પિન કોડ - 101
પ્રકરણ-30
આશુ પટેલ
‘તને એમ લાગ્યું છે કે મને તારી પ્રતિભાનો ઉપયોગ કરવામાં રસ નથી. પણ યન્ગમેન, મે હજી મારી વાત પૂરી નથી કરી! મને તારા મલ્ટિપર્પઝ વાહનના પ્રોજેક્ટમા બિલકુલ રસ નથી પડ્યો, પણ તારા ફ્લાઈન્ગ કારવાળો આઈડિયા કમાલનો છે. એટલે એ પ્રોજેક્ટ હાથ પર ધરવાનો નિર્ણય મેં કરી લીધો છે’
---
રાજ મલ્હોત્રાએ સાહિલ કહ્યું: ‘મે તારી બધી વાત ધ્યાનથી સાંભળી. હવે મારું તારણ તને કહું તો, મને તારા મલ્ટિપર્પઝ વાહનમા બિલકુલ રસ નથી પડ્યો...’
રાજ મલ્હોત્રાના એ શબ્દો સાંભળીને સાહિલ દિગ્મૂઢ બની ગયો.
રાજ મલ્હોત્રા આગળ બોલી રહ્યા હતા, પણ તેમના પહેલા વાક્યથી સાહિલને લાગ્યું કે બધુ ગોળગોળ ફરી રહ્યું છે. તેની આંખો ભીની થઈ ગઈ અને તેના ગળામાં શોષ પડવા લાગ્યો. થોડી સેક્ધડ માટે તે એવી અવસ્થામાં આવી ગયો કે તેની આન્ખો રાજ મલ્હોત્રાના ચહેરા પર મંડાયેલી હોવા છતા તેઓ શું બોલી રહ્યા છે એની નોંધ તેનું મગજ લઈ ના શક્યું. જો કે, તેણે થોડી સેક્ધડમાં જ પોતાની જાત પર કાબૂ મેળવી લીધો અને તેણે રાજ મલ્હોત્રાની સામે ફિક્કું સ્મિત કર્યું.
‘...એટલે તારા મલ્ટિપર્પઝ વાહનમાં મને તો શું કદાચ બીજા કોઈને પણ રસ નહીં પડે. આવું વાહન કોઈ બનાવે તો પણ તેનું વેચાણ બહુ મર્યાદિત સંખ્યામાં જ થઈ શકે. એટલે આવા વાહનના ઉત્પાદન માટે આગળ આવનારી કંપની માટે લાખના બાર હજાર કરવા જેવો જ ઘાટ થાય. હું તને નાહિમ્મત નથી કરવા માગતો, પણ વાસ્તવિકતા સમજાવી રહ્યો છું. તું સમજે છે ને મારી વાત?’
‘યસ, સર.’ સાહિલે પોતાના ચહેરા પર સ્વસ્થતાના ભાવ લાવવાની કોશિશ કરતા કહ્યું: ‘પણ તમે મને આટલો સમય આપ્યો એટલે હું તમારો આભારી છું.’
‘અરે!’ રાજ મલ્હોત્રાએ કહ્યું. પછી તરત જ તેમણે સ્મિત કરતા કહ્યું: ‘ઓહ! સમજાયું. તને એમ લાગ્યું છે કે મને તારી પ્રતિભાનો ઉપયોગ કરવામાં રસ નથી. પણ યન્ગમેન, મે હજી મારી વાત પૂરી નથી કરી! મને તારા મલ્ટિપર્પઝ વાહનના પ્રોજેક્ટમા બિલકુલ રસ નથી પડ્યો, પણ તારા ફ્લાઈન્ગ કારવાળો આઈડિયા કમાલનો છે. એટલે એ પ્રોજેક્ટ હાથ પર ધરવાનો નિર્ણય મેં કરી લીધો છે.’
તેમના એ શબ્દો સાંભળીને સાહિલને એવી લાગણી થઈ કે જાણે પોતાના ઉપર વિંઝાયેલી તલવારને જોઈને મોતના ખોફથી આંખો બંધ કરી દેનારા માણસની ગરદન પર તલવારનો જીવલેણ ઘા ઝીન્કાવાને બદલે ફૂલોનો હાર આવી પડ્યો હોય!
