Pati patni aur vo in Gujarati Short Stories by Chetan Solanki books and stories PDF | પતિ પત્ની ઔર વો

Featured Books
Categories
Share

પતિ પત્ની ઔર વો

દિવાળીબેનની આંખો હજુય ચકળ-વકળ ફરી રહી હતી. તેના દીકરા આરવે એને પાણી આપ્યું પછી એમના ચક્કર કઈક શાંત થયા. દીવાલીબેનના પતિ હીરાલાલ તેનું બાવડું પકડીને હજુય બેઠા હતા. મામલો થોડો શાંત પડ્યો એટલે આરવ તેની પત્ની આસનાને લઈને મૂંગા મોઢે તેના રૂમમાં ચાલ્યો ગયો અને દરવાજો બંધ કરી દીધો. દિવાળીબેન અને હીરાલાલ હજુય દીવાનખંડમાં પલંગ પર બેઠા હતા. દિવાળીબેનના હાથમાં પાણીનો ગ્લાસ હજુ અડધો ભરેલો હતો. વાતાવરણમાં શબ્દો ન હતા પણ મનમાં શબ્દોનું વાવાઝોડું ઉઠી ગયું હતું.

વાત કઈક જાણે એમ હતી કે આરવના લગ્નને હજુ ૩ મહિના થયા હતા અને આસના એ ઘરમાં પગ મુક્યો ત્યારથી અલગ થવાનું રટણ માંડીને આરવને ગળે પડી હતી. આરવ પુરુષ હોવા ઉપરાંત ઘર નો જવાબદાર પુત્ર તરીકે બધી સમજદારી વાપરીને આસના ને સમજાવતો હતો. પણ સ્ત્રી હઠને કારણે ઘણી વખત આરવને ઝુકી જવું પડતું હતું. આજે ત્રીજી વખત ઘરમાં આ જ બાબતને લઈને ઝઘડો ચાલી રહ્યો હતો જે માંડ થાળે પડ્યો હતો.

ખરેખર, સ્ત્રી – હઠ જયારે પ્રચંડ થઈને ઉભી રહે ત્યારે પુરુષને પણ હંફાવે છે. ત્યારે તેની હઠ સામે સમાજના સમજુ અને ઉત્તમ કક્ષાનાં લોકો પણ સામ – દામ – દંડ – ભેદ બધા હથિયારો નીચે મુકીને નમતું જોખે છે. અને આ વાતની ઈતિહાસ સાક્ષી પૂરે છે.

બેડરૂમમાં ગયા પછી આરવે આસનાને એક પણ શબ્દ ન કહ્યો. કારણ કે આરવ સમજુ હતો. તે જાણતો હતો કે આટલું બધું બની ગયા પછી જો એક પણ શબ્દ આસનાને કહેશે તો ફરીથી એ જ મુદ્દો ઉછળીને આવશે અને તેની જીદ વધારે મજબુત બનશે. આરવે અલમારીમાંથી ચાદર લીધી અને સુઈ ગયો. આસના રડતા મોઢે થોડીવાર બેસી અને પછી આરવ તરફ નજર કરી. આસનાએ પોતાના સાસુ સસરા સાથે કરેલી ખુબ ઉચા અવાજની વાતો – થોડા હલકા શબ્દો – આરવે તેને કહેલા શબ્દો બધું જ તેના મગજમાં જાણે એકીસાથે ફાસ્ટ – ફોરવર્ડ થઈને રીપીટ થયા કરતુ હતું. આસનાને ઊંઘ ના આવી. તે ગેલેરીમાં જઈને થોડીવાર ઉભી રહી. સ્ત્રીનું દિમાગ બહારના વિશ્વમાં જેટલું નથી ચાલતું એટલું જ તીવ્ર અને તીક્ષ્ણ પતિનાં પીઠની પાછળ અને બંધ ઓરડામાં ચાલે છે. કદાચ આસના પણ આવું જ દિમાગ ધરાવતી હશે. મોડી રાત્રે એ ગેલેરીમાંથી વિચાર વિમર્શ કરીને પાછી ફરી અને એક ઊંડો શ્વાસ છોડીને સુઈ ગઈ.

