કાલ્પનિક વાસ્તવિકતા – ૧૩
ભાર્ગવ પટેલ
નોવેલ વિષે...
સંકેત માટે એ પરિચિત ચહેરો કોનો હતો? કોણ હતી એ યુવતી જે સમયના આટલા લાંબા અંતરાલ પછી એની સમક્ષ કોઈ કંપનીની એક્ઝીક્યુટીવ તરીકે ઉપસ્થિત હતી? સંકેતના બિઝનેસનો પ્રારંભ/પ્રગતિ બધું આ મીટીંગ પર આધારિત હતું. મુકેશભાઈ, અસ્મિતાબેન કે કનુભાઈ, સુમિત્રાબેન ચારેયમાંથી એકપણ જણ સંકેતના આ પગલાંથી અજાણ હતા, કદાચ સંકેત અને અમી બધું સમું-સરખું ના થાય ત્યાં સુધી એમને અજાણ જ રાખવા માંગતા હતા. હવે શું થાય છે આગળ એ જાણવા પ્રસ્તુત છે ‘કાલ્પનિક વાસ્તવિકતા’નો તેરમો અધ્યાય..
***
સંકેતના મનમાં એક અજીબ અસમંજસ હતી, કે ‘આ યુવતી એ જ છે કે પછી એના જેવી લાગતી બીજી કોઈ?’. સંકેત કંઈ નક્કી નહતો કરી શકતો. પણ પેલી યુવતી સંકેતને ઓળખી ગઈ હતી. લગભગ એ દિવસે ફોન પર વાત કરી એ પહેલાની એ જાણતી હતી કે આ એ જ સંકેત છે જે એની જ કોલેજમાં ભણતો એનાથી બે વર્ષ જુનિયર ક્લાસનો વિદ્યાર્થી હતો.
“હેલ્લો મિસ્ટર સંકેત”, એ યુવતીએ કંપની પ્રોટોકોલ મુજબ એટલા માટે વર્તન કર્યું કારણ કે અત્યારે એના અન્ય ડીગ્નીટરી પણ સંકેત સાથે એજન્સી આપવા અંગેની મીટીંગ માટે હોલમાં ઉપસ્થિત હતા.
“હેલ્લો મિસ....”
“યામિની, મિસિસ યામિની”
“ઓહ! સોરી, મિસિસ યામિની”, નામ જાણવાથી સંકેતનો અંદાજ સાચો પડ્યો.
“તો આપણે આજની મીટીંગ શરુ કરીએ?”, યામિનીએ માત્ર સંકેતને ઉદ્દેશીને પૂછ્યું.
“હા ચોક્કસ”
સૌપ્રથમ બધાએ પોતપોતાનો પરિચય આપ્યો અને પછી બ્લેઝરમાં સજ્જ મહાનુભાવે સંકેતને પોતાનું બેકગ્રાઉન્ડ અને અન્ય જરૂરી ચીજો વિશેની માહિતી આપવા માટેનું આમંત્રણ આપ્યું.
સંકેતે પોતાનું પેનડ્રાઈવ લેપટોપ સાથે કનેક્ટ કર્યું અને બનાવેલી ફાઈલ એક પછી એક મુંબઈકર, યામિની અને સરને નજર ફેરવવા માટે આપ્યું. સંકેતે પોતાના વિષે જે કંઈ પણ જણાવવા જેવું હતું એ બધું જ કહ્યું, બધા સંકેતની પ્રતિભાને સારી રીતે જાણી/પારખી રહ્યા હતા.
સંકેતે અંતે “અબ મેં ભી આપકી ટર્મ્સ એન્ડ કંડીશન જાનને કે લિયે ઉત્સુક હું” કહીને પોતાનું વક્તવ્ય પૂરું કર્યું. ત્યાં સુધી તમામે સંકેતની ફાઈલના તમામ ડોક્યુમેન્ટ ઝીણવટભરી નજરે જોઈ/ચકાસી લીધા.
“થેન્ક યુ મિસ્ટર સંકેત! મેં અપની કંપની કી એજન્સી સ્ટ્રેટેજી બતાને સે પેહલે આપ સે કકેવલ એક હી બાત પૂછના ચાહૂંગા”, બ્લેઝરધારી મહાનુભાવે કહ્યું.
