06 - Sorthi Santo - Velo Bavo in Gujarati Short Stories by Zaverchand Meghani books and stories PDF | 06 - Sorthi Santo - Velo Bavo

Featured Books
Categories
Share

06 - Sorthi Santo - Velo Bavo

સોરઠી સંતો

(વેલો બાવો, રામ બાવો)

ઝવેરચંદ મેઘાણી



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

  • વેલો બાવો
  • કાળી કોયલ કલકલે, ભેરવ કરે ભભકાર,
  • નિત નગારાં ગડગડે, ગરનારી વેલનાથ.
  • શેરગઢ નામે જૂનાગઢ તાબાનું મૂળ ગરાસિયું ગામડું છે. ગામમાં જસમત સેંજળિયો નામે એક કણબી રહેતો હતો.
  • સહુ પટેલમાં જસમત પટેલ દૂબળો ખેડુ છે. તાણીતૂસીને પેટગુજારો કહે છે.
  • એક દિવસ જસમતની ખડકીએ દસ-બાર વરસનો એક બાળક આવીને ઊભો રહ્યો. બાળકે સવાલ નાખ્યો : “આતા, મને સાથી રાખશો ?”
  • “કેવા છો, ભાઈ ?”
  • “કોળી છું, આતા ! માવતર મરી ગયાં છે. ઓથ વિનાનો આથડું છું.”
  • કોળીના દીકરાની નમણી મુખમુદ્રા ઉપર જસમતનાં નેત્રો ઠરવા માંડ્યાં.
  • “તારું નામ શું, ભાઈ ?”
  • “વેલિયો.”
  • વિચાર કરીને જસમતે ડોકું ધુણાવ્યું : “વેલિયા ! બાપા, મારે ઘેર તારો સમાવેશ થાય એવું નથી. મારા વાટકડીના શિરામણમાં બે ઉપર ત્રીજાનું પેટ નહિ ભરાય.”
  • જસમતના ઘરમાં ભલી ભોળી કણબણ હતી. એ પ્રભુપરાયણ સ્ત્રીને સંતાન ન હતું. વેલિયા ઉપર એને વહાલ છૂટ્યું. ધણીને કહેવા લાગી : “કણબી ! ભલેને રહ્યો છોકરો. એ પણ પોતાનાં ભાગ્ય ભેગાં બાંધતો જ આવતો હશે. અને રોટલો તો એના સાટુ રામ ઉતારશે. બાળકો આપણી ટેલ કર્યા કરશે. વળી આપણે એને દેખીને છોરુનાં દખ વીસરશું.”
  • જસમત સમજતો કે કણબણ પોતાના કરતાં વધુ શાણી છે. કણબણને પોતે પોતાના ગરીબ ઘરની લક્ષ્મી માનતો. એનું વેણ ન ઉથાપતો, તેથી વેલિયાને એણે રાખી લીધો, પૂછ્યું : “એલા વેલિયા ! તારો મુસારો કેટલો માંડું, ભાઈ ?”
  • “મુસાફરો તો તમને ટીક પડે તે માંડજો, આતા ! પણ મારે એક નીમ છે તે પાળવું જોશે.”
  • “શી બાબતનું નીમ ?”
  • “કે આ મારી માતાજી મને રોટલા ઘડી દેશે તો જ હું ખાઈશ, બીજા કોઈના હાથનું રાંધણું મારે ખપશે નહિ.”
  • સાંભળીને કણબણને એના પર બેવડું હેત ઊપજવા લાગ્યું. કરાર કબૂલ થયો.
  • વળતે જ દિવસે જસમતના ઘરમાં રામસિદ્ધિ વર્તાવા લાગી. કોળીના દીકરાને પગલે કોઠીમાં સે’ પુરાણી. ગામના દરબારે જસમતને ઢાંઢાની નવી જોડ્ય, સાંતી અને એક સાંતીની નવી જમીન ખેડવા દીધી. પટેલ અને એનો બાળક સાથી બીજે દિવસે જ્યારે બે સાંતી હાંકીને ખેતર ખેડવા નીકળ્યા ત્યારે ગામના કણબીઓ એ જોડલીને જોઈ રહ્યા.
  • આખો દિવસ કામ કરીને વેલો ઘેર આવે, તોપણ આતાના અને માડીના પગ ચાંપ્યા વગર સૂતો નથી. જસમતની તો ઉપાધિ માત્ર ચાલી ગઈ છે. ઓછાબોલો અને ગરવો કોળીપુત્ર જોતજોતામાં તો જસમતને પડખે જુવાન દીકરા જેવડો થઈ ગયો છે.
  • પટલાણી માને પણ વાંઝિયા-મેણાં ભાંગ્યાં. અને એક પછી એક સાત દીકરા અવતર્યા. જસમત અને પટલાણી આ જાડેરા કુટુંબ માટે વેલાનાં મંગળ પગલાંનો જ ગુણ ગાવા લાગ્યાં છે. પેટના સાત-સાત દીકરા છતાં પણ વેલા ઉપરનું હેત ઓછું નથી થયું.
  • એક દિવસ સાંજે વેલો વાડીએથી આવ્યો. રોજની માફક આજે પણ આવીને એની આંખો માડીને જ ગોતવા લાગી. પણ ડોશીમા આજે ઘરમાં દેખાતાં નથી. વણબોલ્યો વેલો માડીને શોધી રહ્યો છે. વાળુ વેળા થઈ ગઈ છે. છોકરાએ કહ્યું : “વેલાભાઈ, હાલ્ય રોટલા પીરસ્યા છે.”
  • “માડી ક્યાં ગયાં છે ?” વેલાએ પૂછ્યું.
  • “માડી તો બહાર ગયાં છે. હાલો ખાઈએ.”
  • “ના, હું તો માડી આવીને ખવડાવશે તો જ ખાઈશ.”
  • વેલાએ જ્યારે હઠ લીધી ત્યાર પછી પટેલથી ન રહેવાયું : “માડી માડી કર મા. છાનોમાનો ખાઈ લે, બાપ ! જો આ રહી માડી !”
  • એમ કહી કાંડુ ઝાલી, વેલાને બીજા ઓરડામાં લઈ જઈ ડોશીનું મડદું બતાવ્યું.
  • “જો આ તારી માડીનું ખોળિયું પડ્યું છે. સવારે એને ફૂંકી દેશું. હવે એમાં તારી માડી ન મળે.”
  • “માડીને શું થયું ?”
  • “છાણના મોઢવામાંતી સરસ ડસ્યો.”
  • “ના, ના, મને જમાડ્યા વિના માડી જાય નહીં. મારું નીમ ભંગાવે નહિ.”
  • એમ કહી વેલો નીચો નમ્યો. માને ગળે બાઝીને કહ્યું : “મા ! મા ! ઊઠો, મને રોટલો કરી દ્યો ને ! હું ભૂખ્યો છું.”
  • બાળકની ઇચ્છાશક્તિથી ડોશીને ઝેર ઊતરી ગયું. ઊઠીને ડોશીમા વેલાને બાઝી પડ્યાં.
  • “એલા જસમત !”
  • “કાં ?”
  • “આ તારો સાથી તો તને દિવાળુ કઢાવશે દિવાળું ! હવે એને કેટલો પેંધાડવો છે ? ગમે તેમ તોય કોળો ખરો ને, કોળો ! એનાં તો હાડકાં જ હરામનાં થઈ ગયાં.”
  • “પણ છે શું ?”
  • “એ જરાક ખેતરે જઈને જો તો ખરો ! વિશવાસે તારાં બારે વા’ણ બૂડવાનાં છે. આંહીંથી ધડસા જેવા રોટલા બાંધીને સાંઠિયું સૂડવા જાય છે, પણ ત્યાં તો ઓશીકે ટાઢી ભંભલી મેલીને ખીજડીને છાંયે દી આખો ઊંઘી રહે છે. આ વૈશાખ ઊતરવા આવ્યો તોય સાંઠિયું સુડાઈ ન રહી !”
  • જસમતને તો વેલા ઉપર ઘણ ઘણી આસ્થા હતી. વેલો કદી દગડાઈ કરે નહિ. એના કામમાં પોણાસોળ આની ન જ હોય; છતાં આજ પંદર વરસે જસમતનો વિશ્વાસ ડગી ગયો. એ તો વૈશાખને ધોમ ધખતે બપોરે કોચવાઈને દોડ્યો સીમાડાને ખેતરે. એના અંતરમાં એમ જ થઈ ગયું કે વેલો ઊંઘતો હોય તો પાટુ મારીને જગાડું. અને મુસારાની કોરીઓ જમા છે તે ન આપું - એના વિચારો વણસી ગયા.
  • ખેતરને શેઢે જઈને જસમતે શું જોયું ?
  • સાચોસાચ : ખીજડીને છાંયડે, પાણીભરી શીતળ ભંઍભલીને ઓશીકે માથું ટેકવી વેલો ભીરનીંદરમાં સૂતો છે.
  • પણ ખેતર રેઢું નથી પડ્યું. કદાળી એકલી એકલી ખોદી રહી છે. એકલી કોદાળી : એની મેળે ઊછળી ઊછળીને સાંઠીઓ સૂડી રહી છે. ખેતર ગાદરા જેવું બની ગયું છે. આ શું કૌતક ! કોદાળી પોતાન મેળે ખોદે છે ! દેખીને જસમત આભો સજ્જડ થઈ ગયો. આ વેલો કોળો નહિ : કોઈક જોગી પુરુષ : મેં આજ એને માટે મનમાં બૂરા વિચારો બાંધ્યા !
