Operation Abhimanyu - 9 in Gujarati Fiction Stories by Vihit Bhatt books and stories PDF | ઓપરેશન અભિમન્યુ - 9

Featured Books
Categories
Share

ઓપરેશન અભિમન્યુ - 9

ઓપરેશન અભિમન્યુ:

લેખકના બે શબ્દો...

જે નવલકથા મારા મનમાં ઘણા લાંબા સમયથી જીવંતરૂપે ચાલતી રહી હતી એને લાંબી દ્વિઘાના અંતે માતૃભારતી પર મૂકી રહ્યો છું. આ એક લાંબી નવલકથા છે જેમાં તમને એક્શન, સસ્પેન્સ અને રોમાન્સ એ બધા રસનો સ્વાદ ચાખવા મળશે. આ કહાની છે ગુજરાત પોલિસના એસપી સુભાષ કોહલી અને તેમના ભવ્ય ભૂતકાળની. આ કહાની છે ઓપરેશન અભિમન્યુની.

પ્રકરણ ૯ હવાલો

રણજીતનો અવાજ સાંભળીને હું અને રાઘવ સ્તબ્ધ થઇ ગયા હતા.

“રણજીત કુમાર.?” મારાથી રહેવાયું નહિ એટલે મેં પૂછી લીધું. રાઘવ અને રણજીતની વાતચીતમાં મારું આ રીતે વચ્ચે પડવું કદાચ રાઘવને પસંદ ન આવ્યું એટલા માટે તે મારી સામે જોઈ ગુસ્સામાં આંખો કાઢવા લાગ્યો.

“યેસ્સ માય ડીયર ફ્રેન્ડ સુભાષ.” સામેથી અવાજ આવ્યો.

“આ મેટ્રોવાળી ઘટનામાં તારો શું હાથ છે.?” રાઘવે પૂછ્યું અને ફરીથી ફોનમાં એક બટન દબાવ્યું. તે કદાચ કોલને રેકોર્ડ કરવા માટે દબાવવામાં આવ્યું હતું.

“રાઘવસાહેબ એ ઘટનાની પુરેપુરી જવાબદારી હું લઉં છું. બાય દ વે આ તો ફક્ત એક ટ્રેઇલર હતું. આખી પિક્ચર તો હજુ બાકી છે.” રણજીતના આવા વિધાનથી હું અને રાઘવ બંને સમસમી ઉઠ્યા. અહી રણજીતનો મતલબ એકદમ સ્પષ્ટ હતો. તે મેટ્રો જેવી ઘણીબધી ઘટનાઓને અંજામ આપવા કદાચ તૈયાર હતો.

“નિર્દોષોની નિર્મમ હત્યાઓ કરીને તને શું મળવાનું છે. ઈચ્છા શું છે તારી.? શું જોઈએ છે તને.?” રાઘવે બીજો સવાલ પૂછ્યો.

“બરબાદી, તારાજી, અંધાધુંધી અને નાસભાગ.! રાઘવસાહેબ આપકા બુરા વક્ત શુરુ હોતા હે અબ.!” એકદમ શુષ્ક અવાજ રાખીને રણજીત બોલી રહ્યો હતો.

“શું મળશે આનાથી તને.?”

“માનસિક શાંતિ અને એક કાર્ય પૂર્ણ કર્યાની તૃપ્તિ… સાહેબ મને કઈ મળે ન મળે આ બધી ઘટનાઓના અંતે તમારું ઘણુબધું છીનવાઈ જશે એ વાત ચોક્કસપણે કહી શકું.” એકદમ ગંભીર સ્વરમાં તેણે કહ્યું. ત્યારબાદ થોડો વિરામ લઈને અટ્ટહાસ્ય કરતા બાકીનું વિધાન પૂર્ણ કર્યું. મને હજુ પણ વિશ્વાસ નહતો આવી રહ્યો કે સામે વાત કરનાર વ્યક્તિ ખરેખર રણજીત જ છે.

“રણજીત તું આ બધું શા માટે કરી રહ્યો છો.” મેં ફરી એક વખત ચર્ચામાં ઝંપલાવ્યું અને ફરી એક વખત રાઘવને મારા પર ગુસ્સે થવું પડ્યું.

