Paidawadi Khursi in Gujarati Short Stories by Kishor Gaud books and stories PDF | પૈડાવાળી ખુરશી - સંપૂર્ણ નવલકથા

Featured Books
Categories
Share

પૈડાવાળી ખુરશી - સંપૂર્ણ નવલકથા

પૈડાંવાળી ખુરશી

કુ. નસીમા હુરજૂક

અનુ. કિશોર ગૌડ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

જીવન પરની શ્રદ્ધાની અપૂર્વ લડત

‘શબ્દોનો અર્થ પ્રત્યક્ષ જીવનમાં જ યથાર્થપણે અનુભવાય છે’ એવું એક સુપ્રસિદ્ધ વાક્ય છે. પ્રત્યક્ષ જીવનમાંથી એ અર્થ અનુભવાય ત્યારે જ તે શબ્દોને ‘અર્થપૂર્ણતા’ પ્રાપ્ત થાય છે.

બાર વર્ષ પૂર્વે આની પ્રતીતિ થઈ, જ્યારે ‘હેલ્પર્સ ઑફ ધી હેન્ડિકેપ્ડ, કોલ્હાપુર’ સંસ્થાના એક કાર્યક્રમમાં સૌ. રજનીબહેન કરકરે મધુર અવાજમાં ગાઈ રહ્યાં હતાં...

પછી અશ્રુઓનાં બિંદુબિંદુમાંથી

ઇન્દ્રધનુષ અમે સજાવીશું...

સુખદુઃખોના લઈને તાણા

જીવનપથ અમારો શણગારીશું...

આ કવિતાના શબ્દેશબ્દને અર્થપૂર્ણતા બહાલ કરનાર, મારી દૃષ્ટિએ એકમાત્ર વ્યક્તિ એટલે નસીમા હુરજૂક. ‘હેલ્પર્સ ઑફ ધી હેન્ડિકેપ્ડ’ સંસ્થાનાં સંસ્થાપિકા. મેં તેમના જવી વ્યક્તિ આજ સુધી ક્યાંય જોઈ નથી. પોતાનું સઘળું વિકલાંગત્વ ફગાવી દઈને આ સ્ત્રીએ પોતાનું જીવન તો સંભાળ્યું જ, પણ પોતાની આસપાસના અસંખ્ય અપંગોનાં જીવનનો જીવનપથ પણ સજાવ્યો. તેમણે અપંગોને પોતાના પગ પર ઊભા રહેતાં શીખવ્યું. તેમનામાં આત્મવિશ્વાસ જગાવ્યો. તેમને આત્મસન્માનપૂર્વક જીવતાં શીખવ્યું. ‘તમારામાં કોઈ ખોટ નથી. તમે માત્ર અન્ય કરતાં કેટલીક બાબતોમાં જુદા છો.’ એ મૂલ્યવાન મંત્ર તેમણે તેઓને આપ્યો.

કોલ્હાપુર ‘સકાળ’ના રવિવારના અંકોમાં નસીમાદીદીએ ‘પૈડાંવાળી ખુરશી પરથી’ શીર્ષક હેઠળ વર્ષભર લેખન કર્યું તે વખતે અને આજેય એ વાંચતાં કોઈ પણ વ્યક્તિ ખળભળી ઊઠે છે, અસ્વસ્થ થશે. તેમણે પોતાની શારીરિક વિકલાંગતા સાથે કરેલો સંઘર્ષ, તેમનાં અપંગોને સમર્થ બનાવવાનાં સ્વપ્નો, એ સાકાર કરવા તેમણે કરેલી જહેમત, તેમની જીદ, આચરણની સચ્ચાઈ, કઠોર શિસ્ત જોતાં કોઈનેય મનમાં થાય કે શરીરે સર્વાંગસંપૂર્ણ ધિંગા માણસ માટે પણ જે શક્ય નથી, તે આ પૈડાંવાળી ખુરશીમાંની વ્યક્તિએ કેવી રીતે કર્યું ! અને પછી મજબૂત શરીર ધરાવતાં આપણને આપણી અધૂરપનું ભાન થાય છે.

છેલ્લાં ૩૪ વર્ષથી નસીમાદીદી પૈડાંવાળી એક ખુરશીમાં છે. ક્ષણેક્ષણ શરીરનો પરાભવ થતો તેમણે જોયો છે. ઘામાંથી ખળખળતું રક્ત વહેતુું અનુભવ્યું છે. પણ છતાંય તે પડી ભાંગ્યાં નથી. અપંગોના કલ્યાણનું લીધેલ વ્રત તેમણે ત્યજ્યું નથી.

‘પૈડાંવાળી ખુરશી’ તેમના આત્મકથનાત્મક લેખનમાં પોતાનું સમગ્ર જીવન તેમણે વ્યક્ત કર્યું છે. તેમાં અનેક પ્રસંગો છે, ઘટના છે. તેમનો સઘળો સંઘર્ષ તેમાં નિરુપાયો છે.

‘રડવું નહિ, ભાંગી પડવું નહિ.’ એ તેમના જીવનની પ્રતિજ્ઞા છે અને તેની ક્ષણે ક્ષણે અનુભૂતિ થાય છે.

દીદીના આ સંઘર્ષમાં તેમનું આખું કુટુંબ પણ તેમની સાથે છે. તેમજ મનોહર દેશભ્રતાર, પી.ડી. દેશપાંડે જેવા કેટલાક દીવ્યતાને અણસાર આપતાં વ્યક્તિત્વનો પડછાયો પણ તેમની સાથે છે. દીદીની સાથે આ સહુએ પણ આ સંઘર્ષ સ્વીકાર્યો છે.

નસીમાદીદીએ મને એક વખત પ્રશ્ન પૂછ્યો. અનેક જન્મ લેવા છતાં તે પ્રશ્નનો જવાબ હું આપી શકીશ નહીં. એ પ્રાંજળપણે વ્યક્ત કરું છું.

-દોઢ વર્ષ પહેલાંની વા છે. તેમના હાથે દર્દ ઊપડ્યું હતું. ખૂબ વેદના થતી હતી. દીદીએ કહ્યું - ‘કમર નીચેનું આખું શરીર નિશ્ચેતન થયે ૩૦-૩ર વર્ષ થયાં. અર્ધા શરીર સાથે હું મોટી થઈ. હવે હાથ દુખી રહ્યો છે. હવે ફરી એક વખત આ પંગુતા જો મારી ઉપર હુમલો કરે તો પછી મારે જીવવું (શાને ?) કઈ રીતે ?...

પણ છતાંય ખરા હૃદયથી કહું તો દીદી એકલાં નથી. તેમણે કોલ્હાપુરમાં અનેક અપંગ ભાઈ-બહેનોને જીવનનો શ્વાસ પોતાના જ હૈયામાં રહેલો છે એ શીખવ્યું છે. અસંખ્ય લોકો દીદીના પ્રેમને કારણે, પ્રેરણાને કારણે, મદદને કારણે જીવ્યાં, મોટાં થયાં. તેમને માટે દીદી જોઈએ જ...તેમને મો દીદી અનિવાર્ય બન્યાં છે.

તેમણે વિકલાંગોની દૃઢતાનો જે અનોખો ગોવર્ધન ઊંચક્યો છે એ માટેય તે જોઈએ જ...

અને દીદી એક માણસ તરીકેય જોઈએ જ...

અપંગોની વેદના એ કેવળ શારીરિક નથી, માનસિક પણ છે. અપંગો સાથે સામાજિક જીવનમાં જે વ્યવહાર થાય છે એ તેમના મનને અત્યંત વેદના આપે છે.

દીદીએ પોતાના જીવનમાં, આ સંઘર્ષમાં અસંખ્ય કડવા-મીઠા અનુભવ મેળવ્યા છે. એ વાંચતાં ક્યારેક રોષ જાગે છે, તો ક્યારેક આંખોમાંથી અનરાધાર અશ્રુ વહેવા લાગે છે.

મનુષ્યરૂપે જન્મ્યા છતાંય મનુષ્ય માણસાઈ ત્યજીને વર્તી શકે. એના વિદારક અનુભવ લઈનેય દીદીએ માત્ર માણસાઈની જ રઢ પોતાના હાથમાં દૃઢતાથી પકડી રાખી છે. વૃક્ષો તડકામાં ઊભાં હોવા છતાં પથિકોને તેનો છાંયડો આપે છે. એનો અર્થાનુભાવ દીદીના જીવને આપ્યો.

દદીનું આ અપૂર્વ જીવન આજે પુસ્તકરૂપે મરાઠી વાંચકો સમક્ષ રજૂ થઈ રહ્યું છે. આ એક ખૂબ જ સુંદર ઘટના છે. આ આત્મકથામાં લગીરેય દંભ કે અતિશ્યોક્તિ નથી. માત્ર પોતાના અનુભવો સમાજ સુધી, અપંગો

સુધી પહોંચાડવાની મથામણ છે. પાછળવાળાઓને ઠોકર લાગે નહીં એની ખેવના છે.

‘હાઉસ ઑફ કરેજ, હૅરેક્ટર એન્ડ હ્યુમૅનિટી એટલે જ નસીમાદીદી’ એમ કહીએ તો અત્યંત સાર્થક ગણાશે.

‘હેલ્પર્સ ઑફ ધી હેન્ડિકેપ્ડ’ સંસ્થાનું સર્જન અને વિકાસ એ જ એક અસામાન્ય સંઘર્ષ છે. આ સંસ્થા ઊભી કરતાં, તેને બળકટ બનાવતાં અસંખ્ય અડચણો ખડી થઈ અને તે તેમણે જબરદસ્ત સામનો કરી ઉકેલી. અવનવા માર્ગ શોધી કાઢવા, અર્થકારણ સંભાળવું, માણસોનાં મન સમજવાં, વખત આવ્યે ગુસ્સોય વ્યક્ત કરવો એવાં એવાં સેંકડો પગથિયાં વટાવતાં ‘હેલ્પર્સ’ ચાલી રહી છે.

નસીમાદીદી બંડખોર છે. બંડખોરી ક્યારેય મર્યાદા જાળવતી નથી. મુઠ્ઠીભર છોકરાઓની ગુંડાગીરીને કારણે આપણે આપણો અભ્યાસ શા માટે ખરાબ કરવો. એ શાળેય જીવનનો તેમનો પ્રશ્ન બંડખોરીનું બી વાવી ગયો.

‘નિયતિ કેવી વિચિત્ર હોય છે...’ જેવું વિધાન સુદ્ધાં નસીમાદીદી સામે ધ્રૂજતું રહે છે.

નસીમાદીદીમાં પોતાના કામ પ્રત્યેની એક અત્યંત વિશાળ તન્મયતા છે. નાનપણમાં શાળામાં તેમણે નૃત્યમાં કૃષ્ણની રાધા ઊભી કરી હતી. કેવળ કૃષ્ણના અસ્તિત્વનો આનંદ સમગ્ર અંગમાં વહેતો રાખીને મનના સઘળા રંગ તેમણે નૃત્યમાં આવિષ્કૃત કર્યા હતા. ત્યાર બાદ કમર હેઠળનું શરીર ગયું. છતાં તન્મયતા એ જ અખંડ છે.

રાતોની રાત ઊંઘ ના હોય, અસહ્ય વેદના, શરીરે આંચકા, નૈસર્ગિક બાબતો માટે અત્યંત દુર્દશા વેઠવાની હોય...એવાં કેટલાંય જીવન દીદીએ સાચવી લીધાં. તેમના હસતા ચહેરા એ મનુષ્યરૂપે ઉપનિષદબાઈબલ-કુરાન જ છે.

દીદી ઉત્તમ ખેલાડી છે. તેમનો વ્યંગ પણ આગવો છે. પોતે આપેલું વચન પાળવા તે અંતિમે જઈ શકે. પરમ દિવસે પી. ડી. દેશપાંડેએ કહ્યું કે, ‘દીદીને જરા કરીએ કે જરા ઊભા રહીને ભીંત પરની એ વસ્તુ આપો, આપશો તો હેલ્પર્સને મોટી મદદ મળી શકશે. ત્યારે સર્વસ્વ રેડીને દીદી એ વસ્તુ આપશે જ.’

સ્પર્શની અનુભૂતિનો આનંદ કેવો નિતાંત હોય છે ! માણસને રડવાનાં કારણોય અનેક હોય છે પરંતુ અર્ધા શરીરનું સ્પર્શજ્ઞાન ગુમાવી બેઠેલા મનુષ્યના જીવનની નાળ જ્યારે અંતહીન વેદના સાથે જ બંધાઈ જાય છે, ત્યારેય રડવાને દેશવટો આપીને ચહેરો હસતો રાખી અડધું શરીર લગભગ પથ્થર જેવું સંવેદનશૂન્ય હોવા છતાંય સમુદ્રનાં ઊછળતાં મોજાંઓમાં પહોંચી તરી શકાય કે ? તરી શકાય તો તેનો અર્થ શો ?...વ્હીલચેર એ જ જીવનસાથી હોય ત્યારે સાત સમુદ્રપાર એટલે વિદેશ જઈને રમતગમત સ્પર્ધા ગજાવી શકાય કે ? હાથે આંગળાં ન હોય કે હાથ જ ન હોય તો પગેથી લખીને એકાદ મહંમદ આ ‘હેલ્પર્સ’ની ઇમારતનો ઉદ્‌ઘાટક થઈ શકે કે ? આવા અસંખ્ય પ્રશ્નોના ઉત્તરો જેમણે આપ્યા તે જ આ નસીમાદીદીની ‘પૈડાંવાળી ખુરશી’ જે જીવન પરની શ્રદ્ધાની અપૂર્વ લડતની અજરામર કથા છે. આ કથા કેવળ પુસ્તકિયા નહિ. પરંતુ વાસ્તવ છે, શ્વાસની, પ્રેરણાની, વેદનાની અને નવસર્જનની છે.

શ્રી અનિલ મહેતા અને તેમના કર્તવ્યનિષ્ઠ ચિ. સુનીલ મહેતાએ આ પુસ્તકના પ્રકાશન દ્વારા સુજનતા અને જીવનને જ અધિક સુદૃઢ આધાર આપ્યો છે.

-અનંત દીક્ષિત

મનોગત

‘પૈડાંવાળી ખુરશી’ સાપ્તાહિક કૉલમ ઈ.સ. ૧૯૯૯માં ‘દૈનિક સકાળ’ની કોલ્હાપુર આવૃત્તિ માટે મેં લખ્યું. રવિવારની ‘સપ્તરંગ’ પૂર્તિમાં વર્ષભર આવેલ મારું આ લેખન અસંખ્ય વાંચકોની ઇચ્છાનુસાર પુસ્તકરૂપ ધારણ કરી રહ્યું છે એનો આનંદ છે. ત્યારના કોલ્હાપુર ‘સકાળ’ના (અને હાલમાં પૂણે ‘સકાળ’ના) સંપાદક શ્રી અનંદ દીક્ષિત અને અમારી ‘હેલ્પર્સ ઑફ ધી હેન્ડિકેપ્ડ, કોલ્હાપુર’ સંસ્થાના સંગઠક-ખજાનચી શ્રી પી.ડી. દેશપાંડેના આગ્રહે હું લખવા તૈયાર તો થઈ પરંતુ પહેલો લેખ લખતાં મન પર ખૂબ જ ભારણ હતું. સમયની તાણ...લખવાની આદત નહીં...એમાં નાહક આ પીડા વહોરી લીધી એમ થયું. પણ લેખ છપાઈને આવવા લાગ્યા તેમ તેમ મારો આત્મવિશ્વાસ વધવા લાગ્યો. વાચકોનો વિશાળ પ્રતિસાદ મને આનંદિત કરવા લાગ્યો. અજાણ્યે હુંયે રવિવારની રાહ જોવા લાગી.

ભૂતકાળ સંભારીને લખતાં વળી એક વખત એ જીવન જીવતાં હોવાનો ભાસ પ્રસંગે પ્રસંગે વિલક્ષણ ત્રાસદાયક હતો. જેના સ્મરણમાત્રથી વેદના અનુભવાય એવું મારા જીવનમાં ઘણુંબધું બન્યું છે. તે કારણે જ વિસ્મરણ મને વરદાન લાગે છે. છતાંય આ બધું લખ્યું તે સારું જ થયું એમ હવે લાગે છે. મારી મથામણમાંથી હું જે કાંઈ શીખી તે અજાણતાં આમાં આવ્યું છે. તે વાંચ્યે ‘કોઈક ડાહ્યો’ થશે તો તેને ઓછો આઘાત લાગશે...પછી એ કોઈક અપંગ વ્યક્તિ હો અથવા એકાદ સાર્વજનિક સંસ્થા હો.

પાછલાં ર૮ વર્ષથી હું અપંગોના પુનર્વસનના કાર્યમાં છું. આ કાર્ય કરતી વખતે મેં કોઈ પણ મર્યાદા ક્યારેય સ્વીકારી નથી. અપંગ વ્યક્તિ જોવા મળે, તેની મુશ્કેલી તથા જરૂરિયાત અનુભવીએ કે આપણી રીતે તેને સહકારનો હાથ આગળ ધરવો, તેનું જીવન આનંદિત અને સહ્ય બનાવવાનો પ્રયત્ન કરવો એ જ મારા જીવનનું ધ્યેય છે. આ ક્ષેત્રમાં હું કેવી રીતે આવી એ પ્રશ્ન મને હંમેશા પૂછવામાં આવે છે. આજે તે વિશે થોડું કહીશ

હું જન્મથી અપંગ નથી. સોળ વર્ષની વયે પ્રિ. ડિગ્રીમાં અભ્યાસ કરતી હતી ત્યારે પીઠના દુખાવાનો ઇલાજ કરવા અર્થે હૉસ્પિટલમાં દાખલ થઈ અને એકાએક મારા શરીરના કમર હેઠળના ભાગનું ચૈતન્ય મેં હંમેશ માટે ગુમાવ્યું. ત્રણ-ચાર વર્ષ પીઠમાં દુઃખતું હતું. તેનું યોગ્ય નિદાન ડૉક્ટરો કરી શક્યા નહિ. મારી પીઠનો દુખાવો કાલ્પનિક હોવાથી તેનો માનસ ઉપચાર કરવા સધી ડૉક્ટરોનો મત થયો હતો. દુખાવાનું મૂળ મારા સ્પાઈનલ કૉર્ડમાં હતું. એ ડૉક્ટરોને સમજાયું નહિ. પરિણામે હું પૅરાપ્લેજિક પેશન્ટ થઈ. યોગ્ય સમયે યોગ્ય નિદાન અને તેનો યોગય ઇલાજ થયો હોત તો કદાચ આમ બન્યું ન હોત. હું રમતના કે નૃત્યના ક્ષેત્રમાં તમને જોવા મળી હોત !

શાળામાં રમતમાં અને નૃત્યમાં હું હંમેશાં અગ્રસ્થાને રહેતી. જયસિંગપુરની શાળામાં સાતમા ધોરણમાં ભણતી વખતે સાંસ્કૃતિક કાર્યક્રમો માટે અમે રાધા-કૃષ્ણ નૃત્ય તૈયાર કર્યું હતું. તેમાં હું રાધા થઈ હતી. નૃત્યનો કાર્યક્રમ ચાલુ હતો ત્યારે લાકડાનું સ્ટેજ એકાએક તૂટી પડ્યું અને તેની સાથે હુંય નીચે પડી. મને બહાર કાઢીને સ્ટેજ ફરીથી ઊભું કરીને શિક્ષકોએ આગળના કાર્યક્રમની જાહેરાત કરતાં સાથે જ ‘અમારા નૃત્યનો કાર્યક્રમ અમે પૂરો કરીશું’ એવો આગ્રહ મેં સેવ્યો અને તે પ્રમાણે નૃત્ય પૂરું કર્યું. તે વખતે મળેલ પ્રથમ ઇનામ ખચીત પડી જવા માટે જ હતું !

...આમ પડીને ફરી ઊભા થવાની જીદ મારા સ્વભાવમાં નાની વયમાં પણ હતી. પણ પૅરાપ્લેજિયાના દુખાવાથી હું એકંદર બહારથી સંપૂર્ણપણે ભાંગી પડી. મને અપંગત્વ આવ્યા પછી છ મહિનામાં જ મારા પિતા હૃદયરોગના હુમલાથી પયગંબરવાસી થયા. મારી નજર સામે અંધકારમય ભવિષ્ય મને અધિક ગાઢ ભાસવા લાગ્યું. હું અનહદ નિરાશાથી ઘેરાયેલી અને પથારી સાથે જડાયેલી અવસ્થમાં હતી, ત્યારે ઊભા થવામાં સહાયભૂત થવાનો પ્રયાસ કરનાર પ્રત્યે મને ચીડ ચડતી. ‘આમનું શું જાય છે કહેવામાં ! જેનું બળે એને જ સમજાય’ એવી મારી મનોભૂમિકા હતી. મને વ્હીલચેર-પૈડાંની ખુરશી આપવા વિચારવામાં આવ્યું. ત્યારે તે મદદ પણ હું ઇચ્છતી ન હતી. મનના આવા અંધકારમય વહેણમાં ત્રણ વર્ષ તરતાં તરતાં હું વધુ ઊંડા ને ઊંડા પાણીમાં જતી હતી ત્યારે એક દિવસ મને બાબુકાકા દીવાન મળ્યા. શારીરિક દૃષ્ટિએ મારા જેવા જ એટલે કે પૅરાપ્લેજિક હોવા છતાં બાબુકાકા સાક્ષાત ચૈતન્ય હતા. તેમણે સ્વાનુભવને આધારે નિઃસંકોચ મને મારી શારીરિક મુશ્કેલીઓ બાબતે માર્ગદર્શન આપ્યું. તેમણે જ મને શીખવ્યું કે બીજાઓ પાસેથી મદદ લેતી વખતે લગીરેય ઓછું લાવવું નહિ. આપણા માટે શક્ય થાય ત્યારે આપણે અન્ય અપંગોને મદદ કરીને તે ભરપાઈ કરીએ એટલે થયું ! આ જ મારી અપંગ પનર્વસન કાર્ય પાછળની પ્રેરણા...

બાબુકાકા દીવાનની પ્રેરણાથી અમે ૧૯૭રમાં અપંગ રમતસ્પર્ધામાં સહભાગી થવા માટે બેંગ્લોર ગયાં હતાં ત્યારે ત્યાં બાબુકાકાએ છજર્જષ્ઠૈટ્ઠર્ૈંહર્ ક ઁરઅજૈષ્ઠટ્ઠઙ્મઙ્મઅ ૐટ્ઠહઙ્ઘૈષ્ઠટ્ઠીઙ્ઘ સંસ્થારૂપે અપંગો માટે રચેલ કલ્પવૃક્ષના દર્શનથી હું અંજાઈ ગઈ અને તેમને મનોમન મારા ગુરુ માન્યા. તેમના પગલે પગલે જ મારે આજ સુધીનો પ્રવાસ થયેલો હોવાથી આગળ જતાંય તેમનું જીવન મારા માટે દીપસ્તંભનું કામ કરતું રહેશે એનો મને વિશ્વાસ છે.

૧૯૭૩ની સાલમાં જ હું મુંબઈ અને ત્યાર પછી ઇંગ્લૅન્ડમાં રમતમાં ભાગ લેવા માટે જઈ આવી. તે નિમિત્તે એક વધુ મહામાનવ વિજય મરચન્ટનો પ્રેરણાદાયી અલ્પ સહવાસ મને પ્રાપ્ત થયો. ઇંગ્લૅન્ડની રમતસ્પર્ધામાં અપંગોના આત્મવિશ્વાસથી ખીલેલા ચહેરા જોઈને આવ્યા પછી મને અહીંના અપંગોના ચહેરા પરની ખિન્નતા વધુ ને વધુ અનુભવાવા લાગી.

સામાજિક કાર્યમાં અનેક સારાનરસા અનુભવ ગાંઠે બાંધીને હું અને મારી બહેનપણી રજની કરકરે અપંગ પુનર્વસન સંસ્થામાંથી બહાર નીકળ્યાં. કેટલોક સમય વ્યક્તિગત સ્તરે કાર્ય કર્યા બાદ ૧૯૮૩ની સાલમાં અમે બંનેએ શ્રીમતી વિજયાદેવી ઘાટગે અને સૌ. સુહાસિનદેવી ઘાટગેની મદદથી ‘હેલ્પર્સ ઑફ ધી હેન્ડિકેપ્ડ, કોલ્હાપુર’ સંસ્થા શરૂ કરી. ઈ.સ. ર૦૦૦ સુધીમાં ‘હેલ્પર્સે’ ૭૦૦૦થી વધુ અપંગ વ્યક્તિઓને આશરે સવા કરોડ રૂપિયાની પુનર્વસન સહાય કરી છે. એનો અત્યંત સંતોષ અનુભવું છું.

અપંગત્વ એ પૂર્વજન્મના પાપ બદલ દેવોનો અભિશાપ છે, કર્મનો ભોગ છે એવી માન્યતા આજેય પૂર્ણપણે દૂર થઈ નથી. દયા-કરુણા, અતિકાળજી એક તરફ, જ્યારે ઉપેક્ષા, વંચના બીજી તરફ એમ બે ધ્રુવ પર રહેનારા અપંગોની સંખ્યા આજેય ઓછી નથી. આમાંથી અપંગોમાં લઘુતાગ્રંથિની ભાવના વધતી ચાલી છે. આ લઘુતાગ્રંથિની ભાવના એ ખરું અપંગત્વ છે. માનસિકતા આ વસ્તુસ્થિતિ કરતાં વધુ મહત્ત્વની હોય છે. નાનકડા કોડિયાથી આખાય ઓરડાનું અંધારું દૂર થઈ શકે છે. કોડિયાની જ્યોત પ્રજ્વલિત કરવી આવશ્યક હોય છે. એ અધિક સમય પ્રજ્વલિત રાખવા સુહૃદયના સ્નેહમય ઊંજણની આવશ્યકતા હોય છે.

માતા-પિતા, ભાઈ-બહેન, મામા-માસીએ મારા પર વરસાવેલ હેત શબ્દોમાં વ્યક્ત કદાપિ થઈ શકશે નહિ. સંસ્થાના કાર્યનિમિત્તે દિવસો સુધી અને છાત્રાલય વ્યવસ્થા માટે ઘણી વખત રાતનો મુકામ પણ ત્યાં જ. આ બધુંય મારી માતા ક્ષમાશીલતાથી સહન કરે છે. પૈડાવાંળી ખુરશી દ્વારા મને મુંબઈ પહેલી વખત મારા પ્રિય સમુદ્રનાં મોજાં સુધી લઈ જનાર મારો ભાઈ પરમપ્રિય અજીજ આજે સંસ્થાની ગૅસ એજન્સીની અને વ્યવસાય પ્રશિક્ષણ કેન્દ્રની ઘણીખરી જવાબદારી અત્યંત કાર્યક્ષમતાથી સંભાળી રહ્યો છે. તેની પત્ની ઈર્શાદ સંસ્થાની ટ્રસ્ટી છે. સંસ્થા માટે આર્થિક કે વસ્તુ સ્વરૂપે સહકાર્ય મેળવવાના કાર્યમાં તે આગળ રહે છે. મારી આ ભાભી રસોઈ એટલી સરસ બનાવે છે કે સંસ્થામાં ખાસ મહેમાન આવે કે તેમના ખાવાપીવાની જવાબદારી અમે તેમને સોંપીએ છીએ. મારાં મોટાં બહેન રેહાનાના પતિ શ્રી ઐતબાર શાહ ખાન એ અમારી સંસ્થાના વધુ એક ટ્રસ્ટી છે. સંસ્થાના મુંબઈના મહત્ત્વનાં કામો તે કરે છે. નાનપણમાં મને ઊંચકવાથી લઈને સંસ્થાના રજિસ્ટર્ડ, રેકોર્ડ રાખવાના કામે મારા મામા હારુનખાને મદદ કરી છે.

રક્તનો સંબંધ ન ધરાવતાં, પણ મારા અત્યંત પ્રિય એવા સૌ. રજની કરકરે-દેશપાંડે, શ્રી મનોહર દેશભ્રતાર, શ્રી પી.ડી. દેશપાંડે અને શ્રીકાંત કેકડે આ સંસ્થાના ચાર નક્કર પાયા છે. રજની છેક શરૂઆતથી મારા કાર્યમાં સાથે રહ્યા છે. દેશભ્રતાર ઉત્તમ સંયોજક હોવાથી કાંઈ પણ કામ કરવા માટે સદૈવ તત્પર હોય છે. મહત્ત્વની બાબતોમાં હું જેમની સલાહ લઉં છું તે પી.ડી. સુંદર પત્રો લખે છે. અપંગત્વ સાથે કોઈ પણ સંબંધ ન હોવા છતાં કેકડે આ સંસ્થાને સમર્પિત થયા છે. આ ચારે વ્યક્તિઓ ઉપરાંત અભિજિત ગારે અને ડૉ. છાયા દેસાઈ આ બન્ને તરુણ ટ્રસ્ટીઓ સંસ્થાના કાર્યોમાં મહત્ત્વનું યોગદાન આપી રહ્યાં છે.

ગમે તે કામ હોય, સલાહકાર એવા શ્રી સુરેશ શિપૂરકર અને શ્રી અવિનાશ વાડીકર હાક આપતાં જ દોડી આવે છે. શ્રી વાડીકર પલંગ, ગાદલાં, દૂધ, છાત્રાલય માટે મફત આપે છે. રાત-મધરાતે પોતાની મારુતી ગાડી લઈને સંસ્થાના કાર્ય માટે આવે છે.

અનેક કાર્યકર્તાઓના સહકાર્યથી સંસ્થાનું કામ ચાલતું રહે છે. સુશીલ નાશિકકર, દસ્તગીર પઠાણ, સુબોધ મુંગળે, રાજીવ કાંબળે, વિજય સાબળે, રમેશ રાંજણે સંસ્થાના દીર્ઘકાળથી સાથી રહ્યા છે. અભિજાત ગારે સાથે વિજયકુમાર નલવડે અને હેમંત તેલંગ એ રાત માથે લઈને હિસાબોનું કામ કરે છે. તબીબી પ્રમાણપત્રો, દાન મેળવવાનાં હોય અથવા ઇતર ગમે તે કામ હોય, સંસારમાં અટવાયા હોવાથી વધુ કામ કરી ન શકવાની ચિંતા વ્યક્ત કરતાં ઘણાં કામો કરવામાં સૌ. નીતા દેશભ્રતાર, સૌ. મંજિરી કરકરે, સૌ. પ્રભા કામત ખૂબ જ મદદરૂપ થાય છે. પ્રસિદ્ધ ગાયિકા કુ.

સુચિત્રા મોર્ડેકર તાજેતરમાં સંસ્થાના કાર્યમાં જોડાઈને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે છાત્રાલયના વ્યવસ્થાપનના કામમાં પણ સહભાગી થઈ રહ્યાં છે. અંગ્રેજી અને મહત્ત્વના મરાઠી પત્રો લખવા માટે શિ.વા. ઉર્ફે તાત્યા આઠવલે સંસ્થામાં આવે છે. બાળકોને ઊંચકવાથી લઈને ઉત્તમ ફોટો પાડવા સુધીનું કામ શ્રી અનિલ વેલ્હાળ કરે છે. અમારા સુખદુઃખ, કાર્ય, પ્રશ્નોને વાચકો સમક્ષ રજૂ કરનાર શિવાજી પાટીલ, ચંદ્રશેખર માતાડે, ઉદય કુલકર્ણી જેવા અનેક પત્રકારમિત્રો છે. સંસ્થાના અહેવાલ, પત્રિકા, સ્મરણિકા, પ્રમાણપત્રો કલાત્મક રીતે છાપવા પાછળ સુનીલ ધોપેશ્વરકરની સર્જનાત્મકતા હોય છે. સંસ્થાને જરૂરી બોર્ડ્‌સ, બેનર્સ, પેઇન્ટર અથણે પાછલાં અનેક વર્ષોથી મફત કરી આપે છે. સાતારામ પાટીલ, સોનાલી નવાંગૂળ જેવા નવા કર્મચારીઓ કર્મચારી કરતાં કાર્યકર અધિક છે. આ બધાનાં કાર્યો દ્વારા સંસ્થાનું ભવિષ્ય ઉજ્જવળ છે.

મુંબઈના નિવૃત્ત ન્યાયમૂર્તિ સુભાષચંદ્ર દેસાઈ અને પૂણેના પ્રસિદ્ધ સામાજિક કાર્યકર અનુભાઈ ભાગવત અમારા સલહાકાર મંડળમાં છે એ બદલ અમે ગર્વ અનુભવીએ છીએ. દૈનિક સકાળના સંપાદનની મોટી જવાબદારી સંભાળતા સંસ્થાના કાર્યમાં મિત્ર-માર્ગદર્શકની ભૂમિકા પાર પાડનાર અનંત દીક્ષિત, તબીબી પુનર્વસનમાં મૂલ્યવાન કામગીરી કરનાર ડૉ. પી.જી. કુલકર્ણી, ડૉ. સાવની ચૌગુલે, ડૉ. શરદ શિંદે અને અન્ય અનેક ડૉક્ટર્સ, બાંધકામ અને સ્થાપત્યમાં ઉપયુક્તતા અને સૌંદર્યનો સમન્વય સાધનાર રી પ્રમોદ બેરી, ઑડિટ સાથે મૂલ્યવાન માર્ગદર્શન આપનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી શરદ સામંત, કાનૂની સલાહકાર ઍડવોકેટ શ્રી માધવરાવ નાનિવડેકર, ઍડવોકેટ શ્રી સ્વાનંદ કુલકર્ણી સહુના વ્યાવસાયિક કૌશલ્યની સંસ્થાને મદદ મળતી રહે છે. આવા અનેકોને કારણે સંસ્થા પ્રગતિપથ પર આગળ વધી રહી છે. અનેકોનો ઉલ્લેખ સ્થળ સંકોચને કારણે અને મારી નજરચૂકને કરણે થયો નથી એ તેઓએ ધ્યાને લેવા વિનંતી છે.

‘મહેતા પબ્લિશિંગ હાઉસ’ના અનિલ મહેતા અને સુનિલ મહેતા, મારા લેખનના શુદ્ધ અને અધિક સ્પષ્ટ કરવા માટે અપરિમિત કષ્ટ લેનાર ચારુલતા પાટીલ એ સહુના પ્રયત્નોથી આ પુસ્તક સિદ્ધ થયું છે. તેમનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું.

પાછલાં કેટલાંક વર્ષોમાં મને અનેક પારિતોષિક મળ્યાં. તેની રોકડ રકમ સંસ્થાના કાર્યમાં આપી શકાયાનો આનંદ છે. પરંતુ કાર્ય સહુએ મળીને કરવું અને પુરસ્કાર માટે હું ફક્ત આગળ...એને કારણે પુરસ્કાર સ્વીકારતા સંકોચ અને અપરાધીપણાની ભાવના થતી હોય છે. હું માનું છું કે પુરસ્કાર વ્યક્તિને નહિ, સંસ્થાને આપો. સહુએ મળીને એ સ્વીારવાનો આનંદ કાંઈ નિરાળો જ હશે. એ ભાગ્યયોગથી હું પ્રતીક્ષામાં છું.

જીવનમાં અનેક કડવા પ્રસંગો, સ્વપ્નભંગ મારા માર્ગે આવ્યા. છતાં સ્વપ્ન જોવાની મારી કુટુેવ જતી નથી. સ્વપ્ન દેખાવાં બંધ થાય એટલે મૃત્યુ એમ મને લાગે છે. બાબા આમટે કહે છે કે સ્વસ્થતાપૂર્વક સ્વપ્નો જોવાં અને તે સાકાર કરવા અવિરત કાર્ય કરવું. આ જ આદર્શ મારી સમક્ષ છે.

હવે આ મનોગત લખતાં મારું એક સ્વપ્ન પૂરું થવા આવ્યું છે. મતિમંદ અને અત્યંત અપંગ વ્યક્તિઓ માટે એક નિવાસી કેન્દ્ર ‘દરયાનાની ટ્રસ્ટ’ના સૌજન્યથી ‘હેલ્પર્સ’ દ્વારા અમે લોણાવળા નજીક કાન્હેમાં ‘સાંઈબાબા સેવાધામ’ મુકામે શૃર કરી રહ્યા છીએ.

અમારું આવતી કાલનું સ્વપ્ન છે અપંગ અને સુદૃઢ એકમેકની મદદથી એક જ શિક્ષણસંસ્થામાં જીવનોપયોગી શિક્ષણ લઈ રહ્યાં હોય. આદર્શ એવા પ્રશિક્ષણ કેન્દ્રમાં સંશોધિત સ્વરૂપમાં અપંગ નિષ્ણાતો બનાવતા હોય. અનાથ, અપંગ બાળકો માટે નર્સરી તૈયાર થયેલ હોય. સામાન્યોની જેમ લગ્ન કરીને અપંગ વ્યક્તિ સુખ-સંતોષપૂર્વક જીવન વ્યતિત કરી રહ્યા હોય.

એક...એ અને અનેક...અંતે ‘આકાંક્ષા સમક્ષ આભ ઝૂક્યું અમારાય’ એ જ સાચું. આવાં અનેક સ્વપ્ન આજેય ક્ષિતિજની પેલે પાર છે. તેની પાછળ હું દોડતી જ રહીશ - મારી પૈડાંવાળી ખુરશીની સહાયથી !

-નસીમા હુરજૂક

આત્મબળના માંગલ્યની અનુભૂતિ

આ પુસ્તક માનવતાની ગરીમાનું મહાકાવ્ય છે. એના પાને પાને, સમાજ જેને વામન ગણે એવી વ્યક્તિના વ્યક્તિત્વની વિરાટણતાનું દર્શન થાય છે. દુઃખમાંથી ભાગવાને બદલે કે ભાંગી પડવાને બદલે એ દુઃખને અને એની સાથે આવેલાં સેંકડો સંકટોને અપાર ધૈર્યથી સમજીને આત્મસાત કરીને એમાંથી પાર ઊતરવાના રસ્તા પ્રયોજવાની હૃદયની પારાવાર ક્ષમતાનાં અહીં દર્શન થાય છે.

આ ક્ષમતાભર્યું હૃદય ધરાવતાં નસીમા હુરજૂક... સહુનાં વહાલાં નસીમાદીદીને વહેલામાં વહેલી તકે મળવાનું મન થાય છે. મળવાનું મન એટલે એમનાં દર્શન કરવાનું મન થાય છે અને એ ધન્ય ક્ષણે મનમાં સૌથી પહેલું જે કાર્ય કરવાનું સૂઝે છે તે એમનાં ચરણસ્પર્શ કરવાનું... હા, એ ચરણ જે સ્પર્શની સંવેદના ગુમાવી બેઠાં છે. કમરથી નીચેનું શરીર સ્પર્શની સંવેદના વિનાનું છે એ હકીકત છે પરંતુ મને એવું કહેવાનું મન થાય છે કે કમરથી ચરણકમળ સુધીનું એ અર્ધું અંગ સમાધિસ્થ થયું છે.... અને સમાધિસ્થ અંગે આ તપસ્વિનીને જાણે કે ચિરંતન ચૈતન્યનું વરદાન પ્રાપ્ત કરાવ્યું છે. ઉપરના ચેતનવંતા અંગમાંથી અવિરત અમીમય ચૈતન્યના ફુવારા ફૂટે છે. એ અમીવર્ષા એના સાંનિધ્યમાં આવનાર હરકોઈના જીવનને આત્મબળના માંગલ્યની અનુભૂતિ કરાવે છે.

જેને આપણે વિકલાંગ કહીએ છીએ એવી સ્થિતિમાં નસીમા ન મુકાયાં હોત તો આ કે આમાંનું કંઈ પણ શક્ય નહોતું. નિયતિના આ અભિશાપને આપણે વરદાનમાં પરિવર્તીત કરી નાખ્યો... વાલ્મિકિનો શોક શ્લોકત્વ પામ્યો હતો એવી પાવન આ ઘટના ગણાય.

કવિવર ઉમાશંકર જોષીની આ પંક્તિઓ પણ યાદ આવે છે :

જે જે થયો પ્રાપ્ત ઉપાધિ યોગ

બની રહ્યો એ જ સમાધિ યોગ !...

ઉપાધિઓ આવી અને આવતી ગઈ. સોનું જેમ જેમ કસોટીએ ચડતું ગયું... ભઠ્ઠીમાં તપતું ગયું તેમ તેમ એનું સુવર્ણત્વ વધુ ને વધુ નીખરતું ગયું.

-અહીં આ સોનું એટલે આપણાં આ નસીમાદીદી.

દીદીની આ આત્મકથા ‘પૈડાંવાળી ખુરશી’ની મૂળ મરાઠી આવૃત્તિમાં આરંભે શ્રી અનંત દીક્ષિતજીએ આ સમગ્ર બાબતને ‘જીવન પર શ્રદ્ધાની અપૂર્વ લડત’ કહી છે. એમણે નોંધ્યું છે : ‘છેલ્લાં ૩૪ વર્ષથી નસીમાદીદી પૈડાંવાળી એક ખુરશીમાં છે. ક્ષણે ક્ષણે શરીરનો પરાભવ થતો તેમણે જોયો છે. પણ છતાંય તે ભાંગી નથી પડ્યાં. અપંગોના કલ્યાણનું લીધેલું વ્રત એમણે ત્યજ્યું નથી... ‘રડવું નહીં, ભાંગી પડવું નહિ’ એ તેમના જીવનની પ્રતિજ્ઞા છે અને તેની ક્ષણે ક્ષણે પ્રીતિતિ થાય છે.’

નસીમાએ પોતે આ સંસ્મરણો લખતાં થયેલી વેદના સ્વીકારી છે : ‘ભૂતકાળ સંભારીને લખતાં વળી ફરી એક વખત એ જીવન જીવતાં હોવાનો ભાર પ્રસંગે પ્રસંગે વિલક્ષણ ત્રાસદાયક હતો... જેના સ્મરણમાત્રથી વેદના અનુભવાય એવું મારા જીવનમાં ઘણુંબધું બન્યું છે.’

એમણે એ બધી વેદનાને વિસારે પાડી છે. વેદનાને અતિક્રમી ગયાં છે. પણ વેદના કેવી હશે ! કે આટલું બધું સહન કરનાર ધૈર્યની દેવી જેવાં નસીમાએ આવું વિધાન કરવું પડે છે કે ‘...જેના સ્મરણ માત્રથી વેદના અનુભવાય એવું મારા જીવનમાં ઘણું બધું બન્યું છે. તે કારણે જ વિસ્મરણ મને વરદાન લાગે છે.’

જેને સંભારવા માત્રથી વેદના થાય છે એ સંસ્મરણોમાં સૌથી પહેલું મંગલાચરણ જેવું સોળમું વર્ષ છે. જીવનનું સોળમું વર્ષ. જેને યૌવનના ઉંબરમાં પગ મૂકવાનું વર્ષ ગણવામાં આવે છે એ સોળમું વર્ષ. ઉંમરના એ વર્ષે શરીરના અર્ધા ભાગમાંથી સંવેદનાએ વિદાય લીધી... યૌવનનો થનગનાટ પ્રગટવો જોઈએ એને બદલે અર્ધું અંગ સંવેદન ગુમાવે એ કેવી કરુણતા ! પગ અનાયાસ નર્તન કરી ઊઠે, અરે હરતાં ફરતાં પગ જમીનને અડતાય ન હોય એવી સ્ફૂર્તિ, એવા તરવરાટની જ્યાં રેલમછેલ હોય ત્યાં કેવળ સ્પર્શ-બધિરતા !

હૃદયમાં તો હતો નૃત્યનો ઉમંગ... નૃત્ય હતું રાધાકૃષ્ણનું.

નૃત્યની રમઝટ જામી અને સ્ટેજ તૂટી પડ્યું... જીવનમાં આગળ જતાં જે બનવાનું હતું એનો જાણે કે એક અણસાર મળ્યો. જીવનમાં ઉમંગોની રમઝટને સમયે જ બધું ભાંગી પડવાનું હતું. કેવી કેવી વેદનાના વંટોળ આવવાના હતા !... વેદના... વેદના...

નસીમા, ક્યારેય થાય છે કે આંસુમાં કલમ બોળીને આ કથા લખી છે કે લોહીમાં બોળીને ?... પણ ના નહીં આંસુ નહીં લોહી... બેમાંથી એકે નહીં. તમે તો લખ્યું છે આ બધું અંતરમાં કલમ બોળી બોળીને... હા, આમ તો આંસુનાં સરોવર તર્યાં છો તમે એ જીથી ગયેલી માનવતાને અંતરના સ્પર્શથી સજીવન કરતાં રહ્યાં છો.

જીવનની યાત્રા આરંભથી જ વિચિત્ર રહી છે. પોતાને વિશે પુછાતો પહેલો આ પ્રશ્ન નસીમાનું પહેલું સંભારણું છે :

‘હલિંબી ! આ તારી જ કે ?’

આ છોકરી તારી જ છે ? એવો માતાને પુછાતો પ્રશ્ન સાંભળીને એ નાનકડી લાડકી દીકરીને કેવું થતું હશે ?... માતા-પિતા, ભાઈઓબહેનો બધાં ઊજળેવાન અને પોતે શામળી-કાળી એટલે મનથી લગભગ સ્વીકારઈ ગયું’તું કે સાચે જ હું આ પરિવારની બાળકી નથી. નહીંતર વળી દેખાવમાં આવો ફરક હોય ?

વાત આમ જોવા જઈએ તો સાવ સામાન્ય છે. હસી કાઢવા જેવી. એમણે પણ લગભગ એ ભાવનાથી જ આ સ્મરણ મૂક્યું છે. પણ આ વાત એક જુદો જ નિર્દેશ કરી જાય છે, એ છે એને મળેલું એક વિશિષ્ટ વ્યક્તિત્વ-આગવું વ્યક્તિત્વ-નિરાળાપણું. બધાંથી કંઈક જુદી જ ઓળખ... આ બધાં ગોરાં ગોરાં હોય એવા પરિવારમાં જન્મેલી એક કાળી-શામળી દીકરીએ આગળ જતાં જીવનને ઉજ્જવળતાની મહત્તમ ગરીમા અપાવીને પરિવારનેય ઊજળો કરી બતાવ્યો. વેદના ખુદ પોતાનું અસ્તિત્વ ભૂલી જાય એવી રીતે વેદનાની આરપાર નીકળી ગઈ... અહીં શાયર વજ્ર માતરીની અદ્‌ભુત પંક્તિઓ યાદ આવે છે :

જીવનનું નાવ તાર્યું છે અમે એવી ઢબે મિત્રો,

તરંગોના હૃદય ઉપર અસર પડવા નથી દીધી.

રુદનના સેંકડો તૂફાન ભેટ્યાં માર્ગમાં કિન્તુ

નયન જેવાં નયનને પણ ખબર પડવા નથી દીધી...

નસીમા વેદનાઓને એ રીતે વળાવતાં રહ્યાં છે. જોકે કહેવા જેટલું સહેલું આ કામ નથી, એમાંથી પસાર થનારને જ એ સમજાય.

વહાણ પાણી પરથી પસાર થતું હોય અને તરંગો ઉપર એની અસર ન થાય એ શકય જ નથી. એ જ રીતે રુદનનાં સેંકડો તોફાનો આવે-જાય અને આંખો એનાથી અજાણ રહી જાય એ અસંભવ છે... દુઃખ અનુભવાય જ, વેદના હંફાવી નાખે. જીવનના અંતની ઇચ્છા થઈ આવે એવુંય બને પણ એ બધાંને જીરવીને એમાંથી બહાર આવીને આંસુની ભીનાશ પણ આંખમાં કે અંતરમાં રહેવા ન પામે એવાં જે કેટલાંક વ્યક્તિત્વ આપણા વિશ્વમાં આવી ગયાં એમાંનાં એક તે કુ. નસીમા હુરજૂક.

નૃત્યમાં આગળ, નાટકમાં નોંધપાત્ર અભિનય, શારીરિક શિક્ષણમાં અવ્વલ. એમાંય ‘માર્ચ-પાસ’માં તો શાબાશી મેળવી.

-અને શરૂ થયો પીઠનો અસહ્ય દુખાવો. જે આગળ જતાં અર્ધા અંગનું ચાંચલ્ય હરી ગયો.

પછી સારવારનો પીડાકારક અધ્યાય શરૂ થયો. પૈસાનું પાણી અથવા પાણી જેમ ખર્ચાતા પૈસા અને બમણું થતું જતું દર્દ. ભણવાનું ચાલુ. એમાંય આગળ રહેવાની મહેચ્છા. ડૉક્ટરોની ગેરસમજ. વેદનાને કારણે તીવ્રતાપૂર્વક મૃત્યુ ઝંખતું મન. ચેતના ગુમાવી બેઠેલા અંગમાં બેડ સોઅર્સ...

કેટલીક ઘટનાઓ હૃદયને કંપાવી દે છે :

‘-મારી ચીસો રસ્તા સુધી સંભળાતી. (પણ) એક્સ-રેમાં કાંઈ જ દોષ દેખાયા નહીં ત્યારે ડૉક્ટરોએ મને બળજબરીથી પલંગ પરથી ઉઠાડી. વેલની જેમ ઉપરથી નીચે સુધી હું ધ્રૂજતી હતી... સૂક્ષ્મ હિલચાલ કરતાંય વેદનાનો સાગર ઘૂઘવતો હતો... હું ઢોરની જેમ બૂમો પાડવા લાગી...’

‘એક દિવસ બાએ શરીર પરની ચાદર ઝાટકવા માટે કાઢી, ત્યારે કમર હેઠળ કીડીઓનો રાફડો હતો... પથારીમાં કીડીઓનાં ઝુંડ હતાં. શરીર કીડીઓએ ખોતર્યું હતું...’

‘-વૈદ્યે ઊકળતા ગરમ પાણીથી આ અચેતન અંગને નવરાવવા કહ્યું હતું. બાએ પાણી રેડ્યું... નહાવાનું પતાવીને સૂવડાવી પછી આખા શરીરે પાવડર લગાવવા મને અવળી ફેરવી તો પાછળ નીચેના ભાગે દાઝી ગયાના મોટા મોટા ફોલ્લા હતા. કમરથી નીચે હું સંપૂર્ણ દાઝી ગઈ હતી અને મને જરાય ખબર નહોતી...’

-બાપનું અણધાર્યું અકાળ અવસાન... ‘સફેદ ચાદરમાં વીંટાળેલું બાપુનું તે શરીર... જીવનમાં પહેલી વખત જોયેલું મૃત શરીર ! તેય બાપુનું...’ અને બાની પોક... ‘મને એકલીને કહ્યા વગર નાખી ગયા. હવે આ પાંચ બાળકોને કેવી રીતે ઉછેરીશ ?’

-ઘરમાં એક વ્હાલસોઈ વિકલાંગ દીકરી અને ભૂકંપના ભયાનક આંચકામાં દોડધામ...

-એક વાર બસની ભીડમાં નસીમાને લઈને બેસવા દેવાની મથામણ કરતા મામા પર તૂટી પડેલા પાંચ-છ મુસાફરો...

આવી આવી તો અનેક ઘટનાઓ જીવનમાં આવી છે. વિકલાંગતાના આરંભના સમયમાં અને આગળ જતાં ‘હેલ્પર્સ ઑફ ધી હેન્ડિકેપ્ડ’ સંસ્થા દ્વારામદદરૂપ થવાની ભૂમિકામાં આવ્યાં પછી પણ મુસીબતોએ પોતાની વફાદારી બરાબર નિભાવી છે ! સંકટો આવ્યા અને પસાર થઈ ગયાં. પ્રત્યેક સંકટ જાણે કે નસીમાના ચૈતન્યમાં થોડીક વધુ ઊર્જા આપતું ગયું. શ્રી અનંતજીએ નોંધ્યું છે : ‘હેલ્પર્સ ઑફ ધી હેન્ડિકેપ્ડ’ સંસ્થાનું સર્જન અને વિકાસ એ જ એક સંઘર્ષ છે. આ સંસ્થા ઊભી કરતાં, તેને બળકટ બનાવતાં અસંખ્ય અડચણો ખડી થઈ અને તે તેમણે જબરદસ્ત સામનો કરી ઉકેલી. અવનવા માર્ગ શોધી કાઢવા, અર્થકારણ સંભાળવું, માણસોનાં મન સમજવાં, વખત આવ્યે ગુસ્સોય વ્યક્ત કરવો એવાં એવાં સેંકડો પગથિયાં વટાવતાં ‘હેલ્પર્સ -’ ચાલી રહી છે.’

પોતાને જ મદદ કરતાં હોય એ રીતે નસીમા અન્યને મદદરૂપ થાય છે. સહાયનો ભાર લાગવા દીધા વિના સહાયભૂત થવું એટલે સ્નેહની લહાણી કરવી. આ સ્નેહમૂર્તિ એ કરી રહ્યાં છે... ‘રાતોની રાતો આંખમાં ઊંઘ ન હોય, અસહ્ય વેદના, આંચકા, નૈસર્ગિક બાબતો માટે અત્યંત દુર્દશા... એવાં કેટલાંય જીવન દીદીએ સાચવી લીધાં. તેમના હસતા ચહેરા એ મનુષ્યરૂપે ઉપનિષદ - બાઇબલ - કુરાન જ છે.’

નસીમા પ્રેમનો પર્યાય છે.... ‘હેલ્પર્સ -’ વાત્સલ્યનું પિયરઘર છે.

જીવનને દોજખ બની જતું બચાવવાનો ગુરુમંત્ર આપ્યો બાબુકાકાએ. એમને નસીમાએ ‘ખુદીકો કર બુલંદ ઇતના’માંના ‘બુલંદ માણસ’ કહ્યા છે. એ બુલંદ માણસે જીવનને વળાંક આપ્યો. અસ્તિત્વને બુલંદી આપી... પરિવારે પારાવાર પ્રેમ આપ્યો છે. બધાં પોતાના અસ્તિત્વના આ અંશ માટે સમર્પિત થવા સદાય તત્પર રહ્યાં છે. સહકાર્યકર - સ્વજનો પણ એવાં જ મળ્યાં... સરકારી અધિકારીઓ પણ માનવતાવાદી મળ્યા. અલબત્ત એમાં કડવા અનુભવ પણ ઓછા નથી થયા બહેન કૌસરની શસ્ત્રક્રિયા પછી બાર કલાકમાં જ એણે પરીક્ષામાં બેસવાની જીદ કરી... પરીક્ષક દવાખાનામાં આવી શકે... પણ યુનિ.માં રજૂઆત સાંભળીને કુલગુરુ નસીમા સામે જોરથી બરાડ્યા ‘તમને શું એમ લાગે છે કે કોલ્હાપુરમાં વિદ્યાપીઠ થઈ એનો અર્થ વિદ્યાપીઠ તમારા ખીસામાં છે ? અને અમે તમારા નોકર છીએ ?’

ખરેખર તો આવી અવસ્થામાંય એક વિદ્યાર્થીની પરીક્ષા આપવા માગે છે એનું ગૌરવ થવું જોઈએ !...

પારાવાર પરેશાનીની ઘડીઓ આવે છે એમ પારાવાર પ્રસન્નતાની ક્ષણોય આવે છે....

‘આશીર્વાદ’ બંગલાનાં માલિકણ શ્રીમતી કાતરે બંગલો વેચવાનાં હતાં પણ કિંમત બહુ હતી, ઉપરાંત એક શરત હતી કે માત્ર બંગલો જ વેચવાનો છે પાછળની જમીન નહીં... ‘બાને બળજબરીપૂર્વક મોકલ્યાં. બાને જોતાં જ શ્રીમતી કાતરેએ આવકાર્યાં. દસ હજાર ચોરસ ફૂટનો બંગલો... બાએ કહ્યું અમે માત્ર ત્રણ-સાડાત્રણ લાખ રૂપિયા જ આપી શકીશું... સાંભળતાં જ એમણે કહ્યું ‘સ્વીકાર્ય.’ પાછળની જગા સહિત !... શ્રીમતી કાતરેએ કહ્યું હતું : ‘મારા પતિએ નિવૃત્તિ પછી ખૂબ જ ઉમંગ સાથે આ બંગલો બાંધ્યો. પણ તરત જ તેઓ સ્વર્ગવાસી થયા. તમારી બાને જોઈને વિશ્વાસ બેઠો કે તે આ ઘરની સંભાળ રાખશે.’

કેટલાંક સુખદ આશ્ચર્યો પણ પ્રાપ્ત થતાં રહ્યાં છે - નોકરી મળી, સંસ્થા માટે જમીન મળી, કૃત્રિમ સાધનોની વ્યવસ્થા થઈ, કેટકેટલાં વિકલાંગ સ્વજનોને સાચવી લેવાયાં, ગૅસ એજન્સી મળી, વિકલાંગ છતાં અનોખા વિજ્ઞાની અને આગિયાનેય સૂર્ય બનાવવાનું મનોબળ ધરાવતા મહેન્દ્રનાં કેટલાંય સંશોધનો અને સ્મરણો પ્રાપ્ત થયાં. સિદ્ધિ વિનાયક ટ્રસ્ટે અને શ્રી પ્રમોદ બેરી દ્વારા સ્પેનની એક સંસ્થા તરફથી બાંધકામ માટે યથા સમયે આર્થિક સહાય મળી. બાળા સાહેબ ઠાકરેની મુલાકાત... એમણે ‘આસ્થાપૂર્વક સંસ્થાના ફોટા જોયા, જરૂરિયાતની પૃચ્છા કરી, બાળકો માટે બસ જોઈએ કહેતાં ‘આપી, બીજું શું જોઈએ ?’ પૂછ્યું. અને માગી એ બધી જ જરૂરિયાતો ખાસ - અંગત રસ લઈને આપી-અપાવી, બોરવેલમાં ભરપૂર પાણી આવ્યું. શ્રી છગન ભુજબળે મહેસૂલ મંત્રીપદ છોડતાં પહેલાં ખાસ યાદ રાખીને સંસ્થા માટેની જગાના મંજૂરીપત્ર પર સહી કરી... આવાં અનેક સુખદ આશ્ચર્યો આવતાં રહ્યાં છે.

શરીરથી વિકલાંગ હોય એને માટે નસીમા દિવસરાત એક કરી રહ્યાં છે, તેમ મનોવિકલાંગત્વ માટેય લાગણીપૂર્વક જે થઈ શકે તે કરી રહ્યાં છે.

અંતરનાં કંઈ કેટલાંય અરમાનોને અંતરમાં જ ઢબૂરીને અનોખી સબૂરીથી આ દર્દ સામે ઝઝૂમી રહ્યાં છે અને આ બધું સ્વમાનપૂર્વક. પોતે તો સ્વમાની છે જ - ક્યારેય કોઈની આગળ પોતાને માટે હાથ લંબાવ્યો નથી કે પોતાના સાંનિધ્યમાં વસનારા કોઈને ક્યારેય લાચાર સ્થિતિમાં મુકાવા દીધાં નથી. ઉપરાંત ખેલકૂદ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રવાસ આદિ દ્વારા સામાન્ય જીવનના અનુભવનો સ્પર્શ પણ કરાવતાં રહ્યાં છે.

તેઓની આ કથા ‘ચાકાચી ખુર્ચી’ના અનુવાદક કિશોર ગૌડને પણ જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. અનુવાદમાં મૂળ કૃતિની બધી જ સાહજિકતા અને સરળતા જાળવી રાખવા ઉપરાંત અસલની લાક્ષણિકતાને પણ જરાય હાનિ ન થાય એનું ધ્યાન રાખ્યું છે. છેલ્લાં થોડાં વર્ષથી કિશોર મરાઠી સાહિત્યનાં ઉત્તમ પુસ્તકો ગુજરાતી ભાષામાં ઉતારે છે એમાં એ ભાષાની ગૌરવવંતી પરંપરાનો આસ્વાદ કરાવવાની એની ઉજ્જવળ ભાવના પ્રગટ થાય છે. સાથોસાથ એની માનવતાલક્ષી દૃષ્ટિનાં પણ દર્શન થાય છે.

‘ગંગાબા પરિવાર પ્રકાશન’એ આ પુસ્તકના પ્રકાશક છે. આ નામ સાથે કેવળ સેવા અને સદ્‌ભાવનાનો સંકલ્પ જોડ્યો છે. ગંગાબા એટલે મારાં માતુશ્રી, કિશોરનાં નાનીમા. કિશોર મારાં સહુથી મોટાં બહેનનો દીકરો. ગંગાબા અમારી પ્રેરણાની પાવન ગંગા હતાં. ત્રણ દીકરીઓ અને ત્રણ દીકરાના બહોળા પરિવારના એ ખરા અર્થમાં કુળદેવી, કુળમાતા. મારી અગિયાર વર્ષની ઉંમરે પિતાનું અવસાન થયું. એ પછી ગંગાબાએ એકલે હાથે અમને ઉછર્યા. જીવનમાં એમણે સંઘર્ષ સિવાય કાંઈ જોયું નહોતું. શ્રમ અને સ્વમાન એ જ એમનો જીવનમંત્ર હતો. એ મંત્ર, એ દીક્ષા અમારા પરિવારને રક્તમાં મળ્યાં છે. અમને ઉછેરવા તનતોડ મહેનત કરીને ગોરું, રૂપાળું શરીર એમણે સૂકવી નાખ્યું. પણ ચહેરા પર ક્યારેય વેદનાનો અણસાર સુદ્ધાં આવવા ન દીધો. એવા અમારા ગંગાબાના પવિત્ર સ્મરણમાં આ પ્રકાશન દ્વારા એવા જ શ્રમ, એવા સદ્‌ભાવ અને માનવતાની સુવાસ પ્રસરાવનારાં પુસ્તકો સ્વજનો સુધી પહોંચાડવાં છે, આ શ્રેણીનું પહેલું પુસ્તક હતું. ડૉ. નરેન્દ્ર જાદવનું ‘અમે અને અમારો બાપ.’ પ્રસ્તુ ‘પૈડાંવાળી ખુરશી’ બીજું પુસ્તક છે.

અહીં એ પણ જણાવતાં આનંદ થાય છે કે આ પુસ્તકના વેચાણમાંથી પ્રાપ્ત થનાર પૂરેપૂરી ધનરાશી નસીમાદીદીની સંસ્થાને વંદનપૂર્વક અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે.

નસીમાબહેનની સંસ્થાને કોઈ ગમેતેટલું આપે તોપણ એમના દ્વારા સમાજને અપાતી સેવા-સહાયનું ઋણ તો કેમેય ચૂકવી શકાવાનું નથી. અલબત્ત, આ તો વાત સમજાવવા માટે ‘ઋણ’ શબ્દનો પ્રયોગ કરવો પડે છે એટલું જ - અન્યથા સ્નેહ અને વાત્સલ્યને ક્યારેય ઋણના સ્થૂળ અર્થમાં મુકાય જ નહીં.

કોઈએ નસીમાને મધર ટેરેસા સાથે સરખાવ્યાં છે. આમ તો સેવાની સરખામણી શક્ય જ નથી છતાં ઉલ્લેખ થયો જ છે તો હું જે સમજ્યો છું એ આ છે કે, એક તરફ સદીઓની મિશનરી પરંપરા છે, સુવ્યવસ્થિત, સુદૃઢ, સમર્પિત અને સંપન્ન સહકાર્યકરો છે, આંતરરાષ્ટ્રીય સંપૂર્ણ સહયોગ છે, જ્યારે બીજી બાજુ એક, શરીરથી સુદૃઢ નહીં એવી એકલી મહિલા છે... ધીરે ધીરે સ્વજનો સેવાના સમર્પણ ભાવથી મળતાં ગયાં, કોઈ વારસો નહીં, કોઈ તામલી નહીં, કોઈ જંગી ભંડોળ કે વ્યવસ્થા નહીં. છતાં પગભર નહીં પણ પણ મનભર - પોતાના પગ પર નહીં પણ મન પર ઊભાં થઈને એક પરંપરા ઊભી કરનારને કોઈની સરખામણીની મર્યાદામાં શા માટે બાંધી દેવા ?

આ -

આત્મબળના માંગલ્યની મહાગીતાનાં

સર્જક એવાં કે નસીમા !

સ્વર્ગ ક્યાં હશે ? ખબર નથી.

પણ જો વિશ્વમાં કે બ્રહ્માંડમાં

એ ક્યાંય પણ હશે, તો એક

માતાના ખોળામં હશે અને બીજું

તમારા સાંનિધ્યમાં...

બસ, વિરમું

મારા શબ્દને આથી ઉત્તમ વિરામસ્થાન

ક્યાં મળશે !...

-માધવ રામાનુજ

પૈડાંવાળી ખુરશી

કુ. નસીમા હુરજૂક અનુ. કિશોર ગૌડ

એક પાંચ-છ વર્ષનું બાળપણ મારી સામેના પલંગ પર શાંત ગાઢ નિદ્રામાં ઢબુરાયું છે. હું આજે મારું બાળપણ કાગળ પર ઉતારવાનો પ્રયત્ન કરનાર છું. સામે ઊંઘી રહેલો અમરાવતીનો અવિનાશ દહાટ પહેલીમાં ભણે છે. રણકતા સ્વરે ગીતો ગાય છે. એના બન્ને હાથ નથી. પગ દ્વારા બધું કરે છે. કોઈ પણ ચિંતા કે ખેદ એના ચહેરા પર નથી. કોઈકે સતાવતાં પગેથી મારે છે કે બચકું ભરી લે છે. મારો કાંસકો, પેન પડી જાય તો ક્ષણનોય વિલંબ કર્યા વગર એ પગથી ઊંચકીને આપે છે. હું છાત્રાલય બહાર નીકળું ત્યાં સુધી સતત પાછળ પાછળ રહીને “દીદી, સાંજે આવશો ને ?” પૂછે છે. હાલમાં આ અવિનાશ મારો ગુરુ છે. કાલે રાત્રે એ જીદપૂર્વક મારી રૂમમાં પલંગ પર એકલો ઊંઘ્યો. આ અવિનાશ બન્ને હાથ ન હોવા છતાં બધું કરી શકે છે. પરમ દિવસે વિશ્વ અપંગ દિવસે આગ્રહપૂર્વક પગમાં મીણબત્તી પકડીને તેણે મહેમાનો સાથે દીપ પ્રગટાવ્યો. તો પછી હું મારા અનુભવ સમાજ સુધી, અન્ય અપંગો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કેમ ન કરું ? હું સહુના આગ્રહ સ્વરૂપ લખી રહી છું. ઉદ્દેશ એક જ, અપંગોના પુનર્વસનના કાર્ય માટે હું ઉપયોગી બની રહું.

જ્યોતિષ પર મેં ક્યારેય વિશ્વાસ રાખ્યો નથી. હું ખૂબ નાની હતી ત્યારે એક જ્યોતિષીએ કહ્યું હતું કે હું મોટી લેખિકા થઈશ. મને જ્યારે આ ખબર પડી ત્યારે મને હસવું આવ્યું હતું. કારણ હું માનતી હતી - એટલું જ નહીં હજુય માનું છું કે જે વ્યક્તિ રોજિંદા જીવનથી દૂર, કલ્પનાના આનંદદાયી વિશ્વમાં વાચકને લઈ જાય, વાચકને ભૂત-ભવિષ્ય વિસારે પાડે એવું લેખન જેના હાથે થાય તે ‘લેખક.’ મને તો સત્ય, પ્રત્યક્ષ સાકાર થયા સિવાય કાલ્પનિક કાંઈ જ લખતાં આવડતું નથી.

નોકરી લાગ્યા પછી એક જ્યોતિષી ઑફિસમાં આવ્યા. વિશ્વાસ ન હોવા છતાં અન્યોના આગ્રહ ખાતર મજા તરીકે મેં મારો હાથ બતાવ્યો, તો કહ્યું, “તમારું લગ્ન થવાનું નથી. સંસારસુખ તમારા ભાગ્યમાં નથી.” તેને જવાબ આપ્યો, “આ કહેવા સારું તારા જ્ઞાનની ક્યાં જરૂર છે ? આ પૈડાંવાળી ખુરશી જ એ કહે છે.” પછી કહ્યું કે “તમે ખૂબ મોટું ઘર બાંધવાનાં છો.” આ વાક્યે હું મોટેથી હસી. કહ્યું, “લગ્ન નહિ, અપત્ય નહિ અને તેમાં સરકારી નોકરી. કોના માટે હું આ મોટું ઘર બાંધવાની હતી ? ભાડું મેળવવા માટે ?” એ બિચારો બીજા કોનાય હાથ જોયા વગર “થોડી વારમાં આવું છું.” કહીને નીકળી ગયો. તે પાછો આવ્યો જ નહિ. મારી પાસેથી પૈસાય પછી લઉં છું કહીને લીધા નહિ.

આજે આ સંધ્યાકાળે સૂર્યાસ્ત વેળાએ છાત્રાલય સમક્ષ જીવનની ગઈ કાલ, આજ અને આવતી કાલનો વિચાર કરતાં તે જ્યોતિષની તીવ્ર યાદ આવે છે. મારા સ્વભાવ અનુસાર તેનું નામ, ચહેરો ક્યારેય સાંભરતો નથી પણ લાગે છે એ એક વખત ક્યારેક પરત આવે અને તે આ મોટું “હાઉસ ઑફ કરેજ” જુએ. તેના જ્ઞાનની મેં જે મજાક ઉડાવી હતી તે માટે તેની હૃદયપૂર્વક માફી માગી શકું.

નાનપણમાં પ્રવેશતાં સર્વ પ્રથમ સાંભરણ તે આ : હું એકલી જ કાળી શ્યામળી અને બા, બાપુ, બહેન, ભાઈ વગેરે બીજાં બધાંયે ગોરાંગોરાં લાલબુંદ. મારો મોટો ભાઈ અઢી વર્ષનો હતો ત્યારે પિતાનાં પ્રથમ પત્ની મૃત્યુ પામ્યાં. ત્રણ પુત્રીઓ અને પુત્ર. આ નાનાં બાળકોનાં ઉછેર માટે પિતાએ બીજાં લગ્ન કર્યાં. પછી અમે ત્રણ બહેન અને એક ભાઈ થયાં. પરંતુ નવમી સુધી મને મારા મોટા ભાઈભાંડુઓ સાવકા છે એ જાણ ન હતી. આટલો પ્રેમ, આવો મેળ કુટુંબમાં હતો. હજુય છે. લાંબા સમયે ઘરે આવેલા મહેમાનો દૂરના સગાંવહાલાં બાને પૂછતાં, ખાસ કરીને હું શ્યામળી હોવાથી મારી તરફ આંગળી ચીંધતાં. પૂછતં “હલિંબી ! આ તારી જ કે ?” ‘હા’ જવાબ સાંભળીને કહેતાં, “લાગતું નથી, જુદી જ છે ! આના પિતા અને તું ગોરા હોવા છતાં આ આવી કેમ ?” બાની નજર અને મારો ઊતરેલો ચહેરો જોઈને કે કેમ પણ આગળનું વાક્ય આવું રહેતું, “ચહેરો તારા જેવો છે ખરો.”

રહેતાં રહેતાં કે કોણ જાણે, મોટી બહેન રેહાના તદ્દન પિતા જેવી દેખાવમાં ગોરી, કદાવર અને બોલવેચાલવે નીડર, હોશિયાર, વર્ગમાં હંમેશાં પહેલો નંબર હોવાને કારણેય કદાચ હશે પણ પિતા તેને વધુ નજીક લેતા. તેને કારણે હું સાચ્ચે જ આ કુટુંબની નથી, આ કુટુંબ એટલું સરસ અને પ્રેમાળ છે કે હું અનાથ હોવાને કારણે મને રાખી લીધી છે. પણ ખાવાપીવામાં, કપડાંલત્તામાં ભેદભાવ રખાતો નથી એમ લાગવા લાગ્યું. એક વખત રેહાનાએ અને બીજાઓએ રમતી વખતે મશ્કરીમાં મને ઢોરને ખવડાવવાનું ભૂંસુ આપીને લીધી છે એમ કહ્યું ત્યારે મારા બાળમનને પાકી ખાતરી થઈ કે હું સાચ્ચે જ આ કુટુંબની નથી. અન્યથા દેખાવમાં, સ્વભાવમાં આટલો ફરક કેવી રીતે હોઈ શકે ?

હું ખૂબ ઓછું બોલતી. મારી હોય ન હોય એવી ભૂલો માટે ઠપકો, માર ખાઈનેય હું ચૂપ બેસતી. પરંતુ રેહાના સામે બોલતી. મારનારનો હાથ પકડતી. તેને કારણે વધુ માર ખાતી. વધારે બોલતી. હું માત્ર ગુસ્સો આવતાં ચોખા લઈને વીણવા બેસતી. ઘરે આવનારી લગભગ દરેક વ્યક્તિના મોંઢેથી મારી તરફ આંગળી ચીંધીને “આ કોની, તમારી જ કે ?” આ પ્રશ્ન જ્યારે સતત સાંભળવા મળતો ત્યારે હું ઘરે મહેમાન આવે કે ઘરની સહુથી અંધારી ઓરડીમાં એકલી જ જઈને બેસવા લાગી. કોઈ બોલાવે તોય ઘર બહાર જતી ન હતી. મહેમાનો સાથે ન જમતાં ભાત થતાં જ દાળભાત ખાઈને ઊંઘવાનો ઢોંગ કરવા લાગી. હું મોટી થયા પછી રેહાનાને થયેલી પ્રથમ દીકરી હુમેરા આવી જ કાળી-શ્યામળી થઈ. ઘરે આવનાર પ્રત્યેક જણ વળ એ જ “આ તમારી જ કે ? આમ કેમ?” જેવા નિરર્થક પ્રશ્ન પૂછતું. ત્યારે માત્ર હું તેમને તેમનો અભ્યાસ પૂછીને બાળમાનસશાસ્ત્રનાં ડૉજ આપવા લાગી. જે રેહાના “જેવાની સાથે તેવા”

કેમ વર્તવુું એના પાઠ મને આપતી તેને હું તેની દીકરી માટે આવનારાઓ સાથે કેમ વર્તવું એ શીખવવા લાગી.

મારા બાળપણ સમયે અમારા પિતા સેન્ટ્રલ એક્સાઇઝમાં સુપરિન્ટેન્ડન્ટ હતા. અન્ય ઇન્સ્પેક્ટર્સનાં દીકરા-દીકરીઓનાં પહેરેલાં વસ્ત્રો, તેમનો રુઆબ, પોકેટમની જોતાં મેં એક વખત પાપાને પૂછ્યું, “આ આમ શાથી ? તમે ઉપરના અધિકારી હોવા છતાં તમારી પાસે ઓછા પૈસા શાથી ?” પાપાએ કહ્યું, “આપણે ગરીબ છીએ. આટલું મોટું કુટુંબ અને ફક્ત નોકરી પર સઘળું પૂરું કરવું પડે છે. નાનપણમાં જ માત્ર અઢી-ત્રણ વર્ષનો હતો ત્યારે મારા માતા-પિતા મૃત્યુ પામ્યાં. મારાં ખેતી-ઘર, મારો ઉછેર મારા મામા પાસે હતાં. મારી શિક્ષણની રુચિ. પણ મામા મને ખેતરમાં કામ કરવા કહેતા. એક દિવસ હું ભણવા માટે ગામ છોડીને નાઠો. મુંબઈમાં છાત્રાલયમાં રહીને અભ્યાસ કર્યો. એસ.એસ.સી.માં મેરીટમાં આવ્યો. શિક્ષકો આગળ ભણ કહેતા હતા, પણ પેટનો પ્રશ્ન હતો. પોલીસ બનવા માટે અરજી આપવા ગયો. ત્યાંના સાહેબે માર્ક્સ જોઈને આગળ ભણવાની સલાહ આપી. હું માનતો નથી જોઈને પોલીસને બદલે સેન્ટ્રલ એક્સાઇઝમાં જવાની સલાહ આપી. અને હું ઇન્સ્પેક્ટર તરીકે સેન્ટ્રલ એક્સાઇઝમાં જોડાયો. ઘરેથી નાસી ગયો હોવાને કારણે ગામમાં કુપ્રસિદ્ધિ થઈ હતી. નોકરી લાગતાં જ ગામે ગયો. મામાએ લગ્ન ગોઠવી આપ્યાં. પણ જે ઘરમાં મામા રહેતા હતા, જે ખીતી મામા મરતા હતા, જેની પર કુટુંબ નભતું હતું તે મારું છે અને હવે મને મળવું જોઈએ એવું મને ક્યારેય લાગ્યું ન હતું. મારા પગારમાં આપણું કુટુંબ મજાથી નહિ પણ વ્યવસ્થિત આનંદમાં છે એમ મને લાગતું. તમારે આપણું ગામ અને ખેતી જોવા હોય તો જઈ આવો. પણ હું કેટલાંય વર્ષોથી ત્યાં ગયો નથી.

ત્યાર બાદ મારા બંને ભાઈ ગામે જઈ આવ્યા. વળતાં પિતાના મામાએ પોતે જૂનાં તાંબા-પિત્તળનાં, કાચનાં વાસણો, કેરી વગેરે આપ્યાં. ત્યાર પછી મામાનો દીકરો અમારે ત્યાં ભણવા સારુ થોડાં વર્ષ રહ્યો. આ પ્રસંગ પછી માત્ર આવા મોટા મનના બાપુનાં અમે સંતાનો ગરીબ ક્યારેય હોઈ શકીએ નહિ એમ લાગ્યું. મને મશ્કરીમાં પણ કોઈ ‘ગરીબ’ કહે તો હું ચિડાઈ જતી.

મારા અને રેહાનાના ઝઘડામાં બાપુ હંમેશાં રેહાનાને પક્ષ લેતા અને બા મારો. બાપુ બા પર ચિડાય તો બા મારી ભૂલ ન હોવા છતાં મને મારતી. મારી અને રેહાના વચ્ચે વયમાં માત્ર દોઢ વર્ષનો ગાળો હતો. મારા કપડાં તેને થતાં. મારા ધોઈને ઇસ્ત્રી કરીને રાખેલાં કપડાં હું શાળામાં રમવા વહેલી જાઉં કે એ પહેરીને આવતી. શાળામાં તેના અંગે મારાં કપડાં જોઈને મનોમન ચિડાતી. બધાં સામે ઝઘડવું બરાબર ન હતું. એ માત્ર ગાલમાં હસતી. પછી ઘરે આવતાં જ તેને મુક્કા મારીને હું મારો રોષ વ્યક્ત કરતી. હું અપંગ થયા પછી રેહાના, અભ્યાસ, નોકરી, રસોઈ, ઘરની સ્વચ્છતા અને મારાં કપડાંને ઇસ્ત્રી કરીને - ઘરમાં ને ઘરમાં ઇસ્ત્રીની જરૂર નથી એમ કહેવા છતાંય - પલંગ પાસે મારા હાથમાં મૂકી જતી ત્યારે મન ભરાઈ આવતું કે આ બહેનને હું મારાં કપડાં પહેરવાને કારણે મારતી હતી. એક વખત મેં તેને કહ્યું (અમે સહુ તેને રિન્ના કહેતાં) “રિન્ના ! જો તું ક્યારેક મારાં કપડાં ઉઠાવી જતી. પણ ભગવાને તને કેટલી મોટી સજા આપી. રોજ મારાં કપડાં ઇસ્ત્રી કરવાની, ધોવાની...” તેનો જવાબ તે આમ આપતી “નચ્છૂ ! (મને બધા નચ્છૂ કહેતાં) તારું અપંગત્વ થોડા વખત માટે વહેંચી લઈ શકાયું હોત તો વારાફરતી અમે સહુએ એ વહેંચી લીધું હોત પછી તારી વ્હીલચેર પર થોડા દિવસ હું બેઠી હોત અને તારે બધાં કપડાં ઇસ્ત્રી કરવાં પડ્યાં હોત.”

નાનપણથી જ અમારા સહુના કામના વારા હતા. ઘર ઝાડવું, લૂછવું, પથારી પાથરવી, વાળવી, કપડાં, વાસણો ધોવાં, સુકાવવાં, કપડાં કાઢીને ગડી કરીને જે તેના કબાટમાં ગોઠવવાં, બંબો સળગાવવો, ચા બનાવવી, રોટલીનો લોટ બાંધવો, પાણી ભરવું જેવી બાએ પાડેલી કામની શિસ્ત આજે છાત્રાલય ચલાવતાં ઉપયોગી બની રહી છે. પછી અમે ભાઈભાંડુઓ અમારા કરેલા કામની બા-બાપુના કામ સાથે તુલના કરતાં. અરે, અમારા બાપુ રજાના દિવસે રસોઈ, સિલાઈ કરતા ત્યારે અમારા ઘરે કપડાં-વાસણ, કચરા-પોતું કરવા માટે બાઈ ન હતી એ કહેતાં હું અભિમાન અનુભવું છું.

રવિવારે ઊઠતાંવેંત અમે બા-બાપુ સાથે બાગકામ કરતાં, દરેક રવિવારે બાને રસોડામાં પ્રવેશ ન હતો. અમે ભાઈભાંડુઓ બાપુના હાથ નીચે કામ કરતાં. રવિવારની રસોઈ રોજ કરતાં સરસ કહીને ખાતાં. એનું કારણ એ હતું કે ઉત્તમોત્તમ પદાર્થ વાપરીને એ વાનગી બનાવવામાં આવતી. બા ચાર દિવસ પહોંચાડતી તે સામગ્રી બાપુ એક દિવસમાં વાપરી નાખતા. પણ કોઈનીય ફરિયાદ ન રહેતી. ઘણી વખત રવિવારે રાતે જમવાને બદલે અલ્પાહાર રહેતો. પછી બપોરે મોટા ભાઈભાંડુ અને બા-બાપુ સાથે મળીને રમી કે હુકમ રમતાં.

નાંદેડ શાળામાં હતી ત્યારનો એક પ્રસંગ સાંભરે છે. હું અને રેહાના કિલ્લા નજીકની એક શાળામાં જતાં. તેની એક બહેનપણી સાથે રહેતી. રેહાના અને તેની બહેનપણીને શોર્ટકટ શોધવાનો નાદ હતો. મને ધમકી, “ઘરે કહીશ તો અમારી સાથે લઈ જઈશું નહિ. એકલી જજે.” ત્રીજામાં ભણતી મારા માટે એકલા જવું શક્ય જ ન હતું. દર શનિવારે બપોરે આવતાં આ નવા માર્ગ ખોળવાનો ઉપક્રમ ચાલતો. ભૂખ્યા પેટે ચાલતં મારી ઠૂસ નીકળી જતી. એક વખત આમ જ ગલીમાંથી આવતા એક તરુણે રેહાનાની બહેનપણીનો રસ્તો બતાવું છું કહીને હાથ પકડતાં જ તેને હડસેલીને મેં અને રેહાનાએ તેના હાથ પકડીને જે દોટ મૂકી કે નવા માર્ગ શોધવાનું નામ રેહાનાએ ફરી ક્યારેય લીધું જ નહિ. પણ હવે સંસ્થાના કાર્યમાં પડવાથી આ નવા માર્ગ ખોળવાનું, શોર્ટકટ શોધવાનું અને વખત આવ્યે આંચકો આપવાની રીત આપોઆપ ફાવવા લાગી.

જયસિંગપુરમાં છઠ્ઠા અને પાંચમામાં ભણતાં હતાં ત્યારે બે પ્રસંગ હંમેશાં યાદ રહેશે. ચોક્કસ ક્યા પિરિયડમાં યાદ આવતું નથી પણ એક સાહેબે વિદ્યાર્થિનીઓને આદેશ આપ્યો કે વર્ગમાં પિરિયડમાં કોઈએ બેસવું નહિ. સહુએ વર્ગની બહાર નીકળી જવું. મુઠ્ઠીભર છોકરાંઓએ આદેશ આપ્યો. બીજાં અસંખ્ય બાળકોએ તે સાંભળ્યો. સર્વ બીકણ બાળકો માટે મનમાં અત્યંત રોષ જાગ્યો. હું બાંકડા પરથી ઊભી થઈ નહિ. મારી બહેનપણીને કહ્યું, “હું વર્ગમાં બેસવાની છું. પિરિયડ છોડીને નીકળીશ તો બા-બાપુ ચિડાશે. મુઠ્ઠીભર છોકરાઓની ગુંડાગીરી માટે આપણે શા માટે આપણો અભ્યાસ બગાડવો અને પિરિયડના સરનું અપમાન કરવું ?” મને બહેનપણીએ સમજાવ્યું “જિદ્દ કરીશ નહિ, એ ખરાબ છોકરા છે.” મેં કહ્યું, “મારું એ શું બગાડે છે એ મારે જોવું છે. હું કોઈની આડે ઊતરી નથી તો તે મારી વચ્ચે શું કામ આવે ?” મારી બહેનપણીઓ મને ખૂબ ચાહતી. એય મારી સાથે બેસી રહી. પણ અમારું દુર્ભાગ્ય કે સર પિરિયડમાં આવ્યા જ નહિ. ખૂબ રાહ જોયા પછી અમે રેલવેના પાટા પરથી પૂરનું, પૂલ પર આવેલું પાણી જોવા જવા નક્કી કર્યું. ફરતાં-ફરતાં વાતો કરતાં ત્યાં ગયાં. સીવણનો વર્ગ એ બાજુએ જ હતો. એ ઑફ પિરિયડ પછી અમારો સીવણનો જ વર્ગ હતો.

અત્યારની જેમ ત્યારે હાથે ઘડિયાળ ન હોવાથી વાતોવાતોમાં પુલ પર પહોંચ્યાં. ગાડી આવવાનો અવાજ સંભળાવા લાગ્યો. પુલની બંને બાજુ પાટાને અડતું ખળખળતું પાણી અને પાટા મૂકીને ઊભા રહેવાને જગ્યા નહિ. પુલ આગળ ઘણો લાંબો હતો. એ જોતં જ ચાર-પાંચ જણીઓએ એકબીજા સામે જોઈ ચીસ પાડી. “પાછા વળો. ભાગો, ગાડી આવી રહી છે.” અનેક વખત રેસમાં જોસભેર દોડીને નંબર મેળવ્યો હતો. પણ આ વખત કોઈને પાછળ પાડવાનો આશય ન હતો. સહુએ પુલ ઓળંગવો જરૂરી હતો. એક જણ પણ જો પાછળ રહ્યું હોત તો જીવનભર એ વેદના રહી હોત. ઈશ્વરકૃપાએ જીવનમાં આટલી ઝડપે પહેલી જ વાર દોડ્યાં હોઈશું. પુલ ઓળંગીને પાટા નીચે ઊતર્યાં. ગાડી ધડધડાટ કરતી ગઈ. સહુ એકબીજાને જીવતાં જોઈને હાંફતાં હતાં. હાથમાં હાથ મેળવી ભેટતી વખતે રેહાનાએ આવીને મને મળી અને પૂછ્યું, “ક્યાંય વાગ્યું છે કે ? શું થયું ?” એ ધ્રૂજતી હતી. કોઈકે એને સંદેશો આપ્યો, “તમારી બહેન પુલ તરફ થઈ છે અને ટ્રેન આવી રહી છે.” રેહાનાને “બાને કહીશ નહિ” કહેતા વિનવણી કરી. તેણેય તે સ્વીમાર્યું. કારણ કે હું તેનું સાંભળતી હતી. તે દિવસથી રેહાના માત્ર બહેન ન રહેતાં બહેનપણી પણ બની.

બીજો પ્રસંગ હતો નૃત્યનો. નાંદેડ હતા ત્યારે ઇન્દ્રધનુષના સાત રંગો આધારિત ગીત પર નાચતાં હું ભૂરો રંગ બની હતી. આકાશની ભૂરાશ મને હંમેશાં ગમતી હતી. અમારા તે નૃત્યનુ ઇનામ મળ્યું હતું. તેને કારણે જયસિંગપુરમાં ગેધરિંગ વખતે નૃત્યની સ્પર્ધામાં ભાગ લેવા માટે નામો પૂછવામાં આવ્યાં. ત્યારે મારો હાથ ઊંચો થયો. પસંદગી પણ થઈ. આનંદપૂર્વક મેં ઘરે આવીને કહ્યું. ત્યારે હું સાતમામાં હતી. બાએ ચોખ્ખી ના કહી. કહ્યું, “હવે તમે નાનાં નથી. નૃત્યમાં ભાગ લેવાનો નથી.” ખૂબ રડી. પણ પરવાનગી મળી નહિ. વર્ગમાં આવીને સરને કહ્યું, “ઘરની પરવાનગી નથી.” સરે કહ્યું, “હું ઘરે આવીને પરવાનગી મેળવીશ.” સર ઘરે આવ્યા. બાપુને તેમણે કઈ રીતે સમજાવ્યા. ખબર નથી. પણ અંતે પરવાનગી મળી. રાધા-કૃષ્ણના નૃત્યમાં હું રાધા હતી. “મુરલી કી ધૂન સુન રાધા બોલે...” આવું કાંઈક એ ગીત હતું. તેમાંના ધેત ધેત તિરકીટ ધેત, ધિત ધિત કટ ધા કીટ તકીત. તા ન તા તિટ કટ. ગધી ગન ધા ધા... એવા કેટલાક તે બોલ હતા. કોમેન્ટરી પણ હતી. હવે ભૂલી થઈ છું. પણ આ તાલ પર હાથ-પગ થિરકતી વખતે ખૂબ મજા આવતી. ગરદનની હાલચાલ, ચહેરાના ભાવ અને કમરનું કમાનાકૃતિ વાળવું. એકંદરે નૃત્યનો આ પ્રકાર જ મને ખૂબ ગમતો. મારી સાથે કૃષ્ણ અને યશોદાનું નૃત્ય કરનાર બન્ને બહેનો રોજ શાસ્ત્રીયનૃત્ય શિક્ષકો પાસે શીખતાં હતાં. તેમની સાથે પ્રેક્ટીસ કરતાં હું ખૂચ સંકોચ અનુભવતી પણ એ બન્ને બહેનો ખૂબ જ સારાં હતાં. મને શીખવતાં. હું નર્વસ થઈ રહી છું એમ લાગે તો મારો ઉત્સાહ વધારતાં. મારે નૃત્યના ક્લાસમાં ગેધરિંગ પછી નિયમિત આવવું એમ મને સૂચવતાં. મારાં મોટાં બહેનની સાતમી પછી ‘મોટી થઈ’ હોવાથી શાળા બંધ થવાથી અને અમારી જાતિમાં સ્ત્રીઓનું નાચવું ખરાબ ગણવામાં આવતું હતું એ કહેવાની હિંમત કરી શકી નહિ.

અંતે ગેધરિંગનો દિવસ ઊગ્યો. નૃત્ય માટે રંજના તાવદારે નામની મારી પ્રિય બહેનપણીને લઈને હું વહેલી શાળામાં ગઈ. જતે વખતે રંજનના મોટા ભાઈએ કહ્યું, “કોણ નૃત્યમાં છે ? આજે તમારું નૃત્ય પૂરું થવાનું નથી. હું હમણાં જ સ્ટેજ જોઈને આવ્યો છું. એ ચોક્કસ તૂટી પડશે.” મને લાગ્યું કે એ હંમેશની જેમ મારી મશ્કરી કરી રહ્યો છે. તેથી કહ્યું, “શરત ! અમારું નૃત્ય નક્કી પૂરું થશે.”

પડદો ઊંચકાયો. નૃત્યની શરૂઆત કરતાં નજર સામે ગઈ. તો બાપુ પોતાના મિત્રો સાથે પહેલી હરોળમાં ! બાપુ મારું નૃત્ય જોવા આવ્યા એનો આનંદ નૃત્ય કરવા મળી રહ્યું છે એ આનંદ કરતાં કેટલાય ગણો વિશેષ હતો. કારણ દુનિયાનાં વખાણ કરતાં ઘરનાઓનાં વખાણ એ હંમેશાં જ વધુ મહત્ત્વનાં લાગતા હોય છે. હું નાચતી હતી...સમગ્ર વિશ્વને ભૂલીને માત્ર કૃષ્ણનું અસ્તિત્વ મારે અનુભવવાનું હતું...અને અચાનક કડાડ્‌ કડ્‌ અવાજ થયો. શું થયું એ સમજાય તે પહેલાં હું સ્ટેજ પરની જાજમ સહિત નીચે ઝોળીમાં લટક્યા જેમ થઈ. કાંઈ જ દેખાતું ન હતું મને. ઉપર જોયું તો બાપુ અને અનેક જણ મને હાથ આપીને ઉપર કાઢી રહ્યા હતા. ઉપર આવી ત્યારે પડદો પડેલો હતો. તાત્કાલિક સ્ટેજ ગોઠવીને તે પાટિયા વળી પડે નહિ તેથી તેની પર માણસોને બેસાડવામાં આવ્યા. મને ‘કંઈ વાગ્યું કે ?’ પૂછ્યું, ‘ના’ કહેતી હતી ત્યારે માઈક પર અવાજ આવ્યો. ત્યાર પછીના નૃત્યના એનાઉન્સમેન્ટનો. રંજનના ભાઈના શબ્દો યાદ આવ્યા. હું તાડૂકી ઊઠી... વા રે વા ! આ કેવો ન્યાય ? ભૂલ સ્ટેજ બનાવનારાઓની ! સ્પર્ધા હોય ત્યારે અમારું નૃત્ય અધૂરું. આમ શાને ? મેં સીધા જઈને સરને પૂછ્યું, “સર, આ શું ? અમારું નૃત્ય પૂરું થવું જ જોઈએ.” તેમણે આશ્ચર્યચકિત થઈ પૂછ્યું. “તું ફરી નૃત્ય કરીશ ?” મેં ‘હા’ કહેતાં જ કૃષ્ણે આનંદપૂર્વક મારો હાથ હાથમાં લીધો. ચાલુ થયેલું નૃત્ય પૂરું થતાં જ ફરીથી અમારું નૃત્ય થયું. તાળીઓના ગડગડાટ વચ્ચે અમે સ્ટેજ પરથી ઊતરીને પ્રેક્ષકોમાં બેઠા.

પછી ઇનામ સમારંભ શરૂ થયો અને અમારા નૃત્યને પ્રથમ ઇનામ મળ્યું. છોકરીને પાડી તેથી ગુસ્સે થયેલા બાપુને ખુશ કરવા માટે કે પડવા છતાંય જીદપૂર્વક ઊભા થઈને નૃત્ય પૂરું કર્યું એટલે ? ગૌરવરૂપે કે સાચ્ચે જ અમારું નૃત્ય પ્રથમ ઇનામને પાત્ર હતું ? આ પ્રશ્નોના ઉત્તર હજુયે મને મળ્યા નથી. કારણ, ત્યાર પછી શાળા, કૉલેજમાં નૃત્યમાં ભાગ લેવા માટે મેં ખૂબ હઠ કરી, રડી. છતાં ઘરેથી પરવાનગી મળી નહિ અને મારી નૃત્યકળા કયા સ્તરની હતી એ હું ક્યારેય પારખી શકી નહિ. પણ હજુય થિયેટરમાં, ટી.વી. પર નૃત્ય જોતાં ખાસ તો સુધા ચંદ્રનું નૃત્ય જોતાં થાય છે. થોડી વાર માટેય પગ સ્પર્શ અનુભવે. આપણે થોડું નાચીએ. તાલ મેળવવા પૂરતીય પગની હાલચાલ થાય. મારા નૃત્યનો એક પણ ફોટો નથી એનો ખેદ ઘણી વખત અનુભવાય છે.

જયસિંગપુર પછી અમે કોલ્હાપુર આવ્યાં. ઘર પાસેની છોકરીઓની શાળામાં અમે બંનેને - મને અને રેહાનાને - દાખલ કરવામાં આવ્યાં. ગેધરિંગ વખતે ‘ઉછીનો ધણી’માં નવવારી સાડી પહેરીને રેહાનાએ ભાગ લીધો. તેની પરવાનગી માટે સરને ઘરે આવવું પડ્યું નહિ. તેણે વકીલી મુદ્દો કજૂ કર્યો, “નસીમને નૃત્યમાં બે વખત પરવાનગી આપી. તો આ તો નાટક છુ. હું ભાગ લઈશ જ !” તેને પરવાનગી મળ્યા પછી મેંય ત્યાર બાદ મારા ગ્રૂપનું એકાંકી ગોઠવ્યું. એકાંકીની પસંદગી મેં જ કરી. એટલું જ નહિ, દૈવયોગે તે બન્યું એમ કહેવું જોઈએ. “મૂકમ કરોતી વાચાલમ્‌, પંગુમ્‌ લંઘયતે ગિરીમ્‌’ એકાંકી હતું. ડાયરેક્ટર પણ અમે જ ! હેડ સર હતા જીવણ કાંબળે. અમારા તે પ્રેરણામૂર્તિ હતા. તેમણે તરત જ પરવાનગી આપી. શાળાના એક સાદા કાર્યક્રમમાં એ રજૂ કરવામાં આવી. શિક્ષકોની શાબાશી મેળવી. ગેધરિંગ વખતે ‘ફરી કરો’ એમ સરે કહેતાં જ

શરીરે શેર લોહી ચડ્યું. પછી વળી થોડી પ્રેક્ટિસ કરીને સ્ટેજ પર એકાંકી શરૂ કર્યું. એ વખતે પદ્મા શિરોડકરે તો કમાલ કરી.

પ્રેક્ષકો હસી પડે એવો અમારો એક સંવાદ અને પ્રસંગ હતો. પણ પદ્મા જ હસી પડી, હર્ષવાયુ થયો હોય એમ. મેં અને ચંદુએ સંભાળવાના પ્રયાસ કર્યા. મોટેથી બોલ્યાં, “આટલું હસવા જેવું શું છે ?” ચંદુએ નજીક જઈને પદ્માને ધમકી આપી “હસવું નહિ રોકે તો જોજે !” પણ પદ્માને સ્ટેજ પર ન હોય એવાં વાક્યો હું અને ચંદુ બોલવા લાગતાં વધુ હસવું આવ્યું. પેટ પકડીને એ હસવા લાગી. આટલી વારમં પ્રેક્ષકોને સમજાઈ ગયું કે ગંભીર નાટકનું વિનોદી ભડથું થયું છે. આખાય સભાગૃહમાંથી હાસ્યના ફુવારા છૂટતાં જ પડદો પડ્યો. આ એકાંકીકા અપૂર્ણ રહ્યું કારણ સ્ટેજ પરથી નીચે આવતં જ પદ્માએ રડવાની શરૂઆત કરી. “મારા કારણે તમારો છબરડો થયો.” એટલે એ રોકાવા જ તૈયાર ન હતી. પછી એમ પાછાં હઠ્યાં.

હું અપંગ થયા પછી પહેલી વખતે ઘણાં વર્ષે પદ્મા મળી. ત્યારેય તે પાછી આમ જ રડી હતી. મારાથી બે વર્ષ પાછળ હતી. પણ ખૂબ ગાઢ મૈત્રી હતી અમારી. ખૂબ સાદી અને હોશિયાર હતી એ ! આજે તેના પિતા સંસ્થાના કાર્યમાં મને મદદ કરવા માટે આ વયે પણ એટલા તત્પર રહે છે કે આશ્ચર્ય થાય છે. તેમના આ જન્મદિવસે તેમણે બધાં સગાં-વહાલાંઓને અને મિત્રોને કહ્યું કે મને જે આપવાની ઇચ્છા હોય તેની કિંમત ‘હેલ્પર્સ’ને મોકલાવો. અનેક ચેક્સ અને ડી.ડી. અમને તે વખતે મળ્યાં.

કોલ્હાપુરની શાળામાં હતાં ત્યારે કાંબળે સરને કારણે અમે શાળાની જગામાં શાકભાજી વાવીને, તે વેચીને તેના પૈસા શાળાને આપ્યા હતા. શાળામાં આવતાં જ થયેલા બે અનુભવો મને બરાબર યાદ છે...

જયસિંગપૂરમાં મારે સંસ્કૃત ન હતું. બીજું, ત્યાંના અને અહીંના સીવણ શિક્ષણમાં પણ ખૂબ જ ફરક હતો. કોલ્હાપુર આવતાં જ પહેલી ત્રિમાસિક પરીક્ષામાં મને સંસ્કૃતમાં ચાર-પાંચ, જ્યારે સીવણમાં નેવું ટકા અને રેહાનાને સંસ્કૃતમાં નેવું ટકાથી વધુ અને સીવણમાં ચાર-પાંચ માર્ક મળ્યા. સંસ્કૃતના સરે મારી ભરવર્ગમાં ફજેતી કરી. “મોટી બહેનની થોડી અક્કલ લે...! એ કેટલી હોશિયાર છે. પહેલી આવી વર્ગમાં.” ત્યારથી તે સરના મનમાં ક્યાંક ચીઢ હતી. પણ ખરેખર રેહાના પાસે મેં સંસ્કૃત શીખીને પચાસ-સાંઈઠ ટકા સુધી માર્કની મજલ લઈ જવાથી તે સરને હું વર્ગમાં સહુથી આજ્ઞાધારક લાગવા લાગી હતી.

એપ્રિલ મહિનાની પહેલી તારીખ હતી. આ સર વર્ષમાં એક વખત દિવાળીમાં માથે નવી કાપડની ટોપી પહેરતા. વર્ષભર ઘણુંખરું એ ધોતા નહિ હોય. કારણ હળવે હળવે તેની પર તેલના થર બેસીને એ કાળી દેખાવા લાગતી. ટોપી વગરના સર કેવા દેખાય છે એ કોઈએ જ જોયું ન હતું. મૂંડેલું માથું છે કે વાળ છે એ ચર્ચા ક્યારેક ક્યારેક થતી. પણ તે દિવસે વર્ગમાં સર વર્ગ તરફ પીઠ ફેરવીને પાટિયા પર કાંઈક ભણાવી રહ્યા હતા. મને શું સૂઝ્‌યું કોણ જાણે ! મેં એકદમ બૂમ પાડી. “સર ! મોટો તીડ તમારી ટોપી પર !” સરે એટલા ઝડપથી ટોપી કાઢીને ટેબલ પર ફેંકી કે તેમના લીસા, સુંવાળા ટકા પરની ચોટલી જોઈને અમે આશ્ચર્યચકિત થયા. એટલા વાળ રાખીને તે બાકીના ચમનગોટો કરતા હતા. “તીડ ક્યાં છે ?” પૂછતાં જ આખોય વર્ગ, વિશેષતઃ હું અને મારી પાંચ-છ બહેનપણી ‘એપ્રિલ ફૂલ’ કહીને બરાડતાં જ રેહાના જેવા ગોરા-ગોરા એવા સર લાલ લાલ થયા. સોટી લઈને પાસે આવતાં જ અમે ચૂપચાપ હાથ આગળ કર્યો. પણ તેમને સંતોષ થયો નહિ. હેડ સર પાસેથી વર્ગમાં બેસવાની પરવાનગી લાવવા કહ્યું. “એપ્રિલ ફૂલ”નું શું એટલું માઠું લગાડો છો. સર, માફ કરો ! ફરી મોટાઓને ક્યારેય “એપ્રિલ ફૂલ” કરીશું નહિ. એમ વચન આપ્યું. છતાં તેમણે કશુંય સાંભળ્યું નહિ. ફરી મને ઉપદેશ આપ્યો. “રેહાના જેવી થા !” હું આમ વર્તી તેનો સરને આઘાત લાગેલો દેખાતો હતો. અમે ચૂપચાપ કાંબળે સર પાસે ગયા. સઘળી હકીકત જણાવી. કબૂલ કર્યું કે “મોટાઓને, ગુરુને એપ્રિલ ફૂલ બનાવવાના હોતા નથી. એ અમને ખબર ન હતી. કોઈએય તેવું અમને કહ્યું ન હતું. માફ કરો. હવેથી અમે આવું કરીશું નહીં.”

સરે હસતાં હસતાં તરત જ પરવાનગી આપી. વર્ગમાં જઈને બેસવાની ! અમે સરની ખૂબ લાડકી વિદ્યાર્થિનીઓ હતી. તેમણે સજા કરી નહિ.

શાળાઓથી ઘરે આવતાં મેં રેહાના અને તેની બહેનપણીઓને વર્ગની ઘટના અને કાંબળે સરની સારપ વિશે કહ્યું તો સાંભળી હસતાં તેમણે તેમના વર્ગની ઘટના વર્ણવી. સંસ્કૃતના તે જ સર તેમના વર્ગમાં ભણાવવાની શરૂઆત કરતાં રેહાના અને તેની બહેનપણી બહારથી અંદર આવ્યા. કાંબળે સરે તેમને કામ માટે બોલાવ્યા છે. કહી બહાર મોકલ્યા. તે જઈને આવ્યા. બોલાવ્યા જ ન હતાં. આખોય વર્ગ ‘એપ્રિલ ફૂલ’થી ગુંજી ઊઠ્યો. પણ લાડકી હોશિયાર વિદ્યાર્થિનીઓનું તે અટકચાળું હતું. તેમણે હસીને સ્વીકાર્યું.

જયસિંગપુર અને કોલ્હાપુરમાં પી.ટી.માં પણ ખૂબ ફરક હતો. જયસિંગપુરમાં શિસ્તબદ્ધ માર્ચિંક ક્યારેય શીખવ્યું ન હતું. માત્ર પી.ટી.ના સઘળા પ્રકાર થતાં. અહીં આવતાં જ ‘માર્ચ-પાસ’ વખતે હાથ-પગ વ્યવસ્થિત ‘જમણા સાથે ડાબો’ ન હાલવાથી મને માર્ચ-પાસમાંથી બહાર કાઢવામાં આવી. પી.ટી.નાં બહેન ખૂબ સારાં હતાં. વ્યવસ્થિત કેમ કરવું તે જણાવ્યું. આમ બાજુએ કાઢી મૂકવાથી મન ખાટું થયું હતું. પણ આઠ દિવસ ઘરમાં બહાર મારું ‘લેફ્ટ-રાઈટ’ ચાલુ હતું. સર્વ ગ્રૂપની આગળ ઓર્ડર આપવા માટે મારી પસંદગી થઈ. ઉત્તમ ‘માર્ચ પાસ’ તરીકે શાબાશી મેળવી.

પણ તરત જ પીઠનો દુખાવો શરૂ થયો.

પી.ટી., ખો-ખો, કબડ્ડી, થ્રોબલો, સઘળી રમતો બંધ કરી દેવા ડૉક્ટરે ફરજ પાડી. તેવું સર્ટિફિકેટ આપ્યું. માસિક તથા વાર્ષિક પરીક્ષા નજીક આવી કે મારી પીઠમાં ભયંકર દુઃખવા લાગ્યું. ત્યારે હું નવમીમાં હતી. કાંબળે સર કહેતા “માંદગીને કહે થોડું રોકાઈ જા. તને જોવા, આવકારવા અત્યારે મને સમય નથી. પરીક્ષા પૂરી થશે કે પછી તારી સામે જોઈશ.” હું આમ જ દવા ખાતાં, શેકતાં, ઇન્જેક્શનો અને વેદનાને સાથે લઈને પરીક્ષા આપતી. પથારીમાં પડી રહેતી. પછી એક-બે મહિના કારમી અસ્વસ્થતા સો પથારીમાં. કાંબળે સર ઘરે આવતા. શરીરને સહેજ સ્પર્શ થાય તોય આખા શરીરમાં વેદના પ્રસરતી અને હું વિહ્‌વળ થઈ જતી. રાતોની રાત હું સીધી ઊંઘી શકતી ન હતી. ક્યારેક આરામખુરશીમાં, તો ક્યારેક પલંગ પર ઓશીકાં ગોઠવીને આખીય રાત બેસી રહેતી. બા-બાપુ સતત પાસે રહેતાં. જોઈતું-કરતું હોય એ પૂછતાં. મારે કાંઈ જ જોઈતું ન હતું. ફક્ત વેદનાનો અંત જોઈતો હતો. ઊંઘ આવે એટલી જ અપેક્ષા હતી. આ માંદગીમાં મારો શ્યામળો રંગ કાળો ભમ્મર થતો. કુમળા વાળમાંની ગૂં ચ ઉકેલતાય વેદના અસહ્ય બનતાં મોંમાંથી ચીસ નીકળી જતી. વાળ હોળ્યા વગર જ દવાખાને જવા હું હઠ કરતી. ડૉ. જાધવથી લઈને કોલ્હાપુરના એકેએક નામાંકિત ડૉક્ટર્સ, ફિઝિશિયન્સને મળી ચૂકી. ઇન્જેક્શન્સનો મારો, ઇલેક્ટ્રિક શોકથી એક-બે મહિના દુખાવો અંકુશમાં આવતો. આ દુખાવામાં કમર હેઠળના આખા શરીરમાં ખાલી ચડતી. ‘નહાતી વખતે ઉપરના અંગને પાણી ગરમ લાગતું. નીચે ખબર જ પડતી ન હતી કે ઠંડું છે કે ગરમ.’ આ વાત હું દરેક ડૉક્ટરને કહેતી હતી.

પિતાના પૈસા પાણીની જેમ મારા માટે ખર્ચાતા હું જોઈ રહેતી. એક દવા લાગુ પહે નહિ તો બાટલી એમ ને એમ બાજુએ રાખી બીજી લાવવી પડતી. અડધી વપરાયેલી દવાઓનો તો ઢગલો હતો. આ સર્વના પરિણામરૂપે કે કોલ્હાપુરની વિદ્યાર્થિનીઓ વધુ હોશિયાર હોવાને કારણે. પણ બીજા-ત્રીજા નંબરે પાસ થનાર હું ચોથા-પાંચમા નંબરે ગઈ. એક વખત માત્ર બીજા નંબરે પાસ થઈ. પણ રેહાનાએ પ્રથમ નંબર છોડ્યો નહિ. આવામાં જ એસ.એસ.સી. ૧૧મીની પરીક્ષા આપી. ફર્સ્ટ ક્લાસ મળ્યો નહિઉ થોડાકમાં ગયો. ખૂબ દુઃખ થયું. પણ પાસ થઈ તેની હાશ થઈ. કારણ પરીક્ષા થતાં જ વળી પથારીમાં પડી હતી. એ વખતે વેદના સાથે શરીરમાં આંચકી આવતી હતી. પરીક્ષા પૂરી થતાં જ મોસાઈ ગઈ. ત્યાં બધી રજાઓ પથારીમાં ગઈ.

મારાં એસ.એસ.સી. થવાના એક વર્ષ પહેલાં રેહાના એસ.એસ.સી. થઈ હતી. એને કૉલેજ કરાવવી નથી. એ બગડશે. પછી લગ્નમાં મુશ્કેલી થશે એમ બીજાઓના કહેવાને કારણે બાનો થયેલો મત. તેનાથી મોટી બહેન - જૈબૂનનો અભ્યાસ ફક્ત સાતમી સુધી જ થયો હતો. તે વખતે લગ્નમાં આવનારી તકલીફો જોઈને છેવટે બાપુએ રેહાનાને કૉલેજ જવાની પરવાનગી આપી હતી. રેહાના ડૉક્ટર થવાનું કહેતી હતી. હુંય ડૉક્ટર થવા ઇચ્છતી હતી. પણ માંદગી અને એસ.એસ.સી.ના ઓછા માર્ક ડૉક્ટરોએ પણ સાયન્સમાં જશો નહિ એવી સલાહ આપી. અંતે નર્સ થવાની ઇચ્છા હતી. પણ અંતે રાજારામ કૉલેજમાં આર્ટ્‌સમાં પ્રવેશ મેળવ્યો.

મારી સહુથી નાની બહેન કૌસર ત્યારે પહેલીમાં હતી. ભાઈ અજીજ આઠમામાં હતો. કૌસરને ઇંગ્લિશ શાળામાં મૂકવી એમ અમને ભાઈ-ભાંડુઓને લાગતું. પણ કૉન્વેન્ટનો ખર્ચ વેઠી શકાશે નહિ. તેથી તેને હું અને રેહાના જે શાળામંથી નીકળ્યા તે શાળામાં જ દાખલ કરી. છેવટના સંતાન તરીકે સહુની, વિશેષતઃ બાપુની એ ખૂબ લાડકી હતી. એ કાંઈ ભૂલ કરે તો ચિડાશો નહિ. સમજાવીને કહો એમ બાપુ કહેતા. મારી માંદગીમાં મને પાસે લઈને બા-બાપુ ઊંઘતા. બાપુ માની પાસે હોય તો એ ચૂપચાપ બા પાસે જતી અને બા મારી પાસે આવી હોય તો એ બાપુ પાસં કાંઈ ફરિયાદ કર્યા વગર જતી.

બાળપણ પૂરું થતાં તારુણ્યમાં કરેલો પ્રવેશ. ગમતું તારુણ્ય. પણ તે સાથે જ બાળપણ પૂરું ન થાય, કૌસર જેમ સહુથી નાના હોત તો બધાંય આપણને જ લાડ કરત એમ થતું. એક તો મોટા થવાને કારણે માન મળે, નહિ તો છેવટના સંતાન થવું સારું કે ભરપૂર પ્રેમ તો મળે.

બાળપણને નજરોમાં, મનમાં સંઘરીને કૉલેજની રંગીન દુનિયામાં પ્રવેશ કર્યાનો પ્રવેશ કર્યાનો પ્રથમ દિવસ...

મનમાં અત્યંત ધાસ્તી અને રેહાના પાસેથી અટકચાળા છોકરાઓ દ્વારા કરવામાં આવતી મશ્કરી. તોફાનની સાંભળેલી વાતો. એમાં ચાર વર્ષ કોલ્હાપુરમાં ફક્ત છોકરીઓની શાળામાં અભ્યાસ થયો હોવાને કારણે યુવકો સાથે કેવો સંપર્ક થશે, એક વર્ગમાં ભણતાં કેવી રીતે વર્તવું એ સંબંધે મનમાં શંકા-કુશંકા હતી. પંજાબી ડ્રેસનો ઉપયોગ તે વખતે અત્યાર જેટલો સહજ ન હતો. એ ૧૯૬૬નું વર્ષ હતું. પંજાબી ડ્રેસ પહેરીને ભવાની મંડપના રાજમહેલમાં આવેલી રાજારામ કૉલેજમાં જતી વખતે બન્ને બાજુ યુવકો ઊભા હતા. હું, ઉષા, શોભા, અરુણા એમ અમે બધી શાળાની બહેનપણીઓ સાથે ચાલી રહ્યાં હતાં. હાથમાં ગુલાબનાં ગોળ ફૂલો લઈને “બા અદબ, બા મુલાહિજા હોશિયાર, મલિકા પધાર રહી હૈ’નો પોકાર કરતાં કોઈક આગળ આવ્યું. બાએ આપેલી શિખામણ કે આપણે કોઈને જવાબ ન આપતાં, કોઈના મોઢે લાગ્યા વગર નીચું માથું કરીને નીકળી જવું. થોડા દિવસ અજમાવીને અટકચાળા છોકરા પછી પીછો છોડી દે છે. જવાબ સામો જવાબ, ચિડાવું, આંખ ઊંચી કરવી કે હસવાને કારણે અભ્યાસમાં રસ ન ધરાવતાં આવા યુવકોને પ્રોત્સાહન મળતું હોય છે. પહેલા દિવસે બાના શબ્દો યાદ રાખીને માથું નીચું કરીને અમે સહુ વર્ગમાં ગયાં. વર્ગમાં વિદ્યાર્થિનીઓ જ હતી. જુદી જુદી શાળાઓમાંથી આવેલાં એકબીજાનો પરિચય આપી રહ્યાં હતાં.

મારી ઓળખ નામથી કરી આપતાં જ ઉષા ઢફલે, શાળાની સહુથી નિકટની સુંદર અક્ષર ધરાવતી બહેનપણીએ કહ્યું, “આ નસીમ સ્કોલર છે !” કોણ જાણે કેમ મને મારો ગુમાવેલો ફર્સ્ટ ક્લાસ યાદ આવ્યો. મેં મારી ટકાવારી જણાવીને કહ્યું, “આ ઉષાને આવી મશ્કરી કરીને વધારીને બોલવાની આદત છે.” કૉલેજ છૂટ્યા પછી ઘરે આવતાં મારી અને ઉષા વચ્ચે જોરદાર ઝઘડો થયો. તેનું કહેવું હતું કે તેણે મશ્કરી કરી ન હતી. હું સાચ્ચે જ હોશિયાર છું અને મારું કહેવું હતું કે હું હોશિયાર હોત તો આટલા ઓછા માર્ક કેવી રીતે આવ્યા હોત ? ત્યાર પછી બંનેનું ઘર નજીક હોવા છતાં (વચ્ચે ફક્ત એક રસ્તો હતો) આખુંય વર્ષ અમે એકબીજા સાથે બોલ્યાં નહિ. એ જુદા રસ્તે થઈને જતી અને હું બીજા રસ્તે. બંનેના વિષય પણ અલગ હતા. તેને કારણે મુલાકાત પણ ભાગ્યે જ થતી.

મહિનાભરમાં જ વર્ગમાં મારી ઘણાબધા સાથે મૈત્રી થઈ. તે વખતે કૉલેજમાં પી.ટી. અથવા એન.સી.સી. પૈકી કાંઈ પણ એક લેવું ફરજિયાત હતું. રેહાના સાયન્સ સાઈડે હોવાથી મારો રિપોર્ટ હવે ઘરે પહોંચવાનો ન હતો. પણ એન.સી.સી. લેવું યુનિફોર્મને કારણે શક્ય જ ન હતું. ઘરે ખબર પડી ગઈ હોત. ડૉક્ટર્સની સલાહ ફગાવી દઈને હું પી.ટી.માં જવા લાગી. રમતનો ઉમંગ પણ પૂરો કરવા લાગી. બધી બહેનપણીઓના આગ્રહને કારણે પી.ટી.ના લીડરની ચૂંટણી માટે ઊભી રહી અને કેવું આશ્ચર્ય ! સહુથી વધુ મતો મને મળ્યા પ્રત્યેક વર્ષ માટે જુદા લીડર હતા. વર્ષાન્તે બેસ્ટ લીડરનું પ્રથમ ઇનામ પણ મને મળ્યું. આ સર્ટિફિકેટ જ્યારે જોઉં છું ત્યારે અનેરો આનંદ થાય છે. લીડરશીપ કરતાં આપણો આત્મવિશ્વાસ કેટલો વધે છે !

પી.ટી. કર્યા પછી દોરડાં કૂદતાં એક વખત પીઠમાં આંચકો આવ્યો. આંખો સામે અંધારાં આવ્યાં. હું જમીન પર પડી ગઈ કે બેસી ગઈ યાદ આવતું નથી. પણ જ્યારે આંખો ઊઘડી, અજવાળું દેખાવા લાગ્યું. ત્યારે મોં પર પાણી છાંટેલું હતું. હોઠો પાસે પાણીનો પ્યાલો હતો. બહેનપણીઓને વિનંતી કરી કે તે મને ગ્રાઉન્ડ પર ઇચ્છતા હોય તો આજની વાત રેહાનાને અથવા ઘરે કોઈને કરશો નહિ. સહુએ મારી વિનંતી સ્વીકારી. તેમને ક્યાં ખબર હતી કે મારી સામે નિયતિએ કેવો ઘાટ ઘડી રાખ્યો હતો ! આ પ્રસંગ પછી ચાલતી વખતે પણ એક તરફ નાખતાં બીજી તરફ જ પડવા લાગ્યો. કેટલીક બહેનપણીઓ મશ્કરી કરવા લાગી. ‘કૉલેજની હવા લાગેલી દેખાય છે. સ્ટાઇલિશ ચાલવા લાગી છે.’ પગની અસંબંદ્ધ હાલચાલ સાથે યૂરિન કંટ્રો પર પણ અસર થતી હોવાનું અનુભવાવા લાગ્યું. પરીક્ષા નજીક આવી હતી. ઘેર કહીશ તો ‘કૉલેજ જઈશ નહિ’ કહેશે અને હું અને જૈબુન આપા (ત્રીજા નંબરની બહેન) ઓછું ભણેલી રહીશું તેથી ચૂપ રહી. પણ આઠ-નવ મહિના નિયંત્રણમાં રહેલા દુખાવાએ પાછું માથું ઊંચક્યું. પથારીવશ થતાં પહેલાં આઠ-દસ દિવસ પૂર્વેનો પ્રસંગ યાદ આવે છે...

મારી અને રેહાના વચ્ચે તદ્દનસાદી વાત પરથી ઝઘડો થયો હતો. બાએ મારી પર હાથ ઉગામ્યો અને માર પડતાં પહેલાં જ પીઠમાં અસહ્ય વેદના થતાં હું ઝડપથી નીચે બેસી ગઈ. દર વખતે મારથી બચવા કોઈ ને કોઈ ઢોંગ કરું છું એમ બાએ ધારી લીધું અને નીચે બેસેલી મને મારીને એ નીકળી ગઈ. હું ઊઠીય શકતી ન હતી. અસહ્ય વેદના અને ગુસ્સાને કારણે મોઢામાંથી ચૂંક પણ નીકળી નહિ. પરંતુ ચહેરા પરની વેદનાની છાપ અને શરીરની વિચિત્ર હાલચાલને કારણે ત્યાં રહેલી રેહાનાને કોણ જાણે શું થયું ! તેણે જ મને ઉઠાડી અને પલંગ પર સુવાડી. એ પલંગ આ દુખાવાને કારણે કાયમ માટે મારો થયો હતો. પલંગ પર પડ્યા પછી આંખોમાંથી માત્ર વેદનાનાં અશ્રુ વહી રહ્યાં હતાં. રેહાના માફી માગતી હતી. હું હોઠ ભીંસીને વેદના સહન કરી રહી હતી. થોડી વારે બાએ આવીને તપાસ કરી ત્યારે હું કૉલેજ જઈશ નહિ. પીઠમાં દુઃખી રહ્યું છે કહ્યું. પીઠનો દુખાવો કહેતાં જ બાનો સ્વર નરમ થયો. પાસે આવીને તેણે દવા-દૂધ આપ્યાં. હું એમ જ પડી રહી. ઓશીકા નીચે સહજ હાથ નાખ્યો. તો વાર્તાનું (ઘણુંખરું રેહાનાએ સંતાડેલું) પુસ્તક હાથ લાગ્યું. સહજસાજ વાર્તાના પુસ્તકમાં રમનારું મન, તે દિવે બા મારા દુખાવાને નાટક સમજી. એ વ્યથાને કારણે એ નવલકથામાં પણ ગોઠ્યું નહિ.

છઠ્ઠીમાં હતી ત્યારનો એક અન્ય પ્રસંગ યાદ આવે છે. પરીક્ષા

પાસે આવી હતી. હું અભ્યાસ કરતી હતી. સંધ્યાકાળ હતો. બાપુ આવ્યા ત્યારે સુંદર મોટી માછલી લેતા આવ્યા. બા દાળ માટેનો મસાલો વાટતી હતી. બહેન માછલી તળી રહી હતી. માછલી તળતાં સ્ટવમાંનું કેરોસીન ખલાસ થવા આવ્યું. તેથી બાએ સ્ટવમાં કેરોસીન ભરવા માટે બોલાવી. ભણવાનું મૂકીને ઊભા કરવાને કારણે ગુસ્સા સાથે હું રસોડામાં પ્રવેશી.અમારી પરીક્ષા નજીક આવે કે ઘરે સુંદર ખાવા-પીવાનું બનાવતાં. કારણ પરીક્ષાના ટેન્શનમાં ભૂખ ઓછી થાય છે, જમવાનું વ્યવસ્થિત થતું નથી. સ્ટવમાં કેરોસીન પૂરતી વખતે જ બહેને ફ્રાઇંગ પેનમાંઆવેલ તેલમાં માછલી મૂકી અને ગરમ તેલ મારા જમણા હાથ પર હથેળીની પાછળના કાંડા અને આંગળી વચ્ચે ઊઠ્યું. સહજ મેં ચીસ પાડી. બા, બહેન પર ન ચિડાતાં પોતાની પર જ ગુસ્સો આવ્યો. પછી મોઢામાંથી એક શબ્દ ઉચ્ચાર્યા વગર મેં લીધેલું કામ પૂરું કર્યું. વેદના, બળતરા અનહદ થઈ રહી હતી. કામ પૂરું થયા પછી બાથરૂમમાં જઈને હાથ પર પાણી રેડ્યું અને મોંમાંથી ચૂં કર્યા વગર અશ્રુનો માર્ગ મોકળો કર્યો. ત્યાર બાદ અભ્યાસ કરવો શક્ય જ ન હતો. હાથ એટલો દાઝી ગયો કે બીજા દિવસે પેપર લખી શકાશે કે નહિ એમ થવા લાગ્યું. હું અંધારામાં જઈને બેસી રહી. રસોઈ થયા પછી બધાં જમવા બેઠાં. મને બોલાવી. ત્યારે મેં ભૂખ નથી કહ્યું. કારણ હાથેથી જમી શકાય એમ ન હતું અને મને મારો હાથ કોઈને બતાવવાની ઇચ્છા પણ ન હતી.

બાએ રેહાનાને ફરીથી મને બોલાવવા માટે મોકલી. ત્યાર પછી નિરુપાય બની મેં રેહાનાને મારો હાથ બતાવ્યો. મારી વેદના તેના ચહેરા પર દેખાઈ. એ મને તાણીને રસોડામાં લઈ ગઈ અને બધાંને મારો હાથ બતાવ્યો. હાથ જોઈ બધાંની દોડધામ શરૂ થઈ. બર્નોલ લગાવવામાં આવ્યું. ખૂબ જ મોટો પૂરી જેવો ફોડલો થઈ આવ્યો હતો. તે દિવસે બાએ મને જમાડી. હાથ વાળતાં ખૂબ દિવસ લાગ્યા. ત્યાર પછી કેટલાક દિવસ મારા હાથ પર દાઝ્‌યાના ડાઘ ન રહે તેથી બા કોપરું બાળીને, વાટીને એ હાથ પર લગાડતી હતી. તે દિવસે મેં ચૂં કે ચાં કરી નહિ તેનું આજેય સહુને આશ્ચર્ય થાય છે. મને તો આવી વેદના સહન કરવાની એવી આદત હવે પડી ગઈ છે કે આ પ્રસંગ પણ હું ભૂલી ગઈ હતી. રેહાનાએ આ ઘટનાની યાદ અપાવી. નિયતિએ જીવનમાં જે આગળ ઘડી રાખ્યું હતું તેનું રિહર્સલ પણ નિયતિ જ કરાવી લેતી હતી.

દુખાવો ઓછો થતો ન હતો. રોજ પથારીમાં જ બપોરનું ભોજન કરીને આંખો મીંચીને ઊંઘની પ્રતીક્ષા કરતાં એકદમ યાદ આવ્યું કે થોડા વર્ષ પહેલાં અહીં કોલ્હાપુરમાં જ આ પલંગ પર હું રેહાનાનું લાવેલું પુસ્તક આ જ રીતે સૂતાં સૂતાં વાંચતી હતી. રેહાના આવી અને પુસ્તક માગવા લાગી. અલબત્ત, મેં પુસ્તક આપ્યું જ નહિ તેથી તે ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો. હું અવળી ઊંઘીને વાંચતી હતી. પુસ્તક હાથમાંથી છોડાવવા તેણે ગલગલી કરવાની શરૂઆત કરી. તેથી અસ્વસ્થ થઈને મેં હસતં માથું ઊંચું કર્યું. એ ઓશીકા પરથી નીચે પલંગના છેડે આવી અને મારું અર્ધું શરીર પલંગ પર જ્યારે અર્ધું નીચે માથા સહિત લટકવા લાગ્યું. એક હાથમાં સજ્જડ પકડી રાખેલું પુસ્તક અને ગલગલીથી મૂંઝાયેલો જીવ. શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. રેહાનાને હતું હું હસી રહી છું. પણ ક્ષણમાં જ તેને કાંઈક વિચિત્ર થઈ રહ્યું હોવાનું જણાયું હશે. તેણે મને ઝડપથી પલંગ પર લીધી અને સરખી ઊંઘાડી.

મારો શ્વાસ પૂર્વવત્‌ થતાં તેણે મને કયાંય વાગ્યું છે ? એમ પૂછ્યું. મેં પીઠ તરફ આંગળી બતાવી. તેણે કોઈક મલમ લગાવ્યો હોવાનું સાંભરે છે. પછી હંમેશની જેમ તેણે આ ઘટના - આ ઝઘડા વિશે આ કોઈનેય કહીશ નહિ એમ વિનવણી કરી. એ હવે મારી માત્ર બહેન નહીં પરંતુ બહેનપણી હોવાની ખાતરી થતાં અને તેને માર પડે નહિ તેથી કાંઈ કર્યું ન હોવાનું, સિવાય પછી મને ફરીથી દુખ્યું ન હોવાથી હું બધું ભૂલી ગઈ હતી. તે આજે પલંગ પર પડ્યાં પડ્યાં સાંભરે છે. ડૉક્ટર દર વખતે પૂછે છે ક્યાંય પડી ગઈ હતી કે ? પીઠે માર વાગ્યો હતો કે ? આટલા દિવસ યાદ આવ્યું ન હતું. પણ કહ્યા પછી રેહાના ચિડાશે, મારશે એવી બીક લાગવાથી મેં તેનો ઉચ્ચાર કર્યો ન હતો. આ વિચિત્ર દુખાવો કદાચ નૃત્ય વખતે પડવાથી કે પલંગ પ્રકરણને કારણે કે કબડ્ડીમાં અનેક વખત પીઠ પડવાને કારણેય હોઈ શકે. પીઠનું ઑપરેશન થયા પછી મને ખબર પડી કે મને ‘ઘરે કોઈનેય આ ઘટના કહીશ નહિ’ કહેનારી રેહાનાએ રડતાં રડતાં પોતે જ આ ઘટના કહી હતી.

પથારી પકડી એ પકડી જ. બા-બાપુ અને કાંબળે સર પણ આ વખત કહેતા હતા, મિરજ વૉનલેસ હૉસ્પિટલમાં જા. પણ અભ્યાસ થયેલો, પરીક્ષા સામે, ત્યારે મારી જીદ ‘પરીક્ષા પત્યા પછી જઈશું.’ આ વખતે વેદનાનું સ્વરૂપ દર વખત કરતં વધુ તીવ્ર હતું. બાથરૂમ-સંડાસમાં જવુંય અશક્ય થયું હતું. રંગ તો કોલસા જેવો કાળો થયો હતો. અંગે સોજા પણ રહેતા. દવા, ઇન્જેક્શનો, શેકનો મારો ચાલુ હતો. અસર થતી નથી તેથી કોઈકે મેથી વાટીને તેનો લેપ લગાવવા કહ્યું. તે લગાવ્યો અને મરવું બહેતર લાગ્યું. એ લેપ સુકાઈ ગયા પછી કાઢતી વખતે મેં પાડેલી ચીસો હજુય યાદ આવે છે.

ઊંઘની દવા આપ્યા પછી થોડું ઘેન રહેતું. ડાંસ હતા તેથી પલંગ પર મચ્છરદાની બાંધી હતી. ઘેનમાં મને થતું કે કોઈક ખૂબ તાકાત ધરાવનારે મારા બંને પગ સજ્જડ કસીને પકડી રાખ્યા છે. ક્યારેક લાગતું મારા પગ પર પથ્થરના, લોખંડકના થયા છે. પછી મારા પ્રયત્ન શરૂ થતા. પગ ઉપર ઉંચકીને મચ્છરદાનીને અડવાના, પણ સફળ ન થતાં મારા ખભા પાસે છાતી પર એ શક્તિ પોતાનું જોર લગાવી રહી છે એમ લાગતું. હું ખૂબ જોરથી ચીસ પાડતી ‘કોઈ છે તેને ભગાડો...’ મને લાગતું. હું પૂર્ણ જાગ્રત છું. મારી માંદગીને કારણે નાની આવ્યાં હતાં એ અને બા મને કહેતં કે તને ઊંઘમાં કાંઈક સ્વપ્ન આવ્યું હતું પણ તે મારું સ્વપ્ન ન હતું. કોઈને જ તે સાચું લાગતું નહિ. પછી દુવા તરીકે બા-નાની મારા શરીરે ફૂંકો મારતાં. મારા શરીરે હળવે હળવે હાથ ફેરવતાં રહેતાં. “તમે અહીંથી ઊઠશો નહિ. નહિ તો એ શક્તિ ફરીથી મને દબાવી દેશે.” એમ કહીને હું મારી પાસેથી તેમને હાલવા દેતી ન હતી.

પરીક્ષા શરૂ થઈ. રિક્ષામાં તદ્દન ધીમેધીમે પહેલાં હું ડૉક્ટર પાસે ગઈ. ઇન્જેક્શન, શેક લઈને પછી પરીક્ષા હૉલમાં ગઈ. બે પેપર પૂરાં થયા. ત્રીજા પેપરમાં મારી માંદગીથી બેખબર બહેનપણીએ પાછળથી આવીને માત્ર ખભા પર હાથ મૂક્યો અને મારા મોંમાંથી ચીસ નીકળી ગઈ. બધાં આસપાસ એકઠાં થયાં. એ બહેનપણી રડમસ થઈ. માંડમાંડ હું વર્ગમાં જઈને બેઠી. વેદના અસહ્ય હતી. કાંઈ જ સૂઝતું ન હતું. કાંઈ યાદ આવતું ન હતું. દૂર તે વખતે કોઈક ગાયનની રેકર્ડ વાગી રહી હતી. એ ગીત જ ઉત્તરવાહીમાં લખ્યું. ઘરે આવતાં જ મોટા ભાઈ ભાઈજાને “પેપર કેવું ગયું” પૂછતાં જ મારું જે રડવાનું શરૂ થયું તે રોકાતું જ ન હતું. થોડી વાર પછી મેં ઉત્તરવહીમાં કરેલ પ્રકાર વર્ણવ્યો. બાપુએ કહ્યું કાંઈ આવડે નહિ તો પેપર કોરું રાખવું હતું. પણ ગીત, રંગોળી જેવી બાબત કરવી નહિ. પછીનું પેપર મેં કેવી રીતે આપ્યું ભગવાન જ જાણે. તે વર્ષે હુું બધા જ વિષયમાં સેકન્ડ ક્લાસ પાસ થઈ. એ એક આશ્ચર્ય જ છે.

વર્ષ દરમિયાન બહેનપણીઓએ સિનેમા જવાનો અને કોલ્ડ્રિંક હાઉસમાં આઇસક્રીમ ખાવા જવાનો ખૂબ આગ્રહ કર્યો હતો. પણ ઘરે ગમશે નહિ, ભણવા મળે છે એ જ પૂરતું છે. તેથી મેં ઘરે ક્યારેય પૂછ્યુંય નહીં. આવા કાર્યક્રમોમાં ગઈ નહિ. પરીક્ષા પૂરી થયા પછી જઈશું કહ્યું હતું. અંતિમ પેપર પૂરું થતાં જ ત્રણના શોમાં જવાનું નક્કી થયું. ઘરેથીયે આનંદપૂર્વક પરવાનગી મળી હતી. પણ છેવટના પેપર સુધીમાં મારામાંની બેસવાની તાકાત પૂરી થઈ હતી. બહેનપણીઓએ ‘કેન્સલ કરીશું. ડૉક્ટર પાસે જઈશું’ કહેતાં મેં જ પિક્ચર જવાનો આગ્રહ સેવ્યો. પિક્ચર હતું ‘યહ જિન્દગી કિતની હસીન હૈ’ આમેય દિલીપકુમાર અને મીનાકુમારી સિવાય બીજા કોઈ પણ નટનટીઓની મને જાણ જ ન હતી. તે દિવસે જોયેલ સિનેમામાં તો કોણ હતું. વાર્તા શું હતું કાંઈ પણ સમજાયું નહિ. જિંદગી હસીન હતી કે બીજું કાંઈક હતું. કાંઈક સમજાવાને છેડે સમગ્ર શરીરમાં વેદના સાથે લઈને માત્ર બહેનપણીઓને આપેલું વચન પાળવા માટે મેં ત્રણ કલાક થિયેટરમાં વિતાવ્યા. પાછા વળતાં અરુણા તેના ઘર તરફ વળ્યા પછી તદ્દન થોડો રસ્તો મારે એકલીએ ચાલવાનું હતું. અંધારું થવા આવ્યું હતું. અરુણા ગભરૂ હતી. તેથી મેં જ કહ્યું, “મને ઘર સુધી મૂકવા આવવાની જરૂર નથી. હું એકલી જ જઈશ. પાંચ મિનિટનો જ રસ્તો છે.” એ એના ઘર તરફ વળતાં હું એકલી જ ચાલવા લાગી.