  • વેલો જાગી ગયો. આતાને એણે ઊભેલો જોયો. વેલો સમજી ગયો. દોડીને જમસત વેલાના પગમાં પડવા ગયો, ત્યાં વેલાએ આતાના હાથ ઝાલી લીધા. જસમત બોલ્યો : “મને માફી આપો. મેં તમારી પાસે મજૂરીનાં કામ કરાવ્યાં. તમને મેં ન ઓળખ્યા.”
  • “આતા ! મને મજૂરી મીઠી લાગતી હતી. આંહીં મારી તપસ્યા ચાલતી હતી. મને દીકરો થઈને રહેવા દીધો હોત તો ઠીક હતું. પણ આજ તમારી નજરે મારી એબ ઉઘાડી પડી. હવે મારે વસ્તીમાં રહેવું ઘટે નહિ. મારો મુસારો ચૂકવી દ્યો.”
  • જસમત બહુ કરગર્યો, પણ જોગી ન માન્યો. જતાં જતાં એટલું કહ્યું : “આતા, માગી લ્યો.”
  • “શું માગું ? તમારી દુવા માગું છું.”
  • “જાવ આતા, મારો કોલ છે : તમારા સેંજળિયા કુળનો કોઈ પણ જણ મારા મરતુક પછી ગિરનાર ઉપર મારી સાત વીરડીએ આવીને શિવરાતને દી, તંબૂરામાં ભજન બોલશે તો હું એ વીરડિયુંમાં પાણીરૂપે આવીને તમને મળીશ. વરસ કેવું થાશે તેનો વરતારો કહીશ !”
  • મુસારાની કોરીઓ ગામનાં નાનાં છોકરાંને વહેંચતો વહેંચતો બાળ જોગી શેરગઢથી નીકળી ગિરનારમાં ઊતરી ગયો.
  • ભજન ૧
  • અઘોર નગારાં તારાં વાગે
  • ગરનારી વેલા ! અઘોર નગારાં તારાં વાગે !
  • ભવ રે સરમાં દાતણ રોપ્યાં રે
  • ચોય દશ વડલો બિરાજે. - ગરનારી૦
  • ગોમુખી ગંગા ભીમકંડ ભરિયા
  • પરચે પાણીડાં પોંચાડે. - ગરનારી૦
  • ચોસઠ જોગણી બાવન વીર રે
  • હોકાર્યો મોઢાં આગળ હાલે રે - ગરનારી૦
  • વેલનાથ ચરખે બોલ્યા રામૈયા ધાણી
  • ગરનારી ગરવે બિરાજે. - ગરનારી૦
  • બાર વરસ સુધી એણે ગિરનારને પરકમ્માઓ દીધા કરી. કંદમૂળ અને ફળફૂલ આરોગ્યાં. પછી એ પણ તજી દીધાં. ટૂકે ટૂકે અને ગુફાએ ગુફાએ ઉતારા કર્યા. બાર વરસની તપશ્ચર્યા પૂરી થયે ગિરનારની તળેટીમાં ભવેશ્વર આવી દાતણ કર્યું. દાતણની ચીર કરી એ જમીનમાં રોપી, એ રોપામાંથી વડલો ફાલ્યો. વડલાની લેલૂંબ ઘટા પથરાઈ ગઈ. આજ પણ એને વેલાવડને નામે ઓળખવામાં આવે છે.
  • તપસ્વી વેલાને કંઈ કંઈ સિદ્ધિઓ વરવા લાગી. કુદરતના નિયમો ઉપર એને કાબૂ મળી ગયો. એના મુખમાંથી જ્ઞાનવાણી વહેતી થઈ. પોતાના કોઈ ગિરનારી ગુરુ યોગી વાઘનાથના નામ પર ભજનો આરંભ્યાં :
  • ભજન ૨
  • બાજી કેમ આવે હાથ
  • બાજી કેમ આવે હાથ રે
  • લાગી રે લડાયું કાયા શે’રમાં જી રે !
  • સમજે વાતું સમજાય
  • વેદે વાતું વદાય રે !
  • મૂરખ નરને ક્યાં જઈને કેવું રે. - બાજી૦
  • હે વીરા !
  • સાચી વસત હે તારા શે’રમાં રે જી;
  • દુનિયા અંધી મ થાવ !
  • દુનિયા ભૂલી મ જાવ રે !
  • કરો દીપક ને ઘર ઢૂંઢીએ રે જી. - બાજી૦
  • હે વીરા !
  • તરકસ તીરડાં ભાથે ભર્યાં રે જી;
  • થોથાં કાયકું ઉડાડ !
  • થોથાં કાયકું ઉડાડ રે !
  • મરઘો ચરે છે તારા વનમાં રે જી. - બાજી૦
  • હે વીરા !
  • તખત તરવેણીના તીરમાં રે જી;
  • ધરણ્યું ધમે છે લુહાર
  • ધરણ્યું ધમે છે લુહાર રે
  • નૂર ઝરે ધણીનાં, શૂરા પીવે રે જી. - બાજી૦
  • હે વીરા !
  • સાતમે સુન મારો શ્યામ વસે જી;
  • કસ્તૂરી છે ઘરમાંય
  • કસ્તૂરી છે ઘરમાંય રે !
  • અકળ અવિનાશીનાં રાજ છે રે જી. - બાજી૦
  • હે વીરા !
  • વાઘનાથ ચરણે વેલો બોલિયા રે જી;
  • ગુરુ દૃશ્યુંને દાતાર
  • ગુરુ મુગતીનો આધાર રે
  • અધમ ઓધારણ ગુરુને ધારવા રે જી. - બાજી૦
  • “અરે ભાઈ, આ ગામમાં કોઈ રાતવાસો રાખે એવું ખોરડું દેખાડશો ?”
  • “ક્યાં રે’વું ?”
  • “રહું છું તો આરબની ટીંબલીએ. જાતનો કુંભાર છું. સામે ગામે પળાંસવે લેવા બાપુ પાસે જાતો’તો ત્યાં તો આંહીં ડેરવાવને સીમાડે જ દી આથમ્યો.”
  • “હં ! ભગત છો ને ? સારું, ભગત, હાલ્યા જાવ રામ ઢાંગડને ઘેર, ત્યાં તમને ઉતારાનું ઠેક પડશે.”
  • ડેરવાવ ગામના ફાટી ગયેલા કુકર્મી ખાંટોએ ચોરે બેઠાં બેઠાં પૂજા નામના કુંભાર ભગતની મશ્કરી કરવા માટે ક્રૂરમાં ક્રૂર કાંટ શિકારી રામ ડાંગડનું ખોરડું બતાવ્યું. ભોળિયો કુંભાર મુસાફર રામને ખોરડે જઈ ઊતર્યો. પણ ઊતરતાંની વાર જ એને સમજાઈ ગયું કે ખાંટોએ પોતાની ભેખડાવી માર્યો છે.
  • રામ ઢાંગડાના ઘરમાં દેવી માતાની માનતા ચાલી રહી છે : વિકરાળ ડાકણ જેવી કોળીની દેવ-મૂર્તિ પાસે બકરાના ભક્ષ બથરાી ગયા છે. નિવેદમાં દારૂના સીસા પર ધરેલા છે. રામડો કોલી દારૂના કેફમાં ચકચૂર બની અધરાતે પાપાચાર આદરે છે. માણસને ભરખી જાય તેવાં અસુર રૂપ દેખાતા ભૂવા ધૂણી રહ્યાં.
  • એવામાં રામડાના રંગમાં ભંગ પડ્યો. એનો જુવાન દીકરો ફાટી પડ્યો. એને જીવતો કરવા કપટી ભૂવા ડાકલાં લઈને બેઠા. દેવીને રીઝવવા માટે બીજા કંઈક જીવ ચડાવી દીધા.
  • સવાર પડ્યું. નનનામી બંધાવા લાગી, પૂંજો ભગત બેઠા બેઠા આ બધું જોઈ રહ્યા છે. જ્યારે રામ ઢાંગડનો મદ ઊતરી ગયો ત્યારે કુંભર બોલ્યો : ‘ભાઈ ! જીવ માર્યે જીવ ઊગરશે કે જીવ ઉગાર્યે ? આટલાં નિરપરાધીને તમે કાપી નાખ્યાં, ફક્ત એક દીકરાની આવરદાને સવારથે ?”
  • “ત્યારે શું કરું, ભગત ? મારો જુવાનજોધ દીકરો જાય છે. માતા ડાકણી કાંઈ હોંકારો દેતી નથી.”
  • “તારો એક દીકરો જાય છે એમાં કેટલાં પશુડાંનાં છોરુના તેં પ્રાણ લીધા છે, ભાઈ ?”
  • “હાય ! હાય ! ભાઈ, એનો હિસાબ જ નથી રહ્યો.”
  • “એ સહુના વિલાપ હવે સમજાય છે ?”
  • “સમજાય છે.”
  • “તો લે ઉપાડ આ કંઠી, આજથી બંદૂક મેલી દે.”
  • “કોની કંઠી ?”
  • “વેલા બાપુની.”
  • રામડે અહિંસાની કંઠી બાંધી, કોણ જાણે કેટલાંયે પશુપંખીના આશીર્વાદ એકઠા થયા, એટલે દીકરાના ખોળિયામાં પ્રાણ પાછા આવ્યા. પરબારો રામ પૂંજા ભગત સાથે ખડખડ પહોંચ્યો. વેલા બાવાને ચરણે હાથ દીધા.
