02 - Sorthi Santo - Sat Devi Das in Gujarati Biography by Zaverchand Meghani books and stories PDF | 02 - Sorthi Santo - Sat Devi Das

Featured Books
Categories
Share

02 - Sorthi Santo - Sat Devi Das

સોરઠી સંતો

(સંત દેવીદાસ)

ઝવેરચંદ મેઘાણી



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

સંત દેવીદાસ

મહાશિવરાત્રિનો મોટો તહેવાર હતો. ભક્તિના નશામાં મસ્તાન બનેલો દરિયો રત્નેસ્વર મહાદેવની ગુફામાં કેમ જાણે લીલાગર ઘૂંટતો હોય તેવી ખુમારીથી ભરતીનાં જળ એ સાંકડા ભોંયરામાં પેસતાં હતાં ને પાછાં ઘુમ્મરો ખાઈ ખાઈ બહાર ધસી આવતાં હતાં. કોઈ બરકંદાજની નજરથી નિહાળીએ તો જાણે કે રત્નાકર એક પ્રચંડ તોપની અંદર દારૂગોળો ઠાંસી રહ્યો હતો.

સોરઠને ઉગમણે કિનારે એક એકાન્ત સ્થાનમાં અરબી સાગરનું એ અંતર્ગત નાનું તીર્થ આવેલું છે. પૃથ્વીનું પેટાળ ભેદીભેદીને રત્નાકરે એ ભોંયરું રચ્યું, ને માનવીઓએ કોણ જાણે કયા અકળ કાળમાં એ ભોંયરાને ઊંડે છેડે શિવલિંગ બેસાડ્યું. માનવજાતિનો હરેક મહાન સંસ્કાર જમાને જમાને ભયાનકતાનું શરણ લેતો આવ્યો છે. એ જ અવસ્થા ધર્મ નામના માનવસંસ્કારની થતી આવી છે. ધર્મનાં મૂળિયાં ઢીલાં પડ્યાં ત્યારે એણે ભીષણતાને પોતાની બહેન બનાવી લીધી.

રત્નેશ્વર મહાદેવની એ ગુફામાં ધસતાં ને પાછાં ઉલેચાતાં સાગરજળ નિહાળતાં કાચાં હૈયાં થરથરી ઊઠે.

પ્રભાતને પહોર ચડતો હતો ત્યાં જ પાસેના દિયાળ ગામમાંથી બ્રાહ્મણોનાં જૂથ ઊમટવા લાગ્યાં. તેઓની જોડે લીલાગર ઘૂંટવાની ખરલો, છીપરો, ઉપરવટણા, ભાંગનો મસાલો ને મોટાં રંગાડાં પણ આવી પહોંચ્યાં.

ભરતી પાછી વળી ત્યારે રત્નાકરે રત્નેશ્વરનું ભોંયરું ખાલી કરી દીધું. ભયાનકતા દૂર ચાલી ગઈ. બ્રાહ્મણો અંદર ઊતરીને ભોંયરામાં પેઠા ને પાણી પાછું કદાપિ ચડવાનું જ નથી એવા પ્રકારની વિશ્વાસભરી લહેર કરતાં સહુએ શિવલિંગ સમક્ષ સુખડ ઘસીને લલાટો પર સુંદર ત્રિપુંડો ખેંચ્યાં. ગુફાનું પોલાણ ‘બોમબોમ ભોળા’ના ઘેરા અવાજોથી ભરપૂર બની ગયું.

“કેદાર !” બેઠેલા જૂથમાંથી એક ત્રિપુંડધારીની હાક પડી : “તું અહીંથી બહાર નીકળ.”

“કોણ, કેદારિયો આવ્યો છે ? માર્યા રે માર્યા,” એવું બોલતાં બીજાઓએ પણ એક માણસને નિહાળી પોતાનાં આસનો જરા છેટાં જમાવ્યાં.

“બહાર નીકળ આ તીર્થમાંથી !” પ્રથમ વારનો અવાજ ફરીથી વધુ જોરાવર બનીને વછૂટ્યો.

“પણ મારો વાંક શો છે ?” કેદારે દૂબળો સવાલ કર્યો.

“વાંક !” બે વાર બોલેલા એ ભવ્ય પુરુષે ફરીથી ગુફાને ગુંજાવીઃ “હજુંય તું હાથે ખેડ કરતો અટક્યો છે ? તમામ બ્રાહ્મણોએ પોતાની જમીનો કોળીઓને ખેડવા દીધી, તે છતાં તેં હજુ તારી હઠીલાઈ છોડી છે ? તારા દેદાર તો જો ! તારું ધરતીનાં ઢેફાં સાથેનું જીવતર, તારાં સ્નાનશૌચનાં ઠેકાણાં ન મળે : તારાં લૂગડાં આ ગુફાને ગંધાવી મૂકે તેવાં : તું મનુષ્ય છે ? વિપ્ર છે ? મહારાજ સિદ્ધરાજે વિપ્રોને આ જમીન આપી તે પશુ જોડે પશુ બનવા માટે ? કે ધર્મની રખેવાળી માટે ?”

“પણ પૂજારીજી !” સુખડ ઘસતા બ્રાહ્મણોમાંથી એક જણ બોલી ઊઠ્યો : “તમે એ બધી વાતો કરો છો, ને મુદ્દાની વાત પર તો આવતા જ નથી.”

“શી, શી છે મુદ્દાની વાત ?” બીજાઓએ પૂછ્યું.

“હા, હું જાણું છું. હું હમણાં જ એ કહેવાનો હતો. કેદાર, તારી માને રક્તપિત્ત છે, છતાં તેં હજુ એને ઘરમાં સંઘરી મૂકી છે. રત્નાકર રોજ રાતે મારા સપનામાં આવીને જવાબ માગે છે, મને આજ્ઞા કરે છે કે મારો ભોગ મને હજુ સુધી કાં નથી અર્પણ કરી દેતા ?”

“હું શું કરું !” કેદાર નામનો ચૂપ બેઠેલો ખેડુ બ્રાહ્મણ બીતો બીોત બોલ્યો. એના શરીર ઉપર કંગાલી છવાઈ ગઈ હતી. એના માથામાં ઉંદરીની રસી વહેતી હતી ને એને ગળે, હાથે, પગે છારી વળી ગઈ હતી. આસપાસ બેઠેલા તમામ ઘાટીલા, નાજુક, સ્વચ્છ ને રંગીલા દેખાતા વિપ્રો વચ્ચેથી કેદારની શિકલ બહાર તરી નીકળતી હતી.

“શું કરું એટલે, ભાઈ ?” પૂજારીનો સૂર જરા નરમ પડ્યો. “રક્તપિત્ત એ રોગ નથી, બાપા ! એ તો પાપ છે. મહાપાપ છે. એ પાપ પૃથ્વી ઉપર સમાય નહીં. એ પાપ તો એકલી તારી માને જ નહીં, પણ તારા કુળને, તારાં બાળબચ્ચાંને, તારા વંશવેલાને, અરે, આખા ગામને ભરખી જશે. એ પાપને તો સંઘરે છે એક મારો નાથ રત્નાકરદેવ. હવે સમજ પડી ?”

કેદાર આ બધું સાંભળતો હતો, ત્યારે એનું મોં એનાં બે ઘૂંટણોની વચ્ચે દટાયું હતું. પોતાની આંખોને એણે બે હાથની અદબની પાછળ છુપાવી દીધી હતી.

“સમ પડી કે, બાપા ?” એ સવાલ ફરીથી સંભળાયો.

કેદારે માથું ઊંચું કરીને પૂજારી સામે ડોકું હલાવ્યું ત્યારે એની પાંપણો ભીની હતી.

“જા, ઊઠ ત્યારે, તારી મા પાસે સંકલ્પ કરાવ. આવતી પૂનમનું પ્રભાત અતિમંગલ છે. હું મધુવન, મેથળા, કોટડા, કળસાર, ગોપનાથ, તળાજું વગેરે સ્થળોમાંથી વેદવાન વિપ્રોને તેડાવું છું. જા, તું તારી માને મનાવ. કહેજે કે આમાં તો મહાપાપનું નિવારણ રહ્યું છે. ને જન્મ્યું તેને એક વાર મરવું તો છે જ ને ?”

“ને વળી, પૂજારીજી !” બીજા વિપ્ર બોલી ઊઠ્યા : “આ રોગ લઈને જીવવું એ તો મરવા કરતાંય વધુ ભયંકર નરકવાસ જ છે ને ?”

“ને આપણે આંગણે રત્નેશ્વર બિરાજેલ છે. આપણું ગામ તો અનેક આવાં મહાપાપીઓનું, અશરણોનું શરણ છે. આ ટીંબે તો ગામેગામથી પતિયાં, કોઢિયાં રત્નાકરને ખોળે બેસવા ચાલ્યાં આવે છે. તો પછી તીર્થ જ જેઓનું છે તેઓના જ શા ભોગ કે તેમને લાભ લેવાનું સૂઝતું નથી ?”

કેદાર ત્યાંથી ઊઠ્યો.

“મને કોઈ લોટો પાણી દેશો ?”

એ ક્ષીણ અવાજ ઢોરની નીરણ ભરવાના ઓરડાના ઊંડાણમાંથી આવતો હતો. બાજુના ઓરડામાંથી કોઈ જવાબ દેતું નહોતું. ફરીથી એનો એ જ સાદ નીકળ્યો : “વહુ, બેટા, મને એક લોટો પાણી રેડશો ? તરસ બહુ લાગી છે.”

ફળીમાં બીજાં ત્રણચાર ઘર હતાં. ત્યાંનાં રહીશો આ પાણીની માગણી સાંભળતાં હતાં; ને અંદરઅંદર વાતો કરતાં હતાં કે ‘કોઢણી બોકાસાં નાખે છે, વહુ ઘરમાં લાગતી નથી. શું કરવું, બાઈ ! રોજનું થિયું : એનો ઓછાયોય ભેંકાર કે’વાય, માડી !”

આટલી વાતો પતાવીને પછી પાછાં પાડોશીઓ પોતપોતાને કામે લાગતાં હતાં. કોઈક સ્ત્રી બોલી ઊઠતી : “ઠીક સાંભર્યું, મારી વાછરડી ક્યારનીય ભાંભરડાં દિયે છે. તરસી થઈ હશે, લે પાણી પાઉં.” એમ બોલીને એ પોતાની વાછડીને પાણી પાવા દોડતી હતી.

પરસાળ ઉપરના પાણિયારાની નીચે ત્રણચાર સડેલાં તેમજ સાજાંતાજાં કૂતરાં આવી કૂંડામાંથી પાણી પી જતાં હતાં, નીચે પડેલ હાંડાની અંદર પણ જીભ નાખતાં હતાં. એ સહુને પાણી મળી રહેતું, પણ ઘાસના અંધારા ઓરડામાંથી ‘કોઈ પાણી દેશો ?’ના અવાજની સંભાળ લેવા કોઈ ત્યાં નહોતું ડોકાતું.

“લાલા, બેટા, વહુ ક્યાં ગઈ છે ? કોઈ પાણી દેશો ?”

એવા ચોથી વારના અવાજે બાજુના ઓરડાનું ઘોડિયું સળવળાવ્યું. અંદરથી એક ત્રણેક વર્ષનો છોકરો મહેનત કરીને નીચે ઊતર્યો. સાદ જ્યાંથી આવતો હતો તે ઓરડાની બહાર ઊભો રહ્યો. પૂછ્યું, “કોણ છે ?”

“લાલા, બેટા, હું છું.”

“મા છે ?”

“હા, બેટા.”

“મા, શું છે ?”

“મારે પાણી પીવું છે, કોઈ ઘરમાં નથી ?”

“હું છું.”

“બહાર કૂંડામાં પાણી છે ?”

“નથી.”

“ઠીક ત્યારે, કંઈ નહીં, બેટા ! તારી બાને આવવા દે.”

“મા, તમે અંધારે અંધારે કેમ બેઠાં છો ? તમે ખડ ખાવા બેઠાં છો, મા ? તમે બહાર આવોને, મા !”

“લાલા, બેટા, મારાથી બહાર અવાય નહીં. કોઈને મોં દેખાડાય નહીં.”

“મા, મારે તમારું મોં જોવું છે.”

“ના, બેટા, મારું મોં બહુ વહરું છે. મારું નાક ને મારા હોઠ ખવાઈ ગયા છે. તું મને ભાળીને બી જા, બેટા !”

“નહીં બીઉં, મા. તમને અહીં કોણે રાખ્યાં છે, મા ? બાએ ? બાપુએ ? બાને હું મારું ? બાપુને હું મારું ? મા તમે મને રમાડો. તમે મને વાર્તા કહો, તમે મને હીંચોળો, મને હાલાં કરો.”

જવાબમાં કશો અવાજ આવ્યો નહીં, ફક્ત એક નિઃશ્વાસ સંભળાયો.

“મા, તમારું નાક ખવાઈ ગયું છે ? મારે જોવું છે. કોણ ખાઈ ગયું?”

“નહીં, બેટા, ન જોવાય. આવતો ના, હોં.”

નાનો બાળક આ નકારને ગણકાર્યા વગર અંદર ચાલ્યો. એની ઝાંઝરી ખકડી એટલે અંદરથી અવાજ થયો : “ન અવાય, બેટા લાલા ! બહાર રે’જે ! બહાર રે’જે ! મને ન અડાય.”

આટલું કહેતાં તો નાનો બાળક છેક પાસે પહોંચી ગયો. જ્યાં પહોંચ્યો ત્યાં અસ્પષ્ટ અજવાસ હતો. જઈને એ ત્યાં બેઠેલાં દાદીમાના ખોળામાં ચડી બેસી ગયો.

દાદીમાએ મોં ઉપર ઓઢી લીધું. હાથનાં આંગળાં છુપાવી દીધાં. ઉપરાઉપરી પોકાર કરવા લાગી : “તને વળગશે ! બેટા, તને વળગશે ! તું ન અડતો મને.”

‘હી-હી-હી-હી, મા,” નાના બાળકને જાણે કે ઘણા દિવસ પછી પોતાનું કોઈ ગુમ થયેલું રમકડું જડી ગયું. દાદીમાનો ઘૂમટો પણ ખોલાવવા એ ખેંચાખેંચ કરવા લાગ્યો : “ઉઘાડો, મા. ઉઘાડો. મોઢું ઉઘાડો !”

“લાલા, બેટા, કોઈને કહી ન દે તો ઉઘાડું.”

“નહીં કહી દઉં. ઉઘાડો.”

દાદીમાએ ઘૂમટો ખોલ્યો. એ મોં ઉપરથી મૃત્યુએ બટકાં ભરી લીધાં હતાં. રસી અને લોહી ટપકતાં હતાં. દુર્ગંધની મિજબાની ઉડાવતી માખીઓ બણબણવા લાગી.

બાળકે એક નવીન જ ચહેરો દીઠો. એણે દાદીમાને વેશપલટો કરીને બેઠેલ દીઠાં. મા, મા કરતો એ ભેટી પડ્યો.

બરાબર એ જ વખતે રત્નેશ્વરની ગુફાએથી કેદાર આવી પહોંચ્યો ને રક્તકોઢણી માતાના ઓરડા પાસે જતાં જ એણે ભયાનક દૃશ્ય જોયું : પોતાના એકના ઉક પુત્ર લાલાને જ એ ડાકિની જાણે કે ખાઈ જઈ રહી હતી.

“ડોકરી !” એણે બૂમ પાડી : “મારો છોકરો ભરખવો છે ? હજુય તને જીવવાનું ગમે છે ? રત્નાકર તારી વાટ જુએ છે. હવે તો ભલી થઈને જા !”

છોકરાને ખેંચી લઈ છાણ વતી સ્નાન કરાવ્યું, ખૂબ માર માર્યો. છોકરો ઊંઘી ગયો ત્યારે એ ઊંડા ઘરમાંથી ડોશીએ પૂછ્યું : “ભાઈ, મુરત જોવરાવીશ, બેટા ?”

પૂનમની આગલી રાતે રત્નાકરને ભોગ ચડાવવાનું નક્કી થઈ ચૂક્યું હતું. અને એ પતી ગયે કેદાર પાસેથી ચોર્યાશીનું જમણ ક્યારે લેવું તેની ચર્ચા ચાલતી હતી. મોડી રાતે ગામલોક નીંદમાં જંપી ગયા પછી એક સ્ત્રી ડગુમગુ પગલાં ભરતી બહાર નીકળી. એની ચાલ્ય ચોરના જેવી હતી કેમ કે એ માનવસમાજ પાસેથી અક્કેક દિવસ ચોરી લઈને જીવતી હતી. એ કેદારની મા હતી.

રાતના અજવાસમાં રેતીના પણ્યાને (ઢગલાઓને) ખૂંદતી ખૂંદતી એ દરિયાકિનારે ગઈ. આજે ત્યાં એક શિવલિંગ છે. ને ચાર ખૂણે ચાર પાયા છે. પૂર્વે તે શિવાલય હશે એમ મનાય છે. આજે એને લોકો ‘બથેશ્વર’ નામે ઓળખે છે.

“હે બથેશ્વર દાદા !” કેદારની માએ પ્રાર્થના કરી : “મારા કેદારને હું તમારા વરદાનથી પામી હતી. તમે મારી બાથમાં સમાઈ ગયા’તા. આજ મારો પેટનો જણ્યો જ ઊઠીને મને દરિયો બૂરવાનું કહે છે. પેટનો પુત્ર બદલી બેઠા પછી ધરતી ઉપર પણ જળપ્રલય થયા જેવું જ લાગે છે. તમારી રજા માગું છું. મારા કેદારનો લાલો છે ને, એની રક્ષા કરજો.”

પ્રભાતે કેદારની માનો વાજતેગાજતે વરઘોડો નીકળ્યો.

ડોશીએ પોતાનું વિકૃત થયેલું મોં ઢાંકી દીધું હતું. પોતાનાં ખાવાપીવાનાં ઠામડાં એણે સાથે લીધાં હતાં. પોતાનાં લૂગડાંની પણ બચકી માથા ઉપર ચડાવી હતી.

“ભાઈ કેદાર,” ડોશીએ એક બાજુએ ઊભા રહીને કાકલૂદી કરી : “લાલો ક્યાં છે ?”

“લાલાને રમતા તેડી ગયા છે.”

“લાલાને સાચવજે, હો ભાઈ ! આપણી જાંબલી ગા છે ને, તેનો વેલો બીજા કોઈ બ્રાહ્મણને આંગણે નથી, માટે એને વેચી દેતો નહીં ને તુંને પેટમાં દુઃખાવો ઊપડે છે માટે મઠ ખાતો નહીં, મઠ તને જરતા નથી.”

ડોશીની આખરી વેળાની આવી ભલામણો સાંભળીને બ્રાહ્મણો હાંસીની મોજ માણતા હતા.

ફક્ત કેદાર જ મોં ફેરવીને ઊભો હતો. ‘હો’ ‘હો’ જેટલો પણ એનાથી ઉચ્ચાર ન થઈ શક્યો. પેટનો દુઃખાવો, મઠ, જાંબલી ગાયનો વેલો, વગેરે વાતોમાં તે એવી શી કરુણતા ભરી હતી કે જેણે કેદારને રોવરાવ્યો ? કોઈ ન સમજી શક્યું. મૃત્યુના મુખમાં ઊભેલી એ ગ્રામ્ય ડોશીનાં નાક-મોંમાંથી વહેતાં લાળલીંટ અથવા એના બોખા મોં વચ્ચેથી ઊડતું થૂંક પણ સહુની હાંસીને પાત્ર બની ગયાં.

“આ રક્તપીતણીનેય સંસાર કેવો ગળે વળગી રહેલ છે !” પ્રેક્ષકોએ કુદરતની કરામતમાં અચંબો અનુભવ્યો.

તમામ સામૈયું રત્નેશ્વરના ઊંચા ભાઠા ઉપર પહોંચ્યું. ભાઠો બરાબર રત્નેશ્વરના ભોંયરાની ઉપર ઊંચો ટેકરો છે. સુખી સહેલગાહી જનોને એ ઊંચા પૃથ્વીબિંદુ ઉપરથી સમુદ્ર વાદળીઓની જોડે ગેલ કરતો ભાસે છે ને જળતરંગોમાં નાગકન્યાઓ દેખાય છે. દુઃખીને એ ભેખડની ટોચ ભયાનક લાગે છે. આ ખડકનું શિખર મરવાનો જેને ખરો મોકો આપે છે, તેને જગતમાં પાછા જઈ જીવવું ગમે છે.

ગામલોક દૂર અટકીને ઊભા. ડોશી રત્નાકરની સામે જોઈ ઊભી થઈ રહી.

“જોજે એલી, પાછું વાળીને જોતી નહીં હોં, નીકર અમારું સત્યાનાશ નીકળી જશે.”

“હો ભાઈ.”

ને ડોશી ચાલી. એણે પોતાના હાથ ઊંચા કરીને પછવાડે નજર કર્યા સિવાય જ સહુને છેલ્લા રામરામ કહ્યા.

છેક ટોચે જઈને ડોશી ઊભી રહી. રત્નાકર હડૂડતો હતો.

“હાં, ડોશી, હવે હિંમત રાખીને કૂદી પડ.” લોકોમાંથી પૂજારીએ સાદ પાડ્યો.

“શાબાશ, ડોશી.”

“રંગ, ડોશી !”

“જવાંમર્દ, કેદારની મા.”

“દુનિયામાં કશું અચલ નથી, ડોશી.”

“જો વૈકુંઠનાં વેમાન તારે સારુ ઊતર્યાં આવે છે, ડોશી.”

એકાએક ડોશી ત્યાંથી પાછી વળી, દોટ દઈને નાઠી. ચીસો પાડી કે, “ભયંકર ! ભયંકર ! મારે નથી જવું. રત્નાકર ભયંકર દેખાય છે.”

“નથી જવું ?” પૂજારીએ ત્રાડ પાડી, “નથી જવું, એમ ? અલ્યા દોડો, લાકડીઓ અને પથ્થરો મારીમારીને નાખો ડોશીન અંદર. સામૈયું શું અમથું કઢાવ્યું ત્યારે ?”

બ્રાહ્મણોએ ડોશીને હડકાઈ કૂતરીની પેઠે પથ્થરો માર્યા. બુમરાણ મચી ગયું. ખીજે ભરાયેલો દરિયાવ પોતાની લાખ લાખ ફેણો પછાડીને ફૂંફાડા મારતો હતો.

પૂજારી બોલી ઊઠ્યો : “પધરાવો અંદર, નીકર ડાકણ સહુને વળગી જાણજો. રત્નાકરનો ભક્ષ છે, ભાઈઓ !”

ફરીથી બધા એને તગડીને ટોચ ઉપર લઈ ગયા. બરાબર તે જ વખતે રેતીના પણ્યાની પછવાડેથી એક માણસ દોડતો આવ્યો હતો ને પોકારતો હતો કે -

“ઘડીક ઊભા રે’જો. ઘડીક રોકાઈ જજો.”

“ઊભા રહો, થોડી વાર થોભી જાઓ !” એ અવાજ કાને પડતાં જ પુરોહિતને ધાસ્તી લાગી. રત્નાકરને બલિદાન નહીં ચડે તો પોતાનું ને ગામનું નિકંદન નીકળી જશે : નક્કી કોઈ આ પવિત્ર કાર્યમાં વિઘ્ન નાખવા આવી રહેલ છે.

“ઊભા રહો !”નો સાદ નજીક આવ્યો. સાદ પાડનાર માનવી દરિયાકાંઠાની ઝીણી લોટ જેવી રેતીના પણ્યામાં પછડાતો આવતો હતો. આ વખતે એણે પછડાટી ખાધી, કે તત્કાલ પુરોહિતે ભાઠા ઉપર દોટ દીધી. બીજા સહુ માણસો સ્તબ્ધ બની ઊભાં હતાં તેની સામે લાલ આંખો બતાવતો પૂજારી ભાઠાની ટોચ ઉપર પહોંચ્યો.

ડોશીનું દયામણું મોં એની સામે તાકી રહ્યું હતું પણ એ મોં ઉપર દયાનો ભાવ ઊઠી જ શી રીતે શકે ? રક્તપિત્તના રોગે મનુષ્યના મુખનો, સ્ત્રીના મુખનો સ્વચ્છ અરીસો છૂંદી નાખ્યો હતો.

ડોશીએ બે હાથ જોડવા પ્રયત્ન કર્યો, પણ એની આંગળીઓ ખવાઈ ગઈ હતી તેથી એની હાથતોડ પણ ભયાનક લાગી. એણે કહ્યું : “બાપુ, પૂજારી બાપા, મને જીવવા દ્યો. મારાથી રત્નાકરનું રૂપ અત્યારે જોયું જાતું નથી. બહુ ભયાનક ! બહુ ભયાનક ! મને જીવવા દ્યો. મારા લાલિયાને જોવા માટે જીવવા દ્યો.”

એ કાકલૂદી સાંભળવા જેટલો પૂજારીને સમય નહોતો. એણે ‘જય રત્નાકર !’ કહીને ડોશીને ભાઠાની કોર સુધી ધકેલી જઈ એક નાનકડો ધક્કો દીધો. ડોશી ગઈ.

ને પાછા વળતાં જ એણે પેલા દોડ્યા આવતા આદમીની પછવાડે બીજા કેટલાક લોકોને સીમાડા પર ધસ્યા આવતા જોયા.

“માનતા પહોંચી ગઈ. હવે ભાગો, ભાઈઓ !” બોલીને પૂજારીએ ગામ તરફ દોડવા માંડ્યું. બ્રાહ્મણો અને બીજાં જોનારાં પણ તેતર પક્ષીના ઘેરાની પેઠે વીખરાયાં.

દોડ્યા આવતાઆદમીએ દરિયાનાં પરસ્પર અફળાતાં મોજાં ઉપર ડોશીના દેહને એક લાકડાના કાળા ટુકડાની પેઠે રોળાતો ને ટિપાતો જોયો. થોડી વાર ડોશીના દેહ ઉપર ને થોડી વાર નાસી જતાં મનુષ્યો ઉપર એની નજર દોડવા માંડી. એ બૂમ પાડવા પ્રયત્ન કરતો હતો કે, “કોઈ દોડો, આ બાઈને બચાવો !” પણ સ્વપ્નમાં બૂમ પાડવા મથનાર સૂતેલા માણસની માફક એનો અવાજ એના તાળવામાં જ ચોંટી રહ્યો. બૂમ પાડીને જેને બોલાવે એવું કોઈ કરતાં કોઈ મનુષ્યત્યાં નહોતું. પછવાડે દોડ્યાં આવનારાં લોકો હજુ દૂર હતાં. દરમિયાન ડોશીના શરીરને દરિયાના ગગડતા લોઢ ખેંચી જતા હતા.

ના, ના, એણે ફરીથી નજર કરી ત્યારે સમજાયું કે ડોશીને ઝડપવા માટે મોજાંઓની વચ્ચે મારામારી ચાલતી હતી. એક દળ દરિયા બાજુ ખેંચતું ને બીજો સમૂહ પૃથ્વી તરફ જ કાઢી નાખવા ઇચ્છતો હતો.

ધરતી બાજુ જતાં મોજાંએ વધુ જોર કર્યું. ડોશીને મરણ મોજાંની દાઢમાંથી છોડાવી, કળસારીના નેસ તરફને કિનારે ધકેલવા માંડી.

ભાઠા ઉપર ઊભેલ આદમી કાંઠે કાંઠે દોડ્યો. એના મોં ઉપર આશા અને આસ્થાનું તેજ ચમકતું થયું. એણે દરિયાની અનંત નીલિમા સામે હાથ જોડીને આરજૂ ગુજારી કે ‘હે મહેરામણ ! જીવતું માનવી પાછું પૃથ્વીને દઈ દે. ધરતીએ તારું કાંઈ બગાડ્યુ નથી ને, ઓ રત્નાકર ! તારા નામનાં તો અમે અહીં ધરતી ઉપર બિરદ આપીએ છીએ. અમે મોટા મનનાં મનુષ્યોને સાગરપેટાં કહીએ છીએ. તું અગાધ દિલનો હો તો આ મનુષ્યને પાછું સોંપ, હે દાદા !’

બોલતો બોલતો એ કાંઠે કાંઠે દોડતો હતો. થોડી જ વારમાં એક મોજું બથેશ્વરની સપાટ રેત ઉપર આવીને ડોશીના દેહને શાંતિથી પધરાવી પાછું વળ્યું.

આદમીએ ડોશીને લાલ મડદાલના લીલા વેલા ઉપર સુવરાવી દીધી, એના બે પગ પકડીને ઊંધે મસ્તકે ઝાલી રાખી. ડોશીના મોંમાંથી પાણી નીકળી ગયું.

પછી એણે ડોશીના હાથ ઝાલીને ચક્કર ચક્કર હલાવવા માંડ્યા. થોડી વારે ડોશીનો બેભાન દેહ સચેતન બન્યો. આંખો ખોલીને એણે પોતાના ઉગારનાર સામે જોયું ત્યારે જ એ આદમીને ડોશીના પ્રેત સ્વરૂપની પૂરેપૂરી જાણ પડી.

એકાએક દૂરથી આ અજાણ્યા માણસને સ્વર સંભળાયો : “મચ્છી ! મચ્છી ! મચ્છી !”

અવાજની પછવાડે જ બંદૂકધારી બેચાર માણસો આવી પહોંચ્યા. એમનો પોશાક યુરોપી હતો. એમના ચહેરા ગોરા હતા.

એ ફિરંગીઓ હતા. કળસારની નજીક આજે પણ દરિયાની અંદરથી પાણી આવવાની સાંકડી સુકાયેલી નાળ્યો દેખાય છે; ને એ નાળ્યો ને ભેખડો ઉપર આજે પણ પાકી કોઈ ઇમારતોના પાયાપણ સાફ દેખાય છે. પૂર્વે એ પોર્ટુગીઝોનાં મોટાં ગોદામો હતાં. દરિયો છેક ત્યાં સુધી પોતાના કેડા કંડારીને નાનાં વહાણોની આવ-જા થવા દેતો. કળસાર ફિલંગીઓનું ધીકતું બારું હતું. કળસાર ગામની વચ્ચોવચ ફિરંગીઓનું પ્રાર્થના-મંદિર આજે પણ લગભગ તૈયાર ઊભું છે. પણ રત્નાકર ત્યાંથી સિપાઈને ચાલ્યો જતાં અત્યારે ત્યાં જૂની જાહોજલાલી મિટ્ટી જ રહી છે. અને દરિયાઈ નાળ્યો નીલાં જલામ્બર વિનાની નગ્ન પડી પડી ધીકે છે.

નજીક આવીને નજર કરતાં જ ફિરંગીઓ મોં ફેરવી ગયા. એમનાં મોંમાં ચીતરી ચડી ગઈ. દૂરદૂરના દેવાલય તરફ દૃષ્ટિ માંડીને બેઉ શિકારીઓ છાતી ઉપર હાથ વતી ચોકડીઓ દોરી (કોઈપણ ભયથી રક્ષા પામવાની એ એક ખ્રિસ્તીધર્મી ક્રિયા છે.) એ લોકોએ માલદાર માછીલીને બદલે એક સડેલું માનવી જોયું તેથી મોટી નિરાશામાં પડી ગયા.

“ઉસકો છોડ દો. તુમ કો લગેગા. ઉસકે ગલે મેં ટોકરા ક્યું પહેનતા નહીં ?”

એવી શિખામણ આપતા યુરોપિયનો આઘે આઘે ભેખડ ઉપર ચડી ગયા. યુરોપમાં રક્તપિત્ત અને કોઢનો રોગ એક મહાશાપ ને ભયાનક માનવશત્રુ ગણાય છે. જૂના સમયમાં રક્તપિત્તિયાને ગળે, સંધીઓ બળદોને કંઠે બાંધે છે તેવો અક્કે ટોકરો બંધાતો, અને એના મોંને કપડાથી ઢાંકી લેવામાં આવતું, કે જેથી દૂરદૂર ચાલ્યા આવતા પતિયાની છાયા તો શું, હવા સુધ્ધાં ન લેવાઈ જાય તે રીતે લોકો ટોકરના નાદ સાંભળી તરી જતાં.

જિસસ, મેરી અને બીજા અનેક સંતોને પોતાની વહારે બોલાવતા આ ગોરાઓ પછવાડે જોવાની પણ હામ હારીને જ્યારે બારા તરફ દોડ્યા જતા હતા; રક્તપિત્તનાં જંતુઓ એમની પાછળ પડીને ગરદનમાં છિદ્ર પાડી રહ્યાહોય એવો ગભરાટ જ્યારે તેઓને નસાડતો હતો, ત્યારે ડોશીના લદબદ ગંધાતા ખોળિયા ઉપર એ અજાણ્યો માણસ ઝૂક્યો હતો. એ પણ રત્નાકરને આરાધતો હતો; પણ પોતાની રક્ષાને કાજે નહીં, ડોશીની શાતાને માટે.