=== === === === === === === === === === === === === === === === === ===

જેતપુરથી થોડે દૂર રૂપાવટી નામનું ગામ છે. કાઠીયાવાડ વિસ્તારના આ ગામમાં એક ડોશી રહે. ત્રણ પુત્રો. એક યુવાનીમાં મૃત્યુ પામ્યો. બીજો સુરતમાં ધંધો જમાવી બેઠો અને ત્રીજો અમેરિકામાં વેલ – સેટ. તેનો પતિ ત્રીજા પુત્રનાં લગ્નનાં એક વરસ પછી હાર્ટએટેકથી ભગવાનને પ્યારો થઇ ગયો. બંને પુત્રો સાથે હતા ત્યાં સુધી ડોશીનાં હૈયે હામ હતી. પણ એક – એક કરીને બંને વ્યવસાયનું બહાનું કાઢીને ડોશીના માળામાંથી ફૂરરર થઇ ગયા. થોડા વરસો સુધી ડોશી માટે બંને પુત્રો પૈસા મોકલતા, પણ પછીથી કઈ ભાળ ન લેતાં ડોશી અત્યારે ગામમાં જે કોઈ કઈક આપે એમાં જ ગુજરાન ચલાવતી. નામ ચકુબેન. પણ ગામ આખું એને ચકુડોશી જ કહેતું. એક વાર ઘરમાં કઈક કામ કરતા ચકુડોશીને માથામાં વાગેલું. ખુબ લોહી નીકળેલું પણ ઘરમાં એ એકલી જ હોવાથી કોઈ સારવાર પણ કેમ કરે? એ પોતે જ માથા પર રૂમાલનો ટુકડો દબાવીને એકલી જ ડોક્ટર પાસે ગયેલી. ડોકટરે પણ કહ્યું કે “ડોશીમા, હવે તમારી ઉમર થઇ... આવું બધું કામ તમે ના કરશો. કોઈ કામવાળી રાખી લો.” ડોશીએ હૈયાની વાત ઠાલવતા કહી દીધું, “મદદમાં આવેલ પૈસાથી પેટ ભરાય એ સારું લાગે. તેનાથી આરામ ન કરાય.” ડોક્ટરને પણ એ વાત સાચી લાગી.

=== === === === === === === === === === === === === === === === === ===

બીજા દિવસે પણ આરવ કઈ જ બોલ્યા વગર ચુપચાપ નાહીને નોકરી પર જતો રહ્યો. હીરાલાલ તેના કામથી બહાર ગયા અને આસનાને કામમાં હાથ આપી રોજીંદા જીવનમાં ઢળી જવા મદદ કરવા લાગ્યા.

થોડા દિવસો આમ ને આમ વીત્યા. પછી બનેલા ઝઘડાના મૂળ જ્યાંથી શરુ થયા હતા એને ફરી ખોદવાની શરૂઆત હીરાલાલે કરી નાખી. પેલા ઝઘડાને હજુ પંદર દિવસ થયા હશે ત્યાં હીરાલાલે એક દિવસ આસનાને દીવાનખંડમાં પૂછી લીધું, “બેટા, આસના, લગ્ન સમયે તારા પપ્પા સાથે ચાર લાખ રૂપિયાની વાત થઇ હતી, તેમાંથી એ માંડ પચાસ હજાર કરી ચુક્યા છે. આજે લગ્ન ને ચાર મહિના થવા આવ્યા તોયે એના વાયદાઓ પુરા નથી થતા. જે એમને પૈસા આપવા જ નહોતાં તો તને મોકલવી જ નહોતી. અને હું તો એમ કહું છું કે લગ્ન પણ ન કરાવાય.” આસના ફરી સ્તબ્ધ થઇ ગઈ પણ મક્કમ બનીને પોતાના પપ્પાની આબરૂ સાચવવા શાંત મનથી જવાબ આપ્યો. “અરે પપ્પા, તમે તો જાણો છો ને એ ઉદાર મનના માણસ છે. અને શોખીન પણ ખરા. લગ્નમાં પણ એમણે કોઈ કચાશ નથી રાખી. એમનાથી થતું હતું એનાથી વધુ ખર્ચ કરીને મને સાસરે વળાવી છે. ઉપરથી મમ્મીની તબિયત હમણાં નરમ હોય છે એટલે થોડી અગવડ હશે. પણ એમણે કીધેલું છે એ પ્રમાણે એ કરશે એની મને ખાતરી છે. હું તમારા માટે જ્યુસ બનાવી આપું પપ્પા?” આસના એ મામલો શાંત પાડવા ઠંડા દિલ થી કામ લીધું.

“પણ એનામાં ત્રેવડ જ નહોતી તો આટલો બધો ખર્ચો તેલ લેવા કર્યો? એને ખબર હતી કે મને ચાર લાખ રૂપિયા આપવાના છે તોય લગ્નમાં બેફામ પૈસો ઉડાડ્યો. હવે એ જ પૈસા માટે રોજ મારા મોઢે થી ગાળો સાંભળે છે.... સાવ નાકમાં લોકો...”