“હજુ આપણી એક છેલ્લી મુલાકાત બાકી છે દોસ્ત. આપણે મળીશું, છેલ્લીવાર મળીશું અને એ દિવસ જયારે હું મારા બધા મકસદ પુરા કરી ચુક્યો હોઈશ એ દિવસ મારા માટે જીવનનો અંતિમ દિવસ હશે. એ દિવસે આપણે મળીશું અને ત્યારે હું તને બધું સમજાવીશ. ત્યાં સુધી આ રહસ્ય તારા માટે અને પૂરી દુનિયા માટે રહસ્ય બનીને જ રહેશે દોસ્ત.” રણજીતે બોલવાનું પૂરું કર્યું એટલે થોડીવાર સુધી શાંતિ જળવાઈ રહી. આગળ કશું બોલીને ફરી એકવાર હું રાઘવને ગુસ્સે કરવા નહતો માંગતો. અત્યારે પુરાવાઓ મેળવવાના ભાગરૂપે રાઘવ કોલને રેકોર્ડ કરી રહ્યો હતો. રણજીત પાસેથી વધારે માહિતી મેળવવા હવે કયો પ્રશ્ન પૂછવો એ બાબતે કદાચ રાઘવ વિચારી રહ્યો હતો. એટલા માટે કોલ ચાલુ હોવા છતાં શાંતિની પળો થોડી વધારે લંબાતી જણાઈ.

“અંતે મારી તને અને ફક્ત તને એક જ વિનંતી છે, સુભાષ હું જે કરું છું એમાં પલ્લવીનો કોઈ હાથ નથી. મારા કોઈપણ કદમથી એ જરાય વાકેફ નથી. એ બિચારી ભોળી છે, નિર્દોષ છે અને છતાં મારા આવા પગલાઓના છાંટા એના પર પણ ઉડ્યા છે. આગળ એને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય એનું ધ્યાન રાખજે અને એને એક દોસ્ત સમજીને બની શકે તો એની મદદ કરજે.” અંતે રણજીતે જ વાતને અંત આપતા કહ્યું. તેના આ વિધાન પરથી મને લાગ્યું કે તેને હજુ પણ પલ્લવી પ્રત્યે લાગણી તો છે જ. હજુ પણ તે પલ્લવીને ચાહે છે, પ્રેમ કરે છે. કદાચ મેં પણ એકસમયે ન કર્યો હોય એટલો તે પલ્લવીને પ્રેમ કરે છે.

“નિર્દોષ તો એ લોકો પણ હતા જેને તે મારી નાખ્યા. એની સજા તને મળવાની જ રહી સાલા શેતાન. એની સજા હું તને અપાવીશ.” રાઘવ ગુસ્સામાં લાલચોળ થતા બોલ્યો પરંતુ સામે સાંભળવા માટે કદાચ રણજીત ફોન પર નહતો રહ્યો. તેણે ફોન કાપી નાખ્યો હતો અને એટલા માટે જ ફોનના સ્પીકર પર બીપ...બીપ...એવા અવાજો સંભળાતા હતા.

“હેલ્લો...હેલ્લો...” રાઘવે ફોન હાથમાં લઈને ફરી એને માઈક્રોફોન પર રાખ્યો અને બે વખત હેલ્લો કહ્યું પરંતુ સામેની તરફથી કોઈપણ જાતનો પ્રતિસાદ મળવાનો બંધ થઇ ગયેલો. દિલ્લી નેશનલ હાઇવે પર બ્લેક ઓવરકોટ અને બ્લેક હેલ્મેટમાં સજ્જ એક બાઈકસવારે પોતાનું હેલ્મેટ ઉતાર્યું. કાનમાંના બ્લુટુથ બંધ કર્યા અને પછી ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢીને પાસેની ઝાડીઓમાં ફેંકી દીધો. ત્યારબાદ તેણે બાઈક હંકારી મૂકી. થોડીવારમાં એ ઝાડીઓમાં જોરદાર ધમાકો થયો.

અહી દિલ્લી પોલિસ હેડક્વાર્ટરમાં દોડધામ મચી ગઈ.

