બોબી નિશાળેથી સ્કૂલબેગ ઝુલાવતો ઝૂલાવતો ઘરે જતો હતો. તે વચ્ચે પેટ શોપ પાસે ઉભો રહીને ત્યાં પાંજરામાં રાખેલી બિલાડીને જોતો હતો. “ કાશ મારા પાસે પણ એક આવી સુંદર બિલાડી હોય તો? ” તેણે મનમાં વિચાર્યું.
બોબી પાંચમાં ધોરણમાં ભણતો હતો. તે પ્રકૃતિપ્રેમી અને પશુપ્રેમી હતો. તે ઘરે આવ્યો. તે ‘ મંથન એપાર્ટમેન્ટ ’ માં રહેતો હતો. આ એપાર્ટમેન્ટ સાત માળનું હતું અને બોબી ત્રીજા માળે રહેતો હતો. બોબી ઘરે આવતાની સાથે જ સ્કૂલબેગ સોફા પર ફેકીને રસોડામાં દોડતો ગયો અને મમ્મીને ભેટી પડયો.
“ શું થયું, બેટા? ” મમ્મીએ બોબીના માથા પર હાથ મૂકતા કહ્યું.
“ મમ્મી, મને એક બિલાડી લાવીને આલને. ” બોબીએ વિનંતી કરતા કહ્યું.
“ ના બેટા. બિલાડી-કુતરા સંભાળવા ખુબ અઘરા છે અને એમ પણ તારા પપ્પાને બિલાડીઓ અને કુતરા જેવા પ્રાણીઓ નથી ગમતા. ” મમ્મીએ કહ્યું.
“ પ્લીઝ, મમ્મી! ” બોબીએ ફરીથી વિનંતી કરતા કહ્યું.
“ ના બેટા. એકવાર કહ્યુંને ના એટલે ના. વારંવાર ખોટી જીદ ના કરીશ. જા જઈને કપડા બદલ એટલે હું તને ખાવા આપું. ” મમ્મીએ કહ્યું.
બોબીએ ઘણી વખત બિલાડી માટે માંગણી કરી હતી, પણ તેને હંમેશા નિરાશા જ મળી હતી.
બોબી નિરાશ હદયે રૂમમાં જતો હતો, ત્યાં તેણે મમ્મીની બૂમ સાંભળી: “ સોફા પરનું બેગ લેતો જજ. ” તેણે પોતાનું બેગ ઉપાડયું અને પોતાના રૂમમાં ગયો. ત્યાં તેની બહેન શ્રધ્ધા વાંચતી હતી. શ્રધ્ધા દસમાં ધોરણમાં ભણતી હતી. બોબીને નિરાશ જોઇને શ્રધ્ધા બોલી:
“ શું થયું, બોબી? કેમ આટલો હતાશ છે ? શું આજે બહુ બધું હોમવર્ક મળ્યું ? ”
“ ના, દીદી. ”
“ તો શું? ” શ્રધ્ધાએ આતુરતાથી પૂછયું.
“ મેં મમ્મીને ઘરમાં એક બિલાડી લાવા કહ્યું, પણ મમ્મીએ ના પડી દીધી. ”
“ બિલાડી! મેં તો કેટલીવાર કહ્યું છે, પણ મારું તો કોઈ સાંભળતું જ નથી. ”
શ્રધ્ધાને પણ બિલાડી બહુ ગમતી. શ્રધ્ધાએ તો બિલાડી માટે ખુબ જીદ કરી હતી, પણ તે નિષ્ફળ નિવડી હતી. એટલે તેણે છેલ્લે કંટાળીને પ્રયત્ન કરવાનું જ છોડી દીધું.
“ તને ખબર છે આપના ઘરે એક વખત બિલાડી આવી હતી તે કેટલી સારી હતી! રોજે સવારે પાંચ-છ વાગે આવીને આપના ઘરના
દરવાજાને ખખડાવે. ” શ્રધ્ધાએ કહ્યું.
