Dikri Mari Dost - 29 in Gujarati Fiction Stories by Nilam Doshi books and stories PDF | દીકરી મારી દોસ્ત - 29

Featured Books
Categories
Share

દીકરી મારી દોસ્ત - 29

દીકરી મારી દોસ્ત

  • ....
  • ” હમ દેખતે રહ ગયે..કારવા ગુઝર ગયા. ”
  • “ પ્રેમનું પ્રાગટય, ઉજાસનો અભિષેક, લાગણીનો ઓચ્છવ .”

    વહાલી ઝિલ,

    રીસેપ્શન પણ પતી ગયું. અને બીજે દિવસે માંડવો યે વિખેરાઇ ગયો ને ફરી વળ્યો એક ખાલીપો....! ચોતરફ જાણે ખાલીપાનું પૂર ઉમટયું છે. કમ્પાઉન્ડ કેવું ખાલીખમ્મ આજે લાગે છે.! જાણે વરસોથી ત્યાં માંડવો કેમ હોય.! હમણાં તો દિવસો કેવા જીવંત બની રહ્યા હતા ! અનિલ જોશી જેવા કવિ આવા પ્રસંગે ગાઇ ઉઠયા હતા. “ દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત . તો જાણત કે અંધારું શી ચીજ છે ? ફળના આંબામાં જે પાંદડા ઝૂલે એની ભીતર કઇ મમતાનું બીજ છે ?” મંડપ બંધાતો હોય ત્યારે ઉમટતો હરખ એની ઉકેલાવાની ક્ષણે વિષાદમાં પલટાઇ જાય છે. મનમાં એક રેશમી અવસાદ ઘેરી વળે છે. લાઇટો ઉતારાય છે. શણગાર દૂર કરાય છે. હવે દીકરી વિના જાણે એ બધાની કોઇ જરૂર નથી.અરે, દીકરી હતી ત્યાં સુધી ઘરમાં ગણેશજીનું સ્થાપન હતું..એ પણ હવે સમેટાય છે. ભગવાનને પણ દીકરી વિનાના ઘરમાં રહેવાનું મન નથી થતું કે શું ? ખાલીખમ્મ ઘરમાં હિસાબ કિતાબ થતા રહે છે. વારે વારે ધસી આવતા આંસુઓ છાનામાના લૂછાતા રહે છે. ધીમે ધીમે દીકરી વિના પણ જીવન ગોઠવાતું રહે છે. સમય દરેક દર્દની અકસીર દવા છે. જીવન કયારેય રોકાતું નથી. જીવનઝરણુ વહેતુ રહે છે. અહીં પણ અને ત્યાં પણ..... હા, કયારેક હજુ યે સુરેશ દલાલની આ પંક્તિ આવીને ફરી એકવાર યાદોના

    અંબાર મનમાં ખડકી જાય છે. ” દીકરીથી ગૂંજતી ઘરની દીવાલો....થશે મૂંગી , ને મૌન એનું ખૂંચશે, ઠામ ઠેકાણુ મળ્યું એને હાશ રે ! પણ આંસુઓ છલકે ઉદાસ....”

    આજે તો તું સાત સાગર પાર કરી પરદેશ પહોંચી ગઇ છે. અને હોસ્ટેલે પહોંચીને જેમ ફોન આવતો તેમ આજે ત્યાં પહોંચીને ફોન પણ આવી ગયો. હવે મારે તારી ચિંતા કરવાની નથી. હવે એ જવાબદારી શુભમે હોંશે હોંશે લઇ લીધી છે. તું ઉઘડતી, નવી ક્ષિતિજોમાં ગોઠવાઇ ગઇ છે. જોકે આમે ય આજની નવી પેઢી બહુ જલ્દી નવા વાતાવરણમાં સેટ થઇ જતી હોય છે..

    કયારે મળાશે હવે ? એ ખબર નથી. ફોનમાં વાતો થતી રહે છે. અને વેબકેમમાં તને મલકતી જોતી રહું છું. વિજ્ઞાને ઘણી સગવડ કરી આપી છે. એનાથી વિરહ સહ્ય બનતો રહે છે.