“આર યુ શ્યોર આ એ જ રણજીત હતો.?” નંબરનું લોકેશન મેળવવા માટે રાઘવે સર્વિસ પ્રોવાઇડરને ફોન જોડેલો. એક હાથમાં ડાયરી અને બીજા હાથમાં પેન પકડીને તેણે ફોનને પોતાના ડાબા કાન અને ખભાની વચ્ચે દબાવ્યો, ત્યારબાદ મારી સામે જોતા પૂછ્યું.

“યેસ સર શ્યોર આ એ જ રણજીત હતો.” મેં કહ્યું.

“હેલ્લો, હું દિલ્લી પોલીસ હેડક્વાર્ટરથી એસપી રાઘવ શર્મા બોલું છું એન્ડ ઈટ ઇસ અન ઈમરજન્સી.” સામે છેડે કોઈએ કોલ ઉપાડ્યો એટલે પાછળ ફરીને રાઘવે કહ્યું. ત્યારબાદ થોડો વિરામ લીધો.

“મેડમ હું તમને એક નંબર આપું છું. વિલ યુ પ્લિઝ પ્રોવાઇડ મી લોકેશન ઓફ ધ નંબર.?” રાઘવે કહ્યું અને ફરી એક વખત વિરામ લીધો. ડાયરી ખુલ્લી રાખી અને પેન ચાલુ રાખી થોડીવાર સુધી રાઘવ એમ જ મારી સામે ટગર-ટગર જોઈ રહ્યો.

“યેસ, ઈટ ઇસ ટ્રીપલ નાઈન...ટ્રીપલ ઝીરો...XX...XX” થોડા થોડા વિરામ લઈને રાઘવે સર્વિસ પ્રોવાઇડરને નંબર આપ્યા. “એક વખત લોકેશન મળી જાય એટલે નાકાબંદીનો ઓર્ડર આપી દેવો છે. પછી જો એ શેતાનને કેવો ઘસડીને હેડક્વાર્ટર લઇ આવું અને રિમાન્ડ હોમમાં થર્ડ ડિગ્રી ટ્રીટ કરું.” મારી સામે જોતા રાઘવે મને કહ્યું.

“સર મેટ્રોની ઘટનાને અંજામ આપનાર માસ્ટર માઈન્ડ આટલો બેવકૂફ તો ન હોઈ શકે.” એકદમ શાંત સ્વર રાખીને મેં રાઘવને કહ્યું.

“યેસ....ડીસટ્રોયડ...? વ્હોટ.? ડેમ ઈટ...” સામેથી જેવો રિસ્પોન્સ મળ્યો એટલે તરત રાઘવ ખુરશી પરથી ઉભો થયો અને ગુસ્સામાં પોતાનો ફોન ફર્શ પર જોરથી પછાડ્યો. બેટરી અને બેક કવર સહીત ફોનના અમુક ભાગો ફર્શ પર વેરવિખેર થઇ ગયા. તેને આટલો બધો ગુસ્સે થતા મેં કદી નહતો જોયો.

“આપણે એનાથી પાછળ ન રહી શકીએ સુભાષ. એના વિષે માહિતી એકઠી કર એને પકડવાનો છે અને સજા અપાવવાની છે.” પોતાના બંને હાથોને હું બેઠેલો એ ખુરશીના બંને હાથ પર ટેકવતા રાઘવે મને કહ્યું.

“એ મેટ્રો જેવી બીજી ઘટનાઓને પણ અંજામ આપવાનો કારસો ઘડી ચુક્યો છે સર.” મેં કહ્યું.

“આપણે એ હરગીઝ નહિ થવા દઈએ સુભાષ. શર્મા અને મરાઠાની મદદથી પોલીસની અંદરનું રાજકારણ બંધ થાય એટલે આપણા ચારની ટીમ એને જલ્દીથી પકડી પાડવામાં ચોક્કસ સફળ રહેશે અને એને સજા અપાવી શકીશું. બસ એને પકડવામાં આપણે ચારેએ સખત પ્રયાસો કરવા પડી શકે છે.” ટટ્ટાર થતાં રાઘવ બોલ્યો.