“ હા, પણ પછી એ ક્યાં ગતી રહી એ ખબર જ ના પડી, નહિ! ”
“ હા, યાર. ”
“ મમ્મી કહેતી હતી કે પપ્પાને બિલાડીઓ નથી ગમતી. ”
“ અલ્યા મમ્મી ખોટું બોલે છે. મમ્મી તો એટલા માટે કહે છે કે બિલાડી ઘરમાં આવવાથી એનું કામ વધી જશે. ”
“ હા એ ભી છે. ”
***
સાંજે બોબી જમીને પપ્પાની બાજુમાં બેસીને ટીવી જોતો હતો અને શ્રધ્ધા રૂમમાં બેસીને વાંચતી હતી. અચાનક બોબીને ટીવીના અવાજ કરતા અલગ કંઈક અવાજ સંભળાયો.
“ પપ્પા, એક મિનીટ માટે અવાજ બંધ કરજો ને. ” બોબીએ અચાનક ઝડપથી કહ્યું.
પપ્પાએ ટીવીનો અવાજ બંધ કર્યો.
“ શું થયું, બેટા? ”
“ પપ્પા, મને બિલાડીનો ‘ મ્યાઉં..... મ્યાઉં ‘ નો અવાજ સંભળાયો. ”
પપ્પા અને બોબી શાંતિથી અવાજ સાંભળવાનો પ્રયત્ન કરતા હતા. ઘરમાં એકદમ શાંતિ થઇ ગઈ. પછી ધીમેથી, એકદમ ધીમેથી અવાજ સંભળાયો: “ મ્યાઉં....... મ્યાઉં ”
“તમે અવાજ સાંભળ્યો? ” બોબીએ કહ્યું.
“ ના બેટા તારા કાન વાગતા હશે. ” પપ્પા ખોટું બોલ્યા.
ત્યાં રસોડામાંથી મમ્મી પણ આવી ગઈ અને શ્રધ્ધા પણ રૂમમાંથી દોડતી-દોડતી આવી.
“ શું થયું, બોબી? ” શ્રધ્ધાએ પૂછ્યું.
“ મને બિલાડીનો અવાજ સંભળાયો. ”
“ સાચે તને બિલાડીનો અવાજ સંભળાયો? ” શ્રધ્ધાએ ખુશ થઈને પૂછ્યું.
“ હા સાચે જ. ” બોબીએ કહ્યું.
“ ના બેટા, તું સવારનો બિલાડી-બિલાડી કરતો હતો ને એટલે તને આવો ભાસ થયો હશે. ” મમ્મીએ કહ્યું.
“ આ સવારથી જ બિલાડી-બિલાડી કરે છે ને, એટલે જ તને આવો ભાસ થયો હશે. ” પપ્પાએ કહ્યું.
“ અરે મમ્મી-પપ્પા મેં સાચે જ બિલાડીનો અવાજ સાંભળ્યો . ” બોબીએ કહ્યું.
“ ચલ બેટા તું સૂઈ જા. એમે તારા સૂવાનો જ ટાઈમ થઇ ગયો છે. જા તો શ્રધ્ધા એને સૂવા માટે લઇ જા. ” મમ્મીએ કહ્યું.
બોબી સૂઈ ગયો. પછી રાત્રે ત્રણ વાગ્યે બોબી પાણી પીવા ઊઠયો. તે રસોડામાં ગયો અને ફ્રીજ ખોલીને પાણીની બોટલ લીધી ને પાણી પીધું. તે હોલમાં આવ્યો. તેને ફરીથી ‘ મ્યાઉં........ મ્યાઉં ’ નો અવાજ સંભળાયો.
તે તેના મમ્મી-પપ્પા અને શ્રધ્ધાને હોલમાં ખેચીને લઇ આવ્યો.
“ હવે અવાજ સંભળાય છે ને. ” બોબીએ કહ્યું.
આ વખતે ‘ મ્યાઉં...... મ્યાઉં ’ નો અવાજ જોરજોરથી આવતો હતો એટલે તેના મમ્મી-પપ્પા પણ ખોટું બોલી શક્યા નહિ.
“ પપ્પા, દરવાજુ ખોલો ને. ” બોબી અને શ્રધ્ધાએ કહ્યું.
દરવાજુ ખોલતા જ એક થોડી નાની અને સફેદ રંગની અને તેમાં થોડા કાળા રંગના ટપકાવાલી બિલાડી દોડીને અંદર આવી. તેના ‘ મ્યાઉં...... મ્યાઉં ’ નો અવાજ આખા ઘરમાં ગુંજવા લાગ્યો. તે પહેલા તો મમ્મી જોડે ગઈ અને તેના શરીરને મમ્મીની સાડી સાથે ઘસવા લાગી.
