Karanani chaturai in Gujarati Children Stories by DrKishor Pandya books and stories PDF | કરણની ચતુરાઇ

Featured Books
Categories
Share

કરણની ચતુરાઇ

કરણની ચતુરાઇ (બાળવાર્તા)

કિશોર પંડ્યા

કનુ કઠિયારો જંગલમાં લાકડા કાપવા જતો. જે ઝાડની ડાળી નકામી થઈ ગઈ હોય તે કાપી લાવતો. ડાળી કાપતા પહેલા એ જોઈ લેતો. ડાળી પર કોઈ પક્ષીનો માળો તો નથીને . જો પક્ષીનો માળો હોય તો તે બીજુ ઝાડ અને બીજી ડાળ શોધતો. સૂકકા લાકડા મળે તો તે પહેલા વીણી લેતો. પછી જરૂર મુજબ જ લાકડા કાપતો. લીલા ઝાડને તે કાપતો નહીં. ક્યારેક સૂકી ડાળ પર માળો હોય તો તે ઝાડ પર ચડીને જોઈ લેતો. તે જોઈ લેતો કે માળામાં બચ્ચાં તો નથીને. પક્ષીના માળામાં ઈંડા તો નથીને.

કનુ સાથે એનો દીકરો કરણ પણ ક્યારેક જંગલમાં જતો. કરણ નાનો હતો. ત્યાં એને જુદા જુદા પક્ષીઓ જોવાની મજા આવતી. પક્ષીઓનો કલરવ તે સાંભળતો. પક્ષી જેવો અવાજ કાઢે એવો જ અવાજ કાઢવાનો તે પ્રયત્ન કરતો. ક્યારેક કોયલની જેમ ‘કૂ..ઊ..ક’ બોલતો. ક્યારેક કબૂતરની જેમ ઘૂ,,ઘૂ..ઘૂ.. એવો અવાજ કાઢતો.

આકાશમાં ઊંચે ઊડતાં પક્ષીઓની હાર તે જોતો. કરણ જોતો કે પક્ષીઓનું ઝુંડ ઊડતું હોય તો એક સરખી રીતે જ ઊડતું. કોઈ પક્ષી એમાંથી આડુ અવળું ઊડતું નહીં. એને કૂતૂહલ થતું કે પક્ષીઓને કોઈ સૂચના આપતું નથી. છતાં બધાં પક્ષીઓ હારબંધ ઊડતાં હતા. નિશાળમાં એમને પરાણે હારબંધ ઊભા રાખવા પડતાં હતા. તો ય કોઈને કોઈ તો સીધી હારની બહાર હોય જ.

કરણ ભણવામાં હોંશિયાર હતો. એ શાળામાં જતો. એના સુકલકડી શરીરમાં ચપળતા ભરી હતી. એ દોડવામાં હમેશા પહેલો નંબર આવતો. એમના સાહેબને વસતિ ગણતરીના કામ માટે જવાનું હોય ત્યારે તે વર્ગનું ધ્યાન રાખતો. ગણિતના દાખલા ગણાવતો. ગુજરાતીમાં પાઠ વંચાવતો. જેને ન આવડે તેને શીખવાડતો. એટલે બધાં કરણની વાત માનતા. એને પક્ષીઓના અવાજ કાઢતા આવડતા હતા. એટલે જુદા જુદા પક્ષીઓના અવાજ કાઢીને સૌને આનંદ પણ કરાવતો. એ બિલાડીનો અવાજ કાઢતો ત્યારે તો વર્ગની બારી પાસે ઘણા કૂતરા ભેગા થઈ જતાં.

નિશાળમાં રજા હોય ત્યારે કરણ જંગલમાં ખાસ જતો. એના પિતાને લાકડા ભેગા કરવામાં મદદ કરતો. ઝાડ પર ઝડપથી ચડી જઈને પક્ષીઓના માળા જોતો. માળામાં ઈંડાનું નિરીક્ષણ કરતો.

માળામાં કેવા ઈંડા છે?

કેટલા ઈંડા છે?

ઇંડાનો રંગ કેવો છે? સફેદ છે કે કાબરચિતરા?

આ બધુ નિરિક્ષણ તે કરતો. આ બધુ જોવામાં ઘણો સમય જતો રહેતો. એટલે એ સમયે પક્ષીઓ માળા પાસે આવી શકતા નહીં.

પક્ષીઓ દૂરથી પોતાના માળાને જોયા કરતાં. પોતાના માળા પાસે તે આવી શકતા નહોતા.

પક્ષીઓએ પોતાની મૂંઝવણ પક્ષીરાજ ગરુડને કરી.

પક્ષીરાજે પૂછ્યું: “એ તમારા માળાને નુકશાન પહોંચાડે છે?”

“ના રે ના. એ નુકસાન તો નથી કરતો.

“ઈંડા લઈ જાય છે?”

“ના રે ના. ઈંડા પણ લઈ જતો નથી. બસ એ તો માળા પાસે બેસી રહે છે.”

“તો પછી તમારે હવે ગભરાવાની જરૂર નથી. હું એને સઝા કરીશ. એ જ્યારે આવે ત્યારે મને કહેજો.”

પક્ષીરાજે કહ્યું એટલે બધા પક્ષીઓ પોતાના માળા પર પહોંચી ગયા.

હવે કરણ જંગલમાં ક્યારે આવે તેની રાહ જોવાની હતી.

એક દિવસ રજા હતી.

કનુ કઠિયારાની સાથે કરણ જંગલમાં આવ્યો.

