Avgatiyo jiv in Gujarati Short Stories by Madhu Rye books and stories PDF | અવગતિયો જીવ

Featured Books
Categories
Share

અવગતિયો જીવ

અવગતિયો જીવ

દુર્ગશ ઓઝા

૧૯૯૧થી કુમાર, નવચેતન, અખંડ આનંદ, ચિત્રલેખા, શબ્દસૃષ્ટિ, અભિયાન, સામયિકો, પત્રો, આકાશવાણી વગેરેમાં કુલ પ્રકાશિત કૃતિ ૧૭૫. ‘ફૂલછાબ’ની રવિપૂર્તિમાં ‘લઘુકથા’ની કોલમ. પ્રકાશિત પુસ્તકો — ‘અક્ષત’ લઘુકથાસંગ્રહ ને ‘ખેલ’ વાર્તાસંગ્રહ. પરિષદ પ્રકાશિત ‘લઘુકથા સંચય’માં કૃતિ ‘વારસાગત’. ગુર્જરના “ગુજરાતી હાસ્ય-ગઈ કાલ અને આજ” પુસ્તકમાં હાસ્યલેખ-‘ખરખરાનું ઉઠમણું.’ ડી-ડી ૧ પર ‘મેરી કહાની’ ટી.વી. સિરિયલ ને અન્ય નાટકોમાં અભિનય તેમ જ ગાયન.

***

‘કેવો અભાગિયો ને અવગતિયો જીવ? જીવનની છેલ્લી ઘડીએ અગ્નિસંસ્કાર પણ નસીબમાં નહીં. બરફની ચાદર જ એના માટે મોતની ચાદર થઈ ગઈ. અંદરને અંદર જ દટાઈ મૂઓ. કેવી પીડા ને ગૂંગળામણ થઈ હશે? મરવાટાણે ઘરના કોઈ માણસનું મોઢું જોવાય ન પામ્યો. ગંગાજળ પણ નહીં! માણસ ગમે તેવો મોટો હોય કે ગમે તેવી શેખી મારતો હોય, મોત કોઈની સાડીબાર રાખતું નથી તે આનું નામ. પૂર્વજન્મમાં એવાં તે કેવાં પાપ કર્યાં હશે તે આવું ઘરથી દૂર અંતરિયાળ ને કમનસીબ મોત?’

‘અરે ઊલટું આ તો ભારે પુણ્યશાળી જીવ ગણાય. અભાગિયો નહીં પણ બડભાગી કહો બડભાગી! કેદારનાથની યાત્રા કરતાં કરતાં અંતિમયાત્રાએ નીકળી ગયો.

આવી અતિ પવિત્ર જગ્યાએ મૃત્યુ એ તો શુકન કે’વાય. એને સીધો મોક્ષ જ મળી ગયો સમજો. ને અંતિમ વિદાય વેળા ઘરના કોઈ હાજર નહીં એનો અર્થ શું થયો, જાણો છો? માયામોહના ચક્કરમાંથી આપોઆપ મુક્તિ. કોઈ કોઈનું નથી એ સત્ય સમજ્યો ને સમજાવી ગયો આ સદ્ભાગી જીવ. આવું મૃત્યુ તો ભાગ્યશાળીને જ મળે.’

આવા બે ભિન્ન ભિન્ન મત રજૂ થઈ રહ્યા હતા પણ જે વાતમાં સમાનતા હતી તે હતી મૃત્યુ. એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ પડે એમ હતો. તોય યોગેશની પત્ની કરુણા કરુણ સૂરે વિલાપ કરી રહી હતી. ‘આ દેહ નશ્વર છે. જે આવે છે તેનું જવું નિશ્ચિત છે. શરીર મરે છે, આત્મા નહીં. મરનાર પાછળ રડો તો એનો જીવ કોચવાય. ભગવાન આગળ આપણું શું ચાલે? ગયેલું પાછું ન આવે. આ બધી માયા છે. આમ ઢીલા પડો મા સાવ. દીકરી ત્વચા સામે તો જુઓ! એની દસમા ધોરણની પરીક્ષા માથે જ છે.’ આવા અનેક શબ્દો, સલાહસૂચનોનો મારો ચાલ્યો હતો. ‘જે ગમે જગદ્ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો’ ભક્તકવિ શ્રી નરસિંહ મહેતાનું આ ભક્તિગીત પણ વારંવાર એને સંભળાવવામાં આવ્યું’તું, પણ તોય! એના મનમાં બીજું જ, મીરાંબાઈનું ગીત રમતું હતું. ‘ઘાયલ કી ગત ઘાયલ જાણે.’ આ બધો ઉપદેશ દેવો સહેલો છે, પણ માથે પડે એટલે આ બધું બ્રહ્મજ્ઞાન સ ર ર ર કરતું! કરુણાનું રૂદન અટકતું નહોતું. કોઈનું કથન આ શોક સામે ટકતું નહોતું. યોગાનુયોગ કેવો કે એક વર્ષ અગાઉ ચારધામની યાત્રા દરમિયાન યોગેશની માનું પણ આમ જ પવિત્રધામમાં જ મૃત્યુ થયેલું.

