Jivanani jivant vaat in Gujarati Short Stories by Divya Soni books and stories PDF | જીવનની જીવંત વાત

Featured Books
Categories
Share

જીવનની જીવંત વાત

જીવનની જીવંત વાત

મારા મોટા ભાઈ ના લગ્ન નો પ્રસંગ હતો. ઍમે સૌ દેશ વિદેશથી ઇંડિયા પહોચી ચૂક્યા હતા. લગ્નના આ પ્રસંગ ની શરુઆત મોસળા ના ગીતો દ્વારા મામાના ઘરેથી થવાની હતી. એના મુખ્ય બે કારણ હતા. મારો મોટો ભાઇ મામા ના ઘરે રહી ભણ્યો અને મોસળ પક્ષે પણ એ સૌથી પહેલું સંતાન હોય ખુબ વહાલો હતો. અને બીજું અગત્યનુ કારણ હતા અમારા નાનીમા અમે એમને મોટી મમ્મી ના નામે બોલવીએ.અમારા મોટી મમ્મી, એ હુલામણુ નામ પણ એમને અમારા મોટા ભાઈ એ જ આપેલુ. મોટી મમ્મી એટલે જીવતી જાગતી ઉજવણી. નાની નાની વાતો મા અમારી આ નાનીમા ની મોટી મોટી આંખો ઉત્સાહથી છલકાતી. નાના મોટા સૌની ઝીણી ઝીણી વાતો નુ એવુ તો એ ધ્યાન રાખે કે એની આજુબાજુ ના સૌને પોતાની જાત એની એ આંખો મા ખુબ ખાસ લાગે.

મારા ઘરે લગ્નની તૈયારીઓ હજી બાકી હતી, પણ મોટી મમ્મી નો ઊત્સાહ અને તૈયારી એટલી હતી કે આ ગીત પહેલા મોસાળા ની વદાગરી ની નાનામા નાની વસ્તુ પણ બેગો માં પેક થયી ગયેલી. અને મોટી મમ્મી નો ઉત્સાહ એટ્લો કે એણે સર્વે મહેમાનો ને એટલા ભાવથી આમંત્રિત કર્યા હતા કે એક્પણ મેહેમાન આ પ્રસંગ માં ગેરહાજર રહે એ શક્યજ નહોતું. ત્યા સુધી કે અમારા એક ફોઇ તો સીધા એરપોર્ટ પરથી જ આ મોસળા ના ગીતો માણવા આવી પહોચ્યા હતા. એમની ભાડે કરેલી કાર સાથે મોટી મમ્મી એ મોસળા ની બધી જ વસ્તુ ઓ અમારા ઘર તરફ રવાના કરી આપી. અમે સૌ હસ્યા પણ ખરા કે મોટી મમ્મી ને બહુ ઉતાવડ લાગે છે. અને એ બોલી હા છે જ ઊતાવળ.

એ દિવસે સાંજે આ ગીતો હતા સવારે મોટી મમ્મી એ ઘરના સર્વે ને પોતાના હાથે બાસુંદિ ખવડાવી. સાંજે અલ્પાહાર ના એના પ્રખ્યાત ઢોકળા અને ચટણી રેડી રાખ્યા હતા. અમને પણ સવારથી જ ત્યા પહોચવાનુ ફરમાન હતું પણ મને ત્યા પહોચતા સાંજ ના ચાર થઇ ગયા, જેનો અફસોસ મને જીવનભર રહેશે. મને જોઇને વળગી પડેલી એ મોટી મમ્મીની આંખો જોઇ મને મારા પોતાના પર અભિમાન આવી ગયું કોઇને હુ આટલુ બધુ ગમુ ? મારા મા કઈક તો ખાસ છે જ , હા એ વાત જુદી કે મોટી મમ્મી ના હૈયે અમે બધાજ એટલા ખાસ . થોડી જ વાર મા લગ્ન ગીતો શરુ થયા.