“જી કહીએ દીપકજી”
“આપને ઇતની જલ્દી પ્રાઈવેટ જોબ છોડકર એજન્સી લેકર અપના બિઝનેસ ચાલુ કરને કા ક્યોં સોચા?”
“ક્યોંકી જહાં પે આપકી યા આપકે કામ કી વેલ્યુ ના હો, ઇવન જિસ જગહ આપકી ઇન્જ્યરી સે જ્યાદા આપકી વક્ત પે કામ પર ગૈરહાઝરી કી ફિકર હો વહાં અપની ઈમાનદારી દિખાને સે અચ્છા હૈ કે વહ કામ હી છોડ દિયા જાયે... ઔર જબ તક મેરી બિઝનેસ સ્કીલ્સ ક સવાલ હૈ, વો તો અગર આપ મુઝે એજન્સી દેતે હો ઉસકે એક હી મહીને કે બાદ આપકો ખુદ-બ-ખુદ પતા ચલ હી જાયેગા”
સંકેતના આ નિર્ભેળ સત્ય જવાબથી ઉપસ્થિત ત્રણેય દંગ હતા અને આ જવાબ જ કદાચ સંકેત માટે ભાગ્યના દરવાજા ખોલી આપે તેવો સાબિત થવાનો હતો. આ પછી દીપકે પોતાની કંપનીની તમામ સ્ટ્રેટેજી સમજાવી અને સંકેતને બધી વાતો એકદમ વ્યાજબી લાગી.
યામિનીએ એમની કંપનીની ક્વોલીટી પોલીસી અને મીનીમમ ઓર્ડર ક્વોન્ટીટી સહીતની માહિતી આપી. આલોક મુંબઈકરે બરોડા રીજીયનમાં આવતા તમામ કસ્ટમર્સ અને એમની પાસે રહેલા કંપનીના મશીનોનું સીરીયલ નંબર સહીતનું લીસ્ટ બતાવ્યું અને ક્યાં, કેવી રીતે બિઝનેસ ડેવલપ થઇ શકે એ માટેની બધી જ ઓપોર્ચ્યુનીટીઝ વિષે માહિતગાર કર્યા.
મીટીંગ પૂરી થઇ. યામિની એન્ડ ટીમ અને સંકેત, બંને એકબીજા પર પોતાનો પ્રભાવ પાડવામાં સફળ થયા હતા. યામિની અને દીપકની રીટર્ન ફ્લાઈટ સાંજે પાંચ વાગ્યે હતી, એટલે લંચ પછી આલોકની વડોદરા સ્થિત ઓફીસ પર જવાનું એમનું પ્લાનિંગ હતું. હોટેલ એરપોર્ટમાં બધાએ સાથે લંચ પૂરું કર્યું ત્યાં સુધી યામિની અને સંકેત એકબીજાને પહેલેથી ઓળખે છે એવી આલોક કે દીપકને ખબર નહતી.
“ચલો યામિની હમ ચલે આલોક કે ઓફીસ?”, દીપકે પૂછ્યું.
“ઉમ્મ્મ! સર એક્ચ્યુલી મુઝે થોડા કામ થા! આપ જાઈયે, મેં પહોચતી હું!”, યામિની સંકેત સાથે થોડી વાર હોટેલમાં રહીને વાત કરવા માંગતી હતી.
“આર યુ સ્યોર?”, દીપકે પૂછ્યું.
“હા સર! મેં થોડી દેર બાદ આતી હુ ઓફીસ પે”
“ઠીક હૈ! આપકો એડ્રેસ તો પતા હૈ ના મેમ?”, આલોકે પૂછ્યું.
“હા આલોકજી! મેં પહોચ જાઉંગી”
“ઓકે! તો હમ નિકલતે હૈ ફિર”
“ઓકે બાય સર”
આલોક અને દીપક બંને હોટેલ એરપોર્ટથી આલોકની ઓફીસ જવા રવાના થયા. લગભગ બપોરનો એક વાગ્યો હતો. યામિની સને સંકેત હજીયે એ જ ટેબલ પર બેઠા હતા જ્યાં એમણે લંચ પૂરું કર્યું હતું.
“તું બરોડા ક્યારે શિફ્ટ થયો?”