“ હટ....... હટ ” મમ્મીએ તેને દૂર ખસેડી.
પછી તે શ્રધ્ધા પાસે આવીને ‘ મ્યાઉં........ મ્યાઉં ‘ કરવા લાગી. શ્રધ્ધાએ તરત જ તેને ઉપાડી લીધી અને તેને ભેટી પડી. બોબી પણ તે બિલાડીને વ્હાલ કરવા લાગ્યો.
“ મમ્મી, મિનીને દૂધ આપને પ્લીઝ! ” શ્રધ્ધાએ કહ્યું.
“ કોણ મિની? “ મમ્મીએ પૂછ્યું.
“ આ બિલાડીનું કંઈક નામ તો હોવું જોઈએ ને એટલે મિની. તું મિનીને દૂધ આપને. ” શ્રધ્ધાએ કહ્યું.
“ હા મમ્મી આજે સાંજે તું મને દૂધ આપવાનું ભૂલી ગઈ હતી. મારા બદલાનું દૂધ તું મિનીને આપી દે ને. ”
મમ્મી રસોડામાં જઈને એક ડીશમાં દૂધ લઈને આવે છે. તે મિનીને દૂધ આપે છે. મિની દૂધ પીતી હોય છે, ત્યારે બોબી તેના માથા પર હાથ ફેરવે છે.
“ ચાલો બસ, દૂધ આપી દીધું ને હવે મિનીને જવા દો. “ પપ્પાએ કહ્યું.
પપ્પા મિનીને ઘરની બહાર છોડી દે છે અને દરવાજુ બંધ કરી દે છે.
બીજા દિવસે સવારે બોબી શાળાએ જાય છે અને જલદી જલદી ઘરે આવી જાય છે. તે જમીને ફ્લેટમાં મિનીને શોધવા જાય છે. તેને ફ્લેટની પાછળના ગાર્ડનમાં મિની મળે છે. તે તેને લઈને ઘરે આવે છે. બોબી અને શ્રધ્ધા બંને તેની સાથે રમે છે. આવું ઘણા દિવસ સુધી ચાલ્યું. હવે મિની વધારે કરીને બોબીના ઘરમાં જ રહેતી. શ્રધ્ધા પણ એનું ભણવાનું છોડીને મિની સાથે રમતી. શ્રધ્ધાને મમ્મી વઢતી, પણ પછી ફરીથી એમનું એમ જ ચાલતું.
***
એક દિવસ પપ્પા અને બોબી જમીને સોફા પર બેસીને ટીવી જોતા હતા. બોબીના ખોળામાં મિની બેઠી હતી. પપ્પાને શ્રધ્ધાના ટ્યુશનના સરનો ફોન આયો. પપ્પા તેમની સાથે વાત કરવા ઘરની બાલ્કનીમાં ગયા. થોડીવાર પછી પપ્પા ગુસ્સામાં આવીને સોફા પર બેઠા અને મમ્મી અને શ્રધ્ધાને બોલાવી.
“ શું થયું? “ મમ્મી અને શ્રધ્ધાએ આશ્ચર્યથી પૂછ્યું.
“ શ્રધ્ધા, તારા ટ્યુશનના સરનો ફોન હતો. તેમણે કહ્યું કે ટ્યુશનમાં લેવાયેલી પરીક્ષાઓમાં તને ખૂબ જ ઓછા માર્ક આવ્યા છે અને તેઓ તો કહેતા હતા કે જલ્દીથી કશું નહિ કર્યું ને તો શ્રધ્ધા પ્રથમ પરીક્ષામાં ફેલ જ થશે. મેં એમને કહીને તારા માટે એક્સ્ટ્રા ક્લાસ મુકાવ્યા છે, તેમાં તું જજે. ” પપ્પાએ ગુસ્સામાં કહ્યું.
“ ઘરે તો શ્રધ્ધા બિલકુલ ભણતી જ નથી બસ આખો દિવસ મિની સાથે જ રમતી હોય છે. ” મમ્મીએ પપ્પાને કહ્યું.