અરુણા કામત એ હોશિયાર પણ અત્યંત શાંત સ્વભાવની યુવતી. તેના પિતા એલ.આઈ.સી.માં મૅનેજર હતા. ઑફિસ તરફથી તેમને એમ્બેસડર કાર પણ મળી હતી. હું અને અરુણા સવારે કૉલેજ સાથે જતાં, રોજ તેના પિતા અમને તેમની કારમાં મૂકી જતા. અરુણા ન હોય તો મને એકલીનેય તે ગાડીમાં મૂકવા આવતા. તેને કારણે કૉલેજમાં અનેક લોકોને તે મારા જ પિતા છે એમ લાગતું. કારણ હું ક્યારેય કૉલેજ ચૂકતી ન હતી. પરંતુ અરુણા અનેક વખત તબિયત ઠીક ન હોવાથી ઘરે રહેતી. કૉલેજથી પાછા આવતાં હું તેની સાથે બસમાં સ્ટેશન ઊતરીને ચાલતાં તારાબાઈ પાર્ક આવતાં. કારણ ટિકિટના અડધા પૈસા બચતાં. બસ અને પોકેટમનીના પૈસા બચાવીને મેં મને ગમતો એક સુંદર એવો ગુલાબી પંજાબી ડ્રેસ ખરીદ્યો હતો. ડ્રેસ પર સુંદર આછા રંગની મશીન એમ્બ્રોઈડરી હતી. એ જ ડ્રેસ તે દિવસે મેં પહેર્યો હતો. એકલી અડધા રસ્તે ચાલતાં પહોંચી ત્યાં જ સામેથી ભેંસોનું ટોળું આવ્યું. હું વેદનાને કારણે ઝડપભેર ચાલી શકતી ન હતી. ભેંસનું શીંગડું વાગવાની બીકે પરસેવો થઈ ગયો. પૂર્ણ અંધારું છવાઈ ગયું હતું. માત્ર થોડો રસ્તો બાકી હતો. પગ ઊપડતા ન હતા. થયું નાહક અરુણાને ઘરે જવા દીધી. ઘર સુધી સાથ કરવો જોઈતો હતો. ઘરેથી કોઈક શોધવા આવે એમ થયું. ઊઠતાં-બેસતાં કેટલી વારે કેવી રીતે હું ઘરના પગથિયે આવી કોણ જાણે ! પગથિયા પર જ બેસી પડી. ક્યારે કોણે દરવાજો ઉઘાડ્યો ખબર નથી પણ ત્યાંથી જ મનો કાગડા નાકા પરના મેરી વૉનલેસ હૉસ્પિટલમાં લઈ ગયા અને દાખલ કરી.

પાંચ-છ દિવસ એક્સ-રે વગરે કાઢ્યા. એક્સ-રેમાં કાંઈ જ દેખાતું ન હતું. ડૉ. બિંદ્રીએ જાહેર કર્યું. આ દીકરીનો કોયડો થોડો વધારે જ છે. હું અન્ન ખાઈ શકતી ન હતી. તેથી ઘરેથી જુદી જુદી વાનગીઓ બનાવી લાવતા. પણ વેદના આગળ હું કાંઈ જ ઇચ્છતી ન હતી. મારી ચીસો રસ્તા પર સંભળાતી. એક્સ-રેમાં કાંઈ જ દોષ દેખાયા નહિ. ત્યારે ડૉક્ટરોએ મને બળજબરીથી પલંગ પરથી ઉઠાડી. વેલની જેમ ઉપરથી નીચે સુધી ધ્રૂજતી હતી. સૂક્ષ્મ હિલચાલ કરતાંય વેદનાનો સાગર ઘૂઘવાતો હતો. પણ ડૉક્ટરોએ પગ ઊંચકીને આગળ નાખવા ફરજ પાડી. પગ ઊંચકતાં જ હું પડવા લાગી. ત્યારે મારું કાંડું પકડીને તેમણે ખસ દઈને ખેંચી. હું ઢોરની જેમ બૂમો પાડવા લાગી. વૉર્ડમાંના બધા લોકો દોડી આવ્યા. ડૉક્ટરને “માણસ છે કે રાક્ષસ” કહેવા લાગ્યા. ડૉક્ટરનો જવાબ હતો “આને કાંઈ પણ થયું નથી. કૉલેજનું પ્રેમપ્રકરણ હશે. તપાસ કરો. આ માંદગી સાયકૉલોજિકલ છે.” એટલું જ નહિ પણ તે દિવસે તેમણે બાપુને, આને સાયકિઆટ્રિસ્ટને બતાવો એવી સલાહ પણ આપી.

વળી બીજા દિવસે કેટલા વાગ્યા હશે એ અત્યારે સાંભરતું નથી. પણ ર૪ એપ્રિલ ૧૯૬૭નો દિવસ હતો. કેવળ ડૉક્ટરોના આગ્રહને કારણે હું બાથરૂમ જવા માટે બા-બહેનના ટેકે ધીમે ધીમે અત્યંત કષ્ટપૂર્વક એક એક ડગલું ચીસ ખાળતાં નાખતી હતી. પરંતુ બાથરૂમના દરવાજા બહાર જ હું ફસડાઈ પડી. બધાએ મળીને મને પલંગ ઉપર ઊંઘાડી. સઘળી વેદના થીજી ગઈ હતી. આંખો કેટલા કલાકે ઉઘાડી ખબર નથી. પણ હું વૉર્ડને બદલે સ્પેશ્યલ રૂમમાં હતી. મારા ફક્ત હાથ જ હાલતા હતા. છાતીથી નીચેનું શરીર હોવાની અનુભૂતિય થતી ન હતી. પલંગને છેડે યૂરિન બૅગ ગોઠવાયેલી હતી.

મારી કમર હેઠળના ભાગની સંવેદના ગઈ. છતાંય ડૉક્ટર ડિસ્ચાર્જ આપતા ન હતા. અંતે બાપુ ખૂબ ચિડાયા. કાંઈ વધુ-ઓછું થયું તો ‘કેસ કરીશ’ કહ્યું. ત્યાર પછી હૉસ્પિટલની ઍમ્બ્યુલન્સ સાથે ડૉક્ટર-નર્સ વગેરે મોકલીને મને મિરજની વૉનલેસ હૉસ્પિટલમાં લાવવામાં આવી.

આ બધું લખતી વખતે મન પર અત્યંત તાણ પડી રહી છે. નજર સામે ‘લોટસ’માં વેદનાથી ટળવળતી અફસાના છે. કાલે જ તેની પર પ્લાસ્ટિક સર્જરી થઈ. વૉનલેસ હૉસ્પિટલમાં વેદનાની લાય અને ત્યાર બાદ સાજા થવા માટે કરેલ કાકલૂદી-મથામણ લખતાં પૂર્વે મારે મારી માનસિક તૈયારી કરવી જોઈએ. કારણ ભૂતકાળમાં જઈને આ લખતી વખતેય પીઠના મણકામાંથી વેદનાસાથે ઠંડીનું મોજું નીચેથી ઉપર સુધી સરકીને હાથમાં ફૂટે છે. બરફ જેવા શીતળ હાથ થોડી થોડી વારે ખાલી ચડીને અક્ષરશઃ બહેરા થાય છે. આંગળાની હાલચાલ થઈ શકતી નથી. પાછલા વર્ષે આવું થયું ત્યારે ડૉ.મોહનરાવ ગુણે પાસે જઈને હું પોક મૂકીને રડી હતી. કમર હેઠળની સંવેદના જતાં પહેલાં આવી જ ખાલી ચડતી હતી તે ભાગમાં.

મિરજ આવતાં જ માયલોગ્રામ (મણકામાં ઇન્જેક્શન આપ્યા પછી એક્સ-રે) કાઢવામાં આવ્યો. તેમાં એક મણકો દબાઈ ગયેલો. તેને કારણે મજ્જાતંતુ પર એક ગાંઠ આવેલી દેખાઈ. એ ગાંઠ તાત્કાલિક દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. તે વખતે ડૉ. ડોનાલ્ડસન અને ડૉ. પ્રધાન હતા. ર૦ મે ૧૯૬૭ના રોજ ઑપરેશન ટેબલ પર લેતી વખતે મને પૂર્ણ વિશ્વાસ હતો કે ગાંઠ કાઢતાં જ દૂર કરતાં જ સંવેદનાનો પ્રવાહ શરૂ થશે. એકાદ પાઈપમાં કચરો એકઠો થાય કે પાણી આવતું બંધ થાય છે અને કચરો કાઢતાં જ જેમ પાણીનો પ્રવાહ ચાલુ થાય છે તેવું જ થશે એમ મને લાગ્યું હતું. સ્પર્શજ્ઞાન આવતાં જ હું પગ હલાવી શકીશ. હું ઊભી રહીને ચાલી શકીશ. આ વિચારે ક્લોરોફોર્મ આપતી વખતેય હું પ્રફુલ્લિત હતી. બા, બાપુ, મામા, નાની, બહેન, માસી બધાના ચિંતાતુર ચહેરા જોઈને મને આશ્ચર્ય થઈ રહ્યું હતું. ચાલવા લાગ્યા પછી આ જ પિરજના દવાખાનામાં રહીને નર્સિંગનો કોર્સ કરવાનો બા-બાપુની પરવાનગી મેળવવી જ. આ મેં એકદમ દૃઢ નિર્ણય કર્યો હતો. તેનું કારણ ત્યાંના અસંખ્ય પેશન્ટસ્‌, વિશેષતઃ સંજીવની નામની એક તરુણી હતી.

સંજીવનીનાં લગ્ન થયા બાદ સાસરિયે જતી વખતે તેની ગાડીને અકસ્માત થયો. તેની કમર હેઠળના શરીરની સંવેદના મારા જેવી જ થઈ ગઈ હતી. એ પૅરાપ્લેજિક બની. તેને કારણે પતિ કે સાસરિયાનું કોઈ પણ તેને જોવા દવાખાનામાં આવ્યું ન હતું. પિયરમાં કોઈ ન હતું. મામાએ તેનાં લગ્ન કરાવી આપ્યાં હતાં. દવાખાનામાં આવ્યે તેને અગિયાર મહિના થયા હતા. અપંગત્વના દુર્ભાગ્ય સાથે અનાથપણાનું દુર્ભાગ્ય પણ તેના નસીબે આવ્યું. કોઈક કપડાં, કોઈક ખાવાનું તેને લાવી આપતાં. તેને શું થતું હશે એ વિચારે મારું મન કંપી ઊઠતું.

ઑપરેશન બાદ સ્ટ્રેચર પરથી લાવતી વખતે જ મને ભાન આવ્યું હતું. સ્ટ્રેચર પરથી પથારીમાં ગોઠવતાં સ્ટ્રેચર પરની ખરડાયેલી ચાદર અને પછી પડખું બદલતી વખતે પીઠની કરોડમાંથી થઈ રહેલ વેદનાને કારણે પ્રત્યેક ક્ષણે હું મૃત્યુ ઝંખતી. આવનાર-જનાર દરેક પાસે હું આ યાતનામાંથી છુટકારા માટે ઝેર માગતી. સાત ઇંચ પીઠની કરોડ ચીરાયેલી હતી. તેર ટાંકાલેવામાં આવ્યા હતા. પૂરો એક મહિનો આ વેદનાથી હું રાતદિવસ ત્રસ્ત હતી. પગને સ્પર્શજ્ઞાન તો આવ્યું જ ન હતું. પણ એક દિવસ બાએ શરીર પરની ચાદર ઝાટકવા માટે કાઢી, ત્યારે કમર હેઠળ કીડીઓનો રાફડો હતો. બાની ચીસ અને ભયથી થરથર કાંપતી જોઈને લોકો દોડ્યા. મને તો કાંઈ જ દેખાતું ન હતું. સિસ્ટર્સ ને ઘરનાંએ મળીને આખી પથારી બદલી ત્યારે બેડશીટ પર કીડીઓનાં ઝુંડ દેખાયાં. શરીર કીડીઓએ ખોતર્યું હતું. પાટા લસોટવાના પથ્થરને ટાંક્યા પછી એ કેવો થાય તેવું મારું શરીર થયું હતું. લોહીના નાનાં નાનાં ટીપાં દેખાતાં હતાં. કીડીઓએ આખુંય શરીર ખાધું હતું. આ વર્ણન મેં કેવળ સાંભળ્યું હતું. બાની આંખો રડી રડીને સૂજી ગઈ હતી. તે દિવસે રૂમ બહાર રાતે મોડે સુધી બા રડતી હતી. મારી રૂમમાં તેણે પગ પણ મૂક્યો ન હતો. પોતાની દીકરી પર આ કેવી આફત એમ તેને લાગ્યું હશે. પછી બા સતત મારું પાથરણું થોડી થોડી વારે સ્વચ્છ કરવા લાગી. એકીટશે એ મારા પગ સામે જોતી રહેતી. પગ અચાનક હાલવા લાગશે એમ મારી જેમ જ તેનેય આશા હતી. એક દિવસ પગનો અંગૂઠો હાલતાં બાને દેખાયો જ. તેણે એટલા આનંદથી બધાને કહ્યું કે સહુને લાગ્યું કે મારું મહાસંકટ હવે ટળ્યું. હવે મને સ્પર્શજ્ઞાન આવશે. પણ એક દિવસ ડૉક્ટર વ્હીલચેર સામે લાવ્યા. બે-ચાર જણાએ મળીને મને ઊંચકીને વ્હીલચેર પર બેસાડી. અનેક મહિનાઓ પછી બેસવાને કારણે મારી આંખો સામે પૂર્ણપણે અંધારું છવાયું. મેં ગરદન ઝુકાવતાં જ મને વળી પલંગ પર ઊંઘાડવામાં આવી. ત્યારે પરિશ્રમને કારણેય મને પરસેવો ફૂટ્યો હતો. બીજા દિવસે મને ફરીથી વ્હીલચેર પર બેસાડી. બહાર પવનના તડકામાં લઈ જતાં જ મને ખૂબ સારું લાગ્યું. વ્હીલચેર સીધી કેવી રીતે ચલાવવી, જમણી તરફ વળતાં જમણો હાથ સ્થિર રહખીને ડાબા હાથે મોટાં પૈડાં સાથે જોડીને લોખંડની રિંગ જમણી બાજુ વાળવાની. એ બધું ડૉક્ટરોએ જાતે બતાવ્યું. ઊભા ન રહી શકાતાં આમ ફરી શકવાથી ખૂબ સારું લાગ્યું. વ્હીલચેર પર પછી ફિઝિયોથેરપીમાં કસરત માટે લઈ જવા લાગ્યા. ત્યાંના શામ અને કિશોર ખૂબ સારા હતા. ગપ્પાં મારતાં મારતાં કસરત કરાવતા. તેને કારણે કંટાળો આવતો ન હતો.

એક વખત આ શામ અને કિશોરે ‘આને રિહિબિલિટેશન સેન્ટરમાં લઈ જાવ’ એવી સલાહ બા-બાપુને આપી. સરનામું સુદ્ધાં તે આપવા લાગ્યા. પણ બા-બાપુને થયું કે મારા જીવનનો સહુને ભાર લાગી રહ્યો છે. એમ લાગતાં તેઓ મને ત્યાં કાયમ માટે મોકલવાની સલાહ આપી રહ્યા છે. તેથી તેમણે સરનામું સુદ્ધાં લીધું નહિ અને ‘અમે ઘરે બધું મેનેજ કરીશું’ એવો તેમને જવાબ આપ્યો. બેસવાની જગ્યા ખૂબ મોટા બે બેડસોઅર્સ થયા હતા. રોજ તેને અલ્ટ્રા-રેઝ આપતી વખતે મને પોતાની પર ખૂબ ચીડ ચડતી. શરીરની ઘૃણા થતી હતી. પણ આ ઝડપથી પૂરું થશે એ આશાએ બા-બાપુને સારું લાગે તેથી હું હસતાં બોલીતી હતી. આવી અવસ્થામાં ડૉક્ટરોએ ડિસ્ચાર્જ આપ્યો. તેમજ મને કર્ણાટકમાં બેળંબર ગામે કાળ કોટડીમાં લઈ જવામાં આવી. સ્પેશ્યલ ટૅક્સી દ્વારા મિરજથી કોલ્હાપુર ઘરે ન જતાં ફક્ત દરવાજે થોડી મિનિટ ટૅક્સી ઊભી રાખીને છેક બેળંબર લઈ જતાં વળી મારું રડવાનું ચાલુ થયું. વ્હીલચેર આપ્યા વગર દવાખાનામાંથી મને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

એક મહિનો અમે બેળંબરમાં વિતાવ્યો. દેશી ઔષધાલયો અને તેલની માલિશ સવાર-સાંજ પુરુષો દ્વારા કરાવીને પછી ગરમ પાણીથી સ્નાન. એ પાલાને અને તેલને કહે છે સ્ત્રીઓએ હાથ લગાવવો નહિ. રૂમને ફક્ત એક જ દરવાજો અને તે દરવાજા પછી થોડી જગા મૂકીને ભીંત. બારી વગેરે કાંઈ નહિ. અંધારામાં સારવાર. સૂર્યપ્રકાશનો સ્પર્શ થવા ન દેતાં. રૂમમાં પલંગ પણ ન હતો. એ નાનકડી ઓરડીમાં તેય ચોમાસામાં, એ એક મહિના માટીની જમીન પર મારી સાથે બા-બાપુ, નાની અને મામાએ કઈ રીતે પસાર કર્યો હશે એની કોઈ કલ્પના કરી શકશે નહિ. એ સારવારને મેં કાળા પાણીની સજા એવું નામ આપ્યું હતું.

એક મહિનામાં માત્ર આશ્ચર્યકારક રીતે મારા બન્ને બેડસોઅર્સ સુકાઈ ગયા. રોજ તે માલિશ, નહાવાની પરીક્ષામાંથી પસાર થતી વખતે મનને કોણ જાણે કેમ લાગવા લાગ્યું હતું કે આપણેય સંજીવની જેમ કાયમ માટે અપંગ થયા. દિવસભર મારું રડવાનું ચાલુ રહેતું. શરીરની વેદના ઓછી થઈ હતી, પરંતુ મનને વેદનાનો અંત ન હોત. અંતે એક દિવ્સ મારા રડવાથી કંટાળીને બાપુ માંદગીમાં પ્રથમ વાર મારી પર ખૂબ એટલે ખૂબ ચિડાયા. હું રડીને સહુને રડાવું છું. આમ હું સહુને આખા ઘરને દુઃખી કરું છું. બા પર મારા રડવાની વિપરીત અસર થાય છે. અમને કેમ નથી દેખાતું ? રડીને દુઃખ, સંકટ પતી જવાનું હોય તો બધા જ રડ્યા હોત. (જોકે બધાં જ ચૂપચાપ રડતાં રહેતાં હતાં એ મને ખબર હતી) હસીને વાતાવરણ પ્રસન્ન રાખવું, આપણે હસવું. બીજાને હસાવવા એટલે આવી પડેલા સંકટનો સામનો કરવા બળ મળે છે. દુઃખ જતું રહે એ શક્ય નથી પણ તીવ્રતા ઘટે છે... વગેરે વગેરે. બાપુનો એ રોષ જોઈ હું આશ્ચર્યચકિત થઈ. મારા પર કેવી આફત છે અને તેઓ મારી પર ગુસ્સે થયા ! ખૂબ દુઃખ થયું મને. પછી મેં નિશ્ચય કર્યો. મારા રડવાથી જો બીજાને દુઃખ થાય છે તો કોઈની સામે રડવું નહિ. અને આજ સુધી આ મારો નિશ્ચય ટકી રહ્યો છે. મારા પોતાના દુઃખ માટે હું કોઈની સામે રડતી નથી. તે માટે રાત મારી હોય છે. રડવું બંધ કરીને બા-બાપુ સામે ધ્યાનથી જોયું. મારી ભૂલ મને સમજાઈ. કેટલું વજન ઊતર્યું હતું બંનેનું. બાપુએ ખર્ચ ઓછો થાય તેથી સિગારેટ પણ છોડી હતી.

એક મહિના પછી બેળંબરથી અમે કુમઠાએ મોસાળમાં આવ્યા. એક દિવસ બાએ મને નવરાવતાં પોતાના હાથે પાણી મારી પર રેડ્યું. પેલા બેળંબરના વૈદ્યે ઊકળતા ગરમ પાણીથી નવરાવવા કહ્યું હતું. સ્ટૂલ પર બેસાડીને બે જણ મને પકડી રાખીને મારા નહાવાની કસોટી કરતાં. નહાવાનું પતાવીને બાએ મને પથારીમાં સુવરાવી. આખાય શરીરે પાવડર લગાવવા માટે અવળી ફેરવી તો પાછળ નીચેના ભાગ પર મોટા મોટા દાઝી ગયાના ફોલ્લા. કમરથી નીચે હું સંપૂર્ણ દાઝી ગઈ હતી. મને જરાય ખબર ન હતી. બાએ તે જોતાં જ રડવાનું ચાલુ થયું. મારી આવી દીકરીને આ અવસ્થામાં મેં પોતે જ આમ કેવી દઝાડી. તેથી બા પોતાને દોષ આપતી હતી. એટલું બધું દઝાઈ ગઈ હતી કે તાત્કાલિક ડૉક્ટરને બોલાવ્યા. બધા ફોલ્લા ફોડીને તેમણે દવા લગાડી. ઇન્જેક્શન આપ્યાં. લતાં તાવ આવ્યો જ.

શરીર પર કીડીઓનો રાફડો. આ દાઝવું જીવનભર યાદ રહેવાનું હતું. પહેલાથી જ શરીરની વિચિત્ર અવસ્થા અને હવે આ ઘાને કારણે અવળા સુઈ રહેવાનું નસીબમાં આવ્યું. પણ મેં કકળાટ કર્યો નહિ. બાને દુઃખ થાય તેથી ! તાવ આવે કે સારું લાગે હું એ ખિન્નતામાં પડી રહેતી. શસ્ત્રક્રિયા પછી લગભગ દોઢ વર્ષ સુધી દર મહિને ચોક્કસ તારીખે મને તાવ આવતો હતો.

બાપુની રજાઓ પૂરી થતાં બાપુને નોકરી પર હાજર થવું આવશ્યક હતું. પાંચ મહિનાથી બાપુ મારી માંદગીને કારણે રજા પર જ હતા. તેવામાં બાપુની ઔરંગાબાદ બદલી થઈ. પણ મારા તાવને કારણે બા-બાપુનું કોલ્હાપુર જવું લંબાઈ રહ્યું હતું. બા પોતે જઈશ નહિ કહેતી હતી. પણ મેં જ આગ્રહ સેવ્યો. “બાપુને વ્યવસ્થિત પેકિંગ કરી આપ અને પછી આવ. અહીં તારા જેટલા જ પ્રેમથી સહુ મને હાથમાં ને હાથમાં રાખી દેખભાળ કરી રહ્યા છે.” અન્યથા બાપુની બદલીના ગામે આખું કુટુંબ જતું હતું, પણ હવે મારા કારણે તે શક્ય ન હતું. મેં અને બાએ થોડા દિવસ મોસાળમાં મોટા સંયુક્ત કુટુંબમાં કુમઠા રહેવાનું નક્કી કર્યું. ભાઈઓએ કોલ્હાપુર અભ્યાસઅર્થે રહેવું એન તેમની સાથે બદ્રુન્નિસા નામનાં માસીએ રહેવું એમ ઠરાવ્યું. ઔરંગાબાદ બાપુ એકલા જ જવાના હતા. બાપુને સઘળી તૈયારી કરી આપવા બા કોલ્હાપુર જઈને ઠુમકા પાછી આવવાની હતી. ત્યાં સુધી મારી દેખભાળ બહેન, માસી અને નાનીએ કરવી એમ નક્કી થયું.

હું હવે કાયમીન પૅરાપ્લેજિક થઈ છું એ મને કોઈએ કહ્યા વગર સમજાઈ ચૂક્યું હતું. પૅરાપ્લેજિક થયા પછી કેવું લાગે ખબર છે ? નાનપણમાં વાર્તામાં વાંચ્યું હતું. એક રાજાને કોઈકે શ્રાપ આપતાં તેનું અર્ધું શરીર પથ્થરનું બની જાય છે અને એક જ જગાએ અનેક વર્ષ જડાઈ રહે છે. પછી કોઈક આવે છે અને આશીર્વાદ મળતાં એ ફરીથી પૂર્ણ માણસ બને છે. મારીય કમરની ઉપરના ભાગથી નીચે તળિયા સુધી અર્ધું શરીર પથ્થરનું થયું હતું. વાર્તામાંનો રાજા ઊભો હતો. પરંતુ હું પથારીમાં આડી હતી. જીવનમાં ફરીથી મારું અર્ધું શરીર જીવંત થવાનું ન હતું. પેશાબ-સંડાસની સંવેદના ન હોવાથી સર્વ ક્રિયા પથારીમાં થતી. વાસ આવતાં પથારી સ્વચ્છ કરવા મને પડખું ફેરવવા ચાર ચાર જણ જોઈતાં. પાવડર, સેન્ટની મદદથી દુર્ગંધ દૂર કરવામાં આવતી. અગરબત્તી લગાવીને રેડિયો વગાડવામાં આવતો. વાર્તાનું પુસ્તક હાથમાં રાખતી. પંખો ચાલુ રહેતો અને આટલું કરવા છતાંય મારાં અશ્રુ ખાળી ન શકાય. ઓશીકું ભીંજાતું જ રહે તો ઊંઘની ગોળી આપવામાં આવતી. તે વખતે મારી વય સોળ વર્ષની. અરે, કેવળ કલ્પના તો કરો કે આ કારણે મને શું થતું હશે ? ભગવાન પાસે મૃત્યુ ઝંખતી હતી...ભગવાન ! મને અને મારા પર પ્રેમ કરનારાઓને આ સંકટમાંથી ઉગાર. નહીં તો મને પગમાં સંવેદના તો આપ. કાંઈ નહિ તો પોતાની ક્રિયા જાતે બાથરૂમ-સંડાસ સુધી જઈને કરવાની. બાને પીડા ન આપવા જેટલું તો બળ આપ અથવા જલદી મૃત્યુ આપ. કેટકેટલા વિનવ્યા તે અલ્લામિયાંને ! કંઈક મોટી ભૂલ કરીએ તો ભગવાન આવી શિક્ષા આપે છે એ તો સાંભળ્યું હતું પણ મેં એવી કઈ મોટી ભૂલ કરી હતી ? શાળા કે કૉલેજમાં એક વર્ષમાં મેં ક્યારેય કોઈને દુભાવ્યાં ન હતાં. મને મારા સામર્થ્ય અનુસાર પ્રત્યેકને મદદ કરવામાં હંમેશાં આનંદ મળતો. નોટો-પુસ્તકોથી માંડીને મારી કોઈ પણ વસ્તુ કોઈ માગે તો હું આપતી. મોસાળ જઈને કે નાની-માસીને વાસણો ઉટકવા, કપડાં ધોવા, કૂવેથી પાણી સીંચવું, આંગણું વાળવું, મોગરાના ગજરા બનાવવા જેવાં બધાં કામોમાં મદદ કરવામાં મને અત્યંત આનંદ મળતો. આમ કોઈકને કાંઈક આપીએ, મદદ કરીએ તો સહુ મારી સાથે ખૂબ પ્રેમથી વર્તતાં. આમ હોવા છતાં મને શાને આટલી મોટી સજા મળી છે એ સમજાતું ન હતું.

કોલ્હાપુરમાં જે ઘરમાં અમે ભાડે રહેતા હતા તેમને લાગ્યું કે હવે મારા અપંગત્વને કારણે અમે અહીં હંમેશ માટે રહીશું કે કેમ ? ક્યારેય નહિ તે એક-બે મહિનાનું ભાડું આપવાનું રહ્યું હતું. ઘર માલિકે ઘર ખાલી કરાવવા તગાદો કર્યો. તારાબાઈ પાર્કમં જ પછી બીજું ઘર જોયું. એ નવા ઘરના આગળના અને પાછળના દરવાજે સાંકળ લગાવેલી હોય છતાં સહેજ ધકેલતાં તે દરવાજા ખુલી જતા. બાપુ, બા કુમઠા મારી સાથે હતા. ત્યારે જ ભાઈ-ભાભીઓએ જ બાપુની ઑફિસના મિત્ર પાટીલકાકા અને બીજાની મદદથી ઘર બદલ્યું હતું. મારી માંદગીમાં ઘર અક્ષરશઃ ધોવાઈ ગયું હતું.

બાના મુઠ્ઠીભર દાગીનાય ગીરવે મૂક્યા હતા. ચોરો માટે ચોરવા જેવું કાંઈ જ ન હતું. ઘરમાલિક શ્રી પ્રભાકર કેળવકર એટલા સારા હતા કે ઘરભાડું અગિયાર મહિનાનું ચડી ગયું હોવા છતાં તેમણે ક્યારેય માગ્યું નહિ. બારતેર વર્ષ એ ઘરમાં રહ્યા પછી કેટલાક લોકો અમને સલાહ આપતાં કે ઘર છોડશો નહિ. કાયદાનુસાર તે તમને મળી શકે. પણ બીજાની માલમિલકત આમ પડાવી લઈ કોઈ સુખી થઈ શકે નહિ. તેને કારણે બાએ એ સલાહ સ્વીકારી નહિ.

એ નવા ઘરમાં ભાઈઓ અને માસીને મૂકીને પહેલી સપ્ટેમ્બરે બાપુ ઔરંગાબાદ બદલીના સ્થળે હાજર થવા ગયા. બા કુમઠા પાછી આવી. બાપુ આમ પહેલી વખત એકલા ગયા હતા. પ્રવાસમાં જાય છતાં બાપુ જમવાનો બધો સામાન સાથે લઈ જઈ રસોઈ બનાવીને ખાતા. ઔરંગાબાદમાં પણ એક રૂમ બાપુએ ભાડેથી રાખી. સાથે એક સિહાઈ રહેતો હતો. આ બધી વાતો બાપુના પત્ર દ્વારા જાણી. બાને મળેલા કાગળ સાથે બાપુએ મનેય પત્ર લખ્યો હતો. મને લખેલો બાપુનો એ પહેલો પત્ર. કારણ આજ સુધી ક્યારેય અમે દૂર રહ્યાં જ ન હતાં. ઇંગ્લિશમાં લખેલ એ પત્ર, તેમાંય બાપુના પત્રનાં વાક્યો વાંચવાની આદત પણ ન હતી. મામાએ તે પત્ર વાંચીને અર્થ પણ જણાવ્યો. “હસતાં આનંદમાં રહો. આ સંકટ પણ દૂર થશે. બાની સંભાળ લેજો.” એ જ લખ્યું હતું. બાપુની મમતાથી તરબોળ એ પત્ર હતો. હવે આ પત્રનો જવાબ આપણેય બાપુને આનંદ થાય તેમ આપીએ એમ મેં નક્કી કર્યું. બે-ત્રણ વખત એ પત્ર મેં વાંચ્યો. એ પત્રનો ત્વરિત જવાબ આપ્યો. એ પત્ર મળ્યા પછી બાના પત્ર દ્વારા બાપુએ જણાવ્યું હતું “નસીમાએ ખૂબ સુંદર પત્ર પાઠવ્યો. લખવાની તેની પદ્ધતિ ખૂબ ગમી. વહેલામાં વહેલી તકે હું એને ઉત્તર મોકલીશ એમ તેને કહેજે.”

હું મારા પત્રના ઉત્તરની રાહ જોતી હતી. ત્રેવીસ તારીખે સવારે મારું નહાવાનું પતાવીને બા નીચે ગઈ હતી. સવારના અગિયાર વાગ્યા હતા. એટલામાં કોઈક બાને પકડીને ઉપર મારી રૂમમાં લાવ્યા. સમગ્ર રક્ત શોષાઈ ગયું હોય એમ બા સફેદ નિસ્તેજ દેખાતી હતી. મામાના હાથમાં તાર હતો. તારમાં હતું “બાપુ સિરિયસ છે.” પરંતુ બધાયની હિલચાલ અને ચહેરા કાંઈક ભયાનક સંકેત દર્શાવી રહ્યા હતા. ફોન આવ્યો. બાપુને ઔરંગાબાદથી કોલ્હાપુર લાવી રહ્યા છે. અમારે કોલ્હાપુર પહોંચી જવું.

દરવાજે ટૅક્સી આવી. મને ઊંચકીને તેમાં બેસાડી. પાસે બા. કોઈ પણ એક શબ્દ ઉચ્ચારતું ન હતું. બાનાં ડૂસકાં અવારનવાર સંભળાઈ રહ્યાં હતાં. બાને હાથ થોડી થોડી વારે હું હાથમાં લેતી હતી. ઠંડોગાર હાથ. પ્રવાસ ખૂટતાં ખૂટતો ન હતો. રાતે એક વાગે તારાબાઈ પાર્કમાં આવ્યાં. સેન્ટ્રલ એક્સાઈઝ ઑફિસથી એ કેળવકરનું નવું ઘર આવતાં સુધી સફેદ કપડા પહેરેલા અસંખ્ય માણસો રસ્તાની બન્ને તરફ આટલી રાતે નીરવ શાંતિમાં જોઈને મનમાં રહેલા બાપુના જીવતા હોવાની ધૂંધળી આશાય આથમી. પણ હું રડી નહીં. પથ્થરની થઈ હતી હું. નીચેના શરીર સાથે મનથીય હું પથ્થર બની હતી. સાંભરી રહ્યા હતા કેવળ બાપુના શબ્દો ‘રડીને સંકટ ટળશે નહિ.’

મને ઊંચકીને લાવ્યા. ન જોયેલું ઘર. મોટા હૉલમાં વચ્ચોવચ સફેદ ચાદરમાં વીંટાળેલા બાપુનું તે શરીર. નાકમાં પૂમડાં ગોઠવેલાં. જીવનમાં પહેલી વખત જોયેલું મૃત શરીર. તેય બાપુનું ! હું થીજાયેલી નજરે જોઈ રહી હતી. બાની એક જ પોક ‘મને એકલીને કહ્યા વગર આમ નાખી ગયા. હવે આ પાંચ બાળકોને કેવી રીતે ઉછેરીશ ?’ (ત્રણ બહેનોનાં લગ્ન તે વખતે થયાં હતા) ઔરંગાબાદથી લાવેલ ડેડબૉડી વધુ સમય ન રાખી શકાય તેથી દસ મિનિટમાં જ બાપુને ઊંચક્યા. મારી પાસે લાવ્યા. બાપુના કપાળે મેં આછો સ્પર્શ કર્યો. તે ક્ષણે યાદ આવ્યું, મિરેજમાં હું વેદનાથી કકળતી હતી ત્યારે મારી યાતના વહેંચી શકાય એમ નથી તેથી ખેદ વ્યક્ત કરીને બાપુએ મારા કપાળે લીધેલ ચુંબન. કેટલીક ક્ષણો પૂરતું એ પ્રેમાળ સ્પર્શે મારી વેદના શમી ગઈ હતી.

બાપુનો દેહ દઈ ગયા. શાંત નિઃસ્તબ્ધ ઘર અધિક જ સ્તબ્ધ થયું. બાપુના મૃત્યુનો તાર અને રેહાનાને મેડિકલમાં ઍડમિશન મળ્યાનો તાર એક જ દિવસે એક કલાકના અંતરે આવ્યો હતો.

બીજા દિવસથી અનેક વાતો સંભળાવા લાગી. બાપુના મૃત્યુની જાણવા મળેલ કહીકત આમ હતી. ઔરંગાબાદ હાજર થતાં જ કામ પૂરું કરવા કચેરી સમય બાદ પણ બાપુ કચેરીમાં રોકાતા હતા. તે દિવસે પણ આ જ પ્રમાણે કામ કરી રહ્યા હતા. તેટલામાં બાપુના કોલ્હાપુરના એક સહકર્મચારી જેમને નોકરીમાંથી ફરજમોકૂફ કરી ઔરંગાબાદ ખસેડ્યા હતા તેમણે પોતાના કેસમાં બાપુને ખોટી સાક્ષી આપવા વિનંતી કરી હતી. પરંતુ મિત્ર માટેય જુઠ્ઠું બોલીને નોકરી સાથે બેઈમાની બાપુને સ્વીકાર્ય ન હતી. તેને કારણે બાપુએ સાચી સાક્ષી આપવાથી તે મિત્રને ફરજમોકૂફ થવું પડ્યું હતું. એ મિત્ર ત્યાં આવ્યા. ચા પીવા જઈએ. બાપુએ ના કહેવા છતાંય આગ્રહપૂર્વક લઈ ગયા. ચા પીને પાછા આવ્યા પછી તે મિત્ર ગયા. બાપુ કામે બેસતાં જ બાપુને ચક્કર આવવા લાગ્યા. ઊલટીની બેચેની થવા લાગી. તરત જ રિક્ષા બોલાવીને બાપુ રૂમ પર ગયા. સિપાહીને ‘લીંબુનું શરબત બનાવ’ કહ્યું. ડાઇનિંગ ટેબલ પાસે બેઠા. શરબતનો એક ઘૂંટડો લીધો અને કાંઈક થઈ રહ્યું છે. ડૉક્ટરને બોલાવવા કહ્યું. સિપાહી બહાર દોડતો ગયો. પાછો આવ્યો ત્યારે બાપુના પ્રાણ જતા રહ્યા હતા. ડૉક્ટરને લઈને બાપુના તે જ મિત્ર (ઔરંગાબાદમાં બાપુના ઓળખીતા ઘણુંખરું બીજા કોઈ ન હતાં) આવ્યા. પોતાની સઘળી વગ વાપરીને બાપુનું પોસ્ટમોર્ટમ ન કરતાં દેહને સહીસલામત કોલ્હાપુર સ્પેશ્યલ ગાડી કરીને લાવ્યા. રસ્તામાં અનેક અડચણોનો સામનો કરતાં અમારા દૂરના સગાંવહાલાં અને ઓળખીતા સર્વ લોકો તે મિત્રના સાહસનાં, મદદ કરવાની વૃત્તિના ગુણગાન ગાઈ રહ્યાં હતાં. મારું મન કહેતું હતું કે આ બધા લોકો ચૂપ શાથી છે ? એકાદ સાદા ડૉક્ટરે હાર્ટએટેકનું સર્ટિફિકેટ આપતાં જ તે સાચું શાથી માનવામાં આવે છે ? પોસ્ટમોર્ટમ કર્યું નહીં એ સ્પષ્ટ ભૂલ છે. હું નાની સોળ વર્ષની. મોટામોટા લોકો સામે મનની શંકા વ્યક્ત કરી બતાવવાનું સાહસ ત્યારે હું કરી શકી. બાપુના હાથમાંની સોસાની અંગૂઠી પણ ગાયબ હતી. તપાસના અંતે એક સિપાહીએ તે સોની પાસે વેચ્યાનું જાણ્યું. બધા પુરાવા હાથમાં હતા પણ બાના શબ્દો આજેય યાદ આવે છે. “આપણા સોના જેવા માણસ ગયા. આ સોનાને લઈને શું કરીશું? એ સિપાહીનાં પત્ની-બાળકોનેય આપણે વિચાર કરવો જોઈએ.” એ સિપાહીએ માફી ન માગતાં જ બાએ તેને માફ કર્યો હતો. આવી માતાનાં અમે બાળકો છીએ એનો ગર્વ અનુભવીએ છીએ.

સંકટની એક પછી એક જે હારમાળા શરૂ થઈ હતી એ વધુ કેટલી લંબાવાની હતી એ નિયતિ જ જાણે ! ર૩ સપ્ટેમ્બર ૧૯૬૭ના રોજ બાપુ જન્નતનશીન થયા. હું પથારીમાં જ હતી. ડિસેમ્બર ૧૯૬૭ના રોજ પહેલો ભૂકંપ આવ્યો. રમજાનનો મહિનો હતો. પરોઢિયે જમવા સહુ ઊઠ્યા હતા. એ ધરતીની અંદરનો પ્રચંડ હાલવું...ઘરબહાર જવાને બદલે સઘળું કુટુંબ એકદમ મારા પલંગ પાસે આવ્યું. બાએ શાંતિથી કહ્યું, “અલ્લાએ આપણી પ્રાર્થના સાંભળી. અલ્લાનું નામ લો !” મેંય હવે આ જીવનથી આપણો છુટકારો થશે એ માટે અલ્લાનો આભાર માન્યો. પણ ગડગડાટ થોભી ગયો. કલાકમાં વળી થોડી ધ્રુજારી આવી.

દિવસ ઊગ્યો. સર્વત્ર એક જ ચર્ચા. કોયનામાં થયેલા એ ભૂકંપને કારણે અનેક પરિવારોની ભીષણ કથા સાંભળવા મળી. મામા ગોવા હતા. સંધ્યાકાળે તરત જ તે કોલ્હાપુર આવ્યા. અમે રાતનો પ્રસંગ મામાને કહ્યો. મામાએ સહુને સમજાવ્યા. પાટીલકાકા પણ આવ્યા. અંદર રહેવાથી મૃત્યુ જ આવશે એની શી ખાતરી ? માત્ર અપંગત્વ જ આવે તો શું કરીએ ? તેને કારણે વર્તમાનપત્રોમાં આપેલી સૂચનાનુસાર ઘરબહાર તાત્કાલિક નીકળી જવું એ બાને સમજાવ્યું. વળી ભૂકંપ આવ્યો ત્યારે રેહાના, બા, અજીજ સહુ મને ઊંચકવા અંદર મારા પલંગ પાસે ! કહ્યું, ‘મને મરવા દો. મને આવનાર અપંગત્વ આવ્યું છે. મને લઈ જવામાં જે સમય પસાર થઈ રહ્યો છે તેમાં તમે અંદર સફાઈ જશો તો...?’ પણ કોઈ સાંભળવા તૈયાર ન હતું. પછી ઘરબહાર નીકળવા સરળતા રહે તેથી મારો પલંગ જ બહારની રૂમમાં લીધો. એક વખત રાતે આઠ વાગ્યાથી આંચકા લાગવા શરૂ થશે એમ જાહેર કર્યા પછી તો મને પહેલા આંચકા વખતે જ બહાર કાઢીને આંગણામાં નીચે જમીન પર ગાદલું પાથરીને ઊંઘાડી. વ્હીલચેર નહોતી જ. ડિસેમ્બરની કડાકાની ટાઢથી સઘળું તરબોળ. માથા પાસે છત્રી ઉઘાડીને રાખેલી. વણઝારા કેવી રીતે ખુલ્લામાં જીવતા હશે તેનો અનુભવ તે દિવસે લીધો. રેહાનારે સહુને એક ફરજ સોંપી હતી. ઘર પડતાં અડવાણા પગે ચાલી શકાશે નહિ તેથી સહુની ચંપલો એક ટોપલામાં ભરીને બહાર લઈ જવાની. એક એક જોડી કપડાં એક બૅગમાં ભરીને તે બૅગ બહાર લઈ જવાની. જમવાની બાકી સામગ્રી, રોટલી, શાકનો ડબો બહાર લઈ જવો. પૈસા બાની કમરે નાના બટવામાં રહેતા.

મારા અને માસીના આ ભૂકંપ સમયે છાતીમાં ખૂબ જ ધબકારા વધી જતા. જમવાનું ઊતરતું ન હતું. મને મરવા ન છોડતાં પોતાની સાથે જિવાડવાના નાદમાં આ સહુ સંકટ વ્હોરી રહ્યા છે એમ લાગતું હતું. એમના પ્રેમનો મને ગુસ્સો આવી રહ્યો હતો. બાએ અમને બન્નેને સમજાવ્યું ‘છે એનો સ્વીકાર કરો. ભૂકંપથી નહિ પણ તમારા આ વિચિત્ર સ્વભાવથી તમે માંદા પડશો અને સંકટમાં વધારો કરશો. અલ્લાનું નામ લો.’ શાંતિ મળી. છતાંય ઊંઘ આવતી ન હતી. જરા આંખ લાગે અને ઉંદર ખટખટ કરે તોય અમે બંને ભૂકંપ આવ્યો કહેતાં. એક વખત મોટો આંચકો આવ્યો. બધાં મને બહાર લઈ ગયાં. ભાઈજાનને ઉઠાડવા લાગ્યા તો “ઊંઘો ! ઉંદર છે.’ કહેતાં જ એવા ભયપૂર્ણ વાતાવરણમાં પણ અમે હસ્યાં અને પછી હળવે હળવે ભૂકંપની ધાસ્તી ઓછી થતી ગઈ.

ઊંઘમાં મને વિચિત્ર સ્વપ્નો આવતાં. હું પૈડાંવાળા પાટિયા પર રસ્તાની ધારે બેઠી છું...લોકો મારા અપંગત્વ તરફ જોઈને મારી આગળ ભીખ નાખી રહ્યા છે...વગેરે. મને ભરપૂર પરસેવો ફૂટતો. ધીમે ધીમે આ સ્વપ્ન આવવું બંધ થયું. હું ચાલી શકતી ન હોવા છતાં આકાશમાં ઊડી રહી છું એવાં સ્વપ્ન આવવાં લાગ્યા. થોડા દિવસો પછી નાનપણથી જોતી આવતી હતી એવાં સ્વપ્નો વળી દેખાવા લાગ્યાં. એક સમુદ્રકિનારે આવેલા વિશાળ મહેલમાં હું ફરી રહી છું. તે મહેલનું પ્રવેશદ્વાર, પગથિયાં, પાછળનાં પગથિયાં, પછીના કાળા ખડક, તેને સ્પર્શ કરતાં સમુદ્રનાં મોજાં, મહેલના ઓરડા, હૉલ હવે સઘળું પૂર્ણ પરિચિત થયું છે. હજુય ક્યારેક ક્યારેક આ મહેલના અને ખીણો, પહાડો પરથી ઊડવાનાં સ્વપ્ન મને દેખાય છે. આ સ્વપ્ન આવવા લાગ્યાં અને હું જાગતાંય પથારીમાં પડ્યાં પડ્યાં દિવાસ્વપ્નો જોવા લાગી અને તેમાં ખોવાઈ જવા લાગી. એ દિવાસ્વપ્નમાં હું કૉલેજમાં જતી હતી. ગેધરિંગના નૃત્યમાં પુરસ્કાર મેળવતી હતી. સઘળી રમતોમાં જીતીને ઇનામ મેળવતી હતી. ક્યારેક ઘરે પૂર્ણ રસોઈ બનાવીને હું બાની શાબાશી મેળવતી તો ક્યારેક કલ્પના કરતી કે મારી વ્હીલચેર આવી છે અને હું તેમાં બેસીને કૉલેજ જાઉં છું. પછી મોટી ઑફિસમાં નોકરી કરું છું. બધા લોકો આદરપૂર્વક મારી સામે જોઈ રહ્યા છે. હું પગારમાંથી ઘરના સર્વેને ખાવાનું, કપડાં લાવું છું... આ દિવાસ્વપ્ન જોતાં લાગતું, આવું ક્યારેય બનશે જ નહિ. આપણે ઘર પર કાયમનો બોજો જ છીએ. પરંતુ આજે પ૦ વર્ષની વયે સમજાયું છે કે ઇચ્છા સેવીને તેની પૂર્ણિ માટે પ્રયત્ન કરીએ તો અશક્ય એ સઘળું શક્ય થતું હોય છે.

નાનો ભાઈ અજીજ નટખટ, જ્યારે મોટો યુસુફ શાંત, અજીજ વયમાં મારાથી નાનો હતો. પણ ઝઘડામાં મારવાને બદલે રેહાનાના વાળ ખેંચતો. તેની શાળામાંથી ક્યારેય ફરિયાદ ઘરે આવતી. બા-બાપુને તેની ખૂબ ચિંતા થતી. પણ મારા અપંગત્વ પછી અને બાપુના મૃત્યુ બાદ અજીજ એકદમ બદલાઈ ગયો. મારા, રેહાના અને ભાઈજાન કરતાં વધુ હિંમતપૂર્વક એ બધાં કામ કરવા લાગ્યો. બાપુ અમને મૂકીને ગયા પછી રેહાનાએ નોકરી સ્વકારી હતી. છતાં એમાં મારા કુટુંબનું પૂરું થતું ન હતું. બાએ મરઘીઓ પાળીને ઈંડાં વેચવાની તૈયારી કરતાં જ અજીજે સાઇકલ પર વાંસડા વગેરે સામગ્રી લાવીને બાની મરઘીઓ માટે ઘર બનાવી આપ્યું. આઠમામાં હતો પણ અભ્યાસ સાથે ઈંડાં, બાએ વાવેલી શાકભાજી અને ટામેટાં વેચીને પૈસા લાવતો હતો.

નાનપણથી માનસિક અપંગત્વે મને ઘેરી લીધી હતી. શારીરિક અપંગત્વ પછી તો આ ગ્રંથિ વધવી જોઈતી હતી. પણ તેમ ન થતાં ઊલટું થયું. આનું કારણ કુટુંબીજનોની બધા સગાવહાલાઓની વર્તણૂક, પ્રોત્સાહન, વ્હીલચેર મારી સંગાથી થયા પછી બા, ભાઈ, સર્વ બહેનો, માસી, સર્વ મામા, મસિયાઈ બહેનો, ભાઈ બધા ખૂબ જ આત્મિયતાથી પ્રેમપૂર્વક મારાં બધાં સારાં-નરસાં કામો કરતાં. કશાની જ સૂગ રાખ્યા વગર મને જુદા જુદા માર્ગ સૂચવતાં. પથારીમાંથી વ્હીલચેર, વ્હીલચેરથી રિક્ષા પ્રત્યે બાબતમાં જાતે પ્રયોગ કરતાં અને મને ‘આમ કરી જો’ કહીને સૂચવતાં.

હું મિરજના દવાખાનામાં હતી ત્યારે અને ત્યાર પછી પણ બેળંબરની કાળકોટડીમાં સારવાર લેતી વખતે વચેટ મામા હારુનખાન સાથે હતા. તેમના વ્યવસાયની-લાકડાની વખાર હતી. તેની પરવા કર્યા વગર તે અમારી સાથે અમારા પરિવાર સાથે હતા. આ મામાનાં લગ્ન માની બે નંબરની બહેન આપાજાન જમીલા સાથે અને મોટા મામાનાં લગ્ન મોટી બહેનજાન સુરૈયા સાથે થયાં હતાં. બા જેટલી જ મારી સેવા આપાજાન હજુય કરે છે. બાપુના મૃત્યુ પછી મને હવાફેર માટે અને સમવયસ્ક મામી રાહીલાની અને મારી ગાઢ મૈત્રી હોવાને કારણે હું કુમઠા મોસાળમાં ગઈ હતી. મારી સેવા બધાય કરતા. પણ આપાજાન અને રાહીલા વધુ કરતાં. મન પ્રફુલ્લિત રાખવા પત્તાં રમવા, સિનેમા જવાનું ચાલુ હતું. (પિક્ચર જોવા જવા માટે ખાસ કોલ્હાપુરથી મારા માટે પૈસા આવતા) મામાનો ધંધો મારી માંદગીના ગાળામાં બંધ પડવાથી આર્થિક ખેંચતાણ હતી. પણ સાંકડી એવી પરિસ્થિતિમાં હસતા મોઢે આવનારા દરેક મહેમાનની મહેમાનગતી અને મારા ખાવાપીવાની વ્યવસ્થા જે પદ્ધતિએ રાખતી તે જોઈ હું અવાક થતી અને અલ્લા પાસે સતત પ્રાર્થના કરતી કે મોસાળની આર્થિક પરિસ્થિતિ સુધારી આપ. મારા સ્વાસ્થ્ય માટે બાફેલા ડાંગરના ચોખાને બદલે સારા ચોખા, બીજાને અપાતું ન હોય ત્યારે ફક્ત મને જ અપાતું દૂધ. આ કારણે હું સંકોચાતી. છ મહિના ત્યાં રાહિલા સાથે વણાટ, ભરતકામ કરવામાં પસાર કર્યા પછી મને કોલ્હાપુરની લગની લાગી. મોસાળમાં રહેતાં કોલ્હાપુરની ખૂબ યાદ આવતી. છતાં હું મન મનાવતી કે મારી માંદગીથી અને બાપુના નિધનથી બા ખૂબ અશક્ય થઈ છે. હું ત્યાં રહીશ તો મને ઊંચકવી, નવરાવવી, મારી ચાદરો ધોવી આ બધાને કારણે બાને ખૂબ તકલીફ થશે. કુમઠામાં પણ મારે કારણે પડતી પૈસાની ખેંચ જોઈ અને હું પણ ખૂબ અસ્વસ્થ થઈ. છાતીમાં સતત ધબકારા વધી જતા અને મરવાની ઇચ્છા થતી. પણ માર્ગ સાંપડતો ન હતો. અસ્વસ્થતા ખૂબ વધી ત્યારે મેં કોલ્હાપુર જવાની ઇચ્છા વ્યક્ત કરી.

બાપુના પૈસા મળતાં સમય ગયો. એ પૈેસામાંથી એક વર્ષે બાએ મને વ્હીલચેર વેચાતી લાવી આપી. રોટરી, લાયન્સ ક્લબે વ્હીલચેર મફત આપવા કહ્યું હતું. એ લેવામાં સ્વાભિમાન આડે આવ્યું હતું. પૂરા પૈસા મોકલીનેય કંપનીમાંથી વ્હીલચેર ન આવવાથી કંપનીને વકીલ દ્વારા નોટિસ મોકલાવી હતી. હું કુમઠા હતી ત્યારે કોલ્હાપુર આવેલી વ્હીલચેર ત્યાં તાત્કાલિક મોકલાવી હતી.

હવે વ્હીલચેરની મદદથી કોલ્હાપુરમાં હું સર્વત્ર ફરી શકવાની હતી, મારી તીવ્ર ઇચ્છાનુસાર મને કુમઠાથી કોલ્હાપુર લઈ જવા માટે બા અને અજીજ કુમઠા આવ્યાં. ટૅક્સી કરવા જેવી સ્થિતિ ન હતી. કોલ્હાપુરથી કુમઠા સાદી એસ.ટી.થી જ આવ્યાં હતાં. વળતાં તે જ રીતે જવાનું હતું. વ્હીલચેર પરથી ઊંચકીને બસમાં બેસાડતા લોકો ટગરટગર જોતા. બધો ઇતિહાસ પૂછતં અને કચકચ કરતાં કહેતા, “આવી નાની ઉંમરમાં તરુણપણે આ શું હાલત ! આખાય ઘરને પીડા ! ગયા જન્મનાં કરેલાં પાપનું ફળ !” આ સઘળું સાંભળવું ન ગમતું. તે દિવસે કુમઠાના ઘરેથી સહુની વિદાય લેતાં સહુની ભીંજાયેલી આંખો જોઈને મારીય આંખો ભરાઈ આવી. આટલો દૂરનો અગિયાર-બાર કલાકનો પ્રવાસ આ આવી અવસ્થામાં કેવી રીતે થશે. આ ભયથીય રિબાતા હતા. સદ્‌ભાગ્યે બેડસોઅર્સ, દઝાયેલ ઘા સુકાઈ ગયા હતા. એસ.ટી.નું અમારું રિઝર્વેશન પણ કર્યું હતું.

આવી પરિસ્થિતિમાં પ્રવાસનો હારુનમામા, અજીજ, બા સહુનો જ બીજો પ્રસંગ હતો. આ હારુનમામાનો જમણો હાથ તેમના નાનપણમાં કાંસકો સળગવાથી દાઝયો છે. હાથને આંગળાં જ નથી. ફક્ત કાંડું છે. પણ તે કારણે તેમને ક્યારેય ક્યાંય તકલીફ ન હતી. મને ઊંચકવાથી માંડી બધા કામો તે કરતા. એસ.ટી. સ્ટૅન્ડ પર હંમેશ જેવી જ ભીડ હતી. ભીડમાંથી માર્ગ કરતં મારી વ્હીલચેર એસ.ટી.ના દરવાજા સુધી લાવ્યા. અજીજ ભીડ હઠાવી રહ્યો હતો અને મામા પોતાના બન્ને હાથથી મને ઊંચકીને અંદર ચડ્યા. અંદર અમારી સીટ પર માણસો બેઠા હતા. તેમને ઊઠવાનું કહેવા છતાં તે લોકો ઊભા થયા નહિ. મામાના હાથ મને લઈને અકડાઈ જવાથી અજીજે પોતાના હાથ પર મને લીધી. મામા કન્નડમાં તે લોકોને મારી પરિસ્થિતિ સમજાવીને વર્ણવી રહ્યા હતા. સાચું તો કહેવાની આવશ્યકતા ન હતી. આટલા નાના અજીજના હાથમાં હું નાનકડા બાળકને બન્ને હાથે લીધું હોય તેમ હતી. તેવામાં વધુ લોકો અંદર ચડીને ધક્કા મારવા લાગ્યા. અજીજના હાથમાં હું સરકીને નીચે પડીશ એમ લાગતાં મામાએ સીટ પર બેઠેલા એક માણસને પકડીને ઉઠાવ્યો અને અજીજને મને એ જગા પર મૂકવા કહ્યું. મામાએ તે માણસને ઉઠાવતાં જ પંચ-છ માણસો અક્ષરશઃ મામા પર તૂટી પડ્યા. એકીસાથે એટલા માણસો મામાને મારતા હતા. મામાના ચહેરા પર લોહી દેખાવા લાગ્યું. માણસમાંના આ ભયાનક અમાનુષપણાનાં દર્શન અવાક કરનારા, વિશ્વાસ ન બેસે તેવાં હતાં. આ સઘળું કેવળ મારા કારણે, મારા અપંગત્વને કારણે હતું. અજીજ મામાને બચાવવાનો પ્રયત્ન કરતો હતો. ઝઘડો અટકતો ન હતો. અંતે કંડક્ટર બસ પોલીસ સ્ટેશને લઈ ગયો. ત્યાં અમારી બેઠકો અમને આપી. બસ ચાલુ થઈ. પહેલાથી લાંબો એવો પ્રવાસ આ પ્રસંગને કારણે કલાક-દોઢ કલાક પસાર થવાને કારણે અધિક લંબાયો. અન્યથા આવું બની શકે એ વાતે મેં વિશ્વાસ પણ રાખ્યો ન હતો. માણસ તરીકે જન્મ્યા છતાં માણસ આવી માણસાઈ છોડીને વર્તી શકે એનો પ્રત્યક્ષ મેળવેલ એ અનુભવ હતો. હું રડી નહિ પણ મનોમન નિશ્ચય કર્યો કે હવે પછી પ્રવાસની ઇચ્છા રાખવી નહીં. આપણા કારણે ઘરનાઓને સંકટમાં નાખવા નહિ.

અંતે અમે કોલ્હાપુર પહોંચ્યા.

કોલ્હાપુર આવ્યા પછી ભાઈ-ભાંડુઓ શાળા-કૉલેજ, ઘરકામમાં પરોવાઈ ગયાં. મને એકલીને જ ખૂબ કંટાળો આવતો. વાર્તાનાં પુસ્તકો વાંચી વાંચીને કેટલાં વાંચું ! રેડિયો કેટલો સાંભળીયે ! એક દિવસ ઉષા ઢફળે અને શકુ રુપે આમ જ હું એકલી હતી ત્યારે આવ્યાં અને ગપ્પામાં સમય ક્યાં પસાર થયો ખબર જ ન પડી. જતી વખતે ઉષાએ કહ્યું, “નસીમ ! તારા મારા કૉલેજના પહેલા દિવસે થયેલા ઝઘડાને કારણે તારી માંદગી બાદ હું અનેક વાર તારા દરવાજા સુધી આવીને પાછી ગઈ. તને થયું હશે કે હું તને ચીડવવા આવી. પણ તને મળ્યા વગર એમ જ જવાથી હું ખૂબ અસ્વસ્થ થઈ હતી. આજે તું હસીને બોલી. ખૂબ સારું લાગ્યું. હું રોજ આવું તો ચાલશે કે ?” સાચ્ચે જ તેની કૉલેજ પૂર્ણ થઈને લગ્ન થતાં સુધી રોજ સાંજે એ મારી પાસે આવતી. તેની સાથે શકુ, અરુણા, હેમા, અલકા એમ અન્ય બહેનપણીઓ પણ આવવા લાગી. રોજ સાંજ ક્યારે વીતી જતી ખબર ન પડતી. હળવે હળવે રાતે આઠ સુધી બેઠક જામવા લાગી. તે મને વાર્તાઓનાં પુસ્તકો લાવી આપતાં. કૉલેજની રોજની હકીકત જણાવતાં. હું કૉલેજ જતી નથી તેથી મને દુઃખ પહોંચશે એમ ક્યારેય તેમને લાગ્યું ન હતું.

ક્યારેક ક્યારે આપણે આપણી ભૂલભરી કલ્પનાને કારણે અજુગતું વર્તન કરીએ છીએ. ગેરસમજ થતી રહે છે. બાપુના મૃત્યુ પછી ક્યારેય કોઈ બાપુનો વિષય કાઢતું ન હતું. બાપુને ગમતી વાનગી હોય તોય બધાંય ચૂપચાપ ખાતાં. મનમાં બધાં ઉદાસ રહેતાં. પણ એકબીજાની સામે કોઈ બોલતું ન હતું. એક વખત હું અને બા બન્ને ઘરમાં જ હતાં. મેં રાતે આવેલું સ્વપ્ન બાને કહ્યું. સ્વપ્નમાં બાપુ જીવતા હતા. કોઈક બાપુને ઉઠાવી ગયું હતું અને ખૂબ વર્ષો બાદ છુટકારો મેળવીને બાપુ ઘરે આવ્યા હતાં. એ અમારું ઘર જંગલમાં હતું. આજેય તે ઘર મને ક્યારેક ક્યારેક સ્વપ્નમાં દેખાય છે. પણ તે વખતે સ્વપ્નમાં બાપુના આગમનથી ઘરમાં સર્વત્ર આનંદ આનંદ છવાઈ ગયો હતો. પિતા ગયા પછી ઘણા મહિના સુધી બાએ રસોડામાં પગ મૂક્યો ન હતો. પણ એ સ્વપ્નમાં બા ઉત્સાહપૂર્વક રસોઈ તૈયાર કરતી હતી.

મેં સ્વપ્ન કહેતાં જ બાએ કહ્યું, “મને આશ્ચર્ય થાય છે કે તમને તમારા બાપુની ભૂલથીય યાદ કેમ આવતી નથી ? એકેયના મોઢે ક્યારેય તમારા પિતાનો ઉચ્ચાર સાંભરણ નીકળતાં નથી.” મેં બાને કહ્યું, “અમને સતત પ્રત્યેક ક્ષણે બાપુ સાંભરે છે પણ અમે તને દુઃખ થાય એટલે તારી ગેરહાજરીમાં બાપુ વિશે વાતો કરીએ છીએ.” મારા મનમાં બાપુના મૃત્યુ વિશેની ‘બાપુનું મૃત્યુ મને કુદરતી લાગતું ન હોવાની’ શંકા મેં તે દિવસે વ્યક્ત કરી.

બાપુની નોકરી વિશે અહીં થોડું સવિસ્તાર જણાવવું આવશ્યક છે. બાપુ સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ કસ્ટમમાં હોવાથી સ્મગલિંગનો માલ પકડવાની તેમની ફરજ હતી. કોલ્હાપુર આવ્યા પછી ઘણા કેસો બાપુએ કર્યાં.

એ દિવાળીના દિવસ હતા. સર્વત્ર ફટાકડા ગાજી રહ્યા હતા. અમે વરંડામાં ગપ્પાં મારતાં બેઠાં હતાં. સાંજ પૂરી થઈને હમણાં જ રાત પડી હતી. અચાનક ઘર પર મોટા મોટા પથ્થર પડવા લાગ્યા. ઉઘાડા દરવાજા અમે બંધ કરી દીધા અને અંદરની રૂમમાં જતાં રહ્યાં. તો કેટલીક વાર સુધી એ રૂમ પર પણ પથ્થર પડ્યા. બાપુ ઑફિસેથી પાછા આવ્યા ન હતા. થોડી વારે બાપુ આવ્યા. તેમને થયેલ ઘટના વર્ણવી. આ ઘટના એટલી નવી હતી કે ભયને કારણે અમારી ભૂખ પણ જતી રહી. પણ રસોઈ બની ગયેલી. તેને કારણે સહુ જમવા બેઠાં. તો વળી રસોડા પરના નળિયા પર પથ્થરનો મારો થયો. થાળી પરથી ઊભા થઈ બાપુ બહાર જવા લાગ્યા. પણ અમે જવા દીધા નહિ. રાત્રે ઊંઘતી વખતે વળી એક વખત પથ્થરમારો થયો. સમગ્ર પરિવાર એક ઓરડામાં ગભરાઈને ભેગો થયો હતો. પરીક્ષા નજીક આવી હતી. અભ્યાસ કરવાનો હતો. પણ મન ભયભીત હોવાથી કોઈ જ અભ્યાસ કરી શક્યું નહિ. રાત્રે મોડેથી ઊંઘ આવી.

બીજા દિવસથી ઑફિસના સિપાહી સંધ્યાકાળથી સંતાઈને પહેરો કરવા લાગ્યા. આઠ દિવસ કાંઈ બન્યું નહિ. પહેરો જરા ઢીલો પડ્યો અને વળી ઘર પર પથ્થર આવવા લાગ્યા. એટલે કોઈક બીજા બિલ્ડિંગ પરથી કે ઝાડ પરથી ગોફણ દ્વારા નાખતા હશે. બારીને છાપરું હતું એટલે પાસે આવીને નાખ્યા સિવાય બારીમાંથી નાના પથ્થર અંદર આવવા શક્ય ન હતા. વળી પહેરો કડક કર્યો. એક રાતે બાપુ મોડા આવીને ઊંઘ્યા હતા. પરોઢિયે હું તે જ રૂમમાં બાપુના પલંગ તરફ પીઠ કરીને ટેબલ પર અભ્યાસ કરતી બેઠી હતી. બાપુના પલંગ પાસે બારી હતી. પલંગને મચ્છરદાની હતી. ટેબલ પર પડછાયો પડ્યા જેવું દેખાવાથી હું પાછી વળી. તો એક માણસ બારી પાસે ઊભેલો દેખાયો. હું બાપુની ઊંઘ ઊડી જશે તેથી કોઈને હાક મારવી કે નહિ એ વિચારમાં ખુરશી પરથી હળવેથી ઊઠતી હતી ત્યારે બારીમાંથી પથ્થર અંદર આવ્યા. બાપુય ઊઠ્યા. હું પાછળના દરવાજેથી એ માણસને પકડવા માટે દોડી. પણ હું ત્યાં જતા સુધીમાં એ વચ્ચેનું મેદાન અને રસ્તો ઓળંગીને અદૃશ્ય થયો હતો. તે વખતે મારી પીઠના દુખાવા પર રોજ ઇન્જેક્શન ચાલુ હતાં. સિવિલ હૉસ્પિટલમાં જઈને હું ઇન્જેક્શન લેતી હતી. બાપુના ઑફિસના સિપાહી સાથે હું જતી હતી. તે દિવસે પણ જતી વખતે અમારી શાળાના મેદાન પાસે બાપુની બારી પાસે જોયેલા માણસ જેવો જ બિલકુલ તેવો જ એક માણસ પીઠ દેખાય એ રીતે જતો દેખાતા જ મેં એ સિપાહીને કહ્યું કે આ જ તે માણસ હોવો જોઈએ. એના હાથમાં કુહાડી હતી. પાછા વળતાં પણ તે જ જગાએ એ માણસને ઘૂમરાતો જોઈને મેં તે સિપાહીને ‘ઝડપથી ઘરે જઈને બાપુને આ કહીશું’ કહેતાં જ સિપાહી એટલું વિચિત્ર વર્ત્યો. તેણે સીધા તે માણસને મારા મનની શંકા જણાવી. તે સાંભળી પેલાએ હસીને કાંઈક કહ્યું અને હું બાપુ સુધી પહોંચતા પહેલાં ઝડપભેર ડગલા નાખતાં નીકળી ગયો.

વળી એક વખત બારીમાંથી રાત વેળાએ આવા જ પથ્થર આવ્યા. ત્યારે ઝાડવાંઓમાં સંતાઈ રહેલા સિપાહી અને ઈતર બધા લોકોએ તે માણસને પકડવાનો પ્રયત્ન કર્યો. પણ એ નાસી ગયો. હાથ આવ્યો નહિ. આ માટે બાએ અને બહેનોએ સંતોષ વ્યક્ત કર્યો. કારણ તેને સહુએ ખૂબ માર્યો હતો. બિચારો પૈસા માટે કોઈકના કહેવાને કારણે પોતાનાં છૈયાંછોકરાં માટે આ કામ કરતો હશે એવું અમારું અનુમાન હતું.

આ આવા સંકટના પ્રસંગોમાંથી આપણું વ્યક્તિત્વ ઘડાતું હશે. કારણ સંકટો આવે છતાંય ડગમગ્યા વગર, શાંત ચિત્તે તેમાંથી માર્ગ કેવી રીતે કાઢવો એની તાલીમ તેમાંથી આપણને મળતી હોય છે. આજે સંસ્થા ચલાવતાં અનેક સંકટ આવે છે. મારી આજુબાજુના કેટલા લોકો ભયથી બેબાકળા થઈ જાય છે. પણ મને ક્યારેય કશાયનો ભય લાગતો નથી. ઊલટું આ સંકટને કારણે જીવનમાં એક પાઠ શીખવા મળે છે. સંકટ એટલે શિક્ષક અને સંકટ પછી આપણે પ્રગતી કરીશું એ દૃઢ વિશ્વાસ. આને કારણે મન જરાય વિચલિત થતું નથી. એ જ સાથે સઘળું કરનાર દેવ તે માર્ગ બતાવશે અને યોગ્ય એ જ અંતે કરાવશે એ શ્રદ્ધાય હોય છે.

બાપુ ગયા ત્યારથી તે હંમેશાં અમને કહેતા તે યાદ આવતું. ‘ખુદી કો કર બુલંદ ઇતના કી ખુદા બંદે સે પૂછે બોલ તેરી રજા ક્યા હૈ ?’

(પોતાને એટલા સામર્થ્યવાન બનાવો કે ભગવાન પોતે ભક્તને પૂછે, કહે, તારે શું જોઈએ છે ?) ઇચ્છા ખૂબ હતી. પોતાને સામર્થ્યવાન બનાવવાની. પણ માર્ગ સાંપડતો ન હતો. કુમઠાથી કોલ્હાપુર પાછા આવ્યા પછી રાત્રે અગિયાર સુધી આકાશના ચંદ્ર-તારા જોતા હવે શું એ વિચાર કરતી રહેતી. તે વખતે અરુણાના પિતા મારા પિતા બન્યા. તેમણે મને તેમની ગાડીમાં ફરવા લઈ જવી, બહાર ખવડાવવાનું શરૂ કર્યું. બહેનપણી, ભાઈ, બહેન સિનેમામાં, બગીચામાં લઈ જવા લાગ્યાં. સૂર્યપ્રકાશ, પવન, ભીડમાં કેટલું સુખ હોય છે એ એક વર્ષ રાતદિવસ પથારીમાં પડી રહી છતના વાંસા ગણ્યા પછી જ સમજી શકી.

એ ૧૯૭૦નું વર્ષ હતું. અરુણાના પિતાએ એક દિવસ મારી મુલાકાત બાબુકાકા દીવાન સાથે કરાવી. તે અંધ રમાકાકીને ઘેર મને લઈ ગયા. લાલ વિદેશી ગાડીમાં બાબુકાકા આવ્યા. ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા. ગાડી ઊભી રહી અને નાનકડી વ્હીલચેર કાઢવામાં આવી. પ્રસન્નપણે હસતાં બાબુકાકા એ વ્હીલચેર પર મારા સુધી આવ્યા. તે શું બોલ્યા તે કાંઈ યાદ આવતું નથી. પણ વ્હીલચેર પરનો માણસ આટલી મોકળાશથી મુક્ત મને હસી શકે, મોટા કારખાનાની વાતો, વિમાન દ્વારા પ્રવાસ, સર્વ કલ્પનાઓ સામા છેડાની હતી. ‘ખુદી કો કર બુલંદ ઇતના’માંનો ‘બુલંદ માણસ’ મને મળ્યો હતો. મારે અભ્યાસ કઈ રીતે પૂરો કરવો. રમતની સ્પર્ધાઓમાં ભાગ લેવો. પોતે સ્વાવલંબી બનીને કોલ્હાપુરના અન્ય અપંગો માટે કાંઈક કાર્ય કરવાની કેટલી આવશ્યકતા છે એ તેઓ કહેતા હતા. એ દિવસ કયો હતો યાદ નથી, પણ તે દિવસ મારા અપંગત્વને સામર્થ્ય મળ્યા જેવું લાગ્યું. કેટલોક સમય તો હું વ્હીલચેરમાં છું એ જ ભૂલી ગઈ હતી. એ જ વર્ષે મેં અભ્યાસની શરૂઆત કરી. બાબુકાકાના જીવન પર લખાયેલી ‘માણૂસમોઠા જિદ્દીચા’ નવલકથા વાંચી. તે વખતે હું પ્રભાવિત થઈ હતી, એ મા. વડાપ્રધાન પંડિત જવાહરલહલ નહેરુ સાથેના બાબુકાકાના ફોટોને જોઈને અને વડાપ્રધાન તરફથી તેમને મળેલ તેમના હસ્તાક્ષરમાં શુભેચ્છા જોઈને.

રેહાનાએ કોઈનુંય ન સાંભળતાં કૉલેજ છોડીને શોર્ટહેન્ડ ટાઇપિંગ કર્યું અને નોકરી માટે લેખિત પરીક્ષા આપી. ઇન્કમટેક્ષ અને સેન્ટ્રલ એક્સાઇઝ કૉલ એકીસાથે આવ્યા. દીકરીને નોકરીએ ગોઠવીને તેની કમાણી ખાઈશ નહિ એ બાની હઠ. પણ પરિસ્થિતિ, મામા અને પાટીલકાકાને કારણે બાએ નમતું જોખ્યુું. રેહાનાએ નોકરી સાથે બી.એ.નો અભ્યાસ કરીને પરીક્ષા આપી. એ સારા માર્ક્સે પાસ થઈ. મારા કાંઈ પણ બોલ્યા વગર તેણે મારીય ભણવાની ઇચ્છા છે એ જાણી ગઈ અને યુનિવર્સિટીને મારી તરફથી પત્ર મોકલાવ્યો. યુનિવર્સિટીમાંથી જવાબ આવ્યો વિવાહિત, નોકરી કરનાર અથવા મહારાષ્ટ્ર બહારના વિદ્યાર્થીઓ જ બહારના વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી શકે. કૉલેજમાં જઈને પરીક્ષા આપવી અશક્ય અને બહારના તરીકે નકાર. ખૂબ દુઃખ થયું.

બાબુકાકાને આ શિક્ષણની મુશ્કેલી જણાવતાં જે તેમણે ગોખલે કૉલેજના પ્રિન્સિપાલ એમ.આર. દેસાઈને મળવાની સલાહ આપી. એમ.આર.ની દીકરી લીના મારી વર્ગમિત્ર. તેને અરુણાએ સંદેશો પાઠવતાં જ એમ.આર. પોતે અમારા ઘેર આવ્યા. અજીજને સાથે લઈને તે જ દિવસે બુક બેન્કમાંથી પુસ્તકો મોકલાવ્યાં. દિવાળીમાં બાબુકાકા મળ્યા. ત્યાર પછી ૧પ-ર૦ દિવસમાં એમ.આર. મળ્યા. પરીક્ષાને અઢી મહિના રહ્યા હતા. ત્રણ વર્ષનો ગેપ અને એમ.આર. કહેતા હતા. જૂનથી તારી હાજરી કૉલેજમાં નોંધી છે. બરાબર અભ્યાસ કર. ખાતરી ન હતી. પણ અભ્યાસમાં પરોવાઈ. પુસ્તક વાંચવાં નોટ્‌સ તૈયાર કરવી અને તે વાંચવી. રાતે અંધારામાં આંગણે બેસવાનું ઓછું થયું. ઊંઘ આવવા લાગી.

પરીક્ષામાં જતી વખતે મનમાં અનહદ ધાસ્તી. રાત્રે સ્વપ્ન આવતાં હું ટૅક્સીમાં ગઈ એન વ્હીલચેર ઘરે જ રહી. પરીક્ષામાં જતી વખતે સાથે અજીજ, બહેનપણી, બહેન સાથે આવતાં ટૅક્સીમાં બે-ત્રણ વખત તો હું પૂછી લેતી. ડિકીમાં વ્હીલચેર છે ને ? મારો નંબર કેટલાક પેપર્સ માટે નવી રાજારામ કૉલેજના ભોંય તળિયે હતો. જ્યારે કેટલાક પેપરમાં ઉપર હતો.

પેપર શરૂ થયા પછી હું લખવામાં મગ્ન હોઉં ત્યારે પરીક્ષક વ્હીલચેર જોઈને મારી પાસે આવતા અને મને વૈયક્તિક પ્રશ્ન પૂછતાં. ‘ક્યારે થયું ? કેમ થયું ?’ પ્રશ્ન અંગે મારી ફરિયાદ ન હતી પણ ખોટા સમયે તે પૂછતા હતા. અંતે ત્રીજા પેપરમાં કંટાળીને મેં કહ્યું, “કૃપા કરીને પેપર પૂરું થયા પછી મારી સઘળી હકીકત જણાવીશ તો ચાલશે કે ?”

એક પરીક્ષકે તો મને સ્ટાફરૂમમાં બેસીને પેપર લખવા જણાવ્યું. પણ ત્યારે મન પર પ્રચંડ દબાણ આવ્યું હતું. કૉલેજના સ્ટાફરૂમમાં પેપર લખતી વખતે પરીક્ષા તો આપી પણ સફળતાની ખાતરી ન હતી. પણ સદ્‌ભાગ્યે ઇંગ્લિશ સહિત બધા જ વિષયોમાં હું પાસ થઈ. બાબુકાકાનો શાબાશીનો પત્ર, સગાવહાલા, બહેનપણીઓએ આપેલ અભિનંદન. તેને કારણે ઉત્સાહ વધ્યો અને બીજા વર્ષનો અભ્યાસ વર્ષભરમાં શાંતિથી કર્યો. તે વર્ષે ગોખલે કૉલેજમાં નંબર આવ્યો. ક્યારેય ન જોયેલી એ મારી કૉલેજ હતી. એમ.આર. અને અન્ય પ્રાધ્યાપકોએ આવીને ચોકસાઈ કરી. વચ્ચેની રિસેસમાં ચા, ખાવાનું એવાં એવાં લાડ કરાવ્યાં. બી.એ.માં ઓનર્સ મળ્યો અને ખૂબ આનંદ થયો. અન્ય ભાઈભાંડુઓની જેમ પદવીદાનનો ગાઉન પહેરીને ફોટો પડાવવાની ઇચ્છા હતી પણ કહેવામાં સંકોચ અનુભવ્યો. પદવીદાન સમારંભમાં પણ કેટલાક કારણોસર ગઈ નહિ.

એક વખત બા ગામ ગઈ હતી. મારાથી દોઢ વર્ષ મોટી એવી રેહાના નોકરી, રસોઈ અને મને નવરાવવા વગેરે કામો કરતી હતી. નાનો ભાઈ અજીજ વાસણો ઉટકવા વગેરે કામમાં મદદ કરતો હતો. મારા કરતાં આઠ વર્ષ નાની સહુથી નાની બહેન કૌસર વાળઝૂડ, પથારી પાથરવી વગેરે કામો કરતી હતી. હું એકલી જ બેસી રહેતી અને પોતાને અપરાધી માનતી. કારણ સહુથી વધુ નવરાશનો સમય મારી જ પાસે હતો. અજીજને મેં “મનેય કામ કરવાની ઇચ્છા થાય છે. રસોઈ બનાવવાની ઇચ્છા થાય છે.” એમ કહ્યું. એ તરત જ મારી વ્હીલચેર રસોડામાં લઈ આવ્યો. રેહાના ઑફિસેથી આવતાં પહેલાં તેણે આપેલ સામગ્રી ઓછી ઊંચાઈવાળા સ્ટૂલ પર મૂકી આપેલા સ્ટવની સહાયતા મેં વ્હીલચેર પરથી પહેલાં પૌઆ બનાવ્યા. બધાએ ખૂબ સરસ કહીને ખાધા. બીજા જ દિવસે અજીજ, રેહાના, કૌસરે મળીને રસોડાની સંપૂર્ણ રચના જ બદલી નાખી. પ્રત્યેક ડબ્બો, ભીંતર પરની, રેક પરથી સામગ્રી મારા હાથમાં આવે એવી ઊંચાઈ પર ગોઠવી અને હું રોટલી, શાક, દાળ, ભાત કરવા લાગી. આ બધું કરતી વખતે ભાઈ-ભાંડુઓના કામનો ભાર હળવો કરવામાં મળતો આનંદ કોઈ નિરાળો જ હતો. હું વાસણોય ઘસવા લાગી.

હમણાં જ ઘરે બેસીને બી.એ.ની પરીક્ષા આપી હતી અને ‘સ્વરાજ્ય’માં ‘રજાનો ઉપક્રમ લેખન’ સ્પર્ધા વિશે વાંચ્યું. મારા આ રસોડાના અનુભવ, આનંદ મેં લખીને મોકલાવ્યા અને કેવું આશ્ચર્ય. એક દિવસ માોર પ્રસિદ્ધ થયેલો લેખ લઈને રેહાના ઘરે આવી અને સહુએ તે ખુશાલી આમ જ ગરમા ગરમ વાનગીઓ બનાવીને ખાઈને ઊજવી.

નાની કૌસર તરફ બાપુના નિધન બાદ સહુએ દુર્લક્ષ્ય સેવ્યું. પ્રત્યેક જણ પોતાના દુઃખમાં ગરકાવ અને સહુનો ગુસ્સો તેની એકલી પર નીકળતો. તેને કારણે હસતી, બોલકી કૌશી એકદમ મૂક-ગંભીર બની. તેની શાળાની એક શિક્ષિકાએ એક વાર તેના વિશે આવીને કહ્યા પછી સહુની આંખો ઊઘડી. કૌસરને સ્કૉલરશિપના પૈસા મળ્યા હતા. તેમાંથી લાલ ફ્રોક વેચાતું લાવવા તે તેણે રાખી મૂક્યા હતા. પણ બા ગામે ગઈ હતી. અને ઘરે અચાનક મહેમાન આવ્યા. કોઈની જ પાસે પૈસા ન હતા. અંતે કૌસરની સ્કૉલરશિપના પૈસાથી મહેમાનોની મહેમાનગતી કરી. કૌસરે હસતાં પૈસા આપ્યા. પણ બા આવ્યા પછી બાએ તેના દફતરમાં લાલ ફ્રોક પર તેણે લખેલી કવિતા મળી. રેહાનાનો પગાર થતાં જ રેહાનાએ પ્રથમ તેને લાલ ફ્રોક લાવી આપી ચકિત કરી.

કુટુંબીજનોના પ્રેમાળ સહકારને પરિણામે ઘરના મશીનને હાથેથી ફેરવી શકાય એવું હૅન્ડલ બેસાડવામાં આવ્યું અને દિવસમાં ખાસ્સો સમય હું મશીન પર બેસવા લાગી. ભાઈ નોકરી માટે પરદેશ ગયા પછી આ જ મશીન પર મોટર બેસાડી. આ ત્રીસ વર્ષમાં સુખ-દુઃખના અનેક પ્રસંગ આવ્યા. પણ હિંમત ગુમાવવાને બદલે ખંતમાં વધારો થતો ગયો.

બાબુકાકા દર બે વર્ષે કોલ્હાપુર પોતાના જન્મસ્થળે આવતા. સર્વ ઓળખીતા અપંગ વ્યક્તિઓને એકઠા કરતા. તેમને અપંગ પુનર્વસનનું કાર્ય શરૂ કરવા કહેતા. તેમની સાથે તેમની હેન્ડ કંટ્રોલ ગાડીમાં ફરતાં તેમનું ભાષણ સાંભળતાં મન રોમાંચિત થઈ જતું. અત્યંત આનંદમાં તે દિવસો જતા. ત્યાં સુધી અન્ય અપંગોના સુખ-દુઃખનો વિચાર મનમાં ક્યારેય આવ્યો ન હતો. બાબુકાકાનું ભાષણ સાંભળતાં ધ્યાને આવ્યું કે આપણા ગામમાં, મહારાષ્ટ્રમાં, ભારતમાં અસંખ્ય અપંગ આપણાથીય ખરાબ હાલતમાં જીવી રહ્યા છે. તેમને માટે આપણે બાબુકાકા જેમ કાર્ય કરવું એવો મેં નિશ્ચય કર્યો. ઈ.સ. ૧૯૭રમાં તે હતા ત્યારે એક સંસ્થાની સ્થાપના કરી. નામ પણ બાબુકાકાએ સૂચવેલ રાખ્યું. ‘અપંગ પુનર્વસન સંસ્થા.’ આ સંસ્થાનું કાર્ય ચાલુ કરતાં પહેલાં બાબુકાકાએ બેંગ્લોરમાં તેમની સંસ્થા જોવા બોલાવી. જવા-આવવાનો ખર્ચ શ્રી દત્તા બાળે આપ્યો.

બાબુકાકા મળ્યા તે પહેલાં હું ઘરબહાર નીકળતી વખતે શરીર નીચે બેડશીટની ઘડીઓ ગોઠવતી. પછી તેમાં સુધારો કરીને ચોરસ ઓશીકાનો આકાર સીવીને તેમાં બે બેડશીટ અને બન્ને વચ્ચે પ્લાસ્ટિક મૂકવા લાગી. એક બાજુ ભીંજાયા પછી બીજી બાજુથી રાખવાનું. આવી અવસ્થામાં કોલ્હાપુર-બેંગ્લોર જેટલો દૂરનો પ્રવાસ શી રીતે કરવો એ પ્રશ્ન જાગ્યો. પછી સાદું કેથેટર બેસાડ્યું. પણ રસ્તામાં રેલવેમાં જ કેથેટર નીકળી ગયું. સાથે માસી રાહીલા અને અજીજ હતાં. તેમણે હિંમત આપી. બેંગ્લોરમાં બાબુકાકા માર્ગ બતાવશે એ આશાએ હિંમત ટકી રહી. પેટ સાફ થવા માટેય મને ગોળીઓ અને તેનીય અસર થતી ન હોવાથી એનિમા લેવું પડતું.

એનિમાના રિએક્શનથી મોટીમોટી ગાંઠો આખાય શરીરમાં ઊપસી આવતી. તે માટેય બે વખત દવાખાને લઈ જવી પડી હતી.

બેંગ્લોરમાં બાબુકાકા પોતાની દીકરીની કાળજી સેવે તે રીતે તાત્કાલિક દવાખાને લઈ ગયા અને નવા પ્રકારનું ‘ફૉલીસ કૅથેટર’ બેસાડ્યું. (૧૯૭ર) અને જાદુઈ છડી ફેરવી હોય એમ મારાં કપડાં ભીંજાવાં બંધ થયાં. મન એટલું આનંદથી ખીલી ઊઠ્યું કે મેં ત્યાંની અપંગ રમતસ્પર્ધામાં ભાગ લીધો અને ચેમ્પિયન બની. શાળા-કૉલેજ વખતની રમતો અને નૃત્યમાં થયેલા અનુભવો વિશે ૧૯૬૭ પછી પહેલી વાર મેં અનેક સ્થળેથી આવેલ મારી અપંગ બહેનપણીઓને જણાવ્યું. અન્યથા હું ચાલતી હોઉં ત્યારે મારા નૃત્યનો, રમતનો કોઈ ઉલ્લેખ કરે તોય મારી આંખો ભરાઈ આવતી.

૧૯૭ર-૭૩માં થયેલ આ રમત હરીફાઈના મેદાન પર એક વાત જોવા મળી તે એ કે મારા જેવી સ્પર્શજ્ઞાન ગુમાવેલ, પેશાબ-સંડાસનો ત્રાસ અનુભવતી કોઈ સ્ત્રી તેમાં ન હતી. હા, મારા જેવી સ્થિતિવાળા આર્મીના અનેક જવાન હતા. પછી ૧૯૯૬માં મુંબઈમાં પૅરાપ્લેજિક સ્ત્રીએ કેમ જીવવું એ અંગે મારું ભાષણ રાખીશું એમ ત્યાંના સંચાલકોએ કહેતાં મેં તરત જ હા પાડી. પણ જેમને શીખવવાના હતા તેમની સંખ્યા ગણવા કહ્યું તો સર્વેને પોલિયો થયો હતો. સ્પર્શજ્ઞાન ગુમાવનાર મારા જેવી એક પણ વ્યક્તિએ પોતાનું ઘર, ગામ મૂકીને રમતસ્પર્ધાનો આનંદ મેળવવા સાહસ દાખવ્યું ન હતું. એનું કારણ એક જ, અપર્યાપ્ત પ્રશિક્ષણ અને સમાજમાં ફરવાનો ભય ! આ લખવાનું કારણ એ છે કે ર૬ વર્ષ પૂર્વે પૅરાપ્લેજિક

સ્ત્રીનો જેમ ઘરની ચાર દીવાલોમાં જ અંત આવતો હતો તેવો જ તે આજેય છે અને આ પરિસ્થિતિ બદલાવી જોઈએ.

આ લખતી વખતે ન ભણેલી, જખમોથી ભરેલી અને પથારી ખરાબ થાય છે તેથી લાકડાના દીવાન પર કોથળા પર સૂઈને ક્રોશના રૂમાલ વણનારી અશિક્ષિત વનિતા માળી અને પદવીધારી હોવા છતાં ગામડામાં જમીન પર કોથળા પર ઊંઘનારી સુશીલા નજર સામે આવે છે. બન્નેને અહીં કોલ્હાપુરમાં લાવીને મારી જેમ સ્વવાલંબી બનાવવાના પ્રયત્ન કર્યા. પણ બેઉના પાલકોએ સાથ આપ્યો નહિ.

બેંગ્લોરમાં બાબુકાકાના સહવાસમાં બાર દિવસ-રાત રહી. તેમનું સાચા અર્થમાં જીવવું નજીકથી જોયું અને મારું જીવન બદલાઈ ગયું. બાબુકાકા જેટલો પ્રેમ, ભક્તિ, માયા હું કોઈની પર કરી શકી નથી. આજેય મને બાબુકાકા સહુથી પ્રિય છે. તેમણે મને ડાબા હાથે સર્જિકલ હેન્ડગ્લોવ્ઝ પહેરીને પોતાનું પેટ કેવી રીતે સાફ કરવું એ જણાવ્યું. શરૂઆતમાં મને ખૂબ તકલીફ પડી. આપણને આ ફાવશે જ નહિ એમ લાગ્યું. પણ હળવે હળવે ફાવવા લાગ્યું અને જેને કારણે મૃત્યુ ઝંખતી હતી એ ત્રાસ નહીંવત્‌ થયો. રોજ સવારે ઊઠતં ઊઠતાં પેટ સાફ થવા લાગ્યું. દિવસભર ક્યાંય જતી વખતે, કામ કરતી વખતે કપડાં ખરાબ થવાની ભીતિ લાગતી તે દૂર થઈ. કામમાં, અભ્યાસમાં મન એકાગ્ર થવા લાગ્યું. બેંગ્લોરથી પાછા વળતા બાબુકાકાએ સુંદર સાડી આપી. સ્ટેશન પર મૂકવા તે આવ્યા ત્યારે તેમની ભીંજાયેલી આંખો જોઈ મને થયું કેટાલ એકલા છે બાબુકાકા ! આપણે તેમની દીકરી થઈને તેમની પાસે રહીને તેમને સરસ ખવરાવવું-પિવરાવવું. બીજાઓ માટે તે પરોઢિયાથી રાત્રિના મોડા સુધી કામ કરે છે. બહારથી લાવેલો ડબો ખાય છે. અમે હતા ત્યારે અમારી રૂમમાં જ નાસ્તો બનાવતા હતા. તેમની રૂમ પાસે જ વર્કશોપને અડીને અમને રૂમ આપી હતી. બાબુકાકાની ઑફિસ, વર્કશોપ જોઈ મને લાગ્યું અમને આવું કાર્ય કોલ્હાપુરમાં કરવા બાબુકાકા કહી રહ્યા છે પણ આપણી આટલી યોગ્યતા ક્યાં છે ?

બાબુકાકાએ સર્વ અડચણોને માત કરીને કેમ જીવવું એ જેમ મને શીખવ્યું તેમ જે હૉસ્પિટલમાં ડિસ્ચાર્જ લઈને પેશન્ટ બહાર નીકળે છે ત્યાં કેમ શીખવવામાં આવતું નથી? આજેય હું અનેક ડૉક્ટર્સને વિનંતી કરું છું કે આ શીખવો, ટ્રેઇનિંગ આપો અને પછી પેશન્ટને ઘરે મોકલો અથવા સદ્‌ભાગ્યે હવે અમારી સંસ્થા પાસે સઘળી સુવિધા છે ત્યારે અમારી સંસ્થા પાસે આવી ટ્રેઇનિંગ માટે મોકલો.

બેંગ્લોરથી કોલ્હાપુર પાછા આવતી વખતે રમતસ્પર્ધાના મેદાન પરની અનેક વાતો યાદ આવતી હતી. વ્હીલચેરથી થાળી, ગોળો અને ભાલો કેવી રીતે ફેંકવાનો, ટેબલ ટેનિસ કેવી રીતે રમવું એનું પ્રાત્યક્ષિક વ્હીલચેર પરથી એક રૂઆબદાર ‘હોરો’એ આપ્યું. તેને ‘ગુરુ’ કહીને મેં તેનો આભાર સુદ્ધા માન્યો. રાતે બેલગામ, વડોદરાથી આવેલા ખેલાડીઓ સાથે વાતો, ગીતો ચાલુ હતાં ત્યારે એક અપંગ હીરોનો વિષય નીકળ્યો. ત્યારે ખબર પડી કે એ બેલગામની એક સુંદર તરુણ યુવતીને લઈ ગયો છે અને રાત્રિના દસ વાગવા છતાં પાછો આવ્યો નથી. મેં બેલગામવાળાઓને પૂછ્યું તમે પરવાનગી શા માટે આપી ? તો કહ્યું એને હીરોની માસીને બતાવવા લઈ ગયો છે. પસંદ પડશે તો બેલગામ એ આવશે તેનું ઘર જોઈને બાને મળીને જશે. જો તે અપંગ યુવતીનાં લગ્ન થતાં હોય તો આપણે શાને રોકવાં. તેથી તેમણે ‘હીરો’ સાથે એકલા જવા એને પરવાનગી આપી હતી.

બીજા દિવસે બાબુકાકા કામમાંથી જરા નવરા થતાં જ મેં તેમને ‘હીરો’ અને બેલગામની યુવતીના લગ્નની શક્યતા વિશે આનંદપૂર્ણ સમાચાર જણાવ્યા. તો બાબુકાકાને તે સાચું જ લાગ્યું નહિ. કારણ તેમણે આ ‘હીરો’ની પનીને અને તેમની દીકરીને જોયાં હતાં. બધી ટીમો પરત થઈ હતી. તેને કારણે મારે બેલગામ આ સમાચાર તાત્કાલિક જણાવવા અને થનાર અનર્થ અટકાવવો એમ બાબુકાકાએ કહેતાં જ મેં પત્ર લખ્યો. પણ તે પહેલાં જ બે દિવસ અગાઉ ‘હીરો’ બેલગામ તેના ઘેર મહેમાનગતી માણીને નીકળી ગયો હતો અને પછી તેણે પત્ર સુદ્ધાં પાઠવ્યો ન હતો. ત્યાર બાદ એ સભ્ય, નિર્મળ કાખઘોડી લઈને ચાલનારી સુંદર આનંદી તરુણી પૂર્ણતઃ બદલાઈ ગઈ. કેટલાય દિવસ એ ઘરબહાર નીકળી નહીં. પણ પછી તેણે ગમે તેની દોસ્તી શરૂ કરી. અંતે વયે ખૂબ મોટા એવા દીકરા ધરાવતા એક પુરુષ સાથે તેનાં લગ્ન થયાં અને ખીલતા પહેલાં જ એ કરમાઈ ગઈ.

બેંગ્લોર પછી ૧૯૭૩માં હું મુંબઈમાં પૅરાપ્લેજિક સંસ્થાના સ્પોર્ટસ્‌ માટે ગઈ. ત્યાં પેલો ‘હીરો’ મળ્યો. સ્વીમિંગ થયા પછી તેને ડ્રેસ પહેરતાં ભાઈસાબ અને રેહાનાના પતિ એતબારખાને જોયો અને મને કહ્યું, “બધા પૅરાપ્લેજિક પગમાં હાથેથી પેન્ટ ચડાવતા હતા પણ આ હીરો માત્ર અમારી જેમ પેન્ટમાં પગ સરકાવતો હતો.” તેમના મતે હીરો પૅરાપ્લેજિક હતો જ નહીં. ‘હીરો’ એકલો જ હતો ત્યારે તેને બેલગામની યુવતી વિશે પૂછ્યું. તો કહ્યું, “મારા મિત્ર સાથે હું તેનાં લગ્ન કરાવી આપવાનો હતો. પણ એને એ પસંદ આવી નહિ.” મેં કહ્યું, “તારાં લગ્ન થયાં છે એ તેં કેમ કહ્યું નહિ ?” તો જવાબ “મને શી ખબર તેમને મારા વિવાહિત હોવાની જાણ નથી એ ?”

‘મુંબઈ રમતસ્પર્ધા’ માટે બાબુકાકા આવ્યા હતા. તેમણે અનેક લોકોની ઓળખાણ કરાવી આપી. મુંબઈના એ ખેલાડીઓ શેકહેન્ડ કરવા હાથ આગળ ધરતા. પણ મને ભારતીય નમસ્કાર કરવા જ યોગ્ય જણાતા. મશ્કરીમાં બધા મને ‘લવંગી મરચું’ કહેતા. પછી મેંય મશ્કરીમાં જ ‘કોલ્હાપુરી ચંપલ’ પ્રસિદ્ધ હોવાની માહિતી આપી. અજાણતાં ‘હીરો’નો રોષ હું બીજાઓ પર વ્યક્ત કરતી હતી.

એ સ્પર્ધામાં મને ખૂબ પદકો મળ્યા. અચૂક ભાલાફેંક, વ્હીલચેર રેસ, ગોળાફેંક, થાળીફેંક, ટેબલટેનિસ બધામાં પ્રથમ. ચૅમ્પિયન શિલ્ડ, મેડલ્સ તાળીઓના ગડગડાટ વચ્ચે લેતી વખતે એક અનેરો આનંદ મળતો હતો અને મારા આ આનંદમાં અજીજ, બાબુકાકા, રેહાના, ભાઈસાહબ સહભાગી થવાને કારણે મારો આનંદ દ્વિગુણીય થયો હતો.

કોલ્હાપુર પાછા આવ્યા અને મારી ઇંગ્લૅૅન્ડમાં યોજાનાર સ્ટૉક મેંડવ્હિલે ગેમ્સ માટે પસંદગી થયાનો પત્ર આવ્યો. વિશ્વાસ બેસતો ન હતો પોતાના ભાગ્ય પર. અનેક વખત સ્વપ્નમાં મેં પોતાને વિમાનચાલક સાથે બેસેલી જોઈ હતી. પણ હવે ખરેખર વિમાનમાં એક-બે કલાક નહિ પણ સત્તર કલાક બેસવાનું નહિ ઊડવા મળવાનું હતું. સ્વપ્નમાંનું ઉડ્ડયન સાચું થનાર હતું. બાબુકાકાને સમાચાર જણાવ્યા. તે સંસ્થાના સંચાલકોનો તરત જ પત્ર આવ્યો કે ઇંગ્લૅન્ડ જવાનો ખર્ચ એકઠો કરવા તે કોલ્હાપુર આવશે અને મને સાથે રાખીને પૈસા એકઠા કરશે. મને અત્યંત વિચિત્ર લાગ્યું. તેમણે પસંદગી કરવાની અને પૈસા આપણા ગામમાંથી ભેગા કરવાના. હું હમણાં જ બી.એ. થઈ હતી. અપંગ પુનર્વસન સંસ્થા સ્થાપના કરવાના પ્રયત્નમાં હતી. વ્યવસાય પ્રશિક્ષણ કેન્દ્ર શરૂ કરવાની યોજના મગજમાં હતી. તે માટે જગા, પૈસા ખૂબ લાગવાના હતા. હવે મારા વૈયક્તિક રમતસ્પર્ધાના ખર્ચ માટે લોકો પાસે પૈસા માગીશું તો પછી ફરીથી કેવી રીતે મંગાશે ? ...અને મૂળ પોતાને માટે લોકો પાસેથી પૈસા લેવા એ જ ગળે ઊતરતું ન હતું. બેંગ્લોર રમતસ્પર્ધા માટે બાબુકાકાએ દત્તાબાળ પાસેથી પૈસા અપાવ્યા હતા. આપણને પોતાના પુનર્વસન માટે, પ્રગતિ માટે પૈસાની આવશ્યકતા છે તો આજે લેવા અને કાલે વ્યાજ સહિત તે ભરપાઈ કરી આપવા એ બાબુકાકાએ કહ્યું હતું. છતાં કોલ્હાપુરમાં પોતાને માટે પૈસા એકઠા કરવા એ કલ્પના જ વિચિત્ર લાગતી હતી. મનના વિચાર મેં બાબુકાકાને જણાવ્યા અને તેમનો ત્વરિત જવાબ પણ આવ્યો. ‘તારું કહેવું બરાબર છે. જેમણે પસંદ કર્યા તેમની જવાબદારી છે ખર્ચની વ્યવસ્થા કરવાની. તે સંસ્થાને તેવી જાણ કર. ‘નાસીઓ’ની (રાષ્ટ્રીય અપંગ વિકાસ સંસ્થા, મુંબઈ, જેના અધ્યક્ષ શ્રી વિજય મરચન્ટ હતા) બેઠકનું આમંત્રણ અવાશે. સ્પોર્ટસ્‌ વિષયક એ બેઠક છે. તું અવશ્ય આવ અને તને ખર્ચ સંબંધી મળેલો પત્ર તે બેઠકમાં રજૂ કર. કાંઈક માર્ગ મળશે.

બેઠકમાં હું ઇંગ્લિશમાં બોલી શકી નહિં હિંદીમાં મેં મારા વિચાર રજૂ કર્યા. સહુએ ચર્ચા કરી નિર્ણય લીધો. જે સંસ્થાએ પસંદગી કરી તેમણે સર્વ સ્પર્ધકો માટે ‘નાસીઓ’ને પૈસા પહોંચાડવા. (બે મહિલા અને એક પુરુષ સ્પર્ધક એમ એકંદર ત્રણની પસંદગી થઈ હતી) અને બંને સંસ્થાના સૌજન્યથી આ ભારતીય સંઘ ઇંગ્લૅન્ડ મોકલવો તેવો સંદેશ ત્વરિત ફોનથી તે સંસ્થાના સંચાલકોને આપવામાં આવ્યો. તેનો તેમણે ‘વિચાર કરીને જણાવીશું’ એવો જવાબ આપ્યો.

બેઠકમાંથી મુંબઈમાં જ ખારના રેહાનાના ઘરે પાછા વળતાં પહેલાં બાબુકાકાએ બોલાવતાં જ તેમની અને ‘નાસીઓ’ના સેક્રેટરી કુ. નમા ભટ્ટ સાથે ‘ફેલોશિપ ઑફ ધી ફિઝિકલી હૅન્ડિકેપ્ડ, મુંબઈ’ સંસ્થાના સંસ્થાપિકા શ્રીમતી ફાતિમા ઇસ્માઈલના ઘરે ગયાં. માર્ગમાં અને તેમને ઘરે જે વાતો થઈ તે રોમાંચિત કરનાર હતી. તેમાંથી મને ખૂબ શીખવા મળ્યું.

શ્રીમતી ફાતિમા ઇસ્માઈલની એક પુત્રી અપંગ છે. નાનપણમાં પોલિયો થયેલો છે. તેનું નામ ઉષા. હાલમાં એ ન્યૂયોર્કમાં છે. એના નાનપણના સંભારણા તે કહેતાં હતાં. એ સુખદુઃખના સંભારણા રોમાંચિત કરી દેનાર હતા. અપંગ હોવા છતાં તેનાં ભાણીને મોટા થવાના ઉદ્દેશ્યથી તે સતત તેના અભ્યાસ પાછળ લાગતાં. તે માટે ગુસ્સે પણ થતાં. આમ જ એક વખત તે ખૂબ ચિડાયા. તેણે વ્યવસ્થિત અભ્યાસ નહોતો કર્યો તે કારણે. ત્યારે ઉષાની આયાએ કહ્યું, “શા માટે એ બિચારીની પાછળ હાથ ધોઈને પડો છો ? આટલું મોટું દુર્ભાગ્ય લઈને બિચારી માંડમાંડ જીવી રહી છે તો તેમાં તમારું આ ધાક-દબાણથી અભ્યાસે બેસાડવું.” તેમની આંખોમાં તરત જ ઝળઝળિયાં આવી ગયાં. તેનું કહેવું સાચું હતું. આપણે ઉષાને ફક્ત પ્રેમ આપવો જોઈએ. અન્ય જગતથી એ વિખૂટી પડી ગઈ છે. તેની સાથેની બાળકીઓ હસે છે, રમે છે. આ પોતાની ચાર દીવાલોમાં હોય છે, મસાજ, માલિશ કરાવી લે છે અને આવામાં પણ આપણે સતત તેની અભ્યાસ કર, અભ્યાસ કર કહીને પાછળ લાગીએ છીએ. એ ત્યાંથી આંખો લૂછતાં જ ઊભા થયા અને બીજી રૂમમાં જવા લાગ્યા. પણ તેમના કાને જે શબ્દ અફળાયા તેથી તે ત્યાં જ ઊભા રહી ગયા. આટલી શી નાની ઉષા આયા પર ગુસ્સે થઈ હતી. ‘ખૂબ ખરાબ છે તું. જો અમ્માની આંખો ભરાઈ આવી. તારી નાદાનીને કારણે...તને કાંઈ જ ખબર પડતી નથી. અમ્મા મારા ભલા માટે ચિડાય છે. અભ્યાસ કરવા કહે છે. એ શું મારી દુશ્મન છે ? તું ફરીથી આવું કાંઈ બોલીશ નહીં.” અપંગત્વ ધરાવનાર નાનાં બાળકો અકાળે જ શાણા થતા હશે ! કઈ મા આ સાંભળ્યા પછી ત્યાંથી જાય ? પાછા આવીને ફરીથી આવેગમાં તેમણે ઉષાને બાથમાં લીધી. ત્યારે તેમનાં આંસું લૂછતા ઉષાએ કહ્યું, “અમ્મા, તને હવે ક્યારેય હું રડાવીશ નહિ. હું અત્યારથી જ ખૂબ અભ્યાસ કરીશ.” અને તેણે પુસ્તક ઉઘાડ્યું. આવી કેટલીય વાતો ફાતિમા ઇસ્માઈલે વર્ણવી.

નમાબહેને પોતાનો એક અનુભવ જણાવ્યો. રસ્તા પર ભીખ માગનાર એક સુંદર ચહેરાવાળી બાળકીને તેમણે એક અનાથાશ્રમમાં પ્રવેશ અપાવ્યો. અવારનવાર તે તેની ચોકસાઈ કરવા જતાં. અભ્યાસ વગેરેમાં તે બાળકી હોશિયાર નીકળી પણ અભ્યાસ કરવાનો તેને ખૂબ કંટાળો. ચોખ્ખીય રહેતી ન હતી. કોઈક ગુસ્સે થતાં એ બધાને ખૂબ પજવતી. અત્યાર સુધીના જીવનમાં તેને પ્રેમ મળ્યો ન હતો અને કોઈ પણ પ્રકારનાં બંધનોય ન હતાં. કેટલાક મવાલી છોકરાઓ તેની મશ્કરી કરતાં. એ પણ નમાબહેને જોયું હતું. તેને માટે તેમને આત્મીયતા જાગી હતી. તેથી તેને સંરક્ષણ મળે એ માટે પ્રયત્નશીલ હતાં. તે દર વખતે તેને સમજાવીને આમ વર્ત, આમ વર્તીશ નહીં જણાવતાં. તે મળીને ગયા પછી થોડો સમય થોડો સમય એ વ્યવસ્થિત વર્તતી. પણ પછી ફરીથી મૂળ જગાએ આવી જતી. મનમાં ફાવે તેમ ગાળાગાળી કરતી. એક વખત આમ જ તેની ભૂલને કારણે તેને સજા કરવામાં આવી તો “મારે આ આશ્રમમાં રહેવું જ નથી. આવું બંધિયાર જીવન કોને ખપે ? બહાર બે ગીતો ગાઈને આપણું પેટ ભરાઈ જાય.” એમ કહીને એ જવા લાગી. સુપરિન્ટેન્ડેન્ટે નમાબહેનને ફોન કીરને બોલાવ્યાં. તેમનેય તેની જવાબદારી લેવી મુશ્કેલ જણાવા લાગી હતી. નિયમો તૂટી રહ્યા હતા. નમાબહેને તેને સમજાવવાની શરૂઆત કરી તો ફટ્‌ દઈને તેમને કહ્યું, “તમે કોણ ? અને આમ મારી પાછળ હાથ ધોઈને કેમ પડ્યાં છો ?” નમાબહેનનો પારો એકદમ ચડ્યો. અત્યાર સુધી આ બાળકી સાથે તે ચિડાયા વગર બોલી રહ્યા હતા. તેની ભૂલ હોવાથી તેને માટે લાગણી હતી એટલે. પણ હવે તે પોતાને અંકુશમાં રાખી શક્યા નહિ. ફટ દઈને તેને લાફો ઝીંકી દીધો અને કહ્યું, “જા ચાલતી થા બહાર...તને કોઈનો પ્રેમ શું સમજાય ? તું ઇચ્છે છે રસ્તા પરના મવાલી છોકરાઓની વખવખતી નજરો. જા મારી સામેથી ચાલતી થા. રસ્તા પરના ભિખારીઓના જીવન અને અહીં સન્માનપૂર્વક જીવવા વચ્ચેનો તફાવત તને સમજાયો નથી.” નમાબહેનની વાત પૂરી થતાં પહેલાં તે બાળકી નમાબહેનના પગ પર આળોટી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. “માફ કરો. સાચ્ચે જ અત્યાર સુધી મને પ્રેમ મળ્યો ન હતો. હવે જુઓ. તમે મને જેવી બનાવવા ધારો છો તેવી બની બતાવીશ.” અને સાચ્ચે જ તે દિવસથી તેણે વ્યવસ્થિત રહેવાની શરૂઆત કરી. અભ્યાસ કરીને પહેલો નંબર મેળવતી રહી. આજે એ નોકરી કરીને સન્માનપૂર્વક જીવન વીતાવી રહી છે.

બાબુકાકા તો પોતાની બેંગ્લોરની સંસ્થાના અનેક અનુભવ વર્ણવતા. ભીખ માગીને પેટ ભરનાર મહંમદ તેમની વર્કશોપમાં અપંગત્વ ભૂલીને કામ કરે છે. તેને એક દિવસ બાબુકાકાએ પૂછ્યું, “ભીખ માગીને દિવસમાં વધારે પૈસા તને મળતા હતા તો અહીં કામ શા કરે છે ? એણે કહ્યું, “એ પૈસાથી પકવાન ખાઈએ તોય ગળ્યું લાગતું ન હતું. હવે પરસેવાનો ચટણી-રોટલો વધુ મીઠો લાગે છે.”

અપંગ પુનર્વસન ક્ષેત્રમાં ત્રણ ઉમદા વ્યક્તિઓનો સહવાસ પ્રાપ્ત થવાથી હું પોતાને ધન્ય માનતી. ઘરે આવી અને તરત જ પૅરાપ્લેજિક સંસ્થાના સંચાલકનો ફોન આવ્યો. “તારા પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે. આવતી કાલે પાસપોર્ટ માટે જરૂરી કાગળો પર સહી લેવા આવીશ.” બીજા ખેલાડીઓના ખર્ચનું શું એમ પૂછ્યું તો તે ગુજરાતના છે. ત્યાંની સંસ્થા તેમની સગવડ કરશે એમ જણાવ્યું.

પાસપોર્ટની સઘળી પૂર્તતા કરીને હું તૈયારી માટે કોલ્હાપુર

પહોંચી. મારા ઇંગ્લૅન્ડ સ્પોર્ટસ્‌ના સમાચાર સર્વત્ર પ્રસરી ગયા હતા. મારી બહેનપણીના ભાઈના મિત્ર શરદ સામંત (આજ તે અમારા ‘હેલ્પર્સ’ના ઑડિટર છે ! લિયો ક્લબના અધ્યક્ષ છે) આવ્યા અને હું કઈ કઈ રમતોમાં ભાગ લેવાની છું એની ઉત્સુકતાભેર ચોકસાઈ કરી. ક્યાં સાધનો પ્રેક્ટિસ માટે જોઈએ તે પૂછ્યું. મારી પાસે કાંઈ જ ન હતું. તેમણે તાત્કાલિક ભાલા, ગોળા, થાળી લાવી આપ્યાં. મેં પછી રોજ સવાર-સાંજ પ્રેક્ટિસ ચાલુ કરી. બહેનપણીઓ, બહેન પ્રેક્ટિસ કરતી વખતે મદદ કરતાં. લાયન્સ ક્લબના અધ્યક્ષ ડૉ. ગજાનન જાધવે ક્લબમાં બોલાવી સત્કાર કર્યો. સઘળી તૈયારી સાથે હું મુંબઈ પહોંચી.

મુંબઈમાં ભાઈસાહેબે ગરમ કપડાં જોયાં. મારી પાસે માત્ર એક સ્વેટર હતું. તરત જ તેમણે બજારમાં જઈને ગરમ હાઉસ કોટ, પુલ ઓવર, મફલર લાવી આપ્યાં. મારા સર્વ ડ્રેસ એટલે મોટે ભાગે સાડીઓ જ હતી. ઇંગ્લૅન્ડ જવાનો દિવ્સ આવ્યો. છતાં મારી મદદનીશ તરીકે આવનારી ફિઝિયોથેરાપિસ્ટ એક વખત પણ રેહાના પાસે આવી નહિ કે અન્ય ખેલાડીઓ વિશે કાંઈ જાણવા મળ્યું નહિ. મારે ક્યાં કામો કરવાનાં હતાં, કઈ સામગ્રી ક્યાં ગોઠવવી વગેરે મારે તેને બતાવીને મૂકવાની હતી. તેનો ફોન નંબર મેળવીને ફોન કર્યો તો કહ્યું, “આવા પૅરાપ્લેજિક હું રોજ જોઉં છું. મને બધું ખબર છે. હું વિમાનઘર પર ઓળખાણ મેળવી લઈશ.”

વિમાનઘર પર અન્ય કોઈ ખેલાડીઓ નહોતા. ઘણુંખરું તેમના પૈસાની સગવડ થઈ નહીં હોય. વિમાનઘર પર મને સાડીમાં જોતાં જ મારી ફિઝિયોથેરાપિસ્ટે કહ્યું : “આ શું ! આપણે ઇંગ્લૅન્ડ જઈએ છીએ. જરા રુઆબદાર વસ્ત્રો તો પહેરવાં જોઈએ કે નહિ ?” મેં ગુસ્સામાં જ જવાબ આપ્યો, “મને ભારતીય સાડી ખૂબ ગમે છે અને હું વસ્ત્રો બતાવવા ઇંગ્લૅન્ડ જતી નથી પણ રમવા માટે જાઉં છું.” રેહાનાએ મને ચૂપ રહેવા ઇશારો કર્યો. મને ઊંચકીને પ્લેનમાં લઈ જવાની હોવાથી મારા બધા પૈસા ભાઈસાહેબે એ મદદનીશ પાસે રાખવા આપ્યા. અંદર જતાં આ ફેનશેબલ બાઈ મને કેટલી મદદ કરશે એ ચિંતા થતી હતી. ભાઈસાબ, અજીજ, રેહાનાએ વિદાય લીધી. ભાઈસાહેબે વિજય મરચન્ટની જેમ જ કપાળે ચુંબન લીધું અને મને વળી બાપુની તીવ્ર યાદ આવી.

વિમાનમાં અંદર લઈ જતી વખતે મેં એ મદદનીશને ‘મને બારી પાસે બેસાડવા કહે’ એમ કહેતાં જ ‘છોકરમત રહેવા દે’ એ તેનો જવાબ સાંભળી હું ચૂપ થઈ. વિમાન ઊડ્યું. કમરપટ્ટા બાંધ્યા-છોડ્યા .પણ બહારનું કાંઈ જ દેખાતું ન હોવાથી મેં તેના નામે મનોમન ઠપકો આપ્યો. પણ એર હોસ્ટેસને ‘મને બારી પાસે બેસાડો’ એમ કહેવાની હિંમત થઈ નહિ. એ વિચિત્ર મદદનીશને કારણે મારો મૂડ, ભૂખ મટી ગઈ હતી. પગની યુરિન બૅગ ભરાઈ ગઈ અને મેં તેને ‘એ ખાલી કરવાની છે’ એમ કહેતાં જ ‘ઇંગ્લૅન્ડ આવતાં’ એટલે કે ૧૪-૧પ કલાકે કરીશું કહ્યું.

મારું ભાવી મને સમજાઈ ચૂક્યું. ભૂખ તો મરી જ ગઈ હતી. પણ હવે પાણી, શરબત, ચા પિવાનીય બંધ કરી. તેની સંગાથે હું ભારતમાં જીવતી પાછી આવીશ કે નહિ એ શંકા મને લાગવા લાગી. અંતે ઇંગ્લૅન્ડ પહોંચ્યાં. અહીં વિમાનની નિસરણી પરથી મને ઉચકવી પડી નહિ. વિમાનનો દરવાજો પ્લૅટફૉર્મને જ ગોઠવ્યો હતો. મને વ્હીલચેર પરથી એક બાજુથી બહાર લાવવામાં આવી અને ફરતી નિસરણી દ્વારા ટૅક્સી સુધી ગયાં. જેમણે સ્પર્ધા આયોજિત કરી હતી તે લોકો લેવા આવ્યા હતા. અમારે લંડન પાસેના એલ્સબરી ગામે જવાનું હતું. હિંમત કરીને મેં તેમને ટોયલેટ ક્યાં છે પૂછ્યું અને પગની યૂરિન બૅગ ખાલી કરીને એ ઠંડીમાંય મોં ધોયું અને પાણી પીછું. પછી ટૅક્સીમાં બેસીને પ્રવાસ શરૂ થયો.

વિમાનમાંથી ઊતરી ત્યારથી ત્યાંની ભવ્યતા, સ્વચ્છતા નજરમાં છવાઈ ગઈ હતી. મનમાં સતત વિચાર આવતા હતા. આ જ એ લોકો જેમણે ભારતને દોઢસો વર્ષ ગુલામગીરીમાં રાખ્યા. ઇતિહાસ યાદ આવતાં મન પર વિચિત્ર દબાણ આવતું હતું. પણ ત્યાંના પ્રત્યેક જણ એટલી નમ્રતાથી અને પ્રેમથી બોલતા હતા કે થોડી વારમં જ દબાણ, ભય દૂર થયો. જીવનમાં નસીબને કારણે મળેલ અવસરનો આનંદ ઉઠાવવાનો નક્કી કરીને હું બહારનું નિસર્ગસૌંદર્ય નજરોમાં સમાવવા લાગી. રસ્તા પર ફક્ત મોટરો જ હતી. એક પણ દ્વિચક્રી-ત્રણ ચક્રી વાહન ન હતું. રસ્તા એટલા સુંદર કે થતું ટૅક્સીમાંથી ઊતરી તેની પરથી વ્હીલચેર દોડાવવી. વચ્ચે વચ્ચે સુંદર લીલોતરી. બાજુએ મોટર થોભાવીને પિકનિક કરતા લોકો. એ ઑગસ્ટ મહિનો હતો. એલ્સબરી પહોંચ્યાં તો અંધારું થયું હતું. ટૉયલેટ જવાનો પ્રયત્ન કર્યો. મારી મદદનીશને મદદે બોલાવી. તો કહે, “મારા પેશન્ટ્‌સ સ્વાવલંબી હોય છે. તારે તારું શીખી લેવું જોઈએ.” અને એ છડેચોક જમવા અને ભટકવા નીકળી ગઈ. મારું પત્યા પછી મારે રસોડે આવવું એવો ઓર્ડર આપીને.

મેં અશ્રુ ખાળ્યાં અને પૂર્ણ રોજો કરવા ઠરાવ્યું. વિમાનમાં બેસીને શરીર દુઃખતું હતું. તેમાં કડાકાની ટાઢ. પલંગ પર ઊંઘવા માટે સામાન ગોઠવેલ રૂમમાં ગઈ તો પલંગ જમીનથી ખૂબ જ ઊંચો. મારી એકલી માટે ચઢી શકવું કેવળ અસંભવ હતું. રૂમમાં જાપાની અને ઇતર અનેક દેશોની યુવતીઓ હતી. તેમની સાથે મદદનીશો પણ હતા. તેમને જ વિનંતી કરી અને ભૂખ્યા પેટે જ માથે ઓઢીને ઊંઘી ગઈ. થાકી જવાને કારણે સરસ ઊંઘ લાગી.

સવારે જાગી ત્યારે અજવાળું હતું અને ભરપૂર બરફ વરસી રહ્યો હતો. દાંત ઘસ્યા. રોજા કરવા નક્કી કર્યું હતું છતાંય રસોડામાં શું શું છે એ જોવા ગઈ. તો સઘળું ઠંડુંગાર. ચાર ગરમ પણ દૂધ ઠંડું. એ રેડતાં જ કોલ્ડ્રિંગ તૈયાર. છેવટે એવી ઠંડીમાંય થોડોક આઇસક્રીમ ખાઈને બહાર નીકળી.

બહાર મેં અનેક પરિચય મેળવ્યા. ૪૮ દેશોના ખેલાડી. તેટલી જ ભાષા. બધા ભાંગ્યુંતૂટ્યું ઇંગ્લિશ બોલતા હતા. મારોય ઇંગ્લિશ બોલવાનો સંકોચ દૂર થયો અને અર્ધી ભાષા. એ ન સમજાય તો સંકેત દ્વારા અનેક બહેનપણીઓ મળી. પ્રત્યેકને મારી સાડીનું આકર્ષણ. અનેક જણાએ મારી સાથે ફોટો પડાવ્યો. મારી પાસે અત્યાર જેવો કેમેરો પણ ન હતો. પણ તેનો ખેદ પણ ન હતો. બહાર મેદાનમાં આવી વ્હીલચેર રેસની તૈયારી ચાલતી હતી. ગ્રાઉન્ડ પર ટ્રેકમાં બીજાઓની ચકચકતી હળવીફૂલ વ્હીલચેર્સ વચ્ચે મારી ખૂબ ભારે અને એક નાના પૈડાનું ટાયર અવારનવાર નીકળી જતું એવી વ્હીલચેર, જે હું છેલ્લાં છ વર્ષથી વાપરતી હતી. કેવી રીતે ભાગ લેવો તેનો વિચાર કરતી હતી ત્યારે જ ચેસની શરૂઆત થઈ. દુર્ભાગ્ય કે એ સામેના નાના પૈડાનું ટાયર નીકળ્યું. અન્ય વ્હીલચેર્સ ઝડપથી આગળ ગઈ અને હું વચ્ચે જ રહી. ખૂબ દુઃખ થયું. પોતાની યોગ્યતા અન્ય દેશોની તુલનામાં સરખાવી ન શકવા બદલ !

મને રોકાયેલી જોઈને તે ગેમ્સનું આયોજન કરનાર સંસ્થાના સેક્રેટરી મારી પાસે આવ્યા. મારા ગાલ પર તેમણે પોતાના હોઠ મૂક્યા. વૃદ્ધ, ફ્રોક પહેરેલાં સંપૂર્ણ સફેદ વાળ ધરાવતં તે મહિલા મને ખૂબ ગમ્યાં. મારી વ્હીલચેરના તૂટેલા પૈડા તરફ નજર કરી. એ અંગે કાંઈ પણ કહ્યા વગર તેમણે મને ક્યાં જવું છે એ પૂછીને પાછળનાં બે પૈડાં પર વ્હીલચેર ચલાવતાં મારે જવું હતું તે સ્થળે વ્હીલચેર પર બાસ્કેટબૉલના સ્થળે લાવીને છોડી અને ત્યાંથી નીકળી ગયાં.

હું સઘળું ભૂલીને વીજળીની ચપળતાથી વ્હીલચેર પરથી બાસ્કેટબોલ રમનારા તે યુવાનોને ભાન ભૂલીને જોઈ રહી. નજર એક સ્થળે ઠરતી ન હતી. તેમના હાથ વ્હીલચેર પરથી દૂર થઈને ક્યારેક બોલ પકડતા અને ટપ્પે ટપ્પે રમાડતાં તે બાસ્કેટ સુધી લઈ જતા અને પછી અંદર નાખતાં જ તાળીઓના ગડગડાટ થતાં. વ્હીલચેર એકમેક પર અફળાતી હતી. ખેલાડી વ્હીલચેર પરથી નીચે પડતા હતા. મદદનીશ તેમને ફરી વ્હીલચેરમાં બેસાડતા. પણ ખેલાડી હાથમાંથી બૉલ છોડતા ન હતા. મારી સ્પર્ધા અમુક ભાલાફેંક, થાળીફેંક, ગોળાફેંક બહાર મેદાનમાં ચાલુ છે પણ હું તે રમી શકતી નથી. એનો અનુભવતો ખેદ આ બાસ્કેટબૉલથી થોડો ઓછો થયો. ખેલાડીઓના ચહેરા પરની પ્રસન્નતા, હાસ્ય, જોશ એટલું પ્રભાવક હતું કે આપણે ભારતના અપંગોના ચહેરા પર અપંગત્વની છાપ ભૂંસીને ત્યાં આવી આત્મવિશ્વાસનું તેજ લાવવું જોઈએ એમ મને તીવ્રપણે લાગ્યું.

હું રમત જોતી બેસી હતી. ત્યાં જ તે મિસ (નામ હવે ભૂલી ગઈ. એક સુંદર મજાની વ્હીલચેર લઈને આવ્યાં અને “આ અમારા તરફથી તને ગિફ્ટ છે” કહેતાં મને તેની પર બેસાડવાની વ્યવસ્થા પણ કરી આપી. ‘દાન’, ‘મફત વિતરણ’ જેવા શબ્દનો ઉપયોગ ન કરતાં ‘ગિફ્ટ’ જેવો મીઠો શબ્દ વાપરીને મારા મનમાં તેમણે કોઈ પણ જાતની શંકા રહેવા દીધી નહિ. “તારી જૂની વ્હીલચેર રૂમમાં મૂકું છું. હવે ખુશ છું ને ? અમે દર વર્ષે આવી ત્રણ-ચાર વ્હીલચેર્સ ગિફ્ટ આપીએ છીએ.” અમે કહીને મીઠું હસતાં વળી મારા ગાલને સ્પર્શ કરીને તે જવા લાગ્યાં. ત્યારે તેમના બન્ને હાથ હાથમાં લઈને હું કૃતજ્ઞતાપૂર્વક “થેન્ક યૂ” એટલું જ બોલી શકી.

બાસ્કેટબૉલની રમત પૂરી ગઈ. નવી વ્હીલચેર પવનની જેમ એ લીસી ફરશ પર દોડી રહી હતી. વ્હીલચેર દોડાવતાં બહાર આવી ત્યારે સઘળી મેદાની રમતો પતાવીને ખેલાડી જમવા જઈ રહ્યા હતા. અનેકોના આગ્રહને કારણે તેમની સાથે થઈ. ત્યાં બાફેલી વાનગીઓ જોઈને બેચેની થવા લાગી. બે-ચાર ચમચા આઇસક્રીમ ખાઈને બહાર આવી. ત્યાં ઠંડીમાં આઇસક્રીમ ખાતાં મને મારું જ હસવું આવતું હતું. રૂમ પર જઈને થોડો આરામ કર્યો અને ફરી મારું ટેબલટેનિસ હતું ત્યાં ગઈ.

હું પ્રથમ રાઉન્ડ જીતી. ખૂબ આનંદ થયો. બીજા દિવસે ફરી રમવાનું હતું. એકંદર ત્રણ દિવસની સ્પર્ધા હતી. ત્યાર બાદ થોડું ફરવાનું. નાની કૌસર માટે કાંઈક ખરીદી કરવા વિચાર્યું હતું. આવી ત્યારથી એક વખત ફક્ત ખારી સીંગ ખરીદી કરીને ખાધી હતી. એ પણ મારી એ મદદનીશ સાથે હતી ત્યારે. મારા બધા પૈસા તેની પાસે જ હતા. ભાઈસાહેબે આવતી વખતે કેટલા આપ્યા હતા તેય મને ખબર ન હતી.

સંધ્યાકાળથી હૉલમાં નાચગાનની તૈયારી ચાલતી હતી. સંગીત અને સાથે ટેબલ પર ઠેરઠેર શરાબ જોયો અને આમ જ ચૂપ રૂમ પર જઈને ઊંઘી ગઈ. બીજા દિવસે ટેબલટેનિસ રમી. પણ હારી. હારવાનું દુઃખ થયું નહિ. રમવા મળ્યું એનો જ આનંદ હતો. અનેક દેશોનં સ્ત્રી-પુરુષ ખેલાડીઓએ મારી સાડીને કારણે મારી સાથે પોતાના ફોટા પાડેલા. જોઈને મારી મદદનીશ જેણે મારી સાડીને નામ આપ્યું હતું, મારી પાસે સાડી બ્લાઉઝ માગવા લાગી, કારણ તેની આધુનિકતાને કારણે તેની તરફ કોઈ જોતું ન હતું. એ સાડી પહેરીને આવી ત્યારે સાચ્ચે જ ખૂબ સુંદર દેખાવા લાગી.

એ છેવટની રાત હતી. બીજા દિવસે રમતો પૂરી થતાં સંધ્યાકાળે બધા પોતપોતાના દેશ પાછા ફરવાનાં હતાં. ઇંગ્લૅન્ડની પાર્ટી, ડાન્સ આવી હોય છે. એ મેં એક ખૂણામાં બેસીને જોવાનું નક્કી કર્યું. લોકો શરાબ પીતા હતા. નાચતા હતા વ્હીલચેર પરથી કાખઘોડીની સહાયથી. પાર્ટી જામી હતી. હું દૂરથી મજા માણતી હતી. એક ઇંગ્લૅન્ડનો રહેવાસી યુવાન બે ગ્લાસ લઈને મારી પાસે આવ્યો અને હું એકલી જ છું કે મારે કોઈ મિત્ર નથી કે વગેરે પૂછવા લાગ્યો. ગ્લાસ લે. ઠંડી ઓછી લાગશે કહેવા લાગ્યો. હું ઠંડીને કારણે માથા પર પાલવ લઈને બેઠી હતી. “મને શરાબ ગમતો નથી. અને અમે ભારતીય સ્ત્રીઓ આને સ્પર્શ કરતા નથી.” અમે મેં કહેતા જ એણે કહ્યું, “હું હંમેશાં મુંબઈ આવું છું. દર વખતે નવી યુવતી મારી સાથે માત્ર દારૂ જ પીતી નથી પણ જીવનના સઘળ આનંદનો ઉપભોગ લે છે. તમે ભારતીય સ્ત્રીઓ જે છુપાઈને કરો છો એ અહીંની સ્ત્રીઓ ખુલ્લેઆમ કરે છે એટલો જ ફરક છે.” મને ખૂબ ગુસ્સોય આવ્યો. પણ તેની સાથે વિવાદ કરવાની તાકાત મારામાં ન હતી. “કૃપા કરીને મને એકલી રહેવા દેશો કે ? મને તે દારૂની વાસથી બેચેની થાય છે.” એમ કહેતાં જ ‘સૉરી’ કહીને એ નીકળી ગયો.

એ ગોરો ગયો અને એક કાળકા વાંકડિયા કેશ ધરાવતો તરુણ નજીક આવ્યો. માથા પરના પાલવને કારણે મારા સુદર કાળા વાળ કેવા દેખાતા નથી. હું સાડીમાં કેવી સુંદર લાગી રહી છું. નાચવા ચાલ...વગેરે વગેરે. મેં સભ્યતાપૂર્વક ના કહી. છતાં મારા માથા પરનો પાલવ પોતાના હાથે દૂર કર્યો. પછી મને ગુસ્સો ખાળવો મુશ્કેલ થઈ પડ્યો. “તમે હવે અહીંથી નહીં જાવ તો મારે કોઈને તો હાક મારવી પડશે. નાચ માટે ઉત્સુક અનેક યુવતીઓ સામે છે. તેમની પાસે જાવ.” એમ જરા ગુસ્સે થઈને કહેતં એ છટક્યો. સાડી પહેરીને ફરતી મારી મદદનીશ એટલામાં મારી પાસે આવી. તેણે કહ્યું, “અહીં જ થોડું રોકાવ. આટલો નાચ પૂરો થયા પછી મારી સાથે રૂમ સુધી આવો.” કારણ કાર્યક્રમના હૉલથી રૂમ સુધી રાત્રિ વેળાએ એકલા જતાં કોઈ દારૂ પીધેલો મળે તો. પંચાયત થઈ હોત. મારી મદદનીશ ત્યાંના રહેવાસી એક ફિઝિયોથેરાપિસ્ટને લઈને આવી હતી. મને કહ્યું, “થોડી વાર અહીં જ રોકાઈ જા. હું આમની સાથે ફિઝિયોથેરપી જોઈને આવું છું.” આમ કહીને એ વળી પાછી ગઈ. આટલી રાતે ફિઝિયોથેરપી સેન્ટર ક્યાંથી ઉઘાડું હોય અને આનંદપૂર્વક તેની સાથે એકલી જતી હતી. મેં મનમાં કહ્યું, “આ કાંઈ નાની નથી અક્કલ શીખવા. આગળ જતાં પસ્તાશે.”

થોડી વારે એ હાંફતી હાંફતી પાછી આવી અને તેણે છેડછાડ કરી હોવાથી તેને દોષ આપવા લાગી. “આમ કવેળાએ તેની સાથે એકલા જવાને સહમતી એટલે જ આવી ઘટનાની સહમતી એમ તેણે ધાર્યું હશે.” આવું મેં કહેતં જ કહ્યું, “તેં મને રોકી કેમ નહિ?”

બન્ને ચૂપ મૂંગાંમૂંગાં રૂમ પર આવીને ઊંઘ્યાં. આ પ્રસંગે તો તે સાચી ભારતીય સ્ત્રી જેમ વર્તી હોવાનો મને સંતોષ થયો.