“પલ્લવીની મદદ પણ આ કેસમાં નિર્ણાયક બની શકે છે સર.” આંખોમાં ચમક લાવતા મેં કહ્યું.

“રણજીતે કહ્યું એમ પલ્લવી ખરેખર ભોળી છે, નિર્દોષ છે. એનું આ કેસમાં વધારે ઇનવોલ્વમેન્ટ એના ખુદને માટે નુકશાનકર્તા બની શકે છે. આમ પણ આખરે એ એક નાના બાળકની માં છે. એને આ કેસમાં વધારે ઇન્વોલ્વ કરવી જોઈએ નહિ.” રાઘવે કહ્યું.

@ @ @

“ફોરેન્સિકનો રિપોર્ટ જોયો.?” બપોરના સમયે મને રાઘવની ચેમ્બરમાં બોલાવવામાં આવેલો હતો. ચેમ્બરમાં દાખલ થયા પછી અંદર જોયું. રાઘવની ખુરશી પર દામોદર પાટેકર ઉર્ફ ‘મરાઠા’ સાહેબ બેઠેલા હતા. કાળો અને ગોળાકાર ચેહરો, હબસી જેવા વાંકળિયા વાળ, સફેદ શર્ટ અને લાલ ટાઇમાં રેલવેના ટીકીટ ચેકર જેવા લાગતા હતા. જેટલો બિહામણો ચેહરો હતો એટલો જ આકરો તેમનો સ્વભાવ પણ હતો. મરાઠાની બાજુમાં આદિત્યનારાયણ શર્મા સાહેબ બેઠેલા હતા. તેઓ કરચલીઓ વાળો લંબગોળ અને સફેદ ચેહરો તથા ટૂંકી બાંયનો નીલા કલરનો શર્ટ પહેરીને બેઠેલા હતા. ફાઈલમાં નીચી નજર રાખીને મરાઠાએ રાઘવને પૂછ્યું. રાઘવ કરતાર અને અસલમની વચ્ચે અદબ વાળીને ઉભો હતો. કરતાર અને અસલમ પણ અદબ વાળીને ઉભા હતા.

“જી સર એના પરથી જ અમને વિગતો પ્રાપ્ત થયેલી છે કે હમલાવરો આત્મઘાતી બોમ્બર્સ હતા.” અદબવાળીને રાઘવ એક ડગલું ટેબલ નજીક ભરતા બોલ્યો.

“હું એ જુના રિપોર્ટની નહિ પરંતુ નવા રિપોર્ટની વાત કરું છું.” ફાઈલમાંથી માથું ઊંચું કરી પોતાની નંબરની ચશ્માને નીચી સરકાવતા મરાઠાસાહેબે રાઘવને પૂછ્યું. આ સાંભળીને રાઘવ અવાક થઇ ગયો અને તેના કપાળે પરસેવો છૂટ્યો. તે મરાઠાસાહેબને ભલીભાંતિ ઓળખતો હોવાના લીધે ખોટા તુક્કાઓ લગાવવાનું માંડી વાળી ચુપચાપ ત્યાં જ ઉભો રહ્યો. થોડીવાર શાંતિ જળવાઈ રહી. કોઈ કશું બોલ્યું નહિ. “શું વાત છે.? અહી તો કોઈને કશીય ખબર જ નથી.” મરાઠા સાહેબે કહ્યું.

“કમાલ છે, કેસ બાબતે તમારા કોઈમાં જાગરૂકતા છે જ નહિ અને તમે લોકો ઈચ્છો છો કે આ કેસમાં બીજું કોઈ દખલ ન કરે.?” આદિત્યનારાયણ શર્માસાહેબે કહ્યું.

“અને આ રાઘવ શર્મા ઈચ્છે છે કે ચાલે છે એમ ચાલવા દો. અન્ના બેઠો છે ને ઉપર. એ સંભાળી લેશે. અરરે અહિયાં અન્નાની ઉપર પણ ઉપરવાળો બેઠો છે, અગરબત્તીઓ કરવી પડે એને કે ભૈયા શાંત થઇ જાઓ, શાંત થઇ જાઓ. એસપી રાઘવ શર્મા અમને પણ કેસ બાબતે હોમ મિનિસ્ટર સાહેબને વિગતો પહોચાડવી પડે છે.” મરાઠાએ કહ્યું.

