“વિતેલી વસંત”
અરે રાજેશ અંકલ કશે જાઓ છો કે ? હું ડ્રોપ કરી દઉં?? મેં પાછળ ફરી ને જોયું તો આશુતોષ બાઇક લઇને ઊભો હતો. મિત્ર તો ના કહી શકાય કારણ કે મારી અડધાથી ઓછી ઉંમરનો હશે પણ અમારી વચ્ચે લાગણીનો સંબંધ ખરો ! આશુતોષ મારી સાથે લાયબ્રેરીમાં વાંચવા આવતો. મારો અડધાથી વધુ સમય લાયબ્રેરીમાં જ જતો અને ઘણી વાર એની સાથે ગપ્પા મારવા બેસી જઉ. ઇંજિનિયરીંગ નો અભ્યાસ કરતો આશુતોષ એનાં ફીલ્ડની વાતો કરતો અને હું મારા અનુભવો વર્ણવતો.
મેં આશુતોષની સામે હસીને કહ્યું: બેટા, રોજના રૂટિન પ્રમાણે લટાર મારવા નિકડ્યો છું. થૅંક્સ ! સારુ કાલે મળશું કહી આશુતોષ રવાના થયો. રીટાયરર્મેન્ટ પછી લાઇફમાં મેં ચોક્કસ નિયમો બનાવી રાખ્યા હતાં. જેમકે ઉઠવાનો સમય, લાયબ્રેરી જવું, સાંજે લટાર મારવા જવું વગેરે. આજે પણ રોજની જેમ પાંચ વાગતા હું નીકળી પડ્યો.
આજની સાંજ રોજ કરતા થોડી અલગ લાગી રહી હતી. ફૂલગુલાબી ઠંડીની મૌસમ શરૂ થઇ ગઇ હતી. પક્ષીઓ કીલકીલાટ કરતા પોતાના માળામાં પાછા ફરી રહ્યા હતાં. આહલાદક વાતાવરણને માણતો હું બગીચે પહોઁચ્યો. બગીચામાં થોડા બાળકો રમી રહ્યા હતાં. થોડા હેલ્થ કોઁસિયસ લોકો વૉક કરી રહ્યા હતાં.
હું મારી રોજની જગ્યાએ જઇને બેસી ગયો. અચાનક જ મારું ધ્યાન બાજુના બાંકડા પર ગયું. મારી આંખોને ગેરસમજ થઇ કે કેમ ?? સરિતા !!! વર્ષો પછી સરિતા ને જોઇ હ્રદય એક ક્ષણ માટે ધબકારો ચૂકી ગયું. આટલા વર્ષો પછી પણ સરિતાનો ઠાઠ એવો જ હતો. એટલીજ અક્કડ જેટલી પહેલા હતી. બસ એનો ચહેરો ઝાંખો પડી ગયો હતો. ઉંમરની અસર એનાં ચહેરા પર દેખાતી હતી. હું મારી જાતને રોકી ના શકયો. મેં પુછી જ લીધું, સરિતા? તું સરિતા જ ને ?? સરિતાએ સામુ જોયું અને થોડું વિચારીને બોલી : રાજેશ ? ચશ્માં માં તો તું ઓળખાતો જ નથી. એ ઉભી થઇ ને મારી બાજુમાં આવી ને બેઠી. નજીક બેઠેલી સરિતાની આંખ માં આંખ નાખી વાત કરવાની મારી હિમ્મત ના થઇ.
સરિતા વાતની શરૂઆત કરતા બોલી: તું મને ઓળખી પણ ગયો? મનમાં મેં વિચાર્યું કે તને તો હું મારા કરતા પણ વધુ ઓળખું છું. મેં કંઇ જવાબ ના આપ્યો. સરિતા એ ફરી પૂછ્યું : આટલા વર્ષ કયાં હતો ? હું તો અહીઁ જ હતો તું કેનેડા શિફ્ટ થઈ ગયેલી. હું બોલી ઉઠ્યો.
વાત તો તારી સાચી છે ! સરિતા બોલી. ત્યાં અચાનક એક નાની ટેણકી, નાની ! નાની ! કરતી સરિતાને ભેટી પડી. સરિતાએ બાળકી ને કહ્યું આ અંકલ કોણ છે તને ખબર છે? એ તારી નાની ના મિત્ર છે.જેમ તારી સ્કૂલમાં પ્રિયા અને યશ તારા ફ્રેંડ છે ને એમ અમે બંને પણ સાથે જ ભણતા. નમસ્તે કરો અંકલ ને ? તેણે નમસ્તે કર્યુઁ અને બોલી નાની, હું ત્યાં રમવા જઉ? સરિતા બોલી : સારુ જા! પણ ધ્યાન રાખીને રમજે અને દસ મિનિટ માં પાછી આવી જજે. ઘરે મમ્મી રાહ જોતી હશે. એ નાની ટેણકી રમવા જતી રહી.