એના મસ્તક પર મૂંડો હતો. મૂંડા ઉપર સાધુડા જેવી વાંદરાટોપી ઢાંકી હતી. એના અંગ ઉપર જાડા પાણકોરાની ધોળી બંડી હતી. કંઠે તુલસીના સાદા પારાની માળા હતી. કમ્મરે કાછડી ઉપર એક પછેડીની ભેટ બાંધી હતી. પૃથ્વીના ચડાણ-ઉતાર બહુબહુ ખૂંદીને એના પગના પહોંચા રાંટા થઈ ગયેલા ભાસતા હતા. પગનાં પગરખાં જૂની ઓખાઈ ઢબનાં, કોઈને માર્યાં હોય તો ગાલ ફાડી નાખે તેવાં મજબૂત ચૂંકદાર હતાં.

“માડી !” એણે ડોશીને દિલાસો દીધો : “રત્નાકરે ભોગ વાંદી લીધો. હવે ભે રાખશો મા.”

ડોશીને આ સ્વપ્ન લાગતું હતું. પોતે જીવતી પાછી નીકળી છે અને જેના ફરતી પા ગાઉની હવા પણ જીવતું માની ન લ્યે એવી પોતાની જાતને આ મનુષ્ય હાથોહાથ પંપાળી રહેલ છે, પછેડી વતી રક્તપિત્ત લૂછી રહેલ છે, એ ન મનાય તેવી હાત હતી. ડોશી ચમકીને ચીસો પાડવા લાગી : “ઓય ! ઓય ! રત્નાકર ! ઓય મને ખાધઈ ! એ પૂજારી આવ્યો ! મને પાછી નાખે છે !”

“મા !” પુરુષ એને છાતીસરસી લઈને ખાતરી આપે છે : “કોઈ નહીં ખા. ર્તનાકર તો રૂપાળો તમને પખાળે છે. જુઓ તો ખરાં માડી, એનાં રૂપ ! ને પૂજારી હવે આવે તોય શું ! તમને ને મને ભેળાં બુડાડે તો ભલે. બાકી હવે તમને એકલાં તો નહીં મૂકું.”

ડોશીને આ સાચી સૃષ્ટિ વધુ ને વધુ અવાસ્તવિક લાગતી હતી. એનાથી એક જ બોલ બોલાયો - જે બોલ જનેતાના કલેજાના હજાર હજાર ચીરા ઉપર પ્રભુની મીઠી હૂંફ સમો બનેલ છે.

“બેટા !”

“મા !” પુરુષના મોં પર શ્રદ્ધાની છોળો છલકી : “મારનાર કરતાં જિવાડનાર મોટો છે.”

થોડા વખત પર સીમાડાની રેખા ઉપર જે માણસો તબકતાં હતાં તે બધાં રેતીના પણ્યાને ખૂંદતાં આવી પહોંચ્યાં. ભેખડ ઉપરથી આનંદના ધ્વની ઊઠ્યા કે, “એલા હેઈ ! આ રિયા, દેવીદાસ બાપુ આ રિયા.”

કિકિયારી પાડીને ટોળું આવી પહોંચ્યું.

વિલક્ષણ લોકવૃન્દ હતું.

કોઈ ખેડુ, કોઈ ગોવાળ, કોઈ ગામડિયો વેપારી, કોઈ દાતણ વેચનારો વાઘરી; કમ્મરે પછેડીઓ બાંધેલી. કોઈના ગળામાં પખવાજ, કોઈના હાથમાં કાંસિયા, મંજીરા, એકતારો વગેરે સમૂહગાનનાં વાજિંત્રો હતાં.

“અરે મા’રાજ !” લોકોમાંથી એક જણે ઠપકો દીધો : “ભર્યા સામૈયામાંથી ભાગી નીકળ્યા ? ગામ આખું કેટલું નિરાશ બનીને થંભી રિયું છે !”

“શું કરું, ભાઈ !” ‘મહારાજ’ અને ‘દેવીદાસ બાપુ’ના સંબોધને ઓળખ પામેલા એ પુરુષે શરમાઈને જવાબ દીધો : “મારો ધંધો જ શિકારીના જેવો થઈ પડ્યો છે ને ! કોઈ લોધીને મોટા માછલાના વાવડ દ્યો, કોઈ શિકારીને રૂડો કાળિયાર સીમમાં આવ્યાની જાણ કરો, પછી એ ઘડીભર પણ ઊભો રહી શકશે, ભાઈઓ ?”

બોલતાં બોલતાં જુવાન દેવીદાસ ડોશીનાં લોહીપરુ લૂછતા હતા.

ગામડિયા ભાવિકો હતા. છતાં તેમનાં મન પણ સુગવાતાં હતાં. શરમના માર્યા ઊભા રહ્યા, પણ મોં ફેરવીને છાનામાના થૂંકી લેતા. જરા દૂર જઈને વાતો પણ કરી લીધી કે, “ભગત જેવો ભગત થઈને લોહીપરુ ચૂંથવાની તે શીદ ચડ્યો હશે ! ઈશ્વરભજનમાં આત્મલીન નથી થયો લાગતો. જગ્યાધારી બન્યો પણ સા’યબી માણતાં આવડવી જોઈએ ને ભાઈ ?”

“ભાવિકો !” દેવીદાસે મધુર વચને પૂછ્યું : “કોઈ ગાડાનો બંદોબસ્ત થઈ શકશે ?”

“ગાડું !” ભાવિકોમાંથી એક જણે કહ્યું : “ગાડું તો આંહી અંતરિયાળ ક્યાંથી મળે, મા’રાજ !”

“ને આ બાબતમાં ગાડું આપેય કોણ ?” બીજાએ સત્ય સુઝાડ્યું.

“ત્યારે કાંઈ ખાટલાની જોગવાઈ કરશું ?” સંતે પૂછ્યું.

“હા, કરીએ તમે કહેતા હો તો. પણ - માળું - ઈ બધું આંહી - આ ધંધો !...”

એમ ભાવિકોની જીભો તૂટક તૂટક શબ્દોમાં એક ખાટલો લાવવાની ગહન સમસ્યા ઉપર તાર્કિક ચર્ચા ચલાવવા લાગી.

“ત્યારે, ભાવિકો ! આપણે એકાદ પછેડીની ઝોળી જ કરીએ તો કેમ ?”

“હા - ઈ ઠીક ! અરે ભાણા પટેલ, તમારી પછેડી લાવજો જો !” કોઈએ એક ખેડૂતને આવી સખાવતનો અગ્ર અધિકારી ઠરાવ્યો.

“મારી પછેડી તો, ભાઈ, ફાટી ગઈ છે. ભાર નહીં ખમે.”

એમ સહુએ પોતપોતાની પછેડીની નિખાલસ નિંદા કરી નાખી.

“કાંઈ હરકત નહીં, ભાવિકો !” કહેતાં જ દેવીદાસે પોતાની કમ્મર પરથી પનિયું છોડ્યું. જમીન પર પાથર્યું. રક્તપીતણીને એમાં હળવે હાથે સુવરાવીને કહ્યું : “ભાવિકો, હવે ચાર સરખા જણ આવી જાઓ. અક્કેક ખૂણો ઊંચકી લ્યો.”

ભાવિકોએ ફરીથી એકબીજાની સામે જોયું. આંખના મિચકારા કરવા માંડ્યા. તૂટકતૂટક બોલ સંભળાયા કે -

“મને તો, ભઈ, ત્રણ દીથી હાડકચર રે’ છે.”

“મારા પેટમાં તો બરલ વધી છે, તે પેમલા વાણંદે કાંઈ બોજ ઉપાડવાની ના કહી છે.”

“મારાં તો આંગળાં છોલાણાં છે.”

આવી ગોળગોળ વાતોને અંતે એક ચોખ્ખાબોલો ભાવિક બહાર પડ્યો. તેણે કહ્યું : “દેવીદાસ બાપુ, આ બધા નાહક ગોટા વાળે છે. લ્યોને હું તમને પાધરું કહી દઉં. તમે સાધુ થઈને આ નરક ચૂંથો એ અમને નથી ગમતું. ને આ ડોશીને જિવાડીને તમારે કયો મોટો ગઢ પાડવો છે ? નાહક રત્નાગરને શીદ છંછેડો છો ? અમને આવી ખબર હોત કે તમે અમારું સાચા દિલનું સામૈયું રઝળતું મેલીને કોઈના કહેવા પરથી આ ડોશીને બચાવવા દોડ્યા જાશો, તો અમે તમને અમારા ગામામં પધરામણી જ દેત નહીં. ને આ રક્તપિત્તના હડકાયા રોગને અમારે અમારા ગામમાં નથી તેડી જવો. તમને ઠીક પડે તેમ કરો. અમે તો ગામડે જઈને બધી વાત કહી દઈએ છીએ.”

“ભલે ત્યારે, ભાવિકો, પધારો. કલ્યાણ થાઓ સહુનું.”

“ચાલો ભાઈ, સહુ.” એમ કહીને એ સ્પષ્ટવક્તા માણસે સહુને પાછા વાળ્યા.

એકલા રહેલા દેવીદાસે પછેડીના બબે છેડા બાંધી લીધા. પોતાના બેઉ ખભા ઉપર ઝોળી પરોવી લીધી અને પીછ ઉપર પારણું વાળીને બાળકને ઊંચકી વગડા ભમતી કોઈ માતાની માફક દેવીદાસ ડોશીના દેહને લઈ ચાલી નીકળ્યા.

સૂર્ય તે ટાણે માથા પર થંભીને આગળનાં ભાલાં ફેંકતો હતો. દરિયામાં ઓટ થયો હતો. પાછાં વળેલાં પાણી આઘે આઘે કોઈ ઘેટાંનાં ટોળાંની પેઠે રમતાં હતાં. ફિરંગીઓની બંદૂકોની ગોળીબાર સંભળાતા હતા.

શોભાવડલા ગામના પાદરમાંથી લોકો ગામમાં પાછાં વળતાં હતાં પણ સવારનો પહોર હોવા છતાં કોઈને કેમ જાણે કશી ઉતાવળ જ ન હોય તેવી સલેહાણી રીતે સહુ થોડું થોડું ચાલીને પાછાં થોભી જતાં હતાં. એ સવારનો બનાવ એવો હતો કે કોઈનો, ખાસ કરીને સ્ત્રીઓનો, રસ તો એકસો વર્ષો સુધીય ન ખૂટે, ઊલટાનો વધે.

એ રસ ત્યાંથી હજુ તાજેતરમાં જ ચાલી નીકળેલા વે’લડાને લગતો હતો. વે’લડાના લાલ માફાનું ટોપકું દેખાતું બંધ પડ્યું હતું. હવે તો સીમાડા ઉપર ફક્ત ધૂળનો જ થાંભલો દેખાતો હતો. છતાં કેડ્યે બાળકો તેડીને ઊભી ઊભી ગ્રામવનિતાઓ એ તરફ તાકતી હતી. મોં આડે ઓઢણામાં છેડા કરી કરી સહુ હસતી હતી :

“આજ પહેલો જ બનાવ, કે સાસરે જાનારી દીકરી ધરાર ન રોઈ.”

“માવતરના વછા પડ્યે દીકરી જેવી દીકરીનું હૈયું રોયા વિના શે રહી શકે ?”

“અરે બાઈ, એટલું અલેણું. એટલી માયામમતા સુકાઈ ગઈ.”

“હા જ તો. નવાણે નીર સૂક્યાં ને દલડાના નેહ સૂક્યા, એવો કળિકાળ આવ્યો હવે તો.”

“કોણ જાણે, અમરબાઈને સાસરે તે કેવુંય સુખ મળવાનું હશે !”

“સુખસા’યબી છે એ વાત તો સાચી. અમારી જાણની જ વાત છે. એની સાસુ તો પેટે અવતાર લઈએ એવી. ને જુવાન પણ ભારી રંગીલો.”

“અમે દીઠેલો ને ! આંહીં આવેલો ત્યારે આંખોમાંથી શાં અમી ઝરે ઈ તો !”

“બસ બાઈ, કે’નારા કહી રિયા તો પછી અમરબાઈ સાસરે જાતાં શા સારુ રોવે ?”

“રોવે નહીં ! શું બોલો છો તમે !”

“પણ રોવું આવે નહીં ને !”

“તોય રોવું જોવે. ગલઢાંએ કરી મૂક્યું છે. કોઈ કરતાં કોઈ છોકરી મોટે રાગે રોયા વિના મહિયરનું પાદર છોડે છે કે દી ?”

“અરે, મારી હીરબાઈ ગઈ ત્યારે કેવા સાદ કાઢીને મારી છાતીએ ઢળીને રોઈ’તી ! જાણો છો ને, ફુઈજી ?”

“અરે બાઈ ! અમારાં ટાણાંમાં અમારાં રોણાં કેવાં હતાં એની શી વાત કરીએ ? ઈ તો ટાણાં જ ગયાં ને ! ઈ વેળાયું ને ઈ વાતું !”

એવા વાર્તાલાપના ધ્વનિ-પ્રતિધ્વનિ પણ જ્યારે પાદરનાં ઝાડવાંની ઘટા નીચેથી વિલય પામી ગયા, ત્યારે અમરબાઈનું ઓઝણું બેક કોસનો પંથ કાપી ચૂક્યું હતું. ગ્રામવધૂઓની ફરિયાદ સૌએ સો ટકા સાચો હતી કે સાસરે જતી અમરબાઈ નહોતી રડી - સાચું કે જૂઠું એકેય જાતનું એ નહોતી રડી શકી. ને તેના પરિણામે અમરબાઈની માતાને ઘણું ઓછું આવ્યું હતું. પોતાની દીકરીને સ્વર્ગનું સુખસમૃદ્ધિ વાંછનારી માતા પણ એટલી ઈર્ષ્યાળુ તો બેલાશક હોય છે, કે પુત્રી તરફના માતૃ-સ્નેહના એકાદ આંસુ-ઊભરાની અને ગામભાગોળ ગજવતા એકાદ ઉચ્ચ સુરીલા આક્રંદની અપેક્ષા તો એ રાખે જ રાખે.

માવતરને સંભારી સંભારી આંસુ સારવાને બદલે ઓગણીસ-વીસ વર્ષની દીકરી અમરબાઈ ત્યારે લહેરમાં હતી. એનું અંતઃકરણ વે’લડાના વઢિયારા બળદની ઝડપને પણ નહોતું સાંખી શકતું. એની ભરાવદાર છાતી વે’લડાની ગતિને તાલ દેતી ઉછાળા મારતી હતી. એના જોબનમાં કેવડાની ફોરમ હતી. નાઘેરનાં સભર નીરમાં પાંગરેલી કેળને નિહાળી હોય તો તમે અમરબાઈના એ દિવસના યૌવનનો મર્મ બરાબર પારખી શકો.

“કેમ તું મારા સામે ને સામે તાકી રહી છો, બેટા ?” વે’લડામાં બેઠેલી બીજી આધેડ સ્ત્રીએ એને પૂછ્યું. એ અમરબાઈનાં સાસુ હતાં.

“હું શું જોઈ રહી છું એની મને પોતાને જ ખબર નથી, ફુઈ !” અમરબાઈએ જવાબ દીધો.

સંભવ છે કે પોતાના મનોભાવને પોતે જ ન પિછાની શકનાર અનેક આત્મલુબ્ધોની પેઠે અમરબાઈને પોતાની ઊર્મિઓની પરખ ન પડી હોય. પણ આપણે કલ્પી શકીએ કે અમરબાઈ સાસુના ચહેરામોરામાંથી પોતાના સ્વામીની મુખમુદ્રાને મીંડવતી હતી. સાસુની અક્કેક રેખા ઉઠાવીને એ પતિની અણસાર ઘડતી હતી.

એમ કરતાં અમરબાઈ ઝોલાં ખાવા લાગી. સાસુએ એને પોતાના ખોળા તરફ ખેંચીને કહ્યું : “આંહી આવ, મારા ફૂલ ! આંહીં આવ. મારા ખોળામાં એક નીંદર કરી લે ત્યાં હમણાં જ આપણે દત્તાત્રયને ધૂણે પોગી જશું.”

અમરબાઈએ અતિ ઉલ્લાસભેર સાસુના ખોળા પર માથું ઢાળી દીધું. સાસુના શરીરમાં એક બીજા દેહની છાયા છુપાઈ હતી. તેનો સ્પર્શ કલ્પતી અમરબાઈ નવીન રોમાંચ અનુભવી રહી.

એનાં પોપચાં હજુ અરધાં ઉઘાડાં જ હતાં. સાસુએ એને ટાપલી લગાવીને કહ્યું : “સૂઈ જા, પાછું જાગરણ ભારે પડી જશે, ડાહી !”

એ અર્ધસ્પષ્ટ બોલના માદક ઘેને અમરબાઈની આંખોને પૂરેપૂરી ઢાળી દીધી.

*

પારણાના હીંચોળાટ બંધ પડતાં જેમ બાળક જાગી જાય છે તેમ અમરબાઈની નીંદ પણ ઊડી ગઈ. વે’લડું ઊભું રહ્યું હતું.

આખે માર્ગે વગડાની ગરમગરમ લૂ વાતી હતી, તેને બદલે વે’લડું ઊભું રહ્યાની જગ્યાનો વાયરો શીતળ શીતળ લાગ્યો. પડદો ઊંચો કરીને અમરબાઈએ દૃષ્ટિ ફેરવી. વે’લડું લીલાં લીલાં ઝાડની ઘટા નીચે ઊભું હતું. ચૈત્ર મહિનાની નવી કૂંપળોએ કોળેલા લીમડા વીંઝણો વાઈ રહ્યા હતા. એ કડવાં ઝાડોનો મોર મીઠી ફોરમોને ભારે પવનની પાંખોને નમાવતો હતો. પીપરોનાં પાંદ ઘીમાં ઝબોળ્યા જેવાં ચમકતાં હતાં. એક નાની પરબની ઝૂંપડી બાંધેલી હતી. નાની એક કૂઈ અને અવેડો હતાં. એવડો ભરતો એક આદમી ઢેકવાને નમાવતી વખત હર વેળા ‘સત દત્તાત્રય’ બોલતો હતો.

છાંયડામાં અમરબાઈની સાસુ ઊભાં ઊભાં એક-બે જણાઓની સાથે વાતો કરતાં હતાં. સાસુના કદાવરઘાટીલા આહીરદેહ ઉપર ગૂઢા રંગનું મલીર છૂટે છેડે લહેરાતું હતું. સાસુનું ગરવું સ્વરૂપ નીરખ્યા જ કરીએ છતાં ન ધરાઈએ એવી મીઠાશે નીતરતું હતું.

સાસુની વાતોના બોલ અમરબાઈએ ભાંગ્યાતૂટ્યા પકડ્યા :

“આવ્યો છે ? ભાઈ આંહી સુધી સામો આવ્યો છે ?”

“હા, આઈ. કહે છે કે આઈને એક વાતની ચેતવણી આપવા માટે આંહીં સુધી પહોંચવાની જરૂર પડી છે.”

“શેની ચેતવણી ? ભાઈ ક્યાં છે ? આંહીં બોલાવોને !”

“આંહીં તો નહીં આવે, શરમાય છે, કેમ કે અમરબાઈ બોન ભેગાં છે.”

“દુત્તો ! આવ્યો તો હશે એટલા જ માટે, ને વળી શરમનું પૂતળું થઈ માને બનાવે છે !” આઈએ રમૂજ કરી : “ને ચેતવણી શેની ?”

“કે જગ્યાની અંદર આઈયે ન જાય, અમરબાઈ બે’નનેય ન જાવા દે.”

“કાં ?”

“દેવીદાસ બાપુએ થોડા દિવસથી જગ્યાને ગંધવી મૂકી છે.”

“શાથી ?”

“પતિયાંને ભેગાં કરવા માંડેલ છે. પોતે હાથે જ નવરાવે-ધોવરાવે છે,સ ને હાથે જ ખવરાવે છે. હમણાં તો એક પતણી ડોશીને ઝોળીએ નાખીને પીઠ ઉપર લાદી લાવ્યા છે.”

એ જ વખતે એક ઝાડ-ઘટાની નીચે એક ચોગાનની વચ્ચે ચણેલા ઓરડા તરફથી કોઈ દુઃખભરી ચીસો આવતી હતી.

“આ કોણ ગોકીરા કરે છે ?” આઈએ પૂછ્યું.

“એ જ - એ પતણી ડોશી જ. દેવીદાસ મા’રાજ એનાં સડેલાં આંગળાં ધોવા બેઠા છે.”

આહીરાણી થોડી વાર ઊંડા વિચારમાં પડી ગયાં. પછી એમણે કહ્યું : “ભાઈ ગાડાખેડુ, ઝટઝટ ઢાંઢાને નીરણ કરાવી લે. ત્યાં હું આંહીં કૂઈ ઉપર નાહીને બે માળા ફેરવી લઉં. ભાઈને આ ભાતોડિયામાંથી ઢેબરાં પહોંચાડો જ્યાં બેઠા હોય ત્યાં. ને અમરબાઈ, બચ્ચા, તારે જંગલ-પાણી જઈ આવવું હોય તો જઈ આવ. આપણે આંહીં ઝાઝું રોકાવું નથી. અરેરે, આવી દૈવી જગ્યા ! આવું થાનક ! થાક્યા-પાક્યાનો વિસામો ! એની જ હવા બગડી હવે તો.”

એટલું કહીને સાસુ સ્નાનાદિકમાં પરોવાયાં. બીજા સાથીઓ પોતપોતાના બંદોબસ્તમાં પડ્યા. ચકમક ઝગાવીને ભૂંગળી પીવામાં સહુ મસ્ત બન્યા. તે વખતે જુવાન અમરબાઈ ધીરે ધીરે ઝાડની ઘટા નીચે ચક્કર દેવા લાગી.

પોતાનો સ્વામી સામે લેવા આવેલ છે, એ પોતે જાણ્યું હતું. એની આંખો દૂરદૂરના એક વડલાની છાયામાં વડના થડનું ઓશીકું કરી પડેલા જુવાન આહીરને શોધતી હતી. પણ એના કાન બીજે સ્થળે મંડાયા હતા. પેલી દયામણી ચીસો એને ખેંચતી હતી.

ખેંચાતી ખેંચાતી અમરબાઈ દૂર સરી ગઈ. ઓરડાના ચોગાન ફરતી ડીંડલા થોરની લીલી વાડ હતી. વાડની પછવાડે એ ફરવા લાગી. બૂમો વાડની અંદરથી આવતી હતી. વાડની આરપાર એણે નજર કરી. બિહામણું એ દૃશ્ય હતું. રત્નેશ્વરના દરિયામાંથી બચાવીને આણેલી ડોશીની રક્તપિત્તની રસીને દેવીદાસ ધોતા હતા. પ્રભુએ દીધેલ સાદા પાણીમાં લીમડાનાં પાંદ નાખીને એ દરદીને નવરાવતા હતા.

દુઃખાવાને લીધએ બૂમો પાડતી ડોશીને દેવીદાસ દિલાસો આપતાં હતાં : “નહીં, નહીં, મારી મા ! અમ પુરુષોના ગર્ભ વેઠનારી ને અનોધાં દુઃખો સહેનારી જનની ! નહીં દુઃખાવું તમને. તમમાં તો હું જોગમાયાનું, અખિલ વિશ્વની ઈશ્વરીનું રૂપ જોઈ રહેલ છું, મા !”

ડોશીનું અર્ધ મૃત્યુ પામેલ કલેવર એક જ ઉચ્ચાર કરતું હતું : “મારો કેદાર ! મારો લાલિયો !”

“અરેરે, કેવાં સ્વાર્થી છો, મા !” કહીને દેવીદાસ હસતા હતા : “મને તમારો કેદાર નહીં કરો શું ? ને હું તમારા ખોળામાં આળોટું તો તમારો લાલિયો ન કહેવાઉં, હેં મા ? જોજોને, તમે સાજાં થાવ કે તરત જ હું તમારા ખોળામાં સૂઈશ. જોજોને પછી લાલિયાની માફક જ તોતડી બોલી કરીશ. પછી કાંઈ કહેવું છે, મા !”

ધાસ્તી અને ગભરાટનાં વાદળાં અમરબાઈના હૃદય ઉપરથી ઊડી ગયાં : આગના ભડકા કરતાંયે વધુ વિકરાળ એક રોગની સાથે અમરબાઈએ એક જીવતા માનવીને ગેલ કરતો જોયો.

ડોશી પોતાની સારવાર કરનારને ચેતવતી હતી : “અરે દીકરા, તારી ફૂલેલ કાયાનું શું થશે ?’’

“હેં મા ! કહો જોઉં, તમારી જુવાનીમાં તમારી કાયા કેવી હતી ?”

“અરે બેટા, બબે હેલ્યે હું વાવનાં પાણી ભરતી. મને ગામલોકો હોથલ પદમણીનો અવતાર માનતા.”

“ત્યારે બસ ! મા ! તમામ દેહીના એ જ હવાલ છે. જુવાનીના મદ ક્યારે ગંધાઈ ઊઠશે એની કોને ખબર છે ? માનવદેહને તો રોમ રોમ રોગ ભર્યા છે; એને હું ક્યાં સુધી દાટી રાખીશ !” કહેતા કહેતા દેવીદાસ ડોશીના શરીરને લૂછતા હતા. લૂછેલા દેહ ઉપર નવેસર રક્તની રસીના ટશિયા ઊઠતા હતા.

“ને હું તો એ જ વિચારી રહ્યો છું, મા, કે સ્ત્રીનો દેહ શી શી નરકવેદના સહે છે ! સ્ત્રીના શરીરને ચૂંથાવાનું - ચૂંથાવાનું - અરે ભોગની ભરપૂર મોજ મંડાતાંની ઘડીથી જ સ્ત્રીના ખોળિયાને ટીપે ટીપે ખપી જવાનું. હું પુરુષ તમને ધોઉં છું ત્યારે, મા, મને એમ જ લાગે છે કે હું અમારી પુરુષજાતનાં પાપ ધોઉં છું.”

એવા એવા બોલનું વશીકરણ અનુભવતી અમરબાઈને બહારનાં જગતનું કંઈક એવું વિસ્મરણ થયું, કે પોતે એ જગ્યાના ચોગાનમાં ક્યારે પેસી ગઈ તેનું એને ભાન નહોતું રહ્યું. ચોગાન ઓળંગીને એ એરડામાં પહોંચી, ને ત્યાંથી પાછલી પરસાળમાં.

પોતાના પગનો સંચળ સંભળાવ્યા વગર જ એ ઊભી રહી. બહાર ઊભીને કાંટાની વાડ સોંસરું જે દૃશ્ય અધૂરું દીઠેલું તે એણે અહીં પૂરું દીઠું.

દેવીદાસે ડોશીને એક ખાટલા ઉપર લીમડાના પાંદની પથારી કરીને સુવરાવી હતી. હવે એ પોતાના હાથને લીમડાના પાણીમાં ધોતા ધોતા કહેતા હતા : ‘હવે જુઓ મા, હું ઝોડી લઈને જોઉં છું રામરોટી માગવા. સાંજે પાછો આવીશ. પડખેના ઓરડામાં વાઘરીની દસ વરસની છોકરીને સુવરાવી છે. એ બૂમો પાડે તો તમે એને આંહીં સૂતાં સૂતાં છાની રાખજો, હો મા ! એને તો હજી ટચલી આંગળીએ જ નાનું ચાઠું છે, વધુ નથી.”

ઝોળી લઈને સન્મુખ બનતાં જ દેવીદાસે અમરબાઈને ઊભેલી, બે હાથ જોડીને પગે લાગતી દેખી.

“અરે, અરે, આંહીં નહીં, બોન ! આંહીં નહીં, બહાર, બહાર...” કહેતાં ચમકેલા દેવીદાસે આ યુવાન રૂપસુંદરીને બહાર જવા ચેષ્ટા કરી.

અમરબાઈ ન બોલી, કે ન હલીચલી.

ગિરનારનાં શિખરો પરથી સંધ્યાની લીલા ઊતરી જઈને આથમતા કાળની આસમાની ક્યારે છવાઈ જાય છે તેની જાણ પડતી નથી. અમરબાઈના મોં ઉપર પણ ઊભરાતી આશાના જોબનરંગો ક્યારે નીતરી ગયા, ગમગીની ક્યારે પથરાઈ ગઈ, - પરિવર્તન દેખાયું પણ - પરિવર્તન ક્યારે બની ગયું, તેની પળ ન જડી. એને પોતાને જ ન જડી. કેટલાક પલટાઓને લાંબો સમય લાગે છે. કેરીની રંગબદલીને માટે ઋતુઓ રાહ જોઈ જોઈ ખતમ થાય છે પણ બધા જ પલટા એટલો સમય નથી લેતા. ભાદરવા માસનો પ્રાણ ઘડી તપે છે, ઘડી ભીંજાય છે.

“તમે કોણ છો, બોન ? ક્યાંનાં છો ? બહાર ચાલો.” દેવીદાસનો અચંબો ઊંડો ગયો.

“આયર છીએ, મને આંહીં થોડી વાર ઊભી રહેવા દેશો ? આંહીં મારું મન ઠરે છે.”

આખી દુનિયા ભાગી નીકળી છે, ત્યાં આ એક માનવીનું મન મારી પાસે આ ગંદકીની ને ભયંકર રોગની વચ્ચે ઠરે છે ! દેવીદાસની સન્મુખ એક અકળ સમસ્યા ઊભી થઈ.

“ભલે દીકરી, બેસો, અહીં આવો આ પરસાળમાં.” કહીને એણે અમરબાઈને એક કામળ પાથરીને બેસારી.

સામી ગમાણમાં આવળની સાંઠીઓને છાંયડે કવલી નાની ગાય બાંધી હતી. ગાય એના બે મહિનાના વાછરડાના શરીરે જીભથી ચાટીને ચળ કરતી હતી. દેવીદાસ ઠીકરાનું રામપાત્ર લઈને ગાય પાસે ગયા. પૂછ્યું : “માતાજી, મે’માન છે. બે શેડ્ય પાડી લઉં ?”

ગાયે દેવીદાસનો હાથ ચાટ્યો.

આઠદસ શેટ્યો પડતાં તો રામપાત્ર છલકાઈ ઊઠ્યું : દેવીદાસે જઈને એ પાત્ર અમરબાઈ પાસે ધર્યું.

ધેનુના આંચળો હજુ ટપકતા હતા, માટીપાત્રમાં દૂધ હસતું હતું. દેવીદાસનો ચહેરો પ્રસન્નતાથી ઝલકતો હતો. અમરબાઈએ ઠેર ઠેર નિર્મળતા છલકાતી દેખી.

એણે રામપાત્ર પી લીધું.

“તમારી સાથે કોણ છે ?” દેવીદાસે પૂછ્યું.

અમરબાઈએ જવાબ ન દીધો. એ જુદી જ ચેષ્ટાઓમાં પડી હતી. એ પોતાનાં કાંડાંમાંથી સોને મઢેલી ચૂડલીઓ ઉતારવા લાગી હતી. થોડી વાર થઈ ત્યાં એની સન્મુખ ચૂડલીઓની, કાનની વાળીઓ તથા નાકની ચૂંકની, કપાળ પરથી સોનાની પાંદડીઓની ને પગના અણવટ-વીંછિયાની ઢગલીઓ થઈ ગઈ.

“બોન !” દેવીદાસ ઊંધું સમજ્યા હતા : “આ જગ્યામાં એવું દાન અમે નથી લેતા. નાહક ન ઉતારો. અને કોઈને વરદાન વેચતા નથી. આશીર્વાદ તો મારા છે જ, બેટા, કે પુત્રની જનેતા થા. હું તારા દુઃખની વાત ઉકેલી શકતો નથી. પણ દુનિયા ઝંખે છે, તેમ તુંય ઝંખતી હઈશ...”

અમરબાઈના મોં ઉપર શરમ અને આત્મધિક્કારનું રુધિર ધમપછાડા કરતું હતું. દીરે ધીરે એનાં નેત્રોમાંથી પાણી તબક્યાં.

દેવીદાસ ઊઠ્યા. દીવાલની ખીંટી પર એકતારો લટકતો હતો. પિતા પુત્રને લે તે રીતે એકતારાને ખોળામાં બેસારી દેવીદાસે બીજા હાથમાં મંજીરા વીંટાળ્યા. ઘેરા અને ગંભીર સ્વરે એણે ભજન ઉપાડ્યું :

ગોધન હાલ્યાં જાય,

આ નવલખ તારાસૂરજ કેરાં ગોધન હાલ્યાં જાય

એકલ ધરતી ઊભી ભાંભરે વાછરડાં ખોવાય.

સુનમાં ધરતી શોધ કરે રે વાછરડાં ખોવાય

પ્રથમીનાં વાછરડાં ખોવાય, માતનાં બાળકડાં ખોવાય.

