આજે ફરીવાર આ ઉગતા લેખક ને ઘણું લખવાની, વિચારવાની અને પ્રેરિત થવાની ઘટના સર્જાઈ, અનાયાસે.
આજ સુધી ઘણી સાહસિક વાર્તાઓ, સત્ય ઘટનાઓ વિષે વાચ્યું સાંભળ્યું હતું, પણ જયારે તમે આવા કોઈ મહાન વ્યક્તિત્વને મળો અને એમના અવાજમાં એમની એનર્જી ફિલ કરો, એમનો ઠસ્સો જુઓ એની અનુભૂતિ એકદમ અનોખી જ છે.
આપણા મગજમાં આપણી જાતને સંતોષવા પૂરતી વારંવાર આવતી એક લાગણી....હું જે પરિસ્થિતિમાં છું ત્યાં હું આનાથી વધારે શું કરી શકું ? જે કરું છું એ બીજાની સરખામણી એ ઘણું છે. આપણાથી કોઈ વધારે સફળ વ્યક્તિને મળીએ એમ થાય એને જો બે છોકરા ને આખા દિવસના કામ કરવા પડતા હોય ને તો ખબર પડી જાય. સાંજે આવી ઘર ની હાલત જોઈ જો પતિ કોઇ મજાક કરે તેય ઘણીવાર લાગી આવતું હોય છે. ઘણીવાર જાત ને જ એવું સમજાવવાની કોશિશ કે આ ફિલ્ડ મારું નથી તો હું કેવી રીતે આગળ વધી શકું ? આવા બધા અને બીજા કંઈ કેટલા બહાનાઓનાં તકિયાઓ નીચે બેઠેલા આપણને સૌ રાણીઓને સ્ત્રી શક્તિ, માતા જ બેસ્ટ, બિચારી બાયડી ઘર માટે કેટલા બલિદાન આપે, પોતાની જાત ઘસી નાખે જેવા ફોરવર્ડ્સ જાણે પોતાના માટે જ લખાયાં છેની જે વિચારધારા આપણા સૌનાં મનમાં વહે છે, એ ખોટી માનસિકતાને ધારદાર જવાબ આપતો ચહેરો આજે મને મળ્યો. એજ રીતે એમનું જીવન માત્ર સ્ત્રીઓ માટે જ નહિ પુરુષો, બાળકો કે કોઇ પણ ઉંમરની વ્યક્તિ માટે પણ એટલું જ પ્રેરણાદાયક છે. કે જીવનનો કોઇ અભાવ તમણે નિષ્ફળ બનાવવા માટે જવાબદાર નથી. જે ચાહો એ પામવા દ્રઢ મનોબળ કેળવતા શીખો.
રવિવાર ૧૦/૦૫/૨૦૧૫ સવારે એક મિત્રને મળી સાંજે અમે ન્યુજર્સીના ગાયત્રી મંદિરમાં ગયા, ત્યાં જવાનું મુખ્ય કારણ મારો પુત્ર ત્યાં ચાલતા એક ક્લાસ માં જાય છે એને પીક અપ કરવાનું હતું. બીજા ઘણાં મિત્રો સાથે અમે પણ ત્યાં પહોચ્યાં. જેવા મંદિર માં બેઠા ત્યાં એક સંતને કહેતા સાંભળ્યા કે આ જે મારી બાજુમાં બેઠા છે એને સાંભળો, એ એક સાંભળવા જેવી પ્રેરણાદાયી વ્યક્તિ છે. અને મને એની સાથે કંઈક એવો તાર જોડાયેલો લાગ્યો કે મેં એ લેક્ચર રેકોર્ડ કરવાનું વિચાર્યું અને હું મારી જાતની ઘણી જ આભારી છું કે મેં એ વિચાર તરત જ અમલ માં મૂક્યો.