યોગેશ બદરી-કેદારની યાત્રાએ એના મિત્રો સાથે ગયેલો. કોઈએ ન કર્યા ઘોડા કે ન કરી ડોલી. બધાં ચાલીને જ જતા હતા. ફરક એટલો કે યોગેશ જલદી ઉપર પહોંચવાની નેમ સાથે સૌથી આગળ ઝડપભેર ચાલતો હતો. એ ઘણો આગળ નીકળી ગયો હતો. અચાનક બરફનું તાંડવ. તોફાન. પ્રચંડ શિલા ધસી પડતાં તે ખીણમાં નીચે ને ત્યાંથી ઉપર. સાવ ઉપર. જલદી ‘ઉપર’ પહોંચવાની તેની ગણતરી સાચી પડી હતી. શોધખોળનું ઓપરેશન લાગલગાટ ચાર દિવસ ચાલ્યું, પણ કોઈનું કંઈ ન ચાલ્યું. કશું હાથમાં ન આવ્યું, સિવાય કે યોગેશના મૃત્યુની ખબર.

યોગેશ આખાબોલો, પણ આમ પારકી છઠ્ઠીનો જાગતલ. ક્રિકેટ અને નાટકનો જીવ પણ ખરો. એ જ્યાં નોકરી કરતો એ ઓફિસમાં દિલ દઈને કામ કરે. બધા સાથે હળીમળી જાય. આમ એનું સર્કલ મોટું એટલે યોગેશના ઉઠમણામાં રાખવામાં આવેલો મોટો હોલ પણ લગભગ પૂરો ભરાઈ ગયો હતો. સાચોખોટો ખરખરો થઈ રહ્યો હતો. ક્યાંક હૃદયની સચ્ચાઈ તો ક્યાંક દંભ, બેયની હાજરી હતી. એક માત્ર યોગેશની ગેરહાજરી. અચાનક મનન હોલમાં રઘવાયો થઈને પ્રવેશ્યો. એના ચહેરા ઉપર વ્યગ્રતા ને કંઈક વિચિત્રતા ડોકાતી હતી! ભીડને ચીરતો ચીરતો એ સીધો આગળ બેઠેલા યોગેશના પિતાજી ગમનલાલના પગમાં પડી ગયો ને પછી એના ખોળામાં માથું મૂકી રડી પડ્યો. મનન એટલે યોગેશનો લંગોટિયો ભાઈબંધ. એમની મિત્રતા આખા ગામમાં મશહૂર. બેયને લગભગ કાયમની ઊઠકબેઠક. બેયને એકબીજા વગર ન ચાલે.