પક્ષીઓએ કરણને જોયો એટલે તરત જ ઊડતાં ઊડતાં પક્ષીરાજ પાસે પહોંચી ગયાં.

પક્ષીરાજ ઊડતાં ઊડતાં આકાશમાં ઊંચે સુધી ગયાં. ત્યાંથી તેમણે કરણને એક ઝાડ પર ચડતા જોયો. પક્ષીરાજે ઝડપથી નીચે આવી કરણને પોતાના વિશાળ પગ વડે કમરમાંથી ઊંચકી લીધો. એતો કરણને લઈને ઊંચે ને ઊંચે ઊડવા લાગ્યા.

“મને આમ ઊંચકીને કેમ લઈ જાવ છો?’” કરણે ગભરાયા વગર પૂછ્યું.

“તું પક્ષીઓના માળા પાસે બેસી રહે છે. પક્ષીઓ માળા પાસે આવી શકતા નથી.”

કરણને પોતે માળા પાસે બેસી રહીને કેવી ભૂલ કરી હતી એ સમજાયું.

“હવે હું એવી રીતે માળા પાસે નહીં બેસું.” કરણે કહ્યું.

“તો હું તને હળવેકથી નીચે ઊતારી દઇશ.” પક્ષીરાજે કહ્યું.

પક્ષીરાજ ઊડતાં ઊડતાં એક બેટ પાસે આવ્યા. કરણને ધીમેકથી બેટ પર મૂકી દીધો. કરણને બેટ પર મૂકીને પક્ષીરાજ તો જંગલમાં જતાં રહ્યા.

કરણ બેટ પર એકલો જ હતો. સામે દૂર જમીન દેખાતી હતી. ત્યાં પહોચવા માટે તરતા તરતા જવું પડે. કરણને તરતાં નહોતું આવડતું.

હવે? શું કરવું?

જમીન સુધી પહોંચવા માટે કોઈ ઉપાય ખોળી કાઢવાનો હતો. કોઈ ઉપાય મળી આવે એ માટે કરણ તો મોટે મોટેથી ગણિતના આંક અને ઘડિયા બોલવા લાગ્યો. બોલતા બોલતા એને એના સાહેબ યાદ આવ્યા. સાહેબ જ્યારે વસતિ ગણતરી કરવા જતાં ત્યારે કરણ બધાનું ધ્યાન રાખતો. કરણને ઉપાય મળી ગયો. તે હવે દોડીને જમીન પર પહોંચી જવાનો હતો.

કરણ મોટેથી બોલવા લાગ્યો.

જલચરો ઑ જલચરો;

ઉપર આવો જલચરો,

કરણની વાત એક માછલી સાંભળી ગઈ.

માછલીએ કરણને પૂછ્યું: “કેમ શું છે? અમારે કેમ બહાર આવવાનું છે?”

“મારે આ સમંદરમાં કેટલા જલચરો છે એ ગણવા છે.” કારણે કહ્યું.

“અમારી ગણતરી કરવી છે? તો તો ઊભા રહો હું બધાને બોલાવી આવું.” માછલી તો બધા જલચરોને બોલાવવા ગઈ.

થોડીવારમાં તો જલચરોનું મોટું ટોળું થઈ ગયું.

“માછલીબેન, બધા આવી ગયા ? કોઈ બાકી છે?” કરણે પૂછ્યું.

“ના રે ના કોઈ બાકી નથી.”

“તો હવે હું તમે કેટલા છો એની ગણતરી શરૂ કરીશ. પણ આમ ટોળામાં રહેશો તો મને ભૂલ પડશે. એમ કરો. બધા અહીંથી સામેની જમીન સુધી એક હરોળ બનાવી દો.” કરણે કહ્યું.

જલચરો તો પોતાની ગણતરી થવાની હતી એટલે રાજીના રેડ થઈ ગયાં હતા. બધા એક પછી એક હરોળમાં જમીન સુધી ગોઠવાઈ ગયાં.

“ચાલો હવે હું ગણતરી શરૂ કરું છુ, કોઈ પોતાની જગ્યાએથી હાલતા નહીં.” એમ બોલીને કરણે સૌથી પાસેના જલચરની પીઠ પર પગ મૂકી કહ્યું: “એક” , પછી બીજાની પીઠ પર પગ મૂકીને બોલ્યો “બે.” આમ જલચરોની પીઠ પર પગ મૂકીને એકડા બોલતો બોલરો કરણ છેક સામેની જમીન સુધી પહોંચી ગયો.

અહીંથી તો એને પોતાનું ઘર જોયું હતું. હવે ઝડપથી ઘરે પહોંચવાનું હતું. કરણ દોડવા લાગ્યો. દોડતા દોડતા તે પોતાના ઘરે પહોંચી ગયો.

ઘરે તેના બાપા અને બીજા પાડોશીઓ ચિંતા કરતાં હતા.

ગરુડ કરણને ઉપાડીને ક્યાં લઈ ગયો હશે?

કરણને જોઈને બધા રાજી થયા. કરણે પોતે બેટ પરથી અહી સુધી કેવી રીતે આવ્યો એની વાત કરી. કરણને એકડા અને ઘડિયા આવડતા હતા. એટ્લે એને ઉપાય જડી આવ્યો. ખરેખર કરણની ચતુરાઇ જોઈ એના ભાઈબંધો પણ ખુશ થઈ ગયાં.

કિશોર પંડ્યા

એ-101, નિર્મલ રેસિડેન્સી, ‘રજવાડું’ પાસે, જીવરાજ પાર્ક, વેજલપુર, અમદાવાદ-380 051

kisspandya@gmail.com Mobile No.9825759666