ઊઠો ગોવાલા ! નંદદુલારા ! રજની ખાવા ધાયઃ

કાળી રજનીમાં તમ વિણ કાના, કોણ શોધવા જાય ?

ધરતીનાં વાછરડાં ખોવાય. - સુનમાં૦

લીલી એક ડાંખળનું લોભી ભેખડ ચડી ઊભું બાળઃ

ઊતરી ન શકે, પગલું ન ઠરે, હેઠળ જળ ભેંકાર

ઊઠો હો ધરતીના મતવાલ ! - સુનમાં૦

અમરબાઈ એકધ્યાને સાંભળી રહી. એને લાગ્યું કે જાણે પોતે જ પૃથ્વીમાતાનું ભૂલું પડેલું વાછરડું છે : પોતે જ કોઈ વિકટ ભેખડ ઉપર ચડીને નીચે ઊતરવાના રસ્તા પગર ઊભેલ છે. એનું અંતઃકરણ પણ કોઈ ગોપાલનું આરાધન કરે છે, એવામાં -

“આ બેઠી એ તો આંહીં !” એકાએક બોલ સંભળાયો.

છ-આઠ જણા અંદર ધસી આવ્યા. મોખરે સાસુ હતાં. પછવાડે એક જુવાન હતો. બીજા છ હથિયારબંધ સાથીઓ હતા.

સહુ અમરબાઈના દીદાર દેખી ચમકી ઊઠ્યા. દેહ પરના દાગીનાની ઢગલીઓ થઈ ગઈ હતી. ચૂંદડી માથા પરથી ને ખભા પરથી ક્યારે સરી ગઈ તેનું અમરબાઈને ભાન નહોતું.

“આવો મા ! તમે હતાં, મા ?” દેવીદાસે એકતારાને દીવાલ પર ટેકવતે ટેકવતે હસી આદર દીધા.

એ આદરના શબ્દોએ આયરાણીનાં નેત્રોમાંથી જવાબ તો જ્વાલાઓનો જ દીઠો : “આ શું માંડ્યું છે તમે, મા’રાજ ?” એટલું બોલીને સાસુ અમરબાઈ તરફ ફરી “અમર,” એણે કરડો અવાજ કાઢ્યો : “માથું તો ઢાંક ! તારો ધણી આવીને ઊભો છે તેટલું તો વિચાર.”

અમરબાઈ સાસુની સામે જોઈને હસવા લાગી.

“ને આ દાગીના કેમ ઉતાર્યા છે, વેરાગણ ?”

સાસુના એ સખ્ત પ્રશ્નનો ઉત્તર પણ અમરબાઈએ હસીને આપ્યો : “મા, તમને સોંપવા માટે જ.”

“મા મા કોને કરછ ? ને સોંપવા છે શા સારુ ?”

“મા, મારા અંતરમાંના તમામ બોલ એક જ બોલમાં સમાઈ ગયા છે. મને મારી મા - મારી ધરતીમાતા - ગોતે છે. ગોવાળ મને લેવા આવ્યો છે.”

“આ તને શું થઈ ગયું ?” કહીને સાસુએ અમરબાઈનું શિર ઢંઢોળ્યું. “તમે આ શું કરી નાખ્યું, દેવીદાસજી ?”

“કાંઈ નહીં, મા ! હુંય નથી સમજી શકતો કે આ શું થઈ ગયું. આ તમારી દીકરા-વહુ છે, મા ?”

“આઈ,” દૂરથી બૂમ પડી. એ બૂમ અમરબાઈના વરની હતી : “તમે ત્યાંથી ખસી જાવ. હું એ વેરાગણને અને આ ત્યાગીને પાધરાંદોર

કરું છું.”

અમરબાઈએ આ વચનો ઉચ્ચારનારની સામે, મીટ માંડી એણે કહ્યું : “આવા રૂડા મોઢામાં એવા બોલ ન સામે, આયર ! ને મારો વાંક તો એટલો બધો વળી ગયો કે હવે હું પાધરી નહીં થઈ શકું. લ્યો, આયર, આ તમારા શણગાર; સુખેથી બીજે ચડાવજો.”

નાકની ચૂંક અને સૌભાગ્યની બે ચૂડીઓ અમરબાઈએ જુદી પાડીને પોતાના પતિની સામે ધરી.

“અરે ઊઠ ઊઠ હવે, ભગતડી !” કહીને જુવાને અમરબાઈના છૂટી ગયેલા ચોટલાના કેશ ખેંચ્યા.

“હા, હા, એ ચોટલો પણ તમારો ખરો હો, આયર ! લાવો છરી.” કહીને અમરબાઈએ જુવાનના કમરબંધમાંથી છરી ખેંચી લીધી. એ છરીથી પોતે પોતાનો ચોટલો કાપવા લાગી.

સાસુ અને પતિ : અમરબાઈની નજરમાં દુનિયાનાં એ સુંદરમાં સુંદર માનવીઓ : એ બેઉનાં રૂપ આટલાં બધાં બગડી ગયાં છે કે અમરબાઈને પહેલી જ વાર જ્ઞાન મળ્યું. જ્ઞાન એ મળ્યું કે બેઉનો સ્નેહ, એ ફક્ત માલિકીનો સ્નેહ હતો. થોડી વાર પહેલાં મને ખોળામાં સુવાડનારી વત્સલ સાસુ અતાયરે મને ગળાટૂંપો દેવાનો હોય તો દેવા તૈયાર છે ! થોડી વાર પહેલાં મને ઝંખતો દોડ્યો આવેલ જુવાન મારા ખોળિયાને આ રક્તપિત્તના ચેપમાંથી બચાવવા માગતો હતો તે તો આ શરીર પોતાને ભોગ ભોગવવાનું સાધન હતું તેટલા સારુ જ ને ! હું અમરબાઈ તરીકે અને દુનિયાના એખ માનવી તરીકે તો પ્રેમ કરવા લાયક નહોતી, ખરું ને ?

ચમકતી વીજળીના સળાવા જેવા આ વિચારીએ અમરબાઈને વિશેષ દૃઢ કરી. એણે પોતાની ચૂંદડી ખેંચવા માંડી.

“કજાત ! બસ થયું, કજાત !” કહેતાં, આ નફટાઈ ન જોઈ શકાયાથી મા ને પુત્ર મોઢું ફેરવી ગયાં. પુત્રે કહ્યું, “મા, ભલે રહી એ આ બાવાને; હવે તો એ ઊતરેલ ધાનનું હાંડલું છે.”

વેગીલે પગલે એ જગ્યાની બહાર નીકળી ગયો. સાસુ પણ ‘તને મૂઈ સજું છું’ એટલા બોલ બોલી છાતી પર ત્રણ વાર હાય, હાય, હાય, એ શબ્દે હાથ પટકતી બહાર નીકળી ગઈ.

થોડી વાર પછી જગ્યાનાં ઝાડની ઘટામાં લક્કડખોદ પક્ષીના ઠકઠકાટ સિવાય બીજો કોઈ બોલાશ નહોતો રહ્યો.

દેવીદાસ હજુ વિમાસણમાં મગ્ન હતા. અમરબાઈ હજુ એ ને એ હાલમાં બેઠી હતી. દેવીદાસે એક જ વચન કહ્યું : “મા, આ તેં શું કર્યું ?”

“સંતજી, મેં શોધી લીધું કે માનવીને રોમે રોમે રક્તપિત્ત

ગંધાય છે.”

લીંબી વાર સુધી બેઉ જણાં ચુપચાપ બેસી રહ્યાં. દેવીદાસે જોયું કે અમરબાઈની દૃષ્ટિ ધરતી સામે સ્થિરતાથી મંડાઈ ગઈ હતી. ભયનું તો એના રૂંવાડામાં પણ કોઈ નામનિશાન નહોતું.

આખરે દેવીદાસ ઊઠ્યા ને એમણે ઝોળી લઈ જોડા પહેર્યાં.

“મને કાંઈ સતવચન સંભળાવશો ?” અમરબાઈએ પહેલીવાર પ્રશ્ન કર્યો.

જવાબમાં એ સાદા પુરુષે સાદી વાણી સંભળાવી : “શું સંભળાવું, બાઈ ! શાસ્તર હું ભણ્યો નથી. હુંય રઝળતો-રખડો આવ્યો છું. એક વાત જાણું છું કે હું રબારી છું. આયરો ને રબારી આદુ કાળથી ગોધન ચારતાં આવેલ છે. તાજાં જાણેલા વાછરુ થાક્યાપાક્યા વાછરુને અને રોગી વાછરુને ગોવાળ ખંભે નાખી ઘેરે લાવે છે એ જ ધંધો હું આંહીં કરી રહેલ છું. રબારીનો એ ભગવાને ભળાવ્યો કસબ છે, બાઈ ! મને ઢોર ચારનારાને બીજી કશી જ ગતાગમ નથી. વધુ શું સંભળાવું ? મેં જ કદી સતવચન સાંભળ્યાં નથી ને !”

ઝોળી ખંભે લટકાવીને દરવાજા સુધી ગયા પછી પોતાને કશુંક સાંભર્યું. પાછા ફરીને અમરબાઈને કહ્યું : “બે’ન, એક વચન માગી

લઉં છું.”

“શું ?”

“સાંજે હું રામરોટલા ભીખીને પાછો આવું, ત્યાં સુધી તું આ જગ્યામાં બીજું બધું કામ કરજે, ગા દોજે, પાણી ભરજે, વાસીદું કરજે, પણ કોઈ રોગીને અડીશ નહીં.”

“કારણ ?”

“કારણ હું તને આવીને સમજાવીશ.”

મોટી ડાંફો ભરતા દેવીદાસ ચાલ્યા. મધ્યાહ્નની અણી ઉપરથી સૂરજ સહેજ આથમણો ઝૂક્યો હતો. તીરછાં થવા લાગેલાં એનાં વૈશાખી કિરણો કુટિલ માણસની ત્રાંસી નજરની પેઠે વધુ ને વધુ દાઝથી આગ ફૂંકતાં હતાં. ચારે દિશાનાં ગામડાં ફરતી લૂ વીંટળાઈ ગઈ હતી. એક બિન્દુ પણ પાણી વગરની એ સોરઠી ધરતી ઉપર ઝાંઝવાનાં મોટાં સરોવરો લહેરાતાં હતાં, ને સરોવરોમાં મહાન અલકાનગરીઓના મિનારા, ઘુમ્મટો ને અટારીઓ કોણ જાણે કયા ભૂતકાળમાંથી પોતાના પડછાયા પાડતાં હતાં.

ગરમ લૂની થપાટો ખાતા દેવીદાસે એક ગામ ભીખ્યું. બીજું ગામ ભીખ્યું. ત્રીજું ભીખ્યું. પણ ગામડાં નાનકડાં, વસ્તી ખેતરોમાં, ઉપરાંત દેવીદાસનો ઓછાયો લેતાંય હેવ તો લોક ડરતાં, એટલે ઝોળી હજુ વધુ ભાર બતાવતી નહોતી. સાંજ પડી ત્યાં લગભગ બારેક ગાઉનો પંથ એણે ખેંચી નાખ્યો. સાંજે એણે ‘જગ્યા’માં પગ મૂકી ‘સત્‌ દત્તાત્રય’નો સખુન ઉચ્ચાર્યો ત્યારે દીવાની વાટ ચેતી ગઈ હતી. દીવો કરનારા હાથ અમરબાઈના હતા.

“આજ તો સરખી જ્યોતે જગ્યાનો દીવો જલે છે.” દેવીદાસે હાથપગની ધૂળ ધોતાં ને મોં પર ઝિંકાયેલી લૂને ટાઢક કરતાં કરતાં કહ્યું.

“અમરબાઈ ! દીકરી !” દેવીદાસે પંગત બિછાવતાં બિછાવતાં કહ્યું : ‘બહાર ત્રણ વાર સાદ નાખી આવીશ ? કોઈ મુસાફર, વટેમાર્ગુ, અભ્યાગત, ભૂખ્યુંદુખ્યું કોઈ હોય તો કહો કે આવી જાઓ, ભાઈ, રામરોટી જમવા.”

દસબાર રઝળુ બાવાસાધુઓ અમરબાઈને બોલે હાજર થયા. ‘જય રામજીકી’ની ઘોષણા થઈ રહી. ‘બડા ભગત હે દેવીદાસ ! બડા સાધુસેવક હે ! ભેખમેં તલ્લીન હો ગયા હૈ !’ એવા એવા ધન્યવાદો તેઓ બોલતા હતા.

ત્યાં તો પાછલી પરસાળમાંથી દેવીદાસ દેખાયા. એમની જોડે પાંચેક બીજાં અતિથિઓ હતાં. કોઈની આંગળીઓ ખવાઈ ગયેલી, કોઈના પગ લંગડા, કોઈના આંખોને સ્થાને ખાડા જ રહ્યા હતા.

પાંચેયને દેવીદાસે એક જ પંગતમાં સૌની જોડે બેસાર્યાં.

“અમરબાઈ ! બાપ, તું બહાર બેસીને રામરોટીના ટુકડા નોખાનોખા પાડી નાખીશ ?”

એમ કહીને એણે બહાર જઈ, એક વસ્ત્ર ઉપર ઝોળી ઠાલવી નાખી. બન્ને જણાએ રોટલીનાં બટકાં, રોટલાનાં બટકાં, ખીચડીના લોંદા, શાકનાં ફોડવાં વગેરેની અલગ અલગ ઢગલીઓ પાડી.

“પીરસો હવે સર્વને,” સંતે હસીને કહ્યું. અમરબાઈ પીરસવા ઊઠ્યાં.

“બાવાજી, તમારામાંથી કોઈક ઊઠશો પીરસવા ?” દેવીદાસે મુસાફરોને પૂછ્યું.

કોઈ ઊઠ્યું નહીં સહુની દૃષ્ટિ દિવાની ઝાંખી જ્યોતમાં ભૂતાવળશાં દેખાતાં પેલાં રોગિષ્ઠો ઉપર હતી. દીવાલ ઉફર એ રોગિષ્ઠોની કાળી છાયાઓ ભમતી હતી. મનુષ્યો ને એના પડછાયા બેઉ એકબીજાની ભયાનકતામાં પુરવણી કરતાં હતાં. સાચા કોણ, પેલા પડછાયા કે આ અર્ધજીવિત રોગીઓ, તે ત્યાં એક સમસ્યા હતી. મુસાફરી સાધુબાવાઓને શંકા પડી હતી કે આ રોગિષ્ઠો અમરાી સામે તીણી આંખે તાકે છે.

“ત્યારે, હરિનાં બાળુડાં !” દેવીદાસે એ રોગિયલ મંડળી તરફ હસીને કહ્યું : “તમારામાંથી કોઈ ઊઠશો ? આ લોંદો લોંદો ખીચડી વહેંચી દેશો ?”

પતિયાંઓએ એકબીજાની સામે જોયું. સંત દેવીદાસ સાચે જ શું ાપણને પીરસવા કહે છે ? કોઈને શ્રદ્ધા નહોતી પડતી.

“ઊઠ ત્યારે, શેખા !” સંતે વાઘરીના છોકરાને સંબોધીને કહ્યું : “તું પીરસીશ, બચ્ચા ?”

શેખો આઠેક વર્ષનો બાળ હતો. જગતે, સગાં માવતરે એને મૂએલો ગણી ફેંકી દીધો હતો. એને નિર્દોષને સંતના બોલમાં વ્યંગ ન લાગ્યો. એ ઊઠ્યો, એનો પગ ખવાઈ ગયો હતો. ખોડંગાતો ખોડંગાતો એ ઊઠ્યો. પણ જે ક્ષણે એણે ખીચડીનો પહેલો લોંદો પીરસવા લીધો તે જ ક્ષણે પેલાં મુસાફરોની પંગત ખાલી થઈ ગઈ. ઊઠીને એ ચાલ્યા ગયાં હતાં. બહારથી શબ્દો સંભળાતાં હતાં : “કમજાત ! દેવ કે ધામ કો ભ્રષ્ટ કરનેવાલા !”

પંગત પર બાકી રહ્યાં આટલાં જ જણાં : દેવીદાસ અને પાંચ પતિયાં. અમરબાઈ એ પંગતમાં પોતાનું સ્થાન શોધતી હતી, પણ સ્થાન જડતું નહોતું. અમરબાઈને સંતે મૂંઝાતી જોઈ કહ્યું : “બે’ન, તારું ભાણું મેં પરસાળમાં પીરસી રાખ્યું છે.”

અમરબાઈ પરસાળમાં ચાલી ગઈ.

આરોગીને સહુ ઊઠ્યાં; રોગિષ્ઠોને પાછાં પોતપોતાની પથારીઓ પર પહોંચાડી દેવીદાસ પરસાળની કોર ઉપર એક થાંભલાને ટેકે બેઠા. સામે અમરબઈ બેઠાં.

“બે’ન !” ધીરે સ્વરે સંતે સમજ પાડી : “પુરુષનો દેહ સડે તે એક વાત થઈ. પણ સ્ત્રીનું કલેવર હરિની પરમ કૃતિ છે. તારું મન હજી હરણના બાળની પ્રથમ પહેલી ફાળ ભરે છે. કોને કબર, પહેલી ફાળ દેતાં પગ મચકાણો ! કોને ખબર છે તારા ભાવ સંસારને માર્ગે વળ્યા ! માટે, બાઈ, વધુ નહીં, છ જ મહિના ઠેરી જા. અડધી સાલ તારી શુદ્ધિ સાચવ. પછી જો આ જગ્યાની પૃથ્વી સાથે તારો જીવ પરોવાઈ જાય તો ખુશીથી રોગિયાંને ખોળામાં રમાડજે. પણ હમણાં તો છ મહિના ઠહેરી જા.”

“ત્યાં સુધી શું કરું ?”

“ઝોળી લઈ ટે’લ કરીશ ?”

થોડી ઘડી અમરબાઈને થડકો લાગ્યો. જગ્યાની અંદર રહી રોગીની સેવા કરવી સહેલ હતી, ગામેગામ ભિક્ષા માગવા ભટકવું કઠિન હતું. જ્યાં જઈશ ત્યાં જગત આંગળી ચીંધશે : આયરની દીકરી, આયરની કુલવહુવારુ, બાવણ બની ગઈ ! અને જોબનની ગંધ ઉપર ભમરા બની જુવાનો પીછો લેશે. વળી માથા ઉપર પિયરનો તેમ જ સાસરિયાંનો ભય તો તોળાઈ જ રહ્યો છે.

પણ બાવળનું લાકડું તો છીણીના જ ઘા માગે છે. સાદા કુહાડાનું પાનું એને નહીં ચીરી શકે.

અમરબાઈને પણ ત્રાજવામાં તોળાવાની ઘડી આવી પહોંચી. ઘડીકના વૈરાગ્યે તો મન રોકી નથી રાખીને ? વેરાગ્યના પણ શોખ હોય છે, વૈભવ હોય છે, વાસના હોય છે. જુવાન અમરે પોતાના આત્માનું તળિયું, દીવો ઝાલીને તપાસ્યું. ત્રણ દિવસ સુધી એના મનોભુવનમાં રસાકલી ચાલી. હારજીતની અનેક ઘડીઓ આવી અને ગઈ. મનમાં મોજાં ચડી ચડીને નીચે પછડાયાં.

આ તો અગ્નિસોંસરા નીકળવાનું હતું. ‘જોગમાયા’ કહીને એને પગે નાળિયેર ધરવા લોકો નહોતાં આવવાનાં.

“અમરબાઈ બેટા,” સંતે પૂછી જોયું : “કેટલી અવસ્થા થઈ ?”

“વરસ વીશની.”

“કદી લોકોની જીભનું માઠું વેણ સાંભળ્યું છે ?”

“કદી નહીં. અમારું ખોરડું પૂજાતું.”

“એ જ વિપદની વાત બની છે, દીકરી ! ઘણાના ઘા ઝીલ્યા વિના શી ગમ પડે કે મોતી સાચું છે કે ફટકિયું ? ને દુનિયાએ જેને એકલી સારપ જ દીધી છે તેના જેવું કોઈ દુઃખી નથી. જગતના બોલ એની ચોગમ કાળમીંઢની દીવાલો ચણી વાળે છે. દુનિયાની ઇજ્જત-આબરૂ એટલે તો જીવતાને ગારદ કરવાની સમાત.”

મોડી રાત સુધી સંતે આ તરુણીને ટીપી ટીપી ઘડ્યા કરી.

મોડી રાતે અમરબાઈની આંખ મળી ગઈ. ચંદ્રમાં આકાશની શોભા વચ્ચે બેઠો બેઠો પૃથ્વી પર સૂતેલીને એકીટશે નરીખતો હતો. ગાયના ગળા ઉપર માથું ઢાળીને વાછરડું સૂતું હતું. જાગતાં હતાં બે જ જણાં : એક ધેનુ ને બીજા દેવીદાસ. સૂતેલી અમરબાઈના મોં ઉપર લખેલા વિધિલેખ ઉકેલવા સંત મથતા હતા.

અક્ષરો ન ઉકેલી શકાયા.

સંતે ખીંટીએથી એકતારો ઉપાડ્યો. તાર ઉપર ટેરવાં ફર્યાં તે ક્ષણે પહેલું જ પદ એને ‘શબદનાં બાણ’નું સ્ફુર્યું :

લાગ્યાં શબદનાં બાણ

હાં રે એના પ્રેમે વીંધાયેલ પ્રાણ હો !

હો...હો લાગ્યાં શબદનાં બાણ જી !

સૂતેલીનો પ્રારબ્ધલેખ એ રીતે એકતારાએ ઉકેલ્યો.

*

સવારે, મધ્યાહ્ને કે સાંજે ગામડાંની સીમોમાં ‘સત દેવીદાસ ! સત દેવીદાસ !’ એવો અવાજ સંભળાયા કરતો. અવાજ લલિત હતો. છતાં ઘેરો લાગતો. અવાજમાં કરુણાભીની વીરતા હતી. એ અવાજના વચગાળામાં મક્કમ પગલાંના ધ્વનિ સંધાતા હતા. અવાજ ખેતરવા ખેતરવા પરથી સાંભળીને સીમનાં લોકો ગોટ કાઢતાં, રીડિયા મચી જતા કે ‘બાવણ નીકળી, જુવાન બાવણ નીકળી’. નજીક જવાની કોઈની હિંમત ન ચાલતી. પણ પછવાડે ઠઠ્ઠાના બોલ છૂટતા : ‘મીરાંબાઈ બનવા નીકળી છે ! ધણીધોરી વગરની પાટકે છે ! જુવાની જોઈ એની જુવાની !’

ખેતરના પાકમાંથી વૈયાં ઉરાડવા માટે જુવાનો ગોફણો રાખતા. એમાંથી પથ્થરો પણ છૂટતા હતા. અનેક પથ્થરોની ચણચણટી અમરબાઈએ ોપાતના કાનની લગોલગ સાંભળી હતી. કોઈ કોઈ વાર પથ્થર વાગતો ત્યારે પછવાડે પણ જોયા વિના આગળ પગલાં માંડતી એ ‘શબદ’ બોલતી : ‘સત દેવીદાસ’, ‘સ...ત દેવીદાસ.’

દિવસો ગયા. હાંસી શમવા માંડી. લોકો નજીક આવતાં થયાં. લોકોની જીભ પણ ઊઘડી : “સત દેવીદાસ, મા !”

“સત દેવીદાસ, બાપુ !” અમરબાઈ સૌને જવાબ દેતાં.

“મા, દુઃખની વાત સાંભળતાં જશો ?”

“કહોને બાપુ !”

“આ મારી વહુને પેટ શેર માટીની ખોટ છે, ઘોડિયું બંધાવોને !”

“આ મારી દીકરીને એની જેઠાણી જંપવા દેતી નથી, એકાદ દોરો કરી આપોને !”

“અમારા જમાઈને ધનુડી ભંગડી વળગી છે, છોડાવોને, મા !”

સહુના જવાબમાં અમરબાઈ એક જ બોલ સંભળાવતાં : “દોરા-ધાગા ને મંતર તો મારી કને એક જ છે, બાપુ : કે ઈશ્વર સહુનું સારું કરજો !”

‘બાવણ મતલબી હશે, ભાઈ !’ એવું વિચારી લોકો શ્રીફળ લાવતાં, કોરી ધરતાં, દાણાની સૂંડલી ભરી રસ્તામાં ઊભા રહેતાં.

“ન ખપે, કશુંય ન ખપે, ભાઈલોક !” એટલું કહીને અમરબાઈ મોં મલકાવતાં.

એના મલકાટમાં ગજબ વશીકરણ હતું.

થોડે દહાડે અમરબાઈનું મન ચલિત થયું. એણે દેવીદાસની પાસે વાત ઉચ્ચારી : “જગ્યાનો વરો વધ્યો છે. રોગિયાં અને અભ્યાગતોની સંખ્યા ફાલતી જાય છે. આ ગોવાળો ને ખેડૂતો સામેથી ચાલીને દાણા આપવા તેમ જ જગ્યામાં ગાયો બાંધવા માગે છે. જગ્યાને ખાતર સ્વીકારી લઉં ?”

થોડી ઘડી તો સંતે કશું કહ્યું નહીં; રખેને કશોક ઉપદેશ આપવા જેવું થઈ જશે, રખે અમરબાઈને હું મારી ચેલકી સમજી બેસીશ, રખેને મારા ડહાપણનું હુંપદ મારા હૈયામાંથી અંકુર કાઢશે, એ બીકે પોતે ચૂપ જ રહી ગયા. પછી હસીને જવાબ આપ્યો : “આપણો સંઘરો આપણને જ દાટી દેશે, બે’ન ! તારા પગ થાક્યા છે ?”

“રામરોટી પૂરી થતી નથી.”

“કેને કેને માગો છો તમે ?”

“તમામ હિંદુ વરણને.”

“મુસલમાનને કાં નહીં ? રક્તપિત્તિયાને જાત નથી, બે’ન ! એ તો જાત બહારનાં, જગતની બહાર કાઢી મૂકેલાં છે. એ ન અભડાય. આપણેય જાત તજી છે.”

થોડી વાર પછી સંતે સંભારી આપ્યું : “ઢેઢેના વાસમાં જાઓ છો ?”

“ના રે !”

“કેમ નહીં ? શીદ તારવો છો એને ? પ્રભુનાં તો એ તારવેલાં નથી ને ?”

“ના.”

“આપણે પ્રભુથીયે ચોખ્ખેરા ?” સંત હસ્યા.

અમરબાઈનું મોં લજ્જાથી નીચે ઢળ્યું.

બરછીને જોરે જમીનો દબાવી દબાવી કાઠીઓ ઠરીઠામ બેસતા હતા. જમીન ખેડનારા ધીંગા ખેડૂતો મળી જવાથી કાઠીઓ નવરા પડ્યા હતા. રજપૂતોની નકલ કરવા લાગેલા કાઠીઓએ પોતાના ઘરમાં ઓઝલપરદા પેસાડ્યા. સૂરજના સ્વતંત્ર પૂજકો મટીને તેઓએ શિવ, વિષ્ણુ આદિ ઉજળિયાત જાતિઓના ઇષ્ટદેવોને સ્વીકારવામાં પોતાની ઇજ્જત માની હતી. ધર્માલયો દાનપુણ્યનાં ને સખાવતોનાં સ્થાનો બની જાય છે ત્યારે એમાંથી મળતી પ્રતિષ્ઠાના પરદા પાછળ માનવી પોતાનાં હજારો પાપો છુપાવે છે.

બગેશ્વર ગામનો કાઠી જમીનદાર જેનું નામ આપણે જાણતા નથી, તેની દેશભક્તિ ઉપર ઉજળિયાત વસ્તી મુગ્ધ બની હતી. બગેશ્વરના શિવલિંગની સામે દરરોજ એક પગે ઊભો રહીને એ દસ માળા ફેરવતો હતો. મહાશિવરાત્રિની શિવયાત્રામાં, શિવની પાલખીની આગળ આળગોટિયાં ખાતો ખાતો આખી વાટ મજલ કરતો.

ભિક્ષાની ટહેલ નાખતી અમરબાઈ કોઈ કોઈ વાર બગેશ્વર સુધી આવવા લાગી. પરબ-વાવડીના સ્થાનક ઉપર આશ્રિતોની ભીડ વધતી જતી હતી. સહુને પેટે ધાન પૂરવા માટે અમરબાઈનો ભિક્ષાપંથ લંબાયે જતો હતો. દત્તાત્રયના ધૂણાથી બગેશ્વર દસ ગાઉ હતું.

વગડા ખેડતી કેટલીએક સ્ત્રીઓએ અને ગોવાળોએ એને ચેતાવેલાં કે ‘માતાજી, ભલાં થઈને એ દિશામાં જતાં નહીં. ત્યાં સ્ત્રીનું રૂપ રોળાયા વિના રહેતું નથી. વળી ત્યાં જનોઈવાળાઓનું અને કંઠીવાળાઓનું જોર છે.’

‘મને, ધરમની ગવતરીને કોણ છેડવાનો છે ?’ એવું સમજીને અમરબાઈ નિર્ભય ભમતી હતી. પણ બગેશ્વરના કાઠીઓ વિશે એણે બહુ બહુ વાતો જાણી તે પછી એનું દિલ થરથરતું હતું.

પણ દિલ તો ઘોડા જેવું છે. એક વાર જ્યાં ચમકીને અટકે છે, ત્યાં એ સદાય એટકે; માટે ડાહ્યો ચાબુક-સવાર પોતાના પ્રાણીની ચમક પહેલે જ ઝપાટે ભાંગી નાખે છે.

અમરબાઈના આત્માએ પણ ચમકતા કલેજા ઉપર આગ્રહનો ચાબુક ફટકાવ્યો. એક દિવસની સાંજે બગેશ્વરની શેરીઓમાં ‘સત દેવીદાસ’નો સખુન ગુંજી ઊઠ્યો. તે વખતે સૂર્ય આકાશની સીમમાંથી થાકી લોથ થઈ ક્ષિતિજની નીચે જતો હતો. સજ્જનની વિદાય પછઈ પણ પાછળ રહી જતી સુવાસ જેવી સૂર્યપ્રભા હજુ પૃથ્વી ઉપર ભભકતી હતી. થોડા જીવતરમાંય ઘણી ગણી રમતો રમી જનારી સંધ્યા પણ હવે તો છેલ્લા શ્વાસ ભરતી હતી. તે વખતે બગેશ્વરનો પૂજારી બાવો દરબારની ડેલી તરફ ઝપાટાભેર ચાલ્યો. ને ત્યાં પહોંચી એણે લાલઘૂમ લોચનો ફાડી બગડેલી હિંદી વાણીમાં વરાળો કાઢી કે “કાઠી, તેરા સત્યાનાશ નિકલસે !”

“શા માટે, ગુરુજી ?”

“વો નકલી મીરાંબાઈને સારા ગાંવકો ધર્મભ્રષ્ટ કર દિયા. ઘર ઘર ભીખતી ભીખતી વો અબ કહાં ચલી માલૂમ સે તૂંને ?”

“ક્યાં ?”

“ચમારવાડેમેં, વહાંસે વો મુડદાલ માંસકી ભીખ લેસે.”

બગેશ્વરનો પૂજારી હજુ પુરું બોલી નહોતો રહ્યો, કાઠી દરબારના મોં પરની રેખાઓ હજુ પૂરેપૂરી કરડાઈ ધારણ નહોતી કરી રહી, ત્યાં તો નજીકમાંથી અવાજ આવ્યો : ‘સત દેવીદાસ !’

“વોહી ડાકિની !” પૂજારીએ ચમકીને કાન માંડ્યા. શબ્દ ફરી ફરી વાર આવ્યો : ‘સત... દેવીદાસ !’

માઢ-મેડીની બારીમાંથી કાઠીરાજે ડોકિયું કર્યું. જોગણને આવતી દેખી.

અંચળો નથી, ચીપિયો નથી, કાનોમાં કડીઓ નથી, ડોકમાં કંઠી નથી. માળા પણ નથી. ગેરુવા રંગમાં આછું રંગેલું ઓઢણ સંસારીની અદબથી ધારણ કર્યું છે. ને માથા પર કાળા કોઈ વાસુકિનાં બચળાંને મળતાં વેંત વેંત ટૂકાં લટૂરિયાં છે. પૂર્વ ત્યાં એક આણું વળીને પિયુઘેર જતી આહીરાણીનો ઘૂંટણે ઢળકતો ચોટલો હતો.

પૂજારી કાઠીરાજના ચહેરાને નિહાળતો હતો. એ ચહેરાની રેખાઓએ પહાડી ઝરણાંઓના પ્રવાહોની સુંવાળી રસાળી બંકાઈ ધારણ કરવા માંડી હતી.

