Prem aprem in Gujarati Fiction Stories by Alok Chatt books and stories PDF | પ્રેમ-અપ્રેમ - ૧૫

Featured Books
  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

  • बन्धन प्यार का - 33

    और नरेश,हिना और मीरा स्वामी नारायण मंदिर के लिये निकल लिये थ...

  • I Hate Love - 12

    जिसे देख जानवी ,,,,एक पल के लिए डर जाती है ,,,,,क्योंकि इस व...

  • आशा की किरण - भाग 3

    अब जो ठीक समझो, करो,’’ बेटे ने कहा, ‘‘सेना के एक कप्तान से म...

Categories
Share

પ્રેમ-અપ્રેમ - ૧૫

પ્રેમ-અપ્રેમ

ભાગ-૧૫

***

અપેક્ષિત જે રીક્ષાનો પીછો કરતો હતો તે ઉભી રહેતી હોવાનું જણાતાં તેણે થોડે દૂર જ પોતાની કારને અટકાવી દીધી. રીક્ષામાંથી પેલી વ્યક્તિ ઉતરી જેનો ચહેરો દેખાતાંની સાથે જ અપેક્ષિતની આંખો પહોળી થઈ ગઈ અને તેના મોઢામાંથી શબ્દો નીકળી ગયા.

“ ઓહ......માય ગોડ.......!!!!!! પ્રિયા.......!!! એ પણ અહીં...મુંબઈમાં..??!!”

તેનું હૃદય જાણે એક ધબકારો ચુકી ગયું ! પ્રિયાને પોતાની નજર સામે જોવાં છતાં તેને પોતાની જ આંખો પર વિશ્વાસ આવતો નહોતો. પ્રિયાનો ચહેરો સાવ નિસ્તેજ બની ગયેલો અને શરીર પણ નંખાઈ ગયેલું. તેણે દૂરથી જ પ્રિયાને જોયા કરી. તે રીક્ષામાંથી ઉતરીને સામેની સાઈડમાં આવેલી એક સોસાયટીમાં દાખલ થઈ. અપેક્ષિત તેને સોસાયટીમાંના એક એપાર્ટમેન્ટમાં જતો જોઈ રહ્યો. તેનાથી રહેવાયું નહીં એટલે પોતે ગેઇટ પાસે જઈને વોચમેનને પૂછપરછ કરી તો ખબર પડી કે પ્રિયા થોડાં દિવસો પહેલાં જ બેંગલોરથી ત્યાં એકલી જ રહેવા આવી હતી. પ્રાથમિક માહિતી મળી જતાં તે મારતી ગાડીએ ફરી મોલ પહોંચ્યો જ્યાં સ્વાતિ ગુસ્સાથી તલપાપડ થઈ રહી હતી.

“વ્હેર યુ વેનીશ્ડ યાર....??? કાર પાર્ક કરવાને બદલે સામેની સાઈડ ક્યાં જતો રહેલો..??” સ્વાતિએ અકળાઈને પૂછ્યું.

“રીલેક્સ સ્વીટહાર્ટ......નથીંગ એઝ સચ....અંદર ચાલ જલ્દી શોપિંગ પતાવી લઈએ પછી વાત કરું તને બધી...” અપેક્ષિતે તેને શાંત પાડવાની કોશિષ કરતાં કહ્યું. પણ સ્વાતિ એમ કંઈ શાંત થાય એમ ન હતી. તેણે છણકો કરીને આગળ ચાલતી પકડી અને અપેક્ષિત તેના નામની બૂમ પાડતો પાડતો તેની પાછળ ચાલતો થઈ ગયો. અપેક્ષિત માટે એથનિક વિઅરનું સિલેકશન પતાવીને બંને મોલમાં જ આવેલા ‘કેફે કોફી ડે’માં જઈને બેઠાં. સ્વાતિથી હવે રહેવાયું નહીં એટલે તે અપેક્ષિતને ગુસ્સામાં ફરી પૂછી બેઠી.

“ હવે કહેવાની કૃપા કરશો કે આપ સાહેબ ક્યાં ગાયબ થઈ ગયેલા...??”