આ વક્તા કોઈ સામાન્ય વક્તા ન હતા, એ હતા શ્રી અરુણિમા સિંહા. જેઓએ ૨૯ વર્ષની ઉંમરે પદ્મશ્રીનો ખિતાબ મેળવ્યો છે. હું એમને હાલતા ચાલતા ચમત્કાર તરીકે જ ઓળખાવીશ. એમણે બોલવાનું શરુ કર્યું. આજ દિન સુધી આ મહાન વ્યક્તિની યશગાથા મારા કાન સુધી પહોંચી ન હતી, ને જયારે એ પહેલી વાર સાંભળી ત્યારે શરીરનું શું, હૃદયનું ને મગજનું એકે એક રૂંવાડું રોમાંચિત થઈ ગયું. આ લખતા લખતા પણ એવી જ લાગણી અનુભવું છું.
એમના વિષે ટુંકમાં કહીશ તો એમનો જન્મ ૧૯૯૮ માં ઉત્તરપ્રદેશ માં થયો. તેઓ ૨૦૧૧ માં જયારે રાષ્ટ્રિય સ્તરના વોલીબોલ ખેલાડી હતા ત્યારે CIFSની પરીક્ષા ની તૈયારીના કામ અર્થે રેલ્વેની મુસાફરી કરી રહ્યાં હતાં. આ સફર દરમિયાન તેમના કોચમાં ચડી આવેલ ચોર ટોળકીને કંઈપ ણ આપવાની ના પાડતાં, એ ચોરોએ ક્ષણના વિલંબ કે પળ ના ખચકાટ વગર એમને ચાલુ ગાડીએથી બહાર ફેંકી દીધાં. એ જ સમયે બાજુના પાટા પરથી પસાર થતી બીજી ટ્રેન સાથે અથડાતાં દુર્ઘટનામાં એમણે એમનો એક પગ ગુમાવ્યો અને બીજા પગમાં તથા હાથ ખૂબ જ ખરાબ ફ્રેકચરનો ભોગ બન્યો, આવી દુ:ખદ પરિસ્થિતિમાં રેલ્વેના બે પાટાની વચ્ચે તેઓ પોતાનું શરીર સમેટી આખી રાત પડ્યા રહ્યાં. સવારે ગામના લોકો એમને એક નાના દવાખાનામાં લઇ ગયા, જ્યાં એન્સ્થેસિયા કે ઓક્સિજન વગર મુંઝવણમાં પડેલા ડોક્ટરને અરુણિમાએ કહ્યું, “જો હું આખી રાત આ હાલત માં ગુજારી શકી તો આ દર્દ પણ સહી લઈશ. તમે તમારે ટ્રીટમેન્ટ શરુ કરો.” અરુણિમા નો આવો જુસ્સો જોઇ ડૉક્ટર અને હોસ્પિટલ ના અન્ય કર્મચારીઓ એને પોતનુ લોહિ આપવા તૈયાર થયી ગયા. આ નાની હોસ્પિતલમા શક્ય હતી એટલી સર્વાર આપી અરુણિમાને નજીકનાં શહેરની મોટી હોસ્પિટલમાં ખસેડાયા. ત્યાં સુધી મીડિયા એ તેમના પર ટીકીટ વગર સફર કરવાને લીધે ટ્રેન માંથી કુદ્યાનો ગુનો મૂક્યો હતો, જેમ તેમ કરી એની સામે અરુણિમા એ લડત આપી સાચા સાબિત થયા ત્યાં મીડિયા એ ફરી નવો તુક્કો મુક્યો કે એમણે આત્મહત્યા કરવાની કોશિષ કરી છે. અરુણિમા સિંહાના અંગો જ નહિ, હૃદય પણ આ દુનિયાના અમાનુષી વ્યવહારથી થાક્યું હોય એમ એણે ચુપકીદી સાધી, પોતાના મગજમાં ચાલતી આંધીને પોતાની અંદર ધરબી દઈને એમણે એક નિર્ણય લીધો.