અમરબાઈ કાઠીરાજની ડેલીમાં ક્યારે પેઠી, અને રામરોટી માગીને પાછી ક્યારે બહાર નીકળી ગઈ તેનું ભાન કાઠીરાજને રહ્યું નહોતું. એ ભાન એને પૂજારીએ જ કરાવ્યું : “દેખ, તેરે ઘરમેં ભી ડાકણ જાઈ આવી.”

“હેં ! ગોલ... !”

કાઠીની ગાળોમાં પ્રિય શબ્દ, લાડકવાયો શબ્દ, સદાય જીભને ટેરવે રમતો શબ્દ ‘ગોલકી’ અથવા પુરુષવાચક ‘ગોલકીના’ એવો હતો. એ શબ્દમાં રમૂજભર્યો તિરસ્કાર હતો.

પણ એ શબ્દનો ઉચ્ચાર કાઠીરાજના હોઠ ઉપર અધૂરો રહી ગયો.

એ હોઠની નજીકમાં જોગણના વદનની કલ્પનાછબી રમતી હતી. જીવનમાં પહેલી વાર કાઠીરાજને એવું એક માનવી જડ્યું, કે જેના પ્રત્યેનો અપશબ્દ પોતાની જીભ ઊંચકી ન શકી.

નીચે બેઠેલા ચોકીદારોને એણે હાક મારી : “કેમ એ બાવણને અંદરના વાસમાં જવા દીધી ?”

માણસોએ જવાબ આપ્યો : “એણે અમારી રજા માગી નહીં. એને અમે રોકવાનું કહી જ ન શક્યા : અમારી જીભ કોણ જાણે શા કારણે તાળવામાં ચોંટી રહી.”

“એટલે ? ડાચાં ફાડીને બધા બસ એની સામે ટાંપી જ રહ્યા ? તમારા માંહેલા એંશી વરસના બૂઢાઓનેય ત્યાં શું જોવા જેવું રહી ગયું’તું ?”

માનવી જેને ચમત્કારોમાં ખપાવે છે એ બાબતો મૂળ તો આવી જ સીધી ને સાદી હશે કે ? આત્માનું બળ જ્યારે એકઠું થઈને દેહ ઉપર ઝળેળી ઊઠે છે ત્યારે વાઘવરુ જેવાં મનુષ્યો પણ શું એ વિભૂતિના પ્રભાવથી દબાઈ નથી જતાં ? પહાડ-શા પડછંદ પુરુષો એકાદ દૂબળા ને બદસૂરત દેહની પાસે અવાક બને છે, તેનું શું રહસ્ય હશે ? શ્રીકૃષ્ણે અર્જુનને વિરાટ સ્વરૂપ બતાવવાની જરૂર જોઈ હશે, એવું માનવામાં જ નથી આવતું. અર્જુન તો ચમક્યો, ધ્રૂજ્યો, ને નમ્યો હશે એના સારથિના સાદા નાના માનવ-સ્વરૂપની સામે. કેમ કે એ માનવી, એ મુરલીધર, જીવનતત્ત્વોનો સુંદર મેળ મેળવી શક્યો હતો. લાંબા લાંબા દાંત અને એ દાંતની વચ્ચે ચગદાતો અનંત માનવસમૂહ, એવું કશું જ દેખાડી અર્જુન-શા મહાવીરને, પ્રજ્ઞ પુરુષને, સ્તબ્ધ કરી દેવાની જરૂર નહોતી.

“પૂજારી ! તમે પધારો. હું એ વાતની વેતરણ કરી નાખીશ.”

“હા. નહીંતર તેરા નિકંદન નિકલ જાસે.”

એવી દમદાટી દેતો પૂજારી પાછો ગયો. ને પૃથ્વી ઉપર પૂરેપૂરાં અંધારાં ઊતરી ચૂક્યાં.

“મારી ઘોડી પર પલાણ મંડાવો.” કાઠીરાજે હુકમ આપ્યો. પોતાના એખ સ્વામીનિષ્ઠ સાથીને સાથે ચાલવા કહીને કાઠીરાજે ઘોડી હાંકી મૂકી. બન્ને ઘોડાં માર માર ગતિએ પરબવાવડી જગ્યાને માર્ગે ચડી ગયાં.

સીમાડો વટાવ્યો કે તુરત જ આગળની ગમથી શબદ બોલ્યો : ‘સત દેવીદાસ !’, ‘સત દેવીદાસ !’

અંધકાર હોય છે ત્યારે શબ્દો પણ દેહધારીઓ બનતા દીસે છે. કોઈ અવાજ નિર્દોષ બાળકનું રૂપ ધરે છે, કોઈ ફૂંફાડતો સાપ બને છે, કોઈ કલ્લોલતા પક્ષીનો આકાર કાઢે છે. કોઈ સખુન શુક્રના તારાની જ્યોત પ્રગટાવતો લાગે છે. તો કોઈમાંથી કેવડાના ફૂલની સુગંધ મહેકી ઊઠે છે.

અમરબાઈનો બોલ અંધકારમાં કોઈ બચ્ચું શોધતી છાળી (બકરી) જેવો લાગ્યો.

“આ જાય ! હાંક્યે રાખો !” કહીને કાઠીરાજે ઘોડીને જરાક ડચકારી.

બેઉ ઘોડીઓના ડાબલા ગીરકાંઠાની કાળી પોચી ભોમ ઉપર બોદા અવાજ કરતા હતા.

ફરીથી અવાજ એટલો ને એટલો આગળ સંભળાયો : ‘સ...ત દેવીદા...સ !’

“હં, આ રહી. કરો ઝટ ભેળાં.” કહીને કાઠીરાજે ફરીથી ઘોડીને ડચકારી. લગામને સહેજ જ ડોંચી. તેજીલી ઘોડીને પુરપાર રેવાળની ચાલમાં નાખવાને માટે આટલો ઇશારો જ બસ હતો.

અંધકારમાં ઘોડીઓ સન્મુખ, ડાબી ગમ ને જમણી બાજુ વારંવાર કનોટી માંડીને તાકતી જતી હતી. ને ઘોડીની આંખોની તાક પધોરે બન્ને અસવારો પણ પોતાની ઝીણી આંખોને ખેંચતા હતા.

ડાબી બાજુએ સતવાળી નદીમાં દેડકાંની દુનિયા ગાનના જલસા કરી રહી હતી. તી ! તી ! તી ! અવાજ કરતું કોઈ કોઈ બગલું એક ઠેકાણેથી ઊડી બીજે ઠેકાણે બેસતું હતું. માછલીઓ અંધારામાં રંગબેરંગી હીરા જેવી ઝગમગતી હતી. છૈયાનાં ઘાસનો કેડ્ય કેડ્ય સમાણો જથ્થો ડાકુઓના જૂથની જેમ નદીનાં નીરને દબાવી સૂનમૂન ઊભો હતો.

‘આ તે શું ?’ કાઠીરાજને જીવનમાં બહુ થોડાં જ વિસ્મયો માંહેલું એક વિસ્મય થયું : ‘આટલી બધી એના પગની ઝડપ ! ક્યારુની ઘોડાં મોર્ય ચાલી જાય છે. દોડતી હશે શું ? કે આડીઅવળી તરી ગઈ હશે ?’

જવાબમાં ધ્વનિ સંભળાયો : ‘સત દેવીદાસ !’

‘આ રહી નજીક જ’, એવા ઉલ્લાસમાં આવી જઈ અસવારે ઘોડીને દબાવી. ઘોડી રેવાળની ચાલમાંથી બાદડુકમાં ગઈ.

અર્ધા ગાઉની એક દોટ પૂરી કરીને જ્યારે કાઠીરાજ શૂન્યમાં ઊભા થઈ રહ્યા ત્યારે પેલો અવાજ ખેતરવા જેટલો પછવાડેથી સંભળાયો : ‘સત દેવીદાસ !’

“વાંસે વળી ક્યારુકની રોકાઈ ગઈ, ગો...!”

‘ગોલકી’ શબ્દનો ઉચ્ચાર ફરી એક વાર અધૂરો રહ્યો.

અસવારો થંભ્યા, સારી પેઠે વાર થઈ. કોઈ જ નહોતું આવતું.

“ગઈ ક્યાં ?”

એ પ્રશ્નનો ઉત્તર દેતો ધ્વનિ ફરીથી પાછો ખેતરવા આગળ જઈને ઊઠ્યો : ‘સ...ત દેવીદાસ !’

અવાજની સંતાકૂકડીની રમત સારી પેઠે ચગી ગઈ. કાઠીના દિલમાં જે એક મધુરી અધીરાઈ જાગી હતી તે કડવી કડવી બની ગઈ એને રોષ ચડ્યો. એ ચતુર વર્ણનો પુરુષ, દોંગાઈ જેને એક વિદ્યાની માફક વરી છે એવી, જગતનાં કાંઈક હાટ-બજારોમાં ભ્રમણ કરતી સોરઠ ધરામાં ઊતરેલી કાઠીજાતિનો એ જાયો, પહેલી વાર ભોંઠો પડ્યો. વધુ દાઝ તો એને એટલા માટે ચડી કે પોતાને થાપ આપનાર એક સ્ત્રી હતી, એક વેરાગણ હતી.

‘મેલિ વિદ્યાને સાધી હશે ગો...એ ? પાંખો કરીને વિદ્યાધરીની જેમ ઊડતી હશે ?’

ગુંદાળીધાર વટાવી. પીપળિયું પણ પાછળ મૂક્યું. ધીરો એક દીવો ટમટમ્યો. ને ફરી વાર ત્યાં ધ્વનિ થયો. પગના ધબકારા પણ બોલ્યાં : ‘ઓ જાય ! પણ આ તો એની જગ્યા આવી ગઈ ! બચી ગઈ.’

ઘોડીઓ જ્યારે જગ્યાની નજીક પહોંચી ત્યારે રસ્તાને કાંઠે એ ઊભી હતી. તારામંડળના તેજમાં એનો આકાર સ્વચ્છ દેખાયો. એણે મીઠો અવાજ કર્યો : ‘સત દેવીદાસ ! કોણ છો, બાપુ ?”

“મુસાફરો છીએ.”

“કેટલેક જાવું છે ?”

“જાવું’તું તો બીજે, પણ રસ્તો ભૂલ્યા છીએ.”

“કાંઈ ફિકર નહીં, બાપા, રસ્તો ભૂલેલાંને માટે જ અહીં વિસામો છે.”

“ક્યાં ?”

“સંત દેવીદાસની ઝૂંપડીમાં. આવશો ?”

અસવારોને ભાવતું હતું તે જ જડી ગયું. “ભલે.”

“ચાલો. બાપ.”

અમરબાઈએ કાઠીરાજની બન્ને ઘોડીઓની લગામ ઝાલી દોરવા માંડ્યું. અસવારો ચૂપ રહીને દોરાતા ચાલ્યા. અમરે પૂછ્યું : “પછવાડે ઘોડાં દોટાવતા દોટાવતા કોણ તમે જ આવતા’તા, ભાઈ ?”

“ક્યાં ? ક્યારે ? ક્યાંથી ?” કાઠીરાજ થોથરાયો.

“ઠેઠ બગેશ્વરને સીમાડેથી.”

“કોઈક બીજા હશે.”

“જે હો તે હો, ભાઈ; પણ બાપડા કોણ જાણે શુંય ગોતતા’તા વગડામાં. અંધારે ગોતતાં કાંઈ ભાળ મળે નહીં ને ? ભેળો ભોમિયો નહીં હોય. ને પાછું આ તો ગીરનો વગડો, વીરા ! ઘોડાં તૂટી જાય. હશે ! કોઈ બચાડા અતિ વહાલી જણસની ગોતમાં જ નીકળ્યા હશે ને !”

એટલું બોલીને અમરબાઈએ પાછળ નજર કરી. જગ્યાનો ઝાંપો આવી ગયો હતો, ઝાંખો દીવો ઝાંપે બળતો હતો. ઝાંખા પ્રકાશમાં બેઉએ એકબીજાને નિહાળ્યાં.

“ઊતરો, બાપ !” કહીને અમરબાઈએ ઘોડીને થોભાવી લીધી.

કાઠીરાજ નીચે ઊતર્યો ત્યારે એનું દેહપરિમાણ સ્પષ્ટ દેખાયું.

સૂરજમુખો : પાતળા સોટા જેવો : સિથિયનોનો વારસ : આભે રમતું મસ્તક : આજાનબાહુ : જેના પૂર્વજોએ હિમાલયની અભેદ્ય પહાડમાળા વીંધી પંચસિંધુને તીરે મેખીઓ ચરાવી : જેની માતાઓ યુરોપની સંસ્કૃતિમાંથી રાચરચીલાંની, ગૃહશોભાની ને દેહસૌંદર્ય સમજવાની કળાઓ લઈ હિન્દમાં ઊતરી : જેની પત્નીઓએ છેક પંજાબમાંથી નીકળી સોરઠમાં ઊતરતાં પણ સંગાથે પોતાનાં લંબસુરીલાં લોકગીતો હૈયાની દાબડીમાં સંઘરી રાખ્યાં : જેના પિતૃઓએ કોમનાં રંક તેમ જ રા’ને એક જ પંગતે જમાડનારી તેમ જ એક હોકે ઘૂંટ લેવાની પરજપરંપરા સ્થાપી : જેના રણશૂર વડવાને સૂર્યદેવે થાન પાસેના ડુંગરાની એક જાળ પાસે હાથોહાથ સાંગનું શસ્ત્ર બંધાવ્યું : ને જેની કોમે સોરઠમાં અઢાર તાંસળીઓ (કોમો) વચ્ચે રોટીબેટીના વ્યવહાર સ્થાપ્યા.

એવી એક બહુરંગ જાતિનો રૂપાળો રસીલો જુવાન જે વેળા ઘોડીએથી ઊતર્યો તે વેળા વીસેક જીવતાં માનવકલેવરો જગ્યાના ઓઠા ઉપરથી ચિત્કાર કરી ઊઠ્યાં.

“મા, તમે આવ્યાં ! ઝટ હાલોને મા ! બહુ ભૂખ લાગી છે, પેટમાં લાય લાગી છે.”

ત્યાં બીજું રોગી બોલી ઊઠ્યું : “મા, તમ વિના ગમતુંય નો’તું.”

ત્રીજાએ કહ્યું : “દેવીદાસ બાપુને ઓચિંતાનું ગામતરું આવ્યું ને અમે સાવ એકલાં પડી ગયાં, રાજના સપાઈસપરા કાંઈ હાકૉટા કરી ગયા, માડી !”

“બાપુ ગામતરે ગયા ? ક્યાં ગયાં ?” અમરબાઈએ ઝોળી ઉતારતાં ઉતારતાં પૂછ્યું.

“જૂનેગઢ તડી ગયા. તલવારુંવાળા દસક જણ આવ્યા’તા.”

કાઠીરાજ એ વખતે પરસાળ પર ચડતો હતો. એ પોતાના સાથી તરફ ફર્યો. એનો હાથ સહેજ એની ઝીણી મૂછો ઉપર ગયો.

દીવાની જ્યોતને કોઈએ જાણે ચાબુક ફટકાર્યો હોય ને, તેવી રીતે એણે મરોડ લીધો.

અમરબાઈને આજે પહેલી જ રાત દેવીદાસ વિનાની હતી. એના હૃદયમાં પહેલી વાર એક ઊંડી ફાળ પડી. દેવીદાસ નથી, અને એક જોબનજોદ્ધ પરપુરુ, અહીં રાત રોકાશે. શું થશે ?

નિત્યના નિયમ પ્રમાણે પંગત બિછાવીને વચ્ચોવચ અમરબાઈએ ઝોલી ઠાલવી. ત્યારે અતિથિઓ ઝીણી નજરે એ અન્નની ખબર લીધી.

પણ એ ખબર અધૂરી હતી. અધૂરી માહિતીને અમરબાઈએ આ રીતે પૂરી કરી. ઝોળીમાંથી એક એક રોટલો અને ધાનનો લોંદો સર્વે જમનારાને દેખાડતી દેખાડતી પોતે કહેતી કે “હરિનાં બાળ ! આ રોટી રામપરના ગામોટ-ઘરની : આ રોટલો ઘંટિયાણ ગામના ભરવાડનો દીધેલો : આ બગેશ્વરના ચમાર-ઘરનું બંટીનું ધાન : અને આ એક રોટલો -”

એણે રોટલાને ઊંચો કરી વધુ ચીવટથી તપાસ્યો.

“હરિનાં બાળ ! આ એક રાજદરબારી રોટલો છે. એમાં હું કીડા ખદબદતા દેખું છું. કારણ કે એ ઘડનારીને મેં આજ નજરે દેખી. એના એક લમણા ઉપરથી વાળ ચાલ્યા ગયા હતા. મેં પૂછ્યું કે ‘આઈ, લમણાંની લટો ક્યાં ?’ એણે કહ્યું કે ‘બળી ગઈ.’

“મેં પૂછ્યું, શી રીતે ?”

“એ કહે કે, ચૂલે રોટલા કરતાં કરતાં !”

“મેં પૂછ્યું, એમ કેમ બળે ?”

“એ કહે કે, ઝોલું આવી ગયેલું. રાતના ત્રીજે પહોરે દરબાર ડેલીએ દાયરો ભરીને કસુંબા ને દારૂની મેફલ કરતા’તા. મે’માનોને રોટલા ખવરાવવાનું બાકી હતું.”

“હરીનાં બાળ ! આ રોટલો ચમારના ધાન કરતાં ઊતરતો છે. એ આપણે નહીં ખાઈ શકીએ. એ આપણને જરશે નહીં, એ તો સમાશે આપણી ગવતરીના જ ઉદરમાં.”

“હરીનાં બાળ ! આજ આપણે જમવા પહેલાં એ કાઠીરાણીનાં દુઃખને સંભારીએ. કહો સહુ, કે ભગવાન એનું ભલું કરજો !”

સહુએ કહ્યું : “ભગવાન એનું ભલું કરજો !”

પછી જમવાનું શરૂ થયું.

પરસાળમાં બેઠેલા મહેમાને આ આખો પ્રસંગ સળગતાં સળગતાં સાંભળ્યો. પણ કિન્નાને માટે એની પાસે આખી રાત પડી હતી. એણે સાંત્વન ધર્યું.

આજારોને સુવારી દઈ અમરબાઈ પરોણાઓનાં બિછાનાં પાથરવા ગયાં. મુખ્ય ઘરથી છેટે એક મઢૂલી ઉતારા તરીકે વપરાતી. ગરીબી એ જગ્યાના સંચાલકોનું જીવનવ્રત હતું. પણ એ વ્રતના અભિમાનમાં તણાઈને દેવીદાસે પરોણાઓને પણ ગરીબીવ્રતમાં જકડ્યા નહોતા. આથી કરીને અતિથિગૃહમાં તો ખાટલા અને ગાદલાં પણ બબે વસાવી લીધાં હતાં. સંતે એક વખત કપાસની મોસમમાં ખળાવાડે ઝોળી ફેરવી હતી. ભલા ખેડૂતો મશ્કરી કરતા કે ‘બાપુ, આમ છોકરાંની રમત શું કરો છો ! લઈ જાઓને એક એક કળ પાસેથી મણ મણ કપાસ !’

સંત હસતા : ‘દોથો દોથો જ દ્યોને ભાઈ ! દૂઝણી ધેનુઓ જેવા છો, તે પાછાં વે’લાં વે’લાં વસૂકી જશો, જો મણ મણ ઉઘરાવીશ તો.’

ખાટલાનાં લાકડાં પણ પોતે જ જંગલમાંથી કાપી આવેલ ને ભીંડી પણ પોતે જ ભાંગીને વાણ (રસી) બનાવી લીધું હતું.

અતિથિગૃહમાં દીવો પેટાવીને અમરબાઈ જ્યારે પથારીઓ પાથરતી હતી, ત્યારે એની ચીવટ હરકોઈ જોનારાને સંશયમાં નાખે તેવી હતી. ખાટલા ખંખેર્યા, ગાદલાં ઝાપટ્યાં, ગાદલાંને અને બાલેશિયાંને ખૂણેખૂણેથી જીવાત જોઈ નાખી. અને તે ઉપર રજાઈઓ બિછાવી પોતાના હાથ આખી પથારી ઉપર દાબી જોયા : એકલી એકલી બોલી : ‘ક્યાંય ગાંઠોગડબો તો રહ્યો નથી ને ?’

“કેટલી બધી કાળજી !” અમરબાઈની પીઠ પાછળથી કોઈએ ટૌકો કર્યો.

પછવાડે જોયું તો રૂપાળો કાઠી મહેમાન બારણાં બંધ કરીને અંદર ઊભો હતો બારણાંને એણે પોતાના શરીરથી દવાબી રાખ્યાં હતાં.

પહેલાં પ્રથમ તો અમરબાઈને પોતાની આંખો ઉપર જ અવિશ્વાસ આવ્યો. આ શું જગ્યાનો મહેમાન જ છે ? જેને હજુ હમણાં જ ગાયનું તાજું દૂધ પિવરાવ્યું, તે જ આ માણસ છે ? આ માણસ આટલો બધો રૂપાળો છે, છતાંય શું લંપટતા એનામાં હોઈ શકે ?

મહેમાન સામે ઊભો ઊભો મોં મલકાવી રહ્યો હતો. દીવાની જ્યોતમાં એક જંગલી જીવડું સડસડ સળગતું હતું. અતિથિનો દેહ કેમ જાણે કોઈ કાળા ચોગઠામાં મઢ્યો હોય તેવો એનો કાળો પડછાયો ભીંત ઉપર એની પછવાડે પડતો હતો; ને જગત પણ તે સમયે કોઈ કાવતરાખોરના કલેજા જેવા અંધકારમાં સપડાયું હતું. માત્ર થોડા તારાઓ જ કરોડો જોજન દૂરથી છૂપા હોઠ પટપટાવી જગતને સાનમાં કહેતા હતા કે ‘હિંમત હારીશ ના !’

અમરબાઈએ ફક્ત એટલું કહ્યું કે “સત દેવીદાસ !”

બહુ પ્રયત્ને એના ગળામાંથી આટલો સૂર નીકળ્યો. એ સૂર જાણે કે એનો સાથી બન્યો. અમરબાઈને તુરત એમ લાગ્યું કે અહીં કોઈક મારો મદદગાર છે, જેણે આ શબ્દોનો જવાબ દીવાલોમાંથી વાળ્યો. અંધારી સાંકડી ગલીમાંથી પસાર થતું માનવી ગાય છે, ગાઈને પોતાની એકલતા મિટાવે છે.

કોઈએ દઝાડ્યો હોય ને જાણે ! એવી દાઝ દાખવતો કાઠી પોતાના મોં પરનો મલકાટ સંકેલી લઈ સહેજ ઉગ્ર આંખે અમરબાઈ તરફ વધ્યો. એની ભુજાઓ આ એકલી સ્ત્રીના દેહ પ્રત્યે પહોળાયેલી હતી. એનાં જુલફાં મોંને ઢાંકતાં હતાં.

‘સત દેવીદાસ ! સત દેવીદાસ ! સત દેવીદાસ !’ એને અક્કેક પગલે અમરબાઈએ આ બોલ રટ્યા. એ બોલના ધ્વનિએ અતિથિને ઉશ્કેર્યો - બંદૂકમાંથી છૂટતી ગોળી વાઘને ઉશ્કેરે તે રીતે.

“બોલ મા એ બોલ,” એણે કહ્યું : “મારાથી એ સાંભળ્યા જાતા નથી. તું મારણના જાપ જપછ, એમ ને ? મારો પ્રાણ નીકળી પડે છે, ખબર નથી પડતી ? મારા માથામાં દુખાવો ઊપડ્યો છે. શૂળ પરોવાય છે. મને પડવા દે પથારીમાં.”

આવું આવું વિચિત્ર ભાષણ કરતો કરતો મહેમાન બિછાના પાસે પહોંચ્યો ત્યારે એ પોતાના શરીર પરનો કાબૂ ગુમાવી બેઠો હતો. એ ભફ દેતો બિછાનામાં પડ્યો. એણે પોતાનું માથું બે હાથોમાં જકડી લીધું. હજુ તો હમણાં હસતું હતું એ જ મોં ઓચિંતાનું રિબાતું, ઓશિયાળું બની ગયું.

અમરબાઈ એની સામે ચૂપચાપ ઊભેલી હતી. પડ્યાં પડ્યાં મહેમાને એને નિર્ભય ઊબેલી નિહાળી. એના હોઠ બિડાયેલા હતા એની આંખોમાં કોઈ જાતની અધીરાઈ નહોતી.

“તું ભાગતી કેમ નથી ? તું હજુ મારી સામે ઊભવાની હિંમત શી રીતે નાખી રહી છો ?” માથામાં શૂળો ભોંકાતાં હતાં તેની અરેરાટી કરતાં કરતાં મેહમાને પૂછઅયું.

અમરબાઈએ માત્ર માથું ધુણાવ્યું.

“તેં મને આ શું કરી મૂક્યું ?” મહેમાન કષ્ટાતો કષ્ટાતો કહેતો હતો. “માર્ગો મારાં ઘોડાંને ભૂલાં પાડ્યાં તારા એ શબ્દે જ. અત્યારે મને આ દુખાવામાં નખાવ્યો એ પણ તારા આ શબ્દે જ.”

અમરબાઈને પહેલી જ વાર ખબર પડી કે પોતાની પછવાડે ઘોડા દોડાવનારો બગેશ્વરનો કાઠીરાજ આ પોતે જ હતો. હવે એને સમજાયું કે ‘સત દેવીદાસ’ના બોલોએ એના માથામાં શૂળો શા કારણે પરોવ્યાં હતાં, જંગલમાં એ બીનો હતો તે જ વાતની અસર અત્યારે થઈ હતી.

“ભલી થીને તારા મારણ જાપ પાછા વાળી લઈશ ?”

અમરબાઈ રોગીના એ શબ્દો સામે શાંતિથી હસી.

વાડ્યની બહાર એ વખતે ચારેક ઘોડાઓના ડાબલાઓ પછડાયા.

ઝાંપા બહાર ઘોડાં ખડાં રહ્યાં. અસવારોએ બહાર ઊભા ઊભા હાક મારી : ‘સત દેવીદાસ !’

“સત દેવીદાસ !” અમરબાઈનો સામો સૂર આ અતિથિગૃહમાંથી ઊઠ્યો.

“હવે હું જાઉં ?” મહેમાનની સામે જોઈ એણે રજા માગી.

“મને - મને -” કાઠીએ લાચારીભર્યા સ્વરે કશુંક કહેવા પ્રયત્ન કર્યો, પણ માથું નીકળી પડતું હતું. નસો ખેંચાતી હતી. બાલોશિયાની નીચે માથાને દાટીને એ વેદના સહેતો હતો. જાણે જીવતો સળગતો હતો. વધારામાં એણે બહાર વા’ર આવી સાંભળી. એને પોતાનું મોત છેલ્લી છલંગો ભરતું દેખાયું.

“હમણાં જ તમારા માથાના દુખાવાની દવા લાવું છું.” એટલું બોલીને અમરબાઈએ બારણાં ખોલ્યાં. પાછાં ધીરેથી બંધ કરી બહારથી સાંકળ ચડાવી. સાંકળ ચડી તેનો અવાજ અંદર સૂતેલા પરોણાએ સાંભળ્યો. એને પોતાનાં બૂરાં તકદીરની ખાતરી થઈ ચૂકી.

ઝાંપે જઈને એણે તારોડિયાના પ્રકાશમાં અસવારો માંયલા મુખ્ય અસવારને ઓળખી લીધો.

“સત દેવીદાસ, આપા શાદુળ ખુમાણ !”

“કેમ, બાપ, અસૂરા આવવું પડ્યું આવી મેઘલી રાતે ?”

“ઓલ્યો અસુર આજ તમારી પાછળ પડ્યો’તો ને ?”

“કોણ ?”

“બગેશ્વરવાળો...”

“કોણે કહ્યું ? મને તો ખબર નથી, ભાઈ !”

“ત્યારે મને શું ખોટા સમાચાર મળ્યા ? ગામેગામેથી ખેપિયા દોડ્યા’તા કે પરબ-વાવડીવાળી જોગણની વાંસે બગેશ્વરવાળાનાં ઘોડાં છૂટ્યાં છે. એ સાંભળીને જ હું મારતે ઘોડે ભેંસાણથી આવ્યો.”

“ના રે ના, આપા શાદુળ, કોઈકે બનાવટ કરી, નાહક તમારાં ઘોડાંને તગડ્યાં ! ખમા માડી ! ઊતરશો ?”

“કહો તો ઊતરીએ. જરૂર હોય તો રાતવાસો રહીને જઈએ. બાકી તો દોડાદોડ કરી રહ્યા છીએ દેવીદાસ મહારાજની શોધમાં.”

“કેમ શોધમાં ? જૂનાગઢ લઈ ગયા છે ને ?”

“ના રે ના, નામ દીધું જૂનાગઢની પોલીસનું, પણ લઈ ગયા છે કોઈક બહારવટિયા !”

“બહારવટિયા ?” અમરબાઈને અચંબો થયો : “બહારવટિયા દેવીદાસજીને શા માટે લઈ જાય ?”

“હવે એ જાતે દા’ડે જાણશો.”

કોઈ પણ ગર્ભિત અર્થવાળી અથવા માર્મિક વાણીનો અર્થ ન કઢાવવો એવી અમરબાઈની પ્રકૃતિ હતી. એ જવાબ આપ્યા વિના જ ઝાંપો ઝાલીને ઊભી હતી.

ફરી એક વાર અસવારે કહ્યું : “ભે નથી લાગતી ને ? નીકર બે જણાને આંહીં મૂકી જાઉં.”

અતિથિગૃહની પથારીમાં પડ્યો પડ્યો આ વાતને સાંભળી રહેલ પરોણો લગભગ ઊભો થઈને ગોદડામાં સંતાવાની તૈયારી કરતો હતો. એનું આખું શરીર પસીને રેબઝેબ થઈ ગયું હતું. ત્યાં તો એણે પોતાના મૃત્યુખંડમાંથી મુક્તિશબ્દ સાંભળ્યો : “ના ભાઈ ! તમે તમારે જાવ, બાપુની શોધ કરો. અહીં તો મારે રામનાં રખવાળાં છે.”

“ઠીક ત્યારે, સત દેવીદાસ.”

“સત દેવીદાસ.”

એ શબ્દે અમરબાઈએ વિદાય દીધી. થોડી વારમાં જ ઘોડાંના ડાબલા ચૂપ બન્યા. અમરબાઈ પાછાં અતિથિગૃહમાં દાખલ થયાં. પળેપળ જેની જુગ જુગ જેવડી જતી હતી, મોતને અને જેને તસુવા છેટું હતું, જેની જીવાદોરી પોતે દૂભવેલી એક સ્ત્રીના હાથમાં પડી ગઈ હતી, તે માણસે જાણે કે પોતાનાં વેરાઈ ગયેલાં હાડકાં પાછાં એકઠાં કર્યાં.

“તમારે માટે આ ડીંડલા થોરનું દૂધ લાવી છું, ભાઈ ! લ્યો હું માથે ચોપડી દઉં.”

એમ કહીને અમરબાઈ એ કાઠીની પથારી પર એક પાંદડાંના પડિયા સાથે લળી. થોરનું દૂધ એને લમણે ચોપડીને પોતે થોડી વાર સ્થિર ભાવે ઊભી રહી. સૂતેલા મહેમાનની આંખોમાં અબોલ લાચારી હતી. પછી અમરબાઈએ ફરીથી કહ્યું : “હવે હું સૂવા જાઉં છું, વીર ! ને જરૂર હોય તો મને સાદ કરી કહેજો કે ‘સત દેવીદાવ !’ એટલે હું ભરનીંદરમાંય એ શબદ સાંભળીશ.” ચાલી જતી એ જુવાન વેરાગણનો શબ્દેશબ્દ એક્કેક તમાચા જેવો લાગ્યો.

પ્રભાતે અમરબાઈ જ્યારે જાગ્યાં ત્યારે કાઠીરાજ અને એનો સાથી નાસી ગયા હતા.

દેવીદસજીને બહારવટિયા પકડી ગયા ? બહારવટિયાને શો કસ કાઢવાનો હોય ? અમરબાઈ ચિંતામાં પડ્યાં.

સંસારને તજ્યા પછી પણ પાછી નવી સ્વજનપ્રીતિ તો લાગી જ પડી હતી. દેવીદાસને એ પોતાના નવજન્મના પિતા જ નહીં, પણ માતાય ગણતી હતી. અમરબાઈને હંમેશાં એવું થતું કે પોતે દેવીદાસના ખોળમાં તાજું જન્મેલ એક બાળ રમે તે ભાવે રમે છે. આજ એનો પિતા ગુમ થયો હતો. નજીકમાં જ્યાં ચોકિયાતોનાં થાણાં હતાં ત્યાં જઈને એણે રાવ કરી કે મારા દેવીદાસ બાપુ ગુમ થયા છે.

