Tunki Vartao - Part - 2 in Gujarati Short Stories by Sneha Patel books and stories PDF | ટુંકી વાર્તાઓ - 2

Featured Books
Categories
Share

ટુંકી વાર્તાઓ - 2

  • વ્હાલની દુનિયાઃ
  • વાવાઝોડું હોય તો

    કરીએ બંધ કમાડ ;

    આ તો ઘરમાં પાડતું

    જળનું ટીપું ધાડ !

    -રમેશ પારેખ.

    લેટેસ્ટ હેરસ્ટાઈલ અને બ્રાન્ડેડ શૂ – કપડાં ને વોચમાં સજ્જ થયેલો વીસ બાવીસ વર્ષનો યુવક ઉંધુ ઘાલીને આઠ રસ્તાના ધસમસતા ટ્રાફિકમાં આરામથી ચાલી રહેલો હતો. ‘હર ફિક્ર કો ધુંએમેં ઉડાતા ચલા ગયા’ જેવી હાલત હતી, ફર્ક એટલો કે એ સિગારેટ નહતો પીતો પણ મોબાઈલનો સ્ક્રીન પી રહ્યો હતો ! અચાનક જ એક પૂરઝડપે આવતી કાર એને જોઇને બ્રેક મારવા ગઈ અને બેલેન્સ ગુમાવતાં બાજુમાં રહેલાં ઝાડ સાથે અથડાઈ ગઈ. સદનસીબે કારચાલકને કોઇ જાનહાનિ ના થઈ પણ કારને સારું એવું નુકસાન થયેલું. અકળાઈને કારચાલક પેલા યુવક પાસે ગયો અને સીધો એનો શર્ટનો કોલર પકડીને બે અડબોથ ઠોકી દીધી. પેલો યુવાન તો હક્કો બક્કો થઈ ગયો. એને તો એની આજુબાજુની દુનિયામાં શું થઈ ગયુ એની કશી ખબર જ નહતી. અચાનક જ પરિસ્થિતીનું ભાન થતાં એ છોભીલો થઈ ગયો અને, ‘સોરી- સોરી, પણ આ જગ્યાએ એક બહુ જ રેર પોકેમોન છુપાયેલું છે એવી હીન્ટ હતી એટલે હું એને શોધવામાં એટલો ડૂબેલો કે….’

    એ યુવકની આજુબાજુમાં ભેગી થયેલ ભીડમાં અમુક લોકો સાવ હક્કા બક્કા થઈ ગયા તો નવાઈજનક રીતે અમુક લોકો પોતાનો આઈફોન કાઢીને એ રૅર પોકેમોન શોધવામાં વ્યસ્ત થઈ ગયાં. થોડી વારમાં તો આખો એરીઆનો ટ્રાફિક જામ થઈ ગયો. અમુક લોકો પોકેમોન કેચીંગમાં તો અમુક પોકેમોન્સની ફાઈટીંગમાં વ્યસ્ત. જાણે બધા કોઇ બીજી જ દુનિયામાં ના જીવતાં હોય !

    કારચાલક – અમિત માથું પકડીને ઉભો રહી ગયો. અચાનક એ કઈ દુનિયામાં આવી ચડેલો એની એને સમજ જ ના પડી. આવો કોઇ ઇન્સીડન્ટ થાય તો લોકો મોટો ઝગડો કરી મૂકે અને કારની નુક્સાનીના પૈસા અપાવવામાં મદદ કરે એના બદલે આજે તો કંઇક નવું નવાઈનું દ્ર્શ્ય જ જોવા મળ્યું. ગાડીમાં બેસીને પ્રયત્ન કર્યો તો ગાડી ચાલુ થઈ ગઈ, ભગવાનનો પાડ માનીને એ આ પાગલોની દુનિયામાંથી પોતાના ‘વ્હાલની દુનિયા – ઘર’ તરફ વળ્યો.

    ‘સોનુ બેટા, આ જો તો હું આજે તારા માટે તારા ફેવરીટ પીત્ઝા લઈને આવ્યો છું. ચાલ જલ્દી જલ્દી આવી જા નહીં તો ઠંડા થઈ જશે.’