‘યંગમેન, આજથી તું મારા ગૃપના ઑટોમોબાઈલ ડિવિઝનનો સી.આર.ઓ. એટલે કે રિસર્ચ ડિપાર્ટમેન્ટ હેડ છે. હું તને બે મહિનાનો નહીં, બાર મહિનાનો સમય આપું છું. પ્રૂવ યોરસેલ્ફ.’ રાજ મલ્હોત્રાએ ચહેરા પર સ્મિત સાથે કહ્યું.
સાહિલને થોડી સેક્ધડ પોતાના કાન પર વિશ્ર્વાસ ના બેઠો. તેણે રાતે સપનાઓમાં અને દિવસે કલ્પનાઓના ઘોડા દોડાવતી વખતે માનસપટ પર આવા દ્રશ્યો જોયા હતા, પણ અત્યારે રાજ મલ્હોત્રા વાસ્તવમાં તેને આવું કહી રહ્યા હતા ત્યારે તેને ડર લાગ્યો કે તે ક્યાંક સપનામાં આ દ્રશ્ય જોઈ ના રહ્યો હોય અને અચાનક ઊંઘ ઊડવા સાથે તે પોતાને ગોરાઈમાં રાહુલના ફ્લેટમાં ના જુએ!
‘શુ વિચારે છે, યન્ગમેન?’
રાજ મલ્હોત્રાના શબ્દોથી સાહિલના વિચારને બ્રેક લાગી. તેણે તરત જ કહ્યું: ‘થેન્ક્સ, સર. થેન્ક્સ અ લોટ!’ તે આગળ બોલી ના શક્યો. તેનું ગળું રુંધાઈ ગયું.
જો કે, તે હજી આનંદ અને આશ્ર્ચર્યનો આંચકો પચાવે એ પહેલા રાજ મલ્હોત્રાએ તેને બીજો એક સુખદ ઝટકો આપી દીધો. તેમણે શીતલને ઈશારો કર્યો એટલે શીતલે એક એનવલપ સાહિલ તરફ લંબાવ્યું. સાહિલે એ એનવલપ હાથમાં લીધું એટલે રાજ મલ્હોત્રાએ કહ્યું, ‘એમાં બે લાખ રૂપિયા છે. તને દર મહિને બે લાખ રૂપિયા સેલેરી મળશે અને રિસર્ચ તથા એક્સપિરિમેન્ટ માટે જગ્યા અને તું માગે એ સાધનો, સુવિધા મળી જશે. તને મારી કંપની કાર અને ડ્રાઈવર પણ આપશે. હવે પછી તું રાઉન્ડ ધ ક્લોક મારી કંપની માટે કામ કરશે. હુ મુમ્બઈમા હોઇશ ત્યારે દર અઠવાડિયે તને મળીશ. પછી તેમણે શીતલ તરફ જોઈને સૂચના આપી, ‘તારા અને કુલકર્ણીના નંબર્સ આ યન્ગમેનને આપજે અને તેનો નંબર સેવ કરી લેજે.’
એ પછી તેમણે પાંચેક મિનિટમાં સાહિલ સાથે મીટિંગ પૂરી કરી.
* * *
રાજ મલ્હોત્રાનો પર્સનલ આસિસ્ટંટ પ્રશાન્ત કુલકર્ણી સાહિલને વળાવવા ‘મલ્હોત્રા હાઉસ’ના પાર્કિંગ એરિયા સુધી ગયો. સાહિલ શીતલની કેબિનમાથી નીકળ્યો એ પહેલા શીતલે તેને કુલકર્ણી સાથે મળાવી દીધો હતો. તેણે સાહિલને કહ્યું હતું કે કઈ પણ કામ હોય તો તું અડધી રાતે પણ મને કે કુલકર્ણીને કોલ કરી શકે છે.
કુલકર્ણીએ સાહિલને રાજ મલ્હોત્રાના ગૃપના લોગો સાથેની એક હોન્ડા સિટી કારમાં બેસાડ્યો અને ડ્રાઈવરને સૂચના આપી, ‘આજ સે યે સા’બ કી ડ્યૂટી મેં રહેના હૈ. અભી સા’બકો અપને વર્સોવાકે બિલ્ડિન્ગમે લેકે જાઓ.’