શ્રધ્ધા મોં નીચું કરીને ઊભી હતી. બોબી પણ મોં નીચું કરીને ઊભો હતો, તેના હાથમાં મિની હતી. મિની મમ્મી-પપ્પાને ઝઘડતા જોઇને ‘ મ્યાઉં........ મ્યાઉં ‘ કરવા લાગી. બોબીએ તેને ચૂપ કરી.
“ હું શું કહ્યું છું કે આ મિનીને તમે દૂર ક્યાંક છોડી આવો ને એટલે બલા ટળે. ” મમ્મીએ પપ્પાને રસ્તો બતાવતા કહ્યું.
“ હા, હું એને હમણાં જ છોડીને આવું છું. ચલ, બોબી પેલી મિનીને લઇ લે. ”
“ ના પપ્પા. મિનીને ના લઇ જાવને, પ્લીઝ ! ” શ્રધ્ધા અને બોબીએ કહ્યું.
શ્રધ્ધાને મમ્મી ખેચીને અંદર રૂમમાં લઇ ગઈ અને બોબીને પપ્પા એમની જોડે લઇ ગયા.
પપ્પા બોબીને બાઈકની પાછળ બેસાડીને ક્યાંક લઇ જાય છે. મિનીને બોબીએ પકડી છે. મિની બોબીની સામે જોવે છે. બોબી મિની સામે જોવે છે ત્યારે તેને મિનીની પ્રેમાળ મોટી આંખો દેખાય છે. બોબી પોતાની આંખો બંધ કરે છે. પછી થોડી હિંમત ભેગી કરીને બોલે છે: “ પપ્પા, પ્લીઝ ! મિનીને આપણી પાસે જ રહેવા દોને! તેની મોતી જેવી આંખો તો જુઓ ! પપ્પા પ્લીઝ! બાઈક પાછી વાળી દો ને. ”
“ જો બોબી ખોટી વાત ના કર. મિનીને લીધે શ્રધ્ધાનું ભણવાનું બગડે છે. તને મિની વ્હાલી છે કે શ્રધ્ધા? જો શ્રધ્ધા સારા માર્કસથી આ વર્ષે પાસ થઇ જશે ને, તો હું તને આના કરતા પણ સારી બિલાડી ખરીદી આપીશ, બસ! હવે, તું પ્લીઝ ખોટી જીદ ના કરીશ ! ” પપ્પાએ બોબીને પ્રેમથી સમજાવતા કહ્યું.
થોડીવાર પછી પપ્પાએ કોઈ એક જગ્યાએ બાઈક રોકી. એકદમ સૂમસામ રસ્તો હતો, ઠંડો પવન વાતો હતો. ત્યાં એક ભોજનાલય હતું તેનું નામ હતું. “ શ્રીનાથ ભોજનાલય ”. તેની બાજુમાં એક વડનું ઝાડ હતું તેની નીચે એક ખાટલો હતો. તેની ઉપર બોબીએ મિની મૂકી. મિનીની પીઠ પર અને માથા પર હાથ ફેરવીને બોબી મિનીને સુવડાવવાનો પ્રયત્ન કરતો હતો. પછી પપ્પાએ બોબીને પાછળ બેસાડીને બાઈક ચાલુ કરી, મિની તરત દોડતી આવી. પપ્પાએ બાઈક ભગાવી મિની તેમની પાછળ દોડતી-દોડતી આવી પણ તે તેમના સુધી ના પહોચી શકી.
બોબી આ બધું જોતો હતો તેના મગજમાં એક જ નામ ફીટ થઇ ગયું હતું “ શ્રીનાથ ભોજનાલય “. તેના મનની આંખોમાં મિનીની પ્રેમાળ આંખોનું ચિત્ર જ ફરતું હતું.
થોડા દિવસ સુધી શ્રધ્ધાનું ભણવામાં મન લાગ્યું નહિ અને તે દુઃખી રહેવા લાગી. પછી તેને તાવ આવ્યો. ઘણી દવા કરી પણ તેનો તાવ ઠીક જ નહોતો થતો. મમ્મી અને પપ્પા બહુ ચિંતામાં આવી ગયા.
એક દિવસ ડોક્ટર પાસે મમ્મી-પપ્પા ગયા.
“ મેં ઘણા બધા રીપોર્ટ કઢાવ્યા અને દવાઓ આપી પણ આની બીમારી મટતી જ નથી. ” ડોકટરે કહ્યું.