    ‘પપ્પા, એક મીનીટ. આ પિકાચુને પકડી લઉં બસ. અહીં આટલામાં જ ક્યાંક એની ડેસ્ટીનેશન બતાવે છે.’ અને સોનુ બેડરુમના દરવાજા સાથે ઠોકાતાં ઠોકાતાં બચી ગયો. અમિતને મોટો ઝાટકો લાગ્યો. આ પિકાચુ નામ તો હમણાં પેલી પાગલોની ભીડમાં ઘણાના મોઢે સાંભળીને આવ્યો હતો. તો શું આ પોકે…જેવું નામધારી દૂષણ એના ઘરમાં ય ઘૂસી ગયું છે કે ?

    ‘મીરાં, બહાર આવ તો. ‘ અમિતના અવાજમાં રહેલો રોષ પારખીને એની પત્ની મીરાં તરત જ રસોડામાંથી હાથ લૂછતી લૂછતી બહાર આવી.

    ‘શું છે અમિત, કેમ આમ હાંફળા ફાંફળા..?’

    ‘આ સોનુ મોબાઈલ લઈને આમથી તેમ શું ગાંડા કાઢતો ફરે છે ?’

    ‘અરે, તમને નથી ખબર ? કઈ દુનિયામાં જીવો છો ? આ પોકેમોન ગો નામની ગેમે તો દુનિયાભરના લોકોને પાગલ કરી નાંખ્યા છે. તમારા મોબાઇલમાં એ ગેમ ઇન્સ્ટોલ કરીને કેમેરો અને જીપીએસ ચાલુ કરી દો એટલે હે ય ને આખી દુનિયાની સૌથી મજેદાર ગેમ તમારા હાથમાં. આપણો સોનુ ય કંઈક ૨૦ એક પોકેમોન ભેગાં કરી આવ્યો છે. વળી હમણાં તો છાપામાં એક ન્યૂઝ પણ હતાં કે યુ.કે માં કોઇ મ્યુઝીક ટીચરે લગભગ ૨,૦૦૦ પાઉન્ડની મહિનાની જોબ છોડીને ફુલ ટાઇમ આ પોકેમોનો ભેગા કરવાનું કામ ચાલુ કરી દીધું છે. ભેગા કરશે ને ઇ બે નામની વેબસાઈટ પર વેચશે ને ઢગલો કમાણી કરશે. ખરું ચાલ્યું છે નહીં આ બધું ?’

    મીરાં તો એની જ ધૂનમાં બોલ્યાં જતી હતી ને અમિત્નો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ રહ્યો હતો.

    ‘મીરાં, આ ટેકનોલોજી આજકાલના માણસોના મગજને ઉધઈની જેમ કોરી ખાય છે. દરેકને રોજેરોજ નવું નવું જોઇએ છે. આજનું કાલે જૂનું – વળી બીજું કંઇક પાગલપણું અને એ પણ સ્પીડી . માણસના વિચાર ચાલે એનાથી પણ વધુ સ્પીડે. આ અતિ- સ્પીડ માનવીના મગજની સ્થિરતાને પાયામાંથી ખલાસ કરી રહી છે એનો ખ્યાલ કોઇને નથી આવતો. સાલું ટેકનોલોજીનો ઉપયોગ કરતો આજની સ્માર્ટ જનરેશન સાવ આવી મૂર્ખ જેવી વાત પર આમ પાગલપણું કરી શકે એ વાત જ માન્યામાં નથી આવતી. કોણ કહે છે કે આજની જનરેશન સ્માર્ટ છે ? આજની જનરેશન જેવી ડફોળમાં ડફોળ જનરેશન મેં ક્યારેય નથી જોઇ જેઉંધુ ઘાલીને જીવ, તબિયત, સંબંધો બધાયની પાર જઈને સ્પીડ – અતિ સ્પીડ માં દોડ દોડ કર્યા જ કરે છે, ક્યાંય કોઇને કોઇ જ વાતે સંતોષ જ નથી થતો. ટેકનોલોજીનું ભૂત પહેલાં વર્ચ્યુઅલ દુનિયા સુધી જ સીમિત હતું હવે અમુક સ્માર્ટ માણસો વાસ્તવિક અને વર્ચ્યુઅલને ભેગાં કરીને પૈસા કમાઈ રહ્યાં છે ભવિષ્યમાં એ મુટ્ઠીભર ઇન્ટેલીજન્ટ્સ લોકોના હાથમાં આખી દુનિયાની ડોર આવી જાય તો કોઇ જ નવાઈ નહીં લાગે. આ બધું બહુ ચિંતાજનક છે અને તું છે કે તને મજા આવે છે. તારા લાડલાના પરાક્રમ સમજે છે. આજે ને આજે જ સોનુનો મોબાઈલ લઈ લે અને સ્ટ્રીકટલી આ ગેમ રમવાની ના પાડ. ગર્વમેન્ટ આવી પાગલ જેવી ગેમ્સ પર બૅન લાવે તો સારું !’

