Bhairavnath Dabeli Piza Sendwich in Gujarati Magazine by Madhu rye Thaker books and stories PDF | ભૈરવનાથ દાબેલી પીઝા સેન્ડવિચ

Featured Books
Categories
Share

ભૈરવનાથ દાબેલી પીઝા સેન્ડવિચ

નીલે ગગન કે તલે / મધુ રાય

ભૈરવનાથ દાબેલી પીઝા સેન્ડવિચ

ગગનવાલા ગ્રીન સિટી ગાંધીનગરમાં ચ–માર્ગે નગરચરે છે. ‘ઊમિયા ગાંઠિયા રથ’ની લારી પાસે બે જણ ઊભા ઊભા મોબાઇલમાં મુગ્ધ છે. જયદુર્ગા પાન માર્ટમાં ત્રણ જણ માવાના પડીકાં મસળી મસળીને મોક્ષ ખોળે છે, એક છોકરો ‘અલા એય’ની બૂમો પાડે છે, એક ગામઠી વેશવાળી બહેન સાડલાથી નાક લૂછે છે, બે ગાયો જુગાલી કરે છે, અને એક કૂતરું એક સાયકલની ધારે નિત્યકર્મ કરે છે. ખોડિયાર જૂસની, મેલડી માતા ગોટા પેલેસની, જલારામ ટી સેન્ટરની, એવમ્ ભૈરવનાથ દાબેલી પીઝા સેન્ડવિચની રેંકડીઓ ધીકતો ધંધો કરે છે, બસો, સ્કૂટરો, ગાડીઓ અને રાહદારીઓનો જીવનરથ લીલાં વૃક્ષોથી લદાયેલા રસ્તે નિરાપદ વિહરી રહ્યો છે. બંદૂક કે સામૂહિક કત્લેઆમ કેવળ પેપરમોં વોંચવઅ મલઅ, કે ટોકીઝમોં જોવઅ મલઅ...

જ્યારે જગતના સામા છેડે અમેરિકાના ન્યુટાઉન નામે એક હરિત ગ્રામે નિવાસીઓનો જીવનરથ જંગલનાં જાનવરોને, તથા ગેયમ ક્લબનાં તળાવોમાં બત્તકને ઓટોમેટિક હથિયારોથી હણતો હણતો હેંડે છે. આસપાસનાં જંગલો સતત બંદૂકબાજોના ગોળીબારથી ધણધણે છે. કેટલીક વાર બંદૂકબાજો તાનમાં આવીને નિશાનાં ઉપર એલ્યુમિનિયમ નાઇટ્રેટ ચોપડે છે જેને ગોળી વાગતાં બોમ્બ જેવા ભડકા–ધડાકાથી ધરતી હચમચે છે. કેટલાક રસિયાઓ પ્રોપેન ગેસની ટાંકી ઉપર નિશાનો લે છે જે ઉછાળા મારતી આગ સાથે ફાટે છે, ને મકાનો ધ્રુજાવે છે, ‘ઓહ સો... થ્રિલિંગ!’ અસંખ્ય શૂટિંગ રેન્જો–વાળા એ ગામમાં નેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનની મુખ્ય કચેરી છે.

એ ન્યુટાઉનની ‘યોગાનંદ સ્ટ્રીટ’ ઉપર રહેતી મિઝ નાન્સી લાન્ઝા નામે એક શૂટિંગની શોખીન ૫૨ વર્ષની મહિલાની પાસે બે પાવરફુલ હેન્ડગન્સ, બે હન્ટિંગ રાઇફલ્સ અને અમેરિકાના સૈનિકો અફઘાનિસ્તાનમાં તાલિબાનો સામે ફોડે છે એવી એક સેમી ઓટોમેટિક રાઇફલ હતી. મિઝ લાન્ઝાને બીક હતી કે જગતમાં હિંસક તોફાનો ફાટી નીકળશે અને તેમાં ‘સર્વાઇવ’ થવા માટે તે પોતાના દીકરા આદમને નાનપણથી જ શૂટિંગ શીખવા રેન્જ ઉપર શૂટિંગ શીખવતી હતી. અઠવાડિયાં પહેલાં એક બપોરે અઢી વાગ્યે એ દીકરાએ તેની ચાર બંદૂકો ડોકે વીંટી અને પાંચમી તાકી તેની માતાની સામે ધાંય ધાંય; માતાની હત્યા કરી તે છોકરો ગયો પોતાની સ્કૂલે ને ત્યાં સેમી ઓટોમેટિકથી ધાંય ધાંય ધાંય પાંચ–સાત વર્ષનાં ૨૦ બાળકોને અને બીજી ૮ પુખ્તવયની વ્યક્તિઓને ગોળીએ ચડાવી જાતે ખુદકુશી કરી. કહેવાય છે કે આદમને કશોક માનસિક વ્યાધિ હતો. અમેરિકા દેશ આખો હજી ચકળવકળ છે, વ્હાય? વ્હાય?