બીજા દિવસે સવારે વહેલા ઊઠીને પેકિંગ કર્યું. મારી વ્હીલચેર કેવી રીતે મળી એ તેણે પૂછ્યું. મને મળેલ વ્હીલચેર કરતાં સરસ વ્હીલચેર મારી આગળ લાવીને કહ્યું, “તું આ વ્હીલચેર ભારત લઈ જા. મારા પેશન્ટ માટે મેં ખરીદી છે. તારી જૂની તૂટેલી હું મારા ખર્ચે જહાજમાં ભારત તને લાવી આપીશ.” તેના બોલવાનો મને કાંઈ જ અર્થ સમજાતો ન હતો. મેં પૂછ્યું, “મારે લઈ જવી એટલે ? તું મારી સાથે નથી ?” તો એ આશ્ચર્ય સાથે ઊલટ મને જ કહેવા લાગી, “તને મુંબઈના સંચાલકોએ કહ્યું ન હતું ? અમે અહીં આવ્યા પછી ત્રણ મહિનાનો કોર્સ કરીએ છીએ. મને લેવા આ સગાંવહાલાં આવ્યાં છે. હું તેમની સાથે જઈશ. કોર્સ કર્યા બાદ પાછી આવીશ. તને આ અહીંના લોકો વિમાનમાં બેસાડી દેશે.”

મને એ આઘાત એટલો અણધાર્યો હતો કે ક્ષણભર મને એ શું કહી રહી છે એ જ સમજાયું નહિ. હું એકલી ભારત પાછી આવનાર હતી. પાંચ છ દિવસ કાંઈ ન ખાધેલું. ના સ્નાન, ના શારીરિક જરૂરિયાતોની પૂર્તતા. મેં કહ્યું, “હું એકલી આવવાની છું એ મુંબઈ ભાઈસાબને મારી સામે ફોન કરીને જણાવ. મુંબઈ વિમાનઘરે લેવા આવવા માટે.” તો કહ્યું, “ફોનના ખૂબ પૈસા થાય છે.” મેં કહ્યું, “મારા તારી પાસે છે તેમાંથી લઈ વધેલા મને પાછા આપ. હુંય ફોન કરવા આવું છું.” કહ્યું તો કહે, “દૂર છે. હું એકલી જ જાઉં છું.”

પછી એ એકલી જ જઈ આવી અને “ફોન લાગ્યો. તને લેવા આવશે. ચિંતા કરીશ નહિ.” વગેરે કહેવા લાગી. મને તેની પર વિશ્વાસ બેસતો ન હતો. તેને કારણે જરા ચિડાઈને જ બોલી, “જો વિમાનઘર પર કોઈ નહિ હોય તો વિજય મરચન્ટને ફોન કરીને પ્રેસ કોન્ફરન્સ બોલાવીશ અને તમારા આ બધા ધંધા બહાર પાડીશ. અમારા પૅરાપ્લેજિક લોકોના જીવ પર મફત અહીં આવીને શાના કોર્સ કરો છો ?” મને એ એલ્સબરીથી ગુડબાય કરવા લાગતાં મેં જીદ પકડી કે વિમાનઘર પર આવીને હું વિમાનમાં બેસતાં સુધી મારી સામે એ દેખાવી જોઈએ. કોણ જાણે કેમ ક્યારેય નહિ એ મને વિચિત્ર ભય લાગી રહ્યો હતો. મારા પૈસા બે વખત માગવા છતાંય તેણે આપ્યા નહિ. ઊલટું એક વ્હીલચેર અને એક બૅગ મને સોંપીને તેના મુંબઈના ઘરનો ફોન નંબર તેણે મને આપ્યો અને ભાઈને બોલાવીને તે આપવા કહ્યું.

મારી વ્હીલચેર અંદર લઈ જવામાં આવી. અંદર બેસાડતા મેં ઊંચકનારાને જ વિનંતી કરી કે મને બારી પાસે બેસાડ. તેણે સુંદર હસીને તરત જ સંમતી આપી અને મને બારીપાસે બેસાડી. વિમાન ઊડતાં જ હું સઘળી ચિંતા વીસરી ગઈ. ઝડપથી આપણે ભારત પહોંચીશું. તેથી ઍર હોસ્ટેસે લાવેલ ગરમ ગરમ ભારતીય જમણ, ગાજરના હલવા સહિત મજાથી ખાધું અને પાંચ-છ દિવસનો ઉપવાસ છોડ્યો. અંધારામાં નીચેનાં શહેરોના ટમટમતા દીવા, ગામના આકારની કલ્પના કરાવતા હતા. ફ્રાન્સપેરિસમાં વિમાન રોકાયું. ત્યારે ઊતરતી વખતે અને ઊડતાં જે દૃશ્ય દેખાયું, તે સ્વપ્નનગરીના સ્વર્ગ જેવું લાગ્યું. વાદળાઓમાંથી વિમાન જતી વખતે ખીણ, ડુંગરાઓ પરથી ઊડતાં ખૂબ મજા આવી. વચ્ચે સુંદર ઊંઘ પણ આવી ગઈ. ત્યાર બાદ ચા-નાસ્તો, મુંબઈ વિમાનમાંથી ઊતરતાં માત્ર ફરીથી અત્યંત ભય પ્રસરી ગયો. ભાઈસાબ નહીં આવે તો હું શું કરવાની હતી ! પાસે એક પણ પાઈ નહીં. બૂથ પરથી ફોન કરવાની આદત નહિ. સિક્કા ન હતા. હોત તો તે ક્યારે અંદર નાખવા તેની ખબર ન હતી. દેવની દોેટ ચાલુ જ હતી. પણ કાચની પેલે પાર હાથ લંબાવતા ભાઈસાબ દેખાયા. અત્યાનંદ થયો. અન્ય સર્વેનો સામાન કસ્ટમ ઑફિસર ચેક કરતા હતા. પણ મારી બૅગ બંને વ્હીલચેર સઘળું કાંઈ જોયા વગર જ તેમણે બહાર જવા દીધી.

ઘરે આવતાં જ બાથરૂમ પહોંચી. નહાવાનું વગેરે પતાવીને ઘરનું ગરમ ગરમ વરાળ નીકળતું જમણ જમીને લાંબું તાણ્યું. ઉઠ્યા પછી અજીજ, ભાઈસાબ એ બીજી બૅગ કોની ઊંચકીને લાવી તે અંગે પૂછ્યું. વિશ્વાસ બેસે નહિ પણ એ બૅગમાં ત્યાંના ખેલાડીનો સુંદર કોટ, ત્યાં બાથરૂમમાં હતા તે અનેક સાધુ, પરફ્યુમની બાટલીઓ જેવી અનેક ખેલાડીઓની એકઠી કરેલી વસ્તુઓ હતી. તે વેચાતી લીધી હોવાની શક્યતા ન હતી. કારણ તે વાપરેલી દેખાતી હતી અને એવો કોટ કોઈ ભેટ તરીકે આપે એય અશક્ય હતું. એટલે એ “હાથ કી સફાઈ” હતી કે કેમ ? મેં આવું કર્યું હોવાની કલ્પના કોઈનાય મનમાં આવે એ શક્ય ન હતું. તેથી બધાં મૂંઝાયાં હતાં. મારી મદદનીશના ઘેર એ બૅગ તે બીજી સુંદર નવી વ્હીલચેર પહોંચાડવાની છે. આ બૅગ એની છે. કહેતાં જ સહુ કોઈ મારી પર ગુસ્સે થયાં. “એમાં ચરસ અફીણ ભર્યું હોત તો અને તું પકડાઈ હોત તો. તો આ ક્ષણે તું જેલમાં હોત.” મારે બૅગ ઉઘાડીને જોવી જોઈતી હતી. એ સાચું પણ તે વખતની મારી મનઃસ્થિતિ કેવી હતી એ કોઈનેય ખબર ન હતી.

સવિસ્તર હકીકત કહેતાં જ અજીજે ગુસ્સે થઈ કહ્યું, “એ બૅગ અને વ્હીલચેર આપવી નથી. એકાદ ગરીબ જરૂરિયાતવાળાને એ આપી દઈશું.” પણ મેં કહ્યું, “એના કરમ એ જાણે.” મેં આવતાંવેંત એના ઘરે ફોન પણ કર્યો હતો. તેનો ભાઈ આવ્યો ત્યારે તેનો માલ તેને આપ્યો.

‘હેલ્પર્સ ઑફ ધી ફિઝિકલી હેન્ડિકેપ્ડ’ જેના ચેરમેન શ્રીમતી ફાતિમા ઇસ્માઈલ હતા. મારી પાસે ઇંગ્લૅન્ડ સ્પોર્ટસ્‌ અંગે લેખ લખીને મોકલવા જણાવતાં. ‘નસીબમાં કમનસીબી’ લેખ લખીને મેં તેમને મોકલાવ્યો. મને કોલ્હાપુરમાં પોતાના કાર્યમાં સામેલ કરવા માટે લેવા આવ્યાં. નવી વ્હીલચેરથી ઉત્સાહ વધ્યો હતો.

ગજબ તો એ થયો કે કોલ્હાપુર પરત આવી અને તે મદદનીશનો પત્ર આવ્યો. તારી જૂની વ્હીલચેર ખૂબ ભારે હતી તેથી ત્યાં જ નાખીને આવી. લાવવાનો ખૂબ ખર્ચ થયો હતો. તને મળેલી વ્હીલચેરના પૈસા મેં ભર્યા છે. ત્યારે તાત્કાલિક પૈસા મોકલાવ કે વ્હીલચેર પાછી આપ. પઠ્ઠીએ કિંમત પણ જણાવી હતી. આ હવે વધુ પડતું થઈ રહ્યું હતું. અપંગોના અપંગત્વની મૂડી પર પોતાનો સ્વાર્થ સાધનાર આ મદદનીશ અને એ સંસ્થાના સર્વ ફિઝિયોથેરાપિસ્ટ દર વર્ષે આમ જ કરતા હોય છે અને અપંગોને ગિફ્ટ મળેલ વ્હીલચેર શ્રીમંત અપંગોને વેચીને તે પૈસા રજિસ્ટર ન હોય એવી સંસ્થા લે છે. આ જાણતાં જ મેં બધો અહેવાલ મા. શ્રી વિજય મરચન્ટને જણાવ્યો અને એ મદદનીશને લખ્યું કે રસીદ મોકલાવ. હું તરત જ પૈસા મોકલાવીશ. મને પૅરાપ્લેજિક સંસ્થાના સંચાલકનો લુચ્ચાઈભર્યો પત્ર આવ્યો. “સંસ્થા રજિસ્ટર કરીએ છીએ. તમે સેક્રેટરી પદ સ્વીકારો.” મેં ચોખ્ખી તેમને ના કહી. પછી શ્રી વિજય મરચન્ટે ‘ઓલ ઇન્ડિયા પૅરાપ્લેજિક સ્પોટ્‌ર્સ’ નામની સંસ્થા રજિસ્ટર કરી. તેના મેનેજમેન્ટમાં મનેય લેવામાં આવી અને તેના માધ્યમ દ્વારા પછી ટીમો જવા લાગી.

મુંબઈથી કોલ્હાપુર પાછા ફરતી વખતે પુણે સ્ટેશન પર અજીજે મને એક આશ્ચર્ય બતાવ્યું. ‘હીરો’ આરામથી બે પગ પર ઊભો હતો. હાથમાં કેવળ દેખાવ ખાતર લીધેલી લાકડી લઈને મજાથી ચાલતો હતો. પાસે આવતાં જ મેં પૂછ્યું, “આ શું ? તું પૅરાપ્લેજિક છે ને ?” એનો જવાબ હતો “ઇચ્છાશક્તિના બળે ચાલી શકું છું.” કહ્યું, “ભાઈ, આ બાબતમાં મારો ગુરુ થા. હુંય મારી ઇચ્છાશક્તિ વધારીશ.” ત્યારે “સહુ કોઈને તે ફાવતું નથી” આમ કહીને સહજસાજ વિસ્તારથી ગપ્પાં મારનારો એ ઉતાવળે ઉતાવળે નીકળી ગયો અને હું આશ્ચર્ય વ્યક્ત કરતી રહી, એ તેણે પરદેશમાં મેળવેલ ગોલ્ડમેડલ યાદ કરીને! સ્પષ્ટપણે દુનિયાને બનાવીને આ ગોલ્ડમેડલ લાવે છે અને આપણે તેનો જયઘોષ કરીએ છીએ.

ઇંગ્લૅન્ડથી પાછા આવ્યાં અને મને સંસ્થાની અને મનમાં ઘોળાઈ રહેલી અપંગ પુનર્વસનની કલ્પના સ્વસ્થ બેસવા દેતી ન હતી. પછી મેં મારા મનમાં સ્વપ્નોને સત્ય માહિતી આધારે વાર્તારૂપ આપ્યું. નામ આપ્યું “કહો ના આસ નિરાશ ભઈ” વાર્તા સ્પર્ધા સંબંધી માહિતી ‘સ્વરાજ્ય’માં આવતી હતી. તે માટે મેં એક વાર્તા મોકલાવી અને તે પૂરેપૂરી છપાઈ ગઈ. આ ‘સ્વરાજ્ય’ સાપ્તાહિક સાથે મારો કાંઈક સંબંધ હોવો જોઈએ. કારણ તેમાં વાંચેલ એક કવિતાએ મને હાથીનું બળ આપ્યું હતું. અપંગ પુનર્વસન સંસ્થાનું ટ્રેનિંગ સેન્ટર ચલાવતી વખતે પણ એ જ કવિતા અમે પ્રાર્થના તરીકે ગાતાં હતાં અને આજે હૅલ્પર્સમાં સવારસાંજ એ જ પ્રાર્થના સર્વેને રોજ નવું બળ આપે છે. એ પ્રાર્થના આમ છે.

સુખ દુઃખનો કોળિયો આપ,

પચાવવાની શક્તિ આપ,

ભરાભવના ઘા ઝીલતાં,

હસવાની મુક્તિ આપ.

પછી અશ્રુઓના બિંદુ બિંદુમાંથી

ઇન્દ્રધનુષ અમે સજાવીશું

સુખદુઃખના લઈને ધાગા

જીવનપથ અમારો તારીશું.

એક જ આપ મુજને શ્રદ્ધા,

અટલ ધ્રુવની જેમ પરમેશ્વર.

વિઘ્નોનો અગ્નિ પ્રજ્વલિત હશે તોય

ખીલશે વળી મનમાં આશા.

આ અરસામાં હેલન કેલરની આત્મકથા અને ‘ગિવ અસ ધી ટૂલ્સ’ નામનું હેન્રી વ્હિસ્કાર્ડીનું પુસ્તક (હાલમાં ‘હાથ ના ફેલાવીશું ક્યારેય’ નામે મરાઠીમાં બજારમાં ઉપલબ્ધ છે) વાંચ્યું. હેલન કેલર અંધ, મૂક, બધિર હોવા છતાં તેમણે મેળવેલ ઉચ્ચ શિક્ષણ. ઇતર બાંધવો માટે કરેલ અલૌકિક કાર્ય આશ્ચર્યચકિત કરનાર હતું.

હેન્રી વ્હિસ્કાર્ડીએ બંને પગ ન હોવા છતાં અમેરિકામાં અપંગોનું કારખાનું શરૂ કર્યું. ઊંઘીને કામ કરનાર કામદાર કામ પર. પ્રત્યેક કામદારનું વર્ણન, અપંગત્વ, ગુણવત્તાસહિત અનુભવાતી પ્રત્યેક મુશ્કેલીઓ, તેમાંથી કાઢેલ માર્ગ આ સઘળું આ પુસ્તકમાં હતું. બાબુકાકા પછી આ બે ગુરુ મને પ્રાપ્ત થયા. આજેય ક્યારેક નિરાશા અનુભવાય તો આ બન્નેનાં પુસ્તકો હું ફરી ફરી વાંચું છું. આગળ જતાં હેન્રી વ્હિસ્કાર્ડીને એક કોન્ફરન્સ વખતે પત્ની સહિત મળવાનો યોગ આવ્યો. તેમની સાથે વાત કરી શકાઈ એનો કેટલો આનંદ થયો હતો ! પુસ્તકના મુખ્ય પાત્ર સાથે પ્રત્યક્ષ વાતચીત ! એ સમયે બે બાબતોનો ખેદ અનુભવ્યો. એક, હું ઇંગ્લિશ મીડિયમમાં ન ભણ્યાનો. કારણ હેન્રી વ્હિસ્કાર્ડી સાથે વાત કરતાં ભાષાની મર્યાદા આવવાથી હું ખુલ્લા મને વાત કરી શકી નહીં. બીજો ખેદ હતો કે મારી પાસે કેમેરો ન હોવાથી તેમની સાથે મારો ફોટો પાડી શકાયો નહિ. આ ઘરે શીખવેલ સ્વાભિમાને બીજાને મારો ફોટો પાડ કહેવા દીધું નહીં. આજે અજીજે આપેલો કેમેરો મારી પાસે છે. હું અમારાં બાળકોના ઇચ્છું ત્યારે ફોટા હવે પાડી શકું છું.

એક વખત રેહાના સુવાવડમાં કોલ્હાપુર આવી હતી. દવાખાનામાં તેની સાથે રહેલી બાને થોડો આરામ મળે તેથી હું દવાખાને ગઈ અને ત્યાં રોકાઈને બાને ઘરે મોકલી. બીજા દિવસે સ્પોર્ટસ્‌ બેઠક માટે મારે મુંબઈ જવાનું હતું. બા ઘરે ગઈ અને રેહાનાનું પીવાનું ગરમ પાણી પૂરું થતાં હું એ ના કહેતી હોવા છતાં અંદરની રૂમમાં (બેડરૂમ અને કિચન એમ સ્પેશ્યલ રૂમ લીધો હતો) જઈને પાણી તપાવવા મૂક્યું. સ્ટવ સળગાવીને પાણી મૂકતાં જ પ્લૅટફૉર્મ જરા ઊંચું છે એ ધ્યાને આવ્યું. પાણી ઉકાળ્યા પછી તપેલી ઉતારતાં રોજની સાણસી ન હતી. કપડાથી ઉતારતી વખતે કોણ જાણે કેમ ઘણુંખરું સિટિંગ બેલેન્સ ન હોવાથી અને પ્લૅટફૉર્મની ઊંચાઈ વધુ હોવાથી એ ઊકળેલું પાણી પગ પર ઢોળાયું. બરાબર તે સમયે બહારની રૂમમાં ડૉક્ટર રાઉન્ડમાં આવ્યા. તે જતાં સુધી હું ઊકળતા પાણીમાં ચૂપચાપ બેસી રહી. ડૉક્ટર ગયા પછી રેહાનાના પલંગ પાસે આવી અને વ્હીલચેર પર કપડા બદલવા લાગી. (આમેય પલંગ પર ઊંઘતી વખતે હું મારાં કપડાં પહેરી-ઉતારી શકું છું.) જ્યાં હાથનો સ્પર્શ થતો હતો. ત્યાંની ચામડી છોલાઈને નીકળતી હતી. રેહાના તો રડવા જ લાગી. ‘સદ્‌ભાગ્યે ચહેરો દઝાયો નહિ’ એટલે ભગવાનનો પાડ કહી મેં તેને સમજાવી. મને પેટની ઉપર થોડું ચચરતું હતું. બાકી કોઈ હેરાનગતી ન હતી. સ્પર્શજ્ઞાન ન હોવાનો આ એક ફાયદો હતો. કાંઈ ના સૂઝતાં દઝાયેલા શરીર પર મેં પાઉડરનો ડબ્બો ખાલી કર્યો. પછી એ ખૂબ મોટી ભૂલ નીવડી. મને મળેલા ડૉક્ટર, ડૉ. ગજાનન જાધવ મને મારી ઇચ્છાનુસાર પરવાનગી આપતાં હોવાથી ઇન્જેક્શન લઈને ડ્રેસિંગ કરીને નિયત સમયે સહુને ચિંતામાં નાખીને હું મુંબઈ ગઈ. કોલ્હાપુરના અપંગો માટે એ બેઠકમાં જ રમતસ્પર્ધાનાં દ્વાર ઊઘડવાનાં હતા.

સ્ટેશન પર ટ્રેનમાં બેસાડવા અજીજ આવ્યો. મુંબઈએ સાથે તેનો મિત્ર જૉન આવવાનો હતો. મુંબઈમાં રેહાના ન હોવાથી હું અંબરનાથમાં માસીને ત્યાં ઊતરવાની હતી અને કાકા સાથે બેઠકમાં જવાની હતી. ટ્રેન ઉપડવાના સમયે ટી.સી. ગાડીમાં ચડ્યા. ટ્રેન ચાલુ થઈ. અજીજ કહેતો હતો, ‘તબિયત સંભાળજે. જખમ સાચવ. પત્ર મોકલજે.” ક્ષણભર થયું, સહુને ચિંતામાં નાખીને નાહક મુંબઈ જાઉં છું. હું પાછી નહિ આવું ત્યાં સુધી બાને જમવાનું, ઊંઘવાનું કાંઈ સૂઝનાર ન હતું. પણ કોલ્હાપુરમાં અન્ય અપંગો માટે રમતસ્પર્ધામાં પ્રવેશ મેળવવાનો હતો.

ટી.સી. જૉનને કહેતા હતા. આ ડબો અંબરનાથ ઊભો રહેતો નથી. મિરજમાં ડબો બદલી નાખો. મિરજમાં ગાડી કેવળ અર્ધો કલાક રોકાય છે. મને વ્હીલચેર અને સામાનસહિત બીજા ડબ્બામાં ફેરવવાની. તેય એકલા જૉને. મનમાં ચિંતા જાગી. મિરજમાં બીજા ડબામાં બેઠા સિવાય (બેસવાને બદલે ઊંઘ્યા સિવાય કહેવું યોગ્ય હતું. કારણ હું બધા પ્રવાસ ઊંઘીને કરું છું. ત્યારે શરીરમાં તાકાત હતી. થ્રી ટાયરમાં પ્રવાસ કરતી હતી) મનની અસ્વસ્થતા ઓછી થનાર ન હતી.

મિરજ આવતાં જ જૉને પહેલા સામાન, પછી વ્હીલચેર અને પછી મને ઊંચકીને પ્લૅટફૉર્મ પર વ્હીલચેર પર ગોઠવી. બીજા ડબામાં ચડાવી. તો મિરજના ટી.સી.એ “આ ડબામાં બેસી શકાશે નહિ. પહેલા ડબામાંથી ઉતર્યા જ શા માટે.” કહીને અમને નીચે ઉતાર્યા. કોલ્હાપુરના ટી.સી.

નીકળી ગયા હતા. જૉને માંડમાંડ મને ફરી એ ગિર્દીમાં પહેલા ડબ્બામાં બેસાડી અને ગાડી ચાલી. સદ્‌ભાગ્યે હું પડી નહિ. જૉનને થઈ રહેલ ત્રાસ જોઈને મારી જીદ બદલ દિલગીરી થતી હતી. બેસાડેલ જગા પરથી પાછી ઊંચકવાનો વારો આવ્યો નહિ. જેમની એ બર્થ હતી એ સદ્‌ગૃહસ્થે પોતે જ મારી બર્થ પર જવાની તૈયારી દર્શાવી. હંમેશની જેમ ટી.સી. વ્હીલચેરનું લગેજ પૂછવા લાગ્યો. બાબુકાકાએ આપેલ રેલવે બોર્ડના પરિપત્રની અને ટી.સી. અપંગ પ્રવાસીઓને તેમના અજ્ઞાનનો ફાયદો લઈને કેવો ત્રાસ આપે છે. આ સંબંધે બાબુકાકાએ રેલવે બોર્ડને લખેલ પત્રની કોપી ટી.સી.ને બતાવ્યા પછી એ ચૂપ બેઠા.

અમારો ડબો અંબરનાથ ઊભો રહેશે નહીં એ શંકા હતી. રાત્રીના જમણની ઇચ્છા મરી પરવારી હતી. પણ બાએ ડબો આપેલો હતો અને ખાસ કરીને જૉન માટે જમવું આવશ્યક હતું. પણ જૉન જરા સરખું જમ્યો નહિ. ખૂબ ઠંડી હોવા છતાં અંબરનાથ આવ્યાની ખબર પડે એટલે બારી ઉઘાડી રાખી. અંગે ગરમ કોટ પહેર્યો. માથા પર પાલવ વીંટાળી દીધો. અંબરનાથ પાસે આવતાં જ જૉન સઘળો સામાન બારણા પાસે લઈ ગયો. પણ હાય રે નસીબ. ટ્રેન ધાડ્‌ ધાડ્‌ કરતી આગળ જ ચાલી. હવે માત્ર હું પૂરતી ફફડી ગઈ. ટ્રેનના અવાજ કરતાં જોરથી મારું હૃદય ધડધડી રહ્યું છે એમ લાગ્યું. અમારી ટિકિટ અંબરનાથ સુધીની હતી અને મુંબઈમાં રેહાનાના ઘરે રેહાના ન હતી. મારું શું થશે ? મારાથી ખૂબ નાની એવી મારી મસિયાઈબહેન આસિફા મને હંમેશા કહેતી, “તારે મદદનીશની જરૂર હોય તો મને બોલાવ.” એ બોમ્બે સેન્ટ્રલે તેની મોટી બહેન પાસે સહજ આવી હતી. એ યાદ આવ્યું અને તેને બોલાવી લેવાનું નક્કી કર્યું.

દાદર ઊતર્યાં. દંડ ભરીને સ્ટેશન બહાર નીકળ્યાં. લોકલ ટેલિફોન બૂથ પરથી ભાઈસાબને ફોન જોડ્યો પણ લાગ્યો નહિ. છેવટે અલ્લાનું નામ લઈને ટૅક્સીમાં બેઠાં અને ખાર જવા નીકળ્યાં. રેહાનાનું ઘર મને કેવી રીતે મળી ગયું એ આશ્ચર્ય જ હતું. કારણ કોલ્હાપુરની શુક્રવાર બજારમાંનું રજનીનું ઘર હજુય મને મળતું નથી. ટૅક્સીવાળો ભળતા જ પૈસા માગવા લાગ્યો. જૉનને ઉપરથી ભાઈસાબને બોલાવવા કહ્યું. ભાઈસાહેબને હું અંબરનાથ ન જતાં અહીં આવી એ વાતે વિશ્વાસ જ બેસતો ન હતો. તેમને જોતાં જ ટૅકસીવાળાએ પૈસા ઓછા કર્યાં. ભાઈસાહેબે જ પૈસા આપ્યા અને પોતે મને બન્ને હાથ પર ઊંચકીને ચાર મજલા ચડ્યા.

ભાઈસાહેબે મને રૂમમાં બેસાડીને મશ્કરીમાં કહ્યું, “શું થયું ? બહેન અહીં ન હતી એટલે આવવાની નહોતી ને ? કેવી સજા મળી...!” હું મજાકના મૂડમાં નહોતી. કહ્યું, “જૉનને પૂછો અને પહેલા મને પલંગ પર ઊંઘાડો. હું ખૂબ થાકી ગઈ છું.” મારું આખુંય શરીર દુખતું હતું. ઘણુંખરું તાવ પણ હતો. પરંતુ કાંઈક અણબનાવ થયો છે એમ જાણીને તેમણે મને પલંગ પર સુવાડી અને પોતાના મસિયાઈભાઈ બાદશાહજાનનાં પત્ની ભાભી પાસેથી જોઈએ તે મદદ લે, સંકોચ કરીશ નહિ એમ કહીને બહાર ગયા. મેં ફક્ત મોં ધોવા પાણી લીધું અને ભાભીનેય બહાર મોકલ્યાં. હું કપડા બદલવા ઉતાવળી થઈ હતી. કારણ દઝાયેલા ઠેકાણે પાણી દ્રવીને કપડા ચોંટી ગયાનું મને અનુભવાતું હતું. પ્રવાસમાં એક વખત ઊંઘી ગયા પછી કાંઈ હાલચાલ થશે નહિ એમ લાગ્યું હતું. પણ તે દૃષ્ટિએ ખૂબ હાલચાલ થઈ હતી. સાડી બદલીને ગાઉન પહેર્યો. જખમ જોયા પછી આંખે અંધારાં જ આવ્યાં. ગળામાં ડૂસકું આવ્યું. અત્યાર સુધી રાખેલી હિંમત પૂરી થઈ. કેટલાક ઠેકાણે નવા ફોડલા ઊઠ્યા હતા. તો કેટલાક ઠેકાણે ચામડી છોલાઈ ગઈ હતી. પર્સમાંથી ટ્યૂબ કાઢીને થરથરતા હાથે અરીસામાં જોતાં દવા લગાવી અને અશ્રુઓનો માર્ગ મોકળો કરી આપ્યો. ભગવાનને કહ્યું, “શેની શેની પરીક્ષા લેશો ? હવે પૂરું કર આ સંકટ !” મનનો આ અજંપો કોઈનેય કહી શકાય એમ નહોતો.

“અંદર આવું કે ?” એવો ભાભીનો અવાજ સાંભળ્યો અને આંખો લૂછી નાખી. તેમણે આપેલ પાણીથી હાથ ધોયા. નાસ્તાનો આગ્રહ કરવાને કારણે જેમતેમ બે કોળિયાખાધા અને આસિફાને બોલાવી લેવાની ભાઈસાબને વિનંતી કરી. કારણ ફક્ત હાથના જોર પર શરીરની સઘળી હાલચાલ હોવાથી બેસવાની જગા પરના જખમોની કાળજી લેવી મને ફાવે એમ ન હતી. આસિફા મારાથી ખૂબ નાની હતી. પણ તેની પાસેથી સેવા કરાવી લેવા સિવાય આરો ન હતો.

અંબરનાથના કાકા હું ત્યાં ન પહોંચવાને કારણે ખુબ અસ્વસ્થ હતા. કોલ્હાપુર ફોન કરતાં પહેલાં તેમણે ભાઈસાબને હું આવી નથી એ જણાવવા માટે ફોન કર્યો અને હું ત્યાં છું એ જાણતાં જ તેમને હાશ થઈ. બપોરે ચાર વાગે ભાઈસાબ આસિફાને લઈને આવતાં સુધી હું અસ્વસ્થ હતી. ભાઈસાહેબે ઑફિસે જતાં ફોન મારા હાથમાં મૂક્યો, જ્યોર બાદશાહ ભાઈજાને ટેપ મારા ઓશીકે મૂક્યું. ભાભીએ બપોરે આગ્રહપૂર્વક ગરમ ખાવાનું ખાવા ફરજ પાડી. સર્વેનો અપાર પ્રેમ મને હંમેશાં આમ જ મળે છે અને પછી સંકટનો સામનો કરવા બળ મળે છે.

આસિફને એકલી રૂમમાં લઈ જઈને મેં કહ્યું, “તારી પાસેથી મારે એક પ્રોમીસ જોઈએ છે. તું હા કહે.” તેણે ‘હા’ કહ્યા પછી દરવાજા બંધ કરવાનો કહીને મેં તેને પાસે બોલાવી. “આ જો, હું દાઝી ગઈ છું. પણ કાલની મિટિંગમાંથી પાછા આવતાં સુધી કોઈને આ કહેવાનું નથી. નહીં તો જે મિટિંગ માટે હું આટલા દૂરથી આવી છું તે મિટિંગમાં મને જવા દેશે નહિ.” જખમ જોયા પછી એ આનાકાની કરતા તૈયાર થઈ. કહ્યું, “પહેલા તમને વ્યવસ્થિત મલમ લગાવી આપું.” પછી સ્પંજ બાથ આપીને તેણે મલમ લગાવ્યો. પણ નવા ફૂટેલા ફોડલા ફોડતાં તેનો હાથ ચાલતો ન હતો. અંતે મેં જ સોય હાથમાં લીધી અને તે ફોડલા ફોડ્યા. તેણે પાણી કાઢી નાખ્યું અને મલમ લગાવ્યો. વાળ હોળીને પાવડર લગાવ્યા પછી જરા મને તાજગી અનુભવાઈ. હું પલંગ પર જ ઓશીકાને ટકવીને થોડો વખત ચૂપ બેસી રહી. ભાઈસાબ, ભાભી, આસિફા સહુ ગપ્પાં મારતાં બેઠાં. ભાઈસાબ કહેવા લાગ્યા, “આસિફા આવ્યા પછી આને આનંદ થયો. નહિ તો જાણે અમે કાંઈ કર્યું જ ન હોત.” ભાભીએ પ્રેમપૂર્વક ફરિયાદ કરી. “જુઓને ! સવારથી કેટલી વખત પૂછ્યું. તમારે કાંઈ કરવું હોય તો મને કહો. શું કરવાનું હોય છે, એની કલ્પ્ના ન હોવાથી પૂછ્યું તો મોઢે તાળું લગાવીને બેઠાં.” સહુનો મારી પરનો પ્રેમ જોઈને અમસ્તા આંખો ભરાઈ આવી હોય એમ લાગ્યું. ભાઈસાબને એ ખબર પડી ગઈ કે કોણ જાણે કેમ વિષય બદલતાં તેમણે એક સાડી મારા હાથમાં આપી અને પૂછ્યું, “ગમી કે ? હું બાપ થયો તેની !” સાડી સુંદર હતી. પછી રેહાના માટે લાવેલ સાડીઓ પણ બતાવી. બીજા દિવસે તે દીકરાને જોવા કોલ્હાપુર જવાના હતા.

બીજા દિવસે નક્કી થયેલા સમયે બેઠક મળી. કોલ્હાપુરના ખેલાડીઓને પરવાનગી મળી. ‘ઓલ ઇન્ડિયા ફેડરેશન ઑફ સ્પોર્ટસ્‌ એન્ડ રીહેબિલિટેશન ફોર પૅરાપ્લેજિક’ના એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર તરીકે મારી વરણી થઈ. શ્રી વિજય મરચન્ટ, અધ્યક્ષ શ્રી મસાલાવાલા અને બાબુકાકા સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવ્યા. સહુ ફરી એક વખત મળ્યા એનો આનંદ હતો. શ્રી વિજય મરચન્ટ પહેલી વારની જેમ જ પ્રેમપૂર્વક પાસે આવીને મળ્યા.

થાકીને ઘરે આવી અને રેડિયો ચાલુ કર્યો. તો “ગમ કી અંધેરી રામ મેં, દિલ કો ના બેકરાર કર, સુબહ જરૂર આયેગી, સુબહ કા ઇન્તજાર કર” સાર્થક ગીત વાગી રહ્યું હતું. ભાઈસાબને ફોન કરીને જણાવ્યું દાઝી ગઈ છું અને મારે ડૉક્ટર પાસે જવું છે. આ મેં અત્યાર સુધી કેમ છુપાવ્યું તેથી મને ધમકાવીને ઑફિસેથી આવતાં તે ડૉક્ટરને લઈ આવ્યા. ડૉક્ટરે ઇન્જેક્શન, દવા આપી.

રમતો નજીકમાં જ હતી. કોલ્હાપુર આવ-જા કરીશ નહિ. એવી ડૉક્ટરોએ આપેલી સલાહ, મેં સ્વીકારી. પત્ર મોકલીને ત્યાં ખેલાડીઓને બોલાવી લીધા અને મેડલ્સસહિત કોલ્હાપુર પાછા ફરી. જખમને પૂર્ણ રુઝ આવતાં બે મહિના લાગ્યા. પણ હું આઠ દિવસથી વધુ પથારીમાં ઊંઘી રહી નહિ. સઘળા રોગો પર કામ કરવું રામબાણ ઔષધ બીજું કોઈ જ નહિ હોય.

બાબુકાકાની પ્રેરણાને કારણે અનેક અપંગોની ઓળખાણ થઈ. નાનાસાહેબ ગદ્રે, બાપુસાહેબ વાલાવલકર, વસંતરાવ શિરગાવકર, ડૉ. ગજાનન જાધવ, બાળાસાહેબ જનવાડકર, મોતીભાઈ દોશી જેવા સમાજના પ્રતિષ્ઠિત લોકોને એકત્રિત કરીને ‘અપંગ સહાયક સંસ્થા’નું બંધારણ તૈયાર કરવામાં આવ્યું. સંસ્થાના પહેલા જ ખજાનચીએ બાબુકાકાએ પોતાના પરિશ્રમની કમાણીમાંથી આપેલ દાન બૅન્કમાં ખાતું ખોલાવીને ન મૂકતાં પોતાના વ્યક્તિગત ખર્ચ માટે ખર્ચ કર્યો અને ભગવાનને ધામ જવા નીકળી ગયા.

આમાં ૧૯૭૪-૭પ એમ બે વર્ષ પસાર થઈ ગયાં. સંસ્થાના બંધારણનું વાચન કેળવકરના બંગલામાં અમારા જ ઘરે કરવામાં આવ્યું. મોટામોટા લોકો ઘરે આવ્યા. બાએ ઉત્સાહભેર ચાપાણીની વ્યવસ્થા કરી. સહુથી છેલ્લે સમિતિના સદસ્યોનાં નામો પસંદ કરતી વખતે હું વયે અને અનુભવમાં નાની હોવાથી મને બાકાત રાખવામાં આવી. રજની કરકરે, રાનડે, પાટણકર, ભોસલે જેવા અપંગો અને ઉપર ઉલ્લેખ કરેલ માન્યવર અને પહેલી જ વખત આવેલા શ્રી ગોખલેની સમિતિ નીમવામાં આવી. સચિવના હોદ્દાની રૂએ સઘળા દસ્તાવેજો શ્રી ગોખલેને સુપ્રત કરવામાં આવ્યા. હવે સંસ્થા રજિસ્ટર થઈને પછી તેનું પ્રશિક્ષણ કેન્દ્ર શરૂ થવાનું હતું. હું પોતે તે કેન્દ્રની જવાબદારી લેવાની હતી. ‘રોટરી’ અમને તેમની બ્લડબૅંક પાસેના હૉલમાં જગા વાપરવા આપવાની હતી. શ્રી નાનાસાહેબ ગદ્રેને અધ્યક્ષ,બાપુસાહેબ વાલાવલકરને ઉપાધ્યાક્ષ અને શ્રી વસંતરાવ શિરગાંવકરને ખજાનચી બનાવવામાં આવ્યા.

બેઠક પૂરી થતાં સહુકોઈ ઘેર ગયા પછી મેં બાબુકાકાને સઘળા સમાચાર આપ્યા. ઝડપથી પ્રશિક્ષણ કેન્દ્ર શરૂ કરવાની દૃષ્ટિએ હું સરકારના લઘુઉદ્યોગ કેન્દ્રના કાર્યાલયમાં જઈને માહિતી મેળવનાર હોવાનું જણાવ્યું. સંસ્થાના કાર્ય માટે વૈયક્તિક પૈસાની પણ આવશ્યકતા છે એ લક્ષ્યમાં આવતાં જ હું ટ્યૂશન્સ, ક્રોશના રૂમાલ, સિલાઈ કરીને થોડુંઘણું કમાવા લાગી. નોકરી માટેય પ્રયત્ન શરૂ કર્યા હોવાના સમાચાર પણ બાબુકાકાને પત્રમાં જણાવ્યા. ઇંગ્લૅન્ડના પ્રવાસની વાતો તો પહેલાં જ જણાવી હતી. કેથેટરને કારણે ઘરબહાર કોઈકને સાથે લઈ જવા પડે છે. પૂર્વેની વ્હીલચેર મોટી હોવાથી ટૅક્સી સિવાય વિકલ્પ ન હતો. પણ હવે નવી વ્હીલચેર રિક્ષામાં રહેતી હતી. વખતોવખત એકલીય જવા લાગી. રિક્ષામાં જાતે ઊઠવા-બેસવાને કારણે પગના સ્પૅઝમ ઓછા થયા. અવારનવાર બેડસોઅર્સ પીડા આપતા જ હતા. પગની હાલચાલ માટે બા પાસે કસરત કરાવવાનું બંધ કર્યું. એ જ વખતે બાબુકાકાને બ્લેડર કૅન્સર થયાનું જાણ્યું અને કાંઈ સૂઝતું ના હોય એવી દશા થઈ.

બાબુકાકાને મારો પત્ર મળતાં જ ક્યારેય નહિ તે વળતી ટપાલે જવાબ આવ્યો. અન્યથા મારા બે-ચાર પત્રો ગયા પછી તેમનો એક પત્ર આવતો. એ પણ રાતે બાર-બે વાગે લખેલો. પત્ર પરનો સમય જોઈએ કે તેમને પત્ર લખીને ત્રાસ આપવો નહિ એવુંય મનમાં થતું. પણ રહેવાતું ન હતું. બાબુકાકાને લાગ્યું કે ભૂલથી સમિતિ સદસ્યોની યાદીમાં મારું નામ લખવાનું રહી ગયું છે. તેમનો પત્ર મળતાં જ રાતે આઠ વાગે અમારા ઘર પાસે આવેલ હોટેલ વુડલેન્ડમાંથી મારે તેમને ફોન કરવો એવી એમની સૂચના હોવાથી મેં રાતે ફોન કર્યો. બાબુકાકાનો અવાજ સાંભળતાં ખૂબ સારું લાગ્યું હતું. હું સમિતિમાં નથી એની પર તેમને વિશ્વાસ બેસતો ન હતો. મેં તેમને કહ્યું, “હું પ્રશિક્ષણ કેન્દ્ર ચલાવવાની છું.” રજનીએ પોતાને સ્થાને મને લો ‘નસીમ જેવું મને કામ ફાવશે નહિ તેની જ સઘળી મથામણ છે’ એવું બેઠકમાં બોલ્યાનુંય મેં બાબુકાકાને કહ્યું. પણ સર્વેનો એક જ મત કે હું નાની છું. સમિતિમાં ન હોવા છતાં મને કાંઈ ફરક પડનાર ન હતો. સહુની સાથે સંપર્ક સાધીને બાબુકાકા હવે પછી જ્યારે કોલ્હાપુર આવશે ત્યારે ‘વ્યવસાય પુનર્વસન કેન્દ્ર’ ચાલુ હશે. ત્યાં જ તે આવશે. એવું આશ્વાસન મેં તેમને આપ્યું. એ પૂણે કેમોથેરપી માટે જઈ રહ્યા છે ત્યારે બાળ જનવાડકરની ગાડીમાં મિરજ રેલવે સ્ટેશને રજની અને મારે આવવું. એ બાબુકાકાના આગ્રહને નકારવો શક્ય જ નહોતો. તે સમયના બાબુકાકાનું અસ્પષ્ટ ઉચ્ચારાયેલ વાક્ય હજુય મને સાંભરે છે અને આશ્ચર્ય થાય છે. “તું બ્રાહ્મણ નથી તે કારણે તો આમ થયું નથી ને ?” મેં સ્પષ્ટપણે ના કહી. કારણ તેમ હોત તો સમિતિએ પ્રશિક્ષણ કેન્દ્રની જવાબદારી મારી પર નાખી જ ન હોત.

મિરજ થઈ કૃશ બાબુકાકાને મળી આવ્યાં. આગલા વર્ષે સમિતિમાં નસીમાને લેવી જ જોઈએ એ લગભગ આજ્ઞા જ તેમણે જનાવડકરને અને રજનીને આપી. કોલ્હાપુરમાં અપંગો માટે પ્રશિક્ષણ કેન્દ્ર અને કોલ્હાપુરમાં અપંગ રમતગમત સ્પર્ધા આ બે બાબુકાકાની ઇચ્છા તેમની હયાતીમાં આપણે પૂરી કરવી એ નિશ્ચય સાથે હું કામમાં ગૂંથાઈ. મારે માગવું અને શ્રી વસંતમામાએ તે પહોંચાડવું એમ થયા પછી પ્રશિક્ષણ કેન્દ્ર શરૂ થતાં સમય લાગ્યો નહિ. ચોક બનાવવા, કાર્ડબોર્ડનાં બૉક્સ બનાવવાં, પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિઓ બનાવવી જેવાં કામો લઘુઉદ્યોગ કેન્દ્રમાં હું જાતે શીખી આવી અને અપંગો દ્વારા કરાવવાનું શરૂ કર્યું. પાંચ અપંગો સાથે કામ શરૂ કર્યું. પ્લાસ્ટર ઑફ પૅરિસ બીબામાં ઢાળવાના કામ માટે, બીબાને તેલ લગાવીને તેને ઉઘાડ-બંધ કરવા માટે, સુકાવવા પેડિંગ અને કાર્ડબોર્ડ બૉક્સ બનાવવા માટે પ્રત્યેક એક એવાં કામો અપંગત્વ અનુસાર વહેંચી દીધાં અને અમારું પ્રશિક્ષણ કેન્દ્ર શરૂ થયું.

પરંતુ પ્રશિક્ષણ કેન્દ્રમાં હું હાજર હોઉં તો વધુ ઉત્પાદન થતું. પીઠ ફરતં જ બીડીઓ પીવી, તમાકુ ખાવાનું શરૂ થતું, સર્વેની માનસિક વૃત્તિમાં બદલાવ લાવવાનો મારો પ્રયત્ન હતો. પણ તે સાથે ધ્યાને આવતું હતું કે મોટી વયે સંસ્કાર ઘડવા મુશ્કેલ છે. શસ્ત્રક્રિયા કરીને અપંગત્વની તીવ્રતા ઘટાડવીય અશક્ય હોય છે અને કામની આદત પાડવી કપરી જ ! ફક્ત બંડોપંત મોરે અને લક્ષ્મીતાઈ જાધવ મનથી કામ કરતા હતા. મારા માગ્યા વગર મને દોઢસો રૂપિયા માનદ વેતન મળવા લાગ્યું.

૧૯૭પમાં આઠ ફેબ્રુઆરીના રોજ પ્રશિક્ષણ કેન્દ્રની શરૂઆત થઈ. દોઢસો પૈકી પચાસ રૂપિયા મને ઘેર લાવવા-લઈ જવાનું કામ કરનાર મદદનીશને હું આપતી હતી. મારી ઇચ્છા હતી કે મને લઈ જવા-લાવવાનું કામ એક અંધ વ્યક્તિને આપવું. બે વખત અમે પ્રયત્ન પણ કર્યો હતો. સફળતાપૂર્વક આવ્યાં-ગયાં. એ વ્હીલચેર ધકેલતો અને હું દિશા, પથ્થર, ખાડા ક્યાં છે એ કહીને હાથેથી દિશા બદલતી. મારા આ પ્રયોગને બાએ સ્પષ્ટ નકાર આપ્યો. થોડા જ દિવસમાં હું કિરણ બંગલા પાસેના અમારા ઘરથી શાહૂ બ્લડબૅંક સુધી એટલે કે અમારા પ્રશિક્ષણ કેન્દ્ર સુધી ઢાળ હોવાથી એકલી જ જવા લાગી. પાછા વળતાં એક વખત માટે બાઈ રાખી.

એક વખત એક બાજુ લકવો થયેલ જાધવબાઈ પોતાના છ વર્ષના રાજુ નામના બાળક સાથે સેન્ટરમાં આવીને કામ આપવા કહ્યું. એ ચાળીસ વર્ષનાં પ્રથમ મહિલા તાલીમાર્થી હતાં. મનથી કામ કરતાં હતાં. રાત્રે ઝાડ હેઠળ ચૂલો સળગાવીને રસોઈ બનાવતાં. સુકુમાર નામની એક અનાથ માનસિક વિકલાંગ તરુણી થોડા દિવસમાં તેની સાથે તેને મદદ કરીને રહેવા લાગી. ચોમાસામાં તેમની રસોઈ બંધ થઈ. બાને મેં વિનંતી કરી. આપણું ઘર મોટું છે. ફક્ત ચોમાસા પૂરતાં એ ત્રણેને ઘેર રાખીએ. સુકુમાર તમને ધોવા, વાસણમાં મદદ કરશે. રાજુ શાળાએ જવા લાગ્યો. જાધવમાસી ટ્રેનિંગ સેન્ટરમાં કામે. પ્રશ્ન કેવળ રાતે ઊંઘવાનો જ હતો. બાએ મને સમજાવી. એ શક્ય નથી. આપણે બે વખત જમવાનું ટિફિન આપીશું એમ તેમણે કહ્યું. જૂની એક ચાદર, રાજુને કપડાં સઘળું બાએ આપ્યું. લગભગ ત્રણ-ચાર મહિના બાએ જાધવમાસી માટે ત્રણ જણનું જમવાનું મોકલાવ્યું હતું.

ત્યાર બાદ દિવાળીની રજાઓમાં બાબુકાકા કોલ્હાપુર આવ્યા. ફક્ત એક જ વખત બાબુકાકા પ્રશિક્ષણ કેન્દ્રમાં આવ્યા. તે બીમાર જ હતા. તેમને કેન્દ્ર બતાવતા ખૂબ આંદ થતો હતો. દર મહિને એ પાંચછ પ્રશિક્ષણાર્થીઓને વિદ્યાવેતન આપતાં, જાતમહેનતની કમાણી મેળવતાં થનારો આનંદ જોઈને મને ખૂબ સંતોષ થતો હતો. પણ ફક્ત ચોક, મૂર્તિ પર પેટ ભરી શકાય એમ ન હતું. તે માટે ઑફિસ ફાઈલ્સ બનાવીને સઘળી ઑફિસોને પહોંચાડવાનો વિચાર મેં બાબુકાકાને જણાવતાં જ એ તેમને ખૂબ ગમ્યો. તેની મશીનરી અને કાચા માલની માહિતી મેળવવાનાં ઠેકાણાં, નામ અને સરનામાં સાથે મેં મેળવ્યાં હતાં. કોલ્હાપુરમાં હવે ખૂબ જ જલદી અપંગ રમતસ્પર્ધા યોજીને તે વખતે સ્મરણિકા કઢાવી અને જાહેરાતો મેળવીને રમતસ્પર્ધામાંથી જે પૈસા વધે તેમાંથી ઑફિસ ફાઇલ્સનું એક યુનિટ શરૂ કરવુ...મારા મનના સઘળા વિચાર હું બાબુકાકાને સંભળાવતી હતી અને બાબુકાકાની નજર મને શાબાશી આપતી હોવાનું જોઈને મારો ઉત્સાહ દ્વિગુણિત થતો હતો.

બાબુકાકા કોલ્હાપુર હતા. એ આખોય મહિનો હું રોજ મારા બપોરના જમવાનો ડબો લઈને તેમના ઘરે જતી હતી. તેમને રોજ તાવ આવતો હતો. તેમની સાથે જમીને પાછા પ્રશિક્ષણ કેન્દ્ર અને સાંજે સાડાપાંચ વાગ્યે વળી તેમનું ઘર આવે મારો રોજિંદો ક્રમ હતો. તેમની બા અથવા તે સાત-આઠ વાગ્યે “હવે ઘરે જા તારી બા રાહ જોતી હશે.” એમ કહ્યા પછી નિરૂપાય હું ઘરે જતી હતી. સાથે તે આગ્રહપૂર્વક તેમનો મદદનીશ આપતા. કેમોથેરપી લઈને આવ્યા હોવાથી તેમના શરીરંમા બળતરા થતી હતી. રૂમમાં પંખો ન હતો. ન રહેવાતાં મેં ત્યાં ટેબલ ફેનની વ્યવસ્થા કરી. ડૉક્ટરોએ રોજ નોન-વેજ સૂપ લેવા કહ્યું હતું. તેમના ઘરે તે શક્ય જ ન હતું. મેં ઘરે આ મુશ્કેલી જણાવતાં અમારી બાએ જાતે જ કહ્યું, “આપણે આપીશું. કયા સમયે જોઈએ ? ત્યારે તેમના મદદનીશને આવવા જણાવ. કારણ તારા સવારે જવાના સમયે આપીશું તો તે તેઓને ઠંડું પીવું પડશે.” ખરું તો દિવસમાં બે વખત તેમને શક્તિવર્ધક સૂપની આવશ્યકતા હતી. વળી બા આગળ મારી જીદ. “બા પ્લીઝ ! થોડા દિવસ આપણે બાબુકાકાને આપણા ઘરે લાવીએ.” નિરુપાય બાએ મને સમાજના રીતિરિવાજ કહ્યા. મારા મનમાં આવ્યું. હું અપંગ થઈને રાતદિવસ પથારીમાં પડી હતી ત્યારે આ સમાજ મારા પ્રશ્ન ઉકેલવા આવ્યો હતો કે ? તો આ સમાજને અમારી બાબતમાં નિયમ બનાવવાના શા અધિકાર છે ?... મનમાં રોષ, ચીડ, અસહાયતા છવાઈ ગઈ. પણ ઉપાય ન હતો ! બાબુકાકાનો સહવાસ ન જાણે વધુ કેટલા દિવસ છે એ વિચારે મારા રોજ તેમના ઘરેથી પાછા ફરવાના સમયમાં વધારો થવા લાગ્યો. રાતે નવ સુધીમાં આવું છતાં બા મને સમજતી.

બાબુકાકા બેંગ્લોર પાછા ફર્યા અને આખું કોલ્હાપુર મને સૂનું સૂનું લાગવા લાગ્યું. પ્રશિક્ષણ કેન્દ્રશરૂ થયા પછી બહેનપણીઓમાં મન ગોઠતું ન હતું. અપંગ સહાયક સંસ્થાની સમિતિ સમક્ષ મેં મારી યોજના રજૂ કરી. અપંગ રમતસ્પર્ધા સ્મરણિકા અને ફાઇલ્સ બનાવવાનું યુનિટ આ બધું ફેબ્રુઆરી ૧૯૭૬નાં રોજ ટ્રેઈનિંગ સેન્ટરના પહેલા સ્થાપના દિવસે કરવાનું. બાબુકાકાએ બેંગ્લોર મુકામે આયોજિત કરેલ રમતસ્પર્ધા નજીકથી જોઈ હતી. તેને કારણે યોજના વ્યવસ્થિત આંકી શકાઈ. પણ આશ્ચર્ય ! સંસ્થાએ નિર્ણય જણાવ્યો, “અપંગોની કેવી રમતસ્પર્ધા ? કોણ આવશે ? શું રમશે ? અને તે માટેના પૈસા ક્યાં છે ?” મને બેઠકમાં આમંત્રિત કરીને બોલવાની તક પણ આપવામાં આવી નહિ. હું માનદ વેતન લેનારી સુપરવાઈઝર એટલે સંસ્થાની માત્ર નોકર હતી. હું સમિતિમાં ન હોવાને કારણે બાબુકાકા આટલા અસ્વસ્થ શાને થયા હતા એનું કારણ તે દિવસે મને સમજાયું. માત્ર રજની કરકરે મને દરેક કાર્યમાં પૂરો સહકાર આપતી હતી. તેણે મને મેં વિચારવિનિમય કર્યો અને ઓળખીતા સર્વ અપંગોને એકત્રિત કરીને બેઠક બોલાવી. તેમની આગળ સઘળી યોજના મૂકી. ફક્ત તેમાં એટલો જ ફેરફાર કર્યો કે રમતસંસ્થા સ્થાપવી અને રમતસ્પર્ધા પછી પૈસા વધે તો તેમાંથી ફાઇલ્સ તૈયાર કરવાની મશીનરી લઈને તે અપંગ પુનર્વસન સંસ્થાના પ્રશિક્ષણ કેન્દ્રને આપવી. સહુને સમગ્ર યોજના ગમી અને ઉત્સાહભેર સહુ કોઈ કામે લાગ્યા. કામની વહેંચણી કરવામાં આવી. ઝડપથી કાગળ પરની યોજના સાક્ષાત્‌ સાકાર થવા લાગી.

સ્મરણિકાની સંપૂર્ણ જવાબદારી રજનીએ લીધી. ઝપાટાબંધ જાહેરાતો, લેખ મેળવ્યા. જમવાનું, નાસ્તો અનેક જણાએ આપવાનું સ્વીકાર્યું. આ નિમિત્તે દાન પણ ખૂબ મળ્યાં. ‘સર પિરાજીરાવ ઘાટગે ફિઝિકલ એજ્યુકેશન ચૅરિટેબલ ટ્રસ્ટ’ના ટ્રસ્ટી જનરલ થોરાત અને વિક્રમસિંહ ઘાટગેએ હું પ્રશિક્ષણ કેન્દ્રમાં કામ કરતી હતી ત્યાં આવીને પાંચ હજારનો ચેક લાવીને આપ્યો. અમારો ઉત્સાહ દ્વિગુણિત થયો. આ નક્કર પીઠબળને કારણે રમતસંસ્થાની તાકીદની બેઠક બોલાવીને આંતરરાષ્ટ્રીય સ્તરના અપંગ ખેલાડીઓને આમંત્રિત કરવા ઠરાવ્યું. પ્રાઇવેટ હાઈસ્કૂલે રહેવા માટે તેમની શાળા આપી. ત્યાં અપંગોને જોઈતી તમામ સુવિધા કરી આપવામાં આવી. પ્રાઇવેટ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ સ્વયંસેવકોનું કામ એટલું સુંદર કર્યું કે આવેલા પ્રત્યેક ખેલાડી તેમની સેવાને કારણે પ્રભાવિત થયા હતા. બાબુકાકાના ભાભી સૌ. ઇન્દુમતીબા દીવાને જમવાની, પીરસવાની જવાબદારી તેમના ‘વનિતા મહિલા મંડળ’ દ્વારા ઉઠાવી લીધી. આખુંય કોલ્હાપુર શહેર અપંગ રમતસ્પર્ધાથી પ્રભાવિત થયું. પૂણે, મુંબઈ, ગુજરાત, કર્ણાટક અનેક સ્થળોથી ખેલાડી આવ્યા. લશ્કરના જવાન પણ હતા. તેમના મેજર, કર્નલ પણ આવ્યા. જિલ્લાધિકારી આવ્યા. એક બે નહિ, રમતસ્પર્ધા નિમિત્તે સમાજને બસો અપંગ ખેલાડી એકસાથે જોવા મળ્યા. તેમની સમસ્યા, તેમનામાં રહેલા સુપ્ત ગુણ નિહાળીને પ્રત્યેકને આપણા સામાકિ ઓશિયાળાપણાનું ભાન થતું હતું.

ખાસબાગ મેદાન પર ૮, ૯ ફેબ્રુઆરી ૧૯૭૬ની થયેલ સ્પર્ધાની તસવીરો, સમાચાર દરેક વર્તમાનપત્રમાં પ્રથમ પાના પર ચમક્યા. પ્રત્યેકના મોઢે હતું, આવી વ્યવસ્થિત આયોજિત કરવામાં આવેલ સ્પર્ધા બેંગ્લોર પછી પહેલી જ હતી. બાબુકાકા સુધી બધા સમાચાર પહોંચતા હતા. તેમની હયાતીમાં આપણે કોલ્હાપુર જિલ્લાના અપંગોને એક નિરાળું અપંગોનું વિશ્વ બતાવી શક્યા એનો સંતોષ હતો. પ્રાઇવેટ હાઈસ્કૂલમાં છેવટના દિવસે મનોરંજન કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને હું કેટલીય રાત ઊંઘી ન શકવાને કારણે બિલકુલ અસહ્ય થતાં પલંગ પર અંદર અંધારામાં જ આડી પડી હતી. મને આગલા દિવસની રાત યાદ આવી...રાતે જમણ આટોપવામાં આવ્યું હતું. બધા ડ્રાઇવર્સ જમ્યા કે નહિ એની ચોકસાઈ કરી. ખેલાડીઓને બસસ્ટૅન્ડ, રેલવે સ્ટેશન પરથી રહેવાના સ્થળે લાવવા માટે અને રમતના મેદાન પર લઈ જવા-લાવવા માટે તેમજ કોલ્હાપુર દર્શન માટે લોકોએ વિશ્વાસપૂર્વક ડ્રાઇવર્સ સાથે અમારા તાબામાં ત્રણ ગાડીઓ ત્રણ દિવસ માટે આપી હતી. વાહન દેખરેખની જાવાબદારી ખાસ નીમવામાં આવેલી વ્યક્તિ પાસે હતી. ચોકસાઈ બાદ એક મેટાડોર અને ડ્રાઇવર ગાયબ હોવાનું જણાયું. ઇન્ચાર્જ પણ જગા પર ન હતો. સતત મારી સાથે રહીને મારા મદદનીશ તરીકે કામ કરનારા સુરેન્દ્ર માળીને મેં તે રાતે સાથે લીધો. રીક્ષા કરી અને છેક મધ્યરાત્રી સુધી કોલ્હાપુરની ગલી-શેરીઓમાં હું એ મેટાડોરને અને ડ્રાઇવરને શોધતી હતી. સ્વયંસેવક સાઇકલ અને સ્કૂટર દ્વારાય શોધતા હતા. અંતે એક સ્થળે દારૂ પીને તર થયેલો ડ્રાઇવર અને સુરક્ષિત ગાડી જોઈ ત્યારે મેં ભગવાનનો આભાર માન્યો. રાતે બે વાગે ગરમ પાણીની અને ઇતર વ્યવસ્થા માટે ઊઠવું પડ્યું હતું. વિચાર કરતા કરતાં આંખો ક્યારે લાગી ગઈ ખબર જ ન પડી.

જાગી ત્યારે પાસેની બારી બહાર કમત સમિતિના બે પુરુષો બોલી રહ્યા હતા... “વર્તમાનપત્રોમાં એ બે જણીઓના જ ફોટા અને બહુમાન. અમારી મહેનતની કોઈને ખબર જ નથી.” વાસ્તવમાં સ્પર્ધામાં અન્ય લોકોના આગ્રહવશ મેં અને રજનીએ ભાગ લીધો હતો અને અમે જીત્યાં હતાં. તેથી અમારા ફોટા આવ્યા હતા. કેટલા મૂર્ખ હતા એ! હું તો સર્વેને કેટલા અભિમાનથી કહેતી હતી કે અમે સર્વ અપંગોએ મળીને આ કર્યું છે. મને શરીરમાં તાવ પણ હતો. કેથેટરને કારણે સતત યૂરિન ઇન્ફેકશન રહેતું. હું ખૂબ જ અશક્ત થઈ હતી. એ બન્ને સદસ્યોને અંદર બોલાવીને વાત કરવાની શક્તિ પણ મારામાં ન હતી.

બીજા દિવસે ટીમોને કોલ્હાપુર દર્શન કરાવ્યાં. બધાં લોકો પાછા ગયા. પછી ગાદીઓ, ખુરશીઓ, વાસણો, કમોડ ઇત્યાદિ સઘળી વસ્તુઓ પરત કરવામાં ચાર-પાંચ દિવસ ગયા. મારી તબિયત જોઈને ખડકીના આર્મી ટેકિનકલ સ્કૂલના વ્યવસ્થાપક કર્નલ નિકલ્સને કહ્યું, “હું સ્પેશ્યલ કેસ, સોશ્યલ વર્કર તરીકે તમને આર્મી હૉસ્પિટલમાં પ્રવેશ મેળવી આપીશ. ત્યાં આવો. કેથેટરનો સતત ઉપયોગ યોગ્ય નથી. ઇન્ફેક્શનથી માણસ મૃત્યુય પામે અને તમારે તો ખૂબ કામ કરવું છે.” યૂરિન એટલે રક્ત જેવો જ થતો હતો. કિડનીના એક્સ-રે પડાવી લેવા જેવા હતા. ઘરનાઓ પર ખર્ચનો ભાર આવે નહિ એટલે મેં ત્વરિત હાભી અને ફેબ્રુઆરીના અંતે ખડકીમાં દાખલ થઈ.

અદેખાઈથી સળગી ઊઠેલ રમત સમિતિને સમજાવવાની તક મને આ માંદગીને કારણે મળી નહિ. જમવાનો કૉન્ટ્રાક્ટ જેમને આપ્યો હતો તેમના પૂરા પૈસા સમિતિ આપવા તૈયાર ન હતી. કારણ તો ઓર્ડર કરતાં વધુ બીલ છે. એકાએક ગામેગામથી કેટલાક વધુ ખેલાડીઓનાં આવવાથી તેમને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેને કારણે ખર્ચ વધનાર જ હતો. હું એ બેઠકમાં ન હતી. તાવને કારણે ઘરે ઊંઘી ગઈ હતી. એ બેઠકમાં મારામારી સુધી વાત પહોંચી હોવાનું જાણ્યું. બીજા દિવસે ખજાનચી પાસેથી જેટલો ઓર્ડર સમિતિની માન્યતાનુસાર આપ્યો હતો તેટલો ચેક હાથમાં લીધો. બાકીના પૈસા બા-મામા પાસેથી લીધા અને એ જમણના કોન્ટ્રાક્ટરને આપી આવી. મારા પૈસા એ લેતા ન હતા. એ ચાંડાળ ચોકડી પાસેથી વસૂલ કરવાના છે એ હું કરીશ કહ્યું. તેમને મેં સમજાવ્યા કે ભાઈ એ રમતસ્પર્ધાની હું અધ્યક્ષા છું. આ મારું અપંગોના ભાવિ માટે કર્તવ્ય છે. રજનીને આ ખર પડતાં જ મેં આપેલા પૈસા પૈકી અડધા પૈસા એ લઈને આવી અને આગ્રપૂર્વક તેણે મને એ લઈ લેવા ફરજ પાડી.

આ રમતસ્પર્ધામાં નાવલી(પન્હાળા)ના બન્ને હાથ અને પગ વગરના ભગવાન પાટીલે ભાગ લીધો હતો. અભ્યાસ કાંઈ જ ન હતો. એ એકાદ માછલીની જેમ તર્યો અને સાદી બે પૈડાંવાળી સાઇકલ ચલાવી. તેનાં બન્ને હાથ કોણીનીય ઉપરથી ન હતા. બંને પગ ઘૂંટણથી ન હતા. ત્યારબાદ એ પૅરાઑલિમ્પિક માટે પરદેશ પણ જઈ આવ્યો. તેના ગામે એ દારૂ વેચવાનો ધંધો કરતો હતો. પીનારાના પરિવારને અસ્તવ્યસ્ત કરનારો ધંધો શા માટે કરે છે એમ પૂછતાં તેનો જવાબ હતો, “પછી પેટ કેવી રીતે ભરું ? બીજો કોઈ પણ ધંધો એ ગામમાં ચાલે એમ નથી.” પરદેશ જઈ આવ્યા પછી એને જિલ્લા પરિષદમાં સિપાહીની નોકરી લાગી અને તરત જ લગ્ન માટે છોકરી પણ મળી. લગ્ન કરીને હવે એ માનભેર જીવી રહ્યો છે.

હું અને અજીજી પુણે પહોંચ્યા, ત્યારે પૅરાપ્લેજિક હોમના કેટલાક ખેલાડીઓ મને લેવા સ્ટેશન પર આવેલા એ જોઈને આશ્ચર્ય થયું. આનંદ પણ થયો. હૉસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરી લીધી. શરીરમાં તાવ હતો

જ. જે ત્યાં નોકરીમાં હતા તેમનું નામ મારા પાલક તરીકે લખાવ્યું. તેમને મેસના પૈસા આપીને અજીજ પાછો વળ્યો. ઘરમૂકીને આમ એકલાં રહેવાનો જીવનમાં પહેલો જ પ્રસંગ. બપોરે વિદેશથી વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરીને આવેલા પૅરાપ્લેજિક સ્પેશિયાલિસ્ટ કર્નલ ડૉક્ટર ચહાલ રાઉન્ડમાં આવ્યા. અને મારો યૂરિન હજુ તપાસવા મોકલ્યો ન હોવાથી ત્યાંના સાથી કર્મચારીઓ પર ખૂબ ગુસ્સે થયા. બીમાર આટલા દૂરથી ઘરબાર મૂકીને ફક્ત પલંગ પર ઊંઘવા આવે છે કે ?...પછી એક જ દોડધામ ! બધી તપાસ ફટાફટ થઈ. આખાય વૉર્ડનો રાઉન્ડ લઈને સ્વચ્છતા, શિસ્ત જોઈને તે માંદા માણસ સાથે પ્રેમાળ વાતચીત કરતા. કડક શિસ્તના આ ડૉક્ટર મને ખૂબ ગમ્યા.

કોલ્હાપુરમાં અમે આયોજિત કરેલ રમતસ્પર્ધા પર અનેક ખેલાડી અને સંચાલક ખુશ હોવાથી પ્રત્યેક જણ મારી પાસે આવતાં. ગપ્પાં, ખાવા-પીવાનું થતું. તાવ ઓછો થતાં જ હું હરવાફરવા લાગી. રોજ પરોઢિયે વ્હીલચેર પર દૂર સુધી ચાલવાની પ્રેક્ટિસ, ટેબલ-ટેનિસ રમવું, લાઇબ્રેરીમાંથી પુસ્તક લાવીને વાંચવાનો કાર્યક્રમ ચાલુ થયો. કોઈક પોતાનો રેડિયો આપી ગયું. ત્યાં સારવાર લેતી પૅરાપ્લેજિક સ્ત્રીઓનો પરિચય મેળવ્યો. એક નિરાળી દુનિયા મને ત્યાં જોવા મળી.

એકનો પતિ જાતે જ ચોરીછુપીથી કવેળા એને મળીને ગયો અને એ ગર્ભવતી થતાં લશ્કરના નિયમ અનુસાર સજા થાય તેથી ગભરાઈને એ બાળક પોતાનું નથી જ કહી એબોર્શન કરાવવા ફરજ પાડી. એ પૅરાપ્લેજિક પત્નીનું ચસકી ગયું. પોતે પોતાના પતિ સાથે જ ગઈ હતી એમ દૃઢતાપૂર્વક કહેવા લાગી. બે વર્ષમાં ત્રણ વખત એનો ગર્ભપાત કર્યો. પછી શૉક ટ્રીટમેન્ટ. મારાથી તેની તરફ જોવાતું ન હતું.

બીજી એક જરા પ્રૌઢ પૅરાપ્લેજિક સ્ત્રી હતી. તેને અમ્મા કહેતા. એ પૅરાપ્લેજિક થવાથી તેનોપતિ તરુણ કુમળી યુવતી સાથે લગ્ન કરીને તેની શોક્ય લાવી રહ્યો છે એવું ખોટું આળ ધરીને એ ભ્રમિત વર્તણૂક કરતી હતી. હું હરવાફરવા લાગતાં એ તરુણી હું જ છું, મેં જ તેના પતિને ભગાડ્યો છે એટલે એ એની કાળજી લેતો નથી એમ કહીને એ મને ગાળો દેવા લાગી. એ મારી પાસેના જ પલંગ પર હતી. હું તૈયાર થઈને નીકળું કે કહેતી, “જો ! બનીઠનીને મારાપતિને ફસાવવા નીકળી...એનું સારું નહિ થાય. સુખી નહિ થાય. મારા દીકરાને એ મારી નાખશે...” હું તેની સાથે વાત કરીને હું ક્યાં, કોની સાથે જાઉં છું એ કહેતી. એનેય સાથે આવવા કહેતી. પણ એ પલંગ છોડીને ઊભી થતી ન હતી. માત્ર વ્યાયામ પૂરતું બહાર ફિઝિયોેથેરાપી સેન્ટરમાં જતી. અંતે મને ત્રાસ થાય છે એમ માનીને હું તેના મનની શંકા દૂર કરીશ એવું કહેતી હોવા છતાંય તેમણે તેને મારી પાસેથી ખસેડીને દૂર ખૂણામાં નાખી. ત્યાંથીય એ મારા નામે બરાડતી હતી.

આ અમ્માના હંમેશાં પગ દુખતા અને એ આયા પાસે પગે તેલનું માલિશ કરાવી લેતી. ખડકીની લશ્કરી હૉસ્પિટલમાં હતી ત્યારે એક દિવસ બધો સ્ટાફ ક્યાં હતો કોણ જાણે ? તે દિવસે એ પગ દુખતા હોવાથી ખાસ્સો વખત બૂમો પાડતી રહી. પણ કોઈ જ આવ્યું નહિ. એની એ કાકલૂદીભરી ચીસો મારાથી સંભળાતી ન હતી. તેથી હું એના પલંગ પાસે ગઈ. મારા શરીરે મને ગમતો સફેદ ડ્રેસ હતો. અમ્માએ ચશ્માં ઉતારીને મૂક્યાં હતાં. હું પાસે જતાં જ તેમણે તેલની બાટલી આગળ ધરી. હું ચૂપચાપ તેમના પગને માલિશ કરવા લાગી. તેમનો કણસાટ બંધ થયો. થોડી વારે તેમને શો ફરક અનુભવાયો કોણ જાણે ? એ ઓશીકા પર વળ્યાં અને ચશ્માં પહેરીને મને ધારીને જોવા લાગ્યાં. પછી વાંકા વળીને તેમણે મારો હાથ હાથમાં લીધો અને કાંઈ પણ બોલ્યા વગર એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યાં. થોડી વારે રડવાનું ઓછું થતાં કહ્યું, “હું તને આટલી ગાળો આપું છું અને તેં મારી સેવા કરી...! મારો પતિ ખરાબ છે. મારા જ સગામાંથી એક કુમળી યુવતીને એ ઘેર લાવ્યો છે. મારો સાત વર્ષનો દીકરો છે. એને એ ત્રાસ આપતી હશે.” એનું રુદન જોઈને મારીય આંખોમાં અજાણતાં પાણી આવ્યું હતું. મેં તેને સમજાવ્યાં. “પૅરાપ્લેજિક હોવાથી આપણે ખૂબ નિરાશ થઈએ છીએ અને મનથી એકપક્ષી જ કૃત્યના અર્થ તારવીએ છીએ. તમે બિલકુલ શાંત રહો. ડૉક્ટરોને જણાવો કે પતિ અને પુત્રને બોલાવો અને પછી પુત્રને જ એ ઘરે લાવેલી તરુણ યુવતી કેવી રીતે વર્તે છે એ પૂછો. તમારા પતિ ફક્ત એક-બે જ વખત આવ્યા હતા પણ તમે ગાળો દેવાની શરૂ કરતાં એ જતા રહ્યા. તેમની સાથે વ્હીલચેરમાં તમે અવારનવાર બાગમાં જઈને બેસો. હું રાત્રે મોડે સુધી સિસ્ટરની પરવાનગી લઈને બધી સ્ત્રીઓ સાથે ચાંદનીમાં બેસું છું. ત્યાં આવો. કેટલાંક યુવકયુવતીઓ ગીતોય સંભળાવે છે. સારું થતાં સુધી આપણે અહીં એકમેક સાથે પ્રેમપૂર્વક, આનંદમાં રહીશું તો વહેલા બહાર જઈ શકીશું.”

હું પોતેય ત્યાં એકલી રહીને કંટાળી હતી. કોલ્હાપુર પાછી જાઉં છું કહેતી એટલે પરીક્ષા પૂરી થતાં જ બા પૂણે આવી હતી. કર્નલ નિકલ્સને બા માટે એક ખાસ ક્વાર્ટર આપ્યું હતું. બા ત્યાં રસોઈ કરવા લાગી અને હું, અમ્મા અને જેમને હૉસ્પિટલનું જમણ જતું ન હતું તેમને મજેદાર ભોજન મળવા લાગ્યું. આઠ-દસ દિવસમાં જ આ પ્રેમને કારણે અમ્મામાં ખૂબ બદલાવ આવ્યો. તેમના પતિ આવ્યા ત્યારે તેમની સાથે એમણે વ્યવસ્થિત વાતચીત કરી. મારી બાનો પરિચય આપ્યો. તેમનાં લાવેલાં ફળો મને આપ્યાં. દીકરાને લાવવા કહ્યું. એ ગૃહસ્થ આ બદલાવથી ચકિત જ થયા. તેઓ તરત જ પુત્રને લાવ્યા. પુત્ર સાથે મળ્યા. વાતો કર્યા પછી તો તે એટલા ઝડપથી શારીરિક દૃષ્ટિએ પણ સુધર્યાં કે વોકરની મદદથી ચાલવાય લાગ્યાં અને તરત જ ડિસ્ચાર્જ લઈને ગયાં. જતી વખતે રડતાં રડતાં તેમણે અનેક વાર મારી માફી માગી.

એક પૅરાપ્લેજિક સ્ત્રીનાપતિ તેનું હાથોહાથ જતન કરતા હતા. એ પંજાબી હતા. પોતાનું પ્રશિક્ષણ પૂરું કરીને તે ગયા.

હું માત્ર સાડાચાર મહિના પૂણે હૉસ્પિટલમાં રહી. અનેક અનુભવ મેળવ્યા. હું ઇંગ્લૅન્ડ રમતસ્પર્ધા માટે જઈને આવી એ જાણતાં જ કર્નલ સિંગે મને તરવાનું શીખવવાની વ્યવસ્થા કરી. પણ ત્યાં પુરુષ હતા અને ટૂંકો સ્વીમિંગ ડ્રેસ પહેરીને પુરુષો સાથે તરવાનો, શીખવાનો બે-ત્રણ દિવસમાં જ અણગમો થવા લાગ્યો. પછી ડૉ. સિંગે લશકર તરફથી વાર્ષિક રમત-સ્પર્ધાનીવ્યવસ્થાપક સમિતિમાં મને લીધી. એ કામ માત્ર મેં આનંદપૂર્વક સ્વીકાર્યું. શાબાશીય મેળવી. હાલની મારા સ્વભાવની રહેલી કડક શિસ્તના મૂળ ઘણુંખરું મારા પૂણેના વસવાટમાં રોપાયા હશે. સઘળાં કામ મિનિટ-કલાકના કાંટે કરવાં. સો ટકા પરિપૂર્ણ કામ કરવાં વગેરે આદતો ત્યાં કેળવાઈ.

એક વખત ચંદીગઢથી એક પૅરાપ્લેજિક આવ્યો. વેદનાથી કણસતો હતો એ. યૂરિન ઇન્ફેકશન હતું. સારવાર શરૂ થતાં પહેલાં જ તેણે મારી નજર સામે પ્રાણ છોડ્યા. મને યાદ આવ્યું - હું આવી તે દિવસે ડૉ. સિંગ પોતાના સહકાર્યકરો પર શાથી ગુસ્સે થયા હતા. તે દિવસેય તે આમ જ પ્રત્યેક સહકાર્યકરને ઝાટકી રહ્યા હતા. તે વખતે સમજાયું. આપણું જીવન કેટલું ક્ષણભંગુર છે ! એ રાતે મને બરાબર ઊંઘ આવી નહિ. પરોઢિયે ‘ચા પીવરાવો’ એવી બૂમો ક્વાર્ડર પ્લેજિક વૉર્ડમાંથી સંભળાઈ રહી હતી. એ પેશન્ટના હાથનીય સંવેદના ગઈ હતી. એ હાથ પણ હલાવી શકતા ન હતા. ડૉક્ટર આ જવાનોને શ્વાસ લેતાં શાથી જિવાડી રહ્યા છે એવો પ્રશ્ન જાગતો હતો. તેમની બૂમો વધતાં જ હું વ્હીલચેર પર બેસીને તેમની પાસે ગઈ. ચા પીવરાવી. એક પૅરાપ્લેજિક સ્ત્રીએ તેમને ચા પીવરાવી તેનું તેમને દુઃખ હતું. મેં તેમને સમજાવ્યા. હું તમારી જગાએ હોત તો તમે મને આવી મદદ કરી ન હોત કે ?

એક વખત મેસમાં ચર્ચા થઈ. મારા પૈસા ભરાયા જ ન હતા. અજીજમામા મળવા આવ્યા. ત્યારે તેમને આ કહેતાં જ તેમણે જાતે જઈને પૈસા ભર્યા. મારા બ્લેડરનો આકાર સતત કૅથેટર વાપરીને નાનો થયો હતો. બ્લેડર સંકોચાયું હતું. અનેક પ્રયોગો દ્વારા તેનો આકાર વધારવાનો પ્રયત્ન કર્યો. પણ તેમાં સફળતા મળી નહિ. બા એક મહિનો રહીને કોલ્હાપુર પાછી ફરી. જતી વખતે પૂણેમાં રહેતા પરિચિત કુટુંબમાં મારા જમવાનો ડબો મોકલવાની વ્યવસ્થા કરતી ગઈ. કારણ મને દવાખાનાનું ભોજન ગળે ઊતરતું જ ન હતું. એ દવાખાનાનાં એક આયા સુશીલા અત્યંત પ્રેમથી મને નહાતી વખતે મદદ કરતાં. મેરી નામની આયાની સહુકોઈ નિંદા કરતાં. પણ તેય મારી પર ખૂબ પ્રેમ વરસાવતાં. મને જમવાનું ઊતરતું નથી તેથી પોતાના ઘરે બનાવેલી વાનગીઓ લાવીને ખવરાવતાં. જ્યાં જાઉં છું ત્યાં મને આવાં પ્રેમાળ માણસો મળે છે.

મારા જેવા જ પૅરાપ્લેજિક એવા કેદાર પાટીલના પ્રેમથી તો હું દિગ્મૂઢ થઈ ગઈ. એ પણ દુઃખી હોવાથી તેમને ખૂબ સમજવાના પ્રયત્ન કર્યા. પણ પછી મારી સંસ્થાના કાર્યને અને બીજાઓ સાથેની વર્તણૂકની નિંદા કરતાં અંતે હું કઠોર બની. મારા કહેવા પરથી તેમણે દારૂ છોડ્યો હતો. બેકાર બેસીને ગપાટાં હાંકવાને બદલે સાઇકલ સ્ટેન્ડ, સ્કૂટર-સ્ટૅન્ડ શરૂ કર્યું. પછી તો ટ્રક પણ લીધી. પણ પૈસા ખર્ચ કરવા માટે, પોતાના અને બીજાઓના ભલા માટે હોય છે એ તેમને સમજાયું નહિ. એ નસીમને પૈસાનો ઘમંડ છે, પૈસાવાળાઓ સાથે એ દોસ્તી કરે છે...વગેરે તેમણે રજનીને સંભળાવ્યું હતું. મેં પૂર્ણપણે સંબંધ તોડી નાખ્યા પછી તેમણે ફરીથી દારૂ ચાલુ કર્યો. અકાળે જ હાર્ટએટેકને કારણે તે ગયા. તે જાણ્યું ત્યારે હું અને રજની તેમની અંતિમક્રિયામાં ગયાં હતાં. તેમના મૃત્યુને હું કારણભૂત છું કે તેમની વર્તણૂક એ ભગવાન જ જાણે.

પૂણેના વસવાટે મને જીવનમાં કેવી રીતે વર્તવું એના અનેક પાઠ શીખવ્યા. હું ત્યાં હતી ત્યારે જ બાબુકાકા વાનવડી ફરીથી કેમોથેરપી માટે આવ્યા. હું શક્ય હોય ત્યારે રવિવારે પાસ લઈને તેમને મળવા જતી હતી. તેમને હું મારી દરેક સમસ્યા કશોય અડપડદો રાખ્યા વગર જણાવતી હતી. આ બાબતમાં પણ તેમણે પોતાના કેટલાક અનુભવ મને કહ્યા. લિંગ, નાત-જાત જોયા વગર શુદ્ધ મૈત્રી કર, યોગ્ય જણાય તો લગ્ન પણ કર. પણ કોઈ પણ નિર્ણય ભાવનામાં તણાઈને લઈશ નહિ એવી સલાહ પણ તેમણે આપી. મને લગ્ન કરવાની ઇચ્છા થાય એ અશક્ય હતું. પોતનું જ જીવન એક મોટો ભાર હોય ત્યાં આ ભાર કોઈની પર લાદવાની મારી ઇચ્છા ન હતી. આ પુરુષોનું કયું લક્ષ્ય ? શરૂઆતમાં લગ્ન અને પછી મારી અસમર્થતા જોઈને બીજી સ્ત્રી તરફ વળશે.

બાબુકાકાનું કેમોથેરપીથી બળેલું શરીર જોઈને તેમની બળતરા અનુભવતી પીઠ પર હું હાથ ફેરવતી રહી. થોડા દિવસ બાદ આ બાબુકાકા આપણને દેખાશે નહિ આ વિચારે મારી આંખો ભરાઈ આવતી. મારી આ અવસ્થા બાબુકાકાના ધ્યાને આવતાં જ તેમણે હસીને કહ્યું, “અરે, આ ‘ઇન્ટરનેશનલ મહેમાન’ આવ્યો છે. તેને આમ અહીંથી ‘ગુડબાય’ કહ્યે ચાલશે નહિ. પહોંચાડવા અંત સુધી જવું પડશે.” ક્યારેક કહેતા, “રિઝર્વેશન થઈ ગયું છે. ટિકિટ પર ફક્ત તારીખ નાખવાની છે.” તેમને વાનવડીથી મુંબઈ ખસેડ્યા. વિદેશી ઇન્જેક્શનો તેમને જોઈતાં હતાં. ભાઈજાનને દુબઈ ભાઈસાહેબે જણાવતાં જ તેમણે વિમાન દ્વારા તે ઇન્જેક્શનો તાત્કાલિક મોકલાવી આપ્યાં. રેહાના રોજ બાબુકાકા માટે નાણાવટીમાં સૂપ, જમવાનું લઈ જવા લાગી. હું માત્ર તે વખતે પૂણેમાં જ હતી. ડૉ. સિંગ કહે તે બધા પ્રયત્ન હું કરતી હતી.

પણ એક દિવસ ડૉ. સિંગે મને કહ્યું, “નસીમા, માફ કર. તારા માટે હું કાંઈ કરી શક્યો નથી. નિષ્ફળ નીવડ્યો. કેથેટર સિવાય તારે બીજો વિકલ્પ નથી. તું ડિસ્ચાર્જ લઈને જઈ શકે છે. યૂરિન કલ્ચર કરીને નિયમિત ઍન્ટિબાયોટિક લેતી રહેજે. અહીં સારવાર માટે આવવાની ઇચ્છા થાય તો મને અથવા નિકલ્સનને જણાવજે. અમને તારી વ્યવસ્થા કરવામાં આનંદ થશે.” યૂરિન પ્રોબ્લેમ પત્યો ન હતો. પણ તબિયત હૃષ્ટપુષ્ટ થઈ હતી.

હું કોલ્હાપુર પાછી ફરી. બધાં મારી તબિયત જોઈને આનંદ પામ્યાં. આવતાં આવતાંમાં જ રમત-સંસ્થા વિશે જાણેલ સમાચાર આઘાતજનક હતા. હિસાબ મંજૂર કરવા બેઠક બોલાવી, ત્યારે ભોજન રાખવામાં આવ્યું હતું. રજની ગઈ ન હતી. ભોજન સાથે પીવાનુંય હતું અને વધેલી રકમમાંથી મેટાડોર વેચાતી લઈને સમિતિના સભ્યો ઉટી જવાનું સ્વપ્ન જોઈ રહ્યા હતા. મામાને આ વાતની જાણ થતાં જ તેમણે અધ્યક્ષના અધિકાર વાપરવાની મને સલાહ આપી. ખજાનચી અને મારી સહી વગર બૅન્કમાંથી પૈસા ઉપાડી શકાતા ન હતા. હાથમાં રહેલી રોકડ તેમણે વાપરી નાખી હતી. ખજાનચીના સ્ત્રી-સંબંધી એક પ્રકરણી ફરિયાદ મારી પાસે આવી હતી. તેનો ફાયદો લઈને તેમની સથો તે બાબતમાં પહેલાં વાત કરી અને પછી સિલક રકમની, અપંગ સહાયક સંસ્થાના નામનો ચેક તેમની સામે સહી કરવા મૂક્યો. સંસ્થાની સ્થાપના વખતનો ઠરાવ બતાવ્યો. તેમની સહી મેળવીને એ ચેક અપંગ સહાયક સંસ્થાના ખજાનચી શ્રી વસંતમામા શિરગાવકરને આપ્યો અને છુટકારાનો શ્વાસ લીધો.

પૂણે જતાં પહેલા સંસ્થા દ્વારા મહાનગરપાલિકા સમક્ષ સંસ્થાના સ્ટોલ માટે દુકાનની જગાની માંગણી કરી હતી એ મંજૂર થઈ હતી. એ મારા પાછા આવતાં પહેલાં જ સમિતિના એક અપંગને વાપરવા માટે આપ્યો હતો. ભાડું સંસ્થા ભરતી હતી અને લાભ બીજા જ લઈ રહ્યા હતા. બૅન્કના કરજ પ્રકરણમાંય તે જ વાત. લાભાર્થી અપંગોની અરજીઓ તેમજ ફાઇલમાં અને સમિતિમાં અપંગોએ કરજ લઈ દુકાન શરૂ કરી. કોણે ધંધાનો વિસ્તાર કર્યો. બીજા બધાંય ચૂપ ! સંસ્થા પોતાના કલ્યાણ માટે કે અન્ય અપંગોના કલ્યાણ માટે ? સંસ્થા એટલે જાણે પૈસા કમાવવાનો એક પ્રતિષ્ઠિત ધંધો ! આ સઘળું સહનશક્તિ બહારનું હતું. પૂણેની નિરાંતની પળોમાં અપંગ પુનર્વસનની અનેક યોજનાઓ મેં બનાવી હતી. તદ્દન નાની વયમાં જ અપંગ પુનર્વસનની પ્રક્રિયા શરૂ થવાથી ખરું તો સર્વાંગીણ પુનર્વસન થશે એ વિશ્વાસ હતો. બાળકોથી તેની શરૂઆત. શસ્ત્રક્રિયા, કૃત્રિમ સાધનો, શિક્ષણ, કલા-રમત, વ્યાવસાયિક પ્રશિક્ષણ, પુનર્વસન અને સહુથી છેલ્લે વૈવાહિક પુનર્વસન એમ તબક્કા નક્કી કરીને અપંગ ગણના માટે એક પ્રશ્નાવલી તૈયાર કરી હતી.

મારી ત્રણ બહેનપણીઓ શિવમાલા, રત્નમાલા અને કાંચનમાલા સગી બહેનો. શાળામાં દાખલ થઈ ત્યારથી સાથે જ અભ્યાસ. તેમની બા બિલકુલ અમારી બા જેવાં દખાતાં, વર્તતાં. તેમણે રમતસ્પર્ધા સફળ કર્યા બદલ મને કેટલાક પૈસા ‘જોઈતું હોય એ લઈ લેજે’ કહીને આપ્યા હતા. એ પૈસામાંથી અપંગ ગણનાની મેં પોતે બનાવેલી પ્રશ્નાવલી છપાવી લીધી. કારણ તે સિવાય યોજના ઘડવી અને અમલ કરવો સરળ બન્યો ન હોત. કૉલેજોમાં જઈને રૂબરૂ મળીને રાષ્ટ્રીય સેવા યોજનાના વિદ્યાર્થીઓના અપંગ ગણના માટે જૂથ બનાવ્યાં. પત્રકાર પરિષદ બોલાવી. વિપુલ પ્રતિસાદ મળ્યો. અપંગ ગણના શરૂ કરવાની તારીખ પણ નક્કી થઈ. સંસ્થા પાસે આ કામ માટે ફક્ત સ્વયંસેવકોનો પ્રવાસખર્ચ માગ્યો હતો. પ્રશ્નાવલી ભરાઈને મારા હાથમાં આવ્યા પછી હું તેનો અભ્યાસ કરવાની હતી. પછી તેને આધારે મારે પ્રબંધ લખવો. એવી બાબુકાકાની કલ્પના હતી. હું ત્યાં તન-મન-ધન રેડીને વેળા-કવેળા જોયા વગર કામ કરતી હતી અને અપંગ સહાયક સંસ્થાએ નિર્ણય જણાવ્યો. “ભરાયેલા ફોર્મ્સ અમુક પાસે જશે, કારણ તે વધુ ભણેલા છે. તેમની યોગ્યતા વધુ છે.” મેં કહ્યું “તો એ યોગ્યતા ધરાવનારાઓએ પ્રશ્નાવલી તૈયાર કરવી. મેં અને મીના ભૂમકરે બનાવેલી પ્રશ્નાવલી હું આપીશ નહિ.’

બાબુકાકાના અંતિમ દિવસોમાં તેમને ત્રાસ આપવાની ઇચ્છા ન હતી. કારણ કે બેંગ્લોરની તેમની વર્કશોપમાં યુનિયન રચાઈને હડતાળ વગેરે મનને અત્યંત ક્લેશ આપનાર પ્રસંગ તેમની પર પહેલા જ આવ્યા હતા. પણ મને તેમના સિવાય આ બાબતમાં માર્ગ બતાવનારું કોઈ જ ન હતું. અધ્યક્ષ હોવાને નાતે ધ્યાન આપશે એ વિચારે સહુને સાફ નજરે ચડતો સ્વાર્થ તે વખતના અધ્યક્ષને સંભળાવ્યો. પણ તેમણેય મન પર લીધું નહિ. સાતમાંથી એક તરફ અને હું એકલી એક તરફ રજની એકલી “મને તેમાંનું કાંઈ સમજાતું નથી. પણ હું નસીમ કહે તેમ જ કરીશ.” કહેતી હતી. અંતે સવિસ્તર હકીકત વર્ણવતો પત્ર લખ્યો. બાબુકાકાને ફરીથી વાનવડી કમાન્ડ હૉસ્પિટલમાં આવ્યા હતા. તે સરનામે રજિસ્ટર પોસ્ટથી મોકલાવ્યો. પૂણે જવાની ઇચ્છા હતી. પણ શક્ય ન હતું. તેમના જવાબની ચાતક જેમ રાહ જોતી હતી. કારણ રાષ્ટ્રીય સેવા યોજનાના વિદ્યાર્થીઓને અંતિમ જવાબ આપવાનો સ્થગિત રાખ્યો હતો. અંતે બાબુકાકાનો પત્ર આવ્યો. ખોલ્યો. વાંચ્યો., પણ વિશ્વાસ બેસતો ન હતો. બાબુકાકાએ સ્પષ્ટ મારું અપંગ સહાયક સંસ્થા સમિતિ સદસ્યપદ અને પ્રશિક્ષણ કેન્દ્રના નિરીક્ષકપદનું રાજીનામું લખીને મોકલાવ્યું હતું. મારે ફક્ત સહી કરીને એ લઈ જવાનું હતું. મારો સઘળો જીવ રેડ્યો હતો મેં તે સંસ્થામાં. પછી થોડાં ગીધડાંઓથી ગભરાઈને મારે સંસ્થા છોડવાની ? તેમને હાંકી કાઢવા જરૂરી હતા પણ બાબુકાકા લખતા હતા. ‘એ ચોરો સાથે તું રહીશ તો તારું નામ ખરાબ થશે અને તને જ વધુ હેરાનગતી થશે. એ લોકોને ઓળખવામાં મારી ભૂલ થઈ હતી. તું નિરાશ થયા વગર બીજી સંસ્થા શરૂ કર. એક વખત નિષ્ફળતા મળી કે ફરીથી મળશે જ એવું નથી. માછીમારની જેમ જાળું ગૂંથતાં જ રહેવું.’ મેં ક્યારેય નામ થાય એની ખેવના સેવી ન હતી. તો બદનામીથી શાને ગભરાવું એ મને સમજાતું નહોતું.

જિલ્લાધિકારી જોસેફે મને પોતાની કચેરીમાં બોલાવીને સંસ્થાને દાન મેળવી આપ્યા હતા અને જગાના પ્રસ્તાવ બાબત “શેંડાપાર્કમાં બે એકર જગા ફાળવું છું. સમિતિનો ઠરાવ લાવો.” એમ કહ્યું હતું અને હવે બાબુકાકા કહેતા હતા આ સઘળું ભૂલી જા, છોડી દે. બેઠકમાં શેંડાપાર્કની જગાનો પ્રસ્તાવ રજૂ થયો. તો ત્યાં રક્તપીતિયા રહે છે એ જગા આપણે જોઈતી નથી એવું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું. રક્તપિત્ત તો તેમના મનને થયો હોવાનું સ્પષ્ટ દેખાતું હતું. મનમાં ખૂબ જ રોષ જાગ્યો હતો. બાબુકાકાએ આમ શાથી કર્યું ? મેં રાજીનામું સહી કરીને આપ્યું કે નહિ એ જાણવા માટે જનવાડકરકાકાને ત્યાં તેમણે ફોન પણ કર્યો. જનવાડકરકાકા પહેલા જ સંસ્થામાંથી બહાર નીકળ્યા હતા. હતાશ થઈને તે રાજીનામા પર સહી કરી.

પ્રશિક્ષણ કેન્દ્રનો સમય થતાં જ હું ભયંકર અસ્વસ્થ થતી હતી. આવામાં જ બૅન્ક ઑફ ઇન્ડિયાની પરીક્ષાનો કોલ આવ્યો. એ પરીક્ષાની તૈયારીમાં લાગી. પરીક્ષા ઉત્તમ થઈ. મુલાકાતનો પત્ર આવ્યો. એટલે સો ટકા નોકરી પાકી એવું કેટલાક લોકો કહેવા લાગ્યા. આશાભેર ગઈ. તેમણે સઘળા વૈયક્તિક પ્રશ્ન પૂછ્યા. અંતે “લેજર કેવી રીતે ઉઠાવશો, ઑફિસ કેમ આવશો” પૂછ્યું. “લેજર સિપાઈ ઊંચકશે. મદદનીશ રાખીને તેની સાથે ઑફિસે આવીશ.” એ મારો જવાબ હતો. આનંદ સાથે ઘેર આવી. કારણ સામાન્ય જ્ઞાન જેમાં હું કાચી હતી તે સંબંધી એક પણ પ્રશ્ન પૂછ્યો ન હતો અને જે પૂછ્યો તેમાં નાપાસ થવા જેવું કાંઈ ન હતું. ખૂબ રાહ જોઈ અને છેવટે જાણ્યું કે કોલ નીકળ્યા, જગાઓ ભરાઈ ગઈ. મને તક આપવામાં આવી નહિ. વિજય મરચન્ટને મેં સવિસ્તર પત્ર પાઠવ્યો. તેમણે તપાસ કરી તો તેમને બૅન્કે જવાબ આપ્યો. હું ઇન્ટરવ્યૂમાં નાપાસ થઈ હતી. તેમને મળેલા પત્રની નકલ જોઈ અને હું ચોંકી ઊઠી. વિજય મરચન્ટે હું કાપડનો વ્યાપાર રવા ઇચ્છતી હોઉં તો તેમની મિલનું કાપડ તેમને હોલસેલ ભાવે પૂરું પાડશે એમ જણાવ્યું હતું. પણ પહેલાં એકદમ માલ ખરીદવો જરૂરી હતો. તેટલા પૈસા મારી પાસે ન હતા અને વેચાણવ્યવસ્થા હું કેવી રીતે કરું. તેથી તે પ્રસ્તાવને મેં નકાર્યો. બાબુકાકાના કહેવાથી જનરલ ઇન્સ્યોરન્સ કંપનીની એજન્ટ થઈ હતી તેની પર લક્ષ્ય કેન્દ્રિત કર્યું. પણ તે ફરવાનું કામ હતું. બહેનપણી શકુ રૂપે મને મદદ કરતી હતી. પણ અંતે મર્યાદા ખૂબ નડતી હતી.

ઘરે હું અને કૌસર જ હતા અને જનવાડકરનો ફોન આવ્યો. બાબુકાકા સિરીયસ છે. મારી બહેનપણી રજની કરકરે બેલગામ કાર્યક્રમમાં ગઈ હતી. ફોન પર તેને સંદેશો આપ્યો, “બારોબાર પૂણે થઈને બાબુકાકાને મળી આવ. ઘરે કોઈ નથી. તેથી તીવ્ર ઇચ્છા હોવા છતાં હું આવી શકીશ નહિ. બા પાછાં આવતાં જ હું આવીશ. પણ રજની રાતે દસ વાગે કોલ્હાપુર મને સાથે લઈ જવા આવી. મારી બહેનપણીનાં નાનીને કૌસર સાથે રાખવાનું નક્કી કર્યું. મારું કૅથેટર નીકળી ગયું હતું. એસ.ટી. દ્વારા પૂણે જવાનું એટલે કૅથેટર સિવાય વિકલ્પ ન હતો. હવે રાત્રિ વેળાએ ક્યા ડૉક્ટર મળે ? કૌસરની મદદ લીધી અને અરીસાની સહાયથી જાતે જ કૅથેટર ગોઠવીને રાતે બાર વાગે અમે સ્ટેન્ડ પર ગયાં. પણ બસ પરોઢિયે જ મળી. પૂણેમાં વાનવડી દવાખાને ગયાં. તો મને ઊલટી શરૂ થઈ ને તાવ ચડવા લાગ્યો. બાબુકાકા અર્ધ ભાનમાં, અર્ધ બેભાન હાલતમાં મારી ચિંતા કરતા હતા. અર્ધભાનમાં તેમણે રજનીને ‘કેળાનો સુકાયો બાગ’ ગીત ગાવા કહ્યું. તે વખતે પૂણેમાં રહી શકાય એવા ઓળખીતા કોઈ જ ન હતા. હોટલ વગેરે પરવડે એમ ન હતી. તેને કારણે હૉસ્પિટલમાં મુલાકાતનો સમય પૂરો થતાં જ ભારે હૈયે આંખો લૂછતાં મન મનાવતાં મૂંગેમૂંગા બહાર નીકળ્યા. કોલ્હાપુર મધ્યરાત્રે પહોંચ્યાં. કોલ્હાપુરથી નીકળ્યાં ત્યારથી કાંઈ જ ખાધું ન હતું. કૌસરની મદદથી રસોઈ બનાવીને રાત્રે બધાએ ખાધું અને ઊંઘ્યાં. થાક અને તાવ એટલો હતો કે આંખો ક્યારે લાગી ખબર જ ન પડી. સવારે ઊઠતાં જ સમાચાર આવ્યા “બાબુકાકા ગયા.” હું રડી નહીં. તાવની ગ્લાનિમાં પડી રહી.

બા ગામથી ક્યારે આવ્યાં, હું ફરીથી કામે ક્યારે લાગી કાંઈ યાદ આવતું નથી. ત્યારબાદ કૅથેટર બેસાડવા હું ડૉક્ટર પાસે ગઈ નહિ. જાતે જ બેસાડવા લાગી.

બાબુકાકાનું મૃત્યુ એટલે મારા માટે પિતાનો બીજી વખત વિયોગ હતો. બે-ત્રણ મહિના સુન્ન અવસ્થામાં ગયા. અપંગ સહાયક સંસ્થા છૂટી ગઈ હતી. સમગ્રતયા સંસ્થાઓ પ્રત્યે મનમાં ઘૃણા જાગી હતી. જીવનમાં ફરીથી આવા ફંદામાં પડવું નહિ એવો મનોમન નિશ્ચય કર્યો. રમતસ્પર્ધા વખતે પ્રસિદ્ધ કરેલ સ્મરણિકાના મુખપૃષ્ઠની કલ્પના મારી હતી. પાંખો ફેલાવી ઊડનાર ગરુડ ઊંચાઈ પરના ધ્યેયના મંદિર તરફ ફાળ ભરી રહ્યું હતું. એ ગરુડની પાંખો જ સ્વાર્થી લોકોએ નિર્દયતાપૂર્વક કાપી નાખી હતી. સ્વાર્થ જ સાધવો હોય તો ‘અપંગ કલ્યાણ’, ‘અપંગ પુનર્વસન’ ક્ષેત્રમાં શા માટે ? પૈસા કમાવવાના અસંખ્ય ધંધા હતા...અને આ બધું કોણે કર્યું ? તો અપંગોએ જ. અપંગ જ અપંગોને ખાઈમાં ધકેલી રહ્યા હતા અને તેની પર પોતાના ઘર બાંધી રહ્યા હતા અને અનેક બુદ્ધિશાળી, વિચારશીલ, પ્રતિષ્ઠિત લોકો માન-અપમાનની કલ્પનાને વળગી રહી દૂરથી માત્ર પ્રેક્ષક ભૂમિકા અદા કરતા હતા.

આવામાં જ એક દિવસ સમાજકલ્યાણ વિભાગ તરફથી પત્ર આવ્યો. કેન્દ્રીય આબકારી અને સીમા શુલ્ક ખાતામાં લોઅર ડિવિઝન ક્લાર્કની જગા ભરવાની છે. પૂણેમાં લેખિત પરીક્ષા છે. મારી બહેનપણી ઉષા લગ્ન થયા બાદ પૂણેમાં રહેતી હતી. એના ઘરે ઊતરી. અજીજ હમણાં જ પદવી મેળવીને પરદેશમાં નોકરી માટે ગયો હતો. પિતાના અને રેહાના વખતના ઑફિસના પરબ સાથે આવ્યા. પરીક્ષા ઉત્તમ રીતે પાર પડી. પાસ થઈ. મુલાકાતનો કોલ આવ્યો. પૂણેમાં જ મુલાકાત હતી. બૅન્ક ઓફ ઇન્ડિયાએ કરેલ નિરાશા સાંભરી. મારી સખીસંગાથી એવી વ્હીલચેર પરીક્ષકોની નજરમાં ખટકીને મારી વેરી બનશે કે કેમ એવી ભીતી લાગી. નકાર જ મળશે. પછી પૂણે બે-બે વખત જવા-આવવાનો ખર્ચ શા માટે ? પાટીલકાકાની મેં સલાહ લીધી. પૂણેમાં કેન્દ્રીય આબકારી વિભાગના કલેક્ટર અમારા પિતાના એક સમયના મિત્ર હતા. લાગવગનો ઉપયોગ ગમતો ન હતો પણ મારા અપંગત્વને ન્યાય મળવો જોઈતો હતો. કામનું સામર્થ્ય હોવા છતાં માત્ર ચાલી શકતી નથી. પગમાં તાકાત નથી તેથી નકાર શાને ? ઑફિસનું ટેબલવર્ક હાથ, આંખો અને બુદ્ધિના ઉપયોગ દ્વારા કરવાનું હતું. હિંમત કરીને ઇન્ટરવ્યૂ પહેલાં સીધી પરબને સાથે લઈને કલેક્ટરને બંગલે ગઈ. તેમને મારો પરિચય આપ્યો. બૅન્ક ઑફ ઇન્ડિયાનો પ્રસંગ વર્ણવ્યો અને વિનંતી કરી કે “કામની તક આપો. ફાવશે નહિ. સહેવાશે નહિ તો જાતે રાજીનામું આપીશ. એટલો વિશ્વાસ રાખો.” તે સાંભળી અત્યંત ગંભીર ચહેરે કલેક્ટરે કહ્યું, “તારા જેવી સાહસી યુવતીનું ડિપાર્ટમેન્ટમાં હોવું મને ગમશેે. તેં આટલી તકલીફ શા માટે લીધી ? ફોન પર કહ્યું હોત તોય ચાલત.” પરબ તરફ વળીને કહ્યું, “આને શા માટે હેરાન કરી ? તું આવીને ન કહી શકત ?” સારા માણસો પણ દુનિયામાં છે એનો અનુભવ લઈને હું આનંદભેર કોલ્હાપુર પાછી ફરી. તરત જ નિમણૂકનો પત્ર પણ હાથમાં આવ્યો. તેમાં લખ્યું હતું, શારીરિક તંદુરસ્તીનું પ્રમાણપત્ર લઈને હાજર થવું.

પ્રશિક્ષણ કેન્દ્ર ચલાવતી વખતેય મેં પાર્ટીશન કરીને એક પાટ રાખી હતી. બપોર વખતે એક-દોઢ કલાક હું આરામ કરતી હતી. તેને કારણે પગના સોજા ઊતરતા હતા. હવે સળંગ આઠ કલાક ફરજ બજાવવાની હતી. યૂરિન મોશનની મુશ્કેલી. આ સિવિલ સર્જન હવે મને આઠ કલાક નોકરી માટે ‘અયોગ્ય’ એવો શેરો મારશે કે કેમ એવી બીક સતાવવા લાગી. પણ મારા સદ્‌ભાગ્યે તેમણે વર્તમાનપત્રમાં સંસ્થા રમતસ્પર્ધા વિશે વાંચ્યું હતું. તેમણે પોતે જ કહ્યું, “ક્યાં તમને ઉપર-નીચે કરવાનો ત્રાસ આપવો ? સર્ટિફિકેટ આપું છું. નોકરી મળ્યા બદલ અભિનંદન.” કાન પર વિશ્વાસ બેસતો ન હતો. વગર તપાસ્યે જ યોગ્યતાનું સર્ટિફિકેટ ! આભાર માનીને સીધી ઑફિસ પહોંચી.

ઑફિસના દરવાજે આવી તો પોર્ચને પાંચ પગથિયાં. પણ પિતાના સમયના સિપાહી હતા. તત્પરતાપૂર્વક આગળ આવીને તેમણે મારી વ્હીલચેર પગથિયા પરથી ઉપર ચડાવી. શપથ વગરે પતાવીને હું તે જ બપોરે નોકરી પર હાજર થઈ. રેહાના આ ઑફિસમાં જ ત્રણ વર્ષ સ્ટેનો હતી. તે વખતની તેની બહેનપણી કુ. શકુન્તલા ખટાઉકરના આસિસ્ટન્ટ તરીકે મને પે યુનીટમાં કામ આપવામાં આવ્યું. ખટાઉકરને જોતાં જ નોકરી સંબંધી રહ્યોસહ્યો ભય પણ જતો રહ્યો. હવે પ્રશ્ન હતો એ ફક્ત મારાથી કેટલા કલાક બેસી રહેવાશે એનો. પીઠનો દુખાવો, માથાનો દુખાવો ફરી શરૂ થાય તો શું કરવું ? પહેલા બે-ચાર મહિના પીઠે મલમ, ગોળીઓ ખાવી, બેડસોર્સ આદિ હેરાનગતિ થઈ. ઑફિસમાંથી ઘરે જતાં જ પલંગ પર ઊંઘી જતી. જમવાનુંય અવળું સૂતાં સૂતાં જ અનેક વખત કવેળાએ ગાઢ ઊંઘ લાગતી પણ હળવે હળવે શરીરને આદત પડી ગઈ હતી. મારી પાછળ પાછળ મારી સાથે લેખિત પરીક્ષામાં બેસેલા બંને, એક રેખા ફાટક અને બીજી નિલિમા ગુત્તીકરને પણ નોકરી લાગી. રેખા ફાટક અપંગ હતી. પીઠે મોટી ખૂંધ, ઊંચાઈ ઓછી અને ખૂબ જ અશક્ત. નિલિમા ગુત્તીકર સુદૃઢ, સુંદર અને હંમેશાં મદદ કરવા તત્પર એવી હતી. અમારું ગ્રૂપ સરસ જામી ગયું.

ખટાઉકર સાથે કામ કરવાની મજા આવી. પહેલો પગાર લેતી વખતે આટલા ઓછા કામનો આટલો બધો પગાર જોઈને મજા આવી. મારું કામ એટલા ઓછા સમયમાં પૂરું થતું કે હું બીજાને કામમાં મદદ કરતી. તેને કારણે તેમનુંય કામ શીખવા મળતું અને મારોય વખત મજામાં પસાર થતો. મેં અપંગ પુનર્વસન સંસ્થા છોડી છતાં અનેક અપંગ મારી પાસે મદદ માટે આવતા. બાએ પહેલો પગાર લીધો નહિ. “તારે જેમ ખર્ચ કરવો હોય તેમ કર.” કહેતાં જ હું મદદ માટે આવનારાની તેમાંથી જરૂરિયાત પૂરી કરવા લાગી. કોઈકને પુસ્તકો-નોટો અપાવી તો કોઈકની ટ્રાઇસિકલને ટાયર-ટ્યૂબ વગેરે. ક્યારેક ક્યારેક જરૂરિયાતવાળા ઑફિસમાંય આવતા. હું તેમને પાછા વાળું તો સહકાર્યકરો જ કહેતા, “આટલા દૂરથી આવ્યા છે. તેમને શું જોઈએ જુઓ.”

ઘરે આંગણામાં ગુલાબ, મોગરાનાં ખૂબ ફૂલો બેસતાં. બા રોજ મને વાળમાં નાખવા આપતી. હું ઑફિસમાં અન્ય બહેનપણીઓને પણ ફૂલો લાવીને આપતી. ઑફિસમાં એક માળી હતી. રોજ મારી વ્હીલચેર પગથિયા પરથી ઉપર લેવાનું, ઉતારવાનું કામ હળવે હળવે તેમને પોતાની પાસે લીધું. મને પહોંચાડવા તે ઘરે આવતો. બા પછી તેમને ચા-નાસ્તો આપતી. દિવાળીમાં તેમને મેં શર્ટપેન્ટનું કાપડ લઈ આપ્યું. મને ક્યાં ખબર હતી તેનો અનર્થ થશે ? અમરા ઘરે ફૂલો હોવા છતાં રોજ ઑફિસના બગીચાનાં ગુલાબનાં સુવાસિત ફૂલ મારા ટેબલ પર ભૂલ્યા વગર મૂકેલાં રહેતાં. હું સહુથી વહેલી આવતી. કારણ ઘર તદ્દન નજીક હતું. મોટા ભાગનો સ્ટાફ બસ વગેરે દ્વારા આવતો હોવાથી પાંચ-દસ મિનિટ મોડા આવતા એ ટેબલ પર મૂકેલા ફૂલો મેં એક પણ દિવસ મારા વાળમાં નાખ્યાં ન હતાં. બહેનપણીઓને આપી દેતી. પણ એક તો ફૂલ રોજનું રહેતું જ. એ માળીની મદદ મારે ન લેવી જોઈએ એમ લાગવા લાગ્યું. બહેનપણી ઘર સુધી આવવા તૈયાર હતી. ઘર એટલું પાસે હતું કે હું એકલીય જઈ શકતી હતી. પણ એક વખત ફૂલ સાથે એક પત્ર મળ્યો. કોને કહું પ્રશ્ન જાગ્યો. વિચારમાં બે-ચાર દિવસ ગયા ત્યાં બીજો પત્ર. પછી માત્ર ચૂપ બેસી રહેવામાં અર્થ ન હતો. મારા મૌનનો ભળતો અર્થ કાઢીને વ્હીલચેર ધકેલતા તેના હાથ ખભાને લાગવા લાગ્યા. ના કહેવા છતાં લાવવા-લઈ જવાનું બંધ કરતો ન હતો. ઊલટું તેની સાથે સારવાર અર્થે હું ગામ આવું કે નહિ પૂછવા લાગ્યો.

માને ભાઉસાહેબ શરીરે કદાવર અને કડક સ્વભાવના હતા. મારા કામને કારણે મારી સાથે ખૂબ સારી રીતે વર્તતા. તેમને તે પત્ર અને માળીની વર્તણૂક વિશે કહ્યું. આ ઘટના ઘરે કહીશ તો બા ‘નોકરી છોડ’ કહેશે અને મને સુધ્ધાં તેના એકંદર ચાળાને કારણે એટલો કંટાળો આવ્યો હતો કે નોકરી છોડવી અથવા રજા પર ઊતરી જવું એમ થતું હતું. પણ માને ભાઉસાહેબે આશ્વાસન આપ્યું. મારા માટે તે વહેલા આવવા લાગ્યા. વ્હીલચેર ચડાવવા-ઉતારવાનું કામ તે કરતા. તેઓ ન હોય તો શ્રી વડારને તેમણે આ કામ કરવા કહ્યું. તે બન્નેએ પેલા માળીને દમ આપ્યો. ફરીથી મારી વ્હીલચેરને હાથ અડાડ્યો અથવા મારા જવા-આવવાના રસ્તે દેખાયો તોય તેને મારવો તો પડશે જ, પણ નોકરીમાંથી ય હાથ ધોવા પડશે. કેવળ શ્રી માને ભાઉ અને શ્રી વડારને કારણે મારી નોકરી જળવાઈ રહી.

રજાના દિવસે કેળવકરના બંગલામાં એક વખત કાગલના રાણી સરકાર શ્રીમતિ વિજયાદેવી ઘાટગે (પછી હું તેમને બાસાહેબ કહેવા લાગી) આવ્યાં અને મારા કામની ચોકસાઈ કરવા લાગ્યાં. મેં સઘળી ખરી હકીકત જણાવી. તો તેમણે મને ફરીથી મારે કાર્ય ચાલુ કરવું, તેઓ સાથ આપશે. રમત ટીમો માટે પણ તે આર્થિક મદદ કરશે એમ જણાવ્યું. મેં કહ્યું, સંસ્થાના માધ્યમ દ્વારા કાર્ય કરવાની મારી ઇચ્છા નથી પણ વૈયક્તિક મદદ કરતા હોય તો મુંબઈમાં રાષ્ટ્રીય રમતસ્પર્ધા છે તેમાં તેમના ટ્રસ્ટ મારફત અપંગ ટીમ મોકલવાની જવાબદારી હું લઈશ. તેમણે તરત જ હા કહી અને ટીમ મોકલવામાં આવી.

રમતસ્પર્ધામાં ફરી અનેક ઇનામો મળ્યાં. બાસાહેબને ખૂબ આનંદ થયો. મારી ઑફિસમાં તેમના અવારનવાર ફોન આવતા. કાર્ય ચાલુ કર. તારામાં યોગ્યતા છે. ત્યાં સુધીમાં બાબુકાકાના વસિયતનામા વિશે જાણ્યું હતું. તેમણે મારા વૈયક્તિક નામે બે હજાર રૂપિયા મૂક્યા હતા. મારે ફરીથી બીજી સંસ્થા શરૂ કરવી, કાર્ય ચાલુ રાખવું એ તેમની ઇચ્છા હતી. કોમર્સ કૉલેજમાં શિષ્યવૃત્તિ આપવા માટે પંદર હજાર રૂપિયા થાપણ રાખીને તેના વ્યાજમાંથી શિષ્યવૃત્તિ આપવી અને તેના ટ્રસ્ટી તેમના એક ભાઈ, હું અને જનવાડકરકાકાને રાખવા. સઘળું સમજાતું હતું. પણ ફરીથી દૂધેથી મોં દઝાડવાની ઇચ્છા ન હતી. વૈયક્તિક પોતાના પગારમાંથી કરી શકાય તેટલી જ મદદ કરવી. આ નિશ્ચય કાયમ હતો. મને બાબુકાકાએ આપેલા બે હજાર રૂપિયા મળતાં જ અપંગ સહાયક સંસ્થા સાથે જ બાબુકાકાએ જ શરૂ કરેલ ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિકલી હૅન્ડીકેપ્ડ બેલગામ’ સંસ્થાને તે દાનમાં મોકલાવી દીધા. અમારી બહેનપણી શાંતા પાઠકે બાબુકાકાની કમાઈના પૈસા આનંદપૂર્વક સ્વીકાર્યા. ભવિષ્યમાં તમારી બીજી સંસ્થા હશે ત્યારે પાછા આપીશ કહ્યું. મારી પાસે રહેલા અને સતત મારી સાથે રહીને મને પ્રેરણા આપનારા બાબુકાકાનો નાનો ફોટો આ શકુન્તલા લઈ ગઈ હતી. બાબુકાકાએ આપેલું કાર્ય એ કરી રહી છે, આપણે છોડી દીધું એને કારણે આ ફોટો પર મારા કરતાં તેનો અધિક અધિકાર એટલે ખૂબ દુઃખ થયું. છતાં હું ચૂપ રહી. હું માંદી પડું અને દવાખાનામાં દાખલ થાઉં ત્યારે અને આ શાંતા ગભરાઈને મને જોવા આવતી. એકાદ દિવસ દવાખાનામાં જ મારી સાથે રહેતી. એય અપંગ હતી. એક હાથે અને પગે. કર્ણાટક બીજ નિગમમાં નોકરી કરીને એ અપંગ પ્રશિક્ષણ કેન્દ્ર ચલાવતી હતી. મીણબત્તીઓ બનાવવી, બુકબાઇન્ડિંગ, સિલાઈ વગેરેનું એ યુનિટ હતું.

બા એક વખત કોઈ માંદું હતું ત્યારે પિયર ગયાં હતાં. મારી સાથે બદ્રુન્નિસામાસી હતાં. રજાના દિવસો હતા. પૂણેના ડૉ. સંચેતી કોલ્હાપુર આવ્યા હતા. તપાસણી શિબિર હતી. આ શિબિરમાં મારા ઓળખીતા એક અપંગ બાળકને હું લઈ ગઈ હતી. એક પાંચ-છ વર્ષનો બાળક પોતાની માતા સાથે કર્ણાટકથી આવ્યો હતો. હુબલીની માસીના સંબંધી તરીકે તે અમારા જ ઘરે ઊતર્યા. સવારે સાત વાગે તે શિબિરમાં ગયા. તે સાંજે સાતે જ પાછા આવ્યા. કૌસરની કૉલેજની પરીક્ષા બીજા દિવસથી હતી. સવારે હું બહાર જતી વખતે તેનો પડેલો ચહેરો જઈને પૂછ્યું, “તો પેટમાં દુખી રહ્યું છે.” કહ્યું. માસી ઘરે હોવાથી વધારે ચિંતા ન કરતાં ‘દવા લઈ લે’ એમ કહીને હું બહાર નીકળી. સાંજે હું રિક્ષામાં પાછી આવી ત્યારે માસી દરવાજામાં જ રાહ જોતા ઊભાં હતાં. ચહેરો ચિંતાને કારણે કાળોમેશ થયેલો. “નસીમ, કૌસરને સતત ઊલટી થઈ રહી છે. ખૂબ અસ્વસ્થ છે. અત્યારની ઊલટી લીલા રંગની થઈ. ડૉક્ટરને તાત્કાલિક લાવ.” એ રવિવાર હતો. દવાખાનાં બંધ. કૌસરને રિક્ષામાં બેસાડી. સાથે લઈ જાઉં છું કહ્યું. તો એણે રિક્ષામાં બેસી શકાશે નહિ કહ્યું. સીધી રિક્ષા ડૉક્ટર સાતવેકરના બંગલા પર લઈ ગઈ. તેમને બધી વાત કરી. તે તેમણે “ત્વરિત એડમીટ કરો. એપેન્ડિક્સ હશે. મારું ત્યાં આવીને કામ નથી.” એમ કહેતાં જ હું રિક્ષા લઈને સ્ડૅન્ટ પર ગઈ. સાથે ટૅક્સી લઈને આવી. માસી અને પાડોશીઓની મદદથી કૌસરને ટૅક્સીમાં નાખી અને કાગડા નાકા પરની મેરી વૉનલેસ હૉસ્પિટલમાં દાખલ કરી. એ જ રિક્ષા અજીજના મિત્ર દસ્તગીર પઠાણના ઘરે લઈને ગઈ અને તેને લઈને પાછી દવાખાને આવી. પગની યૂરિન બૅગ ખાલી કરવાનુંય ભાન ન હતું. ઘર એ નવી કર્ણાટકથી આવેલ બાઈને સ્વાધીન કર્યું હતું.

ડૉક્ટરો કૌસરને અંદર ઑપરેશન ટેબલ પર લઈ ગયા હતા. મેં તેને જોઈ પણ ન હતી. ઑપરેશન ફોર્મ પર મારી સહી જોઈતી હોવાથી બધા મારી રાહ જોતા હતા. ધ્રૂજતા હાથે સહી કરી. અલ્લાહને પ્રાર્થના કરી, “મારું આયુષ્ય કૌસરને આપ.” દસ્તગીરને મુંબઈ રેહાના, ભાઈસાબને ફોન કરવા મોકલ્યો. અલ્લાહનો જાપ કરવા બેસવાની તાકાત ન હતી. તેથી સ્પેશ્યલ રૂમ લીધો અને બીજા કોટ પર અંધારામાં કૌસરને ઑપરેશન થિયેટરમાંથી બહાર લાવતાં સુધી પડી રહી. એક એક મિનિટ જતી ન હતી. છેવટે માસી આવ્યાં અને કહ્યું ‘કૌસરને બહાર લાવ્યાં. ઇન્ટેન્સીવ કેર યુનિટમાં ગયા. કૌસરને ક્લોરોફોર્મની ઊલટીઓ થઈ રહી હતી. બા પાસે ન હતી. માસી અને હું તેના વસ્ત્રો સ્વચ્છ કરતા હતા. કૌસરની બેચેની જોવાતી ન હતી. ભાનમાં આવતાં એ “નસીમઆપા, તું આરામ કર...થાકી ગઈ હઈશ...માસીને સવારથી ખૂબ તકલીફ પડી છે. મારી પરીક્ષા...એ જ વારંવાર બડબડતી હતી. ઑપરેશન સફળ થયું હતું. અલ્લાહનો મેં આભાર માન્યો. થોડુંય મોડું થયું હોત તો એપેન્ડિક્સ ફાટી ગયું હોત. બેભાન કૌસર પાસે બેસીને રાત પસાર કરતાં એક જ વિચાર મનમાં તોફાન મચાવી રહ્યો હતો કે દુનિયાનું ભલું કરતાં આખાય દિવસમાં મને કૌસરની એક વખત પણ યાદ કેમ આવી નહિ? એની પરીક્ષા હતી. બા પાસે ન હતી. હું આમ શાથી અને કેમ વર્તી ? ડૉ. સંચેતીને કારણે ચાર બાળકો ચાલવા લાગ્યાં હોત પણ બહેન હાથમાંથી ગઈ હોત !

આપણે પોતાને માફ કરી શક્યાં હોત કે ? અજીજને ‘તું વિદેશે જા. અમે એકલાં રહી શકીશું.’ એમ ક્યા મોઢે મેં કહ્યું હતું ? હું જ મારો ધિક્કાર કરતી હતી. ડૉક્ટર સાતવેકર મને દેવદૂત સમાન લાગ્યા. મારી પાસે પૈસા છે કે નહિ, કાંઈ પણ પૂછ્યા વગર તેમણે સફળતાપૂર્વક શસ્ત્રક્રિયા કરી હતી. બધી દવાઓ પણ મને બહારથી લાવવા ન દેતાં દવાખાનામાંથી પૂરી પાડી હતી.

પરોઢિયે ડૉક્ટર રાઉન્ડમાં આવ્યા અને કૌસરની જિદ, ‘મારી અગિયાર વાગે પરીક્ષા છે. હું પરીક્ષામાં બેસીશ.’ ડૉક્ટરે ક્ષણભર વિચાર કર્યો અનેહા કહી. હું આશ્ચર્યચકિત ! ઘરે મોટું કોઈ નથી. શસ્ત્રક્રિયા થયે બાર કલાક પણ થયા નથી અને આ પરીક્ષા માટે જશે ! ડૉક્ટરોએ મને સમજાવી.” અહીં દવાખાનામાં પરીક્ષક આવી શકે છે. હું પ્રમાણપત્ર આપું છું. એ લઈને યુનિવર્સિટીમાં જઈને તું પરીક્ષક લઈને આવ.” માસીને કૌસરનું ધ્યાન રાખવા કહ્યું. દસ્તગીર મારી અને એની રજાની અરજી આપવા ગયો અને મેં મારું પતાવીને પ્રમાણપત્ર તૈયાર થતાં સુધી હૉસ્પિટલ બહાર આવીને એક રિક્ષા નક્કી કરી. તદ્દન એટલી હતી હું. એ ડ્રાઇવરને મેં રિક્ષામાં બેસતાં-ઊતરતાં વ્હીલચેર ફોલ્ડ કરીને મૂકીશ કે એ પહેલાં જ પૂછ્યું. સદ્‌ભાગ્યે એ ખૂબ સારો હતો. હું ક્યા કામે જઈ રહી છું એ મેં તેને કહ્યું. હું વારંવાર ઘડિયાળ સામે જોવા લાગી. ત્યારે તેણે પોતે સામે ચાલીને “હું ઝડપથી પ્રમાણપત્ર લઈને આવું છું.” કહીને અંદર ગયો. કલાર્ક મોડું કરી રહ્યો હતો. તેથી ઝઘડીને એ પ્રમાણપત્ર લઈને ડૉક્ટરના બંગલે ગયો અને ડૉક્ટરની સહી લઈને અમે શિવાજી યુનિવર્સિટીમાં પહોંચ્યાં ત્યારે સાડાનવ વાગ્યા હતા.

કુલગુરુની ચેમ્બરમાં બેઠક ચાલુ હતી. બહાર સિપાહીને તાકીદની જરૂરિયાત કહેતાં જ તેણે અંદર જવા દીધા. સઘળી પરિસ્થિતિ કહીને લખેલી અરજી તબીબી પ્રમાણપત્ર સહિત પ્રમુખના હાથમાં આપી હતી તો તે એટલા જોરથી બરાડ્યા કે, “તમને શું લાગે છે કે કોલ્હાપુરમાં યુનિવર્સિટી થઈ એનો અર્થ યુનિવર્સિટી તમારા ખિસ્સામાં છે? અને અમે તમારા નોકર છીએ ? એનવેળાએ આવીને ગમે તે માગવાનું ? આ શું રીત થઈ?” મેં સૌમ્ય શબ્દોમાં જણાવ્યું, “સર, અત્યંત વિશિષ્ટ સંજોગોમાં આ શસ્ત્રક્રિયા થઈ છે. પ્રમાણપત્ર પર સમય દર્શાવ્યો છે.” આ સાંભળી શિક્ષણક્ષેત્રના એક સર્વોચ્ચ પદની ખુરશી પર બેઠેલી વ્યક્તિએ કહ્યું, “તો ! તેના પૈસા ભરવા પડે છે.” મારી તરફ વળીને “છે કે ? લાવ્યાં છો કે ?”

કાલ રાત્રિથી મન પર અનહદ તાણ પડી હતી. નાનપણથી અમને કોઈ ‘ગરીબ’ કહે તો મને સહન થતું ન હતું અને ‘ગરીબ’ કહીને આ મારું જે અપમાન કરી ગયા હતા એ સહનશક્તિ બહારનું હતું. મારા મનના બંધ છૂટ્યા. ખાસ્સા મોટા હૉલમાં ઓળખીતું, સંબંધી કોઈ પાસે ન હતું. પૈસા છે કે એ પ્રશ્નનો ગરદન હલાવી હકારથી જવાબ આપીને. બંને હાથમાં મોં સંતાડીને હું રડતી હતી. સમજાતું ન હતું હું મોઢું સંતાડવા જેવું ક્યું ભૂલભર્યું વર્તી હતી ? આ વ્યક્તિને આ ખુરશી પર કોણે બેસાડ્યો ? શિક્ષણ એ શું પૈસાવાળાઓનો ઇજારો છે ? મારી પાસે પૈસા ન હોત તો મારી આ અત્યંત બુદ્ધિશાળી બહેન પરીક્ષા આપી શકી ન હોત ! ઘરકામ, ડ્રોઇંગ, સીવણકામ, રસોઈ, અભ્યાસ બધાયમાં અમરા ભાઈભાંડુઓમાં એક ડગલું આગળ એવી કૌશી ! તેણે પહેલો નંબર ક્યારેય છોડ્યો ન હતો. સાથે આવેલો રિક્ષા-ડ્રાઇવર પર ગુસ્સે થઈ આગળ જવા લાગતાં જ મેં તેને રોક્યો. આંખો લૂછી. રડવામાં સમય પસાર કરવાની એ વેળા ન હતી. ત્યાં રહેલા એક પ્રાધ્યાપકે કુલગુરુને માહિતી આપી કે અનામત પરીક્ષક આપણી પાસે છે. આપણે તેમને દવાખાનામાં મોકલી શકીશું. મેં પ્રાધ્યાપકનો આભાર માન્યો. પૈસા ક્યાં ભરવા, પરીક્ષકને સાથે ક્યાંથી લઈ જવા એ પૂછ્યું અને એ ચેમ્બરમાંથી બહાર નીકળી.

આપણી યુનિવર્સિટીમાં આવી પરિસ્થિતિમાં પણ પરીક્ષા આપવાની ઇચ્છા ધરાવનાર વિદ્યાર્થી છે એ વાતનું કુલગુરુને અભિમાન થવું જોઈતું હતું. આમેય અભ્યાસ થયો નથી. તેથી પરીક્ષામાં ન બેસનારાઓની સંખ્યા ખૂબ મોટી હોય છે. પરીક્ષકને લઈને દવાખાનામાં આવી ત્યારે પોણા અગિયાર થયા હતા. કૌસરને સલાઈન ચાલુ હતું. અર્ધી ઊંઘમાં હતી એ. એને ઠંડા પાણીથી મોં ધોવરાવ્યું અને પીઠે ઓશીકાં ગોઠવીને અર્ધા બેઠા થઈને તેણે પેપર લખવાની શરૂઆત કરી. હું પરીક્ષકની પરવાનગીથી પાસેના કોટ પર ઊંઘી. મને ગાઢ ઊંઘ લાગી. જાગી ત્યારે જોયું કે માસી કૌસરને જગાડતાં હતાં. એનેય લખતાં-લખતાં ઊંઘ લાગવાથી સિસ્ટરને પૂછીને પરીક્ષકે જ એને જગાડવા કહ્યું હતું. સિસ્ટર ઇન્જેકશન આપીને ગઈ અને કૌસરને ફરી લખવાનું શરૂઆત કરી. પરીક્ષક સાચા ‘માણસ’ હતા. તેમને કૌસરનું કૌતુક લાગતું હતું. રાત્રે બાર વાગે ઑપરેશન થયેલી યુવતી બાર કલાક પૂરા થયા પહેલાં પેપર લખતી હતી. દસ્તગીર રૂમની બહાર રોકાયો હતો. પરીક્ષકે તેને કાંઈક કહ્યું. ખૂણામાં મૂકેલું કૌસરનું પુસ્તક લઈને દસ્તગીર તે લખતા લખતા અટકી ગયેલી કૌસરને આપવા લાગ્યો. “પરીક્ષકે આની પરવાનગી આપી છે. આમાંથી જોઈને લખ.” કહેતાં જ કૌસરે એટલા ગુસ્સામાં તેની સામે જોયું કે ચૂપચાપ એ પુસ્તક હતું ત્યાં મૂકીને એ વળી બહાર ગયો. કૌસરને એ છેક નાનપણથી જોતો આવ્યો હતો. તેના લહેરી સ્વભાવનો સહુને જ પરિચય હતો. મને યાદ છે, પિતા હતા ત્યારે શાળાની બહેનપણીઓને બપોરની રિસેસમાં ઘરે લાવીને તેમને સાકર-ઘી ખવરાવનારી. પોતાને માટે વધે નહિ છતાં આવામાં આનંદ માનનારી. મને સહુ એકલા ઊંચકે છે તેથી સાતમામાં હતી ત્યારે જ મને ઊંચકનારી કૌસર. અમને સહુને તેને માટે ખૂબ ગર્વ હતો. યુનિવર્સિટીની વાત મેં કોઈને જ કહી નહિ. કારણ કહી હોત તો પોતાને કારણે પોતાની આપાનું અપમાન થયું. એને ત્રાસ થયો. ત્યારે આવી પરીક્ષા જ ન જોઈએ. એ કદાચ વિચિત્ર રીતે વર્તી હોત.

સાંજે પાંચના સુમારે રેહાના, ભાઈસાહેબ આવ્યા. બીજા દિવસે બા આવી અનેમને હાશ વળી. એક દિવસ ઘરે આરામ કરીને પછી હું ઑફિસે કામ પર જવા લાગી. પછી તો રિક્ષાવાળો ‘તમારી બહેનને મળી શકું કે’ કહી મળીને શુભેચ્છા આપીને ગયો. તેણે રિક્ષાના પૈસા લીધા નહિ. “મારી બહેન માટે કર્યું હોત તો પૈસા લીધા હોત કે મેં?” એ તેનો જવાબ હતો. કેટલાક ઋણ તેમજ રાખવામાં સંતોષ રહે છે. પૈસા આપીને તેમણે આપેલ સહકારનું મૂલ્ય પૈસામાં આંકવું જોઈએ એમ મને લાગતું નથી. પછી ઘણો વખત તેની રિક્ષામાં બેસવાનો યોગ આવ્યો. મારા સ્વભાવ મુજબ હું તેનો ચહેરો ભૂલી ગઈ હતી. પણ એ યાદ અપાવતો. ઘટના માત્ર અવિસ્મરણીય હોય છે મારા માટે. ‘હેલ્પર્સ’નું કાર્ય શરૂ થયા પછી તે અનેક જરૂરતમંદોને લાવ્યો. તેમને કૃત્રિમ સાધનો અપાવ્યાં. તેના ઋણનું સ્મરણ કરવાની એ તક એમ હું માનું છું. શેંડાપાર્કના રક્તપિત્તિયાઓને પણ કૃત્રિમ સાધનો મળી રહે એ માટે તેણે કરેલા પ્રયત્ન મને અંતઃકરણથી ગમ્યા હતા.