  • સાદીસીદી વાણીમાં વેલા બાવાએ એક જ વાત સમજાવી કે, “ભાઈ ! હિંસા કરીશ મા ! પ્રભુ જેવો વસીલો મેલીને લોહીનાં રંગાડાં પીનારી દેવીઓના આશરા હવે ગોતીશ મા.”
  • આજ પાણીની હેલ્ય ભરીને આવતાં જ રામની વહુએ વાત કરી : “પાદરમાં જ નદીને સામે કાંઠે એક રોઝડું ચરે છે. અરધુ ંગામ ધરાય અને પંદર રૂપિયા ચામડાના ઊપજે એવું જબ્બર ડિલ છે, કોળી ! ઝટ બંદૂક લઈને પોગી જા !”
  • “ના ના ! મારાતી હવે બંદૂક ન લેવાય. હું ગુરુજી બાપને બોલે બંધાણો છું.”
  • “અરે પીટ્યા ! ખાંટ છો કે વાણિયો-બામણ છો ? આંહીં ક્યાં તારા ગુરુ જોવા આવતા’તા ?”
  • રામ ન માન્યો. ગામ આખું એને ઘેર હલક્યું : “એ રામડા, એક વાર બંદૂક ઉપાડ. ફરી નહિ કહીએ, અને તારા ગુરુને કોઈ વાત નહિ પોગાડે. અને તું રોઝડું તો જો ! નજરમાં સમાતું નથી.”
  • રામના અંતર ઉપરર હજી પણ્યનો પાકો રંગ નહોતો ચડ્યો. પાપમાં મન લપટી પડ્યું. બંદૂક ઉપાડી. પાદર જઈને જુએ ત્યાં તો સામે જ મોટી કોઈ દેસાણ ગાય જેવડું રોઝડું ચરે છે. નીરખીને રામના મોંમાં પાણી આવ્યું.
  • રામડો તો મોતીમાર હતો. એનું નિશાન કોઈ દિવસ ખાલી નહોતું ગયું. એવાં ઊડતાં પંખીડાં પાડનારને આ રોઝ બાપડું શી વિસાતમાં હતું ! એક ગોળી છૂટી. રોઝને ચોંટી. પણ એ તો જરાક ટેકીને વળી ચરવા માંડ્યું. બીજી ગોળી છૂટી : ચોંટી; પણ રોઝ નથી પડતું. ટેકીને પાછું ચરે છે.
  • ત્રીજી, ચોથી, પાંચમી... એમ નવ ચોંટાડી. રોઝ ન પડ્યું. દિવસ આથમી ગયો. અંધારું થઈ ગયું. ઘવાયેલ રોઝને કાલે સવારમાં જ ખોળી કાઢશું એમ ધારી સહુ ઘેર ગયા. રામ ડેલીએ જાય ત્યાં ખેપિયો આવીને વાટ જોતો બેઠો છે. “રામભાઈ ! ગુરુજી બાપુ તેડાવે છે.”
  • “કાં ? કેમ ઓચિંતા ?”
  • “પંડે પથારીવશ છે. કહ્યું છે કે પાણી પીવાયે રામ ન રોકાય.”
  • બંદૂક હાથમાં જ રહી ગઈ. ઘેર મોકલી દેવાનું ઓસામ ન ચડ્યું. દોટ દેતો રામ ગુરુજીની પીડાથી ચિંતાતુર બની પળાંસવા આવ્યો. પૂછવા મંડ્યો : “કેમ બાપુ ! ઓચિંતા પડદે પડવું થયું ?”
  • “રામ ! અજાણ્યો બનીને પૂછછ, ભાઈ ? નીમ તોડીને નિરપરાધી કાયા ઉપર નવ નવ ગોળિયું ચોડી. ભાઈ ! અરેરે તને દયા ન આવી ? આમ તો જો ! આ મારા અંગે અંગે ફાંકાં !”
  • રામે બાવાજીનું શરીર વીંધાયેલું દીઠું. નવ ઠેકાણેથી રુધિર ચાલ્યું જાય છે.
  • “અને ભાઈ, લે આ તારી નવેનવ ગોળીઓ.”
  • ગુરુએ રામની જ બંદૂકની નવેય ગોળીઓ ગણીને હાથમાં દીધી.
  • “બાપુ ! તમે હતા ?” ચોંકીને રામે પૂછ્યું.
  • “બાપ, હું નહિ, પણ મારા, તારા અને તમામના ઘટઘટમાં રમી રહ્યો છે એ ઠાકર હતો. અરેરે રામ ! વિચારી તો જો ! તેં કેને વીંધી નાખ્યો ? ચામડામાં તારું મન લોભાણું ?”
  • સન્મુખ છીપર પડી હતી. બંદૂકને તે પર પછાડી રામે કટકા કર્યાં. વેલાના પગ ઝાલીને બેસી ગયો. નેત્રમાંથી નીરધારા મંડાઈ ગઈ. ગળું રૂંધાઈ ગયું. શું બોલે ? શબ્દ નીકળે એવું નહોતું રહ્યું.
  • “રામ ! હવે ઘેર જા !”
  • “ઘર તો મારે આ ધરતી માથે નથી રહ્યું, બાપુ !”
  • “અરે જાછ કે નહિ, કોળા ? વયો જા, નીકર ચામડું ફાડી નાખીશ.” ગુરુએ આંખો રાતી કરી.
  • “નહિ જાઉં. નહિ જાઉં.”
  • “નહિ જા, એમ ? એલા શંકરગર ! તરવારથી એના કટકા કરીને ભોંમાં ભંડારી દે એ પાપિયાને. તે વિના એ આંહીંથી નહિ ખસે.”
  • રામડે ગરદન નમાવી.
  • “ઠીક શંકરગર ! હમણાં ખમ. એને આપણા ગોળાનાં પાણી ભરી લેવા દે પછી એના રાઈ રાઈ જેવડાં ટુકડા કરીને અહીં જ દાટી દઈએ.”
  • ગુરુએ પાણી ભરવાને બહાને રામડાને રફુચક થઈ જવાનો સમય દીધો. એમણે માન્યું કે મોતના ડર થકી રામ નાસી છૂટશે; પણ રૂંવે રૂંવે રંગાઈ ગયેલા રામને હવે મોતની બીક ક્યાં રહી હતી ? ઠંડે કલેજે પાણી સીંચીને એણે ગોળા ભર્યા. ભરીને ગુરુની સન્મુખ આવીને મોતની વાટ જોતો બેઠો.
  • છેલ્લી વાર ગુરુએ ત્રાડ પાડી : “જાછ કે નહિ ?”
  • “ના, બાપુ !”
  • ગુરએ છરી ખેંચીને છલાગં દીધી. રામને પછાડી, એની છાતી પર ચડી બેઠા. છૂરી છાતીમાં જવાની વાત નથી, તોયે રામડો ન થડક્યો. એને તો જાણે અંતરમાં અજવાળું થયું. એના કંઠમાંથી આપોઆપ વાણી ફૂટી. ગુરુના ગોઠણ નીચે ચંપાઈને પડ્યા પડ્યા, મોતની છૂરી મીઠી લાગતી હોય તેવા તોરમાં, એમે આપજોડ્યું ભજન ઉપાડ્યું :
  • ભજન ૩
  • જેમ રે ઉંડાળમાં વેલે રામને લીધો,
  • પ્રેમના પિયાલા વેલે પાઈ પીધા !
  • મેરુ રે શિખરથી વદાર્યા મારો નાથજી
  • મૃગ-સ્વરૂપે આવી ઊભા રે,
  • રામને ચળવા રૂખડિયો આવ્યા,
  • પૂરણ ઘા પંડે લીધા. - જેમ૦
  • ગોહત્યા રે ગુરુ ત્યારે અમને બેઠી,
  • પૂરવ જલમનાં કરમ લાગ્યાં;
  • ભવસાગરમાં શેલે ભૂલો રે પડ્યો.
  • સમસ્યાની ભેદે વેલે શરણુંમાં લીધા. - જેમ૦
  • મહા દરિયામાં બેડી ડોલવા લાગી,
  • રૂદિયે ના જોયું મેં જાગી રે;
  • રમ વન્યાના ભાઈ ભરમાજી ભૂલ્યા,
  • એકલશીંગી ગુરુએ વનમાં લૂંટ્યા. - જેમ;
  • કરણીનાં રે મારે કમાડ દેવાણાં
  • આંખે અંદારી ગુરુએ એમની દીધી રે;
  • વેલનાથ ચરણે બોલ્યા રમૈયો
  • ખાવંદે ખબર મારી વેલી લીધી રે. - જેમ૦
  • આંખોમાં શરણાગતિની મીઠાશ છલકી છતાં ગુરુ હજુ ઊતરતા નથી. ગુરુ તો આ કુકર્મીના મુખની વાણીમાં નાહ્યા છે. એના અચંબાનો તો પાર જ નથી : ત્યાં રામડે ગુરુના પગ નીચે પડ્યાં પડ્યાં બીજું ભજન ઉપાડ્યું :
  • ભજન ૪
  • મેં તેરા બંદીવાન,
  • ગરનારી વેલો ! મેં તેરા બંદીવાન,
  • જ્ઞાની ભૂલ્યા, ધ્યાની ભૂલ્યા
  • કાજી ભૂલ્યા કારકુન. - ગરનારી૦
  • અમર તંબૂડા બીંજાવા લાગ્યા,
  • તંબૂડા જમીં આસમાન. - ગરનારી૦
  • સતીએ સત ધરમ છોડ્યા,
  • સૂરે છોડ્યાં હથિયાર. - ગરનારી૦
  • વેલાને ચરણે બોલ્યા રામૈયો,
  • ઘરે આયા મારે દીવાન. - ગરનારી૦
  • તોયે ગુરુ ઊતરતા નથી. રામડાની ચાતી ઉપર તો જાણે કમળનું ફૂલ પડ્યું છે. નિરંતર રામડાની રસના પર સરસ્વતીએ જાણે કે વીણા લઈને ગાવા માંડ્યું. કેવો પરમાનંદ એને અંતરે પ્રગટી નીકળ્યો ! જાણે ગિરનારનાં તરુવરો એને રૂંવાડે રૂંવાડે રોપાયાં, જાણે મસ્તક પર ગિરનારનાં શિખરો ખંડા થયાં, અને નેત્રોમાં ચાંદો-સૂરજ ઝળેળ્યા.
