભય ગયો; આપણાં માણસ જીતીને પાછાં ફરે છે.”

માનચતુરનાં માણસ ઉમંગમાં આવી ગયાં. સામેથી આવતું મંડળ ઊડી પડતું હોય એમ વેગથી ઘોડા દોડાવતું “ફતેહ ! ફતેહ” કરતું પાસે આવ્યું, અને સૌથી આગળ આવી શંકરના ઘોડાની લગામ ઝાલી અબ્દુલ્લો બોલી ઊઠ્યો :

“ભાઇ સાહેબ ! બુદ્ધિધનભાઇ કા આદમી યહ શંકર મહારાજ હૈ, ઉને સબ બહારવટિયેકું બહાદુરીએ પકડકર ગઠડીમેં બાંધકર સુવર્ણપુરકું ભેજ દિયા ! હા હા હા હા !” અબ્દુલ્લો ખડખડ હસવા લાગ્યો. માનચતુરે શંકરનું ઓળખાણ કર્યું. સૌ એક બીજાને ઓળખવા, સત્કાર કરવા અને ભેટવા લાગ્યા. આખરે શંકર માનચતુરને થયેલા બનાવનું અથ-ઇતિ વર્ણન કરવા લાગ્યો. બહારવટિયઓ સાાથે એણે બુદ્ધિધનની બુદ્ધિનું અને નીતિનું શુદ્ધ અનુકરણ કર્યું-બુદ્ધિધનની શાળામાં ઘડાયાની પરીક્ષામાં સફળ નીવડ્યોયદ્યદાચ રતિ શ્રેષ્ઠઃસ્તત્તદેવેતરો જનઃ ।। મહારાણા ભૂપસિંહનો છેલ્લો શત્રુ અસ્ત થઇ ગયો.

સર્વ મંડળના મુખ પર પ્રસન્નતાની છાપ પડી રહી. માનચતુરે કહ્યું, “મારા બહાદુર સવારો ! હવે જરા ઘોડા પરથી ઊતરો. આખી રાતના થાકેલા ઘોડાઓને વિશ્રામ આપો અને સુભદ્રાનું તાજું પાણી પાવ. તમે પણ પાણી પી જરા સ્વસ્થ થાવ. મુખી, તમને એકલાને આ આરામમાંથી બાતલ કરવા પડશે. મનહરપુરી જાવ અને ગુણસુંદરી ચિંતાથી સમાચારની વાટ જોતાં હશે તેમની પાસે સત્વર જઇ વધામણી ખાઓ અને કહો કે બે ચાર કલાકમાં કુમુદને લેઇ અમે આવીએ છીએ.” વાક્ય પૂરું થતાંમાં મુખી અને તેનો ઘોડો વેગભર મનહરપુરીને માર્ગે અદ્દૃશ્ય થઇ ગયા. બીજાં માણસો ઘોડા પરથી ઊતરી પડ્યાં, ઘોડાઓને થાબડતા, તેમની ચાકરી કરવા, તેમને પાણી પાવા, પોતે પાણી પીવા, વાતો કરવા, બીડીઓ પીવા અને પાનસોપારી ખાવા મંડી ગયાં. માત્ર શંકર ઘોડા ઉપરથી ન ઊતરતાં ચારે પાસ ઘોડો ફેરવતો અને ચારે દિશામાં લાંબી નજર નાંખતો એકલો ફરવા લાગ્યો.

માનચતુર ઘોડેથી ઊતરી રથ પાસે જઇ કુમુદસુંદરીને કહેવા લાાગ્યો : “બહેન, સૌ વિસામો લે છે એટલામાં ગમે તો જરી ઊતરો અને નદી પાસે હરોફરો. ફતેહસંગ, નદી પાસે રથની જાજમ નંખાવ, બહેન બેસે અને પાણીબાણી પીએ.” કુમુદને હાથ ઝાલી રથમાંથી ઉતારી, પોતાને કૃતકૃત્ય માનતો, ગર્વથી ફૂલતો, પ્રચંડ દેખાવનો શૂરવીર ડોસો નીચો વળી ધીમે ધીમે ચાલતી નાજુક પૌત્રીને જાજમ ભણી અત્યંત વ્હાલથી દોરી ગયો, ત્યાં એને બેસાડી, પાસે પોતે બેઠો, હરભમ બેઠો, બીજા બેચાર જણ જરી છેટે બેઠા, ચારે પાસના પદાર્થો કુમુદને બતાવવા લાગ્યા, બીજી આનંદની વાતો કરવા લાગ્યા, અને એની પાસે રૂપાના કળશમાં નદીનું નિર્મલ પાણી આણી ધર્યું તે એણે રૂપેરી હાથે લીધું.