“તારું એમબીએ પત્યું એ જ અરસામાં”
“બરાબર! સોરી તારા મેરેજ ન અટેન્ડ કરી શકી! એ વખતે આ કંપનીના ઈન્ટરવ્યુનો છેલ્લો રાઉન્ડ હતો”
“કંઈ વાંધો નહિ!”
“કેવું લાગે છે નઈ? અચાનક આમ મળી જવાનું?”
“હા! ખરેખર.. મને તો પહેલી નજરે તું ઓળખાયી જ નહિ, ક્યાં પેલી એકદમ હરીભરી યામિની અને ક્યાં આ પાતળી પરમાર યામિની અને મિસ માંથી મિસિસ ક્યારે થઇ? મને તો ઇન્વીટેશન પણ નહતું”
“ઇન્વીટેશન કોઈને નહતું મળ્યું. એ બધું સમજાવીશ ફરી નિરાંતે.. અને પાતળા થવાનો સવાલ છે તો આ બધો આઉટ સ્ટેટમાં ગુજરાતી ઢોકળા ના મળવાનો પ્રતાપ છે ભાઈ! અને તારી જ વાત કરને તું! ક્યાં પેલો ચિરકુટ જેવો સંકેત અને ક્યાં આવતીકાલનો બિઝનેસમેન,”
“નસીબ નસીબના ખેલ છે બધા”, સંકેતે કહ્યું.
“અને આ પોપટ ક્યાં પાળ્યો?”, યામીનીએ પાટા તરફ જોઇને કહ્યું.
“અરે વાત જવા દે ને”, કહીને સંકેતે એની પાછળની આખી કહાની કહી.
“તારા શરીર અને વર્તનમાં જરૂર ફેર પડ્યો છે! પણ મનથી તું હજી પેલો જ સંકેત છે જેણે ચાલુ વરસાદમાં પોતાના પલળી જવાની પરવા કર્યા વગર છત્રી આપીને મારો પ્રોજેક્ટ બચાવ્યો હતો”, યામિનીએ જૂની વાતો યાદ કરતા કહ્યું.
“હા! એ તો મારી ફરજ હતી! જો હું એમ ના કરતો તો તારો આંખો પ્રોજેક્ટ ખરાબ થઇ જતો ને?! અને એટલે જ તો તારા જેવી સારી ફ્રેન્ડ મળી મને”
“હા! એ પણ છે”
“એ કદાચ તારો સેકન્ડ લાસ્ટ યરનો પ્રોજેક્ટ હતો આઈ થીંક”
“હા” “બોલ શું ચાલે છે આજકાલ! તું તો મોટી કંપની સાથે છે ને કાંઈ!?”, સંકેતે એની સફળતા બિરદાવતા કહ્યું.
“હા! એ તો હવે મહેનતનું પરિણામ! આફ્ટરઓલ બે વર્ષનું એમબીએ કંઈક તો કામ લાગવું જોઈએ ને?”
“સાચી વાત છે”
“તું અને દિવ્યા હવે સાથે નથી એ જોઇને મને આશ્ચર્ય થાય છે”, યામીનીએ પોતાની, સંકેતની અને દિવ્યાની અજોડ મિત્રતા અને એ બંનેની પ્રેમ કહાની યાદ કરીને કહ્યું.
“મને નથી થતું”
“કેમ?”
“આ જ અમારા સંબંધનું ડેસ્ટીનેશન હતું એ હું જાણતો હતો”
“આઈ સી! એ ક્યા છે અત્યારે ખબર છે?”, યામિનીએ પૂછ્યું.
“અમે જે છેલ્લી વખત મળ્યા એ ખરેખર છેલ્લી વાર મળ્યા હતા”, સંકેતે ભારપૂર્વક કહ્યું.
“તને સીરીયસલી ખ્યાલ નથી?”, એણે પૂછ્યું.
“ના”
“તમારા બ્રેકઅપ પછી મહિના બાદ એ મને મળી હતી”
“હમ્મ્મ્મ”
“ખાસી અપસેટ હતી અને અસ્વસ્થ પણ!!”
“હશે જ”, સંકેતે નિસાસો નાખ્યો.