    મનને અનેક પ્રકારના મૂળ ફૂટતા રહે છે. તારા શૈશવની એ બધી ક્ષણોને છીપ જેમ મોતી સાચવી રાખે છે તેમ સાચવેલ છે. ને અવારનવાર એ સ્મૃતિઓને બહાર કાઢીને માણતા રહીએ છીએ. અને પાછી કંજૂસના ધનની જેમ સાચવી ને છીપમાં બંધ કરી મૂકી દઇએ છીએ..હવે તો એ જ કરવાનું રહ્યું ને ?

    જીવન ચાલતું રહે છે, સમય સરતો રહે છે. તું ખુશ છે, સુખી છે..એનો આનંદ..એ ખુશી કંઇ જેવી તેવી છે ? ધીમેધીમે આપણે બધા ટેવાતા જઇએ છીએ. હવે કોઇ ઉદાસી નથી. એક સ્વસ્થતા છે. સહજતાથી પરિસ્થિતિનો સ્વીકાર છે. તારી ખુશીનો આનંદ અમે અહીં બેઠા માણીએ છીએ. હા, કયારેક તારા લગ્નની સી.ડી. જોતા જોતા મારી ને પપ્પાની આંખમાંથી આંસુ ટપકી પડે છે ખરા.. પણ તે તો સ્વાભાવિક છે ને ?

    દરેક દીકરીના મા બાપની આ નિયતિ છે. અને એ એટલી હદે સ્વાભાવિક બની ગઇ છે કે દરેક માતા પિતા પોતાના કાળજાના કટકાની એ વિદાયને થોડા સમયમાં સહજતાથી સ્વીકારી લે છે.અને કયારેક અચાનક દીકરીનો લીલોછ્મ્મ ટહુકો ફરી એક વાર આવી ને ઘરને થોડા સમય પૂરતું ગૂંજતું કરી દેશે..એની પ્રતીક્ષા કરતા રહે છે. આ સાથે આજે નાનાજીની યાદ મનમાં ફરી વળે છે. ત્યારે તું બારમા ધોરણમાં હતી. અને તેથી મેં મારા પપ્પાને કહેલ કે ‘ આ વખતે વેકેશનમાં મારાથી ત્યાં નહીં આવી શકાય.’ લાગણીશીલ પપ્પા કંઇ બોલી તો નહોતા શકયા..પણ..બીજે દિવસે સવારે અચાનક ખબર પણ આપ્યા સિવાય આપણે ઘેર આવી પહોંચ્યા. અને એમની આંખમાંથી અનરાધાર આંસુ છલકતા હતા. હું તો ગભરાઇ ગઇ હતી..કે પપ્પાને શું થયું ? ત્યારે માંડ માંડ સ્વસ્થ બની ને પપ્પાએ જવાબ આપેલ, ‘ તમે દીકરીઓ તો તરત કહી દો..પપ્પા, મારાથી નહીં આવી શકાય..અમે કેટલી આતુરતાથી તમારા વેકેશનની રાહ જોતા હોઇએ એની તમને કયાં ખબર છે ? તમે ન આવી શકો તો અમારે તો આવવું જ રહ્યું ને ? ‘અને...અને હું સ્તબ્ધ. તે દિવસ પછી વેકેશન પડે ને બીજે દિવસે પપ્પા પાસે પહોંચી જવાનો નિયમ કયારેય ચૂકી નથી.

    આજે તો નાનાજી કયાં રહ્યા છે ? રહી છે ફકત સ્મૃતિઓ.. તારી વાત કરતી વખતે હું એક મા છું પણ સાથે સાથે હું પણ મારા વહાલસોયા પપ્પાની દીકરી તો છું જ ને ? પપ્પા પર કેવા હક્કથી ...લાડથી ગુસ્સે થતી...! અને ત્યાં હોઉં ત્યારે તને પણ કહી દેતી.. ‘ અહીં મને કંઇ નહીં કહેવાનું હોં..! મારા પપ્પાને ઘેર છું. ‘ અને તું હસી ને જવાબ આપતી, ’ પણ મમ્મી, અહીં તો કેટલા દિવસ ? પછી તારે હમેશ તો “મારા પપ્પાને “ ઘેર રહેવાનું છે.. એ ભૂલી ન જતી હોં..’ અને નાનાજી કૃત્રિમ ગુસ્સાથી કહેતા. ‘ જોયા તારા પપ્પા....! મારી દીકરી ને કંઇ નથી કહેવાનું હોં...’ અને આપણે બધા સાથે હસી પડતા. ઘેર ગમે તેટલા સુખી કેમ ન હોઇએ તો પણ પપ્પાના ઘરની હૂંફ ની વાત જ કંઇક નિરાળી છે .