    ‘હા અમિત, વાત તો તારી સાચી છે હું હમણાં જ સોનુ પાસેથી મોબાઈલ લઈ લઉં છું.’

    અનબીટેબલઃ સ્માર્ટ – અપડેટ રહેવાના ધખારામાં આજનો માનવી વધુ ને વધુ મૂર્ખતા આચરતો જાય છે.

  • સાલું વીસ વર્ષનુ મગતરું !
  • વૈવિધ્ય એટલું તું દે જીવનમાં ઓ ખુદા
    પ્રસ્તાવના બની શકું તારી કિતાબની.

    -મરીઝ

    સોહમનું મગજ ફાટફાટ થતું હતું. બહાર વાતાવરણમાં બફારો – ઉકળાટ વધારે હતો કે એના મગજમાં એ નક્કી નહતું કરી શકાતું.

    ‘સાલ્લું, એ બે પૈસાનું મગતરું મને આવું કહી જ કેમ શકે ? એની હેસિયત શું છે ? હજી જીવનના કેટલા વર્ષ જોયાં છે એણે ? અરે એ બોઘાને તો પાનખર અને વસંતનો ભેદ પણ નહી સમજાતો ને એ મને ફૂલોની માહિતી આપવા બેસી ગયો..મને…સોહમ પટેલ ધ ગ્રેટને, જે એના જીવનની ત્રીસી આ જ ધંધામાં વીતાવી ચૂક્યો છે.અને જીવનના બાવનમાં વર્ષે આ ફીલ્ડમાં ખાસી એવી પ્રતિષ્ઠા – નામના – સફળતા મેળવી ચૂક્યો છે. એ સાલું વીસ વર્ષનુ મગતરું…હ્…મ…મ..’

    રિષભ હજુ ઘરમાં પ્રવેશતો જ હતો અને એણે એના કાકા સોહમના આ શબ્દો સાંભળ્યા અને એનો પિત્તો ગયો. આ બધું ય એને ઉદ્દેશીને બોલાયેલું હતું એ વાતથી એ બરાબર વાકેફ હતો. કાલે એણે કાકાને ધંધાના સંદર્ભે બે ત્રણ વાત કરી હતી. એ નવું નવું એન્જીરીયરીંગનું ભણી રહેલો હતો અને કાકાની ફેકટરીના મશીનો વિશે અભિપ્રાય આપ્યો હતો કે,

    ‘જુઓ કાકા, હું તમારા માલની કવોલિટી વિશે વાત કરું તો એ સાવ હલ્કી કક્ષાની છે. તમારે આ વહેલી તકે તમારા મશીનો બદ્લી કાઢવા જોઇએ. આનાથી તમારે આવક ઓછી ને જાવક તેમ જ મહેનત પણ વધુ થાય છે અને વસ્તુની ક્વોલિટી પણ જોઇએ એવી નથી મળતી તો ભવિષ્યમાં માર્કેટમાં તમારી શાખ બગડી શકે એવી શક્યતાઓ ખરી.’

    ‘દીકરા, એવું કશું નથી. બધો તારો ભ્રમ છે. અમારા મશીનો રેગ્યુલર સર્વીસીંગ થતા હોય છે, એન્જીનીયર દર ત્રણ મહિને એક વિઝિટ લઈને જરુરી સ્પેરપાર્ટસ બદલી જ કાઢે છે. અમારું પૂરેપૂરું ધ્યાન હોય જ અમારા કામમાં.’