“ સર પ્લીઝ! કંઈક કરો. ત્રણ અઠવાડિયા પછી શ્રધ્ધાની પ્રથમ પરીક્ષા છે. ” પપ્પાએ કહ્યું.
“ મને લાગે છે કે એના મગજમાં કઈક ટેન્શન છે. આ ટેન્શનને લીધે જ એ બીમાર રહે છે. આ ટેન્શન કદાચ ભણવાનું કે કોઈ બીજી વસ્તુનું હોઈ શકે. શ્રધ્ધા માનસિક રીતે બીમાર છે. ” ડોકટરે કહ્યું.
મમ્મી-પપ્પા એકબીજાની સામે જોવા લાગ્યા. મમ્મી-પપ્પાને શ્રધ્ધાની બીમારીનું કારણ ખબર પડી ગઈ હોય એવું લાગ્યું. તેમને ડોક્ટરને બધી વાત કરી.
“ બાળકોની આ ઉંમર બહુ નાજુક હોય છે. તેમને ખરાં-ખોટાની ખબર હોતી નથી. તેમને આ ઉંમરમાં તેમની દુનિયામાં જ જીવવા દેવા જોઈએ. તેમને ઝરણાંની જેમ ઊંચાઈઓથી કૂદવા દો, નદીની જેમ વહેવા જ દો, પહાડોની જેમ આકાશ તરફ જવા દો, તેમને સરોવરની જેમ મધુરતામાં ખોવા દો, તેમને પવનની જેમ મસ્તી કરવા દો, પંખીઓની જેમ ખુલ્લા આકાશમાં ઉડવા દો, તેમને જીવનના દરેક રંગનો અનુભવ કરવા દો. તેમની ઉપર કોઈ બોજ ના મૂકો. તેઓ જેટલા મનથી પ્રફૂલ્લીત અને મુક્ત રહેશે તેટલી જ સારી રીતે ભણી શકશે. મારી તો સલાહ છે કે તમે મિનીને તમારા ઘરમાં પાછી લાવી દો. ” ડોકટરે કહ્યું.
એ જ દિવસે પપ્પા અને બોબી ‘ શ્રીનાથ ભોજનાલય ’ ના ત્યાં મિનીને લેવા ગયા. મિની પેલા બાકડા ઉપર જ રાહ જોતી બેઠી હતી. બોબી અને પપ્પાને આવતા જોઈ મિની દોડતી દોડતી બોબી જોડે આવી અને તેની પેન્ટ પર નખ મારીને તેના પગ સાથે પોતાને ઘસવા લાગી. બોબી તેને ઉપાડીને ભેટી પડ્યો.
ત્યાં ‘ શ્રીનાથ ભોજનાલય’ નો માલિક આવ્યો.
“ આ બિલાડી તમારી જ છેને? ” માલિકે પૂછ્યું.
પપ્પાએ હકારમાં માથું હલાવ્યું.
“ આ બિલાડી ખૂબ પ્રેમાળ છે. તમે જે દિવસે એને અહીં છોડી ગયા હતા એ દિવસથી તે આ બાકડા પર જ તમારી રાહ જોતી હતી. મહેરબાની કરીને આને આવી રીતે કદી છોડીને ના જતા. આવા પ્રેમાળ પ્રાણીઓ બહુ ઓછા મળે છે. ” માલિકે કહ્યું.
પપ્પા કશું બોલી ના શક્યા. બસ હકારમાં માથું જ હલાવતા રહ્યા.
***
શ્રધ્ધા પ્રથમ પરીક્ષામાં સારા માર્કે પાસ થઇ ગઈ. હવે મિની ઘરમાં હોય તો મમ્મી અને પપ્પા પણ એની સાથે રમતા. મિની ઘરની સભ્ય બની ગઈ હતી.
જાન્યુઆરી મહિનો શરુ થઇ ગયો હતો. ઠેરઠેર પતંગો ચગવા લાગ્યા હતા. બોબીના ઘરમાં પણ ઉત્તરાયણની તૈયારીઓ થતી હતી. તેરમી જાન્યુઆરીએ એપાર્ટમેન્ટના સેક્રેટરી બોબીના ઘરે આવ્યા.
પપ્પાએ તેમને આવકારીને સોફા પર બેસાડ્યા.