“જો શર્મા સુબ્રમણ્યમ અમારા સ્તરનો ઓફિસર છે, અમે એના પર કોઈપણ પ્રકારનું દબાણ ન લાવી શકીએ ફક્ત તારી મદદ કરી શકીએ પરંતુ એના માટે તારે આ કેસની જીણી જીણી વિગતોથી માહિતગાર હોવું આવશ્યક છે.” આદિત્યનારાયણ શર્માસાહેબે કહ્યું.

“સર એ રિપોર્ટ એક્ચ્યુલી બે દિવસ પહેલા મેં રિસીવ કરેલો હતો. અને બે દિવસથી હું છુટ્ટી પર હતો માટે રાઘવસરને જાણ નહતો કરી શક્યો.” અંતે સાહેબોનો ગુસ્સો શમ્યા પછી અસલમે કહ્યું અને આ સાંભળીને રાઘવ એકદમ લાલપીળો થઇ ગયો. ગુસ્સામાં તેણે આંખો કાઢીને અસલમ સામે જોયું.

“આવ સુભાષ.” મરાઠા સાહેબની નજર મારા પર પડી એટલે મને આવકારતા તેમણે કહ્યું. રાઘવ અને અસલમે મને બંનેની વચ્ચે ઉભા રહેવા માટે જગ્યા કરી આપી. “આ રિપોર્ટમાં સાફ સાફ લખેલું છે કે ગાડીમાંથી જે ડેડ બોડી મળેલા એમાનો ફક્ત એક જ માનવબોમ્બ વિસ્ફોટ થયેલો હતો. આતંકવાદીઓની ટેક્નિકલ ખામીના લીધે બીજા બે માનવબોમ્બ વિસ્ફોટ થયા નહિ જેમનો તમને બે રીતે ફાયદો થયો.” મરાઠાસાહેબે આગળ ચલાવ્યું અને પછી પાણી પીવા માટે થોડીવાર વિરામ લીધો.

“એક તો વિસ્ફોટ ન થયેલા માનવબોમ્બની ડેડબોડીસનું પોસ્ટમોર્ટમ શક્ય બની શક્યું, જેના પરથી તમને જાણવા મળ્યું કે આ સુનિયોજિત કાવતરું હતું જેમાં ટાઇમબેસ્ડ આત્મઘાતી માનવબોમ્બનો પ્રયોગ થયેલો.” મરાઠાસાહેબે કહ્યું અને ફરીથી પાણી પીવા માટે એક વિરામ લીધો. ”અને બીજું અગર એ ત્રણે માનવબોમ્બ વિસ્ફોટ થયા હોત તો આજુબાજુ જેટલી પણ પોલિસની ગાડીઓ ઉભેલી એ બધા મરણની શરણે પહોંચી ગયા હોત. સુભાષ, તારા મિત્રો રાઘવ અને કરતાર અત્યારે જીવતા ન હોત. એમના ફોટો ઉપર તારા હાથે માળા ચડી ગઈ હોત. શહીદ થનારા કોન્સ્ટેબલ્સની સંખ્યા ઘણી વધારે હોત.” મરાઠાએ કીધું અને તે ખુરશી પરથી ઉભા થયા.

“એ બીજા ત્રણ લોકો ક્યાય બીજે વિસ્ફોટ કરવા નહતા માંગતા. ફક્ત વધારે સંખ્યામાં પોલીસવાન ભેગી કરીને તમને બધાને મારવા માંગતા હતા. ભગવાનનો પાડ માનો કે તમે બધા બચી ગયા. હવે તમે પતો લગાવો કે એ લોકો તમને શા માટે નિશાનો બનાવવા માંગતા હતા.?” આટલું કહીને આદિત્યનારાયણ શર્મા સાહેબ પણ ઉભા થયા.