    ‘સોરી કાકા, હું નથી માનતો કે એવું હોય. તમે તો જાણો છો કે હું સત્ય વચન જ બોલું છું. ખાલી ખાલી તમારી વાહ વાહ કરું એવો નથી. મને ભગવાને બુધ્ધિ આપી છે અને એના અનુસાર જ હું નિર્ણયો લઈને બોલું છું. તમારે માનવું ના માનવું એ તમારી મરજી. રામરામ !’

    ને રિષભ ફેકટરીમાંથી બહાર નીકળી ગયેલો. એનો આ એટીટ્યુડ સોહમને બહુ જ ખટકયો અને વાત હવે ‘સાધારણ’ના સ્ટેટસમાંથી ‘ઇગો’ના લેવલ પર આવી ચૂકી હતી.

    ‘મેલ ઇગો’

    સ્ત્રીઓને સમજવી જેમ અઘરી હોય એમ મેલ ઇગો પણ ખતરનાક – ડેન્જરસ હોય છે. સાવ પાણા જેવો – કાં તો તૂટી જાય કાં તો સામેવાળાને તોડી કાઢે. એટલે સંબંધોમાં જ્યારે બે સ્ત્રીઓના ઇગો અથડાય તો રેશમની ગાંઠની જેમ આસાનીથી ગૂંચ સૂલઝાવી લેવાય પણ મેલ ઇગોનો પરસ્પર ટકરાવ તણખાં જ ઝરે અને અનેક વખત એમાં કોઇકના ઘર પણ બળીને ખાખ થઈ જાય તો નવાઈ નહીં.

    ‘કાકા, હું તમારા ભલા માટે કહેતો હતો. તમારો માલ એકસ્પોર્ટ થાય છે અને પ્રોપર ક્વોલીટી ના જળવાય તો રીજેક્ટ પણ થાય છે એની મને ખબર છે એથી જ ખાલી ખાલી તમારી પ્રોડકટ્સની વાહ વાહ કરું અને કાલે ઉઠીને તમને માર્કેટમાંથી એ જ પ્રોડકટના વેચાણમાં માર ના પડે એ હેતુથી જ મને સાચું લાગ્યું એ કહ્યું. ખોટી હોટી વાહ વાહ ના કરી પણ કોઇનું સારું વિચારવાનો તો જમાનો જ નથી રહ્યો ને. હું જ મૂર્ખો .’

    રીના – રિષભની કાકી બેડરુમમાંથી બહાર આવ્યાં અને રિષભનો પારો ઠંડો પડી ગયો. કાકીની સમજણ પર રિષભને ખૂબ માન હતું અને એથી જ પ્રેમ પણ વધુ હતો.

    ‘બેસ બેટાં, જરા શાંતિનો શ્વાસ તો લે. લે ચાલ તારા માટે ગરમાગરમ પકોડા અને ચા બનાવી લાઉ છું.’

    ‘ના..ના કાકી, આ તો હું પપ્પાના કાગળિયા આપવાના હતાં એ માટે ખાસ આવેલો પણ કાકાના સ્વસ્તિ વચનો સાંભળીને સહન ના થયું. તમને તો ખબર છે કે હું ખૂબ જ સાચાબોલો છું અને એથી જ કોઇક ખોટું બોલે તો સહેજ પણ સહન નથી થાતું.’

    ‘હા બેટાં, મને ખબર છે કે તું કોઇની શેહશરમમાં ક્યારેય નથી આવતો અને તને જે ઠીક લાગે એ જ બોલે છે. મને તારી પર માન છે દીકરાં. પણ તને એ વાત ખબર છે કે તું જે વાત તારી રીતે સાચી સમજયો હોય એ વાત બીજાના દ્ર્ષ્ટિકોણથી ખોટી પણ હોઇ શકે. આ જે પણ ઘટના બની એમાં તારી સમજણે જેટલો ભાગભજવ્યો છે એનાથી વધુ તારા કાકાના અનુભવોએ વધુ ભાગ ભજવ્યો છે. વીસ વીસ વર્ષોના એમના અનુભવને તું ફકત તારા એક વર્ષના ચોપડીઓના વાંચનના એકસીપીરીઅન્સથી ખોટા ના ઠેરવી શકે બેટાં એ વાત તારા જુવાન – ખળભળતાં લોહીના ધ્યાનમાં ના આવી એની તકલીફ છે.’