“મને બધી જ વાત કરી કે જે સંજોગોમાં તમારી રીલેશનશીપ પર પૂર્ણવિરામ મુકાયું એ કેવા હતા અને એ બધું”, યામિની ગંભીર બની, “એ ખરેખર તને ખુબ જ ચાહતી હતી, પણ ખેર! નસીબને જે ગમ્યું તે ખરું”
“તું અત્યારે એ ક્યાં છે એની વાત કરતી હતી?”, સંકેતે કુતુહલવશ પૂછ્યું.
“હા! એના મમ્મી પપ્પાએ એને ઘણા છોકરાઓ બતાવ્યા પણ કદાચ એ બધામાં તને જ શોધતી હતી એટલે ઘણાને રીજેક્ટ કર્યા, અંતે એક છોકરો એને ગમ્યો છે”
“સારું છે ચાલો, તે સારા સમાચાર આપ્યા”, સંકેતે કહ્યું, “મને એની જ થોડી ચિંતા હતી, કારણ કે મને તો અમી મળી, જે મને ખુબ જ પ્રેમ કરે છે, અને હું પણ એને ચાહું છું.. બસ એનું એને લાયક કોઈ સારા છોકરા સાથે અરેંજ થઇ જાય તો સારું”
“હજી કશું નક્કી નથી થયું પણ મને લાગે છે ત્યાં સુધી થઇ જશે જલ્દીથી”, યમીનીએ કહ્યું.
“બરાબર!”
“એક મિનીટ.. એક વાત યાદ આવી”, યામિનીને અચાનક કશીક વાત યાદ આવી, “પણ અત્યારે એ મારી પાસે હશે કે નહિ હોય યાર?” કહીને એ પોતાનું પર્સ ફંફોસવા લાગી.
“શું વાત છે યામિની? કઈ વસ્તુ? કઈ વાત?”, સંકેતે પૂછ્યું.
“અરે એક મિનીટ યાર! મને ચેક કરવા દે”, કહીને યામિનીએ એની વાત ટાળી.
યામિનીએ એના પર્સની દરેક ચેઈન ખોલીને ચેક કર્યું અને અંતે છેલ્લી ચેઈનમાંથી એ જે શોધતી હતી એ વસ્તુ એને મળ્યું.
“હા! આ રહ્યું, મળી ગયું”, યામિનીએ રાહતનો દમ લીધો.
“શું છે આ?”
“આ એ શબ્દો છે જે દિવ્યાએ તારા માટે લખ્યા હતા”
“ક્યારે?”
“જે દિવસે તમે બંને અલગ થયા એ દિવસે રાત્રે અને મને આ કાગળનો એક પણ ફોલ્ડ ખોલ્યા વગર તને આપવા માટે કહ્યું હતું, પણ પછી હું એમબીએની છેલ્લી એક્ઝામ અને ઈન્ટરવ્યુની પળોજણમાં પડી ગઈ અને આપવાનું રહી ગયું, અને જો આજે આ કવિતાની ડેસ્ટીનીએ એને એના રીસીવર સાથે કેવી રીતે મળાવ્યો!”
“આ બધું આપણે સમજી જ નથી શક્યા અને ના તો સમજી શકીશું, એ બધું એની ગોઠવણ છે”, સંકેતે છત તરફ નજર નાખીને કહ્યું.
યામિનીએ એ કાગળ સંકેતને સુપ્રત કર્યું.
આ તરફ બીજી મીટીંગમાં સંકેત સાથે બેસવા માટે અમી હોટેલ જવાની તૈયારી કરતી હતી. સંકેતની બપોરની દવા લઈને એ હોટેલ આવવા રવાના થઇ.
સંકેતે એ કાગળ એટલા જતનથી ખોલ્યો જેટલા જતનથી દિવ્યા સાથેનો સંબંધ એણે નિભાવ્યો હતો. ઘણા સમયે દિવ્યાના અક્ષર જોઇને એના હાથે લખાયેલા તમામ પ્રેમપત્રોની એક ઝાંખી એના મનમાંથી પસાર થઇ ગઈ.
“કૃષ્ણના રુકમણી સાથે લગ્ન થયા પછી રાધાએ કૃષ્ણને સવાલ પૂછ્યો,
‘જીવનભર મેં તને જીવનથીય વધારે પ્રેમ કર્યો અને છેલ્લે તે લગ્ન રુકમણી સાથે કેમ કર્યા?’