“ આ લો ઈન્વિટેશન કાર્ડ. ” સેક્રેટરીએ કહ્યું.
“ શેનું ઇન્વિટેશન ? ”
“ આવતીકાલે રાત્રે આપણા એપાર્ટમેન્ટમાં અંતાક્ષરી સ્પર્ધા રાખવામાં આવી છેને એનું. ”
“ ઉત્તરાયણના દિવસે અંતાક્ષરી ? ” પપ્પાએ આશ્ચર્યથી પૂછ્યું.
“ ઉત્તરાયણના દિવસે નહિ, રાત્રે. આવજો હંને! અને હા- તમારી બાઈક બાજુના એપાર્ટમેન્ટમાં પાર્ક કરજો. ” સેક્રેટરીએ સોફા પરથી ઊભા થતા કહ્યું. સેક્રેટરીને ફોન આવ્યો.
“ હલ્લો! હા, આવતીકાલે બપોરે ગાદી-તકિયા મંથન એપાર્ટમેન્ટમાં લેતા આવજો. ” સેક્રેટરીએ ફોનમાં કહ્યું અને ફોન પર હાથ મૂકતા કહ્યું: “ ઠીક છે હું નીકળું. ”
આખી રાત મિની ઘરમાં હતી. બોબી અને પપ્પા મોડી રાત સુધી પતંગની કિન્ના બાંધતા હતા.
સવારે વહેલા ઊઠીને બોબી અને શ્રધ્ધા જલ્દીથી નાહીને એપાર્ટમેન્ટના ધાબે પતંગ ચગાવવા જતા રહ્યા. સવારે સરસ મજાનો ઠંડો પવન વાતો હતો. આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ ગયું હતું. ઠેરઠેરથી ‘લપેટ’ ‘કાઈપો છે’ ના નારા સંભળાતા હતા. બોબીએ થોડા પતંગ ચગાવ્યા અને પછી પતંગ ઝૂટવા માટે મંડી પડ્યો. બોબી હાથમાં લોખંડની પાઈપ લઈને એપાર્ટમેન્ટના ધાબેથી ચારેબાજુ જોતો હતો. બોબીને પતંગ ચગાવવા કરતા પતંગ લૂંટવાની વધારે મજા આવતી. તે કપાયેલ પતંગને જોઇને ગાંડો જ થઇ જતો અને તેની પાછળ દોડતો.
બપોરના બાર વાગ્યા હશે કે અચાનક પવન એકદમ બંધ થઇ ગયો. કોઈના પતંગ ચગતા નહોતા. બધાના હાથ દુઃખી ગયા હતા. બધા વ્યર્થ પ્રયત્નો કરવાનું છોડીને જમવા જતા રહ્યા. આકાશ એકદમ સાફ થઇ ગયું. બોબી પણ જલ્દીથી ‘ ઊંધિયું’ ખાવા ઘરે આવી ગયો. તે જલ્દીથી ઊંધિયું ખાઈને ધાબે જતો હતો ત્યાં મિની આવી. તેણે યાદ આવ્યું કે આજે તે મિનીને ધાબે લઇ નહોતો ગયો. તે મિનીને ધાબે લઇ ગયો. તે ધાબે એકલો જ હતો. તેને છાંયડાવાળી જગ્યામાં ચટાઈ નાખી અને મિનીને બાજુમાં રાખીને સૂઈ ગયો. મિની દોડીને પાછી નીચે જતી હતી. તેને પકડીને બોબી તેને પાછી પોતાની તરફ લાયો. બોબીએ તેને ધાબાની પાળી ઉપર મૂકી દીધી. અચાનક તેની પાછળ નજર પડી, એક કપાયેલો પતંગ આવતો હતો. તેની દોરી તેના માથાની ઉપરથી જતી હતી.
બોબી દોરી પકડવા કૂદયો પણ તેના હાથમાં દોરી ના આવી અને તેનો હાથ મિનીને વાગી ગયો. મિની નીચે પાડવા જઈ રહી હતી કે મિનીનો આગળનો એક પંજો બોબીના હાથમાં આવ્યો, પણ મિનીના નખ બોબીના હાથમાં વાગતાએ પણ છૂટી ગયો. મિની નીચે પડી ગઈ! બોબીને એક ઝાટકો લાગ્યો અને તે પાછળ ખસી ગયો. તેનામાં મિનીને નીચે પડતા જોવાની હિંમત નહોતી. આ બધું ખુબ જ ઝડપથી બની ગયું.