    ‘મતલબ શું કાકી ? મને સમજાયું નહીં. તમે પણ મને ખોટો માનો છો ?’

    ‘ના દીકરા – આમાં વાત સાચા ખોટાની નથી. જાણકારીના અભાવની છે. તેં જે મશીન જોયું એ અહીંની લોકલ પ્રોડક્ટ્સ માટેનું હતું. જેમાં એકાદ – સાંધા સૂંધી હોય તો પણ ચાલે. કારણકે એ અહીંના સ્લમ એરીઆમાં વેચાય છે. એટલે એની ડાઈ થોડી જૂની કે ચાલી શકે એવી ડીફેક્ટીવ હોય તો ચલાવી શકાય. એના પ્રોડકશનમાં એટલી બધી કાળજીની જરુર નથી હોતી. પણ એકસ્પોર્ટનું મશીન છે એ તો ફેકટરીના પાછળના ભાગમાં છે અને એ પણ એરટાઈટ રુમમાં એસીની ફુલપ્રૂફ સગવડો સાથે જેથી ત્યા ધૂળનું એક રજકણ પણ ના પ્રવેશી શકે. તેં લોક્લ પ્રોડકટના મશીનને જોઇને ઉતાવળમાં જ અભિપ્રાય આપી દીધો. ખોટો તો તું પણ નથી પણ સામે એ વાત પન એટલી સાચી કે આ બધી વાત તારા કાકાના ધ્યાનમાં હોય જ, આટલા વર્ષોનો અનુભવ છે એટલી વાત કે સમજણ તારા દિમાગમાં ના આવી ને આ બધી જફા થઈ ને ઉભી રહી.’

    ‘ઓહોહો…તો વાત એમ છે. આઈ એમ સો સોરી કાકા કે મેં આપના અનુભવને સાવ જ આમ નગણ્ય કરી નાંખ્યો ને મારો અભિપ્રાય સોનાનો ને સાચો એમ સમજીને તમારું અપમાન કરી નાંખ્યું. ખરેખર હજુ તો હું બચ્ચું જ છું આપનું. બાળક સમજીને મને માફ કરી દો. હવેથી પૂરી વાત અને સામેના માણસની કેપેસીટી જાણ્યા વિના કદી પણ આમ અભિપ્રાયના પહાડ ઉભા નહી કરી દઉં કાકા, વચન આપું છુ.’

    ‘ચાલ્યા કરે દીકરા..ચાલ ચા પીએ.’ ને સોહમે રિષભને ગળે લગાડી દીધો.

    અનબીટેબલઃ ‘તમે સાચાબોલા હોવ એ બરાબર પણ તમારી વાત સત્ય જ હોય એવો દુરાગ્રહ ના સેવવો જોઇએ.’

    3. ટુચકાઓઃ

    સાવ સીધા સવાલના ઉત્તર,

    દઈ શકે છે તું એવું બાળક છે.

    -સ્નેહા પટેલ’અક્ષિતારક’ સંગ્રહમાંથી.

    ‘અલી રાધિકા, તેં બિટકૉઇન વિશે કશું સાંભળ્યું છે કે ?’

    ‘શું..બિટ…બિટ્કોન..આ કઈ ભાષા બોલે છે અલી તું ?’

    અને તૃપ્તિ ખડખડાટ હસી પડી.મનમાં ને મનમાં પોતે રાધિકા કરતાં વધુ સારી જાણકારી ધરાવે છે અને વધુ અપડેટેડ છે એવો ગર્વભાવ મગજમાં છલકાઈ આવ્યો.

