Apnatva in Gujarati Short Stories by Kumar Jinesh Shah books and stories PDF | અપનત્વ..

Featured Books
Categories
Share

અપનત્વ..

અપનત્વ..

***********

નરોત્તમ કાકાના વશની વાત હોત તો એ બંદુકની અણીએ સૂરજને રાત થવા સુધી રોકી રાખત. પણ આ એમનાં વશની વાત નહોતી. તેઓ થોડી વાર પોતાની અસમર્થતા પર ખીજાયા. એથી વધુ એ કરી પણ શું શકવાના હતાં !

“ધરતીકંપ પછી તો આ મજૂરોને જાણે પાંખો ફૂટી નીકળી છે. આવા વેંતિયા માણસોના મિજાજ પણ કંઇ આસમાને ચડ્યા છે ને..” આવી રીતે આખો દિવસ ચિડાતા, પગ પછાડતા એ કડિયા અને મજૂરો પાસેથી કામ લીધે રાખતા હતાં. મજૂરોનો મિનિટનોય આરામ એમને અસહ્ય થઇ જતો હતો. એક મહિનાથી કામ ચાલી રહ્યું છે પણ હજુ સુધી પૂરું નથી થઇ શક્યું. નરોત્તમ કાકાના ગળે હવે સૂકાઈને ત્રોસ પડે છે.

પહેલાં બે કડિયા અને ચાર મજૂર કામ કરતાં હતાં. સાંજે મજૂરી ચૂકવતી વખતે જાણે એમની આંખો ફાટી પડતી હતી. ક્યારેક વિચારતાં કે એક મજૂરને હટાવીને પોતે કામે લાગી જાય. શું તે પોતે એક મજૂર જેટલું કામ નહીં કરી શકે ? પણ પોતાના શરીર અને સ્વાસ્થ્યનો વિચાર આવતાં એ અવશ અને હતાશ થઇ જતાં. ભગવાન શરીર પણ મજૂરોને જ દે છે – ઓશિયાળી નજરે તેઓ મજૂરોને તાકી રહ્યાં. બીજે દિવસે એમણે એક કડિયાને અને એક મજૂરને કામ પર આવવાની મનાઈ ફરમાવી દીધી. થોડીક વારથી જ સહી કામ તો થઇ જ જશે.. અને એક સામટાં આટલાં પૈસાય હાથમાંથી નીકળતાં જોવાં નહીં પડે. – આમ મનમાં ને મનમાં તેઓએ અમુક ગણતરી માંડી લીધી. હવે કામની ગતિ હજુ ધીમી થઇ ગઈ. પણ તેનાથી કશો ફેર પડતો નથી. રૂપિયા વધુ જરૂરી છે એમનાં માટે. રૂપિયાથી રૂપકડું કંઇ જ નથી. આખો દિવસ મજૂરોની પાછળ તેઓ રઘવાયા રહેતાં. ક્યારેક અહીં, ક્યારેક તહીં ! ક્યારેક કોક મજૂરની પીઠ પાછળ પોતે પોતે ગિન્નાતા પરસેવાથી પલળેલા નરૂ કાકા આ પળોજણથી પરેશાન પરેશાન થઇ રહેતાં.

બધાં મજૂરોમાં માત્ર કાળુ જ એમને પ્રિય હતો. કાળુ એમને ઘોડો ઘોડો કરવાની તક ક્યારેય ના દેતો. એ પોતાની ધૂનમાં મગન રહીને પોતાના કામમાં જોતરાયેલો રહેતો. બીજાં કડિયા – મજૂર ચાય, પાન, બીડી, મિરાજના બહાને દસ પંદર મિનિટ ગપચાવી કાઢતાં, પણ આ કાળુ તો ગુટખા સુદ્ધાં ના ખાતો. બાકી બધાં લોકો પાંચ પંદર મિનિટ લેટ આવતાં અને પાંચ વાગ્યાનાં ફેરમાં વારંવાર કાંડા ઘડિયાળ જોયા કરતાં. નરોત્તમ કાકાનું મગજ ગરમ થઇ જતું. ઈચ્છા થઇ આવતી કે આવા નાલાયકોનું કાંડું જ મચકોડીને એમની ઘડિયાળોનો ભુક્કો કરી નાખવો જોઈએ. પરંતુ, એ પણ એમનાં વશમાં ક્યાં હતું !