“તમે લોકો વિગતો એકઠી કરો કે એ આતંકવાદીઓની દિલ્લી પોલીસથી શું દુશ્મની છે એટલે એક ગાંઠ દુર થઇ જશે. ચાલો શર્મા સાહેબ.” મરાઠાસાહેબ અને શર્માસાહેબ બંને ટેબલની બહાર આવ્યા અને રાઘવની ચેમ્બરમાંથી બહાર જવા લાગ્યા.

“સર એક વ્યક્તિનો અમને ફોન આવેલો. એ પોતાને આ ઘટનાના સુત્રધાર તરીકે ઓળખાવે છે અને... એ સુભાષનો જુનો મિત્ર પણ છે.” રાઘવે કહ્યું એટલે મરાઠાસાહેબ અને શર્માસાહેબ બંને થોભી ગયા અને પાછળ વળીને અમારી સામે જોયું. “સર એના કોલનું મેં રેકોર્ડીંગ પણ કરેલું છે. તમને સંભળાવું.” આટલું કહીને રાઘવે ખિસ્સા ફંફોસ્યા.

“તારો ફોન રીપેર થઇ જાય એમ હોય તો સાંજે કોન્ફરન્સમાં સુબ્રમણ્યમ અને અશ્વિનીની હાજરીમાં તારો રેકોર્ડ કરેલો કોલ સંભળાવી દેજે.” થોડીવાર સુધી રાઘવે ખિસ્સા ફંફોસ્યા અને ફોન ન મળ્યો એટલે મરાઠાસાહેબે કહ્યું અને બંને સાહેબોએ ત્યાંથી વિદાય લીધી.

@ @ @

“રાઘવસાહેબ એ ઘટનાની પુરેપુરી જવાબદારી હું લઉં છું. બાય દ વે આ તો ફક્ત એક ટ્રેઇલર હતું. આખી પિક્ચર તો હજુ બાકી છે.... હું જે કરું છું એમાં પલ્લવીનો કોઈ હાથ નથી. મારા કોઈપણ કદમથી એ જરાય વાકેફ નથી. એ બિચારી ભોળી છે, નિર્દોષ છે.” એક બટન દબાવીને રાઘવે બાકીનો વાર્તાલાપ અટકાવ્યો. અમે લોકો દિલ્લી પોલિસ હેડકવાર્ટરના કોન્ફરન્સ રૂમમાં બેઠેલા હતા. કોન્ફરન્સ રૂમમાં U આકારના ટેબલ પાસે ખુરશીઓ પર મરાઠાસાહેબ, શર્માસાહેબ, સુબ્રમણ્યમ, એસપી અશ્વિની, રાઘવ, કરતાર, અસલમ અને હું સૌ હાજર હતા.

“એક વ્યક્તિનો આજે મને કોલ આવેલો. એ વ્યક્તિ પોતાને આ ઘટનાના સુત્રધાર તરીકે ઓળખાવે છે. તે...” રેકોર્ડીંગ સંભળાવ્યા બાદ પોતાની ખુરશી પરથી ઉભો થઈને રાઘવ તેના વિષે માહિતી આપવા લાગ્યો પરંતુ અશ્વિનીએ તેને પાછળથી અટકાવ્યો.

“આ ફ્રોડ કોલ પણ હોઈ શકે છે. એસપી રાઘવ શર્મા મેટ્રો બોમ્બ બ્લાસ્ટ કેસ અત્યારે ઇન્ડીયામાં બહુચર્ચિત કેસ બની ગયો છે. કોઈપણ વ્યક્તિ સસ્તી પબ્લિસિટી મેળવવા માટે આવો ફોન કરી શકે છે.” અશ્વિનીએ રાઘવને અધવચ્ચેથી જ અટકાવતા કહ્યું.

“મેડમ આરોપી મારો એક સમયનો ખાસ મિત્ર રહી ચુક્યો છે. મેટ્રો બોમ્બ બ્લાસ્ટની ઘટનામાં જે બ્લેક સફારી કારનો ઉપયોગ થયેલો એ કારના ડોક્યુમેન્ટ્સ પલ્લવી કેલકરના નામે RTOમાં જમા કરાવવામાં આવેલા છે.” પુરાવો આપવાના પ્રયાસના ભાગરૂપે મેં જવાબ આપવાનો પ્રયાસ શરૂ કર્યો.