એ રાત્રે ફરી ઝઘડો થયો ફરી એ જ અપશબ્દો... એ જ ચહેરાઓ... એ જ મુદ્દા ને લઈને...

આસનાને થયું કે આ બાબતે ગૃહ – અદાલતમાં જઈને ફરિયાદ કરે. પણ એનાથી તેના સાસરિયા અને પપ્પા બંને નું નામ ખરાબ થશે. અને એક વાતને લઈને બે ઘરની આબરૂ બગાડવી એ વાત વાજબી ન કહેવાય. આસનાએ બીજી જ ઘડીએ તે વિચાર પડતો મુક્યો.

આરવ પણ હવે આ બાબતને લઈને આંખ આડા કાન કરતો થઇ ગયો. હવે તો આ રોજનું થયું એમ વિચારીને એ વધારે રસ ન લેતો, પરંતુ આસનાનું દિમાગ પણ હવે દસેય દિશામાં દોડવા લાગ્યું હતું.

બીજા દિવસે સવારનું કામ પતાવીને આસનાએ પોતાનો ફોન હાથમાં લીધો અને કોન્ટેક્ટ – લીસ્ટમાંથી શોધીને એક નામ કાઢ્યું. મનન. આસનાનો કોલેજનો ક્રશ અને બોયફ્રેન્ડ. જો કે કોલેજ સમયમાં તેમનો સંબંધ થોડા મહિનાઓથી વધારે ટકેલો નહિ પરંતુ આજની તારીખે પણ મનન આસનાને કોઈ પણ મદદ કરવા તૈયાર હશે એવી આસનાને ખબર હતી.

“હાય...” આસનાએ ફોન પર વાત શરુ કરી.

“ઓહ.. આસના... લોંગ ટાઇમે યાદ કર્યા ને કઈ અમને...!!!”

“હા... શું કરે છે? ક્યાં છે?”

“હું તો હાલ અમદાવાદ... પપ્પાનો બિઝનેસ સંભાળી લીધો ને...!!! પણ, તે મને યાદ કર્યો, બોવ સારું લાગ્યું મને.”

“મને પણ થયું કે લાવ મારા એક્સ-બોયફ્રેન્ડ ને યાદ તો કરું...”

“હા... હા... હા... એ વાત સાચી...” મનનથી હસી પડયું. મનને ફરી ઉમેર્યું, “તારા તો મેરેજ થઇ ગયા ને?? શું કરે છે તારા મિસ્ટર?”

“ એ તો બેંકમાં જોબ કરે છે... ટીપીકલ મેરેજ લાઈફ.. યુ નો...!!! “

“ હંહં... કઈ નઈ... જેવી છે એવી.. એન્જોય તો કરવી પડશે ને... એમાંથી કઈ છટકાય થોડું? હા.. હા.. હા..” મનને મજાકના મૂડમાં લીધું.

“છટકી શકાતું હોત તો કેટલું સારું હોત... નઈ મનન...!!!

“ એવું ના ચાલે ને આસના... “

“ આ બાજુ આવવાનું થાય તો કહેજે... મળીશું આપણે...”

“ચોક્કસ... ડીઅર... ચાલો બાય... ટેક કેર..”

“ બાય...” કહીને આસનાએ ફોન મુક્યો.

મનન એ ટાઇમમાં કોલેજનો માફિયા કહેવતો. કોઈ છોકરીની છેડતી કરવી, કોલેજમાં લડાઈઓ – ધાક-ધમકી આ બધું મનન માટે ચપટીનું કામ હતું. પરંતુ કોલેજ લાઈફ જિંદગીભર નથી ચાલતી. કોલેજના ગેટની અંદર મનન માફિયા હતો. પરંતુ ગેટની બહાર દુનિયામાં કેટલાય મનન મમરાની જેમ ઉડી જાય છે. થોડો સમય નોકરી શોધ્યા પછી અંતે એણે ફેમીલી બિઝનેસ પકડી લીધો હતો. મનનનાં પપ્પાને ખાદ્યતેલની બે ફેકટરીઓ હતી. એ સંભાળીને મનને પોતાના કરીયરની શરૂઆત કરી દીધી.

મનન અને આસના સાથે મળીને કઈ રીતે વાર્તા ને અંજામ આપે છે એ માટે આગળનો અંક વાંચવો રહ્યો.