  • ગરવાનાં ત્રોવર’ રોમે રોમે રોપાણાં
  • શખરું રોપાવેલ મારે શીશે જી.
  • તનડાનાં તલ્લક મારે લેલાડે લખિયા રે.
  • છાપ ગરનારી કેરી દીસે જી.
  • કાશી ને પ્રાચી કંડે દામોદર નાંઈ રે
  • નેણલે નરખું રે મરવો વેલો જી.
  • નવસો નવાણું નદિયું અંગડે ઊલટિયું રે
  • ગંગા જમના સરસતી જી.
  • નવલખ તારા મારી દેઈમાં દરસાણા રે
  • ચાંદો-સૂરજ નેણે નરખ્યાં જી.
  • કાયા છે ક્યારો ને પવન પાણોતિયો ને
  • ગરનારી સીંચણહારા જી.
  • સતગુરુ સીંચણહારા જી.
  • સાંભળી સાંભળીને ગુરુનું અંતર ઓગળવા લાગ્યું. પાપીની પીરક્ષા પૂરી થઈ ગઈ. છાતી પરથી વેલો નીચે ઊતર્યો. રામને ઉઠાડ્યો. રામને અંગે લાગેલી રજ ખંખેરવા લાગ્યા.
  • “રામ ! બેટા ! આટલી વારમાં ?”
  • “ગુરુને પ્રતાપે.”
  • “તારી શી મરજી છે ?”
  • “બીજી શી ? તમે મળ્યા પછી બીજી શી મરજી બાકી રહી ? હવે તો નજરથી અળગા ન થજો ! હે બાળુડા ! સદાય સન્મુખ રે’જો ! સન્મુખ રાખજો !”
  • ભજન ૫
  • કાયના ઘડનારા મારી એ નજરું માં રો’ ને !
  • દેઈના માલમી મારી મીટ્યુંમાં રો’ ને
  • નજરુંમાં રો’ રે પંથના નાયક જી !
  • આ રે મારગડે આવતાં ને જાતાં
  • લખ ચોરાસીના ઓડા જી;
  • બાળુડા મળે તો દેઈનાં દાણ રે ચૂકવીએ
  • જીવનને છોડાવે જેમ લઈ જાતાં જી !
  • ખાંધી અંધારી જીવને એમે પેરે લોઢે;
  • સતગુરુ વન્યા એ કોણ છોડે જી ?
  • બાળુડા વન્યા એ કોણ છોડે જી ?
  • ધૂમના ધણી તારી ડેડલી સવાઈ
  • પાંચ ઋષિની બેડી બૂડી જી ?
  • નરભેનાં નાંગળ નાખા હે ગરનારી વેલા
  • સતની બેડીના સત પૂરો જી.
  • બાળ કારણીએ બિલ્લી હોળીમાં હોમાણા
  • અગનીમાંથી લઈ ઉગાર્યા જી.
  • હરખચંડ કારણીએ નીર જ ભરિયાં
  • ક નરે રે ત્રણ ઓધાર્યાં જી.
  • પાંડવું કારણીએ લીધા દશ અવતાર !
  • પિયાડે પડતા ઓધાર્યાં જી.
  • વેલનાથ ચરણે બોલ્યો રે રામૈયો
  • સતના મારગ સામાં ડગલાં જી.
  • તે દિવસથી રામડો મસ્તીમાં આવી ગયો. ભક્તિના અજર પ્યાલા એણે પચાવી લીધા. નિરંતર એના મોંમાંથી મસ્તીનાં પદ રેલાવા લાગ્યાં :
  • ભજન ૬
  • કાચી કેણે ઘડેલ મોરી કાયા રે !
  • ઘટડામાં લોવા, ઘટકામાં એરણ,
  • ઘટડામાં ઘાટ ઘડાયા રે. - કાચી૦
  • ઘટડામાં ચાંદો, ઘટડામાં સૂરજ,
  • ઘટડામાં નવલખ તારા રે. - કાચી૦
  • ઘટડામાં વાડી, ઘટડામાં માલણ,
  • ઘટડામાં સીંચણહારા રે. - કાચી૦
  • ઘટડામાં તાળાં, ઘટડામાં કુંચીઉં,
  • ઘટડામાં ખોલણહારા રે. - કાચી૦
  • વેલનાથ ચરણે બોલ્યા રમૈયો ગુરુ,
  • ઈ શબદ છે સાચા રે, - કાચી૦
  • જાણે ગુરુની પ્રેરણા એને રોમે રોમે રમતી થઈ ગઈ :
  • ભજન ૭
  • આજ મારી કાયાનો ઘડનાર
  • આજ મારી રોમરાનો રમનાર
  • મળિયલ મને માતા રે મીણલનો ભરથાર.
  • નવ નવ ખંડમાં રે નામચા તમારી બાપુ
  • સૂબા નામે છડીદાર. - મળિયલ૦
  • વેલા-વડ હેઠે બેસણાં તમારાં બાવા !
  • સમરું તણો સરદાર. - મળિયલ૦
  • ભેરવ-જપ હેઠે ભોંયરાં તમારા બાપુ !
  • ગરવો તમારો ગરાસ. - મળિયલ૦
  • દામો-કુંડ તમારાં નાવણાં રે બાપુ !
  • ભવેશર સરખી બજાર. - મળિયલ૦
  • વેલનાથ ચરણે બોલ્યા રામૈયો, બાપુ !
  • આમત તણા હે ઓધાર. - મળિયલ૦
  • ગુરુને એણે ભૈરવ જપના પહાડ પર રમનારો કહી બિરદાવ્યો; વાસુકિ સાથે ખેલનાર કૃષ્ણાવતાર કહ્યો.
  • ભજન ૮
  • ગિરનારી ભેરવનો રમનારો !
  • ગિરનારી વાસંગીનો રમનાવો !
  • અધ્ધર તખત ને અમર ગાદી
  • ગગનમંડળ દરસાણો રે. - ગિરનારી૦
  • સરભંગીના ખેલ કોઈને ના’વે કળ્યામાં
  • વેલો રમે ચોધારો રે. - ગિરનારી૦
  • જળમાં પેસીને કાળી નાગને નાથ્યો રે
  • બાંધ્યો કમળ કેરો ભારો રે. - ગિરનારી૦
  • ચારે તે ખેલ બાવે મૂઠીમાં રાખ્યા
  • રમે બાવનસું બાળો રે. - ગિરનારી૦
  • વેલનાથ ચરણે બોલ્યા રામૈયો દણી
  • તેજમાં તેજ સમાણો રે. - ગિરનારી૦
  • ભજન ૯
  • બેઠલ બોરિયામાં આવી,
  • ગરનારી ! બેઠલ બોરિયામાં આવી.
  • આપે તે રૂપ જાણી રોઝનું લીધું,
  • રામડાથી બંદૂક ભંગાણી. - ગરનારી૦
  • શાદૂળાં સિંહને તમે વશ રે લીધો,
  • ઉપર વળી અસવારી. - ગરનારી૦
  • ધૂંધળીમલે ધંધ જગાડ્યો ધણી !
  • પાટણ નાખ્યાં રે પલટાવી. - ગરનારી૦
  • ભવેશ્વરમાં દાતણ વાગ્યાં ગડુ,
  • શોભા વાવેલ બહુ સારી. - ગરનારી૦
  • ભેરવજપ હેઠે આપ બિરાજેલ,
  • સૂનમેં સમાતુ બંધાવી. - ગરનારી૦
  • વેલનાથ ચરણે બોલ્યા રામૈયો ધણી,
  • શિખરુંમાં સુરતા ઠેરાણી. - ગિરનારી૦
  • રામને સૂઝી ગયું કે આ ગુરુ કોઈ અસલી સમયના ગેબી સિદ્ધ છે; રોગીનો રોગ ટાળ છે, પોતાના સાત વીરડામાં ગુપ્ત ગંગા વહાવે છે, ને કશા નૈવેદ્યના કામી નથી. કેવળ ભાવના જ ભોગી છે :
  • ભજન ૧૦
  • આ તો છે આગુનો ગેબી, એ જૂનો છે જોગી,
  • એ બાવા ! આબુ રે શિખરનું બેસણું.