“કોણ છે આ દેવીદાસ !” અધિકારીઓ તપાસ કરતા, “અરે આ તો પેલો દેવલો રબારી, બે છોકરાંનો બાપ બનીને પછી જગ્યા બાંધી બેઠો છે.”

વાત સાચી હતી. ગીરકાંઠાના શોભાવડલા ગામમાં જીવો નામે રબારી રહેતો હતો. ગાયો, ભેંસો, બકરાં, ગાડર અને ઊંટ : માલધારીની એ પાંચેય લક્ષ્મી એની પાસે હતી. અઢારસોના સૈકામાં એકાશિયો કાળ પડતાં સામટાં ઢોરને ગામની આસપાસમાં ચારો પૂરો ન પડ્યો એટલે જીવો રબારી માલ લઈને ગિરનાર ભણી ચાલી નીકળ્યો.

ગિરનારની તળેટીમાં બીલખાની નજીક રામનાથને નાકે એણે પૂરતો ચારો દીઠો, દિલ ઠર્યું, ત્યાં મુકામ કીધા. રામનાથનું મંદિર તે કાળમાં ગીચ ઝાડી વચ્ચે વીંટળાયેલું હતું. પગથિયાં નહોતાં બંધાયાં. લોકોનો અવરજવર ઓછો હતો. રામનાથની એવી વિકટ, વિકરાળ અને સૂનકાર જગ્યામાં થોડાએક સુપાત્ર સાધુઓ જ રહેતા અને તે સહુના ગુરુ જયરામગરજી હતા.

બહુ નાની વયમાં જયરામગરજીનું ત્યાં આવવું થયું હતું, વખથ જતે જતે એ જોગીએ નજીકમાં ગધેસિંગના ડુંગરા ઉપર વસતા એક વૃદ્ધ ફકીર નૂરશાહનો સત્સંગ સાધ્યો હતો, અને નૂરશાહની મદદથી પોતે યોગાભ્યાસમાં પણ આગળ વધ્યા હતા. મુસ્લિમ ગુરુ અને હિંદુ ચેલાની વચ્ચે એકાત્મતા તો એટલી બધી આવી ગયેલી કે જયરામગરજીનું નામ પણ ‘જયરામશાહ’ બની ગયું હતું. લોકોની જીભ ઉપર હિન્દુ-મુસલમીન સંસ્કારોનો ‘અભેદ’ આવી લાક્ષણિક રીતે અંકિત થઈ ચૂક્યો હતો. પંથદૃષ્ટિમાંથી છૂટી ગયેલા પ્રભુપંથીઓ કેટલા આસાનીથી એકરસ બનીજતા ! ભેદબુદ્ધિનું ઝેર પી જનારા આવા સંતો આજે નથી રહ્યા - હશે તો જગતને એની જાણ નથી. ખેર ! લોકવાયકા એવી છે કે જીવા રબારીનું વાંઝિયા-મહેણું આ જયરામશાહની દુઆથી મટેલું ને જીવાનો પુત્ર દેવો લગ્નસંસાર માંડી, બે દીકરાનો પિતા બની પછી જ જગતનાં દુખ્યાંભૂખ્યાંની ચાકરી કરવા ઘર તજી ગયો હતો.

પ્રથમ એણે ચોડવડા ગામની હદમાં ઝૂંપડી બાંધી. કહેવાય છે કે જયરામશાહે જીવાને એક બિયું આપેલું, ને એ સાચવી છેવટે દેવો માગે ત્યારે આપવા કહેલું. માતાપિતાની પાસેથી મળેલું એ બિયું દેવાએ આ ચોડવડા પાસેની પોતાની ઝૂંપડી સન્મુખ વાવ્યું.

જે પ્રદેશણાં પશુધારીઓ વસે છે તે પ્રદેશમાં વરસાદ, છાંયડી તેમ જ વિશ્રામ આપનાર વૃક્ષને રોપવું એ પરમ ધર્મક્રિયા બરોબર લેખાતું. દેવાએ પોતાના કર્તવ્ય-જીવનનું મંગલ મુરત એક વૃક્ષારોપણ વડે કર્યું તે વસ્તુ મર્મની છે.

લોકસેવાની દીક્ષા ત્યારે દોહ્યલી હતી. હરેક યુગને એની પોતાની કસોટીઓ ને સાધનોની નીતિરીતિઓ હોય છે. તે કાળના સોરઠી યુગમાં દીક્ષિતોને માથે ગિરનારની સાત પરકમ્મા કરવાનો આદેશ હતો. દેવો રબારી પરકમ્માએ ઊપડ્યા.

અક્કેક પરકમ્મા પૂરી થયે એ ઝૂંપડીએ આવીને એકાદ-બે દિવસ રોકાતો. ફરી પાછો નીકળતો. પ્રત્યેક પ્રદક્ષિણાએ દેહને ચકાસ્યો. રચીસેક ગાઉની એક્કેક લાંબી મજલમાં પહાડની પ્રકૃતિએ એને ગેલ કરાવ્યા તેમ જ ભયાનક અનુભવો કરાવ્યાં. દેવો એકાંતનું બાળ બન્યો. દેવાએ વિકરાળ પશુઓથી બાંધવતાં બાંધી. દેવાને અઢાર ભાર વનસ્પતિ જોડે કુટુંબભાવ બંધાયો. દેવાની દૃષ્ટિમાં ગંભીરતાના અંજન આંજનારું અનંત આકાશ રાત્રી દિવસ એની જોડે રંગોની ભાષામાં વાતો કરતું હતું. એવી તો સાત પરકમ્માઓ દેવાએ પૂરી કરી. સાતમી વાર, કહેવાય છે કે, લોહલંગરી નામના કોઈ સાધુએ પોતાની ઝોળીમાંથી રામરજનો પાસો કાઢીને દેવાને લલાટે તિલક કર્યું ને આદેશ દીધો કે ‘દેવા ! દેવોના દાસ ! વાવડી ગામની હદમાં શઅરી દત્તાત્રેયનો ધૂણો છે, અને સંત જસા વોળદાનની સમાત છે, ત્યાં જઈ જગ્યા બાંધજે, ને જગત જેને પાપિયાં ગણી ફેંકી દે છે, તેમને ટુકડો આપવો શરૂ કરજે.’

એ રીતે દેવાએ - દેવીદાસે - પરબ-વાવડીની જગ્યા સ્થાપી. અને અપરિગ્રહવ્રત આચર્યું. કશો જ સંઘરો, સંચય કે ગામગરાસ ન કરવાનું આવું વ્રત દેવીદાસ સિવાય બીજા કોઈએ લીધું જાણ્યું નથી; કેમ કે લોકવાણીએ આ પ્રકારનું બિરુદ એક દેવીદાસને જ ચડાવેલ છે કે -

(દોહો)

કે’ને ખેતર વાડિયું, કે’ને ગામગરાસ,

આકાશી રોજી ઊતરે, નકળંક દેવીદાસ.

(કોઈ સેવકોને ખેતરો-વાડીઓ હશે. કોઈને ગામગરાસ હશે. પણ એ બધાથી નિષ્કલંક રહેલા દેવીદાસને તો આકાશવૃત્તિનું જ વ્રત હતું.)

ને અમરબાઈના દેહ પરથી દાગીના ઊતરી પડ્યા, તેમ જ દિલના ભીતરથી જોબનના મનોરથો દડી ગયા. તે બનાવને આ ગ્રામ્યબાલા પોતાના નર્યા વૈરાગ્યનું જ ફળ નહોતી માનતી. એ માનતી કે સંત દેવીદાસની કોઈ ગુપ્ત સિદ્ધિએ જ પોતાનામાં આવું પરિવર્તન આણ્યું હતું. એ માનતી કે રક્તપિત્તના રોગની જોડે ખેલ કરનાર આ જોગીને કોઈક ચમત્કારની શક્તિ વરેલી છે. એ તો રાહ જોતી હતી કે જૂનાગઢ રાજનું બંદીખાનું ભેદીને હમણાં જ બાપુ આવી પહોંચશે. દેવીદાસનું રૂંવાડું પણ ખાંડું નથી થવાનું તે વાતની એને આંધલી શ્રદ્ધા હતી.

પણ જેમ જેમ મોડું થતું ગયું તેમ તેમ એની ધીરજ ઓછી થવા લાગી. એ ચોમેર ખબર આપવા દોડી.

એને ખ્યાલ નહોતો રહ્યો કે પોતાની આગળ એક બીજું માનવી પણ ગયું છે. એ હતો બગેશ્વરનો કાઠીરાજ. એ દિવસે પ્રભાતે પલાયન કરીને રસ્તેનાં ગામડાંમાં તેમ જ ખેતરો-વાડીઓમાં એણે વાત ફેલાવી દીધી હતી કે જગ્યામાં પારકી વહુદીકરીને રાખવાના અપરાધ કારણ સંતને રાજે પકડી મગાવ્યો છે.

એ વાતની લોકવાયકા બંધાઈ ગઈ. અને લોકવાયકાને તો પવનની પાંખો હોય છે. એટલે અમરબાઈ જ્યાં જઈ ઊભાં રહ્યાં ત્યાં ત્યાં તેમણે હસાહસ દીઠી. લોકોએ કહ્યું, ‘અમર મા ! આ ખટપટમાં શીદ પડ્યાં ? આવા ભેખથી તો સંસાર શું ખોટો ?’

અનેકોએ કહ્યું કે ‘રબારો જોગની સિદ્ધિનો તો દેખાડો જ કરતો’તો ને આજ સુધી ? પકડવા આવનારને ત્યાં ને ત્યાં પથરા કેમ ન બનાવી દીધા ?’

ગામડાંને ચોરે ને પાદરે ધૂણી ધખાવી બેઠેલા બાવાઓએ ત્રાડ મારી કે ‘આ જાવે તો સહી કોઈ હમકો પકડને કો ! ભસ્મ કર ડાલેં ! માલૂમ ?’

અમરબાઈને ન સતાવ્યાં ફક્ત નાનાં બાળકોએ. ચણીબોર અને આંબલીના કાતરાની ખોઈઓ ભરી ભરી ગોવાળના કિશોર બાળકો વગડાને માર્ગે ‘અમર મા’ની વાટ જોતાં ઊભાં. તેઓએ આ જંગલી મેવો જોગણને હોંશે હોંશે વહોરાવ્યો. તેઓએ નિત્યનાં અમરબાઈને કશા જ ભેદ વગર ભાવમાં નવડાવ્યાં. છોકરાંએ પૂછ્યું : “હેં અમરમા ! દેવીદાસ બાપુને સપારડાં લઈ ગયાં એ સાચું ?”

“સાચું, ભાઈ !”

“તયેં હાલોની, અમે સંધાય લાકડિયું લઈ લઈને તમારી ભેરે આવીએં. આપણે એ સાપરડાં માથે એક મોટું કટક લઈ જાયેં.”

“હા, હા, હાલો સરવે.” બધાં જ ગ્રામબાળકો કિકિયારી કરી ઊઠ્યાં.

“તને દેવીદાસ બાપુ આટલા બધા કેમ વહાલા લાગે છે, હેં બચ્ચા ?” અમરબાઈ રસ્તે ચાલતી ચાલતી પોતાની પછવાડે દોડ્યાં આવનાર બાળકોને પૂછતી.

“કેમ વા’લા લાગે છે ? કહું ? ઊભાં રો’, કહું ! દેવીદાસ બાપુએ ઠેકઠેકાણે ઝાડવાં વાવેલ છે ને એટલે અમને છાંયો મળે છે. અમરો ઓળકોળાંબો રમવાની મજા પડશે કે નહીં ? એટલે વા’લા લાગે છે.”

“અને બચ્ચાંઓ !” અમરબાઈ હસીને સમજાવતાં, “આ ઝાડ મોટાં થશે તે દી તમેય મોટાં થઈ નહીં ગયાં હો ? પછી મોટપણે ઓળકોળાંબે કેમ કરી રમશો ?”

“હા, એ સાચું,” છોકરાં જાણે નવીન સત્ય સમજી ગયાં. “ત્યારે તો પછેં દેવીદાસ બાપુ આપણને શા સાટુ વા’લા હોવા જોવે ?”

“પણ ભાઈ,” અમરબાઈએ છોકરાઓને ખુલાસો કરતાં કહ્યું : “તમારાં છોકરાં તો તે દી રમવા જેવાં થશે ને ?”

“હા, એ પણ સાચું,” છોકરાં નવું સત્ય સમજતાં.

એ નિર્દોષે નિઃસ્વાર્થી ભાવે જોગણને ચાહતાં. એમની આસ્થા કોઈ ચમત્કારની માન્યતા ઉપર નહોતી મંડાયેલી.

એમાંથી અમરબાઈને પણ શીખવાનું મળ્યું. દેવીદાસમાં ચમત્કારસિદ્ધિનો જે અભાવ એને થોડી વાર પહેલાં ખૂંચ્યો હતો, તે ખૂંચતો મટી ગયો. અમરબાઈએ આ વન-બાળો જેવી સાદી સ્નેહ-લાગણીનો આશરો લીધો. એક વિભૂતિહીન માનવી તરીકે દેવીદાસ વધુ વહાલા લાગ્યા.

ત્રીજા દિવસની મધરાતના સુમારે અમરબાઈની આંખ મળી ગઈ હતી. તેમાંથી એ ઝબકીને જાગ્યાં. સામેની ગમાણમાં બાંધેલી ધેનુ ભાંભરડા દેતી હતી. આશ્રમની કૂતરી પરસાળમાં આંટા મારતી આકાશ સામે જોઈ રડતી હતી.

અંધારામાં બે માણસો દેખાયા. બેઉના ખભા ઉપર બે મોટી ડાંગોમાં લટકાવેલી લાંબી ઝોળી હતી. ઝોળીનું કપડું લોહી લોહી થયું હતું.

“જય દત્તાત્રેય !” કહીને તેઓએ ઝોળી પરસાળ પર ઉતારી.

“માઈ !” બેમાંથી એક પુરુષે અમરબાઈને કહ્યું : “દેવલાકો સમાલ લો !”

બોલનારનો અવાજ બત્રીસેય દાંતના અભાવની સાક્ષી દેતો હતો.

“ઔર માઈ ! અમરબાઈ !” બીજા પુરુષે અવાજ દીધો : “તેરા દેવલાકો ઔર કુછ નહીં કરના ! દત્તાત્રેયકે ધૂણેમેંસે ખાક લાકર દેવલાકા બદન પર માલિસ કરના ઔર પાની પિલાના.”

એ શબ્દધ્વનિ પણ એક બોખા જ મોંમાંથી નીકળતા હતા. બન્ને સ્વરોમાં જાણે કે યુગાન્તર જેટલી જૂની પિછાનના પડઘા હતા.

અમરબાઈ સમજી ગયાં કે સંત દેવીદાસના શરીરને ઈજા થઈ છે. ને એ આજારી શરીરને કોઈ બે ઓળખીતા બુઢ્ઢાઓ આંહીં ઊંચકી લાવેલા છે. એણે પૂછ્યું : “તમે કોણ છો ? ઊભા રહો. હું દીવો લાવું.”

“અમર ! બેટી !” એક વૃદ્ધે પોતાની આંખો પર છાજલી કરીને યુવાન જોગણ સામે જોયું; “ઊભા હમ નહીં રહેંગે, પિછાન કી કોઈ જરૂરત હી નહીં હૈ.”

“ઔર સબ સે બડી પિછાન તો યહ હૈ કિ તૂ ભી વોહી મહાપંથ પર ચલનેવાલી હૈ, જિસ પર ગુરુ દત્ત ચલે ગયે, ભક્ત નરસૈયા ગયે. અબ ઇસમેં જ્યાદા ક્યા પિછાન દે સકતે હમ, બીટિયા ?” એ સ્વર બીજા બુઢ્ઢાનો હતો. એમ કહીને બન્ને જણ પાછા વળ્યા. વળતાં વળતાં બેઉએ અમરબાઈને નીચા વળી માન દીધું. અમરબાઈને ફક્ત આટલું જ યાદ રહ્યું કે બેમાંના એક બુઝુર્ગે હાથ જોડીને વંદન કર્યાં હતાં; ને બીજાએ લલાટ પર જમણા હાથની સલામ કરી હતી. એકના દેહ પર કાળી કફની હતી ને બીજાના શરીર પરનો અંચળો અંધારે સફેદ દેખાતો હતો. બેઉની આંખો જંગલના વાઘસાવજની આંખોનાં રત્નો-શી ચળકતી હતી. બુઝુર્ગો ડગુમગુ ચાલે, લાકડીઓના ટેકા દેતા રવાના થયા અને તેઓના ઊંચા ડંડાઓના પછડાટ છોડી વાર પછી રાત્રીના હૃદયમાં સમાઈ ગયા.

અમરબાઈએ દેવીદાસને ઓરડામાં લીધા. હજુ એનું શરીર અવાચક અવસ્થામાં પડ્યું હતું. આખે શરીરે ડાંગોના માર પડ્યા હોય તેવી ફૂટ થઈ હતી. એક હાથનું કાંડું કોઈએ આગમાં શેક્યું લાગ્યું. એ બધી અવસ્થા જોઈ અમરબાઈના મુખેથી ફક્ત એક જ ઉદ્‌ગાર નીકળતો હતો : ‘સત દેવીદાસ !’

ઉદ્‌ગારે અમરબાઈને રોઈ પડતી બચાવી. ધૈર્યના ઝરા એ ઉદ્‌ગારમાંથી ઝરતા થયા. અંધારી રાતે પોતે નજીકમાં જ દત્તાત્રેયનો ધૂણો હતો ત્યાં ભસ્મ લેવા ચાલી.

એ ચાલતી હતી તે વેળા કોઈ એક પક્ષીની કાળઈ મોટી પાંખો જેવો પડછાયો એની આગળ ને આજુબાજુ પડતો હતો. કોઈક અવાજ થતો હતો. અવાજમાં જાણે કે શબ્દનો આકાર રચાતો હતો : ‘અમર ! અમર ! અમર !’

કોણ સાદ કરતું હશે ? જૂની કોઈ ઓળખાણ જાણે ગાજે છે.

ધૂણાને કાંઠે અમરબાઈ ઘડીક થંભ્યાં. કાજળવરણી રાતમાં એનો આહીર-દેહ આભે માંડ્યા થંભ જેવો દીસ્યો.

કોને દીસ્યો ?

‘અમર !’

કોણે પાછું નામ લીધું ?

‘અરેરે જીવ ! આ તો બધાં પુરાતન થાનકો છે. કાળજૂનાં કંઈક માનવીઓ અહીં ગારદ થયાં હશે, અનેક વાસનાઓ અણતૃપ્ત રહી ગયેલી હશે. કંઈક જોગંદરોનાંય કલેજાં હજુ ઝૂરતાં ને તસલતાં હશે. કોણ મને ભૂતકાળની સોડ્યમાં સૂતું સૂતું સાદ કરતું હશે ?

એ પાછી ચાલી. ફરી પાછો ‘અમર ! અમર !’ એવો નાદ ગુંજ્યો. ને એ સ્વરોમાંથી નવા શબ્દો આકાર ધારણ કરતા ગયા.

‘ચાલી આવ ! પાછી ચાલી આવ ! પાછી, પાછી, પાછી વળી આવ !’

આ અવાજ પુરાતન ન હોય. આ તો નજીકનો તાજો, લાગણીભર્યો સાદ છે. અમરબાઈને એ સ્વરોમાં મીઠાશ લાધી, અને અંતરમાં પ્રશ્નાર્થચિહ્ન ખેંચાયું : શા માટે આ બધું ? શા માટે સંકટો ? આ રોજેરોજ નવનવી ઊઠતી આફતો : આ ભોંમાંથી જાગતાં ભાલાં ? હું સેવા કરવા બેઠી. કોઈનું કશું બગાડતી નથી. દુનિયાને કશોય ભાર, કશીય ભીડ નથી કરતી. જગતની એઠ જમીને પેટગુજારો કરી રહી છું. છતાં શા માટે આ પરિહાસ !

‘ચાલી આવ !’

મને કોણે બોલાવી ! ક્યાં ચાલી આવું ?

થોડાંક - થોડાંક જ વર્ષો જગતને માણ્યું હોત તો કદાચિત્‌ આજે લાગેલ છે તેટલો થાક ન લાગત. ‘આ મારી કાયા -’ એણે ચાંદરણાંના તેજમાં પોતાના હાથને કોણી ઉપરવટ ભુજાઓ પર્યંત ખુલ્લા કરીને નિહાળ્યા. ‘આ શરીર શેકાઈને શ્યામ પડી ગયું. કેવું ગોરું ગોરું હતું ! આમ કેમ થઈ ગયું ? પહેલા દિવસે આ લીમડાની ઘટામાં શીતળ શીતળ લહેરો આવતી હતી. તેથી તો નહોતી લોભાઈ હું ?’

અમર પરસાળ પર ચડી ગઈ. પ્રશ્નમાળા ખંડિત બની. પોતે ઓરડે જઈને સંત દેવીદાસના શરીરે ભસ્મ ઘસવા લાગી.

પરોઢિયું હજુ નહોતું થયું. પરોઢ જ્યારે નજીક હોય છે ત્યારે અંધકાર ઘાટો ઘૂંટાય છે. એવી કાળી ઘટામાં દેવીદાસે શુદ્ધિમાં આવી નેત્રો ખોલ્યાં. પહેલો જ પ્રશ્ન એણે એવો કર્યો : “સંતો ન રોકાણા ?”

“કોણ સંતો ?”

“બે જણા મને મૂકવા આવેલા ને ?”

“હા, એમણે નામઠામ આપવાની ના કહી.”

“તેં ન ઓળખ્યા, બેટા ?”

“હું કેમ કરીને ઓળખું ?”

દેવીદાસે મોં મલકાવ્યું : “અમરબાઈ, એક હતો ઇસ્લામી સાંઈ નૂરશાહ, અને બીજા હતા હિન્દુ જોગી જયરામશાહ : રામનાથની જગ્યાવાળા.”

“તમને એ ક્યાંથી ઉપાડી લાવ્યા ?”

“ઠેઠ ગિરનારમાંથી. કઈ જગ્યાએ હું પડ્યો હોઈશ તેની તો ખબર નથી, કેમ કે મને લઈ જનારાઓએ મારી આંખે પાટા બાંધ્યા હતા.”

“તમને કોણ લઈ ગયેલા ? શા માટે લઈ ગયેલા ? ને આ આખે શરીરે કોણે કાળો કોપ કર્યો ?”

“દીકરી !” દેવીદાસે અપાર વેદનાઓની વચ્ચે શાંત મલકાટ કરીને જવાબ દીધો : “દુઃખ દેનારાઓના ચહેરાને ભૂલી જવાય છે. એનાં નામઠામ યાદ રહેતાં નથી. મારી યાદશક્તિ બૂઠી બની ગઈ છે. અને વળી, બેટા ! મને મરેલ જેવાને ખોળી કાઢી આંહીં સુધી ઉપાડી લાવનારાં એવાં બે મંગળમય નામોને યાદ કરું છું, એટલે તો સંતાપનારાઓને આશિષો દેવાનું મન થઈ જાય છે. સત સાંઈ નૂરશાહ ! સત જયરામશાહ !”

“પણ આપણો ગુનો શો છે તે લોકો સંતાપે છે ?”

“લોકો જે કરવા તલસે છે, પણ બીકના માર્યા કરી શકતા નથી, તેવું કાંઈ આપણે કરીએ તો એ આપણો ગુનો જ લેખાય ને, બાઈ ! પારકાની વહુબેટીને અંતરિયાળ રોકી રાખવી એ કાંઈ જેવોતેવો અપવાદ છે, બે’ન ! દેવતાની આંખમાંય ખૂન આવી જાય, સમજી બચ્ચા ?”

“થોડું થોડું સમજી, શાદુળ ખુમાણ પણ મને એવો જ માર્મિક બોલ કહી ગયેલા.”

થોડી વાર બેઉ ચૂપ રહ્યાં. અમરની વેદના વધતી હતી, કેમ કે પોતાની સામે એક પ્રચંડકાય સત્પુરુષનાં છૂંદાયેલાં હાડમાંસનો માળખો પડ્યો હતો. એની આંખોમાં લાલપના દોરિયા ફૂટ્યા : એ બોલી ઊઠી : “ત્યારે તો તમને ઉપાડી જનારા જૂનાગઢના સિપાહી નહોતા, પણ મારા દેહના લોચાના ભૂખ્યા મારા સાસરિયાવાળા હતા, એમ ?”

“શાંતિ હારે એ જોદ્ધો નહીં, બેટા !” દેવીદાસે ટૂંકું જ વાક્ય કહ્યું. પાસું ફેરવતાં ફેરવતાં એના મોંમાંથી અરેરાટી છૂટી ગઈ.

એ અરેરાટી-શબ્દોએ અમરબાઈને ઉશ્કેરી : “હું - હું - હું જાઉં છું. જૂનાગઢને સિપાહી-થાણે ખબર કરું છું. એ પાપિયાઓના હાથમાં કડીઓ જડાશે.”

“ફોગટ છે, બેટા ! એ બધું.”

“કેમ ?”

“હું પોતે જ નામુકર જાઈશ.”

“મને ખોટી પાડશો ? સંત દેવીદાસ ઊઠીને જૂઠ વચન બોલશે ?”

“આવરદાભરમાં એકેય વાર જૂઠ નથી બોલ્યો, એટલે આ એક જૂઠની શું પ્રભુ મને ક્ષમા નહીં આપે ?”

અમરબાઈના કંપતા હોઠ ઉપર દડ દડ દડ આંસુઓ દડી ગયાં. “પાપીઓનો આટલો બધો ત્રાસ ! ગુનેગાર હું હતી. મારા કટકા કરવા’તા ને ? પણ મારા બાપને, અરે, આટલા નિરાધારોના આધારને શા માટે સંતાપ્યા ? એ દુષ્ટોની કોઈ ખબર લેનાર નથી શું ?”

“અમર ! બેટા ! કોઈની ખબર લેવાનો કોઈ કોઈને હક્ક નથી. ખબર લેવી હોત તો હું રબારણ માતાનું દૂધ ધાવ્યો છું ના !” બોલતાં બોલતાં સંતે પોતાના બાહુઓ લાંબા કર્યાં.

ખુલ્લો દેહ પહાડ સમ પડ્યો હતો. બાહુઓ લોઢાની અડીઓ જેવા પ્રચંડ હતા. ટટ્ટાર બનેલી ભુજાઓ ઉપર માંસની પેશીઓ મઢેલી દેખાતી હતી. ઘડીભર આ દેહછટા દેખીને અમરબાઈને દિલમાં ઓરતો થયો, કે આવા વજ્રપંજામાં પકડીને સંતે શા માટે એ શત્રુઓની ગરદનો ચેપી ન નાખી ?

દેવીદાસના હાથ ફરીથી પોચા પડીને ઢળ્યા.

‘અરે ઈશ્વર !’ એણે એક નિઃશ્વાસ નાખ્યો : ‘હજી - હજીય કાયાનો મદ બાકી રહી ગયો છે ને શું ! શી પામરતા ! મેં મારા ભુજબળનો દેખાડો કર્યો. ગુરુ દત્ત ! મને, મૂરખા રબારડાને ક્ષમા કરજો.’

ભળકડાનાં તિમિર વીખરાતાં હતાં. સંતે કહ્યું : “હવે ઊઠીએ, દીકરી. ને હરિનાં બાળને દાતણપાણી કરાવીએ.”

“તમે ઊઠી શકશો ?”

“હવે મને શું છે ? દેહ તો હઠીલો બળદિયો છે. એને ખીલો ન છંડાવીએ તો તો વકરી જાય. એ બાબરા ભૂતને કામે જ વળગાડવો સારો.”

લાકડીને ટેકે ટેકે પોતે ઊઠ્યા અને તે જ વેળા બહાર ઝાંપા ઉપર અવાજ સંભળાયો : “અમરબાઈ, બોન ! બાપુના કંઈ સમાચાર ?”

“આ સાદ તો શાદુળનો -” સંત ચમક્યા.

“હા, હું ઉઘાડું છું.”

“સાંભળ, અમર !”

“કહો.”

“એક પ્રતિજ્ઞા લો.”

“શાની ?”

“મારે માથે મારપીટ થયાનો એક બોલ પણ શાદુળને કાને નથી નાખવાનો.”

“શા માટે ?”

“આયરોનાં માથાં ઉતાર્યા વિના એ ઘેર નહીં આવે અથવા તો ત્યાં જઈ પોતે કટકા થઈ પડશે. મને ભયંકર માનવ-હત્યા ચડશે. વચન આપ, કે તું શાદુળને નહીં કહે.”

અમરબાઈ વધુ બોલી ન શક્યાં.

“કેમ ઉશ્કેરાયેલા છો, શાદુળ ખુમાણ ?” સંતે સવારની આજારસેવા પતાવીને ગાય દોતાં દોતાં એ મહેમાન આવેલા જુવાનને પૂછ્યું.

“મોકળો થવા આવ્યો છું; હવે પાછા જવું નથી.” જુવાન કાઠીએ નિશ્ચય જણાવ્યો.

“કેમ, થાક લાગ્યો ?”

“હવે ઇજ્જત-આબરૂ સલામત નથી રહ્યાં ત્યાં - સંસારમાં. કાલે તો ધોળા દિવસે હું તારા દેખી ગયો.”

“શું બની ગયું ?”

જુવાને આગલા દિવસની આપવીતી કહી સંભળાવી :

“કાલે મારી મશ્કરી થઈ. હું ઘેરે નહોતો. માલ ચારવા અને તમને ગોતવા ડુંગરામાં ગયેલો. ઘેર પાછો જઈ તંગિયો બદલી નાખવા મારી સુરવાળ ઠેલ ઉપરથી લેવા ગયો. જોઉં છું તો સુરવાળની નાડીનું ફૂમતું ભીનું હતું. સહુને પૂછવા લાગ્યો કે મારી આવી મશ્કરી કોણે કરી છે ? પણ કોઈ જવાબ ન આપે. આખરે એક નોકરે સાચી વાત કહી દીધી. ગામના એક રાજગરની વહુને આડું આવ્યું હતું. કોઈએ એને કહ્યું હશે કે મારી નાડી બોળીને પિવરાવવાથી આડું ભાંગશે એટલે નાડી બોળીને રાજગર પાણી લઈ ગયો છે.”

“મારી શરમનો પાર ન રહ્યો. મારી નાડી બોળ્યે આડાં ભાંગે એવો હું પવિત્ર ક્યાંથી ? આડું નહીં ભાંગે તો મારી ફજેતીના ફાળકા થશે. હું તરવાર પેટ નાખવાનો સંકલ્પ કરીને ઓરડામાં પુરાઈ રહ્યો. અધરાતે ખબર મળ્યા કે રાજગરની બાઈને આડું ભાંગ્યું છે. ત્યારથી આખા ગામને મોંએ મારાં શીળનાં વખાણ થાય છે. પણ એ વખાણની દુનિયામાં મારે નથી રહેવું. કોઈક દિવસ કોઈકને આડું નહીં ભાંગે તો મારું મોત ઊભું થશે એમ સમજી હું ચાલ્યો આવેલ છું.”

“શાદુળ ખુમાણ !” સંતે એને સમજ પાડી : “આ તો રૂંવે રૂંવે ચેપ લગાડનારા રક્તપિત્ત રોગની જગ્યા છે. તમે અહીં શું કરશો ?”

“જે કહેશો તે. ટેલ કરીશ.”

“ઉતાવળ તો નથી થતી ને ?”

“નહીં રે નહીં, મારા પિતા આલા ખુમાણને મારાથી મોટેરા બે દીકરા વરાવેલા-પરણાવેલા છે. હું તો રઝળુ છોકરો છું. મારા તરફનો પિતાને સંતોષ નથી. મેં ઘરસંસાર બાંધ્યો નથી, કે જેથી આજ માનવીઓનો માળો વીંખવાનો દોષ મારા પર આવી શકે. હું ફક્કડ છું. જગતથી પરવારેલો છું.”

ભેંસાણ ગામના કાઠી આલા ખુમાણના આ શાદુળ ખુમાણ નામે પુત્રને સંત ઠીક ઠીક પ્રમાણમાં પિછાનતા હતા. શાદુળ એક સુપાત્ર જુવાન છે. ઊંચા સંસ્કારનો ધણી છે. અહીં આવતો-જતો રહે છે. નામીચી કોમનો, નામીચા કુટુંબનો દીકરો છે. જગ્યામાં બેસી જશે તો જગ્યાની પ્રતિષ્ઠા વધશે.

‘જગ્યાની પ્રતિષ્ઠા વધશે’ એ અંકુર સંત દેવીદાસના અંતરમાં અણજાણ્યો ફૂટ્યો. હૃદયની ભોમમાં રડ્યુંખડ્યું બીજ પડી રહેલું હોય છે તેનો ઓચિંતો કોંટો ફૂટે છે. એનો અવાજ થતો નથી; એની આંતરિક ક્રિયા સમજાતી નથી. કોઈ વાર એ બીજ વિષવૃક્ષનું હોય છે.