એ નિર્ણય હતો માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો. લોકો અરુણિમાને ધૂની અને પાગલનો ખિતાબ આપી રહ્યા હતા, તો બીજી તરફ રેલ્વે એમને સુસાઈડ કરવાની કોશિષ કર્યાના ગુના હેઠળ જુર્માંનો ભરવાની કોર્ટ દ્વારા માંગ કરતી હતી. તેવા સમયે અરુણિમાએ પગની ટ્રીટમેન્ટ લેતાં લેતાં યુવરાજ સિંહની કેન્સર સામેની સફળ લડતથી પ્રેરણા મેળવી અને પોતાને શારીરિક ખામી હોવા છતાં એવરેસ્ટ ચડવાનું પ્રણ લીધું. એમને એ સાબિત કરવું હતું કે લોકો એમને જોઈને "આ છોકરી હવે જીવનમાં શું કરશે ?" ના સહાનુભૂતિ સભર સવાલને બદલે આવો થનગનતો પ્રશ્ન પૂછે કે, “આ છોકરી જીવનમાં શું નહીં કરી શકે ? તેઓ ટ્રીટમેન્ટની પૂરી થતાં જ હોસ્પિટલથી સીધા ભારતના એવરેસ્ટ સર કરનારા પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ ને મળ્યા. એમના આ સાહસ ને સમજનારા અરુણિમાના કુટુંબ સિવાયના પહેલા વ્યક્તિ છે એવરેસ્ટ સર કરવાની અરુણિમાની મહેચ્છા છે તે જાણીને બચેન્દ્રી પાલ પણ રડી પડે છે અને કહે છે : “અરુણિમા તારી આ પરિસ્થિતિમાં તું એવરેસ્ટ જેવા પહાડ વિષે વિચારી શકી ત્યાંજ તેં તારા મનનો એવરેસ્ટ સર કરી લીધો. હવે કરીશ તે માત્ર દુનિયાને બતાવવા માટે. આ પછી અરુણિમાનું જીવન “જ્યાં ચાહ ત્યાં રાહ” કહેવતને જાણે તથાસ્તુ કરતું હોય એવું છે. એમ નથી કે એ રાહ સહેલો હતો, એ રાહ પણ કદાચ માઉન્ટ એવરેસ્ટના શિખર સર કરવા જેટલો જ કઠિન હતો. પણ “નો પેઇન નો ગેઇન” કહેવતને ભૂલ્યા વગર તેઓ પોતાની મંઝીલ તરફ આગળ વધતા જ રહ્યા.
જે છોકરીએ અપ્રિલ ૨૦૧૧ માં જ પગ ગુમાવ્યો છે એ પોતાના મનોબળને પ્રતાપે અપ્રિલ ૨૦૧૩માં પોતાની એવરેસ્ટ સર કરવાની ફાઈનલ ટ્રેઈનીંગ પૂરી કરી શકે છે. અને મે ૨૦૧૩ માં ૫૨ દિવસનો તનતોડ, મનતોડ અને જીગરતોડ પ્રવાસ ખેડી માઉન્ટ એવરેસ્ટની ટોચે ભગવાનનો આભાર માનવા પહોંચી જાય છે. આ ચમત્કાર નથી તો બીજું શું ?
એમનું પુસ્તકનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જાતે વિમોચન કર્યું છે. "બોર્ન અગેઇન ઓન ધ માઉન્ટન"એ પુસ્તક વાંચીને હૃદયમાં જન્મેલાં થોડાં સવાલોના જવાબ શોધવા છે. પુસ્તક વાંચી કદાચ આ વિષય ઉપર ફરી લખીશ. પણ ત્યાં સુધી મારામાંના લેખકને આ મહાન વીરાંગના ઉપર લખતાં રોકવો મારા માટે અશક્ય જ હતું. તેઓને પદ્મશ્રી એવાર્ડ ૨૦૧૫માં ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવ્યો છે. તેઓ આટલેથી અટક્યા નથી હવે એમણે પોતનું ધ્યેય વિસ્તાર્યું છે. હવે તેઓ દુનિયાના સાત સૌથી મોટા ખતરનાક ગણાતા શિખરો સર કરવા માંગે છે. અને હું આ જયારે લખું છું ત્યાં સુધીમાં તેઓ એ સાતમાંના ચાર શિખરો તો સર કરી જ લીધા છે. તેઓ બાકીના ત્રણ શિખરો પણ જલ્દીજ સફળતાપૂર્વક સર કરે એવી શુભકામનાઓ સહ હું એમના મનોબળને હૃદયથી વંદન કરું છું. આ સાથે તેઓ સમાજનું આપેલું સમાજને અર્પણ કરતા હોય એમ કુદરતી હોનરતોમાં સહાયતા , સ્ત્રી શિક્ષણ, સલામતી , અપંગ સહાય, રમત ગમત ક્ષેત્રે આગળ વધવા માંગતી બહેનોને સહાય જેવા બીજા ઘણા લોક સેવાના કાર્યોમાં સતત કાર્યરત રહે છે.