બંને કુટુંબ વચ્ચે પણ સારો એવો આવરોજાવરો ને ઘરોબો. મનનને આમ વસમું લાગ્યું એમાં ગમનલાલને કશું અસ્વાભાવિક ન લાગ્યું. એને એમ કે આ તો લાગણીના આવેશમાં પણ વાત કંઈક જુદી જ હતી. મનને પોતે જ સવાલ કર્યો ને પોતે જ એનો જવાબ વાળ્યો. ‘તમે યોગેશની બધી વિધિ બરાબર નથી કરી? એકસો ને દસ ટકા નથી કરી, બાકી આવું ન બને! તેનો જીવ હજી ભટકે છે. સદ્ગતિ નથી પામ્યો. મને કહે ‘‘મરી ગ્યા પછી મને ખબર પડી કે કોણ આપણા ખરાં સગાં ને કોણ ખોટાં! મારો દુરુપયોગ કરી કામ કઢાવી લેનાર કે હજી કામ કઢાવવાનાં સપનાં જોનારા એકેયને હું નહીં છોડું. હું કશું ભૂલ્યો નથી. ને હા, મારા બારમાંની વિધિ ટૂંકમાં જ પતાવજો. કરજ કરીને કારજ ન કરતા. કારજ જ ન કરતા. મારે મારા નામે ધુમાડાબંધ ગામ જમાડી પૈસાનો ધુમાડો નથી કરવો. હું એમાં નથી માનતો. એ મને નહીં પહોંચે. ઊલટું મારો જીવ એમ કરવાથી મૂંઝાશે. ઊઠ ઊભો થા.’’ ને હું ઝબકીને જાગી ગયો. હા, મને સપનું આવ્યું હતું ને સપનામાં યોગેશ! વળી આ તો વહેલી સવારનું સપનું ને હું એનો પાકો ભાઈબંધ એટલે એણે મને જ આ બધું કીધું. હું જેવો ઊઠ્યો કે ઘરની લાઇટ ગૂલ. આમ તો ચોતરફ અંધારું હતું, પણ નાઇટ લેમ્પ ને ફરતા પંખા બંધ. ટિપાઇ પર મૂકેલો પાણીનો જગ અચાનક એની મેળે મેળે નીચે પડ્યો ને બધું પાણીઢોળ! નક્કી આ કામ યોગેશનું જ. એનો આત્મા ભટકે છે, કોચવાય છે.’

મનને ત્વચાને પોતાની પાસે બોલાવી એને ધીરેથી કશુંક કહ્યું ને પછી ગમનલાલ સામે જોઈ બધા સાંભળે એમ મોટેથી કહ્યું, ‘તુલસી પવિત્ર, પણ દીકરી તો એનાથીય પવિત્ર કહેવાય. યોગેશને દીકરી બહુ વહાલી હતી, એટલે એના હાથે બાકીની વિધિ પૂર્ણ કરાવશો ને એ પણ સાવ ટૂંકમાં જ, સાવ નજીવા ખર્ચે પતાવશો તો જ યોગેશનો આત્મા સદ્ગતિ પામશે. એની ઇચ્છા વિરુદ્ધ કંઈ પણ ન કરતા. મરી ગ્યા પછી આત્માને તરત જ ખબર પડી જાય છે કે આપણા મનમાં શું ચાલે છે? યોગેશના જીવતા જીવ તમે દીકરીને આગળ નહીં ભણાવવાનું આખરી અફર ફરમાન છોડ્યું હતું ને, એ પણ પાછું ખેંચી લેજો. યોગેશની ઇચ્છા મુજબ એને આગળ ભણવા દેજો. જુઓ, આ ભગવદ્ગીતા અહીં જ પડી છે. એના ઉપર હાથ રાખી બધાની વચ્ચે આ વચન આપો. આ હું નથી કહેતો. બધું યોગેશના આત્માએ મને કહ્યું છે.’

ગમનલાલે શાંત ચિત્તે બધું સાંભળી લીધું. એકનો એક દીકરો ગુમાવ્યાનો તેમને શોક નહોતો એવું નહોતું, પણ વાત એમ હતી કે એક તો તેઓ કર્મના સિદ્ધાંતમાં માનતા. બીજું, મૃત્યુ એ તો નવા જન્મનું પ્રવેશદ્વાર છે. એનો શોક ન હોય, નહીંતર જનારો વધુ દુઃખી થાય એવી તેમની સમજણ. ત્રીજું, જો પોતે જ આમ ઢીલા પડી જાય તો યોગેશની પત્ની ને એની ભાવુક, લાડકી દીકરીની હાલત તો કેવી થાય? વળી મૃત્યુ પછીનો બધો વહેવાર ગમનલાલે જ સંભાળવાનો હતો, એટલે આ બધાં કારણોસર પોતે અજબ સ્વસ્થતા ધારણ કરી લીધી હતી. એટલું જ નહીં, યોગેશના બચપણના રમૂજી કિસ્સા સંભળાવી એ સૌને હળવાફૂલ રાખવાનો પ્રયત્ન પણ કરતા રહેતા. અહીં બેસણાંમાં તેમણે ગીતા ઉપર હાથ રાખી વચન આપ્યું ને આગળ ભણવા ઇચ્છુક એવી ત્વચાનો ચહેરો ખીલી ઊઠ્યો.