“ભલે, બાપ શાદુળ !” સંતે વિભૂતિ લઈને તિલક કર્યું. “આજથી તું ગુરુદત્તનો મહાપંથી બન્યો. લૂગડાં બદલી લે.”

શાદુળ ખુમાણે પનિયાની કાછડી વાળી રજપૂતીનો લેબાસ દૂર ફગાવી દીધો. તે જ સાંજે શાદુળના ખભા ઉપર ભિક્ષાની ઝોળી મૂકી. પચીસ વર્ષના કાઠી કુમારે પડખેના ગામડામાં ‘સત દેવીદાસ’ શબદની ટહેલ નાખી.

અને તે દિવસની રાતે તો શાદુળને જાણે કે દેવીદાસની જગ્યા પોતાના જૂના જૂના માતૃધામ-શી ભાસી.

એનું એક કારણ હતું : અમરબાઈનું સાથીપણું.

‘શાદુળ ભગતને જોગી વેશ કેવો દીપે છે !’ અમરબાઈના હૃદયમાં આનંદની એક લહેર ઊઠી.

શાદુળના અંતરાત્મામાં પણ ધ્વનિ થયો : ઘરમાં બબે ભાભીઓ હતી, છતાં, એક્કેયને મારી બહેન કહું એવો હૃદયસંબંધ નહોતો જામી શક્યો. ભાભીઓ એના બાળગોપાળ અને ઢોરઢાંખરામાં પરોવાયેલી રહેતી. મારા ભેંસો ચારવાના કામમાં બેમાંથી એક્કેય ભાભીને રસ નહોતો. અહીં તો અમરબાઈ બહેન રોજ સાંજે મારે ખભેથી ઝોળી ઉતારવાની વાટ જોઈને જ પરસાળ ઉપર ઊભી રહે છે. એનાં નેણાં મને હસીને આદર આપે છે. મારે બીજી શી પડી છે !

ભિક્ષા માગવા જતાં રોજેરોજ શાદુળના પગ વધુ વેગ પકડતા ગયા. હમેશાં એક એક ગામ વધુ માગતો યો ને તેની વધામણી આશ્રમે જઈને અમરબાઈ બહેનની પાસે ખાટતો ગયો.

રસ્તે કાળો સાપ પગમાં અફળાયો હોય, ગીરનો સાવજ મળ્યો હોય, કોઈ વટેમાર્ગુ બાઈઓએ ઠેકડી કે કટાક્ષ કર્યાં તે પોતે શાંતિથી સહી લીધાં હોય, તે બધા વિશેની રજેરજ વાતો શાદુળ અમરબાઈને રોજ રાતે, કહેતો. ફરી ફરીને એની એ વાતો કહેવાનું મન થયા કરતું. વળતા દિવસનું પ્રભાત ક્યારે પડે અને ક્યારે હું અમરબાઈ કરતાં વહેલેરો ઊઠીને જગ્યાનું છાણવાસીદું કરી નાખું, એ વાતનો એને અજંપો લાગ્યો.

“શાદુળ ભગત ! આમ તો તમે તૂટી મરશો.”

અમરબાઈના એ બોલ ઝીલવાના હોય તો પોતે પહાડોને પણ જડમૂળમાંથી ઉખેડી નાખે એટલા વેગમાં ને કેફમાં શાદુળ આવી પડતો.

ગામેગામની ગલીઓમાંથી શાદુળ ટહેલ કરીને પાછો વળતો ત્યારે પછવાડે વાતો થતી કે ‘આની નાડી ધોયે તો આડાં ભાંગતાં. એવો લખમણ જતિ ! તોય એણે ભેખ ધર્યો’. શાદુળના કાન આવા બોલને પકડવા ઇચ્છતા નહોતા છતાંયે કોણ જાણે શાથી એના પગની ગતિ સહેજ ધીરી પડી જતી.

અમરબાઈના જીવનમાં શાદુળ ભગતના આવ્યા પછી નવી સ્ફૂર્તિ ચડી. તે રાત્રીએ દત્તાત્રેયના ધૂણા પર સાંભળેલા ધ્વનિ શમી ગયા. ‘ચાલી આવ !’ ‘પાછી ચાલી આવ !’ કહી સંસારમાંથી સાદ દેનારું કોઈ ન રહ્યું. અંતર સભરભર બન્યું. જન્મમરણનો સાથી સાંપડ્યો.

રાત્રી અને દિવસ ટૂંકા પડવા લાગ્યાં. વાતો જાણે ખૂટતી નહોતી. છાણવાસીદું અને જળસિંચન જેવાં જગ્યાનાં વસમાં કે ગંદાં કોઈ પણ કાર્યોમાં સ્ત્રીપુરુષનો ભેદ ન રહ્યો.

“ના, અમરબાઈ, હું છાણ ઉપાડીશ.” શાદુળ જીદ લેતો.

“નહીં રે, ભગત, પુરુષના હાથ એને ઠેકાણે શોભે, ને અસ્ત્રીના હાથ તેને ઠેકાણે, સહુ સહુને સ્થાને રૂડું.” એમ કહેતી અમરબાઈ છાણનો સૂંડલો શાદુળના માથા પરથી ઝૂંટવી લેતી. ઝૂંટવવા જતાં રકઝકમાં બેઉને છાણ ઊડતું.

“જાઓ, અમરબાઈ !” શાદુળ બોલી ઊઠતો. “ધેનુ માતાનું છાણ એની જાણે સાખ પૂરે છે. આપણે બેય છંટાણાં. માટે બેય વચ્ચે વારા.”

એકાંતરા એ કામની બદલી થવા લાગી.

‘આપણે બેય છાંટણાં !’ સાદું સરળ વચન : છતાં બોલનાર-સાંભળનાર બેઉને કલેજે એ બોલમાંથી નિગૂઢ અર્થ છંટાયો.

બીજા જ દિવસે બન્ને જણ સંત દેવીદાસની પાસે ગયાં. પછવાડેના વાડામાં સંત હંમેશાંની માફક લીમડાનાં પાંદ પલાળેલા જળે રક્તપિત્તિયાંને સાફ કરતા હતા. સડેલાં પચીસ મોઢાંની જીવતી ભૂતાવળ વચ્ચે, તેઓની ચીસાચીસો ઉપર કોમળ કરુણાળુ બોલ વેરતાં સંતે બેઉનો સંચર સાંભળી પછવાડે જોયું.

જરા તપીને કહ્યું : “મેં તમને આંહીં આવવાની હજુ રજા નથી આપી.”

“રજા ને બજા, બાપુ !” અમરબાઈએ દૃઢતાથી ઉત્તર દીધો. “હવે બહુ થયું. ઊઠો હવે. એ કામ અમને કરવા આપો.”

શાદુળ ભગત બાજમાં ઊભા ઊભા અમરબાઈને પક્ષે પોતાનું વિજયી સ્મિત વેરતા હતા.

સંતે બેઉની આંખોમાં આકાંક્ષા વાંચી. પૂછ્યું : “આજનો દિવસ ઠેરી જશો ?”

“કેમ, શા માટે ?” અમરબાઈ જોર પર આવ્યાં.

“મારે તમને એક વાત કહેવી છે.”

“હમણાં જ કહો.”

“ભલે, આજે આ કામ પતાવીને આવું છું.”

બેઉને એકાંતે લઈ જઈને પછી સંતે શાંતિથી પૂછ્યું : “આંહીં જગ્યામાં કોઈ અરીસો છે ?”

અમરબાઈ પાસે અરીસો નહોતો, પણ એને તે વખતે એક નવી વસ્તુ યાદ આવી. શાદુળ ભગત આવ્યા ત્યારથી પોતે કોણ જાણે શાથી પણ જ્યાંત્યાં પાણીમાં પોતાની છબી જોયા કરતી : કૂવાકાંઠે અવેડ.ીમાં, ગાયને પાવાની ઠીબડીમાં, જ્યાં જ્યાં પોતે સ્વચ્છ દર્પણ સમું દળ જોતી, ત્યાં એને પોતાનું મોં જોવાનું મન થતું. પોતે પોતાને જ નિહાળી જાણે મુગ્ધ બની જતી.

પણ અરીસાને બદલે એ પાણીનો ઉપયોગ બતાવવાની હિંમત તે વખતે ચાલી નહીં. અમરબાઈએ એક નિર્દોષ જણાતી વાતને આજે પહેલી જ વાર પોતાના પેટમાં પૂરી રાખી.

“અરીસો મળશે ક્યાંય ?”

શાદુળ ઊઠ્યો. એણે પોતાના સરંજામમાંથી એક નાનું ફેંટામાં સમાય તેવડું આભળું કાઢ્યું ને સંતની પાસે ધર્યું.

વગર પૂછ્યે જ એણે કહી નાખ્યું કે, “આ મને એક ગોવાળે આવ્યું હતું.” પોતે ગોવાળની કનેથી સીમમાં માગી લીધઉં હતું, એટલું સ્પષ્ટ એ ન કહી શક્યો.

“કાંઈ વાંધો નહીં, ગોવાળનું દર્પણ હોય કે રાજાનું હોય, મોં દેખાશે. મારી એવી ઇચ્છા છે કે એક વાર તમે બેઉ તમારા મોં આમાં જોઈ લ્યો. પાછળથી રખે તમને ઓરતા રહી જાય.”

બેમાંથી એકેયને કંઈ નવેસર મોં જોવાનું તો હતું જ નહીં. શરમિંદે ચહેરે બેઉએ એ ક્રિયા કરી નાખી.

“હવે ફરી પાછા તમારે આરસામાં જોવાનું થાય ત્યારે તમને આસરો ફરેબ દેશે તો ?”

એમ કહીને દેવીદાસે પોતાના મોં ઉપરથી કશુંક ઉખેડવા માંડ્યું. મોંની ચામડી ઉપર ચામડીના જ જેટલું પાતળું એક મુલાયમ માટીનું પડ હતું. એ પડની પોપડીઓ ઊખડી જતાં સંતના સીસમ જેવા શ્યામરંગી રબારા ચહેરા ઉપર સફેદ ટીબકીઓ દેખાઈ. ટીબકીઓ ઉપર ધીરે ધીરે રસીના ટશિયા બેઠા.

સંત બોકાની બાંધી રાકથા. એમ લાગતું કે દાઢીના વાળને સરખા રાખવા માટેની એ બોકાની હતી. એ બોકાની છોડતાં, નીચેનો હોઠ કિનારી પરથી થોડો થોડો ખવાતો હોય તેવો દીસ્યો.

“જોયું ?”

બન્નેની આંખો મટકું મારવું રોકી રહી હતી.

“ઝાળ લાગી ગઈ છે : હજી તો આરંભ જ થાય છે. પણ છ મહિને તમે મારું સ્વરૂપ ભાળીને ભાગશો.”

બેમાંથી કોઈએ ચુંકાર કર્યો નહીં. તેમની આંખો ફાટી રહી હતી. છ મહિના પછીની કલ્પનાને એ નેત્રો નિહાળતાં હતાં.

“તમે માનતા’તાં કે ‘સત દેવીદાસ’ના શબ્દનો ચમત્કાર હતો. ના, ના, હું એક પામર રબારી છું, મારી પાસે સિદ્ધિ નહોતી. સમજીને જ હું બેઠો’તો કે આ ફૂલ જેવી કાયા, માનવીની કાયાઓ જેવી જ આ કાયા, એક દા’ડે સડી ગંધાશે. પણ કાયાનો બીજો ઉપયોગ ન સૂઝ્‌યો. એટલે જ મેં એ અભાગણીને કહ્યું કે બાઈ, આખરેય જાવું તો છે બળતા ખોડસામાં ને ! તો પછી કાંઈક કામે લાગીને પછી જ જાને !”

કેટલી બધી મીઠાશથી આ મનુષ્ય પોતાના સત્યાનાશથી ચર્ચા કરતો હતો ! પાણી જાણે આગની વાતો કહેતું હતું.

સંતે વાત આગળ ચલાવી : “અજબ થશો નહીં તમે બેઉં. હું તો આ ભોગવી જાણું છું જૂના કાળથી. જુવાન હતો ત્યારે દીપડાના એક જડબા ઉપર પગ દબાવીને બીજે જડબેથી મેં આખો ને આખો ચીર્યો હતો. શિકારીની બંદૂકથી ગોળી મને વાગેલી, ત્યારે મેં મારી છરી વતી દેહનો એ ભાગ ડખોળી ડખોળીને ગોળી બહાર કાઢી હતી. એટલે આજ મને આ રોગની પીડા વસમી નહીં થઈ પડે.” પોતે હસ્યા. કહ્યું : “આટલું જાણ્યા પછી હવે કાલે જવાબ દેવા આવજો.”

ફરીથી પાછા દેવીદાસે માટીના પોપડા મોં પર લગાવી લીધા ને બોકાની બાંધી લીધી.

વળતા દિવસે અમરબાઈ કે શાદુળ બેમાંથી એકેય જાણે આ વાતનો ઉચ્ચાર કર્યો નહીં. સંતે પણ એનો સીધો, આડકતરો કશો ઇશારો કર્યો નહીં.

રક્તપિત્તિયાના ભયાનક ચેપથી ભય પામેલાં બન્નેએ જગ્યાની બીજી બધઈ સેવાઓનું જ શરણ લીધું. જાણે લપાઈ ગયાં.

અહીં આવ્યા પછી શાદુળને કંઈક ને કંઈક ગાવાનું દિલ થઈ આવતું. પ્રથમ તો એ છૂપો છૂપો ગુંજારવ કરતો :

માનસરોવર હંસો

ઝીલન આયો જી !

એ ભજન-પંકિત એને પ્યારી હતી. કૂવામાંથી પાણી ખેંચતી વેળા એ ગાન એને વિરામ લેવરાવતું, સ્ફુરણા દેતું, ખેંચાતી ગાગરને, ભુજાઓની પેશીઓને, બિન્દુ બિન્દુ રુધિરને, આખા દેહના રોમેરોમને તાલબદ્ધ છંદની રમતે ચડાવતું. જલભરનની ક્રિયા કવિતામય બની જતી.

અમરબાઈનો તો નારી-આત્મા હતો. કવિતાના સૂરો એને જગ્યાની દિનચર્યા કરતાં વિશેષ ગમવા લાગ્યા. વાસીદું કરતી એ સાવરણી પર શરીર ટેકવીને થંભી રહેતી. કૂવાકાંઠે જાણે કે સ્વરોની કૂંપળો ફૂટતી :

માનસરોવર હંસો

ઝીલન આયો જી !

પોતે પણ ઝીણા કંઠે ઝીલતી :

માનસરોવર હંસો

ઝીલન આયો જી !

કૂવાકાંઠે વધુ બોલ, વધુ પ્રબલ બોલ ફૂટતા :

પસતીમેં રેના અબધૂત !

માગીને ખાના જી.

ઘર ઘર અલખ જગાના મેરે લાલ !

લાલ મેં તો જોયું તખત પર જાગી. - માન૦

શબ્દોની, સૂરોની જાણે કે કસુંબલ કટોરીઓ ભરાતી હતી, અમરબાઈ એ કેફનું પાન કરતાં હતાં.

આટલી મીઠી હલક શું આના ગળામાં પડી છે ? રાગ તો પ્રભુનેય પ્યારો લેખાય. મીંરાએ, નરસૈંયાએ, કંઈકે પ્રભુને રાગ વાટે સાધ્યો છે. સંતે તે દિવસે દેહને શા માટે તોછડાઈથી વર્ણવ્યો ? કાયાની અંદર તો કેવી કેવી વિભૂતિ મૂકી છે કિરતારે !

સારું થયું કે શાદુળ ભગત રક્તિપિત્તિયાંની સેવામાં ન ગયા. હું એના હૈયાના ગાનને પંપાળી બહાર લાવીશ. મુક્તિપંથની સીડી એના કંઠમાંથી મંડાશે.

શાદુળને કાને સંભળાય તેવી રીતે પોતે સૂર પુરાવતાં થયાં :

ઇંદરીકા બાંધ્યા અબધૂત !

જોગી ન કે’ના જી !

જબ લગ મનવા ન બાંધ્યા મેરે લાલ !

લાલ મેં તો જોયું તખત પર જાગી. - માન૦

આ પદના અર્થ સમજવાની જરૂર નહોતી. એના બોલની અને એના ડોલન્તા ઢાળની મસ્તી શાદુળના દેહ-પ્રાણમાં પ્રસરતી ગઈ.

ધીરે ધીરે ખીંટી પર ટિંગાતો તંબૂરો નીચે ઊતર્યો : એની રજ ખંખેરાઈ. રઝળતા મંજીરા એકઠા થયા. એને દોરી બંધાઈ. એકાદ ઢોલક પણ વટેમાર્ગુઓમાંથી કોઈક ભજનપ્રેમીએ આણી આપ્યું. નવાં નવાં પદોની શોધ ચાલી. રાતની વેળાએ જ નહીં, દિવસના ફાજલ પડતા ગાળામાં પણ આ ભક્તિરસના તરંગો બેઉ જણાંને આનંદસાગરની અધવચાળે ખેંચવા લાગ્યા.

‘આપણી જગ્યામાં આ એક ખામી હતી તે પુરાઈ ગઈ.’ અમરબાઈને અંતરે પ્રફુલ્લિત અભિમાન સ્ફુર્યું.

પંથે ચાલતા પથિકોની અને માલ ચારતા માલધારીઓની પણ પછી તો ત્યાં ભીડ થવા લાગી. જગ્યાનો મહિમા પવનવેગે પ્રસરતો થયો.

કોઈ કોઈ વાર દેવીદાસજી ધીરે રહીને કહેતા, “આજ તો બાપ, ઝોળી ફેરવવા જાવાનું કાંઈક મોડું થઈ ગયું હો ! ઠીક, કાંઈ ફિકર નહીં.”

એમના અંદર ગયા પછી બન્ને જણાંનાં મુખો પર કચવાટની રેખાઓ દોરાઈ જતી.

દિલમાં બન્ને સમજતાં : જાત રબારીની ખરીને, એટલે કાવ્યમાં, કીર્તનમાં, સંગીતમાં સૂક્ષ્મ રસ ક્યાંથી હોય ?

આ ભજન-કીર્તન થકી આપણે જગ્યાને સુપ્રસિદ્ધ કરી રહેલ છીએ એ વાતની બાપુની ઈર્ષા તો નહીં આવતી હોય ?

બાપુનેય જો પતિયાંનો ચેપ લાગ્યો તો પછી એમને પ્રભુ મળ્યા એ વાત તો સાચી ન કહેવાય ને ? - આવા સંશયો ઊભા થયા.

એક વેળા રાત્રીની ભજનમંડળી જામી પડી હતી. સાંભળનારાઓની ઠઠ બેઠી હતી. શાદુળના ને અમરબાઈના કંઠમાં નાખવા માટે લોકો વગડાઉ ફૂલોના ફૂલાહર લઈ આવ્યા હતા.

ફૂલહાર થકી દીપતો જુવાન જોગી ગાતો ગાતો ઊભો થઈ ગયો. તંબૂરસહિત એ નાચવા લાગ્યો. એનાં નેત્રોમાંથી આનંદસમાધિનાં ચોધારાં આંસુ ચાલ્યાં જતાં હતાં.

ફચી એ બેઠો. એણે હાથમાં કરતાલો લીધી, એવી તો મસ્ત ઝૂક બોલી, અને એ ઝૂક એવી તો જોશીલી રીતે શાદુળે લેવરાવી, કે ‘કડાક’ કરતો એને બેસવાનો ખાટલો તૂટ્યો, ખાટલાની જોરાવર ઈસના કટકા થયા.

ગામડે ગામડે ખબર પડી : શાદુળ ભગતને તો દૈવી ઓતાર આવી જાય છે !

ભક્તિરસમાં નિમગ્ન બનેલા આ બાળુડા જોગીની સામે, રાત્રીના ચંદ્રતેજમાં, અમરબાઈ નીરખી લેતાં. ને એને થતું :

મોર ! તું તો

આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો !

મોરલો મરત લોકમાં આવ્યો.

મોર ! તું તો

સૂતો સારો શેરો જગાયો,

મોરલો મરત લોકમાં આવ્યો.

ઝીણા ઝીણા કંઠે એ ગાવા લાગી. ગાતાં ગાતાં એને ભાસ થયો કે સારી સૃષ્ટિ અને ગગનપડદા પર કોઈ માનવમોરલાની કળા પથરાઈ ગઈ છે. પોતે જાણે એ કળાની છાયામાં ઊભી છે. એ પિચ્છકલાપ પોતાનાં વારણાં લઈ રહેલ છે. માયા ! માયા ! આ જગ્યા, રક્તપિત્તિયાં, સંત દેવીદાસ, સર્વ જાણે માયાજાળ છે. સત્ય એક જ છે : આ મોરલો, ને એનો સૂર મલ્લાર.

ભજન-કીર્તનના આવા પ્રત્યેક સમારંભની પૂર્ણાહુતિ બાદ શાદુળ આવીને અમરબાઈના ચરણોમાં પડી જતો. ‘મારી નહીં, પણ તમારી વિજયમાળ છે આ’ એમ કહીને એ પોતાના ગળામાં રોપાયેલી માળાને જોગણનાં ચરણોમાં ધરી દેતો.

અમરબાઈ ‘ખમા’ કહીને એના મસ્તક ઉપર હાથ મૂકતાં.

પોતાના હૈયામાં એ પોતાને કૃતાર્થ સમજતી થઈ. પોતે એક માનવીના સુષુપ્ત પડેલા સુંદર પ્રાણને પોતાના સ્પર્શમાત્રથી જાગ્રત કર્યો છે. પોતાની મોરલીથી પોતે વાસુકિનાં રૂપ વિલસાવ્યાં છે.

પણ અમરબાઈનો સંતોષ આટલેથી જ પતી જતો હતો. અમરબાઈના મનમાં એક જનેતાની જીવનતૃપ્તિ થતી હતી. પોતે એક સૌંદર્ય જન્માવ્યું છે, સંતાનનું ભૂખ્યું હૈયું એક માનસિક સંતાનનો પ્રસવ કરી શક્યું છે, એ હતો અમરબાઈનો આનંદ પોતાને ચરણે પડેલા શાદુળ ઉપર જ્યારે તે લળતી અને માથું પંપાળતી ત્યારે તેનો ગર્વ, હર્ષ, સંતોષ, તેમ જ સામ્રાજ્ઞીભાવ એક જનેતાનો હતો.

પણ શાદુળ હતો પુરુષ. પુરુષને સ્ત્રી પ્રત્યે, પોતાની સમવયની સ્ત્રી પ્રત્યે તો માવતરની માયા જાગે જ નહીં કદી; કે ન જાગે બાળક તરીકેનું હેત.

એક વાર શાદુળે બીજો પણ ખાટલો ભજનના ઓતારમાં જોશ કરી ભાંગી નાખ્યો. પછી તો લોકોને એક તમાશો થયો : અલ્યા ભાઈ, શાદુળ ભગત તો ખાટલા ભાંગે છે ! હાલો જોવા ! પારખાં લેવા અને રોનક કરવા માટે લોકો વારંવાર ખાટલા, ઢોલિયા લઈ આવતા થયા. વારંવાર શાદુળની ભજનમસ્તી આ તૂફાને ચડી.

અમરબાઈને આ વસ્તુ અણગમતી થઈ.

એક વાર રાતે શાદુળ ભગત એક આણાત ગ્રામ્ય સ્ત્રીનો કરિયાવરમાં મળેલો હીંગળોકિયો ઢોલિયો ભાંગીને એક ગામડેથી પાછા વળ્યા.

અમરબાઈ ત્યારે સૂઈ ગયાં હતાં.

એને જગાડ્યા વિના, એના પગો પર પોતાનું કંકુડાં પૂરેલું વિજયી કપાળ અડકાવ્યા વિના શાદુળને જંપ ક્યાંથી વળે ?

શાદુળ અમરબાઈના ઓરડા તરફ ચાલ્યો.

આ શી અચરજ !

અમરબાઈનો સૂવાનો ઓરડો અંદરથી બંધ હતો.

કોઈ દિવસ નહીં અને આજે બાર બીડેલાં શા માટે ?

શાદુળ ભગત બિલ્લીપગા બની ગયા. એના અંતરમાં ચોકિયાત ઊઠ્યો. કોની ચોકી ? ચોકી કે ચોરી ? શાની ચોકી, શાની ચોરી, શો અધિકાર ? અમરબાઈનાં કમાડ ઉઘાડાં હોય કે બિડાયેલાં, તેમાં શાદુળને શું ? પણ એ ફફડાટ જલદી શમી ગયો.

ચંદ્રમાં એ ઓરડાની પછવાડે નમ્યો હતો. છાપરાના ખપેડામાંથી ચંદ્રનાં ત્રાંસાં કિરણો ઓરડાની અંદર ચાંદરણાંની ભાત પાડતાં હતાં. દીવા વગરના ખંડમાં ચાંદનીનું એ ચળાતું તેજ થોડોક ઉજાસ પાથરતું હતું, પણ અધૂરો, અરધોપરધો ઉજાસ તો ઘોર અંધારાથીય વધુ ભાયનક છે.

અમરબાઈના શયન-વાસમાં ચાંદરણાં પેઠાં હતાં. શાદુળને કોણ જાણે શાથી આ સાદી વાત પર અણગમો થયો.

બીજી જ પળે શાદુળના મોં ઉપર એક અકળ ખુશાલીભરી ઇન્તેજારી ચમકી. રાત્રીના અંધકાર સિવાય એ ઇન્તેજારીને કોઈ ન ભાળી શક્યું. એ ઇન્તેજારી અંધકારની જ પુત્રી હતી.

શાદુળ કમાડની લગોલગ જઈ ઊભો. પ્રથમ પહેલાં એણે કાન માંડ્યા. અંદર કોઈકનો બોલાશ હતો. શાદુળનું હૈયું ધડાક ધડાક કરી ઊઠ્યું, કોઈક જાણે એના કલેજા પર ઘણ લગાવી લગાવીને ટીપવા લાગ્યું હતું. હૈયાના ધડકારાને લીધે ઓરડીની અંદરનો બોલાશ અસ્પષ્ટ બન્યો. શાદુળને પોતાના જ અંતરાત્મા ઉપર ખીજ ચડી. એણે દાંત કચકચાવ્યા. થોડી વારે છાતીનો થડકાર નીચે બેઠો. અંદરના બોલાશમાં અમરબાઈનો સ્વર સ્પષ્ટ બન્યો.

કોની જોડે વાતો કરે છે ? આટલા બધા ધીરા અવાજની વાતો સાંભળનારું મનુષ્ય તો એના હૈયાની અડોઅડ જ હોવું જોઈએ ને ! કોઈ પ્રલયનાં પાણી જાણે શાદુળના આતમ-નાવની અંદર દાખલ થયાં. ગૂંગળાટ શરૂ થયો.

ને આ શી વાતો ? ભાંગ્યાતૂટ્યા આ શબ્દો પકડાતા નથી. ઘડીક હસે છે કેમ ? ઘડીક વળી રડે છે કેમ ? આ પંપાળે છે કોને ? હુલાવે-ફુલાવે છે કોને ? ફણ સામે કોઈ કાં બોલતું જ નથી ? કોઈક શું રિસાઈને બેઠું છે ? અમરબાઈની જોડે રિસામણાં લેવાનો હક જગતમાં કોઈને છે ખરો શું ? એ હક મને કેમ નથી મળ્યો ?

બીજો કોઈ જાતનો સંચર ન મળે. થોડી વારે બોલચાલ થંભી ગઈ. ઊંઘતી માતાના દેહ ઉપર દોડધામ કરતાં બે બાળકો જેવાં નસકોરાં જ હવે તો બોલવા લાગ્યાં.

પ્રણયનાં પાણી શાદુળા કાનને ડુબાવીને પછી એની આંખો પર ચડ્યાં. પોતાને તો કોઈ જોતું નથી ને, એટલી ખાતરીને સારુ પોતે આજુબાજુ જોયું. દૂર એક ઘુવડ ઠૂંઠી આંબલી ઉપર બેસીને વનના હૃદયને પોતાના ઘુઘવાટથી ભેદતું હતું. ઉંદરને ખોળથી બિલાડી અંધારા ખૂણામાં આંખોનાં રત્નો ઝબુકાવતી હતી. સારીયે સૃષ્ટિ પોતપોતાના કામમાં કે આરામમાં ગરકાવ હતી. જખ મારે છે આ જગત ! શાદુળ ભગતે કમાડની ચિરાડ સોંસરી નજર માંડી, બન્યું તેટલું જોર કર્યું. ચાંદરણાંનાં અજવાળાંમાં જોર કરી કરીને પણ માણસ કેટલુંક જોઈ શકે ? પૃથ્વી ઉપર એક પડછંદ દેહને શાદુળે લાંબો પડેલો દીઠો. પણ દેહનો આકાર, દેહના અવયવો, દેહના ચડઉતાર, દેહના વાંકઘોંક એને ન દેખાયા.

એટલે એણે કલ્પનાને કામે લગાડી, ઝાંખો દેખાતા એ ઢગલામાંથી કલ્પનાએ માનવ-કાયા કંડારી. ને પછી સ્ત્રીશરીરનું શિલ્પકામ કરવામાં એની કલ્પના તલ્લીન બની ગઈ.

બેચાર પળો તો બસ હતી. કલ્પનાએ ઝીણીમોટી તમામ નકશી કરી નાખી. આંખોએ હવે બધું સ્પષ્ટ ભાળ્યું. આંખોને જે જે કાંઈ જોવું હતું તે બધું જ કલ્પનાએ બતાવી દીધું. પછી તો એ કલ્પનાનો સર્જેલો નારીદેહ પોતાનાં વસ્ત્રોનીયે ખેવના શા માટે રાખે ?

પ્રલયનાં નીર શાદુળના માથાની ટોચ લગી પહોંચી ગયાં. ગૂંગળાટ પરિપૂર્ણ થવાને હવે કશી જ વાર નહોતી.

એણે હળવે હળવે કમાડ પર ટકોરા દીધા.

જવાબમાં નસકોરાં જ સંભળાયાં. નાનાં બાળ જાણે કહી રહ્યા હતાં કે ‘મા સૂતી છે.’

એણે કમાડની ચિરાડ વાટે અવાજ દીધો : “દેવી ! દેવી ! દેવી !”

કમાડ ઉપર પોતાના શરીરની ભીંસ વધી રહી છે એનો ખ્યાલ શાદુળને ન આવ્યો. એકાએક કમાડ ખસ્યું. જાહલ કમાડના નકૂચાનાં નર-માદામાંથી નર તૂટી ગયો.

“કોણ છે !” અમરબાઈએ જાગીને પડકાર કર્યો.

“કોઈ નથી.”

આવો જવાબ અમુક અમુક સ્થાનોમાં અનેક માણસોના મોંએથી નીકળી પડે છે. એવા જવાબમાં ધ્વનિ એવો હયો છે કે મારું પોતાનું તો અહીં આ વખતે હોવું એ સાવ સ્વાભાવિક વસ્તુ છે.

“કોણ ? શાદુળ ભગત ?”

“હા, અમરબાઈ.”

“ત્યારે કેમ કહ્યું કે કોઈ નથી ?”

“ના, એ તો હું જાગતો’તો, તમારી આશિષો લેવી હતી, એટલે આવેલો. પણ કમાડ કોણ જાણે કેમ ખડી ગયું.”

“એ તો ઓરડામાં રાતવેળાની મીંદડી ચાલી આવે છે એટલે મેં બંધ કરેલું હતું. શાદુળભાઈ ! બહુ જાહલ કમાડ છે એ તો હું જાણતી જ હતી. પણ કૂતરાં-મીંદડાંને રોકવા પૂરતું કામ લાગતું.”

“અંદર કોઈ હતું, અમરબાઈ ?” શાદુળે અવાજને હળવો પાડી નાખ્યો.

જવાબ ન મળ્યો. શાદુળે ફરીથી પૂછ્યું : “અંદર કોણ હતું ?”

અમરબાઈ ચૂપ રહ્યા.

“હું પૂછું છું,” શાદુળના અવાજમાંથી શંકીલી સત્તાધીશી બરાડી ઊઠી, “કે તમે આટલી બધી છાની વાતો કોની સાથે કરતાં’તાં, બાઈ અમરબાઈ ?”

માથા પર પડતાં ચાંદરણાં આડી પોતાના હાથની છાજલી કરીને શાદુળે અમરબાઈના ચહેરા પર નજર ફેરવી. નીચાં ઢળેલાં નયને સાધ્વી ઊભી હતી. એની અબોલતાએ શાદુળનો જુવાનીભર્યો રોષ જગાડી દીધો. એ ચુપકીદીએ વહેમને મજબૂત કર્યો. એ અંદર ગયો. નજર ફેરવી. છાપરાના ખપેડા સલામત હતા. ચારેય ભીંતોમાં ક્યાંય ઉંદર પણ પેસી શકે તેવડું બાકોરું નહોતું.