પછી તેણે સાહિલને ઉદ્દેશીને કહ્યું, ‘તમે ત્યા જઈને પહેલા માળે ઑફિસમા દીપક ઉપલેકરને મળજો. એ તમને ફ્લેટની ચાવી આપી દેશે.’
સાહિલે અચકાતા-અચકાતા પૂછી લીધું, ‘હુ થોડો મોડો પહોચું તો ચાલશે?’
તેના સવાલથી કુલકર્ણીને આશ્ર્ચર્ય થયું. જો કે, તેણે તરત જ કહ્યું: ‘તમને અનુકૂળ હોય ત્યારે પહોંચજો. ઉપલેકર ત્યા છ વાગ્યા સુધી હોય છે, પણ તમને એથી પણ મોડું થાય તો વાન્ધો નહીં. હું તમને ઉપલેકરનો નંબર તમારા મોબાઈલ ફોન પર હમણા જ મોકલી આપું છું. અને કોઈ પણ તકલીફ પડે તો મને કોલ કરી દેજો.’
એ પછી તેણે ડ્રાઈવરને સૂચના આપી, ‘સા’બકો જહાં ભી જાના હૈ લેકે જાઓ ઔર બાદમેં વર્સોવા કે બિલ્ડિંગ મેં લે જાના.’
સાહિલ રાજ મલ્હોત્રાની કંપનીઝના હેડ ક્વાર્ટરમાંથી નીકળ્યો ત્યારે પોણા બે વાગી ગયા હતા. હોન્ડા સિટી ‘મલ્હોત્રા હાઉસ’ની બહાર આવીને રોડ પર દોડવા લાગી. ડ્રાઈવરે તેને પૂછ્યું: ‘સા’બ કહા જાના હૈ?’
ડ્રાઈવરના એ શબ્દો સાંભળીને સાહિલને લાગ્યું કે તે મુંબઈના રસ્તા પર રાજ મલ્હોત્રાની કંપનીની કારમાં નથી ફરી રહ્યો, પણ હવામાં ઊડી રહ્યો છે! મુંબઈ આવ્યા પછી તેણે સતત સંઘર્ષનો જ અનુભવ કર્યો હતો. અને આજે એક સામટી લોટરી લાગી ગઈ હોય એવું તેની સાથે બન્યું હતું. સપનામાં જ બની શકે એવું વાસ્તવિક જિંદગીમાં તે પહેલી વાર અનુભવી રહ્યો હતો. હજી ગઈ કાલે તેના સેલ ફોન પર રાજ મલ્હોત્રાની સેક્રેટરી શીતલનો કોલ આવ્યો, આજે રાજ મલ્હોત્રા સાથે તેની મીટિંગ થઈ. એ પણ પાંચ મિનિટને બદલે દોઢ કલાકથી વધુ સમય સુધી ચાલી, રાજ મલ્હોત્રાને તેના પર વિશ્ર્વાસ બેઠો અને તેમણે તેને પોતાની કંપનીમા ચીફ રિસર્ચ ઓફિસર બનાવી દીધો, દર મહિને બે લાખ રુપિયા પગાર, શોફર સાથે કાર આપવાની સાથે રહેવા માટે ફ્લેટની વ્યવસ્થા કરી આપી. અને ઉપરથી બે લાખ રુપિયા એડ્વાન્સ આપી દીધા. આ બધુ ચમત્કાર સમાન હતું.
* * *
‘સર, એક બહુ ગંભીર બાતમી મળી છે. અન્ડરવર્લ્ડ ડોન ઈકબાલ કાણિયા કોઈ ભયાનક કાવતરુ ઘડી રહ્યો છે...’ સેન્ટ્રલ આઈ.બી.ના ટૂંકા નામે ઓળખાતા સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યૂરોનો એટલે કે કેન્દ્રીય ગુપ્તચર વિભાગનો સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ક્રિશ્નકુમાર સેન્ટ્રલ આઈ.બી.ના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ પવન દીવાનને કહી રહ્યો હતો.
ક્રિશ્નકુમારે આગળ જે શબ્દો કહ્યા એ સાંભળીને આઈ.જી.પી. પવન દીવાન સડક થઈ ગયા.
(ક્રમશ:)