મોટી મમ્મી મારી સામે જ બેઠી , ગુલાબી રંગ ની સાડીમાં એ શોભી રહી હતી જે એણે મારી મમ્મી પાસે મંગાવી હતી જે એના સ્વભાવથી વિપરીત હતુ. એના ચેહરા પર અનોખું ગુમાન તરી રહ્યુ હતુ. એનો લાડકવાયો થોડાજ દિવસો માં ઘોડી ચઢવાનો હતો. એણે માંડેલો પ્રસંગ એના ધારેલા સમયે એણે બોલાવેલા સર્વે નિમંત્રિતો સહીત, એણે જોયેલા સપના જેવો જ ઊજવાઇ રહ્યો હતો. આ બધું જોયી ને મારું મન ધન્યતા અનુભવી રહ્યું હતું , હુ મમ્મી સામે જોઈ હસી ત્યાજ એ ખિજ્વાઇ ને બોલી જય ને કહે કે ઓમ ને લઈ ઊપર આવે . એ મારા પતિ જે મારા દિકરાને લઈ નીચે બધા સાથે વાતો કરી રહ્યા હતા એમને બોલાવવા કહી રહી હતી. ત્યાજ મારા પતિ દાદર ચઢ્યા એમને વધાવવા એ દોડી જય ને વળગી અને વાતો એ મંડી. જય સાથેની વાતો આટોપી મોટી મમ્મી ફરી ગીતો ની રમઝટ મા આવી પહોંચી એણે પણ એક સુંદર ગીત ગવડાવ્યુ. શું એનો અવાજ શું એનો આનંદ બધુ શબ્દોમાં સમજાવવુ અશક્ય જેવુ લાગી રહ્યું છે મને . એ અનુભુતિ જ દિવ્ય હતી .

થોડીવાર માં મારો દિકરો દોડ્તો મારા ખોળા મા આવી ચડ્યો ને પરદાદી ને હૈયે આનંદની જાણે હેલી ઉમટી. દરરોજ ની જેમજ એમણે મારા દિકરાને પ્રેમથી બોલાવ્યો “ આવો આવો ઑમ આવો આવો ! “ ને બસ તેજ ક્ષણે તેઓ ઢળી પડ્યા આનંદથી પરમાનંદ ની ગોદમાં !

તારી ખુશી સામે જાન ધરી દઈશ બધાએ સાંભળ્યું હશે. અમે તે અનુભવ્યુ. હજી ઘણા મહેમાનો લગ્ન ગીત માં સામેલ થવા હળવિ મજાક કરતા દાદરો ચઢી રહ્યા હતા. અમારા બધા માટે આ વાત પચાવવી ખુબ મુશ્કેલ હતી અને હજીય છે. અમે સૌ આખી રાત એજ સાજ શણગાર સાથે એ જીવંત આત્માના પર્થિવ શરીર પાસે દૃઢમુઢ બેસી રહ્યા , બસ એજ વિચારતા કે શું તે પોતાના જ મરણ નો સમય સ્થાન અને આમંત્રિતો નક્કિ કરતી હતી? શું એ એટલે જ આટલી ગુમાન માં ફરતી હતી. શું એ મૃત્યુ ને જીવંત કરવાને આટ્લુ હસતી હતી ? ત્યા એકત્રિત કરી અમને જેણે જીવતા શીખવ્યું એ જ આજે મ્રુત્યુન્જય પાઠ શિખવતી હતી ? તે રાત્રી નુ તથા બીજા દિવસેય અમને સૌને ચાલી રહે એટલું ભોજન પણ એ તૈયાર કરી ગઇ હતી , કે કોઇ ભુખ્યુ ના રહે અને અમે બધા એ જમ્યા પણ , એના હાથે બનાવેલ ભોજન માય એના વહાલ ની અમિ ભારોભાર ભર્યું હતું એતો બગાડવુ ના જ પોસાય.

આ છે મારા જીવન નિ જીવંત વાત જે મને મારા જીવનનેજ નહીં મરણ નેય જીવંત રાખવાની પ્રેરણા આપે છે.

તથાસ્તુ!

દિવ્યા સોની

“ દિવ્યતા “