બોબીને મિની સાથેની સારી ક્ષણો યાદ આવવા લાગી, તેની પ્રેમાળ આંખો બોબીના મનમાં ફરવા લાગી. બોબીના આંખોમાંથી આંસુ આવવા લાગ્યા. તેને યાદ આવ્યું કે મિની નીચે જવા માંગતી હતી, ત્યારે તેણે તેને રોકી ના હોત તો! તેણે તેને જવા દીધી હોત તો! તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તે તેના હાથમાં વાગેલા મિનીના નખના નિશાનને જોવા લાગ્યો. બોબી પોતાના આંસુ લૂછીને ત્યાંથી નીચે દોડ્યો.
બોબીએ એક પતંગની લાલચમાં પોતાની વહાલી પ્રેમાળ બિલાડીને ધક્કો મારી દીધો! ખરેખર માનવી પોતાના સ્વાર્થ માટે પોતાની આસપાસ વસતાં નિર્દોષ જીવોની હત્યા કરતા પણ અચકાતો નથી. બિચારા મૂંગા પશુઓ માનવીથી આજ કારણથી ડરતા હશે. માનવી વિવિધ તહેવારો તો ઊજવે છે પણ તેમાં બિચારા નિર્દોષ પશુ-પંખીઓને ઈજા થાય છે. માનવીને ઈશ્વરે અદ્વિતીય શક્તિઓ આપી છે. આ શક્તિઓથી તેણે પશુ-પંખીઓની રક્ષા કરવી જોઈએ. પશુ-પંખીઓને લીધે જ પર્યાવરણની સમતુલા જળવાય છે. માનવીએ દરેક પશુ-પંખીઓનું મહત્વ સમજવું જોઈએ.
બોબી દોડતો-દોડતો તેના ઘર પાસે આવ્યો. તેના હૃદય પર મોટો બોજો હતો. તે મિનીને યાદ કરતો હતો. અચાનક તેને સામે મિની દેખાઈ. તેની આંખો આંસુથી ભરેલી હતી. તેને લાગ્યું કે આ કદાચ તેની આંખોનો ભાસ હશે, તેથી તેને આંસુ સાફ કર્યા અને સામે જોયું તો સાચે જ મિની ઊભી હતી!
મિની બોબીની નજીક આવી અને તેના પેન્ટ પર નખ માર્યા અને તેના પગ પર મિની પોતાના શરીરને ઘસવા લાગી. બોબીના હૃદયમાં અલગ જ પ્રકારનો ઝટકો લાગ્યો. બોબીએ આવો અનુભવ હજી સુધી કદી કર્યો નહોતો. તેના આખા શરીરમાં એક કરંટ પસાર થયો. તેને મિનીને ઉપાડી લીધી અને તેણે ભેટીને રડવા લાગ્યો. તેને કશી જ ખબર પડતી નહોતી કે મિની આટલા ઉપરથી પડી પણ કેવી રીતે બચી ગઈ.
ત્યાં તેના પપ્પા નીચેથી આવ્યા.
“ બોબી, મિની ઉપરથી નીચે કેવી રીતે પડી? ” પપ્પાએ પૂછયું.
બોબીએ બધી વાત પપ્પાને કરી.
“ પણ પપ્પા મને એક વાત ના સમજાઈ આ મિની આટલા ઉપરથી પાડવા છતાં બચી કેમની ગઈ? ” બોબીએ આશ્ચર્યથી પૂછયું.
“ બેટા હમણાં હું રાતની સ્પર્ધાની તૈયારી કરવા સેક્રેટરી સાથે નીચે હતો. ત્યાં ગાદી અને તકિયાનો ટેમ્પો આવ્યો અને બરાબર ત્યારે જ મિની તેની ઉપરથી પડી એટલે મિની બચી ગઈ. મિની ખરેખર ઈશ્વરનો ચમત્કાર છે! ” પપ્પાએ કહ્યું.
ત્યારપછી કદી પણ બોબી પતંગ લૂંટવા ગયો જ નથી. સાચે જ મિની એક ચમત્કાર છે !
***