કૌસર એ પરીક્ષામાં બધા જ વિષયોમાં ઉત્તમ માર્ક્સ મેળવીને ઉત્તીર્ણ થઈ. ત્યારબાદ પણ કૌસરના જીવનમાં અનેક સંકટો આવ્યાં. દર વખતે એ દૃઢતાપૂર્વક સામનો કરતી. પણ હું જ મનોમન ખૂબ ભાંગી પડું છું. બહાર માત્ર કાંઈ બતાવતી નથી. કૌસરનો વિષય જ નીકળ્યો છે ત્યારે તેણે જીવનમાં આપેલ એકથી એક મુશ્કેલ પરીક્ષા સંબંધી કહેવાની ઇચ્છા થાય છે.

કૌસરનાં લગ્ન અયાજ સાથે “ચટ મંગની પટ બ્યાહ” જેમ થયા. લગ્ન બાદ તરત જ એકવાર તેનો ફોન આવ્યો. એ સ્ટૂલ પર ચઢીને સીલિંગ ફેન લૂછતી હતી અને સમતુલા ગુમાવીને પડી. તે વખતે થોડું દુખ્યું. પણ પછી મારી જેમ કમર નીચેના શરીરમાં ખાલી ચડવા લાગી અને આખાય શરીરમાં વેદના શરૂ થઈ. રેહાના અને બા અમારા મોસાળ કોકણમાં ગયાં હતા. ત્યાં ફોન ન હતો. મેં તાત્કાલિક તાર મોકલાવ્યો. ‘કૌસર બીમાર છે. તાત્કાલિક નીકળો.’ તે દિવસે ઑફિસમાં કામ કરવાને બદલે આખોય દિવસ હું રડતી રહી. બહેનપણી નીલમ અડસરે મને ખૂબ સમજાવી. મેં જીવનભર જે ભોગવ્યું એ મારી નાની બહેનને ભોગવવું પડશે કે કેમ એ વિચારે હું ગાંડા જેવી થઈ ગઈ હતી. એ રાતે મેં ઊંઘની ચાર ગોળીઓ ખાધી. કૌસરના સાસરિયાં સમજે તો ઠીક છે. આ બીમારી આનુવંશિક માનીને અયાજ કૌસરને છૂટાછેડા આપશે તો તેનું જીવવું મારાથીય ભયાનક થશે...આવા ના હોય એ વિચાર મનમાં આવતા હતા. કેદાર પાટીલે આપેલો માનસિક આઘાત. બાને પ્રત્યેક વાત હું કહેતી. તેને કારણે બાની મારી સાથે થોડી બદલાયેલ વર્તણૂક, ઑફિસમાં માળીની વર્તણૂક જેવા અનેક કટુ પ્રસંગ, બાબુકાકાનું આ દુનિયામાં ના હોવું, મારાથી વિખૂટી પડેલી અપંગ સહાયક સંસ્થા...મન, માથું એટલું ભ્રમિત થયું કે જીવનમાં કાંઈ અર્થ નથી એમ લાગવા લાગ્યું. તેમોટા કાર્યાલયના સહકાર્યકરોએ આપેલ ‘ટિક ટ્‌વેન્ટી’ની સલાહ. રડી રડીને માથું ખૂબ દુઃખતું હતું. આ ઘરમાં જે જે બાટલીઓ પર ‘ઝેર’ એમ લખ્યું હતું તેમાંની ગોળીઓ અને પ્રવાહી દવા તે રાતે લીધી. ઘરમાં માસી સાથે હતાં. આ ઝેર લેતાં પહેલાં રમતનાં સઘળાં સર્ટિફિકેટ્‌સ, મારાં લખાણ અને સઘળા દસ્તાવેજો ફાડીને સળગાવી દીધા. ઑફસે જવાનો પ્રશ્ન જ ન હતો. પણ મારું દુર્ભાગ્ય કે સદ્‌ભાગ્ય ખબર નથી. પણ તે ઝેર પણ મને પચી ગયું. બે દિવસ ફક્ત ઊંઘતી રહી. કોઈનેય ખબર પડી નહિ કે મેં આત્મહત્યાનો પ્રયાસ કર્યો. પૅરાપ્લેજિક થઈ ત્યારથી ક્યારેય પેટ દુખ્યું ન હતું. પણ અત્યારે જે દુખાવો થયો તે ચૂપચાપ સહન કરી લીધો. ઘરે કે પ્રિય બહેનપણીનેય મારી આ નિષ્ફળ આત્મહત્યાનો પ્રયાસ આ લેખ વાંચ્યા પછી જ ખબર પડવાનો છે.

મારી જેમ જ કૌસરના પીઠના મણકાનું ઑપરેશન થયું. બા, રેહાના, અયાજ, ભાઈસાબ અને તેના સાસરિયાસહુના પ્રયત્નથી અને ડૉક્ટરોની કુશળતાથી કૌસર ચાલવા લાગી. પછી તેને પુત્ર થયો. ત્યાર બાદ એક ફૂટડી પુત્રી થઈ. અયાજ સાથે સાઉદી હતી ત્યારે જ પુત્રી થઈ. જીવન સુખસંતોષપૂર્વક ચાલી રહ્યું છે એ બદલ ભારત પાછા ફરતા પહેલા મક્કા મદિના જઈને શુક્રિયા અદા કરવા માટે તેનું નાનું કુટુંબ નીકળ્યું હતું.

અયાજ ગાડી ચલાવતા હતા. એક ટ્રોલીએ ધક્કો માર્યો. કૌસર ખોળામાં લીધેલ દીકરી સાથે બહાર ફેંકાઈ ગઈ. અયાજ અને દીકરો બેલ્ટ બાંધેલ હોવાથી ગાડીમાં જ રહ્યા. સદ્‌નસીબે પાછળ આવી રહેલ એક ગાડી ઊભી રહી અને કૌસરને ઊંચકી. “ગાડીમાં મારા પતિ અને પુત્ર છે. તેમને કાઢો...” આટલું કહેતાં કૌસર બેભાન થઈ અને તેને દવાખાનામાં જ ભાન આવ્યું. ત્યારે અયાજ ઇન્ટેન્સીવ કેર યુનીટમાં હતા. નાદીર બીકને કારણે મોઢામાંથી શબ્દ કાઢતો ન હતો અને નાની પુત્રી ક્યાંય દેખાતી ન હતી. અયાજના મિત્રોએ જ પુત્રીને દફનાવી હતી. જીવવાને બદલે એ ભગવાનને ઘેર ગઈ હતી. પરંતુ કૌસરને કહેવામાં આવ્યું કે સિરિયસ હોવાથી તેનેય ઇન્ટેન્સીવ કેર યુનીટમાં રાખવામાં આવી છે. અયાજના આખાય શરીરમાં ફ્રેકચર થયાં હતાં. મસ્કતથી અજીજ, દુબઈથી ભાઈજાન દવાખાને પહોંચ્યા. અમારા સુધી સમાચાર પહોંચતા ત્રણ દિવસ લાગ્યા હતા. ઘરબહાર નહિ નીકળનાર બાનો પાસપોર્ટ તૈયાર કરીને ભાઈસાબ બાને કૌસર પાસે મૂકી આવ્યા હતા. પછી વ્હીલચેર, વોકર, કાખઘોડી લેતાં તે બે વર્ષમાં પૂર્ણપણે પગ પર ઊભા રહેતા થયા. કૌસર જડવત્‌ બની હતી. બા પાસેય તેણે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું નહિ. ભારત પાછા ફર્યા પછી તેના આ મુંગા દુઃખે બીજો જ વળાંક લીધો. આજે અયાજ બોલ્યા વગર શારીરિક પીડાને અવગણીને હસતા હસતા ‘હેલ્પર્સ’ને અનેક રીતે મદદ કરે છે. અકસ્માત પહેલાં સાઉદીથી દાન એકત્રિત કરી મોકલતા હતા. હવે મુંબઈમાં હોવાથી સંસ્થાના કાર્યાલયમાં શક્ય હોય તેટલા મદદરૂપ થાય છે. કૌસર પણ બધું ભૂલીને આનંદથી જીવવાના તમામ પ્રયાસ કરે છે. કોલ્હાપુર આવે કે હેલ્પર્સની તબીબી શિબિરના કાર્યમાં એ તન્મય બની સહભાગી થાય છે.

બાસાહેબ અવારનવાર મને વૂડલેન્ડમાં બોલાવતાં. એ વખતે તેમના બંગલાનું બાંધકામ ચાલુ હોવાથી તે વૂડલેન્ડમાં રહેતાં હતાં. બાબુકાકા સાથે હું તેમના મહેલે ગઈ હતી. ત્યારે મારી તેમની પહેલી મુલાકાત થઈ હતી. એ ભવ્ય મહેલ પાછળથી ત્યાંની જિલ્લા પરિષદને આપ્યો. તેમની સાથે કોફી-નાસ્તો લેતાં હું તેમને થયેલા સમાજસેવાના અનુભવ સાંભળતી. ત્યારે મારા બંને ભાઈ પરદેશમાં નોકરીએ હતા. બન્નેએ મળીને બંગલો વેચાતો લઈ શકાય એટલી બચત કરી હતી. રજનીના મામા શ્રી ધોપેશ્વરકર રહેતા હતા એ બંગલો વેચવાનો છે. પણ કિંમત વધારે અને ફક્ત બંગલો આપશે. પાછળની જગા આપવાના નથી તે, વગેરે માહિતી રજની કરકરે પાસેથી મળી હતી. એ બંગલામાં એક વખત રજનીનાં મામીને ત્યાં હું હળદી-કંકૂમાં ગઈ હતી. કેરીનું પનુ અને કેરી નાખેલી ચણાની દાળ મને ખૂબ ગમતી. તે માટે જ મને રજની લઈ ગઈ હતી. એ જ બંગલો વેચવાનો છે એ જાણતાં જ હું, બા અને પિયર આવેલી રેહાના ફરતાં ફરતં ત્યાં ગયાં. એ ઘરનું નામ હતું ‘આશીર્વાદ.’ બંગલાનં માલિકણ શ્રીમતી કાત્રે ત્યાં હતાં. અમારી બા ક્યારેય ઘર બહાર નીકળતાં ન હતાં. આપણે બંગલો લેવાનો છે તે જોવા, પસંદ કરવા તું જોઈએ જ કહીને અમે બળજબરીપૂર્વક બાને ઘરબહાર કાઢ્યાં હતાં. બાની ઉપસ્થિતિ આટલી પ્રભાવક હોઈ શકે એની કલ્પના ન હતી. માથા પર પાલવ, સફેદ સાડી જેવા પહેરવેશમાં અમારી બાને જોતાં જ શ્રીમતી કાતરેએ અમને આદરપૂર્વક અંદર બોલાવ્યાં. એ બંગલો સેન્ટ્રલ એક્સાઇઝ ઑફિસથી તદ્દન નજીક હતો. ત્રણ જ પગથિયાં હતાં. આખોય બંગલો તેમણે ફરીને બતાવ્યો. રેહાનાએ કહ્યું, “અમારા બન્ને ભાઈ પરદેશમાં રહે છે. તેને કારણે જે કિંમત હોય એ પેપર પર જોઈએ.” તેમનેય તેવો જ ખરીદ-વેચાણનો વ્યવહાર જોઈતો હતો. ૧૦,૦૦૦ ચો.ફૂટ બાંધકામનો બંગલો, ૧૧,૦૦૦ ચો.ફૂટ એકંદર જગા, ત્રણ-સાડા ત્રણ લાખ અમે આપી શકીશું એટલું કહેતાં જ તેમણે કહ્યું, “સ્વીકાર્ય. બંગલો આપ્યો તમને. ફક્ત મારો દીકરો મુંબઈમાં પોલીસ ખાતામાં છે. ત્યારે સેલ ડીડ અને પછીની સઘળી કાર્યવાહી મુંબઈમાં મારા દીકરા સાથે કરવાની.” અમારે એ સારું જ હતું. કારણ અમારા બન્ને ભાઈ બહાર. તેને કારણે ભાઈસાબ જ સઘળો વ્યવહાર જોતા. તેમણે ઇરાકના દૂતાવાસની નોકરી છોડીને પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો.

અજીજને વિદેશ મોકલતી વખતે ખાસ્સી ચર્ચા થઈ હતી. ઘણાંનું કહેવું હતું હું આમ અપંગ, તે તેને કારણે કોઈ એક પુરુષ હોવો જરૂરી છે. મારી હઠ હતી. અજીજનું ભાવિ મારા કારણે શાને બગાડવું ? બાપુ અકાળે જવાને કારણે એ ફક્ત સામાન્ય ગ્રેજ્યુએટ થયો. અહીં સારી નહિ નોકરી જ મળવી મુશ્કેલ હતી. કોઈનાય પગની બેડી થવાનું મને પસંદ ન હતું અને સંસ્થાના કાર્યના અનુભવને કારણે અજીજ જેવા ભાઈ મને મદદ કરશે એ શ્રદ્ધા હતી. અજીજની સ્થિતિ વિચિત્ર હતી. મેં જ તેને આગ્રહ કર્યો કે તું પરદેશ જઈશ તો અમને અનેક પરદેશી વસ્તુ મળશે. મોટા ભાઈજાનનાં લગ્ન થયાબાદ તે ભાભી સહિત દુબઈમાં જ હતા. બે વર્ષે તે એક વાર આવતા. અજીજને મળી રહેલ નોકરીમાં ખૂબ પગાર હતો અને દ છ મહિને કંપનીના ખર્ચે તે આવી શકે એમ હતું. ભાઈસાબના મુંબઈના કાર્યાલયમાં અજીજે નોકરી સ્વીકારી ત્યારથી મારા માટે ઘરે પંખો અને બેસવાને સોફા આવ્યા હતા. મારી મોટી જીવની વેદના ! ભાઈસાબ પૈસાની મદદ કરતા. અજીજને સરસ નોકરી લાગી ત્યારે આ ખર્ચ તે કરી શકે એમ હતો. આજે કેવળ અજીજ વિદેશ જવાને કારણે બન્ને ભાઈ મળીને બંગલો ખરીદી શકનાર હતા.

શ્રીમતી કાત્રેના શબદ હતા, “મારા પતિએ રિટાયરમેન્ટ બાદ ખૂબ જ ઉમંગ સાથે આ બંગલો બાંધ્યો. પણ તરત જ તેઓ સ્વર્ગવાસી થયા. તમારી બાને જોઈને વિશ્વાસ બેઠો કે તે આ ઘરની સરખી સંભાળ રાખશે.” સહુને તે વાતનું આશ્ચર્ય થયું. કારણ ફક્ત બંગલાની કિંમત અમને પૂરી જગા સહિત જણાવેલ કિંમત કરતા વધારે તેમણે બીજાઓને કહી હતી. અત્યંત સંતોષ સાથે બધા વ્યહવાર મુંબઈમાં પૂરા થયા. બંગલાના એકે એક બારણામાંથી મારી વ્હીલચેર જવી આવશ્યક હતી. બાથરૂમ, ટોઇલેટ્‌સ મારી સગવડની હોવી જોઈતી હતી. ભાઈઓની સઘળી બચત બંગલો ખરીદ કરવામાં ગઈ હતી. ચાર બારણાની પહોળાઈ વધારવી, મારા રૂમની ભીંતો મોટી કરવી અને બંગલાના પગથિયામાં સ્લોપ, રેલિંગ બધું કરતાં એક વર્ષ લાગ્યું અને ૧૯૮૦માં અમે અનેકોના આશીર્વાદથી ‘નશેમન’માં રહેવા આવ્યાં. બાપુની ખૂબ યાદ આવી. ‘એક બંગલા બને ન્યારા’ એ તેમનું ગમતું ગીત. તેઓ પ્રત્યક્ષ જોઈ શક્યા હોત, અનુભવી શક્યા હોત...!

થોડા દિવસો પછી શ્રીમતી કાત્રે મળવા આવ્યાં. ખીલેલા બાગ, ગુલાબ, મોગરા, જાઈ, જુઈ, પપૈયા, ચીકુ, આંબા, જામફળના ઝાડ સઘળું જોઈને તેમને ખૂબ આનંદ થયો અને સંતોષપૂર્વક પાછાં ગયાં. ‘આ પવિત્ર વસ્તુ તમારા હાથે પવિત્ર રાખવામાંઆવશે એ વિશ્વાસ થવાથી જ તે વખતે મેં પૈસા સામે ન જોતાં નિર્ણય લીધો અને તેનો મને પૂર્ણ સંતોષ થયો છે.” એમ કહીને બિલકૃલ તૃપ્ત મને ચા પીને તે ગયાં.

‘નશેમન’માં રહેવા આવ્યા અને પોસ્ટમેન સહિત અનેકોને લાગ્યું કે બંગલાને મારું નામ આપવામાં આવ્યું છે. “ભાઈ હોય તો આવા ! બહેન પર આટલો પ્રેમ કરનારા!” એવા તેમના ઉદ્‌ગાર હતા.‘નસીમ’ એટલે પરોઢિયાનો વાયરો જ્યારે ‘નશેમન’ એટલે ‘માળો - નાનું ઘર.’ પણ બહેન પરનો અનહદ પ્રેમ સહુએ બરાબર ઓળખ્યો હતો. નસીમ ભાગ્યશાળી છે એમ સહુકોઈ કહેતા. બીજી સપ્ટેમ્બર એ મારો જન્મદિવસ એટલે પગારનો એ બીજો દિવસ રહેતો. તેને કારણે બાપુ હતા ત્યાં સુધી જન્મદિવસ ઊજવવાની પ્રથા અમારામાં ન હોવા છતાં એ દિવસે કાંઈક ખાસ ગળ્યું હોય જ.

એક વખત બાસાહેબ ‘નશેમન’માં વહુરાણી સૌ. સુહાસિનીદેવી વિક્રમસિંહ ઘાટગેને લઈને આવ્યાં. મારી ઓળખ કરાવી. કહ્યું, “આમનેય સમાજકાર્ય ગમે છે. મનેય ગમે છે. આપણે ત્રણે અને રજની મળીને સંસ્થા શરૂ કરીએ.” મેં કહ્યું, “વિચાર કરીશ.” કારણ મારી પાસે આવનાર અપંગોની સંખ્યા મોટી હતી. અપંગ પુનર્વસન સંસ્થામાં હું કામ કરતી હતી ત્યારે ‘નાસીઓ’ (મુંબઈ) પાસેથી મેળવેલ ત્રણ પૈડાંની સાઇકલ એકાદ ગરીબ જરૂરિયાતવાળા અપંગને ન આપતાં સમિતિનાં અપંગ જ મફતમાં વાપરતા હતા. સાચા જરૂરિયાતવાળા અપંગોને તે સંસ્થામાંથી મદદ મળતી ન હતી. સર્વેને હું મારા વૈયક્તિક પગારમાંથી મદદ કરતાંમર્યાદાઓ આવી જતી હતી. બાબુકાકાની ઇચ્છા પણ સાંભરતી હતી જ !

એક દિવસ અમે ચારેય સાથે મળ્યાં અને ચર્ચા કરી. બાળકોથી કાર્યની શરૂઆત કરવી એમ નક્કી કર્યું. સહુથી પહેલા શાળામાં જનારા અપંગ બાળકોની માહિતી એકઠી કરવા કોલ્હાપુરની પ્રત્યેક શાળાને પત્ર મોકલ્યો. યાદી એકઠી કરીને સહુ વિદ્યાર્થીઓને પાલક સહિત એક સ્થળે બોલાવ્યા. તેમની સંપૂર્ણ માહિતી આવશ્યકતા સહિત નોંધી લીધી અને તે આવશ્યકતાની પૂર્ણતા માટે ખર્ચનાં અંદાજપત્ર તૈયાર કર્યાં. મેં કાર્ય શરૂ કરતી વખતે જ શરત મૂકી હતી કે બે વર્ષ કાર્ય કરીશું. ઇચ્છાનુસાર કરી શકાશે એવો વિશ્વાસ થાય તો સંસ્થાની નોંધણી કરવાની. અપંગ પુનર્વસન સંસ્થા જેવી સંસ્થાની સ્થાપના કરીને અપંગોમાં આશા જગાવવી. બાસાહેબ સહિત સહુએ તે સ્વીકાર્યું.

ચાલી ન શકનાર અપંગ બાળકોને કાખમાં શાળાએ લઈ જનાર આયાઓને સરળ બની રહે તે માટે બે વ્હીલચેર્સ, ત્રણ ટ્રાઇસીકલ્સ આપવી જરૂરી હતી. પૈસાનો પ્રશ્ન હતો. પૈસાની સગવડ કરીને મુંબઈ વ્હીલચેર ઓર્ડર આપીને મંગાવી અને એ આપવા રવિવારે એક બાળકના ઘરે ગયાં તો બાળક આઠ દિવસ પહેલાં જ ભગવાનના ધામ ગયેલો ! તેની માતાનું દુઃખ જોઈને પાછાં ફર્યાં. નિશ્ચય ર્કયો કે હવેથી પહેલી સગવડ કરવી પછી શિબિર કરવી. શિબિર બાદ તરત જ ૧૦૦% આવશ્યકતાની પૂર્તતા કરવી શક્ય હોય તો જ શિબિર કરવી.

કૃત્રિમ સાધનો, શાળેય સાહિત્ય, કોઈકને ફી વગેરે મદદ પ્રથમ વર્ષે કરી. યોગાનુયોગ વાહનવ્યવહાર પોલીસ નિરીક્ષક શ્રી કદમ સાથે પરિચય થયો. તેમને કાર્યમાં રસ જાગ્યો. તેમણે પૈસા ઊભા કરવાને એક માર્ગ સૂચવ્યો. સર્વ વાહનોની હેડલાઈટ્‌સને અર્ધા ભાગમાં કાળો રંગ લગાવવાનો. મુખ્ય ચોકમાં વાહનો થોભાવવાનાં અને આ રંગનો ખર્ચ પેટીમાં નાખવા જણાવવું. અમારી પોલીસ મદદ કરશે. શાળાઓની મે મહિનાની રજામાં મેં ઑફિસમાંથી રજા લીધી. ઑફિસના અન્ય બે-ચાર સાથીઓ જાતે જોડાયા. શિબિરમાં જ અપંગ વિદ્યાર્થીઓને લઈને ભર તડકામાં અમે કાળા રંગના ડબા, બ્રશ લઈને હેડલાઈટ્‌સ રંગતા હતા. બાળકોમાં ઉત્સાહ ફેલાયો હતો. એકઠા થનાર પૈસામાંથી ત્રણ પૈડાંવાળી સાઇકલ ખરીદ કરીને શાળામાં જનાર વિદ્યાર્થીઓને આપવામાં આવનાર હતી. પોતે અપંગ હોવા છતાં આટલી નાની વયમાં અન્ય અપંગોને આપણે મદદ કરી શકીશું એના આનંદ આ નાનાં બાળકોને થતો હતો. ત્રણ-ત્રણ પૈડાંવાળી સાઇકલ લેવા જેટલી રકમ એકઠી થઈ. બા સાહેબને હસ્તે એ ટ્રાઇસીકલ્સ આપવામાં આવી. સહુએ કદમસાહેબનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો.

મને વચ્ચે વચ્ચે ઇન્ફેક્શનની હેરાનગતી ચાલુ જ હતી. અચાનક ટાઢ વાઈને તાવ ભરાતો. તાવ ચાર-પાંચ ક્યારેક છ ડિગ્રી સુધીય પહોંચી જાય. પછી ડૉ. સાતવેકર એડમિટ કરી લેતા. એક વાર આઈવીપી કરવાનું હતું. અજીજ રજા પર આવ્યો હતો. ડૉક્ટર સુશીલ પાસે એ ગયો હતો. તેમણે પેટ સાફ થવાની દવા આપી. અજીજ તેમને મારો કેસ જુદો છે એ જણાવવાનો પ્રયત્ન કરતો હતો. પણ તે સાંભળતાં પહેલાં જ ‘તમે સુશિક્ષિત દેખાવ છો. તમારા જેવાને આ સવિસ્તર કહેવાનો પ્રસંગ ઉપસ્થિત થાય એટલે આશ્ચર્ય છે.” કહેતાં જ અજીજ ભડક્યો. “મારી બહેન પૅરાપ્લેજિક છે. પેટ સાફ થતું નથી તો એક્સ-રે માટે તમારી પાસે લાવવી કે નહીં ? કે તેને આટલા માટે ખડકીની મિલિટરી હૉસ્પિટલમાં મારે લઈ જવી પડશે ?” આ સાંભળતાં જ ડૉક્ટર એકદમ નરમ થયા. “સૉરી ! એને લઈ આવો...હું સઘળી વ્યવસ્થા કરું છું.” એમ કહીને બીજા દિવસે તેમણે એટલા પ્રેમથી મને કશાયનો સંકોચ થાય નહિ એવો વ્યવહાર દાખવ્યો. એટલું જ નહિ, પણ અજીજે બીલ ભર્યું તો તે પૂરી રકમ એક પાકીટમાં મૂકી અને મારા હાથમાં આપીને કહ્યું, “તારા કાર્યની મને જાણ છે. ભાઈને બહેન પ્રત્યેની સમજ રહે તેથી મેં તારા ભાઈ પાસેથી પૈસા લીધા. આ પૈસાનો તારા કાર્ય માટે જ ઉપયોગ કર.” હું નોકરી કરતી હોવા છતાં મારો ભાઈ જ હંમેશાં મારી દવાનો ખર્ચ કરે છે. એ મેં તેમને કહ્યું અને અપંગ સહાયક સંસ્થા મેં છોડી દીધી છે એ પૈસા ત્યાં હું આપી શકીશ નહીં તેથી તેમણે એ પાકીટ પાછું લઈ લેવું જોઈએ કહીને હું તે પાછું વાળવા લાગી. ત્યારે તું આનો ગમે તે માટે ઉપયોગ કર. પણ ભાઈને પાછા આપીશ નહિ. એમ હસતાં હસતાં મશ્કરીમાં કહ્યું. મેં એ પાકીટ ન ઉઘાડતાં તેમ જ રાખ્યું.

ત્યાર બાદ મુંબઈ સ્પર્ધા માટે વિદ્યાર્થીઓની ટીમ મોકલી. તે વખતે એ પૈસામાંથી બાળકોના સફેદ યુનિફોર્મ લીધા. ટીમને વિદાય આપવા અને શુભેચ્છા આપવા સ્ટેશને બોલાવતાં જ એ ડૉક્ટર સુશીલ પત્ની સાથે સ્ટેશન પર આવ્યા. મને રજા મળવી મુશ્કેલ હતી. તેથી એક મોટી વયના અપંગ યુવાનને ટીમ મેનેજર બનાવીને સાથે મોકલ્યો. આવવા-જવાના ખર્ચાનો હિસાબ કરીને તેની પાસે પહેલાં જ પૈસા આપ્યા હોવા છતાં રેલવે છુટવાના ખરા સમયે તેમણે ડૉક્ટર સામે વધુ પૈસા માગ્યા. થોડી વાર પહેલાં જ મેં મારી પાસેનાબધા જ પૈસા પહેલી જ વખત મુંબઈ જનાર અને જેમની પાસે હાથખર્ચ માટે એક પણ પૈસો ન હતો તેમને આપી દીધા હોવાથી તે ક્ષણે રેલવે સ્ટેશન પરથી રિક્ષામાં પાછા જવા જેટલા પૈસાય મારી પર્સમાં ન હતા. ઑફિસની બહેનપણી રેખા ફાટક સાથે હતી. તેણેય બાળકોને પૈસા આપ્યા હતા. તેની પાસેથી જ હું ઘરે પરત જવા પૈસા લેવાની હતી. પણ ડૉક્ટરે અમારી વાત સાંભળી અને હું પૈસા આપું કે, પૂછ્યું. બીજો ઉપાય જ ન હતો. પગાર થતાં પાછા આપીશ એમ મહીને મેં હાથ આગળ કર્યો. ખૂબ સંકોચ થયો કે તેમની પત્નીને શું લાગશે ? આ માટે જ આપણે તેમને સ્ટેશન પર બોલાવ્યા ? ડૉક્ટરે પાકીટ કાઢ્યું અને તેમાંના બધા જ પૈસા કહ્યા વગર મારા હાથમાં આપ્યા. તેમનું તે દાતૃત્વ જોઈને હું આશ્ચર્યચકિત થઈ. એ ટીમ વ્યવસ્થાપકને જોઈતા પૈસા આપ્યા. બાકીના પર્સમાં નાખ્યા. ઘરે જતાં જતાં ગણીને ડાયરીમાં લખી લીધા.

તે વેળાએ હું પગાર કરતાં ખર્ચ વધુ કરતી હતી. જી.પી. ફંડ પણ ફક્ત સો રૂપિયા જ કપાવતી હતી. બા પાસેથી ઉધાર પૈસા લેવા પડતા. સંકોચ થતો. પણ સામે આવનાર જરૂરતમંદોની આવશ્યકતા તીવ્ર હતી. રજની મને હંમેશાં ટોકતી “નોકરી કરીને ઘરે એક પૈસો આપતી નથી. ઊલટું ઘરખર્ચના બા પાસેથી લે છે. આ યોગ્ય નથી. ડૉક્ટરના પૈસા પાછા વાળતા મને ખાસ્સા મહિના લાગ્યા. હું જાતે આપવા ગઈ. તેમણે ચૂપચાપ લઈ લીધા. હંમેશની જેમ નિખાલસપણે હસ્યા નહિ અને વધુ વાત પણ કરી નહિ. મનમાં કહ્યું સ્ટેશન પર પૈસા માગવા અને આટલા મોડા તે પરત કરવાને કારણે તેમના મનમાં મારી છબીને ડાઘ લાગ્યો. ત્યાર બાદ અનેક વર્ષ હું તેમની પાસે જવાનું સાહસ કરી શકી નહિ. સંસ્થાના કાર્યક્રમોમાં આમંત્રણ મોકલાવતી. પણ એ વખત સુધ્ધા તે આવ્યા નહિ. મેં તેમનો વિશ્વાસ ગુમાવ્યો હતો એ ખેદ અવારનવાર મને અસ્વસ્થ કરી દેતો. પૈસા મોડા મોકલાવ્યા એ અંગે દિલગીરી વ્યક્ત કરતો એક પત્ર પણ પોસ્ટ દ્વારા મોકલાવ્યો. પણ તેનો જવાબ આવ્યો નહિ. અનેક વર્ષે એક લાભાર્થીના કામે તેમની પાસે ગઈ. મનમાં એટલો જ ખેદ હતો. મેં સ્પષ્ટપણે તેમને પૂછ્યું, “મારા વિશે એ પૈસાને કારણે તમને ગેરસમજ થઈ હોવાનું જણાય છે. તમારા મનમાં શું છે તે હું જાણી શકું ?” તેમણે કહ્યું, “મેં તમને પૈસા પરત આપવા માટે આપ્યા ન હતા. તમે તે પરત કર્યા ત્યારે મને ખૂબ ખોટું લાગ્યું. પણ ઘરે જઈને મેં પત્નીને કહ્યું. ખૂબ સ્વાભિમાની બાઈ છે એ. બીજાઓની મદદ તે ઇચ્છતી નથી.” કહ્યું, “આ પહેલાં જ તમે આ શાથી કહ્યું નહિ ? અરે, લોકોની મદદ પર તો આ ‘હેલ્પર્સ’નું કાર્ય ચાલે છે.” ત્યાર બાદ તે સંસ્થામાં આવ્યા. કાર્યક્રમમાં આવ્યા. મારા મન પરની તાણ દૂર થઈ. હવે તે દાન પણ આપે છે.

નોકરીનો મારો સમય અત્યંત આનંદમાં ગયો. કાર્યાલયમાં મારું કામ પૂરું થતાં જ હું બીજાઓનું કામ કરતી હોવાથી મને દરેક વિભાગનું કામ આવડતું હતું. જ્ઞાનમાં વધારો થયો. આજે તે જ્ઞાનનો ઉપયોગ સંસ્થાના કાર્યાલયમાં પણ થાય છે. પણ તે વખતે માતર્‌ કોઈ પણ રજા પર જાય તો મને જ તેમના કામની જવાબદારી આપવા લાગ્યા. કારણ હું બન્ને ટેબોલનું સઘળું કામ પૂરું કરતી. પહેલાના અધિક્ષક શ્રી ખાનોલકર અને શ્રી ગાવકરને આવા કામનું ગૌરવ હતું. તેને કારણે કામનો ઉત્સાહ હતો. પણ પછી નવા પ્રશાસનિક અધિકારી આવ્યા. અન્ય સાથેના કર્મચારીઓને કાર્યાલયના કામ સિવાયના કામે ગોઠવીને તેમનું કામ તે મારી પાસે કરાવતા. અહીં સુધી તો ઠીક હતું. અકે વખત હું માંદી પડીને દવાખાનામાં હતી. પરત હાજર થયા પછી જેમણે અનેક મહિના પોતાનું કામ હોવા છતાં એ ભેગું કરી રાખ્યું હતું તેમનો ખુલાસો ન પૂછતાં મારી પાસે તેનો લેખિત ખુલાસો પૂછવામાં આવ્યો. ત્યારે મારા માટે આ અન્યાય સહન કરવો દુષ્કર બન્યો. હું સીધી એ કાગળ લઈને આસિસ્ટન્ટ કલેક્ટર પાસે જઈને તેમને પુરાવા સહિત સવિસ્તર બાબત દર્શાવી. સાહેબે તેમને બોલાવીને સમજાવ્યા. આસિસ્ટન્ટ કલેક્ટર સાહેબ ઑફિસની ઉપર જ રહેતા હતા. હું દવાખાનેથી આવ્યા પછી મારું બાકીનું કામ પૂરું કરવા રવિવારે ઑફિસમાં આવતી ત્યારે તું એકલી જ કેમ આવે છે ? તારા પ્રશાસનિક અધિકારીએ પણ આવવું જોઈએ.” એમ તે કહેતા.

શ્રી ગાવકરસાહેબ પ્રશાસનિક અધિકારી હતા ત્યારે મારી નોકરીનું બીજું કે ત્રીજું વર્ષ હતું. દર વર્ષે એકાઉન્ટ સેક્સનના વાર્ષિક બજેટનો એટલો હાઉ ઊભો કરવામાં આવતો કે તમને તે ફાવશે નહિ. તમે નવાં છો, સમજાશે નહિ એમ કહીને મને બાજુએ રાખતા. ગાવકરસાહેબે એકવાર મને બોલાવીને ફાઇલ હાથમાં આપી. “આખીય વાંચી, અભ્યાસ કર. કાંઈ મુશ્કેલી હોય તો પૂછ અને આ વર્ષનું બજેટ તૈયાર કરી આપ.” એમ જણાવતાં મને અત્યંત આનંદ થયો. હું કામમાં ખોવાઈ ગઈ. ન આવડવા જેવું કાંઈ ન હતું. એક-બે શંકાઓ જાગી ત્યારે તેમની સલાહ લીધી. અને બજેટ દર વર્ષ કરતાં વહેલું તૈયાર થયું. ત્યાર બાદ અનેક વર્ષ હું જ બજેટ બનાવતી હતી. ગાવકરસાહેબે તરત જ મને પ્રશસ્તિપત્ર આપ્યું. ત્યાર પછી એક વખત આવા જ શ્રી જિતેન્દ્ર નામના યુવાન આસિસ્ટન્ટ કલેક્ટર આવ્યા હતા. “સ્ટોક ટેકિંગ”નો મારો અહેવાલ વાંચીને તેમણે ફાઇલ પર ‘વેરી ગુડ. કીપ ઈટ અપ’ શેરો નોંધ્યો. તે જોઈને ખુબ સંતોષ અનુભવ્યો. હવે આવું ગૌરવ જોવા મળતું નથી.

પુરુષોની વિચિત્ર વર્તણૂકનો મને ઘણો ત્રાસ થયો છે. શરીરની દુર્ગંધ છુપાવવા ભાઈ વગેરે મને વિદેશથી સ્પ્રે, પરફ્યુમ લાવી આપતા. મારા બન્ને ભાઈઓને રેહાનાના પતિએ વિદેશમાં સરસ નોકરી મેળવી આપી હતી. વિદેશી સાડીઓ પણ ખૂબ હતી. ઑફિસમાં બહાર તે સાડીઓ અને સેન્ટની સુગંધથી પુરુષો નજીક આવે છે એ ધ્યાને આવતાં જ મેં મારી બધી જ સુંદર વિદેશી સાડીઓ બહેનપણીઓને આપી દીધી. કેટલીક બહેનપણીઓએ બા પાસે ફરિયાદ કરી. “આણે આ શું સાધ્વી જેમ શરૂ કર્યું છે ?” હું ફક્ત કોટન જ વાપરું છું કહેતાં જ જુદા જુદા રંગની કોટનની સાડીઓ ભેટમાં સગા-વહાલાઓએ, બહેનપણીઓએ આપી. આ પ્રેમને કેવી રીતે દુભાવવાની હતી હું ! રંગીન કોટનની સાડીઓનાંય પુરુષ વખાણ કરવા લાગ્યા. એક પરિણીત સુદૃઢ હીરોએ તો સફેદ સાડીમાં મારું વર્ણન કરીને મને પ્રેમપત્ર લખ્યો અને બીજાં લગ્ન કરવાને એ ઉત્સુક હોવાનું જણાવ્યું. એક બંગાળી અપંગે માત્ર અત્યંત સૌજન્યતાથી ઇચ્છા વ્યક્ત કરી. ના કહેવા છતાં હસીને “દોસ્તી રહેશે ને ? પત્ર લખીશ તો ચાલશે ને ?” એમ કહીને સુંદર પત્રમૈત્રી જાળવી રાખી. એક ગુજરાતના મુસ્લિમ પોલિયોથી અપંગ થયેલ યુવાને દરખાસ્ત મૂકી. મેં યોગ્ય શબ્દોમાં નકાર આપીને તેને બીજી યુવતી સૂચવી. પોતાના પગારમાંથી પૈસા આપીને ડૉક્ટરોની સલાહ લઈને તેને ગુજરાત મોકલ્યો અને ત્યાં તેનાં લગ્ન થયાં. મારા કારણે તે વૈવાહિક જીવન જીવી શક્યા. એથી તેમેણ પોતાની પ્રથમ દીકરીનું નામ મારા નામના અક્ષર આવે એ રીતે રાખ્યું.

એક મહારાષ્ટ્રીયન તરુણને ના કહ્યા પછી હું ખૂબ રડી હતી. મનમાં હા હતી. પણ તેના જીવન સાથે રમીને તેની પર પોતાનો બોજો લાદવો યોગ્ય લાગ્યો નહિ. મારા આ નિર્ણય બદલ મને ક્યારેય પશ્ચાત્તાપ થયો નહિ. કારણ મને સહુથી પ્રિય છે તે મારા બાબુકાકા અને તેમણે આપેલું કાર્ય. આ કાર્યમાં લગ્નને કારણે, છૈયાંછોકરાંને કારણે અડથલો આવ્યો હોત, ઝંઝાવાત જાગ્યો હોત. કારણ અંતે પુરુષ સંકુચિત, શંકાશીલ વૃત્તિના હોય છે. એ અનેક બહેનપણીઓને થયેલા અનુભવ પરથી મને સમજાયું હતું.

નોકરીમાં જોડાતં જ લોઅર ડિવિઝન ક્લાર્કમાંથી અપર ડિવિઝન ક્લાર્કની સીધી પરીક્ષામાં હું, રેખા અને નીલિમા બેઠાં. અમે ત્રણે તેમાં પાસ થયાં. તે બન્ને બહારગામ પોસ્ટિંગ મળે તો જવા તૈયાર હતાં. પરંતુ મેં ના કહી. અમને ત્રણેને આટલા વહેલા છ મહિનામાં પ્રમોશન મળે અને તેને કારણે આ ડિવિઝનના કેટલાક લોકોને બહારગામ જવું પડે તેથી યુનિયનની બેઠક બોલાવવામાં આવી. તેમાં ‘એક દરવાજેથી આ એલ.ડી.સી. તરીકે આવશે અને બીજા દરવાજેથી અધિકારી તરીકે બહાર નીકળશે.’ એવા ઉદ્‌ગાર વ્યક્ત કરવામાં આવ્યા. પછી આગળ શું થયું તે જાણવા મળ્યું નહિ, પણ અમારા ત્રણેયના ઓર્ડર આવ્યા નહિ.

આ બેઠક પછીનો આઠ-દિવસ અંદરનો જ એક પ્રસંગ યાદ આવે છે. જીવનમાં તે વિસરવો મુશ્કેલ છે.

ઇન્સ્પેક્શનને કારણે મારું માથું ખૂબ દુખતું હતું. ગોળી લેવાં છતાંય દુખાવો બંધ થતો ન હતો. ખટાઉકર ક્યાંક ગઈ હતી. મેં ખાલી માથું ટેબલ પર નાખ્યું હતું. એટલામાં મને બઢતી મળી હોત તો જેમની બદલી થઈ હોત એવા કર્મચારી ત્યાં આવ્યા. અને તેમણે ‘શું થયું’ પૂછ્યું. ત્યારે મેં સીધો જવાબ આપ્યો “માથું ખૂબ દુખે છે...” તેનો તેમણે સૂચવેલ ઉપાયથી હું દંગ થઈ ગઈ. “ટિક ટ્‌વેન્ટી લો. સઘળી યાતનામાંથી છુટકારો થઈ જશે.” એટલે આ લોકો મને અહીં ઇચ્છતા ન હતા. મશ્કરી હોય તોય આવી કેવી જીવલેણ મશ્કરી ? મેં શાંતિથી કહ્યું, “મને દુકાનદાર આપશે નહિ. તમે લાવી આપો તો અંતઃકરણપૂર્વક તમારો આભાર માનીશ. તે દિવસે રજા મંજૂરીની ચા પિવરાવવાની મેં ના કહી હતી, પણ આ કામ કરશો તો માગશો એ ઇનામ આપીશ.” આ જ ગૃહસ્થે મારી રજા મંજૂર કરતી વખતે મારો પગાર વધારો કરતી વખતે, પેપર પર વજન મૂકવું પડશે એમ કહ્યું હતું. હું બિલકુલ નવી હોવાથી મને આનો કાંઈ જ અર્થ સમજાતો ન હતો અને મારા ટેબલ પરનું પેપરવેઇટ હું સિપાહી દ્વારા તેમની પાસે મોકલાવતી હતી. ત્યારે સહુ કોઈ મને હસતા અને ‘વજન’નો અર્થ જણાવ્યો હતો. પણ આપણા કામ માટે આપણને પગાર મળે છે. તે માટે બીજા પાસેથી કાંઈ લેવું અથવા બીજાને આપવું એટલે ઓશિયાળાપણું એમ મને લાગતું હતું. મારો જવાબ સાંભળતાં જ તે ત્યાંથી નાઠા અને હું બાઘાની જેમ ઑફિસમાં રડવા લાગી. ખટાઉકરે આવીને પૂછતાં જ મેં બનેલી ઘટના સંભળાવી. તેણે મને સમજાવી અને સાહેબને કહીને મને ઘરે મૂકી ગઈ.

તાવ ચડ્યો જ હતો. ફરી દવાખાનું. થોડા દિવસ એડમિટ, એન્ટિબાયોટિક્સ, દિવસ-રાત ઇન્જેક્શનનનો મારો. દર વર્ષે બે-ત્રણ વખત તો મને દવાખાનામાં રાખીને દવાનો કોર્સ આપવો જ પડતો. પેટમાં દુઃખતું, જમવાનું જતું ન હતું. નાકમાંથી અંદર પેટમાં નળી નાખતાં ગળામાં ઈજા થતી. એક વખત ચિડાઈને તે નળી સહિત મેં સિસ્ટરને દૂર ભગાવી. “મરી જઈશ, પણ એ નળી હવે પછી જીવનભર નાકમાં નાખીશ નહિ.” એવી તાકીદ આપી. મારા સદ્‌ભાગ્યે ડૉ. સાતવેકર મારી સ્થિતિ સમજીને મારી સાથે પ્રેમથી વર્તતા. ક્યારેય તે મારી પર ચિડાયા ન હતા. ચાદરો ભીંજાય કે સિસ્ટર્સ બૂમાબૂમ કરતી. બાને જ સાંભળવું પડતું. પછી ડૉક્ટરોને કહીને ઘરેથીય ચાદર લાવવા લાગ્યા. ધીમે ધીમે એ દવાખાનાનો સ્ટાફ મારા પૂરતો તો સુધર્યો, કારણ એક વખત મેં તેમને સંભળાવ્યું, “પેશન્ટની સેવા કરવાનો આટલો કંટાળો છે તો અહીં શા માટે આવ્યા ? બીજી નોકરી કરવી હતી. કામ કરશો નહિ. ઘરના લોકો બધું કરે જ છે. કાંઈ નહિ તો મીઠું બોલો.” પરંતુ માલેકર સિસ્ટર આત્મીયતાથી વાત કરતાં.

હું દવાખાનામાં પડી હોવા છતાં ઊંઘતાં ઊંઘતાં પીઠ પર ઊંઘીને જ ક્રોશના લેસના અસંખ્ય હાથરૂમાલ બનાવતી. એક વખત બધી સિસ્ટર્સને તે હાથરૂમાલની ભેટ આપી. પછી મનમાં વિચાર આવ્યો. આવા રૂમાલ બનાવીને વેચીએ. એટલે એ પૈસામાંથી કાખઘોડી, ફી વગેરે આપી શકાશે. પછી શું, રાતે ઊંઘ ન આવે તો ઊંઘની ગોળી ન લેતાં મારું રૂમાલનું કારખાનું ચાલું રહેતું. બા બૂમો પાડતી - ઊંઘી જા. પણ ઊંઘ માટે બે-ચાર ગોળીઓ લેવી પડે એનાથી પણ જીભ ભારે થાય. હું મૂંગી બની જઈશ કે એવી બીક લાગતી. આ સઘળા અનુભવોમાંથી બા પસાર થઈ હોવાથી એય કાંઈ વધારે કહેતી નહિ. મારા રૂમાલ તૈયા થતાં જ તેનું વેચાણ થતું

અજીજના લગ્ન થયા બાદ ૧૯-ર૦ વર્ષે ઇર્શાદ ઘરે આવી. તેનાં બા-બાપુએ મારી સામે જ તેને કહ્યું હતું, “આ નણંદની સેવા કરીશ, આને ખુશ રાખીશ તો તું આ ઘર જીતી શકીશ.” ખરું તો હું પહેલાંથી બાઅજીજને કહેતી હતી કે અજીજનાં લગ્ન થતાં જ એને જુદો રહેવા દે. બીજા ઘરની દીકરી લાવીને તમે એની પાસે કામ કરાવશો, એ કંટાળો વ્યક્ત કરશે તો નારાજ થશો. અજીજે એનો જવાબ વાળેલો - “તો લગ્ન જ નથી જોઈતાં.”

મને મનથી મારે જુદી રહેવું એમ થતું હતું. નોકરી લાગતાં પહેલાં આનંદવનમાં બાબા આમટે પાસે જવાનું કહ્યું, ત્યારે બાએ દુઃખપૂૂર્વક કહ્યું, “કાંઈ નહિ તો હું જીવું છું ત્યાં સુધી તું આ ઘર છોડીને ક્યાંય જવાની ભાષા ફરીથી ઉચ્ચારીશ નહિ.” ઇર્શાદના લગ્ન પછીનો પહેલો જન્મદિવસ મેરી વોનલેસ હૉસ્પિટલ, કાગડા નાકામાં જે રૂમમાં એડમિટ થઈ હતી તેમાં જ ઊજવાયો. એ દવાખાનાની એક પણ રૂમ અથવા વોર્ડ એવો નથી જ્યાં હું રહી ન હોઉં. ત્યાંના અનેક બ્રધર્સ, ડૉક્ટર્સ, સિસ્ટર્સ મારી પર ખૂબ હેત વરસાવતાં.

જ્યારે જ્યારે દવાખાનામાં દાખલ થવું પડ્યું ત્યારે યાદ આવે સૌ. માલપ સિસ્ટર. તે સી.પી.આર.માં નોકરી કરતાં. તેમને નાનું બાળક હતું. છતાં ડ્યૂટી કરીને ઘરે જઈને રસોઈ બનાવી રાત્રે મને ઇન્જેકશન આપવા કેળવકરના ઘરે આવતાં. શાંત નિર્મળ બોલવું. ક્યારેય એક પૈસો લીધો નહિ. ડૉ. આર.બી. સાતવેકરે પણ મને નોકરી લાગતા સુધી ક્યારેય મારી પાસેથી પૈસા લીધા ન હતા. પછી મારા આગ્રહ ખાતર લેવા લાગ્યા.

ઑફિસમાં કામ કરતાં મને ખૂબ સારા અનુભવ મળી રહ્યા હતા. કર્મચારીઓમાં સિપાહીથી અધિક્ષક સુધીના લોકો સાથે અમારા બાપુએ ખૂબ સારા સંબંધો જાળવ્યા હતા. બાપુના મનની મોટપની અનેક હકીકતો સાંભળવા મળતી હતી. એકને તો બાપુએ પોતાના જી.પી. ફંડમાંથી લોન લઈને મદદ કરી હતી. મને જોઈતો સહકાર, જમવાનો ડબો ધોવો, પાણી, ચા લાવી આપવી વગેરે દરેક જણ હસતા મોઢે કરતા. અમે દસ-બાર જણ બપોરનું ભોજન સાથે કરતા. હસતાં-રમતાં અનેક વાનગીઓનો આસ્વાદ લેતાં ભોજન થતું. અમારું ઘર નજીક. તેને કારણે ગરમાગરમ મસાલા ભાત, વઘારેલા ભાત, ભાજીની કઢી સહુને ગમતી. બિરયાની, મટન, માછલીય કેટલાકને પ્રિય હતી. આવા વખતે ઘરેથી મોટો ડબો આવતો.

પગારના દિવસે અનેક જણના ચહેરા પર આનંદની જગાએ ચિંતા જોવા મળતી. હું પગાર હાથમાં લઉં કે ગાવકરસાહેબ મને અને મારી બહેનપણીઓને અક્ષરશઃ ઑફિસ બહાર કાઢતા અને કહેતા, “જાવ પિક્ચર જુઓ, શોપિંગ કરો...આજે મોજમજા કરો. કાલે કામ કરજો.” આવા સાહેબ પ્રત્યેક ઑફિસમાં હોવા જોઈએ. કામ પતાવીને કાંઈ પણ કરવાની પરવાનગી આપનારા, તો જ્યારે પગારના દિવસે સ્ટાફના ચહેરા પરની ખિન્નતાનું કારણ શું હતું એની મેં ચોકસાઈ કરી ત્યારે ખબર પડી કે અચાનક આવેલી માંદગી, લગ્ન વગેરે સમયે લીધેલ કરજ. દર મહિને સોએ દસ રૂપિયા વ્યાજ, અનેક વર્ષોથી આ લોકો દર મહિને માત્ર વ્યાજ જ આપે છે. મૂળ કરજ એમ જ છે. વળી પગાર પહોંચતો ન હતો. વળી કરજ. મારા પોતાના પગારનો કેટલોક હિસ્સો હું સહકર્મચારીઓને ઉછીના પૈસા આપવા રાખતી હતી. કચેરીમાં દિવાળી ફંડ ચાલુ હતો. દર મહિને ફાળો આપવાનો અને દિવાળી વખતે વર્ષના કુલ પૈસા અને વ્યાજ મળતું. કોઈને જરૂર હોય તો સોએ બે રૂપિયા દર મહિને વ્યાજથી કરજ આપતાં અને તે આવેલું વ્યાજ વહેંચવામાં આવતું.

આ દેવાદાર કર્મચારીઓને કરજના ભરડામાંથી છોડાવવા માટે મેં એક યોજના સહુની સમક્ષ રજૂ કરી. દિવાળી ફંડ ઉપરાંત ‘સ્ટાફ વેલ્ફેર ફંડ’ નામે એક ફંડ શરૂ કરવો. તેમાં સહુએ પોતાને સહેવાય એટલો ફાળો આપવો. એકઠા થયેલા પૈસામાંથી સોએ મહિને એક રૂપિયાના દરે કરજ આપવું. એકઠું થયેલું વ્યાજ વર્ષાન્તે વહેંચવું. બદલી કે નિવૃત્તિ સમયે જેના તેના એકઠા થયેલા રૂપિયા મળશે. હવે જેઓ કરજદાર છે તેમણે આમાંથી કરજ લઈને તે વધુ વ્યાજનું કરજ ભરપાઈ કરી દેવું અને ત્યાર પછી પોતાના જ પૈસા તે વાપરી શકવાના હતા. સહુએ આનંદભેર હા કહી. બાર-ચૌદ વર્ષ આ ‘સ્ટાફ વેલ્ફેર ફંડ’ મેં વ્યવસ્થિત ચલાવ્યો. લોકોની પોતાનું કરજ ચૂકવીને ટી.વી, વૉશિંગ મશીન, ફર્નિચર, માંદગી, લગ્ન જેવી કેટલીય જરૂરિયાતો ઓછા વ્યાજમાંથી સંતોષાતી હતી. હું માંદી રહેતી હતી ત્યારે સંસ્થાનું કામ વધતાં સહકર્મચારીઓની મદદ લીધી.

સહુએ ઉત્તમ સહકાર આપ્યો. પણ મારું નિવૃત્તિ લેવાનું નક્કી થયા પછી બધાનાં ખાતાં બંધ કરી દરેકના પૈસા આપ્યા. અન્ય કોઈકે આ ફંડ ચલાવવો, સહુની સુંદર સગવડ થઈ રહે છે, તેવી મેં વિનંતી કરી, પણ કોઈ જવાબદારી ઉઠાવવા તૈયાર ન હતું. આજે આ ‘સ્ટાફ વેલ્ફેર ફંડ’ બંધ થયાનું દુઃખ છે. આ ફંડ ચાલુ હતો ત્યારે મને ફસાવીને કરજ લઈને બહાર વધારે દરે તે જ પૈસા કરજ આપ્યાના ઉદાહરણો પણ જોવા મળ્યાં. આવા લોકોના ખાતાં તે જ ક્ષણે બંધ કરવામાં આવ્યાં. આવી ભૂલો માફ કરવાનું મને રુચતું નથી.

આ ‘સ્ટાફ વેલ્ફેર ફંડ’ હું ચલાવતી હોવાથી ‘સેન્ટ્રલ એક્સાઇઝ રિક્રિએશન ક્બલ’નું ટ્રેઝરર પદ અનેક વર્ષો સુધી મારી પાસે હતું. સંસ્થાનું કામ ખૂબ જ વધ્યું ત્યારે હળવે હળવે હું ઑફિસમાં આ કામમાંથી અલિપ્ત રહેવા લાગી. સેન્ડ ઑફ પાર્ટીજ, મેનૂથી બેઠક વ્યવસ્થા સહુના સહકારથી કરવામાં આનંદ અનુભવાતો.

કચેરીના સઘળા કર્મચારીઓ સાથે હું સમરસ થઈ હતી. પણ નોકરી લાગતાં લાગતામાં જ થયેલ બઢતીની ઘટના અને ‘ટિક ટ્‌વેન્ટી’ પ્રકરણ ભૂલી શકાતું ન હતું. ખાતાની બઢતી મેળવવા માટેની પરીક્ષામાં હું એક પણ વખત ગઈ નહિ. જીવનભર એલ.ડી.સી. રહેવાનું નક્કી કર્યું હતું. પદ ગમે તે હોય, સઘળાં કામો મને આવડતાં હતાં. છેક પ્રશાસનિક અધિકારીઓનાં કામો પણ વખત આવ્યે - સહી છોડીને - હું કરતી હતી. મારા પછી જોડાયેલાઓને બઢતી મળે છે અને હું ત્યાં જ છું એ એક દિવસ ગાવકર સાહેબના ધ્યાનમાં આવ્યું. મને બોલાવીને તેમણે કારણ પૂછ્યું, “પરીક્ષા માટે પૂણે જવામાં કાંઈ મુશ્કેલી હોય તો મને જણાવ. હું મદદ કરીશ.” કહ્યું. મેં સાચું હતું એ કારણ જણાવ્યું. તે બઢતી પછીય મને અહીં રાખશો તો જેમની બદલી થાય છે તેમને વળી હું નડીશ. તેમણે મને પહેલાં સમજાવી. પછી તે સાફ ગુસ્સે થયા અને મને બળજબરીપૂર્વક પૂણે જઈને પરીક્ષા આપવાની ફરજ પાડી. તેને માટે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું.

ખાતાનાં પુસ્તકો વાંચીને કામ કરવાની આદત હોવાથી તે પુસ્તક સાથેની પરીક્ષામાં કાંઈ જ અઘરું જણાયું નહિ. સર્વ વિષયોમાં તે વખતે હું પ્રથમ હતી. એ રિઝલ્ટ ગાવકરસાહેબને બતાવતી વખતે મને અત્યંત આનંદ થયો હતો. તેનું શ્રેય તેમને જ હતું. કેવળ એ પરીક્ષાને કારણે મને પછીની સઘળી બઢતીઓ મળી. બઢતીની મિજબાની કાર્યાલયની કલબ રૂમમાં જ આપી. જમવાનું તૈયાર કરવાથી પીરસવા સુધી સંસ્થાના કાર્યકરોએ સાથી કર્મચારીઓ સાથે ઉત્સાહભેર ભાગ લીધો. મજાની વાત એ છે કે હું દવાખાનામાં હોઉં ત્યારે જ પ્રત્યેક બઢતીનો આદેશ થયો હતો. કર્મચારીઓ પણ મને તત્પરતાથી ‘ઓર્ડર’ દવાખાનામાં લાવી આપતા. મારો પગાર પણ દવાખાનામાં આપવામાં આવતો. અનેક સાથીઓ (બધાનાં નામ લેવાં અશક્ય છે) તો મને ગમતું ખાવાનું - ઘરે બનાવેલ વાનગી લાવતા. એક વખત તો કચેરીમાં ઑફિસની ગાડીમાં જ મને પહેલા દવાખાને દાખલ કરી અને પછી બાને દવાખાને લાવ્યા.

તે સમયે હું નિયમિત રક્તદાન કરતી હતી. બ્લડબૅંક પાસે તેમના પર્યાપ્ત કર્મચારી હોય તો તે કચેરીમાં આવીને રક્ત લેતા. ક્યારેક તેમના કર્મચારી ન હોય તો હું અમારા સાથી કર્મચારી સાથે બ્લડબૅંકમાં જઈ રક્તદાન કરતી. તે વેળાએ રક્તદાતા ઓછા હતા. આવો જ એક દિવસે બ્લડબૅંકમાંથી ફોન આવ્યો તેથી હું રક્ત આપવા ત્યાં ગઈ. ત્યારે ખબર પડી કે અમારા આસિસ્ટન્ટ કલેક્ટરની માતાને રક્ત જોઈતું હતું. મને ત્યાં જોઈને અમારા પાઈસાહેબ ખૂબ ચકિત થયેલા દેખાયા. બ્લડબૅંકના ડૉ. સુળગાવકર અને ડૉ. દિવેકરે તેમને શું શું કહ્યું ખબર નથી. પણ પાઈ સાહેબને મારું ખૂબ જ ગૌરવ હતું. અત્યારે તે નિવૃત્ત સાથે અનેક વર્ષ થયાં છતાં ભૂલ્યા વગર તેમના પ્રત્યેક જન્મદિવસે અને અન્ય સમયે પણ તે સંસ્થાને મોટું દાન આપે છે. એક વખત વર્તમાનપત્રોમાં રક્તની તાકીદની આવશ્યકતા છે, એ સી.પી.આર.ના સમાચાર વાંચીને હું સી.પી.આર.માં ગઈ. તો હું જ પ્રથમ રક્તદાન કરનારી હતી. એક અજાણ્યા માંદા માણસને ઉપયોગી નીવડીએ છીએ એનો સંતોષ અનુભવી ત્યાંથી પરત આવી.

એક વખત તો મારી સમક્ષ એક યક્ષપ્રશ્ન હતો. બા-બહેનપણીનેય કહી શકાય એવું ન હતું. મનમાં હિંમત રાખીને પિતા સમાન પાઈસાહેબની સલાહ લીધી.

એક તરુણ યુવતી હતી. પિતાનો આધાર નહિ. માતા બીમાર. શિક્ષણ નહીં. નોકરી નહિ. શાકભાજી વેચીને પેટ ભરતી. પછી કોઈકે કહ્યું એટલે દેહવિક્રય કરવા લાગી. પણ માત્ર જરૂરિયાત હોય ત્યારે જ. કેટલાક લોકો તેની પાસે જતા અને પૈસાય આપતા ન હતા. એ ખુલ્લો ધંધો કરતી ન હતી. સંસ્થાના કાર્ય વિશે થોડુંઘણું અખબારોમાં આવતું હોવાથી એ યુવતીને મારા વિશે માહિતી હતી. તેને હેરાન કરનારા મારા ઓળખીતા હોવાથી એ મારી પાસે આવી. સત્ય હકીકત મને જણાવી. પહેલા તો મને એ સાચું કહેતી હતી એની પર વિશ્વાસ જ બેસતો ન હતો. કામ મળે તો કરીશ કે પૂછતાં જ એ ખુશ થઈ ગઈ. તેનો ભૂતકાળ કોઈનેય કહ્યા વગર મારી મદદનીશ તરીકે તેને નોકરી આપી. મારી સાથે તેને જોતાં આપોઆપ લોકો પર ધાક બેસશે એ મારો અંદાજ સાચો પડ્યો. પછી અનેક ટૂર્સ, ટ્રીપમાં પણ એ મારી સાથે આવી. પછી એક પુત્ર ધરાવતા વિધુર સાથે મારી સલહાથી તેણે લગ્ન પણ કર્યાં. આજે એ ક્યાં છે, કેમ છે કાંઈ જ માહિતી નથી. પણ એ સુખી હો એવી જ ઇચ્છા છે.

રેખા ફાટકે નોકરીનાં પહેલાં ચાર-પાંચ વર્ષમાં એટલો સ્નેહ આપ્યો અને મનમાં લાગણી જગાવી એ નીકળી ગઈ. “હું વધુ જીવીશ નહિ પણ મરતાં પહેલાં મારે તાજમહલ જોવો છે. ઘરેથી મને એકલીને જવા દેશે નહિ. તું સાહસિક છો. ગમે તેટલી તકલીફ થાય છતાં આપણે જઈશું.” દર બે-ચાર દિવસે તેની આ ટેપ ચાલતી હતી. રવિવારે તેને કંટાળો આવે તો એ મારી પાસે આવતી. પછી અમે બન્ને જ રિક્ષામાં ભટકતાં રહેતાં. કાંઈક ખરીદી, કાંઈક ખાવું, રિક્ષાવાળાનેય સામેલ કરતાં.

એ હતી ત્યાં સુધી મારી ઘણીબધી ખરીદી હું તેની સાથે કરતી. હું રિક્ષામાં બેસતી અને એ ચઢ-ઊતર કરતી. એ ‘જીવીશ નહિ’ કહેતાં જ હું મશ્કરી કરતી. “તને એકલીને કોણ જવા દે ? આપણે બન્ને સાથે જઈશું.” એ મૃત્યુની વાત મશ્કરીમાં જ કરે છે. એવું મને દર વખત લાગતું. કારણ એ સદાય હસતાં જ બોલતી. પણ એક વાર આ કહેતાં કહેતાં તેની આંખોમાં પાણી આવી ગયા. જરા ગુસ્સે થઈને જ તેણે કહ્યું, “તને ખોટું લાગે છે, પણ જ્યારે આ થશે ત્યારે હું પસ્તાઈશ. આગ્રા જઈશ તો મારા સાંભરણથી તું વિહ્‌વળ બની જઈશ. તેનું જીવન અત્યંત ટૂંકું હોવાની જાણ હોવાથી તેણે તેના એક બાળપણથી મિત્ર રહેલાને ના કહી હતી. તેનાં લગ્ન થયા પછી એ બીમાર પડી વગેરે. એના મનની વાત જણાવતાં જ મેં ઘરે કહ્યું કે હું રેખા વગેરે દિલ્હીના પ્રવાસે જઈએ છીએ. રજની, શાંતા, ડેવીડ (બેલગામ સંસ્થાના અધ્યક્ષ)નેય જણાવ્યું. બધા એક પગે. પગ ન હોવા છતાંય તૈયાર થયા. પૂણેના પૅરાપ્લેજિક હોમમાંથી કેદાર પાટીલેય આવું છું કહ્યું.

દિલ્હીમાં કોઈની જ ઓળખાણ નહિ. રેખા પાસે માત્ર એક સંસ્થાનું સરનામું હતું ‘ઇન્સ્ટિટ્યૂટ ફોર ઑફ ધી હેન્ડિકેપ્ડ.’ તાત્કાલિક તેમને વિનંતિપત્ર લખ્યો. ‘ત્રણ વ્હીલચેર્સ અને એકંદર પાંચ અપંગ (તેમાંના બે પોલિયોના) અને ત્રણ મદદનીશ એમ આઠ જણની રહેવાની વ્યવસ્થા કરવી.’ તેમની સંમતિ આવતાં જ જતાનું પશ્ચિમ એક્સપ્રેસનું રિઝર્વેશન કર્યું. પાછા વળતાં વડોદરામાં બહેનપણીને ત્યાં રોકાવાનાં હતાં. ૧૯૮૦ માર્ચ મહિનાની તારીખ નક્કી થઈ. સંપૂર્ણ તૈયારીમાં લાગ્યા. કારણ દિલ્હી, આગ્રા, ચંદીગઢ, જયપુર, મથુરા, ભાખરાનાંગલ ડેમ, વડોદરા એમ બધું એક વખત બહાર ગયા પછી જોવાનું નક્કી થયું.

નીકળતાં પહેલાં જ દિલ્હીમાં બાબુકાકાની જેમ વડાપ્રધાન શ્રી મોરારજી દેેસાઈને મળવાનું નક્કી કર્યું. સંસ્થાને જગા ફાળવવા માટે કરેલા સઘળા પત્રવ્યવહારની ફાઇલ સાથે લાવવા ડેવીડને કહ્યું. અપંગ પુનર્વસન સંસ્થા સાથે સંબંધ રહ્યો ન હતો. છતાં તેમના સેક્રેટરીને પણ કહ્યું. સંસ્થાને જગા જોઈતી હોય. તો ફાઈલ મને મોકલાવો. દિલ્હીમાં વડાપ્રધાનને મળવાના છીએ. પણ આપું છું કહીનેય નીકળતાં સુધી ફાઇલ મારા હાથમાં આવી નહિ. ભાઈસાબ અજીજે આપેલું ટાઇપરાઇટર પણ સાથે લીધું હતું. પ્રાથમિક સારવારની સઘળી સામગ્રી સાથે મારે આવશ્યક એવી સઘળી સામગ્રી સાથે લીધી. પાના, સ્ક્રૂડ્રૂઇવર, કાતર, ચાકું, કપડાં સુકવવા અને પાર્ટિશનનો પડદો બાંધવા માટે પડદા-દોરી વગેરે સઘળી તૈયારી પૂરી કરી સર્વેની અનેક શુભેચ્છા સાથે રેલવેમાં અમે કોલ્હાપુર છોડ્યું.

ખાવાની અનેક વાનગીઓ સાથે લીધી હતી. રાત્રિનું ભોજન તો રેલવેમાં જ કર્યું. ગાડી કલ્યાણ આવી અને અમારું દુર્ભાગ્ય ! એ રેલવેમાં કાંઈક ગરબડ થવાને કારણે એ આગળ જઈ શકશે નહિ એવી ઘોષણા સ્ટેશન પર કરવામાં આવી. અમે ગભરાઈ ગયાં. અન્ય પ્રવાસીઓને તો ઠીક હતું. બીજી ટ્રેનમાં ચડવા-ઊતરવાનો કાંઈ પ્રશ્ન ન હતો. અમને ત્રણ વ્હીલચેર્સવાળાઓને દાદર સ્ટેશને ઉતારવા અનેક સગાવહાલા આવવાના હતા. લાઉડ સ્પીકરમાંથી ખાસ અમારા માટે વળી જાહેરાત થઈ કે મામા હારુનખાને સંદેશો મોકલ્યો છે કે અમારે સિંહગઢ એક્ષપ્રેસમાં ચઢવું. સમય ખૂબ થોડો છે. દાદારથી બોમ્બે સેન્ટ્રલ થઈને દિલ્હી જનાર પશ્ચિમ એક્સપ્રેસમાં ચડવાનું હતું. ટી.સી. અને ગાર્ડ ખૂબ સારા હતા. તેમણે અમને સહુને ચડાવતાં સુધી સિંહગઢ એક્ષપ્રેસ રોકી રાખી. દાદર આવ્યા પછી કોણ કેવી વીજગતિએ ઊતર્યું, ટૅક્સીમાં કેવી રીતે ગોઠવાયાં અને અમે બોમ્બે સેન્ટ્રલ કેવી રીતે આવ્યા ખબર જ ન પડી. દાદરમાં ત્રણ-ચાર ટૅક્સીઓ તૈયાર રાખવામાં આવી હતી. પશ્ચિમ એક્સપ્રેસ ઊપડવાને દસ-પંદર મિનિટ બાકી હતી અને અમારી અનામત સીટ પર ભળતાં જ બેસી ગયેલા. તેમણે તેમની ટિકિટ બતાવી. એટલામાં કોઈકે માહિતી આપી. છેવટે એક ડબ્બો જોડ્યો છે. તરત જ તેમાં ચડવાનો નિર્ણય લીધો. મામા ના કહેતા હતા પણ એક વખત ઉઠાવેલ ડગલું, એક વખત આપેલો શબ્દ પાછો લેવો નહિ એ મારી વૃત્તિ. ડેવીડ સાથે મદદનીશ તરીકે આવેલા પ્રકાશને મને ઉપર ચડાવવા જણાવ્યું. રેખા પાછળ પાછળ ચડી. પછી રજની અને બધાં જ ચડ્યાં. એ રેલવેની સીટી વાગી. મામા નિરાશ થઈ પ્લૅટફૉર્મ પર કહેતા હતા, “તારી બા અને બહેનને જઈને શું કહું ?” એ પ્રશ્નનો જવાબ ન આપતાં તેમની પાસે બધાની ટિકિટ હતી એ માગી. “પહેલા ટિકિટ આપો. નહિ તો ગડબડ થશે.” કહેતાં ચાલતી ગાડીએ બારીમાંથી તેમણે ટિકિટ મારા હાથમાં આપી.

રેલવેએ ગતિ પકડી અને બૂમાબૂમ સંભળાવા લાગી. આ મહિલાઓ માટેનો ડબ્બો છે. આમાં પુરુષ ક્યાંથી ?...ટી.સી. આવ્યો. “કેસ કરું છું.” કહેવા લાગ્યો. કહ્યું. કેસ અમારે તમારી પર કરવો જોઈએ. મહિના-દોઢ મહિના પહેલા રિઝર્વેશન કરીને તમે અમને જે ત્રાસ આપ્યો છે તે માટે ! એ શાંત થયો. પણ ડબામાંની સ્ત્રીઓએ માત્ર અમારા મદદનીશોને સીટ પરથી ઉઠાડ્યા. સામાન સરખો મૂકી શકાયો ન હતો. રજની બેઠી હતી તે સીટ પર એક બૅગ મૂકી હતી. એ બરાબર રજનીના નાક પર પડી અને લોહી વહેવા લાગ્યું. સવારથી નાસ્તો નહિ. રેહાનામામાએ આપેલો ડબ્બોય ખોલી ન શકાય એટલી ભીડ. મુંબઈમાં વૉટર બૅગ. કુલર ભરી શકાયાં ન હતાં. સ્ટેશન પર ગાડી રોકાતી જ ન હતી. બારીમાંથી વેચાતું જ પાણી લઈને કેવળ તરસ છિપાવતાં અમે દિલ્હી પહોંચ્યાં. દિલ્હી નજીક આવ્યું તેમ ખૂબ ઠંડી લાગવા લાગી. પણ શાલ, બ્લેન્કેટ કાઢવાં અસંભવ હતાં. મધ્યરાત્રીએ મદદનીશ ઊભા રહીને ખૂબ થાકી ગયા હતા. તેથી રજની વગેરે બધા સીટ પર આગળ ખસીને બેઠા અને તેમને ચાદર આપીને પાછળ સુવડાવ્યા. પોલીસે પૂછ્યું ત્યારે ‘મહિલા ઊંઘી છે’ એમ રજનીએ કહ્યું. ગાડી હાલતી હોવાથી અને ઠંડી વધવાને કારણે એ મદદનીશે ચાદર મોઢા પર ઓઢી અને તેના પુરુષી પગ પોલીસને દેખાયા. તેણે તરત જ તેને ઉઠાડ્યો અને રજનીને ગુસ્સે થઈને બોલવા લાગ્યો. રજનીએ કહ્યું, “આવી પરિસ્થિતિમાં અમે જૂઠું ન બોલીએ તો શું કરીએ ? અમારે અમારાથી વિશેષ અમારા મદદનીશની સંભાળ રાખવી પડે છે. તેમના ભરોસે તો અમે આટલા દૂર જવાનું સાહસ કરી રહ્યા છીએ.” પણ એ પઠ્ઠો પોલીસ કાંઈ સાંભળ્યા વગર એ બન્ને મદદનીશોને નીચે ઉતારવા લાગ્યો. ડબ્બાની અન્ય સ્ત્રીઓ જોર કરવા લાગી. આટલા સમયથી ચાલી રહેલા આ ઘટના જોઈને મને મનોમન હસવું આવી રહ્યું હતું. પણ હું ચૂપ હતી. તે પોલીસને મેં શાંત સ્વરે કહ્યું, “ભાઈજાન ! તેમને નીચે ઉતારો. પણ અમારે બાથરૂમ થવાનું થશે તો કોણ મદદ કરશે. એ તમે અને આ બહેનો મળીને નક્કી કરો.” મારું આટલું સ્પષ્ટ બોલવું સાંભળીને બધાની વાચા હણાઈ ગઈ. ત્યાંની ભીડ ઓછી થઈ. અમારી ત્રણ વ્હીલચેર્સ બંધ કરીને ગોઠવી હતી તે અન્ય સ્ત્રીઓ એ ખોલીને એક પર બે બે બેઠાં હતાં. અમે આટલી મુશ્કેલીમાં, શરીરની દુર્દશા કરીને બેઠા હતા કે આ વ્હીલચેર પર બેસવાની અક્કલ અમને પહેલાં કેમ સૂઝી નહિ. તેથી અમે જાતને જ દોષ દીધો.

દિલ્હી સ્ટેશન પર ઊતરતાં સુધી જીવતાં પહોંચીશું કે નહિ એમ મને લાગતું હતું. શરીરના સાંધા દુખતા હતા.

સ્ટેશન પર રેખાની એક પત્રમિત્ર આવી હતી. રહેવાના સ્થળે ગયાં અને તે સંસ્થાની ઑફિસ જોઈને ચકિત થયાં. ત્યાં ફક્ત એક કાપડની પાટીનો ઝોળી જેવો કોટ હતો. બાકી ટેબલ, ખુરશી, બ્લેન્કેટ માત્ર કબાટો ભરીને હતાં. ગાદલાં લાવીને મૂક્યાં હતાં. માથા પર છત હોવાનો સંતોષ અનુભવ્યો. દિવસે પહોંચ્યાં હતાં. સ્નાન, ભોજન કરીને તાજાંમાજાં થયાં. સંસ્થાના અધ્યક્ષ ગૌતમ ખન્ના અને સચિવ સંદીપ સૂદનું બોલવું-ચાલવું અત્યંત મધુર હતું. ખોસલા વ્હીલચેર પર હતા. માલિક કાખઘોડી લઈને ચાલતા હતા. બન્નેય વિવાહિત. બન્નેના ઘરે ભોજનનો આસ્વાદ લીધો. વડાપ્રધાનશ્રી મોરારજી દેસાઈને મળવું છે કહેતાં જ તેમણે તાત્કાલિક મુલાકાતનો સમય નક્કી કરાવી આપ્યો.

રાતે જાગીને મેં અને ડેવીડે બેલગામ સંસ્થાની જગા સંબંધી અરજી

તૈયાર કરી. શાંતા પણ સાથે હતી. સવારે વહેલા વડાપ્રધાનને મળવાનું હતું. ત્યાર બાદ જ ફરવાનો કાર્યક્રમ નક્કી કર્યો. વડાપ્રધાને આત્મીયતાપૂર્વક અમારી મુશ્કેલીઓ, કાર્ય સાંભળ્યા અને અરજી વાંચીને પોતાના સચિવને આપી. આ કામ ઝડપથી કરો એવો આદેશ આપ્યો. આનંદાશ્ચાર્યની વાત એટલે અમે પ્રવાસેથી પાછાં ફર્યાં ત્યારે અમારા પહેલાં માગેલી જગાની મંજૂરીનો પત્ર બેલગામ પહોંચી ગયો હતો.

પ્રવાસમાં વધારે પૈસા રોકડા ન રાખવા. તેથી જનવાડકરકાકાએ ટ્રાવેલર્સ ચેક લેવાની સલાહ આપી હતી. પ્રત્યેક ચેક પર સહી જરૂરી હોય છે અને દર વખતે બૅન્કમાં જવું પડે તેથી તે કામ મેં રજનીને સોંપ્યું. તો ‘મારી સહી સતત બદલાતી રહે છે. એ મળશે નહિ તો માથાકૂટ થશે. નસીમ ! તું જ એ કામ સંભાળ.” એમ રજનીએ કહ્યું. છતાં “મારે બીજાં ખૂબ કામો છે. એ તારે જ કરવું જોઈએ.” કહીને એ કામ તેની પાસે કરાવી લીધું. દિલ્હી ફરવા જતાં પહેલાં એ ચેક વટાવવા ગયા. ત્યાં એટલો સમય પસાર થયો અને ઠંડી ઉડાવવા લીધેલી કોફી એટલી મોંઘી હતી કે જીવનમાં અમારા જેવાઓએ ટ્રાવેલર્સ ચેક લેવા નહિ એવી મફતની સલાહ હું સહુને આપું છું. બીજી સલાહ હોય છે કોલ્હાપુરથી મિરજ - દિલ્હી, પૂણે - દિલ્હી કે મુંબઈ - દિલ્હીનું રિઝર્વેશન કરશો નહિ. કોઈકને ત્યાં મોકલો અને જ્યાંથી ગાડી ઊપડે છે ત્યાંથી જ રિઝર્વેશન કરાવો.

બે ટૅક્સીઓ નક્કી કરી. આખું દિલ્હી ફરવાનો કાર્યક્રમ ઘડીને એકી સાથે ટૅક્સીઓ ઊપડી. પણ ટૅક્સીવાલા એટલા મહાન હતા કે અમારી બે ટૅક્સીઓની મુલાકાત સંધ્યાકાળે સંસ્થાના રહેવાને સ્થળે જ થઈ. સાથે તંદુરી ખાવાનું રહી જ ગયું. ઇન્ડિયા ગેટ, કુતુબ મિનાર, લાલ કિલ્લા પ્રત્યેક સ્થળે તપાસ કરતાં તો અર્ધા કલાક પહેલા. કલાંક પહેલાં તમારા જેવી વ્હીલચેરવાળા આવીને ગયા. એવો જવાબ મળતો.

રાતે ચાંદનીમાં સંસ્થાના અનેક મેમ્બર્સ એકઠા થયા હતા. વિશ્વ અપંગ દિવસ નિમિત્તે રમતસ્પર્ધા છે. તે દિવસે અમારે તેમાં ભાગ લેવો એમ તેમણે કહેતાં જ અમે આનંદિત થયા. અનેક પુરસ્કારો અમે મેળવ્યા. રજનીના મધુર ગીતોએ સહુનાં મન જીતી લીધાં. એક હાથ ન હોવા છતાં ડાબા હાથે બનાવેલ અપ્રતિમ એવું પરદેશી સાહેબનું પેઇન્ટિંગ જોવા મળ્યું. પ્રમીલા નામની બહેનપણી મળી.

બીજા દિવસે અમે આગ્રા ગયાં. આ વખતે બન્ને ટૅક્સીઓ સાથે હતી. ચાંદનીમાં તાજમહાલ જોવાનું સ્વપ્ન સાકાર થયું હતું. અમારા મદદનીશ ત્રણ વ્હીલચેર્સ લઈને તે અગણિત પગથિયાં ચડતાં થાકી ગયા. ત્યારે ડ્રાઇવરે સામે ચાલીને મદદ કરી મને ઊંચકવાનું કામ પણ આનંદપૂર્વક કર્યું. રેખાની જેમ અમને સહુને જીવનમાં ક્યારેક એક વખત તાજમહાલ જોવાની ઇચ્છા હતી. એ સફળ થઈ હતી. ત્યાર બાદ ‘હેલ્પર્સ’નાં બાળકો સાથે મેં ત્રણચાર વખત તાજમહલ જોયો. પણ ચાંદનીમાં એ શુભ કોતરણી ધરાવતા સંગેમરમરનું સૌંદર્ય કાંઈ નિરાળું જ ! તેનું શબ્દોમાં વર્ણન કરી શકાય નહિઉ સ્વપ્નપૂર્તિના સંતોષ સાથે થોડો સમય અમે સ્તબ્ધ થયાં હતાં. રેખાય ખુશ થઈ હતી. તેના આગ્રહને પરિણામે અમને આ અવસર મળ્યો હતો. પાછા ફરવાના માર્ગે મથુરામાં શ્રીકૃષ્ણનું મંદિર જોયું. પૂજારીએ સહુના ગળામાં હાર પહેરાવ્યા.

ડૉ. કર્નલ સિંગ પાસેથી ચંદીગઢના પૅરાપ્લેજિક હોમમાં રહેવા માટે પત્ર લીધો હતો. પરોઢિયે વહેલા બધું બાંધીને ચંદીગઢ ભાખરાનાંગલ નીકળવાની તૈયારી કરી. પણ રેખાને તાવ ભરાયો. એ ઠંડીથી થરથરતી હતી. ભાડું ભરેલી ટૅક્સીઓ દરવાજે હતી એ પ્રવાસમાં પહેલી વખત મને સમજાયું કે રેખાનું અપંગત્વ અમારા સહુથી ભયાનક છે. પીઠની ખૂંધને કારણે રાતે પથારીમાં ઊંઘી જ શકાતું ન હતું. એનું હૃદય જમણી બાજુએ હતું અને તેનો આકાર પણ અનૈસર્ગિક હતો. સીધા ઊંઘતાં એ શ્વાસ લઈ શકતી ન હતી. રાતોની રાત એ ઓશીકું ટેકવીને બેસી રહેતી. શાંત ઊંઘ આવતી જ નહિ. રેખાની જવાબદારી હું મારી માનતી હતી. કારણ બાકીના ગ્રૂપ સાથે તેની એ પ્રવાસમાં જ ઓળખ થઈ હતી. હું રેખા સાથે દિલ્હીમાં જ રહું છું. બાકીનાઓએ ભાખરાનાંગલ જઈ આવવું. સમય બગાડવો નહિ. કારણ વળતાનું રિઝર્વેશન પાકું હતું એમ કહ્યું. પણ મને મૂકીને કોઈ જવા તૈયાર થતું ન હતું. રેખાને લઈ જવી જોખમદાયક હતી. એને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી. તાવ ખૂબ જ હતો. અંતે તેની સાથે દોસ્ત બનેલા કેદાર પાટીલે ‘હું કહું છું તેમ ચિંતા કર્યા વગર જઈને આવો.’ એમ કહ્યું અને અમે એ બન્નેને મૂકીને ગયા.

ગુલાબના ક્યારાનો બગીચો, ચંદીગઢનું ભવ્ય પૅરાપ્લેજિક હોમ. વિશ્વના બીજા નંબરના ભવ્ય ડેમ ભાખરાનાંગલને જોતાં આંખો તૃપ્ત થઈ. પણ રેખા અને વસંત પાટીલને દિલ્હીમાં જ મુક્યા હોવાથી દરેક ક્ષણે તેમની યાદ આવતી હતી. ભાખરાનાંગલમાં અમારી વ્હીલચેર પહેલાં ફક્ત બાબુકાકાની વ્હીલચેર પહોંચી હતી. બાબુકાકાના નિખાલસ હાસ્યનું હજુય ત્યાંના સ્ટાફને સાંભરણ હતું. સર્વ સ્થળે માણસાઈનો અત્યંત સુંદર અનુભવ અમને થઈ રહ્યો હતો. મારા મદદનીશ તરીકે અપંગ સહાયક સંસ્થાના ટ્રેઇનિંગ સેન્ટરમાં લક્ષ્મીબાઈ જાધવ સાથે રહેનાર અનાથ સ્ત્રી સુકુમાર સાથે આવી હતી. ખૂબ ઠંડી હતી. એ ચા-કૉફી પીતી ન હોવાને કારણે હું તેને ગરમ દૂધ પીવા ફરજ પાડતી. કારણ મારાં સઘળાં કામો સમયસર વ્યવસ્થિત એ કરે તો જ મારો પ્રવાસ સુખકર થવાનો હતો. તેના પ્રવાસનો પૂરો ખર્ચ અને રોજની મજૂરી હું આપતી હતી. બધાનાં કપડાં તેણે ધોવાં એય નક્કી થયું હતુું. સહજ મંદબુદ્ધિની સુકુમાર સહજ હળવે હળવે પણ કામ કરતી હતી. હું તેની વધારે પડતી ચિંતા કરતી હતી. એવો આરોપ મારી પર થતો હોવાનું મને થોડું સમજાયું. સમગ્ર પ્રવાસનું નેતૃત્વ મને સોંપવામાં આવ્યું હતું. બધાંયને સવારે વહેલાં ઉઠાડવાં, વહેલાં તૈયાર કરવા વગેરે હું કરું છું. એય ગમતું હોવાનું મને સમજાતું હતું. પણ સઘળા કાર્યક્રમ નિશ્ચિત સમયે થવા જોઈએ એ મારો પ્રયાસ હતો.

ભાખરાનાંગલમાંથી પાછા વળતાં દિલ્હી વહેલા પહોંચવા માટે ટૅક્સીને ઊભી રાખ્યા વગર પ્રવાસ ચાલુ રાખ્યો. રાતે બાર વાગે એક ધાબા પર જમવા માટે રોકાયા. મકાઈના ગરમ-ગરમ રોટલા કે નાન, દાલફ્રાય, દહીં, ભાત એ જ મુખ્યત્વે અમારાં ભાવતાં ભોજન હતાં. વધારે સમય બગડે નહિ તેથી હું અને ડેવીડ ટૅક્સીમાંથી ઊતર્યા નહિ. ટૅક્સીમાં બેસીને જ ભોજન કર્યું. બાકીના બધાંય આકાશ નીચે ખાટલા પર બેસીને જમ્યાં. ત્યાં બેઠેલા અન્ય લોકોએ અમને અપંગ જોઈને ચોકસાઈ કરી. અમારા સાહસનું તેમને કુતૂહલ જણાયું. “આજ તમે અમારા ગામના મહેમાન” એમ કહીને તેમણે જમવાના પૈસા લીધા નહિ. અમારી સાથેય ઓળખાણ કરવા ટૅક્સી પાસે આવ્યા અને નોટોના બંડલ કાઢીને આપવા લાગ્યા. “ભગવાન રજનીશના અમે ભક્ત છીએ. તમારા પ્રવાસ માટેની આ ભેટ. અમે આભાર સાથે એ પૈસા પાછા આપ્યા. ‘અમને બધું મળ્યું. પોતાના ખર્ચે પ્રવાસ કરવામાં આનંદ છે. ખોટું લગાડશો નહિ. તમારી મહેમાનગતિ અમને હંમેશાં સ્મરણમાં રહેશે’ એમ કહ્યું. તેમણે બધા માટે પાન બાંધી આપ્યાં હતાં. એ ભક્તોની દાઢી-મૂછને કારણે હું મનોમન ગભરાઈ ગઈ હતી. તરત જ ટૅક્સી ચાલુ કરવા કહ્યું અને બધાનાં પાન લઈને તે બહાર ફેંકી દીધાં. કોઈનેય તે ખાવા દીધાં નહિ. સહુને મારી વાત કેમ સાંભળી એનુંય પછી આશ્ચર્ય થયું.

દિલ્હી પહોંચ્યાં. ત્યારે રેખાની તબિયત બિલકુલ ઠીક હતી. કેદાર પાટીલ. ખોલસાસાહેબ અને સતીશ મલિકે તેમની પૂરી કાળજી લીધી હતી. વળતા પ્રવાસમાં વડોદરા ગયા. મારી મિત્ર હીરા પટેલે અમારા સહુના રહેવા જમવાની સગવડ અપંગો માટે બાંધેલા નવા છાત્રાલયમાં કરી હતી. એ છાત્રાલય હજુ શરૂ થવાનું હતું. વડોદરા પહોંચ્યાં અને મનેય ઇન્ફેક્શનના તાવે ઘેરી લીધી. અમદાવાદ અને વડોદરાનો કાર્યક્રમ સહુએ નક્કી કર્યા મુજબ પાર પડે તેથી હું સુકુમાર સાથે છાત્રાલયમાં રહીને દવા લઈ આરામ કરું છું. એમ સહુને અનેક પ્રકારે કહ્યું. પણ મને લીધા સિવાય નક્કી કરવામાં આવેલી મેટાડોર દરવાજેથી ખસતી નથી એ જોઈને છેવટે ડૉક્ટર બોલાવીને ઇન્જેક્શન લીધું. ગોળીઓ સાથે લીધી અને એવા તાવમાં ગાડીમાં બેસી. દિલ્હીમાં રેખાને મૂકીને અમે ગયાં જ હતાં ને ? પછી પ્રસંગોપાત્ત આબધા આવી સમજણ શાને બતાવતા નથી ? તડકામાં પ્રવાસ કરીને મને તકલીફ થશે એય તેમને કેમ સમજાતું નથી ? એના ખેદ સાથે આંખો બંધ કરીને હું સમગ્ર પ્રવાસમાં ઊંઘી રહી. અમદાવાદમાં રજની કોઈક સગાવહાલાને ત્યાં કે પરિચિતને ત્યાં જવા કહેતી હતી. પણ ગ્રૂપ મૂકીને એકલાએ કોઈએ જવું નહિ એ નિયમ સહુએ પહેલાં માન્ય રાખ્યો હતો. તેથી મેં જ પરવાનગી આપી નહિ. એનો રજનીને ખૂબ ગુસ્સો આવ્યો. મારા માટેનો સઘળો રોષ બધાના મનમાં ભરી રહી હતી. પરંતુ આ બધાથી હું ઘણુંખરું અજાણ હતી. મારી શિસ્તની કડક વર્તણૂકને કારણે મશ્કરીમાં વસંત પાટીલે મારું નામ ‘સૌદામિની’ રાખ્યું. રજનીએ સમર્થન આપ્યું અને અર્થ પણ કહ્યો. ‘તું વીજળી જેવી ચપળ અને ગરજનારી છે ને એટલે આ નામ.’ આ વીજપ્રકાશ પણ આપે અને બાળીને ખાખ પણ કરે છે. આ મનમાં આવેલો વિચાર મેં મનમાં જ રાખ્યો.

વડોદરાથી મુંબઈની રેલવેમાં બેઠા અને સહુએ મારી પર ગરજીને હુમલો કર્યો. ફક્ત રેખા ચૂપ હતી. તેણે મારી એક પણ ફરિયાદ કરી નહિ. શાંતા, ડેવીડ, કેદાર પાટીલ, રજની બધાંય મારી પર સંગઠિત હુમલો કરી રહ્યા હતા. તાવથી અશક્ત થયેલું શરીર અને સતત હુમલાને કારણે થાકેલું મન. થોડો પ્રતિકાર કર્યો પણ ખિન્ન થઈને નિશ્ચય કર્યો કે આપણું નેતૃત્વ ગમતું નથી તેથી હવેથી આ લોકોના ફંદામાં પડવું નહિ. પ્રવાસનો કાર્યક્રમ ઘડવાથી લઈને કરેલ તનતોડ પરિશ્રમનું આ ફળ ! અસંતુષ્ટ મન, (એક બે નહિ. અનેક) મદદનીશ સુકુમારની ચિંતા કરવી, સમયસર કાર્યક્રમ પાર પાડવો, નિયમ ન તૂટવા દેવો એ મારું કર્તવ્ય હતું. બીજાઓની કાળજી લેવા જેના તેના માણસો સાથે હતા. હું બધાની સગવડ કરીને જ મારી સગવડ જોતી હતી. માત્ર કૉટ સિવાય હું ઊંઘી શકતી ન હતી. તેથી તે એક જ સ્પેશ્યલ સવલત મેં મારા માટે કરી હતી અને તેની વિરુદ્ધ કોઈનો જ આક્ષેપ ન હતો. આજે આટલાં વર્ષે એ પણ બરાબર યાદ આવતું નથી કે એ વળતા પ્રવાસમાં આનંદની ક્ષણો ને સંભારતા સહુકોઈ મારી સાથે આટલું બધું શાથી ઝઘડ્યાં હતાં? મૂળમાં મને ઝઘડો ગમતો ન હતો. મનોમન નિશ્ચય કર્યો કે બેલગામથી સંસ્થાને આપણી માનીને આપણે જે ખૂંપી જઈ રહ્યા છીએ તે કહવે કરવું નહિ. બેલગામમાં દર વર્ષે શિબિર થતી. ત્યાં જઈને હું ઘરનું જ કાર્ય હોય એમ સહભાગી થતી હતી. ડેવીડ ક્યારેક ક્યારેક કહેતા, “તમારા જેવું સાહસ આ શકુન્તલાને શીખવો.”

દિલ્હીના પ્રવાસ બાદ મનમાં એક જ વાતનો અત્યંત સંતોષ હતો. એ એટલે રેખા તાજમહેલ જોઈ શકી. રેખા સતત કહેતી, “નસીમ ! તારો મેળાપ ન થયો હોત તો હું આ જીવનમાં તાજમહેલ જોઈ શકી ન હોત. માર્ચ મહિનામાં અમે જઈને આવ્યા અને નવેમ્બર ર૩ના રોજ એ ભગવાનને ઘેર ગઈ. છેવટના ત્રણ-ચાર મહિના તેના અને મારા ખૂબ અસ્વસ્થતામાં ગયા. ઑફિસમાં બેસાતું ન હતું. છતાં મને મળી શકાય તેથી એ ઑફિસે આવતી હતી. એનું ઑફિસે આવવાનું બંધ થયા પછી હું ઑફિસ છૂટતાં જ એના ઘેર જવા લાગી. (હું દવાખાનામાં દાખલ થઈ હોઉં ત્યારે એ ઑફિસે આવતાં પહેલાં કલાક, ક્યારેક ક્યારેક રિસેસમાં અને સાંજે ઑફિસ છૂટ્યા પછી લાંબા સમય સુધી ગપ્પાં મારવા આવતી) હું ખૂબ થાકી ગઈ હોઉં અને એકાદ દિવસ એના ઘેર ન જાઉં તો બીજા દિવસે. પોતે કેટલી આતુરતાથી રાહ જોતી હતી એ કહેતાંકહેતાં એની આંખોમાં ઝળઝળિયાં આવી જતાં. એક વખત ઑફિસમાં ખૂબ કામ હતું. તેથી હું ગઈ નહિ. તેઓની ઑફિસમાં બીજા દિવસે ફોન આવ્યો. એનામાં જગાએથી હલવાનીય શક્તિ ન હોવા છતાં એ ફોન પાસે કેવી રીતે આવી એ પૂછતાં જ ‘ખૂબ ગભરામણ થતી હતી. તારો અવાજ સાંભળીશ તો સારું લાગશે તેથી પગથિયાં પરથી ઢસડાતં ઉપર આવી.’ એમ રડતાં રડતાં એણે કહેતા જ મારું મન ખળભળી ઊઠ્યું. ‘હું હમણાં જ આવું છું.’ આટલું બોલીને મેં ફોન મૂક્યો. ગાવકરસાહેબ જ હતા. પહેલી વાર ઑફિસનું કામ અધૂરું પડતું મૂકીને મેં રેખા પાસે જાવની પરવાનગી માગી. રેખા સાજી થતાં સુધી હું રજા લઉં કે એમ પૂછતાં જ તારે જવું હોય ત્યારે તેની પાસે જા. હુંય આવું છું.’ કહ્યું.

રેખા સારી થવાને બદલે બેચાર દિવસમાં જ ગઈ. પૂનમ હતી. બપોરથી એનો હાથ હાથમાં પકડીને બેઠી હતી. રાત પડતાં ‘બહાર પવનમાં લઈ જા, જીવન ચૂંથાય છે.’ કહ્યું. બહાર આંગણમાં એને લીધી. એના બાળમિત્રને બોલાવું કે એવું મેં અનેક વાર પૂછવા છતાંય ‘ના’ એ જ જવાબ એ આપતી રહી. રાતે દસે ચાંદનીમાંથી એને અંદર લઈ ગયા અને હું ફરીથી પગથિયાં ન ચડતાં ઘરે ગઈ. ડૉક્ટરે એ કદાચ અંતિમ રાત્રિ હશે એમ કહ્યું હતું. પણ મને હું સતત ત્યાં હોવા છતાં આ વાત કોઈએય જણાવી નહિ. ઘરે આવીને આડી થઈ. એ રાતે હું પલંગ પરથી નીચે જમીન પર પડી. અજીજે ફરી મને પલંગ પર મકી. પરોઢિયે બેલ વાગ્યો. સંદેશો આવ્યો. ‘રેખા ગઈ.’ રિક્ષામાં બેઠી. માને ભાઈસાહેબના ઘરે જઈને ઑફિસમાં સઘળા સાથીઓને સંદેશો આપવાનું કહીને દિવસ ઊગતાં પહેલાં જ હું રેખાના ઘેર ગઈ. ત્યારે એને લઈ જવાની પૂર્ણ તૈયારી થઈ ગઈ હતી. એના કપાળે, ગાલે હાથ લગાવ્યો તો બાપુના કપાળ જેમ ઠંડો લાગ્યો નહિ. તેમને વિનંતી કરી કે ઑફિસના સાથીઓ આવી રહ્યા છે. થોડું રોકાવ. પરંતુ ‘બધાએ નદીએ મોકલજો’ કહીને રેખાને લઈ ગયા. હું બહારથી જ ઘરે પાછી આવી. એને ભૂલવી એટલે પોતાને ભૂલવા જેવું હતું.“નસીમ ! અપંગો માટે કામ શરૂ કર. મારે તારી સાથે કામ કરવું છે.” કહેનારી રેખા મારા પહેલાં બાબુકાકાને મળવા ગઈ.

‘હેલ્પર્સ ઑફ ધી હેન્ડિકેપ્ડ, કોલ્હાપુર’ સંસ્થાની નોંધણી કરતાં પહેલાં મેં પોતાની શક્તિ અને કાર્ય સામર્થ્યનું મૂલ્યાંકન કરતી વખતે તદ્દન નાની વયના રાજીવ વણકુદ્રે (વય ૧૬ વર્ષ), અભિજિત ગારે (વય ૧ર વર્ષ), અશોક શેલાય (વય ૧ર વર્ષ) એ ત્રણે બાળકોને સાથે રાખ્યા હતા.

ત્રણેયને પોલિયો હતો. અપંગોનાં સુખ-દુઃખ સાથે તે સમરસ થઈ શકતા હતા. સામાન્ય વ્યક્તિમાં રહેલ શક્તિનો પદ્ધતિસર ઉપયોગ કરી લઈએ તો કાર્યને સફળતા મળતી જાય છે એવો અનુભવ મળવા લાગ્યો. આ ત્રણ પૈકી કોઈનેય ગમે ત્યારે બોલાવીએ તો તે આવતાં. મારી વ્હીલચેર ધકેલવાથી તે ગડી વાળીને રિક્ષામાં ચડાવવા-ઉતારવાનું આનંદપૂર્વક કરતાં. કોઈક લાભાર્થીના ઘરે જવાનું હોય, કોઈક ઑફિસમાં જવાનું હોય કે રમતસ્પર્ધાની ટીમ લઈ જવાનું કામ હો મારે જોઈતું હોય તેવું તે કામ કરતા અને કંટાળી ગયા કે આ કામ ગમે છે કે પૂછતાં મીઠું હસીને આ કામમાં તેમને આનંદ, સંતોષ મળે છે. એ કહેતાં. ધીમે ધીમે આ બાલસેના વધતી ગઈ. રમેશ રાંજણે, રમેશ માને, પ્રવીણ સાવંત જેવા અનેક જણ કામમાં આવવા લાગ્યા. આજ સુમારે મનોહર દેશભ્રતાર નાગપુરથી કોલ્હાપુરમાં અમારી જ ઑફિસમાં નોકરીમાં આવ્યા. તે જાણે સંસ્થાના પત્રો લખી આપવા લાગ્યા. તેમના અક્ષર અને ડ્રોઇંગ ખૂબ જ સુંદર હતા. ભાષા પણ અત્યંત મીઠી. બધાની સાથે હસતાં-રમતાં વાતો કરતા. એકલા જ રૂમ લઈને રહેતા હતા. રસોઈ, ધોવાનું, વાસણો બધું તે જ કરતા એનું મને કૌતુક લાગતું.

દિલ્હીની રમતસ્પર્ધાનું આમંત્રણ આવ્યું. કેદાર પાટીલ ઉત્તમ ખેલાડી હતા. તે મારા જેવા પૅરાપ્લેજિક હોવા છતાં દર વર્ષે રમવા માટે પરદેશ જતા અને મેડલ્સ લાવતા. તે દિલ્હી જવાના છે એ જાણ્યું. મેં દેશભ્રતારને કહ્યું, “તમે દિલ્હી તમારી સાથે આવવાના હો તો નાનાં બાળકોને રમતસ્પર્ધામાં ભાગ લેવા લઈ જઈએ.” તેમને લાગ્યું કે હું મશ્કરી કરી રહી છું. અન્ય સહકર્મચારી શિર્કે, મોહિતે, ચૌહાણ મુંબઈ સ્પર્ધામાં આવ્યા હતા. તેમને છોડીને મેં દેશભ્રતારને શાથી પૂછ્યું, એનું તેમને આશ્ચર્ય હતું. તે એકલા જ હતા અને તેમની પર અહીં કોઈની જવાબદારી ન હતી. તે સંસ્થાના કાર્ય માટે વૈયક્તિક રજા ફાળવી શકશે એ વિચારે મેં તેમને પૂછ્યું હતું. તેમણે હા ભણી અને તેમની પાસેથી મને ખૂબ કાંઈ શીખવા મળ્યું. કાગળ પર સંપૂર્ણ પ્રવાસનો કાર્યક્રમ આંકવો, બજેટ, સામાનનું પેકિંગ ! અભિજિત ગારે અને અશોક શેલરને લઈને દિલ્હીની રમતસ્પર્ધામાં અનેક ઇનામો મેળવીને આવ્યા. આવા પ્રવાસમાં અમે મોજમજા કરીએ તે માટે અજીજ હંમેશાં જ મોટી આર્થિક મદદ કરતો. પિરાજીરાવ ઘાટગે ટ્રસ્ટ જવા-આવવાનો ખર્ચ આપ્યો. આગ્રા, દિલ્હી દર્શનનો ખર્ચ અજીજના પૈસામાંથી કર્યો. સમગ્ર પ્રવાસમાં મને દેશભ્રતારમાં રેખા દેખાતી હતી. મળતી હતી.

અમે દિલ્હીથી પાછા આવ્યા. ઑફિસમાં એક વખત મૉન્ટેરિયો, ઇન્સ્પેક્ટર અને અન્ય સહકર્મચારીઓ સમક્ષ હું દેશભ્રતારનાં વખાણ કરતી હતી. કેટલા વિનમ્ર, કશાયનું વ્યસન નહિ, ઘરે પોતાનાં સઘળાં કામો જાતે કરે છે, ઑફિસનાં કામોય મનથી કરે છે. બધાંની સાથે મૈત્રીપૂર્ણ સંબંધ વગેરે. સમગ્ર ઑફિસ સાથે તેમની દોસ્તી હતી. મૉન્ટેરિયો સિગારેટ પીતા. કોઈક પાર્ટી પરથી વિષય નીકળ્યો હતો. મૉન્ટેરિયોએ દેશભ્રતારના બીજા ગુણ કબૂલ કર્યા. પણ ‘નિર્વ્યસની’ તરીકે માનવા તૈયાર થયા નહિ. “મેડમ, તમારી સામે સિગારેટ પીતા નથી. ચેન સ્મોકર છે એ. દિવસમાં કેટલી સિગારેટ્‌સ પીએ છે એ તેમને જ પૂછો !” દેશભ્રતાર સામે જ બેઠા હતા. મેં તરત જ કહ્યું, “અરે, અમે એક ગ્રૂપમાં દિલ્હી સ્ટોટ્ર્‌સમાં જઈ આવ્યા. આઠ-દસ દિવસ સાથે થયા. એ ખબર ન પડી હોત કે ? દેશભ્રતાર કહોને...” આમ કહેતાં જ દેશભ્રતાર મનોમન હસતા કામનું બહાનું કરીને બહાર નીકળી ગયા.

આજે સંસ્થાનું કામ કરતાં બેઠા હતા ત્યારે ફરીથી વાત નીકળતાં દેશભ્રતારે કહ્યું, “હું દૂર જઈને સિગારેટ પીતો હતો. તેને કારણે તમને ખબર પડી ન હતી...” કહ્યું, “સિગારેટથી કાંઈ જ ફાયદો નથી. અકારણ ખર્ચ અને પાછળથી સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. અમારા બાપુએ સિગારેટ છોડી દીધી હતી, પણ મામા સતત પીતા અને ખાંસતા રહેતા.” પણ આ કહેવા છતાંય દેશભ્રતાર સિગારેટ પીતા રહ્યા. ત્યારે મને કોઈકે સુંદર પરદેશી લાઇટર (અગરબત્તી સળગાવવા જોઈતું હતું) આપ્યું હતું. એ તમેને ભેટમાં આપ્યું અને મારી પાછળ સિગારેટ પીવાની જગાએ સામે પીવાની પરવાનગી આપી. તેમણે એ લાઇટરથી મારા કહ્યા વગર છેવટની સિગારેટ સળગાવી અને સિગારેટનું પાકીટ ફેંકી દીધું.

અવારનવાર તે દારૂ પણ પીતા હોવાનું મેં જાણ્યું હતું. એક વખત મારી ઑફિસની બહેનપણી ખાડિલકરને સંસ્થાનું કાંઈક અરજન્ટ કામ હતું. એટલે મેં તેમને રૂમ પર મોકલ્યા. તો તે રૂમ પર દારૂની પાર્ટી ચાલી રહી હતી. દેશભ્રતાર બહાર આવ્યા જ નહીં. ત્યાર બાદ બે દિવસ મોઢું સંતાડતા રહ્યા. તેમના વૈયક્તિક જીવનમાં વધુ દખલ કરવાનો મને અધિકાર ન હતો. મેં પણ તે અંગે ઉચ્ચાર કર્યો નહિ. પણ દેશભ્રતાર આવ્યા ત્યારથી સંસ્થા નોંધણી કરાવવાનો વિચાર કરતા હતા.

અપંગ રમતસ્પર્ધા વખતે બહાર પાડેલ ‘હરણફાળ’ સ્મરણિકામાં મેં મારું મનોગત લખ્યું હતું કે - “મારા પગ બનીને સતત મારી સાથે કામ કરનાર સહકર્મચારીઓની મારે જરૂર છે. આવા પડછાયા જેવા સાથીઓ... નિર્વ્યસની, નિઃસ્વાર્થી.... મારા કાર્યમાં બળ પૂરે. ધ્યેયપૂર્તિ તરફ જવામાં સરળતા ઊભી કરે. કારણ એકલી જ કાર્ય કરતાં કે બહેનપણીની સાથે કામ કરતી વખતે નડનારી મર્યાદા મને ડગલે ને પગલે અનુભવાતી હતી. દેશભ્રતાર આવ્યા ત્યારથી મારી અપેક્ષાઅનુસાર સમાજ કાર્ય માટે સાથી મળ્યા. એ વિશ્વાસ ભાંગી ગયો હતો. દર સોમવારે દેશભ્રતાર માંદલા શાથી દેખાય છે. એ પ્રશ્નનો જવાબ મૉન્તેરિયો પાસેથી મળ્યો હતો અને હું મૂરખ જેમ તેમને ડૉક્ટર પાસે જવાનો, દવા લેવાનો આગ્રહ કરતી હતી. સંસ્થાના કેટલાક કાર્યક્રમ કર્યા. રાત થઈ ત્યારે સઘળી બાળકીઓને ઘરે મૂકવા મારી સાથે આવશો કે જેથી આપણે કાર્યક્રમ કરી શકીએ. એમ દેશભ્રતારને પૂછતાં તેમણે આનંદભેર હા ભણી હતી. પણ સિગારેટ અને દારૂનું વ્યસન ધરાવનાર સાથે ક્યાંય જવું-આવવું મને રુચનાર ન હતું અને અમારા ઘરે બાને પણ આ ચાલ્યું ન હોત. અન્ય અપંગ બાળક-બાળકીઓનું ભાવિ હું દેશભ્રતારનાં સહકારથી ઘડવાનું સ્વપ્ન જોતી હતી પણ એ સ્વપ્ન ભાંગ્યું હતું. પણ એક દિવસ મોન્ટેરિયો સાહેબે જ મને સમાચાર આપ્યા કે, ‘મેડમ, તમે દેશભ્રતારના કાન આમળ્યા છે કે ? હવે તે પાર્ટીમાં આવતા નથી અને આગ્રહવશ આવે જ તો દારૂને અડતા નથી. આટલી મનોનિગ્રહ અને એ પણ પોતાના ખર્ચે પીનારાઓ બાબતે ! આશ્ચર્ય છે !’ તે દિવસે મને ખૂબ આનંદ થયો. સારું કાર્ય નાનાં બાળકોને જ નહિ, પણ યુવાનોને ય ઘડી શકે એનું તે ઉદાહરણ હતું. મેં દેશભ્રતારને અભિનંદન આપ્યા. તેમણે ખુલ્લા મનથી દારૂ-સિગારેટ બંધ કરવાને કારણે થનાર હેરાનગતી, અશક્તપણું, હાથપગમાં ધ્રુજારી, છાતીમાં ગભરામણ, દુખાવો સઘળી તકલીફો વિશે જણાવ્યું. પછી અમે ડૉ. સાતવેકર, ડૉ. ભાગવત પાસે ગયા. દવા લીધી અને દેશભ્રતાર ફરીથી તાજામાજા દેખાવા લાગ્યા. અમારા કાર્યને વેગ મળ્યો.

પહેલી સંસ્થામાં મળેલા અનુભવ પરથી નવા બંધારણમાં કેટલાક ફેરફાર કર્યા. ચાર સદસ્ય કાર્યમાં સ્વરૂપના અને પાંચ ચૂંટી લાવવાની વ્યવસ્થા કરી. દેશભ્રતારને સમિતિમાં લેવા માટે મેં પ્રસ્તાવ રજૂ કર્યો. તો ‘આમાં બધી સ્ત્રીઓ છે. તે પુરુષ ન જોઈએ.’ એટલે માત્ર સ્ત્રીઓની જ પ્રથમ સમિતિ બનાવવામાં આવી. શ્રી પ્રેમાનંદ માલેકરે ઓળખાણથી તાત્કાલિક સંસ્થા રજિસ્ટર કરાવી આપી. કુ. રજની કરકરે, શ્રીમતી વિજયાદેવી જે. ઘાટગે, સૌ. સુહાસિનીદેવી વિક્રમસિંહ ઘાટગે અને હું કાયમી સદસ્ય હતાં. શ્રીમતી રમાબાઈ શિરગાવકર, (જેમણે મારો બાબુકાકા સાથે પરિચય કરાવ્યો હતો.) સૌ સ્મિતા પ્રફુલ્લ શિરગાવકર (ઉગાર) અને સૌ. સુમિત્રા એકનાથ મુજુમદાર (કાગલ)ને લઈને સંસ્થાની નોંધણી કરાવી. દેશભ્રતાર સંસ્થાની સમિતિમાં નથી, એ મનને ખટક્યું હતું. પણ સદ્‌ભાયે નામ ખાતર કાર્ય કરનારાઓ પૈકી તે ન હોવાથી કાર્યમાં કોઈ મુશ્કેલી આવી નહિ.

આ અરસામાં હું વાપરતી હતી એ ફૉલીસ કેથેટરનો ૩૦ સી.સી.નો બલ્બ પણ બહાર આવવા લાગ્યો. આ અડચણ માટે કોલ્હાપુરના યુરોલોજિસ્ટ ડૉ. પ્રકાશ ગુણે પાસે ગઈ. તેમણે કૃત્રિમ બ્લેડરની સલાહ આપી. એટલે પેટમાં છિદ્ર કરીને તેમાંથી નળી કાઢીને બૅગ સાથે જોડવાની. બાએ મિરજના અને ખડકીનાં દવાખાનામાં આવાં દર્દીઓને જોયાં હતાં. એ નળીમાં બીજી ગંદકી પણ આવતી. યૂરિન બન્ને તરફથી નીકળતાં બાએ જોયું હતું. હવે તબીબી વિજ્ઞાન પહેલાં કરતાં વધુ વિકસીત થયું છે. આવું કાંઈ થશે નહિ. એમ ડૉક્ટરોએ કહ્યું. છતાં બાએ આ ઑપરેશન માટે સંમતિ આપી નહિ. હું માત્ર કાંઈ માર્ગ મળી રહે એ માટે મારા શરીરનો પ્રયોગ ખાતર ઉપયોગ કરવા આપવા પણ તૈયાર હતી. બે આંખોને બદલે એક આંખે આપણે જીવી શકીએ છીએ. એકાદ અંધના જીવનમાં આપણી આંખને કારણે રોશની આવવાની હોય, તો તેમાં રહેલો આનંદ આપણે લેવો તેથી મુંબઈ આય બેન્કને પત્ર પાઠવ્યો હતો. તે સમયે કોલ્હાપુરમાં આય બેન્ક ન હતી. તેનો પ્રત્યુત્તર આવ્યો. આપણે જીવતા હોઈએ ત્યારે નેત્રદાન કરી શકાય નહિ. તેમણે મરણોતર નેત્રદાનનું ફોર્મ મોકલાવ્યું અને મેં તે ભરીને મોકલાવ્યું. મારી સાથે રહેનારાઓએ આ ધ્યાને રાખવું જોઈએ પણ હવે આટલાં વર્ષમાં પૂર્ણપણે અંધત્વ આવેલાને બીજાની આંખ બેસાડવાથી દેખાવા લાગ્યાનું પ્રત્યક્ષ એક પણ ઉદાહરણ મને જોવા મળ્યું નથી.

મારા કૅથેટરનો પ્રશ્ન ઊકલ્યો ન હતો. મુંબઈની ‘ઑલ ઇન્ડિયા ઇસ્ન્ટિટ્યૂટ ફોર મેડિસિન ઍન્ડ રિહેબિલિટેશન સેન્ટર ફોર હેન્ડિકેપ્ડ’ (હાજી અલી)માં કાંઈક રસ્તો નીકળે છે કે કેમ એ જોવા ગયા. ત્યાં સંપૂર્ણ તપાસ કરી અને યુરોલોજિસ્ટ ડૉ. કુબાવાલાને બતાવવા માટે તેમણે પત્ર આપ્યો. તેમને ખાનગીમાં બતાવ્યું તો તેમણે જસલોકમાં એડમિટ થવાની સલાહ આપી. ત્યાં સંપૂર્ણ તપાસ કર્યા પછી તે નિર્ણય જણાવવાના હતા. જસલોકમાં પાંચ દિવસ રહી. વિચિત્ર અનુભવ હતો એ. મારો કૅથેટર પ્રોબ્લેમ વિચિત્ર હતો એ સાચું, પણ ત્યાંના સિસ્ટર્સ અને શીખાઉ ડૉક્ટરોએ અનેક પ્રયત્નો કરવા છતાં કૅથેટર બેસાડી શક્યા નહિ. ત્યારે મેં ‘હું ગોઠવું છું’ કહેતાં વિનંતી કરી. પહેલાં તેમણે ખૂબ બુમાબૂમ કરી. હું પેશન્ટ છું કે ડૉક્ટર, એવો પ્રશ્ન પૂછ્યો. કૅથેટર લોહીથી ખરડાયા પછી તેમણે મને તક આપવાનું સ્વીકારીને હેન્ડ ગ્લોવ્ઝ આપ્યા અને મેં બે ત્રણ મિનિટમાં કૅથેટર ગોઠવી બતાવતાં તે આશ્ચર્યચકિત થયા. સહુની મારી સાથેની વર્તણૂક બદલાઈ ન હોય એવું મીઠું બોલવું અને માન મળવા લાગ્યું. પણ અંતે ડૉ. કુલાબાવાલાએ પણ કૃત્રિમ બ્લેડર સિવાય બીજો ઉપાય નથી, એ જ જવાબ આપ્યો. મને ઘોર નિરાશા સાંપડી. તે સમયે દેશભ્રતારના પત્રો આવતા હતા. કોલ્હાપુર સ્થિત સંસ્થાનું કામ તે કરતા હતા. અંતે તે કામમાં જ મારી સમસ્યાઓ વિસારે પાડીને જીવાશે કેટલું જીવવાનું નક્કી કર્યું અને કોલ્હાપુર પાછી ફરી. ત્યારે સંસ્થાની નોંધણી થઈ હતી. શ્રી માલેકરે હું ન હોવા છતાં આ કામ કરવા માટે અને તેમને દેશભ્રતારે મદદ કરી માટે મેં બન્નેનો મનપૂર્વક આભાર માન્યો.

કૌસરનાં લગ્ન ગયાં ત્યારથી તેની જગા શાહીન એ ભાણીએ સંભાળી હતી. પિતા ગયા, ત્યારેય છ મહિનાની શાહીન સતત બા પાસે રહેતી. બા પણ તેનું સઘળું કરવામાં ખોવાઈ ગઈ. આપાજાન અને મામાનું એ છેવટનું સ્વપ્ન. બે ભાઈઓ પછી પ્રાપ્ત થયેલ કન્યારત્ન, પણ અમારી બાને મૂકીને રહેતી ન હતી. તેથી એ અમારી સહુથી નાની બહેન બની. પોતાની મમ્મીને ઘેર લગ્ન થતાં સુધી એ માત્ર રજાઓમાં જતી. શાળા, કૉલેજ સઘળું અહીં જ થયું. શાહીનની જેમ જ મોટી બહેનનો મોટો દીકરો અલ્તાફ, અજીજ પરદેશમાં જતાં પહેલાં જ અભ્યાસ અર્થે અમારી પાસે રહ્યો હતો. તેને કારણે ઘર સતત ભરેલું જ રહ્યું. દેશભ્રતારને અજીજના બાળકો અને શાહીન-અલ્તાફ દેશઅંકલ કહેવા લાગ્યા.

ક્યારે ક્યારેક રજાના દિવસે સંસ્થામાં આવનારા (સંસ્થા એટલે રવિવારે ઘરે ‘નશેમન’માં જ લાભાર્થીઓ આવતાં) બાળકોને લઈને હું અને દેશભ્રતાર સિનેમાએ જતાં કે રંકાળ્યા પર પણ જતા. શાહીન, અલ્તાફ સાથે આવતો. બાળકોને ઊંચકવાં, બેસાડવાં, જરૂર હોય એ મદદ દેશઅંકલ સાથે રહીને તે કરતાં. દેશભ્રતાર જાતે રસોઈ બનાવી જમે છે એ જાણ્યા પછી રજાના દિવસે બા આગ્રહપૂર્વક તેમને જમાડવા રોકતી. દેશભ્રતારના મોઢે ક્યારે ક્યારેક તેમની બહેનનો - વિશ્રાંતીનો ઉલ્લેખ આવતો. લગ્ન થયા બાદ બે-ચાર મહિનામાં જ પરત પિયરમાં કાયમ માટે એ આવી હતી. સાદી ભોળી, સામાન્ય બુદ્ધિ ધરાવતી એ ભાઈ સાથે રહેતી. પણ ભાણિયાઓ સાથે, ભાભી સાથે બનતું ન હતું. કહ્યું “એ બહેનને કોલ્હાપુર લઈ આવો, એ અમારું ઘર સંભાળશે અને અહીં કોઈની સાથે બનવા ન બનવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહિ.” દેશભ્રતારને આ વિચાર ગમ્યો.

એ વર્ષે ગામડાનાં બાળકોને લઈને દિલ્હી સ્પોટ્‌ર્સમાં ગયા. કાગલના મુજુમદાર સર સાથે હતા. વળતાં હું, દેશભ્રતાર અને મારી મદદનીશ નાગપુર ગયાં. દેશભ્રતારનાં ભાઈ, ભાભી, ભાણિયાઓને મળ્યા. ત્યાં જાણ્યું દેશભ્રતાર લગ્ન કરવા તૈયાર નથી. રાતે બધાય સામે તેમની ભાણી પુષ્પાએ વિષય કાઢ્યો. ભાભી અને ઘરના બધાં જ દેશભ્રતાર સંસ્થામાં કાર્યમાં જોડાયા. વ્યસન છોડી દીધાં તેથી ખુશ હતા. તેમણે એક યુવતી જોઈ રાખી હતી. એને જોવા બધાં જઈએ, મારેય આવવું એવો સહુએ આગ્રહ કર્યો. અનેક વાંધાવચકા પછી દેશભ્રતાર આવવા તૈયાર થયા. મને સાચું તો આમ છોકરી જોવાનો કાર્યક્રમ બિલકુલ ગમતો નથી. અજીજ ભાઈજાન, માટે છોકરી જોતી વખતેય હું ગઈ ન હતી. કૌસરનાં લગ્ન નક્કી કરતી વખતે માત્ર અયાજના ઘરે બધાના આગ્રહને વશ થઈ ગઈ હતી. દેશભ્રતાર માટે જોયેલી છોકરી કોઈને જ ગમી નહિ. તેમની બહેન વિશ્રાંતીને લઈ અમે કોલ્હાપુર આવ્યાં.

સંસ્થા રજિસ્ટર થતાં જ. જે બાળકોનું અપંગત્વ શસ્ત્રક્રિયા દ્વારા ઘટાડી શકાય પરંતુ કેવળ પાલિકો પાસે પૈસા ન હોવાને કારણે જે જીવનભર જમીન પર ઢસડાતાં ચાલે છે તેમને શસ્ત્રક્રિયા કરીને ઊભાં કરવાનો પ્રસ્તાવ મેં બેઠકમાં મૂક્યો. નોકરી પરથી આવ્યા પછી હું ખૂબ થાકી જતી. અમારા ઘરે ‘નશેમન’માં જ બેઠક યોજાતી. હું પલંગ પર ઊંઘી ને બાકી બધાં ખુરશી પર. બાસાહેબ, ભાભી સાહેબ કે અન્ય કોઈએય આ વાતે વાંધો લીધો ન હતો. આવી વિચિત્ર અવસ્થામાં યોજાતી બેઠકવાળી કદાચ આ પહેલી સંસ્થા હશે. હું વ્યવસ્થાપક તથા ખજાનચી હતી. કારણ પૈસાની ઉપલબ્ધતા અનુસાર યોજના ઘડીને તે પૂર્ણત્વે લઈ જવું સવલતભર્યું હતું. અન્યથા યોજના એક તૈયાર કરે. પૈસા બીજા પૂરા પાડે અને તેનો મેળ બેસે નહિ તો સઘળું કાર્ય અધૂરું રહે. આમ થવું ન જોઈએ. વધારે પૈસા સિલક રાખવા નહિ. જરૂરિયાત જેટલા જ પૈસા ઊભા કરવા એ ધોરણ રાખ્યું હતું. કારણ પૈસા સિલક હવે તો શું થાય એનો થયેલો અનુભવ હજુય ભૂલી ન હતી.

અપંગોના માનસિક પુનર્વસનની તાકીદની આવશ્યકતા સતત અનુભવાતી હતી. તેમણે દૃઢ મનના થવું. પોતાના અપંગત્વની ઊણપ મન પર લેવી નહિ. શક્ય એટલું સ્વાવલંબન સ્વીકારવું એ માટે તો સતત પ્રયત્ન હતા જ. પરંતુ તેમણે આનંદી રહેવું. સુદૃઢ માણસો જેમ આનંદ ઉપભોગે તેમ જ તેમણે આનંદનો ઉપભોગ કરવો. મુક્તપણે હસવું, રમવું એમ ખૂબ લાગતું હતું. ઉનાળાની રજામાં પન્હાળાના બાલગ્રામના સંચાલક બાબાસાહેબ જાદવે ‘હેલ્પર્સ’નાં બાળકો માટે પન્હાળાના બાલગ્રામમાં હૉલિડે કેમ્પનું આયોજન કર્યું. ત્યારે આ તે દૃષ્ટિએ સુંદર તક છે, એમ થયું. બાળકોના રહેવા-જમવાની વ્યવસ્થા તે જ કરવાના હતા. બાર વર્ષ નીચેનાં પચ્ચીસ બાળકો અને બાર વર્ષ ઉપરનાં પચ્ચીસ બાળકો એમ બે જૂથ પાડ્યાં. પ્રત્યેક જૂથ ચાર-ચાર દિવસ રહેવાનું હતું. પાલકોને સાથે લેવાના ન હતા. તેને કારણે સ્વાવલંબન શીખવા સાથે જ બાળકોને સહેલનો મુક્ત આનંદ મળવાનો હતો. પચાસ બાળક-બાળકીઓને પત્રો મોકલ્યા. આનંદ સાથે સંમતિના વળતી ટપાલે જવાબ આવ્યા.

પરંતુ આ કેમ્પ શરૂ થવાની એક દિવસની વાર હતી અને શ્રી જાધવનો સંદેશો આવ્યો. પન્હાળા પર પાણી નથી. આપણે આ કેમ્પ દિવાળીની રજાઓમાં કરીશું. દૂરથી આવેલા વિદ્યાર્થીઓને ઊલટા પગે પાછા જાવ એમ કહેવું શક્ય ન હતું. બાળકોનો આનંદ રસભંગ પણ થયો હોત.

બેલગામની અપંગ સંસ્થાના મકાનનું કામ પૂર્ણ થયું હતું. સચિવ કુ. શાંતા પાઠક અને અધ્યક્ષ ડેવિડને ફોન કર્યો. “બાળકોને લઈને આવું કે ? રસોઈ અમે બનાવીશું. ખાદ્ય સામગ્રી અમે લાવીશું. માત્ર આઠ દિવસ જગા મફત વાપરવા આપો.” તેમણે આનંદપૂર્વક હા ભણી અને નક્કી થયેલ ગાડી પન્હાળાને બદલે બેલગામ તરફ વાળી. અનાજપાણી, સઘળી આવશ્યક સામગ્રી બાબાસાહેબે તત્પરતાપૂર્વક આપી.

મારા મદદનીશ તરીકે અને રસોઈ માટે સાથે એક બહેન લઈ ગયા હતા. બાળકો ખુલ્લા વાતાવરણમાં આનંદથી નાચતા, કૂદતા હતા અને રસોડામાં વારંવાર જતા હતા. એ બહેનને બાળકોનું એ નજીક આવવું ગમ્યું નહિ. એ બાળકો પર મોટા અવાજે તુચ્છકારપૂર્વક ચીડાવા લાગી. ત્યારે મેં તેને બાળકો સાથે પ્રેમથી વર્તવા કહ્યું. એનો તેને ગુસ્સો આવ્યો અને તબિયત ઠીક નથી. કહેતં પથારી પાથરીને મજાની ઊંઘી રહી. મને જરૂરી એવી વ્યક્તિગત મદદ કરવાય એ આવી નહિ. છેક નહાવાના સમયે પણ. પોતાની સેવા માટે હું કોઈનાય મનામણાં કરું એ શક્ય જ ન હતું. શાંતા પાઠક, છાયા દેસાઈએ મારી દરેક પ્રકારે સેવા કરી. મને રસોઈ નાનપણથી ગમતી અને સઘળી રસોઈ આવડતી હતી. પ્રશ્ન હતો એ ત્રીસ-પાંત્રીસ લોકોનું જમવાનું બનાવતાં ફાવશે કે કેમ એનો પણ ભગવાનનું નામ લઈને હું રસોડામાં પેસતાં જ નાનામોટા સહુકોઈ મદદે આવ્યા અને જોતજોતામાં રસોઈ થઈ ગઈ. એ ય અત્યંત સ્વાદિષ્ટ પુલાવ, ડુંગળીનાં ભજિયાં, શીખંડ, શીખંડનું મોટું તપેલું ચાટીને-લૂછી લેતી વખતનો પ્રસંગ યાદ આવે ત્યારે આજે ય હસવુ આવે છે. પહેલા દિવસની રસોઈ શાંતા અને ડેવીડને એટલી ગમી કે બીજા દિવસે તેમણે સમિતિના સદસ્યોને જમવા બોલાવ્યા. પુલાવ ખૂટી જતાં બે વખત બનાવવો પડ્યો. અભિજિત ગોરને તો પુલાવ આજેય ખૂબ ગમે છે. પેલા બહેનને પહેલા જૂથને કોલ્હાપુર પાછા મોકલતી વખતે “કોલ્હાપુર જા અને દવા લઈને આરામ કર.” કહ્યું. તો રડવા લાગી. “મારી ભૂલ થઈ. હું બધું કામ કરીશ, પણ પાછી મોકલશો નહિ.” એ જવા માટે તૈયાર ન થતાં રહેવા દીધી. પણ રસોડાનો કબ્જો અમે શિબિરાર્થીઓએ છોડ્યો નહિ.

એક દિવસ રાત્રીનું ભોજન વહેલું બનાવીને મિલિટરી મહાદેવ બગીચામાં ગયા. નાનાં બાળકોમાં ત્યાંનાં પ્રાણી જોવાનો ઉમંગ હતો. પ્રાણીઓ પાસે જવાનો માર્ગ મંદિર આગળથી પસાર થતો હતો. બગીચામાં હું છાંયડે એક સ્થળે મળવા આવેલા લોકો સાથે વાત કરતી બેઠી અને બાળકોને બગીચામાં ફેરવીને અને પ્રાણીઓ બતાવવાની સ્વયંસેવકોને વિનંતી કરી. થોડી જ વારમાં હું બેઠી હતી ત્યાં બધા આવ્યા. વૉચમેન મંદિર આગળથી જવા દેતા નથી. આગળની બાજુએથી ચક્કર લગાવીને આવો એમ કહે છે. એવી ફરિયાદ કરવા લાગ્યા. નાના નાના ચાલી ન શકનાર આ બાળકોને આવું કહેવાનું સાહસ દાખવનાર એ વૉચમેનને સમજાવવા હું જાતે જ ગઈ. સમજ્યા વગર એ મોટે મોટેથી બોલવા લાગ્યો. “તમરા પગમાં બૂટ છે. (કૅલિપરના બૂટ) વાહનો અંદર લઈ જવાની સખત મનાઈ છે આ પાટિયું દેખાતું હોવા છતાં તમે વાહનો (અમારી વ્હીલચેર્સ) કરી રીતે લઈ જઈ શકો ? મારી નોકરી જશે...” વગેરે વગેરે. તેના બોલવાનો સ્વર એટલો અપમાનજનક હતો કે તેનાથીય મોટા અવાજમાં મેં કહ્યું, “તારા અધિકારીઓને જો તેં બાળકોને રોક્યાં હતાં, એ ખબર પડશે તો તારે નોકરીની ચિંતા કરવી પડશે. ઊલટું તું પ્રેમથી આમને સહકાર આપીશ તો તને બઢતી મળશે. આ પૈડાંવાળી ખેરશી નહિ પણ અમારા પગ છે. તે સિવાય અમે અંદર જઈ શકીશું નહિ.” તો તેનો જવાબ હતો. “અહીંથી જ દૂરથી ભગવાનનાં દર્શન કરો.” મેં સામે જવાબ આપ્યો. “ભગવાનને જોવા માટે મંદિરમાં જવાની આવશ્યકતા અમને નથી. આ બાળકોમાં મને ભગવાન દેખાય છે. પ્રયત્ન કરીશ તો તનેય દેખાશે. અમારાં બાળકો આવ્યા છે. એ હરણ, સસલાં, મોર વગેરે પશુ-પક્ષીઓ જોવા આવ્યાં છે. તારા સાહેબ કોણ છે ? હું તેમની સાથે વાત કરું છું. તું બાળકોને જવા દે.” છતાંય એ સાંભળવા તૈયાર ન હતો. પછી મેં સ્વયંસેવકો મારફત સહુપહેલાં મારી વ્હીલચેર આગળ લેવરાવી. પાછળ પાછળ બીજાઓને આવવા જણાવ્યું. તો તેણે છડેચોક મારી વ્હીલચેરના હૅન્ડસેટ પર હાથ મૂક્યો. એ મને આગળ જવા દેતો ન હતો. અમારા ઊંચા અવાજે બોલવાનું સાંભળીને અત્યાર સુધી બગીચામાં આવેલા લોકો અમારી આસપાસ એકઠા થયા હતા. અમારાં બાળકોના ચહેરા પડી ગયા હતા. “દીદી! પાછા જતા રહીએ. તમે હેરાન થશો નહિ.” આવું તે બધાં બાળકો કહેવા લાગ્યાં. શાંતા અને ડેવીડના ચહેરાય કહી રહ્યા હતા. “અમારા ગામમાં આ ઝઘડો-ટંટો નથી જોઈતો...” પરંતુ અપંગો સાથે કરવામાં આવતી હીન વર્તણૂકથી મારા મનને યાતના પહોંચી રહી હતી. અપંગો માટે ખરું તો પોતાનું અપંગત્વ થોડો સમય ભૂલવા માટે આમ બગીચામાં કે સિનેમામાં જવું કેટલું અશક્ય હોય છે, એ આ લોકોને કેમ સમજાતું નથી ? આનો દીકરો અપંગ હોત તો તેને આમ જ લાગ્યું હોત કે ? માથામાં ગુસ્સાથી કીડીએ ચટકા ભરી હોય એમ લાગતું હતું. ગુસ્સામાં મેં તે વૉચમેનને જણાવ્યું. “છાનોમાનો મારી વ્હીલચેર પરથી હાથ ઉઠાવ. હું તારા હાથને પકડી જો દૂર કરીશ તો એના દુષ્પરિણામની જવાબદારી તારી રહેશે.” એકઠા થયેલા માણસોને ઉદ્દેશીને મેં કહ્યું, “આ બાળકોને આ વૉચમેન પ્રાણીઓ જોવા દેતો નથી. તમે આ ઘટના ચૂપચાપ માત્ર જોતાં જ રહેશો કે ?” મારું વાક્ય પૂરું થતાં પહેલા અનેક જણ આગળ આવ્યા અને પેલા વૉચમેનને બાજુએ લઈ ગયા. બાળકોની ઇચ્છા પૂરી થઈ. પણ તેમાંનો આનંદ નષ્ટ પામ્યો હતો. પ્રત્યેક જણ અસ્વસ્થ હતું. બોલ્યા વગર સહુકોઈ ફર્યા. અંદર ગયા ત્યારે એક સાઇકલસવાર અંદર જતો હતો.