મેં પુછ્યું : કયારે આવી ? થોડું રોકાવાની હોઇશ ને ? નિ:સાસો નાખીને સરિતા બોલી: ના, હવે તો હંમેશ માટે અહીંયા જ. એમના ગયા પછી ત્યાં મન નહતું લાગતું. અહીંયા મારી ડોટર છે અને એની નાની ટેણકી માં મારું મન પરોવાયેલુ રહે છે. મને થયું કે હું થોડો દિલાસો આપું પણ મનને મેં રોકી રાખ્યું.
સરિતાએ મારી સામે જોઇને પુછ્યું: તું રોજ આવે છે અહીંયા? હા, અમે બંને ! મેં જવાબ આપ્યો. સરિતાએ આશ્ચર્યથી પૂછ્યું : બીજું કોઈ દેખાતું નથી ? મેં કહ્યું : અમે બંને એટલે હું અને મારી એકમાત્ર સાથી મારી લાકડી! અમે બંને જોરથી હસી પડ્યા. હસતા-હસતા મારું ધ્યાન તેની તરફ ગયું. વર્ષો પછી પણ એ જ નિખાલસ હાસ્ય ! મારા મનને હું સતત રોકી રહ્યો હતો. એનો સહવાસ આજે પણ એટલો જ મીઠો લાગી રહ્યો હતો. તે હસતા - હસતા બોલી: તું હજી પણ નથી બદલાયો. કોલેજના દિવસો યાદ છે ? કેટલો તોફાની હતો ને તું! હું બોલ્યો : હા યાદ છે ને ! કેટલા સરસ હતાં એ દિવસો !!
સરિતા બોલી: એ બધું છોડ ! હું તારી સાથે વાત જ નથી કરવાની. ના તો તું મારા લગ્નમાં માં આવ્યો ના તો તારા લગ્નમાં મને બોલાવી. ક્યારેય કૉંટૅક્ટ માં પણ ના રહ્યો. ક્યાં ગાયબ થઇ ગયો હતો ? તારી પત્નિ શું કરે છે ? જે પ્રશ્નનો હું જવાબ આપવા ઇચ્છતો ના હતો એ એણે આખરે પુછી લીધો. હું મૌન થઇ ગયો. મારે શું કહેવું ? કહી દઉં કે તારા જેવી કોઈ મળી જ નહીં કે જેની સાથે લગ્ન કરી શકું. અરે કયાં ખોવાઇ ગયો? સરિતાએ પુછ્યું. મેં એની સામે જોયું. સમજાયું નહીં કે શું જવાબ આપું. ત્યાં જ પેલી ટેણકી દોડી આવી અને કહેવા લાગી: ચાલો નાની ઘરે જઇએ. હા બેટા એક મિનિટ. સરિતા બોલી. પણ ટેણકી જીદ કરવા લાગી. ચાલો ને નાની પ્લીઝ! સારુ ચાલ જઇએ એમ બોલી સરિતા ઉભી થઇ અને મારી સામે જોઇ કહ્યું: અધૂરી વાત કાલ પુરી કરશું. હવે તો રોજ મળવાનું થશે. હું તેને જતાં જોઇ રહ્યો. કાલ પાછા મળવાના વિચારે મન પ્રફુલ્લિત થઇ ગયું. પણ પછી વિચાર્યું કે આટલી ઉંમરે આ બધું સારુ ના લાગે !
અંધારું થઇ ગયું હતું. હવે બગીચામાં એકલ દોકલ લોકો જ રહ્યા હતાં પણ મને ઘરે જવાનું મન નહોતું થઇ રહ્યું. વર્ષો પછી સરિતાના આગમને મનને ઝંઝોળી નાખ્યું. હું આંખો બંધ કરી બાંકડા પર બેસી રહ્યો અને જુના સંસ્મરણો વાગોળવા માંડ્યો.