    ‘બિટક્વોઈન એટલે એક જાતના ડીજીટલ પૈસા! એનાથી કોમ્પ્યુટરમાંથી ચૂકવણી કરી શકાય. મોસ્ટલી ગેરકાયદેસર ધંધો કરતાં હોય એમને આવા ડીજીટલ નાણાં ખૂબ જ કામમાં આવે, કારણકે આનો કોઇ હિસાબ મળે નહીં!’

    ‘તેં અલી , તને આવું બધું ક્યાંથી સમજ પડી ? જબરી છે તું!’ રાધિકાની આંખોમાં અહોભાવ સ્પષ્ટપણે વાંચી શકાતો હતો.

    ‘કંઇ નહી મારી બુન, આ તો મારા ઘરમાં નવીનવેલી આજકાલની લેટેસ્ટ જાણકારીઓ ધરાવતી અને પોતાનો ધંધો કરતી છોકરી વહુ તરીકે આવી છે એની સંગતનો પ્રતાપ. એની અને મારા દીકરા રાજનની વચ્ચે આખો દિવસ આવી બધી વાતો ચાલતી હોય તેમાં અમુક આપણાં કાને પડી જાય, બીજું શું ?’

    ‘ઓહોહો, તમારા તો નસીબ ખુલી ગયા છે ને આવી ભણેલી ગણેલી, પોતાનો બિઝનેસ સંભાળતી સ્માર્ટ વહુ લાવીને.’

    ‘શું ખાખ નસીબ ખુલી ગયા છે ? મા બાપે કામ ધંધો કરીને પૈસા કમાતા શીખવ્યું છે પણ ઘરના કામમાં ‘ઢગાભાઈનો ઢ’ છે એ સાવ. માનસિક શ્રમ ગમે એટલો કહો કરી શકે છે પણ શારીરિક કામ કરવાનું આવે એટલે બહેનબાને આળસ ચડે છે. શરુઆતમાં તો મને એમ કે નવી નવી છે તો દસ દા’ડા ભલે આરામ કરતી પણ પછી કામ કરશે, ત્યારે આમણે તો કામ કરવાનું નામ દીધું એટલે ચોખ્ખું સંભળાવી દીધું કે,’માફ કરશો, મરા મા બાપના ઘરે મેં કશું ઘરકામ કર્યું નથી તો મને એ સહેજ પણ નથી આવડતું, વળી મારી પાસે એ શીખવા માટે સમય પણ નથી એટલે તમે પ્લીઝ, મારી પાસે એ આશા પણ ના રાખશો. તમને ના ફાવે તો એક નોકર, રસોઇઓ રાખી લેજો પણ મને તો એ બધું ના જ કહેશો.’ લો બોલો, આમને હવે શું કહેવું?’

    ‘ઓહોહો, સાવ આમ બોલે છે ? તેં અલી મહિને દા’ડે કેટલું કમાઈ લે છે તારી આ વહુ ?’

    ‘કમાણી તો સારી…લગભગ ૫૦-૬૦,૦૦૦ કમાઈ લે મહિને આરામથી.’

    ‘અને તારો દીકરો?’

    ‘એ જો ને ૩૦-૪૦,૦૦૦ કમાતો હશે.’ થોડું અચકાતાં અચકાતાં રાધિકા બોલી.

    ‘ઓહોહો, મતલબ વહુ દીકરા કરતાં ય વધુ કમાય છે એમ !આમ પણ આજના જમાનામાં ૫૦,૦૦૦ કમાતી હોય એવી કેરીઅર ઓરીએન્ટેડ છોકરીઓને ઘરકામ ના આવડે એમાં કંઈ નવાઈ નથી. મેં આવો લગભગ દસમો કેસ સાંભળ્યો છે.’

    ‘પણ છોકરીની જાત ને સાવ જ કામ ના શીખી હોય એ થોડી ચાલે ? ને એવું જ હોય તો પરણાવી શું કામ ? વળી આ તો લવમેરેજ એટલે મારે દીકરાને ય કશું ના કહેવાય. બેય ધણી ધણિયાણી સવારના નવ વાગ્યાંના તો નીકળી જાય ને આવે રાતે છેક આઠ વાગ્યે. રોજ મારે દીકરા-વહુ સાથે ઝઘડાં થાય છે, સાલું આ ઉંમરે લોહી ઉકાળા જ નસીબમાં કેમ લખ્યાં હશે ?’