    આજે...આજે..જ્યારે તું દૂર છે ત્યારે આ બધી વાતો બરાબર સમજાય છે, અનુભવાય છે. પણ હું તો એમ ટિકિટ લઇ ને સીધી આવી શકું તેમ પણ કયાં છે ? મારે તો પહેલાં વીઝાના કોઠા પાર કરવાના છે. પંખી હોત તો ઉડીને આવી શકાત. એને કોઇ સરહદ નથી નડતી કે એને કોઇ વીઝાની જરૂર નથી પડતી. એ તો સાત સાગર પારથી દરેક શિયાળામાં વગર વીઝાએ અહીં આવી જાય છે અને કલરવ કરી રહે છે. અને પાછા પોતાને સ્થાને જતા પણ રહે છે. દીકરીની જેમ જ.કેવી બાલિશ કલ્પનાઓ મન કરતું રહે છે. જીવનની કેવી વિડંબના છે... જેની સતત રાહ જોવાતી હોય , કાગડોળે પ્રતીક્ષા થતી હોય એ દીકરી પણ જો ધાર્યા કરતા વધુ સમય રહે રહે તો મા બાપને ચિંતા થાય છે. કે દીકરી ને કંઇ પ્રોબ્લેમ તો નહીં હોય ને? અને સમાજને પંચાત થાય..અને કોઇ વળી ઠાવકાઇથી પૂછી પણ લે,

    ” બેન રોકાવાની છે હજુ ? સારું સારું..આ તો મને એમ કે બહુ દહાડા થઇ ગયા તે..... ”

    મને તો એવો ગુસ્સો ચડે છે..! પણ શું થાય ? સમાજ છે. એની માન્યતાઓ છે. ચોક્ક્સ ધારાધોરણો, નીતિનિયમો અને ચોક્કસ માપદંડ છે એના. દીકરી તો સાસરે જ શોભે. સાસરે સુખી હોય કે દુ:ખી...! પરણાવી દીધી એટલે શું દીકરી દુ:ખી હોય તો પણ મા બાપની જવાબદારી નહીં ? ખેર.! હવે જોકે સમય સાથે મૂલ્યો બદલાતા રહે છે. પણ એ બદલાવ એટલો ધીમો અને અમુક ચોક્કસ વર્ગમાં જ છે કે એની વ્યાપક અસર નથી દેખાતી. પહેલાં છોકરીને દૂધપીતી કરતા અને આજે...આજે યે કયાં ફરક પડયો છે ? આજે યે ભ્રૂણહત્યા થતી રહે છે. વિજ્ઞાન હવે તો આગળ વધ્યું છે ને ? એટલે દીકરીના જન્મ પહેલાં જ....દીકરી વહાલનો દરિયો તો અમુક ચોક્કસ વર્ગમાં જ છે. બાકી વ્યાપક રીતે જોઇએ તો આજે યે સમાજ પુત્રીજન્મને કયાં હોંશથી વધાવી શકે છે ?

    પરિવર્તન આવવું જ રહ્યું. કયારે ? ફરીફરીને આ વાત મનમાં ઘૂમતી જ રહે છે.અને હૈયે હોય એ અનાયાસે હોઠે...શબ્દોમાં વારંવાર આવતું રહે એ સ્વાભાવિક છે ને ?