આ ઘટના બની તેની નજીકના ગામમાં આજથી દસ વર્ષ પહેલાં એક પાગલ વિદ્યાર્થીએ એક બંદૂકની દુકાનેથી સિગારેટ લેતો હોય એવી સરળતાથી એસકેએસ નામે રાયફલ અને ટપાલ દ્વારા તે માટેની ગોળીઓ ખરીદેલી. પછી સ્કૂલે જઈને આ જ રીતે પોતાના એક શિક્ષકને અને ગ્લેન નામે એક કિશોરને ગોળીથી ઉડાવી દીધેલા. તેના પિતા ગ્રેગરી ગિબ્સને પુત્રની હત્યા બાબત એક પુસ્તક લખ્યુ છે, જેમાં બંદૂકના વપરાશને ઘાતક જંતુનાશક પેસ્ટીસાઇડ કે ધૂમ્રપાન જેવું દૂષણ ગણીને તેના વેચાણ ઉપર કડક નિયંત્રણ કરવાની હિમાયત કરી છે. અમેરિકાની સ્કૂલોમાં આ પ્રકારના ગોળીબાર થયા કરતા હોય છે. સ્કૂલના પ્રવેશદ્વારમાં એરપોર્ટ જેવું સ્ક્રીનિંગ થાય છે. થોડાં વર્ષ પહેલાં વર્જિનિયાની કોલેજમાં એક વિદ્યાર્થીએ બંદૂકના મારાનું હુલ્લડ મચાવેલું. અમેરિકા બંદૂકપ્રિય દેશ છે. ત્યાં જનતાનો એક હિસ્સો ઝનૂનપૂર્વક હથિયારને પોતાનો જન્મસિદ્ધ હક માને છે અને રાજપુરુષો બંદૂક ઉદ્યોગની લોબીથી બ્હીવે છે.

હાર્વર્ડના એક તજ્જ્ઞ લખે છે કે બીજા સુધરેલા દેશોની સરખામણીમાં અમેરિકામાં પ થી ૧૪ વર્ષની વયનાં બાળકો ઉપર ગોળીથી મરવાનું જોખમ ૧૩ ગણું છે. સ્કૂલોમાં દાદરા કેવા હોય તેને માટે પણ કડક નિયમો છે, પરંતુ ખરેખર જેનાથી બાળકોના જાન જાય છે તે બંદૂકોના વેચાણ માટે કશા નિયમ નથી. દાદર પરથી પડીને ૩૦૦ અમેરિકનો મરે છે. બંદૂકના કારણે ૩૦,૦૦૦ વ્યક્તિઓની જાન ગુમાવે છે.

ન્યુ યોર્ક ટાઇમ્સના કોલમચી નિકોલસ ક્રિસ્તોફ લખે છે કે છેલ્લાં ૨૫ વર્ષમાં આતંકીઓના હુમલાથી, અને અફઘાનિસ્તાન તેમ જ ઇરાકનાં યુદ્ધોમાં મરેલાની સંખ્યાનો સરવાળા કરતાં ગોળી થયેલી હત્યા ને આત્મહત્યાની સંખ્યા મોટી છે. અમેરિકામાં દર વર્ષે ૩૦,૦૦૦ લોકો બંદૂકનો ભોગ બને છે. બંદૂકોના વેચાણના કાયદા કડક થશે તો વર્ષે ૧૦,૦૦૦ માણસ કમોતે મરતાં અટકશે. ગન લોબી કહે છે બદૂક માણસને ક્યાં મારે છે? માણસ માણસ ને મારે છે. ક્રિસ્તોફ કહે છે કાર સલામતી માટે નિયમન છે; કાર અકસ્માત માટે કોઈ એમ નથી કહેતું કે કાર માણસને ક્યાં મારે છે, દારૂડિયા ડ્રાઇવર માણસને મારે છે. સન ૧૯૫૦માં સીટ બેલ્ટ, એર બેગ્ઝ, ચાઇલ્ડ સીટ અને ક્રેશ સેફ્ટીનાં નિયમનો દાખલ થયા બાદ કાર અકસ્માતમાં ૯૦ ટકાનો ઘટાડો થયો છે.

ઓસ્ટ્રેલિયામાં ૧૯૯૬ના હત્યાકાંડ બાદ જનતા પાસેથી ૬૫૦,૦૦૦ રાયફલો પરત લઈને સરકારે પૈસા ચૂકવ્યા છે અને બાકીની સલામત રહે તે માટે કાયદા બનાવ્યા છે. એ કાયદો બન્યો તે પહેલાંનાં ૧૮ વર્ષમાં ૧૩ સામૂહિક હત્યાકાંડ થયેલા અને કાયદો બન્યા પછી ૧૪ વર્ષમાં હજી એક પણ નથી થયો. કેનેડામાં બંદૂક લેવા જાઓ તો બે જણની ખાતરી માગવાનો કાયદો છે કે ખરીદનાર જવાબદાર વ્યક્તિ છે.

ન્યુટાઉનમાં હત્યાનો ભોગ બનેલાં બાળકો દફનાવાઈ રહ્યાં છે અને ગન કન્ટ્રોલની માગણી ખુદ હન્ટરો અને પોલીસ કમિશનના સભ્યો કરી રહ્યા છે. પરંતુ તેનો વિરોધ એવો જ ઉગ્ર છે. એક માતા કહે છે કે તમારાં સંતાનોને બંદૂક ચલાવતાં આવડે તો તમને એમની ફિકર નહીં રહે. નેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના એક અગ્રણીએ દલીલ કરેલી કે એમ તો ઘણાં લોકો તરતાં તરતાં ડૂબી જાય છે એટલે તમે સ્વીમિંગની વિરુદ્ધ કાયદા લાવશો?

madhu.thaker@gmail.comTuesday, December 18, 2012