સ્વાતિને છંછેડાયેલી જોઈને અપેક્ષિતે હળવેથી વાત શરૂ કરી,

“સ્વાતિ, હું મોલના પાર્કિંગ જ તરફ જતો હતો ત્યાં સામેની બાજુથી એક રીક્ષામાં મને પ્રિયા બેઠેલી દેખાઈ. હું તે પ્રિયા જ છે કે કેમ તે કન્ફર્મ કરવા રીક્ષાની પાછળ ગયેલો.....”

“ઓહ્હ...!! તો શું તે પ્રિયા જ હતી......?? તે અહીં મુંબઈમાં જ છે....??”

“હા, તે પ્રિયા જ હતી. ના મેં ત્યાંના વોચમેનને પૂછતાં ખબર પડી કે તે થોડાં દિવસ પહેલાં જ બેંગલોરથી અહીં રહેવા આવી છે....પણ...”

“પણ શું... અપેક્ષિત...?” સ્વાતિની અધીરાઈ વધતી જતી હતી સાથે તેના ચહેરા પરનાં ભાવ પણ બદલાઈ રહ્યાં હતાં.

“પણ પ્રિયાનાં ફેસ પર કોઈ જાતનો ચાર્મ દેખાતો ન હતો અને બોડી પણ બહુ વિક પડી ગયું છે..તે જુદી જ પ્રિયા હોય એવું મને લાગ્યું .....”

“એવું પણ બને ને કે તેને કોઈ બીમારી પણ થઈ હોય..??”

“હમમમ...બની શકે...પણ વધુ તો હવે પ્રિયાને મળીએ ત્યારે જ બધી હકીકત ખબર પડે.”

અપેક્ષિતના ચહેરા પર પ્રિયા માટે ચિંતાનાં ભાવ જોઈને સ્વાતિના પેટમાં ફાળ પડવા લાગી. તેમ છતાં તે સ્વસ્થ દેખાવાની કોશિષ કરતી રહી. અપેક્ષિતનું મગજ પણ પ્રિયાનાં વિચારોમાં અટવાયેલું હોય, તેને સ્વાતિના ચહેરા પરનાં બદલાતા ભાવ ધ્યાનમાં ન આવ્યા. મોલમાંથી નીકળીને અપેક્ષિત સ્વાતિને ડ્રોપ કરવા તેના ઘરે ગયો તે દરમિયાન પણ બંને વચ્ચે ખાસ કંઈ વાતચીત ન થઈ. એકબાજુ સ્વાતિને અસુરક્ષિતતાની લાગણી આવી ગયેલી. તેનું મગજ એ જ વિચારોની દોડધામમાં લાગી ગયેલું. ‘પ્રિયા ફરી પાછી આવી ગઈ છે તો ક્યાંક અમારી બંને વચ્ચે આવી જશે તો..? અપેક્ષિતને હજીયે પ્રિયા માટે લાગણી હશે તો...? અમારાં લગ્નમાં કોઈ વિઘ્ન તો નહીં આવે ને ...?’

બ્રેકના અવાજથી સ્વાતિની વિચારમાળા તૂટી. તે યંત્રવત ‘બાય’ કહીને જ એપાર્ટમેન્ટ તરફ જતી રહી. અપેક્ષિતની કાર ઘર તરફ પણ વિચારો તો સતત પ્રિયાની દિશામાં જ ચાલી રહ્યાં હતાં.

‘પ્રિયા....એ જ પ્રિયા જેનું નામ સાંભળતાંની સાથે જ તેનું હ્રદય કમળની જેમ ખીલી ઉઠતું. એ જ પ્રિયા જેને તે અનહદ ચાહતો હતો. જેની સાથે અગણિત સારી પળો જીવી હતી પરંતુ તેની પાસેથી ક્યારેય વળતો પ્રેમ મળ્યો ન હતો. મળી હતી તો ફક્ત દોસ્તી. જેના એકતરફી પ્રેમમાં તે ખૂબ રીબાયો હતો.’