  • સધ ચોરાસીમાં વાસ,
  • નત રરોગીલાં વેલાને પાયે પડે
  • દરદી આવે રે દુવાર. - આ તો૦
  • એ વા’લા ! અકળ અવિનાશી સામા મળિયા
  • દલમાં લે લાગી;
  • ગપત ગંગા ગરુને વીરડે રે આવે
  • વેલો ભાવ રે તણા ભોગી. - એ તો૦
  • એ વેલા ! શૂરા હોય તે સન્મુખ લડે
  • કાયર જાય ભાગી;
  • આવાગમણ્યું મારો વેલો નાથ ટાળે
  • પડતી મેલો પોથી. - આ તો૦
  • એ વાલા ! સમજી સમજી ધારણ્યું એ બાંધો
  • એનો ગરથ લિયોને ગોતી;
  • વેલનાથ ચરણે રામ બાવો બોલિયા
  • ઉગાર્યો લોધી. - આ તો૦
  • પોતાના જીવતરને આગંણે જાણે બાળુડો જોગી નવનવે રૂપે પધાર્યા; રામ આનંદમાં નાચી ઊઠ્યો :
  • ભજન ૧૧
  • બાળુડો પધાર્યા રે બાઈયું મારે આંગણે હો જી ! - બાળુડો૦
  • આજ મારે હૈયે હરખ ન માય
  • આજ મારે અંગડે ઊલટ ન માય
  • પગે ને પીરોજી રે ગરનારીને મોજડી હો જી !
  • હાલે છે કાંઈ ચટકતી રૂડી ચાલ. - બાળુડો૦
  • કેડ્યે ને કટારાં રે ગરનારીને વાંકડાં રે જી !
  • ગળે છે કાંઈ ગેંડા તણી રે રૂડી ઢાલ. - બાળુડો૦
  • બાંયે ને બાજુબંદ રે ગરનારીને બેરખા રે જી !
  • હાથે છે કાંઈ દસે આંગલીએ વેઢ. - બાળુડો૦
  • માથે ને મેવાડાં રે ગરનારીને મોળિયાં રે જી !
  • ખંભે છે કોઈ ખાંતીલા રૂડા ખેસ. - બાળુડો૦
  • વેલાનો ચેલો રે રામ બાવો બોલિયા રે જી !
  • ધણી મારા ઓળે આવ્યાને ઉગાર. - બાળુડો૦
  • ગિરનારનાં શિખરોમાં કોઈ સાધુએ શબ્દ સંભળાવ્યો કે ‘જય વેલનાથ ! જય ગરનારી વેલનાથ !’
  • જોગીઓની જમાત ‘જય વેલનાથ !’ શબ્દનો અહાલેક સાંભળીને ઉશ્કેરાઈ ઈઠી. બોલનારને ઝાલ્યો; પૂછ્યું : “આ ગરવાની ટૂક પર કોનો જય ગાઓ છો ?”
  • “ગરનારી વેલનાથનો.”
  • “વેલનાથ કોણ ? નવ નાથમાં દસમો ક્યારે ઉમેરાણો ?”
  • “કોળીને કહે; ઘરસંસારીને રૂપે, જૂનાગઢને કાળવે દરવાજે વેલનાથ વસે છે.”
  • કોળીનો દેહ, ઘરસંસારી અને વસ્તીમાં વસ : એટલું સાંભળીને ગુરુ દત્તના શિર પર રોષની ઝાળો પ્રગટ થઈ. આજ્ઞા થઈ કે, “જાઓ ખાખીઓ ! એની પરીક્ષા કરો, ‘નાથ’નો દાવો જૂદો હોય તો ચીપિયા લગાવીને આંહીં હાજર કરો !”
  • જમદૂત જેવા ખાખીઓ છૂટ્યા. કાળવે દરવાજે સોનરખ નદીને કિનારે વેલો બાવો ઘરબારીને વેશે રહે છે. ઘરમાં બે સ્ત્રીઓ છે. સંસારીનો ધર્મ સાચવીને રહે છે. જળમાં પોયણા જેવું એનું નિર્લેપ જીવતર છે.
  • ખાખીઓએ જઈને ધમકી આપવા માંડી : “તું વેલનાથ ? તું ઓરતો ભોગવનારો કોળી નવ નાથની કોટીએ પહોંચી ગયો ? તું તો દુનિયાને છેકરી રહ્યો છે.”
  • “અરે ભાઈ ! વેલો બોલ્યો, “હું કાંઈ નથી જાણતો. હું તો નાથેય નથી, નાથના પગની રજમાત્ર પણ નથી. હું મારાથી થાય તેવી પ્રભુની ટેલ કરું ચું. મને શીદ સંતાપો છો ?”
  • “નહિ, તું ઢોંગી છે. ચાલ, તને ગુરુ દત્ત બોલાવે છે.”
  • વેલો ચાલ્યો. પાછળ ઓછાયા-શી બે અર્ધાંગનાઓ પણ ચાલી. ખાખીઓ વેલાને ચીપિયા ચોડતા આવે છે. બન્ને સ્ત્રીઓ આડા દેહ દેતી આવે છે.
  • કહેવાય છે કે ગિરનાર-દરવાજે એક વાણિયાના જુવાન પુત્રનું શબ નીકળ્યું. વલા બાવાએ એના ખોળિયામાં જીવ પાછો આણ્યો. અને પછી પોતાને વસ્તી સંતાપી સંતાપી તપસ્વી-જીવમાં ભંગ પાડશે એમ બીક લાગવાથી બાવાજી ભાગી નીકળ્યા. આગળ પોતે, પાછળ બે સ્ત્રીઓ, ચીપિયાવાળા ખાખી બાવાઓ અને ડાઘુ વાણિયાનું ટોળું - એમ દોટાદોટ થઈ રહી. જગત પોતાને આમ સદા સંતાપ્યા કરે એ કરતાં જમીનમાં સમાઈ જવાનું જોગીએ પસંદ કર્યું. દોડીને એણે ગિરનારના શિખરની દિશા સાંધી. ભેરવજપની ઊંચી અને ભયંકર ટૂક પાસે એને માટે ધરતી માતાએ મારગ કર્યો. પોતે એમાં જીવતા સમાણા. પાછળ મીણ મા પણ ઊતરી ગયાં. ત્યાં શિલાનું ઢાંકણ દેવાઈ ગયું. બહાર જસો મા એકલાં જરા છેટાં રહી ગયાં; પોતાના નાથને ગોતવા લાગ્યાં. “બાવાજી ! ક્યાં છો ? ક્યાં સંતાણા ?” એવો પોકાર કર્યો. ત્યાં તો શિલાની ચિરાડમાંથી બહાર રહી ગયેલો મીણલ માની ચૂંદડીનો છેડો એણે દીઠો. શિલા ઉપર બેસીને એણે કલ્પાંતનું ભનજ આદર્યું :
  • ભજન ૧૨
  • અમસું ગરનારી !
  • અંતર કર્યો વાલે !
  • અંતર કર્યો રે !
  • પડદા-પોસંગી વેલો રમવા ગિયો.
  • એ...રમવા ગિયો રે
  • ખાવંદ જાતો રિયો રે !
  • ભોળવીને ભૂલવાડી ગિયો. - અમસું૦
  • હો...સગવડ હો તો ધણીના
  • સગડ કઢાવું રે
  • સદડ કઢાવું રે
  • ત્રણે ભુવનમાંથી બાળુડાને લાવું. - અમસું૦
  • હો...થડ રે વાઢીને ધણી
  • પીછાં દઈ ગિયો રે
  • પીંછા દઈ ગિયો રે
  • રસ પવનમાં ગેબી રમવા ગિયો. - અમસું૦
  • હો...મથણાં મથી
  • દીનાનાથને બોલાવું રે
  • નાથને બોલાવું રે
  • ત્રણે ભુવનમાંથી બાળુડાને લાવું. - અમસું૦
  • હો ગનાનની ગોળી ને
  • પરમનો રવાયો રે
  • મેરુનો રવાયો રે
  • નખશિખ નેતરાં લઉં તાણી. - અમસું૦
  • હો વેલનાથ ચરણે
  • બોલ્યાં રે જસો મા
  • બોલ્યાં રે જસો મા
  • અખંડ ચૂડો મારે વેલનાથ ધણી. - અમસું૦
  • આખરે શિલા ફરી વાર ઊઘડી, અને સતી અંદર સમાણાં.
  • રાત પડી; અધરાત ભાંગી; કહે છે કે વેલનાથ બહાર નીકળ્યા. સન્મુખ જ ભેરવજપનું આભ-અડતું સીધું કાળું શિખર ઊભું હતું. એથીયે ઉપર ગેબમાં તારલા ટમટમતા હતા : જાણે અમરધામના દીવડા દેખાતા હતા.
  • એ સીધા શિખર પર બાવોજી એમ ને એમ ચડ્યા. ભાંગતી અબોલ રાતે ખડાંગ ! ખડાંગ ! ખડાંગ ! એમ બાવાજીની ખડાઓ (ચાખડીઓ) બોલતી ગઈ, અને ચીકણા ગારામાં પગલાં પડે તેમ એ કાળમીંઢ પથ્થરમાં ખડાઓનાં પગલાં પડતાં ગયાં. આવી લોકકલ્પના છે.
  • જોગીરાજ ભેરવની ટૂંક ઉપર દરશાણો. કેવો દરશાણો ? જાણે એનાં પગલાંના ભારથી ગિરનાર કડાકા લેવા લાગ્યો; કવિ કહે છે કે ‘ઓ અબધૂત ! ધીરે ધીરે પગલાં માંડ. નહિ તો ગરવો (ગિરનાર) ખડેડી પડશે.’
  • ભજન ૧૩
  • વેલા બાવા, તું હળવો હળળો હાલ્યો જો !
  • ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો.
  • જેમ ઝળૂંબે મોરલી માથે નાગ જો
  • (એમ) ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો.
  • જેમ ઝળૂંબે કૂવાને માથે કોસ જો
  • (એમ) ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો.
  • જેમ ઝળૂંબે બેટાને માથે બાપ જો
  • (એમ) ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો.
  • જેમ ઝળૂંબે નરને માથે નાર જો,
  • (એમ) ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો.
  • જેમ ઝળૂંબે ધરતીને માથે આભ જો,
  • (એમ) ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો.
  • રામૈયાને ખબર પડી કે ગુરુ તો ભૈરવજપ પર રમવા ગયા. વિરહઘેલડી કોઈ અબળાની માફક એ પોતના ‘ગરવાદેવ’ને ગોતવા લાગ્યો ! કોઈ ભોમૈયા ! કોઈ મારગ બતાવે ! એવા સાદ દગેતો એ ગિરનારમાં ભમે છે.
  • ભજન ૧૪
  • કોઈને ભોમૈયો રે, બે’ની ! ગરવા દેવનો રે જી !
  • બે’ની, અમ ભૂલ્યાં વતાવો વાટ. - કોઈને૦
  • કેટલી તે ખડકી રે,
  • કેટલાં પરનાળ જડ્યાં રે જી,
  • જડ્યાં તે જડ્યાં કોઈ
  • તાળાં કૂંદી ને કમાડ. - કોઈને૦
  • સમદર ને હાં જોયાં રે
  • ઘણાં જોયાં સાયરાં રે જી !
  • જોયાં તે જોયાં કાંઈ
  • ઊંડેરાં નીર અપાર. - કોઈને૦
  • ચોરા ને આ જોયાં રે
  • ઘણાં જોયાં ચોવડાં રે જી !
  • જોઈ તે જોઈ કાંઈ
  • અવળી બવળી બજાર. - કોઈને૦
  • મંદિર ને આ જોયાં રે
  • જોયાં બીજાં માળિયાં રે જી !
  • જોયા તે જોયા કાંઈ
  • ઊંચેરા મોલ અપાર. - કોઈને૦
  • વેલાનો આ ચેલો રે
  • રામો બાવો બોલિયો રે જી !
  • ધણી મારા !
  • ઓળે આવ્યાને ઉગારો. - કોઈને૦
  • ઘણો ઘણો શોધ્યો, પણ ક્યાંયે ભાળ નથી મળતી. એના વિપાલ ચાલુ જ રહ્યા.
  • ભજન ૧૫
  • વનમાં વાયા મારે વાય
  • બાળુડા વનમાં વાયામારે વાય છે;
  • હો... અમે કેના લેશું રે હવે ઓથ
  • ગરનારી ! કયે રે એંધાણે આવ્યા ઓળખું ?
  • દયા ઠાકરસી ભેળા લાવ્ય
  • બાળુડા ! દયા ઠાકરશી ભેળા લાવ્ય રે
  • હો ભેળાં મા મીણલ ને મુંજલ હોય
  • ગરનારી ! એવે એંધાણે આવ્યા ઓળખો. - વનમાં૦
  • આગુંના અગવા લાવ્ય
  • બાળુડા ! આગુંના અગવા લાવ્ય રે;
  • હો તારાં ભગવાં નિશાણ ભેળાં લાવ્ય
  • ગરનારી ! એવે એંધાણે આવ્યા ઓળખો. - વનમાં૦
  • ગરવાહુંદાંયે તારા ગામ
  • બાળુડા ! ગરવાહુંદાંયે તારાં ગામ રે;
  • હો તારો થાને થોકે વાસ
  • ગરનારી ! ઈ રે એંધાણે આવ્યા ઓળખો. - વનમાં૦
  • વેલાનો ચેલો રામ ગાય
  • બાળુડા ! વેલાનો ચેલો રામ ગાય છે;
  • હો ધણી શરણે આવ્યાને ઉગાર
  • ગરનારી ! ઈ રે એંધાણા આવ્યા ઓળખો !
  • કલ્પનાના વિહાર છોડીને થોડી વાર રામૈયા જાણે કે જીવનના તત્ત્વજ્ઞન ઉપર ઊતરે છે, કાયારૂપી શહેરનો વેપાર કરતાં જાણે કે પોતાને આવડતું નથી. મનુષ્યાવતાર જેવી મહામૂલી વસ્તુ મોહરૂપી રેતીમાં વેરાઈ જાય છે :
  • ભજન ૧૬
  • દયા રે કરો ને ગુરુ મે’રૂં કરો
  • માના રૂદયા હે ભીતર જાણો, વેલા ધણી !
  • મનખા જેવડું મહા પદારથ
  • વેળુમાં રે વેરાણું; વેલા રે ધણી !
  • ચારે કોરથી વેપારી આવ્યા
  • (ઈ તો) વેપારી નવ જાણે, વેલા ધણી !
  • આ રે શે’રમાં બડી બડી વસ્તુ,
  • ગાંઠે ન મળે નાણું, વેલા ધણી !
  • ચારે કોરથી સળગાવી દેશે
  • (ઈ તો) સઘળું શે’ર લૂંટાણું, વેલા ધણી !
  • વેલનાથ ચરણે બોલ્યા રામૈયા
  • ઓળે આવ્યાને ઉગારો, વેલા ધણી !
  • હે ગિરનારના વાઘેલા ! ઓ વાઘનાથના શિષ્ય ! તમે વહેલા આવજો ! હું તો પાપી જ છું. મારામાં પલટો આવે તેવું નથી; પણ તમે આવીને મારી પ્રકૃતિ ફેરવો !
  • ભજન - ૧૭
  • ગરવા વેધેલ,
  • વાઘનાથના પરમોદેલ રે !
  • હાકે વેલા આવજો રે !
  • અગનિના અંગારા રે
  • આ અગનિના અંગારા રે
  • ઘીમાં લઈને ઘૂંટિયા રે જી !
  • કોયલા કાંઈ કે’દી ન ઊજળા હોય. - ગરવાના૦
  • દૂધ ને વળી દહીંએ રે (૨)
  • સીંચ્યો કડવો લીમડો રે જી !
  • લીમડીઓ કાંઈ કે’દી ન મીઠડી થાય. - ગરવાના૦
  • ખીરું ને વળી ખાંડું રે (૨)
  • પાયેલ વશિયલ નાગને રે જી !
  • નાગણીઉં કાંઈ કે’દી ન નિરવિષ થાય. - ગરવાના૦
  • વેલાને તો ચરણે રે
  • સરભંગીને તો ચરણે રે
  • રામો બાવો બોલિયા રે જી !
  • લેજો લેજો સેવકો તણી રે સંભાળ. - ગરવાના૦
  • નાનાં બાળને રમાડી-રિઝાવીને કેમ જાણે ઓચિંતી માતા ચાલી નીકળી હોય એવી લાગણીથી રામ રડે છે.
  • ભજન ૧૮
  • સેજું પલંગ માથે પોઢતાં
  • બાળુડા ! સેજું પલંગ માથે પોઢતાં;
  • એવાં પથરે પોઢાજ્યાં નાનાં બાળ ગિરનારી !
  • મારી વસમી વેળાના !
  • મારી દોયલી વેળાના ગિરનારી !
  • ભૂખતરસ ઘણી ભોગવી
  • બાળુડા ! ભૂખતરસ ઘણી ભોગવી;
  • મેં તો ઘણા ભોગવ્યા અપવાસ ગિરનારી !
  • અમર પિયાલા તારા હાથમાં
  • બાળુડા ! અમર પિયાલા તારા હાથમાં;
  • આજ વિષની ગોળી શીદ પાવ ગિરનારી !
  • અમર વેલો જ્યારે આવશે
  • બાળુડા ! અમર વેલો જ્યારે આવશે
  • આજ પડિયાં છે મારે તારાં કામ ગિરનારી !
  • મારી વસમી વેળાના !
  • મારી દોયલી વેળાની ગિરનારી !
  • હે ગુરુ ! તું તો મારી રોમરાઈમાં રમી રહ્યો છે. તું તો મુજ સ્વરૂપી ખોખરી છીપનું સાચું મોતી છે. તું તો મારી જીવન-નગરીનો અશ્વારોહી ચોકીદાર છે. મહાજન વેપારી છે. તું વિના જીવન રઝળી પડ્યં છે.
  • ભજન ૧૯
  • હાલો મારી રોમરાના રમનારા
  • બાપુ ! મારી કાયાના ઘડનારા રે
  • ગિરનારી વેલૈયો છે
  • એવા ચાર ચાર મતલાવા રે
  • બાળપણમાં ભોગવ્યા હો જી
  • મારી નાટુકલી નગરીમાં રે
  • ગિરનારી ઘોડો ફેરવો હો જી. - હાલો૦
  • એવા ચાર ચાર મતવાલા રે
  • જુવાનીમાં ભોગવ્યા હો જી !
  • હાલો મારી ખોખરી છીપના મોતી રે !
  • મોતી હજી ના’વિયા હો જી. - હાલો૦
  • એવા એવા ચાલ મતવાલા રે
  • બુઢાપામાં ભોગવ્યા હો જી !
  • હાલો મારી નાટુકલી નગરીના
  • મા’જન હવે ઊછળ્યા હો જી. - હાલો૦
  • ગુરુ વેલાને ચેલો રે
  • રામો બાવો બોલિયા હો જી !