કૃષ્ણએ સુંદર વાક્યથી જવાબ આપ્યો,
‘લગ્ન બે અલગ વ્યક્તિત્વોના થઇ શકે, જયારે હું અને તું તો એક જ છીએ’
બસ, હું પણ એ જ માનું છું”
સંકેત ગળગળો થઇ ગયો. શરીરમાં એક ઝણઝણાટી પ્રસરી ગઈ અને એના રુંવાડા ખડા થઇ ગયા. દિવ્યાના નિસ્વાર્થ પ્રેમ પર એ ગર્વ કરી રહ્યો હતો.
“હું પણ એને એટલું જ ચાહતો હતો, પણ નસીબ આગળ હું લાચાર હતો અને કદાચ એ પણ”
“ડોન્ટ વરી ડીયર! બધું સારા માટે જ થતું હોય છે. જીવન છે, એને જીરવવું તો રહ્યું જ”, યામિનીએ કહ્યું, “પણ તારા લગ્નની વાતથી એ ખુશ હતી”
“તને કહ્યું હતું એણે?”
“હા! તારાથી તો એને ઇન્વીટેશન ન જ અપાય એટલે મેં એને આ સમાચાર આપ્યા હતા, એ ખરેખર ખુશ હતી”
“બરાબર”
“એ અત્યારે ક્યાં છે? તને તો ખબર જ હશે”, સંકેતે પૂછ્યું.
“ઓફકોર્સ! એ અત્યારે અમદાવાદની એક આઈટી કંપનીમાં સોફ્ટવેર એન્જીનીયર છે”
“એ એનું એક સપનું હતું! પૂરું થયું”, સંકેતે હાશકારો અનુભવ્યો.
“સાચી વાત!”
“સંકેત!” એ લોકો જ્યાં બેઠા હતા એની જમણી તરફથી એક અવાજ આવ્યો. બંનેએ એ તરફ જોયું.
“અરે અમી! આવ અહી”, સંકેતે અમીને એમની પાસે બોલાવી. પેલો કાગળ એણે હળવેકથી ખિસામાં મૂકી દીધો.
ટેબલ તરફ આવતા સુધી અને આવીને સંકેતની બાજુની ખુરશી પર બેસતા સુધી અમીની નજર યામિની પર જ મંડાયેલી હતી. ‘કોણ હશે આ છોકરી?’ ‘સંકેત સાથે આ રીતે અહી હોટેલમાં કેમ બેઠી હશે?’ જેવા વિચારોનું એક મોજું એના મનમાં ફરી વળ્યું.
“અમી! આ યામિની છે. મારી કોલેજની સીનીયર અને મારી બેસ્ટ ફ્રેન્ડ”, સંકેતે કહ્યું, “અને યામિની! આ મારી વાઈફ અમી”
“હેલ્લો”, અમીએ કહ્યું.
“હાઈ”, યામિનીએ કહ્યું, “યુ આર રીયલી બ્યુટીફૂલ, સંકેતને કેમ કેમ મળી ગયા તમે?”, યામિનીએ હળવી મજાક કરી.
“હાહા! થેન્ક્સ”
“બાય ધ વે! શું કરો છો ભાભી તમે?”
“પ્લીઝ! ભાભી જેવા ભારે શબ્દો ના વાપરશો! ખાલી અમી કહેશો તો પણ વાંધો નહિ”, અમીએ કહ્યું, “અને અત્યારે તો સંકેતની સેવા જ કરું છું”
“ઓહ આઈ સી! બાય ધ વે હું સંકેત જે કંપનીની એજન્સી લેવા માંગે છે એમાં જ કામ કરુ છું”
“ઓહ! વોટ અ કો-ઇન્સીડેન્સ!”
“મને અને સંકેત બંનેને પણ આવું જ આશ્ચર્ય થયું”
“થાય જ! સ્વાભાવિક છે”
“તો શું સંકેત પછી યામિનીની જ કંપનીની એજન્સી લઇ લેવાય ને?”, અમીએ પૂછ્યું.
“હા! વિચાર તો એવો જ છે”
“અને એક્ચ્યુલી કહું તો તને આમાં ઘણો ફાયદો થશે! અને કોઈ સપોર્ટ માટે તો હું બેઠી જ છું”, યામીનીએ કહ્યું.