ફ્લેટ પર પહોંચતાની સાથે જ પોતાની દૈનિક ક્રિયાઓ યંત્રવત ચાલુ થઈ ગયેલી સાથે વિચારો પણ યથાવત ચાલતાં રહ્યાં. તેને ટીવી જોવાની પણ ઈચ્છા ન હોય, સીધો બેડરૂમમાં જઈને સુવાની કોશિષ કરતો રહ્યો. મનમાં વહેલી તકે પ્રિયાને મળવા જવાનું નક્કી કર્યું પછી જ તેને ઉંઘ આવી. સ્વાતિ પણ વિચારો સાથે લડી લડીને થાકીને સુઈ ગઈ.

***

સીધી લીટીમાં જીવાઈ જાય તો તેનું નામ જીવન ન કહેવાય. રોજ સવારનો સૂરજ એક નવા દિવસ સાથે જીવનમાં ઘણાં વળાંકો અને ઉતાર ચડાવ લઈને આવતો હોય છે. અપેક્ષિત અને સ્વાતિના સીધી લીટીમાં ચાલતા જીવનમાં પણ હવે પ્રિયા ફરીથી આવી જતાં કોઈ નવો જ વળાંક લઈને તે દિવસનો સૂરજ ઉગ્યો હતો.

બંને પોતાનાં નિત્યક્રમ મુજબ ઓફિસ સાથે ગયા અને લંચ કરવા પણ સાથે જ બેઠાં. મોલમાંથી નીકળ્યાં ત્યારથી બંને વચ્ચે કંઈક અજીબ ચુપકીદી છવાયેલી હતી. અપેક્ષિત હજીયે ચિંતિત જણાતાં અંતે સ્વાતિએ મૌન તોડતાં પૂછ્યું,

“વ્હાય યુ લૂક સો વરીડ માય ડીઅર....વોટ્સ ધ મેટર..?”

“નથીંગ એઝ સચ....જસ્ટ થીન્કીગ એબાઉટ પ્રિયા....”

“હમ્મ્મ્મ......” સ્વાતિને જે જવાબની અપેક્ષા હતી એ જ સાંભળવા મળ્યો.

“મને કાલથી એ જ વિચાર ઘેરી વળ્યો છે કે આખરે પ્રિયા મને છોડીને ગઈ એ પછી એવું શું થયું હશે કે તેની આવી હાલત થઈ ગઈ...? આઈ એમ ફિલિંગ કે મારે તેને જલ્દીથી મળીને આ બધું જાણવું જોઈએ....ઈન ફેક્ટ હું એવું વિચારું છું કે આપણે લંચ પતાવીને સાથે જ પ્રિયાનાં ઘરે જઈને તેને મળીએ.....”

“રીલેક્સ...અપેક્ષિત તેના વિશે આટલું વિચારવાની શું જરૂર છે...? જે થયું હશે તે તને જણાવશે જ ને...તું એક કામ કર આજે તું એકલો જ જઈને તેને મળી આવ....”

સ્વાતિએ પોતાનો અણગમો છુપાવવાની કોશિષ કરતા કહ્યું.

“પણ તું સાથે આવે તો વધુ સારું રહેશે....કદાચ એવું પણ બને કે હું પ્રિયા સાથે સરખી વાત ન કરી શકું...”

“નો અપેક્ષિત.... મારે આમ પણ આજે થોડું કામ છે એ પતાવી લઉં... એન્ડ આઈ નો યુ વિલ ડુ ઈટ....અને આમ પણ તું કંઈ પહેલીવાર તો પ્રિયાને મળતો નથી ને...? આફ્ટર ઓલ શી ઈઝ યોર ફર્સ્ટ લવ...” સ્વાતિએ આંખ મીચકારીને માહોલ હળવો કરવાની કોશિષ તો કરી પરંતુ અપેક્ષિત તેનું મ્હેણું સમજી ગયો.

“શટ અપ...યાર...... ઓકે...આઈ વિલ ગો એલોન....હું એકલો જ જઈને પ્રિયાને મળી આવીશ....” અપેક્ષિતે અકળાઈને જવાબ આપ્યો અને ઉભો થઈ વોશ બેઝીન તરફ ચાલ્યો ગયો.