    બસ..મનઝરૂખે સ્મૃતિનો દીપ સમી સાંજના શમિયાણામાં ધીમે ધીમે જલતો રહે છે. પુસ્તકો સદા ની જેમ સાથી બની રહે છે. સારું છે પુસ્તકોને સાસરે નથી જવું પડતું. નહીંતર એ યે માયા મૂકીને ચાલ્યા જાત...અને તો હું શું કરત ? એટલે જ કહ્યું છે કે “books are my never failing friends”

    અત્યારે તો આ નેવર ફેઇલીંગ અગણિત મિત્રોને આધારે જીવન વહી રહે છે. સભર બની રહે છે. અને અંતર દીકરીની ખુશ્બુથી મઘમઘતું રહે છે. “ યાદના દ્રશ્યો હજુયે તરવરે છે આંગણે, સંસ્મરણ, ”સુસ્વાગતમ્ ” થઇ ફરે છે બારણે.”

    હવે તો તારી પ્રતીક્ષામાં..તારા ફોન ની પ્રતીક્ષામાં.. ઇ મેઇલની પ્રતીક્ષામાં..કે ઓફલાઇન મેસેજની પ્રતીક્ષા...કાગળો તો હવે તમે શાના લખો ? જોકે એક કાગળ જરૂર લખ્યો છે..તમે બંનેએ સાથે. જે વાંચતા હું છલકાતી રહું છું. સમય સાથે કેટલું બધું બદલાતું રહે છે...! નથી બદલાતા જીવનના શાશ્વત મૂલ્યો..નથી બદલાતી માનવમનની સંવેદનાઓ.. વેબકેમની આરસીમાં રાત્રે મળીશું ને ?

    આજે દીકરી તો તેના ઘેર ચાલી ગઇ. તેના નવજીવનમાં ગૂંથાઇ ગઇ. ત્યારે આજની વાત..દીકરી માટે નહીં.... મા માટે. દીકરી માટે ગમે તેટલો સ્નેહ, લાગણી, મમતા હોય..તેના નવજીવનમાં અનધિકાર પ્રવેશ કયારેય થાય નહીં. તેના પ્રશ્નો તેને જાતે ઉકેલવા દો.. તે ભૂલ કરે ત્યારે છાવરવાને બદલે તેને તેની ભૂલ પણ બતાવો. તે સાસુની કે ઘરના કોઇ પણ સભ્યની ટીકા કરે ત્યારે ઉત્તેજન આપવાની ભૂલ કયારેય કરવી ન જ જોઇએ ને ? વારંવાર પોતાની પાસે બોલાવવાને બદલે તે તેના સંસારમાં ઓતપ્રોત બની રહે એ જોવાનું દરેક માતા નું કર્તવ્ય છે. ઘરના સભ્યો સાથે નાની નાની વાતમાં ઉશ્કેરાઇને પિયર આવતી દીકરી માટે ગમે તેટલી લાગણી હોય તો પણ તેને પ્રોત્સાહન આપવાને બદલે કડવી દવા મા જ પીવડાવે એ ન્યાયે તેને ન ગમે તો પણ તેની ભૂલ બતાવી તેને પાછી પોતાને ઘેર મોકલવી જ રહી.

    સાથે સાથે દીકરીને ખરેખર સાચો..કોઇ મૉટો પ્રોબ્લેમ હોય તો સમાજની કે આબરૂની બીકે દીકરીને તે હવે સાસરે જ શોભે..એવા શબ્દો કહી તેને જાકારો આપવાની ભૂલ પણ કયારેય ન જ થવી જોઇએ. દીકરીના મનમાં હમેશાં એક શ્રધ્ધા હોવી જ જોઇએ..કે ખરેખર જરૂર પડશે તો માતા પિતા તેને સ્નેહથી આવકારશે જ. માતા પિતાએ દીકરી માટે નીરક્ષીર વૃતિ કેળવી, વિવેક બુધ્ધિ દાખવી, ફકત લાગણીના આવેશમાં તણાયા સિવાય કે સમાજનો ખોટો ડર રાખ્યા સિવાય સંજોગો પ્રમાણે વર્તન કરવું રહ્યું. જેથી દીકરીનો સંસાર ખુશ્બુથી મહેકી શકે.