“એ જ પલ્લવી કેલકર એસપી અશ્વિની જે નિર્દોષ હોવા છતાં જેમને તમે નાહકના રંઝાડેલા.” મારી વાતને અધવચ્ચે અટકાવતા રાઘવે કહ્યું.

“આરોપી તરીકે જે એકમાત્ર વ્યક્તિનું નામ તમે જેટલી સહજતાથી લઇ શકો એને હું આટલી સહજતાથી ન લઇ શકું એસપી શર્મા.” અશ્વિનીએ કહ્યું. બંને વચ્ચેની દલીલ ગરમી ધારણ કરવા લાગેલી.

“હોલ્ડ ઓન બોથ. હવે બંનેમાંથી કોઈ કશું બોલ્યું છે તો હું તમને બંનેને સસ્પેન્ડ કરી નાખીશ.” આટલા વખતથી શાંત બેઠેલા મરાઠાસાહેબ માહોલને શાંત કરવા માટે વચ્ચે પડ્યા. થોડીવાર સુધી હોલમાં પિનડ્રોપ સાયલેન્સ થઇ ગયો.

“હા તો સુભાષ તું શું કહી રહ્યો હતો.?” શર્માસાહેબે મને પૂછ્યું.

“સર, જે બ્લેક સફારી કારનો બોમ્બ બ્લાસ્ટની ઘટનામાં ઉપયોગ થયેલો છે એ કાર માટેના ડોક્યુમેન્ટ્સ પલ્લવી કેલકરના નામના છે જેને જમા કરાવવા રણજીત કુમાર, હસબંડ ઓફ પલ્લવી કેલકર RTO આવેલો. આ એની RTOમાંથી પ્રાપ્ત કરવામાં આવેલી વિડીઓ ફૂટેજ છે જેમાં રણજીત સાફ સાફ દેખાઈ આવે છે. તેને ઓળખનાર સાક્ષી તરીકે હું અથવા પલ્લવી બયાન આપવા તૈયાર છીએ અને આજે જે વ્યક્તિનો રાઘવસરને કોલ આવેલો એનો અવાજ પણ હું ઓળખું છું. એ વ્યક્તિ એ જ રણજીત હતો જે RTOની સ્ક્રીન પર સાફ સાફ દેખાઈ આવે છે.” RTOની વિડીયો ફૂટેજની સીડી શર્માસાહેબને પાસ કરતા મેં કહ્યું.

“એસપી અશ્વિની તમને આ બાબતે હવે કોઈ શંકા છે.?” શર્માસાહેબે અશ્વિનીને પૂછ્યું.

“જી નહિ.” થોડીવાર સુધી શાંત રહ્યા બાદ એસપી અશ્વિનીએ એકદમ તિરસ્કારપૂર્વક જવાબ આપ્યો.

“તમે એક નિર્દોષ પર કોઈપણ પ્રકારના પુરાવા વગર અમાનુષી અત્યાચાર ગુજારેલા જે સાબિત કરે છે કે તમે કેસ બાબતે વધારે જાણતા નથી. શું તમે આ વાત થી સહમત છો.?” શર્માસાહેબે ફરીથી અશ્વિનીને પૂછ્યું.

“સર અગર એ લેડી એક આરોપીની પત્ની હોય તો સલામતીના ભાગરૂપે એનો કદી વિશ્વાસ કરવો જોઈએ નહિ. એને પણ આરોપીની માફક જ ટ્રીટ કરવામાં આવે તો જ ઘટનાના મૂળ સુધી પહોંચવું શક્ય બની શકે એમ છે.” ફરીથી અશ્વિનીએ પાંગળી દલીલ કરતા કહ્યું.

“મેડમ પલ્લવી કેલકર આરોપીની પત્ની છે પરંતુ તેણે બે વર્ષથી પોતાના પતિને જોયા નથી. તેનો તેના પતિ સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક રહ્યો નથી. પલ્લવી કેલકર એક સાધારણ મહિલા છે જે પોતાના બે વર્ષના બાળક સાથે એક નાના ઘરમાં રહે છે. આ બાબતે મેં ખુદ શોધખોળ કરેલી છે. મારા મતે પલ્લવી સંપૂર્ણપણે નિર્દોષ છે.” મેં કહ્યું.