***

પ્રિયા ન્યૂઝપેપરમાં જોબ કલાસીફાઈડસ જોઈને ટીક કરતી હતી. ત્યાં અચાનક ડોરબેલ રણકી. તે કંટાળાનાં ભાવ સાથે ઉભી થઈ. ડોર ખોલીને જોયું તો સામે અપેક્ષિત હતો. તે અપેક્ષિતને જોઈને ડઘાઈ જ ગઈ, તેને ઘડીભર પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. તેનાં ચહેરા પર વિસ્મય સાથે શરમનો ભાવ પણ દેખાઈ આવ્યો.

“અપેક્ષિત....તું....અહીં...??”

“હા...હું....અહીં..!! કેમ તને શું લાગતું હતું કે તું નહીં કહે તો મને ખબર પણ નહીં પડે...કે તું મુંબઈમાં છે...??”

“ના એવું તો નહીં...પણ તને મારું એડ્રેસ કઈ રીતે ખબર પડી..?” પ્રિયા હજીયે આશ્ચર્યચકિત જ હતી.

“બધું જ કહીશ પણ પહેલાં મને અંદર તો આવવા દે...!!”

“ઓહ...!! સો સોરી...પ્લીઝ કમ ઈન....હું સરપ્રાઈઝ જ એટલી થઈ ગયેલી કે તને અંદર આવકારવાનું ભૂલી ગઈ....હેપ્પી ટુ સી યુ આફ્ટર સો લોંગ....અપેક્ષિત...જાણીતાં સિટીમાં અજાણ્યા લોકો વચ્ચે કોઈક પોતાનું મળ્યું....!!”

પ્રિયાએ અપેક્ષિતને અંદર આવકાર્યો. ફ્લેટ બહુ સામાન્ય હતો અને ખાસ ફર્નીચર પણ હતું નહીં. બેડરૂમમાં એક બેડ, કિચનમાં ગેસ સ્ટવ અને થોડાં જરૂરી વાસણો, નાનકડા હોલમાં બે પ્લાસ્ટિકની ચેર અને એક ટીપાઈ. અપેક્ષિતે ફ્લેટમાં ચારે તરફ નજર દોડાવીને પછી ચેર પર બેઠો. તેણે પ્રિયાને બધી વાત કરી કે કઈ રીતે તેણે મોલ પાસે રીક્ષામાંથી પસાર થતાં તેને જોઈ અને ત્યાંથી તેને ફોલો કરીને એડ્રેસ જાણ્યું હતું.

“ઓહ...!! તો ત્યારે જ તું કેમ મને ન મળ્યો...?” પ્રિયાએ અચરજથી પૂછ્યું.

“તે દિવસે તો મારે પહેલાં કન્ફર્મ કરવું હતું કે મેં જેને જોઈ તે પ્રિયા જ છે કે નહીં...કારણ કે મેં તને છેલ્લે જોયેલી તેના કરતાં તું ખૂબ વિક થઈ ગઈ છે...શું થયું છે તને..? કેમ આટલી વિક થઈ ગઈ છે...? કોઈ બીમારી તો નથી થઈને તને..?”

અપેક્ષિતે એક સાથે અનેક પ્રશ્નોનો મારો ચલાવતા પૂછ્યું.

“એ બધું જ પછી...પહેલાં તું કહે તું શું લઈશ...? ચા કે પછી તારી ફેવરીટ સ્ટ્રોંગ કોફી...??”

“ઓહ....!! તને હજી યાદ છે.....એમ..?”

“એ બધું કેવી રીતે ભૂલી શકાય અપેક્ષિત..? આપણે કેટલો સારો અને કેટલો બધો સમય એકબીજા સાથે પસાર કર્યો છે....ભલે હું તને પ્રેમ નહોતી કરતી પણ તારી સાથે એટેચ્ડ તો હતી જ ને....?મને પણ ક્યાં તારા વિના ચાલતું....?”

“હમ્મ્મ્મ....”

કોફી પત્યા પછી પણ પ્રિયા કંઈ બોલી નહીં એટલે અપેક્ષિતથી રહેવાયું નહીં.

“પ્લીઝ નાઉ ટેલ મી યાર...વ્હેર વેર યુ...? મને કેમ છોડી ગયેલી.....? ક્યાં ગાયબ થઈ ગઈ હતી...?”