પરંતુ, એક આ કાળુ.. બહુ સાંજ ઢળે જાતો અને એ દરમ્યાન પોતાના કામમાં પરોવાયલો રહેતો. કાળુની આ નિરંતરતા, તેનું એક લયમાં એક ધાર્યું કામ કરતાં રહેવું, એમને રહસ્યમય લાગતું. આખર વાત શું છે ? તેઓ કયાસ કાઢી શકતાં નહોતાં. બાકી બધાં સાલા કામચોર છે અને આ એક કાળુ..

નરોત્તમ કાકા ટોર્ચ પેટાવીને નરમાશથી કહેતાં – “અરે કાળુ, તેં જ્યારે આટલું કરી જ લીધું છે તો જરા ચાર ડોલ પાણીથી આ દીવાલને ભીની તો કરી નાખજે. અને હા, હાથ-પગ ધોઈને ઝટ આવી જા.. હું તારા માટે ચહાની સગવડ કરું છું.”

કશા જ વિરોધ વગર કાળુ એમનો હુકમ માથે ચઢાવતો.

તે દિ’ બપોરે કાલુને મૂકીને બધાં કડિયા મજૂર રોટલા ખાવા જતા રહ્યા હતાં. એકધારી નજર ખોડીને કાળુ એક જૂની ઈંટને ઘસી રહ્યો હતો. આ ટાણે કાળુ માટે પેલી ઈંટ અને બ્રશ સિવાય દુનિયામાં બીજું કંઇ નહોતું. નરોત્તમ કાકા મ્હોં પર એક કુટિલ મલકાટ ઓઢીને કાળુની આગળ પાછળ લટાર મારી રહ્યાં હતાં. અચાનક તેઓને કોઈ સ્ત્રી-સ્વર સંભળાયો – “શેઠ !”

નરોત્તમ કાકાએ પાછળ વળીને જોયું. મ્હોંને પાલવથી ઢાંકીને ક્ષીણ સ્વરમાં પેલી સ્ત્રી બોલી – “મારો ઘરવાળો અહીં કામ કરે છે.”

નરોત્તમ કાકાએ કાળુ ભણી જોયું. કાળુ ઊઠીને પોતાની બૈરી પાસે ચાલ્યો આવ્યો હતો. બંને વચ્ચે કંઇક વાતચીત થઇ. કાળુએ કાકા પાસે આવીને કહ્યું – “શેઠ, આને જરૂરી કામ છે, દસ રૂપિયા આલી દ્યો ને.” દસ રૂપિયાનું નામ સાંભળતાં જ સ્ત્રી-સ્વરની સઘળી સુંવાળપ સમાપ્ત થઇ ગઈ. ઠેંકડો મારતી તે આગળ આવી અને એકી ઝાટકે લાજનો ઘૂંઘટ હટાવતા બોલી – “ના રે ના શેઠ, મને બધાં જ રૂપિયા આલી દ્યો. આ અકરમી તો હંધીય કમાણીનું અફીણ ચાટી જાય છે. શેઠ, એ આખો દા’ડો અફીણ ઘોળ્યા કરે છે.”

ચકિત, વિસ્મિત.. નરોત્તમ શેઠના ચેહરાના ભાવ ઝડપથી પલટાયા. હોઠના ખૂણા પ્રસરીને સ્હેજ ફેલાઈ ગયાં. લાજ શરમથી લાકડું બની બેઠેલું બૈરું અચાનક આટલું બળુકું કેમ કરતાં થઇ ગયું !

“જુઓ શેઠ, મારા ડીલ ઉપર પૂરતા લૂગડાં નથી. ત્રણ ત્રણ છોકરાં છે. નાગાપૂગા ભૂખ્યાં રખડે છે. કેટ કેટલાય દિ’ હુધી ચૂલો નથી પેટતો. તેમાંય આ અભાગિયો બધું અફીણ ગાંજામાં ઉડાડી દે છે. શેઠ, એને મારી કે મારા પેટના જણ્યાની કોઈ ફિકર કે ચિંતા નથી.” છાજિયા ફૂટતી તે એકધારી બોલ્યે જતી હતી..

...પણ, નરોત્તમ શેઠના કાને શબ્દ અથડાતા નહોતા. એ તો ક્યાંક બીજે જ ગુમ થઇ ગયાં હતાં. એમણે અફીણનું નામ સાંભળી લીધું હતું. આ સાંભળતાં જ એમની આંખોમાં અજબ તણખો ચમકી ઊઠ્યો હતો. નરોત્તમ શેઠ એ ચિંગારીમાં ગળાડૂબ ડચકાં ખાઈ રહ્યાં હતાં. હળવેકથી પેલી ચમકમાંથી પાછાં વળ્યાં.