કૃષ્ણપક્ષની આઠમ છે. ઘન અંધકાર સંધ્યાને વિદાય થવાનો સંકેત આપતો આવી રહ્યો છે. યોગેશનું ઉઠમણું પતી ગયું છે. કરુણા ને ત્વચા — બેય મા-દીકરી અંધારા ઓરડામાં ચુપચાપ ને ગુમસુમ બેઠાં છે. બધું સૂમસામ છે. જો કે બહાર આંગણમાં ઊભેલાં વૃક્ષનાં લીલાંછમ પાંદડાંનો મર્મર ધ્વનિ સંભળાય છે. અચાનક પવન ફૂંકાયો, બારણું ખખડ્યું. બારણે જે ખખડાટ થયેલો તેમાં પવન આમ કારણભૂત હતો ને આમ નહોતો પણ ખરો. યોગેશના મિત્ર સંકેતનો મિત્ર પવન બારણું ખખડાવતો હતો. ત્વચાએ ઊભાં થઈ બત્તી ચાલુ કરી ને બારણું ખોલ્યું. ચોતરફ પ્રકાશ પથરાયો. પવન બે હાથ જોડતો ઘરમાં પ્રવેશ્યો ને પછી ત્વચાએ આણેલી શેતરંજી પર બેઠો. એના ચહેરા પર વિષાદ અને ગભરાટની જુગલબંધી જામી હતી. પવન કરુણાને વીસ હજાર રૂપિયા આપતા કહી રહ્યો, ‘આ પૈસા તમારા છે જે તમને પરત આપવા આવ્યો છું. મેં થોડા વખત પહેલાં યોગેશ પાસેથી આ પૈસા ઉછીના લીધા હતા. આમ તો મારે જલદી દઈ દેવા જોઈએ, પણ હાથ જરા ભીડમાં આવી જતાં મોડું થઈ ગયું.’

કરુણાને યાદ આવ્યું. હા, યોગેશે એક વાર રોષભેર આ માણસનો ઉલ્લેખ કર્યો હતો. ‘આ પવન પણ કેવો તકવાદી ને સ્વાર્થી છે! જરૂર હતી એટલે આજીજી કરી પંદર દિવસમાં આપી દેવાના વાયદા સાથે રૂપિયા ઉછીના લીધા. ને પછી હું કોણ ને તું કોણ? હવે ગલ્લાંતલ્લાં કરે છે, ને રોજ નવો વાયદો કરે છે. ગરજ સરી એટલે વૈદ વેરી. આ તો એ સંકેતનો મિત્ર એટલે એ દાવે પૈસા આપ્યા, પણ હવે એ મારો દાવ લે છે. આજકાલ કરતાં પૂરા બે મહિના થવા આવ્યા, પણ હજી રકમ પરત નથી આવી.’ યોગેશે એક વાર પવનને ધમકી આપી હતી, ‘સીધી રીતે પૈસા આપી દે, નહીંતર! હું મરી જઈશ ને તોય તને ને મારા પૈસાને નહીં મૂકું. તારું ધનોતપનોત કાઢી નાખીશ, શું સમજ્યો?’ ત્યારે ન સમજેલો પવન અત્યારે સમજી ગયો હતો! એણે દિલગીરી ને દિલસોજી વ્યક્ત કરી કરુણાના હાથમાં રૂપિયા વીસ હજાર પકડાવી વિદાય લીધી ને ત્વચા આવી પરિસ્થિતિમાંય મલકી.