રાત શાંતિપૂર્વક પસાર થઈ. બીજા દિવસે સવારે તે જૂથ કોલ્હાપુર પાછું ફર્યું. પણ મેં તેમને પૂછ્યું. “કાલની ઘટનાથી તમે શું અનુભવ્યું ?” કારણ બાળકોને સમાજમાં તેમનું સ્થાન મેળવી આપવાનું, નીડરતાપૂર્વક દુનિયામાં પોતાના અપંગત્વની શરમ ન રાખતાં વર્તતા શીખવવું, તેમનું મનોબળ વધારવું એ આ શિબિરનો આશય હતો. પણ બન્યું કાંઈક જુદું જ. એ બાળમાનસ પર આ ઘટનાની કાયમ માટે છાપ રહેશે તો ? તેમનું મનોબળ ભાંગી પડ્યું હશે એ વિચારે હું અસ્વસ્થ હતી. પણ મળેલ જવાબ અનપેક્ષિત હતો. “દીદી ! આપણે જોઈતું હોય એ મીઠું બોલીને, વર્તીને ન મળે તો વખત આવ્યે ઝઘડીને, લડીને તે મેળવવું જોઈએ. આ પાઠ ગઈકાલે અમને મળ્યો. તમારા જેવી હિંમત અમારામાં નથી. પણ હવેથી અમે તેવો પ્રયત્ન કરીશું.” આ પ્રત્યુત્તરથી મને મળેલ સંતોષ શબ્દોમાં વ્યક્ત કરવો અશક્ય છે. દુઃખને કારણે આંખોમાં આવનારા અશ્રુ હવે સંતોષને કારણે વહેલા લાગ્યો. હળવેથી આંખો લૂછીને મનપૂર્વક ખુશાલીભેર બીજા ગ્રુપના કાર્યક્રમની તૈયારીમાં અમે સહુ કોઈ લાગી ગયા.

બાળકો માટે અમે જે પ્રવાસો યોજતાં, તેમાં સમુદ્ર મુલાકાતનો એક પ્રવાસ વિશેષ જણાય છે. તે વખતે અમે નાનામોટા સહુકોઈ ચિપલૂણ, ગુહાગર ગયા હતા. ચિપલૂણ પહોંચ્યા ત્યારે ધોધમાર વરસાદ હતો. ત્યાંથી ડેરવણ તરફ. ત્યાં વાલાવલકર ટ્રસ્ટે સાકાર કરેલી શિવસૃષ્ટિ નિહાળી. ત્યારબાદ એન્રોન યોજના જોવા ગયા. પ્રવાસની શરૂઆતથી બાળકોને આકર્ષણ હતું તે સમુદ્રનું. હા-ના કરતાં કરતાં બોટિંગનો કાર્યક્રમ નક્કી થયો. સીમાશુલ્ક વિભાગે બોટ આપી. બધાંય અનહદ ઉત્સાહ સાથે બોટમાં ઉતર્યા અને સમુદ્રના મોજાં પર સવાર થવાનો આનંદ લૂંટ્યો. તે જ દિવસે સંધ્યાકાળે ગુહાગર બીચ પર અમે બધાંય વ્હીલચેર્સ, કાખઘોડી છોડીને પાણીમાં ઊતર્યા. દોઢ-બે કલાક સમુદ્રમાં રમ્યા. મોજાં સાથે રમતી વખતે સર્વેના ચહેરા પર જે આનંદ છલકાઈ રહ્યો હતો. એ અવર્ણનીય હતો. તેમાંના બન્ને પગે પંગૂ એવા એક બાળકના શબ્દ મને યાદ આવે છે. “દીદી, કેટલી મજા આવે છે એ પાણીમાં. અમને ઘેર સાદા વરસાદના પાણીમાં, કીચડમાં મમ્મીએ આજસુધી એક વખત પણ રમવા દીધા નથી.” આટલું કહીને એ રેતીનું સુંદર ઘર બનાવવામાં ખોવાઈ ગયો.

બેલગામ હૉલિડે કેમ્પનો ઉપયોગ એ થયો કે રસોઈ કરવામાં અમારો આત્મવિશ્વાસ વધ્યો અને સંસ્થાના કાર્યાલયમાં (મારો ભાડાનો ફ્લેટ) અમે અલ્પાહારથી લઈને જમણવાર સુધીના ઓર્ડર લેવા લાગ્યા. શુદ્ધ, તાજા, સ્વાદિષ્ટ પદાર્થ ઑફિસના કાર્યક્રમમાં મળવા લાગ્યો. તેને કારણે ઑફિસ સ્ટાફ આનંદિત થયો અને સંસ્થાને અપંગ પુનર્વસન માટે સ્વમભહેનતના પૈસા મળવા લાગવાથી સંસ્થાના પદાધિકારી, સ્વયંસેવક સર્વે અત્યંત ઉત્સાહથી આવા ઓર્ડર પૂરા કરતા વખતે સહભાગી થવા લાગ્યા.

કોલ્હાપુર મુકામે યોજાયેલ સાહિત્ય સંમેલનમાં પાંચ દિવસ માટે ગોઠવેલો અમારો સ્ટોલ લાજવાબ હતો. દાનમાં મળેલ સેકન્ડ હેન્ડ ફ્રિજ અમે ત્યાં લઈ ગયાં હતાં. દૂધ ફ્રિજમાં રાખી શકાતું હોવાને કારણે ફક્ત અમારો જ સ્ટોલ રાતભર ચાલતો હતો. ડુંગળીનાં ભજિયાં, ભેળ એ મુખ્ય પદાર્થ હતા. રાતે બાર વાગે ય લોકો ડુંગળીનાં ભજિયાં અને ભેળ ખાતા હતા. પાંચ દિવસમાં ૧૧,૦૦૦ રૂપિયાનું વિક્રમી વેચાણ અમે કર્યું. કોલ્હાપુરના પ્રસિદ્ધ ભેળવાળા રાજાભાઉ જાતે અમારી લાજવાબ ભેળની ખ્યાતી તેમના સુધી પહોંચવાને કારણે અમારા સ્ટોલ પર આવ્યા હતા. રાતે સ્ટોલ બહાર જ કૉટ પર હું થોડો આરામ કરતી હતી. પાસે જ એક ઓળખીતાએ પાંચ દિવસ માટે ફક્ત રૂમ વાપરવા માટે આપી હતી. ત્યાં જઈને વારાફરતી આરામ કરીને દિવસરાત પાંચ દિવસ સ્ટોલ ચાલુ રાખ્યો હતો.

પૈસા મેળવવાના અનેક માર્ગ અમે ખોળી રહ્યા હતા. કારણ સંસ્થા પાસે આવનાર લાભાર્થી ખૂબ હતા. પ્રતીક્ષા યાદી વધતી જતી હતી.

ગણપતિ ઉત્સવમાં મોકાના સ્થળે મંડપ નાંખીને શ્રદ્ધાળુ ગણપતિરાયને નારિયેળ અર્પણ કરતા હતા. અને તેના બદલામાં તે તે મંડળના અધિકારી દાન પેટીમાં રકમ નાંખતા હતા. સંસ્થાના સચિવ અને અધ્યક્ષને બાળકો સહિત હું આવા કાર્યક્રમમાં જોડાઉં તે ગમતું ન હતું. અમારા ઘરે થયેલ એક બેઠકમાં મારે સાંભળવું પડ્યું. સંસ્થાનાં બાળકો નાચે છે અને તમે તેમાં સામેલ થાવ છો. એ ઠીક લાગતું નથી... વગેરે. બા ઘણુંખરું અંદરની રૂમમાંથી સાંભળતી હતી. મને સમજાતું નહતું. કોઈ પણ ગેરકૃત્ય ન કરતાં, અપંગ પુનર્વસન માટે પૈસા મેળવવા કરતાં, પોતાની સગવડ ગેરસગવડ ન જોતાં ભૂખ-તરસ ભૂલીને બાળકો કામ કરે છે અને તેમનો ઉત્સાહ વધારવા માટે હું તેમનામાં અમારા ઘરના લોકોની પરવાનગીથી જોડાઉં છું. તો તેમાં ખરાબ દેખાવા જેવું શું છે ? બાળકોને સમયસર ખવરાવવા-પિવરાવવાનું કામ મારે કરવું જ જોઈએ ! તે માટે આવા સ્ટોલ પર મારી ઉપસ્થિતિ મને આવશ્યક જણાતી હતી.

સંસ્થા પાસે આવનારા અપંગોની જરૂરિયાત અનુસાર કાર્યની દિશા નક્કી થતી હતી. આવેલા કડવા અનુભવ પ્રગતિના આગળના તબક્કે અમને લઈ જતા હતા. આંતરરાષ્ટ્રીય અપંગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમ સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવ્યા. તબીબી તપાસ કરીને શસ્ત્રક્રિયા કરવી, કૃત્રિમ સાધનો આપવાં, ક્રિડા સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમ ઇત્યાદિ. તબીબી તપાસ માટે કોલ્હાપુરમાં અસ્થિરોગ નિષ્ણાત ડૉ. પી.જી. કુલકર્ણી, ડૉ. આર. બી. સાતવેકર, ડૉ. સુરેશ દેશપાંડે, ડૉ. ગજાનન જાદવ, ડૉ. નલ્લૂરવાર, ડૉ. એન. ડી. ભોસલે, ડૉ. એસ.એન. રાણે, ડૉ. એસ. ડી. ખોત, ડૉ. એચ. એલ. વાઘાડિયા (પટેલ), સહાયક ડૉ. દીપક તાંબટ, ડૉ. પ્રમોદ પોતનીસ, પી.એન. ઇંગોલે, કુ. હાતેકર જેવાનો મહત્ત્વપૂર્ણ સાથ મળ્યો.

શિબિર પૂર્ણ થયા પછી મોડેથી આવેલા અપંગોને ડૉક્ટરના ઘરે મોકલીને તપાસવાની વિનંતી કરી. ત્યારે એ પણ તેમણે આનંદપૂર્વક સ્વીકારી. અત્યંત સુખદ અનુભવ હતો એ ! આવી શિબિરનું સો ટકા કાર્ય પૂર્ણ કર્યા સિવાય બીજું કાર્ય હાથમાં લેવું નહિ, એ અમારા કાર્યની પદ્ધતિ હતી. તે અનુસાર શસ્ત્રક્રિયા પહેલાં કરાવી લીધી. કૃત્રિમ સાધનો માટે ૩૦-૪૦ લોકોને મુંબઈ મદદનીશ સહિત મોકલવા કરતાં મુંબઈના નિષ્ણાતોને જ કોલ્હાપુર બોલાવવા. તેમના આવવા-જવાનો ખર્ચ આપવો અને તેમના રહેવા-જમવાની સગવડ ક્વાર્ટર પર જ કરવી એમ નક્કી થયું. તે અનુસાર ‘નાસીઓ’ના શ્રીમતી નમા ભટ્ટને પત્ર મોકલીને સહમતી મેળવી. ગરમ પાણી, કોટ, ચા, નાસ્તો, જમવાનું એની બિલકુલ સંપૂર્ણ તૈયારી અમે કરી. તે નિષ્ણાત અમારા મહેમાન હતા અને મહેમાનનાં આદર-સત્કાર કરવાના પાઠ અમે ઘૂંટ્યા હતા. તે અનુસાર સઘળી તૈયારી કરવા છતાંય આ મહેમાન જમવા તૈયારન હતા. “દીદી તમે જાવ. અમારું અમે જમી લઈશું.” એવો એમનો આગ્રહ જોતાં મને લાગ્યું કે કદાચ મારી સામે તેમને સંકોચ લાગતો હશે તેથી દેશભ્રતારને તેમના જમવાની જવાબદારી સોંપીને હું ઘેર ગઈ.

બીજા દિવસે દેશભ્રતારે અહેવાલ આપ્યો. મારા ગયા પછી જમતા પહેલાં તેમણે દારૂની બાટલી કાઢી. ત્યારે દેશભ્રતારે “અહીં આ ક્વાર્ટર પર સંસ્થાની ઑફિસમાં આ ચાલશે નહિ, દીદીને કહીશ.” કહીને રોક્યા.

હું મુંબઈ રમતસ્પર્ધાની ટીમ સાથે ગઈ ત્યારે શ્રીમતી નમા ભટ્ટે “એ તંત્રજ્ઞોની સવલત ‘હેલ્પર્સે’ વ્યવસ્થિત કરી નહિ (તે વખતે ‘નાસીઓ’એ અમને દોઢ લાખનાં કૃત્રિમ સાધનો પૂરાં પાડ્યાં હતાં.) અમારા કર્મચારીઓની સરખી વ્યવસ્થા કરશો તો જ હવે પછી આવશે.” એમ કહેતાં જ મને આશ્ચર્ય થયું. ખરું તો તેમના સ્ટાફની ગેરવર્તણૂંકની ફરિયાદ મારે કરવી જોઈતી હતી. પણ થયું. જવા દે ! ક્યાં આ મુંબઈવાળાઓને આપણે સુધારી શકવાના છીએ. આવો વિચાર કરીને હું ચૂપ હતી. નમાબહેનને મેં સઘળી સાચી ઘટના વર્ણવી અને કહ્યું, “જો ખરેખર તેમને દારૂ પીવો જ હોય. તો અમે એકાદ હોટલમાં તેમની વ્યવસ્થા કરીશું. પોતાના ખર્ચે તેઓ ત્યાં કાંઈ પણ કરે. અમે નિશ્ચિત રકમ તે તંત્રજ્ઞોના પ્રવાસ ભથ્થા તરીકે ‘નાસીઓ’ને ચેકથી મોકલાવી દઈશું.” નમાબહેન ખૂબ જ સારાં હતાં. “તું ચિંતા કરીશ નહિ. હું તેમને સમજાવું છું. એ ક્વાર્ટર પર જ રહેશે.” એમ કહીને તેમણે મને આશ્વસ્ત કરી અને ત્યારબાદ પછીની બન્ને શિબિરો દરમ્યાન તે નિષ્ણાતોની ટીમ અત્યંત સુંદર રીતે વર્તી.

વળી બીજા વર્ષેય ‘નાસીઓ’એ અમને દોઢ લાખ રૂપિયાની કિંમતનાં કૃત્રિમ સાધનો પૂરાં પાડ્યાં. આ વખતે અમારું કામ વધ્યું હતું. થોડાઘણા પૈસા ય હતા. તેને કારણે તે વખતે અમે તે નિષ્ણાતોની સગવડ હોટલમાં કરી.

બાબુકાકાને કારણે જેમ રજની કરકરે અને શાંતા પાઠકનો પરિચય થયો. તેમ જ તાલુકા મથકે રહેનાર નીના સાથે થયો. સંસ્થા અને અપંગ પુનર્વસન વિષયક તેના-મારાં સ્વપ્નો એક હતા. કેળવકરના ઘરે હતા ત્યારે એ અનેક વાર અમારે ત્યાં રહેતી. પોતાના વિચારો રજૂ કરતી. અમારી બન્નેની ચર્ચામાંથી એક જ મુદ્દો સ્પષ્ટ થતો. “અપંગ પુનર્વસનનું કાર્ય કરતાં પહેલાં આપણે પોતે આર્થિક દૃષ્ટિએ સ્વાવલંબી થવું અત્યંત આવશ્યક છે.” નીનાના બન્ને પગે પોલિયો, તદ્દન સળી જેવા પગ, કમર પણ તદ્દન પાતળી. એ ઊભી રહી શકતી ન હતી. બેસીને ઢસડાતાં ચાલતી. પણ ડિગ્રીધારી થઈ હતી. પોતાના ગામમાં ત્રણ પૈડાંવાળી સાઇકલ વાપરતી.

મને સેન્ટ્રલ એક્સાઇઝમાં નોકરી લાગી, પણ નીના બેરોજગાર હતી. બેન્ક ઑફ મહારાષ્ટ્રમાં લેખિત પરીક્ષા પાસ થઈને અને ઇન્ટરવ્યૂ થવા છતાંય ઓર્ડર તેના હાથમાં આવ્યો ન હતો. એણે મને પત્ર દ્વારા જણાવ્યું. તે વખતે, “વિજય મરચન્ટ ઉગાર મુકામે શિરગાંવકરને ત્યાં આવવાના છે. કાંઈ કામ હોય તો આવ.” એવો ઉગારથી શિરગાવકરના કુટુંબીજનો તરફથી મને સંદેશો મળ્યો. મેં નીનાને કોલ્હાપુર બોલાવી લીધી. રજા મૂકી અને એસ.ટી. દ્વારા અમે ઉગાર ગયા. વિજય મરચન્ટ હંમેશની જેમ પ્રસન્નપણે મળ્યા. નીનાના કાગળો જોયા અને પોતાના સચિવને, મુંબઈ પહોંચતા જ આ કામ કરવાનું છે, એની નોંધ કરવા જણાવ્યું. મુલાકાત, ભોજન વગેરે થયા પછી મારા કાર્યનાં તેમણે મોંફાટ વખાણ કર્યાં અને હવે કોલ્હાપુર પરત કેવી રીતે જઈશ એમ પૂછ્યું. એસ.ટી.ના પ્રવાસથી મને તકલીફ થઈ હતી. માથું દુઃખતું હતું. ઊલટી થયા જેમ થતું હતું. તાવ ચડવાનાં ચિહ્‌નો હતા. એસ.ટી. દ્વારા વળતો પ્રવાસ કરીને હિંમત ન હતી. હસીને જવાબ વાળ્યો. “અહીં મારા એટલા કાકા-મામા ઉપસ્થિત છે, કે મારે પાછા વળવાની ચિંતા કરવાની જરૂર નથી.” એથી “અત્યંત બુદ્ધિશાળી અને ચાલાક છે આ...” એમ વખાણના ઉદ્‌ગાર શ્રી મર્ચન્ટે વ્યક્ત કર્યા. ત્યારબાદ શિરગાંવકરે તાત્કાલિક મને સગવડપૂર્ણ એમ્બેસેડર ગાડી મારા વળતા પ્રવાસ માટે આપી. આવા ખૂબ મોટા મનના આ બધાય શિરગાંવકર લોકો છે.

રાત્રે કોલ્હાપુર પહોંચ્યા અને મને ઊલટીઓ શરૂ થઈ. બાને વાની તકલીફ હતી. એક હૉલમાં મારો અને બાનો પલંગ સામસામે હતો. રાતે નીના બન્ને પલંગ વચ્ચે ઊંઘી હતી. “આની ઓકારીને કારણે તને ત્રાસ થતો હશે. એટલે તું મારા પલંગ પર ઊંઘ. હું નીચે ઊંઘીશ.” એમ બા એ કહેતાં જ પટ દઈને પલંગ પર ગઈ. એનું તે વખતે મને ખોટું લાગ્યું હતું. મને હતું કે એ કહેશે ‘હોતું હશે ? નસીમા મારા માટે રજા લઈને આટલી હેરાન થઈ છે. એને મારે કારણે કેટલી તકલીફ પહોંચી છે. મને કાંઈ તકલીફ થવાની નથી... મમ્મી, તમે પલંગ પર ઊંઘો, નસીમાને કાંઈ જોતું કરાવતું હોય તો હું જોઈશ.’

સવારે એ ગઈ અને મારે માત્ર પાંચ-છ દિવસ પથારીમાં ઊંઘી રહેવું પડ્યું. આઠ દિવસમાં એનો ઓર્ડર નીકળ્યા અંગેનો એનો તેમજ વિજય મરચન્ટનો પત્ર આવ્યો. એના પત્રમાં લખ્યું હતું. “આપણે અકારણ વિજય મરચન્ટને તકલીફ આપી. ઑર્ડર પહેલાં જ નીકળી ગયો હતો.”

એને આ કહેવાનો અર્થ ન હતો કે માત્ર વિજય મરચન્ટના કારણે જ ઓર્ડર સહી થઈને પોસ્ટમાં રવાના થયો હતો. મેં વિજય મરચન્ટને આભાર વ્યક્ત કરતો પત્ર પાઠવ્યો.

‘હેલ્પર્સે’ અપંગ પુનર્વસનના કાર્યની શરૂઆત બાળકોથી કરી હતી. શાળાના વિદ્યાર્થીઓની તબીબી તપાસ કરી. શસ્ત્રક્રિયા ડૉ. સાતવેકર મફત કરવાના હતા. પણ દવા, સલાઈન, રક્ત અને પૈસા જરૂરી હતા. હું મુંબઈથી જશલોકમાંથી નિરાશ થઈને પરત આવી હતી. રાતોની રાત ઊંઘ આવતી ન હતી. જીવવાની ઇચ્છા મરી પરવારી હતી. ક્યારેક ક્યારેક આખી રાત રડવામાં વીતતી હતી. સવારે આંખો-ચહેરો સૂજેલાં રહેતાં. કોઈનું મારા ચહેરા તરફ ધ્યાન ન જાય. તેથી આમ રડવામાં રાત પસાર થઈ હોય એના બીજા દિવસે હું સૌથી સરસ સાડી પહેરતી. બા ઘરેણાં પહેરવા હંમેશાં આગ્રહ કરતી અને હું ના કહેતી. પણ એવા દિવસે હું જાતે દાગીના લઈને પહેરતી અને મારો આશય સફળ પણ થતો. દુનિયા નાટકમાં ફસાતી. મારી રડીને સોજાઈ ગયેલી આંખો તરફ કોઈનુંય લક્ષ્ય ન જતું. બધાં કપડાં અને દાગીનાનાં વખાણ કરતાં. એક વખત એક બહેનપણીને પોતાની નિરાશા છુપાવવા મેં આ ઉપાય કહ્યો એને એ ગળે ઊતર્યો અને એય અવાર નવાર આ ઉપાય અમલમાં મૂકવા લાગી.

દિવસભર ઑફિસના કામમાં હું મારી શારીરિક સ્થિતિ ભૂલી જતી હતી. પણ ઘેર આવીને પથારીમાં પડતાં જ ના હોય એ વિચારો મનમાં આવતા. પેટનો દુખાવો, માથાનો દુખાવો અનુભવાતો. અનેક રાતોના જાગરણને કારણે ઊંઘ લાવવા માટે ઊંઘની ગોળીઓ મેં એક-બે પરથી ત્રણચાર સુધી વધારી હતી. પણ તેને કારણે બીજા દિવસે હાથમાં કંપ, ગળું સુકાઈ જવું અને અશક્તિ અનુભવાતી હતી. એક વખત ઑફિસ છૂટ્યા પછી સંસ્થાનું કામ કરવાનું હતું. પણ આ ઊંઘની ગોળીઓની અસરને કારણે બેસવું અશક્ય થયું. ઘરે આવી અને રોષમાં ઊંઘની બધી ગોળીઓ બારી બહાર ફેંકી દીધી. મનમાં વિચાર કર્યો. આ પણ એક વ્યસન જ છે...થોડા કલાક ઊંઘવા માટે ! આપણા પ્રશ્નો, સમસ્યાઓનો આ કાયમી સ્વરૂપનો ઉપાય નથી. ઊલટું આમાં તો નુકસાન જ અધિક છે. એ દિવસથી ઊંઘ ન આવે કે સંસ્થાના પત્રો પલંગ પર અવળી સૂઈને લખવા લાગી. એને કારણે બે ફાયદા થયા. બીજા દિવસે ઊંઘની ગોળીઓને કારણે આવનારી શિથિલતા દૂર થઈ. અને બીજુ હું તાત્કાલિક પ્રત્યુત્તર મોકલતી અને સવિસ્તર લખતી તેથી લાભાર્થી, હિતચિંતક, મિત્રો-બહેનપણીઓને આનંદ થયો. પત્રવ્યવહાર વધ્યો. ઑફિસના સિપાહી મારફત જ બીજા દિવસે પત્ર પોસ્ટ કરવા આપી દેતી. અનેક અપંગોનાં સુખદુઃખ મારા સુધી પહોંચવા લાગ્યાં. પરંતુ ઊંઘ ઓછી થવાને કારણે અથવા શાને કારણે ખબર નથી. પણ મને કમળો થયો અને દવાખાનામાં એડમિટ કરવી પડી. ઉકાળેલ ભાજી અને કઠોળની વાનગી, તેલ નહિ, તીખું નહિ. કાકડી, શેરડીનો રસ, મને ન ગમતાં સઘળા ગળ્યા પદાર્થો હું ખાવા લાગી.

દવાખાનામાં ચોવીસ દિવસ-રાત પાંચ મિનિટેય મને ઊંઘ લાગી નહિ. ઊંઘ સિવાય માણસ જીવી શકે એ ત્યારે સમજાયું. દેશભ્રતાર, ઑફિસના અન્ય સાથીઓ, બહેનપણીઓ રજની વગેરે સહુકોઈ ચિંતિત થઈ વારંવાર મને મળવા આવતાં. મને ઊલટીઓ અને ખૂબ જ માથું દુખતું. પણ મુલાકાતી આવે કે હું હસીને બોલતી. એ ગયા પછી મારું કણસવું શરૂ થતું. બા મારા પર ચિડાતી હતી. “કોઈનેય તારો દુખાવો સાચો લાગશે નહિ. આટલું હસવાની, આટલું બોલવાની શું જરૂર છે ?” પણ હું “આદતસે મજબૂર” હતી. આવનારા “અરેરે ! શું હાલત, કેટલી પીડા !” જેવા ઉદ્‌ગાર સાથે મારા પર દયા પણ વ્યક્ત કરતા. આ મને સ્વીકાર્ય ન હતું. સતતના સલાઈનને કારણે બન્ને હાથ કાળા-વાદળી થયા હતા. અંતે મેં ડૉક્ટરને પગે સલાઈન ચડાવવા વિનંતી કરી અને તેમણે એ સ્વીકારતા મારા બન્ને હાથ કામ કરવાને મુક્ત થયા. મારા પત્રો લખવાનું, ગૂંથવાનું વગેરે ચાલુ થયું. આંખોથી દેખાવાનું જો કે ખૂબ ઓછું થયું હતું. તેને કારણે વાચન કરવું મુશ્કેલ થતું હતું.

રોજ હું ડૉક્ટર પાસે ઊંઘની દવા માંગતી હતી. પણ આ અવસ્થામાં તે આપી શકાય નહિ, કોમામાં સરી જવાની સંભાવના રહે છે, કહીને તેમણે મારી આ વિનંતી સ્વીકારી નહિ. રોજ લોહી તપાસવામાં આવતું હતું. એક દિવસ મને ખૂબ જ ઉકળાટ થઈ રહ્યો હતો. સતત તરસ લાગતી હતી. રોજનું ફ્રિઝમાંનું પુડિંગ, ફ્રુટ સલાટ, ખીર વગેરે હું ખાતી હતી. તે દિવસે તેનાથીય સુકાયેલું ગળું ભીંજાયું નહિ. એટલે દ્રાક્ષ મંગાવી અને મેં એકલા એક કિલો કે કેટલી પૂરી કરી કોણ જાણે ? પણ મારી રિસાયેલી ઊંઘ આંખોમાં ઊતરવા લાગી તેટલામાં બ્લડ રિપોર્ટ આવ્યો. ‘સુગર ખૂબ વધી ગઈ છે. આને ઊંઘવા દેશો નહિ. પત્તા રમો, રેડિયો વગાડો, ગીતો વગાડો...’ ડૉક્ટરે સૂચના આપી. અજીજના દોસ્ત મને જોક સંભળાવતા હતા. હું ઊંઘુ નહિ, તેથી રાત્રે સહુકોઈ મારી સાથે જાગતા હતા. ખૂબ જ અસહ્ય બનતાં મેં પત્તાંય બાજુએ ખસેડ્યાં. રેડિયો ચાલુ જ હતો. પણ મને ઊંઘ લાગી. કેટલી વાર ઊંઘી રહી ખબર નથી. પછી ખબર પડી કે ચાર-પાંચ કલાક ઊંઘી હતી. પણ સફેદવેશમાં પાંખો ધરાવતી પરીઓ મારા પલંગની આજુબાજુ હતી. મધુર હાસ્ય સાથે મારી સાથે વાતો કરતી હતી. રૂમમાંના બોલવાના અવાજ વચ્ચે વચ્ચે મને સંભળાઈ રહ્યા હતા. “ચોવીસ દિવસથી ઊંઘ આવી નથી. થોડું ઊંઘવા દઈએ...” ના ! ડૉક્ટરોએ ઊંઘવા દેશો નહિ કહ્યું છે. વગેરે. મને હલાવીને અથવા કેવી રીતે કોણે જગાડી ખબર નથી. પણ સામેના ચહેરા બિલકુલ ધૂંધળા હતા. ક્ષણભર લાગ્યું. મને અંધત્વ આવ્યું છે. પછી તદ્દન પાસે આવેલો ચહેરો ઓળખવાનો પ્રયાસ કર્યો. પણ હું ક્યાં છું, કોની પાસે છું, કાંઈ જ સમજાતું ન હતું ! આપણને કાંઈ જ સમજાતું નથી, કાંઈ જ સાંભરતું નથી... એ વિચારે મને રડવું આવ્યું અને અત્યંત વિચિત્ર રીતે રડવા લાગી. હું ગાંડી થઈ ગઈ. એમ જ મને લાગતું હતું. મારી આંખો અને ચહેરાના હાવભાવ સંપૂર્ણ બદલાઈ ગયા હતા. એમ પાછળથી જાણ્યું. એ મધરાતે બાએ કૉફી, બિસ્કિટ આપાજાન મારફત મને ખવરાવ્યાં. બા પોતે મારી સામે આવી જ નહિ. કૉફી, બિસ્કિટ ખાધા પછી મને જરા સારુ લાગ્યું. હું વળી જોરથી રડવા લાગી. મને ભૂખ લાગી હોવા છતાં મને તે ખબર પડી નહિ. બીજા કોઈ જાણીને મને ખાવા આપે તો જ હું ખાઈ શકું. મારું મગજ પૂર્ણતઃ કામમાંથી ગયું. એમ મને લાગવા લાગ્યું અંદર બા રડતી હતી. મારું મોટેથી રડવાનું સાંભળીને એ બહાર આવી. હવે આ અપંગત્વ સાથે આ ગાંડી દીકરીની સંભાળ આપણે કેવી રીતે કરીશું એ ચિંતામાં એ પૂર્ણપણે ભાંગી પડી હતી. છતાં તેણે મને આપાજાને મને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ખૂબ દિવસ પછી ઊંઘ લાગવાને કારણે આમ લાગી રહ્યું છે. ડૉક્ટર આવી રહ્યા છે. તને કાંઈ પણ થયું નથી. થોડી વારમાં ડૉક્ટર આવ્યા. તેમણે દવા આપી અને મને શાંત નિદ્રા લાગી. પછી ઘણા દિવસો સુધી મને સતત ઇન્સ્યુલિન આપતા હતા. અલ્પ સમય માટે મને ડાયાબિટીસ થયો હતો. મારી માંદગીને કારણે અજીજ રજા મુકીને આવ્યો હતો. રજાઓ પૂરી થતાં એ મુંબઈ ગયો હતો. પણ મારી માંદગીએ વળી નવો વળાંક લેતાં મુંબઈથી રજા વધારીને એ પરત આવ્યો. આ જ અરસામાં આ અવસ્થામાં આપણે લાંબો સમય જીવવાના નથી અને સુંદર પરદેશી સાડીઓ પહેર્યા પછી જ ના હોય એ આફત આવે છે. એમ લાગતાં મેં ઘરેથી સઘળી સરસ નવી નવી સાત-આઠ સાડીઓ મંગાવી લીધી અને મારી યાદ તરીકે બહેનપણીઓને આપી. તે લેતા ન હતા પણ ‘મારું દિલ તોડશો નહિ’ એમ કહીને મેં તે તેમને લેવા ફરજ પાડી.

તે વખતે હું બે-અઢી મહિના દવાખાનામાં હતી. ધીમેધીમે મારી તબિયત સુધરવા લાગી. રજની મળવા આવતી ત્યારે ઘણી વખત તેના ભાઈના મિત્ર પી.ડી. દેશપાંડેને સાથે લાવતી હતી. પછી સંસ્થાના કામનિમિત્તે અમે ખૂબ વાતો કરતાં. પરંતુ બોલતાં મને હાંફ ચડતો. મને માંદગીમાં આટલી વાતો કરાવતા હોવાને કારણે બા મનોમન ચિડાતી. પણ રજની પી.ડી. સામે કાંઈપણ કહ્યા વગર તેઓ ગયા પછી મને ધમકાવતી.

આ માંદગીમાં એક અન્ય વ્યક્તિ રોજ મને મળવા આવતી. એ ય રાતે વાળુ વેળાએ. એ ગૃહસ્થ નોકરિયાત હતા. તેમની એકદમ ભયાનક દેખાય એવી દસ-બાર વર્ષની દીકરી હતી. બનાવટી વાળ, ખૂબ મોટું માથું, મોંમાંથી સતત લાળ ગળતી રહેતી. તેને ઘર બહાર લઈ જઈ શકાય એ માટે ‘નાસીઓ’ તરફથી તેને વ્હીલચેર મેળવી અપાવી હતી. તે વ્હીલચેર પર ઑફિસેથી આવ્યા બાદ આદરપૂર્વક એ પિતા એને મને બતાવવા લઈ આવતા હતા. બિલકુલ સજાવીને લાવતા હતા. પગમાં ચાંદીના ઝાંઝર, હાથ-પગ હલાવી શકાય નહિ. પૂર્ણપણે મંદબુદ્ધિની એવી બાલિકાને એક દોઢ કલાક તે મારી રૂમમાં રાખતા હતા, મારી એ વખતની મનઃસ્થિતિ અત્યંત નાજુક થતી. મારે પોતાને જ ‘મર્સી કિલિંગ’ અથવા ‘ઇચ્છા મૃત્યુ’ જોઈતું હતું. વિજય મરચન્ટને મેં તે સંદર્ભે પત્ર લખ્યો હતો અને તેનો પ્રત્યુત્તર પણ આવ્યો હતો. તે મારી મત સાથે સહમત હતા. પણ કાયદાની મંજૂરી નહિ હોવાથી આપણે કાંઈ પણ કરી શકતા નથી. ડૉક્ટરોનું મન વાળી શકીએ કે, એ જ પ્રયત્ન કરવા. એવી સલાહ એમણે રૂબરૂ મુલાકાતમાં આપી હતી. આવા સમયે તે બાળકીનું અસ્તિત્વ મને અત્યંત અસ્વસ્થ કરતું હતું. બા કહેતી “એમને કહું કે રોજ આમ રાતે જમવાના સમયે આવશો નહિ” પણ મેં બાને તેમ કરવા દીધું નહિ. પરંતુ તે આવી ગયાથી જમવાનાં મોડું થતું અને પછી હું બિલકુલ જમી શકતી ન હતી. મધ્યરાત્રિના મારા એ ગાંડપણના પ્રસંગ પછી બે-ચાર દિવસ ડૉક્ટરોએ સહુને જ મને મળવા પર મનાઈ ફરમાવી. તદ્દન ગણ્યાગાંઠ્યા જ લોકો મળતા હતા. થોડાં વર્ષો પછી જાણ્યું કે એ પુરુષ એ બાળકીને અને તેની માતાને તરછોડીને બીજાં લગ્ન કરીને જુદો રહે છે. એ બાળકી પ્રત્યેનો તેનો પ્રેમ ક્યાં લુપ્ત થયો હશે... ?

અઠવાડિયા પછી ફરી રજની અને પી.ડી. આવ્યા અને પી.ડી.એ “સુરેશ ભટ્ટનો કાર્યક્રમ કરીને પૈસા ભેગા કરીએ કે ? હું પ્રયત્ન કરું” એમ પૂછ્યું. મેં કહ્યું, “હા, કરીએ. શસ્ત્રક્રિયાના કેસો માટે આપણે પૈસા જોઈએ જ છે.” પછી પલંગ પર જ બેકરેસ્ટ ગોઠવીને હું બેઠી અને અમે પ્લાનિંગ કરવા લાગ્યા. બા ચિડાતી હતી. પણ હું જાણતી હતી કે આ કામ એ જ મારી માંદગી પરનું સહુથી ગુણકારી ઔષધ છે. એક દિવસ તો ડૉ. સાતવેકરની પરવાનગી લઈને હું સુરેશ ભટ્ટને મળવા દવાખાના બહાર ગઈ. બા મારી પર અને પી.ડી. પર ખૂબ ચિડાયા હતા.“તને જોવા લોકો આવે છે, તેમને હું એકલી આ દવાખાનામાં રહીને શું કહું ?” બાનો રોષ મને સમજાતો હતો. એ વાજબી હતો. પણ સુરેશ ભટ્ટ ગામ જવાના હતા. કાર્યક્રમનો ખર્ચ, પુરષ્કાર વગેરે નક્કી કરવાનો હતો અને હું વ્યવસ્થાપક અને ખજાનચી હતી. કલાક-દોઢ કલાકે હું પાછી આવી. ચિડાયેલી બાને શાંત કરવી અત્યંત મુશ્કેલ કાર્ય હતું. સુરેશ ભટ્ટની મુલાકાતને સઘળો અહેવાલ મેં તેને સમજાવ્યો. એ પોતે ય અપંગ છે... વગેરે, વગેરે.” છેવટે કહ્યું, “આજે ખરી શાંત ઊંઘ આવશે મને. છેલ્લા બે મહિના પથારીમાં ઊંઘી ઊંઘીને ખુબ કંટાળી હતી.” બા ધીમેધીમે શાંત થઈ.

વધુ ત્રણ-ચાર મહિના મારે કમળાની પરેજી પાળવાની હતી. ડિસ્ચાર્જ મળ્યા પછી રેહાના પાસે હવાફેર તરીકે જઈને રહેવાનું નક્કી કર્યું. પાછા આવ્યા પછી સુરેશ ભટ્ટની મરાઠી ગઝલોનો કાર્યક્રમ કેશવરાવ ભોસલે નાટ્યગૃહમાં યોજવાનું નક્કી કર્યું હતું.

મારી બ્લડ સુગર નોર્મલ થઈ હતી. કેથેટરનો પાંચ સીસીથી શરૂ કરેલ બલ્બ હવે ૩પ સી.સી. સુધી ગયો હતો. આ અંતિમ મર્યાદા હતી. પણ એ બલ્બ પણ ઝડપથી બહાર આવતો હતો. મેં ડૉ. સાતવેકરને આનો શો ઉપાય એ અંગે પૂછ્યું, ત્યારે “યુરેથ્રાપ્લાસ્ટી કરી જોઈએ. પણ ખાતરી આપી શકાય નહિ...” એવું તેમણે કહ્યું, મેં કહ્યું, “પ્રયોગ કરી જુઓ અને તે પણ આ દવાખાનામાં છું ત્યારે જ આ ઑપરેશન કરો.” કારણ ઑફિસ ગયા પછી વારંવાર રજા લેવા બરાબર લાગતી ન હતી. મારા આગ્રહવશ ડૉ. સાતવેકરે અને ઘરના સર્વેએ સંમતિ આપી. કારણ બીજો રસ્તો જ ન હતો. ૧૯૬૭માં હું જે સ્થિતિમાં હતી, બરાબર તે જ સ્થિતિમાં હું પાછી આવી હતી. આવી હાલતમાં સંસ્થાનું કામ કરવું ય મુશ્કેલ હતું અને ઑફિસમાં આઠ કલાક કામ કરવુંય મુશ્કેલ હતું. ફરીથી બેડસોઅર્સનો ત્રાસ પણ શરૂ થયો હતો એવા સંજોગોમાં... ત્રીજી વખત મને ઑપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી. પહેલું ઑપરેશન પીઠના મણકાનું થયું હતું. જ્યારે બીજું વચ્ચે એપેન્ડિક્સનું થયું હતું. ઑપરેશન કરીને બહાર લાવ્યા. એ વખતે મેં નાક પર ક્લોરોફૉર્મ માસ્ક ગોઠવીને લેવાનો વિરોધ કર્યો હતો. તેને કારણે લોકલ એનેસ્થેશિયા આપવામાં આવ્યો હતો. પહેલો દિવસ વ્યવસ્થિત ગયો. બીજા દિવસે અચાનક રક્તમાં સુગર વધી અને ખૂબ જ રક્તસ્ત્રાવ શરૂ થયો. પાથરણા પરની ચાદરો રક્તથી લથબથ થઈ. ચાદરો સતત બદલતા હતા. હું બેભાનાવસ્થાએ પહોંચી હતી. રક્ત ચડાવવું પડશે. એવી વાતો ચાલી હતી. પણ સદ્‌ભાગ્યે એ વેળા આવી નહિ. રક્તસ્ત્રાવ અટક્યો. પણ ઑપરેશન નિષ્ફળ નીવડ્યું હતું. ત્યારબાદ ફરી એક વખત મારે ઑપરેશન થિયેટરમાં જવું પડ્યું. આ જીવનમાં ફરી પાંચવી વખત ઑપરેશન થિયેટરમાં પોતાને માટે જવાનો વારો આવે નહિ એ ઇચ્છા છે.

બેંગ્લોર જતાં પહેલાંની સ્થિતિ સર્જાઈ હતી. નોકરી અને સંસ્થાનું કાર્ય છોડવું પડશે કે કેમ, એમ લાગવા લાગ્યું. ઑફિસ તરફથી ફ્લેટ્‌સ ભાડે આપવાનું કામ ચાલુ હતું. દેશભ્રતારના ફલેટમાંનો એક રૂમ તેમણે સંસ્થાના કાર્યાલય માટે આપવાની ઇચ્છા વ્યક્ત કરી. અમારી જ ઑફિસના અધિક્ષક શ્રી જે. જી. પાટીલ, અમારા પાટીલ કાકા સંસ્થાના કાર્યમાં રસ લેતા હતા. દાન મેળવી આપતા હતા. તેમને દેશભ્રતારના ફલેટમાં એક રૂમમાં સંસ્થાની ઑફિસ શરૂ કરીએ તો ચાશે કે કેમ પૂછ્યું તો તેમણે મારા નામે સ્વતંત્ર ફલેટ લેવાની સલાહ આપી. મારી શારીરિક સ્થિતિ તે જાણતા હતા હું વચ્ચેની જમવાની રિસેસમાં આ ફલેટમાં એક રૂમનો ઉપયોગ કરી શકીશ અને બીજા ભાગમાં ‘હેલ્પર્સ’ની ઑફિસ ગોઠવી શકાશે. ઉપરાંત દેશભ્રતારનાં લગ્ન થયા પછી તેમના ઘરની ઑફિસનો તેમને અને તેમની પત્નીને ત્રાસ થશે એમ પાટીલકાકાનું કહેવું અમને પૂર્ણતઃ ગળે ઊતર્યું અમે બન્નેએ જુદા જુદા ફલેટ્‌સ લીધા માંગણીની અરજી અને પ્રશાસનિક અધિકારીશ્રી ગાવકરસાહેબે લખી આપી. તેમાં મારી શારીરિક મુશ્કેલીઓ, સંસ્થાનું કાર્ય અને ભાઈના ઘરમાં થનાર અડચણનો ઉલ્લેખ કર્યો હતો. બા, ભાઈ, ભાભી, ઈર્શાદ કાંઈ કહેતા ન હતા પણ મારા સંસ્થાના કામને કારણે ઘર જ સંસ્થા થવાથી ઘરમાં અંગતપણા જેવું રહ્યું ન હતું. મનેય એ સમજાતું હતું. સંસ્થાના કાર્યાલય માટે સ્વતંત્ર જગ્યા અત્યંત આવશ્યક હતી.

ત્રણ રૂમ અને કિચનનો મોકળાશવાળો ફ્લેટ મને ભોંયતળિયે અને મારી ઉપર જ દેશભ્રતારને ફ્લેટ મળ્યો. મારા ફ્લેટમાં મેં સંસ્થાની ઑફિસ શરૂ કરી. એક ટેબલ વેચાતું લીધું. બે ખુરશીઓ અને એક પલંગ જેવો સામાન ઘરેથી લાવી. સંસ્થાની ઑફિસમાં રાજીવ વણકુદ્રેને પાર્ટટાઈમ નોકરી આપી. કૉલેજ કરીને એ નોકરીએ આવતો. અપંગોની નોંધણી, શસ્ત્રક્રિયા, કૃત્રિમ સાધનો મેળવી આપવા ઇત્યાદિ સર્વ કામો વ્યવસ્થિત ચાલુ હતા ત્યારે ફરીથી આ શારીરિક અસમર્થતા !

શ્રી સુરેશ ભટ્ટનાં પ માર્ચ ૧૯૮પના ‘એલ્ગાર’ કાર્યક્રમના દાનની ટિકિટોના વેચાણને સુંદર પ્રતિસાદ મળ્યો. કાર્યક્રમના આગલા દિવસે મને ખબર પડી કે તેમની સઘળી ગઝલો તે જ ગાવાના છે. રજની કરકરે ફક્ત એક જ ગઝલ ગાશે. મારી કલ્પના હતી, પોતાના મધુર અવાજમાં બધી જ ગઝલો રજની ગાશે અને એકાદ ગઝલ શ્રી સુરેશ ભટ્ટ ગાઈ સંભળાવશે. પી.ડી. દેશપાંડે સમક્ષ મેં આગ્રહ સેવ્યો કે અનેક લોકો કાર્યક્રમમાં આવવાના છે, એ રજનીનો મધુર અવાજ સાંભળવા માટે. મારા આગ્રહ ખાતર પી.ડી. મને લઈને ફરીથી સુરેશ ભટ્ટ પાસે ગયા. મેં તેમને મારા વિચાર જણાવ્યા, પણ તેમણે મારી સૂચના અમાન્ય રાખી. અડધો સમય રજની અને અડધો સમય તે ગાય એમ કહ્યું. તો તેનેય તેમણે નકાર્યું. કાર્યક્રમ શરૂ થયો. સુરેશ ભટ્ટની ગઝલો, તેમાંના અર્થ ભૂરકી નાંખનાર હતા. પણ તેમના અવાજમાં તે ગઝલો સાંભળવાની કોઈની ઇચ્છા ન હતી. વધારે ટિકિટ વેચાણ મેં અને રજનીએ જ કર્યું હતું. કેવળ અમારે ખાતર શ્રોતાએ શાંત રહ્યા. પણ પછી હળવે હળવે એક એક જણ ઊઠીને જવા લાગ્યો. મધ્યાંતર સુધી ગણ્યાગાંઠ્યા લોકો જ બેસી રહ્યા. તેની પર ભટ્ટે કહ્યું, ‘ખરા રસિક જ છેવટ સુધી હોય છે. આવો, આગળ બેસો...!’ મધ્યાંતર પછી એક ગઝલ રજની ગાનાર હતી. એની ગઝલ પૂરી થતાં જ ગણ્યાગાંઠ્યા શ્રોતાઓ પૈકીના ય ઘણાખરા લોકો ઊઠી ગયા અને પછી અમે કાર્યકર્તા, સ્વયંસેવકો, અને અમને ખરાબ લાગે નહિ એમ માનનારા સંસ્થાના કેટલાક હિતચિંતકો એટલા જ માણસ બચ્યા, બધાય છેવટ સુધી નિરુપાય બેસી રહ્યા. શ્રી ભટ્ટે મારી વિનંતી સાંભળી હોત તો તેમના ગઝલનો ખરો આસ્વાદ કરવીર વાસીઓ લઈ શક્યા હોત.

પરંતુ આ કાર્યક્રમથી એક સરસ ફાયદો થયો. ‘એલ્ગાર’ કાર્યક્રમ વખતે સંસ્થાને સુશીલ નાશિકકર જેવા એક નિસ્વાર્થી કાર્યકર પ્રાપ્ત થયા. શ્રી પીડી. દેશપાંડેના આ મિત્ર આજેય સંસ્થામાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે.

કાર્યક્રમમાંથી પાછા વળતાં નક્કી કર્યું, હવેથી ચેરિટી શૉ કરતી વખતે પહેલા એ કાર્યક્રમ આપણે જોવો, સાંભળવો અને પછી જ નિર્ણય લેવો. આમાંથી જે નિધિ, રૂપિયા દસ હજાર એકઠા થયા. તે અપંગોના પુનર્વસન કામ માટે વાપરવામાં આવ્યા. આ કાર્યક્રમ વખતે શ્રી પી.ડી. દેશપાંડેના અનેક ગુણ નજીકથી જોવા મળ્યા અને આવા કાર્યકરોની ‘હેલ્પર્સ’ને અત્યંત આવશ્યકતા હોવાનું તીવ્રપણે અનુભવ્યું. ઑફિસમાં સાથે જમનારા ગ્રૂપના ગપ્પા દ્વારા શ્રી શ્રીકાંત કેકડે સંસ્થાના કાર્યમાં પી.ડી. સાથે ક્યારે સામેલ થયાં, એ સમજાયું જ નહિ. રવિવારે અંગ્રેજી પત્રવ્યવહાર અને યોજનાઓ કાગળ પર ઉતારવાનાં કામો આ બન્ને અત્યંત ઉત્કૃષ્ટ રીતે કરતાં - હું ફક્ત શું જોઈએ. શું ન જોઈએ એ કહેતી. યોજના સાદર કરવાના અધિકાર પણ મને આપવામાં આવ્યા હતા. સંસ્થાનો સંપૂર્ણ પત્રવ્યવહાર હું જ વ્યવસ્થાપકના હોદ્દાની રૂએ કરતી હતી. પી.ડી. અને કેકડેએ તૈયાર કરેલા અને દેશભ્રતારે અત્યંત સુઘડ રીતે ટાઇપ કરેલા અથવા લખેલા કાગળો પર હું સહી કરતી હતી. તેમનું આ કામ ચાલતું ત્યારે મારા ફલેટમાં શરૂ થયેલ સંન્યાસીના સંસારના રસોડામાં હું ગરમ ગરમ ડુંગળીનાં ભજિયાં, ઘીનો શીરો, પૌઆ, ગાજર, હલવો, નારિયેળ, બરફી, ચા વગેરે બનાવીને ખવરાવતી. એક રૂમમાં કૅરમ, શતરંજની રમત ચાલતી.

સંસ્થામાં નોંધાયેલા અપંગોની આવશ્યકતાનું રવિવારે સઘળા કાર્યકર એકત્રિત થઈ પૃથક્કરણ કરતાં. ઓછામાં ઓછા ખર્ચમાં તે જરૂરિયાતોની પૂર્તતા શી રીતે થાય એ અંગે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવતો. કોલ્હાપુર અથવા આસપાસ ગમે ત્યાં અપંગો માટે તબીબી કે ગમે તે શિબિર હોય તો તે માટે અને પોતે લાભાર્થીઓને સાથે લઈને જતા. પોસ્ટકાર્ડ નાંખીને સર્વેને એકત્રિત કરવામાં આવતા અને જમવાના ડબા લઈને સંસ્થાના ખર્ચે આ શિબિરમાં અમે સહભાગી થતાં. હું દેશભ્રતાર અને અમારા નાના સ્વયંસેવક અભિજિત, રાજીવ, રમેશ સાથે રહેતા. અમારા લાભાર્થીનું કામ થયા પછી અમને જ સંચાલક માનીને શિબિર માટે આવેલા અન્ય અપંગોય અમારા દ્વારા ફોર્મ ભરાવવા, તપાસ વગેરે પોતાનાં કામો કરાવતા.

મે ૧૯૮પમાં બેલગામ મુકામે અપંગ યુવા પ્રશિક્ષણ શિબિર ભરવામાંઆવી હતી. સંસ્થાના પાંચ વિદ્યાર્થીઓને તે શિબિર માટે સંસ્થાના ખર્ચે મોકલ્યા. ઘણું કાંઈ શીખીને તે બાળકો આવ્યાં. ત્યારબાદ ઇચલકરંજીની આવી જ એક મૂક-બધિર શિબિરમાં મફત શ્રવણયંત્રનું વિતરણ હતું. ડૉ. દિલીપ દેશમુખ અને શ્રી સુધાકર ચાંદેકરનું ધ્યાન અમારા ગ્રૂપ તરફ ગયું. ગપ્પા, વિનોદ, સમય મળતાં જ ગીતો અને મુખ્ય તો વ્યવસ્થિત કામ - આ વાતો તેમણે ચટ્‌ દઈને પારખી લીધી. અમારાં થોડાં ઘણાં વખાણ કર્યાં અને નવેમ્બર ૮૬માં ઇચલકરંજી મુકામે આયોજિત અપંગ યુવા પ્રશિક્ષણ શિબિરમાં અમારે સક્રિય સહભાગ લેવો, એવી વિનંતી કરી. એટલે જ અમે તે અત્યંત આનંદપૂર્વક સ્વીકારી. શિબિરાર્થીઓના રહેવાની વ્યવસ્થા, સુંદર ભોજન, જુદા જુદા પ્રકારના સર્વાંગી કાર્યક્રમ સઘળા પ્રકારનાં અપંગો માટે તેમણે આયોજિત કર્યાં અને અમારા ગ્રૂપને ખરું તો કોઈ કામ કરવા દેવા કરતાં અમારી સૂચના, સલાહ જ તેમણે પૂર્ણતઃ અમલમાં મૂકી. અમારી સંસ્થાનાં બાળકોએ પણ તેમાં ભાગ લીધો હતો. સહુકોઈ ખૂબ જ આનંદમાં હતા.

શિબિરના છેવટના દિવસે સઘળા બાળકોએ અપંગ ક્રિકેટનો આગ્રહ કર્યો. અમારાં બાળકો કેટલાય દિવસથી મારી પાછળ લાગ્યા હતાં જ, કે અપંગ ક્રિકેટ ટીમ બનાવીને ‘નાસીઓ’ દ્વારા મુંબઈમાં ક્રિકેટ મેચ ગોઠવવી. પણ નિષ્ણાત ડૉક્ટરોની સલાહ સિવાય આવી ક્રિકેટ મેચ યોજવાનું સાહસ મારામાં ન હતું. પરંતુ ડૉ. દિલીપ દેશમુખ અને ચાંદેકર સાહેબે બાળકોની જીદ તાત્કાલિક પૂરી કરી. એ ક્રિકેટ મેચ જોતાં હું પોતે ગદ્‌ગદ થઈ ગઈ. એક હાથ ન હોય, ત્યારે એક હાથે ગોલંદાજી, બેટિંગ કરનારા. છલાંગ લગાવનાર મારુતી. એક પગ ન હોય એવામાં કાખઘોડીની મદદથી બેટિંગ કરનાર કોઈક. આવા એક નહિ અનેક...! કોણ જીત્યું, કોણ હાર્યું એ કરતાંય ભાન ગુમાવીને, અપંગત્વ વીસરીને રમવાનું મહત્ત્વ હતું. રમનારાઓ અને જોનારાઓ ય તડકાનું ભાન ન હતું. “આનંદ આનંદ છવાયો, જ્યાં ત્યાં ચોતરફ” એવું એ વાતાવરણ હતું.

એ મેચ પછી તુર્ત જ હું, દેશભ્રતાર અને સંસ્થામાં નવા જ આવેલા વિનોદ પટેલ જેમનો જન્મથી એક પગ ખૂબ જ ટૂંકો હતો - એમ ત્રણ જણે મળવાનું નક્કી કરીને શ્રી વિજય મરચન્ટને મળ્યા. અને ‘નાસીઓ’ની બેઠકમાં અપંગો માટે ક્રિકેટ સ્પર્ધા યોજવા વિનંતી કરી. ‘નાસીઓ’ સભ્યોએ રમતસ્પર્ધા વખતે મેચ યોજવાનું શક્ય ન હોવાનું જણાવ્યું. તેને કારણે શ્રી વિજય મરચન્ટે તાત્કાલિક પોતે વૈયક્તિકપણે આ મેચો યોજવાનું આનંદપૂર્વક સ્વીકાર્યું. તારીખ નક્કી કરી અને તુર્તજ અપંગ ક્રિકેટના નિયમો, થોડી નાની બાઉન્ડ્રી લાઈન, ફિલ્ડરોની સંખ્યા થોડી વધારે, કેટલી ટકાવારી ધરાવતા કેટલા અસ્થિભંગ ટીમમાં લેવા. એની નિયમાવલી તૈયાર કરીને મોકલાવી. મેચો બ્રેબોન સ્ટેડિયમ પર યોજવાનું

નક્કી કર્યું અને એની પૂર્ણ જવાબદારી કુ. અરુંધતી ઘોષ મહિલા ક્રિકેટિયરને સુપ્રત કરી.

નક્કી થયા અનુસાર ક્રિકેટ મેચો યોજાઈ. તે વખતે પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડી ઈમરાનખાન બ્રેબોન પર ઉપસ્થિત હતા. અમારી ટીમ સાથે તેમનો ફોટો પડાવવો છે, એ બીતા-બીતાં જ તેમને પૂછતાં તેમણે હાં કહી. અમારો ફોટોગ્રાફર એવો આનંદ વિભોર થઈ ગયો કે કેમેરાની કેપ કાઢ્યા વગર જ તેણે ફોટા પાડ્યા. નસીબ, ટીમે તેને માર્યો નહિ. માત્ર સહુને એ ફોટો ન આવ્યા બદલ ખૂબ દુઃખ થયું. પરંતુ ત્યાર પછી અનેક વખત સુનીલ ગવાસ્કર, અજિત વાડેકર સાથે પોતાના ફોટા પડાવીને અમારી ‘હેલ્પર્સ’ ટીમે તે વખતે ગુમાવેલો આનંદ મેળવ્યો.

સાંજે મેચનો ઇનામ વિતરણ સમારંભ વિજય મરચન્ટના હસ્તે થવાનો હતો. પણ બપોરે જ તેમને હાર્ટ એટેક આવ્યો. તેમને દવાખાનામાં દાખલ કર્યા અને એ પુરસ્કાર સમારંભ મારા હસ્તે કરવામાં આવ્યો. શ્રી મરચન્ટની અમારે ઘણાં વર્ષો સુધી જરૂર હતી. તેને કારણે એકદમ ખિન્નતાભર્યા વાતાવરણમાં એ પુરસ્કા સમારંભ, માત્ર હાથમાં લીધેલ કામ કોઈ પણ પરિસ્થિતિમાં અધૂરું મૂકવું નહિ. તેથી યોજનામાં આવ્યો. ત્યાર બાદ શ્રી મરચન્ટ સંપૂર્ણપણે સાજા થયાં. એનો સંતોષ અનુભવ્યો.

ત્યારબાદ અનેક ક્રિકેટ મેચો થઈ. જિલ્લા સ્તરે, રાજ્ય સ્તરે, રાષ્ટ્રીય સ્તરે, અમારું સ્વપ્ન હતું. અપંગોની ક્રિકેટ મેચો આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાનું. પણ હળવે હળવે આ ક્રિકેટને એવો વિચિત્ર અને વેગળો વળાંક મળ્યો કે બસ્સ ! દર વર્ષે ‘હેલ્પર્સ’ના ચાર-પાંચ ખેલાડીઓની મહારાષ્ટ્ર રાજ્યની ટીમમાં પસંદગી થતી હતી. સુકાની પણ ઘણી વખત ‘હેલ્પર્સ’ના જ થતા. અપંગોની ક્રિકેટને બદલે હવે જીતવા માટે યોગ્ય ટીમ પસંદ કરવાને મહત્ત્વ આપવા લાગ્યું. મેદાનમાં રમનારા ખેલાડીઓમાં શું અપંગત્વ છે, એમ આ મેચ જોનારાઓને વિચારવાની વેળા આવી. ખોટા તબીબી પ્રમાણપત્રો સાદર થવા લાગ્યા. મને નોકરી અને સંસ્થાના વધતા કામમાંથી રમત અને ક્રિકેટ તરફ ધ્યાન આપવા પૂરતો સમય મળતો ન હતો. તેને કારણે ખેલાડીઓને જ ‘તમે નેતૃત્વ લો. મિટિંગમાં જાવ. ખોટી વાતોનો વિરોધ કરો’ એમ કહ્યું. અપંગ ક્રિકેટનો ખર્ચ માંગવા ‘હેલ્પર્સ’ પાસે જવું અને સંસ્થાના આગ્રહ બાદ દસ-પંદર દિવસ પ્રેક્ટિસ કરવી, એટલું જ આપણું કર્તવ્ય છે. એમ આ ખેલાડીઓને લાગતું હોવું જોઈએ. સંસ્થાના એકાદ કાર્યમાં સ્વેચ્છાએ સહભાગી થવું, એ આપણું કર્તવ્ય છે. એ ય તેમને સમજાતું ન હતું. ક્રિકેટ ખેલાડીઓ પૈકી માત્ર એક સંદીપ અંકલે એ ક્રિકેટ કરતાં સંસ્થાના કાર્યને અધિક મહત્ત્વ આપ્યું.

હવે હું સરકારી નોકરીમાંથી નિવૃત્ત થઈ છું. હવે ખરા અપંગ બાળકોની ક્રિકેટ ટીમ બનાવીને ક્રિકેટ મેચોમાં સહભાગી થનાર છું અને ક્રિકેટ સંચાલકોને થોડા જગાવવાનો પ્રયાસ કરનાર છું.

કેટલાંક વર્ષ પહેલાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના આગ્રહને કારણે રાજ્ય સ્તરીય ક્રિકેટ સ્પર્ધા ‘હેલ્પર્સે’ આયોજિત કરી હતી. ચંદવાણી હૉલમાં રહેવા-જમવાની વ્યવસ્થા કરી હતી. ખાસબાગ મેદાનમાં એ મેચોએ ધૂમ મચાવી હતી. કરવીરકરે અમને મદદ કરવામાં કશાયની ઊણપ રહેવા દીધી ન હતી. નાસ્તો, ભોજન, ઇનામો, ગ્રાઉન્ડ પરની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટ, કૉમેન્ટ્રી. ‘કોલ્હાપુર જિલ્લા ક્રિકેટ એસોસિયેશન’ના અધ્યક્ષ બાળાસાહેબ પાટણકરના હસ્તે ઉદ્‌ઘાટન થયું. સચિવ મોહન ભુઈબર પણ ઉપસ્થિત હતા.

આ ક્રિકેટ મેચો પહેલાં એક વખત કોલ્હાપુરમાં શાહુપુરી જિમખાના પર એક દિવસીય જિલ્લા સ્તરીય ક્રિકેટ મેચો યોજવામાં આવી હતી અને કોલ્હાપુરની ટીમ જીતતાં ગુલાલ, ઢોલ, ત્રાંસા સહિત બાળકો સરઘસ કાઢીને અમારા ઘર સુધી લાવ્યા હતા. અપંગ ક્રિકેટ જોવા ખૂબ જ ભીડ ઊમટી હતી. ખરેખર આ ક્રિકેટ મેચો જોવા જેવી હોય છે. આજે બન્ને હાથ વગરનો અમારો મહંમદ કાખમાં બેટ પકડીને કેવો ચોગ્ગો ફટકારે છે અને અન્ય બાળકો કાખઘોડી સહિત કેવી અપ્રતિમ રમત રમે છે. એ હું કહું એ કરતાં એકાદ રવિવારે પ્રત્યક્ષ આવીને જોવું જેથી મારા માટે જે શબ્દોમાં રજૂ કરવું અશક્ય છે એ પ્રત્યક્ષ અનુભવથી સમજાશે. મહંમદને મેં ‘અમારો મહંમદ’ એટલા માટે કહ્યો છે કે સરકારી અપંગ બાલગૃહે તેેને પ્રવેશ નકાર્યો હતો. શા કારણે તો તેના બન્ને હાથ નથી. એ ખૂબ પરાવલંબી છે, એને માટે એક અલાયદો માણસ રાખવો પડે... વગેરે. આજેય અનેક શાળાઓમાં અમારા બાળકોને પ્રવેશ નકારવામાં આવે છે ત્યારે ખૂબ દુઃખ થાય છે.

‘હેલ્પર્સે’ તબીબી પુનર્વસન પર ભાર મૂક્યો હતો. નાના નાના ગ્રૂપ્સની તબીબી તપાસ કરવી, નિષ્ણાતોના અભિપ્રાય અનુસાર તેમની પર શસ્ત્રક્રિયા કરવી અથવા કૃત્રિમ સાધનો પૂરાં પાડવા અને તેમના અપંગત્વની ટકારવારી ઘટાડીને અપંગત્વ થોડું ઘણું સુસહ્ય બનાવીને તેમને શિક્ષણ માટે પ્રવૃત્ત કરવા. આમ કરતી વખતે શરત રહેતી કે શસ્ત્રક્રિયા પછી સ્પોર્ટસ્‌ અથવા પ્રવાસમાં આવવું. એ વખતે પાલક સાથે લેતા ન હતા અને આવા ગાળામાં તેમને સ્વાવલંબનનું મહત્ત્વ, તેમાંનો આનંદ કૃત્ય દ્વારા દર્શાવાતાં.

૧૯૮૬ના મે મહિનામાં પરીક્ષા પૂરી થયા પછી કાગડા નાકા પાસેની મેરી વૉનલેસ હૉસ્પિટલમાં ડૉ. સાતવેકર દ્વારા બાળકોની તબીબી તપાસ કરાવી લીધી. શસ્ત્રક્રિયાની આવશ્યકતા ધરાવતાં અનેક બાળકો તેમાં હતાં. ડૉ. સાતવેકર શસ્ત્રક્રિયા મફત કરતા હતા. રહેવું, ફી, નર્સિંગ, દવાઓ, લોહીના ખર્ચ માટે પૈસા જરૂરી હતા. ઉપરાંત જે પાલક શસ્ત્રક્રિયા બાદ બાળકોને દૂધ પણ આપી શકતા ન હતા, તેમને તે પણ પૂરું પાડવું જરૂરી હતું. ઘણી વખત આમારા ઘરેથી દૂધ, ઇંડાં પહોંચાડવામાં આવતાં. કેટલાક બહારગામના લાભાર્થીઓને તો સવાર-સાંજ જમવાનો ડબો પણ આપવામાં આવતો. અનેક લાભાર્થી પ્રતીક્ષાયાદી પર હોવાથી પહેલા આવેલા પર પહેલા શસ્ત્રક્રિયા કરવી એવો નિર્ણય સાથે જૂથ બનાવ્યાં અને તે પ્રમાણે પાલોકને તારીખ જણાવી. પછી પૈસાની વ્યવસ્થા કરવાનું કામ હાથમાં લીધું.

ઉજ્જવલા નામની એક અત્યંત સુરેખ, મજાની બાળકી હતી. પગે પોલિયો. શસ્ત્રક્રિયા પછી એ ચાલી શકવાની હતી. તેનો નંબર બીજા-ત્રીજા ગ્રૂપમાં રાખ્યો હતો. પણ તેના પિતાએ એ અત્યંત નમ્રતાપૂર્વક વિનંતી કરી કે ઉજ્જવલાની માતા અને તે પોતે અત્યારે જ દવાખાનામાં બાળકી સાથે રહી શકે એમ હતા. પછી તેમને ખેતીનાં કામો હતાો. તેમની મુશ્કેલી ધ્યાને લઈ પ્રથમ જૂથમાં ઉજ્જવલા પર શસ્ત્રક્રિયા કરવાનું નક્કી કરીને શસ્ત્રક્રિયા કરવામાં આવી. તે સમયે હું અને દેશત્રતાર ઑપરેશન થિયેટર બહાર રોકાતાં હતાં અને પેશન્ટ ભાનમાં આવ્યા પછી ઘરે પરત આવતાં હતાં. ઉજ્જવલાની શસ્ત્રક્રિયા વ્યવસ્થિત થઈ. ભાનમાં આવ્યા પછી એ વેદનાથી કણસતી હતી. ત્યારે તેનું ધ્યાન બીજી તરફ આકર્ષાય, એ માટે અમે તેને ‘તને રમવાનું ગમે છે ? મુંબઈ રમતસ્પર્ધા માટે મારી સાથે આવીશ કે ?’ પૂછ્યું. તો તરત જ ‘હા ! આવીશ.’ કહ્યું. પછી અમે કેવા રમીએ છીએ. સમુદ્રમાં જઈએ છીએ વગેરે તેને કહ્યું. આટલી ફૂટડી બાળકીને આ શું ભોગવવું પડે છે એવો પ્રશ્ન ભગવાનને મનોમન પૂછતાં હું અને દેશભ્રતાર ભર તડકે ઘરે આવ્યાં.

બીજા દિવસે ઑફિસ છૂટ્યા પછી ફરી એક વખત શસ્ત્રક્રિયા થયેલા સઘળા બચ્ચા કંપનીને મળ્યા. તેમને બહાર જવાની પરવાનગી આપે, ત્યારે દવાખાનાના બગીચામાં જ હંમેશની જેમ સાથે જમવાનું, ગીતો ગાવાનું નક્કી કર્યું. ત્યારબાદ સંતોષપૂર્વક ચાંદનીના શીતળ પવનમાં ફરતાં મને ઘરે મૂકીને દેશભ્રતાર ક્વાર્ટર પર ગયા. હું જમીને શાંતિથી ઊંઘી ગઈ. પરોઢિયે ફોન રણક્યો. ઉજ્જવલાના પિતા કહેતા હતા, “ઉજ્જવલાને ફીટ આવી છે. એ વિચિત્ર વર્તન કરી રહી છે.” તેમનો સ્વર ખૂબ જ ગભરાયેલો હતો. અમે દરેક પાલકને મારો ફોન નંબર આપી રાખતા હતા. કોઈ પણ સમયે તેમને જરૂર હોય તો તે મને ફોન કરી શકતા હતા. મારી માંદગીમાં ડૉક્ટરને તાત્કાલિક બોલાવવા પડતા. એ માટે અજીજે વધુ પૈસા ભરીને મારા નામ પર ફોન લીધો હતો. મેં તુર્ત જ દેશભ્રતારને સંદેશો આપ્યો. ‘તુર્ત જ મારા ઘરે આવો. દવાખાને ઉજ્જવલા પાસે જવાનું છે. તૈયાર થઈને અર્ધા કલાકમાં હું અને દેશભ્રતાર દવાખાને પહોંચ્યાં. અમારી સામે ઉજ્જવલાને બે ઝટકા આવ્યા અને ગરદન ઢાળી દીધી. ડૉક્ટર આવ્યા, કહ્યું, “સૉરી ! ઉજ્જવલા ગઈ.”

કાલે સંધ્યાકાળે હસતા ચહેરે મુંબઈ જવાના સ્વપ્ન જોનારી, પોતાના પગ પર ઊભી રહીને થઈ રહેલ વેદના જતી રહેવાની કલ્પનાથી વીસરનારી ઉજ્જવલા મારી સામે પલંગ પર નિશ્ચેતન પડી હતી. તેને સ્પર્શીને જોવાનું સાહસ હું કરી શકી નહિ. કાનમાં સંસ્થાના અધ્યક્ષ અને સચિવના શબ્દો ઘુમરાઈ રહ્યા હતા : ‘નસીમા ! બાકી સઘળું આપણે કરીશું. પણ શસ્ત્રક્રિયા જોખમ છે. એકાદ બાળક-બાળકી દુર્ભાગ્યે ગયું તો અનેક સંકટોનો આપણે સામનો કરવો પડશે.’ મારું કહેવું હતું આવું એકાદ મૃત્યુ થાય પણ છતાં એક મૃત્યુના ભયે સેંકડો અપંગ બાળકોને જમીન પર ઢસડાતાં જીવન જીવવાની સજા શાને...? અંતે મારી હઠને કારણે શસ્ત્રક્રિયા કરવાનો નિર્ણય સમિતિએ લીધો હતો. પણ હવે સમિતિ આ શસ્ત્રક્રિયા બંધ કરી દેશે કે...? પછી મારા જેવા જ સેંકડો-હજારોને વ્હીલચેર સાથે જકડાઈને જીવન જીવવું પડશે. મને ઉત્તમ વિદેશી બનાટની વ્હીલચેર મળી છે. પણ એ બાળકોને તે ય મળી શકશે નહિ... આ અને આવા અગણિત વિચારો સાથે દવાખાનામાં એ ‘ઇમરજન્સી વોર્ડ’માં સહુના દેખતાં હું ધ્રુસકે ધ્રુસકે ક્યારે રડવા લાગી, એની મને જ ખબર પડી નહિ. મારા બન્ને ખભા પર સાંત્વનાના બે હાથના સ્પર્શથી હું ભાનમાં આવી અને કાને ઉજ્જવલાના પિતાના શબ્દ આવ્યા : “દીદી ! મારી એક ઉજ્જવલા ગઈ એનું તમે આટલું દુઃખ કરશો નહિ... હૅલ્પર્સનાં સઘળાં બાળકો હવેથી મારી ઉજ્જવલાના સ્થાને છે. મારો આ સંસ્થા સાથે સંબંધ પૂરો થશે નહિ.

હું હવે આવી શિબિરોમાં અને અન્ય સમયે પણ આવીશ.” ઉજ્જવલાની માતા, એ માવડી મૂકપણે રડતી હતી. મનને સાંભળી લીધું. ઍમ્બ્યુલન્સ લીધી. હું અને દેશભ્રતાર સાથે ગયાં અને ઉજ્જવલાનું ખોળિયું તેના ગામ પહોંચાડી આવ્યા.

વળતા પ્રવાસમાં આગળની શસ્ત્રક્રિયા સંબંધે શું, એ પ્રશ્ન સતાવતો હતો. સમિતિ સ્વીકૃતિ આપે નહિ, છતાં આપણે પાલક તૈયાર હોય અને દેશભ્રતાર સાથ આપે તો સઘળી શસ્ત્રક્રિયા કરવી જ એવો દૃઢ નિશ્ચય મનમાં કર્યા પછી મન થોડું સ્વસ્થ બન્યું.

આંખોમાં અશ્રુ સુકાયાં ન હતાં તે પૂર્વે દિલ્હીનાં ‘હેન્ડિકૅપ્ડ વેલ્ફેર ફાઉન્ડેશન’ના પદાધિકારી શ્રી પરદેશી પોતાના કુટુંબ સહ કોલ્હાપુર આવ્યા. તેમને એક હાથ ન હોવા છતાં તે અપ્રતિમ પેઇન્ટિંગ કરતા હતા.મને ચિત્રકાલનું જ્ઞાન નથી. પણ તેમનાં ચિત્રોમાં રહેલું સૌંદર્ય અને જીવંતતા ગમી હતી. તેમનું મન પણ તેટલું જ જીવંત હતું, એની પ્રતીતિ તેમની કોલ્હાપુર મુલાકાતમાં થઈ. તેમને ઘરે જમવા બોલાવ્યા. મારા ક્વાર્ટર પર અમે વાતો કરી રહ્યા હતા. ત્યારે તેમણે પ્રશ્ન કર્યો, “દીદી ! આટલા ખિન્ન કેમ છો ?” કહ્યું, “સમય હો તો અમારી સાથે આવશો કે ?” તેમણે તુર્તજ હા ભણી. પછી હું અને દેશભ્રતાર તેમને લઈને મેરી વૉનલેસમાં ગયા. શસ્ત્રક્રિયા થયેલા અન્ય સર્વ બાળકોને મળ્યાં અને ઉજ્જવલાના નિધનની વાત તેમને કહી. ભાવિ વિચાર પણ કહ્યા. એક સંસ્થા સ્વખર્ચે જવાબદારી લઈને આવી શસ્ત્રક્રિયા કરાવે છે. એ જોઈ તે ખૂબ પ્રભાવિત થયા. અમારા કાર્યને અનેક શુભેચ્છા આપીને તે દિલ્હી પાછા ફર્યા.

મે ૧૯૮૬માં તે આવી ગયા અને જુલાઈ ૮૬માં મને ‘ડિવોટેડ સોશ્યલ વર્કર’નો પુરસ્કાર ‘હેન્ડિકૅપ્ડ વેલ્ફેર ફેડરેશન’ તરફથી દિલ્હીના નાયબ રાજ્યપાલ શ્રી એચ.એલ. કપૂરના હસ્તે ૧પ ઑગસ્ટ ૧૯૮૬ના રોજ આપવામાં આવનાર હોવાનો પત્ર આવ્યો. આવવાજવાનો ખર્ચ, પુરસ્કારનું માનપત્ર અને રોકડા એક હજાર રૂપિયા એવું પુરસ્કારનું સ્વરૂપ હતું.

ઉજ્જવલાના નિધન પછી દસ-પંદર દિવસે તેના પિતાનો મારા પર ફોન આવ્યો કે ડૉક્ટરોની બેદરકારીને કારણે ઉજ્જવલાનું મૃત્યુ નીપજ્યું છે. તે કેસ કરવાના છે. મારે ખોટું લગાડવું નહિ. તે એક રાજકીય પક્ષની ઑફિસમાંથી બોલતા હોવાનું તેમણે જણાવ્યું. મારા કાન પર મારો વિશ્વાસ બેસતો ન હતો. બીજું જ કોઈ બોલતું હોવું જોઈએ એમ લાગ્યું. મેં તેમને મળવા બોલાવ્યા. ડૉ. સાતવેકરને આ વાત કહી. હવે પછી તે મફત શસ્ત્રક્રિયા કરશે કે નહિ એ શંકાય મેં તેમની સમક્ષ વ્યક્ત કરી.

અમારાં અસંખ્ય બાળકોને ચાલતાં કરનાર તે દેવમાણસે કહ્યું, “ગભરાશો નહિ. આપણે આપણું કાર્ય કરતા રહેવું. શસ્ત્રક્રિયા બંધ કરવી નથી. ઉજ્જવલાના પિતા આવે, તો તેમને મારી પાસે લાવો. હું તેમને સઘળા રેકર્ડ બતાવીશ. કેસ કરે તો ય મને કંઈ થવાનું નથી.” મેં તુર્ત જ ઉજ્જવલાના પિતાને પત્ર મોકલ્યો. તે પત્રનો જવાબ આવ્યો નહિ. તે પણ આવ્યા નહિ અને તેમણે કેસ પણ કર્યો નહિ.

પાછલા વર્ષે ૧૯૯૮માં તેમના ગામે મને વક્તવ્ય અર્થે એક સંસ્થાએ બોલાવી હતી. સહકારી બૅન્કે સંસ્થાને દાન પણ આપ્યું હતું. તે વખતે વક્તવ્યમાં મેં ઉજ્જવલાને યાદ કરી. કાર્યક્રમ પત્યા પછી ઉજ્જવલાના પિતા પાસે આવીને મળ્યા અને કહ્યું, “દીદી ! કેવળ તમારા કારણે મેં કેસ કર્યો નહિ. નહિ તો એ ડૉક્ટરોને પાઠ ભણાવવાની ઇચ્છા હતી.” મેં વિષય લંબાવ્યો નહિ.

આ પ્રકરણ પછી ‘હેલ્પર્સ’ની સમિતિ નિર્ણય લેવામાં આવ્યો કે આપણે પાલકો પાસેથી સ્વજવાબદારી પર શસ્ત્રક્રિયા કરાવતાં હોવાનું લખાવી લેવું. સદ્‌ભાગ્યે ઉજ્જવલા પછી શસ્ત્રક્રિયા કરેલાઓ પૈકી કોઈ પણ અત્યાર સુધીમાં મર્યું નથી. ઊલટું અત્યાર સુધીમાં સંસ્થાએ ર૭૪ બાળકો પર બાર લાખ છાસઠ હજાર રૂપિયા ખર્ચ કરીને શસ્ત્રક્રિયા કરાવીને તેમનું જીવન સુસહ્ય થવામાં યોગદાન આપ્યું છે.

ઉજ્જવલાનું મૃત્યુ, મનને હચમચાવી દેનાર અનેક ઘટનાઓ, સંસ્થાના કાર્ય માટે લાંબો સમય મારા ઘરબહાર રહેવાને કારણે ઘરનાઓની નારાજગી, ક્યારે ક્યારેક તો ઑફિસ છૂટ્યા પછી ચા પીવામાં ય સમય પસાર કર્યા વગર કામ પતાવીને તાબડતોબ ઘરે આવવું. “થાકી ગઈ છે. પહેલાં ચા પી, શરબત પી.” જેવા શબ્દોની મને વાસ્તવિક અપેક્ષા હોય ત્યારે આરોપીને પૂછતાં હોય તેમ “ક્યાં હતી ? આટલું મોડું શાથી ? જેવા પ્રશ્ન સાંભળવા પડતા.” ‘સંસ્થાનું કામ કરતી હતી’ એવું મોઘમ વાક્ય બોલીને હું મોઢે તાળું મારી દેતી. આમેય ઘરબહાર ઑફિસમાં અથવા સંસ્થાનીય નાની-મોટી ઘટના ખુલાસાબંધ ઘરે કહેવાની મને આદત હતી. પણ આવા વક્ર પ્રશ્નોને કારણે કપડાં બદલીને, પાણી પીને, મોઢે ઓઢીને હું ઊંઘી જતી. તે વખતે હું ખૂબ થાકેલી રહેતી અને રાત્રિનું ભોજન અવળી ઊંઘીને જ કરતી. લેખન પણ તેમ જ કરતી. અજીજ ઘણી વખત સહુનું ભોજન મારી રૂમમાં લઈને આવતો અને બધાં સાથે જમતાં. તે વખતે ક્યારે ક્યારેક આખી રાત ઊંઘ આવતી નહિ. લેખન, વાચન, ગૂંથવાના કામમાં રાત વીતાવતી.

એક વખત રેહાના અને ભાઈસાબ કોલ્હાપુર આવ્યા. મારું સંસ્થાનું કામ કેમ ચાલી રહ્યું છે એ પૂછ્યું. મેં બાની મારા પ્રત્યેની નારાજગી તેમને જણાવી. તેમણે બાને કેવી રીતે સમજાવી, ખબર નથી. પણ બાએ મારી બાબતમાં સઘળા નિયમ, બંધનો શિથિલ કર્યાં અને ઘણી વખત ઉલ્લેખ પણ કર્યો કે પોતાની કડકાઈને કારણે આને ખૂબ તકલીફ થઈ હશે ! આજે વેળા કવેળા ન જોતાં હું કામ કરતી હોઉ ત્યારે બા જ મારી બધી તૈયારી કરી આપે છે. મને મારી વૈયક્તિત્વ બાબતો તરફ - કપડાં, ખાવાનું, પ્રવાસમાં જતાં પૅકિંગ વગેરે - ધ્યાન આપવું પડતું નથી. કાંઈ પણ કહ્યા વગર બા બધું તૈયાર રાખે છે. બા ગામ ગયાં હોય ત્યારે એટલા જ પ્રેમથી ભાભી ઈર્શાદ આ બધું કરે છે. મને હવે ખેદ હોય તો એટલો જ કે બા, ઇર્શાદ અથવા કોઈ ઘરે માંદું પડે ત્યારે હું તેમની સેવા કરી શકતી નથી. થોડીઘણી કરી શકું એવી સેવા લેતાં તેમણે સંકોચ થાય છે. ઊલટું તેમને ઠીક ન હોય ત્યારેય મારાં કામો કરવા જ પડે છે. આવા સમયે પોતાના અપંગત્વની દિલગીરી મનમાં ખૂબ જ લાગી આવે છે. ક્યારેક ક્યારેક સંસ્થાનું હાથમાં લીધેલું કાર્ય એવું હોય કે તેને બાજુએ મૂકીને ઘરે રહેવું આવશ્યક હોવા છતાં રહી શકાતું નથી. તે વખતે મન ઘરે અને શરીર કામમાં હોય છે.

દિલ્હી જઈને પુરસ્કાર સ્વીકારવાની તારીખ નજીક આવી. મને તે વખતે વધુ ઠીક ન હતું. પણ દેશભ્રતારના પ્રોત્સાહનથી વિશ્રાંતીને સાથે લઈને અમે ત્રણે દિલ્હી ગયા. દિલ્હી પહોંચતા સુધીમાં પેટમાં પાણીય ટકતું ન હતું એવી હાલત હતી. સતત ઊલટી અને તાવ. ઇન્ફેક્શને માથું બહાર કાઢ્યું હતું. કૅથેટર સતત નીકળી જતું. પાછું ગોઠવવામાં તકલીફ થતી.

દિલ્હીમાં અમે પ્રમીલા કપૂરના ઘરે ઊતર્યા. પ્રમીલા બન્ને પગે પોલિયો. બહાર કૅલિપર લગાવીને મોટરાઇઝ્‌ડ ટ્રાઇસિકલ અને ઘરે વ્હીલચેર વાપરતી. રેલવે બોર્ડમાં નોકરી, અત્યંત સ્પષ્ટવક્તાપણું અને જેવા ને તેવા, મુક્કા સામે મુક્કો ઉગામનારી. મહીંદર કપૂર નામનો યુવક લગ્ન માટે પાછળ પડતાં અનેક શંકા-કુશંકા મનમાં હોવાથી તેણે મારી સલાહ માંગી. મેં કહ્યું, “મુંબઈનાં રમતસ્પર્ધામાં ટીમ સાથે આવ. મદદનીશ તરીકે તેને સાથે રાખ. એ પ્રવાસમાં અને સાથે રહેતી વખતે તેના ગુણ-દોષ પારખ અને પછી તારો નિર્ણય તું કર.” એ સાલહ તેણે સ્વીકારી.

મહીંદરને હુંય શરૂઆતથી ઓળખતી હતી. ઓળખવાં અને ઓળખ થવીમાં ખૂબ ફરક હોય છે. એક વખત રાતે ચાંદનીમાં ‘દિલ્હી બતાવીશ’ કહેતાં તેના સુધીર નામના એક મિત્ર સાથે અમે ચાર-પાંચ જણ ચાંદનીમાં ફરવા નીકળ્યા. સુધીર અને મહીંદર બન્ને ગીત, ગઝલ, શેર ખૂબ સરસ સંભળાવતા. મને આ બધું સાંભળવું ખૂબ ગમતું. એ ચાંદનીમાં મસ્ત ફરતાં ફરતાં આ મહીંદરે, એક હૉટેલની મોટી ટેરેસ પરથી દિલ્હી ખૂબ સુંદર દેખાય છે. કહીને અમને પંચતારાંકિત હૉટલમાં લઈ ગયો. મારી પરદેશી સાડીને કારણે હું ખૂબ શ્રીમંત છું એમ કદાચ એને તે વખતે થયું હશે. ટૅરેસ પરથી સાચે જ દિલ્હીના અત્યંત સુંદર દર્શન થતાં હતાં. એ હૉટલ અંદરથી પણ એકાદ રાજાના મહેલ જેવી હતી. ત્યાં કૉફી પીશું કહેતાં મેં ‘હા’ ભણી. બીલ આવ્યા પછી પાંચસો રૂપિયાની એ કૉફી જીવનભર યાદ રાખીને ફરીથી આવી હૉટેલમાં જવું નહિ એ નક્કી કરી નાખ્યું. આવા આ મહીંદરના ઘરે પુરસ્કાર વખતે મહેમાનગતી સ્વીકારી.

હું ખૂબ એટલે ખૂબ જ માંદી પડી. પુરસ્કાર સ્વીકારવા પૂરતાં બેસવાનીય તાકાત ન હતી. પ્રેમીલા અને ઉપ્પી (ઉપેન્દ્ર) બન્ને બહેનપણીઓ મનઃપૂર્વક સેવા કરતી હતી. માથું, હાથ દબાવતા હતા. ડૉક્ટર સતત આવીને ઇન્જેક્શન આપતા હતા. માંડ માંડ પુરસ્કાર સ્વીકાર્યો. મારા વિશે શ્રી પરદેશી, ગૌતમ અને સંદીપ સુદે, ઘણી વાતો કરી. ત્યાં ઉપસ્થિત રહેલા પ્રત્યેકના મોઢે હતું. આ વર્ષે પુરસ્કાર એક અપંગનું કાર્ય કરનાર અપંગ વ્યક્તિને જ આપ્યો હોવાનો સંતોષ છે. પરંતુ તે વિષયે કાંઈક બોલવાની, વિચારવાની તાકાત પણ મારામાં ન હતી. પ્રમીલા તો ખૂબ જ ગભરાઈ અને તેણે ચાર વખત રેહાના-ભાઈસાહેબને ફોન કર્યો. તેમણે ‘એને વિમાન દ્વારા મુંબઈ મોકલો અમે એરપોર્ટ પર આવીએ છીએ.’ એમ જણાવ્યું. દેશભ્રતાર અને વિશ્રાંતિ કહે રેલવેમાં આવીશું. વળતાં રિઝર્વેશન એર કન્ડિશન ડબાનું હતું. દેશભ્રતારને પૂછ્યું, ‘મને આવી હાલતમાં લઈ જતાં તમને બીક લાગતી નથી ને ?’ તેમને ‘ના’ કહેતાં જ અમે નીકળવાની તૈયારી કરી. પ્રમીલા ખૂબ ગભરાતી હતી. એને કહ્યું, “હું મુંબઈ પહોંચતાં સુધી બસ ઊંઘતી રહું એવી દવા આપવા ડૉક્ટરને જણાવ.” તે પ્રમાણે મેં પ્રવાસ રેલવેમાં ઊંઘતાં કર્યો. મુંબઈમાં રેહાના ‘રોકાઈ જા, અહીં જ ટ્રીટમેન્ટ લે’ કહેતી હતી. પણ મને ‘મેરી વૉનલેસ’માં જ ગમતું હતું. જેમતેમ કોલ્હાપુર પહોંચી અને દવાખાનામાં દાખલ થઈ.

પુરસ્કારનો આનંદ ન થતાં, આપણી જવાબદારી વધી. એની જ હવે જાણ થઈ. કાર્યની હજુ તો શરૂઆત થઈ હતી ત્યારે, વિશેષ યોગ્યતા ન હોવા છતાં આ પુરસ્કાર મને મળ્યો હતો એમ મને લાગતું હતું. મેં નિશ્ચય કર્યો કે આ પુરસ્કારને યોગ્ય થવા માટે ઓછામાં ઓછું કોલ્હાપુર જિલ્લામાં એક પણ અપંગ કૃત્રિમ સાધનથી વંચિત ન રહે એટલું કાર્ય કરવું જ. અપંગોને આવશ્યક એવાં કૃત્રિમ સાધનો ન મળવા એ કેટલું ભયાનક હોય છે એનો અનુભવ વ્હીલચેર સિવાયના રહેલા એક વર્ષમાં મેં પૂરેપૂરો લીધો હતો.

પુરસ્કારનો ચેક વટાવ્યા પછી એ પૈસામાંથી મેં બા માટે કાનની કડીઓ લીધી. જે બાએ મને તથા સમગ્ર પરિવારને અપંગત્વ સ્વીકારવા શીખવ્યું અને ઘરમાં ગમે તેટલી મુશ્કેલી હોય છતાં મારી આવશ્યકતાને અગ્રતા આપી. એ બા માટે નોકરી લાગ્યે નવ વર્ષ થયાં છતં મેં કાંઈ લીધું ન હતું. આ પુરસ્કારના સન્માનને લાયક બા છે. એમ મને લાગતું હતું. આમેય કાંઈપણ ન લેનાર બાએ મને ના કહ્યા વગર એ કડીઓ રાખી લીધી.

હું દિલ્હીથી પુરસ્કાર લઈને પરત આવી અને દેશભ્રતારે સમાચાર આપ્યા. તેમણે નાગપુરમાં એક યુવતીને પસંદ કરી છે. એનું નામ છે નીતા. મનમાં ખૂબ ઉત્કંઠા જાગી, તેમની પત્ની કેવી હશે ? મારી સાથે તેને બનશે કે ? સંસ્થાનું કામ પતિ કરતાં હોય એ તેને ગમશે કે ? લગ્નમાં આટલા દૂર જવું શક્ય ન હતું. મેં અહીંથી જ તેમને શુભેચ્છા પાઠવી. દેશભ્રતારે મારા મનની શંકા જાણીને જાતે જ કહ્યું, ‘નીતાએ સોશ્યલ વર્કનો કોર્સ કર્યો છે. સંસ્થાનું કામ કરવાનું તેને ગમે છે.’ હું આતુરતાથી તેના આગમનની રાહ જોતી રહી. સંસ્થાને વધુ એક કાર્યકર મળવાની હતી. તેમનાં લગ્નનિમિત્તે ભોજન રાખ્યું. દેશભ્રતાર ના કહેતા હતા. પણ મેં જ આગ્રહ સેવ્યો કે આ નિમિત્તે સહુકોઈ ભેગા થશે અને બધાંય સાથે નીતાનો પરિચય થશે. નીતા મારાથી ખૂબ નાની હતી. તેને કારણે મારે તેને ‘નીતાભાભી’ ન કહેતાં ‘નીતા’ કહેવું, એમ તેમણે જ મને સૂચવ્યું અને મને ય તે ગમ્યું. એ કાર્યક્રમની રાતે ભોજન પૂરું થયા પછી સહુ કોઈ પોતપોતાના ઘરે ગયા. મારા કાને આવ્યું, ‘નીતા કહેતી હતી, તેણે ખૂબ મોટી મોટી સંસ્થાઓ જોઈ છે. તેની સરખામણીમાં આ ‘હેલ્પર્સ’ તદ્દન નાની છે. ‘આ સાચું હતું’ પણ નવી વહુની આ વાત અનેક જણાને ગમી ન હતી. નીતા આવતાં પહેલાં હું દેશભ્રતાર, વિશ્રાંતિ, કેકડે બપોરનું ભોજન સાથે લેતાં. નીતાના આવ્યાથી કેકડે આવતા બંધ થયા. વિશ્રાંતિ ગામથી પાછી આવી ન હતી. દેશભ્રતારે હું બપોરે જમી કે નહિ એની સાદી ચોકસાઈ પણ કરી નહિ, એનું મને તે વખતે ખૂબ દુઃખ થયું. આમ જ એક વખત મારા હાથમાંથી જમીન પર કાગળ અને પેન પડ્યાં. નીતા સામે જ હતી. હંમેશની આદત મુજબ દેશભ્રતારને ‘એ આપશો કે ?’ કહેતાં જ નીતાએ ચિડાઈને કહ્યું, ‘દીદી, આવા કામો તમે આમને કહેશો નહિ. મને કહો, હું કરીશ.’ દેશભ્રતાર આની પર કાંઈ જ બોલ્યા નહિ. ઘણા પ્રયાસે મેં મારા અશ્રુ ખાળ્યાં. તે દિવસ ઘરે વહેલી પાછી આવી.

ઑફિસ છુટ્યા બાદ ક્વાર્ટર પર રોકાઈને હું કામ કરવા લાગું કે મદદે દેશભ્રતાર આવતા. તેમને ‘ઘરે જાવ’ કહીએ તો ય તે સાંભળતા નહિ. ધીમેધીમે નિરુપાય હું કામ જ ઘરે લઈ જવા લાગી. નવીન લગ્ન થયેલ નીતાની અપેક્ષા-આકાંક્ષા મને સમજાતી હતી. સંસ્થાને કારણે અથવા મારા કારણે આ બન્નેમાં કોઈ પણ પ્રકારનો ઝંઝાવાત જાગે નહિ, એ બન્ને સુખી થાય. એમ મને મનપૂર્વક લાગતું હતું. પણ દેશભ્રતાર નીચે જમવા આવવા લાગ્યા. નીતાને પણ બપોરે જમવા સારુ મેં નીચે આવવા વિનંતી કરી. એય આવવા લાગી. જમવાનું પત્યા પછી એકાદ કામ હું તેને આપવા લાગી. ખાદ્ય પદાર્થના ઑર્ડર આવતાં એને મદદે બોલાવવા લાગી. બેડ શીટ્‌સ, પિલો કવર્સ, શીવવાનું કામ મેં મેળવ્યું હતું. તેમાંય તેની મદદ લેવા લાગી. પછી અવારનવાર રાતના જમવા માટેય નીતા મને રોકવા લાગી. ઑફિસ છૂટ્યા પછી તેણે કરેલું કામ જોવા બોલવવા લાગી. કામમાં એ પ્રવીણ હતી. સ્વાદિષ્ટ જમણ, ઉત્તમ સિલાઈ, ઉત્તમ ટાઇપિંગ જેવાં તેનાં સઘળાં કામો મને ગમતાં હતાં. દેશભ્રતારને એકદમ યોગ્ય પત્ની મળી એમ લાગયું. મારી સાથે સહજસાજ અત્યંત પ્રેમથી વર્તનારી નીતા, દેશભ્રતાર સામે મને અવળા જવાબો આપતી. દેશભ્રતારને તે રુચતું નહોતું. હળવે હળવે આનું પ્રમાણ પણ ઘટતું ગયું અને અમારું ગ્રૂપ એકતાપૂર્વક સઘળા નાનાંમોટાં કામોમાં ગૂંથાયું.

દિલ્હી-મુંબઈ પ્રવાસ, રમતસ્પર્ધા કાંઈ પણ હો. નીતા મારો એક હાથ બની. દિલ્હીથી રાત-મધરાતે આવ્યા હોઈએ. છતાંય કંટાળ્યા વગર ‘બહાર જમશો નહિ. બધા માટે જમવાનું બનાવું છું.’ કહીને ખરેખર ગરમાગરમ સ્વાદિષ્ટ જમવાનું બનાવીને પીરસતી. બહારના કામ માટે પણ હું તેને સાથે લઈ જવા લાગી. દેશભ્રતાર હોય તોય, ન હોય તોય. સંસ્થાના આયકર બાબતનું કામ હો, કે ચેરિટી કમિશ્નર પાસે કામ હો, ઉદ્યોગ ભવનમાં, જિલ્લાધિકારીની કચેરીમાં સર્વત્ર નીતા મારી સાથે આવવા લાગી. ઘર સંભાળવા ઉપરાંત એ આ બધું કરતી એનું મને મનપૂર્વક ગૌરવ હતું. અમે તેને માનદ્‌વેતન આપવાનીય શરૂઆત કરી. ક્યારેક ઑફિસને કારણે હું ન જઈ શકું. તો એ એકલી જઈને ક્યારેક મિલનસાર બનીને તો ક્યારેક ભાવનાના અતિરેકમાં રડીને કામ ફતેહ કરીને આવતી. કૌતુકપૂર્વક લોકો મને અહેવાલ પહોંચાડતા. “એ દેશભ્રતાર ભાભી સમયસર આ કામ થશે નહિ. એમ લાગતાં જ રડવા લાગ્યા અને અમારે હાથ પરનાં અન્ય કામો મૂકીને તમારું કામ કરી આપવું પડ્યું...” અમારી સઘળી લાગણીઓ સાથે નીતા સમરસ થતી હતી.

એક વખત તો ઑફિસ કરીને, સંસ્થાનું કામ પતાવીને ક્વાર્ટરને તાળું લગાવતાં એક બહારગામની અપંગ વ્યક્તિ નામ નોંધાવવા અને મદદ સારુ આવ્યા. નીતાની રસોઈ પણ બાકી હતી. હું ચિડાઈને એ વ્યક્તિને ‘અત્યારે જાવ, સવારે આવજો’ કહીને પાછા મોકલવા લાગી, ત્યારે નીતાએ મારા મનની વાત કરી. કહ્યું, ‘દીદી તમને ‘એ’ મૂકીને પાછા આવશે. આમનું કામ કરીને હું ઉપર ઘરે જઈશ. આટલે દૂરી આ આવ્યા છે. પાછા મોકલવા બરાબર લાગતું નથી...’ તેની પીઠ થાબડીને, મનથી આભાર માનીને હું ઘેર આવી. એ અપંગની નોંધણી જો તે દિવસ થઈ ન હોત તો હું તે રાતે ઊંઘી શકી ન હોત. અનેક વખત દેશભ્રતાર અને નીતા પોતે ઓછું ખાઈને સંસ્થામાં આવેલા લાભાર્થીઓને જમાડતાં. સમય જતાં સગવડરૂપ થાય તેથી તેમણે મારા ક્વાર્ટર પાસેનું ક્વાર્ટર લીધું. સામસામે અમારાં બારણાં હતાં. ધીમેધીમે મારું રસોડું રેકર્ડ રૂમ બન્યું અને મારું રસોડું તેમના રસોડામાં એકરૂપ થયું. નીતા મારી દરેક પ્રકારની સેવા, બા-બહેન જેવા સગાની જેમ કરવા લાગી. દેશભ્રતારનાં લગ્ન થયા અને લગોલગ રજની અને પી. ડી. દેશપંડેના ય લગ્ન થતાં તે નાંદેડ ગયા. મુખ્ય કાર્યક્રમ સમયે તે બન્ને આવતાં.

સંસ્થાનું કામ ચાલુ જ હતું. તબીબી તપાસમાં કૅલિપર્સ અને ટ્રાઇસિકલની જરૂરિયાત વાળાઓને બહારગામની એક શિબિરમાં આ કૃત્રિમ સાધનો મફત મેળવી આપવા માટે લઈ ગયા હતા. હંમેશની જેમ હું, દેશભ્રતાર, અભિજિત ગારે, વિજયકુમાર નલવડે, રાજીવ વણકુદ્રે, રમેશ રાંજણે વગેરે હતા. ત્યાં સંચાલકો સાથે નિકટનો પરિચય થયો હતો. એક દિવસ તે મારી સરકારી ઑફિસમાં આવ્યા અને અમારા આસિસ્ટન્ટ ક્લેક્ટર સાહેબને તેમના પુરસ્કાર વિતરણ સમારંભ સમયે મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવા તેમની સાથે સાહેબ પાસે આવવાની વિનંતી કરી. અમારા બાળકોને તેમણે કૃત્રિમ સાધનો આપી અમને ઉપકૃત કર્યા હતા. એ ભાવનાથી હું સાહેબ પાસે તેમની સાથે ગઈ અને તેમને વિનંતી કરી. તે તેમણે તુર્તજ સ્વીકારીય. સાહેબ મારા ઑફિસના કામથી સંતુષ્ઠ હતા અને સંસ્થાના કામ પર ખુશ હતા. મને સર્વ પ્રકારે તે સહકાર આપતા હતા. પણ પછી શું થયું સમજાયું નહિ. સાહેબ મારા પર ચિડાતા હોય એમ વર્તવા લાગ્યા. અનેક દિવસો સુધી મને કારણ સમજાયું નહિ. પણ ક્વાર્ટર પર હું અપંગોને એકઠા કરું છું. કોમર્શિયલ કામો માટે ક્વાર્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. એવો આરોપ મારી પર કરવામાં આવ્યો અને આ માટે મને અને અન્ય કેટલાક લોકોને પેટાભાડુઆત તરીકે રાખવા માટે મેમો મળ્યો. મેં ક્વાર્ટર લેતી વખતે જ આપેલી અરજી બતાવ્યા પછી આ પ્રકરણ ટાઢું પડ્યું. પણ સમય જતાં સહબેના મારા પરના રોષનું કારણ જે મને સમજાયું તે ભયાનક જ હતું. જે સંસ્થાના સંચાલકોએ સાહેબને પુરસ્કાર વિતરણ સમારંભમાં બોલાવ્યા. તેમના પર ડિપાર્ટમેન્ટનો કેસ હતો અને આવી ઓળખાણનો ફાયદો ઉઠાવીને એ વ્યક્તિ રાત્રે સાહેબને તેમના ઘરે તે કેસ સંબંધે મળ્યા. સાહેબનું માનવું હતું કે આ સઘળું મારી સંમતિથી જ હશે. કદાચ મેં આ માટે ભેટ પણ લીધી હશે. એવું સાહેબે ધારી લીધું હશે. એમણે ખરું તો મને બોલાવીને કારણ પૂછવું જોઈતું હતું. એટલે તે વ્યક્તિને મેં તેમની સામે બોલાવીને સાચું-ખોટું કહ્યું હોત. હું હિસાબી વિભાગમાં કામ કરતી હોવાને કારણે મને તાંત્રિક બાબતોની માહિતી ન હતી અને હોવાને કારણ પણ ન હતું. આવી ઘટના સાથે મારો દૂરથીય સંબંધ આવે નહિ તેથી તાંત્રિક કામમાં ‘ગુડ’, ‘વેરી ગુડ’ શેરો મળવા છતાંય ખાસ પગાર, વધારે પગાર અવગણીને હું પરત હિસાબી વિભાગમાં ગઈ હતી.

તે સંસ્થાના એ સંચાલકોનો એક દૃષ્ટિકોણ કહું તો બન્ને પગે કૅલિપર્સવાળા વિદ્યાર્થીને ટ્રાઇસિકલ આપવી નહિ, એ તેમના મતે લહેર હતી. જ્યારે મારા મતે કૅલિપરની સહાયથી જે અંતર ચાલતા કલાક-અડધો કલાક થાય ત્યાં ટ્રાઇસિકલ દ્વારા પાંચ મિનિટમાં જઈ શકાય. ઉપરાંત કૅલિપરથી વધુ ચાલી શકાતું નથી. ઘરેથી દૂર આવેલી શાળાએ જવા માટે ટ્રાઇસિકલ જોઈએ જ. આ વિષયે મારો તેમની સાથે વિવાદ થયો. અંતે ગુસ્સે થઈ મેં પૂછ્યું, “તમારા બન્ને પગ સારા છે. તો તમે આ સ્કૂટર કેમ વાપરો છો...? ખરું સર્વાંગી પુનર્વસન કરવું હોય, તો આવી સંકુચિત વૃત્તિ ચાલે નહિ. સો ને બદલે વીસ જણનું પુનર્વસન કરો. પણ તે પરિપૂર્ણ કરો.”

પરંતુ તે વ્યક્તિનું સાચું સ્વરૂપ જાણ્યા પછી તેમને મળવાનીય ઇચ્છા મને રહી નહિ. પછી અનેક વખત સાથે મળીને એકાદ યોજના ચલાવવા સૂચના તેમણે રજૂ કરી, પણ અમે દૃઢતાપૂર્વક ના કહી. ત્યારબાદ તેમની શિબિરમાં હું ફરી ગઈ જ નહિ. નાનામાંથી મોટાં થયેલાં બાળકો અભિજિત, વિજયકુમાર, રાજીવ, રાંજણે પૈકીના એકાદા જવાબદારીપૂર્વક લાભાર્થીઓને આવી શિબિરમાં લઈ જઈને કૃત્રિમ સાધનો લઈને પાછા આવતાં.

એક વખત ‘નાસીઓ’ કેમ્પમાં સંસ્થાના લાભાર્થીઓ માટે ઘણી ટ્રાઇસિકલ, વ્હીલચેર્સ મફત મળી હતી. લાભાર્થી ઘણાખરા સઘળા શિક્ષણ મેળવનારા વિદ્યાર્થી જ હતા. આવેલી ટ્રાઇસિકલ્સ અમારા સેન્ટ્રલ એક્સાઇઝના પ્રાંગણમાં જ, શેડમાં મૂકવામાં આવી હતી. કૃત્રિમ સાધનો ન હોય એવા અપંગ વ્યક્તિઓને તેની કેટલી આવશ્યકતા હોય છે એ મને સમજાતું હતું. એટલે શક્ય તેટલા વહેલા તે સાધનોનું વિતરણ કરવાનો વિષય મેં બેઠકમાં રજૂ કર્યો. આ બેઠક ક્વાર્ટર પર થઈ હતી. અન્ય કેટલાક સદસ્યોનું કહેવું હતું, મોટા મહેમાન મળે ત્યારે બે-ત્રણ મહિનામાં તે સાધનોનું વિતરણ કરવું. પણ ઑફિસના શેડમાં વધુ દિવસ આ સાધનો રાખવાં યોગ્ય ન હતાં અને લાભાર્થીઓને આટલા દિવસો સુધી રાહ જોવરાવવી પણ યોગ્ય ન હતી. એમ મને અને કેટલાક સદર્યોને લાગતું હતું.

મોટા મહેમાનોને બદલે સેન્ટ્રલ એક્સાઇઝના કમિશનર કોલ્હાપુર આવવાના છે, ત્યારે તેમના હસ્તે જ વિતરણ કરીને એવો પ્રસ્તાવ મેં રજૂ કર્યો. બેઠકમાં આમંત્રિત તરીકે આવેલા એક સદસ્યએ કહ્યું, “તમારી નોકરીના કેરિયર માટે પોતાને માટે તમે આમ કહી રહ્યા છો...” મારે શું કહેવું એ જ સમજાતું ન હતું. પ્રમોશન, વધુ પગાર, નોકરીની કેરિયર એની તો મેં ક્યારેય ચિંતા કરી જ ન હતી અને આ આરોપ ! અન્ય સદસ્યોની પ્રતિક્રિયા મહત્ત્વની હતી. દેશભ્રતાર તો વાક્ય પૂરું થતાં જ ગુસ્સે થઈ ઊઠ્યા. “આ તમે કોને કહી રહ્યા છો ? જેમણે પોતાનું સર્વસ્વ સંસ્થાને આપ્યું છે તેને... ? આ ક્વાર્ટર પર આ અપંગ કલ્યાણનું કાર્ય અવિરત ચાલુ રહે, ડિપાર્ટમેન્ટના કોઈકે ફરિયાદ કરી હોય છતાં કમિશનરે આ નજીકથી જોયું હોય તો ભવિષ્યમાં કોઈ મુશ્કેલીઓ સંસ્થાના કાર્યમાં આવે નહિ અને દીદી ઑફિસ છોડીને અનેક વખત સંસ્થાના કામ માટે બહાર જાય છે, ત્યારે તેમાં અડચણરૂપ નીવડે નહિ એ માટે કમિશનરને બોલાવીએ એવું એ કહે છે.” અન્ય સદસ્યો પણ મારા વતી બોલ્યા. મા. અધ્યક્ષે તે આમંત્રિતને મારી માફી માગવા જણાવ્યું અને તેમણે માફી માંગ્યા પછી વાતાવરણ શાંત થયું.

આમ જ એક વખત એક કાર્યક્રમમાં નાનાં અપંગ બાળકોના હાથમાં ફૂલ આપીને મહેમાનનું સ્વાગત કરવાનો પ્રસ્તાવ મેં મૂક્યો. ઉદ્દેશ્ય એ હતો કે ચાલી ન શકનારાં બાળકો શસ્ત્રક્રિયા પછી કૃત્રિમ સાધનોની સહાયથી કેમ ચાલે છે, એ હિતચિંતકોને અને દાનવીરોને જોવા મળે, સમજાય, પણ એની પર એક સદસ્યે આમ જ પોતાનો મત વ્યક્ત કર્યો, “આવેલા મોટા મહેમાનોને આવાં ફૂલો લેતાં કેવું લાગશે અને ધીમેધીમે ચાલવાને કારણે કાર્યક્રમનો સમય વીતશે.” આ બાબતે અમારું કહેવું હતું, “જે મહેમાનોને અપંગ બાળકો પાસેથી ફૂલો લેતાં કાંઈક થાય. એ મહેમાન આવા કાર્યક્રમમાં આવે જ નહિ અને તેમણે આવવુંય ન જોઈએ. જેમના માટે કાર્યક્રમ કરી રહ્યા છીએ, તે બાળકોના ચાલવામાં થોડો સમય જાય તો વાંધો છે ? તેઓ ચાલે, પોતાના પગ પર ઊભા રહે. એ તો સંસ્થાનો ઉદ્દેશ્ય છે. ઉદ્દેશપૂર્તિ માટે સમય વીતે છે એમ કહેવું હાસ્યાસ્પદ હતું. ક્યારે ક્યારેક સ્ટેજ પર કોની પાસે કોણ બેસે એમાં નાના-મોટાપણું, નાત-જાત ને સંબંધ કેટલાક સભ્યો લાવતા. પણ સદ્‌ભાગ્યે આ ખોટી નાનામોટાપણાની કલ્પના, નાત-જાતમાં ન માનનારા સદસ્ય બહુમતીમાં હોવાથી દરેક કાર્યક્રમ અમારી અપેક્ષાનુસાર થતો હતો.

સાચું જોતાં કાર્યક્રમ યોજીને જાહેર રીતે આવાં કૃત્રિમ સાધનો વહેંચવાં એ મને જ રુચતું નથી, કારણ લેનારને કેટલો સંકોચ અનુભવાતો હોય છે. પોતાની શારીરિક અને આર્થિક પરિસ્થિતિને કારણે નિરુપાય બનીને જરૂરિયાતને કારણે આવી મદદ લેવી પડે છે. એ લીધા સિવાય પ્રગતિની તક મળવાની નથી. પણ દાન આપનારાઓને તેમના પૈસાનો વિનિયોગ કઈ રીતે, કોને માટે કરવામાં આવ્યો એ સમજાય, તેમને પોતાને એ જોવું આવશ્યક હોવાનું જણાતાં આવા જાહેર કાર્યક્રમ અમે કરવા લાગ્યા. અન્યથા રવિવારે સંસ્થાના રોજિંદા કામનો એ એક ભાગ છે.

કાર્યક્રમ વખતે મને સહુથી મોટું સંકટ ભાષણનું લાગતું. હજારો કામો કરવાની મારી તૈયારી હતી. પણ ભાષણ કહીએ, માઈક સામે આવે કે મને ધ્રુજારી છૂટતી. હાથ તો અક્ષરશઃ થરથરતાં પણ મારે બોલવું જ જોઈએ એવો આગ્રહ રહેતો. બાબુકાકા હતા ત્યારે તેમણે ખૂબ આગ્રહ કર્યો છતાં આકાશવાણી પર બોલાવની તક મળવા છતાંય હું બોલી ન હતી. પણ હવે હું બોલું છું. દિલ્હીથી પુરસ્કાર લઈને આવ્યા પછી સાંગલી આકાશવાણીનાં શ્રીમતી મેશ્રામે સંસ્થામાં આવી મારી મુલાકાત લીધી. એ આકાશવાણી પર સાંભળી ત્યારે મને લાગ્યું આપણે એકદમ કાંઈ ખરાબ જ બોલતા નથી. હળવે હળવે આ દશ વર્ષમાં ભાષણની બીક ઘટતી ગઈ છે. હાથનું થરથરવું ઓછું થયું પણ આજેય વાસ્તવિક કામ અને ભાષણ વચ્ચે પસંદગી કરવાનું કહેવામાં આવે તો હું કામને જ પસંદ કરીશ.

કાર્યક્રમનો વિષય નીકળ્યો છે કે એક વધુ વિષય સાંભરે છે. બાબુકાકાના ફોટો કાર્યક્રમ વખતે સ્ટેજની આગળની બાજુએ ખુરશી પર ગોઠવીને તેનો હાર પહેરાવવો. તેમના અમારા મનમાં રહેલા તાજા સ્મરણ અન્ય કાર્યકર્તા સુધી પહોંચે અને અમારા કાર્યક્રમમાં સફળતામાં તે પણ સહભાગી હોવાનો સંતોષ અમને થાય. એ મારી અને રજનીની ઇચ્છા પણ ‘બાબુકાકા હેલ્પર્સનાં સંસ્થાપક થોડાં છે ?’ એમ કેટલાક સદસ્યોનું કહેવું હતું. પહેલી વખત એના કાર્યક્રમ વખતે તે ફોટા બાજુએ મૂકવામાં આવ્યો. કાર્યક્રમમાં અન્ય લોકો સામે અમારા મતભેદ દેખાય નહિ, તેથી ચૂપ રહ્યા. પણ પછી બાબુકાકા અમારે માટે કોણ છે, એ ન હોત તો આ ‘હેલ્પર્સ’ ન હોત. એ સ્પષ્ટ રીતે એ અલ્પસંખ્યા ધરાવતા સદસ્યોને કહેવું પડ્યું. પછી સંસ્થાના પ્રત્યેક કાર્યમાં બાબુકાકાય સહભાગી થવા લાગ્યા. સંસ્થાનું કાર્ય જેમ જેમ વધવા લાગ્યું. તેમ તેમ મતભેદ થવા લાગ્યા. એક વખત આવી જ એક તબીબી શિબિરમાં હોમિયોપેથી મેડિકલ કૉલેજમાં ભણતી છાયા દેસાઈ ને તેની માતા કૅલિપર અપાવવા લઈ આવી. મફત કૅલિપર મેળવવા છાયા આવવા તૈયાર ન હતી. પણ પૂણે-મુંબઈ તે માટે બે-ત્રણ વખત જવા કરતાં અહીં જ કૅલિપર લેવાં, એ માટે તેને માતા લઈ આવી અને હળવે હળવે એ અમારી સંસ્થાના કાર્યમાં સહભાગી થવા લાગી. એ જ અરસામાં રમાકાકી શિરગાંવકર, સૌ. સ્મિતા શિરગાંવકરે કાર્યમાં પૂર્ણતઃ સહભાગી થઈ શકાતું ન હોવાથી રાજીનામું આપવાને કારણે શ્રી પી. ડી. દેશપાંડે અને શ્રીકાંત કેકડેનો સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. દેશભ્રતારને એ પહેલાં જ સમિતિમાં લેવામાં આવ્યા હતા. સમયાંતરે કામ વધ્યું અને સાત સમિતિ સભ્યોની સંખ્યા નવ કરવામાં આવતાં વિનોદ પટેલ અને છાયા દેસાઈનો સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો. મારા ભાભી ઇર્શાદ જેના મારી બહેનપણી-સાથી જેવા અનેક સંબંધ છે. તે મારી સાથે સંસ્થાનાં અનેક કાર્યમાં સહભાગી થવા લાગી હતી. તેને કારણે તેનેય સમિતિમાં લીધી.

સંસ્થાની ઊપજના સાધન તરીકે ખાદ્યપદાર્થ અને સીવણકામ સાથે લિક્વિડ સાધુ બનાવીને સંસ્થા દ્વારા તેનું વેચાણ કરવાનું શરૂ કરવામાં આવ્યું. આ સાબુ બનાવવા તદ્દન સરળ હતા. તેને કારણે તે સુદૃઢ પાસેથી કરાવી ન લેતા અપંગો દ્વારા બનાવરાવીશું. એવો પ્રસ્તાવ રજૂ કર્યો. ત્યારે આ બાળકો પછી સ્વતંત્ર રીતે પોતે જ આ કામ કરશે, સંસ્થામાં રહેશે નહિ, પછી તેમની પાસે ફક્ત વેચાણ કરાવી લઈ તેમને કમિશન આપીશું અને થનાર નફો બાજુએ મૂકીને તેમાંથી સંસ્થાની ઑફિસ માટે ફ્લેટ લઈશું એવો વિચાર આગળ આવ્યો. અપંગ બાળકોય સ્વતંત્ર રીતે પોતાના પગ પર ઊભાં રહે, એ જ અંતિમ ધ્યેય હોય ત્યારે આ કેવી વિચિત્ર સ્વાર્થી વિચારસરણી. એ સમજવું સાચ્ચે જ મુશ્કેલ હતું! આ અપંગ બાળકોને જ્યારે સાબુનું વેચાણ કરતી વખતે ‘તે અમે જાતે બનાવીએ છએ એમ ગ્રાહકોને જણાવવા’ની સૂચના આપવામાં આવી ત્યારે માત્ર બાળકોને ખોટું બોલીને લોકોને અવળામાર્ગે દોરવા એ ભૂલ છે એ વાત ગળે ઉતારી.

વર્ષાન્તેય આ ‘હેલ્પ વૉકેશનલ પ્રોડક્ટ’ના પૈસા સંસ્થામાં જમા થયા નહિ, ત્યારે હું ઉપાધ્યક્ષ હતી. મેં ખજાનચી સાથે ચર્ચા કરી. જો માર્ચ અંત સુધીમાં હિસાબ અને પૈસા સંસ્થામાં જમા કરવામાં નહિ આવે તો સામાન્ય સભામાં પણ આ વિષય સહુની સમક્ષ મૂકીશું. પછી ખજાનચીએ એ જવાબદાર વ્યક્તિ પાસેથી સઘળા હિસાબ મંગાવી લીધા અને પૈસાય બૅન્કના ખાતામાં જમા કર્યા.

આ અરસામાં મને કોઈક પુરસ્કાર મળ્યો હતો અને તે નિમિત્તે મારો પૂણેમાં સત્કાર કરવામાં આવ્યો. પૂણે આકાશવાણી પર મારી મુલાકાત ગોઠવવામાં આવી. હું ‘ના’ કહેતી હતી. પરંતુ અનુતાઈ અને સુજલાતાઈએ આગ્રહ સેવ્યો. મા. અનુતાઈ ભાગવત પોતાના પિતા કૈ. શિવાજી રાવ પટવર્ધનની સ્મૃતિ તાજી કરાવવા ‘સ્નેહપ્રકાશ’ નામે દર વર્ષે અપંગોની સમસ્યા પર એક પુસ્તક લખે છે. મા. સુજલાતાઈ નિત્સુરે પણ મોટા સામાજિક કાર્યકર છે. આ મુલાકાત ઉષાતાઈ પાગેએ સુજલાતાઈના ઘરે જ લીધી. સંગમનેરના રામદાસ સોનવણે નામના યુવાને આ મુલાકાત સાંભળી.

રામદાસને પિતા ન હતા. માતાએ મહેનત મજૂરી કરીને ભણાવ્યો. પદવીધારી હોવા છતાં રામદાસને બેકાર થઈને ઘરે બેસવું યોગ્ય લાગ્યું નહિ. યોગ્ય નોકરી મળી નહિ તેથી રસ્તા બનાવનાર મજૂરો સાથે એ દાડીએ કામ કરવા લાગ્યો. સ્લેબના મિક્ષર હેઠળ કાંઈ કરતો હતો. અચાનક મિક્ષરની ટાંકી તૂટતાં તેની નીચે એ ફસાઈ ગયો અને કરોડનો મણકો તૂટી ગયો. મારા જેવો એ પૅરાપ્લેજિક થયો. પોતે નોકરી કરીને બાને આરામમાં જિવાડવાનું તેનું સ્વપ્ન ધૂળમાં મળ્યું. ઊલટું ફરીથી એક વખત એ નાનો બાળક બન્યો. માતાને સંપૂર્ણ સેવા કરવી પડતી હતી. આખુંય વર્ષ દવાખાનામાં રહ્યા પછી એને ઘરે મોકલવામાં આવ્યો. મનમાં આત્મહત્યાના, મૃત્યુના વિચાર સતત આવી રહ્યા હતા એવા સમયે તેણે મારી આકાશવાણીની મુલાકાત સાંભળી. તેના જેવી જ હાલતમાં હું ક્રિયાશીલ જીવન જીવી રહી છું. એ સાંભળીને તેને આશાનું કિરણ દેખાયું અને તેણે મને પત્ર લખ્યો. “હું કોલ્હાપુર આવું કે ? મારી સારવાર મને પુનર્વસનનો ભાર સંસ્થા ઉઠાવશે કે ? મારી પાસે આર્થિક શક્તિ કાંઈ જ નથી. કોલ્હાપુર આવવા માટે ય ગામના લોકો પાસેથી મદદ એકઠી કરવી પડશે. મણકામાંના રોડને કારણે બેસીને પ્રવાસ અશક્ય છે. ઊંઘતાં ઊંઘતાં પ્રવાસ કરવો પડે. એટલે સ્પેશ્યલ ગાડી કરીને આવવું પડશે.”

તે વખતે સંસ્થાની પોતાની જગા ન હતી. આકાશવાણી પર મુલાકાત આપવી નહિ એમ જે મને થતું હતું તે આ માટે જ, કે આવી પ્રસિદ્ધિ બાદ અસંખ્ય લાભાર્થી આશા લઈને સંસ્થા પાસે આવે છે. પણ તે દૃષ્ટિએ દાનવીર અને હિતચિંતક ક્વચિત જ મળે છે. પ્રસિદ્ધિના અનેક ગેરલાભ મેં પોતે અનુભવ્યા હતા. તેને કારણે પ્રસિદ્ધિ ન જોઈએ એ મારી જીદ હતી. પણ તે સિવાય લોકોને, સમાજને સંસ્થાનું કાર્ય સમજાશે નહિ અને જરૂરિયાતોની પૂર્ણતા માટે સહાય કરનારા લોકો સંસ્થા સુધી પહોંચશે નહિ. જેવા બધાએ વ્યક્ત કરેલ વિચાર ગળે ઊતરવાથી મેં પૂણે આકાશવાણી પર મુલાકાત આપી હતી.

રામદાસનો પત્ર આવતાં જ હું ખૂબ અસ્વસ્થ બની. તેને મદદ કરવાની તીવ્ર ઇચ્છા હતી. પણ પાસે જગા અને પૂરતા પૈસા ન હતા. અનુબહેનને રામદાસના પત્રની ઝેરોક્ષ સહિત પત્ર મોકલ્યો કે, “તેને મદદ કરવાને હજુય સંસ્થા અસમર્થ છે. અન્ય તકલીફો અમે દૂર કરીશું, પણ તેના પુનર્વસન માટે ખાસ્સા પૈસા થશે, તેની ચિંતા છે. આમ કોઈકને આશા જગાવીને નિરાશ કરવા નહિ. તેથી હું મુલાકાતની ના કહેતી હતી.” ત્યારે વળતી ટપાલે અનુબહેનનો જવાબ આવ્યો “તેની સારવાર માટે જોઈતા પૈસાય મળશે. હું અત્યારે બે હજાર રૂપિયા મોકલું છું. પછીય સગવડ કરીશ. તું પૈસાની ચિંતા કરીશ નહિ.”

એ પત્ર વાંચીને મને ખૂબ આનંદ થયો. રામદાસ સોનવણેની જેમજ મારે પ્રકાશ જોશી નામના અનાથ અને હાથેપગે અપંગ એવા નાના બાળકનું પણ પુનર્વસન કરવાનું હતું. મેં તાત્કાલિક રામદાસને જવાબ મોકલાવ્યો. પ્રકાશ જોશીના અનાથપણા વિશે લખ્યું, “એને અનાથઆશ્રમમાં પ્રવેશ નથી, ત્યારે અમે તારી અને તારી માતાની સંપૂર્ણ જવાબદારી સ્વીકારીએ છીએ. સંસ્થા પાસે એક વ્યક્તિ માટે આટલા પૈસા નથી. પણ બન્નેના જમવાની, કપડાં-લત્તાની જવાબદારી હું વૈયક્તિક ‘દીદી’ હોવાને નાતે લઉં છું. કોઈ પણ સંબંધમાં શરત ન હોવી જોઈએ. પણ મારે પ્રકાશ માટે માતા જોઈએ છે. તારી માતા ફક્ત તારી ન રહેતાં પ્રકાશની માતા થવા તૈયાર હોય તો તમે બન્ને અહીં આવો. સંપૂર્ણ સારવાર અને પુનર્વસનની વ્યવસ્થા કરવામાં આવશે.”

રામદાસ વાન દ્વારા કોલ્હાપુર પહોંચ્યા. તેને પૈસાની વ્યવસ્થા ગામમાંથી કરવામાં ખાસ્સો સમય ગયો. ત્યાં સુધીમાં પ્રકાશ જોશીને મેરી વૉનલેસમાંથી ડિસ્ચાર્જ મળ્યો હતો. અનાથ આશ્રમમાંથી ના કહ્યા પછી મિરજના ડૉ. પાઠકને તેમના અનાથ આશ્રમમાં પ્રકાશને પ્રવેશ આપવા અંગે શ્રી પી.ડી. દેશપાંડેએ વિનંતી કરી અને તેમણે તે તાત્કાલિક સ્વીકારી. પ્રકાશ જોશીને લઈને સૌ રજની મિરજ ગયા. એના બીજા દિવસે રામદાસનું આગમન થયું. પ્રકાશને માતા મળી જ નહિ.

રામદાસને બેડસોઅર્સ હતાં. મુંબઈ મામાને પત્ર લખીને વૉટર બેડ મંગાવી લીધી. સારવાર ચાલુ થઈ. દોઢ-બે વર્ષ રામદાસ દવાખાનામાં હતો. તેની પીઠમાંથી રૉડ કાઢવામાં આવ્યો. વ્હીલચેર આપવામાં આવી. એ હરવા-ફરવા લાગ્યો. તેના ચહેરા પર હાસ્ય આવ્યું. દવાખાનાના સંસ્થાના અન્ય પેશન્ટના ખર્ચના હિસાબ રાખવાનું કામ તેને આપ્યું. જમવાનું ઘરેથી જતું હતું. અન્ય ખર્ચ માટે મારો પગાર યોગ્ય કાર્યમાં વપરાતો હતો. બન્ને માટે જ્યારે કપડાં લાગ્યા ત્યારે બન્નેની આંખો ભીંજાઈ ગઈ. તેમનાં કોઈ જ સગાંવ્હાલાં ન હતાં. તેને કારણે દવાખાનામાં કોઈક આવે, મળે એ સંતોષ પણ તેમની પાસે ન હતો. તેમનું શારીરિક પુનર્વસન પૂરું થયું હતું. પગે યૂરિન બૅગ લગાવીને પેન્ટ-શર્ટ વ્યવસ્થિત પહેરીને એ હરવા-ફરવા લાગ્યો હતો. લુગી વીંટાળીને આવેલો. હાડકાંનો માળો દેખાનારો રામદાસ આવો કાર્યક્ષમ થયેલો જોઈને અત્યંત સંતોષ અનુભવાતો હતો. ડૉક્ટરોના પ્રયત્નો સફળ નીવડ્યા હતા. પરંતુ રામદાસને વધુ થોડા મહિના દવાખાનામાં રહેવાની આવશ્યકતા હતી.

સુખ-દુઃખ, સંતોષ-અસ્વસ્થતા, કોઈ પણ વાત લાંબો સમય રહેતી નથી. એનો સાક્ષાત્કાર કરાવનાર પ્રસંગ લગોલગ આવ્યો જ. એક દિવસ મારું માથું દુઃખતું હતું. તેથી અર્ધા દિવસની રજા લઈને હું ઘરે આવી અને ગોળી લઈને ઊંઘી હતી. અર્ધા કલાકમાં જ મિરજથી ફોન આવ્યો. “પ્રકાશે ત્રણ દિવસથી કાંઈ ખાધું નથી. દીદી જોઈએ. દીદી આવ્યા પછી જમીશ કહે છે. એટલે તાત્કાલિક આવો.” પ્રકાશને મિરજ લઈ ગયા ત્યારથી નોકરી અને સંસ્થાના વધતા કાર્યને કારણે ઇચ્છા હોવા છતાં ય મિરજ જઈને તેને મળવાનું મારા માટે શક્ય બન્યું ન હતું. તેને કારણે ત્યાંના સ્ટાફને ‘દીદી’ એટલે રજની જ લાગી.

આવું એકાકી જીવન જીવનારા પ્રકાશે કોલ્હાપુરના વસવાટમાં પોતાનાં માતા-પિતાને ક્યારેય યાદ કર્યાં ન હતાં. તેણે ‘દીદી’ આટલા દિવસ, આખુંય વર્ષ મળ્યા વગર કેવી રીતે રહ્યાં એનો ખેદ વ્યક્ત કર્યો. થોડા દિવસ રામદાસની માતાને તેની બનાવવા માટે કોલ્હાપુર લઈ આવવા, એમ નક્કી કરીને ફોન કરી ટૅક્સી મંગાવી અને હું અભિજિત ગારે અને નીતા મિરજ ગયાં. પ્રકાશને જોતાં જ મને આઘાત લાગ્યો. માંદગી વધી હતી. ફક્ત હાડકા દેખાતાં હતાં. એ હાથ પગ હલાવી શકતો ન હતો. ગરદન સરખી રહેતી ન હતી. ને જોતાં જ “દીદી, ઘરે લઈ જાવ.” એ એક જ વાક્ય એ બોલતો હતો. મેં અધિકારીઓ પાસેથી પરવાનગી મેળવી. તેનો અંત નજીક આવ્યો હોવાની નિષ્ણાત ડૉક્ટરોની નોંધ વાંચી. મનને સત્ય સ્વીકાર્યા સિવાય આરો જ ન હતો. ત્યાંથી જ કોલ્હાપુર મેરી વૉનલેસ હૉસ્પિટલને ફોન કર્યો. ‘રામદાસની પાસેનો કૉટ તૈયાર રાખો. પ્રકાશ જોશીને સાથે લઈને હું આવું છું.’ સદ્‌ભાગ્યે અમને ડૉ. સાતવેકર જેવા ભગવાન સમા માણસ પ્રાપ્ત થયા હતા. તેમણે અમને ક્યારેય કોઈ જ વાતની ‘ના’ કહી નથી. ગમે તેટલું મોટું બીલ હો. હું જે રકમ આપું તે તેઓ સ્વીકારતા અને બાકીનું વળતર આપતા.

૩૦ ડિસેમ્બર ૯રનો એ દિવસ હતો. મિરજથી કોલ્હાપુર ટૅક્સીમાં પ્રકાશને ખોળામાં લઈને કરેલો એ પ્રવાસ ખૂબ લંબાઈ રહ્યો છે એમ લાગતું હતું. એ પ્રવાસ ભૂલવો અશક્ય છે. મારી પીઠનું ઓશીકું મારા ખોળા પર મૂકીને તેની પર પ્રકાશનું માથું ગોઠવ્યું હતું. ગરદન સતત પડતી હતી. હાથને કે શરીરને જરાય ધક્કો લાગે તોય તે કણસતો હતો. અભિજિત ગારે અને નીતાનું કૌતુક અનુભવ્યું. અત્યંત પ્રેમથી તેઓ તેને પંપાળતાં હતાં. અમે રાતે બાર વાગે કોલ્હાપુર પહોંચ્યાં. મારી માંદગી, માથાનો દુખાવો વગેરેનો વિચાર પણ મનમાં આવવો અશક્ય હતો. સિસ્ટરે પ્રકાશ માટે ઇમરજન્સી વોર્ડમાં વ્યવસ્થા કરી હતી. પણ મારી વિનંતીને કારણે તેને રામદાસની પાસેના કૉટ પર રાખ્યો. જેથી કરીને રામદાસની માતા બન્ને કૉર્ટ વચ્ચે ઊંઘીને બન્ને તરફ ધ્યાન રાખી શકે. સિસ્ટર રામદાસ અને બાને સૂચના આપીને અમે એક વાગે ઘરે પાછા વળ્યા. પ્રકાશ ‘જશો નહિ, રોકાવ...’ કહેતો હતો. ‘અહીં નહિ ઘરે લઈ જાવ.’ કહેતો હતો. પણ ‘તું જલદી સાજો થા. પછી ઘરે જઈશું.’ એમ કહીને તેને દવા, ઇન્જેક્શન આપ્યાં પછી અમે પાછાં વળ્યાં. પ્રકાશને અસહ્ય વેદના થતી હતી. મારે બીજા દિવસે ઑફિસમાં સમયસર જવું આવશ્યક હતું. ઘરે આવીને બે કોળિયા ખાઈને પલંગ પર પડતાં જ ગાઢ નિદ્રા આવી.

સવારે ઑફિસે જઈને કામે લાગી. અગિયાર, બારમા સુમારે નીતાનો સંદેશો આવ્યો. રામદાસની માતા આવી છે. પ્રકાશ ખૂબ હેરાન કરે છે. અને મને દવાખાને બોલાવી રહ્યો છે. બપોરે જમવાના ડબા સાથે ફરી એ જ સંદેશો અમારી બાનો આવ્યો. એ જ વાક્યો ‘પ્રકાશ ખૂબ હેરાન કરે છે. તને દવાખાને બોલાવી છે.’ ઑફિસનું કામ એટલું મહત્ત્વનું હતું કે તે પૂરું થયા સિવાય જવું યોગ્ય ન હતું. ચાર વાગતાં સુધીમાં કામ પતાવીને હું દવાખાને આવું છું. એવો સંદેશો મેં બે વખત મોકલાવ્યો. છતાંય રામદાસની બા ત્રણ વાગે સીધાં મારી ઑફિસે આવ્યાં. અમારી બાએ અને નીતાએ ‘જશો નહિ’ એમ કહ્યું હતું. પણ તે આવ્યા અને ગુસ્સામાં કહેવા લાગ્યા. ‘એ ખૂબ જિદ્દી છે. આખીય રાત તેણે ઊંઘવા દીધા નથી...’ હું અવાક થઈને સાંભળતી રહી. માણસાઈનો આ સાક્ષાત્કાર! જે રામદાસને કેવળ તેની બાએ પ્રકાશનીય માતા થવું એ શરત પર લાવ્યા અને રામદાસનું જ નહિ, પણ એની માતાનુંય પાલકત્વ સ્વીકાર્યું. તે રામદાસની ‘માતા’ કહેવડાવનાર સ્ત્રી તરફ જોવાનું અને બોલવાનું ય મન ન હતું. માણસ રૂપે જન્મીને ‘મા’ પદને કાલિમા લગાવનાર એ સ્ત્રી હું નજર સામે પણ ઇચ્છતી ન હતી. નિરુપાયે પૂરું થવા આવેલું કામ આટોપ્યું. “તમે આગળ થાવ. હું આવું છું.” એટલું જ કહ્યું. ખૂબ ગુસ્સો આવ્યો કે શાંતિથી નિર્ણય લઈ કામ કરવાની આદત પડી છે.