અવાજમાં કરડાકી ભેળવી કડકાઈપૂર્વક કાલુને પૂછ્યું – “કેમ લ્યા કાળુ ? તું અફીણ પીવે છે નાલાયક ?”

“શું કરું શેઠ, અફીણ પીધા વગર આટલી મેહનત કેમ થાય ?” બત્રીસી દેખાડતા કાળુએ જવાબ આપ્યો.

દયામણી દૃષ્ટિએ નરોત્તમ શેઠને ટગર ટગર જોતી પેલી સ્ત્રીએ કહ્યું – “હા શેઠ, હમજાવો આને. અફીણ ખાઈ અને એક રકાબી ચહા ચઢાવી જે કામે વળગે છે એમાં લાગ્યો જ પડ્યો રે’ છે. કોઈ વાતની એને ગતાગમ, સુધ-બુધ કે ભાન રે’તી નથી. કૈંક દિ’ હુધી તો ઘેર પણ નથી આવતો. કોણ જાણે ક્યાં પડ્યો રે’ છે. તમે જ કયો શેઠ, આમ તે કેમ હાલે ?” એ સ્ત્રી પોતાની સઘળી વેદનાનું વમળ કરી રહી હતી. કાળુ હજુ પણ ઈંટ ઘસવામાં પરોવાયલો હતો. નરોત્તમ શેઠનું મગજ ક્યાંક બીજે જ વ્યસ્ત થઇ ગયું હતું. અતિ વ્યસ્ત ! કાળુની મહેનત અને નિરંતરતાનું રહસ્ય હવે તેઓએ જાણી લીધું હતું. ક્રોધિત થવાનો ઢોંગ કરતાં તેઓ બોલ્યાં – “બહુ જ ખોટી વાત ! તારા નાના નાના બાળકો છે. ક્યાંથી ખવડાવીશ એને ? અરે, બધાં જ પૈસાનું અફીણ પી જાઈશ તો તો...”

“હા શેઠ, મહેરબાની કરો ! આને કોઈ પણ રીતે સુધારી દીયો..” સ્ત્રી વિનવી રહી હતી.

“હા, હા, તમે જાઓ.” રૂપિયા કાઢીને કાળુની બૈરીના હાથમાં આપતાં નરોત્તમ કાકાએ કહ્યું – “જોઉં છું, એ કાલે પણ કેમ અફીણ પીને આવે છે.”

દિવસ આખાની મજૂરી એ બાઈને મળી ગઈ હતી. શેઠનું આશ્વાસન પણ મળ્યું હતું. આશ્વસ્ત ભાવથી એ જતી રહી. નરોત્તમ શેઠ વિચારોત્તેજિત થઇ ઊઠ્યાં. અફીણની ગોળી અને રકાબી ચહા પીવડાવીને તો રેવલી અને રાણાથી પણ પોતાના મન પ્રમાણે ધાર્યું કામ લઇ શકાય છે. સાલ્લા આવા આ ઘાંચીના બળદોનો આ જ ઈલાજ છે. બહુ છેતર્યો છે સાલ્લાઓએ મને...

એમણે નોકરને હાંક મારી. ઝભ્ભાના ખીસામાં હાથ નાખીને થોડાં રૂપિયા કાઢ્યાં – “જા, જલ્દી જા..ચકુડા, નાકા બહાર પીપળેશ્વર મહાદેવની દેરી પાસે જે જોગીડો બેસે છે, એની પાસેથી એક મોટી પડીકી અફીણ લઇ આવ.” પહેલાં તો ચકુડો અચરજભેર એકીટસે તેમને જોઈ રહ્યો. પછી ધીમેથી પીપળેશ્વર મહાદેવની દેરીના પછીતે ઊભાં ગુંદરિયા પીપળા ભણી ચાલ્યો ગયો.

નરોત્તમ કાકા શબ્દોમાં ‘ડાયાબીટીસ’ થઇ જાય એટલી સાકર ઘોળીને મજૂરોને કામ ચીંધી રહ્યાં હતાં. એમની વાણીમાં પોતાપણું નીતરી રહ્યું હતું. પરંતુ, હોઠના ખૂણે ખંધો મલકાટ ચોંટી ગયો હતો. આજે નરોત્તમ કાકા બહુ ટેસમાં હતાં.

~~~~~~ કુમાર જિનેશ શાહ ~~~~~~

૧૨૬, ૧૦ બી.સી. વિદ્યાનગર, ગાંધીધામ, કચ્છ. ૯૮૨૪૪૨૫૯૨૯.