“તને છોડવાનું એક માત્ર કારણ એ હતું અપેક્ષિત કે હું બહુ સમયથી જોતી હતી કે તું વાત વાતમાં હતાશ થઈ જતો હતો....તારો રમુજી સ્વભાવ સાવ બદલાઈ ગયેલો...તું વધુ પડતો ઉદાસ જ રહેવા લાગ્યો હતો...એટલે મને એમ લાગ્યું કે તું મારાં લીધે આટલો રિબાય છે એનાં કરતાં જો હું થોડો સમય તારાથી દૂર રહું તો તું મારાં વિના જીવતાં શીખી જશે અને મારામાંથી બહાર નીકળી શકીશ...બીજા લોકોનાં સમ્પર્કમાં ફરી આવીશ તો તું તારું દુઃખ ભૂલીને ખુશ રહેવા માંડીશ.... બસ આ જ વિચારે હું તને છોડીને જતી રહેલી....તને છોડવાની તૈયારી તો મેં ઘણાં સમય પહેલાં જ કરી દીધી હતી.... તને કોઈ પણ પ્રકારની જાણ ન થાય તેની પણ હું પૂરી તકેદારી રાખતી હતી.....પછી એક દિવસ બધું સરખું ગોઠવાઈ જતાં હું બેંગ્લોર જવા નીકળી ગયેલી...તારા મેઈલ્સ પણ મેં વાંચ્યા હતાં પણ હું તને નબળો પડવા દેવા નહોતી માગતી...એટલે મેં મારાં મન પર પણ પૂરો કાબૂ રાખીને તને કોઈ કરતાં કોઈ જ જવાબ આપેલો નહીં....”

“બેંગ્લોર..? ત્યાં કેમ....?” અપેક્ષિતની ઉત્સુકતા વધતી ચાલી.

“ત્યાં મારી એક દૂરની કઝીન રહેતી હતી...જે એક દિવસ મને મુંબઈમાં અનાયાસે જ મળી ગયેલી...તેણે મને કહેલું કે બેંગ્લોરમાં સારી જોબ અપાવી શકે તેમ છે....તેનો સપોર્ટ મળે એવું હોવાથી જ મેં બેંગ્લોર શિફ્ટ થવાનો નિર્ણય કરેલો....હું અહીંથી બધું જ પેક-અપ કરીને બેંગ્લોર જતી રહી તે પહેલાં જ મેં મારી ક્ઝીનનો કોન્ટેક્ટ કરીને ત્યાં જોબનું ફાઈનલ કરી નાખ્યું હતું.....એક મોટાં કોલ સેન્ટરમાં મને જોબ મળી ગયેલી..મારી કઝીન પીજીમાં રહેતી, હું પણ તેની સાથે જ રહેવા લાગેલી....”

“પણ તું મને આવી રીતે છોડીને જતી રહી તો તને કોઈ તકલીફ નહોતી પડી..? યુ નેવર મિસ્ડ મી...??” અપેક્ષિતે આક્રોશ સાથે પૂછ્યું.

“તને શું લાગે છે..? તારા વિના રહેવું મારાં માટે આસાન હતું..? મને કોઈ જ તકલીફ નહીં પડી હોય...? પ્રિયા કટાક્ષમાં હસતાં બોલી...

અપેક્ષિત કંઈ ન બોલ્યો ફક્ત પ્રિયાને સાંભળ્યા કર્યો..

“તકલીફ તો મને પણ બહુ જ પડતી હતી અપેક્ષિત...કારણકે આપણે સતત એકબીજાના સમ્પર્કમાં જ રહેતાં હતાં...અને હવે સાવ સમ્પર્ક વિહોણું રહેવાનું હતું....પણ તને દુઃખી જોવા કરતાં હું દુઃખી રહું એ મને વધુ યોગ્ય લાગતું હતું....શરૂઆતના થોડાં દિવસ તો મને ખાવાનું ગળે ન ઉતરતું હતું..મગજ સતત તારા જ વિચારોમાં રહેતું હતું... તારી બહુ જ ચિંતા થતી હતી....કેટલીયે વાર ફોન કે મેસેજ કરવા માટે હાથને મારે અટકાવવા પડતાં હતાં...પણ ગમે તે રીતે હું તે કરી શકી..... અપેક્ષિત ઇવન આઈ મિસ્ડ યુ ટુ સો મચ.....” પ્રિયાની આંખોમાં ઝળઝળીયાં આવી ગયા.