આ સર્વ સ્વસ્થ દેખાવમાં શંકરને અસ્વસ્થ જોઇ માનચતુર ધીમે રહી ઊઠ્યો, શંકરની પાસે જઇ એના ઘોડાના ગળા ઉપર હાથ મૂકી કહેવા લાગ્યો. “કેમ શંકર મહારાજ, તમે કેમ ઊતરતા નથી ?”

શંકર ઊતર્યો, પણ ઊતરતાંઊતરતાં ધીમે રહીને બોલ્યો : “ભાઇસાહેબ, સૌ ચિંતા ગઇ પણ સુરસંગના બે દીકરા બચી નાસી ગયા છે, તેમાંથી એકની ચિંતા નથી-તે શૂર છે અને હલકું કામ કરે એવો નથી, પણ બીજો દીકરો પ્રતાપ કપટી છે, દુષ્ટ છે અને નીચ છે. તેની પાસે માણસો તો હવે નથી, પણ એકલો બેઠો બેઠો પણ રાવણની પેઠે સૌની નજર ચુકાવી કપટ કરે એવો છે-તે ક્યાં હશે ? -એ હું જોઉં છું.”

માનચતુર કંઇક હસ્યો : “હજી એ હિંમત કરે એવો મૂર્ખ છે ?”

“એમ તિરસ્કાર કરવા જેવો નથી. કુમુદસુંદરીને પકડવાં એવી એણે પ્રતિજ્ઞા કરી છે, એનું મન દુષ્ટ છે, અને એની બુદ્ધિ કપટમાં કુશળ છે-હું એને સારી પેઠે ઓળખું છું.”

“ઠીક, એ તો આપણે સૌ પાસથી જોતા રહીશું.”

માનચતુર અને શંકર જાજમ ભણી ગયા. ચાર માણસને સૌની આસપાસ ઊભા રાખ્યા અને આજ્ઞા આપી કે ચાર પાસ અચૂક દ્દૃષ્ટિ ફેરવતાં રહેવું કે સૌની સ્વસ્થતાનો ખોટો લાભ લેવા કોઇ તત્પર ન થાય.

અત્યારે પ્રાતઃકાળના સાતેક વાગ્યા હશે પણ જંગલમાં આઠનવ વાગ્યા જેવું લાગતું હતું. સ્વચ્છ અને ચળકતું સૂર્યબિમ્બ આકાશમાં ઉતાવળું ઊંચું ચડતું જતું હતું અને દ્દૃષ્ટિથી ખમાય નહીં એવું થવા માંડ્યું હતું. આકાશ એક મોટા ચોગાન જેવું-મેદાન જેવું લાગતું હતું અને તે ચારેપાસ તડકાથી ચળકતી ધોળી ભૂરી રેતી ભરેલું દેખાતું હતું. વાદળું તો હતું જ નહીં. ચારેપાસ, પૃથ્વી ઉપર, ઝાડોની ડાળો ઉપર, નદીના પટ ઉપર, તડકો રેલાતો હતો. પાસે નદીનો પુલ હતો તેની નીચે થઇ પાણી અથડાતું, સ્વર કરતું જોરથી લાલ્યું જતું હતું. કુમુદસુંદરી ઊઠી, નદીના તીર ઉપર ઊભી, તે નદીના મૂળ ભણી તેમ મુખ ભણી કુતૂહલથી જોવા લાગી : “વડીલ, આ પાણી કેટલું ઊંડું હશે ?” કુમુદ પાણીમાં નીચું જોવા લાગી, પાણી નિર્મલ છતાં નદીનું તળિયું દેખાતું ન હતું.

હરભમ પાસે આવી બોલી ઊઠ્યો : “બહેન, આ પુલ આગળ ખાડો છે ને સહેજે બેત્રણ માથાં જેટલું પાણી ઊંડું હશે.”

કુમુદ બોલી નહીં. નદીના પાણીમાં, પટમાં, તેના વિચાર લીન થઇ ગયા. “સરસ્વતીચંદ્ર, તમે સાહસ તો નથી કર્યું ? આ પાણીમાં ઝંપલાવ્યું તો નથી ?”