    ‘રાધિકા, એક વાત કહે તો ? તેં તારા દીકરાને રસોઇ – ઘરકામ કરતાં શીખવ્યું છે ?’

    ‘ના…અલી તું તો કેવી અવળવાણી બોલે છે, મરદની જાત ને રસોઇ ને ઘરકામ કરે, તને તે આવું બોલતાં ય શરમ નથી આવતી અલી ? એ તો મારે પાણીનો ગ્લાસ પણ ના ઉપાડે હો.’

    ‘મારી વાત ધ્યાનથી સાંભળ બેના. આમ તો તારી વહુ બહુ મિલનસાર છે, જ્યારે જોઇએ ત્યારે હસતી ને હસતી જ હોય છે, વળી મને રસ્તામાં મળે તો, ‘કેમ છો માસી’ ક્હ્યાં વિના ક્યારેય નથી જતી. હવે જો તારી વહુ વર્ષોથી સ્ત્રીઓના ભાગે આવેલ ઘરનું કામ છોડીને પોતાના પતિના ભાગનું કામ કરવામાં હિસ્સો આપે છે, પૈસા કમાવા ઓફિસે જાય છે એની આપણને કોઇ નવાઈ ના લાગતી હોય તો તને પણ તારો દીકરો ઘરકામ કરે એમાં નવાઈ કેમ લાગે છે ? કામ તો બે ય કરે છે ને પૈસા ય બે ય કમાય છે. તો એમાં છોકરા છોકરીનો ભેદ કેમ નડી જાય છે ? અત્યારનો જમાનો બહુ જ સ્પીડમાં બદલાઈ રહ્યો છે. આપણે હવે આપણી જૂની ઘરેડમાંથી બહાર નીકળ્યે જ છૂટકો છે બેના. ના ફાવે તો બેય ને એમનું એક અલગ ઘર કરી આપો જેમાં એ લોકો શાંતિથી પોતાની જીન્દગી પોતાની રીતે જીવશે ને જ્યારે અટકશે ત્યારે તમારી સલાહ લેવા આવશે જ ને ?બાકી આ લોકોને બદલવા જઈશ તો તું દસ વર્ષ વહેલી ઉકલી જઈશ. આજની પેઢીના નસીબમાં અઢળક મહેનત કરીને કે યેન કેન પ્રકારેણ ખૂબ પૈસો કમાવાનો શ્રાપ લખાયેલો છે, એ લોકો એ ભોગવે જ છે ને સાથે એમની મસ્તી પણ બરકરાર રાખે છે તો એ જોઇને તમે વડીલો ખુશ થાઓ. બાકી એમના ક્દમ સાથે કદમ નહીં મીલાવો તો એમની દોડમાં એ લોકો એમની ઇચ્છા ના હોવા છતાં તમને સાવ પાછળ છોડી દેશે.’

    ‘હા તૃપ્તિ, તારી વાત સાચી છે. આમ મારી વહુ બહુ સારા સ્વભાવની છે. હજુ પરમદિવસે જ એ એના માટે એક ડ્રેસનું કાપડ લાવી તો મારા માટે એક બાંધણીની સાડી પણ લઈ આવેલી. ઘરની અને ઘરના માટેની લાગણીમાં તો એને કોઇ કંઈ ના કહી શકે. તારી વાત પર હું ચોકકસ વિચાર કરીશ. ચાલ હવે થોડી વાર સૂઇ જવું છે. સવારની છ વાગ્યાંની ઉઠી છું.’

    ને બે બહેનપણીઓ છૂટી પડી.

    અનબીટેબલઃ જ્યારે સ્ત્રીઓ કમાણી કરવા ઘરની બહાર નીકળે એની પર આપણને શરમ આવે એ જ સમયે જ માળિયામાં ચડીને કામ કરાવતાં પુરુષોની દશા પર ટુચકાઓ બોલીને આનંદ મેળવવાને લાયક કહેવાઈએ. આ બધા જાતિભેદના ટુચકાઓ હવે આ ધરતી પરથી નામશેષ થવા જ જોઇએ.

    સ્નેહા પટેલ.