પવનને પસ્તાવો થયો કે એ પ્રામાણિક થઈ ગયો એવું કાંઈ જ નહોતું. એને તો પૈસા ચાઉં જ કરી જવા હતા. યોગેશ મૃત્યુ પછી તો ખાસ. પણ બે દિવસ સુધી એવું કંઈક ભયાનક, અકલ્પિત એની સાથે બન્યું કે! મધરાતે બાર વાગ્યે યોગેશનો આત્મા એના બાર વગાડી દેવા આવી પહોંચ્યો હતો! એનો ઘોઘરો, બિહામણો અવાજ, કાનમાં હથોડા વાગતા હોય એવા ઉઘરાણીના તકાદા કરતા અસ્પષ્ટ શબ્દો એ સ્પષ્ટ કરતા હતા કે આ મરી ગયેલો યોગલો શાંતિથી જીવવા નહીં દે, જો હું! બંને વખત એણે ઝબકીને જાગી જઈ કંપતા હૈયે બારણું ખોલ્યું’તું, પણ હવાના સૂસવાટા ને ચિત્રવિચિત્ર અવાજો સિવાય ત્યાં બીજું કાંઈ નહીં! એના ઘરની બત્તીય ત્યારે ગૂલ એટલે એની હિંમતની બત્તીનાં પણ ડબલાંડૂલ! જીવતા માણસ કરતાં આ મરેલો માણસ એને વધુ ભયંકર લાગવા માંડ્યો. અધૂરામાં પૂરું યોગેશે આપેલી ધમકી તેમ જ ખરખરામાં મનને કહેલી વાત એને ત્યારે યાદ આવતા એની ધ્રૂજારીમાં ભરતી આવી હતી.

પરિણામે જે પૈસા બાબતે મોં ફેરવી ગયો હતો એ પવન વીલા મોઢે આજે મોઢે થવા આવ્યો હતો, ને સાથોસાથ દેવું ચૂકતે કરી ગયો હતો, જેથી મૃતાત્માનું મોઢું બંધ થઈ જાય. ટૂંકમાં પવન પડી ગયો હતો. ઘૂંટણિયે પડી ગયો હતો. હા, દેવું ચૂકતે થઈ ગયા પછી પેલો ભેદી અવાજ પણ સંભળાતો બંધ થઈ ગયો હતો.

કુદરતની લીલા કેવી અકળ છે! અમુક માણસના જીવન કરતાં તેનું મરણ તેની તથા તેના ઘરનાની દશા સુધરી જાય છે ને તે બીજાને પણ સુધારી જાય છે. જીવતો હાથી લાખનો, મરેલો સવા લાખનો! પવન ગભરાઈને વીસ હજાર દઈ ગયો ને બધી વિધિ આટોપાઈ જતા યોગેશના ઇન્સ્યોરન્સના રૂપિયા ત્રણ લાખ મળ્યા હતા! યોગેશના પિતાજી ગમનલાલ જૂના ઘર સામે જોઈ રહ્યા. યોગેશની હયાતીમાં એણે કેટલીય વાર આ મકાન છોડી નવા મકાનમાં જવાની વાત ઉચ્ચારી હતી, પણ યોગેશને જૂનો વિસ્તાર છોડવો નહોતો. બાપ-દીકરા વચ્ચે આ મુદ્દે ચણભણ પણ થતી રહેતી. જો કે આમાં થોડાક રૂપિયા નાખવા પડે એમ હતા ને એટલી સગવડ પણ નહોતી એટલે પિતાજી વાત પડતી મૂકી દેતા, પણ હવે તો આ ત્રણ લાખ રૂપિયા! એટલે ગમનલાલે ફરી વાત ઉખેળી. ‘હવે અહીં મન નથી લાગતું, ને આમેય હવે પૈસાનો જોગ થઈ ગયો એટલે ચાલો આ જૂનું મકાન કાઢી નાખીએ. વેચનાર પાર્ટી તૈયાર છે ને નવું મકાન આનાથીય વધુ સારું છે.’

‘એ નહીં બને દાદા, પપ્પાને અહીંથી જવું જ નહોતું ગમતું. ઇન્સ્યોરન્સના પૈસાની મમ્મીના નામની ફિક્સ કઢાવી લ્યો. ખોટા પૈસા શું કામ બ્લોક કરી દેવા? આ ઘરમાં શું ખોટું છે?’ ત્વચાની અંદર જાણે યોગેશનો આત્મા પ્રવેશી ગયો હતો! તે અચાનક હિંમતભેર આમ બોલી ગઈ હતી ને દાદા નવાઈ પામ્યા હતા! પહેલાં તો આ મુદ્દે દલીલો થતી ત્યારે ત્વચા નવા મકાનની તરફેણ કરી દાદાનો પક્ષ ખેંચતી, એ જ ત્વચાએ હવે એકાએક પાટલી બદલી હતી! તેણે ઇન્સ્યોરન્સની રકમ વાપરવાની ના પાડી નવા મકાનમાં જવાની દાદાની ઇચ્છા પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું! ત્વચાએ મમ્મીને કંઈક ધીરેથી કહ્યું હતું ને મમ્મી પણ અણગમા સાથે બોલી ઊઠી હતી,