કુમુદ બોલી નહીં. નદીના પાણીમાં, પટમાં, તેના વિચાર લીન થઇ ગયા. “સરસ્વતીચંદ્ર, તમે સાહસ તો નથી કર્યું ? આ પાણીમાં ઝંપલાવ્યું તો નથી ?”

“જહાંગીર મુજ ઘરે ફકીરી, જળચરનો સહચારી થયો !

દુષ્ટ કુમુદને કાજ ઝૂર્યો ને મહેલ છોડી જળશાયી થયો !

હે સુભદ્રા !

રત્ન પડ્યું તુજ ખોળે જો, તો યત્ન કરી તું સાચવજે !

પુરુષરત્નને કંઠે રાખી સ્નેહ થકી તું જાળવજે !

અલી સુભદ્રા ! તું ચતુર છે - એને નીરમાં ડુબાડીશ નહીં - એને તો કંઠે જ રાખજે - તારે કંઠે વળગાડજે.

સુભદ્રા, તું આજે આટલી પ્રસન્ન થાય ન તો મૂર્ખી;

પુરુષરત્નને ઉરે ગ્રહી તું પ્રસન્ન થાય ન તો મૂર્ખી;

પુરુષરત્નનો ધરી સમાગમ ધન્ય ઘરે આવી સુરખી !

અલી સુભદ્રા, મારા ભાગ્યની અદેખાઇ કરવાનું તારે કાંઇ કારણ નથી હોં ! મારા સ્વામી છે તે મારા ઉપર સ્નેહ નથી રાખતા; મારા ઉપર સ્નેહ રખે તે મારો સ્નેહી તો ખરો જ પણ તેના ઉપર સ્નેહ રાખવાનો મને અધિકાર નથી. એટલું હું નહીં સ્વામીની ને નહીં સ્નેહીની !

સ્વામી શોધે બીજીને, તજી મને

સ્નેહી શોધે મને, તજીને મને !

શોધે સ્નેહી તે વ્યર્થ, એને નહીં મળું;

દેર દીધો સ્વામીને પાછો કયમ લઉ ?

તજે સ્વામી તો યે સ્વામી દેહનો;

તજે નહીં જ સ્નેહીયે બંધ સ્નેહનો.

તજું જો હું નકામા મારા દેહને

ભસ્મ એથી કરું હું જો આ સ્નેહને,

સરિત ! સ્નેહીનો સ્નેહ ભુલાવજે !;

એને જીવતો ગમે તે કરી રાખજે.

તારે તીરે આવીને કદી એ રુએ

એનાં ઊનાં આંસુ, ઓ નદી, તું લુએ;

તારી રેતીમાં આવી એ ઊભો રહે,

મારું નામ જપે ને આંસુડાં વહે;

પડ્યો એકલો વિચાર મારા એ કરે,

રોતો રોતો રેતીમાં પડીને સૂએ;

તારા પાણીમાં પેસી નાહશે એ કદી,

પડ્યો વિચારે ઘસડાશે તારા વેગથી;

નદી ! દયા એવે તે સમે લાવજે,

હૈયાસૂના સ્નેહીને ઉગારજે.

ઊભો ઊભો, નદી, એ તારા નીરમાં

સારી આંસુ ભેળવશે ઘડીકમાં;

લખશે આંગળીએ નીરના પ્રવાહમાં

મારા નામના અક્ષરને વિચારમાં.

મારા ઉપર એવું તે એનું વ્હાલ છે.

મારે માટે એવા તે એના હાલ છે.

પૂરો શ્રીમાન ને વિદ્ધાન એ,

મારી પ્રીતમાં ખુએ છે વાન સાનને.

શાણો મારે સારુ એ ગાંડો થયો,

કવિતા મારી કરવાને વનમાં ગયો.

નથી સાંભળી શકતી હું એની વાતને,

માટે અથડાવે રત્ન જેવી જાતને.

ઊભરા કાઢે વનેચરના કાનમાં,

લખે પ્રેમની કવિતા ઝાડપાનમાં.

નદી, એવું એવું હું, જાણી, જોઇ રહું,

એનાં આંસુ વહે તે વહેવા દઉં,

કરું વહાલો કૃતઘ્ન મારા જીવને,

લાય લાગતી નથી આ શરીરને;

શોધ કરતી નથી હું વ્હાલા સ્નેહીની,

ઝાળ જંપાવતી નથી દિવ્ય દેહીની;

મને લેજે, માટે, તું નિજ નીરમાં,

વહેંચી દેજે શરીર-શબ મીનમાં.