“તો આટલાં સમયમાં એકાદ વાર તો મને કોન્ટેક્ટ કરવો હતો પ્રિયા....? વ્હાય ડીડન્ટ યુ ડુ ધેટ....?”

“હા કરવો જ હતો પણ એવો મોકો મળે તે પહેલાં જ મારી જીંદગીમાં એક તોફાન આવી ગયું.......જેમાંથી માંડ હિંમત કરીને હું નીકળી અને મુંબઈ આવી શકી...બાકી તો....” પ્રિયાની આંખોમાંથી અશ્રુઓ ઝરવા લાગેલા.

“તોફાન....? કેવું તોફાન...?” પ્રિયાનાં શબ્દો સાંભળીને અપેક્ષિતનો આક્રોશ ઓગળી ગયેલો. તેની આંખોમાં હવે રોષને બદલે કરુણા દેખાઈ રહી હતી. તેણે પ્રિયાની નજીક જઈને તેના ખભા પર હાથ મુક્યો તે સાથે જ પ્રિયા તેને ભેટી પડી. અપેક્ષિતે તેને શાંત પાડીને ફરી ચેર પર બેસાડી. પ્રિયાએ પોતાની આપવીતી સંભળાવી એ દરમિયાન અનેક વખત પ્રિયા રડી પડતી હોવાથી અપેક્ષિત તેને સાંત્વના આપતો રહેતો હતો. પ્રિયાની આપવીતી સાંભળ્યા પછી બંનેના ચહેરા પર વિષાદ સાથે આંખો છલકાઈ ઉઠી હતી. બન્ને ઢળતી સાંજ સામે જોતાં શૂન્યાવકાશમાં ખોવાયેલા રહ્યાં.

***

સ્વાતિ કામનું બહાનું કરીને અપેક્ષિતની સાથે નહોતી ગઈ પરંતુ તેનું ચિત્ત કામમાં પણ લાગતું ન હતું. તેને એક વિચિત્ર પ્રકારની અકળામણ થતી હતી. અસંખ્ય કીડીઓ એક સાથે શરીર પર ચડી ગઈ હોય તેવું તેને અનુભવાતું હતું. અપેક્ષિતને એકલો જવા તો દીધો પણ અનેક વિચારોથી એનું મન ભરાયેલું હતું. સ્વાતિને કોલ કે મેસેજ કરવાનું મન પણ થયું હતું પણ તેણે પોતાની જાત પર કાબૂ રાખીને કોલ કે મેસેજ કરવાનું ટાળ્યું. અપેક્ષિત ઓફિસ પર જ આવવાનું કહી ગયો હોય, તે અપેક્ષિતની ચેમ્બર પર જ નજર માંડીને બેઠી હતી. ઓફિસ અવર્સ પૂરા થતાં હોવાં છતાં હજી અપેક્ષિત આવ્યો ન હોવાથી તેની બેચેની સતત વધતી જતી હતી. આખરે તેની ધીરજ ખૂટતાં તેણે અપેક્ષિતને કોલ કરવા માટે મોબાઈલ લીધો ત્યાં જ તેનો મોબાઈલ રણકી ઉઠ્યો.....અને સ્ક્રીન પર

‘INCOMING CALL APESKHIT’ વાંચતાની સાથે જ તેનો ચહેરો ખીલી ઉઠ્યો....

(ક્રમશઃ)

આલોક ચટ્ટ

  • અપેક્ષિતનો કોલ તો આવ્યો..પણ શું તે કોલ સ્વાતિ અને અપેક્ષિતનાં જીવનમાં નવો વળાંક લઈને આવશે..? શું સ્વાતિ પ્રિયાને અપેક્ષિતના દિલથી દૂર રાખી શકશે....? જાણવા માટે વાંચતા રહો....પ્રેમ-અપ્રેમ....