“આ અંતરનો ઓરડો તો હજુ અણતપાસ્યો પડ્યો છે, ભગત !”

રોષ ઊકળતો શાદુળ પોતાની લાચારીભરી દશાથી વધુ દાઝતો હતો.

“શાદુળ ભગત,” અમરબાઈએ મીઠાશથી સમજાવ્યું : “બાપા, વીરા, તમારી પથારીએ પોગી જાવ. રાત તો થોડી જ રહી છે. હરિનું નામ લઈને સૂજો, હો ભાઈ ! નીકર મનની ભૂતાવળ જંપવા નહીં આપે.”

શાદુળે એક વાક્ય ગોખી રાખ્યું હતું તે કહી નાખ્યું :

“મેં તો તમને મારી દેવી ગણી સ્થાપ્યાં હતાં. હું મારા વિજયોને તમારાં ચરણોમાં ધરતો તો. મને સ્ત્રીનાં ચરિત્રોની ગમ નહોતી.”

“ભગત, વીરા !” અમરબાઈએ એને વિદાયનો બોલ સંભળાવ્યો : “સંસારમાં જઈને પાછા કોક દાસી બની રહે એવી કાઠિયાણી પરણી લ્યો, કેમ કે તમે ચા’ય તેવા તોય જમીનધણી છો. તમને ધણીપતું કર્યા વગર જંપ નહીં વળે, ને અહીં ઊલટાની બેય વાતો બગડશે.”

શાદુળ ભગત ગયા, પણ પોતાની પથારી પર નહીં, સંત દેવીદાસની સૂવાની જગ્યાએ. એ પથારી રોગિયાંઓના નિવાસઘરની ઓસરીમાં હતી. આ ઓસરી અમરબાઈના ઓરડાની પછીત તરફ એક ચોગાનમાં પડતી હતી.

“કેમ શાદુળ ભગત, આવ્યા ?” સંતે છેટેથી પૂછ્યું.

“જાગો છો ?”

“હા બાપ, માલધારીને ઝાઝી નીંદર ક્યાંથી હોય ? જાગવાની ટેવ જ પડી ગઈ છે. પણ તમે નીંદર કરતા નથી એ ઠીક ન કહેવાય.”

“મારી નીંદર એક વાતે ઉડાડી દીધી છે.”

“એનું નામ તો કાચી નીંદર. કાગાનીંદર, ભગત ! પાકી નીંદર એમ ઊડે નહીં. શી વાત છે, કહો.”

“જગ્યામાં અનર્થ થઈ રહેલ છે.”

“શેનો ?”

“કોઈક માનવી આવતું લાગે છે !”

“ક્યાં ?”

“કહેતાં જીભ કપાય છે.”

“એ તો બધી દુનિયાઈ વાણી, બાપ શાદુળ ! બાકી જીભ તો કુહાડાનાય ઘા ઝીલી શકે છે.”

“અમરબાઈની પાસે કોઈક નક્કી આવતું હોવું જોઈએ.”

“કેમ જાણ્યું ?”

“બોલાશ કાનોકાન સાંભળ્યો.”

“આજ અત્યારે ને ?”

“હા.”

“મેંય સાંભળ્યો.”

શાદુળ રાજી થયો. સંતે કહ્યું : “કોણ હતું ? ઓળખી લીધું ?”

“ના, ગમે તે હો, પણ બહુ એકાન્તની વાતો થાતી લાગી.”

“શાદુળ, મેં તો એ ભાઈને ઓળખી લીધા છે.”

“કોણ ? કોણ ? -” શાદુળે અધીરાઈ બતાવી.

“કહું ? ગભરાઈશ નહીં કે ?”

“નહીં ગભરાઉં.”

“ભેંસાણ ગામના ખુમાણ આપા શાદુળ ભગત પોતે જ.”

“હું ?” શાદુળ ભભૂક્યો : “હું તો તે પછી ગયેલો, હું તો ચોરને ઝાલવા ગયો’તો.”

“આપણે પારકા ચોર ઝાલવા ન જાત તો જગતમાં પોણા ભાગની ચોરી ઘટી જાત, આપા શાદુળ ! આપણે બધા જ ચોરોને ઝાલીએ છીએ, નથી ઝાલતા ફક્ત આપણા માંયલા ચોરને જ.”

શાદુળને આ ઠપકો ન ગમ્યો. પોતાનો ઘરસંસાર ભાંગીને જગ્યામાં બેસી ગયેલ એક જુવાન બાઈ ઉપર સંત ચોકી કે ચોકસી નથી રાખતા એવી મતલબની ઘણી ઘણી વાતો શાદુળ ભગત બોલી ગયા.

“હું ફરી ફરી કહું છું કે અમરબાઈના હૈયાની અડોઅડ, શાદુળભાઈ, તું જ હતો. ઓ ગંડુ કાઠી ! તે વખતે પવન મારી પધોરે હતો. મારે કાનેય બોલચાલ પડી હતી. પણ હું તો હંમેશ રાતે, આંહીં તારા આવ્યા પછી રોજ રોજ રાતે, એ બોલાશ સાંભળું છું. અમરબાઈ સ્વપ્નમાં લવે છે. એની ગોદમાં કોઈક નાનું બાળ સૂતું હોય એવું એને સપનું દેખાય છે. બાળકને હેત કરતી કરતી એ સાધ્વી બોલતી હોય છે કે ‘શાદુળ, બેટા, તું બહુ પગ પછાડ મા. બહુ જ બળ બતાવ મા બળને સંઘરી રાખ, બળને જાળવી રાખ, બેટા ! પારકા ઢોલિયા ભાંગીને ભગત બન મા. મારાથી જોવાતું. મને બીક લાગે છે કે તું ક્યાંઈક તારાં જ હાડકાંને ભાંગી બેસીશ.”

શાદુળે પોતાના કાન પર પડેલા સૂરો યાદ કર્યા. એને એ વીતી ગયેલી સ્મૃતિ અસ્પષ્ટ આકાર ધારણ કરતી લાગી.

“બેસ, શાદુળ.” સંતે એનો હાથ ખેંચ્યો : “હું તને સમજાવું.”

બાઘા જેવો બનેલો શાદુળ બેઠો. ચોપાસ કંસારીના લહેકાર બંધાઈ ગયા હતા.

“શાદુળ, અમરબાઈનું તો નારીહૃદય છે. નારીનો પરમ આનંદ, સહુથી જોરાવર ભાવ, જણવાનો છે. હું જાણતો હતો કે અમરબાઈ આશાભરી પતિઘેરે જતી’તી તેમાં વચ્ચેથી આંહીં ઊતરી પડી છે. હું ધારતો જ હતો કે અમરને ભોગવિલાસ હવે નહીં જ લોભાવી શકે, પણ એના જીવનમાં વહેલોમોડો એક સાદ તો પડશે જ પડશે. એ સાદ જનેતાપણાનો. હું ઝીણી નજરે જોતો હતો કે આપણી દાડમડીને દાડમ બેઠેલાં જોયાં, તે દી અમરે એકાએક દાડમ ઉપર છુપા છુપા કાંઈ હાથ ફેરવ્યા’તા - કાંઈ હાથ ફેરવ્યા’તા ! મેં બરાબર જોયું’તું કે ગાયને વાછરું આવ્યું તે દી અમરે છાનામાના જઈને વાછરુને પોતાના હૈયાસરસું ચાંપી, પોતાની જીભે ચાટ્યું હતું ! એ બધું જ નીરખી નીરખી મને મનમાં ફફડાટ પેઠ ોહતો કે મારે માથે શી થશે ? ત્યાં તું આવ્યો ને તે પછી અમરે તને જણ્યો - સંગીત અને કળાના તારા પ્રેમને પ્રસવ્યો : પોતાના હૈયાના ગર્ભાશયમાંથી : શરીરની કૂખેથી નહીં. તને જણી કરીને અમર સંતોષી બની, પ્રફુલ્લિત બની. તે પછઈ જ એની કાયા કૉળી ઊઠી છે, ભાઈ ! ને તને જણ્યા પછી જ જગ્યાનાં કામોમાંથી એનો જીવ ઊઠી ગયો છે.”

શાદુળ શાંત રહ્યો. થીજી ગયો. આ રબારીની નજર કેટલી ઝીણી !

“તેં એને શું પૂછ્યું ? કશું પૂછ્યું છે ?”

“હા, મારાથી ન રહેવાયું ?”

“શું પૂછ્યું ?”

“પૂછ્યું કે આંહીં ઓરડામાં કોણ હતું ?”

“એવું પૂછવાનો તને કોઈ હકદાવો હતો ખરો ?”

શાદુળે પોતાનું માથું એક હાથની હથેળીમાં ટેકવી મોં નીચું ઢાળ્યું. એણે એક છેલ્લો પ્રયત્ન કર્યો : “આ થાનક પવિત્ર રહેવું જોઈએ. જગતનો વિશ્વાસ જાય તો આપણું શું થાય ?”

સાંભળીને સંત સૌ પહેલાં તો પેટ ભરીને હસ્યા. હસતાં એણે શાદુળ ભગતની પીઠ થાબડી. થબડાટે થબડાટે હાસ્ય કરતા કરતા જ સંત બોલતા ગયા : “સાચોસાચ ? અરે રંગ શાદુળ ! તેં તો અવધિ કરી, બાપ શાદુળ ! અવધિ કરી.”

પછી જરા ગંભીર બનીને ઉમેર્યું : “કોઈક વેપારી પેઢીનો તું ભારે સરસ ગુમાસ્તો બની શકત, હો શાદુળ ! તારાં કમભાગ્યે આ તો ગુરુદત્તનો ધૂણો છે. લખમીની દુકાન નથી. ને ધૂણામાં તો બીજું શું હોય ? રાખ. એ રાખના ઢગલા ઉપર બેઠેલ આ દેવલા રબારીને જગતનાં વિશ્વાસ-અવિશ્વાસરૂપી આભરણોની બહુ કોઈ કિંમત નથી, બાપ !”

થોડી વાર રહીને ફરી પાછા એ હસવા પર ચડ્યા. કહ્યું : “હેં શાદુળ ! સાચોસાચ તું આ થાનકની આબરૂની ચોકી કરવા સારુ ઉજાગરા ખેંચતો’તો ? અમરબાઈના ઓરડા ભણી તું એટલા માટે જ ગયો’તો ?”

શાદુળને લાગ્યું કે જાણે પોતાની છાતી હેઠળ છુપાવેલું કોઈ લોહિયાળું ખંજર પકડાઈ ગયું હતું.

વળતા દિવસે પરબ-વાવડીની જગ્યામાં બે બનાવો બન્યા : એક તો, અમરબાઈએ રક્તપિત્તિયાંનાં લોહીપરુ ધોવાના કામની દીક્ષા લીધી. બીજું, ચલાળા ગામથી દાના ભગતનું આવવું થયું.

“સંત દેવીદાસ !” દાના ભગતે હાથ જોડીને જણાવ્યું, “હું તમારાં, અમરબાઈનાં કે પતિયાંનાં દર્શને નથી આવ્યો. હું તો આવ્યો છું આપા શાદુળ ભગતની ખ્યાતિ ઉપર મોહાઈને. મેં સાંભળ્યું કે શાદુળ ભગત તો ભજનો ગાતા ગાતા ઢોલિયા ભાંગે છે. એવા ભક્તિરસમાં ચકચૂર બનેલા પુરુષને મારે એના અસલ સ્વરૂપે નીરખવા છે.”

સંત દેવીદાસે સામા હાથ જોડીને જવાબ દીધો : “હું તો જાનવર ગણાઉં. મને રબારીને ભક્તિરસના મર્મો ક્યંથી સમજાય ? પણ શાદુળ ભગતને મારી કોઈ વાતે ના નથી. આપ સરીખા એનું નામ સાંભળીને આવ્યા, તો ખેર ! મારી તો જગ્યા પાવન થઈ. શાદુળને દિલ ચહાય તે કરવાની રજા છે.”

તે જ દિવસે રાતે સમૈયો રચાયો. ઝાંઝ, પખવાજ અને કરતાલ-મંજીરાની ઝૂક મચી ગઈ. જોબનજોદ્ધ શાદુળ કરતાલ વીંઝલો ઢોલિયા પર ચડ્યો. દાના ભગતે એને રંગ દીધા.

અમરબાઈ તે વખતે પતિયાંઓની સારવારમાં પરોવાઈ ગયાં હતાં. રોગીઓના સૂતા પછી સંત દેવીદાસ અમરબાઈને રોગીઓના નાવણધોવણની તેમ જ બીજી કેટલીક ઔષધિઓની, વગડાના કેટલાએક ઉપચારોની સૂચનાઓ દઈ રહ્યા હતા.

“બેટા, બોન,” એમણે છેલ્લી વાત કહી, “કોઈ કીમિયો, કોઈ ચમત્કાર, કોઈ પણ પરચો હું જાણતો નથી. તનેય આટલું જ કહેવાનું છે કે સુગાઈશ નહીં. દેહની બહાર દેખાતા તમામ રોગો પ્રત્યેક દેહની અંદર પડેલા જ છે. માનવીને તો રૂંવે રૂંવે રોગ છે, કોઈકને બહાર તો કોઈકને માંયલી બાજુ. સુગાઈશ નહીં. ને બીજું, રોગીના રોગ તો ઉતારી ઉતારીનેય આપણે પહેરવાના છે. પારકી બદબોઈને ખુશબો બનાવવી હશે, તો બદબોઈને આપણે આપણામાં જ સંઘરી લેવી પડશે. હવે હું જાઉં છું સમૈયામાં, બેટા ! અતિથિધર્મ તો સાચવવો રહ્યો છે ને !”

અમરબાઈ એકલાં પડ્યાં. નજીકથી એના કાનમાં ભજનના સ્વરો આવતા હતા :

મારે રોમે રોમે રામબાણ વાગ્યાં;

એ જી મારે રોમે રોમે રામબાણ વાગ્યાં.

સ્વરોની સાથે જોરાવર હોંકારા ને પડકારા સંભળાતા હતા. પખવાજ પર એવી તો થપાટો પડતી હતી કે હમણાં જાણે એનું કલેજું તૂટી પડશે.

શાદુળનો તમાશો ચાલી રહ્યો છે.

પણ શાદુળ કોણ ? શાદુળ મારો જાયો હતો, એ તો ગઈ રાતે મરી ગયો.

એનાં નેત્રોમાંથી છેલ્લાં આંસુ પડ્યાં.

જગ્યામાં આવવાને પ્રથમ દિને પણ એણે પોતાના ઉપરના પ્રેમનું સાચું સ્વરૂપ જોયું હતું : એ હતું સત્તાધીશીનું સ્વરૂપ.

ગઈ રાતે પણ એણે પ્રેમનું સ્વરૂપ દીઠું. એનું જ એ સ્વરૂપ : સ્વાર્થી પ્રેમ, ને સ્વાર્પણશીલ પ્રેમઃ એવા કોઈ ભેદ છે ખરા પ્રેમના ?

ના, ના, પ્રેમ એટલે જ લાગણીઓનો આગ્રહ : માલિકીનો આગ્રહ : વહેમનું વિષવૃક્ષ.

પ્રેમ એટલે આત્માને વળગેલો રક્તપિત્તનો રોગ.

કણીકણી કરીને ખાઈ જાય.

પાછળ રાખી જાય એક બિભીષિકા.

શાદુળ મરી ગયો.

એવા વિચારો ચાલતા હતા તે અરસામાં જ ભજન-સમારંભ વીખરાયો જણાયો. શબ્દો સંભળાયા :

‘ગજબ થયો. શાદુળ ભગત ઢોલિયો ન ભાંગી શક્યા.’

‘એનું સત ગયું.’

‘આપા દાનાએ ચમત્કાર કર્યો.’

‘અને આપા દાનાએ વચનો પણ બરછી જેવાં કહ્યાં, હોં !’

‘શું કહ્યું ?’

‘કહ્યું કે શાદુળ, જેને રોમે રોમે રામબાણ વાગ્યાં હોય તેને આવા પછાડા શા માટે ? અને ગરીબ ઘરની દીકરિયું પિયરથી એકાદ આવો ઢોલિયો લાવી હોય તેને તું રોજ ભાંગ્યા કરીશ તો કેટલા નિસાપા લાગશે તને ?’

‘સાચું ! ભગતને એવા નિસાપા જ નડ્યા લાગે છે.’

બધું સાંભળી લઈને અમરબાઈનો આત્મા ગુંજ્યો : ખોટા, ખોટા, બધા જ એ તર્કો ખોટા.

શાદુળને એની સત્તાની કામનાએ જ ભુક્કો કર્યો.

ત્રણ માણસો જગ્યાના ઝાંપા બહાર ઝાડવાંની ઓથે આંટા મારતાં હતાં. સંધ્યાની હૃદય-પાંદડીઓ બિડાતી હતી. દિવસ જાણે કે ભમરા જેવો બની સંધ્યાની પાંદડીઓમાં કેદી બનતો હતો. આઘે આઘેથી શબ્દ સંભળાતા હતા : ‘સત દેવીદાવ !’

જગ્યાની પરસાળ પરથી સામો શબ્દ પુકારાતો હતો : ‘અમર દેવીદાસ !’

‘સત દેવીદાસ !’ અને ‘અમર દેવીદાસ !’ એ બે અવાજો જાણે જીવતા જીવ હોય તેમ પરસ્પર હોકારા દેતા હતા. ત્રણેય લપાતાં માનવીઓના કાન ચમકી ઊઠ્યા. ત્રણમાંથી પડછંદ એક બુઢ્ઢો પુરુષ હતો તેણે હળવા અવાજે જુવાન પુરુષને કહ્યું : “એ જ અવાજ.”

સ્ત્રી હતી તેણે કહ્યું : “કશો જ ફરક નથી પડ્યો.”

બુઢ્ઢા પુરુષે પોતાનો વનવાસી જીવનનો અનુભવ આગળ ધર્યો : “સાદ જેના ન બગડેલા હોય તેનાં શીલ વાંકાંચૂકાં ન હોઈ શકે, બેટા મારા !”

જુવાનના મોંમાં ઉત્તર નહોતો. એ તો પેલા બે શબ્દના હોંકારામાંથી કોઈક નિગૂઢ વાણી સાંભળતો હતો.

બુઢ્ઢા પુરુષે કહ્યું : “બેટા, આ કામ માટે મારા હાથ નહીં ઊપડે એમ લાગે છે. તારે કરવું હોય તે તું જ કર.”

સીમાડાનો અવાજ નજીક આવતો હતો. રાત્રીના મલીરના અંધાર-છેડલા ધરતી પર લપેટાતા હતા. થોડી વારમાં તો અંધારું એટલું બધું ઘાટું બન્યું કે જાણે કોઈ કાળો વિરાટ પાડો ધરતી પર ઊભો ઊભો વાગોળતો હોય એવો આભાસ થયો.

પછી તો બે જોરાવર પગોની પગલીઓ ધમધમી. એક ધોકાના પૃથ્વી-પછડાટોમાંથી ઠણકાર ગુંજતા આવે છે, ને ઝીણા મોટા કાંકરા એ બે પગોની ઠેસે ચડી ચડી ઊડતા આવે છે. એકાએક આ ત્રણેય જણાંને ભાસ્યું કે આવનારને કોઈક સખ્ત ઠોકર લાગી. દેહ પટકાયો. ધોકો ઊડીને જઈ પડ્યો. અને પડનારના મોંમાંથી ઉદ્‌ગાર ઢળ્યો : ‘ખમા વેરીઓને ! ખમા દુશ્મનોને !’

ત્રણેય માણસો અંધારે દોડ્યાં ગયાં. પડનાર સ્ત્રી ઊઠીને ઝોળીમાંથી વેરાઈ ગયેલા ભિક્ષાના ટુકડા વીણતી હતી. અંધારે અંધીરે એ કહેતી હતી કે ‘હાલો અન્નદેવતા ! હાલો, તમારાં કોઢિયાં ખાંઉં ! ખાંઉં ! કરતાં હશે.’

ત્રણેય માનવીઓએ એક પુરુ,ને જગ્યામાંથી દોડતો આવતો જોયો. હવે શી ચેષ્ટા થાય છે તે જોવા ત્રણેય જણાં ઝાડની આડે છુપાયાં.

“કોણ અમર મા, તમે છો ?” જગ્યામાંથી આવેલા પુરુષના અવાજમાં જુવાની હતી.

“હા શાદુળભાઈ, કેમ દોડ્યા આવ્યા ?”

“તમારા શબ્દ અચાનક થંભી ગયા, ને પછડાટી સંભળાણી, એટલે હું દોડ્યો.”

“દેવીદાસ બાપુને પૂછ્યું’તું ?”

“ના, મા.”

“એની રજા વગર તમારાથી એકલા મારી પાસે ન અવાય, ભગત !”

“મારી ભૂલ થઈ ગઈ છે, મા !” એમ કહી શાદુળ ભગત પાછા ફરી ગયા. અંધારે લથડતાં પગલાં ભરતી અમરબાઈ મનના કોઈ માનવીને જાણે કહેતી હતી કે, ‘શાદુળ, મારા પેટના પુતર, તને મેં વાતવાતમાં પાછો પાડ્યો છે, કોચવ્યો છે. પણ હવે કેટલાક દી ? સમાધ લેવાની વાત દેવીદાસ બાપુના દિલમાં ઊગી ચૂકી છે.

એણે ઝાંપામાં પ્રવેશ કર્યો ત્યારે બહાર લપાયેલાં ત્રણ મનુષ્યોએ અંધારામાં એકબીજાની સામે જોયું ને વાર્તાલાપ કર્યો :

“સાંભળ્યું’તું તે તમામ ખોટું.”

“ને આની તો મરવાની તૈયારી થતી લાગે છે.”

“મા, બાપુ, મારે એના પગોમાં પડવું છે.”

બુઢ્ઢો બોલ્યો : “ને તો અજાયબી થઈ છે કે દેવીદાસજીને તે દિવસે મારી મારી લોથ કર્યા પછી ગરનારમાંથી આંહીં એ આવ્યા શી રીતે ?”

“આપણે આમના બહુ નિસાપા લીધા.”

“હવે આપણે જ જઈને એનો દંડ માગી લઈએ.”

આશ્રમવાસીઓને ખવરાવી-પિવરાવી લઈને દેવીદાસજી અમરબાઈની તથા શાદુળ ભગતની સંગાથે રાતનો આરાધ કરવા બેઠા છે. જગ્યામાં રાત્રીપ્રાર્થના માટે કશી જ દેવદેરી નથી. કોઈ પ્રકારની વિધિ નથી. ફક્ત દેવીદાસજી કોઈ કોઈ વાર આરાધ બોલે છે. આજ એ કંઠમાંથી એક નવીન પ્રકારની પ્રાર્થના ઊઠતી હતી. એના બોલ આવા હતા :

શામળાજી ! ના અનામ તમારું.

અનામ મનુખ અવતાર અમારો.

લખ ચોરાશી મરતો ને ફરતો

જીવતો જીવતો જીવ ગણીને

બાંય ગ્રહાવી બોલાવ્યો,

બોલાવીને બોલાવ્યો :

સોંપ્યું શામળા, નામ તમારું.

લખાવ્યા લેખ,

મનખના વેખ,

સંસાર મધ્યે હતું સારું.

ચંદ પે ઊજળું

સૂર પે નરમળું

અડસઠ તીરથ ઉપરાંત

કોટ જગતનાં જગત

વહ્યાં ગયાં.

તોય નામ

નત્ય નવું ને નવું

પ્રાણ પે પ્રજળું

એકાદશી પે નરમળું

રધમાં સધમાં

નવ નધથી અકળ સ્વરૂપી

જોગ તે ભગતના હેતમાં

મકતાને મકતુ.

આમ બોલ પછી બોલની ધારા ઢળવા લાગી. આરાધ પૂરો થયો ત્યારે જાણે કોઈક જળધોધ નીચે બેસીને સ્નાન કર્યું હોય તેવી વિશ્રાંતિની લાગણી બેઉ જુવાનોનાં દિલને લહેરાવતી હતી.

“આ આરાધ,” સંત દેવીદાસજીએ કહ્યું, “બેટા, રાણા ભગતનો રચેલો.”

“રાણો ભગત કોણ હતા ?”

“કોળી હતા. બીજા વેલો બાવો પણ અસલ કોળી હતા, ને ત્રીજા ઇંગારશા અમરેલીના સાંઈ હતા, ચોથા મારા ભાઈ મુંજાસરવાળા માંડણ ભગત. ચારેય જણ અડસઠ તીરથ ફરીને પાલિતાણે શેત્રુંજા માથે જાત્રા જુવારવા ગયા.”

“શ્રાવકોના દેવની જાત્રા ?” શાદુળે પૂછ્યું.

“હા, ભાઈ, એ સર્વે પણ એક જ મહાપંથના માર્ગી છે ને ? જૂજવું જોનારી તો આપણી જ આંખો છે.”

“પછી, બાપુ ?” વાર્તા સાંભળનારા અધીરી થઈ રહેલ અમરબાઈએ પૂછ્યું.

“પછી તો શેત્રુંજાનાં દેવળોમાં ફરતાં ફરતાં રાત પડી ગઈ. આ ચાર જણાનું ધ્યાન ક્યાંથી રહે ? શ્રાવકોનાં તો ગંજાવર દેવસ્થાનો ! ગોઠી લોકો તાળાં દઈને નીચે ઊતરી ગયા. સવારે આવીને જુએ તો અંદર ચાર અજાણ્યા જણ દીઠા ને ‘ચોર ! ચોર !’ એવી બૂમો પડી. ચારેયને પકડ્યા. પકડીને મારતા મારતા લઈ આવ્યા. ચારેય જણ કહે કે ભાઈ, માર અમને બહુ વસમો લાગે છે. અમે કાંઈ ચોર નથી. તમારા હીરા-કંકર-પથર અમારે તો માટી બરોબર છે. તમારા દેવનું અમે કશું જ લીધું નથી. દેરાંવાળા કહે કે સાક્ષી કોણ ? આ ચારેય જણાએ કહ્યું કે સાક્ષી ખુદ તીર્થંકરો. પછી રાણાએ આ આરાધ કહીને તીર્થંકરોને પોતાની સાક્ષીએ તેડાવ્યા હતા. તે પછી ત્રણ જણા તો ઊતરી ગયા; પણ ઇંગારશા તો સાંઈ ખરો ને ! એટલે કે હવે હું ન જાઉં. આંહીં બેસીશ ને પહેલી સલામ જાત્રાળુઓ પાસેથી હું માંગીશ.”

ત્રણેય મુસાફરો તે વખતે ત્યાં રજૂ થયા ને ત્રણેયે ખોળા પાથર્યા.

“તમે કોણ, બાપ ?” દેવીદાસજીએ નજર ઠેરાવીને પૂછ્યું.

“મને ભૂલી ગયા ?” કહીને બુઢ્ઢાએ દેવીદાસજીના ખોળામાં હાથ નાખ્યો. એના પંજાને દેવીદાસજીએ પોતાના પંજામાં લઈ લીધો.

“ઓહ ! કાંઈ જૂની ઓળખાણ તો જણાય છે.” દેવીદાસજીએ પંજાના સ્પર્શમાંથી પરિચય ઉકેલ્યો.

“અમરબાઈના સંસારનાં અમે સાસરિયાં છીએ. તમારે માથે અમે ન કરવાનું કર્યું છે.”

“બાપ, જૂની વાતુંના ચોપડા આપણે શીદ રાખવા ?” દેવીદાસજી હસ્યા : “આપણે થોડા વેપારી-વાણિયા છીએ ?”

બાઈ બોલી : “અમે તમારો શરાપ માગવા આવ્યાં છીએ.”

આગલા સમયમાં સોરઠવાસીઓની પરંપરા આવી હતી. અન્યાય કરીને જેને સંતાપેલ હોય તે નિર્દોષ માણસ પાસેથી અન્યાય કરનારે શાપ માગી લેવો ને એ શાપનાં પરિણામો ભોગવી કાઢવાં. દુષ્કૃત્યોનો હિસાબ ચોખ્ખો કરી નાખવાની આ પ્રણાલિકા લોકસંસ્કારની મહત્તા હતી.

દેવીદાસજીએ મોં મલકાવ્યું : “માડી ! શરાપ માગવો હોય તો અમરમા પાસે માગો. મને નવાણિયાને વચમાં કાં કૂટો ?”

આહીરાણી અમરબાઈ તરફ ફરી, વર્ષો પૂર્વે શોભાવડલાથી પોતે સાસરે જતી હતી તે દિવસ અમરને સાંભર્યો. નીંદરભરી પોતાની આંખો આ જ સ્ત્રીના માતૃ-ખોળામાં જંપી ગઈ હતી. પછી પોતાની સામે આ જ પરસાળમાં રાતી આંખો કરનાર પણ આ જ સ્ત્રી હતી. ખોળો પાથરીને અત્યારે એ કરગરે છે : “માવડી, મને શરાપો.”

વૃદ્ધ સસરો પણ અમરબાઈ તરફ ફર્યો ને બોલ્યો : “મનેય શરાપો, મા !”

“હું પણ શરાપ માગું છું” કહેતો જુવાન સન્મુખ આવ્યો. એની આંખો અમરબાઈ તરફ નહોતી. એ બીજી બાજુ જોઈ ગયો હતો.

કહેવાતું આવે છે કે અમરબાઈ અત્યંત રૂપાળાં હતાં. દેહ અને આત્મા, બન્નેનાં રૂપ એકમેકમાં મિલન પામીને કેવાં મનોહર બન્યાં હશે ! આ જ અમરબાઈનો એક વારનો પતિ એ ઘડીએ કયા વિચારોમાં ચડીને આંખો ફેરવી ગયો હશે ? આવું અનોધું રૂપ પોતે ન ભોગવી શક્યો એ માટે ? કે આના ૂંચા આત્માને પોતે ન પિછાની શક્યો એ માટે ? સાંજનાં અંધારાં ઢળ્યાં ત્યાં સુધી તો અમરબાઈને ટાંટિયો ઝાલીને મૂએલા ઢોરની માફક ઢસરડી જવાની જ નેમ હતી. એક જ દિવસ અને રાત, છતાંય બેની વચ્ચે જાણે કે જુગપલટો થઈ ગયો. જુલમ કરવા આવનારાં શરાપ માગવા રોકાયાં.

અમરબાઈ પણ નીચે જોઈ મીઠું મોં મલકાવતાં હતાં. એણે ફક્ત આટલું જ કહ્યું : “હું તો શરાપવા જેવી સમરથ નથી. મારા અંતરમાં તો એટલું જ ઊગે છે કે માનવી માનવીને સંતાપે નહીં : ને તમને સોરઠિયા આયરોને પણ પ્રભુ સદા સુખી રાખે.”

ત્રણેય જણાંએ માથાં નમાવ્યાં. દેવીદાસજીએ કહ્યું : “દીકરી, તેંય શરાપી જાણ્યું. તું તો ખાટી ગઈ.”

એક ફક્ત શાદુળ ભગત એકલા બેઠા બેઠા ઊંચાનીચા થતા હતા; મહેમાનોને આટલું પણ કહ્યા વગર ન રહી શક્યા કે “પણ આ બાપુએ તમારું શું બગાડ્યું હતું કે તમે એને ગરનારમાં લઈ જઈને મરણતોલ માર માર્યો ?”

“શાદુળ !” દેવીદાસજીએ એનો હાથ ઝાલ્યો, “તું એટલો તો વિચાર કર, કે એમણે જ મને નૂરશા-જેરામશાના કાંધે ચડાવ્યો. ને વળી હું તો જીવતે જીવે એ બે જોગંદરોની કાંધે ચડી આવ્યો. અમરબાઈને પણ એનો મિલાપ થયો; આવા બડભાગી અમને બીજું કોણ કરત ?”

આહીરોની આંખો ટપકવા લાગી.

તે પછી થોડાં વર્ષે દેવીદાસજીએ સ્વજનોને તેડાવ્યાં. કહ્યું કે “કંકોતરિયું લખો.”

હાજર હતા તે સમજી ગયા કે કંકોતરી લખવાનો ભેદ શો હતો.

“ઊભા રહો, હું અમરબાઈની રજા માગી લઉં.”

એણે અમરબાઈને પાસે બોલાવ્યાં. હાથજોડ કરીને કહ્યું : “બાપ, મને રજા છે ?” દેવીદાસના વદન ઉપર નવા જન્મનું નોતરું ઝળકતું હતું.

“હું ભેળી આવું તો ?” અમરબાઈ હસ્યાં.

“બહુ વે’લું કહેવાશે, માતા !”

“લાજઆબરૂભેર વે’લા પહોંચી જાયેં એ જ ઠીક છે.”

“તને કાંઈ ડર રહ્યો છે, મા ?”