“તો પછી બીજી મીટીંગ કેન્સલ કરી દેવી છે ને?”
“બીજી મીટીંગ? કોની સાથે?”, યામીનીએ પૂછ્યું.
સંકેતે યામિનીને માંડીને બધી વાત કહી.
“અચ્છા! એવું છે?”
“હા”
“પણ એ કંપનીના તો મોટા ભાગના ડીલર્સ કંપની સાથે છેડો ફાડી રહ્યા છે”, યામિનીએ ઘટસ્ફોટ કર્યો.
“કેમ?”, સંકેત અને અમી એકસાથે બોલી ઉઠ્યા.
“ડીલીવરી ટાઈમ અને ટેક્સ કેલ્ક્યુલેશનના ઘણા ડખા છે એ કંપનીમાં! તું ભલે મારી કંપનીની એજન્સી ના લે એનો વાંધો નહિ! પણ એ કંપની તો તારા માટે સુટેબલ નથી જ”, યામિનીએ ચોખવટ કરી.
“સારું થયું તું મળી યામિની! નહિ તો કદાચ ખોટું ડીસીઝન લેવાઈ જાત, થેન્ક્સ હ”, સંકેતે કહ્યું.
“શું યાર તું પણ! આ તો મારી ફરજ છે”,યામિનીએ કહ્યું, “તેમ છતાં તારે મીટીંગ કરવી હોય તો તું કરી શકે છે, એઝ યુ વિશ”
“ના ના, હમણાં જ ના કહું છું, ખોટો ટાઈમ બગાડીને શું મતલબ?”, સંકેતે ઘડિયાળ તરફ નજર કરી, “હજી બે વાગ્યા છે, મીટીંગનો સમય ચારથી છનો છે. કેન્સલ કરાવી દઉં”, કહીને એણે ફોન કર્યો અને મીટીંગ કેન્સલ કરાવી.
“ચાલો ત્યારે હવે હું નીકળું?”, યામીનીએ કહ્યું.
“કેમ?”, અમીએ પૂછ્યું.
“મારે અમારા અહીના ટેરેટરી મેનેજરની ઓફીસમાં જવાનું છે, ત્યાંથી કદાચ એકાદ કસ્ટમરને પણ મળવા જવાનું થાય, અને પછી પાંચ વાગ્યે રીટર્ન ફ્લાઈટ છે એટલે જવું પડશે”
“ઓકે નો પ્રોબ્લેમ! પણ અમારું ઘર નજીક જ છે! આવીને ગઈ હોત તો સારું”, સંકેતે કહ્યું.
“અરે હવે તો આપણે એક જ કંપની સાથે જોડાયેલા છીએ. છીએ ને?”, યામીનીએ પૂછ્યું.
“હા હા ચોક્કસ”
“તો તો પછી મળવાનું થશે જ, ત્યારે ચોક્કસ આવીશ, હમણાં રજા લઉં”
“નીચે રીક્ષા સુધી તો હું મદદ કરી શકું ને?”, યામિનીએ મિત્રતાનો હાથ લંબાવતા કહ્યું.
“હા ચોક્કસ”, સંકેત, અમી અને યામિનીના ટેકે હોટેલના ગેટ સુધી ચાલ્યો. એની પોતાની ઘોડી હોટેલનો વેઈટર રીક્ષા સુધી મૂકી ગયો.
“ઓકે બાય”, અમી અને સંકેત બંનેએ કહ્યું.
“બાય, હેવ અ ગૂડ ડે”, યામિનીએ પ્રસ્થાન અભિવાદન કર્યું.
અમી અને સંકેત ઘરે પહોચ્યા. એમના ઘરના દરવાજાની બહાર ફરીથી એક બુકે અને એક કવર પડ્યું હતું.
અમીએ કવર ઉપાડીને ખોલ્યું. કવર પર “બચપન એનજીઓ” લખેલું હતું અને એમાં અમુક રકમનો એક ચેક હતો અને એક પત્ર....
બુકેમાં ફરી એ જ અમી માટેનું ‘ગેટ વેલ સુન’નું કાર્ડ હતું......
(ક્રમશઃ)