  • અરે દાદા ! અમે સેવક ને તમે મારા રામ
  • રામ ! વે’લા આવજો હો જી. - હાલો૦
  • પછી તો રામે ભયાનક સમયનાં આગમ સંભળાવવા માંડ્યાં. પણ એમાં કાંઈ સ્પષ્ટ વાત નથી :
  • ભજન ૨૦
  • લીલૂડાં રે વન ગરવા તણાં એ જી
  • હે વેલા, તળિયે તમારો વાસ હાં !
  • કીરે રે પછમ કેરો રાજિયો રે જી !
  • દળમાં જોઉં રે ગરનારી તારી વાટ હાં !
  • અવચળ જોઉં રે વેલૈયા તારી વાટ હાં. - પીર રે૦
  • ઓતર થકી રે દળ આવશે હો જી !
  • ગઢ ઢેલડ મેલાણ હાં. - પીર રે૦
  • કાષ્ઠના ઘોડા જ્યારે ધોડશે રે જી !
  • ગઢ જૂનાની બજાર હાં. - પીર રે૦
  • હરણાં હાટડિયુંમાં બેસશે એ જી !
  • નાં મા’જન કરસે મૂલ હાં. - પીર રે૦
  • દળમાં જોઉં રે નેજાળા ! તારી વાટ હાં !
  • અવિચળ જોઉં રે ગરનારી ! તારી વાટ હાં. - પીર રે૦
  • ભેળી ભવાની ગઢ ભેળશે રે જી !
  • તારી વસતુ સાંભળ મોરા વીરા હાં. - પીર રે૦
  • ભીડ્યું પડે ને ગુરુ સાંભરે જી !
  • અરે વેલો આવ્યા વાર બે વાર હાં. - પીર રે૦
  • વેલનાથ ચરણે રામો બોલિયા રે જી !
  • અરે બાળુડો મળિયા અંગો રે અંગ હાં. - પીર રે૦
  • છેવટે રામૈયાએ બીજું આગમ ભાખ્યું : જાણે પશ્ચિમ દિશામાંથી કોઈ અવતારી પુરુષ આવશે અને દિલ્હી (ઢેલડી) ગઢ પર ઉતારા કરશે. તે કાળે મહાયોદ્ધા જાગશે. ગિરનાર ધણેણશે :
  • ભજન ૨૧
  • ગરવો ધણેણ્યો વાજાં વાગશે હો જી !
  • વાગે અનહદ તૂર
  • વાગે ત્રાંબાળુ તૂર રે
  • ગરવો ધણેણ્યો વાજાં વાગશે હો જી !
  • સતિયું સંદેશા તમને મોકલે રે જી;
  • વેલા ! સૂતો હો તો જાગ !
  • ઓલિયા સૂતો હો તો જાગ રે
  • એવા એવા સૂતા નરને જગાડજો હો જી !
  • ગરવે નેજા ઝળેળ્યા
  • ગરવે નેજા ઝળેળ્યા રે
  • આવ્યા કાળુને હવે ઓળખો રે જી !
  • પછમ દશાએ સાયબો આવશે એ જી !
  • ગરવે હુકાળ્યું મચાવે રે
  • ગરવે હુકાળ્યું મચાવે રે
  • તેર તેર મણનાં તીરડાં ચાલશે એ જી !
  • મણ ત્રીસની કમાન
  • મણ ત્રીસની કમાન
  • એવા એવા જોધા દળમાં જાગશે એ જી !
  • ગઢ ગરવેથી ગેબી જાગશે એ જી !
  • ગઢ ઢેલડીએ મેલાણ
  • ગઢ ઢેલડીએ મેલાણ
  • જોજો રે તમાશા રવિ ઊગતે એ જી !
  • એક એક નર સૂતો ગઢની પ્રોળમાં એ જી !
  • જાણે નવહથો જોધ રે
  • જાણે નવહથો જોધ રે
  • એવા એવા સૂતા નરને જગાડજો એ જી !
  • તખત તરવેણીના તીરમાં એ જી !
  • ધમણ્યું ધમે છે લુવાર રે
  • ધમણ્યું ધમે છે લુવાર રે
  • અવચળ અવિનાશી એનાં રાજ છે રે જી !
  • વેલાથ ચરણે રામ બોલિયા રે જી !
  • જુગ પંચોરો આવે
  • જુગ પંચોરો આવે
  • જુગના પતિ હવે જાગજો એ જી !
  • વેલાના ચરણે રામો બોલિયા રે જી
  • ગુરુ દશ્યુંનો દાતાર
  • ગુરુ મુગતિનો આધાર રે
  • જુગના સ્વામી રે હવે જાગજો એ જી !
  • પોતે જાણે ગુરુજીના ધર્મ-સૈન્યનો શૂરો લડવૈયો બન્યો છે.
  • ભજન ૨૨
  • નેજા રે ઝળક્યા ગુરુના નામના
  • ગગને ગડેડ્યાં નિશાણ.
  • શૂરા સાણા રણવટ સાંચયા૦
  • ઊગંતે રવિ ભાણ;
  • વીરા મારા ! કાયરના રણમાં કેમ રહીએ,
  • કરીએ સૂરાના રણમાં સંગ્રામ !
  • ચલગત પેરી મારા શામની રે
  • રધ સધનાં રે રેણ;
  • રેણ ઉતારી રાણે રાજીએ
  • એનાં અવચળ વંકડાં વેણ. - વીરા મારા૦
  • ઓથારી નર ઊઠિયા એનાં
  • ઊંઘ ભેળી રે ઊંઘ;
  • મનડાં માયામાં મોહી રિયાં
  • ભલી એની બીડાણી બૂંબ. - વીરા મારા૦
  • માનવી જાણે નર મરી ગયા
  • એણે અમર ધર્યો અવતાર;
  • નૂરી જનનાં રે ગામ હોશે
  • રઘુપુરી માંહે વાસ. - વીરા મારા૦
  • અમરાપુરીનો ગઢ ભેળતાં
  • સહુને હોશે હાણ;
  • મોટા મુનિવરે મન જીતિયાં
  • જીત્યાં અમરાપુરીમનાં ધામ. - વીરા મારા૦
  • અલખ નરને કોણે ન લખ્યો.
  • અણલખ્યો અવતાર;
  • ટાંક લઈને કોણે ન તોળ્યો
  • અણતોળ્યો એનો ભાર. - વીરા મારા૦
  • આ કળજુગને કૂડીએ
  • પેરી બગાડ્યો ભેખ;
  • આંધલે વાટું પકડિયું ને
  • દીઠા વણનો રે દેશ. - વીરા મારા૦
  • નીર નવાણે ને ધરમ ઠેકાણે
  • વાવણિયા વહી જાય,
  • વેલનાથ-ચરણે રામ બોલ્યા
  • સતે સત રે થવાય. - વીરા મારા૦
  • પોતાના ગુરુજીનો મહિમા ગાય છે. ગુરુને પ્રભુપદ આપી દે છે. પ્રભુ ને ગુરુ એકાકાર થઈ જતા દેખાય છે. પોતે જાણે પોઢેલી સુંદરી છે ને ગુરુરૂપી સાયબો દુશ્મનોને કાપવા માટે અખંડ જાગ્રત રહી એની રક્ષા કરે છે.
  • ભજન ૨૩
  • એવા રમતિયાળ ગુરુજી હમારા
  • આકાશી પિયાળ ચૌદ લોકમાં રમી રિયા જી !
  • જરાક પાણી બાળા પરષોત્તમના હાથમાં
  • એવા સાત સમદર ને આકાશીનાં નીર
  • ગરનારીની તુંબડીને તળે સામણાં જી. - એવા૦
  • બાલુડાની તુંબડીને તળે સામણાં જી. - એવા૦
  • સંસારીનાં સોગટાં બાળુડાના હાથમાં
  • એવા દાવ ખેલે છે ગિરનારી વેલનાથ. - એવા૦
  • હું રે સૂતી મારો સાયબો જાગે જી
  • એવા વેરી દશમનને કાપવા....હાં. - એવા૦
  • ઓહંગ સોહંગ મારો સતગુરુ જાણે
  • કાળે વારી દુશ્મનની વાટ. - એવા૦
  • સરગની નિશાણી સાયબો કેને રે બતાવે
  • ત્રણે ભવનનાં તાળાં તમારે હાથ. - એવા૦
  • ગતિ ને મતિ મારા ગુરુજીની ગાંઠેજી
  • ગુરુજીના ગૂંજામાં છે ગરનાર હાં. - એવા૦
  • વેલનાથ-ચરણે બોલ્યા રામૈયા
  • દાસ રે રામૈયાને ચરણોમાં રાખ. - એવા૦
  • ભજન ૨૪
  • ઓળખજો રે કોઈ ઓળખાવજા.
  • બાળા જોગીને કોઈ બોલાવજો !
  • આ કળજુગની દોરી વેલે લીધી હાથ
  • દોરીમાં બોલે દીનોનાથ
  • મેરુ શિખર ને ગગન ધામ
  • તિયાં વસે છે વલૈયો નાથ.
  • દીઠી કરી અણદીઠી નવ થાય
  • ઈ રે કાયાનો ગઢ કેમ લેવાય ?
  • અવળી ગુલાંડે જે નર જાય ?
  • ઈ કાયાનો ગઢ એમ જિતાય.
  • પેલા તો સોટે પૂગ્યા રામ
  • જ્યાં હતા ધણીના વિશરામ
  • ધરમધણી બાવે સાખિયા પૂયા૦
  • તે દી વેલૈયો છતરાયા થિયા.