‘હજી મરનારને ગયે ઝાઝા દિવસો નથી થયા ને તમે! તમારો દીકરો આ મકાનમાંથી ગયો ને તમારા હૃદયમાંથી પણ ગયો? એ ગયો એની જાણે રાહ જ જોતા હોય એમ મકાન ન બદલવાની એની ઇચ્છાનેય ગળે ટૂંપો દઈ દેવાનો! એનો જીવ હજી સદ્ગતિ નથી પામ્યો એ જાણવા છતાં – તમે બાપ થઈને!’ સંવેદનાનું જોર એટલે પ્રચંડ હતું કે અંતે આ વખતે પણ ગમનલાલે હથિયાર હેઠાં મૂકી દીધાં ને મકાન બદલવાની વાત ભોમાં ભંડારી દીધી. જોતજોતામાં અત્ર-તત્ર-સર્વત્ર વાત વાયુવેગે પ્રસરી ગઈ કે યોગેશનો જીવ અવગતે ભટકે છે. એટલે થયું એવું કે એના વિશે ભૂલથી પણ ઘસાતો શબ્દ બોલવાનું સૌ ટાળી રહ્યાં. ઉત્પાતિયો જીવ વગર મફતના ક્યાંક આપણને ટાળી દે એના કરતા! આવો ડર પ્રવેશી ગયો હતો.

યોગેશનો બહુ દૂરનો સંબંધી મનસુખ યોગેશના ઘરમાં દાખલ થયો. આ માણસની છાપ કાંઈ બહુ સારી નહોતી. એ બીજા ગામમાં રહેતો. તેને યોગેશના શહેરમાં સારો એવો બિઝનેસ મળતો હતો.

એણે નક્કી કર્યું હતું કે અહીં સેટલ થઈ જવું. યોગેશનું ઘર ક્યાં પારકું છે? બેચાર મહિના મેળ ન પડે ત્યાં સુધી! આવો માણસ પોતાના ઘરમાં ધામા નાખે ને ઉધામા કરે એ યોગેશને પસંદ નહોતું, પણ મનસુખના પિતાજીના ગમનલાલના ઘર ઉપર થોડાઘણા ઉપકાર એટલે તે ના કહી શક્યો નહોતો. યોગેશનું શહેર મોંઘું. અહીંનું મોંઘુંદાટ ને પોતાના ગામનું, એમ બે ઘરનું ભાડું કેમ પરવડે? સસ્તા ભાડાનું મકાન શોધતાય થોડી વાર તો લાગે ને? એટલે મનસુખે મનમાં નક્કી કરી જ લીધું હતું કે! પણ યોગેશનું આકસ્મિક મોત થતા ને એનેય પવનની જેમ રાતે યોગેશના ઉત્પાતિયા જીવનો ડરામણો અવાજ સંભળાતા એણે સાવ માંડી જ વાળેલું, ને પોતાના ગામમાં જ એ ધંધો શરૂ કર્યો હતો. મનસુખ બાધોડકો ને ખાધોડકો બેય. જો એ યોગેશના ઘરમાં આવત તો!

યોગેશે પોતાની માલિકીની એક દુકાન થોડા સમય માટે જગુને ભાડે આપી હતી, જે એણે દાદાગીરીથી દબાવી રાખી હતી, પ્રપંચથી પચાવી પાડી હતી. દુકાન ખાલી કરી દેવાની યોગેશની એકેય વિનંતી એણે કાને નહોતી ધરી, પરંતુ જે કામ તે જીવતેજીવ ન કરી શક્યો તે એના કોચવાયેલા આત્માએ! જેની સામે કોઈ આંગળીય ચીંધી ન શકે એવા ગામના ઉતાર ગણાતા માથાભારે બદમાશ જગુ ભારાડીએ પણ ડરના માર્યા એ દુકાન પાકું લખાણ કરી પરત આપી દીધી હતી. એને પવન ને મનસુખ જેવો રાતનો કડવો અનુભવ નહોતો થયો, તોય અજાણી આશંકાથી ફફડી એણે પાણી પહેલાં પાળ બાંધી લીધી હતી. તેલ લેવા જાય એ દુકાન. આમાં તો આપણું ઘાણીએ ઘાણીએ તેલ!’