કુમુદસુંદરીનું હ્ય્દય આમ નિરંકુશ થઇ દ્રવતું હતું. શરીરના સ્વામીનું સામ્રાજ્ય શરીર ઉપર જ રાખી, તેણે બહારવટે મોકલેલું કોમળ હ્ય્દય હ્ય્દયના સ્વામીની પ્રીતિ અને દશાના સંકલ્પોથી આમ ઉન્માદાવસ્થા ભોગવતું ઉત્કટ થતું હતું, તે કાળે તેનું શરીર તીરની ઊંચી ભેખડરૂપ આસન ઉપર અને આકાશરૂપ છત્ર નીચે દિવ્ય પ્રતિમા પેઠે સ્તબ્ધ હતું. નદી ઉપર વળેલી નેતર પેઠે-નાજુક વેલી પેઠે-તે ઘણીક વાર સુધી આમ ઊભી રહી. ચંદ્રગોળ નદી ઉપર આકાશમાં લટકી રહે તેમ એનું શોકના શાંત તેજથી તેજસ્વી અને નિશ્ચેષ્ટ મુખ અધ્ધર નીચું વળી નદીમાં પોતાના પ્રતિબિમ્બને જોતું હોય એમ લટકતું હતું. નદી ઉત્તરમાં કાંઇ સામો આલેખ પ્રતિબિમ્બરૂપે લખી રહી હોય અમ કુમુદને લાગતું હતું. નીચે આરસનાં જેવાં પગલાંને અગ્રભાગે રહેલી નખ-કળીઓ અને ઉપર ઉઘાડા રહેલા મુખની ઉજ્જવળ દંતકળીઓ, એ બે પોતાની વચ્ચેના શરીરને ઊંચકી જનારી પાંખોનાં પિચ્છાગ્ર હોય એમ, સામસામી ઊભી રહી કંઇક સંકેત કરતી દેખાતી હતી.”

આ સમયે સર્વનો ઉલ્લાસ પૂરો થઇ ગયો હતો; સર્વ કાંઇક શાંત થયાં હતાં; અને હવે વાધવાની તૈયારી કરવાની સૂચના ક્યારે થાય છે તેની વાટ જોતાં હતાં. માનચતુર પણ એવી સૂચના કરવાના જ વિચારમાં તીર ઉપર તરવાને ટેકી ઊભો હતો. શંકર એની એક પાસ ઊભો હતો ને કુમુદસુંદરી ઊભી હતી તે જગાની નીચેની ભેખડો ભણી તાકીને જોઇ રહ્યો હતો.

આમ સૌ સ્વસ્થ અને શાંત હતાં તે વચ્ચે એકદમ શંકર કૂદ્યો અને શિકારી ગરુડ પર્વતના શિખર ઉપરથી અચિંત્યો પૃથ્વી ઉપર જાય એમ શંકર નદીમાં ઊડી પડ્યો. “શું થયું ?”, “શું થયું ?” કરી સર્વ ત્યાં આગળ ગયાં તો નદીના પ્રવાહમાં પુલ ભણી ત્રણ જણ ખેંચાઇ-આગળ અર્ધી ડૂબતી કુમુદસુંદરી, પાછળ તરતો બહારવટિયો પ્રતાપ અને એની પાછળ લાંબા વામ ભરતો બળવાન શંકર ! બીજા એકબે માણસ પાછળ પડ્યાં. પણ નદીનો વેગ એટલો હતો કે તે પાછળ રહ્યં ને આગળના ત્રણ માણસ ને તેમની વચ્ચે ઘણું અંતર પડી ગયું. માનચતુરને નદીમાં પડવાનો વિચાર વીજળી જેવી ત્વરાથી જેવો થયો તેવો જ તરત તે વિચાર ખોટો લાગતાં બંધ થઇ ગયો. આ નદીમાં પાછળ પડવાથી પાછળ પડી જવાનું નક્કી ને કુમુદ હાથમાંથી જતી રહેવાની. પુલની પેલી પાસ કુમુદ થઇ દોડ્યો. બીજાં માણસ પણ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે વર્તવા દોડ્યાં. નદી અર્ધા ગાઉ સુધી વાંકી વળી પાછી વળતી હતી. તે સ્થળે સામા પડવા બેચાર સવાર દોડ્યા. બે જણ મનહરપુરી દોડ્યા.