સરિતા અને હું પહેલા ધોરણથી સાથે ભણતા પણ અમારી વચ્ચે મિત્રતા ત્યારે બંધાઈ જ્યારે ક્લાસના એક છોકરાએ તેને ધક્કો માર્યો અને એ જોરથી રોવા લાગી. બદલામાં મેં એ છોકરાને મુક્કો માર્યો અને હું હીરો બની ગયો. બસ ત્યારથી સાથે જ રમવાનું અને નાસ્તો પણ સાથે જ કરવાનો. સાતમા ધોરણ સુધી સાથે ભણ્યા પણ પછી તેના પપ્પાની બદલી થતાં તે સ્કુલ છોડી જતી રહી. હું સ્કુલની યાદો ભુલી આગળ વધી ગયો હતો.
કોલેજનો પહેલો દીવસ હતો. સૌ કોઈ પોતપોતાનો પરિચય આપી રહ્યા હતાં. અચાનકથી એક મીઠો અવાજ મારા કાને પડ્યો. હેલ્લો ઓલ ! આઈ એમ સરિતા ! મેં જોયું તો નાની બે ચોટલી વાળી છોકરી એક સુંદર યુવતી થઇ ગઈ હતી. હું બધું ભુલી તેને જોતો જ રહી ગયો. પહેલી નજરનો પ્રેમ કહી શકાય. ક્લાસ પુરો થતા હું તેની પાસે દોડી ગયો. સરિતા, મને ઓળખ્યો હું રાજેશ ! આપણે સાથે ભણતા હતાં. થોડું વિચારી એ બોલી. અરે હા રાજેશ ! તને કેમ ભુલી શકુ ? આપણે સાથે જ તો રમતા. બસ એ સંવાદ પછી અમારી મિત્રતા વધતી ગઇ.
રોજ કોલેજ પુરી કરી ચાની લારીએ જઇ ચા પીવાની અને ગપ્પા મારવાના, ક્યારેક ફિલ્મ જોવા જવું, એને ઘરે મુકવા જવું...આવો કંઇક ઘટનાક્રમ હતો. ક્લાસમાં તેના ચહેરા પર હાસ્ય જોવા મજાક મસ્તી કરતો. આમ ને આમ કોલેજના દિવસો પુરા થઇ ગયા. પરીક્ષાના છેલ્લા દિવસે મેં મારા મનની વાત તેને જણાવવાનો વિચાર કર્યો. હું તેના આવવાની રાહ જોઇ રહ્યો હતો. ક્લાસમાં આવતાંની સાથે જ સરિતાએ મને કહ્યું: રાજેશ,મારે તને અગત્યની વાત કરવી છે. આ સાંભળતાં જ મારા મનના તાર ઝણઝણી ઉઠ્યા. હું મનમાં ને મનમાં સ્વપ્નો જોવા લાગ્યો. ક્યારે પેપર પૂરું થાય અને ક્યારે સરિતાને મળું એ સમયની હું રાહ જોવા લાગ્યો.
પેપર પુરું થતાં જ એ મારો હાથ પકડીને મને ખેંચી બહાર લઇ ગઇ. મેં કહ્યું : અરે ઊભી તો રહે ! શું વાત છે મને શાંતિથી કહે. પહેલા તું બોલ અને પછી હું પણ તને કંઇક કહેવા માંગુ છું. સાંભળ ! સરિતા બોલી. મને જોવા એક છોકરો આવ્યો હતો અને મેં તેને હા પાડી દીધી છે. છોકરો કેનેડા જોબ કરે છે અને લગ્ન પછી હું પણ તેની સાથે જ રહીશ. એનાં ચહેરાની ખુશીએ મારી આંખોની ચમકને ફીક્કી કરી નાખી. તું મારો બેસ્ટ ફ્રેંડ છે એટલે સૌથી પહેલા તને કહું છું. ઉત્સાહમાં સરિતા એ કહ્યું. અને તેના આ વાક્યથી મારા સ્વપ્નો ક્ષણભરમાં રોળાઇ ગયાં. તે મને ફક્ત મિત્ર સમજતી હતી અને મારા દિલમાં તેનું સ્થાન કંઇક ઔર જ હતું. અચ્છા બોલ તારે શું કહેવું હતું ?? સરિતાએ પુછ્યું. હું કંઇ જ ના બોલી શક્યો. ત્યારે પણ અને આજે પણ !!!
સાહેબ, નવ વાગી ગયાં છે. બગીચાને બંધ કરવાનો સમય થઇ ગયો છે. આંખ ખોલી જોયું તો ચોકીદાર ઊભો હતો. હું ઉભો થઇ બહાર નીકળયો. ચોકીદારે દરવાજાને તાળું લગાવ્યું અને હું કયારેય પાછા ના ફરવાના સંકલ્પ સાથે ઘર તરફ રવાના થયો.
- ભાષા વોરા