  • વેલાને ચરણો બોલ્યા રામ
  • તમારી સરીખાં મારે કામ.
  • ગિરનારી વેલાના ઉતારા કોઈ ‘સમદર બેટ’માં હોવાનું રામૈયે ગાયું. કયો એ બેટ, તેની ખબર પડતી નથી. પણ રામૈયો મસ્તીએ ચડ્યો. એની સન્મુખ ગુરુજીનું સુંદર તપસ્વી સ્વરૂપ રમવા લાગ્યું :
  • ભજન ૨૫
  • ગરનારીના ઉતારા રે
  • ભાઈ ! વેલાના ઉતારા રે
  • સમદર બેટમાં રે જી !
  • ટાઢા એવા ટુકડા રે બાળુડાને જમવા રે જી,
  • જોજો એની જમ્યા તણી ચતુરાઈ. - ગરનારીરના૦
  • ફાટલ એવાં વસ્તર રે બાળુડાને પે’રવા રે જી,
  • જોજો એની પે’ર્યા તણી ચતુરાઈ. - ગરનારીના૦
  • સૂળીને તો માથે રે બાળુડાના સાથરા રે જી,
  • જોજો એની પોઢ્યા તણી ચતુરાઈ. - ગરનારીના૦
  • વેલાના તો ચરણે રે રામો બાવો બોલિયા રે જી,
  • દેજો ! દેજો ! પીરુંના ચરણુંમાં વાસ. - ગરનારીના૦
  • ભજન ૨૬
  • ગરનારી ! ગરવો શણગાર રે
  • જના જોગી ગરવો શણગાર રે
  • જૂનાણું જોવાની મારે હામ છે
  • મરઘી-કંડ કાંઠે ઊભી જોગણી રે
  • બાપુડા ! મરઘી-કંડ કાંઠે ઊબી જોગણી રે
  • જોગણી કરે લલકાર રે. - જૂનાણું૦
  • ચડવા ઘોડો પીરને હંસલો
  • બાળુડા ! ચડવા ઘોડો પીરને હંસલો
  • ચળકે તીર ને કમાન રે. - જૂનાણું૦
  • વેલાનો ચેલો રામ બોલિયા રે
  • બાળુડા ! વેલાનો ચેલો રામ બોલિયા રે
  • આવ્યા શરણે ઉગાર રે. - જૂનાણું૦
  • આ પ્રભાતિયું નારણ મંડળિયા નામના કોઈ કણબીએ રચ્યું છે :
  • ભજન ૨૭
  • જાગો ને ગરવાના રે રાજા !
  • જાગો ને ગરનારી રાજા !
  • તમે જાગો પરભાત ભયા
  • દામો રે કંડ ગુરુ ! વાડી તમારી
  • ટાઢાં રે જળ એ કરિયાં;
  • દામા કંડમાં નાવાંધોવાં
  • પંડનાં પ્રાછત દૂર થિયાં. - જાગો ને૦
  • ભવનાથજીમાં મેળો ભરાણો,
  • કુળ તેત્રીસ દેવ જોવા મળ્યા
  • ભવનાથમાં રે ભજન કરતાં
  • લખ ચોરાશીના ફેરા ટળ્યા. - જાગો ને૦
  • ઊંચું રે શિખર માતા અંબાનું કહીએ
  • નીચા વાગેશરીના મોલ રે;
  • વેદિયા નર ત્યાં વેદ જ વાંચે
  • મુનિવર તારું ધ્યાન ધરે. - જાગો ને૦
  • તાલ પખાજ વેલા ! જંતર વાગે
  • ઝાલરીએ ઝણકાર ભયો૦
  • વેલનાથ ચરણે ગાય નારણ માંડળીઓ
  • શરણે આવીને તમારે રિયો. - જાગો ને૦
  • મૈયારી ગામના ગરાસિયા રાણીંગ મેર પણ વેલના દાસ બન્યા. એણે ભજન આદર્યાં :
  • ભજન ૨૮
  • રાણીંગદાસ સરભંગી સા’બના ચેલા,
  • રાણીંગદાસ ગિરનારી સા’બના ચેલા.
  • મેલી મયારી ને મેલી રે મમતા,
  • હવા ગરિસાય ઘેલા. - રાણીંગદાસ૦
  • ગરવેથી ગેબી જોર બજાવે ને
  • પાયા પિલાયા લઈ પૂરા. - રાણીંગદાસ૦
  • પિયો પિયાલા મગન ભયા મન
  • છૂટી સોનામાં ગજ ગેલા. - રાણીંગદાસ૦
  • શબદે મારે ને શબદે જિવાડે ધણી
  • શબદે સૂકાં ને કરે લીલાં. - રાણીંગદાસ૦
  • વેલનાથ ચરણે બોલ્યા રાણીંગદાસ
  • માતા મીણાં ને પિતા વેલા. - રાણિંગદાસ૦
  • ભૈરવજપના શિખરની નજીક સાત વીરડા છે. એ વીરડા વેલા બાવાના કહેવાય છે. દર વર્ષે મહાશિવરાત્રીના મેળા વખતે એક વેલા બાવાના વંશ માંહેલો માણસ ને એક સેંજળિયા કણબીનો કુટુંબી એ વીરડા પર જાય છે. પાંદડાંનો કૂચો વાળી-વાળી વીરડા સાફ કરે છે. લેબાનનો ધૂપ પેટાવે છે. પછી એકતારાના સૂર સાથે આરાધ ઉપાડે છે કે,
  • ભજન ૨૯
  • આવો તો આનંદ થાય
  • ના’વો તો પત જાય રે;
  • ગરવાવાળા નાથ વેલા !
  • આરે અવસર આવજો !
  • અનહદ વાજાં વાગિયાં સ્વામી !
  • જોઉં તમારી વાટ રે;
  • હું સુવાગણ સુંદરી
  • મારે તમારો વિશ્વાસ રે - આવો તો૦
  • કાયામાં કાળીંગો વ્યાપ્યો
  • થોડે થોડે ખાય રે;
  • ભવસાગરમાં બેડી બૂડતાં
  • બાવે પકડેલ બાંય રે. - આવો તો૦
  • સામસામાં નિશાન ઘુરે ધણી !
  • ધારે પડઘાય જાગ રે,
  • ખડગ ખાંડું હાથ લીધું
  • ભાગ્યો કાળીંગો જાય રે. - આવો તો૦
  • વેલનાથ તમારા હાથમાં
  • બાજીગરના ખેલ રે;
  • વેલા-ચરણે બલ્યા રામૈયો
  • ફેર મનખ્યો લાવ્ય રે. - આવો તો૦
  • કહે છે કે પૂર્વે આ ગીત ગવાતું ત્યારે સહુ માણસો દેખે તેમ પથ્થરોમાંથી પાણીનાં ઝરણાં આવતાં અને વીરડા જળે ભરાતા. એ પરથી તો વરસ મપાતું. વીરડા છલી જાય તો સોળ આના વરસાદ ને અધૂરા રહે તો તે પ્રમાણે. વરસની એંધાણી જોવા માટે ઘણા ઘણા કણબીઓ ત્યાં જતા. નજરે જોનારા આ વાતની સાખ પૂરે છે. એક વધુ આગમ-ગીત નીચે મુજબનું મળ્યું. એ ગીતમાં તો પરચાઓ પ્રત્યે તિરસ્કાર જ દર્શાવ્યો છે :
  • ભજન ૩૦
  • વેલા દણી વચન સુણાવ રેં !
  • આગમ વેળાની કરું વિનતિ.
  • બાળુડા ! બાળુડા ! મૂવાં મૈયતને બોલાવશે;
  • એને હથેળીમાં પરમેશ્વર દેખાડે રે
  • એવા પાખંડી નર જાગશે !
  • બાળુડા ! બાળુડા ! જળને માથે આસન વાળશે;
  • એનાં અધ્ધર પોતિયાં સુકાય રે. - એવા૦
  • બાળુડા ! બાળુડા ! બગલાંની વાંસે બાળા ધોડશે,
  • એક નર ને ઘણી નાર રે. - એવા૦
  • બાળુડા ! બાળુડા ! ઘોડામુખા નર તો જાગશે,
  • એની વાણમાં સમજે નહિ કોઈ રે. - એવા૦
  • વેલનાથ ચરણે રામો બોલિયા રે જી
  • ઈ છે આગમનાં એંધાણ રે
  • આગમ વેળાની કરું વિનતિ.
  • રામ બાવાએ આવાં ત્રણસ ભજન રચ્યાં કહેવાય છે. કેટલાંએકમાં શબ્દની વિકૃતિ એટલી બધી થઈ ગઈ છે કે અર્થ સૂઝતો નથી.
  • (વેલા ભગતની સમાધિ સૌરાષ્ટ્રમાં ખાખરિયા સ્ટેશન પાસે ખડખડ ગામમાં છે. જગ્યા સાદી છે. દેવમંદિર જેવું કશું નથી. બીજી જગ્યા ગિરનારની તળેટીમાં ભવેશ્વર પાસે છે.
  • એની ચોથી-પાંચમી પેઢીનાં કુટુંબો ખડખડમાં વસે છે. એ લોકો સૌરાષ્ટ્રના ગણા કોળીઓ પાસેથી કાંઈક લાગો ઉઘરાવીને નભે છે.)
  • પુરાતન જ્યોત
  • •સંત દેવીદાસ
  • •સંત મેકરણ
  • •‘જેસલ જગનો ચોરટો’