દવાખાને ગયાં. મારી અને રામદાસના થયેલ પત્રવ્યવહારની ફાઇલ રામદાસના હાથમાં વાંચવા આપતાં પહેલાં પૂછ્યું, “શું રે, પ્રકાશે બાને ખૂબ ત્રાસ આપ્યો કે ?” તો તેનો જવાબ હતો. “હા, એક મિનિટ પણ ઊંઘવા દીધા નથી. સતત ઓશીકું બદલો. અહીં દુઃખે છે, ત્યાં દુઃખે છે. કહેતો હતો.” રામદાસને પેલા એટલા શા જીવને થનારો ત્રાસ ન દેખાતાં બાનો ત્રાસ દેખાતો હતો. ‘તેં આવો ત્રાસ ક્યારેય માને આપ્યો નથી.’ એટલું બોલીને હું મિસ્ટર પાસે ગઈ. તેની માફી માંગીને પ્રકાશનો કોટ બદલ્યો. સંસ્થાના અનેક પેશન્ટ્‌સ શસ્ત્રક્રિયા થઈને દવાખાનામાં હતાં.

તેમાંના જ એકની બહેનને કહ્યું. તેણે પ્રકાશની સેવા કરવી અથવા અત્યારે તાત્કાલિક ડિસ્ચાર્જ લઈને ઘરે જવું અને અઠવાડિયે બે વખત ડ્રેસિંગ માટે આવવું. તેના ભાઈના પગના જખમ અનેક મહિના થવા છતાં રુઝાયા ન હતા અને ભાઈએ એક વખત દવાના બીલમાં છેકછાક કરીને એ પૈસા લઈને ખર્ચ કર્યાની ઘટના બની હતી. તેણે ઘરે ન જતાં પ્રકાશની સેવા કરવાનું સ્વીકાર્યું. પ્રકાશને ઝાડા-પેશાબનું ભાન ન હતું. સતત ભીંજાતી રહેતી ચાદર કાઢી નાંખવી પડતી હતી. હું પોતે ઘરેથી વધારે ચાદરો લઈ જઈને એની ચાદર બદલતી હતી અને મારી સાથેના સઘળા કાર્યકરોઅભિજિત, રાજીવ, રમેશ વગેરે અમે રોજ પ્રકાશ પાસે સવાર-સાંજ જતા હતા. એ કહે એ ખાવાનું આપવું. રમકડાં આપવા એટલું જ અમારા હાથે થતું હતું. અસહ્ય વેદના થનારા શરીર પરથી હાથ ફેરવવો. પાવડર લગાવવામાં જ સંતોષ માનવો પડતો હતો.

એક વખત તેણે વિમાન મંગાવ્યું. એ પોતાનો હાથ પણ તેની પર ઊંચો કરીને મૂકી શકતો ન હતો. હાથમાં આપો. કહેતાં તેની પાસે તે વિમાન મૂકીને તેની પર એનો હાથ મૂક્યો. તો મીઠું હસ્યો અને ‘દીદી, આપણે વિમાનમાં દિલ્હી જઈશું.’ કહ્યું. એક મહિના સુધી રોજ એ લઈ જવાની હઠ કરતો હતો. મેં ડૉક્ટરોને ‘ઘરે એટલે ક્વાર્ટર પર એને થોડા દિવસ લઈ જઉં...’ એમ કહ્યું. ત્યારે ડૉક્ટર મારી પર ખિજાયા. કહ્યું, ‘આ કાર્યને મર્યાદા જોઈએ. આવી અવસ્થામાં હું પરવાનગી આપી શકું નહિ.’ પ્રકાશના કૉટની પાસે અમારા જ એક આધેડ વયના પેશન્ટ હતા. એ જાતે પ્રકાશને ખવરાવવાનું, પથારી ચોખ્ખી કરવી વગેરે કરવા લાગ્યા. તેમને પ્રકાશ પણ શેખમામા કહેવા લાગ્યો. સાચું તો એ પ્રકાશના ‘પિતા’ થયા હતા. એક બાજુએ રામદાસની તંદુરસ્ત માતાનું નામ પૂરતું જ મા-પણું. તો બીજી બાજુ પુત્રહીન એ અપંગ પુરુષનું ‘પિતા’ થવું. અ બન્ને બાબતો મેં આશ્ચર્ય સાથે સ્વીકારી. એક મહિનો મારું સંસ્થાના અન્ય કોઈ જ કામમાં ધ્યાન પરોવાયું નહિ. ઑફિસ જતાં પહેલાં પ્રકાશ, ઑફિસ છૂટ્યા પછી પ્રકાશ ! રાતે ઘરે આવીને ઊંઘવું એટલા જ કામ મારી પાસે હતાં. મારી વિચિત્ર મનઃસ્થિતિ હતી. રોજ ભગવાનને ‘પ્રકાશને જલદી બોલાવી લે’ પ્રાર્થના કરતી હતી. એક વખત બહાર પવનમાં લઈ જાવ કહ્યું. કેવી રીતે લઈ જવો એ પ્રશ્ન જ હતો. પૂર્ણ અડદાળો હતો એ. પણ દેશભ્રતાર અને સંસ્થાના બાળમિત્રોએ જ તે મુશ્કેલ કામ પણ કર્યું. રોજ રાતે વારાફરતી સર્વજણ રહેવા લાગ્યા. છેવટના દિવસે એટલે ૩૦ જાન્યુઆરી ૯૩ની રાતે બધાએ મને બળજબરી ઘરે મોકલી અને એના ગયા પછી મને દવાખાને લઈ ગયા. એક મીઠડું બાળક અનાથપણામાં જ ગયું એનું ખૂબ દુઃખ થયું. પણ મેં મનથી ભગવાનનો આભાર માન્યો. એટલી રાતે સંસ્થાના અન્ય લોકો પણ આવ્યા. ‘સકાળ’ના સંપાદક દીક્ષિતસાહેબ પણ બે વાગે આવ્યા. સહુકોઈ સ્મશાનભૂમિમાં ગયા. સંસ્થાએ કરેલી એ પ્રથમ અંતિમક્રિયા હતી. આવી કુમળી વયે આ બાળકો આ બધું કેવી રીતે કરે છે. એનું જ આશ્ચર્ય થતું હતું મને. પી.ડી., અજીજ, દેશભ્રતાર, વણકુદ્રે, અભિજિત, નલવડે, રમેશ, ડૉ. પી.જી. કુલકર્ણી, શ્રી પુણતાંબેકર (ચેરમેન, રત્નાકર બૅન્ક)શ્રી એમ. વી. ગાડગીલ (વ્યવસ્થાપક, યુનાઈટેડ વેસ્ટર્ન બૅન્ક) સહુકોઈ નિઃસ્તબ્ધ હતાં.

પ્રકાશ અંધારેથી પ્રકાશ તરફ ગયો કે પ્રકાશેથી અંધારા તરફ એ ભગવાન જાણે ! પ્રવાસે જતાં વિશ્વની સર્વત્ર પ્રસરેલી જગા જોઈને ખૂબ જ ખેદ થતો. પૃથ્વીતળ પર આટલી ભૂમિ હોવા છતાં. અમને અપંગો માટે એક ઘરની જગા મળે નહિ...? પ્રકાશને ઘર આપી શક્યા નહિ. એની સતત વેદના અનુભવાતી હતી. પણ હવે પછી આવનારા પ્રકાશને તો આમ બેઘર બનીને મરવું પડે નહિ. એ માટે જગા મેળવવાને પ્રાધાન્ય આપવાનું નક્કી કરીને તે કામમાં અક્ષરશઃ ખૂંપી ગયા.

સરકારી બાલગૃહમાં ચૌદ વર્ષ પછી અપંગોને ઘરે મોકલવામાં આવે છે. તેમ જ ખૂબ જ અપંગત્વ ધરાવનારને ત્યાં પ્રવેશ નથી હોતો. શાને, તો આવા અપંગો માટે ઇલાયદા કર્મચારી વર્ગની નિમણૂક કરવી પડે. આ આવા છાત્રાલયો પણ ખરું તો પાટિયાં લગાવવાં જોઈએ કે નામ પૂરતું અપંગત્વ ધરાવતાં, પોતાનું સઘળું કામ કરી શકનાર બાળકો માટેનું છાત્રાલય ! એટલે કોઈ નહિ પણ અમે તો નિરાશ ન થઈએ. ચૌદ વર્ષ સુધી આ બાળગૃહમાં શસ્ત્રક્રિયા કરવામાં આવે છે. કૃત્રિમ સાધનો આપવામાં આવે છે તેની પર વિપુલ ખર્ચ ભણેલા અપંગોને ઘરે ગામે મોકલવામાં આવે છે. વિદ્યાર્થી અને તેના પાલક થોડી હેરાનગતી થવા છતાં શિક્ષણ માટે તે સહન કરવા તૈયાર છે. પણ ઇમારતમાંના બાથરૂમ, સંડાસની મુશ્કેલીઓને કારણે સંચાલક આવા અપંગ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકતા ન હતા. દર વર્ષે કેટલાક વિદ્યાર્થીઓને બુદ્ધિમતા હોવા છતાં અભ્યાસ અર્ધેથી પડતો મૂકવો પડતો હતો. આ માટે ‘હેલ્પર્સે’ નિર્ણય લીધો પોતાનું છાત્રાલય બાંધવાનો. મહત્ત્વાકાંક્ષી નિર્ણય હતો એ. પણ પ્રયત્ન કરવો જ એમ નક્કી કરીને અમે જગા શોધવાની શરૂઆત કરી.

સરકાર સમક્ષ જગાનો પ્રસ્તાવ રજૂ કર્યો. સરકારી જગા જ્યાં હોય. તે જગા માટે સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી અરજી કરતા જ હતા. પણ તે જગાનું આયોજન પહેલાં જ થયેલું હતું. અમને મળવા યોગ્ય જગા ક્યાં છે એ જાણવું આવશ્યક હતું. અમારા સદનસીબે તે વખતે શ્રી અજિતકુમાર જૈન, જિલ્લાધિકારી તરીકે આવ્યા હતા. તેમને કોઈ પણ કાર્યક્રમમાં બોલાવ્યા વગર કેવળ વાતચીત કરવા માટે સંસ્થાના કાર્યાલયમાં રજાના દિવસે બોલાવ્યા. તે પણ આનંદપૂર્વક આવ્યા. અમારું કાર્ય, અમારા પ્રશ્નો, સમસ્યા સઘળું ધ્યાનથી સાંભળ્યાં. છાત્રાલયની આટલી મોટી યોજના અમે સફળતાથી પાર પાડી શકીશું કે કેમ એ પ્રશ્ન પૂછીને તેમણે અન્ય સંસ્થાની બરોબરીમાં અમારે કાર્ય કરવું એવી સલાહ પણ આપી. પણ આમ સાથે રહીને કામ કરતી વખતે આવનારી મુશ્કેલીઓ. અમારી અપંગ પુનર્વસનની કલ્પના એકદમ અન્યોને સમજાશે કે નહિ વગેરે તેમને કહ્યા પછી તેમણે છાત્રાલયની જગા માટે પ્રયત્ન કરવાનું માન્ય રાખ્યું. જગા તેમણે જ અમને સૂચવવી એવી અમે તેમને વિનંતિ કરતાં જ બીજા દિવસે તેમણે જિલ્લાધિકારી કાર્યાલયમાં અમને બોલાવ્યા. મારે ત્યાં આવવાની તકલીફ લેવી નહિ. બીજા કોઈકને મોકલવા એવી સૂચનાય પાઠવી. તેમણે સૂચવેલ જગા જોઈને અમે તાત્કાલિક અરજી કરી. સંસ્થાની સ્થાપનાથી દસ વર્ષ જગા માટે અમારા પ્રયત્ન ચાલુ હતા. પણ પહેલી વખત જ અમારી જગાનો પ્રસ્તાવ મહારાષ્ટ્ર સરકાર સમક્ષ મુંબઈમાં મંત્રાલયમાં ભલામણ સહિત મોકલવામાં આવ્યો.

ઉચગાવની જગા જોવા લાગ્યા. ત્યારે ત્યાં પાસે પૉલિટૅક્‌નિક્‌ કૉલેજનું બાંધકામ ચાલુ હતું. અમે સ્વપ્નાં સજાવવા લાગ્યા. આની બાજુમાં આપણું છાત્રાલય થશે, તો આ કૉલેજ વિદ્યાર્થીઓ માટે આપણે કૅન્ટીન ચલાવીશું. મેસ શરૂ કરીશું. છાત્રાલયના ભોજનનો ખર્ચ આવા સ્વમહેનતના પૈસામાંથી કરીશું. મુંબઈ પ્રસ્તાવ ગયા પછી હું અને દેશભ્રતાર મંત્રાલયમાં ગયા. અંદર જવા માટે પાસ જરૂરી હોય છે. એની મને જાણ ન હતી. મંત્રાલયની બહારથી અંદર ફોન કરીને. હું વ્હીલચેર પર છું અને સંસ્થાની જગાના કામ માટે અંદર આવવું છે, એ મહેસૂલ ખાતાના અન્ડર સેક્રેટરીને કહ્યું. શું આશ્ચર્ય ! ઓળખાણ-પિછાણ ન ધરાવતાં છતાં એ વ્યક્તિએ તાત્કાલિક સિપાહી મારફત ગેટ પર પાસ મોકલાવી દીધા. અંદર તપાસ કર્યા પછી જાણ્યું કે અમારા પ્રસ્તાવ સહિત અન્ય પાંચ સંસ્થાઓના પ્રસ્તાવ ઉચગાવ સ્થિત જગા માટે છે. એ જગા ખૂબ વિશાળ હતી. અમે માત્ર બે એકર માંગી હતી. અનેક જણ પાંચ એકર માંગો, એમ કહેતા હતા. પણ એ જગા પર જે યોજના સાકાર લે. તેના ખર્ચના ૧/૬ રકમ સંસ્થાના નામે બૅન્કમાં હોવી આવશ્યક હતી. અમારી યોજના ૪૪ લાખના બાંધકામની હતી. ૮૦ વિદ્યાર્થીઓને રહેવા માટે આઠ રૂમ, રસોડું, ભોજનાલય. એટલે ઓછામાં ઓછા પાંચ સાત લાખ રૂપિયા અમારી પાસે બૅન્કમાં સિલક હોવા આવશ્યક હતા. મોટી જગા પર મોટી યોજના એટલે વધુ સિલક. આ સાડાસાત લાખ એકઠા કરવાં જ ખૂબ મુશ્કેલ જણાતા હતા. પણ ભગવાનનું નામ લઈને પ્રયત્ન કરતા હતા.

બીજી વાર મંત્રાલયમાં ગયા. તત્કાલીન મહેસૂલ મંત્રી છગન ભુજબળને મળવા. તો બે વખત તે મળ્યા જ નહિ. પછી એક વખત તેમના પી.એ. દ્વારા જાણ્યું કે તે બંગલે છે. થોડી જ વારમાં બહારગામ જવાના છે. મારી સાથે મારો ભાણિયો જાફર હતો. કેવળ તેની ચપળતાને કારણે શ્રી ભુજબળની મુલાકાત થઈ. મંત્રાલયથી મંત્રીના બંગલા સુધીનું અંતર, સમય અને મને ઊંચકવી, વ્હીલચેર ફોલ્ડ કરવી, ટૅક્સી ઊભી રાખીને તેમાં ચડાવવી આ બધું મુશ્કેલ હતું. પણ પ્રયત્ન કરવો આવશ્યક હતો. કારણ ફરીથી કોલ્હાપુર-મુંબઈ પ્રવાસ કરતાં એ સહેલું હતું. અંતે શ્રી ભુજબળના બંગલા પર પહોંચ્યાં. બંગલાને પગથિયાં હતાં. તેથી મને નીચે જ રહેવા દઈને જાફર ઉપર ગયો. બીજી બાજુથી શ્રી ભુજબળ ગાડીમાં બેસવા માટે આવ્યા. રસ્તામાં જ મને જોઈને પૂછપરછ કરી. મેં સંસ્થાની સઘળી માહિતી ફોટો સહિત વર્ણવી. “તમારું કામ ચોક્કસ કરીશ.” કહ્યું. અત્યંત સુંદર હસીને બોલ્યા, કામનાં વખાણ કર્યાં અને નીકળી ગયા. જાફર નીચે આવ્યો. તેની અને તેમની મુલાકાત થઈ જ નહિ. પણ કામ સફળ થયું હતું.

કોલ્હાપુર પરત આવ્યા પછી રજનીને શ્રી ભુજબળ સાથેની મુલાકાતનો અહેવાલ આપ્યો. ત્યારે રજનીએ આનંદના સમાચાર આપ્યા કે એ તેના જાતભાઈ છે. પછી તુર્ત જ તેણે મારી મુલાકાતનો સંદર્ભ આપીને પત્ર લખ્યો. થોડા મહિના પછી મહેસૂલ મંત્રીપદ છોડતાં છોડતાં શ્રી ભુજબળે અમારા જગાના મંજૂરી પ્રસ્તાવ પર સહી કરી. અમારાં સ્વપ્નો સાકાર કરવાની તક અમને આપી. તેમનું ઋણ અમે ક્યારેય ભૂલીશું નહિ.

જગા મંજૂરીનો પત્ર આવ્યો. તે વખતે છાત્રાલય યોજના માટે ભેગા કરેલા પૈસા ગૅસ એજન્સી પાછળ વપરાયા હતા. ગૅસ એજન્સી માટે કરજ મેળવવા અનેક બૅન્કો સમક્ષ અરજી કરતાં ફક્ત રત્નાકર બૅન્કે કરજ આપવાનું સ્વીકાર્યું. આવશ્યક એવા દસ્તાવેજોની પૂર્તતામાં સમય વીતી રહ્યો હતો. મુખ્ય કામ હતું. ચેરિટી કમિશ્નર (પૂણે) પાસેથી કરજ લેવા માટે મંજૂરીનું.

વિનોદ પટેલ તે વખતે પૂણેમાં હતા. સી.એ. કરતા હતા. એ સમિતિ સદસ્ય હતા. તેને કારણે પૂણેનું કામ તેમને સોંપ્યું. હું પોતે દેશભ્રતાર સાથે બે વખતે એ કામ અર્થે પૂણે ગઈ. વિનોદ પટેલની મદદથી કરજ મંજૂરીનો હુકમ મેળવ્યો. ત્યારબાદ કોલ્હાપુરમાં સમગ્ર સમિતિએ સાથે જઈને સહીઓ કર્યા પછી અમને સાડા સાત લાખ રૂપિયાનું કરજ મળનાર હતું. એ પૈસા પહેલાં જ ખર્ચી નાખ્યા હોવાથી ઉચગાવની જગાનો કબજો લેતી વખતે આ જ સાડાસાત લાખ રૂપિયાનું બૅન્ક સર્ટિફિકેટ રજૂ કર્યા પછી ઉચગાવની જગા મળવાની હતી. મુદત પૂરી થવામાં ત્રણ-ચાર દિવસ રહ્યા હતા. એ મુદતમાં બૅન્કમાંની સિલક બતાવીને જગાનો કબજો લેવો આવશ્યક હતો. સહુએ બૅન્કમાં જઈને સહીઓ કરવાની તારીખ નક્કી કરીને બધાને પત્ર મોકલાવ્યા. વિનોદ પટેલને પત્ર મોકલાવ્યો. જે દિવસે અગિયાર વાગે સહીઓ કરવાની હતી. તેના આગલા દિવસે બપોર સુધી વિનોદ આવ્યા નહિ ત્યારે પી.ડી.નો ફોન આવ્યો. વિનોદને જઈને લાવવા આવશ્યક છે. આવશે નહિ તો કરજ મળશે નહિ. એ આવ્યા નથી. એમનો ફોન નથી. પત્ર નથી એનું અમને આશ્ચર્ય લાગતું હતું. ચોક્કસ ગંભીર બીમારી હશે. તેમને દમની તકલીફ હતી. પી.ડી.નું કહેવું હતું કે ફક્ત હું તેને લાવી શકીશ. સમય પર્યાપ્ત ન હતો. પણ ઉપાય ન હતો. ટૅક્સી દ્વારા સાંજે છ વાગે હું. પ્રશિક્ષણ કેન્દ્રના ટેક્‌નિશ્યન્‌ અરુણ લોખંડે, (જે એક પગે અપંગ હતા, પણ મને ઉંચકવી, બેસાડવી, વગેરે સઘળાં કામો કરતા હતા) અને વિશ્રાંતી એ કોલ્હાપુર છોડ્યું. વિનોદને સારું ન હોય છતાંય ટૅક્સીમાં લાવવા અને ટૅક્સીમાં પાછા મોકલવા. એમ નક્કી કરીને હું સવારથી ઑફિસમાં બેઠી હતી. તેમાં આ પ્રવાસ ! પણ ધ્યેય આગળ શરીર તરફ જોઈ રહ્યે ચાલવાનું ન હતું.

રાત્રે બાર વાગ્યે વિનોદના ઘરનું બારણું ખખડાવ્યું. તેમના પિતા બહાર આવ્યા. હંમેશની જેમ ઘરની અંદર બોલાવ્યા નહિ. જમવાની પૂછપરછ કરી નહિ. અન્યથા હંમેશાં આગ્રહપૂર્વક અંદર લઈ જવા, ખવરાવવું-પિવરાવવું, રહેવું. ચિંતન થઈ વિનોદ વિશે પૂછ્યું. એટલામાં તે ય બહાર આવ્યા. “સંસ્થાના કરજની જવાબદારી મારો દીકરો લેશે નહિ. એથી તે આવ્યો નથી.” પિતાનો આ જવાબ સાંભળી અમે અવાક્‌ થયા. અમે તેમને સમજાવ્યા. “જામીનદાર દેવ માણસ સમાન ડૉ. મોહનરાવ ગુણે અને મારો ભાઈ અજીજ હુરજૂક છે. કરજ ભરપાઈ નહિ થાય તો બૅન્ક તેમની પાસેથી વસુલ કરશે. વધુમાં અમને સમિતિ સદસ્યોને વિશ્વાસ છે કે સમયસપર અમે કરજ ભરપાઈ કરીશું.” પણ તેમનો જવાબ હતો. “હું બૅન્કમાં નોકરી કરું છું. મને બધુંય ખબર છે. મારા દીકરાના હાથમાં મારે ભીખનું શકોરુ આપવું નથી. સંસ્થાનું કામ કરવું એટલે પોતાને ભીખ મંગાવવી. આ મને સ્વીકાર્ય નથી...” મેં આ બધું જાણતાં એ વિનોદને પૂછ્યું : “તમારોય વિચાર આ જ છે કે ?” એ સૂનમૂન ઊભા રહ્યા. તેમને પૂછ્યું : “આ પહેલાં તમે પત્ર દ્વારા ફોનથી અમને કેમ ન જણાવ્યું ?” તેનોય જવાબ તેના તરફથી મળ્યો નહિ. સંસ્થાનું છાત્રાલય અને ગૅસ એજન્સીનું સ્વપ્ન તેમના આમ વર્તવાથી તૂટી જશે એનો ખેદ, ચિંતા તેમને નથી. એનું આશ્ચર્ય થયું. સંસ્થાની સફળતામાં, નામના મોટાપણામાં ફક્ત તે સહભાગી થવાના હતા. તેમની બુદ્ધિમતા અનુસાર મેં તેમની કરેલી પરખ ખોટી હતી. અત્યંત સ્વાર્થી, મતલબી નીકળ્યા એ ! સંસ્થાનો કાર્યભાર વ્યવસ્થિત સંભાળી શકશે તેથી હું તેમને મારી સાથે દિલ્હી-મુંબઈ સંસ્થાના કામ માટે અને રમતસ્પર્ધા માટે લઈ ગઈ હતી. તેમની આ આઘાતજનક વર્તણૂકને કારણે મને યાદ આવ્યું કે પોતાની સ્કૉલરશિપના પૈસા સંસ્થાને દાનમાં આપીશ એવું એ ફક્ત બોલ્યા હતા. એ પ્રમાણે વર્ત્યા ન હતા.

એ રાતે ટૅકસીમાંથી જ તેની તરફ જોતાં શ્રીમંત અપંગોની વિચિત્ર મનોવૃત્તિના થયેલ અનુભવથી મનમાં એટલી કડવાશ છવાઈ ગઈ કે આવી વ્યક્તિ સમિતિમાં તો ન જ જોઈએ. પણ સંસ્થાના સભ્ય તરીકે ય રહેવા ન જોઈએ, એમ થયું. તેમને તેવું સ્પષ્ટ રીતે કહેતા પહેલાં મહાપ્રયાસે છાત્રાલય માટે મેળવેલી જગા હાથમાંથી જાય નહિ તેથી ફરીથી એક વખત શાંતિથી વિનંતિ કરી. અક્ષરશઃ પોતાનું અભિમાન બાજુએ મૂકીને વિનવણી કરી કે, “જો દુર્ભાગ્યે સંસ્થા કરજ ભરપાઈ કરી શકશે નહિ અને અને સમિતિ સદસ્યોને પૈસા ભરવાનો વારો આવશે, તો વિનોદ પટેલના ફાળાના પૈસા હું ભરીશ એમ સ્ટેમ્પ પેપર પર લખી આપું, પણ અત્યારે સાથે ચાલ. સહી કર અને પછી ઇચ્છે તો સંસ્થા છોડ...” પણ પિતાનો અને તેમનો દૃઢ નકાર હતો. પિતા વિચિત્ર છે અને તેમની ધાકમાં આખુંય ઘર છે એ જાણ હતી. પણ આ ધાક આટલી પરાકાષ્ઠાએ હોય કે પોતે અપંગ હોવા છતાં અન્ય અપંગોનું ભાવી પોતાને કારણે જોખમાશે એનું ભાન પણ ન થાય ? અંતે તેનું રાજીનામું લઈને રાતે પાણીનું ટીપુંય પીધા વગર અને વિનોદને સાથે લીધા વગર અમે પૂણે છોડ્યું.

અરુણ લોખંડે ગૂસ્સામાં ધૂંધવાઈ રહ્યો હતો. દીદીના વિનવવા છતાં વિનોદે સાંભળ્યું નહિ તેનું એને એટલું દુઃખ થયું કે ટૅક્સી ચાલુ થતાં જ એ રડ્યો. મને અનહદ બેચેન અને તેવામાં ટૅક્સી બગડી. મધરાતે ગામના ગેરેજ બંધ. આડા રસ્તે લઈ જઈને ભયાવહ એવી જગામાં એ ભયાનક અંધકારમાં ટૅક્સી ઊભી રહેતં જ થોડો સમય ભયભીત બન્યા. પણ કલાકમાં ટૅક્સીનું કામ થયું અને પરોઢિયે પાંચ વાગે પી.ડી.ના દરવાજે પહોંચ્યાં. ઘરે જવા જેટલો સમય ન હતો. વિનોદનું રાજીનામું મંજૂર કરીને અને ઠરાવ વગેરે લઈને અગિયાર વાગે બૅન્કમાં પહોંચવાનું હતું.અમારો પૂણેથી ફોન આવ્યો નહિ. તેને કારણે પી.ડી. જાણી ચૂક્યા હતા કે વિનોદ આવવાનો નથી. અમને સમયસર બૅન્કમાંથી પૈસા મળશે નહિ. તેમણે એક રાતમાં પોતાના મિત્ર પરિવારમાંથી વગર વ્યાજની ત્રણ લાખની અને દેશભ્રતારે શ્રી જયવંતરાવ જોશી પાસેથી ચાર લાખની સગવડ કરી હતી. આ સમાચાર મળતાં જ મને હાશ થઈ. ઘરે આવીને નહાઈને, નાસ્તો કરીને, બૅન્કમાં બધા જ ચેક જમા કરીને સમયસર બૅન્કનો દાખલો લીધો અને જગાનો કબજો લીધો. રત્નાકર બૅન્કના પૈસા મળતા થોડો સમય લાગ્યો. પણ ચાર-આઠ દિવસમાં કામ પત્યું. હિતચિંતકોએ આપેલા પૈસા તુર્ત જ આભાર સહિત માર્ચમાં વર્ષ અંતે પરત કર્યા. આ હિતચિંતકોએ અમારા પર વિશ્વાસ દાખવ્યો. માત્ર તે કારણે આજ ઉચગાવના છાત્રાલયમાં સો બાળકો શારીરિક અને માનસિક પુનર્વસન સાથે અભ્યાસ કરી રહ્યા છે.

એક રવિવારે સંસ્થામાં અમે બધાં કામ માટે એકત્ર થયા ત્યારે પી.ડી. દેશપાંડેએ એક ભયાનક સમાચાર આપ્યા. ચૌદ વર્ષના નવમીમાં ભણતા માધવને જબરદસ્ત ઇલેક્ટ્રિક શૉક લાગ્યો. મામાના ઘરની વાસ્તુશાંતિ માટે ગયો હતો ત્યાર ધાબા પર લોખંડના સળિયા દ્વારા પતંગ કાઢતી વખતે શૉક લાગ્યો અને બન્ને હાથપગના ચૂરેચૂરા થઈ ગયા. દવાખાનામાં દાખલ કર્યો છતાં ગેંગરીન થવાથી બન્ને હાથપગ કાઢવાનો નિર્ણય ડૉક્ટરોએ લીધો અને માધવે તેમાં સંમતિ આપી. અર્ધા પૂતળા જેવા દેખાતા એ માધવને પૈડાંવાળી ખુરશી જોઈતી હતી. મેરા હૉટલના શ્રી શરફુદ્દીન કાપડીએ આઠ જ દિવસ પહેલાં વિદેશી બનાવટની સુંદર વ્હીલચેર આપી હતી. એ જ વ્હીલચેર માધવને આપવામાં આવી.

આઠ દિવસ સુધી માધવને મળવા જવાનું સાહસ હું કરી શકી નહિ. કેવળ તેની હાલતની કલ્પના કરતાં શરીર પર રુંવાડાં ઊભાં થઈ જતાં હતાં. ભગવાન અને ડૉક્ટરોએ તેને જીવતો રાખીને શું મેળવ્યું એ સમજાતું ન હતું. કોલ્હાપુરમાં ઑર્થોપિડિક નિષ્ણાત ડૉક્ટરો પાસે તેને લઈ ગયા. તો તેમણે કહ્યું, કાંઈ કરી શકાય એમ નથી. કારણ હાથનું ઠૂઠું ય ન હોવાથી અને કૃત્રિમ પગ પણ સમતુલા સંભાળી શકાય એમ ન હોવાથી કૃત્રિમ હાથ-પગ બેસાડી શકાશે નહિ. સદ્‌ભાગ્યે તે જ વખતે ઑર્થોપિડિક નિષ્ણાત ડૉક્ટરોની અહીં કૉન્ફરન્સ હતી. મુંબઈના ડૉ. ચૌબલ, તજજ્ઞ આવનાર હતા. ડૉ. ગજાનન જાધવને ફોન કરીને માધવનો કેસ જણાવ્યો અને કન્ફરન્સમાં ડૉક્ટરોની સલાહ લેવા વિનંતિ કરી. આપેલ સમયે હું અને દેશભ્રતાર પહોંચ્યા. પણ માધવને લઈને તેમની મમ્મી અને પપ્પા આવ્યા. અંતે દેશભ્રતાર રિક્ષા કરીને તેમની પાસે ગયા અને તેને લઈને આવ્યા. ડૉક્ટરોએ માધવના શારીરિક પુનર્વસનનું કામ મુંબઈના ‘ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ’માં પડકારરૂપ કેસ તરીકે લેવાથી કાંઈક માર્ગ નીકળી શકશે એમ જણાવ્યું. માધવને તાત્કાલિક મુંબઈ લઈ જવાનું નક્કી કર્યું. પણ વળી પૈસા જ મોટો પ્રશ્ન હતો. મેં અને બાએ કેટલીક રકમ તેને મુંબઈ લઈ જવા બાજુએ કાઢી. તે જ અરસામાં ઓગલેવાડીના કમલાતાઈ સોવની સાથે પત્ર દ્વારા પરિચય થયો હતો. કુષ્ટરોગીઓ માટે કાર્ય કરનાર શ્રી ઠકારે મને કમલાબહેનનું સરનામું આપીને તેમને પત્ર લખીને સંસ્થાની માહિતી જણાવવા કહ્યું હતું. તે જ પત્રમાં મેં માધવના પુનર્વસનમાં ખૂબ પૈસાની જરૂર પડશે એમ લખતાં જ તેમણે પૈસા મોકલ્યા. વર્તમાનપત્રમાં ઉપસંપાદકે માધવ પર એક લેખ લખ્યો અને મદદ માટે આવાહન કર્યું. એ વાંચીને બાળમિત્રોથી વૃદ્ધો સુધી અનેકોએ પોતાની શક્યતઃ મદદ મોકલાવી. સહુથી વિશેષ લાગ્યું એ ભીખ માંગીને અને મહેનતમજૂરી કરીને જીવનારા ‘સ્વાધાર કેન્દ્ર’નાં કુષ્ટરોગીઓએ આપેલ પાંચસો રૂપિયાના દાનનું. “અમારા આંગળાં ખરેલા હાથપગ છે. પણ આ માધવને આટલી નાની વયમાં આવું કેવું જીવવું ભાગ્યમાં આવ્યું...” આ સહવેદનાથી એકત્રિત કરેલ એ દાન બહુમૂલ્ય હતું. તેમાંય અમે તેમના કેન્દ્રમાં આવીશું નહિ એ વિચાર સાથે ‘દાન મોકલી આપીએ છીએ’ એમ તેમનો સંદેશો આવતાં જ, અમે ‘ત્યાં આવીને દાન સ્વીકારીએ છીએ’ એમ જણાવ્યું. શિવાજી પાટીલ, દેશભ્રતાર, રજની, પી.ડી. અમે બધા જ માધવને લઈને ગયા. ત્યાં બોલતી વખતે હું અને રજની રડવું ખાળી શક્યાં નહિ. પી.ડી.એ સમજાવ્યું. આમ સાર્વજનિક સ્થળે આવી લાગણી વ્યક્ત કરવી બરાબર નથી.

પી.ડી. જેવું વ્યક્તિત્વ લાખમાં નહિ અનેક લાખોમાં એકાદ જ હોઈ શકે. હંમેશાં શાંત, હસમુખ સ્વર, હું ગમે એટલી ચિંતિત-ગુસ્સે હોઉં અને ફોન પર તેમનો હસતો અવાજ સાંભળું કે મારાં દુઃખ વ્યથા બધુંય દૂર થઈ જાય છે. વચ્ચે ધ્યેયને બાધક એવો વળાંક સંસ્થાને આવતાં મેં સંસ્થા છોડવાની ભાષા ઉચ્ચારી, ત્યારે તેમણે “એક સંસ્થા તમે છોડી, હવે આ સંસ્થા તમે નહિ છોડો. સંસ્થાનું ધ્યેય નહિ સમજનારા સંસ્થા છોડશે. અમે બધાય છીએ. તમે લગીરેય ડગશો નહિ.” એમ મને હિંમત આપી અને સાચ્ચે જ યુક્તિવાદથી, હસતાં, શાંતિથી ડગમગનારી સંસ્થાને સ્થિર, સુદૃઢ બનાવી. ત્યારે આવી સંસ્થાના આધારસ્તંભ એવા પી.ડી.ના સૌમ્ય ઠપકાથી હું અને રજની તે દિવસ શાંત થયાં અને હવેથી આવા સાર્વજનિક સ્થળે આંખોમાં અશ્રુ આવવા દેવા નહિ. એ દૃઢ નિશ્ચય કર્યો.

માધવને લઈને હું, દેશભ્રતાર મુંબઈ ઍડમિટ કરાવવા નીકળ્યા. માધવના મામાને સાથે આવવા કહ્યું હતું, પણ ‘નોકરીને કારણે આવી શકીશ નહિ’ એમ તેમણે કહેવાથી દેશભ્રતારને રજા મૂકવી પડી હતી. હું ક્યાંય જાઉં તો મને બે મદદનીશની જરૂર પડે છે. એક પુરુષ ઊંચકવાબેસાડવા માટે અને એક સ્ત્રી વૈયક્તિક કામ માટે. આ વખતે માધવની માતા સાથે હતી અને માધવ માટે હું અને દેશભ્રતાર રજા લઈને મુંબઈ જઈ રહ્યા છીએ ત્યારે માધવની માતા તેનાં સઘળાં કામો કરે છે, એટલે મારાંય કરશે એમ સાહજિક જ મેં માન્યુ હતું. શારીરિક મુશ્કેલીઓને કારણે હવે હું થ્રી ટાયર દ્વારા પ્રવાસ કરી શકતી નથી. છ થી વધુ માણસો, મોટું ગ્રૂપ હોય તો જ હું થ્રી ટાયર દ્વારા પ્રવાસ કરતી હતી. કારણ કમ્પાર્ટમેન્ટને પડદો લગાવી શકાતો હતો. નાનું ગ્રૂપ હોય તો ફર્સ્ટ ક્લાસમાં પ્રવાસ કરતાં હતાં. બાએ પ્રવાસ માટે ખાસ પડદો સીવી આપ્યો હતો.

પ્રવાસની શરૂઆત થતાં પહેલાં જ સ્ટેશન પર હું અને માધવ એક સ્થળે વ્હીલચેર પર બેઠાં હતાં. ત્યારે એક તદ્દન સાદો માણસ નજીક આવ્યો. તેણે ‘સકાળ’માં લેખ વાંચ્યો હતો. એ માધવની સારવાર માટે પચ્ચીસ રૂપિયા આપવા ઇચ્છતો હતો. એ આપું કે એમ પૂછીને તેણે પૈસા આપ્યા. મને આમ રસ્તામાં પૈસા લેતા સંકોચ થયો. પણ એ સદ્‌ગૃહસ્થની મદદની ભાવના મૂલ્યવાન લાગી અને તે પૈસા મેં લીધા. તેમનું નામ, સરનામુ લખી લીધું. માધવને આ ઘટનાથી ખૂબ અસ્વસ્થતા અનુભવાતી હશે એવી મારી કલ્પના હતી. મને હું અપંગ થઈ તે વખતે આવતાં સ્વપ્નો સાંભળ્યાં. રસ્તામાં લોકો મને પૈસા આપતા હોવાનાં તે સ્વપ્નો હતાં અને ઝબકીને જાગી જઈ હું ખૂબ અસ્વસ્થ થઈ જતી. મેં માધવને સહજ પૂછ્યું, “માધવ, આ માણસ આમ તારી સારવાર માટે પૈસા આપતાં તને કેમ લાગ્યું ?” તો તેનો જવાબ હતો “આનંદ થયો.” હું અપંગ થઈ ત્યારે સોળ વર્ષની હતી અને આ તો માંડ માંડ પંદર વર્ષનો છે. એમ મેં મારા મનને સમજાવ્યું. ‘સકાળ’ વાંચીને નાનાં બાળકોથી વૃદ્ધો સુધીના અનેકોએ મદદ આપ્યાની ચર્ચા કરતી વખતે જાણ્યું કે ઘણા લોકોએ સંસ્થા પાસે પૈસા જમા ન કરાવતાં માધવની માતા-મામાને પૈસા આપ્યા હતા અને આજે એમની સાથે પણ સેકન્ડ ક્લાસમાં માધવના બે મામા મુંબઈમાં સંસ્થા જોવા આવનાર હતા. મનમાં થયું પહેલાં જાણ હોત તો દેશભ્રતારની રજા વપરાવા ન દીધી હોત.

રેલવેમાં માધવને અંદર ચડાવતી વખતે દેશભ્રતારને એને કેવી રીતે ઊંચકવો એ પ્રશ્ન જાગ્યો. મને હંમેશાં તે ઊંચકતા, રેલવેમાં બેસાડતા. પણ ઘૂંટણ હુઠળ અને કમર નીચે હાથ નાંખવાનો હોય તો માધવને કાખ જ ન હતી. એટલે બગલને જોડાયેલા હાથ જ ન હતા. અન્ય લોકોની મદદથી માધવને અંદર ચડાવ્યો. માધવની આવશ્યકતા તરીકે મુંબઈ આવવાની યોજના ઘડી અને રેલવેમાં અમારા બેસતા સુધી અમને તેની કલ્પનાય આવવા દીધી નહી. ત્યારે જ એ સમગ્ર કુટુંબની મનોવૃત્તિની થોડીક કલ્પના આવી.

ગાડીએ ગતી પકડી. હું મનમાંનો રોષ ખાળીને શાંત રહી. માધવના પ્રશ્નો ચાલુ જ હતા. નોનવેજ ગમે છે. મુંબઈમાં એ મળશે કે ? પ્રવાસમાં માધવની મમ્મીએ કોઈ પણ પ્રકારની મદદ ન કરતાં મારું કામ દેશભ્રતારને કરવું પડ્યું. એનો આજેય ખેદ છે. આજેય અનેક અપંગોના પાલક પોતાના પાલ્ય સિવાયનાં અન્ય કોઈકની સેવા કરવા તૈયાર નથી હોતાં એનું દુઃખ થાય છે.

મુંબઈ પહોંચ્યા પછી તેના મામાનો અમને રતીભારનોય ઉપયોગ ન થતાં ઉલટ ત્રાસ જ થયો. ઑલ ઇન્ડિયાની કેન્ટીનમાં નાસ્તા માટે ગયા. આવા સમયે અમારું હંમેશા જ સાદુ અને ઓછા ખર્ચના ભોજન તરફ વલણ હોય છે. અમે મંગાવેલો નાસ્તો માધવને ગમ્યો નહિ. તેને ગમતું તેણે કોઈક મંગાવ્યું અને તેની માતાએ એક શબ્દ પણ કહ્યો નહિ. હારુનમામા ત્યાં આવ્યા હતા. માધવના અને તેની માતાના જમવાના પૈસા સંસ્થા તરફથી ભર્યા. સમાજસેવિકા સૌ. ફર્નાન્ડિઝને મળ્યાં. તેમની પાસે સંસ્થાની જાણકારી હતી જ. માધવના કૃત્રિમ સાધનોની સગવડ અમે દાન મેળવીને કરીશું. ચિંતા કરશો નહિ. એવો દિલાસો તેમણે આપ્યો.

હું અને દેશભ્રતાર સર્વ વ્યવસ્થા કરીને નીકળતી વખતે, ડિસ્ચાર્જ મળ્યા પછી ટ્રેનનું રિઝર્વેશન મામા મારફત કરીને આવવું વગેરે સમજાવીને કહેતા હતા. ત્યારે માધવનો પ્રશ્ન “વિમાનની ટિકિટમાં વળતર મળે છે કે નહિ ? મુંબઈ-કોલ્હાપુર વિમાન છે.” ભગવાને તેના બન્ને હાથ-પગ છીનવી લીધા હોવાથી તેના પ્રત્યેનો રોષ મનમાં રાખીને તેને એક શબ્દથીય મેં દુભાવ્યો ન હતો. પણ તેના આ વાક્યથી અને તેથી ય કુતૂહલપૂર્વક સાંભળી રહેલા માતાના ચહેરા પરના ભાવ જોઈને મારો સંયમ તૂટ્યો. કહ્યું, “અહીં પિકનિક કરવા, મજા કરવા આવ્યો છે તે ? સારવાર માટે આવ્યો છે ને ? લોકોના પૈસે મજા કરવાનો વિચાર કરતાંય શરમ આવવી જોઈએ. આજે લીધેલી મદદ કાલે બમણી પરત કરવાની છે એ ભાવના જોઈએ. મા મહિને સાડા ત્રણસો મેળવે છે અને સંસ્થા, સમાજ ખર્ચ કરે છે. તેથી તું વિમાનનો પ્રવાસ, ઉત્તમ નાસ્તો, મટન વગેરેનો વિચાર કરે છે એ ભૂલ છે. આવતી વખતે મારી જરૂરિયાતને લીધે તને ફર્સ્ટ ક્લાસ દ્વારા લાવ્યા. હું ફર્સ્ટ ક્લાસ અને તમારે થ્રી ટાયર દ્વારા આવવું મને યોગ્ય જણાયું નહિ. પણ પાછા આવતી વખતે તમારે થ્રી ટાયર દ્વારા આવવાનું છે એ ધ્યાન રાખો. પરિસ્થિતિનું ભાન રાખીને માણસે વર્ણવું. અપંગત્વની મૂડી કરીને પૈસા મેળવવા, મઝા કરવી એ યોગ્ય નથી. હું પોતે સંસ્થાના કામ માટે ક્યારેય વિમાન દ્વારા પ્રવાસ કરવાનો વિચાર પણ મનમાં લાવતી નથી.” મારા આ વાક્પ્રહારથી બન્ને મા-દીકરો રડવા લાગ્યાં. તેમને આપેલા પૈસા કરકસરપૂર્વક વાપરો, એમ કહીને બહાર નીકળતી વખતે મને આવું બોલવાનો વારો આવ્યો એનું અનહદ દુઃખ થતું હતું.

પછી મારા તરફથી અહેવાલ જાણ્યો. દવાખાનામાં આવનારા ધનવાન વિઝિટર્સ સામે ‘અમે બન્ને એકલાં જ છીએ...’ વગેરે તે કહેતાં. ‘હેલ્પર્સ’ તેમને ત્યાં લઈ આવ્યા. સમગ્ર ખર્ચ ‘હેલ્પર્સ’ કરે છે. એ કહેતા ન હતાં. આટલી મોટી આફત અને તેમાં એકાકી, પિતા નથી. એને કારણે અનેક જણ તેમને મદદ કરતા. બુદ્ધિથી એ ચાલાક હતો. સારવાર પદ્ધતિમાં લેવી પડતી મહેનતમાં ય એ પાછો પડ્યો નહિ. તેની અંદરની અસાધારણ જીદથી એ કૃત્રિમ પગ પર ઊભો રહ્યો. તેને ત્યાં એક વહીલચેર ભેટરૂપે આપતા હતા. પણ તેને આપેલી વિદેશી બનાવટની સુંદર વ્હીલચેર અમે પાછી લઈ લઈશું એ વિચારે તેમણે એ નકારી. સેંકડો અપંગ વ્હીલચેર વગરનાં હોય ત્યારે તેને મળનારી વ્હીલચેર લઈને અમને વિનંતી કરવાની હતી કે પરદેશી વ્હીલચેર હું વાપરીશ અને મળેલી સંસ્થાને આપો. બીજા અપંગને કામ આવશે. પણ અન્યના વિચારનો અંશ પણ એ મા-દીકરામાં ન હતો. બોલવાનો કોઈ અર્થ નહોતો તેથી હું ચૂપ રહી.

મુંબઈથી મોંમા પેન પકડીને તેણે સુંદર અક્ષરમાં લખેલા પોતાની પ્રગતિના પત્રો વાંચીને લીધેલ શ્રમ સાર્થક થયાનો સંતોષ હતો. માધવ કોલ્હાપુર પાછો આવ્યો. શાળામાં જવા લાગ્યો. શાળાએ સંપૂર્ણ સહકાર આપ્યો. શાળામાં રિક્ષા દ્વારા જવા-આવવાનો ખર્ચ સંસ્થા આપતી હતી. સંસ્થાએ ભવિષ્યમાં તેને ઉપયોગી થઈ પડે તેથી તેના નામ પર પાંચ હજાર રૂપિયા મૂક્યા. મિરજના ડૉ. પાઠક પણ મદદ મોકલવા લાગ્યા. તેણે મોંમાં પેન પકડીને દસમીની શાળાની પરીક્ષા આપી. ફાઈનલ પરીક્ષાના સમયે પણ ‘રાઇટર ન જોઈએ’ કહેતો હતો. પણ સળંગ આટલું લખવાની તાકાત રહેશે નહિ. તેથી અમે જ રાઇટર લેવા ફરજ પાડી. દસમીમાં ૭૮% માર્કસ મળ્યા પછી રોજ અનેક સ્થળે તેનો સત્કાર થયો. તેની આ સફળતા નિશ્ચિત ગૌરવપ્રદ હતી. સંકટથી ભાંગી ન પડતાં એ જીદપૂર્વક જીવતો હતો. બા પણ સાથ આપતી હતી. સંસ્થાએ તેનું ગૌરવ ‘ભરારી’ (ઊંચી છલાંગ) પુરસ્કાર દ્વારા કર્યું.

અગિયારમામાં શાળામાં જવા માટે તેને કપડાં જોઈતાં હતાં. કૃત્રિમ સાધનોના આકાર અનુસાર કપડાં આવશ્યક હતાં. તેથી તેને કપડાં ખરીદવા સારુ પૈસા આપ્યા અને રસીદો લાવવા કહ્યું. તો એ રસીદો ‘ડ્રેસ લેન્ડ’ની મોંઘી, ઊંચી કપડાંની દુકાનની હતી. હું કે પી.ડી. કમાતા હોવા છતાં ક્યારેય ગયા ન હતા કે દુકાનમાંથી માધવની માતાએ એ સઘળી ખરીદી કરી હતી. રસીદો મારા હાથમાં આવી ત્યારે અનુબહેન સામે હતાં. આ આવી મનોવૃત્તિ ધરાવતા લોકોને સમજાવવું મારી શક્તિ બહારનું હતું. આવા સમયે ફક્ત મને ગુસ્સો આવે છે. ચીડ ચડે છે. અનુબહેનને જ તેમને સમજાવવાનું કામ આપ્યું. સમાજનીય ગમ્મત અનુભવી. જ્યારે સારવાર માટે પૈસાની જરૂર હતી. ત્યારે પૂરતી મદદ મળતી ન હતી. પરંતુ હવે માત્ર સત્કારનો વરસાદ પડતો હતો. પરંતુ આવવા-જવા માટેનો રિક્ષાનો ખર્ચ થતો હોવા છતાં ય સફળતા મેળવવા માટે મદદ કરવા કરતાં સફળતા મળ્યા પછી ગૌરવ, એ કેટલાક લોકોનું ગણિત પણ મારે સમજવા સરખું ન હતું. તેના સત્કાર વખતે મને સાથે આવવાનો આગ્રહ રહેતો. બે સ્થળે ગઈ અને પછી માફી માંગી લેતી. કારણ મને કામ કરવા માટેય સમય અપર્યાપ્ત હતો.

પછી દિલ્હી પ્રવાસમાં અને તાજમહાલ જોવા તેને ગ્રૂપ સાથે લઈ ગયા. ત્યારેય માધવ આમ વિચિત્ર રીતે જ વર્ત્યો. અમે ત્યાં રહેવાજમવાની વ્યવસ્થાની ચિંતામાં હોઈએ ત્યારે તેને મટન જોઈએ જ. અન્ય બાળકોના પૈસાથી પોતાની ખરીદી જેવી ય બાબતો તેણે કરી.

ગામડાના અપંગોને સરકારી સગવડ-સવલતોની લગીરેય માહિતી નથી હોતી. એસ.ટી.ના પાસની સવલત ગામડા સુધી પહોંચાડવાને સરકારી દવાખાનાની મદદથી (તે વખતે જિલ્લા સિવિલ સર્જન ડૉ. પાઠક હતા) તબીબી તપાસ કરીને એેસ.ટી. બસના અને રેલવેની સવલતના પાસ આપવાની શિબિર આયોજિત કરી. આ તપાસણીમાં અન્ય આવશ્યકતાઓની નોંધ લઈને પૂર્તતા કરવામાં આવતી. આ શિબિર માટે એટલી વિશાળ નામ-નોંધણી થઈ કે એક વર્ષમાં સળંગ પાંચ-દસ શિબિરો આયોજિત કરવી પડી. એક શિબિર વખત તો નમે ખૂબ તાવ હતો. દવા લેવા છતાંય એકસો બે થી નીચે તાવ આવ્યો નહિ. પણ શિબિર પાછી ધકેલવી શક્ય ન હતી. કાર્યકરો બધા નવા હોવાથી મારે જવું આવશ્યક હતું. તાવમાં ય સવારે આઠથી સાંજના છ-સાત સુધી કામ કરવામાં કોઈ નિરાળો જ આનંદ સમાયેલો હતો.

આમ આવી શિબિરમાંથી જ સંસ્થાને સુજાતા કુલકર્ણી જેવી કાર્યકર-કર્મચારી પ્રાપ્ત થઈ. શિબિરમાં કામોમાં કાર્યકર ઓછા પડે છે. આવા સમયે અપંગ શિબિરાર્થી અથવા તેમના પાલકની પસંદગી કરવામાં આવતી અને તેમને કામો વહેંચી આપવામાં આવતા. સુજાતાએ કામમાં રુચી દર્શાવી. સંસ્થાના વધતા કાર્યમાં વણકુદ્રે જેમના એક પગે પોલિયો હતો, નલવડે જેમના એક હાથે પોલિયો હતો. તેમને વધારે કર્મચારી વર્ગની જરૂર હતી. સુજાતાને દોઢસો રૂપિયા માનદ્‌વેતન આપીને કામે આવીશ કે એમ પૂછ્યું. એ આનંદપૂર્વક આવવા લાગી. પોલિયોને કારણે ચાલતી વખતે તેને એટલી સમતુલા સંભાળવી પડતી કે એ પડી જશે કે કેમ એવી સતત મને બીક લાગતી. પણ સુજાતા ખળખળ હાસ્ય સાથે કામ કરતી. એનું તે હાસ્ય મને ગમતું. પણ ક્યારેક એ કામમાં ભૂલ કરે અને હું બોલતી હોઉં ત્યારે હસે તો મને ગુસ્સો ચડતો. પછી તેના હસવાનું રૂપાંતર રડવામાં થતું. આવા સમયે મને ખૂબ દુઃખ થતું. હવે બન્નેને એકમેકના સ્વભાવની આદત થઈ ગઈ છે. કે.એમ.ટી બસ દ્વારા સ્ટોપ પરથી ક્વાર્ટર સુધી એ કેવી રીતે ચાલતી આવતી, એનું મને હજીય આશ્ચર્ય થાય છે. કમનસીબે આજે માત્ર તેને સંસ્થામાં આવતાં-જતાં દરવાજા બહાર નીકળતાં જ કોઈકના હાથનો ટેકો લેવો પડે છે. બસ દ્વારા ઘરે આવવું-જવું તો અશક્ય જ થયું છે.

સુજાતા નવી હતી ત્યારે તાનાજી ભિવસેકર નામના હાથને પોલિયો થયેલા એક કર્મચારી અને નીતાની ફરિયાદ રહેતી કે સુજાતા બેઠી હોય ત્યાંથી ‘આ આપ, પેલું આપ’ એવા ઓર્ડર આપે છે. સુજાતાને ‘સંસ્થાની ઑફિસ પૂરતી વ્હીલચેર વાપર’ એમ કહેવાની ઇચ્છા થઈ. પરંતુ ‘ચાલતા-ફરનારને દીદી તમે વ્હીલચેર આપશો નહિ’ એ ડૉ. પી. જી. કુલકર્ણીના શબ્દો યાદ આવ્યા. નીતા અને તાનાજીને મેં સમજાવ્યા. “સુજાતાની શારીરિક હાલત જોઈને ‘હેલ્પર્સ’ના કાર્યાલયમાં જો તેને સહકાર મળે નહિ, તો મારા જેવી સંપૂર્ણ વ્હીલચેરમાં જકડાયેલીએ અન્યત્ર નોકરી શી રીતે કરવી...?” પછી હળવે હળવે કર્મચારીઓ સમજાતું ગયું.

એક વખત વણકુદ્રે, અભિજિત વગેરે મારી સાથે ખાનગી વાત કરવી છે કહીને વણકુદ્રેના ઘરે મને લઈ ગયા. છાયા પણ ત્યાં હતી. ત્યાં બધાંએ જે કહ્યું, તેથી હું ઊંઘમાંથી જાગી ગયા જેવી થઈ. કામના નશામાં, નોકરી સંભાળીને કાર્ય કરતી વખતે એકબીજા સાથે વાત કરવા - સંપર્ક માટે સમય મળતો ન હોવાથી વધતી જતી ગેરસમજનું એ ભયંકર પરિણામ હું જોતી હતી. સહુની ફરિયાદ હતી દેશભ્રતાર અને નીતા માટેની. એ બન્ને સંસ્થામાં રહેશે તો સંસ્થાની પ્રગતિમાં અવરોધ આવશે. એટલી પરાકાષ્ઠાએ તેમના વિચાર ગયા હતા. સાચું તો એ હતું કે, સંસ્થાનું કાર્ય દેશભ્રતાર-નીતાની મદદથી ઝડપી પ્રગતિના પથ પર ચાલી રહ્યું હતું.

સંસ્થાની કેન્ટીનના ઓર્ડર પછી સંસ્થાએ ખરીદ કરેલ, પણ વધેલી સામગ્રી બે ઑર્ડર્સમાં વચ્ચે ખાસ્સો સમય રહેતો હોવાથી ઠંડુ થાય નહિ તેથી તે હું નીતાને આપતી હતી અને તેના પૈસા સંસ્થામાં જમા કરતી હતી. પણ આ બધાએ હિસાબ બતાવો એમ કહેવાનું સાહસ ન કરતાં. એ સઘળી સામગ્રી દેશભ્રતાર કુટુંબ લે છે. એવી ગેરસમજ કરી લીધી. ઉપરાંત સ્વચ્છતા, શિસ્ત જેવી બાબતોમાં નીતા અને દેશભ્રતાર બધાં પર ચિડાતાં, એનો તેમને રોષ હતો જ. પરંતુ ગુસ્સે થવાની સાથે જ પ્રત્યેકના ખાવા-પીવા તરફ ઘણી વખત સ્વખર્ચે તે જાતે, મારાથીય વધુ ધ્યાન આપતા હતા એ પેલા વધતી વયનાં બાળકો સમજી શક્યાં ન હતાં. મેં તેમને સમજાવ્યા. પણ સંસ્થામાં આવા જૂથ નિર્માણ થશે કે કેમ, એ વિચારે મનમાં ફડક પેઠી. અન્ય સંસ્થા જેમ જ આપણી સંસ્થામાં પણ ઝઘડા થઈને સંસ્થાના વધતા કાર્યમાં અવરોધ તો નહીં આવેને એમ લાગ્યું. પણ સદ્‌ભાગ્યે આ બેઠકની આગેવાની લેનાર વણકુદ્રેનો સ્વાર્થ તુર્ત જ ખુલ્લો પડ્યો અને તેને અમે સંસ્થામાં આવવાની મનાઈ કરી. સંસ્થાને બગાડનાર કીડા સમયસર દૂર કરવામાં આવ્યા.

સમય જતાં નીતા સાથે આ ગ્રૂપને એટલું સરસ ફાવવા લાગ્યું કે એક વખત આ કાર્યકર કર્મચારીઓ હું અને દેશભ્રતાર સતત તેમની સાથે કામ કરતાં હોવા છતાંય અમને બાકાત રાખીને નીતાને લઈને હૉટેલમાં જમવા ગયા. અનેક વર્ષોની કામની ઘરેડમાંથી ક્યારેક ચોક્કસ બહાર જવાનું અમને ય ગમ્યું હોત. પણ અમે નોકરીના સ્થળે હોઈએ ત્યારે અમને પૂછ્યા વગર અમને મૂકીને આ બધાં ગયાં, એનું થોડા દિવસ ખૂબ દુઃખ થયુ હતું. આપણે આટલા સમરસ થઈને કાર્યકરો સાથે કામ કરતાં હોઈએ ત્યારે તેમણે આપણને ટાળ્યા એનું તે દુઃખ હતું. પણ પછી મનને સમજાવ્યું કે કદાચ અમે વયે મોટાં હોવાને કારણે તેમને અમે અડચણરૂપ લાગતાં હોઈશું.’ ત્યાર બાદ તેઓ મજા કરી શકે તેથી તે બોલાવે છતાં જવું નહિ એવું મેં મનોમન નક્કી કરી નાખ્યું.

સંસ્થાની ઑફિસમાં રવિવારે કામે આવવાને બહાને એક અપંગ તરુણી આવતી હતી. સંસ્થા દ્વારા જ તેના પગ પર શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. સહુકોઈ ઘરે ગયા પછી એ રાજીવ સાથે બગીચામાં અને અન્યત્ર ફરવા જતી. તેની માતાને બોલાવીને કહ્યું કે આમ ફરવું યોગ્ય નથી. તો કહ્યું, “રાજીવ પર વિશ્વાસ છે.” અમારું કહેવું હતું, પહેલા ભણો, પોતાના પગ પર ઊભા રહો અને પછી લગ્ન કરો... પણ ચર્ચાનો વિષય થઈને પોતાની અને સંસ્થાની બદનામી કરશો નહિ. કાંઈ ખરુંખોટું ન થાય એ માટે રાજીવના ઘરે ય વાત કરી હતી. પણ તેમની વર્તણૂકમાં બદલાવ આવ્યો નહિ. પછી નિરુપાયે બન્ને માટે સંસ્થામના દરવાજા બંધ કરવા પડ્યા.

અપંગ તરુણ-તરુણીઓનાં લગ્ન થાય, તેમનો ય સંસાર સજાવવામાં આવે એમ અમને લાગતું. તે માટે સૌ રજનીના નેતૃત્વ હેઠળ વિવાહ મંડળ ચલાવવાની શરૂઆત થઈ. આ વિભાગ પૂર્ણપણે રજનીએ સંભાળવો. તેમાં હું જોડાઈશ નહિ, એ મેં રજનીને કહ્યું હતું. છતા ચંદવાણી હોલમાં યોજાયેલ વધૂ-વર સંમેલનમાં રજની અને પી.ડી.ના આગ્રહને કારણે હું સહભાગી બની. પણ મારા મનની ભીતિ સાચી નીવડી. મારી નોકરી, પાર, ફ્લૅટ અને ભાઈઓની આર્થિક સ્થિતિને કારણે કેટલાંય માગા આવતાં હતાં. તેમાં ઉમેરો થયો. એકે તો ગજબ કર્યો. એટલો વિચિત્ર પત્ર લખ્યો કે એ પત્ર, વિવાહ મંડળની સ્ટેશનરી, રજિસ્ટર ફાઇલ વગેરે સઘળું મેં રજનીના ઘરે મોકલાવી દીધું અને હવેથી આ કાર્ય સંસ્થાના કાર્યાલયમાં ચલાવવાના બદલે રજનીના ઘરે કરવું એમ સૂચવ્યું. રજનીએ પણ આનંદપૂર્વક તે સ્વીકાર્યું.

એક આવો જ અનહદ અપંગત્વ ધરાવતો અને વ્હીલચેર સાથે જકડાયેલો શ્રીમંત તરુણ સંસ્થામાં આવતો હતો. યુવતીઓ સાથે ગપ્પાં મારવાં, કામ ન કરવું એ તેનું વૈશિષ્ટ્ય હતું. એક વખત તેને ‘રજની પાસે જઈને નામ નોંધાવ’ કહ્યું તો કહે “ના ! અહીં જ તાર સંધાય છે કે નહિ જોઉં છું...” મને તેનો એટલો ગુસ્સો આવ્યો કે મેં કહ્યું, “અમારી યુવતીઓ રસ્તામાં નથી પડી... ગાડીમાં ફેરવીને, હૉટેલમાં જમાડીને છોડી દેવા માટે એ નથી. અમારી યુવતીઓ તરફ આદરપૂર્વક જોવું હોય તો જ હવેથી સંસ્થામાં આવજો, નહિ તો સંસ્થાના દરવાજા આવા માટે બંધ હોય છે.” ત્યારબાદ એક-બે વર્ષ એ આવ્યો નહિ. વળી એકાકી હોવાથી આવવા લાગ્યો. પછી અમે તેને છોકરાઓ સાથે પ્રવાસે લઈ ગયા. સમુદ્રના સાન્નિધ્યમાં એ સઘળું ભૂલી ગયો. નિસર્ગ સાથે તાર જોડ્યા. ત્યારબાદ અનેકવાર સંસ્થાને આર્થિક મદદ પણ કરી. આવશ્યક સામગ્રી પણ આપી. આજે એ અમારો સારો મિત્ર છે.

એક અપંગ તરુણની બાબતમાં ઊલટું જ બન્યું. વારંવાર કહ્યા છતાંય તેની વર્તણૂક સુધરી નહિ. પછી એ અપંગ તરુણીના માતા બનવાના ચિહ્‌નો દેખાવા લાગતાં મારી પાસે આવીને રડવું, મૃત્યુ સિવાય આરો નથી, વગેરે નાટકો કરવામાં આવ્યા. હું ય તે નાટકમાં ફસાઈ. તે વખતે સંસ્થાનો એક મોટો કાર્યક્રમ હતો. પણ એક નહિ, બે જીવ બચાવવા માટે અને પેલી અપંગ યુવતીના જીવનની ફજેતી થાય નહિ તેથી તેમને લઈને હું દેશભ્રતાર અને રજની નરસોબાની વાડીએ ગયાં અને ત્યાં તેમનાં વ્યવસ્થિત લગ્ન કરાવી આપ્યાં. એ અપંગ તરુણના માતા-પિતાને પોતાનો દીકરો અપંગ યુવતી સાથે પ્રેમની રમત કરે તો વાંધો ન હતો. પણ લગ્ન કરીને આણેલી અપંગ વહૂ ઘરમાં જોઈતી ન હતી. એટલે તેમણે તેઓને ઘરમાં લીધાં નહિ. પછી રજનીએ તેમની તત્પૂરતી સગવડ કરી આપી. તે બન્નેને ઘરમાં લે તેથી કાર્યક્રમમાં આવેલા દેસાઈકાકાને લઈને હું યુવકના પિતા પાસે ગઈ છતાં તેમણે સગર્ભા એવી પોતાની વહુનો સ્વીકાર કર્યો નહિ. ઊલટું ‘કાલે તેનાં બીજા લગ્ન જાતિની છોકરી સાથે કરાવી દઈશ.’ એમ કહેવા લાગ્યા. હાર માનીને અમે પાછાં વળ્યાં. અંતે મેં મારા સ્વભાવ અનુસાર તેમને સંસાર સજાવવા માટે આર્થિક મદદ કરી. પણ તે આર્થિક મદદને આધારે તેમણે લગ્ન બાદ આટલા વહેલા બાળક થાય તો લોકો, સમાજ, સગાવ્હાલા શું કહેશે એટલે યુવતીની માતાના આગ્રહવશ, જન્મનાર એ બાળકને, માતાના જીવનનો ભય હોવા છતાં મારી નાંખ્યું. પોતાના મનની પોતાની ઇજ્જત કરતાંય છુપાવીને મેળવેલી ઇજ્જત કેટલાકને પ્રિય હોય છે. અંતે આપણે જ મૂર્ખ. એટલે મેં આ પ્રકરણમાં ધ્યાન આપવું બંધ કર્યું. પછી એ તરુણને એક સ્થળે નોકરી મળી. પણ નોકરીમાં પણ ગરબડ કરવાને કારણે તેને છૂટો કરવામાં આવ્યો. આપણે સંસ્કાર આપવામાં ઊણા નીવડ્યા, એનો ખેદ અનેક દિવસ મારા મનમાં ખૂંચાતો જ રહ્યો. કારણ છેક નાનપણથી આ બાળકોને મેં પોતાનાં માન્યાં હતાં. પછી મેં પ્રગતિપથ પર અભિમાનપૂર્વક, ઇજ્જતપૂર્વક આગળ વધતાં અન્ય બાળકો તરફ જોઈને તેને ભૂલવાનો પ્રયત્ન કર્યો.

પ્રકાશ સંસુદ્દી નામના તરુણ પૅરાપ્લેજિકને વ્હીલચેર પરથી કેમ જીવવું એ મેરી વૉનલેસ હૉસ્પિટલમાં અનેક મહિના શીખવ્યું હતું. એ સ્વતંત્રપણે પોતાની લોટની ઘંટી ચલાવવા લાગ્યો હતો. તેનો સંસાર ફરીથી રસ્તે લાગ્યો હતો. એનો ખૂબ જ સંતોષ હતો. પણ આજે એ આ દુનિયામાં નથી. એની પત્ની સમર્થપણે વ્યવસાય સંભાળી રહી છે.

સંસ્થાના વધતા કાર્યમાં સલાહકાર સમિતિમાં ડૉ. સુનીલકુમાર લવટે, ડૉ. મોહનરાવ ગુણે, દીક્ષિત સાહેબ, શિવાજીરાવ પાટીલનો સહકાર વધતો હતો. રામદાસ સોનવણેએ ડિસ્ચાર્જ મળ્યો હતો. તેને ક્યાં રાખવો એ પ્રશ્ન ખડો થયો. ત્યારે મોટાં ભાઈ ભાઈજાનને ફલેટ અલ્પ ભાડેથી લઈને તેમં પ્રશિક્ષણ કેન્દ્ર સાથે રામદાસને રાખીને એ પ્રશ્ન ઉકેલ્યો. સંસ્થાના ચંદવાણી હૉલમાં યોજાયેલ એક કાર્યક્રમમાં સાંસદ સદાશિવરાવ મંડલિક આવ્યા ત્યારે તેમને જિલ્લા પરિષદમાં રામદાસને ગ્રામસેવકની નોકરી મળી રહે એ માટે વિનંતિપત્ર આપ્યો. ત્યારબાદ રામદાસને લેખિત પરીક્ષાનો કૉલ આવ્યો. પૂણેમાં પરીક્ષા હતી. હું એક પ્રવાસમાં અને બહાર રહેવાને ટેવાઈ ગઈ હતી. પણ રામદાસની બાબતમાં શું થશે એમ થતું હતું. સુજલાબહેનને ફોન કરીને તેમના ઘરે વ્યવસ્થા થઈ શકશે કે કેમ પૂછ્યું. તેમના ઘરે કમોડ હતો. તેમણે સ્વીકૃતિ આપ્યા પછી એ પરીક્ષામાં જઈ આવ્યો. પાસ થયો અને તેને નોકરીનો કૉલ પણ આવ્યો. મારું જીવન સાર્થક થયા જેમ મને લાગ્યું. કારણ મારા જેવા એક પૅરાપ્લેજિકનું સર્વાંગી પુનર્વસન કરવામાં અમને સમયળતા મળી હતી. પણ નિમણૂકનો પત્ર હાથમાં હોવા છતાંય એની વ્હીલચેર જોઈને એને નોકરી પર હાજર કરતાં ન હતા. ત્યારે મારે તેમના સાહેબ પાસે જાતે જવું પડ્યું. પછી એને લેવામાં આવ્યો. ત્યારબાદ રહેવાને મોટું ક્વાર્ટર મળ્યું. આટલા મોટા ઘરમાં ફક્ત બે જણ રહેતાં હતાં. મને જમવા બોલાવી ત્યારે હું ગઈ. પગારમાંથી તેણે મને સાડી લઈ આપી. આવી ભેટો હું સ્વીકારતી નથી. પણ તેને નકારવું અશક્ય થયું. તેના આનંદમાં મારો આનંદ હતો.

પાંચ એપ્રિલ, ૯૪નાં રોજ રામદાસે મુલાકાત માટે લખેલ તેનું આ મનોગત.

હું શ્રી રામદાસ હરી સોનવણે. નગર જિલ્લાના સંગમનેર તાલુકાના સાવરગામ, ધુળે ગામનો યુવાન છું. અત્યંત કંગાલિયતભરી પરિસ્થિતિ હોવા છતાંય એસ.એસ.સી. (૭પ %) પછી મહાત્મા ફૂલે કૃષિ વિદ્યાપીઠમાં કૃષિ પદવી અભ્યાસક્રમ (૭ર %) પૂર્ણ કર્યો. પરંતુ ઝીરો બજેટને કારણે સરકારી નોકરભરતી બંધ હોવાથી અને ખાનગી ઠેકાણે પ્રયત્ન કરીનેય નોકરી ન મળવાથી અને ઉદરનિર્વાહ માટે મજૂરી સિવાય છૂટકો ન હોવાથી મજુરી કરવા લાગ્‌. મજૂરીનું કામ કરતાં જ કમનસીબે શુક્રવાર ૩૦ જૂન ૮૯નાં રોજ ક્રૉંક્રીટ મશીનનો એક વજનદાર ભાગ મારી પીઠ પર પડ્યો. તે જ ક્ષણે મારી કમરથી નીચેનો ભાગ લૂલો પડીને સંવેદનહીન થયો. અપંગત્વ આવ્યા પછી માત્ર ઓગણીસ દિવસે એટલે ૧૯ જુલાઈ ૮૯ના રોજ મારી જિલ્લા પરિષદ, નગરમાં ગ્રામ સેવક તરીકે નિમણૂક થયાનો આદેશ આવ્યો. પરંતુ અપંગત્વને કારણે હાજર થઈ શક્યો નહિ. કોન્ટ્રાક્ટર અને સગાવ્હાલાઓએ પૂણે પ્રવરાનગર મુકામે મારા પર દીર્ઘકાળ તબીબી સારવાર કરી. પરંતુ પથારીમાં પડી રહેવા સિવાય છૂટકો ન હતો. સગાવ્હાલા, મિત્રો મદદ કરતા હતા. પરંતુ જીવનમાં નૈરાશ્ય આવ્યું હતું. ના હોય તે ખરાબ વિચાર મનમાં ઘોળાતા. માણસ તરીકે મારું જીવન પૂરું જ થયું હતું. જીવનનો સંપૂર્ણ ઉમંગ જતો રહ્યો હતો. આંખો સામે ફક્ત કાળું ગાઢ અંધારું દેખાતું હતું.

આવી રીતે અનિચ્છાએ જીવન જીવી રહ્યો હતો ત્યારે જ ‘હેલ્પર્સ ઑફ ધ હેન્ડિકેપ્ડ’ના અધ્યક્ષા નસીમાદીદીની આકાશવાણી પૂણે કેન્દ્ર પર ૭ માર્ચ ’૯રના રોજ મુલાકાત સાંભળી. સંસ્થાનું સરનામું ય પૂરું સાંભળ્યું ન હતું. સંસ્થાના નામે કોલ્હાપુર પત્ર લખીનો મારી સંપૂર્ણ પરિસ્થિતિ જણાવી. તુર્તજ સંસ્થાએ મને પૂરું સરનામું આપીને માતા સહિત સંસ્થામાં આવવાની સલાહ આપી. મિત્રો અને સગાવ્હાલાઓએ પૈસા એકઠા કરીને ૩ ઓગસ્ટ ૯રના રોજ મને સંસ્થામાં લાવ્યા. તુર્તજ દીદીએ મને ડૉ. સાતવેકર પાસે મેરી વૉનવેલસ હૉસ્પિટલ કોલ્હાપુર મુકામે તબીબી સારવાર માટે દાખલ કર્યો.

દવાખાનામાં સારવાર લેતો હતો ત્યારે સંસ્થાના પદાધિકારી કાર્યકરો, કર્મચારીઓ દર્દીને મળવા આવતા. તેમના એ પ્રેમાળ વર્તન, સહકારને કારણે અમને અમે અમારા આપ્તજનથી ૪૦૦ કિ.મી. દૂર છીએ એવું ક્યારેય લાગયું ન હતું. સહુકોઈ વખતોવખત સહુને માર્ગદર્શન આપતા હતા. મુખ્યત્વે હું ઉપકૃત્ય છું એ દીદીના કાર્યથી. પોતે સૌથી વધુ અપંગ હોવા છતાં તે જો આટલાં કાર્ય કરે છે તો હું પણ જીવનમાં એક માણસ તરીકે ચોક્કસ જીવી શકીશ, એવો આત્મવિશ્વાસ પહેલી વખત જાગ્યો.

અમારી દુર્દશાભરી પરિસ્થિતિ ધ્યાને લઈને દીદીએ મારા તેમજ બાનાં જમવાનો, કપડાંનો અને બીજો બધો ખર્ચ પોતાના પગારમાંથી ઉઠાવ્યો. તેમનો આ ઉપકાર હું જીવનભર ભૂલી શકીશ નહિ. તેમનું કુટુંબ પણ મને અને બાને તેમનાં જ કુટુંબના વ્યક્તિ માનીને આત્મિયતાપૂર્વક આદરથી વર્તે છે.

સંસ્થાની આર્થિક મદદ, સહુનો સહકાર તેમજ સર્વેએ આપેલ માનસિક આધાર તથા ડૉ. સાતવેકરના પ્રયત્નોથી મારી શસ્ત્રક્રિયા સફળ થઈ. મારી પીઠમાંથી રૉડ કાઢવામાં આવ્યો. રૉડ કાઢ્યા પછી મને વ્હીલચેર પર બેસતાં ફાવવા લાગ્યું. પીઠ દુખાવાની જે હેરાનગતી હતી. તે ય બંધ થઈ. મને ફરવા માટે આવશ્યક એવી વ્હીલચેર સંસ્થાએ મફત આપવાથી બાહ્ય વિશ્વમાં ફરવું શક્ય બન્યું. આજ સમયે પ્રાદેશિક ગૌણ સેવા પસંદગી મંડળ, પૂણેની ગ્રામસેવક પદ માટે જાહેરાત આવ્યા બાદ સંસ્થાએ મારી અરજી પણ મોકલાવી હતી.

તબીબી ઉપચાર પૂર્ણ થયા પછી ઓગસ્ટ ૯૩માં મને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યો. પછી સંસ્થાએ મારા આર્થિક પુનર્વસન માટે પ્રયત્ન શરૂ કર્યા. મને અને બાને રહેવાને સંસ્થાના વ્યાવસાયિક પ્રશિક્ષણ કેન્દ્રમાં મફત જગા ઉપલબ્ધ કરાવી આપી. હું ત્યાં જ સંસ્થાની ગૅસ એજન્સીમાં નોંધણી માટે આવનારા નવા ગ્રાહકોની નોંધણીનું કામ કરવા લાગ્યો. તેને કારણે મને કામ કરવાની આદત થઈ.

સદ્‌ભાગ્યે મને પ્રાદેશિક ગૌણ સેવા પસંદગી મંડળ, પૂણે તરફથી ૧૬ સપ્ટેમ્બર ૯૩માં ગ્રામસેવકના ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યો. સંસ્થાએ એક મદદનીશ પૂણે જવા માટે સાથે આપ્યો. દીદીને કારણે પૂણેમાં શ્રીમતી સુજલાબહેન નિત્સુરૂને ત્યાં અમારી ઉત્તમ વ્યવસ્થા થઈ અને ઇન્ટરવ્યૂ સરસ રીતે આપી શકાયો. મારી સરકારી સેવામાં અપંગો માટે રાખવામાં આવેલી અનામત જગા પર નિમણૂક થાય તેથી દીદી, શ્રી દેશભ્રતાર સર, શ્રી પી.ડી. દેશપાંડે સરે વ્યક્તિગત કોલ્હાપુર જિલ્લાના તત્કાલીન પાલકમંત્રી સદાશિવરાવ મંડલિકને મળીને પ્રયત્ન કર્યા. તેમના પ્રયત્નો સફળ થયા. મારી કોલ્હાપુર જિલ્લા પરિષદમાં ગ્રામસેવક તરીકે નિમણૂક થઈ ને શેંડાપાર્ક મુકામે હાજર થવાનો આદેશ મળ્યો.

નોકરીનો આદેશ મળ્યો, પરંતુ એ મારી ખરી પરીક્ષા જ હતી. કારણ રહીશ ક્યાં? શું કરીશ ? જેવા એક નહિ અનેક પ્રશ્નો સામે હતા. પરંતુ દીદી જાતે મારી સાથે શેંડાપાર્ક આવ્યાં. તેમના ઓળખીતા શ્રી દેવલાપૂરકરે તેમની પાસે પૂરતી જગા ન હોવા છતાં મારી અને બાની રહેવાની સગવડ કરી. તેમની આ માણસાઈ હંમેશાં સ્મરણમાં રહેશે.

ત્યારબાદ હું ૧૮ ઑક્ટોબર ૯૩નાં રોજ રૂબરૂ કામ પર હાજર થયો. શેંડાપાર્ક કુષ્ટ ધામના અધિક્ષક ડૉ. ભોમાજે મારું અપંગત્વ જોઈને મને રહેવાને સરકારી ક્વાર્ટર ઉપલબ્ધ કરાવી આપ્યું. કાર્યાલયના બધા જ અધિકારી અને સાથીઓ મને સહકાર આપે છે અને મારી સાથે પ્રેમપૂર્વક વર્તે છે.

આ રીતે ‘હેલ્પર્સ ઑફ ધી હેન્ડિકેપ્ડ, કોલ્હાપુર’ સંસ્થાના સંપર્કમાં આવવાને કારણે મારા સંપૂર્ણ જીવનને જુદો જ વળાંક મળ્યો. સમાજમાં હું માનભેર જીવવા લાગ્યો છું. મારા જીવનની જે ખાનાખરાબી થઈ હતી તે બદલીને સંસ્થાએ મને જીવનમાં ફરીથી ઊભો કર્યો છે. જો સંસ્થા સાથે સંપર્કમાં આવ્યો ન હોત તો હું આજેય પથારીમાં રિબાતો પડ્યો હોત અને ખતમ થયો હોત. આવી સંસ્થાને કારણે મને ફાયદો થયો છે. આવો ફાયદો અન્ય અપંગ બાંધવોને થાય, એ માટે હું સંસ્થાને શક્યતઃ મદદ કરતો રહેવાનો છું. હા, એ મારું કર્તવ્ય જ છે !

એક દિવસ હું ઑફિસમાં કામ કરતી હતી. ત્યાં જ રામદાસની બા દોડતી દોડતી મારી પાસે આવી અને ‘રામદાસનું યૂરિન પાસ થવાનું બંધ થયું છે. એને દવાખાનામાં ડૉ. સાતવેકર પાસે લઈ ગયા છે. તમે ચાલો’ કહેવા લાગ્યા. ટેબલ આટોપીને સાહેબને કહીને અને દેશભ્રતાર માટે સંદેશો મૂકીને હું તેમની સાથે જ બહાર નીકળી. દવાખાનામાં તેનો ‘એક્સ રે કાઢો’ કહેવા છતાંય એ એક્સ-રે રૂમની બહાર જ હતો. હું ડૉ. સાતવેકરને મળતાં જ તેમણે સમગ્ર સ્ટાફને ઝડપથી સૂચના આપીને એક્સ-રે, સ્કેનિંગ કરીને તેને તાત્કાલિક ઑપરેશન થિયેટરમાં લીધો. બ્લેડરમાં સ્ટોન્સ થયા હતા. ઑફીસ છૂટતાં જ દેશભ્રતાર પણ મેરી વૉનલેસમાં આવ્યા.

એટલામાં વધુ એક ઘટના બની. રાતે દસ વાગ્યે ઑફિસના સિપાહીનો સંદેશો આવ્યો કે ઑફિસના એક સહકાર્યકર શ્રી ભોઈને ફૂડ પોઈઝનિંગ થવાથી ડૉ. સંભાજી પાટીલને ત્યાં દાખલ કર્યા છે અને તે વિચિત્ર વર્તન કરે છે. તેમનાં પત્ની અમને બોલાવી રહ્યાં છે. આ ભોઈ, હું સંસ્થાનું ગમે તે કામ, ગમે ત્યારે તેમને કહું તો હંમેશા તત્પરતાપૂર્વક કરતા. ક્યારેય ના કહેતા નહિ. રામદાસને હમણાં જ ઑપરેશન થિયેટર બહાર લાવ્યા હતા. તેની બધી વ્યવસ્થા કરીને અમે ડૉ. પાટીલના દવાખાને ગયા. તો ભોઈને જોઈને, થોડા કલાકોમાં માણસ ક્યાંથી ક્યાં પહોંચી જાય એનો અનુભવ થયો. એ અર્ધ બેભાન હાલતમાં હતા. કોઈને ઓળખતા ન હતા. ડૉક્ટરો સાથે ચર્ચા કરી. તેમને ક્યાંક ખસેડવા જોઈએ કે કેમ પૂછ્યું. તેમણે જણાવેલ નિષ્ણાત ડૉક્ટરને ફોન કર્યો. એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી. પણ તેમને ખસેડવામાં જોખમ છે એમ ડૉક્ટરે કહ્યું. નિષ્ણાત ડૉક્ટર ત્યાં જ આવ્યા. શ્રી ભોઈની હાલત થોડી સુધર્યા પછી દેશભ્રતાર મને ઘરે મૂકી ગયા અને તે પોતાના ઘરે ગયા. તે વખતે રાત્રિના બાર વાગી ગયા હતા.

બીજા દિવસે રામદાસની નોકરીના સ્થળે તબીબી પ્રમાણપત્ર, રજાની અરજી લઈને આપી અને વિનંતી કરી કે નોકરી લાગતાં જ બે મહિના પૂરા થયાં પહેલાં એક-બે મહિનાની રજા લેવાને કારણે તે રામદાસની ફાઇલ પર કાંઈક નોંધ લખીને નવો કર્મચારી લે નહિ. ડૉ. સાતવેકર પોતેય તેમને ફોન કરીને એ કામ પર ચોક્કસ હાજર થશે એમ જણાવ્યું અને તે મુજબ રામદાસ ફરી કામ પર હાજર પણ થયા. રામદાસના સદનસીબે સાહેબ સારા મળ્યા. શ્રી ભોઈ માટે સ્ટાફ વેલ્ફેર ફંડમાંથી પૈસાની વ્યવસ્થા કરી. થોડા સમયમાં તે ય સાજા ગયા. કામ પર હાજર થયા અને તેમણે બધા પૈસા પણ ચૂકવ્યા. એ વેલ્ફેર ફંડ આજ બંધ થયું છે એનો ખેદ છે.

રામદાસે એક વર્ષ વ્યવસ્થિત નોકરી કરી. પહેલા પગારમાંથી અડધો પગાર તેમણે સંસ્થાને દાનમાં આપ્યો. પછી દર મહિને સંસ્થાને સો રૂપિયાનું દાન તે આપતા હતા. હું દિલ્હી સંસ્થાના કાંઈક કામ નિમિત્તે ગઈ હતી. તે સમયે દિવાળી હતી. રામદાસને નોકરી અને મોટું ઘર મળ્યા પછી તેની બહેનો, ભાણિયા વગેરે સગાવ્હાલા તેની પાસે આવવા લાગ્યા. મને મનોમન આશ્ચર્ય થયું, કે આટલા દિવસ એટલે લગભગ એક વર્ષ કરતાંય વધુ સમય કોઈ પણ દવાખાનામાં આવી શક્યું નહિ. હવે આ બધા કેવી રીતે આવે છે ? દુર્દશાભરી પરિસ્થિતિને કારણે ઘણાખરા સંબંધોય ભૂલવા પડે છે.

હું દિલ્હી ગઈ અને રામદાસની બહેને દિવાળીના તહેવારમાં તેને પોતાના ઘરે આવવાનો આગ્રહ કર્યો. તેથી રામદાસ રજા મૂકીને ગામ ગયો. મને ખબર હોત તો મેં રજા લેવા દીધી ન હોત. બહેનોને જ અહીં કોલ્હાપુરમાં બોલાવી દિવાળી ઊજવવાની સલાહ આપી હોત. પણ હું દિલ્હીથી પાછી આવું તે પહેલાં જ રામદાસ ભગવાનને ઘરે ગયાનો તાર આવ્યો. વાત જાણવા મળી તે એમ હતી કે બહેનના ઘરે તેને તાવ આવ્યો. પણ ખૂબ સોજાઈ ગયા અને બે દિવસમાં એ ગયો. યૂરિન ઇન્ફેક્શન કેટલું ભયંકર હોય છે એની મને જાણ હતી. રામદાસ પહેલા સંસ્થા દ્વારા સારવાર કરેલા પાંચ-છ પૅરાપ્લેજિક પેશન્ટ ઘરે પોતાના ગામ ગયા પછી છ-આઠ મહિનામાં નિધન પામ્યાના સમાચાર આવ્યા હતા. એક રામદાસ તો જીવવાનું શીખ્યો એમ લાગતું હતું. પણ બધું વ્યર્થ. ભગવાને મને જ પૅરાપ્લેજિક બનાવીને આટલાં વર્ષ કેમ અને કેવી રીતે જીવંત રાખી છે એનું મનોમન આશ્ચર્ય છે. રામદાસને ભૂલીને સંસ્થાના કામમાં મેં પોતાને ડુબાડી દીધી. ફરીથી કોઈક પૅરાપ્લેજિકના પુનર્વસનનું કામ સ્વીકારવું નહિ એ વિચાર મનમાં સતત આવતો હતો. કારણ આટલી મહેનત, આટલો ખર્ચ કર્યા પછી હું જીવતી હોઉં ત્યારે અન્ય પૅરાપ્લેજિક મરી જાય એનું અનહદ દુઃખ થતું. આ દુઃખ તે ગયાનું હતું કે હું હજુય જીવતી કેમ છું એનું હતું એ હજુય મને સમજાતું નથી. રામદાસની માતાને સરકાર પાસેથી રપ-૩૦ હજાર રૂપિયા મળ્યા. સંસ્થાને હજુય અવારનવાર તે દાન મોકલાવે છે.

ફલટણના ડૉ. મંજિરી નિમકર અમારા કાર્યથી પ્રભાવિત થયા હતા. તે શસ્ત્રક્રિયા માટે અને કૃત્રિમ સાધનો માટે દાન સામે ચાલીને મોકલતા હતા. એક વખત અમારી સંસ્થાનું ટ્રેઈનિંગ સેન્ટર શરૂ થતાં પહેલાં બેલગામની અપંગ સંસ્થાને અમે કેલિપર્સનો ઓર્ડર આપ્યો. ઓર્ડર આપીનેય ઘણા દિવસ કેલિપર્સ મળ્યાં નહિ. બેલગામની સંસ્થા પાસે તપાસ કરી. ત્યારે તેમની પાસેના ટેકિનશિયન નોકરી છોડીને પરદેશ જવાના છે પણ તે પહેલાં અમારાં બાળકોનાં કેલિપર્સ તે પૂરાં કરશે એવું આશ્વાસન પણ મળ્યું. અમને ‘નાસઓ’ બે-ત્રણ વર્ષે ટ્રાઇસિકલ્સ અને વ્હીલચેર્સ મફત પૂરાં પાડતી હતી. તે માટે નિર્ધારિત નમૂનામાં અરજી, રસીદો, આવકના દાખલા, તબીબી પ્રમાણપત્ર, ફોટો વગેરેની પૂર્તતા કરવી પડતી હતી. બેલગામની સંસ્થાને પણ આ યોજનાનો લાભ લેવાની ઇચ્છા હતી. તેમણે અનેક અરજીઓ કરી હતી. પણ તેમને હકારાર્થી જવાબ મળ્યો નહિ. હું મુંબઈ સંસ્થાના કામ નિમિત્તે જતી વખતે બેલગામના સેક્રેટરીએ - જે મારી બહેનપણી હતી - મને વિનંતી કરી કે હું ‘નાસીઓ’ના અધિકારીઓને - શ્રીમતી ન.મા. ભટને - બેલગામ સંસ્થાને મફત કૃત્રિમ સાધનો આપવા સંદર્ભે વિનંતિ કરું. તે મુજબ ન.મા. બહેન સાથે વાત કરી. ત્યારે તેમણે કહ્યું, “તું તે સંસ્થાની સભ્ય હો અને બધા જ દસ્તાવેજોની પૂર્તતા તારી સહીથી કરવાના અધિકાર એ સંસ્થા તને આપતી હોય, તો હું તેમની અરજી મંજૂર કરીશ. કારણ દસ્તાવેજોની પૂર્તતા અનેક જણ યોગ્ય પદ્ધતિથી કરતાં નથી અને સરકાર તરફથી મળેલ અનુદાનમાં પછી એ રકમ ખર્ચ પેટે નાંખી શકાતી નથી. પછી પત્રવ્યવહારમાં ઘણો સમય જાય છે અને બધાને તેની તકલીફ થાય છે. સમયમર્યાદામાં સરકારને ખર્ચના હિસાબ મોકલવાના હોય છે.”

ત્રણ-ચાર વર્ષથી આવા દસ્તાવેજોની પૂર્તતા યોગ્ય પદ્ધતિથી મેં કરી હોવાને કારણે ન. મા. બહેનને મારા પર વિશ્વાસ હતો. એ વિશ્વાસને કારણે તે આમ કહેતા હોવા છતાં બેલગામની સંસ્થાને એ કેટલું ગમશે એમ મને લાગતું હતું. પણ મારો પત્ર જતાં જ તેમણે મને કૃત્રિમ સાધનો મેળવવાના કામે સઘળા વ્યવહાર કરવાના અધિકાર લેખિત મોકલાવ્યા.

અમારી ‘હેલ્પર્સ’ પાસે ય તે વખતે કૃત્રિમ સાધનો માટે મોટી પ્રતીક્ષા યાદી હતી. તેને કારણે ‘હેલ્પર્સ’ના ખર્ચે મુંબઈ જવું, પત્રવ્યવહાર વગેરે બધું કરવું અને તે યોજનાનો લાભ ‘હેલ્પર્સ’ના લાભાર્થીઓને આપવા એમ નક્કી થયું. તે પ્રમાણે અમે અમારા લાભાર્થીના દસ્તાવેજોની પૂર્તતા કરીએ છતાં બેલગામથી પૂર્તતા થઈ નહિ. તેમને ફોન કરવા છતાંય કામ થયું નહિ. પણ ન. મા. બહેનને મેં જે વચન આપ્યું હતું... યોગ્ય સમયે દસ્તાવેજોની પૂર્તતા ન થવાથી ‘નાસીઓ’નું તેટલી રકમનું અનુદાન વ્યર્થ ગયું હોત. ચોક્કસ રકમ કાંઈ અત્યારે યાદ આવતી નથી. પણ સિત્તેર હજારથી વધુની તે રકમ હશે. છેવટે પી.ડી.ને પૂછીને બેલગામ સંસ્થાના લાભાર્થીઓના દસ્તાવેજોની પૂર્તતા આપણે જ કરવી. એમ ઠરાવ્યું. તેમને તે પ્રમાણે ફોન પર સંદેશો મોકલાવ્યો અને હું, ડૉ. છાયા દેસાઈ, અભિજિત વગેરે બેલગામ ગયા. બેલગામમાં ઑર્ડર આપેલા કૅલિપર્સનું કામ હજુ સુધી પૂરું થયું ન હોવાથી એ કામ ક્યાં સુધી આવ્યું છે તે પણ જોવું હતું.

અમે બેલગામ પહોંચ્યા. તે દિવસે તેમની સભા હતી અને તેમાં ખાસ્સી ગરમાગરમ ચર્ચા થઈ હોવી જોઈએ. અમે અમરા કામમાં મગ્ન હતા. કામ પૂરુ થતાં જ નીકળવાનું હતું. બીજા દિવસે ઑફિસે પહોંચવાનું હતું. અમે બપોરના જમણનો ડબ્બો સુધ્ધાં અમારી સાથે લઈ ગયાં હતાં. આ આમ કરવાની આદત દેશભ્રતારે પાડી હતી. એ આદતના અનેક લાભ હતા. આપણા જવાને કારણે બીજાઓને તકલીફ થતી નથી. સમયસર જમી શકાય છે. બહારનું ખાઈને તબિયત બગાડવાનો બીક નથી રહેતી અને પૈસાની બચત થાય છે. બેલગામ સંસ્થા પહેલા મને મારી જ સંસ્થા લાગતી હતી. આ વખતે ય ત્યાંના અપંગ અને કોલ્હાપુરના અપંગ મારી દૃષ્ટિએ અલગ ન હતા. કેટલાક ઓળખીતા લોકોએ સામે ચાલીને સંસ્થા વિશેની કેટલીક માહિતી મને આપી હતી. બહેનપણી હોવા છતાંય આ બાબતમાં આપણે દખલ કરવી નહિ. એમ નક્કી કરીને હું કાંઈપણ બોલ્યા વગર કોલ્હાપુર પાછી વળી અને સાંભળેલું બધું ભૂલી પણ ગઈ. રજનીને ય વાત કરી નહિ. ‘હેલ્પર્સ’ સાથે સંકળાયેલી બાબતોની જ ચર્ચા કરી.

બેલગામના કૅલિપર્સ બનાવનારા ટેકિનશિયન શ્રી સમુદ્રે મૂળ મિરજના. અમારાં બાળકોનાં કૅલિપર્સ ફિટિંગ માટે તેમને કોલ્હાપુર બોલાવ્યા હતા. તે વખતે તેમણે કહ્યું કે આ કામ પૂરું થતાં જ તે બેલગામ સંસ્થાની નોકરી છોડવાના છે. બે મહિનામાં તેમનો વીસા આવ્યા પછી તે ગલ્ફમાં નોકરી માટે જવાના છે. વચલા ગાળામાં અમે વ્યવસ્થા કરી આપીએ તો એ અમારા બાળકોને કૅલિપર્સ બનાવવાનું કામ શીખવશે. આ અરસામાં ‘અમારે કૅલિપર્સ-ટૅકનિશિયનની આવશ્યકતા છે. ‘નાસીઓ’માંથી ભણીને આવેલાઓનાં નામ-સરનામા મને મોકલો’ એવું હું નમાબહેનને લખનાર છું એમ બેલગામ સંસ્થાના સેક્રેટરી સમક્ષ બોલી, તો ‘તે જ પત્રમાં અમારેય સંસ્થાઓ માટે ટૅકનિશિયન્સ જોઈએ છે, એવો પત્ર મેં પી.ડી. દ્વારા લખાવીને નમાબહેનને મોકલ્યો હતો.

શ્રી સમુદ્રેનો પ્રસ્તાવ મેં સમિતિ સમક્ષ રજૂ કર્યો. શસ્ત્રક્રિયા થયેલા બાળકોની બાબતમાં તાત્કાલિક કૅલિપર્સ ન મળવાથી પગની છૂટી પાડેલ શિરા ફરીથી જકડાઈ જવાનો ભય રહે છે. આવું બે બાળકોની બાબતમાં થયું હતું. આવું થાય એટલે પૈસા, સમય અને સહન કરેલ વેદના બધું વ્યર્થ જાય છે. આને કારણે સમિતિએ ભાઈજાનના ફ્લૅટમાં ટ્રેઇનિંગ સેન્ટર શરૂ કરીને તેમાં કૅલિપર્સ બનાવવાનું નક્કી કર્યું. આઠ દિવસમાં જનવાડકર કાકા અને ડૉ. મોહનરાવ ગુણેએ પચાસ હજારની યંત્રસામગ્રી મેળવી આપી અને અમારું ટ્રેઇનિંગ સેન્ટર શરૂ થયું. અરુણ લોખંડે માટે બાપુસાહેબ વાલાવલકર સમક્ષ મેં જ વિનંતી કરી કે અરુણને તેમની સેવામાંથી મુક્ત કરો. કૅલિપર્સ બનાવવાનું પ્રશિક્ષણ અમે તેને આપવાના છીએ. તેમણે આનંદપૂર્વક અરુણને નોકરીમાંથી મુક્ત કર્યો.

અમારો બીજો પ્રશિક્ષણાર્થી હતો રાજેન્દ્ર ચૌહાણ. રાજેન્દ્ર ચૌહાણ ચિકોડીનો. આઠમામાં ભણતો હતો ત્યારે એક પગ આખોય સડી ગયેલો અને બીજો પગ ઘૂંટણથી ન હતો. એવી અવસ્થામાં આવેલો. વર્ષભર ડૉ. સાતવેકર તેના પગના જખમ સાજા કરવાનો પ્રયત્ન કરતા હતા. મેં કંટાળીને ‘જખમ સાજા થતા નથી, તો પગ જ કાપી નાંખો’ કહેતાં જ તેમણે મને સમજાવી. ‘મનુષ્યના શરીરનું કોઈ પણ અવયવ આપણે જીવિત કરી શકતાં નથી. તદ્દન છેવટના ઉપાય તરીકે જ આવા અવયવ કાઢવાના હોય છે.’ પણ દોઢ વર્ષ પછી ડૉ. સાતવેકરે હાર સ્વીકારી અને તેને મુંબઈ લઈ જઈ પગ કાઢવાની સલાહ આપી. અત્યાર સુધી મુંબઈના હાજી અલીમાં આવેલ ‘અખિલ ભારતીય વિકલાંગ ચિકિત્સા કેન્દ્ર’ના ડાયરેક્ટર સાથે પૂર્ણ પરિચય થયો હતો. અમારા પેશન્ટને તે તાત્કાલિક દાખલ કરી લેતા. રાજેન્દ્રનેય તેમણે દાખલ કરી લીધો. હંમેશની જેમ મામાનો સહકાર હતો જ. રાજેન્દ્રનો બીજો પગ દફન કરતી વખતે તેના પિતાનું રુદન જોઈને મામાનું મન પણ હચમચી ગયું.

રાજેન્દ્ર ઘણા મહિના મુંબઈમાં રહ્યો. એનો બધો ખર્ચ સંસ્થાએ કર્યો. પાછો આવ્યો એ બન્ને કૃત્રિમ પગ પર ઊભા રહીને જ ! તેને જોઈને અત્યંત સંતોષ થયો. મુંબઈથી પાછા આવતાં જ તેને કૅલિપર્સ બનાવવાનું કામ શીખવ્યું. આટલા દિવસથી તેના જમવા-રહેવાનો ખર્ચ પણ અમે જ કરતા હતા. હવે એને સ્ટાઈપેન્ડ આપવા લાગ્યા. એ ભાઈજાનના ફ્લેટ ‘આત્મારામ’માં જ રહેવા લાગ્યો. રસોઈ બનાવીને જમવા લાગ્યો. મહેનતની ભાખરી એ ખાતો હતો અને હું તૃપ્ત થતી હતી. સમય જતાં પ્રશિક્ષણ કેન્દ્રનો વિસ્તાર થયો. રાજેન્દ્રને મળનારી રકમમાં વધારો થયો. વધુ પૈસા ઘરે મોકલાવાને બદલે ગુટકા ખાવા લાગ્યો. દારૂ પીવા લાગ્યો. તેને અનેક વાર સમજાવ્યો. ગુસ્સે થઈ અને છેવટે તેને તેના ગામે મોકલી આપ્યો. તેનો ક્ષમાયાચનાનો પત્ર આવ્યો. એના ગામમાં જ એ પાનપટ્ટીની દુકાન શરૂ કરવા ઇચ્છે છે. આર્થિક મદદ કરો. તેના પિતાએ પણ સાખ આપી. પછી વૈયક્તિક રકમમાંથી તેને પાછા આપવાની શરતે આર્થિક મદદ આપી. આ પૈકીની થોડી રકમ એણે પાછી આપી. બાકીના મેં જતા કર્યા. વચ્ચે સંસ્થામાં કાંઈક કામ નિમિત્તે એ આવ્યો હતો. ઉત્તમ પ્રકારે નહિ, પણ તેનું સારું ચાલી રહ્યું છે.

અમે અમને જોઈતા કૅલિપર્સ, કાખઘોડીઓ પોતાના પ્રશિક્ષણ કેન્દ્રમાં બનાવવા લાગ્યા. હવે અમારે બીજાઓ પર આધાર રાખવો પડતો નથી. વધુ પૈસા ખર્ચ થતા ન હતા. એના સંતોષ સાથે દિવસો પસાર થઈ રહ્યા હતા અને બેલગામથી રજિસ્ટર પૉસ્ટ દ્વારા એક પત્ર આવ્યો. આઘાતજનક એ પત્ર હતો. બેલગામ સંસ્થાના અધ્યક્ષનો એ પત્ર હતો. તેમના દ્વારા આ આવો પત્ર...! પત્ર ઇંગ્લિશમાં હતો. મેં એ સાચવી રાખ્યો છે. પત્રનું લખાણ આમ હતું...

‘અમારો ટેક્‌નિશિયન તમે ભગાડી ગયા. તે માટે બેલગામ લાભાર્થીઓનાં દસ્તાવેજો તૈયાર કરાવવાને બહાને તમે અહીં આવ્યા. બેલગામ સંસ્થાને ઘાતક એવું વર્તન તમે કર્યું છે. મહારાષ્ટ્ર બહાર રાજ્ય સ્તરે પોતે કાર્ય કરી રહ્યા છે. એ દર્શાવવા તમે આમ કર્યું છે.’

આ અધ્યક્ષ દારૂ પીતા હતા એ ખબર હતી. પણ આમ નશામાં તેમણે પત્ર લખ્યો છતાં સેક્રેટરીએ તેમને એ મોકલવાની શી રીતે પરવાનગી આપી ? કે એ ય બેલગામ સંસ્થા માટે જગા મેળવવા માટેના મારા સહકારને ભૂલી ગઈ ? એ સંસ્થા અને કોલ્હાપુરમાં પ્રથમ સ્થપાયેલી સંસ્થા એ જોડિયા બહેનો છે. એક મારાથી દૂર થઈ. છતાં બેલગામની બીજી સંસ્થા મારી જ છે. એમ સતત કહેનાર મારી બહેનપણીએ પત્રની મારી પર શી અસર થઈ, એ પૃચ્છા કરતો પત્ર પણ ન લખ્યો અથવા ફોન પણ ન કર્યો. અન્યથા બેલગામ સંસ્થામાંથી એટલા લાંબા સમય સુધી એ ફોન પર ગપ્પા મારતી કે મને અને રજનીને તેનું આશ્ચર્ય થતું. નવાઈની વાત એ હતી કે એ પત્રની નકલ તેમણે રજનીને પણ મોકલાવી.

તેના પ્રત્યુત્તર રૂપે ‘નાસીઓ’ને ટેક્‌નિશિયન સંદર્ભે લખેલા પત્રની તેમ જ ‘નાસીઓ’ કેમ્પ બેલગામ સંસ્થા વતી મારે કરવો, એવા બેલગામ સંસ્થાએ આપેલા પત્રની ઝેરોક્ષ પ્રત જોડીને મેં તેમના એ પત્રનો જવાબ પાઠવ્યો. પણ સંસ્થામાં ઘણ વાગી રહ્યા હોય એમ થતું હતું. એ પત્રના શબ્દ ફેરફુદરડી કરતાં આંખ સામે નાચી રહ્યા હતા. શરીરની માંદગી સામે હું ક્યારેય હાર માનતી નથી. પણ મનની માંદગી આ વિશ્વાસઘાતના આઘાતથી હું કેટલાય દિવસ પથારીમાં રહી. ત્યાર પછી થોડા દિવસો બાદ એ બહેનપણી કહેવડાવનારનો ફોન કાંઈક કામ નિમિત્તે આવ્યો. ત્યારે હું તેને ઓળખતી નથી એમ કહ્યું. એ કોલ્હાપુર આવવાની છે કહેતાં જ મેં તેને સંભળાવ્યું કે “તું આવીશ તો ય હું તને મળીશ નહિ અને તું મારા ઘરે આવીને મારી બાને તકલીફ આપતી નહિ.” એનું કારણ મારી અપંગ બહેનપણીઓ આવે કે તેમને નહાવાનું, પાણી આપવાથી માંડી જમવાઊંઘવાની વ્યવસ્થા કરવા સુધીનાં સઘળાં કામ બા પોતાને સંધિવાની તકલીફ હોવા છતાંય હસતાં હસતાં, એક શબ્દ પણ મને કહ્યા વગર, દુભાવ્યા વગર કરતાં હતાં. ક્યારે ક્યારેક બા અને ઘરનાઓને આવો ત્રાસ આપતી વખતે હું પોતાને અપરાધી માનતી. એક વખત તો અજીજના ખાસ આમંત્રિત મહેમાનો આવવાના હોવાથી બનાવેલી ખાસ રસોઈ, આ બેલગામ સંસ્થાના લોકોએ કહ્યા વગર આવવાથી તેમને જમાડીને, ફરીથી બીજી સાદી રસોઈ બનાવીને બાએ અજીજના એ ખાસ અમંત્રિત દોસ્તોને જમાડ્યા હતા. મને નોકરી લાગ્યા પછી હું બહાર જમવા જાઉં છું એમ ક્યારેક કહું તો ય આ ચાલતું રહેશે. ‘તમને બહાર જવામાં હેરાનગતી છે.’ આમ કહીને અનેક વખત ઓચિંતા બેલગામવાળાઓ માટે બા-ભાભી, બહેનોએ રસોઈ બનાવી હતી. આટલાં વર્ષોનાં અનેક સુખદ સ્મરણો ભૂલી જઈને તેણે લખેલ તે પત્ર યાદ આવ્યો કે આજેય મારા સંવેદના ધરાવતા શરીરમાં ઝાળ ફેલાઈ જાય છે.

ત્યારબાદ મને અનેક પુરસ્કાર મળ્યા. ત્યારે બેલગામ સંસ્થાને મારો સત્કાર કરવાની ઇચ્છા થઈ. તેવો તેમનો પત્ર આવ્યો. ત્યારે તે પત્રનો મેં જવાબ મોકલ્યો નહિ. બહેનપણીનો ફોન આવ્યો. ત્યારે કહ્યું, ‘એ પત્ર દ્વારા મારો સત્કાર કર્યો, એટલું પૂરતું નથી કે ? હવે બેલગામ બોલાવીને કયો દાયજો મને આપવાની ઇચ્છા છે ?’ માણસની નિરાશા, ગુસ્સાના આવેગમાં ભૂલ થાય એ મનેય સમજાય છે. પણ ભૂલ સમજાયા પછી તેમણે લેખિત માફી માંગીને પછી મૈત્રીનો હાથ લંબાવવો જોઈતો હતો. મને રોષ હતો એ તેમણે માફી માંગી નહિ એનો. ત્યારબાદ તે અધ્યક્ષ ખૂબ માંદા પડ્યા અને અમારી બહેનપણીએ બોલાવી ત્યારે રોષ વીસરી જઈ પૂર્વેની મૈત્રી યાદ રાખીને હું તેમને પી.ડી. અને રજની સાથે દવાખાનામાં મળીય આવી. આજેય એ બહેનપણી છે. પણ પ્રેમની એ ભીનાશ અને ભાવનામાં ગૂંથાઈ રહેવા જેટલો સમય પણ નથી હોતો.

ગૅસ એન્જસી મંજૂર થઈ અને એ શરૂ કરવા માટે કઈ કઈ પૂર્તતા કરવી આવશ્યક છે એની ચોકસાઈ કરવા હું અને દેશભ્રતાર અમે મુંબઈ ગૅસ એજન્સીના મુખ્ય કાર્યાલયમાં ગયાં. ત્યાં અમારા હાથમાંનો એજન્સી મંજૂરીનો પત્ર જોઈને પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો, “કેટલા લાખ ખર્ચ કર્યા આ એજન્સી મેળવવા માટે ?” અમે હસીને સંસ્થાના અહેવાલ બતાવીને કહ્યું, “અમને દાન લેવાની આદત છે. આપવાની નહિ !” ત્યારબાદ માહિતી મેળવવામાં અમારે સાંજ પડી. માહિતી પણ હતી. ‘લોકો રહેતા હોય એવી વસ્તીમાં ચોક્કસ ક્ષેત્રફળનો શૉ રૂમ જોઈએ. લોકવસતિથી દૂર ગોડાઉન જોઈએ. ગોડાઉનની ચારેબાજુ ચોક્કસ જગા ખુલ્લી રાખવી જોઈએ.’ માહિતી મેળવીને કોલ્હાપુર પાછાં વળ્યાં અને શૉ રૂમ માટે જગા જોવાની શરૂઆત કરી. રાજારામપુરી ઇત્યાદિ સ્થળે જગા થોડી સસ્તી હતી. પણ સંસ્થાના કાર્ય સાથે અમારા કાર્યકરો માટે એજન્સીનું કામ સંભાળવું મુશ્કેલ બન્યું હોત. આ માટે તારાબાઈ પાર્કમાં જ શૉ રૂમ લેવા ઠરાવ્યું. સદ્‌ભાગ્યે કોલ્હાપુર મુકામે યોજાયેલ અપંગ ક્રિકેટસ્પર્ધાનું ઉદ્‌ઘાટન જેમના હસ્તે થયું હતું તે બાબાસાહેબ પાટણકરનાં જ તારાબાઈ પાર્કમાં દુકાનગાળા આપવાના હતા. ભાવમાં થોડીક સવલત થઈને સરળતાથી શૉ રૂમ માટે બે દુકાન ગાળા સંસ્થાના નામે ખરીદવામાં આવ્યા. સંસ્થાની માલિકીની એ પ્રથમ મિલકત હતી. અર્થોપાર્જનના ક્ષેત્રમાં અમારું એ પ્રથમ ડલગું હતું.

શૉ રૂમ સાથે જ ગોડાઉન માટે જમીન જોવાની શરૂઆત કરી. અઠવાડિયામાં ચાર પાંચ વખતે જગા જોવા જતા હતા. નિયમમાં બેસનારી જગા જોવામાં છ મહિના વિત્યા. જમીનનો કબજો મેળવીને તેની પર વિશિષ્ટ પદ્ધતિનું ગોડાઉન બાંધીને એક વર્ષની અંદર ગૅસ એજન્સી શરૂ ન થાય. તો હાથમાંનો મંજૂરીપત્ર રદ થતો હતો. માથા પર સમયની લટકતી તલવાર લઈને, નોકરી સંભાળીને જમીન શોધી રહ્યા હતા. અંતે એક જગા ટેંબલાઈ પાસે મળી. સરકારી નિયમમાં એ બંધ બેસશે એમ અમને લાગ્યું. ગૅસ એજન્સીના અધિકારીઓને ‘એ જગા આવીને જુઓ અને મંજૂરી આપો એટલે ખરીદીની કાર્યવાહી કરીએ.’ જણાવ્યું. પણ તેમના તરફથી કાંઈ જ જવાબ આવ્યો નહિ. અંતે એ જગા બીજા કોઈ લે નહિ તેથી અને તે વખતનાં ગૅસ એજન્સીના કોલ્હાપુરના પ્રતિનિધિ, જે ક્યારેક જ ઑફિસ સમય દરમ્યાન મળતાં, તેમણે એ જગા જોઈ હતી. તેથી અમે કરાર કર્યો. માલિકને પૈસા આપ્યા. સ્ટેમ્પડ્યૂટી પણ ભરી અને જગાનો કબજો લઈ બાંધકામ ચાલુ કરતા હોવાની કંપનીને જાણ કરી.

આ બધું નક્કી થઈ રહ્યું હતું ત્યારે જ અચાનક કંપનીના અધિકારી કોલ્હાપુર આવ્યા. તેમને જગા બતાવવા હું અને પી.ડી. ગયા. ગાડીમાં સંસ્થાની માહિતી વર્ણવતાં પી.ડી.એ ‘ભરારી’ (ઊંચી છલાંગ) સ્મરણિકાનો અંક તેમને બતાવવા માટે આગળ ધર્યો. તેના મુખપૃષ્ઠ પર બન્ને હાથ પગ વગરના મોંમાં પેન પકડીને લખનારા બાળકનું અને પગમાં કૅલિપર્સ પહેરીને ઝુલા પર ઊભા રહીને ઊંચા હીંચકા ખાઈ રહેલા બાળકીનું ચિત્ર હતું ! ત્યારે વંને ઝાટકીએ તે પ્રમાણે એ સ્મરિકા તેમણે ફગાવી અને રુક્ષ સ્વરમાં કહ્યું, “તમારા આ અપંગ કલ્યાણકાર્ય સાથે મારો કાંઈ સંબંધ નથી. માત્ર એજન્સી વિશે વાત કરો. બીજું કંઈ નહિ.” હું અને પી.ડી. એ અપમાન ગળી ગયાં. જગાએ પહોંચતાં સુધી સ્તબ્ધ જ રહ્યા. ત્યારબા તે અધિકારીઓએ સાફસાફ એ જગા નામંજૂર કરી. બધા પૈસા પાછા મેળવી એગ્રિમેન્ટ ર કરવામાં ખૂબ જ મહેનત ઉઠાવવી પડી. તે વખતે યા આવે છે અજીજ રજાઓમાં મસ્તકથી કોલ્હાપુર આવ્યો હતો. હું ઑફિસમાં નોકરીના સ્થળે હતી ત્યારે આજ રીતે શૉ રૂમ મંજૂરી માટે અચાનક કંપનીના અધિકારી આવ્યા. ત્યારે ઑફિસમાંથી નીકળવું મારા માટે શક્ય ન હોવાથી મેં અજીજને તે અધિકારીઓ સાથે મોકલ્યો. અજીજ ક્યાં નોકરી કરે છે. એ તે અધિકારીઓએ પૂછ્યું, દર ત્રણ મહિને એ મસ્તકથી કોલ્હાપુર આવે છે. એ તેમણે જાણ્યું અને અજીજને આ કામે મોકલવામાં મારી ભૂલ થઈ એમ મને થયું.

ગૅસ એજન્સીની મંજૂરી મળતાં જ સર્વપ્રથમ અમે ગોડાઉન માટે શિરોલી સ્થિત ઔદ્યોગિક વસાહતમાં જમીન મેળવવા માટે અરજી કરી હતી. એક સ્થળે ગોડાઉન અને ભવિષ્યમાં ત્યાં જ અપંગ વ્યાવસાયિક પ્રશિક્ષણ કેન્દ્ર શરૂ કરવાના વિચાર સાથે સરકાર સમક્ષ વીસ હજાર ફૂટ જગાની માંગણી કરી હતી. પણ જગા મંજૂરીમાં ખૂબ સમય પસાર થાય છે અને ત્યાં સુધીમાં એજન્સી શરૂ કરવાની મુદત પૂરી થશે. એવી ભીતિને કારણે ખાનગી જમીન ખરીદ કરી હતી. એમ.આઈ.ડી.સી.ની જગા ઝડપથી મળે તેથી ઉદ્યોગ ભવનમાં ઉપર આવેલા કાર્યાલયમાં સૌ નીતા શ્રી દેશભ્રતાર અને હું જઈ આવ્યા હતા. પણ કોલ્હાપુરથી કાગળો મુંબઈ કાર્યાલયમાં ગયા પછી ત્યાંથી મંજૂરી આવશે એમ કહેવામાં આવ્યું હતું.

અમે ખરીદ કરેલ જગા કંપનીએ નામંજૂર કરતાં જ હું તાબડતોબ મુંબઈ પહોંચી. એમ.આઈ.ડી.સી.ની ઑફિસમાં જવા માટે તૈયાર થઈને નીકળી. નીકળતાં પહેલાં ફોન કર્યો હતો. ત્યારે ખબર પડી કે સંબંધિત અધિકારી શ્રી પઠાણસાહેબ વિમાન દ્વારા દિલ્હી જવાના છે. ‘તુર્તજ આવો તો તેમની મુલાકાત કરાવી આપીશ.’ એમ તેમના અંગત સચિવે જણાવ્યું. લિફટ પાસે આવી તો લિફ્ટ બંધ. પાંચ માળ વ્હીલચેર સાથે સાંકડા દાદરા પરથી વળાંક પર વ્હીલચેર આખી ઊંચકવી પડે. પણ આ ભગીરથ કાર્ય બહેન રેહાના, તેની દીકરી અને સાથે આવેલા મદદનીશ અરુણ લોખંડેએ કર્યું. તેમણે મને વ્હીલચેર સહિત નીચે લાવી બતાવી. મને નીચે ઊતારતાં જ મનમાં ભય હતો. નીચે લાવનારાઓને તો કાંઈ થશે નહિ ને ? સહુ કોઈ પરસેવે તરબતર થયા હતા. ભાઈસાબ ઘણી વખત પોતે ટૅક્સીમાં ઑફિસે જઈ ગાડી મારા માટે મુકતા. તેને કારણે ગાડી દ્વારા તદ્દન સમયસર અમે એમ.આઈ.ડી.સી.ના મુખ્ય કાર્યાલયમાં પહોંચ્યા. તદ્દન થોડાં પગથિયાં હતાં. એ ય ચઢી ગયાં. પઠાણસાહેબના અંગત સચિવ અમને તાત્કાલિક પઠાણ સાહેબની કૅબિનમાં લઈ ગયા. સંસ્થાના અહેવાલ, ફોટો અને જમીન સંબંધી ફાઇલ જોતાં જ પઠાણસાહેબે કોલ્હાપુર ઑફિસે ફોન જોડ્યો. અમારા માટે ચા મંગાવી. ફોન પર કોલ્હાપુરના અધિકારી સાથે વાત કરી. “પૈડાંવાળી ખુરશી ધરાવતી એક મહિલાને તમે મુંબઈ સુધી ધકેલો છો ? હજુ એ ફાઇલ મુંબઈ કેમ આવી નથી ? સવિસ્તર અહેવાલ સહિત તાત્કાલિક એ ફાઇલ મુંબઈ આવવી જોઈએ... હું આજ દિલ્હી જઉં છું. પાછો આવું ત્યારે ફાઇલ મારા ટેબલ પર હોવી જોઈએ...” ઓળખ નહિ, પારખ નહિ, પણ કેટલો સહકાર ! આવા અનેક વ્યક્તિઓને કારણે અમારા જેવી સંસ્થાઓ જીવંત છે. મેં તેમને ધન્યવાદ આપતાં “સાચું તો અમારે તમારી ક્ષમા માંગવી જોઈએ. થયેલ વિલંબ બદલ. તમારું કામ કરી આપું છું. તમે નિશ્ચિત થઈને કોલ્હાપુર જાવ. આવી સંસ્થાને મદદ કરવી એ પુણ્યનું કામ છે. હું તો ફક્ત મારી ફરજ બજાવી રહ્યો છું.” એમ શ્રી પઠાણસાહેબે કહ્યું. સંતોષપૂર્વક હસીને “મંજૂરીનો પત્ર લેવા ક્યારે આવું ?” એમ મેં પૂછતાં જ “એની આવશ્યકતા નથી, કોલ્હાપુરમાં એ પત્ર તમારા હાથમાં મળશે.” એવું આશ્વાસન તેમણે આપ્યું. તુર્ત જ તે જગાનો કબજો મળ્યો. ગોડાઉનની જગાનું ભૂમિપૂજન બાબુકાકાના જિગરી દોસ્ત બાબાસાહેબ જનવાડકરના હસ્તે કર્યું. મેં અને અનેક અપંગોએ હાથમાં કોદાળી લીધી. પોતાની જગાનો એ કાર્યક્રમ અમારા સહુને માટે રોમાંચકારી હતો...!

તે જગા પર ગોડાઉનનો પ્લાન મંજૂર કરાવવા મારે ફરીથી મુંબઈ જવું પડ્યું. કારણ પોસ્ટ દ્વારા મોકલાવેલા દસ્તાવેજોના રજિસ્ટરની પહોંચ આવવા સિવાય સંબંધિત કાર્યાલયમાંથી કાંઈ જ જાણવા મળ્યું ન હતું. મુંબઈ જતી વખતે આ વેળા એક હિતેચ્છુને ફોન દ્વારા હું આવનાર હોવાની વાત કરી હતી. તેણે પહેલા સઘળી તપાસ કરી અને ઉદ્યોગ વ્યવસાય ચલાવવા માટે આવશ્યક બાબતોનું જ્ઞાન મને આપવા માટે એક ઉચ્ચ પદ પર રહેલા અનુભવી મહાનુભાવ અને મારો પરિચય કરાવ્યો. કડવા કારેલાની જેમ મેં આ જ્ઞાનના પાઠ કેવળ અપંગોનાં ઉજ્જવળ ભવિષ્ય માટે ઘૂંટ્યા અને પચાવ્યા. મંજૂર થયેલા પ્લાન લઈને પાછી ફરી. આનંદમાં કાંઈક ઊણપ જણાતી હતી. પણ સંસ્થાને કાયમી સ્વરૂપે આવકના સાધન તરીકે અમે એજન્સીને જોતા હતા. કરજ ભરપાઈ થયા પછી તેની આવકમાંથી છાત્રાલયનો ખર્ચ નીકળે એ અપેક્ષા હતી.

ગોડાઉન બંધાઈ રહ્યા પછી ત્યાર પછીનું કામ હતું એક્સપ્લોઝિવ લાયસન્સ મેળવવાનું. ફરી મારી બરાત મુંબઈમાં ! આ વખતે એ કચેરીના અધિકારીઓને કોલ્હાપુર લાવીને ગોડાઉન બતાવીને લાયસન્સ મેળવવાની પરીક્ષામાંથી પાર ઊતરવાનું હતું. કચેરીમાં જતાં પહેલાં મુંબઈના હિતેચ્છુ મળી આવ્યા. શું વાત થઈ એ મને ઠીક સમજાઈ નહિ. આ વખતે કામ થયું. લાયસન્સ લઈને હું લોથપોથ મને પાછી ફરી. અપંગ કલ્યાણના વાસ્તવિક કાર્યમાં રાતદિવસ કામ કરવા છતાંય ન થાકનારી હું એક વ્યવસાય ઊભો કરતાં શરીરથી નહિ, પણ મનથી થાકવા લાગી.

બધી બાબતોની પૂર્ણતા કરીને માર્ચ ૯૩ પૂર્વે કંપની સાથે કરાર થવો આવશ્યક હતો. ફરી હું મુંબઈ ગઈ. દરેક વખત રેલવે દ્વારા પ્રવાસ કરતી હતી. મુંબઈમાં કંપનીના મુખ્ય કાર્યાલયમાં કરારના કાગળોમાંથી એ લઈને પૂણેની વિભાગીય કચેરીમાં સહીઓ થવાની હતી. પણ એ પહેલાં કોલ્હાપુર જિલ્લાધિકારી કાર્યાલયમાંથી એ પત્ર લેવો જરૂરી હતો. સમય ખૂબ જ ઓછો હતો. રેલવેનું રિઝર્વેશન મળવું મુશ્કેલ હતું. છેવટે મુંબઈથી ટૅક્સી દ્વારા કોલ્હાપુર પહોંચી. રસ્તામાં કરાડ નજીક એક ટેન્કરને આગ લાગવાને કારણે કલાકેક રોકાવું પડ્યું. ત્યારે થોડા દિવસ પહેલા અમારા સહ્યાદ્રી એક્સપ્રેસને નડેલો અકસ્માત સાંભળ્યો.... થયું એમ કે અનુબહેન ભાગવતે સંસ્થાના કાર્ય પર એક સ્લાઈડ શૉ બનાવ્યો હતો. પોતાનું પ્રોજેક્ટર ખરીદીને પહેલો કાર્યક્રમ પૂણેમાં આયોજિત કર્યો. એ પ્રોજેક્ટર લેવા માટે અમને પૂણે બોલાવ્યા. સંસ્થાના અમારા કાર્યકારી મંડળને પોતપોતાના નોકરી-ધંધા સંભાળીને સંસ્થાના કાર્ય સાથે સંસ્થાના જ હિત માટે આવશ્યક જનસંપર્ક કરવા તે સાચ્ચે જ સમય મળતો ન હતો. તેને કારણે કોલ્હાપુરમાં અસંખ્ય લોકોને સંસ્થાના કાર્યની જાણકારી નથી એ જ્યારે અનુબહેને જાણ્યું, ત્યારે તેમણે સંસ્થા માટે એક સ્લાઈડ શૉ તૈયાર કર્યો. આ કામમાં સંસ્થાના કાર્યકર અને પ્રસિદ્ધ ફોટોગ્રાફર અનિલ વેલ્હાળે મનઃપૂર્વક સાથ આપ્યો. અનિલ વેલ્હાળ અમારા મિત્ર અને પછી સંસ્થાના કાર્યકર છે.

જ્યારે જ્યારે સંસ્થાના કોઈક કામ માટે મને મારું સામર્થ્ય અપૂરતું જણાય ત્યારે વેળા-કવેળા ન જોતાં હું અનિલને ફોન કરું છું. એ હોય ત્યાંથી દોડતો આવે છે. પછી મુંબઈ-દિલ્હીનો પ્રવાસ હો અથવા સ્પોર્ટસ્‌ હો. એ મદદ માટે હાજર હોય છે. કોલ્હાપુર મહાનગરપાલિકાના ઉપરના માળે મને ચડાવ્યા પછી સવારથી બપોર સુધી રોકાવા છતાં મારું કામ થાય નહિ, ત્યારે હું ફોન કરતાં જ ત્યાં આવીને મારું કામ સફળ બનાવવાનું કામ એ તત્પરતાથી અને આનંદપૂર્વક કરે છે. એને હું ‘અહો, આહો’ (માનપૂર્વક) ન કહેતાં તુંકારે સંબોધું એ તેનો જ આગ્રહ.

આવા આ અનિલ અને તેના ભાઈ પ્રમોદે અનુબહેન ઇચ્છતાં હતાં તેવી સ્લાઇડ્‌ઝ બનાવી આપી. તેની પર અનુબહેને પોતે કૉમેન્ટરી તૈયાર કરીને એ અત્યંત પ્રભાવક અવાજમાં ટેપ કરી લીધી. તેને નામ આપ્યું ‘અમે આગળ જ વધીશું’ અને પ્રોજેક્ટર વેચાતું લઈને “અમે આગળ જ વધીશું”નો પ્રથમ કાર્યક્રમ પૂણેની પુણ્ય નગરીમાં આયોજિત કર્યો. એ પ્રોજેક્ટર સ્લાઇડ શૉ સહિત સંસ્થાને પ્રદાન કરવાનો કાર્યક્રમ પણ તે જ વખતે આયોજિત કર્યો. મારે, રજની, પી.ડી.એ માટે પૂણે આવવું જ જોઈએ. એવો તેમણે આગ્રહ સેવ્યો. કોયના એક્ષપ્રેસ દ્વારા રેલવેના ભાડામાં સવલત તે વખતે ફર્સ્ટ કલાસ માટે પણ હોવાથી મેં, પી.ડી.એ રજા લીધી અને રજની, વિશ્રાંતિ સાથે ફર્સ્ટક્લાસમાં પૂણે ગયા. અનેક વર્ષો પછી મેં અને પી.ડી.એ તે પ્રવાસમાં પહેલીવાર મનભરીને અનેક વિષયો પર ગપ્પાં માર્યાં. કારણ હંમેશાં સમય ઓછો અને કામ વધુ એવા પ્રસંગે જ અમારી કાર્યકરોની મુલાકાત થતી હોવાથી વૈયક્તિક ગપ્પાં ક્યારેય થતાં જ ન હતાં.

પૂણેમાં ‘અમે આગળ જ વધીશું’ કાર્યક્રમ ધાર્યું હતું તેનાથી સરસ થયો. હવે અમોર સમય ન હોવા છતાં એ પ્રોજેક્ટર અને સ્લાઈડ શૉ દ્વારા અમે લોકો સુધી અમારું કાર્ય લઈ જઈ શકતા હતા. અનુબહેનના તેમાં શબ્દો છે.

“વિઘ્નોને હઠાવીને અમે આગળ જ વધીશું,

અમે જ એ આવતીકાલના આકાશ-ચંદ્રને જોઈશું.”

‘વેદનાને જાત નથી હોતી, વેદનાને ધર્મ હોતો નથી. વેદનાને સીમા નથી હોતી તેથી જ ધરબાયેલી વેદના બહાર નીકળે એ સામર્થ્ય બનીને બીજાના લથડાતાં ડગલાંને દિશા આપવા માટે, માર્ગ દર્શાવવા માટે...’

કાર્યક્રમ પૂરો થતાં જ અમે ચારે સહ્યાદ્રી એક્સપ્રેસ દ્વારા કોલ્હાપુર આવવા નીકળ્યાં. અર્થાત્‌ ફર્સ્ટ ક્લાસના ચાર બર્થના કમ્પાર્ટમેન્ટમાં અમે હતાં. મારા સેન્ટ્રલ એક્સાઇઝમાંના સાથી સુરેશ ગુરવ. એકદમ તરુણ આશાસ્પદ છોકરો. મને ટ્રેનમાં ચડાવવા માટે ખાસ આવ્યો હતો. પ્રોજેક્ટર તેણે પગ નીચેથી બાજુએ રહેલા સ્ટૂલ પર મૂક્યું. ‘ત્યાં નહિ, પડશે તો તૂટી જશે’ એમ મેં કહેતા જ, ‘નહિ પડે’ કહેવા લાગ્યો. પણ એકાદ વાત મારા મનમાં ખટકે તો મારા મનમાં હોય એ આગ્રહ પૂરો કરવાની મને ખોટી આદત છે. એ સ્ટૂલ નીચે વ્યવસ્થિત પ્રોજેક્ટર ગોઠવાયું હોય ત્યારે વિનાકારણ ઉપર શા માટે રાખવું, તેથી મેં આગ્રહપૂર્વક પ્રોજેક્ટર નીચે ગોઠવ્યું.

વળતો પ્રવાસ શરૂ થયો. રજની હું અને પી.ડી. ગપ્પામાં ખોવાઈ ગયા. રાત્રિના બે-અઢી ક્યારે વાગ્યા ખબ જ ન પડી. હવે ઊંઘીએ નહિ તો બીજા દિવસે ઑફિસમાં તકલીફ થશે. તેથી આંખો મીંચી અર્ધા કલાકમાં આંખ લાગતાં જ પ્રચંડ મોટો અવાજ થયો. ડબામાં ધુમાડો ફેલાયેલો હોય એમ લાગ્યું. ભૂકંપ થયો કે ટ્રેન પર ધાડ પડી કે ટ્રેનમાં આગ લાગી. કાંઈ જ સમજાતું ન હતું. પ્રચંડ આંચકા ખાતા બર્થ પરથી હું અને રજની નીચે પડતાં પડતાં કશાકને અકડીને કોણ જાણે પણ બેસી ગયા. ટ્રેનનો ડબો ત્રાંસો થયેલો લાગતો હતો. ટ્રેન ઊભી રહી હતી. પી.ડી. દરવાજો ઉઘાડવા લાગ્યા. જેને ધુમાડો માનતા હતા એ ધૂળ અને માટી હતી. ટ્રેન પાટા પરથી નીચે ઊતરી ઢસડાઈ હતી. રેલવેના અગિયાર ટુકડા થયા હતા. પાંચ-છ ડબા પાટા પરથી ઊતરી ગયા હતા. એક મોટો લોખંડનો સળિયો તૂટીને અમારા બારણામાં આવીને પડ્યો હતો. બીજા ડબાની ખાસી ભાંગતોડ થઈ હતી પણ આશ્ચર્ય એ કે અમારા ચાર જણ પૈકી એકનેય ઘસરકો સુધ્ધા પડ્યો ન હતો. ગાડી ઊભી રહેતાં જ અમે અપંગ હોવાથી અનેક અધિકારી, ડૉક્ટર અમારી ખબર લેવા ડબામાં આવ્યા. અમને પ્રોજેક્ટરની ચિંતા હતી. તેને ધક્કોય લાગ્યો ન હતો. એ પણ નવાઈ ન હતી. મધ્યરાત્રીએ ત્રણની વેળા સઘળા પ્રવાસી ઊંઘ્યા હતા. તેથી જીવહાની ટળી હતી. આ જ અકસ્માત દિવસે થયો હોત તો લોકોએ ભયને કારણે ગાડી બહાર કૂદકા મારીને જીવ બચાવવાને બદલે ગુમાવ્યો હોત.

પ્રવાસમાં નીકળતી વખતે સવારના નાસ્તામાં અમે કાંઈ લીધું નહિ. તેથી અનુબહેને વધેલી રોટલીઓ અને ચટણી બાંધી આપી હતી. ‘નાસ્તા સમયે ઘરે પહોંચીશું. કાંઈ નથી જોઈતું.’ કહેતાં રજનીની ના છતાં અનુબહેનનું મન રાખવા માટે મેં એ રોટલીઓ લઈ લીધી હતી. બીજી ટ્રેન આવતાં સુધી સવારના અગિયાર વાગ્યા અને એ અનુબહેનની રોટલીઓ એટલી ભાવી કે સદાય યાદ રહેશે. ભૂખ લાગ્યા પછી ખાધેલું સઘળું સુંદર સ્વાદિષ્ટ લાગે છે. અન્યથા મારે વરાળ નીકળનાર પ્રથમ વરાળનું ગરમાગરમ ભોજન જોઈતું હોય છે.