રથ એમનો એમ રહ્યો. ગાડીવાન સુવર્ણપુરનો હતો અને પ્રમાદધનની ખાનગી વાતોનો કંઇક ભોમિયો હતો. કુમુદસુંદરી ઊભી હતી ત્યાં એ ગયો ને ચારેપાસ તથા નીચે નદીમાં જોયું. આગળ કુમુદસુંદરી અને પાછળના સર્વ માણસ એક પછી એક જોતજોતામાં પુલ તળે પાણીમાં તણાઇ અથવા તરી અદ્દૃશ્ય થઇ ગયા. જ્યાં કુમુદસુંદરી ઊભી હતી ત્યાં આગળ તપાસતાં ગાડીવાનને શંકા થઇ કે ભેખડ ભાંગી પડવાથી પગ સરતાં ભાભી પડી ગયાં હશે કે બહારવટિયે પગ ખેંચી ઘસડ્યાં હશે કે ભાઇથી કંટાળી આપઘાત કર્યો હશે ? તેને કંઇ સૂઝ્‌યું નહીં, જાજમ સંકેલી ગાડીમાં નાખી, કુમુદસુંદરીની ગાંસડી ને કાગળો એકઠા બાંધી રત્નનગરીનો એક સવાર રથ જોડે રહ્યો હતો તેને આપ્યાં, ને કહ્યું : “આ ગુણસુંદરીને આપજો. સુવર્ણપુર લઇ જવાનું કામ નથી. આપણે પુલ આગળ વાટ જોઇએ છીએ. નદીના વેગ આગળ મને કાંઇ આશા પડતી નથી. જો ઇશ્વર સામું જુએ તો તો સૌ સારાં વાનાં છે તો મનહરપુરી જઇશું. જો વિપરિત થશે તો હું સુવર્ણપુર જઇશ-તમે આ ગાંસડી લઇ મનહરપુરી જજો. સમાચાર મળે ત્યાંસુધી થોભવું.”

સવાર આંખો લોહતો લોહતો ગાંસડી લઇ ઘોડે ચડ્યો ગાડીવાને બળદ જોડ્યા ને નિઃશ્વાસ મૂકી બંને જણ પુલ આગળ રસ્તા વચ્ચે ઊભા ને કુમુદસુંદરીના ગુણ સંભારવા લાગ્યા. સવાર કહેવા લાગ્યો : “અરેરે, બહારવટિયાને સૌ પૂરા પડ્યા ત્યારે આમ થયું ! નાનપણમાંથી આવું શાણપણ !-કુમુદસુંદરી તો કોક અલૌકિક કારમો જ અવતાર ! એ તે મૃત્યુલોકને કેમ છાજે ! જ્યાં જાય ત્યાં તેને પગલે પગલે લક્ષ્મી ! બોલે તો જાણે મોતી ખરે ભાઇ એ તો સાક્ષાત્‌ જગદંબા જ ! બુદ્ધિધનભાઇએ શઠરાય જેવાને મા’ત કર્યો તે એની જ શક્તિથી !” ગાડીવાન બોલ્યો : “ખરી વાત છે, ભાઇ ! એનામાં મહામાયાનો અંશ તો ખરો. આવાં અલકબહેન તે પણ ભાભીસાહેબને પગલે પગલે ભમતાં. એમણે તો ચારે પાસ કોઇ માયાની જાળ નાખી હોય નહીં એમ જે એમને જુએ તેનો એમના ઉપર ભાવ થઇ જતો. બુદ્ધિધનબાઇ ફણ એમ જ જાણે કે કુમુદસુંદરી તે શી વાત ! એનાં પગલાં તો દૂધે ધોઇને પીએ એવાં ! એમને પેટે તો અવતાર લઇએ એવા એમના ગુણ ! જો એમનો પત્તો જ ન લાગ્યો તો ગજબ થશે. આ ભગવાન ! એમનો વાંકો વાળ થવા દઇશ નહીં ને ગમે તેમ કરી હતાં એમનાં એમ અમને પાછાં સોંપજે. અમે પાછા જઇ શું મોં દેખાડીશું ?”

સરસ્વતીચંદ્રને જોગી લોક લઇ ગયા ત્યારે કુમુદને આમ નદી લઇ ગઇ. બેના માર્ગ જુદા હતા; દિશા એક હતી. અનેક આંખો એમની પાછળ ખેંચાતી હતી અને એમના માર્ગ શોધતી હતી. પણ દૈવની ઇચ્છા કઇ દિશામાં દોડે છે તેની માત્ર કલ્પના જ હતી.