“અને આમ પણ હવે પલ્લવીનું કોઈપણ જાતનું ઇનવોલ્વમેન્ટ આ કેસમાં ન રહ્યું હોવાના લીધે સલામતી બાબતે પણ કોઈ ચિંતા રહેતી નથી.” રાઘવે પોતાનો મત રજુ કર્યો. એસપી અશ્વિની ત્યારબાદ ત્યાંથી ઉભી થઈને કોન્ફરન્સ રૂમમાંથી બહાર નીકળી ગઈ.

“સુબ્રમણ્યમ, આ એક અત્યંત હાઈપ્રોફાઈલ કેસ બની ગયો છે જે રાઘવના નેતૃત્વ હેઠળ હેન્ડલ કરવામા આવે એ અત્યંત આવશ્યક છે. સુભાષ કદાચ આરોપીને પકડી લાવવામાં મદદરૂપ થઇ શકશે. અહી અશ્વિનીને કોઈપણ રીતે શામેલ કરવી યોગ્ય નહિ ગણાય. માટે અમારી સલાહ છે કે રાઘવ અને તેની ટીમ આગળની તપાસ ચાલુ કરે. આપણા સ્ટાફના અન્ય લોકો તેમની તપાસમાં અવરોધ ઉભો કરવાના બદલે મદદગાર બની રહે એ વધારે ઇચ્છનીય છે.” આટલા વખતથી શાંત બનીને ફાઈલમાં કશું લખાણ કરતા મરાઠાસાહેબ બોલ્યા. જવાબમાં સુબ્રમણ્યમએ ફક્ત હકારમાં માથું ધુણાવ્યું.

“તો એસપી રાઘવ શર્મા આજથી કાયદેસર રીતે આ કેસનો હવાલો તમને સોંપવામાં આવે છે. તમારી તીવ્ર સોચ અને સુજબુજની મદદથી આપણે જલ્દીથી આતંકીઓને પકડી પાડવામાં તથા દિલ્લીની આમ જનતાને સુરક્ષિત રાખવામાં સફળ બની શકીશું એવી આશા ડીપાર્ટમેન્ટ તમારા અને તમારા ટીમના સભ્યો પાસેથી રાખે છે.” આદિત્યનારાયણ શર્માસાહેબે કહ્યું. અમે ચારે પોતપોતાની ખુરશી પરથી ઉભા થયા અને સાહેબોને સલામ ભરીને ત્યાંથી વિદાય લીધી.

@ @ @

“આખરે યોગ્ય વ્યક્તિને જ કેસની જવાબદારી સોંપવામાં આવી એ જાણીને મને આનંદ થયો સર” ડાયરીમાં અમુક શબ્દો ટપકાવતા નિહારીકાએ કહ્યું.

“આ જવાબદારી અમને આગળ જતા કેટલી મોંઘી પડી એ તો તમને સમય આવ્યે જ ખબર પડશે નિહારિકા. અત્યારે ફરી એકવાર રાત ખુબ વીતી ગઈ છે. તમને ઘરે છોડી આવું.” એસપી સાહેબ ખુરશી પરથી ઉભા થયા.

“શ્યોર સર, આજે હું ના નહિ કહું.” એક નાનકડું સ્મિત આપતા નિહારિકા પણ ખુરશી પરથી ઉભી થઇ અને પોતાનું હેન્ડબેગ ખભા પર લટકાવ્યું.

“હાંક...છુ....સર કાલથી આગળની વાત આપણે હોલમાં બેસીને કરીએ એ યોગ્ય રહેશે. દિવસે ને દિવસે ઠંડી ખુબ વધતી જાય છે.” એક જોરદાર છીંક ખાતા નિહારીકાએ કહ્યું.

“અને એની અસર પણ દેખાઈ રહી છે. હા...હા...કઈ વાંધો નહિ” એસપી સાહેબે હસતાં હસતાં કહ્યું અને બંને ત્યાંથી ગેટની બહાર નીકળી ગયા.