રેલવે અધિકારીઓએ બીજી રેલવે એ પ્રમારે મૂકી કે એ નવી આવેલ રેલ્વેના ફર્સ્ટ ક્લાસનો ડબો અમારા ડબા સામે આવ્યો. છતાંય પ્લૅટફૉર્મ વગરના સ્થળે આટલી ઊંચાઈ પરથી એક ડબામાંથી મને અને રજનીને ઉતારીને બીજા ડબામાં ચડાવવી એ કાંઈ સાદી વાત ન હતી અને કાયમના અનુભવી મદદનીશ સાથે ન હતા. પણ રેલવેના પ્રવાસી અને અધિકારીઓએ અમને સંકોચ થાય નહિ એ રીતે બીજા ડબામાં ચડાવ્યાં. રેલવેના અકસ્માત નિમિત્તે સમાજના સહકારનો અત્યંત સુંદર અનુભવ સંભારણના પોટલામાં બંધાયો. થોડી થોડી વારે મને અને રજનીને કાંઈ તકલીફ નથી ને, દવા જોઈએ કે, એમ બધાય પૂછતા હતા. ઘરે આ અકસ્માતના સમાચાર પહોંચ્યા હશે અને બધાય ચિંતા કરતા હશે એની કલ્પના હતી. પણ કોલ્હાપુર રેલવે સ્ટેશન પર લેવા આવેલા દેશભ્રતારે અકસ્માતના સમાચાર ઘરે જણાવ્યા ન હતા. ફક્ત રેલવે ખૂબ મોડી આવવાની છે એટલો જ સંદેશો ઘરે મોકલ્યો હતો. બપોરે ઘરે પહોંચ્યા પછી નહાવાનું વગેરે પતાવીને ગરમાગરમ જમીને શાંત નિદ્રા લીધી. ઑફિસે જવાનો પ્રશ્ન જ ન હતો.

મુંબઈથી કોલ્હાપુરના પ્રવાસમાં ટૅક્સીમાં બેસીને સામે ભડભડતા ટેન્કરને જોતાં મનમાં વિચાર આવ્યો, પૂણેથી આગળ કરાડ નજીક આ સ્થળે જ અકસ્માત કેમ થાય છે ? રજની, પી.ડી.ની મિની બસ આ જ ઠેકાણે ઊંધી પડી હતી અને સદ્‌ભાગ્યે તેમને ઇજા થઈ ન હતી. પૂણેના રેલવે અકસ્માત પછી કોલ્હાપુર પહોંચ્યા પછી ઊંઘી શકાયું હોત. પણ આ વખતે મોડું થયું હતું તેથી લગીરેય આરામ કર્યા વગર જિલ્લાધિકારીના કાર્યાલયમાં કામ પતાવીને વળી પૂણે પહોંચવાનું હતું. સાથે હારુનમામા અને વિશ્રાંતિ હતા.

મોડું થવાથી ટૅક્સી ઘરે ન લઈ જતાં દેશભ્રતારને ત્યાં લીધી. નીતાને જિલ્લાધિકારી કાર્યાલયમાંના કાગળો લાવવા ત્યાં ઉતારી. ત્યાંના અધિકારીઓને ઝડપથી કામ પતાવી આપવાની વિનંતિ કરીને ઘેર આવીને સ્નાન કર્યું. બા ‘જમીને જા’ કહેતી હતી એને ‘ડબામાં આપ. ટૅક્સીમાં જમીશ’ કહ્યું. કારણ વળી બપોરે ત્રણથી ચાર દરમ્યાન મારે પૂણે પહોંચીને ગૅસ એજન્સીનો કરાર પૂર્ણ કરીને એજન્સી શરૂ કરવાનો પરવાનો મેળવવાનો હતો. છેવટનો દિવસ હતો. જિલ્લાધિકારી કાર્યાલયમાં ગઈ. તો કાગળો તૈયાર ન હતા. મારે ટૅક્સીમાંથી ઊતરીને એ પગથિયાં ચડીને ઉપર જવું પડ્યું. પણ મારા જતાં જ ત્વરિત કામ પત્યું. નીતાનો અને એ કાર્યાલયના સઘળા કર્મચારીઓનો આભાર માનીને કોલ્હાપુર છોડ્યું. પૂણે કંપનીના કાર્યાલયમાં સમયસર પહોંચતાં છુટકારાનો હાશકારો થયો. ભગવાને સફળ બનાવ્યા બદલ તેનો આભાર માન્યો. સઘળા કાગળો પર તે અધિકારીઓની અને મારી સહીઓ થયા બાદ મધ્ય રાત્રે કોલ્હાપુર પહોંચ્યાં. હવે અમે ગૅસ કનેક્શન માટે બુકિંગ શરૂ કરી શકતા હતા.

કેટલાકે સલાહ આપી અન્ય ડીલર્સ જેમ બુકિંગ કરી લો. એકદમ વધુ બુકિંગ કરશો નહિ. હું પોતે અનેક વર્ષ ગૅસ બુકિંગ કરી શકી ન હતી. જ્યારે પૂછીએ ત્યારે “હાલમાં બુકિંગ ચાલુ નથી. થોડા દિવસ પછી આવો” આ જ જવાબ મળતો હતો. સર્વ સામાન્યજનોને ય ગૅસ કનેકશન મળે. કેરોસીન માટે દિવસભર લાઈનમાં ઊભા રહેવું પડે નહિ, તેથી બુકિંગ સહુ કોઈ માટે ખુલ્લી રાખવાનું નક્કી કરીને તેવા સમાચાર અમે આપ્યા. અમને કંપનીએ પૂર્ણ મહાપાલિકાક્ષેત્ર આવાની કોલ્હાપુરના કોઈ પણ વિસ્તારના રહેવાસી અમારી પાસે બુકિંગ કરાવી શકવાના હતા અને સર્વ સામાન્ય સુધી રસોઈનો ગૅસ પહોંચાડીને અમે પોતાનો ધન્ય માનવાનાં હતાં. અર્થ ઉપાર્જન સાથે સમાજકલ્યાણનું સ્વપ્ન અમે જોતાં હતાં.

મારા સદ્‌ભાગ્યે અમારા ખાનદાનમાં તદ્દન નજીકમાં લગ્ન આવ્યું અને મેં આગ્રહપૂર્વક ઘરનાં બધાંને લગ્નમાં મોકલ્યાં. મને લગ્નના કાર્યક્રમમાં સજીધજીને સહભાગી બનવું ગમતું નથી અને હવે તો ગૅસ એજન્સીની શરૂઆતના સમયે મારું કોલ્હાપુર હોવું જરૂરી હતું. મારી સાથે વિશ્રાંતિ, નીતા વગેરે અમારા ઘરે રહેશે એમ નક્કી થયું. સહુ કોઈ ગામે ગયા. આઠ દિવસ ‘નશેમન’માં સંસ્થાના કાર્યકર રાતદિવસ કામ કરતાં હતા. ડાઇનિંગ હૉલના ટેબલને કાર્યાલયના ટેબલનું સ્વરૂપ પ્રાપ્ત થયું.

ગૅસ કનેકશન માટે ખુલ્લી નોંધણી કોલ્હાપુરના ઇતિહાસમાં ઘણુંખરું પહેલી જ વખત થતી હતી. પહેલા જ દિવસે પાંચ હજારથી વધુ લોકો આવ્યા. બધાંયને એક દિવસ રસીદો આપવી શક્ય ન હતી. કાગળો રાખી લઈ પ્રત્યેકને કુપન પર રસીદ લઈ જવાની તારીખ લખી આપી અને એ તારીખ પહેલા રસીદો ફાડવા અમે રાતદિવસ વારા ફરતી કામ કરતા હતા.

લોકોની ભીડ એટલી પ્રચંડ કે કાગળો લઈને કુપન આપવા માટે રસ્તા પર સંસ્થાએ ખરીદ કરેલ પહેલું ટેબલ ગોઠવ્યું અને ત્યાં જ કામ શરૂ કર્યું. મે મહિનો, બળબળતો તાપ, તેમાં વચ્ચે માવઠુ આવવા છતાં છત્રી લઈને કામ ચાલુ જ રહ્યું. પણ કેટલાક લોકોએ માત્ર અમારા સૌજન્યનો ગેરલાભ ઉઠાવ્યો. અંદરોઅંદર હું પહેલાં, તું પહેલાં કરતાં મારી પર, ટેબલ પર ધક્કામુક્કી ચાલુ કરીને ખાસ વ્હીલચેરની ઊંચાઈ અનુસાર બનાવી લીધેલું મારું પ્રિય ટેબલ અક્ષરશઃ જમીનદોસ્ત કર્યું. અમારા કાર્યકરોનો અવાજ લોકો સુધી પહોંચી શકે તેથી લાઉડ સ્પીકર લાવ્યા. પોલીસોનેય ભીડ, દંગાફસાદ, ઝઘડા અટકાવવા બોલાવ્યા. કેટલાક કહેવાતા નેતાઓના ગ્રૂપ્સ, પૈસા લઈને બુકિંગ મેળવી આપો કહીને રેશન કાર્ડની ઝેરોક્ષ ઇત્યાદી કાગળોના થોકડા અમારા હાથમાં આપવા લાગ્યા. આવી લાગવગ કરવી હોત તો અમે ખુલ્લી નોંધણી કરી જ ન હોત. એ કાગળોને હાથ ન અડકાડતાં જે તેને પાછા આપવા જણાવ્યું. છતાંય મારા હાથમાં કાગળો આપવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે ઝેરોક્ષ છડેચોક મેં ફાડી નાંખી અને આ પદ્ધતિ અટકી. પોલીસ આવી અને લાઉડસ્પીકર ગોઠવનારા અમારા કાર્યકરો પર જ ભૂલમાં પહેલી લાઠી પડી. એ ગર્દીમાં તેમના સુધી પહોંચીને પોલીસોને સમજાવતાં સુધીમાં ક્ષણભર લાગ્યું કે આ લોકો ટેબલ જેવી જ મારી વ્હીલચેરની હાલત કરશે કે કેમ ? પોતાનું ભલુબૂરું કેવી વર્તણૂકમાં છે, એ ય તેમને સમજાતું ન હતું. પોલીસ સર્વેને શાંત પાડી રહી હતી ત્યારે મેં ચા-કૉફી મંગાવીને પહેલા પોતે પીધી અને અન્ય કાર્યકર્તાઓને પણ આપી. અન્યથા સહુથી છેલ્લે ખાવાપીવાની મને આદત છે.

નોંધણી બંધ કરી. એક ડબો મંગાવીને તેમાં કાણું પાડ્યું. નોંધણી માટે આવેલાઓને અમારા ટેબલ માટે તેમાં ફાળો આપવાના હોય તો જ બુકિંગ શરૂ કરીશું, નહિ તો બધા ઘેર પાછા જાવ. એમ કહેતાં જ સહુએ ડબ્બામાં પૈસા નાંખવાની શરૂઆત કરી. રાતે પૈસા ગણ્યા અને બીજા જ દિવસે જૂનું ટેબલ મરામત કરાવી લઈસ વધુમાં એક ગોદરેજનું નાનું ટેબલ વેચાતું લીધું. આથી જ હું હંમેશાં કહેતી હોઉં છું કે જે થાય તે સારા માટે જ. અન્યથા ગૅસ એજન્સીની આવશ્યકતા હોવા છતાં ય આવું ઉત્તમ ટેબલ વેચાતું લેવું પરવડનાર ન હતું.

અમે સહુ કાર્યકરો સાંજે ખૂબ મોડા સુધી શો-રૂમ અને આત્મારામ એપાર્ટમેન્ટમાં કામ કરીને સર્વ રેકર્ડ લઈને ઘરે આવતાં ચારેય રૂમમાં કામ ચાલતું. રસોઈમાં વધારે સમય ન ગુમાવતાં ઈંડાં-પાઉં, પાઉં-ભાજી, દાળભાત પર ચલાવતાં. એક વખત રજનીએ ફ્રિજ ઉઘાડ્યું તો તેમાં બાએ મને ‘યાદ રાખીને ખા’ એમ કહીને મૂકેલી કેરીઓ દેખાઈ. હું તદ્દન ભૂલી ગઈ હતી. સહુએ વહેંચીને તે કેરીઓ ખાધી. કેરી જેવી વસ્તુ હું ભૂલી જાઉં, એનું રજનીને આશ્ચર્ય થયું. પણ વચ્ચે એક વખત મને કેરીનું એટલું જોરદાર રિએક્શન આવ્યું હતું કે પાંચ-છ વર્ષ હું કેરીને અડી ન હતી. હોમિયોપેથીક દવા શરૂ કર્યા પછી હું કેરી ખાવા લાગી. ડૉ. મોહનરાવ ગુણેનો આભાર માનીએ એટલો ઓછો છે. મને સારું ન હોય અને કામના ભારને કારણે તેમની પાસે જવું શક્ય ન હોય, તો સવારે ઊઠતાં ઊઠતાંમાં તે ઘરે આવતા અને મને દવા આપતા. સારું ન હોય છતાંય દવા આપીને પ્રવાસ કરવાની પરવાનગી આપતા.

આજેય ઘરે કેરીઓ લાવવામાં આવે છે. પણ થાય છે હવે આપણા ખાવાના દિવસ પૂરા થયા. જે બાળકોના આ કેરી ખાવાના દિવસો છે, તેમને મૂકીને ઘરે કેરી ખાવાની ઇચ્છા નથી થતી. પરંતુ હું કેરી ખાઉં નહિ તો બા અને ઘરનાઓને ખાવામાં મીઠી લાગતી નથી. પછી ઉપાય બાકી રહે છે શોરબકોરમાં એક-બે વાર તો છાત્રાલયમાં કેરીઓ લઈ જવી. આ બાબતમાં મામા, વાડીકરદાદા અને અજીજ મારા મનની વાત પારખીને વગર કહ્યે છાત્રાલયમાં એક વખત તો કેરી લઈને મોકલાવે છે. મામા તો પ્રત્યેક ઈદના દિવસે દૂધ અને મેવો, શિરકુર્મા માટે યાદ રાખીને મોકલાવતાં. તેને કારણે હું ય શિરકુર્મા બનાવતાં શીખી અને એ બા જેટલો જ સરસ થાય છે. એ કહેતા મને આનંદ થાય છે.

ગૅસ એજન્સી શરૂ થઈ. અમે કાર્યકરોએ વારાફરતી જેને જેટલી શક્ય હોય તેટલી પોતાની નોકરીના કાર્યાલયમાંથી વધુમાં વધુ રજા લઈને શૉ-રૂમમાં પૂર્ણ સમય ફરજ બજાવી. ગૅસ એજન્સીની વ્યવસ્થા ગોઠવવાના પ્રયત્ન કર્યા. પણ જોઈએ તેટલી સફળતા મળી નહિ. કારણો અનેક હતા. અમારી પાસે બુકિંગ કરાવનારાઓને નવાં જોડાણ આપવાના ઓર્ડર આવતાં જોડાણ આપવા લાગતાં જ અન્ય ડીલર્સ પાસે પહેલાં નામનોંધણી કરાવનારાઓની ફરિયાદો આવવાથી અન્ય ડીલર્સ પાસે નોંધણી કરાવનારાઓની યાદી અમારી પાસે આવી. તેમને જોડાણ આપવાના શરૂ કર્યાં. અનેક જણાઓએ દસ દસ વર્ષ પહેલાં નામનોંધણી કરી હતી. વચલા ગાળામાં બીજી રીતે જોડાણની સગવડ કરી હોવાને કારણે તેમની પાસે સગડીઓ હતી. ડીલર્સને માત્ર ગૅસ સગડીમાં નફો મળે છે. બાકી ડિપોઝિટની રકમ અને ગૅસની કિંમત કંપનીમાં જાય છે. સિલિન્ડરના કમિશનમાંથી પેટ્રોલ-પગાર, ભાડું, ટેલિફોન, લાઈટ, પાણી એક નહિ અનેક ખર્ચ બાદ કરતાં કાંઈ જ બચતું નથી. કરજના હપ્તા ભરપાઈ કરવાંય મુશ્કેલ ! વ્યાજ ભરતાં મનને દુઃખ થતું. આટલી મહેનત કરીને, મહેનતના પૈસા કમાવીને સંસ્થા ચલાવવાની ઇચ્છા હોવા છતાં આ શું ચાલી રહ્યું છે. સમજાતું ન હતું.

અમે ગ્રાહકોને વિનંતી કરવાની શરૂઆત કરી કે, “તમને કનેકશન મળી ગયું છે. સગડી ન લો તો અમને કાર્ય માટે દાન આપો.” કેટલાક લોકો આનંદપૂર્વક દાન આપતા. કેટલાક આપતા ન હતા. અમે કાર્યકરો નોકરી પર હાજર થયા. સ્ટાફના હાથમાં એજન્સી સોંપી. સ્ટાફ વ્યવસ્થિત એજન્સી ચલાવતો હતો. મેં મારું સંપૂર્ણ લક્ષ્ય હવે ઉચગાવમાં મળેલ જગા પર કેન્દ્રિત કરવા ઠરાવ્યું. એજન્સીનું કરજ ભરપાઈ થતાં સુધીમાં છાત્રાલય બાંધીને પૂરું થવું જોઈતું હતું. એટલે એજન્સીમાંથી મળનાર ઊપજ છાત્રાલય માટે વાપરી શકાય.

ઉચગાવની જગા પરના પ્લાન આર્કિટેક્ટ પ્રમોદ બેરીએ બનાવ્યા. તે પહેલાં અમારે અપંગોને શું જોઈએ, શું ન જોઈએ એ માટે તેમની ઑફિસમાં ઉચગાવ સાઈટ પર બેઠકો, મુલાકાતો થઈ, અત્યંત તન્મયતાપૂર્વક તે અમારી આવશ્યકતા સાંભળતા. અનેક વર્ષોથી સ્વેચ્છાએ સંસ્થાને દર વર્ષે દાનનો ચેક મોકલાવીને સંસ્થાના કાર્યનું ગૌરવ કરનારા દાનવીરો પૈકીનાં હિતેચ્છુઓ માનાં તે એક હતા. ખડકીમાં આવેલી લશ્કરના દાનવીરો પૈકીનાં હિતેચ્છુઓ માનાં તે એક હતા. ખડકીમાં આવેલી લશ્કરના અપંગ જવાનો માટે બાંધેલી ઇમારત તે જોઈ આવ્યા. વિદેશી ઇમારતોનો અભ્યાસ કર્યો અને અમારી સમક્ષ છાત્રાલયનો સ્કેચ મૂક્યો. ખરું જોતાં સરકાર પાસેથી મળેલી જમીન એટલી ખાડા-ટેકરાવાળી હતી કે અમને અપંગોને યોગ્ય એવી ઇમારત બંધાઈને મળશે કે નહિ એવી શંકા મનમાં જાગતી હતી. પણ શ્રી બેરીએ એટલું સુરેખ છાત્રાલય કાગળ પર અમને દોરી બતાવ્યું કે અમે આનંદવિભોર થઈ ઊઠ્યાં. અમારું સ્વપ્ન ખૂબ ઝડપથી સાકાર થવાનું હતું. એક પણ પગથિયા વગરનું ઘર. સ્વાવલંબનથી જિવાડનારું ઘર ! પણ બેરી સાહેબે આપેલો ખર્ચનો આંકડો જોઈને અમે ચિંતિત થયાં. પરંતુ તેમણે અમને સાંત્વના આપી. ‘કામની શરૂઆત કરીએ, પૈસા આવશે.’ અનેક દાનવીરોનાં સરનામા તે પોતે અમને મોકલતાં. અમારી પાસેથી વિનંતિ પત્ર લઈને દાનવીરોને મોકલતા. મુંબઈથી રેહાનાના પતિ ખાનસાહેબે પોતાના મિત્રો પાસેથી મોટાં મોટાં દાન મેળવ્યાં. સાંસદ ઉદયસિંહરાવ ગાયકવાડે મુખ્યમંત્રી ફંડમાંથી પાંચ લાખ રૂપિયા મેળવી આપ્યા. અમારાં સઘળાં સગાંવહાલાંઓએ એક રૂમ બાંધવાના ખર્ચની આર્થિક મદદ કરી. ખૂટતી રકમ મેં મારા સામાન્ય ભવિષ્ય નિધિમાંથી કાઢી.

ઉચગાવની જગાનું ભૂમિપૂજન સૌ. રજની કરકરે - દેશપાંડે અને શ્રી પી.ડી. દેશપાંડે પતિ-પત્નીએ કર્યું. ફરીથી અમે બધાંએ ભગવાનનું નામ લઈને હાથમાં કોદાળી લીધી. સહુથી પહેલા જગાને વાડ બાંધીને પછી બાંધકામ કરવાનું નક્કી કર્યું. જગાની મોજણી કરતાં ધ્યાને આવ્યું કે જગામાં અંદર એક ઝૂંપડું છે અને જગાની સીમા રેખા પર એક ઝૂંપડી લે. સીમારેખા પરની ઝૂંપડીનો પ્રશ્ન ન હતો. ભગવાનની કૃપાથી આટલી બે એકર મળેલી જગામાં થોડાક ફૂટ જગા ઓછી થવાથી અમારી ધ્યેયપૂર્તિમાં કંઈ ઊણપ રહેવાની ન હતી. પ્રશ્ન હતો અંદરની ઝૂંપડીનો. પોતાનું ઘર વસાવતાં બીજા કોઈકનું ઘર તોડવાથી આનંદ મળવાનો ન હતો. પણ એ કામમાં ઉચગાવના માજી સરપંચ અણ્ણાપ્પા ચૌહાણ અને તે વખતના સરપંચ ગણેશ કાળેએ અમને મૂલ્યવાન સહકાર આપ્યો. અમે તે ઝુંપડીના માલિકને અમારા કમ્પાઉન્ડ બહાર ઝૂંપડી બાંધી આપવાનો ખર્ચ આપ્યો. કમ્પાઉન્ડ બાંધતી વખતે બોરવેલના ખોદકામ વખતે જિલ્લાધિકારી અજિત કુમાર જૈનને બોલાવ્યા. ત્યારે અમારી ઉચગાવની જમીનની આસપાસના લોકોએ તેમને ઘેરો કરીને અમને એ જગા કેવી રીતે આપી. એ બાબતે થોડો વિરોધ કર્યો. કમ્પાઉન્ડ બાંધનાર કારીગરોને માટે કામ કરવું અશક્ય થયું. ત્યારે મને સંદેશો મળતાં જ મેં ફરી રજા લીધી. કમ્પાઉન્ડ બાંધતી વખતે ભર તડકે ત્યાં જઈને હું રહેવા લાગી, તડકાથી બચવા સાથે છત્રી લઈ જતી. અમારી જગા સુધી પહોંચતો રસ્તો એટલો ભયાનક ખાડાખૈયાવાળો હતો કે સંપૂર્ણ બાંધકામ થતાં સુધીમાં મારી પીઠના મણકા અને શરીરનાં હાડકાંને ઈજા પહોંચશે કે કેમ એમ લાગતું.

બાંધકામ શરૂ કર્યું ત્યારે પાણીની સગવડ ન હતી. મફત બોરવેલ ખોદાણ કરીને મળે એ માટે શ્રી બાબાસાહેબ ઇંગ્રોળે અમને માર્ગદર્શન અને સહકાર આપતા હતા. એમની મદદથી અમે જયસિંગપૂરની ‘કલ્પવૃક્ષ ટ્યુબવેલ કંપની’ સાથે સંપર્ક સાધ્યો. તેમણે મફત ખોદકામનો દિવસ નક્કી કરતાં જ એક પાણી બતાવનાર વ્યક્તિને બોલાવીને જગા નક્કી કરી. એ એકંદર જગાની થોડી વચ્ચે હતી. બીજા દિવસે જિલ્લાધિકારીની અને અનુબહેનની ઉપસ્થિતિમાં નામના બોર્ડનું અનાવરણ અને બોરવેલ ખોદકામની શરૂઆત થવાની હતી. મારા ક્વાર્ટર પર સાંજે સાડા પાંચ વાગે શ્રી અણ્ણાપ્પા ચૌહાણ આવ્યા. “ઉચગાવની જગામાં સોળ બોરવેલ નિષ્ફળ ગયા છે. શા માટે આટલી મહેનત કરી રહ્યા છે ? સમય અને નાણાં વ્યર્થ જશે.” એમ કહ્યું. સઘળી તૈયારી થઈ ચૂકી હતી અને આ કેવું સંકટ ! કાંઈ સમજાતું ન હતું. પણ તરત કામ કર્યું. જિલ્લા પરિષદમાં નોકરી કરતાં સંસ્થાના વ્યવસ્થાપન સમિતિના શ્રી દસ્તગીર પઠાણને ફોન કર્યો. “વૈજ્ઞાનિક પદ્ધતિથી પાણીનું સ્થળ બતાવનાર યંત્ર કોની પાસે છે. એમને લઈ આવો. ઉચગાવ જઈને તેમનું સર્વેક્ષણ કરાવી બોરવેલની જગા નક્કી કરીશું.” કેવળ જિલ્લાધિકારી આ કાર્યક્રમમાં આવવાના હોવાથી સૂર્ય અસ્ત થતાં પહેલા યંત્ર અને નિષ્ણાતો સહિત દસ્તગીર ઉચગાવ પહોંચ્યા. હુંય બધાં કામ બાજુએ મૂકીને ગઈ. અંધારું પડતાં સૂર્યનાં અંતિમ કિરણોએ અમને આશાનું કિરણ દાખવ્યું. પશ્ચિમે તદ્દન છેડાની જગા નક્કી કરવામાં આવી. બીજા દિવસે અનુબહેનના હાથે બોરવેલના ખોદકામનો કાર્યક્રમ થયો. જિલ્લાધિકારીએ ઘેરાવ-કરનારાઓના ટોળાને સમજાવીને પાછા મોકલ્યા. પાણીની પ્રથમ છોળ આકાશમાં ઊડી. ત્યારે આગલા દિવસની જેમ જ સંધ્યાકાળ થયો હતો. અત્યંત સુંદર એવા સૂર્યાસ્તની સાખે સહુએ ભરપૂર પાણી હાથ આવ્યાનો આનંદ ઉજવ્યો. આખીય રાત ખોદાણનું કામ ચાલવાનું હતું. કેટલાક કાર્યકર રોકાયા. પવન અને કડાકાની ટાઢ હતી. ભોજન, બ્લેન્કેટની સગવડ કરીને અમે ભગવાનનો આભાર માનતાં આનંદ સાથે પાછા ફર્યા. બોરવેલને હેન્ડપંપ ગોઠવ્યો. પણ હવે જલદીમાં જલદી તે જગામાં વીજળી લાવીને વીજળીની મોટર બેસાડવી આવશ્યક હતી. એ સિવાય બાંધકામને વેગ મળે એમ ન હતું. વીજળીનો પંપ બેસાડતાં સુધીમાં બે-ચાર વખત રાત-મધરાતે પાણીની ટેન્કર લઈને હું અને દેશભ્રતાર ઉચગાવ ગયા. દિવસે ટેન્કર મળતી ન હતી. અમારી રિક્ષા આગળ અને ટેન્કર પાછળ. આમ ભૂખ્યા-તરસ્યા કામ કરીને, ઘરે આવીને ગરમાગરમ જમીને પછી શાંતિથી ઊંઘવામાંય અનેરો જ આનંદ મળતો હતો. અનેક વખત ત્યાંના કામદારો માટે હું ગરમ વડા-પાઉં લઈ જતી.

મેં રજા લીધી હતી. પણ દેશભ્રતાર નોકરી સંભાળતા મારી સાથે આવતાં. અનેક વખત મારે એકલીએ ઉચગાવ જવું પડતું. રિક્ષા ભાડે કરીને એકલી જતી. રિક્ષાચાલક અમારા સરસ મિત્ર અને મદદનીશ બન્યા. પણ દર વખતે દોઢું ભાડું આપતાં. સંસ્થા પાસે રિક્ષા નથી એનું દુઃખ થતું. મેં બાંધકામની જગા પર એક-બે ખુરશીઓ લઈ જઈને મૂકી. પગે ખૂબ સોજા આવતા. આવા સમયે બન્ને પગ સામે ખુરશી મૂકીને તેની પર મૂકીએ કે સારુ લાગતું. કાગળ-પેન સાથે લઈ જઈને ત્યાંના શાંત વાતાવરણમાં મનના તરંગો, લખવાની ઇચ્છા થતી. પણ અનંત સ્મરણો મનમાં છવાઈ જતાં અને આજનું-કાલનું કામ, તેની આંકણીમાં જ સમય વીતી જતો.

વીજળી મેળવવા કોલ્હાપુર ઑફિસને અરજી આપી. મા. એચ.ડી. પાટીલ અને મહારાષ્ટ્ર રાજ્ય વીજ મંડળ કચેરીના સર્વ અધિકારી, કર્મચારીઓએ એટલો સહકાર આપ્યો કે અરજી આપ્યાના બાર દિવસમાં જ વીજળીનાં થાંભલા અમારા કમ્પાઉન્ડમાં આવ્યા. બે વખત હું અને નીતા, દેશભ્રતાર હુપરી ગયા. એક વખત તો રિક્ષાચાલકોની હડતાળ હોવા છતાં એક રિક્ષાવાળાએ અમારી આવશ્યકતા જાણીને અમને હુપરી લઈ ગયો. બોરવેલને વીજળીનો પંપ ગોઠવીને તેનું ઉદ્‌ઘાટન મા. એચ.ડી. પાટીલના હસ્તે કર્યું. પાણીનો આવરો જોઈને સહુકોઈ આનંદિત થયા. ઉચગાવમાં પાણી મળશે નહિ. એમ લાગતું હતું ત્યારે અને સોળસોળ વખત નિષ્ફળ થયા પછી. અમને ભગવાને આપેલ આ સફળતા બદલ ભગવાનનો આભાર માનતા મારા શરીરમાં રોમાંચ છવાઈ ગયો. અમારા પ્રત્યેક સુખદુઃખમાં ‘સકાળ’ના સંપાદક અનંત દીક્ષિત અનિવાર્યપણે સહભાગી થાય છે. ભર તડકામાં પાણીનો આ આનંદોત્સવ ઉજવવામાં તે પણ સામેલ હતા. ભાષણમાં તેમણે મને કોલ્હાપુરની મધર ટેરેસા કહી. તે વખતે સાંભર્યો. મધર ટેરેસાને મળવા જવા માટે નીકળ્યા હતા તે પ્રસંગ.

ખૂબ વર્ષોથી મધર ટેરેસાને મળવાની ઇચ્છા હતી. તેમની સાથે થોડીક ક્ષણો બોલીને ખૂબ કાંઈ મેળવવું હતું. કોલ્હાપુરથી નાગપુર, નાગપુરથી કલકત્તા અને વળતાનું ય રેલવેનું રિઝર્વેશન થયું. કલકત્તાના બિમલેન્દુ ચક્રવતીને જણાવીને ત્યાં રહેવાની સગવડ પણ કરી. રમતસ્પર્ધા વખતે આ રસગુલ્લા જેવો સ્વભાવ ધરાવતાં બિમલેન્દુનો પરિચય થયો હતો. અનેક વર્ષે તેમની મુલાકાત થવાની હતી. તેમનું ઘર, તેમની બા પણ મળવાનાં હતાં. અનેક વર્ષોથી મને તે કલકત્તા આવવા આગ્રહ કરતાં હતાં.

દિવાળીની રજાઓમાં આ કાર્યક્રમ ગોઠવ્યો હતો. ઑફિસમાં બોનસના બીલો બનાવવાનું કામ હતું. બીજા દિવસે બોનસ વહેંચવાનું હતું. અમારા એક સહકાર્યકરે બનાવેલ એક બીલમાં ભૂલ હતી. એ પાછું આપીને ઘરે જતાં રાતે મોડું થયું. તેથી બીજા દિવસે વહેલા આવીને ચેક લખવાનું નક્કી કર્યું. રોજ બાના આગ્રહને કારણે પહેરેલું સોનું-દોરો, કાનમાંની રિંગ, બંગડી, અંગૂઠી ઉતાર્યા સિવાય મને ચેન પડતું નથી. રોજ ઘરે આવતાં જ આ આભૂષણો રૂમાલમાં બાંધીને પર્સમાં મૂકવા અને બીજા દિવસે નાહ્યા પછી વસ્ત્રો પહેરી તૈયાર થયા પછી એ પહેરવા, એ એક પ્રતિક્ષિપ્ત ક્રિયા બની ચૂકી છે. કારણ અરીસા સામે તૈયાર થતી વખતે ધ્યાન કોઈકની વાતોમાં કે વસ્ત્રો-દાગીનાને બદલે ઑફિસમાં ક્યાં કામો કરવાનાં છે અને તે પહેલાં સંસ્થાના ક્યાં કામો ડાયરીમાં બાકી રહ્યાં છે. તે કેવી રીતે અને કયા ક્રમમાં પૂરાં કરવાં, એ વિચારમાં હંમેશાં હોઉં છું અને એ દિવસે સઘળા કામ આટોપીને બે દિવસમાં કલકત્તા નીકળવાનું હતું. જવાની અડધી તૈયારી બાએ કરી હતી. અડધી કરવાની હતી.

મૂંઝવણમાં વિચારની તંદ્રામાં તૈયાર થઈ. દાગીનાનો રૂમાલ છોડ્યો પણ સઘળા દાગીના ખોળામાં જ રહ્યા. મારી સંસ્થામાં એટલે મારા ક્વાર્ટર પર અંદર જતાં જ નીતાએ પ્રશ્ન કર્યો. “દીદી, આજે કાનમાં, ગળામાં કાંઈ જ શાથી પહેર્યું નથી ? જુદાં જ લાગો છો.” મારો હાથ કાન પરથી, ગળા પરથી ફર્યો. સાચ્ચે જ દાગીના ન હતા. પર્સ ઉઘાડ્યું. અંદર પણ કાંઈ ન હતું. સઘળાં કામો છોડીને એ જ પગલે, એ જ રસ્તે ઘરે આવી. રસ્તામાં કેરોસીન ડેપો પરની લાઈન, ઑફિસથી લગભગ અમારા ઘર સુધી હતી. સ્વચ્છ, સુંદર તડકો, ખોળામાંથી દાગીના પડી જાય તો તે ચળક્યા હોત. નગરસેવક રાજેન્દ્ર ખાનવિલકરે હમણાં જ રસ્તો સરસ મરામત કરાવી આપ્યો હતો. ઘરે પલંગ સુધી આવીને શોધ્યા. પણ દાગીના મળ્યા નહિ. એ દાગીના બાએ, ભાઈએ કરાવ્યા હતા. મેં લીધા હોત તો કદાચ આટલું દુઃખ થયું ન હોત. બધો મૂડ ગયો. ઑફિસમાં જઈને બોનસનો ચેક લખ્યો. નાગપુર, કલકત્તા તાર મોકલાવ્યો. ‘આવવાનું રદ કર્યું છે.’ બધાએ સમજાવી. પણ પોતાની બેદરકારીને કારણે થયેલ નુકસાનને કારણે મૂડ ગયો હતો. કલકત્તા જઈનેય આનંદ ન થયો હોત. મધર ટેરેસાની મુલાકાતની ઇચ્છા મનમાં જ હતી. ફરીથી જવાનો સમય પણ મળ્યો નહિ. આટલું થવા છતાંય બા અને અજીજે તુર્ત જ મને ફરી દાગીના કરાવી આપ્યા. આ બધાની શી જરૂર છે, એ મને સમજાતું નથી. મન રાખવા વિવાદ કર્યા વગર પહેરી લીધા. મારી અન્ય બધી ઇચ્છાઓ એ પૂરી કરે છે. તેથી તેમની આ હઠ હું સંતોષતી હતી.

ઉચગાવ છાત્રાલયના બાંધકામનો ખાતમુહૂર્ત સમારંભ કોના હાથે કરવો એની જ્યારે ચર્ચા થઈ ત્યારે જ ભાઈસાબ ખાનસાહેબે સૂચવ્યું કે એકાદ લાભાર્થીના હાથે ખાતમુહૂર્ત કરવું. બા પાસેથી સંસ્થામાં આવેલા અને ડૉ. આર.બી. સાતવેકરે ઓપરેશન કરેલ, કાખઘોડીને ટેકે ચાલતા લાગેલા બંડૂ હરાળેના હસ્તે ખાતમુહૂર્ત કરવાનું એકીમતે નક્કી કર્યું. એ કાર્યક્રમ સહુ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આનંદપૂર્વક થયો. નિગમ સૅનિટી કન્સ્ટ્રક્શનનું ટેન્ડર મંજૂર કર્યું હતું. શ્રી નિગમે સમારંભના ચા-પાણીનો ખર્ચ અને વ્યવસ્થા સ્વેચ્છાએ કરી. સંસ્થાના સ્થાપક સભ્ય મા. બાસાહેબ કાગલના મહારાણી શ્રીમતી વિજયાદેવી ઘાટગે, નિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી સુભાષચંદ્ર દેસાઈ, જિલ્લા પોલીસ વડા ભગવંતરાવ મોરે, ઉદ્યોગપતિ શિવાજીરાવ દેસાઈ, મુંબઈના દાનવીર અરવિંદ રાનડે, માધવપ્રસાદ ગોયન્કા, નાના બેરી, પુણતાબેંકર, રેહાના, ખાનસાહેબ, હારુનમામા, અનુબહેન, કમલાબહેન જેવા અનેક ઉમદા લોકો આશીર્વાદ આપવા આવ્યાં.

એક વખત મુંબઈમાં હાજી અલી મુકામે એકીસાથે આઠ પેશન્ટ્‌સને સંસ્થા દ્વારા મોકલવામાં આવ્યા હતા. પ્રત્યક્ષ ત્યાંના ડાયરેક્ટર સાથે તેમના એડમિશન અંગે વાત કરી હતી. સાથે ગઈ ન હતી. કાંઈક મુશ્કેલી ઊભી થઈ અને દવાખાનામાં તે પેશન્ટોને અને તેમના માલિકોને પ્રવેશ મળ્યો નહિ. મુંબઈથી ફોન આવ્યો. રેહાનાને ત્યાંય મહેમાનો હતા. આટલા આઠ-દસ જણાની સગવડ મુંબઈ જેવા સ્થળે કરવી મુશ્કેલ હતી. આવી તકલીફ છે. શું કરી શકાય એણે ફોન હિતચિંતકને કર્યો. ત્યારે પળભરનોય વિલંબ કર્યા વગર તેમણે મારા ઘરે આવવા દો. હું સઘળી વ્યવસ્થા કરું છું. તમે ચિંતા કરશો નહિ એવો દિલાસો મને આપ્યો. કહ્યા અનુસાર તેમણે સઘળી સુંદર વ્યવસ્થા કરી આપી.

મુંબઈમાં હંમેશાં મોટું ગ્રૂપ જાય ત્યારે રહેવાનો મોટો પ્રશ્ન જાગે છે. કારણ અમારે વિશિષ્ટ સવલતનું બાથરૂમ અને સંડાસ જરૂરી હોય છે.

કેટલીક વખત ધારાસભ્ય શ્રી ખાનવિલકર સાહેબ અને ધારાસભ્યશ્રી સુરેશ સાળોખેને ધારાસભ્ય નિવાસમાં રહી શકાય છે. તો કેટલીક વખત હાજી અલીના ‘ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ’ના દવાખાનાના ગેસ્ટ હાઉસમાં રહેવાની પરવાનગી મળે છે. પણ છતાં અનેક વખત ખૂબ જ તકલીફ પડે છે. તેને કારણે સરકાર સમક્ષ મુંબઈમાં ‘હેલ્પર્સ’ માટે એક નિવાસસ્થાન મફત અથવા અલ્પ દરે મળે એ માટે છેલ્લા અનેક વર્ષથી પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ હજુય અમને સફળતા પ્રાપ્ત થઈ નથી.

છાત્રાલયમાં પાયો નાખવાના આગલા દિવસે કેટલાક કાર્યકર, દાનવીર, હિતેચ્છુઓ માટે અમારા ઘરે જ ‘નશેમન’માં રાત્રિનું ભોજન આપવામાં આવ્યું હતું. ભાઈસાહેબ ખાનસાહેબ-બપોરે જ પહોંચવાના હતા. તે મુંબઈના રહેતા હોવાથી સંસ્થાના અન્ય કાર્યકરો સાથે તેમનો નજીકથી પરિચય થવાનો હતો. પણ મધ્યરાત્રિ બાદ સર્વ આમંત્રિતો ગયા પછી તે આવ્યા. હું પરોઢિયે તેમના ઊઠતાં પહેલાં જ ગઈ. કાર્યક્રમ વખતે ભાઈસાહેબ ખૂબ નરમ, થાકેલા લાગ્યા. દેસાઈ-કાકાજીએ મને સમાચાર આપ્યા કે કારવારથી તે કોલ્હાપુર આવતાં પહેલાં કોઈક કારણોસર નાવમાં બેઠા હતા એ નાવ ઊલટી થઈ ગઈ. ભાઈસાહેબને તરતા આવડતું ન હતું. અન્યોએ તેમને બહાર કાઢ્યા. ડૂબતા ડૂબતા બચ્યા. દવાખાને જઈએ એમ બધાય કહેતા હતા. પણ તે ક્યારેક જ કોલ્હાપુર આવતા અને ખાસ તો આ ખાતમુહૂર્તમાં આવવાનું આશ્વાસન તેમણે મને આપ્યું હતું. તેમણે તાત્કાલિક કોલ્હાપુર તરફ ગાડી વાળી. તેમનાં બૂટ-મોજા સર્વ પાણીમાં ભીંજાયેલાં હતાં.

કમળાબહેન સોવની નેવું વર્ષના સ્વાતંત્ર્ય સેનાની. તેમણે છાત્રાલયમાં પાણી પુરવઠા માટે આવશ્યક પાઇપલાઇન વગેરેના ખર્ચ માટે પંચાવન હજાર રૂપિયા દાન આપ્યું હતું. પોતાના દાગીના વેચીને તેમણે આ રકમ મોકલાવી અને જાહેર કરવું નહિ એવી વિનંતી કરી હતી. આજે કમલાબહેન આ દુનિયામાં નથી. પણ તેમના આશીર્વાદ સદાય અમારી સાથે છે. કાર્યક્રમ માટે આવેલા સઘળા મહેમાનોએ વૃક્ષારોપણ કર્યું.

કમલાબહેને કહ્યું, “આ બધા ઝાડ જીવવાં જોઈએ. તેમને પાણી આપવા માણસ રાખો. પૈસાનો પ્રશ્ન હશે તો હું તેનો પગાર આપીશ.” પરંતુ ઉચગાવની ઝૂંપડપટ્ટીમાં રહેનારા અમારા પાડોશીઓ પૈકીના એક જરૂરિયાતવાળા તરુણ, પ્રકાશકાળેને અને વૉચમેન તરીકે નીમ્યો હતો. પછી તેને જ વૃક્ષોને પાણી પાવાનું કામ પણ આપ્યું.

એકંદરે બે દિવસ પહેલાં થયેલ કડવો અનુભવ આવા ઉમદા લોકોના પ્રોત્સાહજનક બોલવાથી, આશીર્વાદ અને શુભેચ્છાને કારણે ભૂલી શકાયો. સાચું તો આનંદ વહેંચી લેવો, દુઃખ, અંતઃર્વેદના મનમાં જ રાખવી. એવા વિચારની હું છું. પણ એક વખત પોતાનું જીવન કાગળ પર ઉતારવાનું નક્કી કર્યું અને લાગ્યું કે માત્ર સારી વાતો જ દુનિયાને જણાવીને શું કામની ? ખરાબ વાતો જણાવવી આપણું કર્તવ્ય છે. અલબત્ત આ કટુ સત્યને કારણે સંસ્થાની પ્રગતિમાં અવરોધ જાગે નહિ, એવું ય ઇચ્છું છું. વાંચકોએ, આ વાંચતી વખતે હું કોઈની ટીકા કરતી નથી, કોઈકનું અપમાન કરવાની, કોઈકને દુઃખ આપવાની ઇચ્છા નથી એ ધ્યાને રાખવું. બનેલું સત્ય જણાવવાને હું મારું કર્તવ્ય માનું છું. આવું કાર્ય કરનારા કોઈકને મારું લેખન માર્ગદર્શનપૂર્ણ નીવડે એ હેતુ હોવાથી આ સત્ય પૂર્ણ સ્વરૂપમાં ન હોવા છતાં તેનો ઉલ્લેખ અપરિહાર્ય હોવાનું જણાય છે.

પાયો ભરવામાં બે દિવસ રહ્યા હતા. આગલા દિવસે બહારગામના આમંત્રિતો આવવાના હતા. તેમના રહેવાની વ્યવસ્થા હોટલ મેરામાં સંસ્થાના દાનવીર અને હૉટલના માલિક શર્ફુદ્દીન કાપડીએ રાહત દરમાં કરી. લગ્ન સમારંભ કરતાં વધુ દબાણ અમારા પર હતું. મોટા લોકોની વ્યવસ્થા આપણા હાથે યોગ્ય રીતે થાય એ ઇચ્છા હતી. સર્વ કાર્યકારી મંડળ, વ્યવસ્થાપન સમિતિ સદસ્ય તન્મયતાપૂર્વક લીધેલી જવાબદારી પાર પાડી રહ્યા હતા. અચાનક એક ફોન આવ્યો. થયું એમ કે કેન્દ્ર સરકાર સમક્ષ કૃત્તિમ સાધનો માટે અનુદાન મેળવવા છેલ્લાં ચાર-પાંચ વર્ષથી અમે પ્રયત્નશીલ હતા. સાંસદશ્રીએ આ વર્ષે અમારી દરખાસ્ત દિલ્હી પહોંચાડી હતી. આ અનુદાન મેળવતાં પહેલાં કેન્દ્ર સરકારનાં અધિકારીઓએ આવીને સંસ્થાનું નિરીક્ષણ, તપાસ કરવાની હોય છે. તે માટે આવેલા અધિકારી પૂણેની એક મોટી હોટલમાં ઊતર્યા હતા. મનેઅધ્યક્ષને ફાઇલ લઈને ત્યાં બોલાવી હતી. આવતી વખતે મારે-એ અધિકારીઓને કોલ્હાપુરથી ખૂબજ દૂર આવેલા તે ગામ સુધીની રેલવેની ફર્સ્ટ ક્લાસની ટિકિટ સાથે લઈ જવાની હતી. એવા ખરા સમયે ફોન આવ્યો હતો કે બેઠક બોલાવીને નિર્ણય લેવાનોય સમય ન હતો. ઉપરાંત આ બાબત બેઠકમાં રજૂ કરીને કાર્યવાહીમાં લેવીય શક્ય ન હતી. કાર્યકારી મંડળના કેટલાક સદસ્યો સાથે ફોનથી સંપર્ક કર્યો. એક વખત જ આમ અઘટિત વર્તવાથી કાયમી સ્વરૂપે આપણને ભરપૂર અનુદાન મળશે એ આશાએ, આવેલા ફોન અનુસાર વર્તવા ઠરાવ્યું. સમય પૂરતો ન હતો. તેને કારણે મારે અને દેશભ્રતારે ટૅક્સી કરીને પૂણે જવું અને અન્ય સદસ્ય કોલ્હાપુર ખાતમુહૂર્તના સમારંભની તૈયારી કરશે એમ નક્કી થયું. મને ભયંકર થાક લાગ્યો હતો. એક અંતિમ પ્રયત્નરૂપે પૂણે ફોન કરીને ‘તમે જ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં આવો’ એવી વિનંતિ તે અધિકારીઓને કરી. રેલવેની ટિકિટ ચઢાવી લીધી છે. એ ય જણાવ્યું. પણ તેમણે ‘સમય ન હોવા’નું જણાવ્યું, બહારગામથી આવેલા મહેમાનોના સ્વાગત માટે હું કોલ્હાપુર નહિ હોઉં. એના ખેદ સાથે ફર્સ્ટ ક્લાસની રેલવેની ટિકિટનો ભાર લઈને ટૅક્સી દ્વારા પૂણે પહોંચી. રેલવેના પ્રસાધનગૃહમાં જઈને મોં વગેરે ધોઈ ફ્રેશ થયા અને એ મોટી હોટલમાં પેલા અધિકારીઓની રૂમમાં ગયા. ભયાનક અસ્વસ્થ મનઃસ્થિતિમાં ચહેરા પર સ્મિત-હાસ્ય ધારણ કરીને એ અધિકારીઓને મળ્યા. અત્યંત મીઠાસભરી હિંદી વાતો. નિરીક્ષણ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો. તેમની સાથે ચા-નાસ્તો કરવો પડ્યો. સહી-સિક્કા કરાવી હું અને દેશભ્રતાર બહાર નીકળ્યા. કોલ્હાપુરના રસ્તે ફરી અમારી ટૅક્સી દોડવા લાગી. અમારું સદ્‌ભાગ્ય એટલું જ કે તેમણે અમારો વધુ સમય લીધો નહિ.

ત્યારબાદ અમને ત્રણ વર્ષ કૃત્રિમ સાધનો માટે અનુદાન મળ્યાં. માર્ચ અંત અથવા એપ્રિલમાં અનુદાનનો ચેક હાથમાં આવતો અને માર્ચ અંતે પૂરી રકમ ખર્ચી હોવાના કાગળો પુરાવા સહિત રસકારને નિશ્ચિત સમયમાં સાદર કરવા પડતા. પછી એ રકમમાંથી અપંગ વ્યક્તિઓની તબીબી ચકાસણી, માપો લઈને કૅલિપર્સ બનાવવા, કાનપુરથી સામગ્રી મંગાવવામાં ખૂબ સમય જવા લાગ્યો. આવશ્યક સમય અપૂરતો હોય છતાંય હિસાબો સરકારને મોકલવાના જ. આ કૃત્રિમ સાધનોના વિતરણ સમયે સરકારના અધિકારીઓને બોલાવવાની શરત હતી. તે મુજબ સમગ્ર કાર્યક્રમ પત્રિકાસહ તૈયાર કર્યો. પણ સમયસર કાનપુરથી કૃત્રિમ સાધનો મળ્યાં નહિ. અમારા જ પ્રશિક્ષણ કેન્દ્રમાં કૃત્રિમ સાધનોની એ કાર્યક્રમમાં વહેંચણી કરવામાં આવી. તે સમયે દર વર્ષે બે ત્રણ લાખ રૂપિયાની કિંમતનાં કૃત્રિમ સાધનોની વહેંચણી ‘હેલ્પર્સ’ દ્વારા કરવામાં આવતી. અનુદાન પિસ્તાળીશ હજાર રૂપિયા કરતાં વધુ મળતું ન હતું. ઉલટું સમાજકલ્યાણ ખાતા પાસે કૃત્રિમ સાધનો માટે આવેલી અરજીઓ સમાજકલ્યાણ ખાતું અમારી તરફ મોકલાવી અનુદાનમાંથી આમને કૃત્રિમ સાધનો આપો, એવો આદેશ કરતું. અનુદાનની અડધાથી વધુ રકમ આવી સરકાર તરફથી આવેલી અરજીઓને કૃત્રિમ સાધનો પૂરા પાડવામાં ખર્ચાઈ જતી. આ બધી બાબતોને કારણે અમે દર વર્ષે કૃત્રિમ સાધનો માટે કરવી પડતી અરજીઓ મોકલવી બંધ કરી.

‘આત્મારામ એપાર્ટમેન્ટ’માં ભાઈજાન યુસૂફ હુરજૂકના ફલેટમાં કૃત્રિમ સાધનો તૈયાર કરતી વખતે મશીનોનો અવાજ થતો. ઉપરના માળે રહેનારાઓને બપોરે ઊંઘવેળાએ તેથી તકલીફ થતી. થોડા દિવસ બપોરે બે-ત્રણ કલાક મશીનનું કામ બંધ રાખી જોયું. પણ ફરિયાદો આવતી જ રહી. ભાઈજાન તે વખતે સંસ્થા પાસેથી નામનું ભાડું લેતા હતા. મહિને એક હજાર ભાડું અમે આપતાં. તેને કારણે ટેક્ષ વધ્યો. દર વર્ષે ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયા ભાઈજાન સંસ્થાને દાન આપતા. એટલે ભાડાની લીધેલી અડધી રકમ તે દાન સ્વરૂપ પરત કરતા. હવે વધેલો ટેક્ષ પણ તેમણે જ ભરવાની બાબત મને અજુગતી લાગી. પણ સમિતિમાં આ બાબત રજૂ કરતાં જ એ ફ્લૅટ વાપરીએ ત્યાં સુધી સંસ્થાએ ટેક્ષ ભરવાનો ઠરાવ સમિતિએ મંજૂર કર્યો.

ગૅસ ગોડાઉન માટે જગા જોતી વખતે મહાનગરપાલિકાનો કદમવાડી સ્થિત સાંસ્કૃતિક હૉલ અમે જોયો હતો. હૉલ ખાલી પડ્યો હતો. ત્યાં જુગાર, દારૂ જેવા ધંધા ચાલતા. હૉલની ચારે બાજુએ ફૂટેલી બાટલીઓના કાચ વેરાયેલા પડ્યા હતા. બારીઓના કાચ પણ તૂટી ગયા હતા. એ જગા અમને પસંદ આવી. પી.ડી., રજની, દેશભ્રતાર, અભિજિત, છાયા, ઈર્શાદનેય જગા બતાવી. તે જગા પર થોડો ખર્ચ કરીને ત્યાં ‘આત્મારામ’નું પ્રશિક્ષણ કેન્દ્ર સ્થળાંતર કરવા સર્વાનુમતે નક્કી થયું. (૧૯૯૪-૯પ)અને તે તૈયારીમાં લાગ્યા. સંસ્થાના આર્કિટેક્ટ સંદીપ અંકલે, જેમણે શૉ રૂમનું ફર્નિચર બનાવી આપ્યું હતું તેમને જ કદમવાડીના હૉલના પાર્ટિશનની ને ઇતર ફર્નિચરના કામની જવાબદારી સોંપી. અંદરના બાથરૂમ અને સ્વચ્છતાગૃહ અમારે જોઈતા હતા. તેવા બાંધી લીધા, મહાનગરપાલિકાએ તે હૉલનું ભાડું મહિને ૧૭૧૦ રૂપિયા નક્કી કર્યું. ભાડું ઓછું કરવા વિનંતી કરી. પણ તેમને તેવું કરવામાં અડચણ હતી.

કેન્દ્ર સરકારના સાયન (મુંબઈ) સ્થિત ‘અપંગાર્થ વ્યાવસાયિક પુનર્વસન કેન્દ્ર’ સાથે સંપર્ક કર્યો. હું ત્યાં ગઈ. ત્યારે ત્યાંના અધિકારી શ્રી નરસિંહન અને તેમના સાથી શ્રી લવાંગરેએ અમારા વ્યવસાયોનું પ્રશિક્ષણ આપવાનું સ્વીકાર્યું અને મહત્ત્વપૂર્ણ સહકાર આપ્યો. ‘હેલ્પર્સ’ પાસેનાં નોંધાયેલા અપંગોમાંથી અમે પસંદગી કરીને જૂથ બનાવ્યા. પહેલા વર્ષે વીજળીના સાધનોની મરામત, સ્ક્રીન પ્રિન્ટિંગ, દ્વિચક્રી વાહનોની મરામત, રબરના સિક્કા બનાવવા વગેરે અભ્યાસક્રમો નક્કી કરવામાં આવ્યા. કેન્દ્ર સરકારના સૌજન્યથી શરૂ કરવામાં આવેલા આ પ્રશિક્ષણ વર્ગનું ઉદ્‌ઘાટન કરવા ગૅસ એજન્સીના અધિકારીને મુખ્ય મહેમાન તરીકે બોલાવ્યા. હવે નવી જગામાં વેળા-કવેળાએ કામ કરીએ તો ય ચાલતું હતું. કોઈની ફરિયાદ ન હતી. શરૂઆતમાં ત્યાં ફક્ત પુરુષ પ્રશિક્ષણાર્થીઓને જ પ્રવેશ આપ્યો. રસોઈમાં સૌઢ ગડકરી હતા. તેમના પતિશ્રી હારુન ગડકરી. જેમનો એક પગ કૃત્રિમ હતો. તેમને વૉચમેન તરીકે નિમણૂક આપી, પણ મુક્તા, સુરેખા અને કાંચને આગ્રહ સેવ્યો. અમનેય પ્રવેશ આપો. અમારે ય કાંઈક શીખીને પોતાના પગ પર ઊભા રહેવું છે. તરુણ-તરુણીઓને એક છત હેઠળ રાખવાથી કેટલાક વિક્ટ પ્રશ્ન નિર્માણ થાય છે. તેથી કદમવાડીનું છાત્રાલય અને પ્રશિક્ષણ ફક્ત પુરુષો માટે જ રાખવું એમ કાર્યકારી મંડળે નક્કી કર્યું હતું. પણ અપંગ સ્ત્રીઓએ કેટલાં વર્ષ પોતાને ઘરમાં જ ગોંધી રાખવી? કેટલીક મુશ્કેલી આવ્યે, પ્રશ્નો ઉદ્‌ભવે તો તે આપણે ઉકેલીશું. પણ પ્રવેશ આપીને આ તરુણીઓને પણ સ્વાભિમાનપૂર્વક જીવવાની તક આપીશું એવી ચર્ચા મેં અને રજનીએ અંદરોઅંદર કરી અને કાર્યકારી મંડળી સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો. હંમેશની જેમ સહુએ મંજૂરી આપી. મુક્તા, સુરેખા, કાંચન આનંદ પામ્યા.

મુક્તાના પિતા ન હતા. પગે પોલિયો થયો હતો. એક કાખઘોડીના ટેકે એ સઘળાં કામો કરતી હતી. પંદર-વીસ પરથી છાત્રાલયમાં એકાએક ત્રીસ-ચાળીશ જણ થવાથી, સૌ. ગડકરી એકલા રસોઈના કામને પહોંચી વળતાં નહતાં. મુક્તાએ રસોઈની જવાબદારી લીધી. સુરેખા અને કાંચન હતાં. સુરેખાએ રબર સ્ટેમ્પ મેકિંગનો કોર્સ પણ કર્યો. પરોઢિયે રોટલી બનાવવામાં સર્વ પુરુષ પ્રશિક્ષણાર્થી પણ મદદ કરતાં. સઘળાં કામોની સાફ-સફાઈ, ફરસ પર પોતું કરવું, બાથરૂમ, આંગણાની સ્વચ્છતા, બાગકામની વર્ગવારી કરીને વારા પાડવામાં આવ્યા. ઉચગાવમાં થનાર છાત્રાલયનું જાણે અમે કદમવાડીમાં રિહર્સલ કરતા હતા.

વીજળીનાં સાધનોની મરામતના પ્રશિક્ષણ માટે એક અપંગ શિક્ષકની જ નિમણૂક કરી. અન્ય પ્રશિક્ષણ પણ નિમવામાં આવ્યા. પરીક્ષા વખતે બધા પાસ થાય તેથી એ અપંગ શિક્ષકે બધાને આનંદપૂર્વક કૉપી કરવા પરવાનગી આપી. તે પહેલાંય ખોટું બોલવાને તેમણે પ્રોત્સાહન આપ્યું હતું. આવા પ્રશિક્ષકને રાખીને અમારે અપંગોના હાથમાં માત્ર સર્ટિફિકેટનો કાગળ આપવો ન હતો. પરીક્ષા વ્યવસ્થિત રીતે લેવા ફરજ પાડી અને એ શિક્ષકને હઠાવવામાં આવ્યા.

આ અરસામાં જ ચોવીસ વર્ષની એક સુંદર પૅરાપ્લેજિક યુવતીને તેનો ભાઈ મારી પાસે લાવ્યો. સદોરી ચંદવાની એનું નામ. બેડસોરથી કંટાળી ગઈ હતી. પણ ડૉક્ટરોની સલાહ ન માનનારી, અત્યંત જિદ્દી ! પાંચ વર્ષ પહેલાં સગાઈ થઈ હતી. ટેંબલાઈના મેળામાં ફ્લાઈંગ વ્હીલમાં બેઠી અને ઉપર થયેલ પારણું તૂટીને નીચે પડ્યું. પીઠનો મણકો તૂટી ગયો. મારા જેવું અપંગત્વ આવ્યું. લગ્ન થવાં શક્ય જ ન હતાં. અનહદ અપંગત્વ અને તેમાં વૈવાહિક જીવનનાં સ્વપ્નો ચૂર થયાં હતાં. તેની મનઃસ્થિતિની હું કલ્પના કરી શકતી હતી. એ વ્હીલચેરમાં ય બેસવા તૈયાર ન હતી. એને લાગતું હતું. મુંબઈના મોટા ડૉક્ટર પાસે જઈશું તો આપણે ચાલવા લાગીશું. ખોટી આશા દૂર કરીને તેણે સત્યનો સ્વીકાર કરવો જોઈતો હતો.

મુંબઈની હાજી અલી સ્થિત સહુથી મોટી હૉસ્પિટલમાં હું પોતે તેને લઈ ગઈ. ઉચગાવ બિલ્ડિંગ માટે કેન્દ્ર સરકારે માંગેલ અરજીને ફાઇલ મંત્રાલયમાંથી દિલ્હી મોકલાવવાનું કામ પણ મારે કરવાનું હતું. મુંબઈમાં એને એડમિટ કરીને મેં મારાં કામ પતાવ્યાં. સાયનના પૅરાપ્લેજિક ફાઉન્ડેશનમાં ખાસ ત્યાંના અપંગોના રહેવાની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવી છે. એ જોવા માટે ગઈ. અમે છાત્રાલય શરૂ કરવાનું નક્કી કર્યું ત્યારથી આદર્શ છાત્રાલય નિર્માણ કરવા માટે હું જ્યાં જતી ત્યાં વધુમાં વધુ છાત્રાલયો જોતી હતી. તો સાયનના પૅરાપ્લેજિક ફાઉન્ડેશનમાં ફક્ત પૅરાપ્લેજિકની રમતસ્પર્ધા વાપીમાં છે એમ જાણ્યું. મારે સદોરીને આ બતાવવું હતું કે આ વિશ્વમાં એ એકલી જ પૅરાપ્લેજિક નહિ પણ સેંકડો યુવક-યુવતીઓ તેના જેવા જ પૅરાપ્લેજિક છે અને શિક્ષણ, રમત, કલા ઇત્યાદિ અનેક ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી કરીને તે સન્માનપૂર્વક, આનંદથી જીવી રહ્યા છે. આ હેતુથી તેને લઈને વાપી જવાનું નક્કી કર્યું. નોકરી અને સંસ્થામાં રોકાયેલી હોવાથી આ તરફ મારો રમતસ્પર્ધા સાથે સંબંધ જ રહ્યો ન હતો. તેને કારણે સ્પર્ધામાં એ સમયે ભાગ લઈ શકાયો નહિ. છતાં મેદાન પર આ નિમિત્તે સર્વેને, નવાજૂના મિત્રો-બહેનપણીઓને મળી શકાશે એ ય ઉદ્દેશ હતો. મારા આગ્રહ ખાતર સદોરી આવવા તૈયાર થઈ. મને મેદાન પર અચાનક જોઈને સંચાલક અને સ્પર્ધકો પણ આનંદ પામ્યા. સદોરીને ખૂબ જ આગ્રહ કરવા છતાંય તેણે સ્પર્ધામાં ભાગ લીધો નહિ. પણ સંચાલકોએ જ મને ભાગ લેવા વિનંતી કરવાથી અનેક વર્ષો બાદ સ્પર્ધામાં ભાગ લેતાં મેં પાંચ પ્રથમ નંબરના રોકડ ઇનામો મેળવ્યાં. હાજી અલીથી વાપી માટે કરેલો ટૅક્સી ખર્ચ કાઢતાં ઊલટું રકમ સિલકમાં રહી. ભાણિયાઓ સાથે આ જીતવાનો આનંદ બીજા દિવસે રેહાનાના ઘરે ઉજવ્યો આ સ્પર્ધા વખતે ખરો લાભ મને થયો તે એ કે વિશ્વનું એક આશ્ચર્ય મને મેદાન પર સાક્ષાત જોવા મળ્યું. તે આશ્ચર્યનું નામ હતું. મહેન્દ્ર કુલકર્ણી ! જેને મળે તેને વશીભૂત કરી નાંખનાર આ વ્યક્તિત્વ, મહેન્દ્ર એટલે દેવોનો અધિપતિ, આભ સમાન ઊંચો, શિષ્ટ, પ્રત્યેકને આકર્ષિત કરનાર નિર્મળ, નિષ્પાપ હાસ્ય. જેને જોઈને તેના અંતર્મનમાં ખદખદનારી તેજોમય અગનજ્વાળાઓ અને વ્યાધિથી ઘેરાયેલ શરીરની કોઈ કલ્પના કરી શકે નહિ. આવા આ વ્યક્તિત્વને જ્યારે વાપીના મેદાન પર એક હાથે વ્હીલચેર રેસમાં ભાગ લેતા, એક હાથે વ્હીલચેર પરથી થ્રૉ. બોલ મેચ અપ્રતિમપણે રમતી વખતે હસતા, બોલતા જોયો, ત્યારે આશ્ચર્યથી હું ચકિત થઈ. તેના મનોધૈર્યથી આનંદ થયો. પણ તે જ વખતે ભગવાન આટલા સુંદર વ્યક્તિત્વને આમ વ્હીલચેર સાથે જકડાયેલો રાખે, એક હાથ પણ નકામો કરે અને બન્ને કાને શ્રવણયંત્ર લગાવવાનો વારો લાવે એ જોતાં વ્યથિત પણ થઈ મહેન્દ્રને જોઈને મારામાં જે થોડુંઘણું માનસિક અપંગત્વ બાકી રહ્યું હતું. તેનું પુનર્વસન થયું કહેવામાં હરકત નથી.

સંસ્થાનાં અન્ય કામો માટે મુંબઈમાં સમય પર્યાપ્ત ન હોવાથી ઉતાવળમાં ફક્ત મહેન્દ્રને અભિનંદન આપ્યા અને સંચાલકોના આગ્રહવશ બે શબ્દ કહ્યા. ચેશાયર હોમ, અંધેરી અને પૅરાપ્લેજિક ફાઉન્ડેશન. વાપીની થ્રોબોલ ટીમને વિશ્વ અપંગ દિવસ નિમિત્તે કોલ્હાપુર મુકામે અમારી આયોજિત સ્પર્ધાનું નિમંત્રણ આપીને હું કોલ્હાપુર પાછી ફરી. કોલ્હાપુરના અપંગોનેય વ્હીલચેર પરનો થ્રો-બોલ શીખવવો એટલે આનંદ સાથે જ સંપૂર્ણ શરીરને કાયમ વ્યાયામ મળશે એ વિચાર મનમાં હતો.

પછી તુર્તજ ફેબ્રુઆરીમાં મકાનના અનુદાનના કામ માટે હું દિલ્હી જઈ આવી. મહેન્દ્રને પત્ર લખીને અધિક માહિતી મેળવવાની ઇચ્છા થતી હતી. પણ નોકરી અને સંસ્થાના કામમાં અક્ષરશઃ ત્રણ-ચાર કલાક રાતની ઊંઘ બાદ કરતાં રાતદિવસ રોકાયેલી હોવાથી મહેન્દ્રને પત્ર લખી શકાયો નહિ. માર્ચ ૯૪માં ચેશાયર હોમ, અંધેરીની ટીમ સાથે મહેન્દ્ર કોલ્હાપુર આવ્યા. સંસ્થાની અધ્યક્ષા અને સ્પોટ્‌ર્સની વ્યવસ્થાપિકા હોવાને કારણે એ ટીમ સાથે હું વધુ સમય ફાળવી શકી નહિ. સહુની વ્યવસ્થા સૌ. રેણુકા બોન્દ્રેએ તેમના છાત્રાલયમાં કરી. જમવાથી પથારી સુધીની સર્વ દેખરેખ તે જાતે કરતાં હતાં. એ સઘળી ટીમો માટે કોલ્હાપુર દર્શન માટે સ્પેશ્યલ બસ કરી, ત્યારે બધાં કામો પડતાં મૂકીને એ ટીમ સાથે ગપ્પાં મારાવા હું સાથે થઈ. તે વખતે મારા ધ્યાને આવ્યું કે તેમાંના અનેકોની વ્હીલચેર્સ તૂટેલી જ નહિ પણ નાખી દેવા જેવી છે. વ્હીલચેર પર જીવન આધારિત એવા તે યુવકોની વ્હીલચેર્સની હાલત અને મહેન્દ્રની મનને હચમચાવી નાંખનાર કથા સાંભળીને હું એટલી વ્યથિત થઈ કે પછી ગ્રાઉન્ડ પરની સામાન્ય બાબતોની ઊણપ નિમિત્તે હું રડવા લાગી. મારું આમ ગ્રાઉન્ડ પર રડવું અયોગ્ય છે, ભૂલભર્યું છે. એ સમજાતું હતું. પણ મનને અને આંખોનેય હું ખાળી શકી નહિ. નાના-મોટા સહુને જ મારા રડવાનું આશ્ચર્ય થયું હશે. પણ વિશ્વનું આ દુઃખ જલદી પૂરું થાય એમ લાગતું હોય ત્યારે એ ક્યારેય ખતમ થશે નહિ એનું ભાન મને હચમચાવી નાંખતું હતું. ગ્રાઉન્ડ પર એક મોટા શ્રીમંત, પૈસાદાર સંસ્થાના પદાધિકારી આવ્યા. તેમને મુંબઈથી આવેલ ટીમની એ આઠ જીર્ણ હાલતવાળી વ્હીલચેર્સ બતાવીને આઠ વ્હીલચેર્સ દાન પેટે આપવાની વિનંતી કરી. તેમણે તાબડતોબ એ માન્ય રાખી. કાગળો, અરજી, ફોટો મોકલાવી આપવાની તેમની ટીમ સાથે આવેલ સ્પેનિશ સિસ્ટરને - જેમણે પોતાના સ્પેનિશ નામના અર્થ પરથી સહુને સરળ બની રહે તેથી પોતાનું નામ પુષ્પા રાખ્યું હતું - વિનંતી કરી. ત્યારે મારું મન થોડું શાંત થયું અને મેં જવાબદારી લીધેલ અન્ય કામોમાં ધ્યાન આપી શકી.

મહેન્દ્રની સાંભળેલી કથા આમ હતી : ૧૯૮૬માં ભૂલમાં તેમને ઘરબહાર હતા ત્યારે ગ્લિસરૉલ આપવામાં આવ્યું. ત્રણ-ચાર મહિના તે કોમામાં હતા. ભાન આવ્યું ત્યારે અક્ષરશઃ બધું જ ગુમાવ્યું હતું, નિયતિએ ઝૂંટવી લીધું હતું. સ્મરણશક્તિ જતી રહેલી. (ઘણા સમય બાદ જાણવા મળ્યું કે સાથેનો ડ્રાઇવર મહેન્દ્ર જીવવાના નથી એમ માનીને બધા દસ્તાવેજો, સૂટકેસ, પૈસા વગેરે લઈને નાસી ગયો) કોઈ સગાવ્હાલા પાસે નહિ. કેમ તે ભગવાન જ જાણે. પણ અપરિચિત તરીકે દવાખાનાના રેકર્ડમાં નોંધ હતી. પગમાંની તાકાત, વાચા, શ્રવણશક્તિ ગુમાવેલી, દૃષ્ટિ પણ ક્ષીણ થયેલી. પછી અનેક દવાખાનાઓમાં જુદી જુદી સારવાર લઈને પોતાની ઇચ્છાશક્તિના બળે વ્હીલચેર પર એક હાથે જ હરવાફરવા લાગ્યા. હિંદી, ઇંગ્લિશ ભણ્યા. કવિતા રચવા લાગ્યા. શ્રવણયંત્રની સહાયથી સાંભળવા લાગ્યા. પોતે બનાવેલા સાધનથી લખવા લાગ્યા. જાતે બ્રશ કરવું, દાઢી બનાવવી, નહાવું, બધું જ પ્રચંડ ઇચ્છાશક્તિના જોર પર કરવા લાગ્યા. રાખમાંથી પુનર્જન્મ લીધો. સ્પોટ્‌ર્સમાં પ્રાવિણ્ય દાખવવા લાગ્યા. દવાખાનામાં રહીને અપંગત્વમાં કાંઈ બદલાવ થવો અશક્ય છે એવું તેમને જ્યારે સમજાયું ત્યારે ૧૯૯રમાં ચેશાયર હોમ અંધેરી આવ્યા. ત્યાં તેમને બધી સુખ-સગવડ હતી. પણ મન સંતુષ્ઠ ન હતું. ઘણુખરું તે ડૉક્ટર અથવા સંશોધક હોવા જોઈએ. તેમની અંદરનો સંશોધક તેમને સ્વસ્થ બેસવા દેતો ન હતો. દયા પર જીવવા ઇચ્છતા ન હતા. પરિશ્રમનો પરસેવાનો રોટલો ખાવાની ઇચ્છા હતી. પણ તક મળતી ન હતી. લૂખી સહાનુભૂતિ, ઠાલી આશા, દયા વરસાવતા લોકો આવતાં અને જતાં. એવામાં જ તે કોલ્હાપુર આવ્યા હતા. ત્યાં મનોરંજનના કાર્યક્રમ વખતે તેમણે ગીત ગાયું. ‘ઘૂંઘરું કી તરહ બજતા હી રહા હૂં’ એક કવિતા જતાં જતાં રેલવે સ્ટેશન પર મને સંભળાવી. મનમાં ઊંડે ઊંડે એ કવિતાની અને મહેન્દ્રની છાપ અંકિત થઈ. રેકર્ડમાંથી એ કવિતા શોધી કાઢવી મુશ્કેલ છે. અન્યથા કોઈનેય એ કવિતા ચોક્કસ ગમે એવી છે.

મહેન્દ્ર કોલ્હાપુરથી પાછા ફર્યા. ચેશાયર હોમના યુવાનોને વ્હીલચેર આપનાર તે સંસ્થાએ પછી કોલ્હાપુર બહારના અપંગોને આવાં સાધનો પૂરાં પાડવામાં પોતાની અસમર્થતા વ્યક્ત કરી. મેં તો એ મારા આઠ બાંધવોને વ્હીલચેર આપવાનું વચન આપ્યું હતું. મારા ભાઈએ મારી આવશ્યકતા રૂપે વિશિષ્ટ બનાવટની વીસથી ત્રીસ હજારની વ્હીલચેર મંગાવી આપી હતી. તે ભરપાઈ કરવાની વેળા આવી છે એમ માનીને મેં એક વ્હીલચેર માટે પપ૦૦ રૂ. કરજ મેળવ્યું. સૌ. રેણુકા બોન્દ્રેભાભીને મારી વ્યથા, ખેદ જણાવતાં જ તેમણે એક વ્હીલચેરના પૈસા મોકલી આપ્યા. બે વ્હીલચેર્સની રકમ મોકલીને મેં તાત્કાલિક કાનપૂર ઓર્ડર આપ્યો. બાકીની છ વ્હીલચેર્સ માટે પ્રયત્ન કરવા લાગી. પૈસાની તંગી, છાત્રાલયનું ખોરંભાયેલું બાંધકામ, તેમ જ મુંબઈના સતત આંટા મારીને દેસાઈકાકાજીની મદદથી મળે એ દાન કોલ્હાપુર લાવતી હતી. છેવટે બાંધકામ બંધ થાય નહિ તેથી વગર વ્યાજે હિતચિંતકો પાસેથી કર્જ લેવાની શરૂઆત કરી. બા, ભાઈસાહેબ અને ઘરના બધાં જ લોકોનો આમ દેવું કરીને સંસ્થા ચલાવવા સામે વિરોધ હતો. પણ મને અને સમિતિને લાગતું હતું કે આજ નહિ તો કાલે દાન મળશે. પણ બાંધકામ બંધ પડ્યું તો એ ફરીથી ચાલુ કરવું લગભગ અશક્ય થશે. આવી વિચિત્ર મનઃસ્થિતિમાં હું મુંબઈ ગઈ હતી.

મારી વર્ગની બહેનપણી સૌ. સુનીતા અણાવકર - પૂર્વેની ચેંદવણકર એસ.એસ.સી. પછી વીસ-પચ્ચીસ વર્ષે મળી હતી. સંસ્થાના કાર્યથી એ પ્રભાવિત થઈ હતી અને સંસાર સંભાળીને મને થાય એટલી તમામ પ્રકારની મદદ કરતી હતી. હું મુંબઈ ગઈ ત્યારે તેણે મને એક મોટા દાનવીરની મુલાકાત કરાવવા માટે થાણે બોલાવી. ભાઈસાહેબને ત્યાં વિદેશી મહેમાનો હોવાથી તેમની મોટી કાર મને મળી શકે એમ ન હતી. મારુતીમાં વ્હીલચેર ગોઠવાતી ન હતી. તેથી ટૅક્સી દ્વારા થાણે જવાનું હતું. રસ્તામાં ચેશાયર હોમમાં બાંધવોને મળીને, મને તેમને વ્હીલચેર આપવા અંગેના આપેલા વચનની યાદ છે. એ કહેવાની ઇચ્છા હતી. મોડું થઈ ગયું હોવા માટે માફીય માંગવી હતી. પણ ટૅક્સીથી જવાનું હોવાથી તે શક્ય ન હતું. ટૅક્સીનું બીલ વેઇટિંગને કારણે ખૂબ વધ્યું હોય. જૂન મહિનાનો ધોધમાર વરસાદ પડતો હતો. સવારે તૈયાર થતાં થતાં રેહાના પાસે મનનો વિચાર વ્યક્ત કર્યો. તો ‘તું તૈયાર થા, હું થોડો વખત તારી વ્હીલચેર નીચે લઈ જઈને મારુતીમાં ગોઠવાય છે કે નહિ જોઉં’ કહેતાં એ નીચે ગઈ. મારી સાથે એની મોટી દીકરી હુમેરા આવવાની હતી. મારે આગળ બેસવું, હુમેરા જરા સંકડાઈને બેસશે. પણ મારુતિ દ્વારા ઘરના ડ્રાઇવર સાથે આખેય દિવસ હું બ્હારનાં કામો કરી શકીશ અને એનેય ચિંતા રહેશે નહિ. એમ રેહાનાએ કહેતાં જ મને આનંદ થયો. વરસતા વરસાદમાં ચેશાયર હોમમાં પહોંચી. હંમેશની જેમ મને જોઈને સહુને આનંદ થયેલો દેખાયો નહિ. ‘ચોરના મનમાં ચાંદની’ તેમ મને થયું. મેં આઠ વ્હીલચેર્સ આપવાનું ગપ્પું માર્યું અને માર્ચથી જૂન સુધી તેમને પત્ર પણ મોકલ્યો નહિ, મળીય નહિ એમ માનીને બધા મારી પર નારાજ છે એમ મને લાગ્યું. પણ ચંદ્રશેખરે મને હળવેથી કહ્યું. કોલ્હાપુર પાછા ફર્યા પછી મહેન્દ્રને તાવ આવ્યો. ઊલટીઓ થઈ અને એના ગળામાં ગોઠવેલો ઇલેક્ટ્રોડ ક્યારે પડી ગયો એની ખબર પણ પડી નહિ. તેને કારણે એનું બોલવાનું બંધ થયું. સાંભળતાં શરીર પર રુંવાડા ઊભાં થઈ ગયાં. મહેન્દ્રની આ હાલતને કારણે આખુંય ચેશાયર હોમ ગ્લાનિભર્યું અને સુન્ન થયું હતું. એ ત્યાંના ચૈતન્યમૂર્તિ હતા. આ ભયાનક સ્થિતિને કારણે એ ક્વચિત જ રૂમ બહાર નીકળતા. કોઈનેય મળતા ન હતા. મેં મનમાં હિંમત રાખીને અંદર સંદેશો મોકલાવ્યો, ‘હું અંદર આવું કે ?’ તો તેમણે પોતે જ બહાર આવી રહ્યાનો સંદેશો આપ્યો. શ્વાસ રોકી થરથરતા અંતઃકરણને હું તેમની રાહ જોતી હતી. તે સામે આવતાં હું બોલું પણ એ બોલી શકવાના ન હતા. થોડી ક્ષણોમાં જ વ્હીલચેર પરથી એક હાથે જ વ્હીલચેર ચલાવતાં જે વ્યક્તિ સામે આવ્યા, દાઢી, મૂછો, માથાના વધેલા વાળવાળા મહેન્દ્ર જ છે, એ માનવાને મન તૈયાર ન હતું. મેં ફક્ત એક નજર તેમની પર નાંખી. ફરી આંખો ઊંચી ઉઠાવીને તેમની સામે જોવાની હિંમત મારામાં ન હતી. કેમ છો, પૂછવાનો પ્રશ્ન જ ન હતો. શું કહું છું ? સાંત્વના, ધીરજ બધાની પેલે પારની એ સ્થિતિ હતી. હું નીચું માથું કરીને આંસુ ખાળવાનો પ્રયત્ન કરતી હતી એ મહેન્દ્ર જાણી ગયા.

“આય હેટ ટિયર્સ... હું જંગલી જનાવર જેવો દેખાઉં છું ને ? મને મળવા, જોવા આવનારા લોકોની નજરો, શબ્દ, બરાડવું અને સર્કસના પ્રાણીને જોવા આવેલા પ્રેક્ષક જેમ હોય છે. તેથી હું જાણી જોઈને તેમને સંતોષ થાય એમ જંગલી જનાવરનું પ્રદર્શનમાં રજૂ થાય એવું રૂપ ધારણ કર્યું છે. આ પત્ર મેં તમને લખ્યો હતો. પોસ્ટમાં નાંખવાની ઇચ્છા થઈ નહિ અહીં વાંચશો નહિ. બહાર નીકળ્યા પછી વાંચજો...” ડાબા હાથે, એક કૃત્રિમ સાધનમાં પેન ભરાવીને એક કાગળમાં મોટા મોટા અક્ષરમાં આ પેડ પર લખીને તેમણે તે પેડ મારા હાથમાં આપ્યું. વાંચી લેતાં પેડ પાછું લીધું. “હું ફરીથી આવીશ.” આટલું જ બોલીને હું ત્યાંથી નીકળી. આવી ત્યારે જેવો વરસાદ તૂટી પડ્યો હતો તેવો જ હજુય વરસતો હતો. ગાડી ચાલુ થતાં જ મહેન્દ્રનો પત્ર વાંચ્યો. હું તેમને મને મળેલો ખાનગી પત્ર આમ જાહેર કર્યાની મહેન્દ્રને જાણ થશે. તો તેઓ મારી પર ગુસ્સે થશે. પણ પત્ર વાંચ્યા સિવાય મેં મહેન્દ્રના પુનર્વસનના કામે પોતાને ડુબાડી દીધી. એ જાણી શકશે નહિ.

ઘ્ટ્ટઘ્ટ્ટ

સ્ર્ક્રઌટ્ટ પટક્રઘ્ ઘ્ટ્ટઘ્ટ્ટ, ઽક્રક્રસ્ર્ઘ્ ત્ત્ક્રઙ્ગેંક્રશ્વ શ્નષ્ટગ ગધ્ખ્ક્રક્રશ્વમઌ થ્ ભક્રરુપળ્ખ્ક્ર દ્યક્રશ્વટક્રક્ર. ૐશ્વબ્ઙ્ગેંઌ પક્રશ્વ ઽક્રુઽક્ર બ્પગ ઌક્રૠક્ર ગશ્વ ૐક્રશ્વઙ્ગેંબ્ત્સ્ર્ દ્યક્રશ્વ ત્ન દ્યટ્ટ ીંગઙ્ગેંટ્ટ ઽક્રબ્ુગસ્ર્ભ ખ્ક્રઌ પક્રભટ્ટ દ્યહ્મ ત્ન ત્ત્ક્રઙ્ગેંક્રશ્વ ઘ્ટ્ટઘ્ટ્ટ ઌક્રૠક્રગશ્વ ળ્ઙ્ગેંક્રથ્ક્ર પક્રઌક્ર, ૠક્રશ્વથ્શ્વ ૠક્રઌૠક્રશ્વધ્ ત્ત્ક્રઙ્ગેંશ્વ બ્ૐષ્ ષ્ઙ્ગેં ક્રગ પટક્રભ ખ્ક્રઌક્ર ટક્રસ્ર્ક્ર ત્ન

ઘ્ટ્ટઘ્ટ્ટ, ઙ્ગેંક્રશ્વદદ્યક્રઠ્ઠથ્ ત્ત્ક્રઌક્ર ૠક્રશ્વથ્શ્વ બ્ૐષ્ ક્રગ ભપળ્થ્ખ્ક્રક્ર બક્ર, ૠક્રહ્મઌશ્વ ખ્ક્રદ્યળ્ભ ઙ્ગેંળ્ન્ ગટ્ટક્ર દ્યહ્મ, ષ્ઙ્ગેંપઠ્ઠઞ્ દ્યક્રશ્વઙ્ગેંથ્, ળ્ખ્તક્રથ્ટ્ટ ગશ્વ ઙ્ગેંળ્ન્ ઙ્ગેંથ્ ટક્રળ્પથ્ઌશ્વ ઙ્ગેંટ્ટ ભૠક્રપ્તક્રક્ર ત્ત્ક્ર ત્ત્ક્રહ્મથ્ ત્ત્ક્રઙ્ગેંશ્વ ‘દ્યશ્વદગષ્ટ ત્ત્ક્રદ્મેં મટ્ટ દ્યશ્વબ્ર્ભ્ઙ્ગિેંંક્તભ્’ ઙ્ગેંશ્વ દ્યથ્ષ્ઙ્ગેં ગઘ્જીસ્ર્ ૠક્રશ્વધ્ ઘ્શ્વઙ્ગેંથ્ ખ્ક્રદ્યળ્ભ ળ્ઽક્રટ્ટ દ્યળ્શ્નષ્ટ ત્ન બ્પગશ્વ બ્ગદ્મેંષ્ટ ખ્ક્રસ્ર્ક્રઌ દ્યટ્ટ બ્ઙ્ગેંસ્ર્ક્ર પક્ર ગઙ્ગેંભક્ર દ્યહ્મત્ન

પખ્ક્રગશ્વ ૠક્રહ્મધ્ શ્રગ દ્યક્રશ્વબ્જીઞ્ૐ ઙ્ગેંશ્વ દ્યક્રઘ્ગશ્વ ગશ્વ ખ્ક્રક્રદ્યથ્ બ્ઌઙ્ગેંૐક્ર, ૠક્રહ્મધ્ ષ્ઙ્ગેં ઉંપઘ્ક્ર ૐક્રઽક્ર બક્ર ત્ન ૠક્રશ્વથ્ક્ર ગખ્ક્ર અૠક્ર દ્યક્રશ્વ નળ્ઙ્ગેંક્ર બક્ર ત્ન ૐશ્વબ્ઙ્ગેંઌ ૠક્રહ્મધ્ શ્રૠૠક્રટ્ટઘ્ ઙ્ગેંશ્વ ગદ્યક્રથ્શ્વ ઙ્ગેંક્રશ્વબ્ઽક્રઽક્ર ઙ્ગેંથ્ભક્ર થ્દ્યક્ર, ઙ્ગેંટ્ટ ષ્ઙ્ગેં બ્ઘ્ઌ ૠક્રશ્વથ્ટ્ટ ળ્ઘ્ટ્ટ ત્ત્ક્રહ્મથ્ ૠક્રદ્યશ્વઌભ ઙ્ગેંશ્વ ખ્ક્રૐખ્ક્રળ્ભશ્વ થ્ ૠક્રહ્મધ્ ઙ્ગેંક્રૠક્રસ્ર્ક્રખ્ક્ર દ્યક્રશ્વઙ્ગેંથ્ થ્દ્યઠ્ઠધ્ટક્રક્ર ત્ન ૠક્રહ્મઌશ્વ ષ્ઙ્ગેં ઌશ્નષ્ટ ઉંપઘ્ટક્રટ્ટ ઽક્રળ્ન્ ઙ્ગેંટ્ટ, બ્દ્મેંથ્ગશ્વ ગટ્ટઌક્ર ઽક્રળ્સ્ બ્ઙ્ગેંસ્ર્ક્ર ત્ન ભ્ક્રક્દૃઞ્થ્ ઙ્ગેંથ્ભશ્વ બશ્વ ૠક્રહ્મધ્ ૧૦૦ ઞ્ઁેંશ્વ ત્ત્ધ્ટક્ર દ્યક્રશ્વ નળ્ઙ્ગેંક્ર દ્યઠ્ઠઢત્ન ૠક્રહ્મધ્ઌશ્વ ત્ત્ક્રહ્મથ્ ૠક્રશ્વથ્ટ્ટ બ્પઘ્ઌશ્વ શ્રર્દ્યિંશ્વ ટક્રૐભ ગક્રબ્ખ્ક્રભ ઙ્ગેંથ્ બ્ઘ્ક્રસ્ર્ક્ર. ઽક્રક્રસ્ર્ઘ્ ત્ત્ક્રઙ્ગેંક્રશ્વ ૠક્રક્રૐઠ્ઠૠક્ર ઌદ્યટ્ટધ્ દ્યક્રશ્વટક્રક્ર, સ્ર્દ્ય પક્રશ્વ ભ બ્ૐ થ્દ્યક્ર દ્યઠ્ઠઢ, સ્ર્દ્ય ળ્ઘ્ ખ્ક્રઌક્રસ્ર્શ્વ થ્ક્રસ્ર્ઉંઞ્ટક્ર બ્ભ્ક્રશ્નષ્ટગ ગશ્વ બ્ૐ થ્દ્યક્ર દ્યઠ્ઠધ્ દૃસ્ર્ક્રશ્વધ્ઙ્ગેંટ્ટ ૠક્રહ્મ શ્વઌ ઙ્ગેંભ્ ઌદ્યટ્ટધ્ ગઙ્ગેંભક્ર દ્યઠ્ઠઢ ત્ન ૠક્રશ્વથ્ક્ર ૠક્રભૐખ્ક્ર સ્ર્દ્ય દ્યહ્મ બ્ઙ્ગેં ૠક્રશ્વથ્ટ્ટ શ્નગ બ્પઘ્ ઙ્ગેંક્ર દ્મેંક્રસ્ર્ઘ્ક્ર દૃસ્ર્ક્ર દ્યળ્ત્ત્ક્ર ? દૃસ્ર્ક્ર નશ્વઽક્રક્રસ્ર્થ્ દ્યક્રશ્વૠક્ર દ્યટ્ટ ૠક્રશ્વથ્ટ્ટ ૠક્રધ્બ્પૐ બટ્ટ ?

ઘ્ટ્ટઘ્ટ્ટ, ૠક્રહ્મધ્ નશ્વઽક્રક્રસ્ર્થ્ દ્યક્રશ્વૠક્રૠક્રશ્વધ્ ઙ્ગેંથ્ટ્ટખ્ક્ર ઘ્શ્વઋ ગક્રૐગશ્વ દ્યઠ્ઠઢ, ૐશ્વબ્ઙ્ગેંઌ ૠક્રળ્ણ્ક્રશ્વ ગઙ્ગેંઠ્ઠઌ ઌદ્યટ્ટધ્ દ્યહ્મધ્ ત્ન ૠક્રહ્મધ્ ઙ્ગેંળ્ન્ ઙ્ગેંથ્ઌક્ર નક્રદ્યભક્ર દ્યઠ્ઠઢ, ઙ્ગેંળ્ન્ ગટ્ટઌક્ર નક્રદ્યભક્ર દ્યઠ્ઠઢ ત્ન ૠક્રહ્મઌશ્વ ખ્ક્રદ્યળ્ભક્રશ્વગશ્વ ત્ત્ઌશ્વ ળ્ઌષ્ટગઌ ઙ્ગેંશ્વ ખ્ક્રક્રથ્શ્વૠક્રશ્વધ્ ખ્ક્રક્રભ ઙ્ગેંટ્ટ, ૐશ્વબ્ઙ્ગેંઌ ગખ્ક્ર ખ્ક્રશ્વઙ્ગેંક્રથ્ ! સ્ર્દ્યક્રઢ ખ્ક્રૠખ્ક્રશ્નષ્ટ ૠક્રશ્વધ્ ઼ક્રટ્ટ ઘ્શ્વ ગઙ્ગેંભશ્વ દ્યહ્મ, ૐશ્વબ્ઙ્ગેંઌ બ્ઙ્ગેંગટ્ટ ઙ્ગેંક્રશ્વ ળ્ખ્તક્રથ્ટ્ટગશ્વ પટ્ટઌશ્વ ઙ્ગેંક્ર ૠક્રક્રહ્મઙ્ગેંક્ર ઌદ્યટ્ટધ્ ઘ્શ્વ ગઙ્ગેંભશ્વ ત્ન દ્ય ત્ત્પટ્ટખ્ક્ર ખ્ક્રક્રભ દ્યહ્મ બ્ઙ્ગેં દ્યૠક્ર દ્યશ્વૐઌ ઙ્ગેંશ્વૐથ્ ઙ્ગેંટ્ટ ભક્રથ્ટ્ટદ્મેં ૠક્રશ્વધ્ ત્ત્ક્રગૠક્રક્રઌ પૠક્રટ્ટઌ ષ્ઙ્ગેં ઙ્ગેંથ્ ઘ્શ્વધ્ટક્રશ્વ, ૐશ્વબ્ઙ્ગેંઌ બ્ઙ્ગેંગટ્ટ ઙ્ગેંક્રશ્વ હ્મગક્ર ખ્ક્રઌઌશ્વ ઙ્ગેંક્ર ૠક્રક્રહ્મઙ્ગેંક્ર ઌદ્યટ્ટધ્ ઘ્શ્વધ્ટક્રશ્વ ત્ન

ૠક્રશ્વથ્ક્ર ઘ્ઘ્ષ્ટ ત્ત્ક્ર ૠક્રદ્યગઠ્ઠગ ઙ્ગેંથ્ ગઙ્ગેંભટ્ટ દ્યહ્મ ત્ન દૃસ્ર્ક્રશ્વધ્બ્ઙ્ગેં ત્ત્ક્ર ઼ક્રટ્ટ સ્ર્દ્ય ગખ્ક્ર ગદ્ય નળ્ઙ્ગેંટ્ટ દ્યક્રશ્વધ્ટક્રટ્ટત્ન ૠક્રહ્મઌશ્વ દ્યક્રશ્વબ્જીઞ્ૐ ૠક્રશ્વ ષ્ઙ્ગેં ઙ્ગેંબ્ભક્ર બ્ૐટ્ટ બટ્ટ ત્ન

ૈં સ્છરૂ ઁઈઇૐછઁજી જીેંઝ્રઝ્રઈઈડ્ઢ.

ર્

ંઇ સ્છરૂ મ્ઈ ઇેૈંંદ્ગઈડ્ઢ

મ્ેં્‌ ર્જીંસ્ર્ઈંદ્ગઈ ઉૈંન્ન્ જીછરૂ

ૐઈ ઇઈછન્ન્રૂ ડ્ઢૈંડ્ઢ

ૐઈ ન્ૈંફઈડ્ઢ ૈંદ્ગડ્ઢઈઈડ્ઢ.

ૐશ્વબ્ઙ્ગેંઌ ભખ્ક્ર ૠક્રક્રૐઠ્ઠૠક્ર ઌદ્યટ્ટધ્ બક્ર બ્ઙ્ગેં સ્ર્દ્ય ષ્ઙ્ગેં ુક્રખ્ક્ર દ્યહ્મ, પક્રશ્વ નશ્વઽક્રક્રસ્ર્થ્ દ્યક્રશ્વૠક્ર ભઙ્ગેં દ્યટ્ટ દ્યળ્ધ્નક્ર ગઙ્ગેંભક્ર દ્યહ્મ ત્ન ૠક્રહ્મધ્ સ્ર્દ્ય ઌદ્યટ્ટ ઙ્ગેંથ્ભક્ર બ્ઙ્ગેં નશ્વઽક્રક્રસ્ર્થ્ દ્યક્રશ્વૠક્ર દ્દટ્ટઙ્ગેં ઌદ્યટ્ટ દ્યહ્મ ત્ન ૐશ્વબ્ઙ્ગેંઌ ૠક્રળ્ણ્ક્ર પહ્મગશ્વ ઙ્ગેંશ્વ બ્ૐષ્ બ્ગદ્મેંષ્ટ ળ્ૐટ્ટ ઙ્ગેંહ્મઘ્ દ્યહ્મ, સ્ર્દ્ય શ્રઌ ૐક્રશ્વધ્ટક્રક્રશ્વ ઙ્ગેંશ્વ બ્ૐષ્ દ્યહ્મ, પક્રશ્વ ભઌ ત્ત્ક્રહ્મથ્, ૠક્રઌ ઘ્ક્રશ્વઌક્રશ્વ ૠક્રશ્વધ્ દ્યક્રથ્ નળ્ઙ્ગેંશ્વ દ્યક્રશ્વત્ન

ગન ઘ્ટ્ટઘ્ટ્ટ, ૠક્રહ્મઌશ્વ સ્ર્દ્યક્રઢ બ્ઙ્ગેંગટ્ટ ઙ્ગેંશ્વ ત્ત્ધ્ઘ્થ્ ત્ત્ઌશ્વ ત્ત્ક્રપક્રઘ્ પળ્ઘ્ ઙ્ગેંટ્ટ ભૠક્રપ્તક્રક્ર ઌદ્યટ્ટ ઘ્શ્વટ્ટ દ્યહ્મ, ખ્ક્રગ દ્યક્રૐક્રભક્રશ્વધ્ ગશ્વ ગૠક્રપક્રહ્મભક્ર ઙ્ગેંથ્ઙ્ગેંશ્વ ખ્ક્રટ્ટગ-ખ્ક્રટ્ટગ ગક્રૐ ટક્રળ્પથ્ નળ્ઙ્ગેંશ્વ દ્યહ્મ ત્ન ૠક્રળ્પશ્વ ષ્શ્વગશ્વ ઉંપઘ્ટક્રટ્ટ ઌદ્યટ્ટધ્ નક્રબ્દ્યષ્, સ્ર્ક્ર ભક્રશ્વ ઙ્ગેંળ્ન્ ઙ્ગેંથ્ બ્ઘ્ક્રશ્રધ્ટક્રક્ર, સ્ર્ક્ર બ્દ્મેંથ્ ઉંપઘ્ટક્રટ્ટ ઙ્ગેંક્રશ્વ શ્નષ્ટગ ઙ્ગેંહ્મઘ્ ગશ્વ બ્થ્દ્યક્ર ઙ્ગેંથ્ ઘ્ઠ્ઠઢટક્રક્ર ત્ન

શ્નગઙ્ગેંશ્વ બ્ૐષ્ ૠક્રહ્મધ્ ખ્ક્રૠખ્ક્રશ્નષ્ટ ન્ક્રશ્વભ્ઌશ્વ ઙ્ગેંક્ર દ્મેંહ્મગૐક્ર ઙ્ગેંથ્ નળ્ઙ્ગેંક્ર દ્યઠ્ઠઢ ત્ન ઌદ્યટ્ટ પક્રઌભક્ર ૠક્રશ્વથ્ટ્ટ ૠક્રધ્બ્પૐ ઙ્ગેંદ્યક્રધ્ દ્યહ્મ ! ૠક્રળ્ણ્ક્રશ્વ સ્ર્બ્ઙ્ગેંઌ દ્યહ્મ, બ્ઙ્ગેં ૠક્રહ્મધ્ ત્ત્ઌટ્ટ ૠક્રધ્બ્પૐ ળ્ઘ્ દ્યટ્ટ ઋઠ્ઠધ્ઋ ૐઠ્ઠધ્ટક્રક્ર ત્ન ૐશ્વબ્ઙ્ગેંઌ ત્ત્ક્રગશ્વ ટક્રળ્પક્રબ્થ્ઽક્ર ઙ્ગેંસ્ધ્ટક્રક્ર બ્ઙ્ગેં ત્ત્ક્ર બ્ગદ્મેંષ્ટ ઙ્ગેંક્રશ્વદદ્યક્રળ્થ્ ઙ્ગેંશ્વ બ્ૐષ્ ‘ૐક્રશ્નષ્ટઞ્ દ્યક્રીંગ’ ઌ ખ્ક્રઌઙ્ગેંથ્, ગઠ્ઠથ્પ ખ્ક્રઌઙ્ગેંથ્ ત્ત્ક્રઽક્રક્ર ત્ત્ક્રહ્મથ્ શ્રૠૠક્રટ્ટઘ્ ઙ્ગેંક્ર ત્ઙ્ગેંક્રઽક્ર બ્ઙ્ગેંબ્પષ્ટક્રક્ર ત્ન ૠક્રહ્મધ્ ખ્ક્રૠખ્ક્રશ્નષ્ટ ન્ક્રશ્વભ્ઌશ્વ ગશ્વ દ્યૐશ્વ ત્ત્ક્રગશ્વ દ્મેંક્રશ્વઌ થ્ ખ્ક્રક્રભ ઙ્ગેંથ્ઌક્ર નક્રદ્યભક્ર બક્ર, ૐશ્વબ્ઙ્ગેંઌ ૨૦ ૠક્રક્રનષ્ટ ઙ્ગેંક્રશ્વ ભશ્વપ ખ્ક્રળ્ક્રથ્ દ્યળ્ત્ત્ક્ર, પ્દ્યક્રશ્વબ્ૠક્રઉંઞ્ટક્ર દ્યક્રશ્વ થ્દ્યટ્ટ બટ્ટ, પ્દ્યક્રશ્વબ્ૠક્રઞ્ ૠક્રશ્વધ્ દ્યટ્ટ ટક્રૐશ્વ ૠક્રશ્વધ્ બ્દ્મેંઞ્ શ્નૐશ્વદૃઞ્દ્વક્રશ્વભ્ ખ્ક્રક્રદ્યથ્ બ્ઌઙ્ગેંૐ ટક્રસ્ર્ક્ર, પક્રશ્વ ત્ત્ૠક્રશ્વબ્થ્ઙ્ગેંઌ ભ્ક્રક્. શ્વધ્ગદ્મેંક્રશ્વભ્ષ્ટઌશ્વ ૠક્રક્રસ્ર્ઇેંક્રશ્વગપષ્ટથ્ટ્ટગશ્વ બ્દ્મેંઞ્ બ્ઙ્ગેંસ્ર્ક્ર બક્ર ત્ન ભખ્ક્રગશ્વ ત્ત્ક્રક્રપ ઼ક્રટ્ટ ટક્રસ્ર્ટ્ટ, ઌ... ઌ... ત્ત્ક્ર સ્ર્દ્ય ઌ ગૠક્રપશ્વ, બ્ઙ્ગેં ત્ત્ક્રક્રપ ન્ટ્ટઌ પક્રઌશ્વગશ્વ ૠક્રહ્મધ્ ઞ્ઠ્ઠઞ્ ટક્રસ્ર્ક્ર દ્યઠ્ઠઢ, ઘ્ટ્ટઘ્ટ્ટ ત્ત્ખ્ક્ર ભક્રશ્વ દ્યથ્ ઘ્ળ્ઃ ગદ્યઌશ્વ ત્ત્ક્રહ્મથ્ ૐભ્ઌશ્વ ઙ્ગેંટ્ટ ત્ત્ક્રઘ્ભ ગટ્ટ ખ્ક્રઌ ટક્રશ્નષ્ટ દ્યહ્મ ત્ન દ્યક્રઢ ઽક્રક્રસ્ર્ઘ્ પળ્ૐક્રશ્નષ્ટ ૩૧ ગશ્વ દ્યૐશ્વ ઙ્ગેંક્રશ્વદદ્યક્રળ્થ્ ત્ત્ક્રીં, દૃસ્ર્ક્રશ્વબ્ઙ્ગેં ૠક્રહ્મધ્ઌશ્વ થ્શ્વદ્ય્ક્રળ્ઙ્ગેંક્રઘ્ટ્ટઘ્ટ્ટગશ્વ ઘ્ડ્ડક્ર ૠક્રધ્ટક્રૐ ઙ્ગેંક્રસ્ર્ક્રષ્ટૐસ્ર્ ગશ્વ ક્રઘ્ક્ર બ્ઙ્ગેંસ્ર્ક્ર બક્ર ઙ્ગેંટ્ટ ત્ત્ક્રથ્ટ્ટ ખ્ક્રક્રથ્ ઙ્ગેંક્રશ્વદદ્યક્રળ્થ્ બ્ૠક્રૐઌશ્વ પસ્થ્ ત્ત્ક્રીંઢટક્રક્ર ત્ન થ્શ્વદ્ય્ક્રળ્ઙ્ગેંક્રઘ્ટ્ટઘ્ટ્ટ, ઊંક્રટ્ટ ઘ્શ્વઽક્રક્રધ્ભ્શ્વ, ઊંક્રટ્ટ ઘ્શ્વઽક્ર઼ક્રત્ભક્રથ્, થ્પઌટ્ટઘ્ટ્ટઘ્ટ્ટ ત્ત્ક્રહ્મથ્ ગ઼ક્રટ્ટ દ્યશ્વદગષ્ટ ત્ત્ક્રશ્વદ્મેં ઘ્ દ્યશ્વબ્ર્ભ્ઙ્ગિેંંક્તભ્ ઙ્ગેંશ્વ ગઘ્જીસ્ર્ક્રશ્વ ઙ્ગેંક્રશ્વધ્ ઌૠક્રજીઙ્ગેંક્રથ્ ત્ન

ૠક્રદ્યશ્વર્ઘ્ત્િં ઙ્ગેંળ્ૐઙ્ગેંદ્ય્ક્રટ્ટષ્ટેં

આંખો લૂછતાં સુન્ન થઈને હું થાણે પહોંચી. કાર્યક્રમમાં ફેરફાર કર્યો હોવાથી થાણે સુનીતા પાસે જવામાં વાર થઈ હતી. જમવાનું તૈયાર કરીને એ રાહ જોઈ રહી હતી. જમવાની ઇચ્છા જ ન હતી. પણ ન જમી હોત તો તેને ખોટું લાગ્યું હોત. જમવાનું પૂરું થતાં જ એના હાથમાં એ પત્ર વાંચવા આપ્યો અને અશ્રુનો માર્ગ મોકળો કર્યો. મહેન્દ્રની આવી બીમારીમાં તેનું એકલપણું મને વ્યથિત કરતું હતું. સુનીતા મને સમજાવતી હતી. આમાંથી ય માર્ગ નીકળશે. આપણે પ્રયત્ન કરીશું. હવાફેર તરીકે તાત્કાલિક કોલ્હાપુર આવતા હોય, તો તેમને કોલ્હાપુર લઈ જવા. સદ્‌ભાગ્યે હવે ‘આત્મારામ એપાર્ટમેન્ટ’ના સુંદર ફલેટનું રૂપાંર અમે ગેસ્ટ હાઉસમાં કર્યું હતું. આવનારા સઘળા મહેમાનોની ત્યાં જ વ્યવસ્થા કરતા હતા. રસોડામાં વાસણ-કુસણથી લઈને ટૉવેલ, નેપકિન, સાબુ સુધી બધું સજ્જ હતું. મહેન્દ્રને ત્યાં રાખી શકાયા હોત. પ્રકાશ જોશી જેમ તેમને ક્યાં રાખવા, ક્યું ઘર આપવું એ પ્રશ્ન હવે ન હતો. તેમની મદદે કૈ. રામદાસ સોનવણેની બા, જે હાલમાં કદમવાડીમાં મદદનીશ તરીકે હતાં. તેમને રાખવાનું મનોમન નક્કી કર્યું અને થાણેથી વળતા પ્રવાસમાં જ ફરીથી ચેશાયર હોમ ગયા. સિસ્ટરને મહેન્દ્રના પત્ર વિશે કહેવાય એમ ન હતું. “મહેન્દ્રને એ હાલતમાં જોઈને મેં મારી તેમના સ્થાને કલ્પના કરી. આવી પરિસ્થિતિમાં સહુપ્રથમ હવા અને સ્થાનફેર જોઈએ એમ લાગ્યું. તમે પરવાનગી આપતા હો તો થોડા દિવસ માટે હું મહેન્દ્રને કોલ્હાપુર લઈ જાઉં.” એમ કહેતાં જ સિસ્ટર પુષ્પાએ કહ્યું, “ખૂબ જિદ્દી છે. વિચિત્ર રીતે વર્તે છે. એ ‘હા’ કહેતો હોય તો હું પરવાનગી આપીશ.”

સંસ્થાના ઓડિટનું કામ ચાલુ હતું. હું પી.ડી., અભિજિત, નલવડે અને તેલંગ દિવસે ઑફિસ કરીને રાત્રે જાગતાં હતાં. મહેન્દ્ર આવવાને કારણે મેં ઑફિસમાં સીધી રજા મૂકી. મહેન્દ્રને વાચા આવે એમ જરૂર લાગતું હતું. તેઓ ‘ના, આનો વિશ્વમાં ક્યાંય ઉપાય નથી.’ એમ કહેતા હોવા છતાં મેં આગ્રહપૂર્વક તેમને કોલ્હાપુરના બે ઇએનટી સર્જનને બતાવ્યું. તેમના અભિપ્રાય પણ મહેન્દ્ર જેવાં જ હતા. એટલે મહેન્દ્ર તો ફરીથી બોલી જ શકવાના ન હતા ! હું જીભેથી અને તે હાથેથી કાગળ પર લખીને ખૂબ વાતો કરતાં. મારા પ્રશ્નોના ઉત્તર લખતાં કદાચ તેમનો હાથ દુઃખ્યો ય હશે. આ વાતોમાંથી ઘણીબધી જાણકારી મળી. તેમને એટલા પ્રશ્ન પૂછનારી હું પહેલી વ્યક્તિ હતી. તેમણે મુંબઈના અખબારોમાં તેમના વિશે આવેલા લેખ મને વાંચવા આપ્યા. તેમાંથી દિલ્હીના રસ્તા પર ફરવાની તેમની ઇચ્છા જાણી. તેમની ઓળખ મેળવવા ટી.વી., વર્તમાનપત્રો દ્વારા સમાચારો આપ્યા પછી દવાખાનામાં ડ્રાઇવરનો પત્ર આવ્યો હતો. તેમાંની વિગતો અનુસાર મહેન્દ્રનો અભ્યાસ દાદા પાસે સ્વીડનમાં થયો હતો. દિલ્હીમાં તે રિચર્સ કરતા હતા. ત્યાં તેમની લૅબ, ફાર્મહાઉસ, ગાડી હતી. દિલ્હીના રસ્તાઓ પર ફરવાની કદાચ તેમની ઓળખ, બૅન્ક્‌ ખાતાની ભાળ લગાવવાની તેમજ ગયેલી યાદશક્તિ પાછી આવવાની તેમને આશા હતી. “ચોમાસું પૂરું થયા પછી દિલ્હી જઈશું કે” પૂછતાં - “ભૂતકાળનો અંત લાવ્યા સિવાય નવું જીવન જીવવું અશક્ય છે.” એમ તેમણે લખતાં જ મેં પી.ડી.ને ફોન કરીને ઑડિટના કામમાંથી મને છોડાવવા વિનંતિ કરી. તેમણે તે સ્વીકારી. સહુની સંમતિથી તાત્કાલિક દિલ્હી જવા ઠરાવ્યું.

‘સ્મૃતિ પાછી આવ્યા પછી શું કરશો’ એમ પૂછતાં બાકીનું જીવન અપંગોની સેવામાં વિતાવીશ અને પોતાનું બૅન્ક્‌ બેલેન્સ, ફલેટ આદી મળતાં પોતાનું સંશોધન કાર્ય આગળ ચાલુ રાખીશ.’ એમ તેમણે કહ્યું. નિષ્ફળતા આવે તો શું કરવું એ પણ અત્યારે જ નક્કી કરવું જોઈએ. એ મારી જીદ ખાતર તેમણે કોઈક તેમને દત્તક લઈને લેબ શરૂ કરી આપે તો સ્ેજષ્ઠેઙ્મટ્ઠિ ડ્ઢૈજંર્િરઅ (સ્.ડ્ઢ.) અને સ્ેઙ્મૈંઙ્મી જીષ્ઠઙ્મીર્િજૈજ (સ્.જી.) પર સંશોધન કરવાની ઇચ્છા વ્યક્ત કરી.

મહેન્દ્રમાં રહેલી પ્રતિભા મને ડગલેપગલે દેખાતી હતી. રજા લંબાવીને વળતા રિઝર્વેશનની પરવા કર્યા વગર અમે દિલ્હી ગયાં. હંમેશની જેમ મારો પડછાયો અને પગ રહેલા દેશભ્રતાર દંપતી અમારી સાથે આવ્યાં. પોતાની નોકરીની કે બે બાળકોના શિક્ષણની તેમણે પરવા કરી નહિ.

દિલ્હી ગયા પછી મહેન્દ્રની સ્મૃતિનાં અનેક દ્વાર ખુલ્યાં. પણ એક નિશ્ચિત સ્થળે સ્મૃતિ ચક્ર અટકી જતું હતું. ડિટેક્ટિવ એજન્સીની પણ મદદ લીધી. પંદર દિવસમાં દિલ્હી ખૂંદી વળ્યા. જૈન ટી.વી., દિલ્હી દૂરદર્શન, ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સઘળાં માધ્યમો દ્વારા શક્ય એટલા સઘળા પ્રયત્ન કર્યા. આ સઘળા પ્રયાસોમાં દિલ્હીની બહેનપણી પ્રમીલા અને તેના પતિ અલિન્દજીએ કોઈ પણ કોઈને ય માટે ન કરે એટલી મદદ અમને કરી. સતત બન્નેમાંથી કોઈ એક અમારી સાથે આવતાં. મહેન્દ્રનો વિદીર્ણ ચહેરો જોતાં અંતઃકરણમાં કાંઈક તૂટતું હતું. હું મનમાં ભગવાનને સતત વિનવતી હતી કે અમારા પ્રયત્નો સફળ બનાવ. મહેન્દ્રે પોતાનાં કુટુંબીજનો, પોતાનું ઘર, પોતાની લેબ, પોતાનું કાર્યક્ષેત્ર સઘળું પરત મેળવી આપ. પણ સફળતા મળી નહિ. મગજ અત્યંત થાકી ગયું અને મહેન્દ્રે પાછા જવાનું કહ્યું. ૩૧ જુલાઈ ૯૪ પછી તો એ ‘કોઈ સગાવ્હાલા આવશે તો ય હું જઈશ નહિ.’ કહેવા લાગ્યા. ઘરના કૂતરાને ય આઠ દિવસમાં ખોળી કાઢવામાં આવે છે. અહીં આઠ વર્ષથી તે ઘરથી દૂર હતા. સગપણમાણસાઈ પરનો તેમનો વિશ્વાસ સંપૂર્ણ ઊઠી ગયો હતો. ભગવાનને તો તે માનતાં જ ન હતા. ૧૯૮૬ પછી પહેલી વખત તેમણે મને ‘દીદી’ કહી હતી. પણ દીદી પર પણ તેમનું મન પૂર્ણ વિશ્વાસ મૂકી શકતું ન હતું. તેમને આ આઠ વર્ષમાં થયેલા અનુભવ જ એવા ભયંકર હતા.

કોલ્હાપુર પાછા આવ્યા પછી સંસ્થાએ અથવા મારે જ તેમને દત્તક લેવા એમ તીવ્રતાપૂર્વક લાગવા લાગ્યું. અમે મહેન્દ્ર સમક્ષ એવી ઇચ્છા પ્રદર્શિત કરી. અનેક પ્રયત્નો પછી ર૩ સપ્ટેમ્બર ૧૯૯૪માં તેમને કોલ્હાપુર લાવવામાં સફળ થયા. મહેન્દ્ર અહીં આવતાં પહેલાં નિયતિએ ફરી એક વખત એમ.એસ.ના એટેકનો હુમલો તેમની પર કર્યો. આ વખતે તેમની પીઠના મણકા અને હાથ પર વધુ અસર થઈ હતી. છતાં ય મહેન્દ્ર એકલા, મદદ વગર જ પોતાનો દૈનંદિત વ્યવહાર કરતા હતા. નિયતિ સાથેના ચાલતા આ યુદ્ધને જોતાં થતું કે આ અસામાન્ય જીવવું વિચિત્ર થાય. તેમના સ્મૃતિ દૃશ્ય, લેખન સ્વરૂપે ચિરંતન કરવા અત્યંત આવશ્યક છે. આ માટે પ્રયત્નો ય ચાલુ કર્યા. જૈન ટી.વી.ના ડૉ. રાગિણી જૈન અને શ્રી રામ ગબાળે આ કામમાં સંપૂર્ણ સહકાર આપવા તૈયાર થયા. પણ મહેન્દ્રે હોંકારો આપ્યો નહિ તેમના પરની ફિલ્મ અગણિત નિરાશ અપંગોને જીવવાની પ્રેરણા આપશે. એ તેમને ગળે ઉતારવામાં મને સફળતા મળી નહિ.

સપ્ટેમ્બર ૯૪માં તે કોલ્હાપુર આવ્યા. તેમને પ્રશિક્ષણ કેન્દ્રના અધિક્ષક નિમવામાં આવ્યા. આવ્યા ત્યારથી તેમણે હાથના કૃત્રિમ સાધનો અને કૅલિપર્સમાં આમૂલાગ્ર ક્રાંતિ કરી. ગુણવત્તા અને સંખ્યા બન્નેમાં તેમણે બનાવેલા હાથનાં કૃત્રિમ સાધનોની અને અન્ય કૃત્રિમ સાધનોની પેટન્ટ અને કોપી રાઈટ તેમણે સંસ્થાને નામે કરવાની જાહેરાત કરી. વિશ્વ અપંગ દિવસે રર કુષ્ટરોગીઓને કૃત્રિમ સાધનો, જમવા માટે, લખવા માટે, દાંત બ્રશ કરવા માટે, દાઢી કરવા વગેરે માટે આપ્યાં. હવે તેમના કર્તૃત્વ પર વિશ્વાસ રાખીને અમારા કૅલિપરને બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ઝની માન્યતા અપાવીને સેંકડો અપંગોને રોજગાર મેળવી આપવાનો નિશ્ચય કર્યો. આ માટેના વર્કશોપ અર્થે આવશ્યક જગા શિરોલી ઔદ્યોગિક વસાહતમાંના અમારાં ગૅસ ગોદામ પાસે હતી. એ અમારી માલિકીની હતી. પ્રશ્ન હતો એ અમારા કૃત્રિમ સાધનોની યોગ્ય ચકાસણી દ્વારા અમને માન્યતા અપાવવાનો અને ધનાઢ્ય લોકોએ તેમની સંપત્તિમાંથી દાન આપવાનો. ડિસેમ્બર ૯૪ની આખરે નિયતિ સાથે ચાલી રહેલ મહેન્દ્રના યુદ્ધમાં નિયતિને લાગ્યું હશે કે પોતાનો પરાભવ થઈ રહ્યો છે. હજુય આ વ્યક્તિત્વ ખતમ કેમ નથી થતું...? ફરીથી નિયતિએ એક પાસો ફેંક્યો. ત્રણ દિવસ એમએસના ઍટેકને કારણે મહેન્દ્ર બેભાનવસ્થામાં હતા. હંમેશાં જોવું ગમે એવું હાસ્ય ધરાવતા મહેન્દ્રને વેદનાથી તલસતા જોવા અત્યંત કપરું હતું. આંખોમાં આવનારાં અશ્રુને ‘આય હેટ ટિયર્સ’ એ તેમનું વાક્ય આંખો બહાર આવવાની પરવાનગી આપતું ન હતું. જ્યારે આ ત્રણ દિવસમાં મહેન્દ્રને ગાફેલ રાખીને નિયતિએ તેમના જડબાની તાકાત પણ ઝૂંટવી લેવાનું ક્રૂર કૃત્ય કર્યું હતું. ચાવવાની ક્રિયા બંધ થઈ. ગળતાંય તકલીફ થતી હતી અને આવી અવસ્થામાં પણ ચોથા દિવસે મહેન્દ્ર કામ પર હાજર થયા. પૂર્ણ સમય વ્હીલચેર પરથી કામ કરતા રહ્યા. કામનો વેગ ખૂબ જ વધાર્યો. જાતે જ વ્યાયામ અને દવાઉપચાર ચાલુ રાખ્યા. નરમ ભાત ગળવા જેટલી શક્તિ મેળવી. રોજ સવારે રવો, મૅગી અથવા શેવયાનો નાસ્તો. બપોરે કેવળ ઠંડી છાશ, દૂધ અથવા કૉફી અને રાતે દાળભાત સાથે અને આ બધું પોતાની હાથે બનાવીને તે એકલા રહેતા હતા. રામદાસની માતાને ય તેમણે પાછી મોકલાવી. પહેલા વર્કશોપમાં ઢાળ પરથી બીજાઓએ ચડાવવા પડતા હતા. પણ પછી પોતાની દેખરેખ હેઠળ રેલિંગ બેસાડીને પોતે એકલા જ ચડ-ઊતર કરવા લાગ્યા. સ્વઉપચાર દ્વારા ગમે તે ક્ષણે તે બોલવા લાગશે એવો મને વિશ્વાસ હતો. ફાઈબર કૅલિપર બનાવવાના કામમાં તે ગૂંથાયા. તેમના રહેવાની વ્યવસ્થા ‘આત્મારામ’માં કરી હતી. ત્યાં જ નાનકડી પ્રયોગશાળા તેમણે ચાલુ કરી દીધી. આ કામમાં અનુબહેન, ભાગવત, દેસાઈ કાકાજી, મોહનદાદા, શિરગાંવકર, શરદ સામંત, અને નામાંકિત ડૉક્ટરોએ કલ્પના બહાર આર્થિક અને માર્ગદર્શન વિષયક સહકાર આપ્યો. એક સંશોધકને જીવિત રાખવા માટે મેં મારી સઘળી આર્થિક અને શારીરિક શક્તિ હોડમાં મૂકી.

પરંતુ નિયતિ કેવળ ચુપ બેસી ન હતી. મહેન્દ્રની દૃષ્ટિ દિવસોદિવસ ક્ષીણ થતી હતી. ગમે તે ક્ષણે એમએસનો પછીનો એટેક આવશે અને પૂર્ણ અંધત્વ આવશે એવું તેમને લાગતું હતું. આવી પરિસ્થિતિમાં મારી પર અથવા સંસ્થા પર બોજો બનીને જીવવાની તેમની ઇચ્છા ન હતી. દુર્ભાગ્યે આવું થાય તો અમને છોડી જવાની વાત તે ઉચ્ચારતા હતા.

દીદી બનીને અંત સુધી તેમની સાથે રહેવું શક્ય ન હતું. તેથી તેમની માતા બનીને તેમની સાથે સર્વકાળ રહીને, તેમનો આત્મા શરીરનો સાથ ત્યજે તો તેમની ઇચ્છાનુસાર તેમના ક્રિયાકર્મ કરવાનો અધિકાર મને મળે એ માટે કાનૂની નિષ્ણાતો સાથે મહેન્દ્રને હું દત્તક લઈ શકું કે એ અંગેની વિચારણા કરી. તો મને જવાબ મળ્યો, કે હું તેમનાથી ફક્ત નવ-દસ વર્ષ મોટી છું. ઉપરાંત તે અપંગ અને હું ય અપંગ. તેને કારણે કાયદા અનુસાર દત્તક લઈ શકાય નહિ.

દસ વર્ષના પ્રકાશ જોશીને ઘર આપી શકી નહિ. પાંત્રીસ વર્ષના મહેન્દ્ર કુલકર્ણીને પથ્થર-ઇંટનું ઘર આપી શકી. પણ ઘરપણું આપવામાં અસમર્થ નીવડી. મારે આવા અસંખ્ય કુલકર્ણી માટે ખરું હક્કનું ઘર બનાવવું હતું. કોણ અને કેવી રીતે આ કામે મને માર્ગદર્શન અને મદદ કરશે ? ભગવાનને વિનવણી કરતી હતી જ. પણ છેવટે માણસના માધ્યમ દ્વારા જ ભગવાન મદદે દોડનાર હતા. શાને એ આટલું મોડું કરતા હતા ?

મહેન્દ્ર સંસ્થાના કાર્યક્રમ વખતે પોતાનું ભાષણ લખતા અને હું તે વાંચી સંભળાવતી. વિશ્વ અપંગ દિવસે તેમણે લખેલ ભાષણ આમ હતું :

‘સન્માનનીય અતિથિગણ અને મિત્રો... આ મારું મનોગત વ્યક્ત કરવાનો આ બીજો પ્રસંગ છે. એ જ સમયે, એ જ સ્થળ, કેવળ શબ્દોનો ફેરફાર ! આજે વિશ્વ અપંગ દિવસ છે. પણ મારા માટે એ જ અપંગ દિવસ હતો, જે દિવસે હું મૃત્યુ સાથે ઝૂઝતાં અપંગ બન્યો. એક અપંગની શારીરિક અથવા માનસિક અવસ્થા હું સારી રીતે જાણું છું.’

આજે જે કૈ. રાજન દેશપાંડેને ‘ઉડાણ પુરસ્કાર’ આપવામાં આવે છે, એ સાચું કહીએ તો મારા પ્રેરણાપૂર્તિ હતા. હું જ્યારે જ્યારે સાયન હૉસ્પિટલ, મુંબઈ અથવા પૅરાપ્લેજિક ફાઉન્ડેશનમાં જતો ત્યારે અચૂક રાજનને મળતો. પરંતુ આમ, મારા જ કાવ્યમાં હું કહું છું :

હસતા ચહેરા પાછળ સંતાયેલી હોય છે

દુઃખ ક્લેશની મૌન ગાથા.

રાજન દેશપાંડે જેવા જિદ્દી,મહેનતુ અને અપંગત્વની પરિસીમા હોવા છતાંય નિયતિ સાથે સંઘર્ષ આપનાર તરુણના હાસ્ય પાછળ દેખાય છે... કિંકર્વ્યમૂઢ સમાજ, સરકારી આશ્વાસનોની લોથ અને પ્રતિભાની અવમાનના !

એક ટેક્ષ્ટાઈલ એન્જિનિયરને એકાદ ટેક્ષ્ટાઈલ મિલ્ના પ્રિન્ટિંગ વિભાગને બદલે પૅરાપ્લેજિક ફાઉન્ડેશનમાં મોંમાં બ્રશ પકડીને ચિત્રકારી કરતો જોઈને સમાજ ચકિત થાય છે.

સમાજનો ઉચ્ચભ્રૂ વર્ગ, મધ્યમ વર્ગ અને એક સામાન્ય વર્ગના સહુકોઈ સમક્ષ હું આવાહન મૂકું છું કે જો સમાજનું એક કુટુંબ એક અપંગ બાળકને શિક્ષણ અને પુનર્વસન માટે દત્તક લે, તો કોલ્હાપુરમાં જ નહિ પણ સમગ્ર ભારતવર્ષના અપંગ બાળકોના શિક્ષણનો અને પુનર્વસનનો પ્રશ્ન ઉકેલાઈ જાય. એ જ દિવસે વિશ્વ અપંગ દિવસ સાર્થક નીવડશે.

હું મુંબઈના ચેશાયર હોમમાં હતો ત્યારે કૉલેજના યુવકોએ કરેલી સમાજસેવા જોઈને આનંદિત થયો. શ્રીમંત કુટુંબનાં યુવક-યુવતીઓ જે પોતાના ઘરમાં સાદો ગ્લાસ સુધ્ધાં ધોતાં નથી. એ યુવાનો તદ્દન મન મૂકીને અપંગોની સેવા કરીને શું પામતા હતા ? ત્યારે બજારમાં વેચાણ અથવા ખરીદી ન કરી શકાય એવી વસ્તુ અને એ અમુલ્ય વસ્તુ છે... ‘મનની શાંતિ’ - ‘માનસિક સંતોષ.’

સમાજસેવા એ કોઈક ધંધો-વ્યવસાય નહિ પણ એક તપસ્યા છે. જો અમે સમાજસેવા કરતાં હોઈશું તો સમાજ, રાષ્ટ્ર અને માનવતા પ્રતિ તે તમારું આદ્યકર્તવ્ય છે. હું કોલ્હાપુર આવ્યો અને જોયું કે અહીંના લોકો પ્રેમાળ અને દયાળુ છે, સહૃદયી છે. પણ તે પ્રેમાળ અને દયાળુપણાનો ઉપયોગ યોગ્ય રીતે કરી શકતાં નથી. તેમને યોગ્ય શ્રદ્ધાસ્થાન સાંપડ્યું નથી. જો આમ ન હોત તો આજે અમારા ‘હેલ્પર્સ ઑફ ધી હેન્ડિકેપ્ડ’ સંસ્થાને ‘હેલ્પર્સ’ની ઊણપ કેમ રહે છે ? આજે આ સંસ્થાને દાન સાથે શ્રમનીય આવશ્યકતા છે. તો જ અમારું સ્વપ્ન ખૂબ જ જલદી પૂરું થશે.

માનનીય નસીમાદીદી, શ્રી પી. ડી. દેશપાંડે સર, શ્રી મનોહર દેશભ્રતારને સંસ્થાના કામમાં સહકુટુંબ પરિશ્રમ કરતા મેં જોયા છે. તેમના શ્રમિત ચહેરા પર સંતોષ છવાયેલો હોજો છે. પરંતુ તેમનો શ્રમ કે સમાધાન એ જ પરિસીમા છે ? આજે હું આપ સહુ સમક્ષ આવાહ્‌ન મૂકું છું કે જો આપ નિઃસ્વાર્થી ભાવનાથી સંસ્થા માટે પોતાનો થોડો અમૂલ્ય સમય ખર્ચ કરશો, તો એ સમય દૂર નથી કે જ્યારે આખું આકાશ આપણી મુઠ્ઠીમાં હશે ! સફળતા તમારાં બારણાં ખખડાવશે અને મારી અધૂકી કવિતા પૂર્ણ થશે...

આગિયાનેય સૂર્ય બનાવીશ હું...

આજે વિશ્વ અપંગ દિવસે ઘોષિત કરું છું કે મેં તૈયાર કરેલા ખાવાના અને લખવાનાં સાધનો, તેમજ ફાઈબરમાંથી બનાવવામાં આવનારાં કૃત્રિમ સાધનોની પેટન્ટ અને કૉપીરાઈટ હું ‘હેલ્પર્સ ઑફ ધી હેન્ડિકેપ્ડ’ સંસ્થાના નામે કરું છું. મારો પ્રયત્ન રહેશે કે કૃત્રિમ સાધનો કોલ્હાપુર પૂરતાં મર્યાદિત ન રહેતાં સમગ્ર ભારતભરનાં અપંગોને મળો. મારે પ્રત્યેક દુઃખી માણસોને હસતાં જોવા છે. આપના સ્નેહ અને સહયોગની અપેક્ષા.

ધન્યવાદ

આપનો

મહેન્દ્ર કુલકર્ણી

ઉચગાવ છાત્રાલય માટે એકઠું કરેલ ભંડોળ પૂરું થયું. કોન્ટ્રાક્ટરને આપવા માટે હાથમાં પૈસા નહિ. ઈ.સ. ૧૯૯પ જૂનથી તેજસ્વી અપંગોનું શાળેય શિક્ષણ બંધ થવા દઈશું નહિ, ઉચગાવનું છાત્રાલય શરૂ કરીશું જ, એમ નક્કી થયું હતું. ત્યારે તે અશક્ય બન્યું હતું. અંતે માર્ગ કાઢ્યો કે કદમવાડી સ્થિત છાત્રાલયમાં જ પ્રશિક્ષણાર્થીઓની સાથે શાળેય શિક્ષણ લેનારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો. અમે પ્રવેશ આપ્યો ન હોત તો જેમનું શિક્ષણ બંધ થયું હોત, એવા આઠ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો. તેમાં પાંચ બાળકીઓ અને ત્રણ બાળકો હતાં. એક મહંમદ, ધો-૩જું, જેને બન્ને હાથ ન હતા. બીજો બંડુ, ધો.૩જું, જેના હાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેના પિતા ઘેટાં-બકરાં લઈ ગામેગામ ભટકતા હતા. વંદના કુડાળકર, ધોરણ ૧રમું તેના પિતા ન હતા. સંધિવાને કારણે હાથ-પગ જકડાઈ ગયેલા. શોભા ગુરવ ધો.૭મું બન્ને પગે પોલિયો, તાઈ બડકે, ઓછી ઊંચાઈ અને હાડકાં બરડ, પ્રકાશ ગોસાવી. ધો.૩જું જન્મતઃ અપંગત્વ, હાથેપગે કાખઘોડી લઈને ચાલનારો અને શોભા કાંબળે. ધો.પમું, ઓછી ઊંચાઈની તેમજ મંદબુદ્ધિની વંદના અને ભાવનાના પ્રવેશ માટે આવેલ પત્ર અત્યંત ભાવનામાં તરબોળ હતા. શાળા અને પ્રશિક્ષણ બન્ને ચાલુ થયાં. મહંમદને સામેની શાળાએ પ્રવેશ નકાર્યો. પણ કોરગામની શાળાએ બધાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો. તેમના વર્ગ નીચે લાવ્યા અને સર્વાંગ સહાય કરી.

મહંમદને સંસ્થામાં પ્રવેશ આપ્યો અને તે જ દિવસે તેની સાથે અમે જમવા બેઠાં. હું અને મહેન્દ્ર બન્નેય હતાં. પગેથી મહંમદને જમતો જોઈને બન્નેય ખૂબ અસ્વસ્થ થયાં. રાતે ઘરે પાછા આવતાં એ જ વિષય હતો. ‘આત્મારામ’ પર આવ્યા બાદ મહેન્દ્રે રાતભર જાગીને મહંમદને માટે કૃત્રિમ હાથ બનાવ્યો. બીજા દિવસે કદમવાડી જાઉં તે પહેલાં મને એ આનંદના સમાચાર તેમણે આપ્યા. તે દિવસથી મહંમત કૃત્રિમ હાથે જમવા લાગ્યો. મહેન્દ્ર જેવા સાથી કૃત્રિમ સાધનો બનાવવાના કામે મળ્યાનો ખૂબ આનંદ થયો. પણ એ તેમનું ક્ષેત્ર નથી, એ સમજાતું હતું. સંસ્થા માટે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના ઘણા દર્દીઓ હતા. સતત તેમના પત્રો આવતા. વિશ્વમાં ક્યાંય તેની દવા નથી એ તેમને જણાવવું મુશ્કેલ હતું. આ રોગ ફક્ત તીવ્રતાથી વધતો જનારો હોય છે. મહેન્દ્રે તેમને વિશિષ્ટ આહાર આપીને રોગનું વધતું પ્રમાણ અટકાવી શકાય, અમે અને પાલકો મંજૂરી આપીએ તો તેઓ પ્રયોગ કરશે એમ જણાવતાં જ સર્વ પાલકોને બોલાવીને અમે ચર્ચા કરી. ચાર-પાંચ જણના પાલક તૈયાર થયા. વિશિષ્ટ આહાર માટેનો ખર્ચ ઘણો જ હતો. ‘આત્મારામ’માં ઉપર રહેનારા શ્રી અભય દોશીએ એ ખર્ચ આપવાનું સ્વીકાર્યું. ઉપચાર શરૂ થયા. આજે તે પૈકીના અક બી.કોમ. થયેલા રાજેન્દ્ર ધોરપડે પોતાના ગામમાં ક્લાસીસ ચલાવે છે. સરકાર પાસેથી જગા મેળવીને તેમણે પોતાનું ઘર બાંધ્યું. તેના વાસ્તુમાં હું તેમના ગામ થઈ હતી. બીજો સંતોષ બ્રહ્મદંડે. આજે ઉચગાવ છાત્રાલયમાં બી.એ.ના અંતિમ વર્ષમાં ભણી રહ્યો છે. તકલીફ તો છે જ. પણ હિંમતથી હજુય ટકી રહ્યો છે. આદર્શ વિદ્યાર્થી, વક્તૃત્વ સ્પર્ધામાં ઇનામો, ઉત્તમ ચિત્રકળા જેવા મોરચે સફળતા મેળવી રહ્યો છે.