મને અરુણિમાના જીવનયાત્રા ના બધા જ પહેલુ ખૂબ જ ગમ્યાં. જીવનના કોઈ પાસામાં તેઓ નબળા પડતા જ નથી. તેઓ એમના જીવનનો અત્યાર સુધીનો દરેક દિવસ એ એક વીરાંગના તરીકે જ જીવ્યા. રાષ્ટ્રિય કક્ષાના વોલીબોલ પ્લયેરથી માંડીને એવરેસ્ટ સર કરનારા પ્રથમ ભારતીય મહિલા બન્યા. હું એમને અપંગ નહીં કહીશ કારણ કે એમના જેટલી શક્તિશાળી મનોબળ ધરાવતી વ્યક્તિને હું હજુ સુધી મળી નથી. હું એમની આ સફળતાને જ નહીં એમના દરેક દિવસને શાબાશી આપું છું. માત્ર એટલા માટે નહીં કે તેઓ એક સ્ત્રી છે, પરંતુ એટલા માટે કે એમનામાં એક દ્રઢ મનોબળ જીવે છે.
અરુણિમાના જીવનમાંથી થોડી પ્રેરણા લઈએ, અને આપણી કમજોરીઓને આગળ ધરવાને બદલે એને જ આપણી તાકાત બનાવીએ તો ચોક્કસ આપણે આપણું જીવન અનેરાં આત્મવિશ્વાસથી જીવી શકીશું.
એમણે કહેલી થોડી વાતો મને ખૂબ જ ગમી ગઈ છે જે હું અહીં ટાંકુ છું.
"હું પગથી ક્યારેય ચાલી જ નથી, હું હમેશા મારા હ્રદયથી, મારા મનોબળથી ચાલું છું".
"આપણાં જીવનનું સૌથી મોટું જોખમ એ છે જયારે આપણે જીવનમાં કોઈ જોખમ નથી લેવા માંગતા".
"જો એવરેસ્ટ સર કરવો હોય તો પહેલા મનોબળ દ્રઢ કરવાનો એવરેસ્ટ ચઢો "
"જ્યારે તમે પરિસ્થિતિ સામે લડશો ત્યારે જ તમારા માટે માર્ગો ખૂલશે અને ત્યારે જ ભગવાન તમારો હાથ ઝાલશે”.
"શરીરની વિકલાંગતા કરતા મનની વિકલાંગતા ખરાબ છે".
"જયારે સમાજ પર તમારા કહેવાની અસર થતી નથી ત્યારે જે કહો છો એ કરીને બતાવો "
અને મારા જેવા સ્ટ્રગલર માટે થોડાં અમૂલ્ય મોતીઓ જે એમનાં મોઢેથી સર્યા...
"લોકોની નિંદા ને તમને હસી કાઢનારાઓના પેંતરાઓને ઈંટ માની એનાથી જ તમારા સપનાની દુનિયા રચો".
"જયારે દુનિયા તમારા ધ્યેય પ્રાપ્તિના પ્રયત્નોને જોઈ તમને ગાંડામાં ખપાવે ત્યારે સમજો એ ધ્યેય તમારાથી બહુ દૂર રહ્યું નથી”
"ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહો"
અભી તો ઇસ બાઝ કી અસલી ઉડાન બાકી હે
અભી તો ઇસ પરીંદે કી ઇમ્તિહાન બાકી હે
અભી અભી તો મેને લાંઘા હૈ સમુન્દરોં કો
અભી તો પૂરા આસમાન બાકી હે.
( દિવ્યા સોની “દિવ્યતા” )