‘જીવતો લાખનો, મરેલો સવા લાખનો’ એ કહેવત આબાદ લાગુ પડી હતી. યોગેશના ઘરની લગભગ દરેક સમસ્યા ઉકેલાઈ ગઈ હતી. જીવતેજીવ યોગેશ જે કરી ન શક્યો તે એણે મરીને! મર્યો આ જીવ, ને તર્યો એનો પરિવાર! પરંતુ ગમનલાલને હૈયે જંપ નહોતો. મળેલા જીવ તો ઘણાય જોયેલા, પણ આ બળેલા જીવનું શું કરવું? આ અવગતિયા જીવની સદ્ગતિ કેવી રીતે થશે તેની ચિંતા એને કોરી ખાતી હતી. હજી રડ્યાખડ્યા લોકો ખરખરો કરવા આવતા રહેતા, એટલે ગમનલાલે મોડી રાતનો અગિયાર વાગ્યાનો સમય નક્કી કર્યો. એણે ધર્મકર્મનાં ભારે જાણકાર, પ્રખર જ્યોતિષી એવા વિદ્વાન પંડિત ઉમાશંકરને ઘેર બોલાવ્યા હતા. ઉમાશંકરે જ યોગેશના જન્માક્ષર બનાવી ભવિષ્ય ભાખ્યું હતું કે ‘તમારો દીકરો શતાયુ થશે, ને કંઈકની આંતરડી ઠારશે.’ એને બદલે આ તો! ગમનલાલે આ વાત યાદ દેવરાવી બળાપો કાઢ્યો ને ઉમાશંકરે પોતાનું પંચાંગ! યોગેશના જન્માક્ષર ફરી જોઈ એ બોલ્યા,

‘જન્મના ગ્રહો તો બહુ પાવરફુલ છે. માળું સમજાતું નથી કે આ માણસ આમ અકાળે કેવી રીતે! કર્મની ગતિ ન્યારી. જુઓ, શાંતિથી વિચારો. યોગેશ કોઈ સારા માણસને તો નડ્યો જ નથી, એટલે જીવ તો નિ:સંદેહ ભારે પુણ્યશાળી ને પવિત્ર છે. એનો સમય થતા એ આપોઆપ સદ્ગતિ પામવાનો જ છે. પણ તોય તમારું મન ન માનતું હોય તો નાના પાયે કારજ કરી નાખો ને ગ્રહશાંતિની થોડીક વિધિ કરાવી લ્યો એટલે.’

‘પંડિતજી, હું તો મોટા પાયે કારજ કરાવવા તૈયાર હતો પણ! ખર્ચા સામું ન જોતાં. બધું લખાવી દયો એટલે કારજ ને વિધિ બેય વ્યવસ્થિત કરી નાખીએ. મને મંજૂર છે.’

‘પણ મને મંજૂર નથી.’ એક ઘોઘરો, બિહામણો, અસ્પષ્ટ અવાજ આવ્યો ને બત્તી ગૂલ. ‘અવગતિયો જીવ’ આવી પહોંચ્યો હતો! એ અસ્પષ્ટ અવાજની સ્પષ્ટતા સાંભળી ઘરના અમુક માણસો પહેલાં તો ચોંકી ઊઠ્યા ને પછી બધા! યોગેશના ગાઢ મિત્ર એવા નાટકિયા મનને ઉઠમણા વખતે ત્વચાને કાનમાં જે કીધું હતું તે એણે મમ્મીને તો તરત જ કહી જ દીધું હતું, પણ એણે તે વાત સ્વસ્થ ગમનલાલને છેક હવે કરી. ત્વચાને ખબર હતી, ને એટલે જ એણે ઇન્સ્યોરન્સના પૈસાથી મકાન લેવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. વળી બધાના ઘરની બહાર રહેલી વીજમીટરની મેઇન સ્વિચ બંધ કરતા ‘કોચવાયેલા જીવ’ ને વાર કેટલી લાગે?

બચી ગયેલો યોગેશ ઘેર હેમખેમ જીવતો પાછો આવ્યો હતો. એ મર્યો જ નહોતો. આ તો!