કદમવાડીનું છાત્રાલય ચલાવતા અનેક મુસીબતો આવી. એક પાર્ટિશનના રૂમમાં મારો પલંગ ગોઠવવામાં આવ્યો હતો. અનેક વખત રાત્રે હું ત્યાં રહેતી. ચોમાસામાં કાચ વગરની બારીઓમાંથી પાણી અંદર આવતું હતું. પ્લાસ્ટિક બાંધીને ઓછા ખર્ચમાં એ પ્રશ્ન ઉકેલ્યો. ઠંડીમાં કડકડતાં અમે બરફ બની જઈશું કે એમ લાગતું. પ્રત્યેક અનુભવ જાતે લઈને નિર્ણય લેવાની ટેવ પડી હતી. એટલું સારું હતું, પ્રશિક્ષણાર્થીઓના કહ્યાં પહેલા તેમના પ્રશ્ન, સમસ્યા મને સમજાતી હતી. ડૉ. મોહનરાવ ગુણેને ઠંડીની હેરાનગતીની વાત કરી. પોલિયો થયેલાઓને આમેય સાદી ઠંડીથીય તકલીફ પહોંચે છે. મારા તો જરા વધુ ઠંડી પડતાં જ હાથપગ ઠંડા પડી નખ, કાળા, ભૂરા થતાં. ડૉ. મોહનરાવ ગુણેએ તાત્કાલિક અત્યંત ઉત્તમ પ્રકારના ચાલીસ બ્લેન્કેટ મોકલાવી આપ્યા.

ઠંડીનો પ્રશ્ન ઊકલ્યો. પણ દર મહિને આટલા લોકોના જમવાના ખર્ચને પહોંચી વળવા, સામગ્રી મંગાવતાં ગભરામણ થતી. સંસ્થાને મળતા દાન, મારો પગાર અપૂરતો પડવા લાગ્યો. એક વખત તો એવો સમય આવ્યો કે ક્યાંથી કેવી રીતે વ્યવસ્થા થશે. ચોક્કસ વ્યક્તિઓ પાસેથી જ માંગી માંગીને કેટલું માંગવું. બે દિવસ પછી શું ખાવાનું આપીશું એ પ્રશ્ન જાગ્યો. રાતે હિંમત કરીને છાત્રાલયના બધા લાભાર્થીઓને એકઠા કર્યા અને પ્રત્યેક પાસે જેટલા પૈસા હોય તેટલા મને ઉધાર આપવા અને પંદર દિવસમાં હું એ પાછા આપીશ એમ જણાવ્યું. સહુએ ‘પાછા નથી જોઈતા, આ લો...’ કહેતાં પોતાની પાસેના બધા જ પૈસા મને લાવીને આપ્યા. નાના મહંમદ અને બંડુએ પણ તેમના નાસ્તાની નાનીશી રકમ મને સુપ્રત કરી. પછી બીજા દિવસે અનાજ વગેરે લાગ્યા. તુર્તજ દાન મેળવવામાં પણ સફળતા મળી. નિશ્ચિત સમયમાં મેં સહુના પૈસા આગ્રહપૂર્વક પાછા આપ્યા. સહુના સંપથી મન અત્યંત પ્રફુલ્લિત થયું હતું અને મનમાં એક વિશ્વાસ જાગ્યો હતો કે ગમે તેટલું મોટું સંકટ આવે છતાંય આ લાભાર્થીઓ પણ આપણને સાથ આપશે અને સંકટમાંથી પાર ઉતારશે.

તુર્ત જ એક જરા જુદો પ્રસંગ બન્યો. હું ઑફિસે હતી ત્યારે કદમવાડીથી ફોન આવ્યો. ‘આજે એક મંડળના સદસ્ય આવ્યા હતા. તે વિશે વાત કરવી છે. રાતે રહેવા કદમવાડી આવો.’ ઑફિસ છૂટતાં જ હું કદમવાડી પહોંચી. મળેલો અહેવાલ આમ હતોઃ એ મંડળના સભ્યે કેળા, સફરજન જેવાં ફળો પ્રત્યેકના હાથમાં આપીને બેનર ગોઠવીને ફોટો લીધા. સહુનું કહેવું હતું કે અમારે પકવાન, ફળો નથી જોઈતાં અને આવા ફોટાય નથી જોઈતા. ખાવાપીવામાં કરકસર કરીને અમે અભ્યાસ કરીશું. મને પણ એ વિચાર ગમ્યો. આ વિદ્યાર્થીઓના સ્વાભિમાનને ઠેસ પહોંચે એવો પ્રસંગ આવવા દેવો નહિ એમ ઠરાવ્યું. છતાં કદમવાડીના એક કાર્યક્રમમાં અચાનક કાર્યક્રમ વખતે આ જૂનાં કપડાં તમારાં બાળકો માટે... એમ જાહેર કરીને મારા હાથમાં એ પોટલું સ્ટેજ પર આપવામાં આવ્યું. તે પ્રસંગે કાંઈક કરવું અથવા બોલવું અયોગ્ય નીવડ્યું હોત. સાચું તો પ્રત્યેક ધર્મમાં દાન ગુપ્તપણે કરવું, હોબાળો કર્યા વગર કરવું એમ છે. આ હાથની વાત બીજા હાથને ખબર પડે નહિ એમ કહે છે. આપણે જ્યારે આપીએ છીએ, ત્યારે લેનારાને ઓશિયાળાપણું, સંકોચ ન અનુભવાય એ ઉદ્દેશ હોવો જોઈએ. આપણા પર આવી વેળા આવે તો આપણને આવા પ્રસંગે શું લાગે, એનો વિચાર પણ પ્રત્યેકે કરવો જોઈએ. સંસ્થાને જાહેર મદદ કરવી જુદી બાબત છે અને વૈયક્તિક મદદ કરતી વખતે તે જાહેર કરવી એ બે વચ્ચે ફરક છે. અમારા વિદ્યાર્થીઓમાં લઘુતાગ્રંથિ ન આવે, તેથી મેં બીજા જ દિવસે એ પોટલું મારા ક્વાર્ટર પર એટલે સંસ્થાની ઑફિસમાં લાવીને જેમણે આપ્યું હતું તેમને બોલાવીને સમજાવીને કહ્યું. તેમને વિદ્યાર્થીઓનાં સ્વાભિમાનને ઠેસ પહોંચે નહિ. એ વિચાર ગળે ઊતર્યો. પણ તેમને વસ્ત્રો પાછાં આપવાં યોગ્ય ન હતાં. એ વસ્ત્રો રાખી લઈ અન્ય જરૂરિયાતવાળાઓને તેની વહેંચણી કરી. આજેય અમે આવા વસ્ત્રો અથવા અન્ય વસ્તુ સ્વીકારીએ છીએ તે માત્ર સંસ્થાના કાર્યાલયમાં. સીધા વિદ્યાર્થીઓને આવી મદદ આપવા દેતા નથી. આવશ્યકતાનુસાર વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે.

પ્રત્યેકને આગળ જતાં કમાવા લાગતાં પોતે તે ભરપાઈ કરવાનાં છે. એની સમજણ પણ આપીએ છીએ. આજે સંસ્થા પાસેથી લેતાં સંકોચ અનભવશો નહિ અને કાલે આપતી વખતે હાથ પાછો લેતા નહિ. આ જ શિખામણ ‘હેલ્પર્સ’નાં બાળકોને આપવાનો અમારો પ્રયાસ છે.

કદમવાડીના છાત્રાલયમાં અચાનક એક અભિજિત પરબ નામનો બાળક આવ્યો. પોલિયો થયેલો. કૅલિપર અને કાખઘોડીની સહાયથી ચાલતો હતો. ‘માતા-પિતા અથવા કોઈ સગાંવહાલાં જીવતાં નથી. ઘરમાલિકે કાઢી મૂક્યો. અહીં આવ્યો તો કોઈકે સંસ્થાનું સરનામું આપ્યું. રહેવાની વ્યવસ્થા કરી આપો.’ કહેતાં વિનવવા લાગ્યો. અનાથ તરીકે તેને પ્રવેશ આપ્યો. નાનામોટા કામો તેને શિખવવામાં આવ્યા. થોડા દિવસ બાદ તે તાવમાં ધગધગતો હતો. તેના શરીર પરનાં કપડાં, હાથમાંની ઘડિયાળ, પગના બૂટ આ બધું એણે કહેલી વાત કરતાં કાંઈક જુદું જ કહી રહ્યા હતાં. તેણે આપેલું મુંબઈનું સરનામું મેં દેસાઈ કાકાને જણાવીને પૂછપરછ કરી તો એ ખોટું હતું. ત્યાં એ નામનું કોઈ જ ન હતું. તાવમાં એ લવરી કરતો હતો. મા-બાપ વગર આ કુમળી વયના બાળકની સંભાળ કેવી રીતે કરવી સમજાતું ન હતું. તાવ ઊતરી ગયા પછી મેં તેને પ્રેમથી સમજાવીને કહ્યું કે “સાચું બોલવું, ખોટું બોલવાથી પોતાને જ વધુ ત્રાસ થાય છે અને પોતાને જ નુકસાન થાય છે.” તેણે કબૂલ કર્યું છે કે “માતાપિતા વગેરે બધા હયાત છે. શાળામાં હું સાતમામાં ભણતો હતો. એક છોકરીને કારણે સરે મને ખૂબ માર્યો. તેથી ઘરે ન જતાં ઘર છોડીને નાઠો.” એના ઘરે તાત્કાલિક પત્ર લખ્યો.

અંતે તેનો તાવ ટાઇફોઈડ પર પહોંચ્યો. પિતા પહેલાં એની માતા મુંબઈની પોલીસ સાથે એક સ્પેશ્યલ ગાડી પોતાના ખર્ચે કરીને આવી. કેમ, તો તેણે પોલીસમાં બાળક ખોવાયાની ફરિયાદ કરી હતી. સાથે આવેલી મહિલા પોલીસ પાન ખાઈ ખાઈને થૂંકનારીઓ. અમારો પત્ર ગયા પછી પોલીસે વાલીના ખર્ચે આવવાની કાંઈ જરૂર ન હતી. સાદી બસ અથવા રેલવે દ્વારા અભિજિતનાં માતા-પિતા આવી શક્યાં હોત. પિતા બહારગામ ગયા હતા. તેથી માતા એકલી જ આવી હતી. અમે ફક્ત માતાને અભિજિત સાથે મળવા દીધી. પિતાને મોકલો કહી સંદેશો આપ્યો. તેની શાળામાં તેને પ્રવેશ અપાવો એમ સમજાવ્યાં. પણ તેમણે શાળામાં ઝઘડો કરીને શાળાની પોલીસમાં ફરિયાદ કરી હતી. હું મુંબઈ ગઈ ત્યારે તેમની શાળામાં જઈને સંચાલકને વિનંતિ કરી કે ‘એને એક વખત માફ કરો. ભૂલો થાય. સુધરવાની તક આપવી જોઈએ. તેમાં અપંગ હોવાથી શિક્ષણ સિવાય પુનર્વસનનો આજીવિકાનો બીજો કોઈ માર્ગ નથી.’ પરંતુ આને શાળામાં રાખવાથી અન્ય બાળકો બગડે તેથી તેને પ્રવેશ આપવામાં આવ્યો નથી. એવો જવાબ મળ્યો. ‘શાળા છોડ્યાનો દાખલો ગેરવર્તણૂકનો શેરો માર્યા વિના આપો, અમે કોલ્હાપુરની શાળામાં એને દાખલ કરાવીશું.’ કહ્યું. તેનીય તેમણે ના પાડી. આટલે દૂર જઈને ય કામ થયું નહિ. ખિન્ન મને હું પાછી વળી.

અભિજિતનું એક વર્ષ નકામું ગયું. આગલા વર્ષે તેના પિતાએ બીજી એક શાળામાં પ્રવેશ લઈને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર લાવી આપ્યું અને ‘હેલ્પર્સ’નાં બાળકો સાથે એ શાળાએ જવા લાગ્યો. એ બે વર્ષ રહ્યો. તેની અનેક નાનીમોટી ભૂલો માફ કરી. પણ છોકરીઓની બાબતમાં ગંભીર ગેરવર્તણૂક જોવા મળતાં બસ તેને એક તક આપી. વર્ષ પૂરું થતાં જ એને છાત્રાલયમાંથી દૂર કરી પિતાને સોંપ્યો. ત્યાં સુધીમાં એ નવમી પાસ થયો હતો.

ઉચગામના બાંધકામ માટે કેન્દ્ર સરકાર પાસે માંગેલ અનુદાન મળ્યું જ નહિ. મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિર ટ્રસ્ટ નિધિ સમક્ષ ઘણા મહિનાઓથી પ્રયાસ કરતા હતા. સફળ થયા ન હતા. પણ એક દિવસ અભિજિત ગારેએ કહ્યું કે કોલ્હાપુરના તેમના સ્નેહી શ્રી તારળેકર અમને આ કામમાં સહાય કરશે. ફરીથી એક અરજી કરીને એક નકલ તેમને આપવી. તે પ્રમાણે કરતાં જ તે ટ્રસ્ટના ચેરમેન શ્રી ડહાણૂકર અને અન્ય ટ્રસ્ટી કોલ્હાપુર આવ્યા. કદમવાડીનું પ્રશિક્ષણ કેન્દ્ર તેમણે જોયું. ત્યાં બાગમાં ખીલેલા ગુલાબ તેમને આપતાં જ તેમને ખૂબ આનંદ થયો. ઉચગાવમાં બાંધકામની પ્રગતિ પૈસાના અભાવે ખોરંભાયેલી જાતે નિહાળી અને મુંબઈ પહોંચીને પંદર લાખ રૂપિયાની મંજૂરીનો પત્ર મંત્રાલયમાં મોકલવાની ને આગળની વિધિ મંત્રાલયમાં જઈને પતાવવા અમને સંદેશો મોકલાવ્યો. શ્રી તારળેકરનો અમે મનઃપૂર્વક આભાર માન્યો. નાગપુરના તાજબાબાની મેં છાત્રાલય અને મહેન્દ્ર માટે માનતા માની હતી. મુંબઈની હાજી અલી દરગા પર પણ જઈ આવી હતી. અંતે ગણપતિ મંદિરના માધ્યમ દ્વારા ડહાણૂકર સ્વરૂપે ભગવાન અમારી મદદે દોડ્યા હતા.

હું તુર્ત જ મંત્રાલયમાં ગઈ. બે મંત્રીઓની સહીની, સંમતિની આવશ્યકતા હતી. કેબિનેટમંત્રી ઑફિસમાં હતા. રાજ્યમંત્રી ઘરે હતા. પણ પહેલા કૅબિનેટમંત્રીને મળી. તેમણે રાજ્યમંત્રી પાસેથી ફાઇલ આવતાં જ હું મંજૂર કરીશ એમ જણાવ્યું. રાજ્યમંત્રી શ્રી પ્રભાકર રાણેના અંગત સચિવ પાસે બીજા દિવસે તેમને બંગલે મળવાનો સમય લીધો. બીજા દિવસે બરાબર સમયસર તે સહુ પ્રથમ મને મળ્યા. અમારું કાર્ય, તસ્વીરો અને અહેવાલ સ્વરૂપ જોઈને ખુશ થયા. “આવું જ કાર્ય સિંદુદુર્ગ જિલ્લામાં પણ કરો. હું મદદ કરીશ. સરકાર જગા આપશે.” એમ જણાવ્યું. મેં હા કરી. એ જ દિવસ ફાઇલ પર મંજૂરી આપીશ. એવું આશ્વાસન તેમણે આપ્યું અને પાળ્યુંય ખરું. આઠ દિવસમાં મંત્રાલયની મંજૂરીનો પત્ર પોસ્ટ દ્વારા કોલ્હાપુર મળતાં જ હું ફરી સિદ્ધિ વિનાયક મંદિર ટ્રસ્ટના કાર્યાલયમાં ચેક લેવા, બૅન્ક્‌માં ખાતું ખોલવાના કામે ગઈ. રેલવેનું રિઝર્વેશન મળ્યું નહિ, તેથી લક્ઝરી બસ દ્વારા થઈ. દુર્ભાગ્યે બસ બ્રેકડાઉન થતાં મોડી પહોંચી. ફોન પર મુલાકાતનો સમય અગિયાર વાગ્યાનો નક્કી કર્યો હતો. જેમતેમ નાહીને ટ્રસ્ટના કાર્યાલયમાં અગિયાર પહેલાં પહોંચી ગઈ. ત્યાં સાહેબ ન હતા. લકઝરી બસમાં એરકન્ડિશનને કારણે અને રાતભર બેસવાથી ખૂબ તકલીફ થઈ હતી. તેમાં સવારે અગિયારથી સાંજના પાંચ સુધી એ કાર્યાલયમાં રોકાણ છતાં સાહેબ મળ્યા નહિ. વ્હીલચેર પર બેસાતું ન હતું. ત્યાંના સિપાહીએ મારી હાલત જોઈને અમને વેઇટિંગ રૂમ ઉઘાડી આપ્યો. અંદર સુંદર ભરેલો એક મોટો સોફા અને બે નાના સોફા હતા. હું, વિશ્રાંતિ અને સાથે આવેલો ભાણિયો બધાં જ થાક્યાં હતાં. હું સીધી મોટા સોફા પર આડી પડી. એ બન્નેએ નાના સોફામાં લંબાવ્યું. દરવાજો આડો કરીને અમે ઘસઘસાટ ઊંઘ્યાં. નાસ્તો નહિ, જમવાનું નહિ, સિપાહીએ પાછળથી કહ્યું કે એ ચા લઈને આવ્યો હતો અને બધાં જ ઊંઘી ગયા હોવાથી એ પાછો ગયો. અમારા ઊઠવાની ભાળ મળતાં જ પ્રસાદ અને છાશ લાવીને તેમણે અમને આપી. તેમના પ્રેમાળ સ્વભાવને કારણે ખૂબ દિલાસો મળ્યો. પણ ‘સાંજે પાંચ વાગે સાહેબે ફોર્ટની તેમની ઑફિસમાં બોલાવ્યા છે એવો સંદેશો મળ્યા પછી હું બહુ ઉદાસ થઈ. ટૅક્સી કરીને ફોર્ટ પહોંચ્યા તો કાગળો ઑફિસમાં હોવાથી ફરીથી બીજા દિવસે તે ઑફિસમાં વહેલા જવું આવશ્યક હતું. બીજા દિવસે બધા કાગળોની પૂર્તતા કરીને કોલ્હાપુર પાછા વળ્યા. ચેક બૅન્કમાં ખાતું ખોલાવ્યા પછી તે આપવાના હતા. પણ દાનવીર અને કર્જદારો હાથમાં પૈસા આવી રહ્યા છે. કામ ચાલુ રાખે એ વાત ગળે ઉતારવા તૈયાર રાખવામાં આવેલી ચેકની ઝેરોક્ષ અને પત્રની નકલ લઈને હું કોલ્હાપુર પાછી વળી.’

સિદ્ધિ વિનાયક ટ્રસ્ટે આપેલા પૈસા બૅન્કમાં જમા થયા અને પંદર લાખ પૈકી ક્યાં, કેટલા કોને દાન આપવા સંબંધી સંદેશા, ફોન આવ્યા. બાંધકામ માટે મળેલા પૈસા આમ બીજા કામ માટે કઈ રીતે વાપરી શકાય...? હું ખૂબ ચિંતિત થઈ. પણ પી.ડી. દેશપાંડીએ શાંતિથી મને પત્ર લખી આપ્યો. - ‘જે કામ અર્થે પૈસા મળ્યા છે તે શરત અનુસાર તે જ કામ માટે વાપરવામાં આવશે. નિયમબાહ્ય વ્યવહાર અમે કરીશું નહિ. એની ખાતરી રાખજો. પત્રની પ્રેત ચેરમેન સાહેબને મોકલાવી દીધી. ત્યાર બાદ ફરીથી સંદેશો કે ફોન આવ્યો નહિ.’

બાંધકામમાં ઝડપ આવી. બાંધકામ પૂરું થતાં અંદરના બાથરૂમ, સંડાસ કેવાં હોવાં જોઈએ એનું પ્રાત્યક્ષિક હું જે રૂમમાં દેખરેખ માટે અને ટ્રેઇનિંગ આપવા માટે રહેનાર હતી એ રૂમમાં કરવા નક્કી કર્યું. અમારી આવશ્યકતા સબકોન્ટ્રાક્ટરને કહેવા છતાંય સમજાતી ન હતી. નળની ઊંચાઈ, તેની જગા, કમોડનું વાસણ, તેને અડીને અમારે ઊઠવા-બેસવા માટે જોઈતાં પાઇપ્સ, અનેકવાર તોડફોડ કરવી પડી. આટલું કરવા છતાંય બાથરૂમની જમીન સહેજ નીચી રાખીને કળવો ઢાળ આપ્યો હોત તો સારું થયું હોત, એ ખૂબ મોડા ધ્યાનમાં આવ્યું. પ્લંબિંગનું કામ અત્યંત ધીમી ગતિએ થયું અને મનને સંતોષ થવા એવુંય થયું નહિ. ગરમ અને ઠંડા પાણીના નળ ઓળખી શકાય એવી સાદી વ્યવસ્થા પણ કરી આપી નહિ. વીજળીની સ્વિચો, સ્વિચબોર્ડસ્‌ વગેરે અમારી જોઈતી ઓછી ઊંચાઈએ બેસાડી.

છાત્રાલયમાં રહેનારા વિદ્યાર્થીઓને શાળાઓ લઈ જવા લાવવા માટે મિનિ બસ મેળવવા માટે અમે શ્રી એસ.એમ. શિરોડકર કાકાની સહાયથી આયુર્વિમા મહામંડળને અરજી રી હતી. મુંબઈના મુખ્ય કાર્યાલયમાં મારા આંટા ચાલુ હતા. ત્રીજા ફેરા વખતે પલ્સ પોલિયો ઝુંબેશ માટે તેમણે નિધિ આપવાને કારણે તે અમને તે વર્ષે બસ આપી શકશે નહિ, એવો જવાબ મળ્યો. ખૂબ નિરાશ થયા. પોલિયો થયેલાઓનાં શિક્ષણ કરતાં પોલિયો થવા જ ન દેવો એ વધુ મહત્ત્વનું છે. આપણા કાર્યમાં તેમણે અપ્રત્યક્ષરૂપે મદદ કરી છે. એમાં સંતોષ માન્યો. રજની, પી.ડી.ને મેં વિનંતી કરી કે “મુંબઈમાં દરેક પ્રશ્નના જવાબ, પ્રત્યેક તાળાની ચાવી છે. આપણે પ્રયત્ન કરવો જોઈએ. મદદે દેસાઈકાકા છે. પણ પ્રત્યેક વખતે એકલા મુંબઈમાં બધા મોટામોટા ટ્રસ્ટના અધિકારીઓ સમક્ષ જતાં મને ખૂબ એકલતા અનુભવાય છે. વારાફરતી સમિતિના સર્વ સદસ્યોએ મારી સાથે આવવું.” તત્કાળ સહુએ સ્વીકૃતિ આપી. તે અનુસાર કાર્યક્રમ ઘડ્યો. પહેલા પ્રવાસમાં દેસાઈકાકાએ સંસ્થા અર્થે રિક્ષા માટે તે નિધિનો ચેક શ્રી કૃષ્ણ ઐય્યરના હસ્તે અમને આપ્યો. નાનકડો કાર્યક્રમ રેહાના ભાઈસાબના ઘરે થયો. વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીને સલાહ આપનાર શ્રી કૃષ્ણ ઐય્યરના હસ્તે એ ચેક સ્વીકારતાં મેં ધન્યતા અનુભવી. તેમનું ભાષણ ટેપ કર્યું નહિ. એનો ખેદ ત્યારબાદ અનેક દિવસ રહ્યો. તેમના આશીર્વાદ, શુભેચ્છા મને પ્રાપ્ત થઈ. અમે ધન્ય થયાં. એ વેળાએ પી.ડી., છાયા, અભિજિત, સુબોધ સાથે હતા.

પછી બીજી વાર પી.ડી. અને રજની મારી સાથે મુંબઈ આવ્યાં. આ વખતે સ્ત્રી મદદનીશ ન લેતાં મારાં કપડાં ધોવા અને ઇતર કામો મેં જ કર્યા. પણ ખૂબ થાક લાગ્યો. ‘દૃષ્ટિ હ્યુમન રિસોર્સિસ સેન્ટર’ અને ‘ટાટા ટ્રસ્ટ’ને મળવાનું નક્કી હતું. દેસાઈકાકાને જણાવ્યું ‘અમે આવીએ છીએ. દાન મળે એ લોકોની મુલાકાતનો સમય ગોઠવી આપો.’ તેમણે બાળાસાહેબ ઠાકરેની મુલાકાત કરાવી આપવા પ્રયાસ કરું છું એમ જણાવ્યું. અમે સહુ ‘ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ’ હાજી અલી મુકામે ઊતર્યા હતા. ‘દૃષ્ટિ’નાં સ્મિતા નવરે અને જ્યોતિ સુભેદાર, ભાઈસાહેબના હુબલીના મિત્ર અને સંસ્થાના દાતા શ્રી ઉમરસાબના ઓળખીતા હતા. જ્યોતિ સુભેદાર એમના વર્ગ સહાધ્યાયી. ઉમરસાબના કહેવાથી એ બન્ને એક વખત કદમવાડી ટ્રેઇનિંગ સેન્ટર જોવા આવ્યા.

કાર્ય તેમને ગમ્યું અને તેઓ હું જ્યારે જ્યારે મુંબઈ જતી ત્યારે સંસ્થાની આવશ્યકતા જાણીને ભરપૂર મદદ કરતાં. આ વખતે પી.ડી., રજની સાથે હું ગઈ. ત્યારે તેમણે ‘મહાલક્ષ્મી ટેમ્પલ ચેરિટીઝ ટ્રસ્ટ’ના અધિકારી શ્રી જાદવ સાથે મુલાકાતનો સમય ગોઠવી આપ્યો. એ વિશાળ પગથિયાં ચડીને અમે ગયાં. એ ભીડમાં ય દરેક મંદિરમાં અંદર સુધી મારી વ્હીલચેર લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી. શ્રી જાદવે અરજી સ્વીકારી અને પછી એક લાખ ત્રીસ હજાર રૂપિયા છાત્રાલયના ફર્નિચર માટે મોકલી આપ્યા. ‘વ્હોલકોર્ટ ફાઉન્ડેશન’ને ય એ જ ફેરામાં અમે મળી આવ્યાં. ત્યાં પણ સુંદર પ્રતિસાદ મળતં કદમવાડી પ્રશિક્ષણ કેન્દ્ર માટે બે લાખ રૂપિયા મળ્યા. કદમવાડીના વિદ્યાર્થીઓને જેમ ઢસડાતં ચાલવું પડતું હતું. તેવું ઉચગાવના આટલા મોટા છાત્રાલયમાં થાય નહિ એ માટે. આ પ્રવાસમાં કોઈ પણ સંસ્થા પચાસ વ્હીલચેર્સ દાનમાં આપે, એમ તે દિવસ સવારથી રજની અને પી.ડી. સમક્ષ હું ઉત્સુકતા વ્યક્ત કરતી હતી.

તે દિવસ અમે એક હિતેચ્છુ પાસે ગયા અને સાંજે પાંચ વાગે સહજ રેહાનાને ફોન કર્યો, તો એ બરાડી ઊઠી. ‘તું ક્યાં છે સવારથી ? બહાર નીકળ્યા પછી એક વખત પણ ફોન કરતી નથી. શ્રી બાળાસાહેબ ઠાકરેના બંગલે સાત વાગે મુલાકાત છે. દેસાઈકાકાને તું ક્યાં છે. એ દિવસભર ખબર ન પડતાં તે ય અસ્વસ્થ છે. હવે તમે શિવાજીપાર્ક કેવી રીતે સમયસર તેમના બંગલે પહોંચશો ? અમે તાબડતોબ નીકળીએ છીએ, એમ તું દેસાઈકાકાને જણાવ. આટલું કહેતાં તેણે ફોન મૂક્યો. ચા, ખાવાનું એમ જ રહેવા દઈને અમે પાછા ગાડીમાં બેઠાં. સાંજની પ્રચંડ ભીડ, ભગવાનને પ્રાર્થના કરતાં ગાડીમાં બધાંય ચૂપ હતા. સાડા સાત વાગે અમે ધડકધડકતા અંતઃકરણ સાથે ઠાકરેના બંગલે પહોંચ્યા. સુરક્ષા વ્યવસ્થાની ગોઠવણીમાંથી અંદર બંગલામાં ગયાં. કોઈકને ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા. ત્યાંથી જ આત્મીયતાપૂર્વક કહ્યું. “થોડીવાર રોકાવ ! આટલી મુલાકાત પતાવીને આવું છું.” અમને મોડું થવાને કારણે તેઓ મળશે કે નહિ એમ લાગતું હતું. થોડી વાર જ કેમ, તેઓ કહે એટલી વાર રોકાવાની અમારી તૈયારી હતી.

મુલાકાત પૂરી થતાં જ તેઓ અમારી પાસે આવ્યા. આસ્થાપૂર્વક સંસ્થાના ફોટો જોયા. માહિતી મેળવી, જોઈ અને અમારી જરૂરિયાતોની પૃચ્છા કરી. શાળાનાં બાળકો માટે બસ જોઈએ કહેતાં જ “આપી, બીજું શું જોઈએ ?” એમ પૂછ્યું. અમે એટલા આશ્ચર્યચકિત થયા કે ક્ષણભર અમારા મોંમાંથી શબ્દ જ નીકળ્યો નહિ. મારા મનને તો શંકા આભડી ગઈ. આટલી બસ આપીને “બીજુ શું જોઈએ ?” કહી રહ્યા છે, એટલે તે આપણી મશ્કરી કરી રહ્યા છે કે પરીક્ષા લઈ રહ્યા છે ? પણ શંકાનું ત્વરિત નિરસન થયું. શ્રી ઠાકરેએ ત્યાં હાજર રહેલા બે સદગૃહસ્થો પાસે આંગળી ચીંધી અને કહ્યું, “આ સુરેશદાદા જૈન અને આ શ્રી ગણેશ નાઈક. દુઝણી ગાય આંગણે છે ત્યાં સુધી તેનું દૂધ દોહી લઈએ. બોલો જે જોઈતું હોય તે આ બન્ને આપશે.” અમારી આવશ્યકતા અમારા મોઢે જ હતી. અમારાં બાળકોને સતત ફિઝિયોથેરાપીની જરૂર હોય છે. તેમની સામગ્રી ખૂબ મોંઘી. બેત્રણ લાખની સામગ્રીની આવશ્યકતા હોવા છતાં અમે સંકોચપૂર્વક એક લાખ સુધીની ફિઝિયોથેરાપીની સામગ્રી અને પચાસ વ્હીલચેર્સ માંગી “તેમને દાનમાં છ જાન્યુઆરીએ મીનાતાઈ ઠાકરેના સ્મૃતિ દિવસે આપો. બસ અને બધું જ સાથે આપીશું.” એમ તેમણે કહ્યું. વ્હીલચેર્સની કંપનીનું નામ, સરનામું, ફોન નંબર, બધું તે જ ક્ષણે લીધું. ફિઝિયોથરાપી સામગ્રી ક્યાંથી, કઈ ખરીદી કરવી તે અમારે નક્કી કરીને બીલ મોકલવા ઠરાવ્યું. ત્યારબાદ તેમણે બસમાં કઈ કઈ સગવડો જોઈએ એની પૂછપરછ કરી. અમને એટલો આનંદ થયો કે જે થઈ રહ્યું છે એ સ્વપ્ન છે કે સત્ય એવો પ્રશ્ન જાગ્યો. “પ્રથમ બાંધકામના તબક્કે ચાળીશ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના છીએ, ત્યારે તેમને વ્હીલચેર સહિત જગા થાય, એવી બસ જોઈએ અને તેને રેમ્પ જોઈએ. વ્હીલચેર ચડાવવા-ઉતારવા માટે...” આટલું જ અમે કહ્યું. પછી અમને તેમણે જ સૂચવ્યું કે તેમાં આવા અપંગો માટે સંડાસ-બાજરૂમની સગવડ જોઈએ. ઊંઘી શકાય એવી એક પથારી ય જોઈએ. કોલ્હાપુર જઈને આવશ્યકતાનુસાર માપ લઈને બસની ડિઝાઇન અમે મુંબઈમાં ‘સામના’માં ધારાસભ્ય સુભાષ દેસાઈને આપવા ઠરાવ્યું. શ્રી બાળાસાહેબ ઠાકરેએ અમને એટલો સમય આપ્યો, એટલા પ્રેમથી વાતચીત કરી અને ભરપૂર મદદ આપવા કહ્યું કે તેનો આનંદ આભમાં સમાય એવો ન હતો. ભૂખ-તરસ સઘળું વિસારે પાડનાર હતો. દેસાઈકાકા પડદા પાછળ હોય છે. તેમને તેમના નામનો હું ઉલ્લેખ કરું એ ય ગમતું નથી. પણ તેમણે જ અમારી અને બાળાસાહેબ ઠાકરેની મુલાકાત કરાવી આપવાની જવાબદારી, શ્રી ઠાકરેને ત્યાં નોકરી પર ઘરના જેમ રહેતા શ્રી બાળાસાહેબ સાવંત અને તેમનાં બહેન શુભાને સુપ્રત કરી હતી. તે અમારી સાથે હતા. તેમનો શતઃશતઃ આભાર માનીને અમે તૃપ્ત મને રહેવાના સ્થળ ‘ઓલ ઇન્ડિયા’ના ગેસ્ટ રૂમમાં હાજી અલી મુકામે પાછા ફર્યાં. તાજબાબાએ મારી બન્ને પ્રાર્થના સાંભળી પૂરી કરી હતી. હવે મારે છાત્રાલયનું ઉદ્‌ઘાટન થતાં જ નાગપુરના તાજબાબા સમક્ષ માનેલી માનતા પૂરી કરવા જવું જોઈતું હતું. તે નિમિત્તે આનંદવનમાંય ફરી એક વખત જઈ શકાયું હોત.

મહેન્દ્ર કુલકર્ણી દિવસે સંસ્થાના પ્રશિક્ષણ કેન્દ્રમાં નોકરી કરતા હતા અને રાત્રે આત્મારામ એપાર્ટમેન્ટમાંની પ્રયોગશાળામાં સંશોધન કરતા હતા. રાતે માંડમાંડ ત્રણ ચાર કલાક તે ઊંઘ લેતા. રસોઈ, નહાવું સર્વ કામો જાતે કરતા. અનેક વખત ભૂખ્યા રહેતા. ‘શરીરમાં રિઝર્વ્‌ડ એનર્જી હોય છે. રોજ જમવું જ જોઈએ એમ નથી.’ કહેતા પણ ઘરે સુંદર પકવાન ખાતી વખતે કોળિયો અમારા ગળા નીચે ઊતરતો ન હતો. પછી કોઈકની મારફત હું અથવા દેશભ્રતાર, નીતા ‘આત્મારામ’ પર ડબો મોકલાવતાં. આમ સતત બનતાં મહેન્દ્ર ચિડાયા, ત્યાર પછી મેં પીછેહઠ કરી. ઘરે બધાય મશ્કરીમાં મહેન્દ્ર મારો લાડલો ‘લાડલો બાળ’ કહીને ચીવડતાં કારણ કે તેની બાબતમાં અનેક વાતોમાં હું નિયમમાં અપવાદ રાખતી. તેઓ બોલતા થાય, શ્રવણયંત્ર ગોઠવ્યા વગર સાંભળી શકે. એટલી જ મારી પ્રબળ ઇચ્છા હતી. તેમાં મુંબઈના ડૉ. હિરાનંદાનીએ મારી અને અનુબહેન સામે જ મહેન્દ્ર જીવનમાં ક્યારેય બોલી શકશે નહિ, એમ જણાવ્યું હતું.

પરંતુ એક દિવસ મહેન્દ્રે આનંદજનક સમાચાર આપ્યા. તેમના પ્રયોગ સફળ થઈ રહ્યા છે અને અમારી સામે તે પ્રયોગ કરીને કેટલાક શબ્દો ઉચ્ચારી શકશે. તે મુખબ એક રાત્રે હું, પી.ડી. દેશભ્રતાર અને મહેન્દ્રની ઇચ્છા અનુસાર મારી બા એમ અમે ‘અત્મારામ’માં એકઠાં થયાં અને મહેન્દ્રે મહાપ્રયાસે ‘આઈ’, ‘દીદી’, ‘પી.ડી.’ જેવા કેટલાક શબ્દો ઉચ્ચાર્યા. પછી તુર્ત જ કદમવાડીમાં સઘળા પ્રશિક્ષણાર્થીઓ સમક્ષ એ પ્રયોગ કર્યો અને તેનું રેકોર્ડિંગ પણ અમે કર્યું.

સહુ મહેન્દ્રને મળી રહેલ સફળતાને કારણે આનંદિત હતાં. આ વખતે મહેન્દ્ર કેટલાંક વાક્ય બોલ્યા.

એક વખત રંકાળા પર મહેન્દ્ર મિત્રો સાથે ફરવા ગયા હતા ત્યાં તેમને વિનીતા મળી. તેમની વાત સાંભળીને ખૂબ રડી અને મહેન્દ્રના સુખદુઃખમાં પત્ની રૂપે સહભાગી થવાની ઇચ્છા તેણે મહેન્દ્ર સમક્ષ પ્રદર્શિત કરી. પ્રયોગ સફળ કરીને કાયમી સ્વરૂપે બોલી શકાય એ માટે મહેન્દ્રને અહોરાત તેમની સાથે રહીને તેમની સંભાળ લેનાર જીવનસાથીની આવશ્યકતા હતી જ. મહેન્દ્રે હાં ભણી અને મને અણધાર્યા આ આનંદના સમાચાર આપ્યા. હું વિનીતાને મળી અને મહેન્દ્રની શારીરિક હાલતની, કૌટુંબિક પાશ્વર્વભૂમિની પૂર્ણ કલ્પના તેને આપી. છતાં તેની હા જાણીને તેની મોટપ બદલ મનને સંતોષ થયો.

તેમનાં લગ્ન માટે બધી રીતે સહાય કરવા મેં નક્કી કર્યું. પણ બરાબર તે જ વખતે અમારા પ્રયત્નો સફળ નીવડ્યાં શ્રી આર. ડી. પાટીલે ઉચગાવ છાત્રાલયના પ્રાંગણની ખાડા-ટેકરાવાળી જમીન સમતલ કરી આપવા હાયડ્રોલિક બુલડોઝર અમને મફત આપ્યું હતું. નિશ્ચિત સમયગાળામાં જ તેનું કામ પૂરું કરાવવાનું હતું. અંદાજે બે લાખનું એ કામ હતું. મેં મારું સઘળું ધ્યાન તેના પર કેન્દ્રિત કર્યું હતું અને તે જ અઠવાડિયે મહેન્દ્રનાં લગ્ન ગોઠવાયાં હતાં.

લગ્નની સઘળી જવાબદારી મેં રજનીને સોંપી. લગ્નનોંધણી માટે મહેન્દ્રના પાલક તરીકે મેં સહી કરી. કદમવાડીમાં ધાર્મિક પદ્ધતિથી લગ્ન કરવા ઠરાવ્યું. હું ફક્ત અક્ષત વિધિ માટે કદમવાડી ગઈ. જમતાં પહેલાં જ ઉચગાવથી ફોન આવ્યો. તે સમયે દિલીપ વોટાળ નામના એક પ્રશિક્ષણાર્થીને ઉચગાવ બાંધકામ પર દેખરેખ કરવા માટે રાખ્યો હતો. એક પગે પોલિયો, પણ કામમાં જબરદસ્ત. ફોન પર રાતે દસ વાગે એ કહી રહ્યો હતો. “તમારા નીકળતાં જ બુલડોઝરના ડ્રાઇવર બુલડોઝર લઈ જઈ રહ્યા છે. રોકાવા તૈયાર નથી.” એ રાતે ટાઢમાં જમ્યા વગર તાત્કાલિક દેશભ્રતારને સાથે લઈને રિક્ષામાં ઉચગાવ પહોંચ્યા. શ્રી આર.ડી. પાટીલને ફોન કર્યો. તેમણે ડ્રાઇવરને સૂચના આપી કે કામ પૂરું થયા વિના અને અમારી પરવાનગી લીધા સિવાય બુલડોઝર ખસેડવું નહિઉ કમનસીબે શરૂઆતના બે દિવસ કેટલાક લોકો અવરોધને કારણે બુલડોઝર દ્વારા કામ કરી શકાયું ન હતું. બે દિવસ પહેલાં જ હું આ રીતે કંટાળીને રાતે નિરુપાય જિલ્લાધિકારીના બંગલે ગઈ હતી અને ‘મહેરબાની કરીને પોલીસ રક્ષણ આપો. અમને અમારી જમીનમાં બુલડોઝર ફેરવતાં લોકો અટકાવી રહ્યા છે.’ કહ્યું હતું, બુલડોઝરના ડ્રાઇવર રાતેય કામ કરવા તૈયાર હતા. જિલ્લાધિકારીએ મને શાંત પાડી અને “આવતી કાલે સવારે મામલતદાર તમારી જગાએ આવશે અને બુલડોઝરનું કામ કરવા દેશે. કોઈ રોકશે નહિ.” એમ મારી પાસેના કાગળો અને નકશા જોઈને જવાબ આપ્યો હતો. છતાં એ રાતે હું ઊંઘી શકી નહિ. હવે ફરી આ બુલડોઝરના ડ્રાઇવરને શું થયું કોણ જાણે !

મહેન્દ્રનાં લગ્ન થયાં તે રાતે હું અને દેશભ્રતાર ઉચગાવમાં રાતે બુલડોઝર શરૂ કરાવીને બેસી રહ્યાં. લગભગ પરોઢિયે ઘરે પાછા વળ્યા. હું ઊંઘવાને બદલે સીધી નહાવા ગઈ. નાસ્તો કરીને એક સરસ ઊંઘ ખેંચી કાઢવાની ઇચ્છા હતી. રજા પર જ હતી હું.

બાથરૂમમાં હતી ત્યારે ફોનની ઘંટડી વાગી. પરોઢિયાના પાંચ વાગ્યા હતા. બાએ ફોન લીધો. ફોન પર ફક્ત ખાંસવાનો અવાજ હતો. બા જાણી ગયા. ‘આત્મારામ’માંથી મહેન્દ્રનો ફોન હશે. લગ્નનું પ્રથમ પરોઢ. આવા ફોનને બદલે મહેન્દ્રની અર્ધાંગિની બનેલ વિનીતાનો અવાજ ફોન પર હોવો જોઈતો હતો. બાકી કાંઈ ફોન પર જાણવું શક્ય ન હતું! કાંઈક અત્યંત ભયંકર ઘટના સિવાય મહેન્દ્ર આવો ફોન કરે નહિ. આ વિચારે ઝડપભેર હું બાથરૂમ બહાર નીકળી. બહાર વરસાદ પડ્યો હતો. એવી ને એવી જ ભાણિયાને લઈ ‘આત્મારામ’ પહોંચી અને મહેન્દ્રે લખી રાખેલ ચિઠ્ઠી વાંચી.’

પૂર્વવૈમનસ્યથી વિનીતાને ગુંડાઓ ચાકુની બીક બતાવી ઉઠાવી ગયા. અશ્રુને તિરસ્કારનાર મહેન્દ્ર રડતા હતા... જીવનમાં મળેલ આધારપ્રેમ પહેલા જ દિવસે ઝૂંટવાઈ ગયો. પુરુષ હોવા છતાં તે પોતાની પત્નીનું રક્ષણ કરી શક્ય નહિ. એ માટે તે પોતાને ધિક્કારી રહ્યા હતા. મારી પાછળ પાછળ હારુનમામા ‘આત્મારામ’માં આવ્યા. આવી સંકટ વેળાએ મને હંમેશાં જ ડૉ. સુશીલકુમાર લવટેં યાદ આવતા અને હંમેશાં જ તે મને મજબૂત ટેકો આપતા. મેં તેમને ફોન કરીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને ડૉ. લવટેંની કૉલેજ પર ગઈ. તે જાતે મારી સાથે જિલ્લા પોલીસ વડા પાસે આવ્યા. પોલીસ ચક્રો ઝડપથી ગતિમાન થયાં અને અગિયાર વાગતામાં વિનીતા અને તેને ઊઠાવી જનાર ગુંડા શાહુપુરી પોલીસ સ્ટેશનમાં આવ્યા. વિનીતાને અમે અમારી સાથે લીધી. તે નસાડનારાઓને પોલીસ એટલા મારતી હતી કે અમને જ દયા આવી. “તેમને મારશો નહિ, છોડી દો” કહીને પોલીસને વિનવણી કરી. તો તે મારા પર ગુસ્સે થયા. વિનીતાને એકપક્ષી પ્રેમ કરનારાઓએ અવિચારી કૃત્ય કર્યું હતું. અંતે પ્રેમ એટલે સુંદર ભાવના જ આ કૃત્યના મૂળમાં હતી. તેથી તેમને સહુને માફ કરવા એમ મને, મહેન્દ્રને અને વિનીતાને ય લાગતું હતું. ફરિયાદ પાછી લેતાં તેમને છોડી મૂકવામાં આવ્યા. પણ પછી અનેક દિવસો સુધી મને ફોન આવતા રહ્યા કે તમે આ યોગ્ય કર્યું નથી. એક અપંગનું પુનર્વસન કરતાં એક સુંદર સ્વસ્થ યુવતીનું જીવન ઉદ્‌ધ્વસ્ત કર્યું છે. એ પાંગળો તેને ક્યું સુખ આપવાનો છે...?’ વગેરે વગેરે. એક તો બંને માહિતગાર હતાં અને નિર્ણય તેમનો હતો. બીજું એ કે કોને શામાં સુખ આનંદ મળે એ સુધ્ધાં જેનો તેનો પ્રશ્ન છે. મને ધમકીના ફોન અને પત્રોય આવ્યા. પણ નનામા ફોન અને પત્રોની મને ક્યારેય ચિંતા કે બીક લાગતી નથી.

આ ઘટનાને કારણે ‘આત્મારામ’માં મહેન્દ્રની પ્રયોગશાળા ચાલુ રાખવી અસંભવ બની. તેમણે ઠંડી હવાના સ્થળે આગળના પ્રયોગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. એક વખત પગલું માંડ્યા પછી એ આગળ જ મૂકવાનું હોય છે. આ વિચારે મેં અને દેશભ્રતારે ફરીથી રજા લીધી. વિનીતા સાથે હતી જ. મારા સામાન્ય ભવિષ્યનિધિમાંથી લોન લેવા ડૉ. મોહનરાવ ગુણેએ તબીબી પ્રમાણપત્ર આપવા સ્પષ્ટ ના કહી તેમના મતે તેમણે મારા હિત ખાતર જ આમ કર્યું. પણ હું ‘ફક્ત આજનો દિવસ હું જીવતી છું. કાલે કદાચ ન પણ હોઉં...’ એ વૃત્તિ સાથે જીવી રહી છું. મને સામાન્ય વિધિની આવશ્યકતા નથી. એમ મારા કહેવા છતાંય કોઈના ગળે ઊતર્યું નહિ. ત્યારે ડૉ. સાવની ચૌગુલે પાસેથી તબીબી પ્રમાણપત્ર લઈને લોન મેળવી.

સંસ્થાએ પણ આર્થિક મદદ આપી અને અમે દિલ્હી ગયાં. ત્યાંથી મેટાડોર દ્વારા હરદ્વાર ગયા. ના ઓળખ ના પારખ. કેવળ ભગવાનના વિશ્વાસે ગયા ! અમારા ઘરે પણ ખબર પડવા દીધી નહિ પણ મનની શ્રદ્ધાએ સત્યરૂપ ધારણ કર્યું. એક ધર્મશાળાની બહાર માતા-પિતા સમાન વૃદ્ધ પતિ-પત્ની બેઠાં હતાં. તે ધર્મશાળામાં રાત્રે ઊતર્યાં. વ્હીલચેરને યોગ્ય રૂમ, સંડાસ, બાથરૂમ, રસોડું સઘળું હતું. સવારે ધર્મશાળાનાં એ વૃદ્ધ માતા-પિતાને સંસ્થા વિષે માહિતી આપી. મહેન્દ્રને તબીબી સારવાર માટે ત્યાં બે-ત્રણ મહિના રાખવાના છે એમ જણાવ્યું. અર્ધસત્ય બોલ્યા. એ ત્યાં પોતાની જાત પર પ્રયોગ કરવાના છે એ કહ્યું નહિ. માતા-પિતાએ ત્વરિત હાં ભણી. અને તદ્દન સામાન્ય ગણાય એવું ભાડું કહ્યું. એ ભરીને પહોંચ લીધી. એ રૂમમાં મહેન્દ્રનો દુનિયાથી વેગળો સંસાર શરૂ થયો અને અમે તુર્ત જ પાછાં નીકળ્યાં. કારણ મુંબઈમાં ભાણીનાં લગ્ન હતાં અને લગનમાં સમયસર પહોંચવું જરૂરી હતું. પાછા વળતાં મારી આંખો અજાણ્યે ભરાઈ આવી હતી. એ વિચારે કે હવે પછી મહેન્દ્રની મુલાકાત કઈ સ્થિતિમાં થશે ? બોલવા લાગેલા મહેન્દ્ર મળશે ? કે દૃષ્ટિ ગુમાવી બેઠેલા મહેન્દ્રને જોવાનું આપણા નસીબમાં છે ? ફક્ત ભગવાનને પ્રાર્થના કરી પાયા ફર્યા. સૌ નીતા અને દેશભ્રતાર જેવા સાથીદાર ન હોત તો મારી ગમે એટલી પ્રબળ ઇચ્છા હોવા છતાં હું કાંઈ પણ કરી શકી ન હોત.

દિલ્હી-મુંબઈ સમગ્ર પ્રવાસ દરમિયાન મનમાં મહેન્દ્રના જ વિચારો હતા. આટલા કર્તૃત્વવાન તરુણની ભાળ, ઘરનાઓ, નજીકના કે દૂરના સગાવ્હાલાઓએ શાથી લીધી નહિ ? પૈસા, મિલકતો કારણ હશે, તો અ પૈસાને દેસાઈકાકા ઝેર સમજીને હથ અડાડતાં નથી, એ બિલકુલ યોગ્ય જ છે... આવા અનેક ઊલટસૂલટ વિચારમાં હતી ત્યારે ગાડી મુંબઈ સ્ટેશનમાં પ્રવેશી. દાદર આવતાં જ દેશભ્રતારે સામાન નીચે ઉતાર્યો. હંમેશની જેમ મારી વ્હીલચેર સહુ પહેલાં બહાર કાઢી. નીતા, નિકી, સુનીતા નીચે ઊતર્યાં. મારી પર્સ પણ નીચે ઉતરેલ નીતાના હાથમાં આપી. મને બન્ને હાથ પર ઊંચકીને દેશભ્રતારે એક પગલું માંડ્યુ અને ટ્રેન હાલી. એ ધક્કાથી મારા સહિત દેશભ્રતાર પડવાના હતા. પણ સહપ્રવાસીઓએ મને અને તેમને સંભાળી લીધાં. ચાલતી ટ્રેનમાં અને સીટપર બેસાડીને એક વખત બે ત્રણ જણાએ ચેઈન ખેંચી. પણ રેલવે રોકાયા વગર આગળ જ દોડી રહી હતી. નીતા, બાળકો અને સામાન પાછળ પ્લૅટફૉર્મ પર અને વ્હીલચેર વગર દેશભ્રતાર સાથે છેવટના સ્ટેશને પહોંચવા માટે શોર્ટકટ શોધ્યો. રેલવે માસ્તરને મળીને તેમની વ્હીલચેર મંગાવવામાં સમય ગયો હતો. હમાલને સામાનની ગાડી લાવવા કહ્યું. આધાર ન હોય ત્યારે બેસતાં હું સમતુલા જાળવી શકતી નથી. પણ તે દિવસે એ ગાડી પરથી હું ટૅક્સી સુધી પહોંચી. બેઠી કે પગે ટૂંટિયું વાળીને ઊંઘી એ કાંઈ યાદ આવતું નથી. પણ હમાલને આપવા પૈસા ન હતા. તેને ‘અમારી ટૅક્સીમાં દાદર સુધી આવ, ત્યાં પૈસા આપું છું.’ કહ્યું ત્યારે તેણે ટૅક્સીવાળા પાસેથી પૈસા લઈને આપો, એમ સૂચવ્યું. ખૂબ હસવું આવ્યું, કે આટલી સાદી વાત અમારા ધ્યાને કેમ ન આવી ! અંતે સુખરૂપ ઘરે પહોંચ્યાં અને ભાણીના લગ્નમાં સામેલ થયાં. બા-બહેને તૈયાર રાખેલા દાગીના, કપડાં ચૂપચાપ પહેરી લીધાં. કારણ તેમની પરવાનગી ન લેતાં, લગ્ન પહેલાની સઘળી વિધિઓમાં હાજર રહેવાને બદલે હું દિલ્હી ગઈ હતી. પણ એ કારણે મારી પર કોઈ ચિડાયું ન હતું.

મહેન્દ્ર ન હોવાથી ફરી કદમવાડીના પ્રશિક્ષણ કેન્દ્રની સંપૂર્ણ જવાબદારી મારા પર આવી. હરિદ્વાર અવારનવાર ફોન કરીને હું મહેન્દ્રના ક્ષેમકુશળ પૂછીને તેમને કાંઈ જોઈતું કારવતું હોય એ ધ્યાન રાખતી. એક રાતે ફોન પર તે જાતે બોલ્યા અને રોમાંચિત થઈ ઊઠી. અનુબહેન, સુજાલાબહેન કોલ્હાપુર અવ્યાં હતાં. અનુબહેનના ‘મુક્તિ’ પુસ્તકનો પ્રકાશન સમારંભ અમે અહીં આયોજિત કર્યો હતો. મહેન્દ્રની સફળતામાં તેમનો સિંહફાળો હતો. અનુબહેન અને સુજલાબહેને પણ ફોન પર મહેન્દ્રનો અવાજ સાંભળ્યો. મહેન્દ્ર પછી દિલ્હીમાં રહીને સારવાર લેવાના હતા.

પ્રમીલા અને અલિન્દ ભટનાગરે ફરી એક વાર મદદનો હાથ લંબાવ્યો. તેમના રહેવા માટે એક ફલેટ ઉપલબ્ધ કરાવી આપ્યો. મહેન્દ્ર અને વિનીતા દિલ્હી આવ્યાં. મહેન્દ્ર સરસ રીતે બોલવા લાગ્યો હતો. હવે કદમવાડીના કામ માટે ક્યાંય જતં મારે તેમની સાથે વાત કરવાના કામે જવાનું રહેતું ન હતું. પૂર્વે આમેય ઘણી વખત તે એકલા જતા. લખીને વાતચીત કરતા. પણ હવે તેની આવશ્યકતા રહેતી નહોતી. ઉચગાવના છાત્રાલયના ઉદ્‌ઘાટનનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો. રાતદિવસ કામ કરવામાં મહેન્દ્ર જોડાયા. બથરૂમ, શૌચાલયમાં અપંગોની સવલતની જવાબદારી તેમણે સંભાળી. પ્રશિક્ષણાર્થી સ્ટાફ દ્વારા રાત્રીનું એ કામ કરાવી લીધું.

છાત્રાલયની વાસ્તુ-ગૃહશાંતિ સંસ્થાના ટ્રસ્ટી શ્રીકાંત કેકડે અને તેમનાં પત્ની સંસ્થાના કાર્યકર સૌ. નમ્રતાભાભીના હસ્તે કરવામં આવી. નમ્રતાભાભી ત્યાર બાદ બળકોને ઇંગ્લીશ શીખવવા દર શનિ, રવિવારે આવવા લાગ્યાં. પણ દુર્ભાગ્યે તેમને જ અપંગત્વની ભયાનક પરિસ્થિતિમાંથી પસર થવું પડ્યું. આજે સદનસીબે પૂર્વવત હરવા-ફરવા બોલવા લાગ્યાં છે. છાત્રાલયનાં ઉદ્‌ઘાટનનો કાર્યક્રમ મહંમદ શેખના પગેથી કરવામાં અવ્યાં. અનેક માનવંતા મહાનુભાવો આશીર્વાદ આપવા આવ્યા. એ વખતે મહેન્દ્રનું ભાષણ વાંચી સંભળાવવા મારી જરૂર ન હતી. તેમણે પોતે ભાષણ કર્યું. કાર્યક્રમ પતાવીને પછીનો સંકેલો - જે કરવા માટે કોઈ ઉત્સહી નથી હોતાં અને કરાવી લીધા સિવાય અરો નથી હોતો - પૂરો કરીને મેં તાજ સમક્ષ માનતા પૂરી કરવા અને તે જ સમયે આનંદવનમાં શ્રમપરિહાર માટે બે દિવસ રહેવા જવાનો કાર્યક્રમ નક્કી કર્યો. છાત્રાલયની જવાબદારી નવા નિમાઈને આવેલાં કુ. સોનાબહેન પાટીલને સુપ્રત કરી. આ વખતે મારા મદદનીશ તરીકે છાત્રાલયમાં મુખ્ય રસોયણ મુક્તાના આસિસ્ટન્ટ સુરેખા અપંગ સ્ત્રીને જ રાખી. કરણ આનંદવન જેવા નંદનવનનાં દર્શન તેને મળે અને એકમેકને સહાય કરીને જીવનનો પ્રયોગ પણ થાય.

મારા જવાનો દિવસ નક્કી થયો અને મહેન્દ્રએ તેઓ તુર્ત જ કોલ્હાપુર છોડી જતા હોવાના આઘાતજનક સમાચાર આપ્યા. દિલ્હીમાં પ્રમીલા તેમનું મન દુભાય એવું કાંઈક બોલી અને તેની સજા મહેન્દ્ર મને આપી રહ્યા હતા. હું આનંદવનથી પાછી અવું ત્યાં સુધી તે રોકાવાના ન હતા. તેમના જેવા સંશોધકને કોલ્હાપુરમાં રોકી રાખવા યોગ્ય ન હતું. અમારી સંસ્થાના સ્વાર્થ માટે તેમની ગમે એટલી આવશ્યકતા હોય છતાંય તેમણે આજ નહિ તો કાલે જવાનું હતું. એ તેમને અને મનેય ખબર હતી. દુઃખ થયું તે એ કે ઝટપટ વિદાય સમારંભ યોજ્યા વગર તે જવાના હોવાનું અને મારા આનંદવન જવાના દિવસે તો મને મળવાય ન આવ્યા તેનું હતું ! મનને મનાવ્યું. વિદાય લેતી વખતે લાગણી છુપાવવી મુશ્કેલ બનશે તેથી કદાત તેમણે મુલાકાત ટાળી હશે ! અનુબહેન તે સમયે કોલ્હાપુરમાં જ હતાં. તેમને અને સુજલાબહેનને લાગ્યું. મહેન્દ્રના જવાથી હું ભાંગી પડીશ. તેમના પુનર્વસન માટે તેમને અહીં લાવ્યાં હતાં. હવે દુનિયામાં સ્વબળે જીવવા તે પત્ની સાથે જતા હતા. અમને સહુને અભિમાન અને આનંદ હોવો જોઈએ, અમારો ઉદ્દેશ સફળ થવા માટે. સહુને આનંદ તો હતો જ. પણ ક્યાંક વેદનાય હતી.

ઉચગાવ છાત્રાલયના રોજિંદા વ્યવહાર શરૂ થયા. એ ગોઠવાયા સિવાય મારા માટે નોકરીએ હાજર થવું શક્ય ન હતું. વધારતાં વધારતાં દોઢ વર્ષની બિનપગારી રજા થઈ, એની ખબર જ ન પડી. છાત્રાલયમાં સુદૃઢ પુરુષોને મદદનીશ તરીકે રાખ્યા. પણ તેમણે ભયાનક આચરણ કર્યું. નાનાં બાળકોને માનસિક અને શારીરિક હેરાનગતી ! ડૉ. લવટેસરની સલાહ લીધી. તેમણે યોગ્ય માર્ગદર્શન આપ્યું. બાળકોના ભોજનના પૈસાય મદદનીશોએ પૂરા કર્યા. મહિના-બે મહિનામાં બધા મદદનીશોને કાઢી મૂક્યા. બાળકોની સભા બોલાવી અને એકમેકને મદદ કરતાં જીવવા કોણ કોણ તૈયાર છે એમ પૂછ્યું, સહુકોઈ તૈયાર થય. હું રાત-મધરાતે સઘળા રૂમોમાં ફરી નિરીક્ષણ કરવા લાગી. પહેલાંથી જ બારણાને સાંકળ લગાવી કોઈએ સૂવું નહિ. એ નિયમ બધા માટે કર્યો હતો. સ્ત્રી વિભાગનાં મોટા દરવાજાને રોજ રાતે અંદરથી તાળું લગાવવામાં આવતું. રાત્રીના રાઉન્ડનું કામ અવિનાશ કુલકર્ણી અને કુ. સોનાબહેન પાટીલ કરતાં હવે આ કામ ક્યારેક જ કરું છું. અવિનાશ કુલકર્ણી સાતારાના હતા. બી.ઈ.ના છેવટના વર્ષમાં પિકનિકે ગયા હતા. તસ્વીરો ખેંચતા ખેંચતા બંધમાં પડ્યા અને મારી જેમ પૅરાપ્લેજિક થયા. પણ નિરાશ થયા વગર અંતિમ વર્ષ પૂરું કર્યું. આજે ઇલેક્ટ્રોનિક એન્જિનિયર હોવા છતાં ક્યાંય નોકરી નથી. તેથી કદમવાડી સંસ્થામાં વ્યવસ્થાપકનું કામ સંભાળી રહ્યા છે.

ઉચગાવનું છાત્રાલય ચાલુ થતાં જ મોટી બસ માટે છાત્રાલયમાં જ રહેનાર ડ્રાઇવરની નિમણૂક કરી. એ દારૂ પીને તોફાન કરવા લાગ્યો. એક રાતે હું અને પી.ડી. સંસ્થામાં કામ કરી રહ્યા હતા. ત્યારે સોનાબહેન...નો ફોન આવ્યો. “તાત્કાલિક અવો. ડ્રાઇવર સાંભળતો નથી.” તે રાતે બીજા બધા મહત્ત્વનાં કામો પડતાં મૂકીને અમે બન્ને ઉચગાવ પહોંચ્યાં. એ ડ્રાઇવરને નોકરીમાંથી કાઢીને જ પાછા આવ્યાં. હું આનંદવન ગઈ, ત્યારે દેશભ્રતાર અને પી.ડી.એ અત્યારના શ્રી ગુલાબ શેખની નિમણૂક કરી. તે નિર્વ્યસની મહેનતુ હોઈ બાળકોની યોગ્ય સંભાળ લે છે. ક્યારેક વધારાના કામે બોલાવીએ તો આવે છે.

સંસ્થામાં આવેલા વિશાલની કથા નિરાળી જ છે. મનને સુન્ન બનવનરી છે. ઘણી વખત મારી પાસે જ ઊંઘવાની એ હઠ પકડે છે. તેને માતાની કૂખ હું આપી શકતી ન હોવાથી થનર દુઃખનું હું વર્ણન કરી શકતી નથી.

વિશાલની માતાને મધુમેહ હતો. છતાં, બહેનનાં લગ્ન થયા સિવાય ભાઈઓનાં લગ્ન થઈ શકશે નહિ, તેથી ઘરનાઓએ તેના લગ્ન ગોઠવી આપ્યા. એક પગ ખૂબ ટૂંકો, એક કિડની નહિ. આવી અનેકવિધ ખોડ સાથે બાળક જન્મતાં પતિએ પત્નીનું. મોં પણ જોયું નહિ. વિશાલનાં માતાપિતાનું બાહ્યરૂપ જોવું ગમે એવું સુંદર છે. પતિએ તરછોડેલ બહેનને અપંગ બાળક સાથે ઘરે રાખતાં વહુઓ ઘર છોડી જતી રહે તેથી ભાઈઓએ બહેનને મંદિરમાં નાખી આવવાની વાત ઉચ્ચારી અને તેને કારણે એ અમારી પાસે આવી. તે વખતે સદભાગ્યે કદમવાડીનું છાત્રાલય હતું. તેને સંસ્થાએ આશ્રય આપ્યો. નર્સિંગ શીખવાની વ્યવસ્થા કરી. ધાવણા બાળકનો ઇલાજ કર્યો. બહેનભાઈનો સંબંધ સિદ્ધ કરનાર તહેવાર અવ્યો ત્યારે ભાઈઓએ બહેનને ઘરે બોલાવી કારણ હવે એ તેમના પર બોજો ન હતી. પણ મેં આવા બહેન-ભાઈના સંબંધનું પ્રદર્શન કરવાના દેખાવ ખાતર જવાની ના કહી. રજા મળશે નહિ. જવું હોય તો હંમેશ માટે જા એમ સ્પષ્ટ જણાવ્યું. પણ એ બાઈ ગઈ. આઠ દિવસ પછી રોજ ફોન પર ફરીથી રોદણાં. પણ તેને અમે ફરી પ્રવેશ આપ્યો નહિ.

ત્રણ વર્ષ પછી એક આધેડ બઈ વિશાલને લઈને આવી. “આ બાળકનં માતા-પિતા મૃત્યુ પામ્યાં છે. આને સંસ્થામાં રાખો. હું આની સાવકી મા-માની મા છું. ઘરે દારિદ્રય,’ અપંગ. ધણી, ઘરડી સાસુ. આને ક્યાંક છોડી આવ એમ કહ્યું છે. ક્યાંય સગવડ ન થાય તો નદીમાં નાંખી આવજે એમ કહ્યું છે...” કહ્યું. આની માને મધુમેહ હતો, એ વાક્ય કાને પડતાં જ હું વિશળને ઓળખી ગઈ. આને એક જ કિડની છે. પૂછતાં જ એણે હા પાડી. પછી મારે કહેવું પડ્યું : “તમે તે વખતે વિશાળની માતાને કદમવાડી છાત્રાલયમાંથી લઈ જઈને મારી નાંખી. તો હવે શા માટે રડો છો ? હવે વિશાળને સંભાળો... આ સાડાત્રણ વર્ષના બાળકની સંભાળ અમે ઉચગવ છત્રાલયમાં રહેનારા અપંગ કઈ રીતે રાખી શકીશું ?” એમ કહેતાં જ “તો પછી નદીમાં નાખી દીધા સિવય આરો નથી.” એવું એણે કહ્યું.

હું નોકરી કરતી હતી. બપોરે જમવાની રીસેસમાં, જમતાં જમતાં આવા કેસ હાથમાં લેતી હતી. તેમાં અમારા સોશ્યલ વર્કરે વિશાળ મંદબુદ્ધિનો હોવાનો અભિપ્રાય ફોર્મ પર જણાવ્યો હતો. તેની થીજેલી આંખોને કારણે અને હાલચાલ કર્યા વગર પથ્થરની જેમ બેસી રહેવાને કારણે મનેય તેમ જ લાગ્યું. મારે પછા ઑફિસે જવાનું હતું. વિચાર કરીને નિર્ણય લેવા જેટલોય સમય ન હતો. સંસ્થાનાં કેટલાંક કામો તાકીદે પૂરાં કરવાનાં હતાં. ગુસ્સાના આવેશમાં કંટાળીને હું બોલી ગઈ. “સાચે જ લઈ જઈને નાંખો નદીમાં... એ અને તમે, બન્નેનો છુટકારો થશે.” ત્યારબાદ હું તાબડતોબ ઑફિસે પહોંચી.

ઑફિસના કામમાં હું વિશાલને બિલકુલ ભૂલી ગઈ. છ ક્યારે વાગ્યા ખબર જ ન પડી. છાત્રાલયની બસ આવતાં જ તેમાં છાત્રાલય આવી. બસમાંથી ઊતરતાં જ દરેકને શું જોઈએ, ન જોઈએ વગેરે ફરિયાદો ઘેરો ઘાલીને શરૂ થઈ ગઈ. બ્લડપ્રેશર ઘણું ખરું વધ્યું હશે. કારણ તે દિવસે મેં ચિડાઈને બધાને ફિટકાર્યા. “ઑફિસમાં આવતાં જ રૂમ પર જઈને મને થોડી ફ્રેશ થવા દેવી. ચા વગેરે પૂછ્યા પછી કલાક અડધા કલાકે પોતાનાં કામો, ફરિયાદો, ઊણપો... શું જોઈએ, શું ન જોઈએ સંભળાવવની અક્કલ ક્યારે તમારમાં આવશે ?” મારો પારો ચડ્યો હતો. અન્યથા પ્રેમપૂર્વક બધું સાંભળીને આનંદ સાથે તેમની જરૂરિયાતો પૂરી કરનાર મને આમ તૂટી પડતી જોઈ બાળકોને ચકલી જેમ મોઢું કરીને ‘સોરી’ કહ્યું અને પોતપોતાની રૂમમાં ગયા. ત્યારે મને જ ખૂબ દુઃખ થયું. બિચારાં નાનાં બાળકોને શું ખબર પડે ? અજાણતાં મૂરખની જેમ મેં તેમની પર વિશાલના માતાપિતાનો ગુસ્સો કઢ્યો હતો.

પલંગ પર પડતાં જ નજર સામે વિશાલનો નિષ્પાત ચહેરો દેખાવા લાગ્યો. છાત્રાલયનાં રોજિંદાં કામો પતાવીને થાકી જવાને કારણે આંખ ક્યારે લાગી ગઈ ખબર પડી નહિ. પણ ત્રણ વાગે આંખો ખૂલતાં જ, વિશાલની દાદીએ તેને સાચ્ચે જ નદીમાં નાંખી દીધો હશે તો, વિચાર મનમાં ઘૂસ્યો... અરર ! આમ થશે તો અમારા કાર્યનો કાંઈ જ અર્થ નથી. અપંગ અનાથોને ‘બાલકલ્યાણ સંકુલ’માં પ્રવેશ ન હોવા છતાં તેનો કબજો લઈને શ્રી દીક્ષિત સાહેબ મારફત કે જિલ્લા પોલીસવડા મારફત ફરી એક વખત પ્રયત્ન તો કરવો જોઈતો હતો. એમ થયું. એની દાદીના હાથમાં કપડાંની થેલી હતી અને વિશાલને અમને સોંપીને એ મહારાષ્ટ્ર એક્સપ્રેસ દ્વારા જવાનું કહેતી હતી. એ યાદ આવ્યું. મન એટલું વ્યાકુળ થયું કે પરોઢિયે પાંચ વાગતાં જ મેં દીક્ષિતસાહેબને ફોન પર સઘળી હકીકત રડતાં રડતાં જણાવી. તેમને રાતે ઊંઘતાં મોડું થાય છે, એ જાણવા છતાં પોતાને રોકી શકી નહિ. આટલા પરોઢિયે મને આશ્વસ્ત કરવા ઉચગવ આવવાની તેમની તૈયારી હતી. પણ મેં તેમને વિશાલને શોધીને ‘બાલ કલ્યાણ’ કે ઉચગાવ છાત્રાલયમાં લઈ આવવા વિનંતી કરી. તેમણે ત્વરિત કાર્યાવહી કરી અને વાડીકરદાદાએ સંસ્થામાંથી સરનામું મેળવીને વિશાલને સુખરૂપ અમને સ્વાધીન કર્યો. ત્યારે છેવટે અમારા સહુના જીવને હાશ થઈ.

થોડા દિવસ પછી જાણ્યું કે એ દાદી ખોટું બોલ્યાં હતાં. વિશાલ સાધવાણીની માતાએ પણ બીજાં લગ્ન કર્યાં અને આ સાડાત્રણ વર્ષના બાળકને તરછોડીને ફરી બીજા અપંગ બાળકને જન્મ આપવા એ ખૂબ દૂર ગઈ છે.

છાત્રાલયમાં વિશાલ સહુની ‘આંખ કા તારા’ થયો. એટલું નાનું બાળક એક વખત પણ રડ્યું નહિ. ખૂબ જ મીઠું હસવા બોલવાનું જ નહિ, પણ કેરટેકર સોનાબહેનને ફોન પર ‘આતી ક્યા ખંડાલા’ કહીને સહુને હસાવવા લાગ્યો. હવે તો એ કૃત્રિમ પગ લગાવીને બાર્સમાં ચાલે છે. ઉમંગભેર બાલવાડીમાં ડબો લઈને જાય છે. ખૂબ જ જલદી કાખઘોડી લઈનેય એ ચાલશે. દિવાળીની રજાઓમાં, ઉનાળાની રજાઓમાં બીજાં બાળકોનાં માતા-પિતા આવીને તેમને લઈ જતાં, ત્યારે ‘દીદી, તાઈ, મારા પપ્પા ક્યારે આવશે ?’ આ તેના કાલઘેલા બોલ સાંભળીને આંખોમાં આવનારાં આંસુ ખાળવાનું મુશ્કેલ બનતું. આ પ્રસંગ વાડીકરદાદાને કહેતાં જ ક્ષણનોય વિચાર કર્યા વગર તેમણે કહ્યું. ‘એમાં વળી શી મોટી વાત છે ! હું લઈ જઉં છું. એને ઘરે.’ તેમના આ વાક્યે ખૂબ જ આનંદ થયો.

વાડીકરદાદા જેટલું ગૌરવ સૌ. ભાભી માટે પણ થાય છે. આ જે આનંદ હોય છે એ અલૌકિક હોય છે. ખૂબ ઠાઠમાં વાડીકરદાદાને ઘરે રહીને તેણે પોતાની બધી બાળહઠ, રમકડાં, કપડં, ખાવાપીવાનું શરૂ કર્યું. રજાઓ પૂરી થતાં બધાં બાળકો આવ્યા પછી તેને લાવ્યા. ત્યારે એ ખૂબ રડ્યો. તે મને છોડવા તૈયાર ન હતો. એ સાંજે, રાતે તેને સંભાળવો અમારા માટે કપરું કામ હતું. છાત્રાલયના બીજા તબક્કાનું બાંધકામ ચાલુ હતું. ત્યાંના કામદારો પણ પોતાનું કામ છોડીને, તેને બાજુએ લઈ જઈને ખાવાનું આપીને, ફેરવીને એને રડતો શાંત કરવા પ્રયત્ન કરતા હતા. આ દિવાળીની રજાઓમાં પણ વાડીકરદાદા એને લઈ ગયા હતા. રમકડાં, કપડાં સહિત તેને પાછો લાવ્યા ત્યારે આખુંય છાત્રાલય બાબા આમટેના આનંદવનમાં જવાની તૈયારીમાં વ્યસ્ત હતું. વિશાલ પણ એ આનંદમાં હોવાથી વાડીકરદાદા ગયા ત્યારે ય રડ્યો નહિ. પણ વિશાલને સતત તાવ આવતો હોવાથી કદાચ આ પ્રવાસ સહન થશે નહિ. તેથી તેને નહિ લઈ જવનો નિર્ણય થયો હતો. પરંતુ ‘લઈ જવના નથી.’ એ જાણતાં જ એણે બધાંય સાથે અબોલા લીધા અને સંસ્થામાં પહેલી વખત આવ્યો ત્યારે જેમ બેઠો હતો, તેમ ખૂણામાં બેસી રહ્યો. અમારો નિર્ણય બદલાતાં એ આનંદમાં કૂદકો મારતો આનંદવન ગયો.

ડૉ. અનિલ અવચટનો ‘નસીમા અને હેલ્પર્સ’ લેખ વાંચીને ઉચગાવ છાત્રાલયમાં આવેલી અને પહેલા જ વર્ષે આદર્શ વિદ્યાર્થિનીનો પુરસ્કાર મેળવનાર કુ. અમિતા રુગ્ગેએ વિશાલ પર લખેલી આ કવિતા.

‘વિશાલ ગોરું ગોરું બાળક એવું અનાથ થાય શાને વાત્સલ્યનો પ્રેમ આપવાનું લીધું કોણે કોનું વ્રત એ બાળક પર નિરધારની બિલકુલ નથી છાયા હોય તો ગમે ત્યાં મળત એને પેટ માટે મુઠ્ઠી દાણા મીઠી કાલીબોલી લાડલાની હતી એની ભાષા નિષ્પાપ બાળકને એ નહિ કશાયની આશા કોઈક દીદી, કોઈક બહેન એની કોઈક કાકા, કોઈક દાદા રાજાનેય ઘાયલ કરતું આ નાનકડું પ્યાદું.’

કેટલાંક સ્થળે આ માણસાઈ હજુય અનુભવાય છે. એ સારું છે. અન્યથા પોતે જીવતા હોય ત્યારે અપંગ અપત્યને જ માતા-પિતા મૃત્યુ પામ્યા એમ ખોટું બોલવા પ્રેરનાર માયા ધનગરનાં માતા-પિતા જેવાઓને જોયા પછી માણસાઈ પરનો વિશ્વાસ ડગમગવા લાગે છે. ઘણી વાર એટલા વેદનાપૂર્ણ અનુભવ થાય છે કે લાગે છે અનહદ અપંગત્વ ધરાવતાં સહુને લઈને સામૂહિક આત્મહત્યા કરવી અને સમાજની દૃષ્ટિએ કહેવાતા આ ભંગારને દૂર કરવો. આ વાંચીને કદાચ ચોંકી ઊઠશો આપ ! પણ શિક્ષણના દ્વાર જ્યારે અપંગો માટે બંધ કરવામાં આવે છે, શિક્ષણ ક્ષેત્રના નામાંકિત તજજ્ઞ વ્યક્તિ દ્વારા આ જ્યારે આવો વ્યવહાર કરવામાં આવે, ત્યારે અમે બીજો ક્યો બીજો વિચાર કરીએ ?

અપંગો માટે કહે છે સ્વતંત્ર શાળા શરૂ કરો. પણ શાને ? સર્વ સામાન્ય બુદ્ધિ ધરાવતાં હોય ત્યારે આવું શાને ? અમે શાળા શરૂ કરીએ તો એ સમાજને અભિમાનસ્પદ થવાને બદલે દિલગીરીભરી બાબત બની રહેવાની છે. પ્રત્યેક શાળામાં અપંગોને આવશ્યક સવલતો હોવી જોઈએ. શિક્ષણ મેળવવાનો તેમને ય અધિકાર છે. એમ સમજીને, શરીર તરફ ન જોતાં ફક્ત બુદ્ધિ સામે જોઈને સર્વસામાન્ય શાળાના પ્રવેશદ્વાર અપંગો માટે ખુલ્લાં હોવાં જોઈએ.

તાઈ પાટીલ નામની છ વર્ષની બાળકીને છાત્રાલયમાં પ્રવેશ આપ્યો. હાથ-પગ પંગુ. ગરદના પણ સીધી રહેતી ન હતી. પણ અત્યંત મીઠી નિષ્પાપ હાસ્ય ચહેરા પર શોભતું. તેની સંભાળ અમે કરી શકીશું કે નહિ એ વિચાર કરતા એના ચહેરા પર આ સ્થિતિમાંય જોવા મળતું હાસ્ય છાત્રાલયને આધાર આપશે એમ લાગ્યું. આટલી શી નાનકડી હાથના આંગળાઓમાં પેન્સિલ પણ પકડી શકતી ન હતી ત્યારે, માતાપિતાને છોડીને શિક્ષણ માટે છાત્રાલયમાં રહેવા ઉત્સુક હતી.

કદમવાડી છાત્રાલયથી રહેલી શોભા ગુરવ, એ તાઈ પાટીલ જેવી જ દેખાવડી. બધા ક્ષેત્રોમાં અગ્રસ્થાને રહેતી. ઝઘડવામાં અને ઉદ્ધત બોલવામાં પણ રડનારાં નાનાં બાળકોને હસાવનારી અને તેને કારણે મને ખૂબ ગમતી. બન્ને પગે પોલિયો હોવા છતાં દુનિયા જીતવાની તાકાત ધરાવનારી. તેને મેં તાઈ પાટીલને કસરત કરાવવાનું કામ સોંપ્યું. મહેન્દ્ર કુલકર્ણી જો વ્હીલચેર પરથી એક હાથ અપંગ હોવા છતાં બીજાઓને કસરત કરાવતા હોય તો, બન્ને હાથ સારા હતા એવી શોભાનેય વ્હીલચેર પરથી તે કામ ફાવવું જ જોઈએ. આનંદ અને આશ્ચર્યની વાત કે ત્રણ માસમાં હાથમાં પેન્સિલ સુધ્ધાં ન પકડી શકનાર નાનકડી તાઈએ છ માસિક લેખિત પરીક્ષામાં ય સારા માર્ક્સ મેળવ્યા. વ્યાયામને કારણે હવે તેની ગરદન પહેલાની જેમ ઢળી પડતી ન હતી. વ્હીલચેર પર બેસીને એ જાતે જમતી હતી. આ સફળતાની શક્તિ રોજ નવા આવનારાં સંકટોની તુલનામાં ભારે હતી. તાઈ પાટીલની સફળતાનું શ્રેય શોભાના શ્રેયને અને સોનાબહેનની દેખભાળને હતું. તાઈને વાર્ષિક પરીક્ષામાં ૭૦ થી ૮૦% માર્કસ મળ્યા. તાઈ પાટીલ ચોથા ધોરણમાં ભણે છે. એ જાતે વ્હીલચેર પરથી નીચે ઊતરીને બાથરૂમમાં જાય છે. એની એ જીદથી કરેલી હાલચાલ જોઈને હું ય ચકિત થાઉં છું.

ધીમેધીમે કાખઘોડી, કૅલિપરથી ચાલનારાં બાળક-બાળકીઓ પૈડાંવાળી ખુરશીનાં બાળકોને ઉતારા પરથી ચડતી-ઉતરતી વખતે મદદ કરવા લાગ્યા. આ સહકાર્ય કોઈએ કોઈને શીખવ્યું ન હતું. અથવા કામ તરીકે ય સૂચવ્યું ન હતું. એકમેકના સહવાસમાં રહેતાં મનમાં જાગેલી ભાવનાની એ પ્રતિક્ષિપ્ત ક્રિયા હતી. અજાણતાં રહેતાં મનમાં જાગેલી ભાવનાની એ પ્રતિક્ષિપ્ત ક્રિયા હતી. અજાણતાં આ સઘળું ઘડાતું ગયું.

આમ સુખદુઃખના કોળિયા પચાવતા હતા ત્યારે સંસ્થાના હિતેચ્છુ છાત્રાલયમાં થોડા દિવસ રહેવા આવ્યા. છાત્રાલયમાં બે સુદૃઢ સ્ત્રી મદદનીશો હતી. બીજાં બધાં કર્મચારીઓ અપંગ જ હતાં. એ બન્ને સુદૃઢ

સ્ત્રીઓ પણ જીવનમાં આવેલા દુર્ભાગ્યને કારણે પોતાનું દુઃખ, એકલવાયાપણું સંસ્થાના કામમાં ભૂલીને, અન્ય કોઈ પર પોતાનો ભાર ન નાંખતાં સ્વાવલંબનથી જીવી શકાય એ માટે આવી હતી. સંસ્થામાં કરવા પડતાં કામોનું વર્ણન એમણે એ રહેવા આવેલા મહેમાનો દ્વારા પૂછપરછ કરતાં કર્યું. તે જ અરસામાં હું કામ પર હાજર થઈ હતી. સાંજે ઑફિસ છૂટ્યા પછી છાત્રાલય પર આવી. બહાર ખુલ્લામાં વાતો કરતાં બેઠાં. આમ બેસીને ઇમારત અને અંદરનાં બાળકોની અવરજવર જોવામાં એક અવર્ણનીય આનંદ હંમેશાં જ થતો હોય છે. આ આનંદનો આસ્વાદ લેતં શ્રમપરિહારનું સુખ માણતી વખતે મહેમાનના શબ્દો કાને પડ્યા. “આવા ખૂબ જ અપંગોને શા માટે પ્રવેશ આપો છો ? આ બે સ્વસ્થ સ્ત્રીઓને એની કેટલી તકલીફ પહોંચે છે ! પગાર તમે આપો છો. પણ છેવટે રોજ એ જ સ્વચ્છતાનાં કામો કરીને તેય કંટાળે છે...”

અપંગોને પુનર્વસન કાર્યમાં દાન આપનારા હિતેચ્છુ આમ કહી રહ્યા છે કે બીજું કોઈક બોલી રહ્યું છે. એવો પ્રશ્ન મને જાગ્યો. શાંતિથી મેં એ બન્ને કર્મચારીઓને બોલાવી અને કામમાં શું મુશ્કેલી છે ? એ પૂછ્યું. તો તે ‘કોઈ નહિ’ કહેવા લાગી. તે બન્નેએ ગંદા કપડાં ધોવાની ના કહી હતી, ત્યારે આવાં કામો બળજબરીથી કરાવી લેવા યોગ્ય નથી, એ મનેય સમજાતું હોવાથી હું, શોભા, સોનાબહેન, સવિતા એમ અમે કેટલાય જણ તે કામ વહેંચીને કરવા લાગ્યાં હતાં. ત્યારે તે બન્નેએ જ જાતે થઈ એ જવાબદારી સ્વીકારી હતી. આજે બીજાની સામે મારી પાછળ કરેલ ફરિયાદ મને રુચિ નહિ. જરા કડક શબ્દોમાં મેં તેમને સમજણ આપી. “કામ છોડી જવું હોય તો જઈ શકો છો.” અમારા અપંગોમાં એકમેકનાં સહકારથી જીવવાનું શિક્ષણ મેળવીને સમાજમાં પોતાનું સ્થાન નિર્માણ કરવાની હિંમત સદભાગ્યે હજુ છે. નામ માત્ર અપંગત્વ ધરાવનારાઓને પ્રવેશ આપીને છાત્રાલયમાં જગા ભરવા માટે અમે ‘હેલ્પર્સ’નાં કાર્યકરોએ પોતાનાં તન, મન, ધન ખર્ચ્યાં નથી. જે અપંગ ઘરની ચાર દીવાલોમાં સબડી રહ્યાં છે, જેઓ કાયદાને કારણે મરી શકતા નથી, આવા અપંગોનું ભવિષ્ય બનાવવાનો પ્રયત્ન કરવા માટે આ છાત્રાલય છે. જેમની પાસે પૈસા નથી. લાગવગ લગાવવા ઓળખાણો નથી. એવા માટે આ છાત્રાલય છે. ખૂબ જ અપંગત્વ ધરાવનારાઓને પ્રવેશ આપવો નહિ, એટલે કાલે મારે જ આ છાત્રાલયમાં રહેવું નહિ એમ કહેશે આ ! અમને મરવા દેતા નથી અને જીવવા દેતા નથી. આ શું રીત થઈ ? અમારા ઘરમાંથી અમે નીકળીશું નહિ. અહીંનું કામ સહેવાતું ન હોય તેમણે અહીંથી જવાની છૂટ છે. શ્રમદેવતાને પૂજનારાઓએ જ, પછી એ વ્યક્તિ અપંગ હો અથવા સ્વસ્થ સ્ત્રી હો અથવા પુરુષ, નાનો હો અથવા મોટા, આ છાત્રાલયમાં આવવાનું સાહસ કરવું. અહીંના નિયમ સહુકોઈ માટે સમાન છે. કોઈ પણ કામ કશાયની ઊંચ-નીચતાની ભાવના રાખ્યા વગર હસતા મુખે કરવું જોઈએ. માણસાઈ એ એક જ ધર્મ આ છાત્રાલયમાં પળાવો જોઈએ.

પરોઢિયે ચાર-પાંચ વાગે નહાવાના ગરમ પાણી માટે બોઈલર સળગાવવું, નાસ્તો, ડબા માટે રોટલીઓ, શાક, ડુંગળી સમારવી, અનાજ વીણવું. કપડાં-વાસણ ધોવાં, બાથરૂમ, સંડાસ, રૂમની સફાઈ, બધા માટે વારા નક્કી કરવામાં આવ્યા છે. શિક્ષણની વય પસાર કરી ચૂકેલાઓ માટે અનાજ વીણવું. વૃક્ષોને પાણી, એક નહિ અનેક કામો છે. જાતમહેનતની ભાખરી અહીં પ્રત્યેકે ખાવાની છે. છાત્રાલયમાં દાન આપનાર પ્રત્યેક મહેમાનની નોંધ હોય છે. “આટલી સ્વચ્છતા આટલા મોટા છાત્રાલયમાં શી રીતે જાળવી શકો છો ? નાના કુટુંબમાં પણ ઘણી વાર આ શક્ય બનતું નથી.” જવાબ એક જ રહેતો. “આપણું કામ આપણે કરવાનું. પગારદાર નોકર રાખવાના નહિ. શનિવારે બપોરે વિદ્યાર્થી-પુરુષ જૂથ રાત્રીનું ભોજન તૈયાર કરે તો, રવિવારે સવારે વિદ્યાર્થિનીઓ રસોઈ બનાવે છે. હંમેશના સ્ટાફને આરામ. એ સ્ટાફ છોડીને જાય તો કટોકટી વેળાએ પોતાના ડબા જાતે તૈયાર કરીને શાળાએ જવા જેટલી તૈયારી અમારા વિદ્યાર્થીઓએ રાખવી જોઈએ. છાત્રાલયનું આ વર્ષનું પરિણામ ૯૭% આવ્યું. અભિમાન જાગે એટલા માર્કસ્‌ સહુને મળ્યા છે.’

છાત્રાલયના પહેલા તબક્કાના બાંધકામ માટે ખૂબ જ અંતર્વેદના થઈ હતી. ક્યારેક ક્યારેક નિરાશાએ ઘેરી લીધી હતી. છાત્રાલય શરૂ થયું. છતાં સાડાસાત લાખનું દેવું માથે હતું. મહેન્દ્રને કારણે ગાઢ પરિચયમાં આવેલાં સ્પેનિશ સિસ્ટર પુષ્પાએ મારી પાસે દાન માટે અરજી લઈને સ્પેનની એક સંસ્થાને મોકલાવી. શ્રી પ્રમોદ બેરીએ પણ ભલામણ કરી અને તે સંસ્થાને બીજા તબક્કાના બાંધકામનો ખર્ચ આપવા સ્વીકાર્યું. પહેલા તબક્કાનું કરજ ભરપાઈ કર્યા સિવાય બીજા તબક્કાનું બાંધકામ ચાલુ ન કરવાનો અમારો નિર્ણય જણાવતાં જ તે ઉદાર સંસ્થાએ સાડાસાત લાખ રૂપિયા મોકલી આપ્યા અને બીજા તબક્કાના બાંધકામના દસ્તાવેજો મંગાવીને સંપૂર્ણ બાંધકામના ખર્ચ માટે સાઈઠ લાખ રૂપિયા મંજૂરકર્યા. બે તબક્કે આ રકમ હાથમાં આવનાર હતી. મહેન્દ્રના પુનર્વસન માટે કરેલા કાર્યનો ભગવાને આપેલો આ પુરસ્કાર છે એમ લાગ્યું. આજે બાંધકામ પૂરુ થયું છે. શાકભાજી, બગીચો પણ અસ્તિત્વમાં આવ્યો છે. રમતના મેદાનનું સ્વપ્ન હજુય સાકાર થવાનું છે.

મહેન્દ્ર કોલ્હાપુર છોડી ગયા અને અજીજ વીસ વર્ષ પરદેશમાં નોકરી કરી ઘરે આવ્યો. મારી દોડધામ જોઈને મને મદદ કરવા લાગ્યો. પ્રશિક્ષણ કેન્દ્ર અને ગૅસ એજન્સીમાં તેણે પ્રગતિ કરાવી આપી. મહેન્દ્ર ગયા પછી પ્રશિક્ષણ કેન્દ્રમાં થોડો સમય શ્રી ડી.આર. કુલકર્ણી વ્યવસ્થાપક હતા. સંસ્થામાં જ પરદેશી બનાવટની પૈડાંની ખુરશી બનાવવાનું કામ અમે હાથ ધર્યું. ઈચલકરંજીના શ્રી સાધલેએ આ માટે સહકાર આપ્યો. આજે ત્રણ પૈડાંવાળી સાઇકલ, વૉકર, કમોડ, કૅલિપર સાથે પૈડાંવાળી ખુરશી પણ અમે જાતે બનાવીએ છીએ. સતારાના શ્રી અવિનાશ કુલકર્ણી પૅરાપ્લેજિક-વ્હીલચેર પરથી વ્યવસ્થાપકનું કામ સંભાળી રહ્યા છે. એન્જિનિયર હોવા છતાં ઉચગાવ છાત્રાલયમાં રહે છે. નાજુક છે. પણ મજબૂત થશે એવી શ્રદ્ધા છે.

છાત્રાલયમાં પ્રવેશ આપતાં જ સઘળાં બાળકોની તબીબી તપાસ માટે ડૉ. પી. જી. કુલકર્ણી આવે છે. આવશ્યકતા અનુસાર શસ્ત્રક્રિયા નક્કી કરવામાં આવે છે. કેટલીક શસ્ત્રક્રિયા ડૉ. પી. જી. કુલકર્ણી પાસે તો કેટલીક ડૉ. સુરેશ દેશપાંડે પાસે વર્ષના પ્રથમ છ મહિનામાં જ કરાવી લેવામાં આવે છે. સંસ્થામાં ઓ.પી.ડી.માં આવનારા અપંગોની શસ્ત્રક્રિયા ડૉ. નવરે અને ડૉ. મહેશ પ્રભુ પાસે કરાવવામાં આવે છે. અપંગત્વનું પ્રમાણ શક્ય તેટલું ઘટાડવામાં આવ્યા પછી બાળકોની મનોવૃત્તિમાં ધરમૂળથી બદલાવ થયેલો અમે અનુભવીએ છીએ. મારું પહેલાં ઑપરેશન કરો, એવુંય કેટલાંક ભૂલકાં સીધા ડૉક્ટરોને કહે છે.

એક વખત સરસ્વતી ટૉકીઝ પાસેથી મારી રિક્ષા જતી હતી ત્યારે સંસ્થાના જૂનો લાભાર્થી દેખાયો. તૂટેલી કાખઘોડી લઈને એ ચાલતો જતો હતો. લગ્ન થયાં હતાં. પત્ની-બાળકો સાથે દવાખાને નીકળ્યો હતો. તેને રિક્ષામાં લીધો. સરસ કાખઘોડી અપાવી અને ચોકસાઈ કરી. સુથારીકામ આવડે છે, પણ પૂરતું કામ તેના ગામે મળતું ન હતું. કદમવાડી પ્રશિક્ષણ કેન્દ્રમાં એકાદ સુથાર હોવો જોઈએ, એમ મને હંમેશાં થતું. પહેલા લીધેલો અપંગ સુથાર જતો રહ્યો હતો. આ સુથારને નોકરી કરીશ કે એમ પૂછ્યું. તૈયાર થયો. આધુનિક ફર્નિચર માટે પ્રશિક્ષણાર્થીની આવશ્યકતા હતી. અજીજે તે કામ હાથમાં લીધું. આજે તેમના દ્વારા બનાવેલાં ટેબલ, કબાટ જોઈને સહુ-કોઈ પ્રશંસાના ઉદ્‌ગાર વ્યક્ત કરે છે. શિવાજી વિદ્યાપીઠના કુળનાયક પ્રા. દ. ના ધનાગરે એ ટેબલની ગુણવત્તા જોઈને કિંમત પૂછી જ્યારે પ્રશંસા કરી ત્યારે મનમાં આશાના અંકુર ફૂટ્યા કે હવેથી સમાજ અમારી બનાવેલી વસ્તુઓની ગુણવત્તા જોઈને એ ખરીદ કરવા લાગશે અને આર્થિક સ્વાવલંબનનું અમારું સ્વપ્ન પણ એક દિવસ સાકાર થશે.

ઉચગાવ છાત્રાલયનું આ ચોથું વર્ષ ચાલી રહ્યું છે. પહેલા વર્ષે જ મુખ્ય રસોયણ મુક્તાનાં લગ્ન સંજય દેશપાંડે સાથે આજ છાત્રાલયમાં કરાવી આપવામાં આવ્યાં. મુક્તા એક કાખઘોડી લઈને ચાલનારી. પિતા નથી. માતા મનોરોગી, ભાઈની જવાબદારી સંભાળતાં પોતાની હિંમત પર પોતાનું ગામ છોડીને કોલ્હાપુરમાં સંસ્થામાં રહેનારી. સંજય દેશપાંડે ડેમ કન્સ્ટ્રકશન વિભાગમાં સરસ નોકરી છે. બન્ને હાથે-પગે અપંગ, એકાઉન્ટન્સીના કલાસીસ લેનારા, અત્યંત કાર્યશીલ અને સમજુ, તેમની માતા-બહેન પણ સમજદાર અને શાણા હોવાથી તેમણે આગળ આવીને આ લગ્ન કર્યાં અને લગ્ન પછી આવનાર પ્રત્યેક મુશ્કેલીમાં તેમણે સમર્થપણે સાથ આપ્યો. હમણાં જ મુક્તા-સંજયના પુત્રની નામકરણ વિધિમાં જઈ આવી. આરોગ્યસંપન્ન એવાં તેમનાં બાળકને જોઈને સંતોષ અનુભવાય છે. અમારું છાત્રાલય એ મુક્તાનું પિયર છે. ખોળો ભરવાનો નાનકડો કાર્યક્રમ પણ રજનીએ છાત્રાલયમાં યોજ્યો હતો.

અમારા આ સંગઠિત જીવનમાં રાગદ્વેષના, સુખ-દુઃખના અનેક પ્રસંગો આવે છે. પરંતુ તેમાંથીય એકબીજા માટે બંધુભાવ, પ્રેમ, આત્મીયતા દિવસે દિવસે વધે છે. આવા અનેક પ્રસંગ આજ સાંભરે છે. આમ જ એક વખત કેટલાંક બાળકો ઑપરેશન માટે દવાખાનામાં દાખલ થયાં અને છાત્રાલયમાં મોટો કાર્યક્રમ થયો. સર્વ પ્રકારના અપંગોને એકઠા કરીને કોજાગિરી પૂર્ણિમા ઉજવવામાં આવી હતી. ત્રણસો પચાસ લોકોની રસોઈ અને આનંદ-મજાના પ્રયોગો સાથે અમે બનાવી અને સહુએ તે ભોજનને ‘સ્વાદિષ્ટ’ ગણાવ્યું. પંચપકવાન બનાવવામાં આવ્યા. દવાખાનામાં રહેલા સહુના મોંમાં સહુથી પહેલાં આવું ખાસ ભોજન જવું જોઈએ એ અમારો પ્રયાસ હોય છે. કારણ કે દવાખાનામાં હોઈએ ત્યારે ભૂલ, વેદના, દવાઓને કારણે જમવાની ઇચ્છા મરી પરવારી હોય છે. જમવામાં થોડોક બદલાવ થાય તો બે કોળિયા જાય છે. શરીરમાં શક્તિ રહે છે. ઉત્સાહ જાગે છે.

કાર્યક્રમના બીજા દિવસે કશાકની રજા હતી. સવારે નાસ્તાના ટેબલ પર મેં સહજ તપાસ કરી, રાતે દવાખાનામાં ડબો સમયસર પહોંચ્યો હતો ને ? કે મોડું થયું હતું ? તો સહુના માથા નીચે હતાં. ઉતાવળમાં રસોઈ બનાવનારા, પીરસનારા તો દવાખાનામાંનાં બાળકોને ભૂલી જ ગયાં. પણ જે રૂમમાં રાતદિવસ એકબીજાના સહવાસમાં જે બાળકો રહેતાં હતાં. તેમનેય પોતાના ભાંડુઓ સાંભર્યાં નહિ. એનું દુખ થયું. આપણા ઘરે એકાદ ભાઈ અથવા બહેન આમ દવાખાને હોય તો આપણે શું કરીએ છીએ ? રસોઈ થતાં જ ગરમા ગરમ ભોજન પહેલા તેમને પહોંચાડીએ છીએ અને પછી જ બાકીના જમે છે. છાત્રાલયનાં મારાં બાળકોને જમવાનું વધવા છતાંય પોતાના ભાઈ-ભાંડુઓની યાદ આવી નહિ. તેમણે તે વાનગીઓ એકબીજાને આગ્રહપૂર્વક પીરસીને ખુટાડી હતી. એટલે આ છાત્રાલય ઘર નહીં પણ ધર્મશાળા થઈ હતી. જેમ થોડો સમય પૂરતા વટેમાર્ગુઓ સાથે મળતાં અને નીકળી જતાં. કદાચ એ અલ્પ સમયમાં તે પ્રવાસીઓ પણ એકબીજાની સંભાળ લેતા હશે...

થોડી ક્ષણોમાં જ મારા દુઃખનું સ્થાન રોષે લીધું અને હું છાત્રાલયમાં એ રજાના દિવસે ચૂલો જ નહિ સળગાવવાની આજ્ઞા આપીને મારી રૂમમાં આવી. થોડા કલાક પછી અમારી એક સમાજસેવિકા મારી પાસે આવી અને ‘પ્રાથમિકનાં નાનાં બાળકોને અને દવાખાનામાં ઑપરેશન થઈ આવેલા બાળકોને પણ ભૂખ્યા રાખવાનાં છે કે’ પૂછવા લાગી. તેની એ પૃચ્છાને કારણે મને ખૂબ દિલાસો મળ્યો. એટલે હું માનતી હતી. એટલી ગંભીર પરિસ્થિતિ ન હતી. તેમના મનમાં પરસ્પર માટે કાળજી હતી જ. પણ તે દિવસે ફક્ત તેમના પૂરતી જ રસોઈ બનાવી. બપોરે ચાર વાગે મારાથી જ ન રહેવાતાં મેં જાતે બધા માટે બનાવ્યું અને બધાયને આપીને તે દિવસનો ઉપવાસ છોડ્યો.

વધુ એક આવો જ પ્રસંગ, સાતારામ વિશેનો. સાતારામ બારમાનો વિદ્યાર્થી. પ્રશિક્ષણાર્થી કદમવાડીમાં આવેલો અને ‘હેલ્પર્સ’નો બનીને રહેલો. સતત મારી સાથે કામમાં રહેતો. રિક્ષા, મિનિબસ, વ્હેન, સઘળાં વાહનોના ડ્રાઇવિંગથી લઈને કોમ્પ્યુટર પરના પ્રત્યેક કામ કરવામાં જાણકાર. ગૅસ એજન્સી પ્રશિક્ષણ કેન્દ્ર છાત્રાલય શાખ સંસ્થા અંગેનું કોઈ પણ કામ પછી તે લખાણનું હો, હમાલીનું હો અથવા નિર્ણય લેવાનું હો. એ તે સમર્થપણે પાર પાડતો. કૉલેજની પરીક્ષા આપતો ન હતો. તેથી મહાવીર કૉલેજમાંના કર્મચારી, ‘હેલ્પર્સ’ના સઘળા વિદ્યાર્થીઓ પર સગ્ગા કાકા-મામા જેમ પ્રેમ કરનાર સુર્વેકાકા હંમેશાં તેને પરીક્ષામાં બેસવાનું યાદ અપાવતા. ત્યારે મારો જવાબ રહેતો. કે એ નિરાંતે પરીક્ષા પાસ કરશે. કૉલેજની ડિગ્રી મેળવવા છતાંય કોઈ આટલી કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકે નહિ. શિક્ષણ પદ્ધતિ બદલાશે તો જ ભાવિ જીવનમાં ઉપયોગી નીવડે એવી કાર્યક્ષમતા આજના વિદ્યાર્થીઓમાં આવશે, સીતારામ એટલો ચોક્કસ છે કે કેટલાય મહિના સુધી અમારા ઘરનાઓને એના અપંગ હોવાની જાણ ન હતી. કારણ મને ઊંચકવાનું કામ પણ એ વ્યવસ્થિત કરે છે. ઘરે કાંઈક ખાવા આપીએ તો એ ખાતો નથી. તેથી ઘરના લોકો નારાજ હોય છે.

એક વખત મારું ધ્યાન ગયું કે તેને જમતી વખતે ચમચો આપ્યો ન હતો. કેટલાંક આંગળાં ન હોય ત્યારે એ કઈ રીતે જમવાનો હતો ? આ મેં કહ્યું ને સહુને આશ્ચર્ય થયું. કોઈનુંય ધ્યાન ક્યારેય તેના હાથ તરફ ગયું ન હતું. એક વખત આ સાતારામ પર તેની ભૂલને કારણે હું ખૂબ ગુસ્સે થઈ તેથી રાજીનામું આપ્યું. તેના મતે એ ભૂલ ન હતી કે આટલું વધુ પડતું બોલવા જેટલી મોટી ન હતી. કોણ જાણે ! પણ મારા મતે એ ભયંકર મોટી ભૂલ હતી અને તેણે એ સ્વીકારી, ફરી તે ભૂલ ન થવા દેવી અત્યંત મહત્ત્વનું હતું. તેણે રાજીનામું પાછું ખેંચ્યું. આજે તબિયત ઠીક ન હોવા છતાંય દવાઓ લઈને ખૂબ જ કામ કરનારાઓની યાદીમાં (સુજાતા કુલકર્ણી, આશા જમણે વગરેની) તેનું નામ અગ્રસ્થાને છે. આથી ડૉ. છાયા દેસાઈ સાતારામ દવા તરફ અને ખાવાપીવા તરફ દુર્લક્ષ્ય સેવે છે, તેથી ઘણી વખત તેની પર ગુસ્સે થાય છે. મારી સમક્ષ ફરિયાદ કરે છે.

સાતારામ જેવાં જ સંસ્થામાં અમારા બીજાંય અનેક બાળકો છે. જેમના વિશે કહ્યા વગર હું રહી શકતી નથી. સાતારામની જેમ જ કામ કરનારી આશા જમણે એ તેમાંની એક. પોલિયોને કારણે પગ સહેજ વાંકો, નાજુક તબિયતની, ડિગ્રી પરીક્ષા આપી અને સંસ્થામાં નોકરી માંગવા આવી. પહેલા કેટલાક મહિના માત્ર આવવા-જવાનો તેને ખર્ચ આપ્યો. સંસ્થામાં આવેલા પૈસામાંથી તાકીદની જરૂરીયાતમાંથી ‘ધિરાણ’ સંસ્થાનો જન્મ થયો. આશા બી.કોમ. પાસ થઈ. ત્યારે તેને જ તાલીમાર્થી કારકૂન તરીકે શાખ સંસ્થામાં નિમણૂક આપી. આજે એ ધિરાણ સંસ્થાની કેશિયર, મૅનેજર સઘળું કાંઈ છે. પોતાનું કામ કરીને સંસ્થાના મુખ્ય કાર્યાલયના અને ગૅસ એજન્સીના કામમાંય એ ઉતસાહભેર ભાગ લે છે. મહેનતુ અને સાહસિક છે. મારા બહારનાં કામો તે કરી શકશે. એમ લાગે છે. પણ ધિરાણ સંસ્થાના કામમાંથી ભાગ્યે જ તેને મારી સાથે આવવાની તક મળે છે. મુંબઈ દિલ્હી અમે સાથે ગયા છીએ. ક્યારેક સોનાબહેન માંદાં હોય કે રજા પર જાય ત્યારે એ નજીમા ખાન, મજબૂત સોશ્યલ વર્કર અને સુજાતા કુલકર્ણી મળીને છાત્રાલયમાં રહીને કાર્યભાર સંભાળે છે. ધિરાણ સંસ્થાને કારણે અનેક અપંગો પોતાનો ઉત્કર્ષ શાધી શક્યા છે. આ ધિરાણ સંસ્થાના અધ્યક્ષા સૌ. રજની કરકરે-દેશપાંડે છે. જ્યારે સચિવ હું છું. અનેક લોકોના સહકાર દ્વારા અમારી ‘હેન્ડિહેલ્પ નાગરિક સહકારી ધિરાણ સંસ્થા’ યોગ્ય દિશામાં પ્રગતિપથ પર આગળ વધી રહી છે અનેએક દિવસ તેનું બૅન્કમાં રૂપાંતર થઈને અપંગો ત્યાં નોકરી મેળવશે. એવાં સ્વપ્ન અમે નિહાળી રહ્યાં છીએ. આશા જમણેને હાથે પોલિયોગ્રસ્ત સાથી આનંદ મોળે સમર્થપણે સાથ આપી રહ્યો છે. નાનપણમાં સંસ્થામાં આવેલા યુનૂસ વિશે કહેવાની ઇચ્છા થાય છે. બન્ને પગે અપંગ, કપડામાં પગ બાંધીને બેઉ પગનો ભાર ગળામાં ભરાવીને બન્ને હાથ પર ચાલનારો. તેમાં ય શાળાના વર્ગ ઉપર. પણ આ આવા સ્વાવલંબન દ્વારા ઉપરના માળે આવેલ સમાજકલ્યાણનું કાર્યાલય હોય કે મહાનગરપાલિકાનું કાર્યાલય, બેધડક જઈને સોંપેલું કામ સફળતાપૂર્વક પાર પાડીને આવે છે. બી.કોમ. થયો. કોમ્પ્યુટર શીખ્યો. સુંદર ગીતો ગાય છે. પ્રવાસમાં એ ન હોય તો સુનું સુનું લાગે છે. પણ કામમાં ગરબડ કરે છે. થોડો ઉતાવળિયો છે. આજે આયુર્વિમા મહામંડળમાં અંશઃકાલીન નોકરી કરી રહ્યો છે. સંસ્થામાં રાતે એક-બે વાગતાં સુધી કામ કરે છે. પરોઢિયે સુધ્ધા કામ હોય તો આવવા તૈયાર. તેની માતા-ભાઈ તેને ખૂબ વહાલ કરે છે. તેમણે તેને સ્પેશિયલ સ્કૂટી લઈ આપી છે. કારણ ત્રણ પૈડાંવાળી સાઇકલ ચલાવી ચલાવીને તેની તબિયત સતત બગડતી રહે છે. હું સંસ્થામાં કામ કરતી બેઠી હોઉં, તો એ ય જતો નથી. પોતાનું કામ કરતાં રોકાઈ જાય છે. આવા નાના મોટા સાથીઓને કારણે મારા કામનો ઉત્સાહ ટકી રહે છે.

ગૅસ એજન્સીમાં શ્રી રાજેન્દ્ર ખોરાટે જેવા ડ્રાઇવર અને કદમવાડીમાં મહેબૂબ મુલ્લા જેવા કુશળ કામદાર મળ્યા છે. મહેબૂબ પૂણેની વાનવાડી કેન્દ્રમાંથી અહીં આવેલો. અત્યંત મહેનતુ અને કામમાં કુશળ પણ અબોલ, અતડો, મનની કોઈ પણ વાતનો તાગ લાગવા દેતો નથી.

પોલિયોને કારણે કૅલિપર લગાવીને ચાલે છે અને ઉત્કૃષ્ટ કૅલિપર અને અન્ય સાધન પણ બનાવે છે.

સંસ્થાની વિદ્યાર્થિની અશ્વિની માને માતાના આશ્રયે સંસ્થામાં આવી હતી. સંસ્થા દ્વારા ડૉ. સાતવેકરે શસ્ત્રક્રિયા કર્યા પછી સંસ્થામાં તૈયાર કરવામાં આવતા કૅલિપર વાપરવા લાગી. માધ્યમિક શાળાંત પરીક્ષામાં ૯૧% માર્કસ મેળવીને આજે પૂણેની બી. જે. મેડિકલમાં શિક્ષણલેનારી. આવતી કાલની ડૉ. અશ્વિની. અભિમાનપૂર્વક વર્ણવવાની ઇચ્છા થાય એવા અનેક વ્યક્તિત્વનો સંસ્થામાં છે.

‘કમાઓ અને ભણો’ ધોરણે નાનપણથી નોકરી કરનાર વિજય નલવડે પદવીધર થયો. ગૅસ એજન્સીમાં તેણે ચાર વર્ષ સુધી મૅનેજર તરીકે કામ કર્યું. સાતારામની જેમ દરેક કામમાં રાતદિવસ ગૂંથાયેલો રહેનારો. આજે પોસ્ટ ઑફિસમાં સારા પગારે કામ કરી રહ્યો છે. ઑફીસ છૂટતાં જ સંસ્થાના હિસાબના કામે આવે છે અને જાતે મોડે સુધી કોઈ પણ જાતના વળતરની અપેક્ષા વગર કામ કરે છે. સંસ્થાના હિસાબોનું કાર્ય પી.ડી. દેશપાંડે, નલવડે અને અભિજિત ગારે સંભાળે છે.

અભિજિત ગારે સંસ્થાના ટ્રસ્ટી. એક પગે પોલિયો. પગ પર હાથ મૂકીને વાંકા વળીને ચાલતા. શસ્ત્રક્રિયા દ્વારા અપંગત્વ ઘટી શકતું હોવા છતાં શસ્ત્રક્રિયા ન કરાવનારાઓ પૈકી એક. એને નાનપણમાં બતાવવા સારુ હું જાતે ડૉ. સંચેતી પાસે લઈ ગઈ હતી. તદ્દન નાનો હતો ત્યારે મારા સહવાસમાં સંસ્થાનું કામ સમર્થપણે કરવા લાગ્યો હતો. પ્રમોદ શાહ બાદ તેનો સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો. નલવડેનને પોસ્ટમાં નોકરી લાગ્યા પછી ગૅસ એજન્સીના વ્યવસ્થાપક તરીકે કામ કરવા લાગ્યો. તેની ભૂલો માટે એક વાર બોલી, એથી લાગી આવતાં માંદો પડ્યો અને રાજીનામું મોકલાવ્યું. છેવટે મારે જ તેના ઘરે જઈને તેને સમજાવવો પડ્યો. તેનાં વાક્યો હતાં. “દીદી ! તમે માર્યો હોત તો ય ચાલત. પણ આમ કહેવું જોઈતું ન હતું...” ગુસ્સાના આવેશમાં કોણ જાણે હું શું બોલી જાઉં છું. પણ અત્યારની પેઢીની શિથિલતા, અશિસ્ત, બેજવાબદારપણું મારાથી સહન થતું નથી. એ બી.કોમ. હોઈ હાલમાં લૉ કરી રહ્યો છે. પિતાના અવસાન બાદ ઘરની જવાબદારી સમર્થપણે ઉઠાવી લીધી છે. નોકરી કરીને રાતના મોડે સુધી સંસ્થાના હિસાબોનું કામ કરે છે. પૂર્વે ખૂબ બોલનારો પણ હવે એકદમ પ્રૌઢ બન્યો છે.

આવા જ સંસ્થાના ટ્રસ્ટી ડૉ. છાયા દેસાઈ. પગે પોલિયો. કૅલિપર લગાવીને ચાલનારા. પોતાની હિંમત પર અનેક મુશ્કેલીઓનો સામનો કરતાં ડૉક્ટર થયેલા. આજે નોકરી અને પોતાની પ્રેક્ટિસમાં સંસ્થાનાં કામો માટે ઓછો સમય મળે છે તેથી ખેદ વ્યક્ત કરનાર. પણ આજ્ઞા કરતાં જ કામે દોડી આવનાર. થોડાંક તામસી, પણ એકાદ કામ કહીએ તો જવાબદારીથી છેવટ સુધી પૂરું કરે. આટલું વ્યવસ્થિતપણું કદાચ મનેય ફાવે નહિ. છાયા ખૂબ જ સરસ ગીતો ગાય છે. ખૂબ થાકી જઈએ કે તેનું ગીત સાંભળતાં વિસામો મળે છે. ઘણુંખરું ડૉક્ટરોના હસ્તાક્ષર સારા નથી હોતા. પણ આ ડૉ. છાયાના અક્ષર સંમોહક, ગોળ મોતી જેવા છે. એનો ડૉક્ટરનો વ્યવસાય સર્વાર્થે વ્યવસ્થિત ગોઠવાય અને સંસ્થાના અપંગોના આરોગ્યની જવાબદારી પૂર્ણપણે સંભાળી લે, એ દિવસની હું રાહ જોઈ રહી છું.

સંસ્થાઓના કાર્યકરોમાં અનિવાર્યપણે સ્પષ્ટ ઉલ્લેખ કરવો આવશ્યક જણાય છે એ શ્રી સુરેશ શિપૂરકર અને શ્રી અવિનાશ વાડીકરનો. કોઈ પણ કામ માટે તેઓ હાક મારતાં જ દોડી આવે છે. અવિનાશ છાત્રાલયમાં રોજનું દૂધ, કૉટ, ગાદલાં અને જે માંગુ એ તાત્કાલિક મફત આપે છે. કેવળ આર્થિક મદદ કરે છે એટલં જ નહિ પણ સાચા ‘હેલ્પર’ છે. રાત-મધરાતે સુધ્ધા મદદ માટે પોતાની ગાડી લઈને આવે છે. પછી તે અમારા વિદ્યાર્થીઓને દવાખાનામાં ઍડમિટ કરવાનું કામ હોય અથવા બહારગામ લઈ જવાનું. ખાસ જાતે સઘળું કરે છે. અમે તદ્દન અસંભવ કે મુશ્કેલ પ્રસંગે જ તેમને બોલાવીએ છીએ. હંમેશા બોલાવતા નથી એવી તેમની મીઠી ફરિયાદ રહે છે. “મારુતી કાર આવા કામો માટે જ લીધી છે. અન્યથા સ્કૂટર ચાલે એમ છે.’ એમ તે કહે છે, તેમના માટે સાચ્ચે જ માન ઊપજે છે. તે વિશાલને પાછલી બે રજાઓમાં પોતાના ઘરે લઈ ગયા એનું.

સંસ્થાના ટ્રસ્ટી શ્રીકાંત કેકડે વિશે કહું તો, તેમનો પોતાનો અપંગત્વ સાથે કાંઈ સંબંધ ન હોવા છતાં તે સંસ્થાના કાર્યમાં સમર્પિત થયા છે. તે એલએલ.બી. હોવા ઉપરાંત સેન્ટ્રલ એક્સાઇઝના ઇન્સપેક્ટર છે. જનસંપર્ક, લેખન અથવા કોઈ પણ કામ હો, નાનપ-મોટપ નહીં, રાત-મધરાત નહિ, પી.ડી. બાદ રાત્રીના જાગરણ કરવામાં તેમનો નંબર લાગી શકે. આવા મજબૂત માણસો જ્યારે સંસ્થાનું કાર્ય કરે છે ત્યારે તેમના માટે વધુ આશ્ચર્ય અનુભવાય છે.

સંસ્થાના એક અન્ય ટ્રસ્ટી સૌ. ઈર્શાદ અજીજ હુરજૂક. મારાં ભાભી. હવે પોતાનાં ભાભી વિશે કહેવું કદાચ થોડું ગેરવાજબી લાગશે. પણ તેમના કાર્યનો ઉલ્લેખ કરવામાં નહિ આવે તે મને જ ગમશે નહિ. સંસ્થાને દાન, પછી પૈસાના સ્વરૂપમાં હો કે વસ્તુના, ઈર્શાદ હંમેશા આગળ હોય છે. આ વિષયે તે મારા કરતાં ય સરસ બોલે છે. રસોઈમાં હોશિયાર હોવાથી ભારતીય મોગલાઈ અને પરદેશી, સર્વ પ્રકારનાં ભોજન બનાવતાં આવડતું હોવાને કારણે સંસ્થામાં ખાસ મહેમાન આવે કે તેમના ખાવા-પીવાની જવાબદારી તેમની પર હોય છે. એક વખત સંસ્થાના કાર્યક્રમ વખતે અમારા ઘરે જમવાની વ્યવસ્થા કરી. ત્યારે મેરા હોટેલના શ્રી શર્ફુદ્દીન કાપડીએ કહ્યું, “અમારી હોટલનું ખાવાનું આ ભોજન આગળ ફીકું છે.” મહેમાનોય લિજ્જતદાર ભોજનથી ખુશ થાય છે. શાહૂ છત્રપતિ વિદ્યાલયમાં તેમણે એક વખત બિરયાનીનો સ્ટોલ ગોઠવ્યો હતો. તે વખતે અનેક લોકો બિરયાની ઘરે ય લઈ ગયા હતા.

વધુ એક ટ્રસ્ટી મુંબઈના ખાનસાહેબ, તેમના વિશે જુદા જુદા ઉલ્લેખ આવેલા જ છે. એ ન હોત તો કોલ્હાપુર બહાર નીકળીને આટલું કાર્ય થવું કેવળ અસંભવ હતું. પી.ડી. દેશપાંડે, સૌ. રજની કરકરે, મનોહર દેશભ્રતાર, શ્રીકાંત કેકડે એ સંસ્થાના ચાર મજબૂત સ્તંભ છે.

મારા નાના ભાઈ અજીજને કઈ ઉપમા આપવી સમજાતું નથી. કારણ એના સહકાર વગર હું પૈડાંવાળી ખુરશીમાંથી ઘર બહાર નીકળી જ ન શકી હોત. પૈડાંવાળી ખુરશીમાં મુંબઈમાં પહેલી વખત મને સમુદ્રનાં મોજાં સુધી લઈ જનારો આ અજીજ જ. અજીજનો અર્થ ‘પ્રિય’, મનને ગમનારો. અમારા સમગ્ર ખાનદાનમાં નાનાથી લઈને વૃદ્ધો સુધી સહુને એ પ્રિય છે.

બધા પ્રવાસોમાં, સમુદ્ર દર્શનમાં તાજમહાલ જોતાં, દિલ્હીના આવા પ્રયાસ સફળ થાય છે તે સુબોધ મુંગળે, વિજય સાબળે, નાશિકકર, દેશભ્રતાર, કેકડે, શિવાજી પાટીલ અને આવાં જ અનેક મદદનીશોને કારણે. આ પ્રવાસનો આનંદ ફોટો સ્વરૂપ કાયમી બનાવે છે અનિલ વેલ્હાળ. બાળકોને ઊંચકવાથી સુંદર ફોટો પાડવા સુધી, શબ્દોમાં આ આનંદને ગૂંથે છે શ્રી શિવાજી પાટીલ. આ સહુ અમારા પારિવારિક સભ્યો. શ્રી દીક્ષિતસાહેબ અને શ્રી શિવાજી પાટીલને કારણે અમે જાણ્યું કે મોટા વર્તમાનપત્રના સંપાદક-ઉપસંપાદક એટલા સાદા હોય છે અને સહજપણે અમારા કુટુંબીજન હોઈ શકે છે. અન્યથા સંપાદક, ઉપસંપાદક એટલે ખૂબ મોટા, આપણી ગુંજાયેશ બહારની વાત લાગતી.

સુદૃઢ સોશ્યલ વર્કર નજિમાખાન સંસ્થા, ગૅસ એજન્સી, તબીબી શિબિર, પ્રવાસમાં ઉત્સાહપૂર્વક ભાગ લેનારી. હાસ્યસભર વ્યક્તિત્ત્વ ધરાવતી. મારા અથવા અન્ય ખૂબ જ અપંગત્વ ધરાવનારાઓને નવરાવવા, કપડાં પહેરાવવાં, રસોઈ, સિલાઈ વગેરે દરેક પ્રકારે સેવા કરનારી પણ ટેબલવર્કમાં ધ્યાન ન કેન્દ્રિત કરવાને કારણે અનેક ભૂલો કરે છે. પરંતુ બોલતાં જ ‘સૉરી’ કહે છે. તેને કારણે તેની પર વધુ ગુસ્સે ય થઈ શકાતું નથી.

મારી ઑફિસના સાથી વિજયા પાટીલનો પણ ખાસ ઉલ્લેખ કરવો જરૂરી જણાય છે. તેના પતિ પૂર્વે મારી સાથે એ જ ઑફિસમાં નોકરી કરતા હતા. દારૂએ એમને ખતમ કર્યા. તેમને દારૂથી દૂર કરવાના મારા પ્રયત્નોનેય સફળતા મળી નહિ. તે પહેલા સંસ્થાના કાર્યકર હતા. પણ દારૂ તેમને અમારાથી દૂર લઈ ગયો. તેમના નિધન પછી વિજયા પાટીલને તેમના સ્થાને લેવામાં આવ્યાં. તેની મારા પર ખૂબ શ્રદ્ધા. ઑફિસમાં હું શીખવું એ કામ તુર્તજ આત્મસાત કરતી. આવા શિષ્ય ક્વચિત જ મળે છે. એક પુત્રી અને વૃદ્ધ બીમાર માતા સાથે સ્વબળે એ હિંમતથી જીવી રહી છે. મારું આ ઘણુંખરું લેખન એણે મઠાર્યું છે. એ કરતી વખત ક્યારેક ક્યારેક મને સલાહ પણ આપતી. “દીદી આ નહિ લખીએ તો નહિ ચાલે ? આ બરાબર લાગતું નથી. આની શી જરૂર ?” પછી ચર્ચા કરીને તેની સલાહ મેં એક-બે વખત સ્વીકારી. મારી દોડધામ જોઈને દર શનિવારે અને રવિવારે છાત્રાલયમાં આવીને અનાજ-પાણી સ્ટોર રૂમ, રૂમો, બાથરૂમ, સંડાસની તપાસ કરીને લેખિત અહેવાલને રજૂ કરતી. સંસ્થાનો કાર્યક્રમ હોય, મહેમાનો આવે, તો વખત આવ્યે રજા મૂકીને સઘળા પ્રકારની મદદ કરે છે. આવી બહેનપણીઓ મળવા ભાગ્ય જરૂરી હોય છે. મેં નોકરી છોડી ત્યારે રોજનો સહવાસ છુટશે તેથી અનેક દિવસ રડી હતી. ભગવાન તેને સુખી રાખે. જૂની અંધશ્રદ્ધામાંથી તેનો છુટકારો થાય એ જ ઇચ્છા અને પ્રાર્થના છે.

સંસ્થાની સ્થાપનાથી આજ સુધી સંસ્થાને જોઈતા બોર્ડ, બેનર મફત બનાવી આપનાર પેઇન્ટર અથણે ભાઈઓ. સંસ્થાના કાર્યાલયમાં કામકાજનું ભારણ વધે છે કે સંસ્થામાં આવીને કામ કરનારા પ્રભાભાભી કામત તેમજ સૌ. મંજિરીભાભી કરકરે. દાન એકઠા કરવા અથવા ગમે તે કામ હો સંસારમાં અટવાયેલા હોવાથી વધુ કામ કરી શકાતું નથી એનો ખેદ વ્યક્ત કરતાં ખૂબ જ કામ કરનારા, પ્રિન્ટીંગના કામમાં કૌશલ્ય બતાવનારા સુનીલ ધોપેશ્વરકર. શ્રી તાત્યા આઠવલે પણ સંસ્થાના જ. સંસ્થાને મદદરૂપ નીવડનાર અનેકોનો ઉલ્લેખ અજાણતાં રહી ગયો હોય તો તેમણે કૃપા કરી સમજવું. પણ આવા એક નહિ અનેકોને કારણે પ્રગતિ પથ પર આવતી કાલનાં સ્વપ્નો જોતાં આગળ વધી રહી છે.

કોઈક મારો ખૂબ આદર કરવા લાગે કે પગે નમે તો હું તેમને અટકાવું છું. કારણ તે સમયે મનમાં વિચાર આવે છે કે કાલે જો મારું એકાદ કૃત્ય એમને સંતોષ નહિ આપે અથવા એમને ખટકશે અથવા અમારા વિચારોમાં ભેદ જોવા મળશે, ગેરસમજ ઊભી થશે, તો આ જ લોકો કદાચ અમારા હાથે થયેલું બીજું સારું ભૂલી જશે અને તેમની દૃષ્ટિએ જણાયેલ એકાદ ભૂલ માટે ય, મને સજા કરવી પોતાનું કર્તવ્ય છે એમ સમજીને મને દૂર હડસેલશે. કોલ્હાપુરમાં આવાં કેટલાંક ઉદાહરણો પાછલાં ત્રીસ વર્ષમાં થયેલાં મેં જોયાં છે. આ સંદર્ભે મને મા. અનુબહેન ભાગવતે તેમના પિતા સ્વ. શિવાજીરાવ પટવર્ધનના જીવન પર લખેલ ‘બિલ્વદલ’ની સતત યાદ આવે છે. સામાજિક કાર્યોમાંથીય નિવૃત્ત થવાનો સમય જે તે સામાજિક કાર્યકરે પોતે જ પહેલાં નક્કી કરી લેવો જોઈએ. પરિસ્થિતિને કારણે સમાજ દ્વારા આપણને આપણા કાર્યથી વિમુખ કરવામાં આવે એને બદલે આપણી જરૂર હોય ત્યારે આપણને ગમતાં કાર્યથી દૂર થવામાં દુઃખ હોય છતાં મનોવેદના, માનહાનીનું અથવા દુઃખ નહિ હોય એ નક્કી છે ! સંસ્થાનું અધ્યક્ષપદ અન્ય કોઈકે સંભાળવું અને મને કેવળ કાર્યકર તરીકે હવે કેટલાંક વર્ષ કાર્ય કરવા દેવું જોઈએ... જેમ હું સંતોષપૂર્વક સરકારી નોકરીમાંથી નિવૃત્ત થઈ તેમ જ કાર્યમાંથી પણ નિવૃત્ત થવાની મારી ઇચ્છા છે. તે પહેલાં ચિરનિદ્રા નસીબને પ્રાપ્ત થાય તો એથી વળી રુડું શું ? તેમ ના થાય અને હું એંશી વર્ષ જીવું એમ ભાખેલું ભવિષ્ય જો સાચું પડે તો હું આ સંસ્થાના કાર્યમાંથી નિવૃત્ત થયા પછી શું કરીશ. એ પ્રશ્ન મારા આપ્ત-સ્વજનોને જાગે છે.

મારો જવાબ તૈયાર છે...

પહેલાં કેટલાક વર્ષ જેને સાચા અર્થમાં ફક્ત બીજાઓના કલ્યાણમાં જ પોતાનો આનંદ સમાયો છે એમ લાગે છે, તેમને સાથે લઈને વ્યવસાયનું પ્રશિક્ષણ જુદી જુદી સંસ્થાના કાર્યના માધ્યમ દ્વારા આપવું. ત્યારબાદ કેટલાક વર્ષ મારા વૈયક્તિક શોખ, વાચન, પત્રમૈત્રી, ભરતકામ, વણાટ, સીવણ, રસોઈ તેમજ પ્રવાસમાં પસાર કરવા. ત્યારબાદ આ પુસ્તકમાં જે લખવાનું નક્કી રહી ગયું છે તે લખીશ. તે લખાણ મારા પછી પ્રસિદ્ધ થાય ન થાય. મને ફરક પડવાનો નથી. કારણ તેમાંના કડવા સત્યના પરિણામ જોવા હું નહિ હોઉં. ઇચ્છા એટલી જ હશે કે જે કોઈ એ પ્રકાશિત કરે તેમણે તેને કારણે કોઈ વ્યક્તિને અથવા સંસ્થાને હાની ન પહોંચે એની સંભાળ લેવી.

હું નિવૃત્ત થઈશ તો ‘હેલ્પર્સ’નું કામ કેવી રીતે ચાલશે ? એવો પ્રશ્ન વિનાકારણ કેટલાક લોકોને જાગે છે. પણ કોઈક એવી વ્યક્તિને કારણે સંસ્થા ચાલતી નથી હોતી અને તેનાં જવાથી કામ પણ અટકતું નથી. વિધાતાને તેની ચિંતા હોય છે. એ ચિંતા આપણે સેવવાની જરૂર નથી. એક દાતાએ તો મને શાળા અને અપંગ અનાથગૃહ માટે મકાનસહિત જમીન આપવાનું આશ્વાસન આપ્યું. હસ્તાંતર કરવા માટે જે કોઈની પરવાનગી આવશ્યક હોય, એ લાવવા કહ્યું. મુંબઈના બે-ત્રણ ફેરામાં એ કામ કરવામાં ય મને સફળતા મળી. હવે કોઈ અનાથ અપંગને પ્રવેશ નકારવાનો પ્રસંગ ઉદ્‌ભવશે નહિ. જેવા અનેક સુખદ સ્વપ્નના હિંડોળા પર ઝૂલતાં હું એ પરવાનગીના પત્રની નકલ લઈને એ દેવસમાન દેખાતા દાતા પાસે ગઈ. જે પોતે હંમેશાં કહેતા કે “ઘડનારો પરમેશ્વર છે. આપણે તો નિમિત્ત માત્ર છીએ. જે છે એ સઘળું તેનું છે.” તેમણે જ મને કહ્યું, “માફ કરો. તમારા પછી આ સંસ્થા, આટલો વ્યાપ કોણ સંભાળશે ? હું આ જમીન અને મકાન તમને આપી શકીશ નહિ.” તેમને ખૂબ સમજાવવાનો મેં પ્રયાસ કર્યા. પણ નકારા નિશ્ચિત હતો. મારા મૃત્યુનો શોક મારે કરવાની વેળા મારી પર આવી. આ મારું દુર્ભાગ્ય હતું. મારી આંખોનાં અશ્રુ તેમને બતાવીને મારી હાર થયાનું તેમને બતાવવાની ઇચ્છા ન હોવાથી તેમની સામે ક્યારેય પીઠ ફરીને ન જનારી હું ઝડપભેર વ્હીલચેર વાળીને દરવાજા બહાર નીકળી. એક વખત ઝડપથી વ્હીલચેર ચલાવવાનાં અને વાળવાના મારા કૌશલ્યનાં વખાણ ડૉ. સાતવેકરે કર્યાં હતાં. એ તે ક્ષણે મને સાંભર્યું. (સ્પોન્ડિલાઈસીસને કારણે આજે ડૉક્ટર અને વ્હીલચેર ચલાવશો નહિ કહે છે. હાથના આધાર પર રહેલાઓએ, હાથ પર ભાર ન દેતાં કેમ જીવવું એ કોઈ કહી શકતું નથી) રૂમની બહાર સાતારામ રાહ જોતો હતો. બધું ધૂંધળું દેખાતું હતું. માંડમાંડ રિક્ષામાં બેઠી. રિક્ષામાં ભરરસ્તે હું રડતી જતી હતી. એક સ્વપ્ન ખંડિત થયું હતું. સાતારામ દીદીની આ વિચિત્ર, અવાજ ન કરતી રડતી આંખો લૂછવાથી સુન્ન થયો હતો. તેને કદાચ સમજાયું હશે કે આવી સ્થિતિમાં મોંમાંથી શબ્દ ફૂટવો શક્ય નથી હોતો.

અમારું આવતી કાલનું સ્વપ્ન છે... અપંગ અને સુદૃઢ એકમેકની મદદથી એક શિક્ષણસંસ્થામાં જીવન ઉપયોગી શિક્ષણ લેતા હોવાનું. આદર્શ સેવા પ્રશિક્ષણ કેન્દ્રમાં કૃત્રિમ સાધનો પર સંશોધન કરતાં, નવા નવા કૃત્રિમ સાધનો બનાવતા હોવાનું. અનાથ, અપંગ બાળકોના નાના ઘરનું. હિંમત પરિવારના હિંમતગ્રામનું. નિર્માણ નગરનું. સામાન્ય લોકોની જેમ લગ્ન કરી પોતાનું કુટુંબ ધરાવતાં અપંગોનું.

અંતે “આકાંક્ષા સમય આભ વામણું છે” એ જ સાચું. મને અનેક પુરસ્કાર મળ્યા. આનંદ થયો એ તે દ્વારા મળનારી રકમ સંસ્થાના લાભાર્થીઓને ઉપયોગી બની રહે છે એનો. પણ પુરસ્કાર સ્વીકારતા સંકોચ હોય છે. કાર્ય સહુએ મળીને કરવાનું અને પુરસ્કાર અર્થે માત્ર હું આગળ. અનેકોને વિનંતી કરી. પુરસ્કાર સંસ્થાને આપો. સહુ મળીને સ્વીકારીએ એ આનંદ કાંઈક નિરાળો જ હશે. એ ભાગ્યશાળી દિવસની હું રાહ જોઉં છું.