“ડર તો નથી રહ્યો.”

“ત્યારે ?”

“અંજવાળી તોય રાત છું ને ?”

“ભલે ત્યારે, બેયની કંકોતરી ભેગી કઢાવીએ.”

ચોક્કસ મહિનાની મુકરર તિથિએ, ચોક્કસ ચોઘડિયે ને ચોક્કસ ઘડીએ દેવીદાસજી અને અમરબાઈ સમાધ લેવાનાં છે, માટે સહુ સંતો ઉજવણે આવજો, એવી મતલબના શુભ કાગળો ‘ગત્ય’માં દસેય દિશાએ લખી ખેપિયા રવાના કરવામાં આવ્યા. અને જગ્યામાં જૂના સંતો જસા વોળદાનની બે કબરો હતી તેની બાજુમાં જ બે ખાડાઓ ખોદાયા. એક મહોત્સવ મચી ગયો. એ મહોત્સવ મૃત્યુનો હતો. જીવનનાં કર્તવ્યો ઉકેલી કરી, નવી દુનિયાની કોઈ નિશ્ચિત સફરે ઊપડવાનું હોય, કોઈ મોટી યાત્રાએ કોઈ પર્યટને પળવાનું હોય, તે જાતનો સમારંભ મચી ગયો. અષાઢી બીજનો ત્યાં મેળો ભરાયો. ને દેવીદાસજીએ તથા અમરબાઈએ જાતે રાંધણું કર્યું. છ હજાર માણશોને પૂરું પડી શકે તેટલું ઘઉંનું ભરડકું બાફ્યું.

ઉગમણી બાજુએ કાઠીઓનો કૂવો હતો. પરબની જગ્યામાં પાણીની તંગી હતી. કાઠીઓ કૂવા ઉપર કોસ ચલાવી લ્યે એટલે મંડાણનો તમામ સરંજામ ઉપાડીને ઘેર લઈ જાય. શાદુળ ભગતે એક આખો બાવળ કાપી નાખ્યો. તેમાંથી મંડાળનો સરંજામ બનાવ્યો. બનાવીને કૂવા ઉપર માંડ્યો. જ્યાં કોસ હાંકવાનો આદર કરે છે ત્યાં વાવડીના કાઠીઓએ આવીને મંડાણ તોડી કઢાવી નાખ્યું. શાદુળ ભગતને અણછાજતાં વેણ પણ કહ્યાં. શાદુળે શાપ આપ્યો કે ‘આ કૂવા ઉપર કાઠીઓ પણ આ મંડાણની પેઠે જ ચૂંથાશે.’

શાપની કથા સાંભળીને સંત દેવીદાસજી બહુ દુભાયા. અને જગ્યના એ જેવાતેવા કૂવા ઉપર દિવસસ અને રાત પાણી ઉલેચી ઉલેચીને સંતે, અમરબાઈએ તથા શાદુળે અવેડો ભર્યો. હજારો માણસો લાપસીનું ભરડકું ખોઈ વાળીને ખાતા જાય ને અવેડામાંથી ખોબા ભરી પાણી પીએ એવી ગોઠવણ હતી. ત્યાં ન્યાતજાતના ભેદો નહોતા, વર્ણ વર્ણની આભડછેટ નહોતી, હિન્દુ-મુસલમાનોના ભેદ નહોતા.

સમાત લેવાનું ટાણું આવી પહોંચ્યું. ભરવસ્તીમાં એક જ પ્રાણી રોતું હતું. શાદુળ રોતો હતો. શાદુળ, શા માટે રોવછ બાપ ? શાદુળ કેમ કરીને સમજાવે !-

રોઈ રોઈ કેને સંભળાવું રે

જેસલજી કે’ છે.

ઊંડાં દુઃખ કેને સંભળાવું રે

જાડેજો કે’ છે.

રુદિયો રુવે રે

મારો ભીતર જલે.

એનું ભીતર જલતું હતું. ન સમજી શકાય તેવી કોઈ મર્મવ્યથા એને વીંધતી હતી. એને આશંકા પડી ગઈ હતી કે અમરબાઈના અંતરમાં એક દહેશત હતી તેથી જ એ દેવીદાસજીની જોડે સમાય છે.

“શાદુળ ! વીરા !” અમરબાઈએ આવીને પંપાળ્યો : “તમને એકલા મૂકવા પડે છે. એખલવાયા તોય તમે સરમથ છો. ભગત, આપણે તો ત્યાં પાછા ભેળા થવાનું છેે ને !”

એ વખતે ભજનના સૂર ઊડતા હતા કે -

મળજો આલેકને દરબાર

મળજો જતિસતી હો જી !

“જુઓ ભગત, સંતોના સૂર સાખ પૂરે છે, અમે ત્યાં તમારી વાટ જોશું. પણ ઉતાવળ કરીને આવશો મા. સંસારની તમામ વળગણ છૂટી જાય તે પછી તો તમારે ને અમારે ક્યાં છેટું છે ? બારણું ખોલશો એટલે બીજા ઓરડામાં અમે બેઠાં જ હશું, ભગત !”

સહુ સંતોને રામરામ કરીને પછી દેવીદાસજી અને અમરબાઈ પરસ્પર સન્મુખ થયાં.

અમરે કહ્યું : સત દેવીદાસ !

દેવીદાસે કહ્યું : અમર દેવીદાસ !

બન્નેએ દસેય પ્રાણદ્વાર બંધ કરી લીધાં. થોડી વારે બન્ને શરીરોમાંથી આત્મા છૂટી ગયો.

બેઉને સમાધ આપવાની તૈયારી છે તે જ ક્ષણે બે ડોસા હાજર થયા. દાંત વગરના ને જરાગ્રસ્ત એ બુઢ્ઢા બીજા કોઈ નહીં પણ ગિરનારવાસી જોગી નૂરશા અને જેરામશા હતા.

બેઉએ સંતોનાં નિષ્પ્રાણ કલેવરોને સમાધના ખાડામાં ઓતર-દખણાદાં પધરાવ્યાં ને પછી ઉપર ધૂળ વાળી દીધી.

બેઉ સમાધિસ્થાનો પર હિન્દુ-રીતિ મુજબની સમાધ કે દેરી નહીં પણ આરામગાહ બાંધવામાં આવી, ઉપર સોડ ઢંકાવી શરૂ થઈ.

શાદુળ એકલો પડ્યો. શાદુળને પોતાનાં જૂનાં ભજનો સાંભરતાં થયાં :

ઇંદરીકા બાંધ્યા અબધૂત !

જોગી ન કે’નાં જી

જબ લગ મનવા ન બાંધ્યા

મેરે લાલ !

એકલવાયો શાદુળ સમજતો હતો કે ઇન્દ્રિયો બાંધેલી છે, પણ અંતરના તલસાટ ઓછા નથી થયા. મનને એકલતા મારી રહી છે.

રક્તપિત્તિયાંનાં મળમૂત્ર ધોવામાં એણે મનને જોતરી દીધું. પતિયાં ચીસો પાડતાં પાડતાં કહેતાં હતાં કે “શાદુળ બાપુ ! તમારો હાથ પોચો ખરો, પણ અમરમાના હાથ જેવી સુંવાળપ તો નહીં હોં !”

તરત જ અમરબાઈનો દેહ એની સામે ખડો થતો. શાદુળનું હૃદય બાળકની પેઠે ચીસો પાડતું. એ ચીસોને શબ્દોમાં ઉતારવા કદી કદી એકતારો ખોળે લેતા સંત શાદુળ ગાતા તોરલ-વિછોડ્યા જેસલનું રુદન-ગીત :

રોઈ કોઈ કેને સંભળાવું રે

જેસલજી કે’ છે.

ઊંડાં દુઃખ કેને સંભળાવું રે

જાડેજો કે’ છે.

રુદિયો રુવે રે

મારો ભીતર જલે.

પણ ગાવાથી વેદના વધતી. એકલા શાદુળ એકલતાની ભઠ્ઠીમાં ઓગળતા રહ્યા.

*

કૂવાનું ખોદાણ ઘણે ઊંડે ગયું છે, પણ પાણીનો પત્તો નથી. ભગત પોતે અંદર ઊતરીને ખોદે છે, ‘સત દેવીવાસ ! અમર દેવીદાસ !’ના શબ્દ પુકારે છે, પણ પાણીની આવ હોંકારો દેતી નથી.

માણસો માનતાં હતાં કે શાદુળ ભગતનાં સત પાણી કાઢશે.

ભગત જાણતા હતા કે હજી મનનાં પરિભ્રમણ પૂરાં નથી થયાં. કુદરતના કાળમીંઢ પથ્થરોને વીંધી નાખે એવી આત્મ-શક્તિની શારડી મને મળી નથી. પાતાળમાં વહેતાં ઝરણાં જોડે મારા મનની ખરી મહોબ્બત ક્યાં બંધાઈ છે ? હું તો હજુ ઝૂરતો નર છું. પાણી નહીં નીકળે.

એવામાં કોઈક ખબર લાવ્યું કે ઘોઘાવદરવાળા સંત ‘દાસી જીવણ’ પાડોશના ગામમાં પધાર્યા છે.

‘દાસી જીવણ’ તરીકે જાણીતા જીવણદાસજી જાતના ચમાર હતા. શાદુળ ભગતને દિલમાં પ્રશ્ન થયો : એને લઈ આવું ? એનાં સત અજમાવું ?

બીજા વિચાર જગ્યાના અભિમાનનો આવ્યો : મારા ગુરુથી અને અમરબાઈથી શું એક ચમાર ભક્ત ચડિયાતો ?

અને જાણે પોતાના જ તંબૂરાનો તાર બોલી ઊઠ્યો :

જબ લગ મનવા

ન ધોયા મેરે લાલ.

મનમાં સરસાઈનો મેલ ભર્યો છે : ભગત, તમે જોગી શાના ?

ગાયોનાં ધણેધણ આવીને ‘પાણી ! પાણી !’ ભાંભરી ઊઠ્યાં. કૂવો ઠાલોઠમ પડ્યો છે. શાદુળ ભગતનો ગર્વ ફરીથી ભાંગ્યો, એને ઘણાંએ વાર્યો કે જગ્યાનું માતમ જાશે. છતાં એ જીવણદાસજીને તેડવા ગયા, તેડી લાવ્યા.

જીવણ તો રાધાનો અવતાર મનાતા. જીવણનાં રૂપ તો અનોધાં હતાં. ફાંકડા જીવણને નીરખી શાદુળ વિસામણમાં પડી ગયો, કે આ ‘મસ્તાનો’ આદમી શું સંત ! વધુ વિમાસણ તો જીવણદાસજીની જોડે ચાર-પાંચ સ્ત્રીઓને જોવાથી થઈ. શાદુળે ભયંકર કસોટી આદરી.

જીવણદાસજીને પોતે કૂવાકાંઠે લઈ ગયા. બતાવીને કહ્યું કે “પાણી નથી.”

“બહુ વપત્ય !”

“ફરતી સીમનાં ધણ ધા નાખે છે.”

“કસ જોવરાવ્યો’તો ?”

“તમે જોઈ દેશો ?”

“ભલે બાપ, લ્યો, હું ઊતરીને જોઈ દઉં.”

ખાટલીમાં બેસારીને દોરડા વતી જીવણદાસજીને ઊંડા કૂવાને તળિયે ઉતાર્યા, ને પછી ખાટલા પાછી ખેંચી લીધી.

પથ્થરોનાં વળાં તપાસીને પછી જીવણદાસજીએ કહ્યું : “હવે મને ઉપર સીંચી લ્યો.”

“એ તો નહીં બને.” શાદુળ ભગતે સામે જવાબ દીધો.

“શું નહીં બને ?”

“આ કૂવામાં પાણી આવ્યા અગાઉ તમને બહાર કાઢવાનું.”

“કાં બાપ ?”

“તમે સંત છો. સતિયા છો. અમારી તરસ ટાળીને પછી નીકળો.”

“અરે ભાઈ, મારામાં એવું સત નથી. મારી આબરૂ ન લે. તુંય સત છે, આપા શાદુળ !”

“સંત છું. પણ કાઠી સંત છું.”

“મારો બત્રીસો ચડાવવો છે ?”

“તે પણ કરું.”

“ઠીક ભાઈ, તું મારી ઇજ્જત લઈને રાજી થાજે.”

“શો વિચાર છે ?”

“મારો એકતારો મોકલો.”

રસી બાંધીને એકતારો કૂવાને તળિયે ઉતારવામાં આવ્યો. દાસી જીવણે ચાર ભજનો ગાયાં. કહેવાય છે કે જળ આવ્યું, સંગીતના જોરે.

સંતને બહાર કાઢવામાં આવ્યા. પણ સંતનું દિલ દુભાયું હતું.

શાદુળે કહ્યું : “આ જગ્યા ને આ કૂવો જીવશે ત્યાં સુધી આભડછેટના ભેદ વિના જગત આંહીં પાણી પીશે.”

“નહીં પીઉં એક ફક્ત હું.” કહીને જીવણદાસ ચાલી નીકળ્યા.

શાદુળ ભગતનો મદ ભાંગ્યો. એક ચમારને સાદે જળદેવે જવાબ દીધો. હું શું છું ?

દિવસે દિવસે એનું દિલ દ્રવતું જ ચાલ્યું. એણે ઊંચનીચના ભેદ છોડી દીધા. એક દિવસ એણે સાંભળ્યું કે ચોડવડીનો એક અંત્યજ, જે દર વરસે જગ્યાની ધજા બનાવવા માટે બાર હાથ પાણકોરું આપી જતો તે મરી ગયો.

શાદુળ ભગત ચોડવડી ગયા. શબ પડ્યું હતું. ડાઘુઓ ભેગા થયા હતા, પોતે જઈને એને પોતાનો ચીપિયો અડકાડ્યો ને કહ્યું : “ભાઈ, ઓણ સાલ જગ્યામાં પાણકોરું ન આપી શક્યો તેથી શું શરમાઈ ગયો ? ઊઠ ઊઠ, પાણકોરું ન દે તો કાંઈ નહીં.”

આપણને નથી પરવા કે એને કહ્યે મૂએલો અંત્યજ ઊઠ્યો કે ન ઊઠ્યો, પણ શાદુળ ભગતના જીવન-ભેદ ટળી ગયા હતા તે તો આ વાતમાંથી નીકળે છે.

દુહા એના ગવાતા થયા :

સૂરે શીશ ઉતારિયાં, આવી નાખ્યાં ખળે,

શાદુળ દવેંગીની ફોજમાં, ભાંગલ નર નૈ મળે.

વળી

પરબે અમર પરસીએં, જોગેસર જપે જાપ;

ડેણ ડરે ને ભૂત ભાગે, તાવમાં પડે ત્રાસ.

પણ શાદુળના મનની વેદનાઓને આ દુહાનાં થૂક ઓલવી ન શક્યાં. શું કરું તો જીવ જંપે ? આ મનના વલોપાત મને મૃત્યુ પછીય જંપવા નહીં આપે તો શું કરીશ ? મારી પ્રેતગતિ તો નહીં થાય ? શો ઇલજ કરું ? એક સ્ત્રીના હૃદય ઉપર એકાદ ક્ષણની સત્તા ભોગવવા જતાં મને કેવી સજા મળી ? શું કરું તો એ એક ઘડી ભોગવેલી મારી સત્તાના ચૂરા થઈ જાય ?

ભેંસાણ, રફાળિયું, ગળથ, બરવાળું, હડમતિયું, દેવકી ગાળોલ, ખંભાળિયું ને રાણપુર : એ ચોય દિશાનાં ગામડાં, જ્યાં અમરબાઈએ રામરોટી માગી હતી, ત્યાં હવે શાદુળ ભગતની એકલપંથી ટહેલ શરૂ થઈ. શાદુળની નજરે એ સાતેય ગામોની સીમમાં અમરબાઈનું સ્વરૂપ તરવરતું હતું. માર્ગે માર્ગે જાણે ચાલી જાય છે; મૂંડિયું માથું, ઉપર ચૂંદડીનો ટુકડો, ખભે લીલો હજૂરિયો (રૂમાલ), ડોકમાં માળા, ને આખે અંગ સફેદ અંચળો.

સાંજે ઝોળી લઈને પાછા વળે ત્યારે સીમોમાં કાઠીઓની જૂની ખાંભીઓ ઊભેલી જુએ, જોઈ જોઈને એ પથ્થરોને પોતે કહે કે -

‘આપાઓ ! આંઈ તડકે શીદ તપો છો? મરી રે’શો મરી. હાલોને મારી ભેળા, મૂંડિયાઓને છાંયો કરવા !’

એમ કહીને શાદુળ ભગત ખાંભીને ખંભે અથવા માથે ઉપાડી લ્યે. છેક જગ્યામાં લાવીને એને ખડકે. એમ રોજેરોજ ઉઠાવી આણેલા પાળિયાઓનું ચણતર ચણીને શાદુળ ભગતે જગ્યાની જૂની ડેલી બાંધી આશ્રિતોને છાંયો કરવા.

*

સધ મુનિવર મળ્યા સામટા જોડી જાડી જાન,

કેસરિયો શાદલ તણો રોક્યો કિ રિયે રામ !

“ભગત,” વાણિયો આવીને કરગર્યો, “મને શેર માટી અપાવો.”

“વાણિયા, તારા પ્રારબ્ધમાં દીકરો નથી.”

વાણિયો પાછો ગયો. સાંભળ્યું કે કોટડા ગામે પરબની જગ્યાના શિષ્ય રામ વાળાનાં ભજન છે. વાણિયો ભજનમાં ગયો.

રામ વાળાના ઘરમાં માંગલબાઈ નામની કાઠિયાણી હતી. તે ય પણ ભક્તિમાર્ગી હતી. ભજનની ત્યાં ઝૂક બોલી. ભજન ખતમ થયાં. ભજનિકો વીખરાઈ ગયા. રામ વાળાની સામે વાણિયો બેસી રહ્યો.

“બેસી કાં રિયા ?”

વાણિયો રોઈ પડ્યો.

“કેમ ?” રામ વાળાએ પૂછ્યું.

“મને શાદુળ ભગતે સમરથ છતાં કહ્યું કે તારા પ્રારબ્ધમાં દીકરો નથી.”

રામ વાળાના દેહમાં ભભક આવી. એણે કહી નાખ્યું : “જા, દેવીદાસ તને દીકરો દિયે છે.”

એ પછી એક મહિને શાદુળ ભગતને આ બનાવની ખબર પડી. એણે રામ વાળાને કહેવરાવ્યું : “તેં બહુ ખોટું કર્યું. સંત દેવીદાસને માથે બદનામું ચડાવ્યું. હવે તો કાં તારે ને કાં મારે, એને પેટ પડવું જોશે.”

“તો હવે વચને રે’જો.” રામ વાળાએ જવાબ મોકલ્યો અને પોતે પોતાની સમાધનો દિવસ નક્કી કરીને કંકોતરી લખાવી. સમાધ પણ ગાળીને તૈયાર રખાવી. શાદુળ ભગતને તેડું મોકલ્યું.

“હવે ભાઈ,” શાદુળ ભગતે કહાવ્યું : “ખાડો બૂરવો છે એમાં શું માણસ દોડાવછ ?”

“તો કાંઈ નહીં, ભગત !”

રામ વાળાએ શાદુળ ભગતના વિના જ ચલાવ્યું. સમાધમાં બેસવાનું પ્રભાત આવી પહોંચ્યું.

“તમને એકલા તે કેમ જવા દઈશ ?” માંગલબાઈએ પણ સાથે બેસી જવાની હઠ લીધી.

એક કુંભાર ને કુંભાર્ય : એક આયર ને આયરાણી : એ ચાર બીજાં પણ સાથે સમાવા તૈયાર થયાં.

એક ભેરવો (કાળો) કૂતરો પણ એ છનો સાતમો સાથી થવા આવી ઊભો રહ્યો.

સર્વનું સામૈયું ચાલ્યું ત્યારે માંગલબાઈએ ભજન ઉપાડ્યું :

મારા અંતરના ઉદવેગ તે તો ગુરુએ ટાળ્યા,

ચરાચરમાં દેખું દેવીદાસ ભાવે ગરુને ભાળ્યા.

મારા હૈડા તણે હેતે પ્રીતમ તમને પામી;

હું તો ગૂંથાણી લૈને ગળે બથ અંતરના છો જામી.

દુબજાળાં દુરીજન લોકો તેને શું કહીએ !

ઇ તો અસજે બોલે અવગુણ તોયે ગરુને ચરણે રહીએ.

કર જોડી માંગલ કહે સાચું હું તો ભાખું;

મારા રુદિયામાં શાદલ પીર રોમે રોમે રાખું.

ગાતાં ગાતાં ચાલ્યાં જાય છે. બાજુમાં નાનો દીકરો દોડ્યો જાય છે.

માંગલબાઈની ચૂંદડી પગમાં ઢસરડાતી આવે છે. એ ચૂંદડીના છેડા ઉપર બાળ દીકરા બાવાનો પગ પડી ગયો. ચૂંદડી ખેંચાતાં ગાવામાં માંગલબાઈને ટેરમાં ફેર પડી ગયો. એણે પાછા ફરી જોયું.

રામભગતને શંકા આવી : “કેમ, બાવામાં જીવ ગયો ?”

“ના રે, મા’રાજ !” માંગલબાઈએ કહ્યું, “મારી ચૂંદડીને માથે પગ આવ્યો.”

આટલી ઉગ્ર કસોટી પાર કરીને સ્ત્રીપુરુષ સમાયાં. નાનો બાળક એકલો બન્યો. હજી તો હમણાં જ જેની ચૂંદડી ખૂંદતો હતો તે મા ચાલી ગઈ.

પોતાના મર્મબોલને પરિણામે આવા કેટકેટલા કેર વર્ત્યા ! શાદુળ ભગતના અંતર ઉપર શિલાઓ ખડકાતી ગઈ.

“હવે તો નથી રોકાવું. હવે આ સ્વભાવ નહીં બદલાય. હવે જાન જોડવી જોશે.”

મૂંઝાતું દિલ લઈને શાદુળ ભગત દત્તાત્રેયના ધૂણા પર જઈ બેઠા.

ગોધૂલિની એ વેળા હતી. શાદુળે ચારેય સીમાડા ભરીને નજર નાખી. ઝીણી ઝીણી ગોરજના ડમ્મર ચડ્યા હતા.

ધરા આખી છૂંદાતી હતી. શાદુળને જવાબ જડ્યો.

પછી એક દિવસ પરબની સમાધ-દેરી પાસે આવો બોલાશ ઊઠ્યો : “નહીં ભાઈ, ત્યાં બાજુમાં નહીં.”

“ત્યારે ?”

“અહીં, એ ઓટાની નીચે, પગથિયાની જગ્યાએ મારી સમાધ ગાળો.”

“કેમ એવું કહો છો ?”

“મારા શરીરનું વિરામસ્થાન આંહીં જ રહેશે. ઉપરની સમાતોને જુવારવા જનારાં લોકો મારા કલેજા ઉપર ચરણ મૂકીને જ પહોંચી શકશે. હું એ સહુના કદમોમાં છૂંદાતો છૂંદાતો જ અહીં સૂતો રહેવા માગું છું.”

સમાધના ખાડાને કાંઠે ખડા રહીને શાદુળ ભગતે છેલ્લું ભજન

ગાયું :

કલે કલે તારી કૂંચી

પરબુંના પીર ! કલે કલે તારી કૂંચી.

પાંચ તતવનો બંગલો બનાવ્યો

બારી મેલી છે ઊંચી

પરબુંના પીર, કલે કલે તારી કૂંચી.

અઢાર વરણ જમે એકઠા

ત્યાં જાત વરણ નૈ નીચી

પરબુંના પીર, કલે કલે તારી કૂંચી.

સવરા મંડપમાં મારો સતગુરુ બેઠા

ત્યાં ચાર જુગની વાત પૂછી

પરબુંના પીર, કલે કલે તારી કૂંચી.

દેવંગી પરતાપે પીર શાદળ બોલ્યા

જાતી વૈકુંઠની વાત પૂછી

પરબુંના પીર, કલે કલે તારી કૂંચી.

ભજન પૂરું કરીને શાદુળ ભગતે પોતાનું ખોળિયું છોડી દીધું.

આજે જસા વોળદાનની અને દેવીદાસ, અમરબઈની મળી ચાર કબરો જે દેરીમાં છે, તે દેરીના ઉંબર બહાર અણઘડ કાળો પથ્થર છે. એ પથ્થરની નીચે સૂતેલું છે શાદુળ ખુમાણનું શબ.

શાદુળનું કલેજું ત્યાંના જાત્રાળુઓની ચરણરજને ચૂમતું બેઠું છે. કેટલાં ચરણોને એણે ચૂમ્યાં હશે આજ સુધીમાં ? દોઢ સૈકો થઈ ગયો. અષાઢી બીજના અનેક મેળા ભરાણા. ભજનકીર્તનના સમૈયાનો પાર નહીં રહ્યો હોય. શાદુળ ભગત ને પછી તો ત્યાં અમરી માતા, અમૂલાંબાઈ, મા હીરબાઈ અને ગંગદાસજી સમાયાં. સાંઈ સેલાનીશાએ,

રતન જેવી આંખડિયાં મિલી

મે દીવડિયાં કાં બાળો !

હિંદુ મુસલમાન એક જ પિયાલે

નૂરીજન નજરે ભાળો !

પરબુંવાળો પીર પાદશા,

મેં તો ધૂનધણી ધાર્યો,

ધણી, તારો પરગટ પરચો ભાળ્યો.

- એવાં અભેદભાવનાં ભજનો ગાતે ત્યાં શરીર સંકેલ્યું અને આરામગાહી ઢાળી. અને શાદુળના શિષ્ય કરમણ પીર, દાનો બાવો વગેરે પણ ત્યાં વિરમ્યા છે. તે તમામના મૃત્યુ-ઉત્સવો પર મનખ્યો ઊમટ્યો હશે. સર્વના કદમોને શાદુળના હૈયાએ હોઠે ચાંપ્યા છે.

મારી મરણસજાઈ આ દેરીનાં પગથિયાં પર જ હોજો !

શાદુળ જીવનમાં જીત્યા તે કરતાં મરણમાં વિશેષ જીત્યા.

શાદુળો પીર કહેવાણો.

શાદુળો દેવીદાસનો !

૧.શરણાગતિ

અમરબાઈ સૌ પહેલી વાર સંત દેવીદાસને શરણે આવ્યાં ત્યારે આ ભજન બોલ્યાં હતાં :

બાવાજી, તમારાં હશે તે તમને ભજશે

એને આંચ નૈ આવે લગાર

એ પરબુંના પીર !

બાંહોડલી ઝાલ્યાની ખાવંદ લાજ છે,

બાવાજી, નવસો નવાણું ચીર પૂરિયાં

ધ્રુપતી દાસી તમારી કરી જાણો !

પરબુંના પીર. - બાંહોડલી૦

પ્રેહલાદ કારણ તમે પ્રગટિયા,

હરણા કંસનો કર્યો રે સંહાર

પરબુંના પીર. - બાંહોડલી૦

સૂઈને રિયાં શું સુખપાલમાં ?

તમે જાગી ન જોયું લગાર

પરબુંના પીર. - બાંહોડલી૦

કાળીંગો આવ્યો અતપાતનો,

રખે લોપે અમરાી લાજ

પરબુંના પીર. - બાંહોડલી૦

ઝટક દઈને ચડજો ઘોડલે,

શેલી શીંગી પીર શાદલને હાથ

પરબુંના પીર. - બાંહોડલી૦

ઘોડે ઘોડે શંખ વાગશે,

તમારાં ઝબક્યાં લીલુડાં નિશાન

પરબુંના પીર. - બાંહોડલી૦

ગરવા દેવાંગી પરતાપે અમર બોલિયાં

તારા સેવકુંને ચરણુંમાં રાખ

પરબુંના પીર. - બાંહોડલી૦

૨.હાલ ફકીરી

કોણ તો જાણે, દેવીદાસ જાણે

આજ મારે હાલ ફકીરી

માલમી બન્યા બીજું કોણ જાણે !

જળની માછલિયું અમે પવને સંચરિયું

ખરી તો વરતી મારી નહીં ડોલે

આજ મારે હાલ ફકીરી. - માલમી૦

કાચનાં મોતી અમે હીરા કરી જાણશું,

અઢાર વરણમાં મારો હીરલો ફરે

આજ મારે હાલ ફકીરી. - માલમી૦

પરબે જાઉં તો મુંને શાદલ મળિયા રે

શાદળ મળે તો મારાં નેણલાં ઠરે

આજ મારે હાલ ફકીરી. - માલમી૦

ચોરાશી સધની ધૂણી પરબે બિરાજે રે

સમરથ પુરુષ ભેળા રાસ રમે

આજ મારે હાલ ફકીરી. - માલમી૦

દેવંગી પરતાપે માતુ અમરબાઈ બોલ્યાં રે

સમરથ સેવે તો રૂડી સાન મળે

આજ મારે હાલ ફકીરી. - માલમી૦

માલવી વના આજ બીજું કોણ જાણે !

૩.મુને દેખતી કીધી

મારી આંખ્યુંનાં સકજ ચોઘડિયાં

મુંને દેખતી કીધી દેવીદાસ

સામૈયાં કરજો સંતનાં.

મારા અંતર પડદા કોરે કર્યા,

મારા માર્યા છે કાળ ને કરોધ

સામૈયાં કરજો સંતનાં.

ગરવા દેવંગી પરતાપે અમર બોલિયાં

તમારાં સેવકુંને ચરણુંમાં રાખ

સામૈયાં કરજો સંતનાં.

૪.જીવન ભલે જાગિયાં

મેં તો સધ રે જાણીને તમને સેવિયા

મારે રુદિયે દિવસ ને રાત

જીવન ભલે જાગિયાં.

મેં તો પુન્યના પાટ મંડાવિયા

મારે પધાર્યા પીર જસો રે વળદાન

જીવન ભલે જાગિયાં.

મેં તો કુરણાના કળશ થપાવિયા

જ્યોતું જગાવે દેવીદાસ

જીવન ભલે જાગિયાં.

સતિયું મળિયું મારા સમ તણી

સતી અમર અમૂલાં માંગલબાઈ

જીવન ભલે જાગિયાં.

નૂરીડાં મળ્યાં હરિજનનાં નિરમળાં

કોળી પાવળ પીર શાદલને હાથ

જીવન ભલે જાગિયાં.

ગરવા દેવંગી પરતાપે અમર બોલિયાં

તારા સેવકુંને ચરણુંમાં રાખ

જીવન ભલે જાગિયાં.

૫.અમર ઝૂઝે રે તરવાર

અમે પરબનાં ઓળગુ

અલખ દેવંગી ! તમારા ઓળગુ

પટગટ દેવીદાસ. - અમે૦

ભગતીમાં શૂરવીર અમર ઝૂઝે રે

અમર ઝૂઝે રે તરવાર

બાવાજી શાદલ, અમે પરબનાં ઓળગુ.

પછમ ખેતર બાવા, પીરનાં

ગઢ આજ જૂનો રે

ગઢ આજ જૂનો ને ગરનાર

- બાવાજી શાદુળ, અમે૦

અઢાર વરણ જમે એક ઠામે

ભોજન કરે રે

ભોજન કરે રે દુવાર

- બાવાજી શાદુળ, અમે૦

નામ રે તણા નેજા રોપિયા,

ભજન કરવાં રે ભરપૂર

- બાવાજી શાદુળ, અમે૦

નજ્યા પંથી ને સકોમળાં

કળજગ ના’વે લગાર

- બાવાજી શાદુળ, અમે૦

અમર સતી માતુ વીનવે

લાગું મારા ગુરુજીને પાય

જુગોજુગ તમારાં ટેલવાં

રાખો ચરણુંની સંગાથ

બાવાજી શાદુળ, અમે રે પરબુંના ઓળગુ.

૬. સખીભાવ

(જામનગરના હમીર કુંભારે રચેલું)

સમજાવીને કે’ !

પરબુંના પીરને સમજાવીને કે’ !

સાંયાજીની સાથે મારું સગપણ કર્યું.

મારું જોબન નાનું છે

પરબુંના પીરને સમજાવીને કે’ !

દેશપરદેશના જોષીડા તેડાવો

મારાં ઘડિયાં લગનિયાં લે !

પરબુંના પીરને સમજાવીને કે’ !

આલૂડા લીલૂડા વાંસ વઢાવો

મારા ચિતડામાં ચોરી ચીતરી છે

પરબુંના પીરને સમજાવીને કે’ !

સાંયાજીની સાથે મારી વરમાળ રોપી

હું તો પ્રીતે પરણી છે

પરબુંના પીરને સમજાવીને કે’ !

સેવાનીને ચરણે બોલ્યા હમીરો

મુંને લાગી લગનિયાંની લે’ !

પરબુંના પીરને સમજાવીને કે’ !